શું તંત્ર એટલે દોરા-ધાગા-તાવીજ ?,
શું તંત્ર એટલે ખોપરી અને સ્મશાન ?
તંત્રમાર્ગમાં જણાવેલી દસ મહાવિદ્યાઓ અંગે આપણે વાત કરવાની છે. દસ મહાશકિતઓને સમગ્ર સંસારનો, સમસ્ત બ્રહ્માંડનો સાર માનવામાં આવે છે. ભારતનાં અતિ ઉચ્ચ કોટીના સાધકો, ઋષિઓ અને સંતોએ આ મહાવિદ્યાઓની સમય, સાનુકૂળતા મુજબ સિદ્ધ કરી છે. કૃષ્ણ અને રામથી લઇ દુર્વાસા, વસિષ્ઠ જેવા ઋષિઓ કે શંકરાચાર્ય જેવાં મશાલચીઓએ આ વિદ્યાઓ સિદ્ધ કરી હતી. ગુજરાતીમાં આ મહાવિદ્યાઓ પર ઝાઝું લખાયું નથી. કારણ કે, લેખકોને પણ અંધશ્રદ્ધાળુમાં ખપી જવાનો ડર હોય છે. ભાઈ જય વસાવડા સિવાય બહુ ઓછા જાણીતા લેખકો એવા છે - જે પૌરાણિક ગ્રંથો અને શાસ્ત્રોની વાત રસપૂર્વક માંડે છે. લોકોના ચાવવાના અને દેખાડવાના જુદા છે. મેં જોયું છે કે, કહેવાતા રેશનાલિસ્ટ લોકો પણ અંદરખાનેથી ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા હોય છે! ગુજરાતના એક અત્યંત જાણીતા રેશનાલિસ્ટને ઘેર બીજા એક મોટા રેશનાલિસ્ટએ ફોન જોડ્યો તો સામેથી પત્નીએ કહ્યું કે, "... એ તો શામળાજી દર્શને ગયા છે!" એક રેશનાલિસ્ટના પરિવારમાં વેવિશાળ માટે વાત ચાલતી હતી. રેશનાલિસ્ટ મહાત્માએ સામેવાળા પાસેથી જન્માક્ષર માંગ્યા! પેલા ભાઈએ પૂછ્યું કે, "તમે તો રેશનાલિસ્ટ છો ને!" તો જવાબ મળ્યો: "એ બધું તો ઠીક છે. પણ, કુંડળી વગર વાત આગળ નહિ ચાલે!"હશે, એમને જે બાબતમાં માનવું હોય તેમાં માને, ના માનવું હોય તો એમની મરજી. પણ આપણને કોઈએ શા માટે રોકવા જોઈએ? અહીં હું જે વિગતો મૂકી રહ્યો છું, એ કથાઓ મેં જાતે બનાવેલી નથી. પરંતુ કેટલાક અનુભવોને કારણે મારા માટે આ રસનો વિષય છે. તમને રસ પડે કે નહિ એ મને ખ્યાલ નથી. પરંતુ દેવીઓના સ્વરૂપો જોઈ ઘણા લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે-જેના જવાબો આ લેખ આપે છે. અને આ લેખ , એ તંત્રની વાત કરે છે જેના વિષે આપણે ત્યાં અનેક ભ્રમણાઓ અને ડરામણી કથાઓ વ્યાપ્ત છે... નવરાત્રી દરમિયાન નવ દેવીઓ અંગે તો ઘણા લખે છે પરંતુ ભારતની આધ્યાત્મિકતાના આધાર સમાન આ દસ સ્વરૂપો વિષે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. એટલે જ ....
તંત્ર એટલે દોરા-ધાગા-તાવીજ, તંત્ર એટલે ખોપરી, સ્મશાન અને અઘોર સાધનાઓ. તંત્ર એટલે ચિત્રવિચિત્ર અવાજો અને અટપટી ઉપાસનાઓ અને તંતર એટલે બલી, લોહી કે માંસની આહૂતિ. તંત્રનું કે તાંત્રિક વિધિનું નામ પડે ત્યારે આપણી આંખ સામે આવાં જ દ્રશ્યો તરવરવા લાગે. આ બધી વસ્તુઓ તંત્રની વ્યાખ્યાથી જોજનો દૂર છે. પરંતુ બન્યું છે એવું કે તંત્રશાસ્ત્ર અત્યારે લેભાગૂ તાંત્રિકોના પાપે બદનામ થઇ ગયું છે.
શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે ત્યાં યોગનું અવતરણ થયું, માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાનનો આવિષ્કાર થયો એવી જ રીતે આંતરબાહ્ય વિકાસ તથા સર્વાંગી કલ્યાણ માટે તંત્રવિદ્યાનો આવિષ્કાર થયો. યોગધ્યાન તો તરી ગયા પણ તંત્રની હાલત ખરાબ છે. દિલ્હી તમારે જવું હોય તો જેમ ત્યાં પહોંચવાના અનેક રસ્તા હોય એવી જ રીતે પરમાનંદની અનૂભૂતિ માટે ભારતીય દર્શનમાં અનેક માર્ગો છે. કુંડલિની જાગરણ યોગધ્યાન દ્વારા પણ થઇ શકે, શકિતપાત દ્વરા પણ થઇ શકે અને તંત્ર દ્વારા પણ થઇ શકે.
તંત્રનો ભાવાર્થ-ગૂઢાર્થ આલેખવા બેસીએ તો તે તે માટે સ્વતંત્ર ચાર-છ લેખો લખવા પડે. પરંતુ તંત્રમાર્ગમાં જણાવેલી દસ મહાવિદ્યાઓ અંગે આપણે વાત કરવાની છે. દસ મહાશકિતઓને સમગ્ર સંસારનો, સમસ્ત બ્રહ્માંડનો સાર માનવામાં આવે છે. ભારતનાં અતિ ઉચ્ચ કોટીના સાધકો, ઋષીઓ અને સંતોએ આ મહાવિદ્યાઓને સમયસાનુકૂળતા મુજબ સિદ્ધ કરી છે. કૃષ્ણ અને રામથી લઇ દુર્વાસા, વસિષ્ઠ જેવા ઋષિઓ કે શંકરાચાર્ય જેવાં મશાલચીઓએ આ વિદ્યાઓ સિદ્ધ કરી હતી અને જ્યારે આવશ્યકતા જણાઇ ત્યારે સ્વબચાવ કે શત્રુ સંહાર માટે તેનો ઉપયોગ પણ કર્યો હતો. આ મહાવિદ્યાઓ કરતાં બહેતર કહી શકાય એવી વિદ્યાઓ કોઇપણ શાસ્ત્રમાં બીજી એકપણ નથી. કહેવાય છે જેણે ષોડશીને સાધી લીધી તેણે સંસારના રહસ્યો પણ પામી લીધા. જેણે ભુવનેશ્વરી સિદ્ધિ મેળવી લીધી તેને બ્રહ્માંડનો સાર મળી ગયો અને ઐહિકદૈહિક સુખો પણ મળી ગયા.
સનાતન હિન્દુ ધર્મનાં પાયા સમાન આ વિદ્યાઓ વિશે ગુજરાતીમાં ભાગ્યે જ ક્યારેક લખાયું છે. અને જ્યારે લખાયું છે ત્યારે મોટાભાગે છાપાની ધાર્મિક પૂર્તિઓમાં જ છપાયું છે. સામાન્ય રીતે આ પૂર્તિઓ એક ચોક્કસ વર્ગ સિવાય કોઈ વાંચતું નથી. ગુજરાતીમાં આવું લખાતું નથી તેનું મુખ્ય કારણ એ છે કે ખુદ લેખકને પણ અંધશ્રદ્ધાવાદિઓમાં ખપી જવાનો ડર હોય છે. પણ આપણે દશેરાનાં આ પર્વમાં એમનાં વિશે ચર્ચા કરવી છે. આ પર્વ જ એમનું છે, એમનાં અવસરે એમની ચર્ચા નહીં કરીએ તો કોની કરીશું.
દસ મહાવિદ્યાઓની સાધના સરળ નથી અને અશક્ય પણ નથી. હા! એ ભયાનક બિલકુલ નથી. એનાં માટે સ્મશાનમાં જવાની કે ખોપરીની માળાઓ પહેરવાની કે માંસમદિરાની જરૂર નથી. વાસ્તવમાં આ મહાવિદ્યાઓ એટલી પવિત્ર છે કે તેમાં આવી સઘળી વસ્તુઓ પુર્ણતઃ વર્જ્ય છે. તેનાં માટે તાંત્રીક હોવું જરૂરી નથી. નવરાત્રી સમયે આપણે ત્યાં નવદુર્ગાને અવારનવાર યાદ કરવામાં આવે છે પરંતુ દસ મહાવિદ્યાઓ જાણે તાંત્રીકો માટે જ સર્જાઇ હોય એમ એનાં વિશે ચર્ચા જ થતી નથી. વાસ્તવિકતા એ છે કે કળીયુગમાં આ મહાવિદ્યાઓથી ઉત્તમ, તેનાંથી વિશેષ બીજું કશું જ નથી. તેના વિશે થોડું વિગતે જાણીએ...
મહાકાળી
દસ મહાવિદ્યાઓમાં કાલીનું સ્થાન પ્રથમ છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેમનું મહાકાળી નામ વધુ પ્રચલિત છે. મહાભાગવત્ અનુસાર કાલી જ મુખ્ય વિદ્યા છે અને તેમાં ઉગ્ર અને સૌમ્ય એમ બે રૂપોમાં બાકીની મહાવિદ્યાઓ સમાવિષ્ટ છે. ભાગવત શિવને સાધ્ય કરવાથી જ સિદ્ધિઓ મળે છે. ભગવાન શિવને સાધ્ય કરવાથી જે સિદ્ધિઓ મળે છે એ તમામ સિદ્ધિઓ મહાવિદ્યાઓ સિદ્ધ કરવાથી મળી શકે છે. દાર્શનિક દ્રષ્ટિએ જોઇએ તો પણ તંત્ર કહે છે કે કાલતત્ત્વનું મહત્વ સૌથી વધુ છે. એટલે જ કહી શકાય કે મહાકાળી જ સમસ્ત વિદ્યાઓની આદિવિદ્યા છે. અમુક તંત્રગ્રંથો તો ત્યાં સુધી કહે છે કે મહાકાલની પ્રિયતમા કાલી જ પોતાનાં દક્ષિણ અને વામ રૂપોમાં દસ મહાવિદ્યાઓમાં નામથી જાણીતી થઇ.
કાલીકાપુરાણ કહે છે કે એક વખત હિમાલય પર સ્થિત મતંગ ઋષિના આશ્રમમાં જઇ દેવતાઓએ મહામાયાની સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થઇ ભગવતીએ મતંગવનિતાના સ્વરૂપે દેવતાઓને દર્શન આપ્યા. અને પૂછ્યું કે ‘તમે કેવી સ્તુતિ કરી રહ્યા છો?’ એ સમયે જ દેવીના શરીરમાં કાળા વર્ણવાળી એક નારીનું પ્રાગટ્ય થયું. દેવતાઓ વતી તેણે જ ઉત્તર આપ્યો કે, ‘તેઓ મારી સ્તુતિ કરી રહ્યા છે.’ તેનો વર્ણ કાજળ જેવો હતો તેથી તેનું નામ કાલી પડ્યું. દુર્ગાસપ્તશતી મુજબ એક વખત દેવતાઓ શુમ્ભ-નિશુમ્ભ નામનાં બે રાક્ષસોથી ત્રસ્ત હતાં, તેમણે દેવિસૂક્ત દ્વારા ભગવતિનું આવાહન કર્યુ. ભગવતિ ગૌરીએ દર્શન આપ્યાં ત્યારે તેમનાં શરીરમાંથી એક નારીનું પ્રાગટ્ય થયું. એ જ ક્ષણે ગૌરીનું શરીર શ્યામ રંગનું થઇ ગયું. શકિતનું આ સ્વરૂપ કાલી કહેવાયું.
કાલીની ઉપાસના વિશે ઘણાં વિદ્વાનોમાં મતમતાંતર પ્રવર્તે છે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે મહાકાળીની ઉપાસના કળીયુગમાં શ્રેષ્ઠ ગણાય છે અને તેની ઉપાસનાનાં બે પ્રકારો છેઃ (૧) તંત્રમાર્ગ (૨) ભકિતમાર્ગ.
તંત્રમાર્ગ દ્વારા કાળીની ઉપાસના, સાધના કરવા સમર્થ ગુરૂ દ્વારા દિક્ષા લેવી અનિવાર્ય છે. ભકિતમાર્ગ દ્વારા તેમની આરાધના માટે પૂજનઅર્ચન, ધૂપદિપ, સ્તુતિ વગેરે પુરતાં છે, તંત્ર માર્ગ દ્વારા તેમને સિદ્ધિ કરવા માટે તાંત્રોક્ત યંત્ર તથા મંત્ર આવશ્યક છે. કહેવાય છે કે મહાકાળીની સાધના એટલી દિવ્ય હોય છે કે સાધકનો અહમ્, જીદ્દ, મોહમાયા પૂર્ણતઃ ઓગળી જાય છે.
તારા
ભગવતી કાલીને જ નિલ્વર્ણા હોવાના કારણે તારા પણ કહેવાય છે. તારાનો એક અર્થ તારનારી, તારવાવાળી પણ થાય છે. વાક્ચાતુર્ય, વાણી પર પ્રભુત્વ ઇચ્છતા લોકો માટે તારા ઉપાસના અમોઘ છે. એટલે જ તેનું એક નામ નિલસરસ્વતિ પણ છે. સૃષ્ટિમાં સૌથી ભયાનક વિઘ્નો, સંકટો હણવાની શકિત તારા ઉપાસનામાં છે. દૈત્ય હયગ્રિવનો વધ કરવા ભગવતીમાંથી આ નિલરૂપાનું સર્જન થયું હતું.
શત્રુવિનાશ, વાક્શકિત, ભોગમોક્ષની પ્રાપ્તિ અર્થે તારા સાધના અપ્રતિમ ગણાય છે. રાત્રિદેવીની સ્વરૂપા શકિત તારા મહાવિદ્યાઓમાં અદ્વિતિય ગણાય છે. ભગવતી તારાનાં ત્રણ સ્વરૂપો છેઃ તારા, એકજટા, નિલસરસ્વતિ. ત્રણેય રૂપોનાં રહસ્ય, આરાધના, ધ્યાન પરસ્પર ભિન્ન છે. પરંતુ આટલો તફાવત હોવા છતાં તેમની શકિત એક સમાન છે. તારા સાધના મુખ્યત્વે તંત્રમાર્ગ દ્વારા થઇ શકે છે. તંત્રગ્રંથો કહે છે કે તેની ઉપાસના દ્વારા સામાન્ય વ્યકિત પણ બૃહસ્પતિનો સ્વામિ થઇ શકે છે.
ભારતમાં ઋષિ વસિષ્ઠએ સૌપ્રથમ તારા સાધના કરી હતી. એટલી જ તારાને વસિષ્ઠરાધિતા પણ કહેવાય છે. કહેવાય છે કે ઙ્ગષિ વસિષ્ઠએ સૌપ્રથમ વૈદિક પદ્ધતિ દ્વારા તારા સાધનાનો પ્રારંભ કર્યો. પરંતુ એમને સફળતા ન મળી. તેમને દિવ્ય સંકેત મળ્યો તેથી તેમણે તાંત્રિક પદ્ધતિ દ્વારા ઉપાસનાનો પ્રારંભ કર્યો. જેના દ્વારા તેમને સિદ્ધિ મળી. એવાં પ્રમાણો મળ્યાં છે કે સદીઓ પહેલા ચીન, તિબેટ, લદ્દાખ જેવાં વિસ્તારોમાં તારા સાધના નિયમીતરૂપે કરવામાં આવતી.
તારાની ઉત્પતિ મેરૂ પર્વતની પશ્ચિમ તરફ ચોલના નામની નદીનાં કિનારે થઇ હતી. ‘મહાકાલ સંહિતા’ નામનો ગ્રંથ તંત્ર માટે ઉત્તમ ગણાય છે. તેમાં વર્ણન છે કે તારા ઉપાસના માટે ‘તારારાત્રી’ની રાત ઉત્તમ ગણાય છે. ચૈત્ર નવરાત્રીની નવમી રાત્રીને તારારાત્રી ગણાય છે. બિહારનાં સહરસા જિલ્લાનાં માહિષી ગામમાં ઉગ્રતારાની સિદ્ધપિઠ આવેલી છે. ત્યાં તારા, એકજટા તથા નિલસરસ્વતિની મૂર્તિઓ છે. કહેવાય છે કે ઋષિ વસિષ્ઠએ અહીંયા જ તારા ઉપાસના કરી સિદ્ધિ મેળવી હતી.
છિન્નમસ્તા
જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાં છિન્નમસ્તા
‘વ્રજ વૈરોચિનિ’ તરીકે ઓળખાય છે. ભગવતી છિન્નમસ્તાનું સ્વરૂપ અત્યંત ગોપનીય છે અને તેમને સાધવાનો માર્ગ સરળ નથી. તંત્રવિદ્યામાં સમર્થ હોય એવી વ્યકિત જ આ સિદ્ધિ પામી શકે છે. સામાન્ય સાધક જો છિન્નમસ્તાને સાધવા માંગતો હોય તો સમર્થ ગુરૂનું માર્ગદર્શન આવશ્યક છે.
છિન્નમસ્તાના ઉદ્ભવની કથા રસપ્રદ છે. ભગવતી ભવાની એક વખત પોતાની સહચરી જયા અને વિજયા સાથે મંદાકિનીમાં સ્નાન કરવા ગયા. સ્નાન પછી તરસના કારણે તેમનો વર્ણ શ્યામ થઇ ગયો. એ સમયે જ જયા-વિજયાએ પણ પોતાની સ્વામિનિ એવા ભવાની પાસે ભોજનની માંગણી કરી. ભગવતીએ થોડો સમય પ્રતિક્ષા કરવા કહ્યું. આવું ત્રણ-ચાર વખત બન્યું પછી જયા-વિજયાએ કહ્યું કે ‘માં તો પોતાનાં સંતાનો જ્યારે માંગણી કરે ત્યારે ભોજન પીરસે છે. તો તમે અમારી ઉપેક્ષા શા માટે કરો છો?’ આવું સાંભળતા જ ભગવતીએ પોતાનાં ખડગથી પોતાનું શિર વાઢી નાંખ્યું. કપાયેલું શિર દેવીના હાથમાં રહી ગયું. એમના ગરદન પાસેથી રક્તની ત્રણ ધારા છૂટી જેમાંથી બે ધારા જયા-વિજયાના મુખમાં ગઇ અને એક ધારા સ્વયં ભગવતીના મુખમાં ગઇ. ભગવતીનું આ સ્વરૂપ છિન્નમસ્તા કહેવાય છે.
મધ્યરાત્રીનો સમય છિન્નમસ્તાની સાધના માટે શ્રેષ્ઠ મનાયો છે. શત્રુ વિજય, વાક્ચાતુર્ય, સમુહ સ્તંભન, સત્તાપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ માટે છિન્નમસ્તાનું આધ્યાત્મિક સ્વરૂપ બહુ ગૂઢ છે અને બહુ સૂચક પણ પણ છે. દિશાઓ જ એમનાં વસ્ત્ર છે. એમની નાભીમાં યોનીચક્ર છે. કૃષ્ણ (તમ્) અને રક્ત (રજ) ગુણોની દેવીઓ તેમની સહચરી છે. તેઓનું પોતાનું શિર વાઢ્યા પછી પણ જીવીત છે એ જ સ્વયં અન્તર્મુખી સાધનાનું પ્રતિક છે.
તંત્રના જ્ઞાતાઓ કહે છે કે છિન્નમસ્તા સાધના એ મોક્ષપ્રાપ્તિની ચરમસિમા છે. યોગશાસ્ત્રમાં મનુષ્ય શરીરની ત્રણ ગ્રંથીઓનું વર્ણન મળે છેઃ બ્રહ્મગ્રંથી, વિષ્ણુગ્રંથી, રૂદ્રગ્રંથી, મૂલાધારમાં બ્રહ્મગ્રંથી, મણિપુરમાં વિષ્ણુગ્રંથી તથા આજ્ઞાચક્રમાં રૂદ્રગ્રંથી સ્થિત છે. આ બધી ગ્રંથીઓને ભેદીએ તો જ અદ્રૈતાનંદ, પરમાનંદની પ્રાપ્તિ થાય છે. સંસારના સઘળાં રહસ્યો છતા થઇ જાય છે. યોગીઓ કહે છે કે મણિપુર ચક્રની નીચેની નાડીઓમાં જ કામ અને રતિનું મૂળ છે, જેમાં પર છિન્ના શકિતનો નિવાસ છે, તેનો ઉર્ધ્વ પ્રવાહ થવાથી રૂદ્રગ્રંથીનું ભેદન થાય છે. તંત્રના શાસ્ત્રોમાં કેટલીક અદ્ભૂત વિદ્યાઓનાં વર્ણન છે જેમાંથી બૃહદારણ્યકની અશ્વશિર વિદ્યા, હયગ્રીવ વિદ્યા તથા છિન્નશિર્ષ ગણપતિની સ્વામિનિ છિન્નમસ્તા જ ગણાય છે.
ષોડશી
દસ મહાવિદ્યાઓમાં સૌથી સૌમ્ય, દિવ્ય અને ભવ્ય સ્વરૂપ કદાચ ષોડશીનું છે. ભગવતીના આ સ્વરૂપની આપણે લલિતા, ત્રિપુર સુંદરી, રાજરાજેશ્વરી જેવાં અનેક નામથી પરિચિત છીએ. દસ મહાવિદ્યાઓની બાકીની મોટાભાગની વિદ્યાઓ તેનાં સાધકને ભોગ તથા મોક્ષ એ બેઉમાંથી બહુધા એક જ વસ્તુ આપે છે. પરંતુ ષોડશી સાધના થકી બેઉ સાધ્ય છે.
એક વખત પાર્વતીએ તેમનાં પતિ શિવને પૂછ્યું કે, ‘તમે વર્ણવેલી તંત્ર સાધનાઓ થકી સાધકની આધિવ્યાધિઉપાધિ, દરિદ્રતા તથા શોકસંતાપ દૂર થઇ જાય છે પરંતુ જન્મમરણનું આ ચક્ર ચાલુ જ રહે છે, મોક્ષ મળતો નથી, આનો ઉપાય શો?’ એ સમયે ભગવાન શિવએ ત્રિપુરસુંદરી સાધના વિશે વાત કરી. કહેવાય છે કે આદિ શંકરાચાર્યએ પણ ષોડશી સાધના સિદ્ધ કરી હતી. એટલે જ આજે દરેક જ્યોતિર્મઠોમાં દેવી રાજરાજેશ્વરી શ્રીયંત્રના સ્વરૂપે બિરાજમાન છે. ઋષિ દુર્વાસા પણ ત્રિપુરસુંદરીના પરમ સાધક હતાં. તંત્રના અદ્ભુત ગ્રંથ ભૈરવયામલ તથા શકિતલહરીમાં ષોડશી સાધનાનું અતિ વિસ્તૃત વર્ણન અપાયું છે.
ષોડશીનું મુખમંડળ અત્યંત દિવ્ય, દૈદિપ્યમાન છે. તેનું સમગ્ર સ્વરૂપ જાજરમાન છે. તેમની ચાર ભુજાઓ ત્રણ નેત્ર છે. તેઓ શાંત સમુદ્રમાં સૂતેલા ભગવાન શિવ પર સ્થિત કમલાસન પર બિરાજમાન છે. ચાર ભુજાઓમાં ક્રમશઃ પાશ, અંકૂશ, ધનુષ અને બાણ છે. તંત્રશાસ્ત્રોમાં ષોડશીને પાંચ મુખવાળી અર્થાત્ પંચવકત્ર કહેવામાં આવે છે. દેવીનાં પાંચ મુખ તત્પુરૂષ, સદ્યોજાત, વામદેવ, અર્ઘાર અને ઇશાન નામનાં શિવનાં પાંચ સ્વરૂપોના પ્રતિક છે. પાંચેય દિશાઓનાં રંગ ક્રમશઃ લીલો, લાલ, ધુમ્ર, વાદળી અને પીળો હોવાથી તેમનાં મુખ પણ એ રંગના છે. આ પાંચ મુખોનાં દસ હાથોમાં અભય, ટંક, શૂળ, વજ્ર, પાશ, ખડગ્, અંકુશ, ઘંટ, નાગ અને અગ્નિ છે. તેમનામાં સૃષ્ટિની સોળેય કળાઓ પૂર્ણરૂપે વિકસીત છે. એટલે જ તેમનું નામ પણ ષોડશી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય તત્વની પ્રાપ્તિ માટે ત્રિપુરસુંદરીની સાધના કરતાં વિશેષ સાધના જગતનાં એકપણ ગ્રંથમાં મોજુદ નથી.
ભુવનેશ્વરી
જગદમ્બા ભુવનેશ્વરીનું સ્વરૂપ પણ સૌમ્ય અને જાજરમાન છે. દેવી ભાગવત અનુસાર દુર્ગમ નામનાં દૈત્યના ત્રાસથી કંટાળી દેવતાઓએ અને બ્રાહ્મણોએ ભગવતિ આરાધના કરી ત્યારે તેમણે ભુવનેશ્વરી સ્વરૂપે દર્શન આપ્યા હતાં. એમનાં હાથોમાં બાણ, કમળનું પુષ્પ, શાકમૂળ હતાં. પોતાનાં નેત્રોમાંથી એમણે જળની હજારો ધારા વહાવી જેનાંથી સુષ્ટિના તમામ જીવો તૃપ્ત થયા, નદીઓ છલોછલ બની ગઇ અને વનરાજી છવાઇ ગઇ. પોતાના હાથમાં લીધેલા શાકો, ફળમૂળનાં કારણે ભુવનેશ્વરીનાં શાકમ્ભરી તથા શતાક્ષી જેવાં નામો પણ પડ્યા. તેમણે જ દુર્ગમાસુરનો વધ કર્યો. એ પછી દુર્ગા (દુર્ગમાસુરનો વધ કરનારા) નામથી પણ ઓળખાયા.
દસ મહાવિદ્યાઓમાં ભુવનેશ્વરીનું સ્થાન પાંચમું છે. દેવીપુરાણ કહે છે કે, મૂળ પ્રકૃત્તિનું, સમસ્ત સંસારનું બીજું જ નામ ભૂવનેશ્વરી છે. તેમનાં હાથમાં રહેલું અંકુશ એ નિયંત્રણનું પ્રતિક છે તો એમનાં હાથમાં રહેલું પાશ એ રાગ તથા આસકિતનું પ્રતિક છે. ટૂંકમાં કહીએ તો જગતનો સાર તેનાં સ્વરૂપમાં જ સમાવિષ્ટ છે. વિશ્વને વમન કરી જવાનાં કારણે તેને વામા કહેવાય છે તો શિવમય હોવાનાં કારણે જયેષ્ઠા તરીકે પણ ઓળખાય છે. પાપીઓને દંડિત કરવાનાં કારણે તેઓ રૌદ્રી પણ કહેવાયા.
મહાનિર્વાણતંત્ર મુજબ સંસારની તમામ મહાવિદ્યાઓ અને સાત કરોડ મહામંત્રો ભુવનેશ્વરીની સેવામાં સંલગ્ન છે. કાલી તત્ત્વ શરૂ કરીને કમલા તત્ત્વ સુધીની દસ સ્થિતિઓ છે. જેમાં ભુવનેશ્વરી બ્રહ્માંડ સ્વરૂપ છે, પ્રલયકાળમાં એ કમળામાંથી (વ્યક્ત જગતમાંથી) ક્રમશઃ લય થઇને મૂળ પ્રકૃત્તિ સ્વરૂપ કાલી રૂપ બની જાય છે. એટલે જ ભુવનેશ્વરીને કાળના જન્મયાત્રી પણ કહેવાય છે. ભુવનેશ્વરીની આરાધના ધનવૈભવ, સંતાનસુખ, જ્ઞાન, શકિતસામર્થ્ય માટે શ્રેયકર ગણાય છે.
ત્રિપુર ભૈરવી
બ્રહ્માંડપુરાણમાં ત્રિપુરભૈરવીને ગુપ્ત યોગિનિઓનાં અધિષ્ઠાત્રિ કહેવાય છે. મત્સ્યપુરાણમાં તેનાં ત્રિપુરભૈરવી, કોલેશાભૈરવી, રૂદ્રભૈરવી, ચૈતન્યભૈરવી, નિત્યાભૈરવી નામનાં પાંચ સ્વરૂપોનું વર્ણન છે. સમસ્ત પ્રકારનાં ઉત્કર્ષ માટે તથા ઇન્દ્રિયો પર વિજય મેળવવા ત્રિપુરભૈરવીની સાધનાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.
કોઇપણ પ્રકારનાં મહાસંકટમાંથી મુકિત મેળવવા તેની સાધના રામબાણ ઇલાજ છે. જો કે ત્રિપુરભૈરવીની ઉપાસનાનો મુખ્ય ઉપયોગ ઘોરકર્મમાં જ થાય છે. સરળ ભાષામાં કહીએ તો સાંસરીક મનુષ્યો માટે આ ઉપાસના એટલી ફળદાયી નથી જેટલી લાભકારક એ ભકિતમુકિતમાર્ગ પર જવા ઇચ્છતા હાર્ડકોર સાધકો માટે છે. તેના ધ્યાનનો ઉલ્લેખ દુર્ગાસપ્તશતિનાં ત્રીજા અધ્યાયમાં મહિષાસુર વધનાં પ્રસંગમાં થયો છે. ત્રિપુરભૈરવીનો રંગ લાલ છે. એ ગળામાં મુન્ડમાળા ધારણ કરે છે, લાલ વસ્ત્રોમાં સજ્જ છે. તેનાં હાથોમાં જપમાળા, પુસ્તક, વર તથા અભયમુદ્રા ધારણ કરેલાં છે. એ કમલાસન પર બિરાજમાન છે. શાસ્ત્રો કહે છે કે તેણે જ મદ્યપાન કરીને મહિષનો વધ કર્યો હતો.
દક્ષિણ દિશા યમની દિશા કહેવાય છે અને તેમાં સ્વામિ છેઃ કાળ ભૈરવ. ત્રિપુરભૈરવી પણ ભૈરવી જ શકિત ગણાય છે. ત્રિપુરભૈરવીના અનેક સ્વરૂપો છેઃ સિદ્ધિભૈરવી, ચૈતન્યભૈરવી, ભુવનેશ્વરીભૈરવી, કમલેશ્વરીભૈરવી, કામેશ્વરીભૈરવી, ષટકૂટાભૈરવી, નિત્યાભૈરવી, કોલેશીભૈરવી, રૂદ્રાભૈરવી વગેરે. તેનાં વિવિધ સ્વરૂપોની આરાધના સ્વયં ભગવાન શિવ, વિષ્ણુ પણ કરે છે.
ધૂમાવત્તિ
ધૂમાવતિની આરાધના મુખ્યત્વે વિપતીનાશ, રોગ નિવારણ, યુદ્ધવિજય, ઉચ્ચાટન તથા મારણ આદિ માટે કરવામાં આવે છે. કહેવાય છે કે એક વખત ભગવતિ પાર્વતિ કૈલાશ પર્વત પર મહાદેવ શિવ સાથે બેઠા હતા ત્યારે તેમણે શિવ પાસે પોતાની ક્ષુધા (ભુખ)નું નિવારણ કરવા કહ્યું. વારંવાર કહ્યાં છતાં શિવએ આ વાત પર ધ્યાન નહીં આપતા ભગવતિ પછી મહાદેવને જ ગળી ગયા. એ સાથે જ ભગવતિના શરીરમાંથી ધૂમ્રસેર નીકળવા લાગી. ધૂમાડાથી આખા ઢંકાઇ જવાના કારણે તેમનું નામ ધૂમ્રા અથવા ધૂમાવતિ પડ્યું. શિવને ગળી જવાનો ભાવાર્થ છે. તેમનાં સ્વામિત્વથી ઇન્કાર. અસુરોનાં કાચા માંસથી તેમની ક્ષુધા તૃપ્ત થઇ એ વાતમાં પણ અનેક ગર્ભિત અર્થ છે. આસુરી શકિતઓનો નાશ જ એમનું ધ્યેય છે.
ધૂમાવતિ મહાશકિત સ્વયં નિયંત્રિકા છે, પોતાનાં પતિને ગળી ગઇ હોવાનાં કારણે એને વિધવા પણ કહેવાયા છે. દુર્ગાસપ્તશતિ કહે છે કે એમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જે એમને યુદ્ધમાં હરાવશે તેને એ પરણશે. એવું કદી બન્યું નહીં. તે અજેય અપરાજિતા છે. નારદ પાંચરાત્ર કહે છે કે ધૂમાવતિએ પોતાનાં શરીરમાંથી ઉગ્રચંદ્રિકાને પ્રગટ કરી હતી જે સેંકડો ગીધની ચીચીયારી જેવો અવાજ કાઢતી હતી. તેનું સ્વરૂપ દુર્બળ છુ, કાયા શ્યામ, મેલા કપડા, ખુલ્લા કેશ, હાથમાં સૂપડું અને રથ પર કાગડાના પ્રતિકવાળો ધ્વજ. ભૂખતરસથી આકુળવ્યાકુળ તથા ભયાનક આંખો.
પરંતુ સાધકને એ નિરાશ કરતી નથી. તંત્રનો ગ્રંથ શાકતપ્રમોદ કહે છે કે તેનાં ઉપાસકો પર ક્યારેય આપત્તિ આવતી નથી એ પ્રસન્ન થાય તો સમગ્ર રોગશોકનો નાશ કરે છે અને કોપાયમાન થાય ત્યારે સર્વ સુખ હણી લે છે. ઋગ્વેદનાં રાત્રિસુકતમાં તેને ‘સૂતરા’ કહેવાઇ છે. સૂતરાનો અર્થ છે કે જે સુખપૂર્વક પોતાનાં ભક્તોને તારે છે એ દેવી. તંત્ર શાસ્ત્રો કહે છે કે કરજમાંથી મુકિત મેળવવા માટે તથા જો કોઇને કરજ આપ્યું હોય અને પાછું ન આવતું હોય તો એ મેળવવા માટે ધુમાવતિની સાધના શ્રેષ્ઠ છે.
બગલામુખી
પિતામ્બર વિદ્યા તરીકે ઓળખાતી આ મહાશકિત વાક્ચાતુર્ય આપવા માટે તથા દુશ્મનોના સંપૂર્ણ વિનાશ માટે જાણીતી છે. તેની ઉપાસનામાં હળદરની માળા, પિત વસ્ત્ર, પિત પુષ્પનું મહત્વ છે. સમુદ્રમાં મણિજડિત મંડપમાં રત્નજડિત સિહાંસન પર બિરાજતી આ શકિતના એક હાથમાં શતરુની જીતી છે તો બીજા હાથમાં ગદા.
સ્વતત્રતંત્રમાં બગલામુખીના ઉદ્ભવની કથા આલેખાયેલી છે. સત્ યુગમાં એક વખત સમસ્ત સૃષ્ટિનો વિનાશ કરી નાંખે એવું ભયંકર તોફાન આવ્યું તેના નિવારણ માટે ભગવાન વિષ્ણુએ સૌરાષ્ટ્રમાં દેવી ભગવતિની આરાધના કરી. ભગવતિએ ત્યાં તેમને બગલામુખી સ્વરૂપ દર્શન આપ્યાં અને તોફાનનું શમન કર્યુ. ભગવાન વિષ્ણુનાં તેજથી યુક્ત હોવાનાં કારણે આ વિદ્યા વૈષ્ણવી છે, અર્થાત તેનું સ્વરૂપ કાલી કે તારા જેટલું ઉગ્ર નથી, સૌમ્ય છે. ભોગ અને મોક્ષ, બેઉ માટે તેની આરાધના થઇ શકે છે.
યજુર્વેદ કહે છે કે દસેય દિશાઓ પ્રકાશિત કરનારી, અતિ સુંદર સ્વરૂપની સ્વામિની એવી વિષ્ણુપત્ની ત્રિલોકની જનેતા છે. સ્તંભનકારક શકિત, દ્રશ્ય-અદ્રશ્ય એવા સમસ્ત પદાર્થોનો આધાર પૃથ્વીરૂપા શકિત છે અને બગલામુખી એ જ સ્તંભન શકિતની અધિષ્ઠાત્રિ દેવી છે, શ્રીકૃષ્ણએ ગીતામાં જે સ્તંભનકારી શકિતના ગુણગાન ગાયા છે. એને જ તંત્રમાં બગલામુખી કહે છે. કલીયુગમાં મહાકાળી ઉપરાંત જો કોઇ મહાવિદ્યા સૌથી પ્રચલિત હોય તો એ બગલામુખી જ છે. એક ગેરમાન્યતા એવી છે કે તેમનું મુખ બગલા જેવું છે. એ નામ બગલામુખી છે. આ વાત ખોટી છે. વાસ્તવમાં પુરાણવેદમાં તેનું નામ બલ્ગામુખી છે પરંતુ પછી તેનો અપભ્રંશ થઇ બગલામુખી થયું.
બગલામુખીને બ્રહ્માસ્ત્ર પણ કહેવાય છે. મહાભારતથી લઇ રામાયણ સુધીનાં અનેક ગ્રંથોમાં બ્રહ્માસ્ત્રનું વર્ણન મળે છે. ઉલ્લેખ મળે છે. ઐહિક-પારલૌકિક સિદ્ધિઓ માટે શત્રુઓનાં વિનાશ કાજે, કોર્ટ-કચેરીઓમાં વિજય અર્થે બગલામુખીથી બહેતર કોઇ સિદ્ધિ નથી. કુન્ડીકાતંત્રમાં બગલામુખીનાં મંત્રાદિ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. મુન્ડમાલાતંત્રમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે તેની આરાધના માટે નક્ષત્ર-કાળ-ચોઘડીયા તપાસવાની પણ જરૂર નથી. સંસારમાં સૌ પ્રથમ વખત બ્રહ્માએ બગલામુખીની આરાધના કરી હતી એ પછી તેમણે સમસ્ત ઋષિઓ સમક્ષ આ આરાધના વિધિનું વર્ણન કર્યુ. બગલામુખીના દ્વિતીય ઉપાસક વિષ્ણુ ભગવાન બનયા. ત્રીજા પરશુરામ એ એ પછી આચાર્ય દ્રોણએ આ મહાવિદ્યા સાધ્ય કરી.
માતંગી
મતંગ એટલે શિવ અને માતંગી એટલે શિવની શકિત. માતંગી શ્યામવર્ણા છે, એમણે મસ્તક પર ચંદ્રમાં ધારણ કર્યો છે. ભગવતિ માતંગી ત્રિનેત્રી છે, રત્નમય સિંહાસન પર આસિન, નિલકમલ સમાજ કાન્તિવાળી છે. દૈત્યોના નાશ માટે એ દાવાનળ જેવું સ્વરૂપ ધારણ કરી લે છે. પોતાની ચાર ભુજાઓમાં તેણે પાશ, અંકુશ, ખેટક અને ખડગ ધારણ કર્યા છે. ગૃહસ્થ જીવનનાં સમસ્ત સુખ માટે તેની સાધના શ્રેયકર છે. પરંતુ મુખ્યત્વે તેમની આરાધના વાકચાતુર્ય માટે, વિદ્યા મેળવવા કરાય છે. આદિકાળમાં મતંગ નામના ઋષિએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે ભગવતિની કઠોર તપસ્યા કરી હતી. ભગવતિના નેત્રોમાંથી એ સમયે એક તેજપુંજ નીકળ્યો અને તેમાંથી એક શકિતનું સર્જન થયું જે રાજમાતંગીની તરીકે ઓળખાઇ.
માતંગીનું સ્વરૂપ સ્વયં એમના વિશેના કેટલાંક રહસ્યો છતા કરે છે. તેમના ત્રિનયન સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે, ચાર ભુજાઓ વેદનું પ્રતિક છે, પાશ અવિદ્યા છે તો અંકુશ વિદ્યા છે. રત્નમય સિંહાસન પર બેસીને એ પોપટનો સ્વર સાંભળી રહી છે. પોપટનું પઠન
હ્રીંનું ઉચ્ચારણ કરે છે. તેમના હાથમાં વિણા છે. લાલ રંગના વસ્ત્રો પરિધાન છે. જે અગ્નિ અથવા જ્ઞાનનું પ્રતિક છે.
કમલા
શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંધના આઠમા અધ્યાયમાં કમલાના ઉદ્ભવની કથા છે. અમૃત મેળવવા સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી કમલાનો ઉદ્ભવ થયો. તેણે વિષ્ણુંને પતિરૂપે પસંદ કર્યા. ભગવતિ કમળા વૈષ્ણવી શકિત છે અને વિષ્ણુની સહચારિણી છે. કમળા એક પ્રકારે સમસ્ત ભૌતિક પ્રાકૃત્તિક સંપત્તિની અધિષ્ઠાત્રી કમળા છે. બીજા અર્થમાં કહીએ તો એ સ્વયં સચ્ચિદાનંદમયી લક્ષ્મી છે, જે વિષ્ણુથી અભિન્ન છે. દેવતા, માનવ અને દાનવ તેની કૃપા વગર પંગુ છે. સમસ્ત દેવ-દાનવ-ગંધર્વ-કિન્નર-મનુષ્યો તેની ઉપાસના કરે છે.
મહાવિદ્યા કમલાનું સ્વરૂપ અતિ દિવ્ય છે. એમની કાન્તિ સુવર્ણ જેવી છે, શ્વેત વર્ણનાં ચાર હાથીઓ પોતાની સૂંઢમાં સોનાનાં ચાર કળશ લઇ તેમને નિત્ય સ્નાન કરાવે છે.એ પોતાની બે ભુજાઓમાં વર અને અભયમુદ્રામાં છે અને બાકીની બે ભુજાઓમાં કમળ ધારણ કર્યા છે. તેમનાં શિર પર સુંદર મુગટ છે અને કાયા પર અતિ સુંદર રેશમી વસ્ત્રો, તેમનું આસન કમળ છે.
સમૃદ્ધિના પ્રતિક જેવી આ મહાવિદ્યાની ઉપાસના લક્ષ્મીપ્રાપ્તિ તથા નારીસુખ, સંતાનસુખ મેળવવા ઉત્તમ છે. ભાર્ગવો દ્વારા તેનું પુજન થતું હોવાથી એ ભાર્ગવી કહેવાઇ. શંકરાચાર્ય કૃત કનકધારા સ્ત્રોત્ર, શ્રી સુકત પાઠ તેનાં પુજન માટે ઉત્તમ ગણાય છે. પ્રાચીનકાળમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ દ્વારા તેનું પુજન થયું હોવાથી એનું એક નામ ત્રિપુરા પણ છે. ભૈરવયામલ તથા શકિતલહેરીમાં તેની ઉપાસનાનું વિશેષ વર્ણન છે. પુરૂષસુકતમાં કમલાને વિષ્ણુની પત્ની કહેવાઇ છે. અશ્વરથહાથીનાં પ્રતિકો સાથે તેઓ સીધો સંબંધ રાજવૈભવ સાથે છે.
ધૂમાવતિ અને કમલા સામસામા અંતિમોની મહાવિદ્યાઓ છે. ધૂમાવતિ દરિદ્રતની દેવી છે, કમલા લક્ષ્મીની, ધૂમાવતિ અવરોધહિણી છે તો કમલા રોહિણી, ધૂમાવતિ જયેષ્ઠા છે તો કમલા કનિષ્ઠા, ધૂમાવતિ આસૂરી શકિત છે તો કમલા દિવ્યાતીદિવ્ય મહાવિદ્યા છે.