ભાગ: 1
સતત છસ્સો વર્ષ સુધી ગુજરાતની રાજધાની બની રહેલું પાટણ.... ચાવડા વંશના પ્રથમ શાસક મહારાજ ચાવડાએ તેની સ્થાપના કરી. એ પછી સોલંકી અને વાઘેલા વંશનું શાસન આવ્યું. ઇ.સ. ૯૪૨થી ૧૨૪૪ સુધીનાં ૩૦૦ વર્ષ દરમિયાન અહીં સોલંકીઓએ રાજ કર્યુ અને એ જ તેનો સુવર્ણકાળ. સામાન્ય ગુજરાતી માટે પાટણ અને પટોળા એ બેઉ પર્યાયવાચક શબ્દો છે. શુદ્ધ રેશમ અને સોનાની ઝરી વડે હસ્તકળાથી બનતી આ સાડીની કિંમત સવા લાખથી શરૂ થાય છે. પટોળાનું તો ખૈર તમે મૂલ્ય પણ આંકી શકો પણ પાટણનાં સ્થાપત્યો અમૂલ્ય છે. રાણકી વાવ! જમીનની અંદર સાત માળ અને ચોતરફ કોતરાયેલા અદ્ભૂત શિલ્પો ! ઇ.સ. ૧૦૬૩માં રાજા ભિમદેવના પત્ની રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કરાવ્યું. ભારતની ઉત્તમોત્તમ વાવની યાદીમાં રાણકી વાવનું સ્થાન પ્રથમ છે. રાણકી વાવમાં લગભગ આઠસો કરતાં વધુ શિલ્પો કંડારેલા છે પરંતુ મોટાભાગનાં શિલ્પો ભગવાન વિષ્ણુના દશાવતારની કથા કહે છે. પરશુરામથી લઇ વરાહ અવતાર અને ગૌતમ બુદ્ધથી લઇ ભવિષ્યના કલ્કી અવતારના શિલ્પ અહીં જોવા મળે છે. અપ્સરાઓ, કિન્નરો, ગાંધર્વો અને અન્ય દેવીદેવતાઓના શિલ્પો પણ અહી સેંકડોની સંખ્યામાં છે.
૧૦૦ વર્ષ જુનું પટોળું: પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ! |
ઉપર દશાવતારના અને નીચે પટોળાના શિલ્પો |
- પટોળાની કળાને જાણે અંજલી આપી રહ્યાં હોય એમ સ્થપતિઓએ વાવમાં પટોળાની પરંપરાગત ડિઝાઇનના શિલ્પો પણ કંડાર્યા છે. વચ્ચેના વર્ષો દરમિયાન કોઇ સમયે નજીકની સરસ્વતી નદિનો પ્રવાહ પલટાયો હતો અને આ બેનમનૂન વાવ માટી અને કાદવથી જમીનમાં દટાઇ ગઇ હતી. પુરાતત્વ વિભાગે છેક ૧૯૮૦માં આ વાવનો કાદવ ઉલેચી તેને નવજીવન આપ્યું. આજે પુરાતત્વ વિભાગ આ વાવની જાળવણી જીવની જેમ કરે છે. વૃક્ષો અને હરિયાળીથી સભર આખું કેમ્પસ વાવની ભવ્યતાને અનુરૂપ જ બનાવાયું છે.
ઇ.સ. ૧૦૮૪માં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું સહસ્ત્રલિંગ તળાવ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. જો કે હાલ તેના અંશો જ બચ્યા છે |
- પાટણની રાણકી વાવને મહદ્ અંશે અગાઉ જેવી સ્થિતિમાં લાવી શકાઇ છે પરંતુ અહીંથી ઉત્તરે આવેલા સહસ્ત્ર લિંગ તળાવનો વીસેક ટકા હિસ્સો જ ઉત્ખનન કરી બહાર કાઢી શકાયો છે. ઇ.સ. ૧૦૮૪માં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું આ તળાવ એ સમયનાં ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. નજીકની સરસ્વતિ નદીમાંથી આ તળાવમાં પાણી લવાતું અને તેને એકદમ શુદ્ધ કરવાની વ્યવસ્થા પણ હતી. નામ મુજબ આ તળાવમાં ૧૦૦૮ શિવલીંગોની સ્થાપના કરવામાં આવી હતી. અહીંનું મુખ્ય શિવાલય ૪૮ સ્તંભ પર રચાયું હતું.
પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર |
- અનેક ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતાં પાટણમાં સેંકડો મંદિરો છે પણ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર. છેક ચાવડા વંશથી જ અહીં જૈન ધર્મનો વિશેષ પ્રભાવ રહ્યો. ગુજરાતી વ્યાકરણ માટે વિરાટ કાર્ય કરનાર પાટણનાં જૈન મુની હેમચંદ્રચાર્યના ઉલ્લેખ વગર પાટણની વાત અધુરી જ ગણાય. એક સમયે પાટણ ગુજરાતની માત્ર શાસકિય કે વહિવટી રાજધાની જ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ પાટનગર હતું. હેમચંદ્રાચાર્યનો વ્યાકરણનો ગ્રંથ સંપૂર્ણ થયો ત્યારે એ ગ્રંથની હાથી પર સવારી નીકળી હતી અને આખા પાટણમાં ફરી હતી. તેમાં હેમચંદ્રાચાર્ય સાથે સૌથી આગળ ચાલવામાં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ હતાં ! આજે પણ અહીં હજારો હસ્તપ્રતો સચવાયેલી છે.
સિદ્ધપુરનો રૂદ્ર મહાલય |
પુરાણોકત પંચ સરોવરમાં સ્થાન પામતું બિંદુ સરોવર |
- પાટણ નજીક આવેલાં સિદ્ધપુરનો આ રૂદ્ર મહાલય જાણે પેલી કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ છે !: ‘ખંડહર બતા રહા હૈ કી ઇમારત કિતની બુલંદ થી !’. કહેવાય છે કે મૂળરાજ સોલંકીએ તેનાં બાંધકામની શરૂઆત કરાવી અને સિદ્ધરાજ જયસિંહે એ પૂર્ણ કર્યુ. આટલાં વર્ષોના અથાક પરિશ્રમ પછી જે ઇમારત તૈયાર થઇ એ હતી: ત્રણ માળ ધરાવતો ૧૬૦૦ સ્તંભનો જાજવલ્યમાન રૂદ્ર મહાલય! તેનાં તોરણો, ખંડો, ઉપખંડો, માળમેડીઓ અને અગાસીઓ... એક સાથે મંત્રોચ્ચાર કરતાં હજ્જારો બ્રાહ્મણો... રૂદ્ર મહાલયનું સ્ટેટસ એ સમયે કદાચ સોમનાથ જેટલું જ હતું. અલાઉદ્દીન ખિલજીના ક્રુર સૈન્યએ આ અપૂર્વ ઇમારતનો લગભગ પૂર્ણતઃ ધ્વંશ કર્યો અને હવે બચ્યાં છે માત્ર અવશેષો! સિદ્ધપુરની ખ્યાતિ જો કે રૂદ્રમાળ કરતાં પણ પહેલાંના કાળથી છે. છેક પુરાણ કાળથી ! આ સ્થાનને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંના બિંદુ સરોવરનું નામ પુરાણોકત પંચ સરોવરમાં માન સરોવરની સાથે લેવામાં આવે છે. વાયકા છે કે અહીં ભગવાન પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું. ત્યારથી અહીં માતૃશ્રાદ્ધનો મહિમા છે.
વહોરાવાડની ઝલક: ૩૬૦ બારીનું અહીંનું અદ્ભુત મકાન |
- સિદ્ધપુરનો એક અનોખો વિસ્તાર છે વહોરા વાડ! ૩૬૦ બારીનું અહીંનું અદ્ભુત મકાન તો વહોરાવાડની ઝલક માત્ર છે ! લાકડાનાં પિલર પર બનેલા અને અદ્વિતીય બાંધણી ધરાવતાં વોરાવાડની શેરીઓ જાણે પેરિસને પણ શરમાવે એવી છે! તેનાં વિશિષ્ટ આર્કિટેકચરના કારણે ઘણાં પર્યટકો ખાસ આ વિસ્તારની મુલાકાત લેવા આવે છે. એટલું જ નહીં, આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ પણ આ વિસ્તારની મુલાકાતે નિરંતર આવતાં રહે છે.
શર્મિષ્ઠા તળાવ |
નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર |
- નયનરમ્ય દિસતા શર્મિષ્ઠા તળાવની આસપાસ વસેલું વડનગર અહીંયાના વડનગરા નાગરો માટે જાણીતું છે. નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર અહીંનું પ્રમુખ ધર્મસ્થાન ગણાય. પૌરાણિક કથા એવી છે કે સતિના દેહત્યાગ પછી મહાદેવ દુઃખી થઇ પાતાળમાં જતા રહ્યાં ત્યારે અહીંના નાગરકુળના બ્રાહ્મણોએ શિવજીને પાતાળમાંથી પૃથ્વી લોક પર લાવવા તપ આરંભ્યું. મહાદેવ પ્રસન્ન થયા અને લિંગરૂપે અહીં દર્શન આપ્યાં. હાટકેશ્વર મહાદેવ અહીં પૌરાણિક કાળથી બિરાજે છે પણ હાલનું મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. શિલ્પોથી લદાયેલા આ મંદિરનું સ્થાપત્ય ધ્યાનાકર્ષક છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ મંદિરનું ખાસ મહત્વ છે....
અનેક વર્ષો સુધી ગુજરાતનું પ્રતિક રહેલો કીર્તિ સ્તંભ |
તાના-રીરીની સમાધિ |
- વડનગરમાં તાના-રીરીની સમાધિ પણ છે. અકબરનાં દરબારમાં રાગ દીપક છેડ્યા પછી સંગીત સમ્રાટ તાનસેનનું અંગેઅંગ દાઝવા લાગ્યું. રાગ મેઘ મલ્હારનું ઉત્તમ ગાન કરી નાગર કુળની બહેનો તાના અને રીરીએ જ તેને શાતા આપી હોવાનું કહેવાય છે. અકબરે બેઉ બહેનોને પોતાનાં દરબારમાં ગાવાનું આમંત્રણ આપ્યું પણ એ સમયે બ્રાહ્મણ કન્યાઓ આવો કાર્યક્રમ આપે એવું કોઇ વિચારી પણ શકતું નહોતું. તાના-રીરીએ દરબારમાં આવવાની ના ભણી દીધી. દંતકથા છે કે ગિન્નાયેલા અકબરે બેઉ બહેનોને લાવવા સૈન્ય મોકલ્યું પણ તાના અને રીરીએ પોતાનાં વતન પરનું સંકટ ટાળવા અહીં પ્રાણત્યાગ કર્યો. વડનગરમાં આ સિવાય પણ અનેક મંદિરો, કુંડ, વાવ વગેરે આવેલા છે.
બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં આ કુંડમાં અલગઅલગ દેવોના ૧૦૮ નાનાં મંદિરો છે |
મોઢેરાનું સુર્યમંદિર |
- મોઢેરાનું સુર્યમંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે. સૂર્યદેવને સમર્પિત આ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છેઃ સૂર્યકુંડ, રંગમંડપ અને મૂળ મંદિર. મંદિરની ભવ્યતાની ઝાંખી સૂર્યકુંડથી જ મળવી શરૂ થઇ જાય છે. બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં આ કુંડમાં અલગઅલગ દેવોના ૧૦૮ નાનાં મંદિરો છે. ભાવિકો સ્નાનાદિ કર્મ નિપટાવી ૧૦૮ દેવદેવીઓની પ્રદક્ષિણા કરી શકે એ માટે વ્યવસ્થા કરાઇ હતી. એ પછી આવે છે રંગમંડપ. અહીં રામાયણમહાભારત તથા કૃષ્ણલિલાનાં અનેક પ્રસંગોના શિલ્પો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત નર્તકીઓ અને મૈથુનનાં શિલ્પો પણ પ્રચુર માત્રામાં છે. મૂળ મંદિરમાં પણ દેવદેવીઓના તથા મૈથુનનાં શિલ્પો છે. મુખ્ય મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ ગાયબ છે., કહેવાય છે કે અહીં પૂર્ણ કદની સંપૂર્ણતઃ સોનાની મૂર્તિ સ્થપાયેલી હતી પરંતુ અલાઉદ્દીન ખિલજીનાં સૈન્યએ આ મંદિરને પણ બક્ષ્યું નથી. લૂંટફાંટ તો કરી જ પણ અહીંના તમામ શિલ્પોને ખંડિત કર્યા. કોઇનો હાથ તોડ્યો તો કોઇના પગ તો કોઇની ગરદન.... અખંડિત મૂર્તિ શોધવાનું અહીં લગભગ અશક્ય છે. એક મત એવો પણ છે કે આ મંદિરમાં શિલ્પોનાં માધ્યમથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય મુદ્દાઓને વણી લવાયાં છે. એટલે જ અહીંયા શિશુ અવતરણના શિલ્પો પણ છે, મૈથુનના, કુબેરનાં અને મૃત્યુના પ્રસંગ તથા યમદેવનાં શિલ્પો પણ છે. મોઢેરાના આ સૂર્યમંદિરનું નિર્માણ ૧૦૨૭ની સાલમાં ભિમદેવ પ્રથમે કરાવ્યું હોવાનાં પ્રમાણો મળે છે. સોલંકી યુગના અન્ય સ્થાપત્યોની માફક આ મંદિરમાં પણ ઈંટચૂનાનો ઉપયોગ નથી થયો. આ આખુ મંદિર ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બનેલું છે. એટલે કે એક પત્થરમાં ખાંચ બનાવી બીજા પત્થર તેમાં જડબેસલાક બેસાડી દીધેલાં છે. આ મુદ્દો ખ્યાલમાં રાખીએ તો આ મંદિર કોઇ અજાયબીથી કમ નથી.
ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે |
- મોઢેરાથી ગણતરીની ક્ષણોમાં તમે બહુચરાજી પહોંચી શકો છો. અંબાજીમાં દેવીસતિનું હૃદય પડ્યું હતું તો અહીં સતિનાં હાથ પડ્યાં હતાં. અંબાજી એ શકિતનું યુવતી સ્વરૂપ છે, પાવાગઢના મહાકાળી માતૃસ્વરૂપ છે તો બહુચરાજી બાળાના સ્વરૂપે બિરાજે છે. અહીં પણ મૂર્તિની પુજા થતી નથી પરંતુ સોના મઢેલા અને સ્ફટીક દ્વારા નિર્મિત બાલા યંત્રની પુજા થાય છે. તંત્ર શાસ્ત્રમાં વર્ણવાયેલી દસ મહાવિદ્યામાંથી ત્રિપુર સુંદરીનું સ્વરૂપ છે એ જ અહીંયા બહુચરાજી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ વિસ્તારમાં બાલા ત્રિપુર સુંદરીએ અનેક રાક્ષસો હણ્યાં હતાં એટલે તેઓ બહિર્ચરી કહેવાયાં અને કાળક્રમે તેમાંથી બહુચરાજી નામ પ્રચલિત થયું. કહેવાય છે કે આ સ્થળે માં બહુચરાજી દરેક ભાવકોની મનોકામના પૂર્ણ કરે છે. પુત્ર પ્રાપ્તિ, મકાન, દરદના ઇલાજ માટે અને પુરૂષાત્તન મેળવવા માટે પણ અહીં માનતા રખાય છે. ભાવિકોનો પ્રવાહ અહીં દિનપ્રતિદિન વધતો ચાલ્યો છે. ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે. મુખ્ય મંદિરની આસપાસ અહીં અનેક નાનામોટા મંદિરો આવેલાં છે. બહુચરાજીના આ મંદિરની અને માતાનાં ચમત્કારની અનેક વાતો પ્રચલિત છે. આમ તો પુરાણોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે પણ હાલનું મંદિર જિર્ણોદ્ધાર પામેલું છે.
જૈન તિર્થ શંખેશ્વર |
શંખેશ્વરનું મંદિર: જાગતું તીર્થ |
- મહેસાણા જિલ્લાનું એક મહત્વપૂર્ણ તિર્થ એટલે જૈન તિર્થ શંખેશ્વર.... ભગવાન પાર્શ્વનાથને સમર્પિત આ ર્તિથનો મહિમા જૈનો માટે પાલિતાણા કે આબુનાં દેલવાડાથી કમ નથી. એટલે જ શંખેશ્વરની આગળ મહાતીર્થ જોડવામાં આવે છે. અહીંના નાના મંદિરોમાં જૈનોના તમામ તિર્થંકરોની પ્રતિમા મોજુદ છે. શંખેશ્વરનું આ મંદિર જાગતું તીર્થ છે અર્થાત્ કહેવાય છે કે અહીં તીર્થકરો હાજરાહજુર છે અને ભક્તોનો સાદ સાંભળે છે, તેનો યોગ્ય પ્રતિભાવ આપે છે.
અંબાજી ! આ સ્થળે દેવીસતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. |
અંબાજી: રાત્રીનાં સમયે લાઇટીંગના કારણે બદલાતાં રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે |
- અંબાજી !..... ગુજરાતનું સૌથી મોટું શકિતતીર્થ. આમ જોઇએ તો એ ભારતભરનું કદાચ સૌથી મહત્વપૂર્ણ શકિતતીર્થ છે કારણ કે ભારતમાં આવેલી એકાવન શકિતપીઠોમાં તેનું મહત્વ સૌથી વધુ છે કેમ કે આ સ્થળે દેવીસતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. પુરાણો કહે છે કે પિતા દક્ષ રાજાને ત્યાં યજ્ઞ યોજાયાનાં સમાચાર સાંભળી પતિ શંકરનો વિરોધ હોવા છતાં દક્ષની પુત્રી સતીદેવી યજ્ઞ સ્થળે પહોંચી ગયા. પણ ત્યાં પિતાના મોંથી પતિની નિંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યાગી દીધા. ભગવાન શંકરે સતીદેવીના નિષ્પ્રાણ દેહને જોઇ તાંડવ આદર્યુ અને સતીદેવીના દેહને ખભે નાંખી ત્રણેય લોકમાં ઘૂમવા લાગ્યાં. આખી સૃષ્ટિનો વિનાશ થઇ જશે એવાં ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડી સતીના દેહનાં ટુકડાં કરી નાંખ્યા. આવાં ટુકડાઓ અને સતીનાં આભૂષણો પૃથ્વી પર એકાવન જગ્યાએ પડ્યા અને આ એકાવન સ્થળો શકિતપીઠ ગણાય છે. અંબાજીનું મહત્વ વિશિષ્ટ એટલાં માટે છે કે અહીં સતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. બહુ ઓછાં લોકોને ખ્યાલ છે કે અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિની પુજા થતી નથી પરંતુ વીસાયંત્રની પુજા કરાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે માતાજીની મૂર્તિ હોય એવું લાગે છે. અંબાજી મંદિરમાં તાંત્રોક્ત અને શાસ્ત્રોક્ત રીતે યંત્રની પુજા થાય છે. કહેવાય છે કે આ યંત્ર કલ્પવૃક્ષ સમાન છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે માતાજીનું યંત્ર જોવાનો, યંત્ર સ્થાનમાં નિહાળવાનો નિષેધ હોવાથી પુજારી પણ આંખે પાટા બાંધીને પુજા કરે છે. અંબાજી એક મહાતીર્થ છે. શ્વેત આરસપહાણમાંથી બનેલાં આ મંદિરનું સ્થાપત્ય ઉત્તમ કક્ષાનું છે. મંદિરો કે ધર્મસ્થાનો પાછળ થતા ખર્ચાઓ પર હંમેશા ચર્ચાઓ થતી રહી છે. પરંતુ એવી ચર્ચાઓમાં ઉતર્યા વગર માહિતીની વાત કરીએ તો આ મંદિર પર અત્યારે કુલ ૩૫૮ સુવર્ણકળશો ચમકી રહ્યાં છે. ભારતભરમાં અન્ય કોઇ જ શકિતપીઠમાં આટલાં સુવર્ણકળશ નથી. રાત્રીનાં સમયે લાઇટીંગના કારણે બદલાતાં રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે. અહીંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. અહીંની અખંડ જ્યોતનાં દર્શન માટે રોપવેની વ્યવસ્થા પણ છે.
અંબાજીમાં વન વિભાગે બનાવેલો સુંદર પાર્ક, માંગલ્ય વન |
- સમય હોય તો અંબાજીમાં વન વિભાગે બનાવેલો આ સુંદર પાર્ક એક વખત જોવા જેવો છે. અલગઅલગ રંગની વનસ્પતિઓ થકી બનાવેલો આ ૐ હોય કે પછી રાશી આધારીત વૃક્ષો કે પછી અહીંથી દેખાતો પહાડોના દ્રશ્ય. અહીં પહોંચ્યા પછી ધક્કો વસૂલ થયાનો અહેસાસ થાય.
સુવિખ્યાત બાલરામ પેલેસ: ગુજરાતની શ્રેષ્ઠતમ્ હેરિટેજ હોટેલ
- બનાસકાંઠા જિલ્લો પ્રવાસનનાં અનેક આકર્ષણોથી સભર છે. અહીં બે મહત્વના અભયારણ્યો છે. બાલારામ-અંબાજી અભયારણ્ય અને જેસ્સોર અભયારણ્ય. ૫૪૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં બાલારામઅંબાજી અભયારણ્યમાં મૂલ્યવાન ઔષધિય વૃક્ષો પણ છે અને રીંછ, દિપડા, ઝરખ, નિલગાય જેવાં વન્યજીવો પણ ખરા. અભયારણ્યનું આ ઇન્ટરપ્રિટેશન સેન્ટર વન્ય જીવનની સમજણ આપે છે. અભયારણ્યનું નામ જેનાં પરથી રખાયું છે એ બાલારામ મંદિર ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. મંદિરના શિવલિંગ પર પહાડોમાંથી નીકળતાં જડ વડે નિત્ય અભિષેક થતો રહે છે. બાલારામ મહાદેવની આસપાસનું સૌંદર્ય શ્રાવણ આસપાસ જોવા જેવું હોય છે. મંદિરથી બિલકુલ સામે છે સુવિખ્યાત બાલરામ પેલેસ. ગુજરાતની શ્રેષ્ઠતમ્ હેરિટેજ હોટેલ. અહીં રજવાડી નવાબી સ્યૂટ પણ છે. અને સુંદર કોટેજની વ્યવસ્થા પણ ખરી. બાલારામ પેલેસ ઉત્તમ રીતે જળવાયેલી આકર્ષક પ્રોપર્ટી છે. આ સ્થળે અનેક હિન્દી ફિલ્મોનું શૂટિંગ થઇ ચૂક્યું છે. આ મિલ્કત અગાઉ પાલનપુરનાં નવાબની માલિકીની હતી.
જેસ્સોરમા રોકાવા માટે વન વિભાગે પહાડોના ખોળામાં આવા કોટેજ પણ બનાવ્યા છે |
જેસ્સોરની મજા એ છે કે વન પરિભ્રમણ માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે |
- બાલારામથી લગભગ ચાલીસેક મિનીટના અંતર પર છે જેસ્સોર વન્ય પ્રાણી અભયારણ્ય. પણ અહીં સુધી પહોંચતા રસ્તામાં આદિવાસી સંસ્કૃતિથી ધબકતાં અનેક ગામડાંઓમાં જવાનું બને છે. ઇકબાલગઢ નામનું નાનકડું ગામ આદિવાસીઓ માટે ખરીદીનું મથક છે. અહીં તેમના ભાતીગળ ઘરેણાંઓથી લઇ દરેક પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ અનેક અલગઅલગ કોમની આદિવાસી સ્ત્રીઓને તમે અહીં હોંશભેર ખરીદી કરતી જોઇ શકો. ઇકબાલગઢને જેસ્સોર અભયારણ્યનું પ્રવેશદ્વાર પણ ગણી શકાય. ૧૮૦ કિલોમીટરમાં ફેલાયેલા આ અભયારણ્યને અપ્રતિમ સુંદરતા મળેલી છે. ચોતરફ પહાડો અને વચ્ચે આ જળરાશી. પ્રકૃત્તિ શિક્ષણ શિબિરમાં કલરવ કરતા બાળકો. જેસ્સોર ઇકો ટુરીઝમ માટેની ઉત્તમ સાઇટ છે. રોકાવા માટે અહીં વન વિભાગે અનેક વિકલ્પો રાખ્યાં છે. પ્રકૃત્તિ શિક્ષણ માટેની કેમ્પ સાઇટ છે અને પહાડોના ખોળામાં આવા કોટેજ પણ છે. જેસ્સોરની મજા એ છે કે વન પરિભ્રમણ માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે. આ બધી વન કેડીઓ માટે તમે ગાઢ અને વણખેડાયેલા જંગલનો આનંદ ઉઠાવી શકો છો. જેસ્સોરમાં ડુંગર પર આવેલા કેદારનાથ મંદિરનું આ વિસ્તારમાં ભારે મહત્વ છે. લગભગ સાતસો પગથીયા ચડ્યાં પછી અહીં પહોંચી શકાય છે. અહીંની સુંદરતા દંગ કરી નાંખે એવી છે. જેસ્સોર અભયારણ્ય એકદમ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે.
"પિક્ચર્સ" અભી બાકી હૈ, દોસ્તો !
Thank You for this wonderful post.
ReplyDeleteવાહ કિન્નરભાઈ..અમારા સ્કુલના પ્રવાસની યાદ અપાવી દીધી...!
ReplyDeleteઆપે દોઢ વર્ષ પહેલા મને મોકલાવેલ "ગોલ્ડન ગુજરાત"ની ડીવીડી,જે તદ્દન નીઃશુલ્ક હતી,જેનો આભાર માનવાનુ હુ આળસને કારણે ચુકી ગયો હતો.એ વાતની ખરા દિલથી માફી માંગુ છુ.
ReplyDeleteઅરે તે એકદમ અદભુત છે.તમારી મહેનત ખરેખર પ્રશસનીય છે. ગુજરાતનુ અદભુત દર્શન કરાવવા બદલ આભાર
once again sorry for being late for feedback
great! waiting to see the whole picture...:)- Mukesh Modi
ReplyDeleteWah. Marvelous.. Everything is simply fantastic and 'Ajod'.. Though I liked one specific snap of 'KirtiSthambh'.
ReplyDeletekinnerbhai...dil khoosh thai gayu...ek sacha gujrati tarike su faraj ek lekhak hovi joiye...jeni ape pratitikaavi api che....
ReplyDeletenaresh k dodia
વાહ વાહ...મોજ પડી ગઈ...પૈસા વસૂલ...
ReplyDeletei would like to share this to my other frd this is really nice article to know about gujarat
ReplyDeleteખૂબ સરસ છે મિત્ર , તમે આ બ્લોગને વારંવાર અપડેટ કરતા રહેજો. જેથી ગુજરાતને આપણે સાચા અર્થમાં માણીએ અને અન્યને પણ ઓળખ આપી શકીએ , આપનો અને જય વસાવડાનો પણ આભાર .
ReplyDeletesunder varnan ane photoes
ReplyDeleteકીન્નરભાઈ, વાહ અને આહ બંને એક સાથે નીકળે એવી પોસ્ટ છે.
ReplyDeletevery nice...
ReplyDeleteEnglish or hindi me bhi post karo, please
superb...
ReplyDeleteVery good, do you have More Pictures or DVD for Gujarat in more details if you have one pl Send me one I will pay the cost for DVD and Shipping charges can contact me on my email parikhrajeshk@gmail.com
ReplyDeleteThanks,
Rajesh
Hello Kinnerbhai, Hu hamna j tya jai aavyo. To pan vanchvani bahu maja aavi.
ReplyDeletehttp://www.facebook.com/media/set/?set=a.298958750123790.81532.100000290028922&type=3
Saru Che Yaar
ReplyDeleteખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..
ReplyDelete" ગોલ્ડન ગુજરાતા ની ડીવીડી જોવી હોયા તો ક્યાં જોવા મળે ? તમે જો મોકલાવી શકતા હોયા તો ખુબજ આભાર !! મારું સરનામું નીચે મુજબ છે. એ - 11 , પારસનગર સોસાઇટી , સંસ્કાર ભારતી સ્કુલની સામે , આનંદ- મહલ રોડ , અડાજન - સુરત -395009 .
ReplyDelete