Showing posts with label INDIA and TERRORISM. Show all posts
Showing posts with label INDIA and TERRORISM. Show all posts

Friday, January 18, 2013

ગઝની, રોમીલા અને દુષ્ટ સેક્યુલરિયાઓ: વર્તમાનને પણ ટ્વિસ્ટ કરી શકતા લોકો જ્યારે ઈતિહાસ સાથે ખેલ ખેલે છે ...


SOMNATH - GHAZNI - DR. RAJENDRA PRASAD
તસ્વીર - 1: ગઝનીએ સોમનાથમાં મૂર્તિઓનો ધ્વંશ કર્યો હતો એ દર્શાવતું એક ચિત્ર,
તસ્વીર-2: અવિરત આક્રમણો પછી ખંડિત અવસ્થામાં રહેલું સોમનાથ મંદિર,
તસ્વીર-3: જીર્ણોધ્ધાર માટે સોમનાથ આવેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ,
તસ્વીર-4: નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જામ સાહેબ વગેરે,
તસ્વીર-5: વતમાન સમયના સોમનાથ મંદિરનું રાત્રીનું દ્રશ્ય 

સાવધાન! હમારી બીજી કોઈ શાખા નથી! અમને માલુમ થયું છે કે, સોમનાથના નામે  કેટલાક ભળતા - સળતા લોકો પોતાની ડાબેરી વિચારધારાની રેંકડી ચલાવવા નીકળ્યા છે, આવા કાછિયાઓથી ચેતવા સૌને ભલામણ છે. હમારો માલ અસલી છે - ત્યાં સઘળું નકલી છે! મોદી વિરોધ અને હિન્દુત્વ વિરોધની લારી વર્ષોથી ચલાવતા આવા ફેરિયાઓ ઇતિહાસને તોડવા - મરોડવા માટે કુખ્યાત છે, અરે! તેઓ વર્તમાનને પણ તોડી-મરોડી જાણે છે: ગોધરા કાંડ તેમના મતે નરોડા પાટિયાથી શરુ થયો હતો! અને જગતના દરેક પ્રશ્નોનું મૂળ મોદી જ છે, એવું તેઓ ગર્વપૂર્વક માને છે! એમના બ્રેડ એન્ડ બટર આ બે-ત્રણ રેંકડી પર જ ટકેલા છે ... પોતાની અટપટી થીયરી સાબિત કરવા તેઓ કોઈ પણ આલિયામાલિયા ઇતિહાસકારના પુન્છડે ઝૂલી શકે છે! શંભુપ્રસાદ દેસાઈ અને રોમીલા થાપરના સેકંડ હેન્ડ કે થાઉઝંડ્થ હેન્ડ અભિપ્રાયો પર હમારો લેખ આધારિત નથી, વળી હમારા લેખમાં કોમન સેન્સ અને અક્કલ પણ ઇસ્તેમાલ કરવામાં આવેલ છે - જેની લાગતા - વળગતા , ધૂણતા અને ધુણાવતા તત્વોએ નોંધ લેવી. હમારા લેખમાં અલ બેરુનીના અને ઉત્બીના સંદર્ભો ઝાઝા છે અને ઈતિહાસ કહે છે કે,  શંભુપ્રસાદ દેસાઈ અને રોમીલા થાપર ગઝની ભેગા ભારત નહોતા આવ્યા - બેરુની આવ્યો હતો અને ઉત્બી પણ પધાર્યો હતો. હમારા ખ્યાલ મુજબ રોમીલા અને દેસાઈજી ગઝનીના કાળમાં હતા જ નહિ - કાછિયાઓ પાસે એવા સંદર્ભો પણ હશે જેમાં તેઓ થાપર અને દેસાઈનો જન્મ ઇસવીસન પૂર્વે થયો હોવાનું સાબિત કરી શકે! આવા દુષ્ટ તત્વોથી ચેતતા રહેજો - ચેતતો નર અને ચેતતી નારી સદા સુખી! ચૈન સે સોના હૈ તો અબ જાગ જાઓ ... ડાબેરી દુષ્ટો અબ ભાગ જાઓ .... જોતા રહેજો આ બ્લોગ ... કળીયુગના ડાબેરી દૈત્યોનો પર્દાફાશ કરવા આ જ શ્રેણીમાં અન્ય લેખો પણ આવી રહ્યા છે ....


THANESAR - GHAZNI - UTBI - AL BERUNI
થાનેસરના અપભ્રંશ થયેલા નામે ઓળખાતું સ્થાનેશ્વર મંદિર: અલ બેરુની અને ઉત્બી સહીત
અનેક ઈતિહાસકારોએ અહીં થયેલા ભયાનક યુદ્ધનું - કત્લેઆમનું ધ્રુજાવી દેતું વર્ણન લખ્યું છે 

"(હરિયાણાના) થાનેસરમાં હિન્દુઓએ તેને મૂર્તિ ખંડિત નહિ કરવા અને મંદિર નહિ તોડવાની વિનંતી કરી - તેના બદલામાં દર વર્ષે તેને મોટી રકમનો તથા દર વર્ષે હીરા - ઝવેરાત અને પચાસ હાથીઓ આપવાનો પ્રસ્તાવ મુક્યો. મેહમુદએ પ્રસ્તાવ નકાર્યો અને કહ્યું: "મારો ધર્મ મને કહે છે કે, પયગંબર સાહેબના સિદ્ધાંતોનો જેટલો ફેલાવો કોઈ વ્યક્તિ કરશે, વિધર્મીઓની મૂર્તિઓનો વિધ્વંશ કરશે ... એટલા જ પ્રમાણમાં તેને જન્નતમાં વળતર - ઇનામ મળશે!" આ જ તેનું વલણ હતું ... અલ્લાહની મદદથી ભારતની જમીન પરથી મૂર્તિ પુજકોને ભૂંસી નાખવા એ તેનું લક્ષ્ય હતું! તો પછી એ થાનેસરમાં આવી લાલચમાં શા માટે અટવાય? સોમનાથમાં પણ તેને આવી જ રજુઆત થઇ, શિવલિંગ નહિ તોડવાની શરતે તેને વાર્ષિક ધોરણે તગડી રકમ ચુકવવા માટે હિંદુઓ તૈયાર હતા. તેની સેનાના અગ્રણી સલાહકારો વગેરેએ પણ તેને સલાહ આપી કે, આ પ્રસ્તાવ તેણે સ્વીકારી લેવો જોઈએ ... કેમ કે, જેટલી વાર્ષીક રકમ ચુકવવા હિંદુઓ તૈયાર થયા હતા એટલી તો તેને લૂંટ દ્વારા પણ મળે એમ નહોતું! તેનો જવાબ એકદમ સ્પષ્ટ અને સરળ હતો, તેના માટે તેના ધર્મનો વૈભવનું મુલ્ય લૂંટના માલ કરતા વધુ હતું! તેણે કહ્યું: 
'મને ખ્યાલ છે કે, મૂર્તિ ના તોડું તો મને ફાયદો છે!
પણ હું ઈચ્છું છું કે, કયામતના દિવસે અલ્લાહ મારા વિષે એમ કહીને મને સાદ આપે કે, 'ક્યાં છે એ મેહમુદ - જેણે કાફીરોની મહાકાય મૂર્તિઓ તોડી છે?' 
હું એવું નથી ઈચ્છતો કે, મારા માટે એવું બોલાય કે, 
'ક્યાં ગયો એ મેહમુદ - જેણે થોડા સોના માટે કાફીરોની મૂર્તિ વેંચી નાખી!"


આ બયાન મારું નથી, એ કોઈ કલ્પના નથી પરંતુ મોહમદ ગઝનીએ ભારતમાં મચાવેલા કાળા કેરનો આંખે દેખ્યો અહેવાલ છે. આ વર્ણન છે અબુ નાસર મુહંમદ ઈબ્ન મુહંમદ અલ જબ્બારું - એ - "ઉત્બી"નું. ઉત્બીના નામથી ઓળખાતો આ ઇતિહાસકાર મોહમદ ગઝનીનો મંત્રી હતો, એ ભારત તેની સાથે જ આવ્યો હતો અને પછીથી તેણે "તારીખ-એ-યમની" નામનું એક પુસ્તક લખ્યું હતું જેમાં તેણે ગઝનીની યુદ્ધશૈલી વિષે અને તેની ધર્માન્ધતા અંગે ઘણું લખ્યું છે. ડફોળ ડાબેરીઓ જ્યારે રોમીલા થાપરના ફાલતું તર્ક અને શંભુપ્રસાદ દેસાઈના વિચારો (એને તથ્ય ના કહી શકાય, એ વિચારો છે!) ટાંક્યા કરે છે, ત્યારે અલ બેરુની વિષે અને ઉત્બી વિષે સિફતપૂર્વક કશું બોલતા નથી - બીજી શક્યતા એ છે કે, તેમને આખા પ્રકરણનો અભ્યાસ નથી! બેઉ સંજોગોમાં તેઓ પાપી અને દુષ્ટ સાબિત થાય છે - કારણ કે, અભ્યાસ ના હોય તો આવા વિષયને સ્પર્શ જ ના કરવો જોઈએ! પોતાનું ખરજવું ખંજવાળવાની તેમની "ઈચ" અને તૃષ્ણા ભાંગવા તેઓ કેટકેટલા તઃયોનો ખાત્મો બોલાવતા હોય છે! એક ભાઈ ગઝનીને સેક્યુલર ઠરાવવા કહે છે કે, "ગઝનીની સેનામાં હિંદુ સેનાપતિ પણ હતા એ આપણે ભૂલવું ના જોઈએ!' તે હોય જ ને! આજે પણ તમે ગઝનીના સેનાપતિ તરીકે ફરજ બજાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી હોય તો એ સમયે પણ તમારા જેવા ગદ્દારો હશે જ ને! હિન્દુઓનો ઈતિહાસ આમ પણ છળકપટ અને પરાજયોની દાસ્તાનથી ઉભરાઈ રહ્યો છે, તેમાં આજે પણ ગઝનીના પાયદળિયા તરીકે સેવા આપતા ગદ્દારોનું પ્રદાન ઓછું નથી.

આજે ગઝનીના દલાલો અને સેક્યુલર સોદાગરો ગઝની વિશે કેરેક્ટર સર્ટિફિકેટ ફાડી રહ્યા છે, આ એ જ રક્તપિપાસુઓ છે જે ઇતિહાસને  હંમેશા તોડતા અને મરોડતા રહ્યા છે. માત્ર ઈતિહાસ જ શા માટે, તેઓ તો વર્તમાન સાથે પણ ચેડા કરતા રહે છે. હા! આ એ જ જમાત છે - જેમના મતે ગુજરાતના હુલ્લડોની શરૂઆત નરોડા પાટીયાથી અને અમદાવાદના તોફાનોથી થઇ હતી, ગોધરા રેલ્વે સ્ટેશનથી નહિ! હિન્દુઓની એક ઐતિહાસિક ભૂલ એ રહી છે કે, તેઓ ડોકયુમેન્ટેશનમાં હમેશા નબળા પુરવાર થયા છે પરંતુ ઇસ્લામિક સ્કોલર્સ બહુ અગાઉથી આવી બાબતોનું દસ્તાવેજીકરણ કરતા આવ્યા છે. એમની એ આદત અને સદગુણ આજે આપણને કામે લાગે છે. નહીતર દંભી સેક્યુલરિયાઓના આ યુગમાં તો કોઈ એવો દાવો પણ કરી શકે છે કે, મુહંમદ ગઝની નામનો શખ્સ જ હતો નહિ અને ભારત પર કદી આવા હુમલાઓ થયા જ નથી! હા! ઇતિહાસ સાથે ચેડા કરવા અને દિવસને રાતમાં તથા રાતને દિવસમાં ખપાવવી ... એ જ તેમનો રોટલો છે, જો તેમના લખાણમાંથી આવાં કચરા - કસ્તર બાદ કરી નાખો તો કોઠીમાં હેઠે પછી કાદવ પણ વધતો નથી. ઠીક છે, પેટ કરાવે વેઠ ... એવું અમસ્તા જ નથી કહેવાયું!

VAJRESHWARI - NAGARKOT - HIMACHAL - GHAZNI
હિમાચલના નગર કોટમાં આવેલા વજ્રેશ્વરી દેવીના મંદિરને પણ ગઝનીએ છોડ્યું નહોતું





           

બહરહાલ આપણે હવે ઉત્બીના લખાણો તરફ ધ્યાન આપીએ, કારણ કે, એ એટલી હદ્દે ઓથેન્ટિક છે અને સજ્જડ છે કે, દુષ્ટો તેનો ક્યારેય ઉલ્લેખ જ નહિ કરે. ઉત્બી લખે (ત્યારે સંઘ નહોતો એટલે 'આ લખાણ RSS  દ્વારા પ્રાયોજિત છે' એવું સુભાષિત બોલતા પહેલા ઈતિહાસ ચકાસી લેવો, અંગ્રેજી ના સમજાતું હોય તો વડીલોની મદદ લઇ શકાય!)  છે કે,  "મેહમુદ એક ઉત્સાહી અને થનગનતો ઇસ્લામિક દૂત હતો, ઇસ્લામમાં તેને અપાર શ્રધ્ધા હતી. (શાર્વાના યુધ્ધનું વર્ણન કરતા એ લખે છે કે) મુસલમાનોને મન દૌલતનું મહત્વ ત્યાં સુધી નહોતું - જ્યાં સુધી તેઓ કાફીરોની અને સૂર્ય - અગ્નિના પુજકોની કત્લેઆમ દ્વારા ધરાઈ ના જાય. કતલ થયેલા હિંદુઓના શબ ફંફોસી ને તેમના ગજવામાં છૂપાવેલા રત્નો  વગેરે મેળવવામાં ત્રણ દિવસ ગયા - કેમ કે, લાશોના ઢગલા જ એટલા મોટા હતા!  લૂંટમાં માલમાં સોનું, ચાંદી, માણેક અને મોતીઓનો ભંડાર હતો - જેની કીમત ત્રણ હજાર હજાર દિર્હામ (મુસ્લિમો એ સમયે હજાર કરતા આગળની ગણતરી જાણતા ના હતા  અને એ વાત અલ બેરુનીએ પણ નોંધી છે) થતી હતી! ગુલામો એટલા ભેગા થઇ ગયા હતા કે, તેમના ભાવ સાવ ગગડી ગયા હતા, ગઝ્ના નગરની દુકાનોમાં પણ આ જ ગુલામોને કામે રખાયા. એક ગુલામ માત્ર  બેથી દસ દિર્હામમાં વેંચાતો  હતો!"

ગઝની એક ધર્માંધ લૂંટારું હતો અને એ વાત એ સમયના ઈતિહાસકારોએ બહુ ગર્વપૂર્વક કબુલ કરી છે, એમના માટે એ ઘટનાઓ શરમજનક નહોતી પરંતુ ગૌરવપ્રદ હતી! ઈસ્લામને ફેલાવવા બદલ અને હિન્દુઓનો ખાત્મો કરવા બદલ ખલીફા અલ કાદિર બી-ઇલાહએ તેને "કહ્ફું - દ દૌલત વું - ઈ ઇસ્લામ" (રાજ્ય અને ઇસ્લામનો સંરક્ષક) નો ખિતાબ આપ્યો હતો, ઇતિહાસકાર મીન્હાજ - ઈ - સિરાજ (જન્મ; 1193, ઘુરીદ - અફઘાનિસ્તાન)એ પોતાના પુસ્તક 'તબાકત - એ - નાસીરી'માં લખ્યું છે કે, "ગઝની એ ઇસ્લામનો એક મહાયોદ્ધો હતો, તેણે એક હજાર કરતા પણ વધુ હિંદુ મંદિરોને મસ્જીદમાં ફેરવી નાખ્યા હતા!" વર્ણનો અનેક છે, એ સમયના ઈતિહાસકારોએ બધું નોંધ્યું છે, ગઝનીની ભારત લૂંટની દાસ્તાન એ સમયના લગભગ ચૌદ ઈતિહાસકારોએ નોંધી છે અને આ બધાના વર્ણનમાં એક વાત એકસમાન છે કે, "ગઝનીને મૂર્તિ પૂજકો અને સૂર્ય-અગ્નિના ઉપાસકો (હિંદુઓ)ની કત્લેઆમમાં એટલો રસ હતો કે, એ માત્ર લૂંટનો માલ મેળવીને સંતોષ માની લે એમ નહોતો!" ઉત્બીનું બયાન આગળ વધે છે, હવે વાત આવે છે થાનેસર (હરિયાણા)ની કત્લેઆમની: "... નાસ્તિકો (હિંદુઓ)નું લોહી એટલા પ્રમાણમાં વહ્યું હતું કે, ત્યાં વહેણમાં વહેતા પાણીનો રંગ લાલ થઇ ગયો હતો, એ પાણી પીવા લાયક પણ રહ્યું નહોતું! સુલતાન જ્યારે ત્યાંથી પાછો આવ્યો ત્યારે તેની સાથે અખૂટ સંપત્તિ અને હજ્જારો ગુલામો લાવ્યો હતો, આસપાસના મુલ્ક - ઈરાક, ખુરાસન વગેરે જગ્યાએથી લોકો અહીં ખાસ ગુલામોની ખરીદી કરવા આવતા હતા! નગરકોટ (હિમાચલ - કાંગડા) માં તેને મળેલાં લૂંટના માળનું કુલ વજન સાત લાખ મણ હતું - જેમાં હીરા - માણેક અને સોના ચાંદી, રત્નો તથા ભરતકામ કરેલા વસ્ત્રો અને વાસણ જેવી અનેક વસ્તુઓ હતી!" 

કોઈ ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ અને તેનું વર્ણન કરતુ ફર્સ્ટ હેન્ડ સાહિત્ય જ્યારે હાજર હોય ત્યારે તેની અવગણના કરી, પોતાને મનગમતા લખાણો ક્યાંકથી શોધી લાવી અને પછી તેની પર બાલીશ તર્ક લડાવવા એ દુષ્ટ સેક્યુલરિયાઓની જૂની આદત છે. આ તેમની ગ્રંથી છે - જે છૂટતી નથી, દુષ્ટતા એમના સ્વભાવનું એક અંગ બની ગઈ છે જાણે. ગઝની અને ઇસ્લામિક આક્રમણખોરોના આતંક અંગે તેમનું આ વલણ નવું નથી, આ તેમની જૂની કબજીયાત છે. અહીં આપણે જે માહિતી આપી છે તે એકદમ રેચક છે - એમના માટે અકસીર ઈલાજ ગણાય એવી છે! પરંતુ તેઓ આ ઈસબગુલનું સેવન નહિ કરે, કારણ કે, અવગુણો અને જૂઠની કબજીયાત સાથે જીવવાનું એમને ફાવી ગયું છે - એ વિકૃત લાગણીઓ જ તેમને ટકાવી રાખે છે! વાર્તામાંના પેલા રાક્ષસની જેમ આ બધાનો જીવ પણ ભીતર વસતા દંભના પોપટની ડોકમાં છે, જે ક્ષણે તેઓ સત્ય સ્વીકારશે - એ જ ક્ષણે તેમના શ્વાસ રૂંધાઇ જશે. કારણ કે, તેમની કાયા જ આખી જુઠ્ઠી બનેલી છે, એમાં પાંચ તત્વનો અંશ નથી, છઠ્ઠું તત્વ - નર્યો દંભ અને જુઠ જ તેમની ભીતર ખદબદે છે!









Monday, September 12, 2011

લાદેનનો ખાત્મો એટલે અમેરિકન ગુપ્તચર તંત્ર, અમેરિકન દેશદાઝ અને અમેરિકન પ્રતિબદ્ધતાનો વિજય



ઓસામાને હણવાનું ઓપરેશન પાર પાડનાર અમેરિકાની
જાંબાઝ સૈન્ય પાંખ: નેવી સીલ કમાન્ડો 


લાદેન ખતમ થયા પછી પ્રથમ જ વખત કેટલીક એવી વિગતો બહાર આવી છે, જેના કારણે અમેરિકાના એ આખા ઓપરેશન વિશે ખ્યાલ આવી શકે. તાજેતરમાં જ  પ્રકાશિત થયેલી આ રોમાંચક માહિતી વાંચ્યા પછી ખ્યાલ આવે છે કે, દેશના દુશ્મનોને ખતમ કરવા હોય તો કેટલી હદની પ્રતિબદ્ધતા અને તૈયારીઓ જોઇએ. ઓબામાએ ગાદી સંભાળી ત્યારથી લઇને લાદેનના ખાત્મા માટેનું આયોજન કેવી રીતે થયું? લેખમાળાના પ્રથમ ભાગમાં આપણે આ ઓપરેશનની કેટલીક અત્યંત રોચક વાતો જાણી હતી. બીજો અને અંતિમ ભાગ આ રોમાંચક દાસ્તાનને તેના અંજામ સુધી આગળ વધારે છે...

(ભાગ- ૨ )


પ્રેસિડેન્ટ તરફથી સૂચના મળ્યા પછી મેકરેવન પાસે ઓપરેશનની તૈયારીઓમાં વિલંબ કરવાનું કોઇ કારણ ન હતું. વ્હાઇટ હાઉસમાંથી નીકળ્યા પછી તેમણે પહેલું કામ કેટલાંક અગત્યના ફોન કોલ કરવાનું કર્યુ. હવે, તેમણે એક મજબુત ટીમ બનાવવાની હતી અને ઝડપભેર એક અદ્ભુતપૂર્વ ઓપરેશનને અંજામ આપવાનો હતો. બ્રાયન જેમ્સ તથા માર્કને તેમણે બે ડઝન જેટલા ચુનંદા સીલ કમાન્ડો પસંદ કરવાની સૂચનાઓ આપી દીધી. ગણત્રીના દિવસોમાં ૨૪ સીલ કમાન્ડો રેડ સ્કવોડ્રનમાંથી અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલા ગાઢ જંગલોમાં વિશિષ્ટ ઓપરેશનની અતિ વિશિષ્ટ તાલીમ મેળવવા પહોંચી ગયા હતાં. હા! જેમ્સ અને માર્ક સિવાય ત્યાં હાજર રહેલા કોઇપણ વ્યકિતને ઓપરેશનની વિગતો વિશે ખ્યાલ ન હતો.  સી.આઇ.એ.ના અન્ય કોઇ અધિકારીઓને પણ આ અંગે માહિતી ન હતી. અમેરિકાના ઇતિહાસના સૌથી યાદગાર અને દિલધડક ઓપરેશનમાં સામેલ થવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું છે એ અંગે તેઓ હજુ અજાણ જ હતાં.
નોર્થ કેરોલિનાની એ સાઇટ પર લાદેનના એબોટાબાદના ઘરની એક પ્રતિકૃતિ બનાવવામાં આવી.  ફળીયુ પણ અસલ એવું બનાવાયું હતું અને કમ્પાઉન્ડ હોલની ઉંચાઇ એટલી જ રાખવામાં આવી હતી જેટલી એબોટાબાદના પેલા ઘરમાં હતી. ૧૦ એપ્રિલથી ૧૭ એપ્રિલ સુધી કેરોલિનાના જંગલોમાં આ વિશિષ્ટ શિબિર ચાલતી રહી. ૧૮ એપ્રિલના દિવસે નોર્થ કેરોલિનાની એ સાઇટ પરથી તમામ કમાન્ડોને નેવાડાની એક સાઇટ પર વધુ અભ્યાસ માટે લઇ જવામાં આવ્યા. એબોટાબાદથી જલાલાબાદનું જેટલુ અંતર છે એટલા જ અંતર પર નેવાડાથી દૂર જલાલાબાદના રનવે જેટલી જ લંબાઇનો એક રનવે તૈયાર કરાયો. નેવાડાની આ સાઇટ પર લાદેનની હવેલી જેવા જ સર્વન્ટ કવાર્ટર અને ઢોરવાડો વગેરે પણ ઉભા કરાયા હતાં. સુરજ ઢળે કે દરરોજ અહીં ઓપરેશનનું રિહર્સલ શરૂ થતું. દિવસો સુધી પ્રેકટીસ કર્યા પછી હવે તેમનો માસ્ટર પ્લાન તૈયાર હતો. અગાઉ વિચારાયેલી યોજનામાંથી કેટલીક બાબતોનો છેદ ઉડી ગયો હતો અને નવી કેટલીક બાબતો ઉમેરાઇ હતી. છેવટે રિહર્સલનું પ્રયોજન જ એ હતું કે, આવી મોકડ્રીલના કારણે સંભવિત જોખમો, મુશ્કેલીઓ તથા આયોજનોનો અંદાજ આવી શકે. એસોલ્ટ પ્લાન હવે તૈયાર હતો.  યોજના મુજબ એક હેલિકોપ્ટરે હવેલીના ફળીયામાં બે દોરડા ઉતારવાના હતાં, જેમાંથી બાર કમાન્ડો ફટાફટ  ઉતરી જશે તેવું આયોજન હતું. બીજા હેલિકોપ્ટરમાંથી સૌપ્રથમ ફળીયાના એક ખુણામાં પેલા દુભાષિયા અહેમદને તથા શ્વાન કૈરોને ચાર કમાન્ડો સાથે ઉતારવાના હતાં. એમની જવાબદારી ઉતરતાવેંત જ આખા ચોગાનનું નિરીક્ષણ કરવાની અને તેની જડતી લેવાની હતી. હેલિકોપ્ટરમાં રહેલા બાકીના છ કમાન્ડોને હવેલીની અગાશી પર ઉતારવાના હતાં. ઓપરેશન ચાલુ હોય ત્યારે આસપાસના લોકો ઉત્સુકતાથી ત્યાં ધસી આવે તો એમને સ્થાનિક ભાષામાં સમજાવીને રવાના કરવાની જવાબદારી એહમદને સોંપાઇ હતી.  પેલા શ્વાન કૈરોનો રોલ બહુ અગત્યનો હતો. હવેલીની અંદર જો છુપુ ભોંયરૂ કે ફોલ્સ વોલ (પ્લાસ્ટર ઓફ પેરિસ કે તેના જેવા મટિરીયલ દ્વારા બનેલી કાચી દિવાલ) હોય તો એ તેણે શોધી કાઢવાનુ હતું. પ્લાન જડબેસલાક હતો. પરંતુ મિલિટરી ઓપરેશનમાં બધુ ધાર્યુ પાર થતું હોત તો જગતમાં દરરોજ સેંકડોહજારો ઓપરેશનો થવા લાગે.
લાદેન સામેના ઓપરેશનમાં મહત્વનો ભાગ ભજવનાર, ચિનુંક્સ હેલિકોપ્ટર 


૨૧ એપ્રિલની રાત્રે તાલીમ સ્થળ ઉપર એક ખાસ પ્લેન આવી પહોંચ્યું. આ હવાઇ જહાજમાં કેટલાક અગત્યના મહેમાનો હતાં. ચેરમેન ઓફ ધ જોઇન્ટ ચિફ્સ એડમિરલ માઇક મુલેન, ઓસલોન મેકરેવન તથા સી.આઇ.એ.ના કેટલાંક પ્રથમ હરોળના અધિકારીઓ એ પ્લેનમાંથી ઉતર્યા અને બ્રાયન જેમ્સ તથા માર્ક સાથે અત્યંત અગત્યની બેઠક શરૂ થઇ. પાયલોટ્સ દ્વારા એક ખાસ પ્રેઝન્ટેશન તેમને દેખાડવામાં આવ્યું. જેમાં સંભવિત ઓપરેશનની વિગતો હતી અને ઓપરેશનને નામ અપાયુ હતું: નેપ્ચ્યુન્સ સ્પિયર.
મહેમાનોમાંથી એક મહાનુભાવે કહ્યું કે, ‘પ્લાનીંગ તો જડબેસલાક છે, પરંતુ જો આસપાસના રહિશો ઓપરેશનમાં કોઇ વિઘ્ન ઉભું કરે તો શું કરીશું? શું આપણે સામાન્ય નાગરિકો પર ગોળીઓ ચલાવવાની તૈયારી રાખી છે?’ એમના સવાલોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા. અને બે દિવસ પછી તમામ નેવી સીલ કમાન્ડો વર્જિનિયામાં આવેલા તેમના મથક ડેમનેક પર પાછા પહોંચી ગયા હતાં. એપ્રિલની ૨૬ તારીખ. ડેમ નેક નજીક આવેલા ઓશિયાનામાં સ્થિત નેવલ એરસ્ટેશન પર બોઈંગ કંપનીનું સી-૧૭ ગ્લોબ માસ્ટર હવાઇજહાજ ઉભુ હતું. જોશ અને મર્દાનગીથી છલોછલ બે ડઝન નેવી સીલ કમાન્ડો મક્કમ ગતિએ એરસ્ટેશનમાં પ્રવેશ્યા અને પોતાનો ખતરનાક સરંજામ લઇને એરક્રાફ્ટમાં સ્ફુર્તિથી ગોઠવાઇ ગયા. ઓસિયાનાથી હવાઇજહાજ હવે ઉડાન ભરી ચૂક્યુ હતું અને જેટ ગતિએ તે એશિયાના આ અશાંત પ્રદેશ તરફ આગળ વધી રહ્યુ હતું. મુસાફરી બહુ લાંબી હતી અને બ્રેક અનિવાર્ય. જર્મનીના રેમસ્ટેઇન એરબેઝ પર તેમણે ઈંધણ ભરવા માટે ઉતરાણ કર્યુ અને ગણત્રીની કલાકોમાં ત્યાંથી અફઘાનિસ્તાન તરફ પ્રયાણ કર્યુ. કલાકોની મુસાફરી પછી કાબુલની ઉત્તરે આવેલા બાગ્રામ હવાઇઅડ્ડા પર તેમના બોઈંગનું આગમન થઇ ચુક્યુ હતું. રાત્રે ત્યાં જ આરામ કરીને બીજા દિવસે બુધવારની સવારે તેઓ જલાલાબાદ માટે રવાના થઇ ગયા.
એ જ દિવસે વોશિંગ્ટનમાં પેનેટાએ લગભગ એકાદ ડઝન જેટલા સી.આઇ.એ.ના ટોચના અધિકારીઓને આખરી ઓપરેશનથી માહિતગાર કર્યા. તેમણે પેલા અધિકારીઓને પુછ્યું કે, એબોટાબાદના એ ઘરમાં લાદેન હોવાની શક્યતા પર એ બધાને કેટલા ટકા વિશ્વાસ છે. આંકડો ચાલીસથી પંચાણુ ટકાની વચ્ચે હતો. જો કે, અધિકારીઓના અભિપ્રાય કદાચ ગમે તેવા હોય પણ ઓપરેશન હવે અંજામ પર પહોંચવાનું હતું તે વાતમાં કોઇને શંકા ન હતી. એક દિર્ઘ બેઠક પછી પેનેટાએ તથા તેમના સાથીઓએ કેટલીક અત્યંત મહત્વપૂર્ણ વિગતો ટપકાવી લીધી.
બીજા જ દિવસે પેનેટા પોતાના સાથીઓને લઇને વ્હાઇટ હાઉસ પહોંચી ગયા હતાં. પ્રેસિડેન્ટ ઓબામાને તેમણે કેટલીક હકીકતોથી વાકેફ કર્યા.  પેનેટાની ટીમના અભિપ્રાય મુજબ આવનારા કેટલાક દિવસો અંધારીયાના હતાં અને હૂમલા માટે આના કરતા વધારે બહેતર સમય પસંદ કરવાનું ખરેખર મુશ્કેલ હતું. ઓબામા સહિત કેટલાંક ટોચના લોકો  આ હૂમલો કરતા અગાઉ લાદેનની ત્યાં હાજરી હોવા વિશે ચોક્કસ થઇ જવા માંગતા હતાં. એ મકાન પર અમેરિકા દ્વારા હૂમલો થાય અને કોથળામાંથી બિલાડુ નીકળે તો જગતભરમાં અમેરિકાનું ગુપ્તચર તંત્ર અને ત્યાંની સરકાર ઠઠ્ઠાને પાત્ર ઠરે. બીજી તરફ આ ઓપરેશનમાં હવે વિલંબ કરવો એ તેમને પાલવે તેમ ન હતું. કારણ બહુ સ્પષ્ટ હતું. ન કરે નારાયણ અને આટલા મહત્વપૂર્ણ ઓપરેશનની માહિતી જો લીક થઇ જાય તો વર્ષોની મહેનત પાણીમાં જાય. ઓબામા સમક્ષ આ તમામ બાબતો રજુ કરવામાં આવી હતી. અધિકારીઓની વાત પુરી થયા પછી થોડી પળો સુધી  પ્રેસિડેન્ટ કોઇ વિચારોમાં ખોવાઇ ગયા. બે પળની ખામોશી અને ચેમ્બરમાં છવાઇ ગયેલી ઉત્સુકતા. ‘આજે રાત્રે સુતી વખતે હું આ બાબત પર ગંભીર ચિત્તે વિચાર કરી જોઇશ. અને બહુ ઝડપથી મારો નિર્ણય તમને જણાવીશ.’ ઓબામાએ કહ્યું અને બેઠક પૂર્ણ થઇ.
સાંજના ૭ વાગ્યે મિટીંગ પૂર્ણ કર્યા પછી મોડી રાત્રે બરાક ઓબામા પથારીમાં પડ્યા ત્યારે એમનું દિમાગ સતત જલાલાબાદથી એબોટાબાદ વચ્ચે ચકરાવા લઇ રહ્યુ હતું. એક મહાન લોકશાહીના  પ્રથમ કક્ષાના નેતાને થવી જોઇએ એવી ચિંતાઓ તેમને થતી હતી. એક મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખને જેવા મક્કમ વિચારો આવવા જોઇએ તેવા જ વિચારોથી તેમના દિમાગની નસો જાણે ધ્રુજી રહી હતી. પથારીમાં પડ્યા પછી જે દેશનો પ્રમુખ રાષ્ટ્રીય સલામતીની ચિંતા કરતો હોય અને સામાન્ય જનની લાગણીઓને યથાર્થરૂપ આપવા માટે મથામણ કરતો હોય તો જાણવું કે, એ ધરતી પૂણ્યશાળી છે. ગૌ માતાઓની પુજા કરવાથી કે ગંગાના સૌગંદ ખાવાથી કોઇ દેશ મહાન બની જતો નથી. ઉંઘ અને ઉંઘ વચ્ચે તફાવત છે. દરેક રાષ્ટ્ર પ્રમુખે રાત્રે પથારીમાં પડીને પહેલો વિચાર એ કરવો જોઇએ કે, ‘આજે મેં મારા દેશવાસીઓને છેતર્યા તો નથી ને? આજે મારાથી કંઇ ભુલ થઇ હશે તો તેનું પ્રાયશ્ચિત આવતીકાલે અચૂક કરીશ.’ મનમોહનસિંહો જ્યારે આવો વિચાર કરવા માંડશે ત્યારે તેમની રાતોની ઉંઘ આપમેળે જ હરામ થઇ જશે અને અંતરાત્મા - જો હોય તો-એટલો ડંખશે કે બીજા દિવસે પ્રજાના કામ કર્યા વગર તેમને ચાલશે નહિં.  પછી એમને કોઇ બાંયલા કે ગુલામ નહિં કહે પણ એક મજબુત નેતા તરીકે તેમની તરફ માનપૂર્વક જોશે. જે દેશનો રાષ્ટ્રનેતા ઓશિકે માથુ ટેકવ્યા વેંત જ ઘોરવા માંડે છે એ દેશનું કિસ્મત પણ જાગતું નથી. રાષ્ટ્રીય સલામતી ત્યાં એક મજાકથી વિશેષ કશું હોતી નથી અને જાહેર જીવનમાં સ્વચ્છતાને બદલે ચોમેર ગંધાતા ઉકરડાઓ જ નજરે પડે છે.
બીજા દિવસનું પ્રભાત થયું અને ઓબામાને પોતાના ભીંતરથી જ કોઇએ ઢંઢોળ્યા. ઝડપભેર ઉઠીને તેઓ દિનચર્યાએ વળગ્યા, પણ દિમાગમાં વિચારોના વાદળો હજી ગોરંભાયેલા હતાં. વહેલી સવારે તેમને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટોમ ડોનીલોનને બોલાવ્યા. તેમની સાથે ડેની મેકડોનોને પણ બોલાવાયા હતાં. ઓબામાએ પોતાનો ફેંસલો તેમને સંભળાવી દીધો. અને જણાવી દીધું કે મેકરેવન  જ ઓપરેશનની રાત પસંદ કરશે. શુક્રવારે રાત્રે હૂમલો કરવો હોય તો તૈયારીઓ માટે સમય બહુ ઓછો હતો. શનિવારે આકાશમાં બહુ વાદળો હશે તેવું સેટેલાઇટ પિકચર્સથી જણાતુ હતું. એટલે બે દિવસ મોડુ કરવા સિવાય બીજો કોઇ આરો ન હતો. શનિવારની બપોરે ઓબામાની ઓફિસ પર મેકરેવનનો કોલ આવ્યો. જેમાં તેમણે પ્રેસિડેન્ટને જણાવ્યું કે, હૂમલા માટે રવિવારની રાત નક્કી કરવામાં આવી છે. ઓબામાએ બે જ લીંટીઓ કહી પણ એમાં તેમની ભીંતરની મજબુતાઇ પડઘાતી હતી. મેકરેવનને તેમણે કહ્યું કે, ‘ઇશ્વર તમારી અને તમારા જવાનોની સાથે છે અને તમારા કમાન્ડોને ખાસ મારો સંદેશ પહોંચાડજો કે, તેમની ઉમદા સેવાઓ માટે હું તેમનો અંગત રીતે અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. તેમને એમ પણ કહેજો કે, આખા ઓપરેશનમાં હું માનસિક રીતે સતત તેમની સાથે છું.’

દેશના સૌથી મોટા દુશ્મન ના મોતના સમાચાર જાણવા આતુરતાપૂર્વક
વોર રૂમમાં બેઠેલા ઓબામાની યાદગાર, ઐતિહાસિક તસ્વીર: ભારતના વડાપ્રધાન અને  ગૃહપ્રધાન અને વિદેશ મંત્રી આવી રીતે દાઉદ કે સલાહુદ્દીન અથવા હાફિઝ સઈદના મોતનું ઓપરેશન નિહાળી રહ્યા હોય એવો સોનેરી સુરજ ભારતમાં  ક્યારેય ઉગશે ખરો?
 રવિવારની સવારે વ્હાઇટ હાઉસનો સિચ્યુએશન રૂમ રીતસર વોરરૂમમાં ફેરવાઇ ગયો હતો. સવારના અગિયાર વાગ્યે ઓબામાએ એડમિનિસ્ટ્રેશનના ટોચના સલાહકારો કોન્ફરન્સ ટેબલની આસપાસ ગોઠવાઇ ગયા. એક વિડિયો લીંક દ્વારા સી.આઇ.એ. હેડકવાર્ટરના પેનેટાને તથા અફઘાનિસ્તાન સ્થિત મેકરેવનને વ્હાઇટ હાઉસ સાથે જોડી દેવામાં આવ્યા. બ્રિગેડીયર જનરલ માર્શલ વેબ પડખેની જ એક ઓફિસમાં પોતાનું લેપટોપ ખોલીને બેસી ગયા, જેમાં તેમણે એકાદ ડઝન જેટલી ચેટ વિન્ડો ખોલી નાંખી હતી. પાકિસ્તાનના ઇસ્લામાબાદના અમેરિકી દુતાવાસ સાથે પણ તેઓ સંપર્કમાં હતાં, સી.આઇ.એ. સાથે પણ હતાં અને જલાલાબાદ સ્થિત અધિકારીઓ સાથે પણ ખરાં. એબોટાબાદના ખામોશ આસમાન પર તે સમયે ૧૬ હજાર ફુટની ઉંચાઇ પર એક ઉડનખટોલો ચકરાવો લઇ રહ્યો હતો. RQ-૧૭૦ ડ્રોન નામનું આ ટચુકડુ વિમાન અમેરિકી ભાથાનું એક અમોઘ શસ્ત્ર છે. માનવરહિત આ ડ્રોન વિમાન એબોટાબાદના પેલા મકાનની તથા આજુબાજુના વિસ્તારની પળપળની તસ્વીરો વ્હાઇટ હાઉસ સુધી જીવંત પ્રસારણ દ્વારા પહોંચાડી રહ્યુ હતું. તેના ફુટેજ રિયલ ટાઇમ હતાં, તેથી એમ કહી શકાય કે, જે ક્ષણે એબોટાબાદમાં એક ઘટના બને એ જ ક્ષણે વ્હાઇટ હાઉસમાં તે જોઇ શકાતી હતી.
પ્રેસિડેન્ટ ઓબામાને ક્યાંય ચેન પડતુ ન હતું.  ચોવીસ વર્ષનો કાચો કુંવારો છોકરો પરણવા જતો હોય ત્યારે લગ્નના દિવસે સવારે તેના પેટમાં જેવા પતંગિયા ઉડતા હોય તેવી જ હાલત ઓબામાની પણ હતી. ઓસામાનું જો મોત સાથે મિલન થાય તો એ રાત્રિ ઓબામા માટે મધુરજની જેટલી જ યાદગાર બની જાય તેમ હતું. પરિસ્થિતિ સામાન્ય છે તેવું દર્શાવવા અને પોતાની બેચેની હળવી કરવા માટે તેઓ એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પર ગોલ્ફ રમવા પહોંચી ગયા. દોઢેક કલાક સુધી નાઇન હોલ ગોલ્ફ રમ્યા બાદ બપોરના બે વાગ્યા આસપાસ વ્હાઇટ હાઉસ પાછા પહોંચ્યા. એમના પુનરાગમન પછીની અડધી કલાક બાદ જલાલાબાદથી પેલા બે બ્લેક હોક્સ રવાના થઇ ગયા હતાં. લગભગ ૪ વાગ્યાની આસપાસ પેનેટાએ ત્યાં હાજર લોકોને જાણ કરી કે, બેઉ એરક્રાફ્ટ હવે એબોટાબાદ પહોંચવાની તૈયારીમાં છે. ઓબામાએ કહ્યું, ‘મારે આખું ઓપરેશન લાઇવ જોવું છે.’
તાત્કાલીક એક મધ્યમ કદનું એલ.સી.ડી. સ્ક્રીન એ રૂમમાં મુકવામાં આવ્યો. દાણાદાણાવાળુ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર તેમાં જોઇ શકાતું હતું. હેલિકોપ્ટર હવે એબોટાબાદના પેલા મકાનની સાવ નજીક હતાં. પરંતુ તેમાનાં એક હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ક્ષતિ સર્જાઇ હતી. એબોટાબાદના તાપમાનને લીધે અને તેના કારણે હેલિકોપ્ટરની વોટર બ્લેડમાં થયેલા ખોટકાના કારણે એક કપરી એરોડાયનામિક સ્થિતિ નિર્માણ થઇ હતી. જેને તકનીકી ભાષામાં ‘સેટલીંગ વિથ પાવર’ કહે છે. પાઇલોટને ખ્યાલ આવી ગયો હતો કે, એરક્રાફ્ટ હવે તેના કાબુની બહાર છે. હેલિકોપ્ટરની અંદર રહેલા તમામ કમાન્ડો અને પાઇલોટે ઝડપભેર તેમાંથી દોરડા વાટે જમીન તરફ પ્રયાણ કર્યુ. હાલકડોલક એરક્રાફ્ટ થોડુ દૂર જઇને પડ્યું, પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે, પ્લાનથી વિપરીત તેઓ બંગલામાં ઉતરવાને બદલે બહારની તરફ ઉતરી ગયા હતાં. બીજું, એરક્રાફ્ટ તેના પ્લાન મુજબ ઉડ્યુ હતું. તેમાંથી તેજ ગતિથી કમાન્ડો બંગલાના કમ્પાઉન્ડમાં ઉતરી ગયા. બહાર ઉતરેલા પેલા સીલ કમાન્ડોએ પોતાની પાસે રહેલો દારૂગોળો હવેલીના તોતીંગ દરવાજા પાસે ગોઠવી દીધો. ત્રીજી જ ક્ષણે એક પ્રચંડ બ્લાસ્ટ દ્વારા દરવાજો ઉડાવી દેવામાં આવ્યો હતો. બીજા એરક્રાફ્ટમાં રહેલી ટીમને પેલા એરક્રાફ્ટની ક્ષતિ વિશે પુરી જાણ ન હતી. એમને ખ્યાલ ન હતો કે, એરક્રાફ્ટમાં મિકેનીકલ ફોલ્ટ સર્જાયો છે. શંકા એવી થઇ કે, એરક્રાફ્ટમાં આગ લાગી ગઇ છે. છેલ્લી ઘડીના ફેરફાર તરીકે તેમણે હવેલીની અગાશી પર જવાનું રદ્દ કર્યુ અને આખી ટીમ કમ્પાઉન્ડમાં ઉતરી ગઇ. અગાશી પરથી હુમલો થાય અને અંદર રહેલા લોકો ફળીયામાં આવી જાય તો માત્ર ૩૪ કમાન્ડોથી ત્યાં પરિસ્થિતિ કાબુ હેઠળ ન પણ રહે એવી તેમની શંકા હતી.
ખુબસુરત એબોટાબાદના  વિવિધ રંગો: કોઈને ખ્યાલ નહોતો કે આવા 
સુંદર રંગોની મધ્યે આતંકનો રક્તરંગ પણ ઉછરી રહ્યો છે 
બોંબથી દરવાજો ઉડાવતા પહેલા રેડિયો દ્વારા તેમણે બીજા એરક્રાફ્ટમાં જાણ કરી દીધી કે તેમની ટીમ પણ સલામત છે અને ઓપરેશનમાં આગળ વધી રહી છે. નેવી સીલ કમાન્ડો માટે અણધાર્યા સંકટો કંઇ નવી વાત ન હતી. છેલ્લા બેત્રણ વર્ષ દરમિયાન તેઓ વિધવિધ પ્રકારના બે હજાર કરતાં વધુ મિશનને અંજામ આપી ચૂક્યા હતાં. એક સામાન્ય જન માટે જેમ રાતનું વાળુ પોતાના રૂટીનનો ભાગ હોય છે તેમ નેવી સીલ માટે આવા ઓપરેશન એ રોજબરોજની દિનચર્યા જ ગણાય. અફઘાનિસ્તાન અને ઇરાકમાં તેમણે આવા કંઇક કામ પાર પાડ્યા હતાં. દરવાજો ધ્વસ્ત થયો કે બીજી જ ક્ષણે એક ડઝન કમાન્ડો પોતાના હાથમાં આધુનિકતમ રાઇફલો લઇ કમ્પાઉન્ડની ભીંતર ધસી ગયા. અંદર જતા તેમણે ગેસ્ટહાઉસનો વધુ એક દરવાજો ઉડાવવો પડ્યો. આ ગેસ્ટહાઉસમાં જ લાદેનનો કુરીયર, કુવૈતી પોતાના પરિવાર સાથે રહેતો હતો. અંદર ધસતા વેંત જ અમેરિકન કમાન્ડોના નાઇટ વિઝન ગોગલ્સમાં પન્નાના લીલા રંગની માનવ આકૃતિ દેખાઇ. તેના હાથમાં એકે૪૭ ગન સ્પષ્ટ જોઇ શકાતી હતી. કમાન્ડોને પારખતા વાર ન લાગી કે, એ કુવૈતી જ છે. બીજી જ ક્ષણે કુવૈતીની છાતી અમેરિકન કાર્તુસથી ચારણી જેવી થઇ ગઇ હતી. કુવૈતીનો ૩૩ વર્ષનો ભાઇ અબ્રાર તથા લાદેનના બે પુત્રો હમઝા અને ખાલીદ હજુ કદાચ હવેલીની ભીંતરમાં જ હતાં. એક કમાન્ડો મકાનના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો ત્યાં તેની સામે કુવૈતીનો ભાઇ અબ્રાર પોતાના હાથમાં એકે-૪૭ લઇને આવી ગયો હતો. કમાન્ડોની ગનમાંથી નીકળેલી બુલેટ અબ્રારની છાતી ચીરીને આરપાર નીકળી ગઇ. બીજી તરફ ધુળીયા રસ્તા પર સ્થાનિક લોકો એકઠ્ઠા થવા લાગ્યા હતાં. પેલા દુભાષિયા અહેમદએ સ્થાનિક પશ્તુન ભાષામાં ઘાટો પાડતા કહ્યું કે, ‘અહિં ઓપરેશન ચાલી રહ્યું છે, બધા દૂર ભાગી જાઓ. કોઇ નજીક ફરકવાની હિંમત કરશો નહિં.’ જેકેટ અને બુટ વગેરે પરથી અહેમદ પાકિસ્તાન પોલીસનો કોઇ ઉચ્ચ અધિકારી જેવો જ લાગતો હતો. સ્થાનિક લોકો ઉભી પુંછડીએ નાસ્યા.
વીસેક મિનીટની ગોળીબારી પછી સીલ કમાન્ડો ઘરની અંદર ઘુસી ગયા હતાં. બીજી તરફ વોશિંગ્ટનમાં ઉચક જીવે પ્રેસિડેન્ટ ઓબામા અને તેના સાથીઓ આખું ઓપરેશન નિહાળી રહ્યા હતાં. મુખ્ય પ્રવેશદ્વારને દારૂગોળા વડે ઉડાવ્યા પછી કમાન્ડો ત્વરાથી અંદર પહોંચ્યા અને નીચેનો ભાગ ખાલી જણાતા કેટલાંક કમાન્ડો પહેલા માળ તરફ જવા સીડી ચડવા લાગ્યા. સૌથી ઉંચેના પગથિયે લાદેનનો પુત્ર ખાલીદ પોતાના હાથમાં એકે૪૭ લઇને ઉભો હતો. ટીશર્ટ અને ટ્રેક પેન્ટમાં સજ્જ ખાલીદએ હજુ ફાયરીંગ કરવાની શરૂઆત કરી એ સાથે જ તેના શરીરમાં એક સાથે આઠ-દસ અમેરિકન કાર્તુસ ઘુસી ગઇ.
લાદેન સામેના ઓપરેશનમાં મહત્વનો ભાગ ભજવનાર,
અમેરિકન સૈન્યનાઆભુષણ જેવું માનવરહિત 'ડ્રોન' વિમાન 
પોતાની પાસેની વિગતો મુજબ કમાન્ડોએ હવે માત્ર હમઝાને તથા બિનલાદેનને જ પકડવાના હતાં. હમઝા તો એ કેમ્પસમાં હાજર જ નહોતો, પણ બિનલાદેન સૌથી ઉપરના માળે એક રૂમમાં ભરાઇને બેઠો હતો. વધુ એક લોખંડના દરવાજાને દારૂગોળાથી ઉડાવ્યા પછી સીલ કમાન્ડો મકાનના ટોપ ફ્લોર પર પહોંચ્યા. બેડરૂમનું દ્વાર ખોલતા જ તેમણે જોયું કે, લાદેનની બે પત્નિઓ પોતાના પતિની ઢાલ બનીને અરેબિક ભાષામાં અમેરિકનોને જોરજોરથી ગાળો ભાંડી રહી હતી. કમાન્ડોને ડર હતો કે, બાઇઓએ ક્યાંક પોતાના વસ્ત્રોમાં દારૂગોળો ન છુપાવી રાખ્યો હોય. જો આવું હોય તો એક સાથે તેઓ આખું મકાન જ ઉડાવી દે તેમ હતું. બે કમાન્ડોએ સ્ફુર્તિ દાખવીને તેની બાઇઓને પકડી લીધી. ચાર સેકન્ડમાં તેમણે બાઇઓની જડતી લઇ લીધી હતી. તેમની પાસે સ્યુસાઇડ જેકેટ ન હતાં. એક કમાન્ડો મક્કમ ચાલે લાદેન તરફ આગળ વધ્યો અને થોડી દુરીથી તેણે પોતાની ગનનું ઇન્ફ્રારેડ લેઝર કિરણ લાદેનના હૃદયના ભાગ પર કેન્દ્રિત કર્યુ. વળતી જ ક્ષણે તેની એમ૪ ગનમાંથી છુટેલી બુલેટ લાદેનના હૃદયમાં ઉતરી ગઇ હતી. ૫.૫૬ એમ.એમ.ની આ બુલેટ એક વાર હૃદયના ભાગે વાગે પછી તેને બચાવવાનું ઇશ્વર માટે પણ આસાન નથી હોતું. ઓસામા બિન લાદેન નામનો આતંકનો ઘેઘુર વડ હવેલીની ફર્શ પર પટકાઇ ગયો હતો. બીજા એક કમાન્ડોએ તેની નજીક જઇ પોતાની પિસ્ટલ વડે લાદેનની આંખની ઉપરના ભાગનું નિશાન તાક્યુ અને ટ્રીગર દબાવી દીધું. રેડિયો પર ઓપરેશનના ચીફએ વોશિંગ્ટન સમાચાર મોકલ્યા. ‘ફોર ગોડ એન્ડ કન્ટ્રી...જેરોનીમો, જેરોનીમો, જેરોનીમો’ એક પોઝ લીધા બાદ તેણે ઉમેર્યુ ‘જેરોનીમો ઇ.કે.આઇ.એ.’એનીમી કિલ્ડ ઇન એકશન. વોશિંગ્ટન વ્હાઇટ હાઉસમાં બેઠેલા ઓબામાના મોંમાંથી શબ્દો સરી પડ્યા ‘વી ગોટ હિમ’ - આપણે તેને ખત્મ કરી નાંખ્યો.
ચાર કમાન્ડો ઝડપભેર એક પ્લાસ્ટીક બેગ પેલા રૂમમાં લઇ આવ્યા. કેટલાંક કમાન્ડો મકાનની જડતી લઇને સી.ડી., ડી.વી.ડી. અને કોમ્પ્યુટર હાર્ડવેર તથા અન્ય વસ્તુઓ વીણી રહ્યા હતાં. લાદેનના શબને પેલી પ્લાસ્ટીક બેગમાં બાંધવામાં આવ્યું અને ત્રીસેક મિનિટ પછી તેઓ લાદેનનો મૃતદેહ લઇને ત્યાંથી રવાના થઇ ચૂક્યા હતાં. અફઘાનિસ્તાનની સરહદ પર ઓબામાએ ઇમરર્જન્સી માટે ખડકેલા પેલા બે હેલિકોપ્ટરમાંથી એક આ ઓપરેશન દરમિયાન જ એબોટાબાદ પહોંચી ગયુ હતું અને સીલ કમાન્ડોની યુનિટ ત્યાંથી રવાના થતા પહેલા પેલા જમીનદોસ્ત બ્લેક હોકમાં રહેલા પુરાવાઓનો સંપૂર્ણ નાશ કરવાનું ભુલ્યા ન હતાં. અફઘાનિસ્તાન તરફ ઉડતા પહેલા તેમણે એક તોતીંગ હથોડા દ્વારા હેલિકોપ્ટરની ઇન્સ્ટ્રુમેન્ટ પેનલનો તથા રેડિયોનો ભુક્કો બોલાવી દીધો હતો. કોકપીટ પાસે અને હેલિકોપ્ટરના દરેક મહત્વના પુર્જા નજીક શકિતશાળી  દારૂગોળો ગોઠવી દેવાયો. કમાન્ડો અન્ય એરક્રાફ્ટમાં ગોઠવાયા કે તરત જ તેમણે આસમાનમાંથી દારૂગોળો વરસાવ્યો પેલા જમીનદોસ્ત હેલિકોપ્ટર પર. અગાઉથી ત્યાં ગોઠવાયેલા દારૂગોળાને પણ જાણે જામગરી ચંપાઇ અને ગણત્રીની પળોમાં બ્લેક હોક હેલિકોપ્ટરના ફુરચા ઉડી ગયા.
એબોટાબાદની હવેલી પર ૩૮ મિનિટનો જંગ ખેલ્યા પછી બ્લેક હોક અને પેલું ચીનુક હેલિકોપ્ટર અફઘાનિસ્તાન તરફ આગળ વધી રહ્યુ હતું. આસમાનમાં જ ચીનુક દ્વારા બ્લેક હોકમાં ઈંધણ ભરવામાં આવ્યું અને રાત્રિના ૩ વાગ્યે જલાલાબાદમાં પેલા બેઉ હેલિકોપ્ટર ઉતરાણ કરી ચૂક્યા હતાં. લાદેનના શબની તસ્વીરો લેવાનું કામ ફટાફટ નીપટાવવામાં આવ્યું. એબોટાબાદથી જલાલાબાદની મુસાફરી દરમિયાન લાદેનના શરીરમાંથી ડી.એન.એ.ના બે સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને સેફ્ટી ખાતર બેઉ સેમ્પલ અલગઅલગ હેલિકોપ્ટરમાં રાખવામાં આવ્યા હતાં. છતાં એક વખત પુષ્ટી જરૂરી હતી. અમેરિકા પાસેની માહિતી મુજબ લાદેનની ઉંચાઇ ૬ ફુટ ૪ ઈંચ હતી, પરંતુ કમાન્ડો પાસે મૃતદેહને માપવા માટે મેઝર ટેપ ન હતી. ૬ ફુટના એક કમાન્ડોને લાદેનના શબની બાજુમાં સુવડાવવામાં આવ્યો અને બાકીના ૪ ઈંચ અડસટે માપી લેવામાં આવ્યા. ઓબામાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે આપેલો પ્રતિભાવ જગત આખુ જાણે છે. ઓપરેશનના થોડા દિવસો પછી  જ્યારે પેલા અધિકારી ઓબામાને વ્હાઇટ હાઉસમાં મળ્યા ત્યારે પ્રેસિડેન્ટે તેમને ગિફ્ટ રેપરમાં વિંટાળીને એક મેઝર ટેપ ભેટમાં આપી હતી.
ઓસામાના ખાત્મા પછી હવેનું મિશન તેના મૃતદેહના નિકાલનું હતું. ઇસ્લામના રિવાજો મુજબ તેની અંતિમવિધિ કરવામાં આવી. મૃતદેહને સ્નાન કરાવાયું અને શ્વેત વસ્ત્રોમાં તેના દેહને વિંટવામાં આવ્યો. આતંકવાદીના દેહને સમુદ્રાર્પણ કરવાનો અમેરિકાનો આ પ્રથમ અનુભવ ન હતો. ૨૦૦૯ની સાલમાં સોમાલિયાના અલકાઇદા ચીફ સાલેહઅલીને પણ આવી જ ટ્રીટમેન્ટ અપાઇ હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે, લાદેનનો મૃતદેહ સમુદ્રમાં વહાવવા માટે ફરી એક વખત પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવો પડે તેમ હતું. કારણ કે, અમેરિકાનું વિમાન વાહક જહાજ વિન્સન એ સમયે પાકિસ્તાની સમુદ્રમાં હતું. કાળજુ કઠણ રાખીને પાકિસ્તાનની પરવાનગી વગર પણ અમેરિકાનું એરક્રાફ્ટ પાકિસ્તાની આસમાનને ચીરતુ વિન્સન પર લેન્ડ થયું અને ગણત્રીની ક્ષણોમાં લાદેનનો દેહ સમુદ્રના પેટાળ સુધી પહોંચી ગયો હતો. ઓપરેશનના થોડા દિવસો પછી ઓબામાએ સીલ કમાન્ડો તથા દરેક અધિકારીઓ સાથે એક ખાનગી સ્થળે મુલાકાત કરી. પેલા કમાન્ડોએ પ્રેસિડેન્ટને ૩ ફુટ બાય ૫ ફુટનો એક રાષ્ટ્રધ્વજ ફ્રેમમાં મઢીને આપ્યો હતો. ફ્રેમની પાછળ બધા જ કમાન્ડોના હસ્તાક્ષર હતાં અને મોટા અક્ષરે લખ્યુ હતું: ‘ફોર ગોડ એન્ડ કન્ટ્રી. જેરોમિનો.’

*બે ભાગની મારી આ લેખમાળા 
સૌરાષ્ટ્રનાં દૈનિક "અકિલા"માં પ્રકાશિત થઇ હતી. 

Saturday, September 10, 2011

એક સફેદ ગેંડાના ચિત્રએ ઓસામા બિન લાદેનનો ખેલ ખતમ કરી નાંખ્યો: ગુપ્તચર તંત્રનો મતલબ પણ ભારતને ખ્યાલ નથી!

લાદેનના ખાત્માની અને અમેરિકન ગુપ્તચર તંત્રની એવી
દિલધડક માહિતી-જે અગાઉ તમે ક્યારેય વાંચી નહિ હોય!

માત્ર વાતોના વડા તળવાથી ત્રાસવાદ ખતમ થતો નથી. તેના માટે દ્રઢ આત્મબળ, ઈચ્છાશક્તિ, તકનિક, કઠોર તાલિમ, અને ચુસ્ત-દુરસ્ત ગુપ્તચર તંત્ર તથા ધગધગતી દેશદાઝ અનિવાર્ય છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી આપને ત્યાં ચિદમ્બરમે એવો બફાટ કર્યો છે કે, "અમારાથી શક્ય હતું એટલું બધું જ અમે કરી ચુક્યા છીએ, આવા હુમલા નહિ થાય એવી કોઈ ખાતરી હું આપીશ નહિ!" એમની વાત સદંતર ખોટી છે, આતંકવાદ રોકવા તેમણે કંઈ જ કર્યું નથી. નાઈન ઈલેવનની ઘટનાની વરસી છે અને દિલ્હીમાં હુમલો થયો છે ત્યારે એક વિશિષ્ટ લેખમાળા... લાદેન ખતમ થયા પછી પ્રથમ જ વખત કેટલીક એવી વિગતો બહાર આવી છે, જેના કારણે અમેરિકાના એ આખા ઓપરેશન વિશે ખ્યાલ આવી શકે. ‘ન્યુયોર્કર’માં પ્રકાશિત થયેલી આ રોમાંચક માહિતી વાંચ્યા પછી ખ્યાલ આવે છે કે, દેશના દુશ્મનોને ખતમ કરવા હોય તો કેટલી હદની પ્રતિબદ્ધતા અને તૈયારીઓ જોઇએ. ઓબામાએ ગાદી સંભાળી ત્યારથી લઇને લાદેનના ખાત્મા માટેનું આયોજન કેવી રીતે થયું? આખું ઓપરેશન કેવી રીતે ઘડવામાં આવ્યું? તેમાં કઇ વ્યકિતની કેવી ભૂમિકા હતી? બે ભાગની આ લેખમાળા આવી રસપ્રદ વાતો માંડે છે...          
(ભાગ-૧)

મે માસની પહેલી તારીખની એ ઘનઘોર રાત હતી.અમાસની. આકાશમાં ચંદ્ર ક્યાંય નજરે પડતો ન હતો અને ચોતરફ અંધકારનું સામ્રાજ્ય પથરાયેલુ હતું. રાત્રિના ૧૧ પછી પુર્વીય અફઘાનિસ્તાનના જલાલાબાદ એરફીલ્ડ પરથી બે હેલિકોપ્ટર રવાના થયા. એમએચ-૬૦ બ્લેકહોક તરીકે ઓળખાતા આ હેલિકોપ્ટરમાં અનેક ખુબીઓ હતી.  અને કેમ ન હોય! આ હેલિકોપ્ટર એક એવા મિશન પર જઇ રહ્યા હતાં જેના માટે અમેરિકા જેવો દેશ વર્ષોથી પ્રતિક્ષા કરી રહ્યો હતો.
હેલિકોપ્ટરની અંદર અમેરિકાની જાંબાઝ સેના પાંખ ‘નેવી સીલ’ના ૨૩ જવાનો તૈનાત હતાં. અધિકૃત રીતે ‘નેવલ સ્પેશ્યલ વોરફેર ડેવલપમેન્ટ ગ્રુપ’ તરીકે ઓળખાતા આ કમાન્ડોની સાથે એક પાકિસ્તાની અમેરિકન દુભાષીયો હતો અને બેલ્જીયમ નસલનો એક શ્વાન પણ હતો. જેનું નામ છેઃ કૈરો. હેલિકોપ્ટરના પાઇલોટે નાઇટ વિઝન ગોગલ્સ ચડાવેલા હતાં. કારણ કે, રાત ઘનઘોર હતી અને હેલિકોપ્ટરની લાઇટ પ્રગટાવવાની સ્પષ્ટ મનાઇ હતી. રેડિયો કોમ્યુનિકેશન તેના મીનીમમ લેવલ પર રાખવામાં આવ્યુ હતું, જેથી તેના તરંગો પાકિસ્તાનની કોઇ એજન્સી પકડી ન શકે. એરક્રાફ્ટની અંદર મૌન પથરાયેલુ હતું. કેમ કે, પ્લાન અગાઉથી નક્કી હતો અને વધુ ચર્ચા કરવાની મનાઇ હતી.
ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલી આધુનિકતમ ગન, HK -MP7
૧૫ મિનીટની ભીતર જ બેઉ હેલિકોપ્ટર પાકિસ્તાનના પર્વતીય વિસ્તારમાં પ્રવેશી ગયા. પીર પંજાલ પર્વતમાળાના આસમાન પરથી એરક્રાફ્ટ ઉડી રહ્યા હતાં. કાશ્મીર તરફ પાકિસ્તાનને કંઇક વિશેષ ખેંચાણ છે તેથી પાકિસ્તાનની પૂર્વીય સરહદો હંમેશા જડબેસલાક રહેતી હોય છે. પરંતુ અફઘાનિસ્તાન તરફની સરહદો પર પાકિસ્તાની સૈન્ય બહુ ચુસ્તદુરસ્ત નથી હોતી. બીજી તરફ અમેરિકા અને પાકિસ્તાનના સૈન્ય વચ્ચે તથા જાસુસી તંત્ર વચ્ચે એવડો મોટો તફાવત છે કે, અમેરિકા ધારે ત્યારે પોતાના ઇરાદાઓ આસાનીથી પાર પાડી શકે. બેઉ હેલિકોપ્ટર  એવી વિશિષ્ટ ટેકનોલોજીથી બનેલા હતાં કે તેનો અવાજ ઓછામાં ઓછો રહે અને તેની હિલચાલની જાણ પણ સરળતાથી કોઇને થઇ ન શકે. જગતના કોઇપણ રડારને થાપ આપી શકે એવું તેનું અતિ વિશિષ્ટ બોડી હતું. આવા અનેક મુદ્દાઓ અમેરિકાની તરફેણમાં હતાં. આ આધુનિક યુગમાં સામસામી તલવારો ખેંચીને યુદ્ધો થતા નથી. હવે લડાઇઓ ગુપ્તચર તંત્ર દ્વારા અને અતિ વિશિષ્ટતાલીમબદ્ધ જવાનો દ્વારા લડવામાં આવે છે. આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જ્યાં મુંબઇના જુહુ બીચ પર તોસ્તાન જહાજ તણાતુ આવી જાય છે અને પબ્લીક તેને જોવા ભેગી થાય એ પછી ચોવીસ કલાકે ભારતીય નેવી અને કોસ્ટગાર્ડ જાહેર કરે છે કે, આ શિપ ક્યાંથી આવી ગયું, કેવી રીતે આવી ગયું અને શા માટે આવ્યું તે વિશે તેમને કોઇ જ ખ્યાલ નથી. મુંબઇ પર આટઆટલા હુમલા પછી દેશના ગુપ્તચર તંત્રના આ હાલ છે. અને બેવકુફ દેશભક્તો ‘મેરા ભારત મહાન’ના રાગ ભૈરવી છેડવામાંથી નવરા થતા નથી. સ્વાભાવિક રીતે જ વિશ્વના મહાશકિતશાળી દેશોના જાસુસી તંત્રો ક્યાં પહોંચી ગયા છે અને કેવી રીતે ઓપરેટ કરે છે તે વાત આપણી અક્કલની અને આપણી હેસિયતની બહારની છે.
ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલી સાયલન્સર ચડાવેલી
 સિગ સોઅર P226 મોડેલની લેટેસ્ટ પિસ્ટલ

સીલ કમાન્ડોનું ટાર્ગેટ હતું નાનકડા પર્વતીય નગર એબોટાબાદમાં આવેલું એક મકાન. ઇસ્લામાબાદની ઉત્તરે આવેલું આ નગર ખુબસુરત પીર પંજાલ રેન્જમાં સ્થિત છે. આજે તો ઇસ્લામાબાદના સુખી લોકો હિલ સ્ટેશન ગણીને એબોટાબાદમાં ફરવા જતા હોય છે, પરંતુ તેની સ્થાપના ૧૮૫૩માં બ્રિટીશ મેજર જેમ્સ એબોટએ કરી હતી.  ૧૯૪૭માં પાકિસ્તાનની રચના થઇ એ પછી આ નગરમાં મીલીટરી એકડમીની શરૂઆત થઇ. જો બધુ જ બરાબર ચાલ્યુ જ હોત તો યોજના એવી હતી કે, હેલિકોપ્ટરમાંથી નેવી સીલના જવાનો સીધા જ ઓસામા બિન લાદેનના મકાનમાં ઉતરે અને પોતાનું મિશન ખતમ કરી ઝડપભેર હેલિકોપ્ટરમાં પાછા ગોઠવાઇ જાય. પાકિસ્તાનના ટ્રાયબલ એરીયા મોહમાંડ પરથી પસાર થઇને હેલિકોપ્ટર ઝડપભેર એબોટાબાદ તરફ આગળ વધી રહ્યા હતાં. કમાન્ડર જેમ્સ (કાલ્પનિક નામ) પોતાના દસ સાથીઓ સાથે એરક્રાફ્ટમાં ગોઠવાઇ ગયો હતો.  તેમની સાથે પહેલો દુભાષિયો અને કૈરો પણ હતાં. ૩૫-૩૬ની ઉંમરનો જેમ્સ ગોળાફેંકના કોઇ પહેલવાન જેવું તગડુ શરીર ધરાવતો હતો. તેની પાસે સાયલન્સર ચડાવેલી સિગ સોઅર પી૨૨૬ મોડેલની લેટેસ્ટ પિસ્ટલ હતી, વધારાનો બારૂદ પણ ખરો. સાથે શોર્ટ બેરલની સાયલન્સરવાળી એમ-૪ રાઇફલ પણ તેની પાસે રાખેલી હતી. બાકીના જવાનો પાસે હેકલર તથા કોચ MP-7 બંદુકો હતી. ગ્રેનેડ તથા બીજા અનેક હથિયારો અને સ્વરક્ષણ માટેના વિશિષ્ટ કોસ્ચ્યુમ પણ તેમણે ધારણ કરેલા હતાં. જેમ્સના એક ગજવામાં લાદેનના ઘરનો લેમીનેટેડ નકશો હતો અને બીજા ગજવામાં એવા તમામ લોકોના ફોટોગ્રાફ્સ હતાં જે પેલા ઘરમાં હોવાની શક્યતા હતી.
૯૦ મિનીટની ફ્લાઇટ દરમિયાન જેમ્સ અને તેના સાથીદારોના દિમાગમાં સતત ઓપરેશનનું રિહર્સલ ચાલતુ હતું. ૨૦૦૧થી એ બધા જવાનો અફઘાનિસ્તાન, ઇરાક, યમન અને આફ્રિકાના દેશોમાં જાતજાતના ઓપરેશનોને અંજામ દેતા આવ્યા છે. તેમના સાથીદારોમાંથી ત્રણ તો એવા હતાં જેમણે ૨૦૦૯માં જ સોમાલિયામાં રિચાર્ડ ફિલીપ નામના એક જહાજી કેપ્ટનને સોમાલિયન ચાંચીયાના કબ્જામાંથી છોડાવવા માટેનું દિલધડક ઓપરેશન પાર પાડ્યુ હતું. એ મિશનમાં તેમણે સફળતાપૂર્વક કપ્તાનને મુક્ત કરાવ્યો હતો અને ત્રણ ચાંચીયાઓને ઠાર કર્યા હતાં. એબોટાબાદનું આ મિશન પણ કંઇ પાકિસ્તાનમાં એમનું પ્રથમ જ ઓપરેશન હોય એવું ન હતું. અગાઉ દસથી બાર વખત આજ બધા જવાનો પાકિસ્તાનની ધરતી પર અલગઅલગ સાહસોને અંજામ આપી ચુક્યા હતાં. મોટાભાગના તેમના મિશન ઉત્તર અને દક્ષિણ વજિરિસ્તાનમાં તેમણે કર્યા હતાં. એબોટાબાદ તો અલગ વાત છે. સાવ પાકિસ્તાનના હૃદયમાં ઘુસીને લાદેનને ઠાર કરવાનું કામ આસાન ન હતું. ૨૦૦૧ની સાલ પછી નેવી સીલના જવાનોનું જો કે આ પ્રથમ મેગા ઓપરેશન હતું. ૨૦૦૧ આસપાસ લાદેન ટોરાબોરાના પહાડોમાં કયાંક છુપાઇ ગયો એ પછી સતત એક દાયકા સુધી તેમણે આ ઓપરેશનની પ્રતિક્ષા કરી હતી.
બ્લેક હોકની વિદાય પછી ૪પ મિનિટે જલાલાબાદના એ જ રનવે પરથી એમએચ૪૭ નામના ચાર વધારાના એરક્રાફ્ટએ ઉડાન ભરી. ચિનુક્સ તરીકે ઓળખાતા આ એરક્રાફ્ટ મોકલવાનું અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ સાવ છેલ્લી ક્ષણે નક્કી કર્યુ હતું. ઇન્દિરા ગાંધી પછી દેશમાં વડાપ્રધાનના પદ પર કોઇ મરદ મુંછાળો વડાપ્રધાન આવ્યો નથી. એટલે દેશના વડા કોઇ ઓપરેશનમાં આટલી હદે અંગત રસ લેતો હોય એ ઘટના આપણા માટે બહુ નવાઇની ગણાય.  અહિં તો આતંકવાદી હુમલાના બીજા દિવસે ગૃહમંત્રીથી લઇને વડાપ્રધાન સુધીના લોકો તથા લોકશાહી દેશના એકમાત્ર રજવાડાના રાજકુમારો આપણને કહેતા હોય છે કે, ‘આવું તો જગતમાં બધે જ બન્યા કરે છે.’ જ્યાં સામાન્ય પ્રજા યા તો વધુ પડતા દેશાભિમાનથી ગ્રસ્ત હોય અથવા તો બાકીની પ્રજાને રાષ્ટ્રગૌરવ કઇ બલાનું નામ છે એ જ ખ્યાલ ન હોય  ત્યાં આવા ઓપરેશનની મહત્તા કોઇને સમજાય નહિં એ સ્વાભાવિક છે. આ મિશન પાર પાડ્યા પછી જે નશો અમેરિકાના સત્તાધીશોને તથા તેના સૈન્યને મળ્યો હશે તેની તુલના ખરેખર જગતની બીજી કોઇ ચીજ સાથે થઇ શકે નહિં. જેને આવા નશાની આદત પડી છે એવા જ રાષ્ટ્રો જગતમાં મહાસત્તા બની શકે છે. અને ભારત જેવા દેશોએ હંમેશા સંરક્ષણ અને સ્વરક્ષણ માટે છાલીયુ લઇને મહાસત્તાઓ પાસે આજીજી કરવી પડે છે એ વાતના આપણે સૌ ગવાહ છીએ.
બરાક ઓબામાએ ચિનુક્સ એરક્રાફ્ટ મોકલ્યા તેની પાછળનું કારણ એ હતું કે તેઓ પોતાના એકપણ જવાનનું નુકશાન ન થાય તેવું ઇચ્છતા હતાં. પાકિસ્તાનમાંથી તેઓ ઓપરેશન ખત્મ કરી સલામત રીતે અફઘાનિસ્તાન પરત ફરે એવી ઓબામાને કામના હતી. એટલે જ અફઘાનિસ્તાનથી વધારાના ૨૫ સીલ કમાન્ડોને તેમણે તાત્કાલિક રવાના કર્યા. આ ચાર નવા એરક્રાફ્ટમાંથી બેની ફરજ અફઘાનિસ્તાનની સીમામાં ઉડાઉડ કરવાની હતી, જ્યારે બાકીના બેઉ હેલિકોપ્ટરોએ પાકિસ્તાનની સરહદમાં ઘુસવાનું હતું. ઓપરેશન પાર પાડવામાં છેલ્લી ઘડીના કોઇ અણધાર્યા વિઘ્નો આવે તો તેને ટાળવા અને કોઇપણ પ્રકારની ઇમરજન્સીનો મુકાબલો કરવા આ ચાર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા.  એક ચિનુક્સમાં વધારાનું ઈંધણ પણ લાદવામાં આવ્યુ હતું, જેથી પેલા બ્લેક હોક્સને ફ્યુઅલની જરૂર પડે તો કોઇ સમસ્યા ન ઉભી થાય. દરમિયાન પેલા બે બ્લેક હોક્સ ઝડપભેર એબોટાબાદ તરફ આગળ વધી રહ્યા હતાં. શહેરની ઉત્તરમાં આવેલા ઉંચા પર્વતોને હવે પાછળ છોડી ચૂક્યા હતાં. પાઇલોટએ દક્ષિણ તરફ હેલિકોપ્ટરને વાળ્યું અને નગરના સેન્ટરમાં આવેલા કેટલાંક બાંધકામો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યુ. એરક્રાફ્ટની અંદર રહેલા સીલ કમાન્ડોએ હાથ મોજા પહેરી લીધા હતાં અને આંખ પર નાઇટ વિઝન ગોગલ્સ પણ ચડાવી દીધા હતાં. બધા કમાન્ડો તેમના ચીફ તરફથી આદેશની રાહ જોઇ રહ્યા હતાં. જેવો ઓર્ડર મળે કે તેઓ લાદેનના પેલા બંગલાના કમ્પાઉન્ડમાં દોરડાનો ઘા કરી ફટાફટ ઉતરી જવા તત્પર હતાં. પરંતુ, પાઇલોટએ એરક્રાફ્ટ એકદમ નીચે લીધું ત્યાં જ તેને ખ્યાલ આવી ગયો કે, એ હવે તેના કાબુની બહાર છે અને હેલિકોપ્ટર ક્રેશ થઇ જાય તેવી પણ પૂરી શક્યતા છે.
 એમએચ-૬૦ બ્લેકહોક તરીકે ઓળખાતા
આ હેલિકોપ્ટરમાં અનેક ખુબીઓ છે 


૨૦૦૮માં અમેરિકી પ્રમુખની ચૂંટણીઓ યોજાઇ ત્યારે બેલમોન્ટ યુનિવર્સિટીમાં બરાક ઓબામા અને તેમના પ્રતિદ્વંદી જ્હોન મેક્કેઇનએ એક ઓપન ડીબેટ કરી હતી. આ ખુલ્લી ચર્ચામાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રમુખપદ માટેના બેઉ દાવેદારોને અનેક પ્રશ્નો પૂછ્યા હતાં. એક વિદ્યાર્થીનીએ ઓડિયન્સમાંથી ઉભા થઇને ઓબામાને સવાલ કર્યો કે, જો અલકાઇદાના લીડરો તથા લાદેન વગેરે પાકિસ્તાનમાં છુપાયા છે એવા સમાચાર ભવિષ્યમાં તેમને મળશે તો તેઓ શું કરશે? ખાસ કરીને, એક મિત્ર રાષ્ટ્ર હોવાના કારણે પાકિસ્તાનના વિસ્તારોમાં ઘુસી ત્યાં સૈન્ય કાર્યવાહી કરવાનું અમેરિકાને પરવડે કે કેમ એ વિશે ઓબામાને વારંવાર સવાલો પુછાતા હોય છે. ઓબામાએ બહુ સ્પષ્ટ કહ્યું કે, ‘જો મને ખ્યાલ આવશે કે ઓસામાબિનલાદેન પાકિસ્તાનમાં છે અને પાકિસ્તાનની સરકાર આ બાબતે કશું કરવા અસમર્થ છે અથવા તો કશું કરવા માંગતી નથી તો તેવા સંજોગોમાં આપણે પોતે પગલાંઓ લેવા પડશે. આપણે બિન લાદેનને ત્યાં જઇને ખત્મ કરીશું અને અલકાઇદાને કચડી નાંખીશું. રાષ્ટ્રીય સલામતીનો વિચાર કરીએ તો આપણું સૌથી પહેલું ધ્યેય તેમને હણવાનું જ હશે.’ ઓબામાના દરેક વચનોને હવાઇ કિલ્લા ગણાવનાર પ્રતિસ્પર્ધી મેક્કેઇન આ બાબતે બહુ પરિપક્વ રીતે વર્ત્યા અને એમણે એટલું જ કહ્યું કે, ‘આ બાબતે તેઓ ઓબામાને ટોકશે નહિં.’ અમેરિકામાં દિગ્વિજયવેડા કે રાહુલવેડા ચાલતા નથી. રાષ્ટ્રીય સલામતીની વાત આવે ત્યારે પણ આપણે તો સમાધાનો કરી લઇએ છીએ, પરંતુ મહાસત્તાઓમાં આવા સમાધાનો ચાલતા નથી. એટલે જ તેઓ મહાસત્તાની કક્ષા સુધી પહોંચ્યા હોય છે. અને આપણે બાદશાહની ખુરશી સુધી નથી પહોંચી શકતા પરંતુ માત્ર દરબારી બનીને સંતોષ માનીએ છીએ.
વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કર્યાના ૪ મહિના વિત્યા હશે ત્યાં બરાક ઓબામા પાસે સી.આઇ.એ.ના ડિરેક્ટર લીઓન પેનેટા પહોંચી ગયા હતાં. તેમની પાસે સી.આઇ.એ.ની છેલ્લામાં છેલ્લી પ્રગતિનો એક અહેવાલ હતો. ઓબામાને એમની વાતમાં બહુ રસ પડ્યો નહિં. તેઓ પેનેટાની વાતથી સંતુષ્ટ ન હતાં. લાદેનને પકડી લેવાનો એક વિગતવાર માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે તેમણે પેનેટાને સુચના આપી. સી.આઇ.એ.ના ડ્રોન હૂમલાના મિશનને પણ ઓબામાએ પુરૂં સમર્થન આપ્યું. એક વાતનો ઉલ્લેખ જરૂરી છેઃ ઓબામા શાસનના પ્રથમ વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં જેટલા ડ્રોન હૂમલા થયા તેટલા જ્યોર્જ બુશના આઠ વર્ષના શાસનકાળ દરમિયાન પણ થયા ન હતાં. ઓગષ્ટ૨૦૧૦માં પેનેટા વ્હાઇટ હાઉસમાં ફરી એક વખત આવ્યા. આ વખતે તેમની પાસે કેટલાંક સારા સમાચારો હતાં. સી.આઇ.એ.ના અધિકારીઓ માનતા હતા કે તેમણે લાદેનના કુરીયર એવા અબુ અહેમદ અલ કુવૈતીની ભાળ મેળવી લીધી છે. માહિતી ત્યાં સુધીની હતી કે કુવૈતી એક એસ.યુ.વી. કાર ચલાવે છે અને તેના સ્પેર ટાયર ઉપર સફેદ ગેંડાની ઇમેજ એમ્બોઝ કરેલી છે. આટલી વિગતો સી.આઇ.એ. માટે પર્યાપ્ત હતી. રો અને સી.આઇ.એ. વચ્ચે તફાવત છે. શકિતનો ફર્ક તો છે જ પણ અભિગમમાં બહુ ઝાઝુ અંતર છે. આપણી પાસે દાઉદ ઇબ્રાહિમનું પોસ્ટલ એડ્રેસ પણ મૌજુદ છે. પડખેના મુઝફ્ફરાબાદમાંજે ભારતની સીમાથી માત્ર ૪-૬ કલાકના અંતરે સ્થિત છે. અવાર નવાર હાફિઝ સઇદ અને મૌલાના મસુદ અઝહર ત્રાસવાદીઓની જાહેરસભાઓ સંબોધતા રહે છે અને આપણા ગૃહમંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ નફ્ફટાઇની હદે ખામોશ થઇને આ તાઇફો નિહાળ્યા કરે છે. આવી સ્થિતપ્રજ્ઞતા બુદ્ધને પણ દુર્લભ હશે. આવો સાક્ષીભાવ ધરાવતા નેતાઓ એવી જ પ્રજાને મળી શકે જેનું આત્મગૌરવ મૃત્યુ પામ્યું હોય. સફેદ ગેંડાની હિન્ટ પરથી સી.આઇ.એ. દ્વારા ખુફિયા પ્રવૃત્તિઓ શરૂ થઇ ગઇ. તમે માની શકશો? અમેરિકન ઉપગ્રહે એબોટાબાદના એક મકાનના કમ્પાઉન્ડમાં પડેલી એ કારનો ફોટોગ્રાફ ખેંચ્યો અને સી.આઇ.એ.ના દફ્તરમાં એ તસવીરને એનલાર્જ કરવામાં આવી ત્યારે પેલો ગેંડો તેમાં દેખાતો હતો.  આપણે કહી શકીએ કે, એક સફેદ ગેંડાએ લાદેનના પ્રાણ હરી લીધા.

સી.આઇ.એ.ને ખ્યાલ આવી ગયો કે કુવૈતી આ જ મકાનમાં રહે છે. એ પછી તેમણે ત્રણ માળની આ હવેલીનું રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ શરૂ કર્યુ. એ મકાન પર ચોવીસેય કલાક સી.આઇ.એ.ની ચાંપતી નજર રહેતી હતી. તસવીરો પરથી તેમને ખ્યાલ આવ્યો કે, મકાનમાં રહેતા લોકો ઘરનો કચરો બહાર ફેંકવાને બદલે ઘરના જ એક ખુણામાં સળગાવી દેતા હતાં. હવેલી જેવડા મકાનમાં ફોનની કે ઇન્ટરનેટની લાઇન ન હતી. કુવૈતી અને તેનો ભાઇ અવરજવર કરતા રહેતા હતાં, પરંતુ ત્રીજા માળે જે માનવાકૃતિ સી.આઇ.એ.ને વિશિષ્ટ ફોટોગ્રાફી વડે દેખાઇ હતી તે ક્યારેય કમ્પાઉન્ડ છોડતી ન હતી. કેટલાંક નિષ્ણાંતોએ એવી શંકા વ્યકત કરી કે, એ ત્રીજી વ્યકિત લાદેન જ છે. પરંતુ કશું જ કન્ફર્મ થતુ ન હતું.
સી.આઇ.એ.ની પ્રગતિથી ઓબામા બહુ રોમાંચિત હતાં. પરંતુ તેઓ મિલીટરી એકશન માટે બહુ ઉતાવળમાં ન હતાં. ત્રાસવાદ સામેની લડાઇ માટેના ઓબામાના સલાહકાર જ્હોન બ્રેનાનએ તમામ ડેટાનો અભ્યાસ શરૂ કર્યો. ગાર્ડીયનના તાજા અહેવાલ મુજબ સી.આઇ.એ. દ્વારા એબોટાબાદમાં એક સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. નામ તો સ્વાસ્થ્ય સંબંધી એન.જી.ઓ.નું હતું, પરંતુ કામ સી.આઇ.એ.નું હતું. પોષણની દવાઓના ડોઝના નામે તેમને લાદેનના પરિવારના ત્યાં ભમતારખડતા સભ્યોના ડી.એન.એ. સેમ્પલ ખપતા હતાં. જો ડી.એન.એ. સેમ્પલ મળી જાય તો બીજી જ ક્ષણે એ વાતના નિષ્કર્ષ પર પહોંચી શકાય કે, એ ત્રીજી વ્યકિત લાદેન જ છે કે કેમ? જો કે, આ પ્રયાસ બહુ સફળ ન થયો. ૨૦૧૦ની આખરમાં ઓબામાએ પેનેટાને બોલાવ્યા અને તેમને લાદેનના ઘર પર મિલીટરી સ્ટ્રાઇક કરવાની યોજના બનાવવા જણાવ્યું. પેનેટાએ સીલના વાઇસ એડમિરલ બિલ મેકરેવનનો સંપર્ક કર્યો. સામાન્ય રીતે આવા ઓપરેશન આર્મી દ્વારા પાર પડાતા હોય છે, પરંતુ પાછા કેટલાંક વર્ષોમાં સીલની પ્રતિષ્ઠા એટલી હદે વધી છે કે, આ જવાબદારી તેમને સોંપવામાં આવી. મેકરેવને પોતાના એક ડેપ્યુટી કમાન્ડરને યોજનાની જવાબદારી સોંપી. બીજા જ મહિને વર્જિનીયામાં આવેલી સી.આઇ.એ.ની એક ખુફિયા કચેરીમાં કેટલાંક ટોચના અધિકારીઓ અને કમાન્ડો એકઠ્ઠા થયા. એબોટાબાદના કમ્પાઉન્ડની સેટેલાઇટ તસવીરોનો તેમની પાસે ઢગલો હતો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સ્થિત સી.આઇ.એ.ના ત્રાસવાદ વિરોધી દળના અનેક લોકોની મદદ લેવામાં આવી.
સ્પેશ્યલ ઓપરેશન યુનિટ અને સી.આઇ.એ. વચ્ચેના સંબંધો છેક વિયેટનામ યુદ્ધના વખતથી ચાલ્યા આવે છે. પરંતુ ઇરાક અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન ઘણી વખત આ બેઉ એજન્સીઓના અધિકારીઓ વચ્ચે તણખા ઝર્યા છે. જો કે, આ પ્રકારનું મિશન જ્યારે હાથમાં લેવાનું હોય ત્યારે આંતરિક મતભેદો અને અહમ ભુલી જવા પડે તેવો તેમને ખ્યાલ જ હતો. માર્ચની ૧૪મી તારીખે ઓબામાએ પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને બોલાવ્યા અને તેમની સાથે એબોટાબાદના કમ્પાઉન્ડની હિલચાલ વિશે તથા અમેરિકાના સંભવિત પગલા અંગે ચર્ચાઓ કરી. મુદ્દાઓ એ હતાં કે, એ મકાન પર હવાઇ હુમલા કરવા કે અમેરિકન સૈન્યના જવાનોને ત્યાં મોકલવા કે ઓપરેશનમાં પાકિસ્તાની સૈન્યની મદદ લેવી. ઓબામાનો અભિપ્રાય બહુ સ્પષ્ટ હતોઃ તેઓ કોઇ સંજોગોમાં આ અંગે પાકિસ્તાનની મદદ લેવા પણ માંગતા નહોતા અને પાકિસ્તાનને જાણ કરવા પણ ઇચ્છતા ન હતાં. બેઠકના અંતે ઓબામાએ મેકરેવનને પોતાનો નિર્ણય જણાવી દીધો. હવે મેકરેવને હવાઇ માર્ગે એબોટાબાદની હવેલી પર ત્રાટકવા માટેનો એક અદ્ભુત પ્લાન તૈયાર કરવાનો હતો. એક એવી યોજના, જેમાં નિષ્ફળ જવાનો પ્રશ્ન જ ઉભો ન થાય અને અમેરિકન સૈન્યના કોઇ જવાને કે કોઇ સીલ કમાન્ડોએ પ્રાણ ગુમાવવા ન પડે.

મેકરેવને બ્રાયન નામના જે અધિકારીને જવાબદારી સોંપી હતી તેણે સીલના કમાન્ડર જેમ્સને બોલાવ્યો અને આવી બાબતના નિષ્ણાંત ગણાતા માર્ક નામના એક કાબેલ અધિકારીને પણ બરકવામાં આવ્યા. ૨૦ દિવસ સુધી મથામણ કરીને તેમણે એક યોજના તૈયાર કરી. સીલ કમાન્ડો જો એબોટાબાદની બહાર ઉતરે અને પગપાળા પેલી હવેલી સુધી પહોંચવાનું હોય તો થાકના કારણે ઓપરેશનમાં તેમના દેખાવ પર અસર થાય. બીજા વિકલ્પ તરીકે એક ટનલ બનાવવાનું વિચારવામાં આવ્યું. એક એવી ટનલ-જે કિલોમીટરો દૂરથી ખોદવાનું શરૂ થાય અને સીધી જ લાદેનના ઘરમાં નીકળે. પરંતુ સેટેલાઇટ તસવીરોથી ખ્યાલ આવ્યો કે, હિલ સ્ટેશન હોવાના કારણે અને ભેજવાળું હવામાન તથા આહ્લાદક વાતાવરણ હોવાથી એબોટાબાદમાં થોડું ખોદાણ કર્યે જ પાણી નીકળે છે.  ટુંકમાં કહીએ તો, ત્યાનું વોટર લેવલ બહુ ઉંચુ હતું. આવા સંજોગોમાં ભોંયરૂ તૈયાર કરીને લાદેનના ઘર સુધી પહોંચવું લગભગ અશક્ય હતું. હવે એક જ વિકલ્પ બચ્યો હતોઃ એર સ્ટ્રાઇકનો. હેલિકોપ્ટર દ્વારા જવાનોને પાકિસ્તાની સીમામાં લઇ જવામાં આવે અને દોરડા વાટે તેઓ સીધા જ લાદેનની હવેલીની અગાસી પર ત્રાટકે એવી યોજના તૈયાર કરવી પડે તેમ હતી. માર્ચની ૨૯ તારીખે મેકરેવન ફરી એક વખત ઓબામા પાસે પહોંચ્યા, પરંતુ ઓબામાના મિલીટરી એડવાઇઝર્સ હજુ દ્વિઘામાં હતાં. સુરક્ષા સચિવ રોબર્ટ ગેટ્સ હેલિકોપ્ટર હૂમલાની સખ્ત વિરૂદ્ધમાં હતાં. તેમણે ૧૯૮૦માં  ઇરાનના તહેરાન ખાતે અમેરિકાએ કરેલા ડેલ્ટા ફોર્સ ઓપરેશનની કડવી યાદો તાજી કરી.
અમેરિકન હોસ્ટેજને છોડાવવા માટે થયેલા એ ઓપરેશનમાં આઠ અમેરિકન જવાનોના મોત થયા હતાં. જ્યારે સેનાના અધિકારી જેમ્સ કાર્ટરાઇટ સૈન્યની અન્ય પાંખ દ્વારા હવાઇ હૂમલાની તરફેણ કરતા હતાં. તેમનું કહેવું હતું કે, અમેરિકન સેનાના બીટુ સ્પિરિટ બોમ્બર્સ દ્વારા આ ઓપરેશન પાર પડવું જોઇએ. આ ટુકડીનું કામ આકાશમાંથી અગનગોળાઓ વરસાવવાનું છે અને તેઓ જમીન પર ઉતરીને ઓપરેશનને અંજામ આપતા નથી. તેમની માંગણી હતી કે, આ રીતે ભયાનક બોમ્બમારો કરી પેલી હવેલી સાફ કરી નાંખવી. ગણતરીઓ માંડવામાં આવી તો ખ્યાલ આવ્યો કે, ૨૦૦૦ પાઉન્ડ વજનનો એક એવા ૩૨ બોમ્બ જો ફેંકવામાં આવે તો તે હવેલી સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ શકે. આટલા બોમ્બ ફેંકાય તો જ હવેલીના ભોંયરા સુધી તેની અસર પહોંચી શકે. પછી બધાને ખ્યાલ આવ્યો કે આટલો દારૂગોળો જો એક સ્થળે ફેંકવામાં આવે તો તેના થકી આખો વિસ્તાર એવી રીતે ધણધણી ઉઠે જાણે કોઇ પ્રચંડ ભૂકંપ આવ્યો હોય. આવડો હોબાળો કરવાનું અમેરિકાને પરવડે નહિં. આવા હૂમલાનો એક બીજો ગેરફાયદો એ પણ હતો કે તેમાં લાદેન હણાયો છે કે કેમ અથવા તો જેટલા મર્યા છે તેમાં લાદેન હતો કે નહિં તેના પુરાવાઓ કદી મળે નહિં. ઓબામાએ થોડું મનોમંથન કર્યુ અને બેઠકનો અંત કરતાં તેમણે મેકરેવનને સીલ કમાન્ડોના હવાઇ હૂમલાની તૈયારીઓ તથા રિહર્સલ કરવા માટે સૂચના આપી દીધી.

(બીજો અને અંતિમ ભાગ વાંચો હવે પછી...)

*બે ભાગની મારી આ લેખમાળા 
સૌરાષ્ટ્રનાં દૈનિક "અકિલા"માં પ્રકાશિત થઇ હતી. 

Saturday, July 30, 2011

બૌદ્ધિક આતંકનો ત્રાસ અને ભારતની દયાપાત્ર લાચારી: વાણીસ્વાતંત્ર્યના નામે વાણીવિલાસ અને વાણીવ્યભિચાર!


એકસો શ્વાન મરે છે ત્યારે એક સુવ્વર જન્મે છે. એકસો સુવ્વર મરે ત્યારે એક લોંકડી જન્મ લે છે અને એક હજાર લોંકડી મરે ત્યારે એક લુચ્ચો સ્યુડો સેક્યુલરિસ્ટ અવતાર ધારણ કરે છે... ભારતના કહેવાતા બૌદ્ધિક સેયુલારિયાઓ પાકિસ્તાન પ્રાયોજિત સંસ્થાના સમારંભોમાં ભારત વિરોધી ભાષણો ભરડતા રહ્યા. હવે તેઓ કહે છે કે, "લે! અમને તો ખ્યાલ જ નહોતો કે આમાં આઈ. એસ. આઈ. પણ ઇન્વોલ્વ છે!" પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે... 


એક કુઆની પાળ પર ત્રણ જુવાનીયા બેઠા છે. એક મુસ્લિમ કટ્ટરવાદી છે, બીજો હિન્દુ કટ્ટરવાદી છે અને ત્રીજો એક કહેવાતો સેક્યુલારિસ્ટ છે. ત્રણેય તમને એમ કહે કે, "અમારામાંથી કોઈ બે સૌથી નીચ, અધમ અને હલકટને કુઆમાં ધક્કો મારી દો!" આવા સંજોગોમાં તમે કોને ધક્કો મારશો? વેલ, સેક્યુલારિસ્ટને ધક્કો મારવો જોઈએ. . બાકી બેઉના કાંઠલા પકડી તેને નીચે ઉતારી અને કહેવાનું કે, 'સોબત હમેશા સારી રાખવી. પેલો જે કુઆમાં ગયો એના પાપે જ તમે માથે ભગવા-લીલા કફન બાંધ્યા છે!" આ ટુચકાને વાસ્તવિક ઠેરવતી, સેક્યુંલરીયાઓની એક યાદી પર જરા દ્રષ્ટિપાત કરીએ: જસ્ટીસ રાજિન્દર સચર - જેમણે દેશના મુસ્લિમોની પરિસ્થિતિ પર એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના મામલે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિમાં સ્થાન ભોગવતા દિલીપ પડગાંવકર. વડાપ્રધાનશ્રીના મિડિયા સલાહકાર, હરીશ ખરે. કટાર લેખક કુલદીપ નય્યર, 'વીમેન વેજિંગ પીસ'ના રિટા મનચંદા. 'કાશ્મીર ટાઈમ્સ'ના તંત્રી વેદ ભસીન. હેડલાઈન્સ  ટુડેના તંત્રી હરિન્દર બાવેજા. માનવાધિકાર એક્ટિવિસ્ટ તરીકે જાણીતા ગૌતમ નવલખા અને કમલ ચિનોય. જાણીતા કોલમિસ્ટ પ્રફુલ બિદવાઈ. લાગે છે કે જાણે આપણે પદ્મ એવોર્ડના વિજેતાઓની યાદી નિહાળી રહ્યાં છીએ. આ બધા એ લોકો છે જે સતત બોલ્યા કરતા હોય છે, લખ્યા કરતા હોય છે. એમની પાસે નરેન્દ્ર મોદીથી લઇ કાશ્મીર અને ભ્રષ્ટાચાર જેવા અનેક વિષયો પર અભિપ્રાયોના ભંડાર હોય છે. ઓપિનિયનની બાબતે તેઓ અક્ષયપાત્ર જેવા હોય છે. તમે એક અભિપ્રાય એમની પાસેથી મેળવો ત્યાં જ બીજા બે-ત્રણ એમને નવા ઉગી નીકળ્યા હોય. આ બધા નામો એ વિભૂતિઓના છે જેમણે ગુલામનબી ફાઈનું આમંત્રણ સ્વીકાર્યું હતું. ફાઈની અત્યારે એફ.બી.આઈ. દ્વારા ધરપકડ થઇ ચુકી છે અને એવા સજ્જડ પુરાવાઓ મળ્યા છે જેના થાકી સાબિત થાય છે કે, 'કાશ્મીરી અમેરિકન કાઉન્સિલ' નામનું ફાઈનું આ સંગઠ્ઠન પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ.ના ભંડોળથી ચાલતું હતું. તેનું મુખ્ય કાર્ય આંતર રાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દે ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી  માહોલ સર્જવાનું હતું. વધુ એક એજન્ડા હતો: કાશ્મીર ખીણમાં શાંતિ ના સ્થપાય તે માટે હુર્રિયતના નેતાઓને નિયમિત ફંડ પહોંચાડવાનો.. આપના આ બધા મહાનુભાવો ફાઈએ યોજેલી કોન્ફરન્સોમાં માનવાધિકાર અને લોકશાહીના રૂપાળા નામો હેઠળ ઓલમોસ્ટ ભારત વિરોધી બકવાસ કરી આવ્યા છે. એમને કોઈ પૂછનાર નથી, રોકનાર કે ટોકનાર તો ક્યાંથી હોઈ શકે? વડાપ્રધાનના મિડિયા સલાહકાર ખુદ જ્યાં મુંડન કરાવી આવ્યા હોય તો બાકીના તો એમની પાસે મગતરા કહેવાય. 
બૌદ્ધિક આતંકવાદ ભારતની બહુ ગંભીર સમસ્યા છે. આતંકવાદ જેટલી જ સિરિયસ. કદાચ તેનાથી પણ વધુ. વાણી સ્વાતંત્ર્ય તો બંધારણે આપ્યું જ છે પરંતુ વાણીવિલાસ અને વાણીવ્યભિચારની મંજુરી બૌદ્ધિકોએ જાતે જ મેળવી લીધી છે. રિંગના લઉં બે-ચારની... માફક. આ દેશમાં સ્થિતિ એવી થઇ છે કે જો તમે બધી કોમના સમાન હક્કની વાત કરો તો તમે કોમવાદી છો, જો તમે હિન્દુઓના અધિકારો વિશે ઉલ્લેખ કરો તો તમે ફેનેટિક અને સંઘવાદી છો પરંતુ જો તમે મુસ્લીમોના હક્કની અને એમની વ્યથાઓની અને એમના સંઘર્ષોની, એમની આર્થિક-સામાજિક પરિસ્થિતિની કથા માંડો તો તમે સેક્યુલર છો. જો તમે કહો કે, ગોધરા કાંડ એક સ્પોન્તેનસ કૃત્ય હતું, પૂર્વનિયોજિત નહોતું, તો તમે સેક્યુલર અને મહાન છો, તમે કહો કે, મોદી એક દાનવ છે તો જ તમે ખરા અર્થમાં માનવ છો. જ્યાસ્રે તમે કહો છો કે, એ પણ એક માનવ છે! ત્યારે પછી તમે દાનવ છો. જો તમે કાશ્મીરના પંડિતોની વ્યથા રજુ કરો તો તમે ભાન ભૂલેલા કટ્ટર હિન્દુ છો પરંતુ તમે ભારત વિરોધી સ્ટેન્ડ લઇ કાશ્મીરની અવામના અવાજની અને એમના આત્માની અને એવી બધી મહાન વાતો કરશો તો તમે સેલિબ્રિટી છો. તો તમને મફતમાં વિદેશ જવા મળશે, ફાઈ સાહેબ જેવા લોકો સેવન સ્ટાર હોટેલમાં તમને ઉતારો આપશે, આજીવન યાદ રહે એવી આગતા-સ્વાગતા કરશે.








  
એના કાર્યક્રમોમાં કાશ્મીરના અંતરાત્માના અવાજના નામે ભારત વિરોધી ભાષાનો થતા અને તાળીઓનો ગડગડાટ થતો. યાદ રહે કે, એ ભાષણો ભરડવામાં આપણાં કહેવાતા બૌદ્ધિકો મોખરે હતા. વટલાયેલા મુલ્લાજી બે-ચાર ડુંગળી વધુ દાબે એ ન્યાયે કહેવાતા સેક્યુલર શૈતાનો વાણીના સ્વાતંત્ર્ય ના નામે રીતસર વિચારોનો વ્યભિચાર કરતા. આ છે દેશના કહેવાતા સેક્યુલર બૌધ્ધિકોનિ વાસ્તવિકતા. આપણાં બૌદ્ધિકો આવા બધા જલસા કરી જ આવ્યા છે. દેશહિતના ભોગે. હવે તેઓ કહે છે કે, 'અમે ફાઈના ઈરાદાઓ અંગે અજાણ હતા, એના પાકિસ્તાન કનેક્શન વિશે પણ અમને જાણ નહોતી'  ઓબ્જેક્શન મી લોર્ડ! ભારતની જાસુસી સંસ્થા "રિસર્ચ એન્ડ એનાલીસિસ વિન્ગ" (રો) પાસે દોઢ દાયકા અગાઉ જ ફાઈના કુકર્મોની જાણકારી પહોચી હતી, છેલ્લા ચૌદ વર્ષોથી 'રો'ની તેના પર નજર હતી. એ અલગ વાત છે કે, રો ફક્ત જાણકારી મેળવે છે, કદી એકશનમાં માનતી નથી. ખૈર, ફાઈ અગાઉ તો વોશીન્ગ્તનના એક અંતરિયાળ વિસ્તારમાં રહેતો હતો અને પોતાની પ્રવૃત્તિઓ ચલાવ્યા કરતો હતો. આઈ.એસ.આઈ. તરફથી વધારાનું ફંડ મળવું શરુ થયું એટલે તેણે પોતાનો પંજો ફેલાવ્યો. 'કાશ્મીરના અસલી અવાજ'ના અંચળા હેઠળ એ પાકિસ્તાનના એજન્ડાને પ્રમોટ કરવા લાગ્યો, સંયુક્ત રાષ્ટ્રના સેમિનાર યોજાતા હોય તો ત્યાં જઈ કાશ્મીર મુદ્દે દેખાવોનું આયોજન કરવા લાગ્યો. કાશ્મીરમાં ભારતીય ફોજ અને ભારતીય કેન્દ્ર સરકારની દખલગીરી અંગે એ ભયાનક હદ્દે કુપ્રચાર કરતો. હજુ હમણાં સુધી એની આ બધી પ્રવૃત્તિ ચાલુ હતી. વોશીન્ગ્ટનમાં આવેલી પાકિસ્તાની એમ્બેસીમાં એ દર શનિવારે (શનિવારે ત્યાં 'ફાઈવ ડે વીક'ના કારણે રજા હોય છે) બિલ્લીપગે પહોંચી જતો. પોતાના આકાઓ પાસેથી આદેશો મેળવતો અને પોતાનું નેટવર્ક ફેલાવતો. આઈ.એસ.આઈ.ના સાહેબો જોડે એ ઈ-મેઈલ દ્વારા સતત સંપર્કમાં હતો. 

પિસ્તાલીસ પાનાંની એફિડેવિટમાં એફ.બી.આઈ.એ કેટલાક ચોંકાવનારા તથ્યો મુક્યા છે. ફાઈને દર વર્ષે પાકિસ્તાન તરફથી કરોડો રૂપિયા મળતા હતા. આ ભંડોળમાંથી એ બૌદ્ધિક ગધેડાઓને બોલાવીને તેમની પાસે ભાષણ ભરડાવતો. એફ.બી.આઈ. પાસે ફાઈના એ ચાર હજાર ઈ-મેઈલનો ડેટા છે જેમાં તેણે આઈ.એસ.આઈ.ના અધિકારીઓ સાથે વાતચીત કરી છે, ફોન કોલનું રેકોર્ડિંગ છે. એફ.બી.આઈ. બહુ દ્રઢપણે માને છે કે, તેની સંસ્થા, 'કાશ્મીરી અમેરિકન કાઉન્સિલ' પણ વાસ્તવમાં આઈ.એસ.આઈ.એ જ ઉભી કરેલી છે.
પોતાનું ગ્રેજ્યુએશન ફાઈએ અલિગઢ મુસ્લિમ યુનિવર્સીટીથી કર્યું. એ પછી મક્કા અને સાઉદી અરબની સ્કોલરશિપ મળ્યા પછી ફાઈએ ત્યાં જઈ પણ અભ્યાસ કર્યો હતો અને કટ્ટરવાદના પાઠ શીખ્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનો મોહમ્મદ યુસુફ શાહ તેનો બાળપણનો મિત્ર છે. ફાઈને અમેરિકાની તપાસ સંસ્થાઓ પાકિસ્તાનનો જાસુસ જ માને છે. એફ.બી.આઈ. પાસે આવું માનવના કારણો પણ છે, તેમને કેટલાક એવા સાક્ષીઓ પણ મળ્યા છે જે ફાઈની ગતિવિધિઓ અને તેના પાકિસ્તાન કનેક્શનની ચોક્કસ માહિતી ધરાવે છે. તેમના કહેવા મુજબ એ પાકિસ્તાન ને પૂછ્યા વગર પાણી પણ પીતો નહોતો. તેની ઇવેન્ટમાંથી લગભગ એંસી ટકાનું આયોજન ખુદ આઈ.એસ.આઈ. કરતી અને બાકીની વીસેક ટકા ઇવેન્ટ એના ખુદના ભેજાની નીપજ રહેતી. જેના માટે પણ આઈ.એસ.આઈ.ની પૂર્વમંજુરી અનિવાર્ય રહેતી. ટૂંકમાં કહીએ તો એ આઈ.એસ.આઈ.નું  માઉથપીસ હતો. 
ફાઈની પ્રવૃત્તિ પાકિસ્તાન માટે એટલી ફળદાયી હતી કે, ભારત એ તેનો મુકાબલો  કરવા કાશ્મીરી મૂળના એક નિવૃત્ત  આઈ.એ.એસ. અધિકારી નામે વજાહત હબીબુલ્લાહને અમેરિકા મુકવા પડ્યા. તેમને 'મિનિસ્ટર - કોમ્યુનિટી અફેર્સ'નો દરજ્જો આપવામાં આવ્યો. સવાલ એ પણ થાય કે, ફાઈએ કદી અર્નાબ ગોસ્વામી, એમ.જે. અકબર, અરુણ શૌરી કે પ્રભુ ચાવલા જેવા પત્રકારોને શા માટે વક્તવ્ય માટે ના બોલાવ્યા? કારણ સ્પષ્ટ છે: આ બધા લોકોના દ્રષ્ટિકોણ તેમનાથી હજમ થાય એમ નહોતું. તેમને 'યુઝફૂલ ઇડીયટ્સ'ની આવશ્યકતા હતી. એમને ભારતના ગદ્દારો ખપતા હતા. અને આવા મુર્ખ લોકોને ગદ્દાર ના કહીએ તો બીજું શું કહીએ! 
બૌદ્ધિકતાના નામે આપણે ત્યાં ઘણા લોકો પોતાનો કારોબાર ચલાવવા નીકળ્યા છે. એક  ફેશન થઇ પડી છે, દેશ વિરુદ્ધ અને હિન્દુઓ વિરુદ્ધ બોલવાની. કહેવાતા બુદ્ધિજીવીઓની આ ગુસ્તાખીઓ દેશને કેટલી હદ્દે નુકસાનકારક છે એ આપણે ગોધરાકાંડ થી લઇ છેક ફાઈ સુધીના મામલે અનુભવ્યું છે. આવી જ માનસિકતા ધરાવતા નાના-નાના ફૂદકા જેવા લોકો આપણ ને સોશિયલ નેટવર્કિંગની સાઈટ પર પણ જોવા મળતા હોય છે. ભલે એમની હેસિયત બહુ મોટી ના હોય પણ વાતાવરણ માં વૈચારિક પ્રદુષણ ફેલાવવા તેઓ યથાશક્તિ પ્રદાન કરતા રહે છે. ઓઝોનના પડમાં સાવ એમ જ ગાબડું નથી પડી ગયું. દિગ્વિજયની બોન્સાઈ આવૃત્તિ જેવા આ લોકોનો આતંક પણ ઓછો નથી. દરેક અસામાજિક તત્વને પોતાની પાપી પ્રવૃત્તિ કાજે સમાજની જરૂર પડે છે એમ આવા લોકોને પણ વિચારોનો કાર્બન મોનોક્સાઈડ ફેલાવવા માટે ઓડીયન્સની જરૂરીયાત હોય છે. એટલે જ તેઓ ટેકનોલોજીના માધ્યમથી લોકોની વચ્ચે ઘુસી જાય છે. એમની હિલચાલ પણ આતંકવાદીઓ જેવી જ હોય છે. એ લોકો વચ્ચે પહોંચી ને લોકોની કબર ખોદે છે. 
વૈચારિક ઉગ્રવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. અહી કોઈપણ અલેલટપ્પું આવા સંવેદનશીલ મામલે પણ મનફાવે તેવા નિવેદનો કરી શકે છે. બધું ચાલે છે. આ એક મહાન ડેમોક્રસી છે. દિગ્વિજય સિંહથી લઇ કુલદીપ નય્યરો સુધીના તમામ લોકો એક મહાન લોકશાહીના મહાન સંતાનો છે. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તે પછી તેઓ એ અંગે મહાન વિચારક ઓશોનો અભિપ્રાય મેળવવા ગયા. ઓશોએ તેમને સંપૂર્ણ નૈતિક સમર્થન આપતા કહ્યું કે, 'હજુ કમસે કમ દસ વર્ષ ઈમરજન્સી ચાલુ રાખજો, આ દેશના લોકો લોકશાહીને લાયક નથી' ઓશો જમાનાથી આગળ હતા. આજે પણ દેશને પ્રતિબદ્ધ, કડક શાસકના લોખંડી પંજા તળે સખ્ત કટોકટીની અનિવાર્ય આવશ્યકતા છે. દેશના લોકોના હાથ-પગ ટૂંકા થઇ જાય અને જીભડી દોઢ ફૂટ લાંબી થઇ જાય તો સમજવું કે એ લોકશાહીને લાયક નથી.  
 * તારીખ ૨૮ જુલાઈના દિવસે "અકિલા"માં પ્રકાશિત થયેલો આ લેખ થોડા ફેરફાર સાથે અહીં મુક્યો છે.