Showing posts with label Gandhiji. Show all posts
Showing posts with label Gandhiji. Show all posts

Friday, December 16, 2011

ગાંધીજીએ ‘ફંદા’ કરીને જામ રણજીની ટીમને હરાવી હતી!


આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે રાજકોટની રાજકુમાર કોલેજમાં 
રમાયેલી એક ઐતિહાસિક ક્રિકેટ મેચની રોચક દાસ્તાન! ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને સીરીઝ સાથે નવી સીઝનનો આરંભ થઇ રહ્યો છે ત્યારે એક વિશેષ સંભારણું !


બે રન બાકી હતા ત્યારે ગાંધીજીએ
રણજીને ‘ડખ્ખા’ કરી આઉટ કર્યા !
રણજીએ પાછળથી ગાંધીજી વિશે શું
કહ્યું ? તેમનો અભિપ્રાય શો હતો?

રણજીની ટીમની ઉપરાઉપરી બીજી ત્રણ વિકેટો પડી ગઇ ! છેલ્લો બેટ્સમેન બિલ રણજી સાથે જોડાયો. હવે બે રન જ કરવાના હતા. બિલે ગાંધી સામે બેટિંગ કરવાનું હતું. એક ઝડપી રન લઇ સ્ટ્રાઇક લેવા માટે રણજીએ વહેલું ‘બેકિંગ અપ’ કર્યુ ને ચતુર બોલરએ, બોલ ફેંકવાને બદલે, નોન સ્ટ્રાઇકર્સ એન્ડનાં ચકલાં ઉડાવી અપીલ કરી, ને રણજી રન આઉટ! અંગ્રેજી અમ્પાયર મેકનોટનનો અભિપ્રાય સ્પષ્ટ હતો કે બોલર નિયમોની મર્યાદામાં રહીને જ વર્ત્યો છે. રણજીની ટીમ હારી! ક્રિકેટના નિયમોની દ્રષ્ટિએ જામ રણજી બેશક આઉટ હતા. પરંતુ ખેલદિલીની દ્રષ્ટિએ જોઇએ તો બોલરએ રમતનો સ્પિરિટ જાળવ્યો ન ગણાય! આજે પણ આવી રીતે બોલરને મોકો મળે તો પણ નોનસ્ટ્રાઇક પરના બેટ્સમેનને એ આઉટ કરતો નથી. પરંતુ અહીં બોલરએ, કાઠિયાવાડીમાં કહીએ તો ‘ફંદા’ કર્યા. અને એ બોલર પણ કોણ! બીજા કોઇ નહીં, ખુદ મોહનદાસ કરમચંદ ગાંધી! રાજકોટના રાજકુમાર કોલેજમાં ૧૮૮૩ આસપાસ રમાયેલી આ મેચમાં ગાંધીજીની ટીમનો રણજીની ટીમ સામે વિજય થયો હતો. મહિલા કોલેજનાં એક મહિલા પ્રોફેસર, ભાવનાબેન ખોયાણીએ રજૂ કરેલા શોધ નિબંધમાં આ બધી વાતો નોંધવામાં આવી છે:

રણજીનું આરંભનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાં થયેલું. ત્યાં તેમને એક પારસી કોચ દ્દ્વારા માર્ગદર્શન મળ્યું. ઉપરાંત અહીંના હેડમાસ્તર દ્વારા પ્રોત્સાહન પણ મળ્યું. અહીં તેમણે જાગૃતિપૂર્વક અને રસથી ક્રિકેટની પ્રેકિટસ કરેલી. અહીં રાજકોટમાં ૧૮૮૩ થી ૧૮૮૭ વચ્ચે એક વિરલ ઘટના બની. એમ.કે. ગાંધી અને કે.એસ. રણજિતસિંહજી, ભારતમાતાના ભિન્ન ભિન્ન ક્ષેત્રના બે સપુતો અહીં એક મેચમાં સામસામે આવી ગયા. છેક ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા તેમજ ભારતમાં સત્યાગ્રહી તરીકે જાણીતા થઇ ગયા પછી, રણજી પોતાના મિત્ર ચાર્લીને ગાંધીજી વિશે લખે છેઃ
‘વિશ્વ ક્રિકેટના રાજકુમાર રણજી’ (પ્રવિણ પ્રકાશન, પાના નં.૯)  પુસ્તકમાં જામ રણજીનો ગાંધી વિશેનો અભિપ્રાય પ્રકાશિત થયો છેઃ તેમાં તેઓ લખે છે  કે, 
‘હા, આ એમ.કે. ગાંધી જ (જેણે અત્યારે સમગ્ર ભારત વતી અંગ્રેજો સામે જંગ માંડ્યો છે તે) ત્યારે રાજકોટની શાળાના ગોલંદાજ ને સુકાની હતા.
મેચને દિવસે ઠંડી સારી હતી પરંતુ પિચ કઠણ, ધુળભરેલી ને રાજકોટની શાળાના સુકાનીની બોલીંગ માટે અનુકૂળ હતી. તે (ગોલંદાજ અને સુકાની) દીવાનનો પુત્ર હતો, જ્ઞાતીએ વાણિયો હતો ને તેનું નામ એમ. કે. ગાંધી હતું. તે મૃદુભાષી હતો ને અંગ્રેજી કડકડાટ બોલતો હતો.’

ગાંધીજીની ટીમે પ્રથમ દાવ લઇ ૧૬૮ રન કર્યા. તેમાં ગાંધીજીનો ફાળો પાંચ રનનો હતો પછી રણજીની ટીમનો દાવ આવ્યો. રણજી પોતાના મિત્રને લખે છેઃ
‘મેં લગભગ ચારેક રન કર્યા હતા. અમારી ચાર જ વિકેટો બાકી હતી. સ્પષ્ટ હતું કે મારો સૌથી જોખમી પ્રતિસ્પર્ધી ગાંધી હતો. તેના ધીમા લેગબેક બોલથી એ વિકેટ પર રમવાનું મુશ્કેલ બની ગયું હતું.’

ગાંધીજીના કાર્યક્ષેત્રને તેમજ તેમના જીવનના તત્ત્વજ્ઞાનને ને ક્રિકેટને બે ધ્રુવો જેટલું અંતર. આમ છતાં એ ભિન્ન ક્ષેત્રમાં કિશોરવયે ગાંધીજીએ પોતાની નિર્ણયશકિત, તજજ્ઞતા ને ક્ષમતા થકી રણજી જેવાની પ્રશંસા મેળવી છે તે નોંધપાત્ર છે. રણજી લખે છે, ‘અમને તેમની તાકાતનો ડર નહોતો. બધા વાણિયાબ્રાહ્મણ જ હતા, પણ તેઓ ચાલાક હતા.’ ગાંધીજીની એ ચાલાકીનો પરિચય પછીથી જગતના પ્રખર મુત્સદ્દીઓને પણ થવાનો હતો. આ આખી ઘટના એ બંને મહાનુભાવોના વ્યકિતત્વમાં નવું, રસપ્રદ ને સંતોષપ્રદ પરિણામ ઉમેરે છે.

પોતાના વિદ્યાર્થીકાળમાં ગાંધીજી કેવી પ્રવૃત્તિ કરતા અને તેમનો શોખ શું હતો? તેની ઘણી માહિતી ઓછી જાણીતી રહી છે. પણ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલના ગાંધીજીના સ્હાધ્યાયી. જેઓ પાછળથી આલ્ફ્રેડ હાઇસ્કૂલના હેડમાસ્ટર થઇને નિવૃત્ત થયા હતા, તે એ વખતના શિક્ષણ શાસ્ત્રી રતિલાલ ઘેલાભાઇ મહેતાએ જાણીતા પત્રકાર  હરિશ બૂચને આપેલી એક મુલાકાતમાં ગાંધીજી સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. રતિલાલ મહેતાએ બાપુના ઓછા જાણીતા પાસા તેમના ક્રિકેટ પ્રેમ અંગે કહ્યું કે, ગાંધીજી બહુ સારા ક્રિકેટર હતા અને શાળાના વિદ્યાર્થી તરીકે તેઓને ક્રિકેટમાં ઉંડો રસ હતો. એ બહુ જાણીતી વાત નથી.

 રતિભાઇએ જૂના સ્મરણો તાજા કરતા કહ્યું હતું કે અમે ઘણી વખત સાથે ક્રિકેટ રમ્યા હતા અને ગાંધીજીની બેટિંગ અને બોલીંગ બંને સારા હતા. જો કે શાળામાં વ્યાયામ તરફ ગાંધીજીને બહુ રૂચિ નહોતી આ વાત તેમણે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં લખી છે.
રતિભાઇ મહેતાએ બહુ જાણીતી નથી એવી વાત એક રમુજી શૈલીમાં કરી છે કે, ગાંધીજી એક વખત વિદ્યાર્થી તરીકે બહુ તેજસ્વી નહોતા અને તેમનો સ્વભાવ મળતાવડો ન હતો. થોડા ઓછા બોલા સ્વભાવના હતા. મસ્તીખોર છોકરાઓની સંગતથી તે દૂર રહેતા.
વિદ્યાર્થીકાળમાં ગાંધીજીને કેવો શોખ હતા એ પણ જાણવા જેવું છે. શાળાના મિત્રો સાથે ગાંધીજી પત્તા રમતા. ગાંધીજીને વિદ્યાર્થીકાળમાં સંગીતનો પણ શોખ હતો. કોઇ વખત તેમના જોડીદારનું વાયોલીન વગાડવા બેસી જતા. તેઓ શાળામાં અંગરખું અને ધોતીયું પહેરતા અને સાથે ભરત ભરેલી ટોપી પહેરતા હતા. જે આઠ આનામાં મળતી હતી.

ઈંગ્લેન્ડની એક ટીમ ગાંધીજીને મળવા ગઇ. આ ટીમે ત્યારે એક બેટ ગાંધીજીને ભેટ આપ્યું હતું. આ બેટમાં ગાંધીજી બારમાં ખેલાડી તરીકે પોતાનો ઓટોગ્રાફ કરી આપ્યો. આમ તો એ વખતે તેઓ અંગ્રેજી સલ્તનતને ભારતના ‘દુશ્મન’ ગણતા. છતાં અંગ્રેજ ખેલાડીઓ સાથે ગાંધીજીએ કેવી ખેલદીલી બતાવી હતી.
ગાંધીજી ભણતા ત્યારે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં હેડમાસ્ટર તરીકે  દોરાબજી એદલજી જીમી હતા. ગાંધીજી ૧૮૮૮માં ઈંગ્લેન્ડ ગયા ત્યારે જીમી સાહેબે શાળામાં નોંધ મૂકી કે આપણા ગામના તેજસ્વી વિદ્યાર્થી મોહનદાસ ક. ગાંધી ઈંગ્લેન્ડ બેરીસ્ટર થવા જાય છે. 






સૌજન્ય: પ્રિન્સિપાલશ્રી , રાજકુમાર કોલેજ - રાજકોટ 

Wednesday, October 5, 2011

જે સ્ત્રી દેશને તેજસ્વી, નિરોગી અને સુશિક્ષિત સંતાનો આપે છે તે પણ સેવા જ કરે છે!

સ્ત્રીઓની પવિત્રતા માટે આ બધી રોગિષ્ઠ ચિંતા શા માટે? 

પુરુષોની પવિત્રતા બાબત સ્ત્રીઓને કંઈ કહેવાની છૂટ છે?












               
કન્યા કેળવણીની બાબતમાં એમના વિચારો અત્યંત એડવાન્સ્ડ હતા. પુરુષો દ્વારા થતા સ્ત્રીઓના શોષણ વિરુદ્ધ એમણે અનેક વખત કલમ ઉઠાવી. સ્ત્રીઓ અંગે ગાંધીજીએ જેટલું લખ્યું છે, અદ્દભુત કક્ષાનું છે. સ્ત્રી વિષે લખતી વખતે તેઓ ઉચ્ચતમ કક્ષાના ફિલસુફ બની જતા. કહો કે ખુદ સ્ત્રી જ બની જતા. સાંપ્રત કાળમાં મહાત્મા ગાંધીના વિચારો કેટલી હદે પ્રસ્તુત છે? આ સવાલ ઘણા સમયથી ચર્ચાતો રહ્યો છે. છેક ગાંધીજીના સમયથી તેઓ જમાનાથી આગળ હતા કે તેમના વિચારો સંકુચિત હતા? ગાંધીજી અભ્યાસનો વિષય છે અને એમનાં લખાણો ચિંતનનો સબ્જેકટ છે. એમનાં લખાણો વાંચો કે ચિંતન આપમેળે ચાલુ થઈ જાય. મગજમાં કોઈ જેરણી કે મિક્સર ફેરવતું હોય એવું લાગે. આખું ચેતનાતંત્ર હચમચી ઊઠે. તેઓ પોતાના મોટા ભાગના વિચારો બાબતે સ્પષ્ટ હતા. આપણે ધર્મ પરના તેમના વિચારો આજની તારીખે કેટલા પ્રસ્તુત છે એ જાણવાની કોશિશ કરી છે. પણ એમનું વિચારવિશ્વ બહુ વિશાળ છે. આવનારા દિવસોમાં આપણે કેળવણી, પત્રકારત્વ, અહિંસા, સેક્સ, રાજનીતિ, સમાજ અને અન્ય વિષયો પર તેમણે કરેલું ચિંતન માણીશું.

એક યુવકે ગાંધીજીને પત્ર લખીને એક પ્રશ્ન પૂછ્યો : ‘‘હું પરણેલો છું, પણ પરદેશ ગયો હતો. મારો એક મિત્ર હતો, જેનો મને અને માબાપને પૂરો વિશ્વાસ હતો. તે મિત્રે મારી પત્નીને ભોળવી છે. હવે હું પરદેશથી પાછો ફર્યો છું, તો સ્ત્રીને પેલા મિત્રથી ગર્ભ રહ્યો છે. બાપને ખબર પડતા તે કહે છે કે મારે ગર્ભપાત કરાવવો જોઈએ. તેમ ન થાય તો કુટુંબની લાજ જાય. મને આમાં ધર્મ નથી જણાતો. સ્ત્રીને પશ્ચાતાપ ખૂબ થાય છે. તે ખાતીપીતી નથી, તે કલ્પાંત કરે છે. મારો શો ધર્મ છે એ મને બતાવશો?’’ ઘટના છેક ૭૪ વર્ષ જૂની છે અને છતાં એ આજની જ છે. આજે પણ આવા બનાવો નથી બનતા શું? 

અગાઉ કરતાં પણ કદાચ વધારે પ્રમાણમાં બને છે, પણ ગાંધીજીએ પેલા યુવકને જેવો પૅક્ટિકલ જવાબ આપ્યો એવી સલાહ આજે મળવી મુશ્કેલ છે. તારીખ ૯ ડિસેમ્બર ૧૯૨૮. ‘નવજીવન’ સામયિકમાં ગાંધીજીએ લખ્યું: ‘‘આ કાગળ હું બહુ સંકોચપૂર્વક છાપું છું. આવા દાખલા સમાજમાં બન્યા કરે છે એ સૌ જાણે છે. તેને વિષે જાહેરમાં મર્યાદિત ચર્ચા કરવી મને અયોગ્ય નથી લાગતી. આવશ્યક પણ લાગે છે. ગર્ભપાત ન કરાય એ તો દીવા જેવું સ્પષ્ટ છે. જેવો દોષ આ બિચારી સ્ત્રીએ કર્યો છે. એવો દોષ હજારો પતિઓ કરે છે. એમને કોઈ પૂછતું નથી. સમાજ તેમને દરગુજર કરે છે. એટલું જ નહીં, તેમની નિંદા સરખીયે નથી કરતો. જે વિકારને વશ પુરુષ છે તે જ વિકારને વશ સ્ત્રી પણ છે. ભેદ એ જ છે કે પુરુષના દોષ જાહેર નથી થતા, સ્ત્રીના સહેજે જાહેર થઈ જાય છે.’’ 

સાત દાયકા પસાર થઈ ગયા. સ્થિતિ હજુ બદલાઈ નથી. પુરુષોની ટીકા કરવાનું ત્યારે સહેલું નહોતું. આવી બાબતમાં તો બિલકુલ નહીં. આખો સમાજ જ પુરુષપ્રધાન. આજનો સમાજ જોઈએ તો પણ ખ્યાલ આવી શકે કે એ સમયે પુરુષોનું વર્ચસ્વ કેટલું હશે. યુવાનને લખેલા જવાબમાંથી ગાંધીજીની તટસ્થતાનો ખ્યાલ આવી શકે. ઉપર અમે જ્યાં વાત અટકાવી છે ત્યાં ગાંધીજીનો જવાબ અટકી નથી ગયો. વાત આગળ વધારતાં એમણે લખ્યું : ‘‘સ્ત્રી દયાને પાત્ર છે. તેના બાળકને પ્રેમપૂર્વક ઉછેરવાનો તેના પતિનો ધર્મ છે. એ સ્ત્રી સાથે પતિએ હવે સંગ કરવો કે નહીં એ અટપટો પ્રશ્ન છે. પતિ પત્નીપરાયણ હોય, તેણે કદી દોષ ન કર્યો હોય. તો તેણે પત્નીના સંગનો ત્યાગ કરવો યોગ્ય ગણાય. પત્નીને પાળે, તેને જ્ઞાન મળે એવો પ્રબંધ કરે, અને પત્નીને શુદ્ધ રહેવામાં સહાય કરે. તો પત્નીને ખરો પશ્ચાતાપ થયો હોય ને પતિ તેનો સ્વીકાર કરે તો મને તે સ્વીકારવામાં દોષ નથી જણાતો.’’ ગાંધીજીના શબ્દોમાં તમને કશું જ અસામાન્ય ન લાગતું હોય તો ફક્ત એક જ વાતના સંદર્ભમાં આ આખી વાત નિહાળજો: તારીખ ૯/૧૨/૧૯૨૮. 

ગાંધીજીએ કદી લોકોને રાજી કરવા નહોતું લખ્યું. સ્ત્રીઓની બાબતમાં તેમના મુક્ત વિચારો તેમને એ સમયના સમાજમાં અળખામણા કરવા માટે પર્યાપ્ત હતા, પણ એમને એ વાતની બિલકુલ ફિકર નહોતી. તારીખ ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૦ના દિવસે ‘હરિજન બંધુ’માં તેમણે લખ્યું: મારો પોતાનો અભિપ્રાય એવો છે કે મૂળ પાયે જેમ પુરુષ તેમ જ સ્ત્રી એક જ માનવઅંશ છે, તેમ તેમનો કોયડો પણ મૂળ મુદ્દો એક હોવો જોઈએ. બંનેમાં એક જ આત્મા વસે છે. બેઉ એક જ જીવન જીવે છે, એક જ જાતની શબ્દસ્પર્શાદિ લાગણીઓ અનુભવે છે. એકબીજાના પૂરક છે, એકબીજાની સક્રિય સહાયતા વગર જીવી શકે નહીં.’’ સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે અને તેમાં કોઈ જ સર્વોપરી નથી એવું તેમણે અનેક વખત કહ્યું અને લખ્યું. છતાં કોઈને વધુ માર્કસ આપવા જ હોય તો એ સ્ત્રીઓને આપવા જોઈએ એવું પણ તેઓ કહેતા. 

કન્યા કેળવણીની બાબતમાં એમના વિચારો અત્યંત એડવાન્સ્ડ હતા. પુરુષો દ્વારા થતા સ્ત્રીઓના શોષણ વિરૂદ્ધ એમણે અનેક વખત કલમ ઉઠાવી. સ્ત્રીઓ અંગે ગાંધીજીએ જેટલું લખ્યું છે, અદ્દભુત કક્ષાનું છે. સ્ત્રી વિષે લખતી વખતે તેઓ ઉચ્ચતમ કક્ષાના ફિલસુફ બની જતા. કહો કે ખુદ સ્ત્રી જ બની જતા. તેમણે પોતે એ વાત કબૂલ કરી છે કે તેઓ સ્ત્રી અંગે વિચારતા હોય ત્યારે સ્ત્રીના હૃદયથી જ વિચારે છે. સ્ત્રીઓ વિશેનાં તેમનાં લખાણો વાંચીએ તો ગાંધીજીમાં રહેલા ઉત્તમ સમાજસુધારકનાં દર્શન થાય. એમણે સ્ત્રીઓને સ્પર્શતી તમામ બાબતો અંગે તેમણે લખ્યું છે. લગ્ન, પડદો, સમાનતા, દહેજ, વિધવાવિવાહ, છૂટાછેડા, સ્ત્રી સન્માન. કયા વિશ્વ પર એમણે નથી લખ્યું? ૨૮ કે ૩૦ની સાલમાં પણ તેઓ બહુ સહજતાથી કહી શકતા કે મનમેળ ન હોય તો છૂટાછેડા લેવામાં કશું ખોટું નથી. એમણે લખ્યું હતું ‘‘જો છૂટાછેડા એ જ માત્ર ઉપાય હોય તો મારી નૈતિક કેવળ અટકાવવાના કરતાં હું તે ઉપાય લેતાં આંચકો ન ખાઉં.’’ આ જ લેખમાં તેમણે આગળ લખ્યું હતું ઃ ‘‘હિન્દુ ધર્મમાં પતિપત્ની બંનેની પ્રતિષ્ઠા સંપૂર્ણ સમાન છે. રામ જાણે કયારથી, રિવાજ બીજો જ પડી ગયો છે.’’ 

એકવીસમી સદીનું અગિયારમું વર્ષ ચાલી રહ્યું છે. ગાંધીજીના વિચારો આજે કેટલા પ્રસ્તુત છે અથવા તેઓ જમાનાથી કેટલા આગળ હતા એ વાતની સાબિતી આપવાની જરૂર નથી. આજે કદાચ આપણને તેની સૌથી વધુ જરૂર છે. સ્ત્રીઓની સ્થિતિ અગાઉ કરતાં આજે બેશક બહેતર છે પણ હજુ એ પરિસ્થિતિ આદર્શ નથી. કેટલાક અધિકૃત આંકડાઓ:જેમને બજારે જવા માટે પણ પરવાનગી લેવી પડતી હોય તેવી સ્ત્રીઓની સંખ્યા ૬૮ ટકા છે, દેશની ૪૦ ટકા સ્ત્રીઓને પોતાના કુટુંબની આર્થિક ક્ષમતા પ્રમાણેનો સામાન્ય ખર્ચ કરવાની પણ સત્તા નથી, ૫૮ ટકા પુરુષો આપણે ત્યાં એવા છે, જે પોતાની પત્ની જો સેક્સ માણવાનો ઈનકાર કરે તો છળી ઊઠે છે, ૨૩ ટકા સ્ત્રીઓને તેમના પતિદેવો પરાણે સેક્સ માણવા મજબૂર કરે છે. પોતાનો પુત્ર લગ્ન અગાઉ શારીરિક સંબંધો બાંધે તો કશો વાંધો નથી એવું માનવાવાળા પિતાની સંખ્યા ૨૯ ટકા છે પણ આવું જ પોતાની પુત્રી વિશે વિચારતા હોય એવા પિતાની સંખ્યા ફક્ત ચાર ટકા છે. સ્ત્રી સમાનતા અને મહિલા ઉધ્ધારની વાતો જ વધુ થઈ છે, કામ ઓછું થયું છે. ખુદ સ્ત્રીઓએ પણ આ બાબતે કાગારોળથી વિશેષ કશું જ નથી કર્યું. સમાનતાની વાતો કરતી સ્ત્રીઓ પોતાના સ્ત્રીત્વનો હથિયાર તરીકે હંમેશાં ઉપયોગ કરે છે. પેટ્રોલ પંપ પર કે સિનેમાઘર કે રેલવે સ્ટેશન પર લાઈનો હોય ત્યારે સ્ત્રીઓ પોતાનું કામ પતાવવા આનું ઇમોશનલ બ્લેક મેઇલિંગ અવશ્ય કરે છે. ગાંધીજી આજે હયાત હોત તો સ્ત્રીઓની આવી માનસિકતા અંગે પણ સોઈ ઝાટકીને લખ્યું હોત. બહરહાલ સ્ત્રીઓ અંગેની બાબતોના તેમના વિચારો જોઈએ..... 

  

"જે રૂઢિ અને કાયદાના ઘડતરમાં સ્ત્રીનો કશો હિસ્સો નહોતો ને જેને માટે કેવળ પુરુષ જ જવાબદાર છે તે કાયદા ને તે રૂઢિના જુલમ નીચે સ્ત્રી કચડાતી આવી છે. અહિંસાના પાયા પર રચાયેલી જીવનની યોજનામાં પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી કરવાનો હક સ્ત્રીને છે. પણ અહિંસક સમાજની વ્યવસ્થામાં જે અધિકાર કે હક મળે છે તે કોઈને કોઈ ફરજ કે ધર્મપાલનમાંથી ફલિત થાય છે. તેથી એ વાત પણ સ્વીકારવી જોઈએ કે સમાજમાં વર્તવાના કે વહેતા કરવાના નિયમો સ્ત્રી ને પુરુષ બંને પરસ્પર સહકાર ને સમજૂતીથી નક્કી કરે. એ નિયમોના પાલન માટે બહારની કોઈ સત્તાની જબરદસ્તી કામ ન આવે. સ્ત્રીઓ સાથેના પોતાના વર્તનમાં કે વહેવારમાં પુરુષોએ આ સત્યને પૂરેપૂરું ઓળખ્યું નથી. સ્ત્રીને પોતાની મિત્ર કે સાથી ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે."


"હિન્દુસ્તાનની સ્ત્રીઓને આ હલકા દરજ્જા પરથી હાથ પકડીને ઉપર લેવાનો ખાસ અધિકાર મહાસત્તાવાદીઓનો છે. જૂના જમાનાના ગુલામને ભાન નહોતું કે મારે સ્વતંત્ર થવાનું છે અથવા મારાથી સ્વતંત્ર થવાય. આજે સ્ત્રીની દશા પણ કંઈક એવી જ છે. પેલા ગુલામને જ્યારે મુક્તિ મળી ત્યારે થોડો વખત એને એમ લાગ્યું કે મારો આધાર જતો રહ્યો. સ્ત્રીઓને એવું શીખવવામાં આવ્યું છે કે તમારે આપણે પુરુષોના ગુલામ છીએ એમ માનવું. અહીં મહાસત્તાવાદીઓની ફરજ એ છે કે તેઓ સ્ત્રીઓને પોતાના અસલ સંપૂર્ણ દરજ્જાનું ભાન કરાવે અને જીવનમાં પુરુષ સાથે સરખા દરજ્જાથી પોતાનો ભાગ લેવાને તેમને કેળવીને લાયક બનાવે."



"પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમને સેવાના સમાન કાર્યમાં સન્માન્ય સાથીઓ ગણવી. આટલા ખાતર જે સ્ત્રીને શાળા કે કોલેજની કેળવણી મળી નથી તેઓ બની શકે તેટલું શિક્ષણ પોતાના પતિ પાસેથી મેળવે. જે વાત પત્નીઓની તેવી ઘટતા ફેરફારો સાથે માતાઓની તે દીકરીઓની સમજવાની છે. "


"સ્ત્રી એ પુરુષની સહચારિણી છે, તેના સરખાર મનવાળી છે. પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મતાએ જાણવાનો તેને અધિકાર છે, જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવાનો હક છે અને જેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ. એ કંઈ અક્ષરજ્ઞાનનું પરિણામ નહીં હોય. અજ્ઞાનરૂપી અંધરૂપમાં ડૂબેલા જડ પુરુષો પણ કૂંડી પ્રથાને લીધે, ન શોભી શકે ન ભોગવી શકે તેવો અધિકારી સ્ત્રી ઉપર ભોગવે છે. સ્ત્રીઓની આ દશાને લીધે આપણી ઘણી પ્રવૃત્તિઓ અડધે જઈ અટકી પડે છે, આપણાં ઘણાં કાર્યો પૂરાં શોભી નીકળતાં નથી, અર્ધી મૂડીથી જ વેપાર કરનારા પચ્છમબુદ્ધિ વેપારીના જેવી આપણી સ્થિતિ છે. "


"સ્ત્રીઓના અધિકારી વિશે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી ન જોઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ."



"જાતીય સમાનતાનો અર્થ કંઈ એવો નથી કે બંનેએ ધંધા પણ એક જ કરવા શિકાર મારવા નીકળવું. અગર તો ભાલાફેંકમાં પાવરધાં થવું એ સામે સ્ત્રીને સ્ત્રી તરીકે કાયદેસરની મનાઈ ભલે ન રાખવામાં આવે, પણ અંતરપ્રેરણાથી જ એવા કામથી સ્ત્રી મોં ફેરવશે. એવું કામ પુરુષ જ કરે. કુદરતે સ્ત્રી પુરુષ બેઉને એકબીજાની અવેજી થવા સારું નહીં પણ એકબીજાના પૂરક થવા સારું સમજ્યાં છે. તેમનાં કામો તેમના દેહના ઘડતરની પેઠે જ કુદરતે નક્કી કરી આપ્યાં છે. "


"પવિત્રતા એ કૃત્રિમ વસ્તુ નથી. પરદાની ફરતી દીવાલથી તેનું રક્ષણ થઈ શકે ને એ અંદરથી ઊગી નીકળવી જોઈએ, અને તેનામાં કોઈ પણ વણમાગ્યાં પ્રલોભન સામે ટકી રહેવાની શક્તિ હોય તો જ તેની કિંમત છે.

અને સ્ત્રીઓની પવિત્રતા માટે આ બધી રોગિષ્ઠ ચિંતા શા માટે? પુરુષોની પવિત્રતા બાબત સ્ત્રીઓને કંઈ કહેવાની છૂટ છે? પુરુષોની પવિત્રતા માટે સ્ત્રીઓની ચિંતા વિષે આપણે કશું સાંભળતા નથી. સ્ત્રીઓની પવિત્રતાને નિયમનમાં રાખવાનો હક પુરુષોએ શા સારું પચાવી પાડવો જોઈએ? પવિત્રતા બહારથી લાવી ન શકાય. એ અંદરથી ઉગનારી વસ્તુ છે અને તેથી વ્યક્તિગત પ્રયત્નથી જ સિદ્ધ થઈ શકે. "



"લગ્નથી દંપતીને કેવળ એકબીજાની સાથે એકાંતનો હક ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેમને બંનેને એવો મેળાપ ઇષ્ટ લાગેે. પણ તેથી એકને બીજાની ઉપર શિરજોરી કરવાનો હક પ્રાપ્ત થતો નથી. જ્યારે દંપતીમાંનું એકનીતિના અથવા અન્ય કારણે બીજાની ઇચ્છાને વશ ન થઈ શકે ત્યારે શું કરવું એ અલગ પ્રશ્ન છે. જો છૂટાછેડા એ જ માત્ર ઉપાય હોય તો મારી નૈતિક પ્રગતિ અટકાવવાના કરતાં હું તે ઉપાય લેતાં આંચકો ન ખાઊં."


"જે સ્ત્રી દેશને તેજસ્વી, નિરોગી અને સુશિક્ષિત સંતાનો આપે છે તે પણ સેવા જ કરે છે."


"પોતાના પતિના પ્રેમનો અનુભવ કરાતો હોય એવી સ્ત્રી વિધવા થયે ઇચ્છાપૂર્વક પોતાનું વૈધવ્ય સ્વીકારી લે તો વૈધવ્ય જીવનને માધુર્ય અને ગાંભીર્ય અર્પે છે. ગૃહને પાવન કરે છે અને ધર્મને સુધ્ધાં ઉન્નત કરે છે પણ ધર્મ અથવા રૂઢિથી બળાત્કારે લદાયેલું વૈધવ્ય એ અસહ્ય બોજો થઈ પડે છે, અને ગુપ્ત પાપાચારથી તે ગૃહને ભ્રષ્ટ કરે છે અને ધર્મને અધોગતિએ લઈ જાય છે. જો આપણે આત્મશુદ્ધિ કરવી હોય, જો હિન્દુ ધર્મને બચાવવો હોય, તો આપણે બળાત્કારે પળાવવામાં આવતા વૈધવ્યના મહાવ્યાધિમાંથી બચી જવું જોઈએ."


"જેમના ઘેર બાળવિધવાઓ હોય તેમણે હિંમત ધરીને પોતાના રક્ષણ નીચેની બાળાનો યોગ્ય રીતે વિવાહ કરી દઈને સુધારો કરવો જોઈએ. વિવાહ કરી દઈને કહ્યું પુનર્વિવાહ નહીં, કારણ કે તેમનો વિવાહ ખરી રીતે થયો જ નથી."



"ઘરને સુવ્યવસ્થિત રાખવું, ચલાવવું એમાં એટલી જ ધીરતા રહેલી છે જેટલી એ ઘરબારને બહારના હુમલાથી રક્ષા કરવામાં રહેલી છે."



"જો હું સ્ત્રી હોત તો જરૂર સ્ત્રીને પોતાનું રમકડું માનનારા પુરુષની સામે બંડ કરત અને આજે હું મનથી સ્ત્રી બની ગયો છું. સ્ત્રીના હૃદયમાં પેસવાને માટે સ્ત્રી બન્યો છું. મારી સ્ત્રીનું હૃદય પણ, જ્યાં સુધી હું તેને ભોગનું સાધન માનતો હતો, ત્યાં સુધી નહોતો ચોરી શક્યો."


"જેને માટે પુરુષ પોતે જવાબદાર છે એવાં સઘળાં અનિષ્ટો પૈકી માનવ જાતના શ્રેષ્ઠતર અર્ધાંગનો તેણે કરેલો ગેરઉપયોગ સૌથી વધુ હીન, આઘાતજનક અને પાશવી છે. સ્ત્રીઓ મારે મન અબળા જાતિ નથી. બે પૈકી તે વધારે ઉષ્ણ છે, કેમ કે, આજે પણ તે ત્યાગ, મૂક કષ્ટસહન, નમ્રતા, શ્રદ્ધા અને જ્ઞાનની સાક્ષાત મૂર્તિ છે."



"સ્ત્રીએ પોતાની જાતને, પુરુષની વિષયવાસના સંતોષવાના સાધન તરીકે લેખવવાનો ઈનકર કરવો જોઈએ. એનો ઉપાય પુરુષો કરતાં વિશેષ કરીને તેના હાથમાં છે."



"શીલને વાડની જરૂર નથી હોતી, તેની આસપાસ પડદારૂપી વાડ ઊભી કરવાથી તેની રક્ષા કરી શકાતી નથી. એ દિલમાંથી ઊગવું જોઈએ અને હરેક વણમાગ્યાં પ્રલોભન સામે ટકી શકવાને સમર્થ હોય તો જ તેની કિંમત છે. "


"સ્ત્રીને અબળા જાતિ કહેવી એ તેની બદનક્ષી કરવા બરાબર છે, એ પુરુષ તો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે. બળનો પશુબળ એવો અર્થ કરવામાં આવતો હોય તો, સાચે જ, પુરુષ કરતાં સ્ત્રી ઓછાં પ્રમાણમાં પશું છે. બળનો નૈતિક બળ એવો અર્થ કરવામાં આવતો હોય તો સ્ત્રીપુરુષ કરતાં ક્યાંયે ચડિયાતી છે."


"અહિંસા આપણા જીવનનો કાયદો હોય તો ભાવિ સ્ત્રીઓને પક્ષે છે... સ્ત્રીના કરતાં હૃદયને વધારે અસરકારક અપીલ બીજું કોણ કરી શકે એમ છે?"



"સ્ત્રી એ પુરુષની સહચારિણી છે, તેના સરખા જ મનવાળી છે, પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મ એ જાણવાનો, તેને અધિકાર છે. જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવવાનો હક છે, અને જેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ. એ કાંઈ અક્ષરજ્ઞાનનું પરિણામ નહીં હોય. અજ્ઞાનરૂપી અંધારા કૂવામાં ડૂબેલા જડ પુરુષો પણ ન શોભી શકે, ન ભોગવી શકે તેવા અધિકાર, કૂડી પ્રથાને લીધે સ્ત્રીઓ ઉપર ભોગવે છે."



"લગ્ન એટલે માતાપિતાએ પૈસા માટે કરેલો સોદો એ મટવું જ જોઈએ. આ રિવાજને નાતની પ્રથા સાથે ગાઢ સંબંધ છે, જ્યાં સુધી અમુક નાતનાં કેટલાંક સો યુવાનયુવતીમાંથી જ લગ્નની પસંદગીનો સવાલ રહેશે, ત્યાં સુધી તમે ગમે એટલો વિરોધ કરો તો ય આ પૈસાના સોદાની પ્રથા રહેવાની એટલે, એ જો નિર્મૂળ કરવી હોય તો યુવાનો, યુવતીઓ અથવા એમનાં મા બાપે આ નાતની વાડાબંધી તોડ્યે જ છૂટકો."


*મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત 

    







    Tuesday, October 4, 2011

    "મારું ચાલે તો બધાં સદાવ્રતો જ બંધ કરાવી દઉં !"

    પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો 
    તેમને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં 
    બેસતો નથી. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે 
    અને સુસ્તી આળસ, દંભ તથા ગુનાખોરીને 
    પણ ઉત્તેજન આપ્યું છે !





    સાંપ્રત કાળમાં મહાત્મા ગાંધીના વિચારો કેટલી હદે પ્રસ્તુત છે? આ સવાલ ઘણા સમયથી ચર્ચાતો રહ્યો છે. છેક ગાંધીજીના સમયથી તેઓ જમાનાથી આગળ હતા કે તેમના વિચારો સંકુચિત હતા? ગાંધીજી અભ્યાસનો વિષય છે અને એમનાં લખાણો ચિંતનનો સબ્જેકટ છે. એમનાં લખાણો વાંચો કે ચિંતન આપમેળે ચાલુ થઈ જાય. મગજમાં કોઈ જેરણી કે મિક્સર ફેરવતું હોય એવું લાગે. આખું ચેતનાતંત્ર હચમચી ઊઠે. તેઓ પોતાના મોટા ભાગના વિચારો બાબતે સ્પષ્ટ હતા. આપણે ધર્મ પરના તેમના વિચારો આજની તારીખે કેટલા પ્રસ્તુત છે એ જાણવાની કોશિશ કરી છે. પણ એમનું  વિચારવિશ્વ બહુ વિશાળ છે. આવનારા દિવસોમાં આપણે કેળવણી, પત્રકારત્વ, અહિંસા, સેક્સ, રાજનીતિ, સમાજ અને અન્ય વિષયો પર તેમણે કરેલું ચિંતન માણીશું. આ પ્રકરણનો વિષય છે: ધર્મ. આદર્શ ધર્મ કેવો હોઈ શકે? કેવો હોવો જોઈએ? ધર્મમાં કેવી કેવી બદીઓ પેસી ગઈ છે એ અંગે એમનું થિકિંગ કેટલું ક્રાન્તિકારી હતું, એ વાતનો ખ્યાલ એમનાં લખાણમાંથી મળી રહે છે. ધર્મ અંગે, ધર્મસ્થાનો વિશે કે ધર્મગુરુઓ માટે તેમણે જેવાં સ્ટેટમેન્ટ ૩૦, ૩૫ કે ૪૦ની સાલમાં કર્યાં હતાં એવાં આજે પણ કોઈ કરવાની હિંમત નથી કરતું. તેઓ જેવું લખતા એવું જ જીવતા હતા અને જેવું તેમનું જીવન એવું જ તેમનું લખાણ. આચરણ અને લખાણ વચ્ચે સંપૂર્ણ એકરૂપતા હોય, કશી વિસંગતી ન હોય એવા કિસ્સા બહુ જવલ્લે જોવા મળે છે. કદાચ એટલે જ તેઓ મહાન છે.

    ધર્મ વિશે સારું કે ખરાબ લખવું બહુ અઘરું નથી, પણ તેના અંગે તટસ્થ લખવાનું ખરેખર કપરું છે. ગાંધીજી બહુ ખૂબીપૂર્વક આવું બેલેન્સ્ડ લખી શકતા. હિન્દુ ધર્મને તેમણે સંપૂર્ણ સમર્પિત ભાવથી સ્વીકાર્યો પણ તેમાં રહેતી બદીઓની તેમણે હૃદયપૂર્વક નિંદા કરી. જે લોકો એવું કહેતા હોય કે ‘‘ગાંધીજીના વિચારો આજે પ્રસ્તુત નથી’’ તેમણે ગાંધીજીએ લખેલા ધર્મ પરનાં લખાણો વાંચવાં જોઈએ. ગાંધીજી આજની તારીખે પણ પ્રસ્તુત છે. ધર્મ અંગેના તેમના વિચારો આજે અન્ય કોઈપણ વિચારક કરતાં વધુ પ્રસ્તુત છે.

    સદાવ્રતો વિશે લખવાની આજે કોણ હિંમત કરી શકે? સદાવ્રતો આજે પણ આપણે ત્યાં આળસનાં અને એદીપણાનાં કેન્દ્ર છે. વાસ્તવમાં એ ધર્મગુરુઓની શતરંજનો એક ભાગ જ છે. સદાવ્રતો ધર્મસ્થાનને ધૂમ આવક રળી આપે છે. પાંચ રૂપિયાના ખર્ચ સામે પાંચસોની આવક. શ્રીમંતો, ધર્મગુરુઓ, એદીઓનું એક વિષચક્ર છે. જે નિરંતર ચાલ્યા કરે છે. શ્રીમંતો પોતાનો અહમ્ સંતોષવા અથવા પોતે કરેલાં કુકર્મોનું દ્રાવણ ડાઇલ્યૂટ કરવા માટે ધર્મસ્થાનોને અખૂટ ધન આપે છે. ધર્મગુરુઓ એ ધનમાંથી પછી થોડાંઘણાં નાણાં સદાવ્રત પાછળ ખર્ચે છે અને મોટો ભાગ સગેવગે કરી નાંખે છે. સમાજમાં આ ધર્મગુરુઓની વાહવાહ થાય છે. સદાવ્રત વગરનાં ધર્મસ્થાનો ખરેખર તો માર્કેટિંગ ડિવિઝન વગરની કંપની જેવાં છે. એનું કામ લોકોએ આંજી દેવાનું હોય છે. બહુમતી લોકો સદાવ્રતો જેવી તદ્દન પ્રૉફેશનલ બાબતમાં પણ કોઈ દૈવી સંકેતના કે ચમત્કારનાં દર્શન કરે છે. લોકો હંમેશાં કહે છે કે ‘ફલાણા સદાવ્રતના કોઠાર કદી ખાલી થતા નથી.’ લોકોની અંધશ્રદ્ધાને પણ તળિયું કયાં હોય છે વળી?

    ધર્મ અંગે ગાંધીજીએ પુષ્કળ લખ્યું છે. ફક્ત હિન્દુ ધર્મ પર જ નહીં પણ ઇસ્લામ, બૌદ્ધ અને ખ્રિસ્તી પર પણ. લોકો કહે છે કે ગાંધીજીએ હંમેશાં મુસ્લિમોની તરફેણ કરી. પણ ઇસ્લામ અંગે પણ સ્પષ્ટ કહેતાં તેઓ કદી અચકાયા નહોતા. બિટવીન ધી લાઇન્સ તેમણે લખ્યું કે ‘‘ઇસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી.’’ ઇસ્લામની કેટલીક સારી બાબતોનો તેમના આ વાક્યમાંથી પરિચય મળે છે તો અમુક બાબતો પ્રત્યે ઇસ્લામ બહુ જડ છે અને હિંસક પણ છે એવું પણ તેઓ આડકતરી રીતે કહે છે. આ બાબતે ગાંધીજી આજે પણ કેટલી હદે પ્રસ્તુત છે એ કહેવાની જરૂર રહેતી નથી. 

    "ધર્મસ્થાનોના નામે
    ભારતભરમાં ભંડારો
    સડી રહ્યા છે.
    વાસ્તવમાં એ ધર્મસ્થાન
    નથી, છેતરપિંડી કરવાનાં
    સાધનમાત્ર છે.
    એ ભ્રષ્ટાચારનાં
    કેન્દ્ર બની ગયાં છે"
    ઇસ્લામના કેટલાક હિંસક સિદ્ધાંતો આજે હિન્દુઓને બહુ પજવી રહ્યા છે. સ્યૂડો સેક્યુલરિસ્ટની ગેંગ હજુ પણ તમને કહે છે કે તમે આ બધું ચુપચાપ સહન કરી લો. આવી વધુ પડતી સહનશીલતાને અથવા તો કાયરતાને તેઓ પાછા ‘ગાંધીચીંધ્યા’ માર્ગમાં ખપાવી દે છે. વાસ્તવમાં ગાંધીજીએ કયો માર્ગ સૂચવ્યો હતો? તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘‘મારો ધર્મ મને એ વાતની છૂટ આપે છે કે આશ્રિતોની રક્ષા કરવા માટે અથવા જવાબદારી પૂર્ણ કરવા કાજે હુમલાખોરોને મારવા પડે, મરી જવું પડે તો પણ મને રંજ નથી.’’ વાત જ્યારે આખી જમાત પર કે આખા સમાજ પરના અત્યાચારની હોય ત્યારે ગાંધીજી બહુ સ્પષ્ટતાપૂર્વક કહે છે કે તેનો પ્રતિકાર થવો જ જોઈએ.

    ધર્મને ગાંધીજીએ બહુ સુક્ષ્મતાપૂર્વક નિહાળ્યો છે. ખૂબ જ નજીકથી. તેમણે ખ્રિસ્તીઓની ધર્માંતર પ્રવૃત્તિની ટીકા કરી છે તો હિન્દુઓના કુરિવાજોને દૂર કરવા સારું પણ કહ્યું છે. ધર્મની સામાજિક જવાબદારીઓ તરફ તેમણે આંગળી ચીંધી તો ધર્મસ્થળોની બદીઓ અંગે પણ બહુ સ્વસ્થતાપૂર્વક સાચી વાત બયાં કરી. અંગત મત તો એવો છે કે આપણો સામાન્યજન કદાચ આપણા ધર્મગુરુઓ કરતાં વધુ ચારિત્ર્યવાન, ઝાઝો ઇમાનદાર અને નિષ્ઠાવાન છે. ગાંધીજી પણ કદાચ એ જ મત ધરાવતા હતા. ધર્મ પર અને સંપ્રદાય પર તેમણે લખેલાં લખાણો વાંચીએ તો એવું જ લાગે જાણે આ વાક્યો આજે જ લખાયાં હોય. એમના દ્વારા લખાયેલાં કેટલાંક અદ્દભુત કવૉટેશન્સ વાંચશો તો આ વાત સાબિત થઈ જશે.

    • ભારતના પંચાવન લાખ સાધુઓ દેશ માટે કલંક સમાન છે.
    •  સાધુઓ પોતાની આળસ દૂર કરી મઠમાં, ધર્મસ્થાનોમાં સંગ્રહ કરેલું ધન સાર્વજનિક કાર્યોમાં વાપરશે તો તેમના અંગે શિક્ષિત સમાજમાં જે માન્યતા છે તે તાત્કાલિક દૂર થશે.
    •  સાધુઓ નશાબાજીનો અને કુવ્યસનોનો ત્યાગ કરી દેશના હિત માટે રચનાત્મક કાર્યોમાં લાગી જાય તો દેશને ઘણો જ લાભ થાય. દેશ માટે નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરનારી લાખો લોકોની ફોજ આપોઆપ મળી જાય.
    • અજ્ઞાની ગુરુ પાસે આત્મસમર્પણ કરવા કરતાં હું અંધારામાં ભટકવાનું વધુ પસંદ કરીશ.
    •  જ્ઞાન, ઉપાસના અને કર્મ એ ઇશ્વરપ્રાપ્તિના અલગઅલગ માર્ગ નથી, આ ત્રણ વસ્તુના મિલનથી જ એક સાચો માર્ગ બને છે.
    •  પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો તેમને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં બેસતો નથી. મારી પાસે સત્તા હોય તો હું બધાં સદાવ્રત બંધ કરાવી દઉં. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે અને સુસ્તી આળસ, દંભ તથા ગુનાખોરીને પણ ઉત્તેજન આપ્યું છે. આવા અપાત્ર દાનથી દેશની ભૌતિક કે આધ્યાત્મિક સંપત્તિમાં કશો વધારો થતો નથી અને દાન દેનારાઓને પુણ્ય કર્યાનો ભ્રમ થાય છે. દાતાઓ પરિશ્રમાલયો ખોલે, જ્યાં ભોજન માટે કામ કરવા ઇચ્છતા સ્ત્રીપુરુષોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં કામ આપીને ભોજન આપે તો કેવું સરસ અને ડહાપણભર્યું કહેવાય! અંગત રીતે હું માનું છું કે પરિશ્રમાલય ચલાવવા માટે રેંટિયો અથવા કપાસ લોઢવાથી માંડીને ખાદી વણવા સુધીની કોઈપણ ક્રિયા આદર્શ ઉદ્યોગ ગણાય. પણ તેમને આ પસંદ ન હોય તો બીજું કોઈપણ કામ કરાવી શકાય. શરત માત્ર એટલી જ કે, ‘મજૂરી ન કરે તેને ભોજન નહીં મળે.’
    • એવા લાખો ભૂખે મરતા પડ્યા છે’ જેમની આગળ ઈશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે એવો કોઈ રસ્તો બતાવશો તો તેમને ઈશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમની અને ઈશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઈ સાંભળવાનું નથી.
    • મારો ધર્મ મને શીખવે છે કે બીજાની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દો. બીજાને મારવા માટે હાથ પણ ન ઉઠાવો, પણ એ ધર્મ મને એ વાતની પણ છૂટ આપે છે કે મારા આશ્રિતોની રક્ષા કરવા માટે અથવા જવાબદારી પૂર્ણ કરવા માટે હુમલાખોરોને મારવા પડે, યુદ્ધ કરતાં મરી જવું પડે તો પણ મને રંજ નથી.
    •  ઈશુ એ ઈશ્વરનો એકમાત્ર અૌરસ પુત્ર છે એ વચન અક્ષરશઃ સાચું છે એમ હું માનતો નથી. ઈશ્વર કોઈ એક જ મનુષ્યનો પિતા હોય ને બીજાનો ન હોય એ સંભવી ન શકે, એટલે ઈશુ એકલા જ દેવાંશી હતા એમ મારાથી માની ન શકાય. જેટલા દેવાંશી કૃષ્ણ, રામ, મહંમદ કે જરથુષ્ટ્ર હતા, તેટલા જ ઈશુ હતા. એ જ પ્રમાણે બાઇબલનો એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ હું માનતો નથી, જેમ વેદ કે કુરાનનો એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ પણ માનતો નથી. આ દરેક ગ્રંથ એકંદરે ઈશ્વરપ્રેરિત છે, પણ છૂટાં છૂટાં વચનો લેતાં ઘણાં વચનોમાં મને ઈશ્વરની પ્રેરણા દેખાતી નથી. મારે મન તો ગીતા ને કુરાનના જેટલો જ બાઇબલ એ પણ એક ધર્મગ્રંથ છે.
    •  હું હિન્દુત્વ પ્રત્યે એવી ભાવના રાખું છું જેવી મારી પત્ની પ્રત્યે મને હોય. એથી તમામ ખામીઓ જાણીને પણ હું તેમાંથી અલગ ન થઈ શકું. હિન્દુત્વના તમામ દોષ જાણતો હોવા છતાં, હું તેની મર્યાદાઓ સ્વીકારતો હોવા છતાં હું તેની જોડે બંધાયેલો છું, તેને પ્રેમ કરું છું.
    • મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મીને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુધર્મ સાંકડો નથી, તેને લીધે હિંદુઓ બીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીં બીજા ધર્મમાં સાર હોય તે ગ્રહણ કરી શકે છે. અહિંસા ધર્મમાત્રને સામાન્ય છે પણ હિંદુ ધર્મમાં એ સિદ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે.
    •  ઈસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ શાંતિનો ધર્મ સમજું છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી.
    • મંદિર, મસ્જિદ કે દેવળ ત્રણમાં હું કશો ભેદ કરતો નથી. મનુષ્યમાત્ર એક નહીં તો બીજે રૂપે પ્રતિમાપૂજક છે, અને પ્રત્યેક જણ ભલે જુદે જુદે ભાવે, અને જુદી જુદી રીતે પણ પોતાની પ્રતિમા દ્વારા પરમેશ્વરને જ પૂજે છે.
    • મને મારા ધર્મ વિષે પૂરી શ્રદ્ધા છે. તેને ખાતર હું મરણને ભેટવામાં પણ પાછીપાની ન કરું. પણ મારો ધર્મ મારી અંગત બાબત છે રાજ્યને તેની સાથે કશી લેવાદેવા ન હોય. તમારી તંદુરસ્તીની, તમારા વાહનવહેવારની, તમારા પરદેશ સાથેના સંબંધોની, તમારાં નાણાંની તેમ જ ચલણની અને એવી જ બીજી, ધર્મના ક્ષેત્રના બહારની બાબતોની સંભાળ લેવાની ન હોય કે માથું મારવાનું ન હોય. ધર્મ સૌ સૌની અંગત બાબત છે.
    •  એક ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ દરેક ધર્મનો મૂળ મંત્ર છે પણ હું એવા વિશ્વની કલ્પના પણ નથી કરી શકતો જેમાં માત્ર એક જ ધર્મ હોય.
    • ધર્મ તો જુદા જુદા માર્ગ છે જે એક જગ્યાએ એકઠા થાય છે. જો આપણે એક જ લક્ષ્યાંક પર પહોંચી શક્યા હોઈએ તો અલગઅલગ રસ્તાઓ પર ચાલવામાં નુકશાન શું છે?
    • ધર્મનું આભૂષણ વૈરાગ્ય છે, વૈભવ નહીં.
    •  જે ધર્મ વ્યાવહારિક, સામાજિક મામલાઓ પર ધ્યાન નથી આપતો તેને હું ધર્મ નથી માનતો.
    •  હું ધર્મથી ભિન્ન રાજનીતિની કલ્પના પણ નથી કરી શકતો. વાસ્તવમાં ધર્મ તો આપણા દરેક કામમાં વ્યાપક હોવો જોઈએ. અહીં ધર્મનો અર્થ કટ્ટરપંથી નથી. એનો અર્થ થાય છે ઃ વિશ્વની એક નૈતિક સુવ્યવસ્થા.
    • ધર્મસ્થાનોનું ધન રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગમાં આવે તો એમાંથી રૂડું બીજું શું હોઈ શકે? ધાર્મિક સ્થળોની સંપત્તિ હવે શિક્ષણ, સંસ્કૃતિ અને સત્કાર્યોમાં વપરાય તો દેશનું કલ્યાણ થઈ જાય. દરેક ધર્મસ્થળને ટ્રસ્ટનું સ્વરૂપ આપી દેવાનું પણ અનિવાર્ય છે.
    • ધર્મસ્થાનોના નામે ભારતભરમાં ભંડારો સડી રહ્યા છે. વાસ્તવમાં એ ધર્મસ્થાન નથી, છેતરપિંડી કરવાનાં સાધનમાત્ર છે. એ ભ્રષ્ટાચારનાં કેન્દ્ર બની ગયાં છે.
    • એ એક દુઃખદ હકીકત છતાં ઐતિહાસિક સત્ય છે કે ધર્મગુરુઓ, જેઓ ધર્મના સાચા સંરક્ષક હોવા જોઈએ, તેઓ જ ધર્મનો નાશ કરવામાં કારણભૂત બન્યા છે.
    • ધર્માંતર કરવાની આધુનિક રીતની હું વિરુદ્ધ છું. હિંદુસ્તાનમાં તેમજ દક્ષિણ આફ્રિકામાં ધર્માંતરનો ખૂબ અનુભવ લીધા પછી મને પાકી ખાતરી થઈ છે કે તેથી ધર્મ બદલનારાઓનું નૈતિક બળ વધતું નથી. એટલું જ નહીં, પણ તેઓ પાશ્ચાત્ય સભ્યતાનો આડંબર જ ગ્રહણ કરે છે, અને ઈશુ ખ્રિસ્તનો ઉપદેશ ચૂકે છે. અહીં હું સામાન્યપણે જે દશા પ્રવર્તે છે તેની જ વાત કરું છું. ભવ્ય અપવાદો તો છે જ. પણ બીજી બાજુ ખ્રિસ્તી પાદરીઓએ આડકતરી રીતે કરેલી સેવા ઘણી છે. તેણે હિન્દુ તથા મુસલમાનોને પોતાના ધર્મોની બારીકીથી તપાસ ચલાવતા કર્યા. આપણી આંતરવ્યવસ્થા તરફ આપણે કાળજી રાખતા થયા. ખ્રિસ્તી ધર્મમંડળોની મોટી મોટી શિક્ષણની સંસ્થાઓને પણ હું આડકતરી સેવામાં ગણું છું કેમ કે તે સંસ્થાનું સ્થાપન પણ ધર્માંતરના એક સહાયક અંગ તરીકે જ થયું છે.
    • જેને માટે ધનિક લોકો જવાબદાર છે એવો ભિખારીઓનો મુશ્કેલ સવાલ દરેક શહેર સમક્ષ પડેલો છે. હું જાણું છું કે આળસુ માણસને મફત ટુકડો ફેંકવો તે સહેલું છે, પણ જ્યાં ભોજન મળે તે પહેલાં પ્રામાણિક મજૂરી કરવાની હોય એવી સંસ્થા  પરિશ્રમાલય  ચલાવવી એ અઘરું કામ છે. આર્થિક દ્રષ્ટિએ જોતાં, શરૂઆતમાં તો, આજે ચાલતાં અન્નક્ષેત્રો કરતાં લોકો પાસેથી કામ લઈને તેમને ભોજન આપવાનું ઘણું મોઘું પડશે. પણ મને ખાતરી છે કે આ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલી રખડુઓની જમાતને ભૌમિતિક ગતિએ વધવા દેવી ન હોય તો લાંબે ગાળે એ જ સસ્તું પડશે.   

    *મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત 



    Sunday, October 2, 2011

    ઓશોની નજરે ગાંધીજીઃ ગોડસે તો ગાંધી હત્યા ન કરી શકયો પણ ગાંધીવાદીઓ કરશે!


    ગાંધી જયંતી વિશેષ 


    છેલ્લી સદીમાં ભારતે પેદા કરેલા મહાપુરુષોની યાદીમાં બે નામો સોથી ઉપર આવે છે : ગાંધીજી અને ઓશો. બેઉના મોટા ભાગના વિચારો કદાચ સામસામા અંતિમોના હતા. પોતાના જીવન દરમિયાન ઓશો ગાંધીજી વિશે અનેકાનેક વખત બોલ્યા છે. ગાંધીજીના કેટલાંક વિચારોની તેમણે સખ્ત આલોચના કરી છે. દેખ કબીરા રોયા નામનું તેમનું  દળદાર પુસ્તક. મહાત્મા ગાંધી પરનાં તેમનાં વક્તવ્યોનો જ સંગ્રહ છે. ૧૯૬૭ ૬૮ના વર્ષ દરમિયાન આચાર્ય રજનીશે રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ અને મુંબઈમાં ગાંધીજી અંગે શ્રેણીબદ્ધ પ્રવચનો કર્યાં.

    ઓશોનો બંડ વિચારક ગાંધીજી સામે હતો. એક વ્યક્તિ તરીકે. ઓશો તેમનો ભરપૂર આદર કરતા હતા. એક સાચો કિસ્સો છે: ગાંધીજીના એક ચુસ્ત અનુયાયી એક વખત ઓશોને મળવા ગયા. સ્વાભાવિક રીતે જ તેમની ચર્ચાનો વિષય ગાંધીજી ન હોય. ઓશોએ બહુ શાંત ચિંત્તે કહ્યું: ગાંધીજી વિશે, તેમના વિચારો અંગે હું ઘણું ઘણું કહેવા માંગું છું. પણ જ્યારે હું એમના વિશે વિચારવા બેસું છું... બુઢ્ઢા બિચમેં આ જાતા હૈ. પ્રસંગ ખાનગી છે. તેની નોંધ કયાંય નથી. જોકે જાહેરમાં પણ ઓશોએ વ્યક્તિ તરીકે ગાંધીજીની અનેક વખત પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગાંધીને હું સદીના સૌથી મહાન માનવી ગણું છું. મને એમના પ્રત્યે જેટલંુ માન છે એટલંુ બહુ ઓછા લોકો માટે છે. નૈતિક દ્રષ્ટિએ તેઓ ભારતી સર્વશ્રેષ્ઠ વ્યક્તિમાં સ્થાન પામે. પણ તેમના વિચારો સામે મારો વિરોધ છે.

    રજનીશે ગુજરાતનાં શહેરોમાં યોજાયેલી પ્રવચનમાળામાં ગાંધીજીની અસંગત. અવૈજ્ઞાનિક વાતોને તર્કબદ્ધ રીતે વખોડી કાઢી. સખત શબ્દોમાં આલોચના કરી. બ્રહ્મચર્ય અંગેની તેમની વિચારધારાનો અને રેંટિયો, યંત્ર તથા દારિદ્રય પ્રત્યેની તેમની દ્રષ્ટિનો ઓશોએ ભયંકર વિરોધ કર્યો. ઓશોની વાતો તર્કસંગત છે. તેમણે કહ્યું કે, અધ્યાત્મ કદી ગરીબીમાંથી પ્રગટ થતું નથી. ગાંધીજીએ શબ્દ વાપર્યો:  દરિદ્રનારાયણ. ગરીબી તો ખતમ કરી દેવા જેવી વસ્તુ છે. એ એક બીમારી છે. મહામારી. પણ તમે જેને ભગવાન માનો છો તેને મીટાવશો કેવી રીતે. ગરીબીને આટલો બધો આદર શા માટે. જો દરિદ્રનારાયણ હોય તો પછી મેલેરિયાનારાયણ અને ઝાડાનારાયણ પણ હોવા જોઇએ. ઓશોએ કહ્યું કે: ગરીબીનો આદર કરવાથી ક્યારેય એ દૂર નથી થતી. ભારતમાં છેલ્લાં પાંચ હજાર વર્ષોથી આપણે આ ભ્રમને ઉછેરી રહ્યાં છીએ કે ગરીબી કોઇ દિવસ વસ્તુ છે. છેલ્લાં પાંચ હજાર વર્ષથી આપણી જે અવદશા થઈ છે તેની પાછળ પણ આ જ ચિંતન જવાબદાર છે. આ રોગિષ્ટ વિચારધારાએ જ આપણી પ્રગતિ રૂંધી છે. અભાવમાં જીવવામાં મહાનતા છે એવંુ વારંવાર આપણને શીખવવામાં આવ્યું એટલે જ આપણી અવગતિ થઈ. શા માટે વિશ્વની એક પણ મહત્વપૂર્ણ શોધ ભારતમાં નથી થઈ. કદી વિચાર્યું તમે ? અધ્યાત્મને અને ગરીબીને દૂર દૂર સુધી સંબંધ નથી. હિન્દુસ્તાન જ્યારે આર્થિક દ્રષ્ટિએ બહુ સંપણ હતંુ ત્યારે અધ્યાત્મ ઉંચાઇ પર હતું.  ગાંધીજીએ કહ્યું સંતોષ રાખો, જરૂરિયાત ઓછી રાખો. હું કહું છું કે સંતોષથી મોટો કોઈ અપરાધ નથી. જૈનોના ૨૪ તીર્થકરો રાજકુમાર હતા, મહાવીર, રામ, બુદ્ધ અને કૃષ્ણ રાજકુમારો હતા. અધ્યાત્મ અને સંતોષ એ સંપણતા અને સુખસંપત્તિ પછીના ચરણ છે.

    મહાત્મા ગાંધીને ઓશો ભારતની પાંચ હજાર વર્ષ પુરાણી સડેલી વિચારધારાના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા. ઓશોના વિચારો કોઈ સ્વસ્થદિમાગ ધરાવતી વ્યક્તિને હચમચાવી નાંખવા માટે પૂરતા છે. જે ક્ષણે તમે એમના આ વિચારો વાંચો છો કે તમારી ભીતર વિચારમંથન ચાલુ થઈ જાય છે. શા માટે આપણે અભાવમાં રહેવું? જગત જ્યારે ચંદ્રમંગળ પર વસાહતો સ્થાપવાનો વિચાર કરી રહ્યું હોય ત્યારે આપણે શા માટે સંતોષમાં રહેવાની વાતો કરવી? સંતોષ રાખીને, જરૂરિયાતો ઘટાડીને આપણે મેળવ્યું શું? ગાંધીજીની ફિલસૂફી દેખીતી રીતે બહુ સરળ છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિએ દરરોજ આઠ કલાક રેંટિયો કાંતવો, પોતાનું  બધુ જ કામ જાતે કરવું સ્વાવલંબી થવું. ઓશો કહે છે: તમે કેટલા વર્ષ જીવવાના? માની લો કે ૬૦ વર્ષ. દરરોજની આઠ કલાકની ઉંઘ ગણો તો તમારા ૨૦ વર્ષ સૂવામાં ગયા. આઠ કલાક રેંટિયો કાંતવા બેસો તો બાકીનાં ૨૦ વર્ષ તેમાં અને ગાંધી વિનોબાના સિદ્ધાંત મુજબ તમારા ચંપલને ખીલી મારો, કપડાં ધુવો, સાબુ બનાવો, ઝાડુપોતાં કરો તો તમારી પાછળ જિંદગીનાં કેટલાં વર્ષો બચ્યાં. બહુ વિચારવા જેવંુ છે! ખરેખર, મોચી તેનું  કામ કરે. કાપડ માટે મિલો છે. વાળ કાપવા માટે વાળંદ છે. કપડાં સીવવા કાજે દરજી છે. જે જેનું કામ, બધાએ બધું જ કામ કરવાની કોઇ જરૂર નથી.

    આચાર્ય રજનીશ પોતાના સમયથી ઘણા આગળ હતા. ગાંધીવાદીઓને તેઓ બહુ વહેલા જ ઓળખી ગયા. પોતાનાં પ્રવચનનોમાં તેમણે આ તકવાદી જમાતને બરાબર ખખડાવી નાંખી. તેમનો આક્રોશ જેટલો ગાંધીવિચારો સામે હતો એટલો જ સ્યૂડો ગાંધીવાદીઓ સામે પણ હતો. એટલે જ પછી ગાંધીવાદીઓ તેમના પર તૂટી પડ્યા. અત્યંત અહિસક રીતે, સ્વામી આનંદે કહ્યું: કોઈ કાગડો પણ મસ્જિદની ટોચ પર બેસીને પોતાની જાતને મુલ્લામાં ખપાવવા લાગે છે. એવું જ રજનીશનું છે. ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું: તેઓ (રજનીશ) ઉંમરમાં નાના છે એટલે આવું બોલે છે. પરિપકવ થશે પછી નહીં બોલે. મોરારજી દેસાઇએ કહ્યું કે હવે તો આધ્યાત્મિક લોકો પણ ગાંધીજીની આલોચના કરવા માંડ્યા છે. ઓશોએ આ બધી જ ટીકાનો જવાબ આપ્યો. ગાંધીવાદીઓ સામે તેમનો સખ્ત વિરોધ હોવા છતાં. સો કોલ્ડ ગાંધી યન્સનો તેઓ હંમેશાં વિરોધ કરતા રહ્યાં. તેમણે કહ્યું: ગાંધીજીની વિદાય પછી તેમની જગ્યાએ સેકન્ડ કલાસ લોકો આવી ગયા અને હવે તો થર્ડ કલાસ આવી ગયા છે. એવા લોકો, જે ગાંધીજીની સભામાં પાથરણાં પાથરવાનું કામ કરતા હતા. ગામમાં ઢોલ પીટવાનું કામ કરતા હતા, આજે સત્તાસ્થાને છે. ૧૯૬૭ના ગાંધીવાદીઓ જો ઓશોને થર્ડ કલાસ લાગ્યા હોય તો આજના ગાંધીવાદીઓને જોઇને તેઓ શું કહે, આજના તેમને કેવા લાગે. કલાસ લેસ. કોઈ જ સ્તર વગરના.

    રજનીશને ગાંધીજીના વિચારો સામે તો વાંધો હતો જ પણ ગાંધીજીની અન્ય કેટલીક બાબતો પણ તેમને પસંદ ન આવી. તેમણે કહ્યું:  મને ગાંધીજી સામે મુખ્ય ત્રણ બાબતે વાંધો છે. પહેલી વાત:  તેમણે પોતાની વાતો માટે કયારે પણ તર્ક રજૂ ન કર્યા. પોતાની દરેક વાતને તેમણે અંતરાત્માના અવાજમાં ખપાવી. બીજી વાત:  તેમની આત્મહત્યાની ધમકી, અનશનની ધમકીએ એવી ખોટી પ્રથા શરૂ કરી કે તેનો અંત ક્યારે આવશે એ સવાલ છે. હું  તો એમના ઉપવાસને પણ હિંસા જ માનું છું. ત્રીજી વાત:  તેમણે રાજકીય આંદોલનમાં વિદ્યાર્થીઓને ઘસડ્યા. વિદ્યાર્થીઓ હવે રાજનીતિમાં વધુ રસ લેવા માંડ્યા છે અને ભણતરમાં ઓછો. રજનીશને ગાંધીજી સામે જે વાંધો હતો એવી જ તકલીફ ઘણાને હતી. નેહરુ સરદારને ગાંધીજીની ઘણી વાતો ગળે ઉતરતી નહીં. ડૉ. આંબેડકરે એક વખત કહ્યું હતું કે હું એટલા માટે નથી મૂકતો કે ગાંધીજી સાચા છે. હું તો માનું જ છું કે મારી વાત સાચી છે. પણ હું નથી ઇચ્છતો કે ગાંધીજી જેવો સારો માણસ આવી રીતે મરી જાય (ઉપવાસ કરીને), એટલે હું મારી વાત પડતી મૂકું છું:  રવીન્દ્રનાથ ટાગોરે અને એનિ બેસન્ટે પોલિટિકલ મૂવમેન્ટમાં વિદ્યાર્થીઓને ઘસડવાના ગાંધીજીના વ્યાયામનો સખ્ત વિરોધ કર્યો તો ગાંધીવાદીઓએ તેમની દેશદ્રોહી કહ્યા. ગાંધીજીએ કે ગાંધીવાદીઓએ વિરોધમતનો આદર કર્યો હોય, તર્ક આપ્યા હોય એવાં બહુ જુજ ઉદાહરણો જોવા મળે છે. ઓશોએ ગાંધીજીની આવી જ કેટલીક તર્કવિહીન બાબતોને ટાંકીને તેની કડક શબ્દોમાં આલોચના કરી. ઓશોના જ શબ્દોમાં ગાંધીજી વિશેના કેટલાક અભિપ્રાયો...

    * * *
    *રેંટિયાથી ધન પેદા નથી થતું. ફક્ત કોઈ રીતે વસ્ત્રો પેદા થાય છે. કોઈ રીતે તન ઢાંકી શકો છો તમે. અને એ શરીર ઢાંકવાનું પણ બહુ મોંઘુ પડે છે, કારણ કે કોઈ એક વ્યક્તિ પોતાના માટે કાપડ બનાવવા માંગે તો તેણે રોજેરોજ કમસે કમ ચાર કલાક ચરખો ચલાવવો પડે. તો જ એ પોતાના કોટ, ખમીસ, પાયજામો, ચાદર વગેરે આખા વર્ષના કપડાં તૈયાર કરી શકે. ફક્ત કપડાં પહેરવા માટે જ કોઈ વ્યક્તિના રોજના ચાર કલાક ખર્ચાઈ જતા હોય તો એ બહુ મોંઘો સોદો છે. એ તો માનવીના જીવન સાથે રમત જ થઈ ગણાય.

    *ગાંધીના વિચારો વૈજ્ઞાનિક નથી. અવૈજ્ઞાનિક છે. તેમના વિચારો નૈતિક તો છે પણ સાયન્ટિફિક નથી... બિહારમાં ભૂકંપ આવ્યો તો ગાંધીના અવૈજ્ઞાનિક ચિંતને શંુ કહ્યું ? કહ્યું હતું કે બિહારમાં એટલા માટે ભૂકંપ આવ્યો કે ત્યાંના હરિજનો સાથે અત્યાચાર થયો છે. એનાં ફળ તેને મળી રહ્યાં છે. બહુ વિચિત્ર વાત કરી તેમણે. હરિજનો સાથે હિન્દુસ્તાનભરમાં બીજે કયાંય અત્યાચાર નથી થયા? અને જો હરિજનો પરના અત્યાચારના કારણે ભૂકંપ કે દુષ્કાળ થાય તો હિન્દુસ્તાનમાં ક્યારેય અણનો દાણો પણ પેદા ન થવો જોઇએ એટલા અત્યાચાર થઈ ચૂક્યા છે. પણ અવૈજ્ઞાનિક ચિંતનની કોઈ મર્યાદા નથી હોતી. ગાંધીને કોઈ વાત બરાબર લાગે તો કહેશે. મારો અંતરાત્મા કહી રહ્યો છે. તમારો અંતરાત્મા તો કંઈ પણ કહેશે. મારો અંતરાત્મા કહી રહ્યો છે. તમારો અંતરાત્મા તો કંઈ પણ કહેશે. તમારો અંતરાત્માં એ કંઈ કોઈ વાત સાચી હોવાનો પુરાવો નથી. અને આવી રીતે દરેક વ્યક્તિનો અંતરાત્મા જો પુરાવો બની જાય તો દેશ એક પાગલખાનું બની જાય.

    *હું તમારી છાતી પર છરો લઈને ચડી જાઉં તો એ પણ હિંસા છે અને તમારા દરવાજે ઉપવાસ પર બેસી જાઉં તો એ પણ હિંસા જ છે. છેવટે તો હંુ તમને દબાવી જ રહ્યો છું અને કોઈ વખત છરાનો પણ એટલો ડર નથી લાગતો, જેટલો ડર કોઈ વ્યક્તિ તમારા આંગણે આવીને મરી જાય તેઓ હોય છે. વળી ગાંધી જેવા ભલા માનવી મરતા હોય તો આપણે આપણી ભૂલ ન હોવા છતાં પણ ઝૂકીને તેમને બચાવી લઇએ. આ માણસને મરવા ન દેવો જોઇએ. બહુ મુલ્યવાન માણસ છે. પણ ગાંધીજીની અવૈજ્ઞાનિકતાના કારણે તેમને એ પણ નથી સુઝતું કે કોઈપણ પ્રકારનું દબાણ હિંસા જ છે. તમે કોઈને છરાથી દબાવો કે પોતે મરી જવાની ધમકી આપીને દબાવો એ ગૌણ છે.



    *ગાંધી અદભૂત વ્યક્તિ છે. નૈતિક દ્રષ્ટિથી અદ્ભૂત વ્યક્તિ છે. ચરિત્રની દ્રષ્ટિએ અદભુત છે. બહુ હિમ્મતવાન છે. જે તેમને બરાબર લાગે છે એ જ કરે છે. સંપૂર્ણ પ્રયાસોથી કરે છે. પોતાનો પ્રાણ દાવ પણ લગાવી દે છે. પોતાની કુર્બાની આપી દે છે. તેમના આવા પ્રભાવના કારણે. આવી છાપના કારણે તેમના અવૈજ્ઞાનિક ચિંતનનો પણ આપણી પર પ્રભાવ પડે છે. સાચા માણસો કયારેય કયારેક ખતરનાક સાબિત થાય છે. કેમ કે તેઓ આપણને એવા પ્રભાવિત કરી નાંખે છે કે તેમની ભુલો આપણને દેખાતી નથી. ખરાબ માણસો કયારેય પોતાની ક્ષતિઓ બીજા પર લાદી શકતા નથી. કારણ કે આપણને ખબર પડે છે કે એ ખરાબ માણસ છે. પણ સારો માણસ ખરેખર જોખમી હોય છે. દેશ આખો માનવા માંડે છે કે આ માણસ જે કંઈ કરે છે એ વાજબી છે. યોગ્ય છે, એ જે કંઈ પણ વિચારે છે એ સારું જ હોવું જોઇએ.હું ગાંધીના અવૈજ્ઞાનિક વિચારોના સ્પષ્ટપણે વિરોધ કરું છું. અને આ વિરોધ એટલા માટે પણ જરૂરી છે કે ગાંધી એટલા મહિમાવાન વ્યક્તિ છે કે તેમની ભૂલો અને અજ્ઞાન અને તેમના આવા વિચારો આપણા આખા દિમાગનો કબ્જો લઈ લેશે. ગાંધી પ્રત્યે પૂરેપૂરા પ્રેમ સાથે. તેમના મહિમા માટે, તેમના માટે પૂરેપૂરા આદર સાથે, તેમની સેવાઓ માટે સંપૂર્ણ સત્કાર સાથે તેમના એ હિસ્સાઓથી દેશને બચાવવો પડશે. જે દેશને ગર્તામાં લઈ જઈ શકે છે.

    *ગાંધી ક્રાન્તિવાદી ચિંતક નથી. રિફોર્મીસ્ટ, સુધારાવાદી ચિંતક છે. જો હિન્દુસ્તાનમાં અસ્પૃશ્યતા ચાલે છે. આફત જેવાં દૂષણો છે તો તેઓ તેને સારું નામ આપી દેશે:  હરિજન, તેઓ એમ નહીં કહે કે જે ધર્મએ આવી બેઇમાનીનું સર્જન કર્યું છે એ ધર્મને આગ લગાવી દો. ગાંધી ક્રાન્તિવાદી નથી. તેઓ કહેશે કે હિન્દુ પણ ઠીક છે અને મુસલમાન પણ ઠીક. બંને ભાઇભાઇ છે. જ્યારે વાસ્તવમાં બંને બીમારી છે. કોઈ ઠીક નથી. બંનેમાંથી કોઇની જરૂર નથી. ન હિન્દુની, ન મુસલમાનની, હિન્દુસ્તાનને માનવીની જરૂર છે.

    *ગાંધીના વ્યક્તિત્વ પ્રત્યે મને આદર છે. પણ ગાંધીના વિચારો જ્યાં ખોટા હોય તો ચાહે જે પરિણામ આવે. હું  એ વિચારોને ખોટા કહેવા માંગુ છું. અને હું દેશની નવી પેઢી પાસેથી, વિચારશીલ લોકો પાસેથી એવી આશા રાખું છું કે જો કોઈ મને ગાળો ભાંડે તો તેઓ મને જુઠ્ઠો કે ખોટો નહીં સમજવા માંડે. પણ મને દેવામાં આવતી ગાળો એ વાત સાબિત કરશે કે મારી વાતોના ઉત્તર મને નથી મળી રહ્યા. બસ, મને ગાળો દેવાઈ રહી છે. ગાળો કમજોર લોકો આપે છે. હું જે કહું  છું એના જવાબ મળવો જોઇએ. હું જવાબ માટે તૈયાર છું અને હું એમ પણ નથી કહેતો કે હું  જે કહું  છું એ સાચું છે, કારણ કે મને તો તર્કમાં અને વિચારમાં શ્રધ્ધા છે. હું એવો દાવો પણ નથી કરતો કે મારો અંતરાત્મા જે કહે છે એવું જ થવું જોઇએ.

    *ગાંધીને હું  આ સદીના સર્વશ્રેષ્ઠ માનવી માનું છું. એટલે તેમના પર વિચાર થવો જોઇએ. જે શ્રેષ્ઠત્તમ છે તેના પર બહુ સજાગ રહીને અને ધ્યાનપૂર્વક વિચાર થવો જોઇએ. સાધારણ માણસો પર વિચાર કરવાની જરૂર નથી પણ ગાંધી વિશે વિચાર કરવાની જરૂર છે. આવનારાં પચ્ચીસ-પચ્ચાસ વર્ષોમાં હિન્દુસ્તાનમાં જે કંઈ પણ થવાનું છે એનો આધાર એના પર જ છે કે આપણે ગાંધી અંગે શો નિર્ણય લઇએ છીએ. જો આપણે એવો નિર્ણય લેવો હોય કે ગાંધીના વિચારો વાજબી છે તો પછી સો ટકા એવો જ નિર્ણય લો. પછી યાંત્રિકતા અને વિકેન્દ્રીકરણ પડતાં મૂકો. તો પાછા આવો. મોટાં શહેરો તોડી નાંખો. ગામડામાં પાછા આવી જાઓ અને ગાંધીનો પ્રયોગ પૂર્ણ કરો. ઇમાનદારીથી એ નિર્ણય લો. પ્રતિબદ્ધતાથી... યાંત્રીકરણ બંધ કરો. પશ્ચિમ પાસેથી સહાયતા લેવાનું બંધ કરો. પછી ભિલાઈ કે ભાખરા નાંગલ પણ ન બનાવો. પણ બેઇમાની ન કરો. એક તરફ તમે મોટી મિલ બનાવો છો અને બીજી તરફ ખાદીને પ્રોત્સાહન આપો છો... પણ મને લાગે છે કે ગાંધીના પક્ષે જવું એ આપઘાત છે. આ કહેવાનો મને અધિકાર છે. મને લાગે છે કે ગાંધીવાદથી સંપૂર્ણપણે મુક્ત થવું જોઇએ. દેશને નવીનતમ વૈજ્ઞાનિક ઉપકરણોની, શ્રેષ્ઠતમ ટેક્નોલોજીની, કેન્દ્રીકરણની. નવી નવી શોધની. નવા વિજ્ઞાનની જરૂર છે. જેથી દરિદ્રતા દૂર થઈ શકે અને દેશ સંપન્ન થઈ શકે.

    *કોઈ વ્યક્તિ ગાંધીને ગાળો ભાંડવા લાગી જાય ત્યારે બહુ મુશ્કેલી સર્જાઇ જાય છે અને ગાંધીની પૂજા કરવા માંડે ત્યારે પણ તકલીફો સર્જાય છે અને જ્યારે કોઇ વ્યક્તિ બંનેની વચ્ચે રહી ક્રિટિકલ થિન્કિંગ કરી રહ્યો હોય ત્યારે તો બંને તરફથી માણસો તેને ધક્કા મારે છે અને કહે છે કે તું કોઈ એક પક્ષમાં સામેલ થઈ જા.

    *આ આપણા દિમાગને તોડવું પડશે આપણે. એન્ટિ ટેક્નોલોજિકલ માઇન્ડ છે આપણું. આપણો વિચારવાનો ઢંગ એવો છે કે મશીનથી બચો અને માણસો પાસેથી કામ લો. ગાંધીજી જે કહી રહ્યા છે એ વાસ્તવમાં ગાંધીજી ભારતની ત્રણ હજાર વર્ષની તમામ બેવકૂફીના પ્રતિનિધિ છે.

    *ગાંધીવાદીઓએ ગાંધીને ક્યાં ક્યાં બેસાડી રાખ્યા છે, ખબર છે ? પોલીસ સ્ટેશનમાં બેઠો કોન્સ્ટેબલ, માબહેનની ગાળો ભાંડી રહ્યો છે અને પાછળ તસવીર લગાવેલી છે. અદાલતમાં, જ્યાં દરેક પ્રકારની બેઇમાની ચાલે છે. ભ્રષ્ટાચાર ચાલે છે ત્યાં ગાંધીની તસવીર છે. તમે ગાંધીને કંઈ પંચમ જ્યોર્જ સમજો છો? તમે તેમની સાથે સારો વ્યવહાર કરી રહ્યાં છો? પણ તમને ગાંધીથી કોઈ જ મતલબ નથી. તમને સ્વયંથી મતલબ છે. તમે ગાંધીની તસવીર સર્જીને પોતાને છુપાવવાના પ્રયત્ન કરો છો. પણ ક્યાં સુધી દેશની પ્રજાને દગો આપી શકશો. છેતરી શકશો? તમે છુપાઈ નહીં શકો પણ જોખમ એ છે કે ગાંધી પ્રત્યેનંુ માન, એમની ગરિમા ખતમ ન થઈ જાય. ગાંધીવાદીઓથી ગાંધીને બચાવી લેવા બહુ જરૂરી છે. નહિતર ગોડસે તો ગાંધીને મારી નથી શક્યા પણ ગાંધીવાદીઓ તેમને મારી નાંખી શકે છે.

    *ગાંધીએ પુનઃ આપણને પાછળની દ્રષ્ટિ પકડાવી દીધી. ગાંધી કહેવા લાગ્યા, રામરાજ્ય લાવવંુ જોઇએ. બહુ વિચિત્ર વાત છે. રામ બહુ પ્યારા છે. પણ રામરાજ્ય? રામરાજ્ય બિલકુલ અલગ વાત છે... એ તો પૂંજીવાદથી પણ પછાત સમાજ વ્યવસ્થા છે.

    *હું આપને કહેવા માંગું છું કે ગાંધીવાદીઓની આલોચનામાં પડશો નહીં. આ દેશએ પોતાનાં મસ્તિષ્કની આલોચના કરવી જોઇએ. તમે કાંકરા પથ્થરને હીરા મોતી સમજી લેવાની તમારી જૂની આદત કયારે છોડશો? ગાંધીવાદીઓ ત્યાં જ છે જ્યાં તેઓ હોઈ શકે. એનાથી વિશેષ તેઓ કંઈ જઈ શકે એમ પણ નહોતા. તેમની આલોચનામાં સમય ગુમાવવાનું વ્યર્થ છે.

    *ગાંધીએ જે ફિલોસોફી શીખવાડી, દેશને, એ હતી અતૃપ્તિમાં સુખ મેળવવાની. વ્યર્થ, એનું કોઈ જ પ્રયોજન નથી. તેનો ખતરો હશે અને જોખમ ભોગવવું પડશે અનુયાયીઓએ. મહાત્મા તો વિદાય થઈ જશે પણ અનુયાયીઓ ફસાઈ જશે પાછળ. અને એમને તકલીફ થશે. અને બધા જ લોકો કહેશે કે આ લોકો ગાંધીનાં સિધ્ધાંતોને ખોટા સાબિત કરી રહ્યા છે. હું આપને કહું છું કે ગાંધીજીના સિધ્ધાંતો કયારેય કોઈ ઓળંગી નથી રહ્યા. મહાત્માના સિદ્ધાંતો જ એવા છે કે આ બિચારા માણસો તેના ચક્કરમાં પડીને આપમેળે જ ખોટા સાબિત થઈ રહ્યા છે. તેઓ ખોટા સાબિત થશે જ.

    *ગાંધીજી ઈંગ્લેન્ડમાં હતા ત્યારે ત્યાં જબરદસ્ત ઉહાપોહ હતો. એ સમયગાળો આ સદીના પ્રારંભનો હતો. નવી સદીનો જન્મ થઈ રહ્યો હતો. ડાર્વિનના સિદ્ધાંતોની ચર્ચા હતી. કાર્લ માકર્સ એ નવી વાત કરીને દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. તેણે પ્રથમ વખત કહ્યું હતું કે ગરીબ અને અમીર એ સમાજ વ્યવસ્થાના પરિણામે છે, કોઈ કર્મોનાં ફળનું પરિણામ નથી. એ પહેલાં લોકો એમ જ કહેતા કે માણસ પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. આ સદીના ક્રાન્તિકારી ચિંતનનાં તમામ અણુઓ ઈંગ્લેન્ડની હવામાં હતા. પણ ગાંધીને એ બધાની કોઈ અસર જ નહોતી. લાગે છે કે ગાંધીને ખબર જ નહોતી કે ડાર્વિન નામની કોઈ વ્યક્તિ છે. ગાંધીએ ૧૯૪૨માં માકર્સનું પુસ્તક વાંચ્યું. પચાસ વર્ષ પછી અને પચાસ વર્ષ પહેલા જ્યારે તેઓ ઈંગ્લેન્ડમાં હતા ત્યારે આ બધી હવા હતી. ગાંધીને ત્યાં કોની સાથે સંબંધો બંધાયા? તેમનો સંબંધ બહુ વિચિત્ર લોકો સાથે થયો. શાકાહારીઓના સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહ્યા. શાકાહારની વાતો કરવાનું તેમણે પસંદ કર્યું. ચા પીવી જોઇએ કે ન પીવી જોઇએ. આ સબજી ખાવી જોઇએ કે ન ખાવી જોઇએ અને દૂધ પીવું હોય તો બકરીનું કે ગાયનું પીવું? ગાંધીજી આવા બધા લોકો સાથે ઈંગ્લેન્ડમાં હળ્યામળ્યા. ભળ્યા. થોડું વિચારવા જેવું છે. જ્યાં દરેક પ્રકારની ક્રાન્તિનાં સૂત્રો સર્જાઈ રહ્યા હતાં. ગાંધીનો સંબંધ બહુ વિચિત્ર લોકો સથે બંધાયો. અને તેઓ એમના જ સંપર્કમાં આવ્યા, એની જ વાતો શીખીને પાછા ફર્યા પશ્ચિમથી તેઓ ત્રણ વ્યક્તિના વિચારો લઇને ભારત આવ્યા. એટલે વધુ એક વાત તમે સમજી લેજો કે સામાન્ય રીતે લોકો સમજે છે કે ગાંધીજી ભારતનાં મહાન પ્રતિનિધિ છે એ વાત બરાબર નથી. ગાંધીજીના ત્રણેય ગુરુ પશ્ચિમી છે. ટોલ્સ્ટોય, રસ્કીન અને થોરો. આ ત્રણેયની વિચારધારાથી તેઓ પ્રભાવિત છે. આ ત્રણેયના વિચારો તેમણે આત્મસાત કર્યા છે. તેઓ પછી આજીવન એના જ પ્રયોગો કરે છે. આ ત્રણેય બિલકુલ અવૈજ્ઞાનિક વિચારના લોકો છે. એમનાં ચિંતનમાં કયાંય વૈજ્ઞાનિકતા નથી. એમની વાતો એવી છે કે તેનો અંશમાત્રનો પણ જો કોઈ વ્યક્તિ અમલ કરવા માંડે. તેને સાચી માનવા માંડે તો ફરીથી જંગલી દુનિયામાં જતો રહે.

    *મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત