પતંગ જેમ આપણને ઘણુંબધું શીખવે છે એવી જ રીતે મકરસંક્રાંતિનો તહેવાર પણ એક દિવસમાં ઘણી વાતો શીખવી જાય છે. મશ્કરા મનને કેટલીક એન્ટી ફિલોસોફી પણ સૂઝી આવે છે! : આપણો પતંગ તો જ ઊંચો જઈ શકે જો આપણે બીજાનો પતંગ સમયસર કાપતા રહીએ! કેટલીક ફર્સ્ટ હેન્ડ કહેવત : ઝાઝા પતંગ ઉડતા હોય ત્યારે વધુ ઢીલ અપાય નહીં!, તાણવાળી મોટી પતંગ સામે કોઈ સારી દોરી અને ઉત્તમ પતંગબાજ પણ લાચાર છે!, કપાયેલી પતંગ ક્યારેક ઉડતી પતંગ કરતાં પણ વધુ ઊંચે જાય છે! સંક્રાંતે સગપણ અને વાસી સંક્રાંતે વિવાહ! આંખો આસપાસની આગાસીએ રાખો તો કાયમી ફીરકી પકડનાર મળી રહે! અને ‘પડયા માથે પાટું’નો જ સમાનાર્થ ધરાવતી કહેવત એટલે ફીરકી જાતે ઝાલી અને આસપાસની અગાસી ખાલી!
ચિંતકો કહે છે કે પતંગ આપણને જિંદગીની ઘણી ફિલસૂફી સમજાવે છે. પતંગ કહે છે કે જીવનમાં બેલેન્સ બરાબર હોય તો જ ઊંચી ઉડાન ભરી શકાય છે. એક તરફ જો માત્ર બે આંગળી જેટલી ગુંદરપટ્ટી ચોંટાડી હોય તો પણ પતંગ પછી એ તરફ જ નમ્યા કરે છે. પછી એને ઉડાડવાની મજા નથી. બેલેન્સ ગયું કે એની મજા ગઈ. એની સળીનું બેલેન્સ બરાબર ન હોય તો એ સતત ગોથા ખાધા કરે. મનુષ્યનું પણ એવું જ. સંતુલન ન હોય તો ગોથાળિયા પતંગની જેમ ગોથ મારતો રહે. ઘડીભર એન્ટેનામાં ફસાઈ જાય, ત્યાંથી ટીચકી ખાઈ માંડ નીકળે તો કેબલમાં ફસાય. સાગમટે ચાર-પાંચ પેચ લગાડે અને છેવટે શ્વાનના મોતે મરે. પંતગના રંગોે એટલે જાણે જીવનના કલર્સ. સફેદ રંગની પતંગ જ ઉડાવતા લોકોની રસહીનતાની ખાજો દયા. એમને માફ કરજો, પ્રભુ! એમને ખ્યાલ નથી કે તેઓ કેવી મહાન ભૂલ કરી રહ્યા છે. પતંગ એટલે જ રંગો. એ સફેદ કેવી રીતે હોઈ શકે. પતંગબાજીમાં સ્કિલ ખપે. પૂંછડીવાળો પતંગ એકદમ સ્થિર હોય છે. કોઈ ગોથાળિયા પતંગને સ્થિર કરવો હોય તો પતંગબાજો તેને લાંબું પૂંછડું બાંધી દે. જીવનમાં પણ એવું જ. ભાઈ બહુ હણહણતા હોય અને બહેન બહુ ઉલાળા લેતાં હોય તો વડીલો ઝટ એમને પૂંછડી બાંધવા આતુર હોય. પતંગ કહે છે કે તમારી નજર નિત્ય આકાશ ભણી રાખો!
હાસ્યકારો હંમેશાં એક ક્લિશે વાક્યપ્રયોગ કરે છે : ‘હાસ્ય ક્યાં ક્યાં નથી મળતું મિત્રો!’ એમ ફિલસૂફોને જીવનની દરેક વસ્તુઓમાંથી તત્ત્વજ્ઞાાન મળી રહેતું હોય છે. જમીનના ટુકડાથી અફાટ આકાશ સુધી, રણથી સમંદર અને ઝરણાથી જ્વાળામુખી લગી. જીવનને નિહાળવાના બે અંદાજ છેઃ એક ફિલોસોફિકલ, બીજો પ્રેક્ટિકલ. મહાન ચિંતકોની ફિલસૂફી કહે છે કે પતંગ આપણને આસમાનમાં દૃષ્ટિ રાખવાનું શીખવે છે પણ સામાન્ય યુવક-યુવતીઓનું પ્રેક્ટિસ જ્ઞાાન કહે છે કે સંક્રાંતમાં નજર થોડી આસપાસની અગાસીમાં પણ રાખવી! કારણ કે ઉત્તરાયણમાં માત્ર પતંગોના પેચ જ નથી જામતા, નયનોના પેચ પણ લાગતાં હોય છે. તમારી નજર જો ધારદાર ન હોય તો ખૂબસૂરત આંખો સાથે પેચ લડાવવા બીજી કોડીબંધ આંખો તત્પર હોય છે. હા! ઉત્તરાયણ યુવાનીનો તહેવાર છે. અલ્ટ્રા વાલોયેટ કિરણોને પણ આંખો સુધી પહોંચવા નહીં દેતા સન ગ્લાસીસ એ દિવસે સામેની અગાસી પરથી તમને નિહાળતી પેલી ધાંસુ છોકરીની આંખમાંથી નીકળતા ગુલાબી કિરણોને રોકી શકતા નથી. ગુજરાતી ફિલ્મની ભાષામાં કહીએ તો અગાસીઓ જાણે જોબનથી ફાટફાટ થતી હોય છે. કેટલાક માટે તો પતંગ બહાના હૈ, અસલી મકસદ આંખો કે પેચ લડાના હૈ!
જગતની બહુ ઓછી પ્રજા પાસે ઉત્તરાયણ જેવો આગવો ઉત્સવ હોય છે. પતંગો તો ભારતમાં ઘણાં રાજ્યોમાં ઊડે છે, પરંતુ કોઈ એક જ દિવસ આખું રાજ્ય અગાસી પર બિરાજતું હોય એવી ભવ્ય ઘટના માત્ર ગુજરાતમાં બને છે. હોળીની જેમ અહીં પાણીનો વ્યય નથી,પર્યાવરણવાદીઓ દિવાળીના ફટાકડાથી થતા પ્રદૂષણની અને હોળીના રંગોથી થતા વિવિધ પ્રકારના નુકસાનની ચિંતા કરતાં હોય છે એવી ફિકર કરવાની પણ અહીં જરૃર નથી. હા! કેટલાક લોકોને પંતગની દોરીથી પક્ષીઓને થતી ઈજાની તથા અગાસી પર રાખેલી સાઉન્ડ સિસ્ટમથી થતા ધ્વનિનાં પ્રદૂષણની ફરિયાદ જરૃર હોય છે. પણ એમનો કોઈ ઈલાજ નથી. દલીલો તેઓ નહીં માનવા માટે સાંભળતા હોય છે. એમને સીધા કરવાનો રસ્તો એક જ કે આપણે વધુને વધુ પતંગો ઉડાવવી, અગાસી-અગાસીએ ગીતો વગાડવાં જેથી એમનો કાળો કકળાટ આપણા આનંદના કલબલાટમાં સાવ જ ઓગળી જાય.
ઉત્તરાયણની મજા એ છે કે એ કોઈ દેવી-દેવતાઓનો તહેવાર નથી. એ સર્મિપત છે મનુષ્યની ભીતર શ્વસતા આનંદી યુવાનને. ખોળિયું કદાચ પચાસ, સાઠ, સિત્તેરનું કે એંસીનું હોય તો પણ ઉત્તરાયણનો આનંદ તેની ભીતરથી યુવાનીને બહાર ખેંચી લાવે છે. ઉત્તરાયણ એટલે પણ મહાઉત્સવ છે કારણ કે તેમાં કોઈ વિધિવિધાન કે યજ્ઞા-હવન અથવા સત્સંગ-સરઘસ નથી. એનું આધ્યાત્મિક મહત્ત્વ જેટલું છે તેના કરતાં અનેકગણું આત્મિક છે. એ આપણો તહેવાર છે. સ્વયંનો. એટલે જ તેની ઉજવણી આપણને હળવાફૂલ બનાવી દે છે. દિવસભર દોરીની ખેંચખેંચ કર્યા પછી બાવડાં દુખે છે પણ તેનું દર્દ થતું નથી. થાક હોય છે પણ તેનો અહેસાસ નથી, તાપ હોય છે પણ એ લાગતો નથી. રંગોથી ફટાફટ થતું અફાટ આકાશ એવો નશો જગાવે છે કે રાત્રે પથારીમાં પડીએ ત્યારે પણ આપણે દિવસભર લડાવેલા એક-એક પેચ (પછી એ પતંગના હોય કે આંખોના!)ની રીલ આંખ સામેથી જાણે પસાર થતી રહે છે.
શું પતંગોત્સવ એટલે માત્ર શેરડી, ચીક્કી, ઊંધિયું અને જલેબી જ? ના. ઉત્તરાયણ એટલે ભેગા થવાનો નિર્ભેળ આનંદ પણ ખરો! ઝાઝા પવનમાં પતંગ હાથમાં ઝાલી ઝલાય નહીં એની મજા અને ઓછાં પવનમાં માંડ-માંડ ઊડે એનો પણ આનંદ. પતંગનું આખું એક શાસ્ત્ર છે. ખેંચીને કાપવાનું પસંદ કરતાં હો તો દોરી ઓછા કાચવાળી, ઓછા તારવાળી અને તીક્ષ્ણ જોઈએ. ઢીલ દેતાં જ આવડતું હોય તો બાર કે સોળ તારની ખરટ (ઝાઝા કાચવાળી) દોરી ઉત્તમ. પતંગની વચ્ચેથી પસાર થતી સળી અને કમાન જોઈને પણ ઉસ્તાદો કહી શકે કે એ ગોથાળી છે કે સ્થિર છે. ઢીલ દેવા માટે ઉપલો અને ખેંચવા માટે નીચલો પેચ લેવાનો હોય પ્રભુ. અને ખેંચીને કાપવાનો શોખ હોય તો યાદ રાખવું કે તમે ખેંચ ચાલુ કરો ત્યારે તમારી પતંગ ઉપરની તરફ આવતી હોવી જોઈએ, આડી બાજુ નહીં. પતંગની લંબાઈ કરતાં તેની પહોળાઈ દોઢી કે બમણી હોય એવી પતંગ શ્રેષ્ઠ. આ બધી ટેકનિકલ વાતો જાણી પતંગ ચગાવવાની મોજ અલગ છે. અને આવું કશું જ જાણ્યા વગર પતંગબાજી કરવાની મજા તો વળી એના કરતાં પણ વધુ!
પતંગ જેમ આપણને ઘણુંબધું શીખવે છે એવી જ રીતે મકરસંક્રાંતિનો તહેવાર પણ એક દિવસમાં ઘણી વાતો શીખવી જાય છે. મશ્કરા મનને કેટલીક એન્ટી ફિલોસોફી પણ સૂઝી આવે છે! : આપણો પતંગ તો જ ઊંચો જઈ શકે જો આપણે બીજાનો પતંગ સમયસર કાપતા રહીએ! કેટલીક ફર્સ્ટ હેન્ડ કહેવત : ઝાઝા પતંગ ઉડતા હોય ત્યારે વધુ ઢીલ અપાય નહીં!, તાણવાળી મોટી પતંગ સામે કોઈ સારી દોરી અને ઉત્તમ પતંગબાજ પણ લાચાર છે!, કપાયેલી પતંગ ક્યારેક ઉડતી પતંગ કરતાં પણ વધુ ઊંચે જાય છે! સંક્રાંતે સગપણ અને વાસી સંક્રાંતે વિવાહ! આંખો આસપાસની આગાસીએ રાખો તો કાયમી ફીરકી પકડનાર મળી રહે! અને ‘પડયા માથે પાટું’નો જ સમાનાર્થ ધરાવતી કહેવત એટલે ફીરકી જાતે ઝાલી અને આસપાસની અગાસી ખાલી! હવે થોડા ફર્સ્ટ હેન્ડ રૃઢિપ્રયોગોઃ ઢીલમઢીલના પેચ લાગ્યા હોય ત્યારે ફીરકીનાં તળિયાં દેખાવાં! ખેંચતા આવડે નહીં અને દોરી કાચવાળી, પૂંછડી બાંધ્યા પછી પણ ગોથા ખાવા, ભાઈ કુંવારા ચોત્રીસના અને નજર રાખે (અગાસીને બદલે) આકાશમાં!, પાંચસો વારની દોરી લેવી અને ઢીલના શોખ રાખવા, એક તો પતંગ તોસ્તાન અને બીજું, પવન કહે મારું કામ, આંગળીઓ પણ સાચવવી અને પતંગ પણ ઉડાડવી, સંક્રાંતિના દિવસે જ અગાસીની સીડી તૂટી જવી,ઉત્તરાયણની રાહ જોઈ પણ બાજુવાળી પતંગ ઉડાવવા મોસાળ ગઈ!
બપોરના એકથી બે વચ્ચેના લંચ ટાઈમમાં લોકો અગાસીને બદલે ઘરમાં ઊંધિયું દાબતા હોય છે ત્યારે અગાસી પર શાંત રસ હોય છે. દૂરની અગાસી પર પતંગ ઉડાડતા કોઈની પતંગ તેના હાથ પાસેથી જ ખેંચ મારી કાપી નાખવી એમાં શૌર્ય રસ નથી શું? શૃંગાર રસ અને બિભત્સ રસ તો દર બીજી અગાસીએ છલકાતો હોય છે. સંક્રાંતિમાં રોમાંચ છે, તેમાં હરીફાઈ છે અને એટલે જ એની થ્રિલ અકબંધ છે. ગુજરાતણો જેમ માતાના ગર્ભમાંથી જ ગરબો કે રાસ શીખીની અવતરે છે એમ જ દરેક ગુજરાતીઓના ડીએનએમાં સુરતી માંજો અને નડિયાદી પતંગો છપાઈ ચૂક્યા છે. અને સંક્રાંતિ એક ગ્રેટેસ્ટ લેવલર છેઃ ચડ્ડીધારી બાળક પણ અહીં છાપાના તંત્રીની પતંગ કાપી શકે છે. મંત્રીશ્રીની પતંગ સંત્રીઓ પણ ઉડાવી શકે છે, રાજાની પચાસ રૃપિયાની પતંગને રંક છોકરડું અઢી રૃપરડીની પતંગ વડે ડૂલ કરી શકે છે. સંક્રાંતિ સેક્યુલર છે, સમાજવાદી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તેની ઉજવણી એકસરખા થનગનાટથી કરે છે. કારણ કે એ દિવસે આકાશમાંથી જાણે કોઈ શક્તિ ગુજરાતીઓ પર યૌવનની વર્ષા કરી રહી હોય છે!
"સંદેશ"માં પ્રકાશિત.