મોબાઇલ, ડ્રાઇવિંગ, શોકસભાઓ અને પબ્લિક ટોઇલેટ્સઃ આપણી જાહેર શિસ્ત એ જ આપણી પ્રજાની સાચી ઓળખ !
તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક, ‘‘જાહેર શિસ્તઃ વિચારથી અમલ સુધી’’માં લેખક ડો. રાજીવકુમાર ગુપ્તાએ આપણી કેટલીક ગંદી કુટેવો પ્રત્યે આંગળી ચિંધી છે. મલ્ટિપ્લેક્સમાં ચાલુ ફિલ્મે મોબાઇલનો છૂટથી ઉપયોગ કરતા અનાડીઓથી લઇ શોકસભાનો મલાજો નહીં જાળવતા વક્તાઓ સુધીના અનેક લોકોનાં અવગૂણો તેમણે સરળ ભાષામાં રજૂ કર્યા છે. આ પુસ્તક, આપણી એક પ્રજા તરીકેની અનેક નબળાઇઓ છતી કરે છે...
લેખકઃ ડો. રાજીવકુમાર ગુપ્તા (આઇ.એ.એસ.) |
‘જાહેર શિસ્તઃ વિચારથી અમલ સુધી’
લેખકઃ ડો. રાજીવકુમાર ગુપ્તા (આઇ.એ.એસ.)
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
કિંમતઃ ૨૭૫
મોબાઇલના હેન્ડસેટ્સ તો આપણાં દેશમાં કરોડોની સંખ્યામાં આવી ગયા. પણ એનો ઉપયોગ કરવાની શિસ્ત રતિભાર પણ ન આવી. વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે પરંતુ તેને હંકારવાનું ડહાપણ ફાયનાન્સ કંપનીઓ આપતી નથી એ સમસ્યા છે. ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાની કોઇની પાસેથી તમે અપેક્ષા રાખો તો એ દેશમાં એ પાપકૃત્ય ગણાય છે. અને તમે વાહનડ્રાઇવિંગની શિસ્ત જાળવો તો લોકો તમારા ભણી એવી રીતે ડોળા ફાડીને જુએ છે જાણે તમે કોઇ એલિયન હો. ફોન કરનારો બેવકુફ તમને જ્યારે પૂછે છેઃ ‘કોણ બોલો છો ?’ ત્યારે આપણાં માથાની નસો ફાટી જાય છે. અલ્યા ડફોળ ! ફોન તે કર્યો છે, સૌપ્રથમ તું તારી ઓળખાણ આપ ! પણ સમજે છે કોણ ? તમારી પાસે મોબાઇલ છે તો લોકો પછી તમારા પર હક્ક જમાવી બેસે છે. તમે તેનો એક કોલ જો એટેન્ડ ના કરો તો એ બીજો કરે છે, બીજો ન કરો તો એ ત્રીજો, ચોથો, દસમો, વીસમો ફોન કરતા પણ અચકાતો નથી. આપણી પાસે મોબાઇલ હેન્ડસેટ હોય એનો અર્થ શું એ થયો કે, ચોવીસ કલાકની દરેક ક્ષણે આપણે કોલ એટેન્ડ કરવાની સ્થિતિમાં હોઇએ ? મનુષ્યને નિત્યક્રિયા જેવું પણ કંઇ હોય છે. એને દાત પર બ્રશ ઘસવું પડે છે, સ્નાન કરવા જવું પડે છે, દિવસમાં પાંચદસ વખત સુસુ જવું પડે છે. બે વખત એ ચા પીતો હોય, બપોરે અને રાત્રે ભોજનનો સમય હોય, પત્નિ અને બાળકો સાથે સમય વીતાવવાનો હોય અને ઉંઘવાનું પણ હોય. કોલ કરનાર જાણે આ બધી બાબતોથી પર હોય તેમ દરેક વખતે અપેક્ષા રાખે છે કે, એ જ્યારે કોઇને કોલ કરે ત્યારે સામી વ્યકિતએ ઉપાડવો જ રહ્યો.
જાહેર શિસ્ત શ્વાસોચ્છવાસ જેવી જ અગત્યની જણશ છે. પરંતુ ભારતીયોના અગ્રતા ક્રમમાં એકથી સો બાબત સુધીની યાદીમાં તેનું ક્યાંય સ્થાન નથી. દરરોજ તમને આવી શિસ્તની હત્યા કરતા આતંકવાદીઓ જોવા મળે છે. તેઓ પબ્લીક ટોઇલેટમાં પોટી જાય છે, પરંતુ જો ફલશ કરે તો જાણે એમનો ધર્મ અભડાય છે. આપણી જાહેર યુરિનલ અને જાહેર ટોઇલેટ્સ આપણી પ્રકૃત્તિની પહેચાન છે. છપ્પનની છાતી હોય તો હાઇવે પર આવેલી કોઇ હોટેલના ટોઇલેટનો એક વખત ઉપયોગ કરી જુઓ. મુળ વાત એ છે કે, આપણે વાતચીતથી લઇ અને રહેણીકરણી સુધીમાં દરેક બાબતે એક ગંદી અને પછાત પ્રજા છીએ. આઘાતજનક વાત એ છે કે, આપણે સ્વિકારતા પણ નથી કે આ બધી આપણી ખામીઓ છે. જાણવાનું દુઃખ છે. જે જાણે છે તેને બધુ કઠે છે. ૯૮ ટકા અનાડી તથા અલેલટપુ ધરાવતા આ દેશમાં જે લોકો લાઇન તોડે છે, મુતરડીઓ અને જાજરૂઓ ગંદા કરે છે કે મલ્ટીપ્લેક્સમાં ચાલુ ફિલ્મે મોબાઇલ પર સિંહ જેવી ગર્જનાઓ કરે છે, તેને કદી અપરાધભાવ નથી થવાનો. સમજુઓ જુએ છે અને દાઝે છે. હજુ હમણાં જ પ્રકાશિત થયેલું પુસ્તક ‘જાહેર શિસ્તઃ વિચારથી અમલ સુધી’ (લેખકઃ ડો. રાજીવકુમાર ગુપ્તા, આઇ.એ.એસ.) આવી જ મહત્વપૂર્ણ વાતો કહે છે.
ડો. રાજીવકુમાર ગુપ્તા ગુજરાતના સનદી અધિકારી છે, અને તેઓ વડોદરા, મહેસાણા તથા સાબરકાંઠાના કલેકટર તરીકે રહી ચૂક્યા છે. આ પુસ્તકમાં તેમને સાહિત્યિક ભાષાના અમીછાંટણા ભલે ન કર્યા હોય, પરંતુ સમજુશાણા લોકોને ખુંચતી કેટલીક ગેરશિસ્તની બાબતો તરફ બહુ અસરકારક રીતે આંગળી ચિંધી છે. પગાર પૂછવાની કૂટેવથી લઇને અનાજના બગાડની કુસંસ્કૃતિ અને ફોનની મેનર્સ તથા લાયબ્રેરીની શિસ્ત સુધીની અનેક બાબતો તેમણે આવરી લીધી છે.
સમાજ આખો માનસિક રીતે માંદા લોકોથી ખદબદી રહી છે. ભારતીયોની જીવનશૈલી એવી છે કે, દરરોજ એ અન્ય નાગરિકને નડે છે, પર્યાવરણને ગંદુ કરે છે અને પૃથ્વી પર બોજ વધારતો રહે છે. જાહેર શિસ્તમાં ઢળવુ તેને ફાવતું નથી. જુવાનીયાઓ દરરોજ ગુજરાતના દરેક શહેરોમાં રાત્રે ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવીને આખા ગામ માથે લે છે, લોકો જાતજાતની નંબર પ્લેટ બનાવે છે, નિયમો પાળવાનું કોઇને ગમતું નથી, કોઇ વળી નંબર પ્લેટ કોરી રખાવે છે અને તેમાં પોલીસ કે પ્રેસ કે એડવોકેટ જેવું કશુંક છપાવી મારે છે. જાણે પોલીસ થયા કે કાયદાની ડિગ્રી મળી એટલે તેઓ કાનૂનથી પર થઇ ગયા. વાહનો ઘેરઘેર આવી ગયા છે, પરંતુ તેને પાર્કીંગ કરવાથી લઇને ચલાવવા સુધીની શિસ્ત હજુ કયાંય પહોંચી નથી. આ દેશમાં લોકો પોતાનું બાઇક લઇને નીકળે તો સવારથી સાંજ સુધીમાં પચાસસો વખત હોર્નનું પોપો કરીને પાછો ફરે છે. આગળ કોઇ જતુ હોય કે ન જતુ હોય, તેને હોર્ન મારવું જ છે. ટ્રાફિક જામ હોય તો પણ તે પોંપોં કરશે. ભલાદમી, કોને અહીં ટ્રાફિકમાં રાત વિતાવવાનો શોખ છે, આગળના વાહનો ખસે અને વાહનોની ગુંચવણી ઉકેલાય કે લોકો આપમેળે પોતપોતાના રસ્તે ચાલતા થવાના છે. તમે હોર્ન પર અંગુઠો દબાવીને બેસી જાવ તો તેનાથી ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ જવાની નથી, પરંતુ લોકોની અકળામણ વધવાની છે અને અવાજનું પ્રદુષણ વધવાનું છે. લોકો માને છે કે, વાહનના બધા ફિચર્સ ઉપયોગ માટે જ હોય છે. પરંતુ ઇશ્વરે કોમન સેન્સ નામનું એક ફીચર્સ મનુષ્યના દિમાગમાં મુક્યું છે અને પ્રતિ ક્ષણ તેનો ઉપયોગ થવો જોઇએ એ વાત તે ભૂલી જાય છે. અહીં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ચરમસીમા પર છે. લોકો કોમનસેન્સનો ઉપયોગ ઓછો કરે છે તેટલે કાળક્રમે તેના ડી.એન.એ.માંથી સામાન્ય બુદ્ધિની બાદબાકી જ થઇ ગઇ છે.
ગામડાઓમાંથી શહેરમાં સ્થળાંતર વધ્યું તે પછી શહેરના સમજુ લોકોનું જીવવું પણ હરામ થઇ ગયું છે. શહેરની દરેક ગલીઓ હવે ગૌ શાળા જેવી છે અને ગામડાની અબુધ પ્રજા શહેરના કોઇ જ નિયમોનું પાલન કરતી નથી. ડફોળ લોકો આજે પણ સવારે શેરીમાં ઉભાઉભા બ્રશ કરે છે અને રોડ વચ્ચે ઉળ ઉતારે છે. તેઓ આખા જગતને પોતાનો બાથરૂમ સમજે છે અને શેરીઓ તેમનું ખાનગી વોશ બેસીન છે. એવા લોકો પણ છે, જેમના માટે સમગ્ર સૃષ્ટિ પોતાનું ટોઇલેટ હોય અને યુરિનલ પણ હોય. આપણે આપણું ખોદવામાં ઉસ્તાદ છીએ. રેલ્વે ક્રોસીંગથી લઇને શોકસભાઓમાં પણ આપણા લખ્ખણો ઝળકાવતા રહીએ છીએ. ગિરનારમાં પદયાત્રા કરવા જઇએ છીએ અને માનીએ છીએ કે, પૂણ્યનું ભાથુ બાંધી. વાસ્તવિકતા એ છે કે, આપણે પાપના પોટલા બાંધીને પાછા આવીએ છીએ. થર્મોકોલના વપરાયેલા ગ્લાસ, પ્લાસ્ટીકની પ્લેટસ, પ્લાસ્ટીકની થેલીઓ, સડેલા શાકભાજીઓ અને એઠવાડ... આ બધું આપણે જો જંગલોમાં છોડી આવ્યા હોઇએ તો ક્યો પરમાત્મા તમને પૂણ્ય પ્રદાન કરવાનો હતો. દરેક ધાર્મિક ઉત્સવો વખતે આપણે ભાન ભૂલીએ છીએ. ગણપતિનો ઉત્સવ હોય તો રાત્રે બારએક વાગ્યા સુધી લાઉડ સ્પીકરો પરથી મોટા અવાજે ભજનો વાગતા રહે છે, જાણે એવું કરવાથી ગણપતિ સુધી આપણી પ્રાર્થના પહોંચી જવાની હોય ! જન્માષ્ટમી અને તેના જેવા તહેવારો વખતે જાહેર રાજમાર્ગો રોકીને પંડાલ બનાવવામાં આવે છે. રાજકારણીઓ તેમાંથી સ્વાર્થ સાધે છે અને ટટપુંજીયાઓ લેવાદેવા વગર હોહા કરતાં સરઘસમાં જોડાઇ જાય છે. ડો. રાજીવકુમાર ગુપ્તા કદાચ આવી બધી બાબતોથી ઉકળી ઉઠ્યા હશે. એટલે તેમણે બહુ માર્મિક ભાષામાં આપણી ખામીઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કર્યો છે. આ પુસ્તક કોઇ મહાન સાહિત્યકૃત્તિ નથી, પરંતુ તેનું મહત્ત્વ બિલ્કુલ ઓછું નથી. શાળા અને કોલેજના બાળકોને આ પુસ્તકમાંની મહત્વની વાતો સમજાવવામાં આવે તો હવે પછીની પેઢી કમ સે કમ અનાડી જેવી નહીં પાકે.
* "અકિલા"માં પ્રકાશિત
એકદમ સાચી વાત માટે નું સાચું પુસ્તક.
ReplyDeleteસમય સરકી રહ્યો છે, જલ્દી પાછા નહિ વળીએ તો જીવવું અસહ્ય થઇ રહેશે.
છેલ્લા ૨૨ વર્ષ થી રાજકોટ આવજા કરું છુ. છેલ્લી મુલાકાત માં તોબા પોકારી ઉઠ્યો.
ડિવાઈડર ની તમારી બાજુ, સામેથી વાહન આવે તો શું કરવું !?
ધ્વનિ-પ્રદુષણની વાત અને અન્ય વાતો આપણા નવરાત્રી-ઉત્સવને પણ એટલી જ લાગુ પડે છે...મેં એક પ્રસિધ્ધ કટાર અને બ્લોગ લેખક સાથે આ બાબતે માત્ર નવરાત્રીમાં રાત્રે ૧૨ વાગ્યાની સમય મર્યાદા યોગ્ય હોવાનો મત જ વ્યક્ત કરેલો...પણ પછી જાણે મેં કસાબ-અફઝલગુરુના વખાણ કરી નાખ્યા હોય તેમ;મારા પર રીતસર પસ્તાળ પડેલી...આવુ છે...પણ ખરેખર સારા પુસ્તકની સારી છણાવટ...માહિતી બદલ આભાર...
ReplyDeleteજાહેર શિસ્ત ના પાયા મા છે, સ્વયં શિસ્ત...!
ReplyDeleteઘણી સાચી વાત છે. ૧ ટકા ની પણ common sense લોકો માં નથી. પૂરી દુનિયા ને પોતાના બાપ-દાદા ની માલિકી ની સમજી લીધી છે.. જ્યાં મન થાય ત્યાં થૂંકવું, પેશાબ કરવો,ગાળો બોલવી,એ જ જાણે status હોય તેમ વર્તે છે.. ખાસ કરીને સૌરાષ્ટ્ર ની પ્રજા.. વટ માં જ જીવતા કાઠિયાવાડી ક્યારેય સુધરવાના નથી..
ReplyDeleteસર, ગાંધીનગરમાં રોડ રસ્તા ખૂબ પહોળા કરી આપ્યા તો હવે અમુક નબીરાઓ ફુટપાથ પર બાઇક ચલાવે છે... સ્વયંશિસ્ત કરતા ‘‘#### ફાટી જાય એવી પેનલ્ટી’’ વસુલ કરવામાં આવે તો આપોઆપ શિસ્ત પ્રગટી ઉઠે....
ReplyDelete-Zakal
સરસ પુસ્તક અને હાલના સમયમાં પ્રમાણે જરૂરી વિષય. કોઇ જાણે અને સમજે તો ઘણી અગત્યનો મુદ્દો છે.
ReplyDeleteજો મા-બાપ જાતે શિસ્ત પાળે અને પોતાના બાળકોથી જાહેર શિસ્ત પળાવવાની શરૂઆત કરે તો કદાચ ઘણો ફરક પડી શકે એમ છે. બાકી, જેણે જાહેરશિસ્ત એટલે શું કહેવાય તે જાણ્યું જ નથી તેમને તો કયારેય ફરક પડવાનો નથી.
જાહેરશિસ્તની શરૂઆત પોતાની જાતથી થાય તે સૌથી ઉત્તમ.
કિન્નરભાઈ, તમે જે લખ્યું છે અને રાજીવ ગુપ્તાએ જે કંઈ લખ્યું છે તે મને પણ હંમેશાં અકળાવનારું રહ્યું છે. મોટા ભાગના ભારતીયોને આવું જ જીવન કેમ ગમે છે, ટ્રાફિકમાં બેફામ કાર અને બાઇક કે રિક્ષા ચલાવવી, કે પછી, મોટેમોટેથી બીજાની પરવા કર્યા (બીજા મોબાઇલ કે ફોન પર વાત કરતા હોય તો પણ)વાત કરવી, પોતાનું ઘર સ્વચ્છ રાખવું પણ પોતાની બાલ્કનીમાંથી વાળના ગુચ્છા ફેંકવા કે થૂંકવું કે પાન કે માવો ખાઈને તેનું પ્લાસ્ટિક બહાર ફેંકવું...જાતજાતના રિંગ ટોન રાખવા અને તેનું વોલ્યૂમ મોટું રાખવું અને બેસણું હોય કે ઓફિસ, કોલ આવે એટલે જબરો ઘોંઘાટ પેદા કરી દે...સૈફ અલી ખાન જેવા વાયડા લોકો ફિલ્મોદ્યોગમાં જ નથી હોતા, પણ ભારતમાં ઠેરઠેર જોવા મળે છે જે સામેવાળાને એમ કહે છે કે શાંતિ જોઈતી હોય તો લાઇબ્રેરીમાં જાવ. ઓફિસ મેનર્સની તો વાત કરવા જેવી જ નથી.
ReplyDeleteકિન્નરભાઇ - એકદમ સચોટ અને નગ્ન સ્થિતિ વર્ણવી છે. મુળભુત મેનર્સનો સદંતર અભાવ છે. આજે જ સવારે હું જ્યારે રાજકોટથી અમદાવાદ જતો હતો ત્યારે આગળ જતી એસ,ટી બસમાંથી કોઇ ભાઇ કોગળા કરતા હતા - અને મારી કારનો કાચ આખો પહેલાં ઉલ્ટીના છાંટા અને પછી પાણીથી ભરાઇ ગયો. હવે ૮૦-૯૦ની સ્પીડમાં કન્ટ્રોલ કરીને કોઇક્ની ઉલ્ટી સાફ કેમ કરવી? વોલ્વો બસમાં લોકોને સીટ નીચે ઉલ્ટી કરતાં જોયા છે. કોઇ સલાહ આપે કે ડ્રાઇવર પાસે કોથળી હોય છે, બારણા પાસે જઈ કરો, પણ ઘમંડ તો એવું કે - મેં પણ ૩૩૦ રૂપીયા આપ્યા છે અહીંજ કરીશ.
ReplyDeleteસમાજ ક્યારે સુસજ્જ થશે? પ્રત્યેક ઘર માટે ફરજીયાત આ પુસ્તક હોવું જ જોઇએ.