Showing posts with label Book. Show all posts
Showing posts with label Book. Show all posts

Friday, May 10, 2013

શ્રધ્ધાંજલિ નહિ, પુષ્પાંજલિ નહિ પરંતુ હાસ્યાંજલિ!: એક અનોખા પિતૃ તર્પણની પ્રેરક વાત !

પુસ્તક, "હાસ્યાંજલિ"નું ટાઈટલ:  સ્વર્ગસ્થ સ્વજનની સ્મૃતિમાં
હાસ્યનું પુસ્તક પ્રકાશિત થયાની આ કદાચ પ્રથમ ઘટના હશે 

સામાન્ય રીતે ચિરવિદાય પામેલા પોતાનાં સ્વજન 
પાછળ લોકો "ભજનાવલી" કે "ભગવદ્દ ગીતા"નું વિતરણ કરતા હોય છે. 
કોઈ વળી સ્તોત્ર વગેરેની ઓડિયો સી.ડી. બનાવડાવી 
મિત્રોમાં તેનું વિતરણ કરતા હોય છે. 
પરંતુ શું તમે કોઈ એવી વ્યક્તિ જોઈ છે જે પોતાના 
સ્વર્ગવાસી સ્વજન પાછળ હાસ્યથી છલોછલ પુસ્તક 
પ્રકાશિત કરી અને તેની હજ્જારો કોપિઝ મિત્રો અને સંબંધીઓને આપતી હોય? 

મારા મિત્ર અને સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ (રાધે ગ્રુપ ઓફ એનર્જી) ડૉ. શૈલેશ માકડીયાએ હમણાં આવો જ એક નવતર વિચાર અમલમાં મુક્યો! 
તેમને પોતાના પિતા સ્વ. વલ્લભબાપાની સ્મૃતિમાં, "હાસ્યાંજલિ" નામનું એક અદભુત પુસ્તક મારી પાસે સંપાદિત કરાવ્યું અને પછી તે પ્રકાશિત કર્યું! 
હમણાં, ત્રીજી મેનાં દિવસે તેમના વતન, પીપળિયામાં તેનો વિમોચન કાર્યક્રમ તેમણે રાખ્યો હતો. સ્વાભાવિક રીતે જ એ કાર્યક્રમ પણ એકદમ યુનિક હતો. એ દિવસે વલ્લભબાપની પ્રથમ પુણ્યતિથિ હતી, શૈલેશભાઈએ આખા ગામને ધૂમાડાબંધ જમાડ્યું અને પછી હાસ્યસંધ્યા જેવો ડાયરો રાખ્યો! સવાલ એ છે કે, સ્વર્ગસ્થ પિતા પાછળ હાસ્યની છોળો ઉડાડવાનું અને લોકોને ખડખડાટ હસાવવાનું તેમને શા કારણે સુઝ્યું? 

વાત એમ છે કે, વલ્લભબાપાએ આખી જિંદગી લોકોને હસાવ્યાં, 
પોતે પણ હળવાફૂલ રહ્યા
 અને અન્યોને પણ હળવા રહેવા પ્રેરણા આપતા રહ્યા. 
એમનો રમુજી સ્વભાવ અને જીવનને 
નિહાળવાની આગવી દ્રષ્ટિ તથા એક વિશિષ્ટ અભિગમ ... 
 બધાને કારણે એમનું વ્યક્તિત્વ પણ અનોખું રહ્યું હતું. 
એમને હસતા હસતા વિદાય આપવી - 
  એમનાં જીવનનું સાચું સન્માન ગણાય. 
પુસ્તકની પ્રસ્તાવનામાં શૈલેશભાઈ અને પરિવારજનોએ વલ્લભબાપનો જે પરિચય આપ્યો છે તેમાંથી થોડા અંશો જોઈએ તો ખ્યાલ આવે કે, એમને "શ્રદ્ધાંજલિ" કે "શબ્દાંજલિ" આપવા કરતા "હાસ્યાંજલિ" આપવી એ જ એમના જીવનનું સાચું સન્માન ગણાય! જુઓ આ અંશો: 
=========================
"એક સામાન્ય ગરીબ પરીવારમાં જન્મેલા હોવા છતાં, તમરા જીવનની અમીરી... અને એક શહેનશાહથી ચડીયાતી તમારી ઉદારતા... મસ્તીભર્યા મહાસાગર જેવું તમારૂં જીવન. તમારાં જીવનચક્ર ઊપર નજર કરતાં છાતી ગજ-ગજ ફૂલાય અને આનંદ અને અહોભાવથી અસ્તિત્વ આખું હરખાય. છતાંય તમારી વિદાયની યાદથી આંખો પણ આંસુઓથી સતત ઊભરાય!
લોકો કહે છે કે જન્મ સાથે કોઇ જ કાંઇપણ સાથે લાવતું નથી અને સાથે લઇ પણ જતુ નથી. ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે... પરંતુ તમે આ વાતને ઘણે અંશે ખોટી ઠેરવી નાખી.
અમારા ભણતર અને કારમી આર્થિક નાણાભીડની ગરીબી ગરીબી વખતે તેના સ્વભાવની અમીરી...  એકપણ તબક્કે હિંમત હાર્યા વગર સતત સંઘર્ષ સમયે પણ એમના મોઢા ઉપર હંમેશા સ્મીત, મસ્તી અને ખુમારી ચમકતી હતી. સગા-સંબંધી, મિત્રો પાસેથી મદદરૂપે ઉછીના લીધેલા પૈસાથી અમને સૌને ભણાવ્યા... ક્યારેય આર્થિક તંગીની અસર પણ વાત કે વહેવારમાં જણાવવા નથી દીધી. આવી પરિસ્થિતિમાં પણ વલ્લભબાપાની બગલાની પાંખ જેવી સફેદ કપડાની જોડી પણ મોટીમારડ ઈસ્ત્રી કરવા જતી. લોભી અને દંભી માણસો પ્રત્યે ટકોર કરવાનું તેઓ ક્યારેય ચુકતા નહિ. એમના જીવનમાં મસ્તી સાથે પ્રેમ પણ અદ્ભૂત હતો. 84 થી 87 સુધીના કારમા દુષ્કાળમાં મને વિદ્યાનગર ઉચ્ચ અભ્યાસમાં મોકલેલો ત્યારે મજબુરીમાં જકાતની નોકરી સ્વીકારી... આ બધું તેના સ્વભાવથી ઘણું બધું વિપરીત હતું, પરંતુ સમય-સંજોગોને સહજતાથી સ્વીકારી, પ્રેમ, આનંદ અને ખુમારીથી તમામ જવાબદારી પાર પાડી.
પાછળના એક દશકાનું આપનું જીવન, ભલભલા કરોડપતિને પણ ઇર્ષા આપે તેવું હતું. GJ-3CA-5329 નંબરની ટવેરા ગાડી... મિત્રોનો સંગાથ... ભાવતા ભજીયા-ગાંઠીયાનો હંમેશા સાથ... મિત્રો સાથે હરવું-ફરવું... ખાવું અને ખવડાવવાનો આપનો શોખ... અને સીકીડીકીનો સંગાથ.... બાળકો પ્રત્યેનો અનન્ય લગાવ અને પ્રેમ... કોઇપણ નાત-જાત, ઉંચ-નીચ કે ધર્મથી ઉપર ઉઠીને આપની કરૂણાસભર દ્રષ્ટિ સૌની આકર્ષતી હતી. કોઇપણ મજુરનું બાળક હોય કે... કોઇપણ સમાજનું ખેડૂતનું,દલિતનું બાળક હોય કે ભિખારીનું ... વલ્લભબાપા પાસે હક્કથી ચોકલેટ અને ફ્રુટ માંગી શકતું! સ્કૂલના બાળકોની રીસેસ વખતે આખી ફ્રુટની રેકડી બાળકોને ટોળામાં ખવડાવી દેવા, ગરીબ હોય, ભિખારી હોય, જરૂરતમંદ ગામના હોય કે પરગામના, દુઃખીયા હોય કે  દવાખાનાવાળા હોય, નિઃસહાય વૃદ્ધો હોય કે બાળકો, મંદિર હોય કે મસ્જીદ... સાંજે પાંચ વાગે એટલે પીપળિયા બસ સ્ટેન્ડને ઓટલે દરરોજ આવા જરૂરતંદોની આંખો વલ્લભબાપાના આગમનની વિશ્વાસ સાથે રાહ જોતી હતી. પરમાત્મા  પૃથ્વી ઉપર સાક્ષાત્ આવતો નથી પરંતુ તેમના આશિર્વાદ કોઇના કોઇ સ્વરૂપે જરૂરતમંદો સુધી પહોંચી જતા હોય છે... એ જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. અરે વ્યાજે પૈસા લઇને જરૂરતમંદોને મદદ કરવાની બહાદુરીના અમે સૌ સાક્ષી છીએ. કોઇ ગરીબ માવતરની દીકરીના લગ્ન અટકેલા હોય કે કોઇ વ્યકિતને દવાખાના માટે પૈસાની જરૂર હોય... બાપાની કરૂણાએ ક્યારેય કોઇને ના નથી પાડી.

કોઇપણ કર્મકાંડ, ધાર્મિક કે સંપ્રદાયના આડંબરથી ઉપર ઉઠીને માત્ર પ્રેમ અને કરૂણાથી સર્વ જીવદયા અને મનુષ્યસેવાને જ પરમ ધર્મ માનતા... ઉપરાંત કોઇની ભિતર કે ચહેરા પરના દુઃખને પારખવાની કોઠાસૂઝથી તેઓ દરેક સાથે તે છોકરો હોય કે નાના-મોટા પુરૂષ હોય, નાની બાળા હોય કે નાની-મોટી સ્ત્રી હોય, તમામ સાથે મજાક અને મસ્તીથી સામેનાના દુઃખને ભૂલાવી ચહેરા પર હાસ્ય રેલાવી દે... તેવું તેમનું ધબકતું વ્યકિતત્વ!
જીવનની સંધ્યા એટલા રંગોમાં જીવી ગયા કે, ઘણા લોકો ઇશ્વર પાસે દુઆ માંગવા લાગ્યા કે... “અમારૂં પાછળનું જીવન પણ વલ્લભબાપા જેવું હોય”... એ લોકોની દુઆ એ જ આપના જીવનમાંથી અવતરેલી ઇશ્વરીય અનુભૂતિ, સૌને આપ પ્રત્યે “સલામ... વલ્લભબાપા...!!”નો અહેસાસ કરાવે છે. ખરેખર આત્મા અમર છે... એનો અહેસાસ આપે કરાવ્યો... શરીરથી તમે નથી પરંતુ કદાચ આપની વિદાય પછી આપની અનુભૂતિ વધારે તીવ્રતાથી અનુભવાય છે, અમને સૌને..."
================================
તેઓ ભરપુર જીવ્યા, મન મૂકી ને જીવ્યા! એટલે   પુસ્તક પણ અમે જીવનના ધબકારથી ભરપુર બનાવ્યું છે! 
તેમાં ખડખડાટ હાસ્ય પણ છે અને આયખાનો પરિચય કરાવતી માર્મિક વાતો પણ છે, 
તેમાં વ્યંગ પણ છે અને તત્વજ્ઞાન પણ છે! 
હાસ્ય લેખો પણ ખરા અને હઝલ પણ છે!
વ્યંગ લેખો પણ છે અને મજેદાર કહેવત કથાઓ પણ છે!
ચોટદાર ઝેન કથાઓ પણ છે તો ઓશોના પ્રિય મુલ્લા નસીરુદ્દીનની વાર્તાઓ પણ છે!
તેમાં શરદ જોશી પણ છે તો હરિશંકર પરસાઈ પણ છે!
સવા બસ્સો પાનાંના આ દળદાર પુસ્તકની વાચન સામગ્રી અદ્ભુત કહી શકાય એવી છે, તેનું વૈવિધ્ય એવું છે કે, ગુજરાતીમાં હાસ્યના આટલા રંગો ધરાવતું આવું પ્રથમ પુસ્તક છે, તેનું પ્રોડક્શન, કાગળ પ્રથમ દરજ્જાના છે! વાચકો માટે માઠા સમાચાર એક જ છે કે, આ પુસ્તક ક્યાંય વેચાતું મળતું નથી, એ માત્ર વિતરણ માટે છે!

હું માનું છું કે, ગુજરાતી સાહિત્યમાં  એક નવતર અને તેના પ્રકારનો એકમેવ પ્રયોગ છે.

Campus of Radhe Group Of Energy's Corporate Office:
રાધે ગ્રુપની ઓફિસનું  કેમ્પસ અને તેમાં મુકાયેલી આઈનસ્ટાઇનની પ્રતિમા 


Dr. Shailesh Makadia CMD, Radhe Group Of Energy

 ડૉ. શૈલેશ માકડિયા આમ પણ એક અલગ વ્યક્તિત્વ છે, "હટ કે" વિચારવાની એમને આદત છે! મેં બહુ ઓછા એવા ઉદ્યોગપતિ જોયા છે જેમને ક્રીએટિવિટીની કદર હોય, જ્ઞાનનો જેને મન મહિમા હોય - શૈલેશભાઈ આવા એક વ્યક્તિ છે. સામાન્ય રીતે લોકો પોતાના કામકાજના સ્થળે ધાર્મિક પૂતળા મુકતા હોય છે પરંતુ શૈલેશભાઈની રાધે ગ્રુપ ઓફ એનર્જીની ભવ્ય ઓફિસમાં તમે પ્રવેશ કરો તો કેમ્પસમાં જ તમને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઇનની પ્રતિમા જોવા મળે! આટલી વાત પરથી જ એમના વ્યક્તિત્વ વિષે ખ્યાલ મળી જાય! યોગાનુયોગ આજે શૈલેશભાઈનો જન્મ દિવસ પણ છે ત્યારે એટલી જ શુભકામના કે, ટોળાથી હટી ને કશુંક વિચારવાની અને પરંપરાથી હટી ને કંઇક કરવાનો તેમનો આ સ્પિરિટ અખંડ રહે!   


Tuesday, August 7, 2012

Kinner Aacharya's Book : Maha-Bharat Ni Ramayan



મહા-ભારતની રામાયણ 





દોસ્તો, ઘણા સમયથી જેની પ્રતીક્ષા (મને!) હતી એ મારું પુસ્તક અંતે ગઈકાલે પ્રકાશિત થઇ ચૂક્યું છે. 
આજે બપોરથી એ રાજકોટમાં ઉપલબ્ધ હશે અને અમદાવાદ, નવભારત ખાતે તો તો ઉપલબ્ધ છે. 
અન્ય શહેરોના તમામ મુખ્ય બૂક સ્ટોલમાં આજકાલમાં જ ઉપલબ્ધ. પુસ્તક વિશેની બાકીની વિગતો અહીં મુકાતો રહીશ પરંતુ અત્યારે તો તેનું ટાઈટલ અને કેટલીક પ્રાથમિક વિગતો મૂકી રહ્યો છું...    


લેખક: કિન્નર આચાર્ય 

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર 

શીર્ષક: પ્રણવ અધ્યારુ 

ટાઈટલ ડીઝાઈન: ગિરિશ ચૌહાણ 

પાનાં: ૨૫૬

કિંમત: ૨૦૦ 





-:મુખ્ય પ્રાપ્તિસ્થાનઃ- 

અમદાવાદ: 
નવભારત સાહિત્ય મંદિર

જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ , ફોન: ૦૭૯ - ૨૨૧૩ ૯૨૫૩ 

અને 

૨૦૨ - પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯

બુકશેલ્ફઃ
16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
સી.જી. રોડ, અમદાવાદ



મુંબઈ:

134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦૦૦૨ 
ફોન: (079) ૨૨૧૩૨૯૨૧ / ૨૨૧૩૯૨૫૩ 

રાજકોટ: 
રાજેશ બૂક સ્ટોલ:
લોધાવાડ ચોક, પોલીસ ચોકી સામે, ફોન: ૦૨૮૧-૨૨૩૩૫૧૮ અને 
ડોક્ટર યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર કોલેજ સામે.

મયુર એજન્સી:
જીવન બેંક સામે, સીડીવાળી શેરી, ઢેબર રોડ, ફોન: ૦૨૮૧-૨૨૩૩૬૧૮ 
અને
કાલાવડ રોડ, આત્મિય કોલેજ સામે. ફોન: ૯૮૨૪૨ ૧૧૨૩૯     


અન્ય શહેરોના તમામ મુખ્ય 

બૂક સ્ટોલમાં એક-બે દિવસમાં ઉપલબ્ધ. 


Saturday, February 11, 2012


મોબાઇલ, ડ્રાઇવિંગ, શોકસભાઓ અને પબ્લિક ટોઇલેટ્સઃ આપણી જાહેર શિસ્ત એ જ આપણી પ્રજાની સાચી ઓળખ !



તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક, ‘‘જાહેર શિસ્તઃ વિચારથી અમલ સુધી’’માં લેખક ડો. રાજીવકુમાર ગુપ્તાએ આપણી કેટલીક ગંદી કુટેવો પ્રત્યે આંગળી ચિંધી છે. મલ્ટિપ્લેક્સમાં ચાલુ ફિલ્મે મોબાઇલનો છૂટથી ઉપયોગ કરતા અનાડીઓથી લઇ શોકસભાનો મલાજો નહીં જાળવતા વક્તાઓ સુધીના અનેક લોકોનાં અવગૂણો તેમણે સરળ ભાષામાં રજૂ કર્યા છે. આ પુસ્તક, આપણી એક પ્રજા તરીકેની અનેક નબળાઇઓ છતી કરે છે...


લેખકઃ ડો. રાજીવકુમાર ગુપ્તા (આઇ.એ.એસ.)


‘જાહેર શિસ્તઃ વિચારથી અમલ સુધી’
લેખકઃ ડો. રાજીવકુમાર ગુપ્તા (આઇ.એ.એસ.)
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
કિંમતઃ ૨૭૫


મોબાઇલના હેન્ડસેટ્સ તો આપણાં દેશમાં કરોડોની સંખ્યામાં આવી ગયા. પણ એનો ઉપયોગ કરવાની શિસ્ત રતિભાર પણ ન આવી. વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે પરંતુ તેને હંકારવાનું ડહાપણ ફાયનાન્સ કંપનીઓ આપતી નથી એ સમસ્યા છે. ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાની કોઇની પાસેથી તમે અપેક્ષા રાખો તો એ દેશમાં એ પાપકૃત્ય ગણાય છે.  અને તમે વાહનડ્રાઇવિંગની શિસ્ત જાળવો તો લોકો તમારા ભણી એવી રીતે ડોળા ફાડીને જુએ છે જાણે તમે કોઇ એલિયન હો. ફોન કરનારો બેવકુફ તમને જ્યારે પૂછે છેઃ ‘કોણ બોલો છો ?’ ત્યારે આપણાં માથાની નસો ફાટી જાય છે. અલ્યા ડફોળ ! ફોન તે કર્યો છે, સૌપ્રથમ તું તારી ઓળખાણ આપ ! પણ સમજે છે કોણ ? તમારી પાસે મોબાઇલ છે તો લોકો પછી તમારા પર હક્ક જમાવી બેસે છે. તમે તેનો એક કોલ જો એટેન્ડ ના કરો તો એ બીજો કરે છે, બીજો ન કરો તો એ ત્રીજો, ચોથો, દસમો, વીસમો ફોન કરતા પણ અચકાતો નથી. આપણી પાસે મોબાઇલ હેન્ડસેટ હોય એનો અર્થ શું એ થયો કે, ચોવીસ કલાકની દરેક ક્ષણે આપણે કોલ એટેન્ડ કરવાની સ્થિતિમાં હોઇએ ? મનુષ્યને નિત્યક્રિયા જેવું પણ કંઇ હોય છે. એને દાત પર બ્રશ ઘસવું પડે છે, સ્નાન કરવા જવું પડે છે, દિવસમાં પાંચદસ વખત સુસુ જવું પડે છે. બે વખત એ ચા પીતો હોય, બપોરે અને રાત્રે ભોજનનો સમય હોય, પત્નિ અને બાળકો સાથે સમય વીતાવવાનો હોય અને ઉંઘવાનું પણ હોય. કોલ કરનાર જાણે આ બધી બાબતોથી પર હોય તેમ  દરેક વખતે અપેક્ષા રાખે છે કે, એ જ્યારે કોઇને કોલ કરે ત્યારે સામી વ્યકિતએ ઉપાડવો જ રહ્યો. 

જાહેર શિસ્ત શ્વાસોચ્છવાસ જેવી જ અગત્યની જણશ છે. પરંતુ ભારતીયોના અગ્રતા ક્રમમાં એકથી સો બાબત સુધીની યાદીમાં તેનું ક્યાંય સ્થાન નથી. દરરોજ તમને આવી શિસ્તની હત્યા કરતા આતંકવાદીઓ જોવા મળે છે. તેઓ પબ્લીક ટોઇલેટમાં પોટી જાય છે, પરંતુ જો ફલશ કરે તો જાણે એમનો ધર્મ અભડાય છે. આપણી જાહેર યુરિનલ અને જાહેર ટોઇલેટ્સ આપણી પ્રકૃત્તિની પહેચાન છે. છપ્પનની છાતી હોય તો હાઇવે પર આવેલી કોઇ હોટેલના ટોઇલેટનો એક વખત ઉપયોગ કરી જુઓ. મુળ વાત એ છે કે, આપણે વાતચીતથી લઇ અને રહેણીકરણી સુધીમાં દરેક બાબતે એક ગંદી અને પછાત પ્રજા છીએ. આઘાતજનક વાત એ છે કે, આપણે સ્વિકારતા પણ નથી કે આ બધી આપણી ખામીઓ છે. જાણવાનું દુઃખ છે. જે જાણે છે તેને બધુ કઠે છે. ૯૮ ટકા અનાડી તથા અલેલટપુ ધરાવતા આ દેશમાં જે લોકો લાઇન તોડે છે, મુતરડીઓ અને જાજરૂઓ ગંદા કરે છે કે મલ્ટીપ્લેક્સમાં ચાલુ ફિલ્મે મોબાઇલ પર સિંહ જેવી ગર્જનાઓ કરે છે, તેને કદી અપરાધભાવ નથી થવાનો. સમજુઓ જુએ છે અને દાઝે છે. હજુ હમણાં જ પ્રકાશિત થયેલું પુસ્તક ‘જાહેર શિસ્તઃ વિચારથી અમલ સુધી’ (લેખકઃ ડો. રાજીવકુમાર ગુપ્તા, આઇ.એ.એસ.) આવી જ મહત્વપૂર્ણ વાતો કહે છે.

ડો. રાજીવકુમાર ગુપ્તા ગુજરાતના સનદી અધિકારી છે, અને તેઓ વડોદરા, મહેસાણા તથા સાબરકાંઠાના કલેકટર તરીકે રહી ચૂક્યા છે. આ પુસ્તકમાં તેમને સાહિત્યિક ભાષાના અમીછાંટણા ભલે ન કર્યા હોય, પરંતુ સમજુશાણા લોકોને ખુંચતી કેટલીક ગેરશિસ્તની બાબતો તરફ બહુ અસરકારક રીતે આંગળી ચિંધી છે.  પગાર પૂછવાની કૂટેવથી લઇને અનાજના બગાડની કુસંસ્કૃતિ અને ફોનની મેનર્સ તથા લાયબ્રેરીની શિસ્ત સુધીની અનેક બાબતો તેમણે આવરી લીધી છે.

સમાજ આખો માનસિક રીતે માંદા લોકોથી ખદબદી રહી છે. ભારતીયોની જીવનશૈલી એવી છે કે, દરરોજ એ અન્ય નાગરિકને નડે છે, પર્યાવરણને ગંદુ કરે છે અને પૃથ્વી પર બોજ વધારતો રહે છે. જાહેર શિસ્તમાં ઢળવુ તેને ફાવતું નથી. જુવાનીયાઓ દરરોજ ગુજરાતના દરેક શહેરોમાં રાત્રે ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવીને આખા ગામ માથે લે છે, લોકો જાતજાતની નંબર પ્લેટ બનાવે છે, નિયમો પાળવાનું કોઇને ગમતું નથી, કોઇ વળી નંબર પ્લેટ કોરી રખાવે છે અને તેમાં પોલીસ કે પ્રેસ કે એડવોકેટ જેવું કશુંક છપાવી મારે છે.  જાણે પોલીસ થયા કે કાયદાની ડિગ્રી મળી એટલે તેઓ કાનૂનથી પર થઇ ગયા. વાહનો ઘેરઘેર આવી ગયા છે, પરંતુ તેને પાર્કીંગ કરવાથી લઇને ચલાવવા સુધીની શિસ્ત હજુ કયાંય પહોંચી નથી. આ દેશમાં લોકો પોતાનું બાઇક લઇને નીકળે તો સવારથી સાંજ સુધીમાં પચાસસો વખત હોર્નનું પોપો કરીને પાછો ફરે છે. આગળ કોઇ જતુ હોય કે ન જતુ હોય, તેને હોર્ન મારવું જ છે. ટ્રાફિક જામ હોય તો પણ તે પોંપોં કરશે. ભલાદમી, કોને અહીં ટ્રાફિકમાં રાત વિતાવવાનો શોખ છે, આગળના વાહનો ખસે અને વાહનોની ગુંચવણી ઉકેલાય કે લોકો આપમેળે પોતપોતાના રસ્તે ચાલતા થવાના છે. તમે હોર્ન પર અંગુઠો દબાવીને બેસી જાવ તો તેનાથી ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ જવાની નથી, પરંતુ લોકોની અકળામણ વધવાની છે અને અવાજનું પ્રદુષણ વધવાનું છે. લોકો માને છે કે, વાહનના બધા ફિચર્સ ઉપયોગ માટે જ હોય છે. પરંતુ ઇશ્વરે કોમન સેન્સ નામનું એક ફીચર્સ મનુષ્યના દિમાગમાં મુક્યું છે અને પ્રતિ ક્ષણ તેનો ઉપયોગ થવો જોઇએ એ વાત તે ભૂલી જાય છે. અહીં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ચરમસીમા પર છે. લોકો કોમનસેન્સનો ઉપયોગ ઓછો કરે છે તેટલે કાળક્રમે તેના ડી.એન.એ.માંથી સામાન્ય બુદ્ધિની બાદબાકી જ થઇ ગઇ છે.

ગામડાઓમાંથી શહેરમાં સ્થળાંતર વધ્યું તે પછી શહેરના સમજુ લોકોનું જીવવું પણ હરામ થઇ ગયું છે. શહેરની દરેક ગલીઓ હવે ગૌ શાળા જેવી છે અને ગામડાની અબુધ પ્રજા શહેરના કોઇ જ નિયમોનું પાલન કરતી નથી. ડફોળ લોકો આજે પણ સવારે શેરીમાં ઉભાઉભા બ્રશ કરે છે અને રોડ વચ્ચે ઉળ  ઉતારે છે. તેઓ આખા જગતને પોતાનો બાથરૂમ સમજે છે અને શેરીઓ તેમનું ખાનગી વોશ બેસીન છે. એવા લોકો પણ છે, જેમના માટે સમગ્ર સૃષ્ટિ પોતાનું ટોઇલેટ હોય અને યુરિનલ પણ હોય. આપણે આપણું ખોદવામાં ઉસ્તાદ છીએ. રેલ્વે ક્રોસીંગથી લઇને શોકસભાઓમાં પણ આપણા લખ્ખણો ઝળકાવતા રહીએ છીએ. ગિરનારમાં પદયાત્રા કરવા જઇએ છીએ અને માનીએ છીએ કે, પૂણ્યનું ભાથુ બાંધી. વાસ્તવિકતા એ છે કે, આપણે પાપના પોટલા બાંધીને પાછા આવીએ છીએ. થર્મોકોલના વપરાયેલા ગ્લાસ, પ્લાસ્ટીકની પ્લેટસ, પ્લાસ્ટીકની થેલીઓ, સડેલા શાકભાજીઓ અને એઠવાડ... આ બધું આપણે જો જંગલોમાં છોડી આવ્યા હોઇએ તો ક્યો પરમાત્મા તમને પૂણ્ય પ્રદાન કરવાનો હતો. દરેક ધાર્મિક ઉત્સવો વખતે આપણે ભાન ભૂલીએ છીએ. ગણપતિનો ઉત્સવ હોય તો રાત્રે બારએક વાગ્યા સુધી લાઉડ સ્પીકરો પરથી મોટા અવાજે ભજનો વાગતા રહે છે, જાણે એવું કરવાથી ગણપતિ સુધી આપણી પ્રાર્થના પહોંચી જવાની હોય ! જન્માષ્ટમી અને તેના જેવા તહેવારો વખતે જાહેર રાજમાર્ગો રોકીને પંડાલ બનાવવામાં આવે છે. રાજકારણીઓ તેમાંથી સ્વાર્થ સાધે છે અને ટટપુંજીયાઓ  લેવાદેવા વગર હોહા કરતાં સરઘસમાં જોડાઇ જાય છે. ડો. રાજીવકુમાર ગુપ્તા કદાચ આવી બધી બાબતોથી ઉકળી ઉઠ્યા હશે. એટલે તેમણે બહુ માર્મિક ભાષામાં આપણી ખામીઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કર્યો છે. આ પુસ્તક કોઇ મહાન સાહિત્યકૃત્તિ નથી, પરંતુ તેનું મહત્ત્વ બિલ્કુલ ઓછું નથી. શાળા અને કોલેજના બાળકોને આ પુસ્તકમાંની મહત્વની વાતો સમજાવવામાં આવે તો હવે પછીની પેઢી કમ સે કમ અનાડી જેવી નહીં પાકે.

* "અકિલા"માં પ્રકાશિત