ગીર ગાયના દૂધમાંથી પાંચ કિલોની બર્થ ડે કેક ... દેશી ગાયનાં ઘીમાંથી મોહનથાળ અને ગુલાબ જામ્બુ ... ગોબરમાંથી એન્ટી રેડિએશન ટેબ્લેટ ... કોસ્મેટિક્સ , બ્યુટી કિટ અને બીજી અગણિત પ્રોડક્ટ્સ .... આપણે ધારીએ છીએ તેના કરતા અનેકગણાં પ્રયોગો ગુજરાતમાં આ ક્ષેત્રમાં રહ્યાં છે. દેશી ગૌ - વંશ વિષે તમે અગાઉ ક્યાંય નહીં જાણેલી વાતો...
હજારો ગાયોની વિનામૂલ્યે સેવા-સુશ્રાૃષા કરી ચૂકેલા યુવાન મિતલ ખેતાણી કહે છે ઃ ‘’ગાયો તો માત્ર પંચગવ્યના ઉપયોગથી જ બચી શકશે. શાસ્ત્રોમાં ગાયોને ‘’ગૌધન’’ની ઉપમા મળી છે, ગાય એક પ્રકારનું ધન છે- જો તેનો યોગ્ય ઉછેર થાય તો. અને મનુષ્ય સ્વાર્થી પ્રાણી છે, જો તેને ગાયમાંથી ઉપાર્જન થતું હશે તો જ ગાય બચી શકશે.’’ રાજકોટનાં મિતલ ખેતાણીની એનિમલ હેલ્પલાઈન ૨૦૦૫થી શરૃ કરીને આજ સુધીમાં રસ્તે રઝળતી ૩૮ હજાર ગાયોની સારવાર કરી ચૂકી છે. ગૌસેવાનો આ એક પ્રકાર છે.
ગૌશાળાનાં માધ્યમથી દેશી ગાય દ્વારા ક્રાંતિકારી
કાર્યો કર્યા હોય તેવાં અનેક ઉદાહરણો જોવા મળે છે. જસદણ સ્ટેટના યુવરાજ સત્યજીત ખાચરની શિવરાજ વાડી ગીર ગૌશાળાને મુળ કચ્છના ગૌસેવક
ઘનશ્યામ દાસ એ ચમત્કારીક સ્પર્શ આપ્યો છે. આજે તેમની પાસે ૧૫૦
ગીર ગાય છે અને કુલ ૭૦૦ ગાયોનું પંચગવ્ય તેઓ એકત્રીત કરે છે. તેમાંથી લેપ, સાબૂ, તેલ,
દંતમંજન જેવી ૩૫ કોસ્મેટિક પ્રોડક્ટસ અને ૩૫ ઔષધિય ઉત્પાદનો બનાવે છે.
દરરોજ ૨૦૦ લિટર ગીર ગાયનું દૂધ તેઓ રાજકોટ મોકલે છે. વલોણાથી પોતે ઘી બનાવે છે જે રૃપિયા ૧૫૦૦ના ભાવે વેંચે છે. માખણ નિષ્પન્ન થઈ ગયાં પછી વધેલી વલોણાની છાસ દસ રૃપિયે લિટર વેંચે છે જે લેવા
માટે દરરોજ સવારે લાંબી કતારો લાગે છે. પંચગવ્યનો ઉપયોગ તેઓ પોતાની
ખેતીમાં પણ કરે છે.
અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં વડ ગામે બાગાયતી
ખેતી કરતાં પીઠુભાઈ બોરિચા પણ પોતાની ૧૫૦ વીઘાની ખેતીમાં પંચગવ્યનો ઉપયોગ કરે છે.
એક સમયે તેમની પાસે ૬૫ આલા દરજ્જાની જાફરાબાદી ભેંસો હતી, હૃદયપરિવર્તન થયું અને બધી જ ભેંસો વેંચી ૨૨ ગીર ગાયો અને ત્રણ ઉત્તમ ધણખૂંટ
ખરીદ્યા. આજે ખાતર તરીકે તેઓ ગૌમૂત્ર તથા ગોબરનો ઉપયોગ કરે છે,
ડ્રિપમાં ગૌમૂત્ર ચડાવી દે છે અને આંબા, લીંબૂ,
કેળા જેવાં પાકમાં ઉત્તમ ઉત્પાદન મેળવે છે.
ગીર ગાયના ઉછેરનું કેન્દ્રબિંદુ ગણાતા જામકા ગામનાં
પરષોત્તમભાઈ સિદપરા પાસે ૧૦૫ ગીર ગાય છે અને તેમાંથી ઉપાર્જન મેળવવાની તેમની પધ્ધતિ
સાવ નિરાળી છે. તેઓ ગાયનાં એક ટાઈમના દૂધ-ઘીનું વેંચાણ કરી નાંખે છે, બીજા ટંકના દૂધ-ઘીમાંથી દૂધના પેંડા, માવો, માવાનાં
પેંડા, મોહનથાળ તથા ગુલાબજાંબુ જેવી વિવિધ વસ્તુઓ બનાવી તેનું
વેંચાણ કરે છે. ૩૨ પ્રકારના ઔષધો દ્વારા બનતાં તેમનાં કાટલાંના
લાડુ સૂવાવડી સ્ત્રીઓ માટે દેશ-વિદેશમાં જાય છે. તેમની મીઠાઈઓ માટે બબ્બે મહિનાનું વેઈટિંગ લિસ્ટ રહે છે. ગલ્ફનાં દેશોથી લઈને યુનાઈટેડ સ્ટેટ્સ, યુ.કે. નોર્વે અને ઓસ્ટ્રેલિયા સુધી તેમની પ્રોડક્ટસ જાય
છે.
હા ! ગાય આજનાં યુગમાં પણ વ્યવસાયની
ગ્ષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મોરબીનાં મનોજ પનારાએ એકસો
કરતાં વધુ ગીર ગાયો રાખી છે. તેનું દૂધ લોકો ઘેર આવી લઈ જાય છે.
વિરપર ગામે તેઓ ‘’વસુંધરા ગીર ગાય ગૌશાળા’’
ચલાવે છે. ગૌમૂત્ર આ વિસ્તારમાં ૨૦૦૦ રૃપિયા પ્રતિ
બેરલ વેંચાય છે. મનોજભાઈમાંથી પ્રેરણા મેળવીને આ વિસ્તારનાં પચ્ચીસેક
યુવાનોએ દસ-વીસ-પચ્ચીસ ગાયોથી આ વ્યવસાય
શરૃ કર્યો છે અને તેઓ સફળ પણ થયા છે.
એક મનોજભાઈ મોરબીનાં છે તો એક કચ્છના પણ છે
! ભૂજ પાસેના માધાપરના વતની અને કચ્છના કૂકમા ગામે ‘’શ્રાી રામકૃષ્ણ ટ્રસ્ટ’’ના નેજા હેઠળ ગૌશાળા ચલાવતા મનોજ
સોલંકી પાસે દેશી કાંકરેજ નસ્લની ૧૭૫ ગાયો છે, ૮૦ એકરમાં તેમની
શાકભાજી-મસાલા-અનાજની ખેતી છે. અહીં તેઓ પ્રથમ દરજ્જાનાં ઓર્ગેનિક અનાજ-મસાલાનું ઉત્પાદન
કરે છે.
કાંકરેજ ગાયનું દૂધ ૪૫ રૃપિયે લિટર અને ઘી ૧૦૦૦ રૃપિયે
વેંચે છે. પંચગવ્યમાંથી તેઓ લગભગ ૧૭૦ પ્રોડક્ટસ બનાવે છે જેમાં
ફિનાઈલથી લઈને સાબૂ, ખેતીની દવા વગેરેનો સમાવેશ થાય છે.
શ્રાી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ૧૫થી ૨૦ પ્રકારનાં કોસ્મેટિક્સ,
વીસેક જાતની દવાઓ અને ૧૫ આસપાસ ખેતીને લગતી પ્રોડક્ટસ બનાવે છે.
અહીં ગોબર ગેસ આધારિત જનરેટર પણ મૂકાયું છે. યજ્ઞાશાળાનું
નિર્માણ પણ થયું છે. મનોજ સોલંકી કહે છે ઃ ‘’ગાય જો ખેતીથી નોખી હોય અને ખેતી જો ગાયવિહોણી હોય તો એ બહુ સારી સ્થિતિ ન
કહેવાય. બેઉ એકમેકનાં પૂરક છે.’’
એકઝક્ટલી. આ જ વાત રાજકોટની શ્રાીજીગૌશાળાએ પણ પૂરવાર કરી છે. આ
ગૌશાળામાં કુલ ૧૬૪૦ ગાયો છે. બધી જ ગીર અને દેશી નસ્લની.
અવેડાથી લઈ બધું જ ચોક્ખુંચણાક. દરેક ગાયનો આયુર્વેદિક
પધ્ધતિથી જ ઉપચાર થાય. ગૌમૂત્રમાંથી સાબૂ, શેમ્પુ, ફિનાઈલ જેવી અનેક પ્રોડક્ટ્સનું તેઓ ઉત્પાદન
કરે છે. ગૌમૂત્ર દ્વારા નિર્મિત દવાઓમાંથી છેલ્લાં વીસ વર્ષમાં
સાત લાખ કરતાં વધુ દર્દીઓની તેમણે સારવાર કરી છે.
ગૌશાળાનાં સંચાલક
પ્રભુદાસભાઈ તન્ના કહે છે, ‘’દૂધ-ઘી તો
અમે ગણતરીમાં જ લેતા નથી, ગાયનાં ગૌમૂત્ર અને છાણમાં જ એટલી તાકાત
છે કે, તેનાં યોગ્ય ઉપયોગથી ગાયોનો ઉત્કૃષ્ટ નિભાવ થઈ શકે.’’
ટૂંક સમયમાં તેઓ ગૌમૂત્ર આધારિત સંપૂર્ણ બ્યુટી પાર્ર્લર કિટ લઈને આવી
રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં દેશી ગાયના
ઉછેર અંગે જે જાગૃતિ આવી છે તેનો બહું મોટો યશ રાજકોટના ગૌપ્રેમી મનસુખ સુવાગિયાને
જાય છે. છેક ૨૦૦૩થી તેમણે જામકાથી ગીર
ગાયને લગતી મૂવમેન્ટ ચાલુ કરી હતી. તેમણે ૨૦૦ કરતાં વધુ ગામોમાં
ફરી, સંમેલનો યોજી દેશી ગાયની ઉપયોગીતા સમજાવી. તરણેતરના મેળાથી લઈને જ્ઞાાતિનાં સંમેલનો અને અંગત પ્રસંગો...
જ્યારે, જ્યાં જેવી તક મળી તે મુજબ ગીર ગાયનો પ્રચાર
કર્યો. ૨૦૧૬થી તેમણે કચ્છ-ઉત્તર ગુજરાતની
કાંકરેજ ગાયનું સંવર્ધન કરવાની ઝુંબેશ હાથ ધરી છે. નવ જિલ્લાનાં
બે હજાર ગામોમાં ફરીને તેમણે કાંકરેજ ગાયનું મહત્વ સમજાવ્યું છે. ગૌરક્ષા એટલે શું એ વાત કોઈ ફેનેટિક ગૌરક્ષકોને અને ગાયોને રસ્તે રઝળાવતાં
ગૌપાલકોને સમજાવે તો ગાયોનું અને સમાજનું કલ્યાણ થઈ જાય.
‘ગાય રાખવી પરવડે નહીં’
તદ્દન વાહિયાત દલીલ
ઘણાં ગૌપાલકોની દલીલ એવી હોય છે કે ‘’આજનાં યુગમાં ગાયનો નિભાવ પરવડે નહીં’’ આ વાત સાવ હમ્બગ
છે. જસદણ-શિવરાજવાડી ગીર ગૌશાળાના ઘનશ્યામ
દાસ આખું અર્થતંત્ર સમજાવે છે ઃ એક ગાય દરરોજનું લગભગ સાત લિટર ગૌમૂત્ર આપે,
તેમાંથી સાડા ત્રણ લિટર અર્ક બને જેનો ભાવ રૃપિયા ૧૮૦ પ્રતિ લિટર મળે
છે. આમ, દરરોજનાં અર્કમાંથી ૭૦૦ રૃપિયા
ઉપજે. અર્ક નીકળતાં બાકીનાં સાડા ત્રણ લિટરમાંથી દસ ડબ્બી ગૌમૂત્ર
ઘનવટી બને- જે એક ડબ્બીની કિંમત ૮૦ રૃપિયા મળે. આમ, ૮૦૦ રૃપિયા તેમાંથી મળે. દરરોજ.
રોજ ગાય ૭થી ૮ કિલો ગોબર આપે, સૂકવણી કરીને તેનાં
છાણાં બનાવતા તેમાંથી ૭૫૦ રૃપિયાની ઉપજ થાય. રોજનું ૧૦ લિટર દૂધ
ગણો તો તેમાંથી ૫૦૦ રૃપિયાની કિંમતનું ઘી મળે અને છાસ વધે તેમાંથી ૨૫૦ રૃપિયા ઉપજે.
આમ, અર્કનાં ૭૦૦ વત્તા ઘનવટીનાં ૮૦૦ વત્તા છાણામાંથી
૭૫૦ વત્તા ઘીનાં ૫૦૦ અને છાસનાં ૨૫૦ ઉમેરો તો દરરોજ એક ગીર ગાય તમને ૩૦૦૦ રૃપિયા આપે.
નિભાવનો ખર્ચ બાદ કરો તો પણ દરરોજનાં ગૌપાલકને ૨૫૦૦ રૃપિયા મળે.
હા ! શરત એ છે કે, માર્કેટ
ઉભું કરતાં આવડવું જોઈએ.
બસ્સો વર્ષ જૂનું બિયારણ અને પંચગવ્યનું સંયોજન
ગોંડલના રમેશભાઈ રૃપારેલિયા વેદિક ખેતી કરે છે.
તેમની પાસે ટમેટાંનું બસ્સો વર્ષ જૂનું બિયારણ છે, ગાજરનું દોઢસો વર્ષ જૂનું અને રિંગણા-ઘીસોડાનું એકસો
વર્ષ જૂનું. હાઈબ્રીડ કશું જ નહીં. તેઓ
ગૌપાલનનાં ત્રિ-દિવસીય વર્ગો ચલાવે છે જેમાં પ્રશિક્ષણ મેળવવા
ગૌપાલકો ઉપરાંત સાયન્ટિસ્ટ્સ અને ડોક્ટર્સ પણ આવે છે. જામકાનાં
પરષોત્તમ સિદપરા પાસે પણ અસલી દેશી ખરહટિયા ગુવારનું, સફેદ ભીંડાનું,
લાંબા ડીંટીયાના રિંગણા અને દેશી ચેરી ટમેટાનું બિયારણ છે. બેઉ ગૌપાલકો પંચગવ્ય સાથે ખેતીનું સંયોજન સાધી ઉત્કૃષ્ટ પરિણામ મેળવે છે.
બર્થ-ડે કેક પણ ગીર ગાયનાં દૂધની
!
જામકાનાં પરષોત્તમભાઈ સિદપરાએ એક નવો જ કોન્સેપ્ટ
આપ્યો છે ઃ તેઓ લોકોને બર્થ-ડે નિમિત્તે ચાર-પાંચ કિલોની મિલ્ક કેક (પેંડાની બનેલી કેક) બનાવી આપે છે. મેંદાની બિનઆરોગ્યપ્રદ કેક કરતાં એ સસ્તી
પણ પડે છે, વધુ ગુણકારી પણ હોય છે અને ગૌપાલકોને પણ તેનાં દ્વારા
પ્રોત્સાહન મળે છે.
શ્રાીજી ગૌશાળા એટલે જાણે નોખું પ્રવાસનધામ
રાજકોટની શ્રાીજી ગૌશાળાએ ગૌશાળા અને દેશી ગાયો
પ્રત્યે લોકોની જાગૃતિ વધારવા અનેક પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે.
તહેવારો સમયે અહીં અનેક કાર્યક્રમો યોજાય છે, લોકોને
ગાયની તાજી છાસ, નાસ્તો અપાય છે. લોકોને
પોતાનાં ધાર્મિક-સામાજિક પ્રસંગો ગૌશાળાના આંગણે ઉજવવા આકર્ષવામાં
આવે છે. અહીં અનેક ધનવાન પરિવારોએ પોતાનાં સંતાનોના લગ્ન કરાવ્યા
છે, એક લગ્નમાં તો હેલિકોપ્ટરમાં જાન આવી હતી ! અહીં ભાગવદ્ પારાયણ, રામપારાયણ, ગાયત્રી યજ્ઞાો પણ લોકો કરે છે.
ચાર પ્રકારનાં રથ અને એન્ટી-રેડિએશન ટિકડી
કૂકમામાં આવેલી શ્રાી રામકૃષ્ણ ટ્રસ્ટ ગૌશાળા
દ્વારા ગોબરમાંથી અવનવી પ્રોડક્ટ્સ બનાવાય છે. અરીસા, તોરણ, કી-સ્ટેન્ડ જેવી અનેક ચીજોનું નિર્માણ થાય છે. ગૌશાળાએ બળદો
રખડે નહીં તે માટે ઉપાય સૂચવતા ચાર રથ બનાવ્યા છે. બળદગાડું લઈ
જતાં ગૌપાલકોને શરમ આવે છે તેથી આ હાઈફાઈ - સોફાવાળા
- આરામદાયક ચાર પ્રકારનાં ગાડાં બનાવ્યા છે. બાળકોને
શાળાએ તેડવા-મૂકવા જવા માટે શિશુરથ છે, નજીકમાં અવરજવર માટે કામધેનુ રથ, વરઘોડા માટે શાહીરથ,
ખેડૂત માટે કિસાન રથ. ગોબર દ્વારા તેમણે મોબાઈલ
માટે એન્ટી-રેડિએશન ટિકડી પણ બનાવી છે- જેની અસરકારક્તા સાબિત કરવા રૃબરૃ પ્રયોગ કરીને નિદર્શન અપાય છે. અહીં ગૌશાળામાં સૂથાર, લુહાર, કુંભારને
પણ કામે રખાયા છે અને ગ્રામ્ય ગૃહોદ્યોગનું ઉદાહરણ પુરું પડાય છે. ગૌશાળામાંથી ૫૦ પરિવારને રોજગાર મળે છે.
સુવાગિયાના ૭ સૂત્રો
ગૌસંવર્ધક મનસુખ સુવાગિયાએ દેશી ગૌવંશના જતન માટે
સાત સૂત્રોનો એક કાર્યક્રમ બનાવ્યો છે ઃ (૧) આંગણે
જાતવાન દેશી ગાય (૨) જાતવાન નંદીથી ગૌસંવર્ધન
(૩) માતાના ગર્ભથી જીવનપર્યંત દેશી ગાયના દૂધ-ઘીનો આહાર (૪) ગૌમૂત્ર-ગોબરથી ગૌ આધારિત કૃષિ (૫) જળ સમસ્યામુક્ત
ગામ (૬) ગાયના વર્ણસંકરણને દેશવટો
(૭) રખડતા-નકામા સાંઢમુક્ત
ગામ.
દેશી ગાય પર અનેક પુસ્તકોનું લેખન
રાજકોટના ગૌપ્રેમી-ગૌસંવર્ધક મનસુખ સુવાગિયાએ દેશી ગાયો પર અનેક પુસ્તકો લખ્યા છે. તેમનાં ગાય આધારિત કૃષિની ૫૦ હજાર નકલોનું વિતરણ થયું છે. ૨૦૦૮માં ‘ગીર ગાય ગ્રંથ’ નામે પુસ્તકો
લખ્યા જેનું વિમોચન મોહન ભાગવત અને નવલકિશોર શર્માએ કર્યું. ૨૦૧૨’ગોવેદ’ ગ્રંથ લખ્યો. આ તમામ પુસ્તકોની
લાખો નકલ વિતરીત થઈ ચૂકી છે.
શા માટે દેશી ગાયનાં ઘી-દૂધ જ હિતાવહ ?
ભારતમાં નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સનું
તારણ એ-૧ પ્રકારનું દૂધ આરોગ્ય માટે હાનિકારક
હોવાનું જ છે. ડો.બી.કે. સદાનાએ ૨૦૦૯માં આ તારણ આપ્યું હતું. તેઓ ભારતના જાણીતા વૈજ્ઞાાનિક છે. ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાાનિકોના
મત એ-૧ દૂધ હાનિકારક છે. ઓસ્ટ્રેલિયા સહિતના
વિશ્વના અનેક દેશોનું તારણ પણ આ જ છે. મોટાભાગની ડેરીમાં જર્સી
ગાયનું દૂધ આવતું હોય છે. જર્સી ગાય યુરોપિયન પ્રજાતિની છે.
જ્યારે ભારતની દેશી ગાય આપે છે એ-૨ પ્રકારનું દૂધ.
જે આરોગ્ય માટે સારું હોય છે. એ-વન પ્રકારના દૂધથી બાળકોને ડાયાબિટિસ થાય છે, લોકોને
હૃદયરોગ, માનસિક બિમારી થઈ શકે છે. ભારતમાં
૩૨ પ્રકારની દેશી ગાયો છે.
દેશી ગોબરનાં છાણાં સૌથી હોટ ફેવરિટ
!
આજકાલ દેશભરમાં ગાયનાં દૂધ-ઘી વિશે ખાસ્સી અવેરનેસ ફેલાઈ છે તેથી દેશી ગાયનાં ઘી-દૂધ તો વધુ ખપે જ છે. ઉપરાંત સૌથી વધુ ચાલતી પ્રોડક્ટ
છે, કાઉ ડન્ગ કેક ! દેશી ભાષામાં કહીએ તો,
છાણા ! લોકો ધૂપ માટે દેશી ગાયના છાણાંનો ચિક્કાર
ઉપયોગ કરે છે. ઉપરાંત ગૌમૂત્રમાંથી બનતી ઘનવટી વગેરેનો પણ ઔષધ
તરીકે ખુબ ઉપયોગ થાય છે. છાણાંના પેકેટના તો હવે ઓનલાઈન ઓર્ડર
પણ આપી શકાય છે. દેશની અનેક જાણીતી વેબસાઈટ્સ પર એ ઉપલબ્ધ છે.
રાજસ્થાનની પથમેડા ગૌશાળાનું અદ્ભૂત કાર્ય
રાજસ્થાનનાં જાલોર જિલ્લામાં આવેલા સાંચોર સ્થિત
પથમેડા ગૌશાળા ગૌસંવર્ધન ક્ષેત્રે અદ્ભૂત કાર્ય કરે છે.
અહીં લગભગ દોઢ લાખ દેશી ગાય છે. છાણાંથી લઈ અર્ક,
સાબૂ, મીઠાઈઓ, ઘી વગેરે મળીને
સેંકડો પ્રોડકટ્સ બનાવે છે. અહીંનું દેશી ગાયનું ઘી ભારતનું સર્વોત્તમ
ગણાય છે જેનું વેંચાણ અન્ય ગૌશાળાની સરખામણીએ ખાસ્સું વાજબી ભાવે થાય છે. એક વખત આ ગૌશાળાની મુલાકાત લેવા જેવી.