Wednesday, January 4, 2012

બારણું ઉઘાડ હવે દેવ

               
દોઢડાહયાઓ કહે છે કે, તમે માત્ર 'ગાઈડ' યાદ રાખો પરંતુ "પ્રાઈમ મિનિસ્ટર" ભૂલી જાઓ. તેઓ કહે છે, રાજુ ગાઈડ યાદ રાખો, પેલો પેલો અર્ધ પાગલ તંત્રી ભૂલી જાઓ અને સેન્સર સામે હાસ્યાસ્પદ બંદ પોકારી કોર્ટરૂમમાં જોકર જેવી અદાઓથી દલીલો કરતો સર્જક વિસરી જાઓ. આવા લોકો અને સ્વાધ્યાય - આસારામના ફેનેટિક અનુયાયીઓ વચ્ચે શો ફર્ક છે? કશો જ નહિ. સંપ્રદાયોના અનુયાયીઓ પણ આવું જ કહે છે; "અમારા બાપુએ કરેલા ભૂંડા કામો વિસરી જાઓ, સારા યાદ રાખો!" ઇન ફેક્ટ, પેલા સંપ્રદાયોના અનુયાયીઓને તમે બહેતર ગણાવી શકો. કારણ કે, તેઓ ક્યારેય બૌદ્ધિક કે જાણકાર હોવાનો દાવો કરતા નથી. દેવ આનંદની વિદાય પછી પણ બહુ તમાશો થયો, પાગલ ફેનેટિક લોકોએ "સદાબહાર ....સદાબહાર... "નો કકળાટ કરી ગગન ગજવી નાખ્યું. શાનો સદાબહાર? ધૂળ અને ઢેફું. એના સુવર્ણકાળમાં તેણે કેટલુંક નોંધપાત્ર કામ કર્યું હતું. બસ. એ ગોલ્ડન પીરિયડ ખતમ થયાને ચાર-ચાર દાયકાઓ વીતી ગયા હતા. છેલ્લાં ચાલીસ વર્ષથી તેની ભૂતાવળ બોલિવુડમાં ફરતી હતી. એ એક કલાકારનો મૃતદેહ હતો. મરાઠીના વિખ્યાત વિવેચક અને અદભુત ભાષા શૈલી ધરાવતા શિરીષ કણેકરે એનસીના દાયકામાં દેવ  પર એક અદ્વિતીય લેખ લખ્યો હતો. આજે આપણે જે વાત કરીએ છીએ અને દેવના ભક્તો ઉકલી ઉઠે છે એ જ વાત તેમણે ફાડી-તોડી ને લખી હતી. આ લેખ "ઈમેજ પબ્લિકેશન" દ્વારા પ્રકાશિત પુસ્તકમાં સમાવિષ્ટ છે. એમના સૌજન્ય સાથે અહીં મૂકી રહ્યો છું... 



પ્યારે દેવ બેટે,
જુગ જુગ જિયો.
તું મારા કરતાં (કે કોઈનાયે કરતા) નાનો ને? એટલે વાત્સલ્યથી બેટા કહ્યુ હં. સરકારી નોકરીમાં હોત તો નિવૃત્ત થયાને તને આઠ વર્ષ થયાં હોત. એટલે આઠ વર્ષથી બેઠાબેઠાં પેન્શન ખાધુ હોત. આઈ એમ સોરી. ઊભા રહીને, કારણ કે તું ક્યારેય બેસતો જ નથી. તું અને ઘોડો! ઠીક.

પરાભવ માન્ય કરવા માટે આ પત્રપ્રપંચ. આપણો અપશબ્દોનો સગ્રહ વિશાળ છે, એવો મને ઘમંડ હતો. એ તેં ચપટી વગાડતામાં ઉતાર્યો. તારુ ‘સચ્ચે કા બોલબાલા’ જોઈને બહાર નીકળ્યા પછી ફક્ત વીસેક મિનિટમાં જ મારા શબ્દકોશના બધા અપશબ્દ ખલાસ થઈ ગયા. હું હતબુદ્ધ થયો. પહેલાજ નિહલાની, કે. સી. બોકાડિયા, ટૂટૂ શર્મા વગેરે કસબી નાદાનોને જે ફાવ્યુ નહીં તે આખરે તેં કરી દેખાડ્યુ. વળી, આપણો જેના પર પ્રેમ છે એવો માણસ આપણા ભંડારનો માલિક થાય છે એનો એક નિરાળો માનસિક સંતોષ તેં મને મેળવી આપ્યો એ તો વધારાનો જ. આટલુ ખરાબ ચિત્રપટ તુ કાઢે છે એની અમને ખબર પણ પડવા ન દીધી ને લુચ્ચા? હવે મળશે ત્યારે ગાલ ખેંચ્યા વગર છોડુ છું કે તને બદમાશ.

મેં જોયેલાં સૌથી ખરાબ પાચ ચિત્રપટોમાં  ચાલ, દશ કહુ જોઈએ તો  એક તારા ‘સચ્ચે કા બોલબાલા’ને ગણવામાં વાધો નથી. આવી જીવલેણ સ્પર્ધામાં એક પ્રસગ, એક સવાદ, એક ક્ષણ પણ સારી ન હોય એવુ ચિત્રપટ કાઢવુ એ કોઈ રેંજીપેંજીનુ કામ નથી. (‘ધરમઅધિકારી’માં પણ રાજેન્દ્ર કૃષ્ણનાં બે ચમકદાર વાક્યો હતાં અને ‘મર્દ’માં એક એંગલથી વાઘ જરા સારો દેખાયો હતો.) કમાલ કરી છે છોકરા! તારુ દરેક નવુચિત્રપટ જોઈએ ત્યારે એમ લાગે કે આગલુ સારુ હતુ. ‘લૂટમાર’ જોયુ ત્યારે તીવ્રપણે લાગ્યુ હતુ કે આ સમુદ્રનુ તળિયુ છે. આના કરતાં નીચે જવુતારે માટેય શક્ય નથી; પણ ‘સચ્ચે કા બોલબાલા’માં તેં એય કરી દેખાડ્યુ. હવે તારુ ‘અવ્વલ નબર’ આવશે ત્યારે જ ‘સચ્ચે કા બોલબાલા’ જરા સારુ કહેવાનો વારો આવશે. ‘ઉત્કર્ષને સીમા હોય છે, અધઃપાતને નથી હોતી’ એ વચન સિદ્ધ કરવાની જવાબદારી તેં પોતે જ પોતાના યુવાન ખભા પર ઉપાડી લીધી ને પાર પાડી દેખાડી, અભિનંદન.

એટલે જ તારી ઓફિસમાં બેસીને મેં પહેલાં જ તને કહ્યુ હતુ, ‘પત્રકારત્વ પર ચિત્રપટ કાઢે છે ને, કાઈ માહિતી, મદદ જોઈતી હોય તો હકથી માગજે.’

એ સાંભળી તેં હાથમાં લાલ રૂમાલ નચાવતાં શું કહ્યુ હતુ યાદ છે? કહ્યું હતું,  ‘મને ખબર છે બધી.’

‘તને કંઈ જ  ખબર નથી રે મૂરખા અને જાણી લેવાની ઇચ્છા પણ નથી.’ આ વાક્ય હોઠ પર આવે તે પહેલાં જ હુ ગળી ગયો. મેં મફતમાં આપવા કહેલી મદદ તેં નકારી એનુ દુઃખ હતુ જ; પણ પોતાને આવી મદદની નિતાંત આવશ્યકતા છે, એનો તને ખ્યાલ પણ ન હોય એનુ દુઃખ વધારે હતુ. શું કપાળ ખબર છે તને? ફક્ત રુસી કરંજિયાની કેબિન જોઈ આવ્યો એટલે પત્યું? બધુ પત્રકારત્વ તેમાં એકઠુ થઈને આવ્યુ? સપાદક ભાડૂતી ગુંડાના માથા પર ટાઇપરાઇટર મારે એટલે જ વર્તમાનપત્રવ્યવસાયે સમાજવિરોધી કારવાઈ વિરુદ્ધ કરેલી નીડર લડાઈ, આવી તારી રોમેન્ટિક સમજ! વર્તમાનપત્રવિક્રેતા (ફૂટપાથ પર) અને સંપાદક (ઉપર કેબિનમાં ) આ સુસવાદ તો ગળગળા કરી મૂકે એવો છે. સંપાદકના આગ્રહથી તેના ઓરડામાં નવી આવેલી ઉપસંપાદક  છોકરી નિર્બંધ નાચતી જોઈને મારુ પત્રકારી જીવન સાર્થક થયુ. (મુંબઈ મરાઠી પત્રકારસંઘ એ તરફ ધ્યાન આપશે?) યુવાન છોકરીના સાથળ પર ગુલાબ એટલે જોનારને ગુલકંદ જ! (આ સાલા સેન્સરને લીધે તારે સાથળ સુધી જ અટકવુ પડે છે. નટખટ સાલા!) એક ખૂબ જૂનુ મરાઠી ભાવગીત હતુ. ‘ચંદ્રાવરતી દોન ગુલાબ’ (ચંદ્ર પર બે ગુલાબ), તેમાં ફક્ત એક શબ્દ બદલીને તુ આવુ ગીત ચિત્રપટમાં મૂકી શક્યો હોત ‘માડ્યા વરતી દોન ગુલાબ, સહજ દ્રષ્ટિલા પડલે આજ’ (સાથળ પર બે ગુલાબ, સહજ દ્રષ્ટિએ પડ્યાં આજ’).

અરે હા! તને મરાઠી ક્યાં આવડે છે. ઘણાં વર્ષો આ માયાનગરીમાં કાઢનારા અમરાઠી  ભાષિકોને મરાઠી બોલતાં આવડતુ હશે કે નહીં આવડતુ હોય, પણ સમજાય છે તે નક્કી. મુંબઈમાં પિસ્તાળીસ વર્ષ કાઢ્યાં પછી પણ તને મરાઠી સ્પર્શી ગઈ નહીં. એનો અર્થ એટલો જ કે તારા હસ્તીદંતી મિનારા પરથી તુ ક્યારેય ઊતર્યો જ નથી. જનસામાન્ય સાથે તારે સપર્ક જ રહ્યો નથી. તારી દુનિયા જુદી છે. (ત્યાં સાથળ પર ગુલાબનાં છૂદણાં હોય છે અને તે આવતાજતાં દેખાડતી પત્રકાર છોકરીઓ હોય છે.) મેં આમ કહ્યુ કે તરત જ તેં એ છેકી નાખીને કહ્યુ હતુ, ‘કોણ કહે છે કે મારે સર્વસામાન્ય માણસ સાથે સંપર્ક નથી? સ્ટુડિયોના કામગારા, મારા સ્ટાફના માણસો, એ શુ સામાન્ય માણસોનુ પ્રતિનિધિત્વ કરતા નથી? ફક્ત રસ્તા પર મળે એમને જ સામાન્ય માણસો કહેવા?’’ તારી દલીલ સારી હતી. ફક્ત તે સાચી નહોતી. તારી વિશાળ કેબિન બહારની દુનિયા સાથે તારાં ચિત્રપટોને કાઈ જ સંબંધ રહ્યો નહોતો. તેમની આશાઆકાંક્ષા, નિરાશા, સમસ્યા અને સ્વપ્નો કશાનુયે પ્રતિબિબ તારા ચિત્રપટોમાં પડતુ નહોતુ. સમાજના કોઈ જ સ્તરના પ્રેક્ષકોને તેમાં પોતાનુ કાઈ મળતુ નહોતુ. માલમતા પર દાવો કરતી વખતે થતા ઝઘડાટંટાને લુચ્ચાઇના ખબર પહેલા પાના પર ફોટાસહિત જિલ્લા સ્તરના સાજના દૈનિક વર્તમાનપત્રમાં પણ આપતા નથી; પણ તુ શું કામ તે જોવા જાય? પ્રેરણા માટે તુ હંમેશાં પરદેશ જાય છે. ત્યાનાં છાપાં જોતો હશે. તેમનો ને અમારો સબધ નથી; એટલે તારો ને અમારો સંબંધ  રહેતો નથી. અગર રોના હૈ તો ઇસી બાત કા!

‘પ્રાઇમ મિનિસ્ટર’નામનુ ચિત્રપટ કાઢવાનુ તારા મનમાં છે, એમ મારા કાન પર આવ્યુ હતુ. મેં તને છોડ્યો. ‘હા, એ એક વિષયનો વિચાર કરુ છુ.’ તુ સાવધાનીથી બોલ્યો. જાણે હુ તે કલ્પના કોઇકને વેચવાનો ન હોઉં! જાણે તે વેચાતી લેવા જેટલો કોઇક ગધેડો મને મળવાનો જ હતો.







    
‘વડો પ્રધાન થયો તેથી શુ થયુ? તેને પણ જીન પહેરવાનુ મન થઈ શકે.’ મારા મનનો વિચાર સમજ્યા વગર સમજ્યો હોય એમ તુ બોલ્યો, ‘તે પણ છેવટે માણસ જ હોય છે. તે પણ પ્રેમમાં પડી શકે.’

મેં તને સભળાય એટલો મોટો નિઃશ્વાસ નાખ્યો. ટૂંકમા, તુ આજ સુધી પડદા પર જે કરતો આવ્યો છે, તે જ વડા પ્રધાન તરીકે પણ કરીશ અને છાપાના સંપાદકથી માંડીને વડાપ્રધાન સુધીની કેવી બહુઢંગી, બહુરંગી ભૂમિકા આપણે સમર્થપણે ભજવી બતાવીએ છીએ એવા ભાવથી કેબિનના બંધ બારણા પાછળ તુ પોતાની પીઠ થાબડી લઈશ.
મને હસવુ આવ્યુ, ચીડ ચડી, માઠુ લાગ્યુ. બીજા બે વિકારોને ઢાંકી દેવા જેટલો માઠુ લાગવાનો ભાવ તીવ્ર હતો. શુ કર્યું છે તેં પોતાનુ પોતાના જ હાથે? વાસ્તવમાં તો રાજ કપૂર, દિલીપકુમાર અને તુ સરખી ઉમ્મરના, સમકાલીન આગળ જતાં રાજ કપૂરનુ લક્ષ અભિનયમાથી ઊડી ગયુ હતુ; તેથી નટ તરીકે તે ‘સ્વયંચીત’ થયો; પણ નિર્માતા-દિગ્દર્શક તરીકે તેણે પહેલો ક્રમાંક  છોડ્યો નહીં. છેવટ સુધી તે ટોપ પર જ હતો. દિલીપકુમારનો એકલાં ચિત્રપટ ખેંચી જવાનો જાદુ પહેલાં જ પૂરો થયો હતો, પણ આજેય ચિત્રપટ તેની આસપાસ કેન્દ્રિત હોય છે. આજે પણ તે ચિત્રપટ પર છવાઈ જાય છે. આજે પણ તેનો દબદબો અને ધાક રતીભર પણ ઓછા થયા નથી. બાકી રહ્યો તુ. યુવાની ટકાવી. બુઢાપાને બારણા બહાર રાખ્યો. કમરનો ઘેરાવો વધવા દીધો નહીં (તેનુ કારણ તેને થયેલી ક્રોનિક  ડિસેંટ્રી એમ ભલેને કહે અશોકકુમાર). ચહેરો ઉમ્મરના પ્રમાણમાં ખૂબ જ તાજો ને પ્રફુલ્લિત રાખ્યો. ખાસ તો તેની પર માંસના  લોચા ચડવા દીધા નહીં. તેથી ટકી રહેવાનો શારીરિક હક તારા કોઈ પણ સહકલાકાર કરતાં તને વધારે હતો. તો પછી તારે આમ ઢસડાવુ કેમ પડે છે? પોતાની કૃતિથી પોતાનુ, રૂપિયાની જેમ સાતત્યથી અવમૂલ્યન કરી લેવાથી તને શું મળ્યુ? હજી ઊગીને ઊભી થયેલી તોછડી છોકરીઓ તારા વિશે જેમ તેમ બોલતી સભળાય ત્યારે શરીરમાં આગ આગ થાય છે. થાય છે કે તેમને કહુ, ‘જાઓ પહેલાં માના પાલવથી નાક લૂછી આવો અને પછી દેવ આનદ વિશે મોઢુ ખોલીને બોલજો.’ પણ આપણો જ રૂપિયો ખોટો, તો તેમને શુ કહુ? આખે પટ્ટી બાધવાની, કાનમાં ડૂચો મારવાનો, તારી જેમ!

અમારી વાત જવા દે, અમે તારા છીએ અને હંમેશાં રહેશુ, કારણ કે તુ દેવ આનદ છે અને અમે અમે છીએ. તુ મુંડી કાપેલા મરઘાની જેમ ત્રાંસો ત્રાંસો  કેવો ચાલે છે, ગોઠણ ઝલાઈ ગયા હોય એમ નાયિકાની પાછળ કેવો દોડે છે, ગીત ગાતી વખતે બને હાથ ખભામાથી કેવા લટકતા રાખે છે, દાંતની ને માથાની ફાટ દેખાડતો કેવો હસે છે, એની મનભરીને ઠઠ્ઠા ઉડાવ્યા પછી, તારા નવા પિક્ચરનુ બુકિંગ શરૂ થાય ત્યારે અમે ચુપચાપ ટિકિટની હારમાં ઊભા રહીએ છીએ. ‘અવ્વલ નબર’ માટે પણ રહીશુ. ગમે તેમ તોય છેવટે એ તારુ પિક્ચર છે. ઘરનુ કાર્ય છે. તને બધુ, બધુ જ માફ છે. અરે ‘સચ્ચે કા બોલબાલા’ પણ, કારણ કે તુ દેવ આનદ છે અને અમે અમે છીએ. મનમોહન દેસાઈ મને કહેતો હતો, ‘એક વાત નહીં ભૂલતા કે દેવ આનંદ  એ એકમેવ સ્ટાર છે. સ્ટારહીરો. તે ચોળાયેલાં કપડામા, દુભાયેલા ચહેરે તમારી સામે આવી જ ન શકે.’ કરેકટ? તને કોઈ આલતુફાલતુ નિર્માતાએ સ્ટાર કર્યો નથી. તે નિમિત્તમાત્ર હતો. તુ સ્ટાર તરીકે જ જન્મ્યો છે; તો પછી નિસ્તેજ થવુ જ હોય તો સ્ટારની જેમ આબ રાખીને નિસ્તેજ થા. નિર્માલ્ય નહીં થતો.

તુ શું, રાજ કપૂર શું, દિલીપકુમાર શું, લતા મગેશકર શું, અમારા ભાવવિશ્વના અવિભાજ્ય અંગ છો. મને જન્મદાતા માનો અવાજ યાદ આવતો નથી, પણ પરમેશ્વરના અસ્તિત્વનો સાક્ષાત્કાર કરાવનાર લતાનો અવાજ ત્યારથી મારા કાનમાં છે. તમારા હોવા પર અમારુ અસ્તિત્વ હતુ. ચંદ્રસૂર્ય છે ત્યાં સુધી તમે હશો  નહીં હો, પણ હુ છુ ત્યાં સુધી તમે નક્કી જ હોવાના, તમારી સામે નજર માંડીને હું વિકટ રસ્તે ચાલનાર હતો. પછી એક રાજ કપૂર ગયો અને મારુ ભાવજીવન વીખરાઈ ગયા જેવુ થયુ. આ રીતે કેમ વચ્ચે જ રસ્તામાં છોડી ગયો? મારા ભાવજીવનનો એક ભાગ અચાનક પૂરો થયો. એક અવયવને લકવો થયો. એક અવયવ નકામો થયો. મૃત્યુ નજીક આવ્યુ. સંધ્યાછાયા દેખાવા માંડી. ખીણોનો સામનો કરવામાં સમય કેમ ગયો તેની ખબર જ ન પડી. હવે તોપગોળાના અવાજ સંભળાવા માડ્યા ને તે બહુ દૂરથીયે લાગતા નથી. આગળ ગયેલાઓને મળવાની ઝંખના જાગી છે. અહીંના પથારામાં મન લાગતુ નથી... થોડા દિવસ પહેલાં ‘ભાઈદાસ’ સભાગૃહના પગથિયા પર કોઈક તિરસ્કારથી બોલ્યુ, ‘સાલા દેવ આનદ કા થોબડા તીન ઘટે કૌન દેખેગા?’ ઇસ કો માર કે નિકાલા તો ભી વાપસ આયેગા પરદે પે.’ મને લાગી આવ્યુ. બહુ લાગી આવ્યુ. ગાડાની જેમ આખમાં પાણી આવશે એવી બીક લાગી. નહીં તોયે હમણાહમણાં તે મોકો જ શોધતાં હોય છે. અરે, હશે અમારો બાપ દારૂડિયો. અમારા ભોગે પીએ છે તે. અમે આપસમાં સમજી લેશુ. બહારનાયે બોલવાની જરૂર નથી. બહુ અવાજ નહીં જોઇએ, કહી રાખુ છુ.

મારી એક વાત સાભળીશ? થોડોક સમય નિર્માણ બધ કર. પોતે ક્યારેક દિગ્દર્શક થવાનો પ્રયત્ન કર્યો હતો એ પણ ભૂલી જા. ‘ગોલ્ડી’ને પાછો બોલાવી લે. તેમાં નાનપ માનવા જેવુ કાઈ નથી. ‘આર. કે.’ની જેમ જ સંગીત ‘નવચેતન’નો આત્મા હતો. હવે બર્મનદાદા રહ્યા નથી, પણ તેથી ભપ્પી લાહિરીના સ્તર પર ઊતરવાનુ નહીં. સંગીત આર. ડી. ને સોંપ. ચિત્રપટના કથાનક તરફ વધુ ધ્યાન આપ. પટકથાલેખનમાં મદદ કરવાના ફંદામાં પડતો નહીં. તે તારુ કામ નથી. મુખ્ય વાત એ કે બહારના ચિત્રપટમાં કામ કરવા માંડ. આટલુ મારુ સાંભળ.

હું ગયે વખતે તારી ઓફિસમાં આવ્યો હતો, ત્યારે તારી કેબિનનુ બારણું અંદરથી ઊઘડતુ નહોતુ. તેં કોઈને બૂમ પાડીને બારણું તરત જ બરાબર કરવાનુ કહ્યુ. હવે તે ઠીક થયુ પણ હશે; પણ તારા મનનાં બારણાં તેં અદરથી બધ કરી દીધાં છે તે કોણ ને ક્યારે ઉઘાડશે?

બારણું ઉઘાડ દેવ! હવે બારણું ઉઘાડ!






સૌજન્ય: ઈમેજ પબ્લિકેશન

1 comment:

  1. This is a brilliant piece by Mr. Shirish Kanekare. He seems like a die-hard fan of Dev Anand and he has all rights to write like this. Even in his hatred and bitter tongue, one can see the love for his fallen star.

    But you Mr. Acharya, it is all about hatred, isn't it? You are a writer of hatred. Looking at your blog, all the hate pieces have most effective language. Unfortunately, you totally fail as a writer to write something good or positive about anything or anyone. Your language skills disappear when you have to appreciate something. If you don't believe me, please read yourself again or ask some wise friends to read it up for you and give suggestions.

    ReplyDelete