Friday, November 25, 2011

રમેશ પારેખની સૌથી લાંબી મુલાકાત!:

કહેવાય છે કે કવિ પરકાયા 
પ્રવેશ કરતો હોય છે....



તું ઇટ્ટાકિટ્ટા છોડ 

 અરે,આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયું બનાવી શકાય છે ?
એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક ન યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં
હું કોઇ નક્કી નહીં હોઉં.
તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ
ક્યારેક રીસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી ય દઉંહાં
પણ અંતે તો સોનલ,તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.
નિકટતાનો કોઇ સવાલ જ ક્યાં રહે છે ?
બસ આપણે તો અરસપરસ છીએ
તારા સ્તનનો ગૌર વળાંક હું છું,તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.
તારી સકળ સુંદરતા બની તને ભેટી જ પડ્યો છું -
તારું સકળ સોનલપણું જ હું છુંલેઅને તારે મારો ઇનકાર કરવો છે ?એ પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?
તને હું બહું કનડું છુંકેમ ?શું કરું ?પ્રેમ સિવાય મારા માટે બધ્ધું જ દુષ્કર છે -
તું જ કહે,તને ન ચાહું તો હું શું કરું ?
આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?એક શરીરની બે આંખ છીએ ?મને તો ખબર જ પડતી નથી.
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.
આ તું અને હું ના ટંટા પણ શા માટે ?અરે… રે
તું સાવ બુદ્ધુ જ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ જુદાઇ’ ન કહેવાય.
ચાલઇટ્ટાકિટ્ટા છોડ,અને કહી દે કેહું હારી
=========================

તમે મારામાં આરપાર રહેતાં 

કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
ફૂટી ગયેલી આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ
ડાળમાંથી પાન જેમ ઊગી નીકળે છે
એમ આપણને ઊગ્યો સંબંધ
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
આખ્ખા યે પૂરને હું બે કાંઠે ઘૂઘવતી
ઘુમ્મરીની જેમ રે વલોવું
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંય મારું હોવું
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
========================


 રોજ એવું થાએવું થાય કે- 
રોજ એવું થાયએવું થાય કે
આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું
પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી
કોઇક કંપિતા તણા
લજજાળુ ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્રંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું
કેડી થઇ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉ
રોમેરોમથી આતુર આળોટી પડું
આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઇ ઓચિંતી ઊડેલી દેવચકલી-શો હવામાં ફરફરું...
ફરફરું... બસ ફરફરું
ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઊગે તો ય
માર નીડમાં
ક્યારે ય ના પાછો ફરું
=======================

મનજી ઓઘડદાસ 
મનજી ઓઘડદાસ રહેવાસી ગોધરા ઉંમર સાઠ (કે ઓગણસાઠ) ને ઘંધો તરગાળાનો,
ત્યાં ઠોકેલી રાવટી આજે અહીં તો કાલે ક્યાંક ને મારગ તડકેછાંયે પગપાળાનો.
મનજીને (માદેવની) અફર માનતા છે કે ઘરવાળાંની કૂખમાં દીવો થાશે,
એટલે એણે ટેક લીધી કે અડવાણા ને અવળા પગે હાલતો કાશી જાશે.
ઘરવાળાંની કૂખને ઘણી ખમ્મા કહેવા ઉપડે અને લબડી પડે હોઠ,
કૂખદીવાને થાપવા કાજે પાથરેલા ને પાથરેલા રહી જાય ખાલી બાજોઠ.
લીલબાઝેલી આંખમાં હવડ જળ ને એમાં એક હજી ગંધાય છે ટાપુ પરવાળાનો.
કોઇ વેળા સગાળશા જેવા વેશમાં સગા દીકરાને પણ ખાંડતો સગા હાથે,
મનજી પોતે પણ ખંડાતો હોય ખંડાતો હોય ખંડાતો હોય છે સાથે સાથે.
ખેલમાં ઝાંખી પડતી કિસનલાઇટની સામે કોઇ રાતે તરવાર ખેંચેલો રાજા,
દિવસે જ્યારે મનજી વેશે હોય છે ત્યારે ગામનું નામ જ-કોઇ નથી દરવાજા.
 આમ તો પોતે સાવ ખુલ્લોફટ્ટાસ ને ગામેગામ ઉઘાડેછોગે થતો વહેવાર તાળાનો.
====================



 તારા સોરઠ દેશે કંઈ દંતકથા-શો ફરું
યાદ નથી
હું પવનપાવડી પહેરી
કોઇ ઝરૂખડે મીનલોચન ઝરતી
પ્રવાલદ્વીપની કન્યાનું મન હરવા
ભમ્મર પાંચસાત દરિયાઓ
ભમ્મર પાંચસાત પાતાળો
ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં
યાદ નથી
હું ગામધિંગાણે ખપી ગયેલા
સૂર્યવંશી કોઇ પાળિયે
સુંદરીઓની સિંદૂરભીની આંગળીઓના
કંકણવતા સ્પર્શ સોંસરી
કંકણવતા હાથ સોંસરી
લોહી સોંસરી
લોહી સોંસરી
જીવ સોંસરી
હરતીફરતી વીરગતિમાં હોઉં
છતાં
હું તારા સોરઠ દેશે કોઇ દંતકથા-શો ફરું.
મારે મારા રાજપાટમાં
પૂરપાટ એક મીરાં નામે નદી વહે છે
નદી નામના ફાટફાટ આભાસી જળને કાંઠેકાંઠે
હું જ એકલો
કાળી પોલી જરઠ સાંકડી સુક્કી હિંસક રૈયત થઇને વસે
શ્વસે આભાસી જળને
શ્વસીને શ્વસીને રૈયત રાતીમાતી
મારી ગજગજ ખાલી છાતી
રૈયત ચોરેચૌટે ભરે ડાયરા
દરદ નીતરતા દૂહા ગાય
કે વહીવંચાની વાત સાંભળે
ઘૂંટે કસુંબા
હલ્લો કરતા
બખ્તર ભાલાં તેગ કટારી હાથ પડ્યું હથિયાર લઇને
હાંકો કરતા
હયદળ પયદળ
મને ગામથી બહાર
ગામથી ગામ
દેશથી દેશવટો આપે
સદીઓની સદીઓથી આવું કોણ મને સંતાપે ?
પગલે પગલે પારિજાતની ડાળ
ડાળ પર બાવળ જેવી શૂળ ઉગે છે
અને શૂળને છેડે મારાં સૂરજવંશી કૂળ ઉગે છે
દટ્ટણપટ્ટણ ગઢની માથે ફરી વળેલી ધૂળ ઉગે છે
હથેળીઓમાં રેખા થઇને કણસ્યા કરતું
ક્યા વૃક્ષનું મૂળ ઉગે છે ?
જંગલ મારી વાત છુપાવી ચુપચાપ છે
ચુપચાપ છે જંગલ મારી વાત છુપાવી
મને અવતર્યા કરતી મારી કુંવરીઓને
દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં
મને સાંભરે દાદાજીની વાત...
દાદાજી કહેતા કે
મારા પરાક્રમી વડદાદાઓની
પવન ચાકરી કરતા
સૂરજ રજા લઇને આથમતા
એવા મારા દુર્દમ દાદાજીએ
ત્રેતાયુગની છાતીમાં
ધરબ્યાંતા સોંપટ ખીલા
એવા કોઇ ખીલાની કરચ શોધતો ટીંબેટીંબે ફરું
મનેય મારા દાદા જેવો થઇ જવાની હોંશ હતી ગઇ કાલે
મનેય મારા દાદા જેવો થઇ જવાની હોંશ હતી ગઇ કાલે

આજે સતત અવતર્યા કરતી મારી કુંવરીઓને
દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં રહ્યું
પછીં હું ગામધિંગાણે
ખપી ગયેલા સૂર્યવંશીનો હોઉં પાળિયો ક્યાંથી ?
ક્યાંથી પવનપાવડી પહેરી
કોઇ ઝરૂખડે મીનલોચન ઝરતી
પ્રવાલદ્વીપની કન્યાનું મન હરવા
ભમ્મર પાંચસાત દરિયાઓ
ભમ્મર પાંચસાત પાતાળો
ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં
પછી
આ ક્યા જનમમાં પિવાયેલા હુક્કાઓના ધુમ્રગોટ
આંખોમાં આજે ફરી વળ્યા છે ?
લૂંબઝૂંબ આ ઝળુંબતા ગુલમ્હોર જોઇને
ક્યાં જનમમાં પિવાયેલા કેફ-કસુંબા
આવે છે ઓસાણે ?
નદી નામના ફાટફાટ આભાસી જળને જોઇ જોઇ
આ ક્યા જનમના ખોબેખોબે રડી પડયાના વહાલા દિવસો
લુખ્ખીસુક્કી આંખ વિષે અફળાય ?
સોનલ...       સોનલ...
એવું તે હું શું ય હતો કે
તારા સોરઠ દેશે કોઇ દંતકથા-શો ટીંબે ટીંબે ફરું ?
======================

ભાષાની ઘા 
મારા ભોળા શબ્દોને મેં કર્યું મેશનું ટીલું રે
છતા ય એ નજરાઇ ગયા કૈ એવું સૂકૂંલીલું રે

દાદા ઉમાશંકર દોડોહણહણતા જળ લાવો રે
શબ્દોનાં ફાટેલાં સૂકાં સૂકાં મ્હોં ભિંજવો રે

કહોનિરંજનકાકાઆ તે કપટ થયા છે કેવાં રે
તરફડતા શબ્દોને વળતા અરથોના પરસેવા રે

રઘુવીરતમ જેવા મૂછડ ભાઇ છતાં આ થાતું રે
શબ્દો સાથે છનકછિનાળાં કરે સકળ ભાયાતું રે

સુરેશ નામે જોષીજુઓ જોષ કુંડલી દોરી રે
શા માટે આ શબ્દોમાંથી વાસ આવતી ખોરી રે

કરો વૈદ્યશ્રી ઉર્ફ લાભશંકર ઠાકર ચિકિત્સા રે
શબ્દોને શા વ્યાધિ છે કે થાતા ચપટાલિસ્સા રે

મણિલાલપ્રિયકાંતરાવજીજગદીશે જે માંજ્યા રે
છતાં શબ્દનાં કાળાભઠ્ઠ પોલાણ હજી ના ભાંજ્યા રે

રસ્તો ક્યાં હે મનહરચીનુસરુપકિસન સોસા રે
શબ્દો મારા ટ્રાફિકમાં અટવાઇ ગયેલા ડોસા રે

રમેશ જેવો રાબડબૂસો કરતો કૈં કૈં ખેલો રે
અને/એટલે/અથવા મારો પાલવ થાતો મેલો રે

નયન, નિરંકુશ, પ્રફુલ્લ, પન્ના, વિપિન શેખડીવાળા રે
શબ્દોના અંધારગર્ભમાં કરશોને અજવાળા રે ?

           

વર્ષો પહેલા રિડિફ ડોટ કોમ માટે મેં લીધેલો આ ઇન્ટરવ્યુ કદાચ એમના જીવનનો સૌથી લાંબો ઇન્ટરવ્યુ હશે. 
૨૭ નવેમ્બરના દિવસે એમની જન્મ જયંતી છે ત્યારે એમને અંજલી રૂપે આ ખાસ મુલાકાત...



૬૦ વર્ષના રમેશભાઈને ૬૦ સવાલ અને ૬૦ જવાબો !





સવાલ: પ્રથમ કૃતિ હજી યાદ છે? કઈ?
રમેશ પારેખ:  ગઝલ હતી. ‘આંખો મીંચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે.’ ‘કુમારમાં છપાઈ હતી. ૧૯૬૭-૧૯૬૮ની સાલમાં.

પ્રથમ કૃતિનો પુરસ્કાર કેટલો મળ્યો હતો?
પાંચ રૂપિયા. બહુ વહાલા લાગ્યા હતા.

પ્રથમ સંગ્રહ  પ્રકાશિત થયો ત્યારે કેવી લાગણી થઈ?
અત્યંત આનંદ. બસ, ખૂબ ખુશી.


ઉજવણીમાં કોની ખોટ સૌથી વધુ સાલે છે?
એવા મિત્રો જે હયાત નથી.


રમેશ પારેખનેરમેશ પારેખબનાવવા પાછળ રમેશ પારેખ ઉપરાંત કોનો હાથ? કોનો સાથ?
મારા સાહિત્યના પૂર્વસૂરીઓનો અને પરિસ્થિતિનો.


પ્રેરણાસ્ત્રોત અને આદર્શ કોણ? ‘ માણસ જેવું હું લખી શકું તો...’ એવો ભાવ કોના માટે થાય?
એવી લાગણી કોઈના માટે થતી નથી. હું મારી મસ્તીથી લખું છું.

તમારાં કાવ્યોમાં વારંવાર દેખાતી સોનલકોણ છે?
માત્ર એક કાલ્પનિક પાત્ર છે. કોઈ સ્ત્રી નથી. ‘સોનલએટલે મારા મનને ગમતી પરિસ્થિતિ. એનાથી વિશેષ કશું નહીં.

કવિઓને મળતાં માનસન્માનપુરસ્કારોથી સંતોષ છે?
જુદા જુદા કવિઓ માટે જે તે  પ્રકાશકો, આયોજકોનાં ધોરણ અલગ હોય છે. સાહિત્યપ્રેમીઓનો  પ્રે બહુ મોટી વાત છે. સમાજ જ્યારે શબ્દનું સન્માન કરે ત્યારે સૌથી વધુ આનંદ થાય છે.

તમારાં કાવ્યોમાં વૈવિધ્ય ઊડીને આંખે વળગે છેપ્રેમની ઋજુતા, માનવીય સંવેદનાઓ, વરસાદની છાલકો, બળબળતી બપોર, ચોટદાર કટાક્ષ, વાસ્તવિકતા, આટલાં બધાં પાસાંઓને કાવ્યમાં કેવી રીતે ઢાળી શકો છો?
એવું કહેવાય છે કે કવિ પરકાયા  પ્રવેશ કરતો હોય છે. પરકાયા પ્રવેશ કરે છે. જુદા જુદા ખોળિયામાં પ્રવેશીને લોકોની લાગણી, સુખદુઃખ આત્મસાત્ કરે છે. સર્જનયાત્રા દરમ્યાન જાણતાં-અજાણતાં મારાથી પણ પરકાયા પ્રવેશ થતો રહ્યો, ત્યાં મેં જે અનુભવ કર્યો એને મારાં કાવ્યોમાં ઢાળ્યો.

કઈ એવી મહેચ્છા છે જે પૂર્ણ થઈ હોય?
ભૌતિક રીતે હવે કોઈ ઇચ્છા બાકી નથી. મારી એવી કોઈ બહુ મોટી તમન્નાઓ નહોતી. જે કંઈ જરૂરી હોય યોગ્ય સમયે મળતું રહ્યું છે, મળતું રહે છે.

અચ્છા...જે નથી પૂર્ણ થઈ એવી મહેચ્છા?
એવી કોઈ અંગત મહેચ્છા નથી. હું બહુ સંવેદનશીલ છું. લોકો સુખીસંપ્ન્ન હોય, યુદ્ધો થાય, માણસ બે ટંક પેટ ભરીને જમી શકે એવું હું ઇચ્છું છું. મારી મહેચ્છા.

કાવ્ય લખ્યા વગર વધુમાં વધુ કેટલા દિવસ રહી શકો?
કવિતા કોઈ નિશ્ચિત સમયગાળે નથી લખાતી. મનમાં સંવેદન જાગે ત્યારે લખાઈ જાય.

જીવનને કોઈ એક અવસ્થાએ STILL કરી શકાતું હોય...નહીં આગળ વધવાનું, નહીં પાછળ જવાનું. તો તમે જીવનના કયા તબક્કામાં PAUSE થઈ જવાનું પસંદ કરો?
બાળપણમાં. હળવાફૂલ થઈને જીવવાનું. સાવ નિર્દોષ જીવન.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in








ગમતું પર્યટન સ્થળ?
મને પર્યટનનો બહુ શોખ નથી. મારી તબિયતને પણ પ્રવાસ માફક નથી આવતો.

પણ સૌથી વધુ શાંતિનો અનુભવ ક્યાં થાય તમને?
ઘરમાં. ઘરનું વાતાવરણ મને બહુ ગમે. ઉપરાંત મને બદ્રીનાથ અને સોમનાથમાં પણ બહુ શાંતિ મળે છે. સોમનાથના દરિયાકિનારે કલાકો સુધી હું બેસી રહું છું.

ગમતી જગ્યા?
એવું કોઈ સ્થળ નથી. હું મારા મન સાથે સતત સંવાદ કરતો હોઉં છું. એટલે કદાચ કોઈ જગ્યા બહુ સારી હોય તોપણ તેથી મને બહુ અસર નથી થતી.

કઈ ક્ષણો યાદ કરવી ગમે? બહુ દુઃખદ સમય?
માતાપિતા અને કેટલાક મિત્રોની ચિરવિદાય બહુ આકરી હતી, ક્ષણોને ભૂલવા મથું છું.

કોઈ એવો નાનકડો બનાવ, જે માનસપટ પર બહુ અસર કરી ગયો હોય?
મારી યાદશક્તિ બહુ નબળી છે. એવો કોઈ બનાવ મને યાદ નથી.

જેના જીવનમાંથી સતત કંઈક શીખવા મળ્યું હોય તેવી કોઈ સાવસામાન્ય વ્યક્તિ? મહાપુરુષ કે સંતોની વાત નથી થતી, સામાન્ય વ્યક્તિ.
એવી સામાન્ય વ્યક્તિ હું પોતે . મારામાંથી હું ઘણું શીખ્યો છું. કોઈ વાતનો તંત રાખવો. જક્કી વલણ રાખવું. કોઈને સુખ મળતું હોય તો આપણી વાત જતી કરવી. માનઅપમાનની ગાંઠો બાંધવી નહીં.

સવાલ: ઉર્દૂ, હિન્દી, ગુજરાતીના પ્રિય કવિઓ-લેખકો કોણ?
રમેશ પારેખઉર્દૂ તથા હિન્દી સાહિત્ય હું બહુ વાંચતો નથી. ગુજરાતી સાહિત્યનું મારું વાચન પણ બહુ વધારે નથી. છતાં ઉર્દૂમાં સઆદત હસન મન્ટો, હિન્દીમાં મોહન રાકેશ અને ગુજરાતીમાં ઉમાશંકર, સુંદરમ્, લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચંદ્ર ગમે.

નવી પેઢીના કયા કવિઓ પ્રતિભાશાળી લાગે છે?
કોઈ એક સર્જકનું નામ લેવાનું યોગ્ય નથી. પોતાની રીતે ઘણાબધા લોકો, પોતાની પ્રતિભાના ચમકારા દેખાડી રહ્યા છે. પણ હું માનું છું કે એમનો શબ્દ હજી સ્થિર નથી થયો. ઉદયન ઠક્કર, હેમેન શાહ, મુકુલ ચોકસી, હર્ષદ ચંદારાણા, અરુણ ભટ્ટ અને સંજુ વાળા જેવા કવિઓમાં ખૂબ પ્રતિભા છે. બધા લોકો જે પ્રયોગો કરે છે હું અત્યંત રસપૂર્વક નિહાળી રહ્યો છું. એમની કાવ્યપ્રક્રિયા મને બહુ આકર્ષે છે.

ગુજરાતી કવિતા "પ્રેમ"ના વિષયમાં કેદ થઈ ગઈ હોય એવું કેમ લાગે છે? અમુક અપવાદોને બાદ કરતાં તેમાં પ્રયોગો કેમ નથી થતા?
પ્રેમ તો સનાતન અને સૌથી સુંવાળી લાગણી છે. કાવ્યમાં એટલે પ્રેમની વાત વધુ હોય છે. પ્રેમ એટલે માણસજાતને ઈશ્વરે આપેલું વરદાન. કપરી પરિસ્થિતિ વચ્ચે પણ માનવી પ્રેમના સહારે જીવી જાય છે. પ્રયોગોની વાત છે ત્યાં સુધી આગળ જણાવ્યું તેમ કેટલાક કવિઓ પોતાની કવિતામાં જુદા જુદા  પ્રયોગો કરે છેપ્રયોગોનું  પ્રમાણ, શ્રેષ્ઠ અને વિશિષ્ટની માત્રા તો ઓછી હોય. જે ક્યારેક થાય તેને જ  પ્રયોગ કહેવાય, નહીંતર રૂટિન બની જાય.

તમારી દ્રષ્ટિએ ગુજરાતી કવિતામાં છેલ્લાં ૧૦-૨૦ વર્ષોમાં કયા ફેરફાર નોંધાયા છે?
સાહિત્ય અને કવિતાના ક્ષેત્રમાં એક પ્રક્રિયા નિરંતર ચાલુ હોય છે. વર્ષોના માધ્યમ દ્વારા તેને વિભાજિત કરી શકાય. એક સૂક્ષ્મ  પ્રક્રિયા છે. પણ નિખાલસતાથી કહું તો મને એવું લાગે છે કે ગુજરાતી કવિતા છેલ્લા ઘણા સમયથી ક્યાંક સ્થગિત થઈ ગઈ છે. કોઈનો શબ્દ કંઈક જબરદસ્ત ચમત્કાર સર્જે એવી ઘટનાની હું રાહ જોઈ રહ્યો છું.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in

હાસ્ય કવિઓનો, વ્યંગ કાવ્યોનો ગુજરાતીમાં દુષ્કાળ શા માટે છે ?
હું માનું છું કે ગુજરાતી પ્રજાને મન મૂકીને, ખડખડાટ હસતાં નથી આવડતું. આવી પરિસ્થિતિમાં હાસ્યકવિઓ ક્યાંથી જન્મે? કવિઓ પણ સમાજમાંથી આવતા હોય છે. જે તે સમાજનું  પ્રતિબિંબ તેના સર્જનમાં પડવાનું . ટૂંકમાં કહીએ તો કૂવામાં હોય તો હવાડામાં આવેને.

સર્જનપ્રક્રિયામાં સૌથી વધુ વિક્ષેપ ક્યારે પડે ?
સર્જનપ્રક્રિયા મનમાં ૨૪ કલાક ચાલતી હોય છે. નાના નાના વિક્ષેપથી કશો ફર્ક નથી પડતો. હા, મને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ છે. તબિયત બગડે ત્યારે બધું થંભી જાય છે.

તમારી ફેવરિટ ફિલ્મો કઈ?
ચાર્લી ચેપ્લિનનીસિટી લાઇટઅને રાજ કપૂરનીતીસરી કસમ’.

કયા પ્રકારની ફિલ્મો વધુ ગમે?
ક્લાસિક.

છેલ્લે થિયેટરમાં ક્યારે, કઈ ફિલ્મ જોઈ?
દોઢ-બે વર્ષ પહેલાંટાઇટેનિકજોવા ગયો હતો, પછી નથી ગયો.

ઘેર ટીવી પર જોઈ લેતા હશો...
હું ટીવી જોઉં છું, પણ ફિલ્મો માટે નહીં. સાવ ટાઇમપાસ માટે . યાદશક્તિ ઓછી હોવાથી સિરિયલ જોવાનો તો સવાલ નથી. મોટા ભાગે હું ટીવી જોતાં જોતાં ઊંઘી જાઉં છું.

ગમતા ફિલ્મકલાકારો?
દિલીપકુમાર, રાજ કપૂર અને મીનાકુમારી.

પ્રિય ગાયક-ગાયિકાઓ?
લતા, આશા અને મોહમ્મદ રફી.

પ્રિય પુસ્તકો?
ઘણાં બધાં પુસ્તકો ગમે છે. કોઈ બે-ત્રણનાં નામ લેવાનાં હોય તો મનુભાઈ પંચોળીદર્શકનુંસોક્રેટિસ’, ગાંધીજીનુંસત્યના  પ્રયોગોઅનેવિનોબા ભાવેનાં ગીતાપ્રવચનોનું નામ લઉં.

ઈશ્વરમાં માનો છો? પૂજા અને જાત્રા કરો છો?
બદ્રીકેદારની જાત્રા કરી છે. પૂજા નથી કરતો. રહી ઈશ્વરની વાત. તો હું કહીશ, હા. કોઈ પરમ શક્તિ જગતનું તંત્ર સંભાળી રહી છે એને આપણે ઈશ્વર કે એવા કોઈ નામે ઓળખીએ છીએ. મેં તો માની લીધું છે કે ઈશ્વર છે. એણે એનું અસ્તિત્વ સાબિત કરવાનું છે.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in


    
કયા વક્તાને સાંભળવા ગમે?
કોઈ પ્રકારના કાર્યક્રમોમાં હું ખાસ જતો નથી. પણ નિરંજન ભગત જ્યારે કાવ્યની વાત કરતા હોય ત્યારે એકાગ્રાતાથી સાંભળું. એમનું વક્તવ્ય મને ગમે છે.

અન્ય શોખ કયા?
ખાસ કોઈ નહીં. જીવવાનો શોખ છે. જીવું છું.

વરસાદ વિશે તમે ધૂમ કાવ્યો લખ્યાં છે, વરસાદની, ચોમાસાની ઉજવણી કેવી રીતે કરો છો?
બારીમાંથી વરસાદને વરસતો જોયા કરું છું. એવું લાગે છે જાણે કોઈની કૃપા કોઈના પર વરસી રહી હોય. એના સાક્ષી બનવાની ભારે મજા આવે છે.

સૌથી અણમાનીતી ઋતુ કઈ?
ઉનાળો મને બિલકુલ નથી ગમતો.

તમારી દ્રષ્ટિએ તમારો સ્વભાવ કેવો છે?
ટૂંકમાં કહું તો બહુ વખાણવાલાયક નથી.

તમારા જીવનનું વિહંગાવલોકન કરો, સાવ તટસ્થ થઈને, તો બર્ડ આઇ વ્યુકેવો હોય?
એક સામાન્ય માણસ છું. જીવનનાં સુખદુઃખથી પર નથી. નિયતિના ચક્રમાં ફસાયેલો છું. એક સામાન્ય માનવીની જેમ જીવ્યો છું. ‘એક્સ્ટ્રાઓર્ડિનરીકશું નહીં. માત્ર બે હાથ છે અને આખા વિશ્વને મારે પ્રેમથી બાથ ભરવી છે. શક્ય બનતું નથી એની પીડાપૂર્વક જીવી રહ્યો છું.

સવાલતમને અતિશય દુઃખ ક્યારે થાય?
રમેશ પારેખ: નિખાલસતાથી કહું તો મને કદી મારી બાબતોમાં દુઃખ નથી થતું. કોઈને બહુ દુઃખી ભાળીએ અને આપણે તેને સહાયરૂપ થઈ શકીએ એમ હોઈએ ત્યારે ભયંકર શૂળ ઊપડે છે.

તમારા લખાણની, સર્જનની આકરી ઝાટકણી કોઈએ કાઢી છે?
મારાં કાવ્યોની ટીકા કોઈએ કરી હોય એવું કદી બન્યું નથી. અને કોઈએ કદાચ કહી હોય તો મેં વાંચ્યું-સાંભળ્યું નથી. હા, મારા વાર્તાસંગ્રાહસ્તનપૂર્વકની આકરી ટીકા લાભશંકર ઠાકરે કરી હતી. મારા સંગ્રહની પ્રસ્તાવના એમણે લખી હતી અને પ્રસ્તાવનામાં એમણે મને ઝાટકી નાખ્યો હતો. જોકે ટીકાથી મને માઠું નહોતું લાગ્યું. ટીકાસભર પ્રસ્તાવના મેંસ્તનપૂર્વકમાં છાપી હતી. વાસ્તવમાં હું એક નિષ્ફળ વાર્તાકાર છું એનો મને આનંદ છે.

અમરેલી છોડીને રાજકોટ સ્થાયી થવાનું કારણ?
કેટલાંક અંગત કૌટુંબિક કારણોસર.

મનપસંદ વાનગી કઈ?
મને એકદમ સાદું ભોજન પસંદ છે.

રસોઈ બનાવવાનું ફાવે?
ભાખરી, શાક અને ચા બનાવતાં આવડે.

વ્યસન છે?
બીડી પીઉં છું.

સામાન્ય રીતે તમારું શિડ્યુલ કેવું હોય છે?
નિવૃત્ત માણસ છું. ઊંઘ ઊડે ત્યારે ઊઠું છું. પ્રેરણા થાય, સંવેદન થાય ત્યારે લખું છું. ઊંઘ આવે ત્યારે સૂઈ જાઉં છું.

તમારા માટે સૌથી કંટાળાજનક પ્રવૃત્તિ કઈ?
હિસાબકિતાબ કરવાનું આવે ત્યારે હું રીતસર ડરી જાઉં છું.

અને ગમતી  પ્રવૃત્તિ?
મિત્રો સાથે ગપસપ.

બીજો જન્મ મળે તો શું બનવાનું પસંદ કરો?
કવિ.

તમને વારંવાર દુઃખી થવાનો શોખ લાગે છે...
(હસતાં હસતાં) ચાલ્યા કરે બધું. હું તમને કહું, કાવ્યપ્રવૃત્તિમાં માનવીનો, માનવીય સંવેદનાઓને એકદમ નિકટથી પરિચય થાય છે. જીવનની કેટલીય બાબતોનું બહુ સૂક્ષ્મ અવલોકન થઈ શકે છે.

કેવા પ્રકારની વ્યક્તિઓથી સખત ચીડ છે?
માણસ તરીકે અન્ય માનવીને મદદ કરવાની પોતાની ફરજ જે સમજી નથી શકતી એવી વ્યક્તિ મને બિલકુલ નથી ગમતી.

તમને બહુ પ્રિય હોય એવો કોઈ એકશેરકહો.
ખલીલ ધનતેજવીનો શેર છે:
સદીયોં સે હમને આજ તક બદલા નહિ ખુદા
હમ લોગ ભી હૈં કિતને પુરાને ખયાલ કે

કઈ વાતનો બહુ અફસોસ રહી ગયો છે?
મિત્રો સાથે અણબનાવ થયો હોય અને તેઓ દુનિયાને અલવિદા કરી ચૂક્યા હોય એવા દાખલા છે. એમને છેલ્લે છેલ્લે મળી શકાયું નથી, એમની માફી પણ માગી નથી શક્યો. એનાથી મોટો અફસોસ બીજો કયો હોઈ શકે?

સમાજની કઈ રૂઢિ, રિવાજ ઊંત્યે સખત સૂગ છે?
મારા માટે જે વિષય અણગમાનો હોય ઊંવૃત્તિમાં અન્ય કોઈને આનંદ પણ મળતો હોય. એટલે કોઈ રૂઢિ-રિવાજ-ફોર્માલિટી માટે મને બહુ ચીડ કે સૂગ નથી.

વિદેશયાત્રા કરી છે?
૧૯૯૫માં અમેરિકા ગયો હતો, દોઢ મહિના માટે.

ત્યાંનો કોઈ યાદગાર અનુભવ?
અમેરિકામાં કેટલાક પરિચિતોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમેરિકામાં રહેતું એક યુગલ મારાં ગીતો ગાવાનું છે એવી મને કોઈએ વાત કરી. મને થયું કે અમેરિકામાં રહેતા કોઈ ગુજરાતી છે એટલે જેમતેમ કરીને, માંડ મારી રચનાઓ ગાઈ શકશે. પણ એમના પર્ફોર્મન્સને હું હજુ ભૂલ્યો નથી. ભાઈનું નામ યાદ નથી, બહેનનું નામ કદાચ સ્વાતિ હતું. અદ્ભુત ગાયું હતું. હું એકદમ સ્તબ્ધ બની ગયો હતો. ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયકોની હરોળમાં તેઓ ઊભા રહી શકે એવી એમની ગાયકી હતી.

મુશાયરાનો કોઈ યાદગાર અનુભવ?
એક પ્રસંગ મને બહુ યાદ આવ્યા કરે છે. મુંબઈમાં એક વખત આઇ.એન.ટી.નો મુશાયરો હતો. હું અને ઘાયલસાહેબ બેઉં એકદમ નજીક બેઠા હતા. કવિઓના અભિવાદન માટે અમને આપવામાં આવેલું ગુલાબ મારા હાથમાં હતું. મેં ટીખળ ખાતર હળવેકથી ગુલાબ ઘાયલસાહેબના કોટમાં સરકાવી દીધું. આદિલ (મનસૂરી) હરકત જોઈ ગયા. એમણે મને બીજાં બે-ત્રણ ગુલાબ આપ્યાં. મેં બધાં ઘાયલસાહેબના કોટના ગજવામાં સરકાવી દીધાં. સપ્લાય ચાલુ રહી. જોતજોતામાં ઘાયલસાહેબનું આખું ખિસ્સું ગુલાબથી છલોછલ થઈ ગયું. થોડી વાર પછી ઘાયલસાહેબનો રજૂઆત માટે વારો આવ્યો. એમની રજૂઆત એકદમ છટાદાર હોય છે. હાથનું, શરીરનું હલનચલન બહુ હોય. એકદમ જોશસભર. તેઓ ઊભા ઊભા રચનાઓનું પઠન કરી રહ્યા હતા અને ગજવામાંથી ગુલાબ પડતાં રહ્યાં. ત્યારે અમે ખૂબ હસ્યા.

તમને તમારી કઈ કવિતા સૌથી પ્રિય છે?
પ્રથમ રચના. ‘આંખો મીંચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે.’

તસવીર સૌજન્ય: www.rameshparekh.in




જ્યોતિષમાં માનો છો?
જ્યોતિષ એક વિજ્ઞાન છે એવું હું માનું છું. કોઈ ગૂઢ વિદ્યા તરીકે નહીં, વિજ્ઞાન તરીકે એને સ્વીકારું છું.

ગદ્ય અને પદ્ય બંને લખો છો, બંને વચ્ચે શો તફાવત લાગે?
બંને શબ્દોની માયા છે. કવિતા લાઘવમાં વાત અભિવ્યક્ત કરવાનો ઉદ્યમ છે. ગદ્યમાં વિશાળ સ્પંદ મળે છે. લય અને છંદ વગર વાતને અસરકારક કેવી રીતે બનાવવી ગદ્યમાંથી શીખવા મળે.