ચાર-પાંચ ચમચી વરીયાળી લો, તેટલા જ ભાગે મગજતરીના બી લેવાના, તેમાં એક ચમચી ખસખસ નાખો, એક ચમચી એલચી, એક ચમચી કાળા આખા મરી. હવે તેમાં બારપંદર બદામ અને તેટલા જ પ્રમાણમાં અખરોટ તથા કાજુ ઉમેરો. આ બધી જ સામગ્રીને મિક્ષ્ચરમાં ક્રશ કરી એક તરફ મુકી દો. એક તપેલીમાં પાંચસો ગ્રામ સાકર અને અઢી-ત્રણગણું પાણી નાંખી ચાસણી તૈયાર કરો. મિશ્રણ થોડુ ઉકળે અને ચાસણી બે તાળવાળી થાય એટલે તેમાં વરીયાળી, એલચી વગેરે ક્રશ કરીને તૈયાર કરેલી સામગ્રી ઉમેરી દો. થોડુ ઉકળવા દો. ગેસ બંધ કરી દો. ઠંડુ થાય એટલે આ સિરપ બોટલમાં ભરી દો. ઉનાળાની બપોરે કે સાંજે અથવા તો રાત્રે જરૂર પુરતુ એક ગ્લાસમાં સિરપ લઇ તેમાં દુધ અથવા પાણી મિક્સ કરી પીઓ... આ છે સાચી ઠંડક.
બોટલવાળા સોફ્ટડ્રીંક્સના આ જમાનામાં દરરોજ તમારી સાથે છેતરપીંડી થાય છે. ‘ઠંડક... ઠંડક’ અને ઠંડાપીણાના નામે મલ્ટીનેશનલ કંપનીઓ જે પીણાંઓ તમને ધાબડે છે તે વાસ્તવમાં શરીરને દાહ કરનારા છે, કાયાને બાળનારા છે. કોઇ એ વાતનો જવાબ આપો કે, પેપ્સી કે કોકાકોલા જેવા પીણાંઓને ઠંડાપીણા કેવી રીતે કહી શકાય. ફ્રિઝમાં રાખવાથી તો દારૂ પણ ઠંડો બની જાય છે, તો શું તેને ઠંડુ પીણું કહેશો. ઠંડા પીણાં તેને કહેવાય જેની પ્રકૃત્તિમાં ઠંડક હોય. જે શરીરના દાહને ઠંડો કરે, શરીરમાંથી પીતનું પ્રમાણ ઘટાડે અને શિતળતા આપે. આજે ઠંડા પીણાના નામે શરીર દઝાડતા પીણાઓનો ખેલ ચાલે છે. અને આપણાં પરંપરાગત, સ્વાસ્થ્યપ્રદ પીણાઓ લોકો ભૂલતા જાય છે.
નકલી ફ્રુટ જ્યુસ અને ઠાલા કેમિકલથી બનેલા સોફ્ટડ્રીંક્સનું બજાર ગરમ છે. મોટીમોટી કંપનીઓ દાવા કરે છે કે, તેમનો ફ્રુટ જ્યુસ સો ટકા કેમિકલરહીત છે. પરંતુ, તેનું ટેટ્રાપેક ઉઠાવીને ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે, તેમાં દસવીસ કે પચ્ચીસ ટકાથી વધારે ફ્રુટ જ્યુસ હોતો નથી. એક લીટરમાં વીસ ટકા ફ્રુટ જ્યુસ હોય તો તેનો અર્થ એ થયો કે, એક પેકમાં લગભગ ૨૦૦ એમ.એલ. એટલે કે એક નાનો ગ્લાસ ફ્રુટ જ્યુસ હોય છે. સામાન્ય રીતે સો-દોઢસો રૂપિયામાં લીટર લેખે વેચાતા આવા ટેટ્રાપેકમાં આપણે કેટલા છેતરાયા છીએ તેની ગણતરી માંડવા જેવી છે. હરખાઇને તમે જે એક લીટરનું પેક સો રૂપિયામાં ખરીદો છો, તેમાં માત્ર એક ગ્લાસ ફ્રુટ જ્યુસ હોય છે, બાકીનું પાણી. બીજો મુદ્દો એ છે કે, તેમાં પ્રિઝરવેટિવ પણ નાંખવા જ પડે છે. બજારમાં જ્યારે સો રૂપિયામાં ચાર કિલો મોસંબી મળતી હોય, વીસના કિલો ચીકુ મળતા હોય, દસનું કિલો તડબુચ મળે, પંદરનું કિલો પપૈયુ મળે અને દસના કિલો આમળા મળતા હોય તેવા સંજોગોમાં અને એવા દેશમાં જે લોકો કેન અથવા ટેટ્રાપેકનો છઆઠ મહિના જુનો જ્યુસ પીવે છે તે વ્યકિત ભોળી નહિ, મુર્ખ પણ છે.
મેડીકલ શોધનું વિશ્વવિખ્યાત મેગેઝીન ‘સરક્યુલેશન’ તેના તાજા અંકમાં કહે છે કે, જે લોકો રોજ એક સોફ્ટડ્રીંક્સ પીવે છે તેવા લોકોમાં હૃદયરોગની શક્યતા ૨૦ ટકા વધી જાય છે. બાવીસ વર્ષ સુધી લગભગ ૪૨ હજાર જેટલા લોકો પર થયેલા સંશોધનનું આ સત્ય છે. હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા થયેલા આ રીસર્ચમાં સાબિત થયું છે કે, આ સોફ્ટડ્રીંક્સમાં તેવું તત્ત્વ હોય છે, જેના કારણે ધમનીઓમાં ચરબી જામવાની પ્રક્રિયા તેજ થઇ જાય છે. કોલેસ્ટ્રોલ, લાઇપ્રોપોટીનએ અને લેપ્ટીન જેવા તત્ત્વોની માત્રા તેના કારણે વધતી ચાલે છે અને ધમનીઓ સંકોચાતી જાય છે. આ તો થઇ એક રીસર્ચની વાત. વાસ્તવિકતા એ છે કે, સમજુ લોકોએ તાત્કાલિક આવા પીણાઓની બાધા લેવી જોઇએ. હકીકત એ પણ છે કે, બજારમાં મળતા સોફ્ટડ્રીંક્સની નિરર્થકતા જાણવા માટે આવા કોઇ રીસર્ચ કે સર્વેની જરૂર પણ નથી. આપણને ખ્યાલ જ છે કે, સોફ્ટડ્રીંક્સમાં કોઇ જ પ્રકારનો ફ્રુટ જ્યુસ આવતો નથી અને ફ્રુટ જ્યુસના ટેટ્રાપેકમાં આપણને રીતસર ઉલ્લુ બનાવવામાં આવે છે. આપણી પાસે વિકલ્પો ઓછા નથી. લેખની શરૂઆતમાં આપેલી ઠંડાઇની પદ્ધતિથી જો એ બનાવીને આખો ઉનાળો તેનું સેવન કર્યુ હોય તો, શરીર ખીલી ઉઠે. સડેલા બોટલ્ડ સોફ્ટડ્રીંક્સની સરખામણીએ પાંચદસ રૂપિયામાં મળતો શેરડીનો રસ શું ખોટો છે. શેરડીના રસની ઠંડક સામે પેપ્સી, મિરીન્ડા કે ફેન્ટાની શી વિસાત.
આ એક અજીબોગરીબ દેશ છે. અહીંયા ભાગ્યે જ કશુંક શુદ્ધ મળતું હોય છે અને જ્યારે એ હાથવગુ હોય ત્યારે લોકો શુદ્ધને બદલે સડેલુ તથા વાસી શોધવા નીકળે છે. પ્લાન્ટમાં હેતકના કેમિકલની મદદથી બનતા ભુંડા ભુખ જેવા સોફ્ટડ્રીંક્સ મધુરા લાગે છે, પરંતુ કુદરતના મહાન પ્લાન્ટમાં બનતા લીંબુના સરબત આપણને કડવા લાગે છે. ઘેર પાંચ રૂપિયામાં ૩૦૦ એમ.એલ. તડબુચ જ્યુસ બની શકે છે. પરંતુ આપણે બાર રૂપિયામાં મળતા નક્કામા બોટલ્ડ ડ્રીંક્સ પાછળ ઘેલા થઇ જઇએ છીએ. તાજી ઠંડી છાસનો ગ્લાસ ઘરમાં બેત્રણ રૂપિયાથી વધારેમાં પડતો નથી, પણ આપણી ઘેલછા લાલપીળી કે બ્રાઉન બોટલોની હોય છે.
ઉનાળામાં જ્યારે વીસની કિલો કેસર કેરી મળતી હોય ત્યારે પણ લોકો દસ રૂપિયામાં બસ્સો એમ.એલ. માઝા કે સ્લાઇઝ ગટગટાવતા હોય છે ! આને કેમ પહોંચવું. ઉનાળો ફરી આવ્યો છે, એક કસમ બધાએ લેવા જેવા છે કે, આ ઉનાળામાં ઠંડા પીણાના નામે પેટમાં ઝેર ઠાલવવું નથી. કેટકેટલા ઓપ્શન્સ છે આપણી પાસે. ઠંડાઇ, લીંબુ સરબત, તડબુચનો જ્યુસ તથા છાસની વાત તો આપણે કરી. શકરટેટી આવવાની શરૂઆત થઇ ગઇ છે. ક્યારેક ખાંડ નાખી તેનો જ્યુસ કરી જોજો. અદ્ભુત આનંદ આવશે, પેટમાં શીતળતાનો રીતસર અહેસાસ થશે. કાચી કેરી આવવા લાગી છે. તેનું સરબત બનાવવાનું ગુજરાતીઓને શીખવવાનું ન હોય. કાચી કેરીને ખમણીમાં છીણી નાખવાની અને પાણીમાં નાખી દેવાની. તેમાં થોડી ખાંડ, નમક અને કાળા મરી ઉમેરો અને પછી જુઓ તેનો જલવો. સહેજ અલગ ટેસ્ટમાં બહુ વાંધો આવતો ન હોય તેવા લોકો માટે કોકમ અને બીલાનું સરબત પણ હાજર જ છે. ઘેર પાતળી છાસથી લઇને ઘાટી લસ્સી સુધીની વસ્તુઓ બનાવી શકાય છે. અમુલ ગોલ્ડ દુધમાંથી પણ તમે જો ઘેર મઠ્ઠો બનાવો તો એક કિલો દીઠ સો રૂપિયા કરતા ઓછામાં તૈયાર થાય છે. બહાર બસ્સો-અઢીસો કે ત્રણસોના ભાવે મળતા જુના વાસી શીખંડ કરતાં ઘરનો આવો તાજો અને ગુણકારી મઠ્ઠો શું ખોટો.
વિકલ્પો અનેકાનેક છે. જરૂર માત્ર માનસિકતા કેળવવાની છે. દસવીસ રૂપિયા આપીને જ્યારે તમે કોલ્ડડ્રીંક્સ ખરીદવા જતા હો ત્યારે યાદ રાખજો કે, પૈસા આપીને આપણે પેટ માટે ઝેર ખરીદી રહ્યા છીએ. પચાસ-સો કે બસ્સો રૂપિયામાં જ્યારે તમે મોલમાંથી જ્યુસનું ટેટ્રાપેક લો છો ત્યારે સ્મરણ રહે કે, તેમાં જ્યુસનું પ્રમાણ દસ-વીસ ટકાથી વધુ નથી. એ દસ-વીસ ટકા જ્યુસ પણ ચારછ મહિના પહેલા કે વર્ષ પહેલા કાઢેલો છે. આવા જ્યુસ કરતા તો લારી પર મળતું લીંબુ સરબત પણ વધુ બહેતર ગણાય. આ ઉનાળામાં યાદ રાખવા જેવું છે કે, આપણું શરીર મસમોટી કંપનીઓનો ઉકરડો નથી, જે ધારે તેવું ગંદવાડ તેમાં ઠાલવી શકે. સ્મરણ રાખવા જેવું છે કે, ઘેર થોડી મહેનત થાય તો એ કરી લેવી, પણ આળસના કારણે શરીરમાં કચરો ન ઠાલવો. બાળકો કોલ્ડડ્રીંક્સ માંગતા જ હોય છે, પરંતુ ઘરમાં જો તેને ઙ્ગતુ મુજબના પીણાઓ અને જ્યુસ વગેરે મળી રહેતું હોય તો તેઓ પછી સોફ્ટડ્રીંક્સ વગેરે માટે ઝાઝો ઉપાડો લેતા નથી. મોટાભાગના કિસ્સામાં માતાપિતા પોતાને પડતી મહેનતથી બચવા માટે બાળકોને આવા પીણાઓની બોટલ હાથમાં પકડાવી દેતા હોય છે, પરંતુ તેમને એ ખ્યાલ નથી કે, તેઓ પોતાના સંતાનને વિષપાન કરાવી રહ્યા છે.