Vallabh Bhatt - Bahucharaji |
પ્રથમ લેખ માટે મુરબ્બી શ્રી અચ્યુત યાજ્ઞિકનો અને બીજા લેખ માટે આદરણીય સોનલ શુક્લનો ઋણસ્વીકાર કરું છું.
શક્તિપૂજાની દૃષ્ટિએ, દેવીની ગરબા રૂપે સ્તુતિ કરવાની દૃષ્ટિએ, ભક્તકવિ વલ્લભ-ધોળા સૌથી વધુ વિખ્યાત છે. સત્તરમી સદીની મધ્યમાં આ પરમ ભક્તનો જન્મ દુર્ગાષ્ટમીએ અમદાવાદના નવાપુરામાં થયો. તેઓના જોડકા ભાઈનું નામ ધોળા હતું એટલે વલ્લભ-ધોળા એવી સંજ્ઞા પ્રચલિત થઈ અને બન્ને ભાઈઓનું જોડકુંનામ જ લોકજીભે ચઢી ગયું. આ વલ્લભ ભટ્ટના અનેકાનેક ગરબા લોકપ્રિય બન્યા છે અને છેલ્લાં ત્રણસો વર્ષથી ગુજરાતભરમાં સતત ગવાતા રહ્યા છે. શક્તિને બાળસ્વરૂપે પૂજતા વલ્લભ ભટ્ટે દેવીના સ્થૂળ સ્વરૂપને નહીં પરંતુ સૂક્ષ્મ રૂપને પોતાના ગરબામાં અભિવ્યક્ત કર્ય઼ું છે. તેઓની પ્રસિદ્ધ ગરબી છે:
`પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદરવો,
ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગરવો;
અભિષેક જળતત્ત્વ, ચિતિ શક્તિ સચરાચર,
મા, તુજ અકળ મહત્ત્વ, વ્યાપક કહી સુર મુનિવર.'
કથા એવી છે કે વૈલોચન નામના નાગર વણિકે વલ્લભ ભટ્ટને પૂછ્યું કે અહીં દેવીનું સ્થાનક તો દેખાતું નથી તો તમે કોની સ્તુતિ કરો છો? ઉત્તરમાં વલ્લભે ઉપરની ગરબી સંભળાવી. તેઓનો બીજો પ્રસિદ્ધ ગરબો `આનંદનો ગરબો' તરીકે પેઢીએ પેઢીએ ગવાતો રહ્યો છે અને તેની પંક્તિએ પંક્તિએ ભક્તિનો આવેશ છે, ભાવનું ઊંડાણ છે અને શબ્દોનું લાલિત્ય છે. આ ગરબાની થોડીક પંક્તિઓ અહીં પ્રસ્તુત કરી છે:
`જ્યાં જ્યાં જગતી જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા,
સમવિત ભ્રમવિત ખોઈ, કહી ન શકું કેવી મા.
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા.
અર્થ, ધર્મ ને કામ, મોક્ષ તું મોહ માયા મા,
તમ મનનો વિશ્રામ, ઉર અંદર ધાયા મા.
ઉદે ઉદારણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદેની મા,
હરખ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભક્તિ ચિત્ર તું મા.
ગીત નૃત્ય વાજીંત્ર, તાળ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા.
રતિરસ વિલસ વિલાસ, આશ સકળ જગની મા,
તમ તન મન મધ્ય વાસ, મોહ માયા અગ્નિ મા.'
વલ્લભ ભટ્ટ પછી ચાર દાયકે જન્મેલા બીજા દેવીભક્ત નાથ ભવાનની વિવિધ રચનાઓ લોકકંઠે રમતી રહી છે. ઉત્તર જીવનમાં તેઓઁએ સંન્યાસ લીધો હતો અને `અનુભવાનંદ' નામની અદ્વૈત્તમાર્ગી લેખે પણ પ્રસિદ્ધ હતા. તેઓનો `અંબા આનન'નો ગરબો નાગર જ્ઞાતિમાં પેઢીઓથી ગવાતો આવ્યો છે. જેનું ધ્રુવપદ છે ઃ `અંબા આનનકમળ સોહામણું તેનાં શું કહું વાણી વખાણ રે'.
અંબાજીના સોહામણા આનનકમળ એટલે કે મુખકમળનો મહિમા કરનાર નાથ ભવાન ગરબામાં વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિનું સ્મરણ કરીને કહે છે, `તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે.' ગરબાના અંતની પંક્તિઓમાં નાથ ભવાન સંસારનાં સુખોની યાચના નથી કરતા પરંતુ અંબાજીને વિનવે છે કે દેવીના વાસ્તવ સ્વરૂપને પામવાની શક્તિ તેઓને સાંપડે. અહીં આ ગરબાની કેટલીક પંક્તિઓ ટાંકી છે :
તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે,
કરી વિસર્જનના ક્યાં હું મોકલું, સઘળે તું હું ક્યાં લખું પત્ર રે,
અંબા આનન-સોહામણું.
માજીમાં તત્વ ગુણ ત્રણનું, તું તો વ્યાપી રહી સર્વવાસ રે,
સર્વ ઈદ્રિય ને સર્વ દેવતા, અંતઃકરણમાં તારો નિવાસ રે.
અંબા આનન-સોહામણું.
સ્થૂળ સૂક્ષ્મ સહુનું મૂળ તું, તું તો આદ્ય મધ્ય ને અંત રે,
સ્થાવર જંગમ સચરાચર વિષે, એમ છો પટ માંહે તંતુ રે.
અંબા આનન-સોહામણું.
કોઈ વેળુની કણિકા ગણે, કોઈ સાહી લહે રે નક્ષત્ર રે,
કોઈ ગણી ન શકે ગુણ તાહરા, ગણે સર્વ તરૂનાં પત્ર રે,
અંબા આનન-સોહામણું.
હું તો દીન થઈ અંબાજી વિનવું, આવ્યો શરણે ભવાનીદાસ રે,
જેમ દર્પણ દેખાડે મા અર્કને, એમ હું માંહે તારો આભાસ રે,
અંબા આનન-સોહામણું.
કોઈ માગે રે મા તમ કને, હુંમાં તો નહિ એવડું જ્ઞાન રે,
જેમ તેમ રે જાણો મા પોતા તણો, નામ રાખ્યું તે નાથભવાન રે,
અંબા આનન-સોહામણું.
ગુજરાતના ધાર્મિક ઇતિહાસમાં દેવીભક્તિની દૃષ્ટિએ વલ્લભ ભટ્ટ અને નાથ ભવાન પછી મહત્ત્વનું નામ છે મીઠુ મહારાજનું. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં સંગીતકલા સાથે કાવ્યકલા જોડીને ગુજરાતી તથા સંસ્કૃતમાં વિવિધ પદો મીઠુ મહારાજે રચ્યા છે. શ્રી શંકરાચાર્યની સૌંદર્યલહરીનો શ્રી લહરી નામે સમશ્લોકી અનુવાદ પણ તેઓએ કર્યો તથા શક્તિવિલાસ લહરી નામે તેર ઉલ્લાસમાં સ્વતંત્ર રચના પણ તેઓએ આપી. પોતાને `મુક્તમીઠુ' નામે ઓળખાવતા મીઠુ મહારાજ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને પોતાના ઈષ્ટદેવતા ગણતા હતા. આ અર્ધનારીશ્વર સ્વરૂપ સાંબ સદાશિવ તરીકે પણ ઓળખાય છે અને `સાંબ' એટલે અંબા અથવા માતાના નિત્ય સંબંધવાળું શિવનું સ્વરૂપ. મીઠુ મહારાજે અંતર-રાસ અને બાહ્ય-રાસનો સંયોગ સાધીને રાસમંડળની સ્થાપના કરી હતી જેમાં અનેક સ્ત્રીપુરુષો જોડાયા હતા. રાસમંડળને લીધે દયારામની જેમ તેઓની પણ સતત લોકનિંદા થઈ. મીઠુ મહારાજની રચનાઓમાં સ્તુતિ શક્તિની છે, સદાશિવની કે અર્ધનારીશ્વરની છે પરંતુ પ્રસ્તુતિ રાસ સ્વરૂપે થઈ છે. તેઓની શિષ્યા જનીબાઈને બાદ કરતાં સ્તુતિ માતાની અને પ્રસ્તુતિ રાસ સ્વરૂપે હોય એવી પરંપરા ગુજરાતમાં લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
ગુજરાતની છેલ્લાં ત્રણેક હજાર વર્ષોની સંઘનૃત કે સમૂહનૃત્યની સળંગ પરંપરાનું સ્મરણ કરીએ તો તેને હલ્લીસક, રાસક અને ગરબો એમ ત્રણ પ્રકાર પાડીને સમજી શકીએ. હલ્લીસક એ પુરુષોનું જોમભર્ય઼ું સંઘનૃત્ય હશે એવું કહી શકાય. રાસ કે રાસકનો પ્રકાર મુખ્યત્વે યુગલોના સંઘનૃત્ય સ્વરૂપે વિકસિત થયો છે જ્યારે ગરબામાં કેદ્રસ્થાને નારી રહી છે તથા તેમાં મૂળભૂત રીતે પ્રાચીન ધર્મપરંપરાનું સાતત્ય સચવાયું છે. હલ્લીસક સમૂહનૃત્ય હવે ઇતિહાસનો ભાગ બની ગયું પરંતુ રાસ અને ગરબા એકબીજા સાથે ભાતભાતના સંયોજન સાધીને ગુજરાતની અનેરી અભિવ્યક્તિ બની રહ્યાં છે. આશા છે નારીને કેદ્રમાં રાખીને થતું સંઘનૃત્ય અર્થાત્ ગરબો ગુજરાતના ઉલ્લાસ અને આનંદને, અભીપ્સા અને આકાંક્ષાને સદા પ્રગટાવતો રહેશે.
======================================
ગુજરાતી ગરબાની દોઢસો વર્ષની દાસ્તાન
ગુજરાતીઓના છેલ્લાં દોઢસો વર્ષના ઇતિહાસમાં ગરબાએ ઘણા આરોહઅવરોહ લીધા છે. ઘરઆંગણ, ચોક અને શેરી છોડીને એ શિક્ષિત મધ્યમવર્ગી બહેનોનાં મંડળોમાં સ્ટેજ પર ચડેલો, ત્યાંથી ઊતરીને એ હવે વીસ-પચ્ચીસ વર્ષથી આવરણથી ઢાંકી દેવાયેલાં ખુલ્લાં મેદાનોમાં વેપારી ધોરણે ઊતરી આવ્યો છે.
એકવીસમી સદીમાં લાગે છે કે વધુ ને વધુ પાશ્ચાત્ય બનેલા ઉપલા વર્ગમાં તે આઉટ ઓફ ફેશન થઈ જશે. બાકીના વર્ગ એનું અનુકરણ કરશે? કદાચ. ગરબો સજીવન રહી અવનવા રૂપે આવતો રહેશે? કદાચ. સાચો જવાબ તો માતાજી ખુદ આપે તો ખબર પડે!
ગરબા પુરુષ અને સ્ત્રી બન્ને કરતાં આવ્યાં છે, પણ તે સાથે સાથે નહીં. કૃષ્ણ અને ગોપીઓના રાસની કલ્પના શાળાના કાર્યક્રમોમાં સમૂર્ત થઈ હતી તેવી સમાજમાં નહોતી થઈ. લાજઘૂમટામાં રહેતી ગુજરાતણો પુરુષો જોડે જાહેરમાં નાચવા ક્યાંથી નીકળે? પુરુષોના પ્રભાવશાળી ઠેકા જોડેના જોરદાર ગરબાને ગરબી શા માટે કહેતા હશે? ગરબી સિવાયના ગરબાઓ પણ ઘણી કોમના પુરુષો પરંપરાગત રીતે આજે પણ કરે છે.
સ્ત્રીઓના ગરબા એ તેમની પોતાની space છે, પોતાનો અવકાશ છે. અહીં કોઈ પુરુષોની હાજરી ન હોય. હોય તો તે માત્ર એક ઢોલીડો. ઢોલ-શરણાઈમાં મોટે ભાગે ઢોલી હરિજન રહેતો અને શરણાઈવાળો મુસલમાન, જે આપણને જૂના સમાજમાં રીતિ અને ધર્મના ભેદ છતાં પરસ્પર વચ્ચે એક પ્રકારની નજીકતા હતી તે દર્શાવે છે. અહીં આ અવકાશમાં, પોતાની મોકળાશમાં સ્ત્રીઓએ પોતાની સર્જનશીલતા ખીલતી જોઈ. અહીં એમણે પોતાની માતામહીઓએ રચેલાં ગીતો ગાયાં, ગાતાં ગાતાં નવી રચનાઓ કરી.
ખાયણાં ગીતો અને દળણાં ગીતોમાં સ્ત્રીઓએ પોતાની આપવીતી ગાઈ છે. ગરબામાં એમણે સુખદુઃખ બંને ગાયાં છે, આનંદ માણ્યો છે, મજાક કરી છે અને રોમાન્સ વર્ણવ્યો છે, ક્યારેક સીધો અને મોટે ભાગે શ્રીકૃષ્ણને નામે. માતાજી પાસે એમણે ફરિયાદો કરી છે, ખોળા પાથર્યા છે અને સ્તુતિઓ કરી છે. ગરબા સ્ત્રીએ દેવી, સખી, બહેની કે માને ઉદ્શીને ગાયેલા છે. ક્યારેક એ પોતાની ફેન્ટસી પણ વર્ણવે છે:
હું ને બાઈજી લડી પડયાં રે સંગલાલ ,
આવ્યાં ઢીંકોઢીંક મોરી સંગલાલ.
બાઈજીએ લીધો ધોકો મોરી સંગલાલ,
મેં લીધી'તી ઈસ મોરી સંગલાલ.
બાઈજીનો ધોકો તૂટી ગયો રે સંગલાલ,
ઈસ પડાવે ચીસ મોરી સંગલાલ.
ખાટલાની ઈસ જોડે ચીસનો પ્રાસ બેસાડી આ સ્ત્રી પોતાના હૈયાને હળવું કરે છે. આનાથી વધુ લોકપ્રિય ગરબો, અલબત્ત, `મેંદી લેશું' વાળો છે જેની પંક્તિઓ તો કહેવતની જેમ વપરાય છે:
મારી સાસુએ એમ કહ્યું કે ક઼્હોડમાં દીવો મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ,
સાસુની સોડમાં દીવો મેલ,
સહિયર મેંદી લેશું રે.
આ જે જમાનાનો ગરબો છે તે સમયે સાસુ ત્રીસ-ચાલીસની વયે સોળે કળાએ ખીલેલી હોય અને વહુ હજી સોળની પણ ન થઈ હોય એ સામાન્ય હતું. આવાં ગીતો સ્ત્રીઓનાં યુથ સોંગ જેવાં હશે કારણ કે ટીનએજ વહુઓ ગાતી હશે એવી કલ્પના કરી શકાય.
ખુલ્લેખુલ્લાં હાંસી ન ઉડાવવી હોય તો પોતાની વાત છાનીછપની કહી દેવામાં સત્તાહીન વર્ગ સર્જનશીલ હોય છે. વર્ષો સુધી પાઠયપુસ્તકોમાં મુકાયેલો સંયુક્ત કુટુંબની સફળતાનો સ્ત્રીની નજરે રચાયેલો ગરબો જોઈએ ઃ
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદીઓ રે સાહેલી મારા સપનામાં.
ડોલતો ડુંગર એ તો અમારા સસરા જો,
ખળખળતી નદીયુંમાં સાસુજી મારાં નાહતાં'તાં.
આગળ ગરબામાં ફૂલની વાડી વગેરે આવે છે. સુગંધી વાડી એ નણદલ નાની ને વાડીનો વાંદરો તે નણદોઈ કહેવાયો છે. દિયર, નણદોઈ વગેરે પુરુષો જોડે પરિવારમાં હસીમજાક થઈ શકતી. પરંતુ મૂળ પંક્તિઓ જ બીજી વાર જોઈએ તો મેસેજ છતો થઈ જાય છે. રચનાર સ્ત્રીનું આ તો સપનું છે, વાસ્તવિકતા નથી. ખરેખર તો પિતૃસત્તાના કાળમીંઢ ખડક જેવો સસરો છે અને ખાબોચિયા જેવી બંધિયાર માનસિકતા જેવી સાસુ છે. એથી જ તો કલ્પનાતરંગમાં રાહત મેળવી સપનાને નામે સહિયરને વાત કહેવાય છે. સપનું છે કે ડુંગર પણ ડોલે અને ભરાઈ રહેલાં પાણી ખળખળ થઈને વહે.
આમ તો મોટા ભાગના ગરબા કે બીજાં લોકગીતોમાં ત્રણ પ્રકારની યાદીઓ આવતી હોય છે. એક યાદી હોય છે ઘરેણાંની. `કાને તે કુંડળ શોભતાં...' વગેરે. બીજામાં છે સગાં-વહાલાંનું લિસ્ટ. `સાયબા મારે સસરા ખરા પણ વેગળા, જેઠ ખરા પણ...' ત્રીજી યાદી હોય લોજિંગ-બોર્ડિંગની યાને કે `દાતણ દેશું દાડમી... ભોજન દેશું લાપશી...' વગેરે વગેરે. આમાંથી છટકીને કોઈક ગરબા કોઈ સ્ત્રીની રામકહાણી કહી જાય છે, જોકે એને કહેવી જ હોય તો સીતાકહાણી કહેવી વધુ યોગ્ય ગણાય.
`વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ' આવી કથા છે. આ ગરબો અગાઉ ઘરનાં મોટેરાં ગાવાની ના પાડતાં અને સ્ત્રીઓએ ગણગણીને કે જાહેરમાં ગાઈને જાળવી રાખેલો. `ગામમાં સાસરું ને ગામમાં પિયરિયું લોલ'થી શરૂ થતા આ ગરબામાં ખોટી મોટાઈ, પરિવારમાં સંબંધોની પગથિયાંવારી અને સ્ત્રીહત્યાની વાત ગૂંથાઈને સચવાઈ છે. આખી ને આખી કથા માત્ર સ્ત્રીઓની જીભે અને હૈયામાં જળવાઈ છે.
સ્ત્રી સહિતની ગરીબ અને નિરક્ષર પ્રજાની કૃતિઓ અનામી રહે છે. આ અનામીપણું ક્યારેક એમની ઢાલ પણ બની જાય છે. કઈ પંક્તિ ક્યારે કોણે ગાઈ, કોણે ઝીલી અને કોણે એમાં કેવી રીતે ઉમેરો કર્યો તે ખબર ન પડે તો જ સ્ત્રીઓની વાચા સુરક્ષિત રહે. સામૂહિક ગરબાઓએ એમને વાચા પ્રગટ કરવાનો આવો મોકો આપ્યો.
સ્ત્રીશ્રમની વાતો ઘણા ગરબામાં ગૂંથાયેલી છે. `ઊંચે તે ટીંબે બેની મારાં ખોરડાં' જેવા ગરબામાં પાણી ભરવાની જહેમતનો ખ્યાલ આવે છે. આજે પણ ગુજરાતમાં જુઓ કે અફ્રિકામાં, પાણી લેવા ભરદુકાળમાં સ્ત્રીઓએ જવું પડે છે, જાણે કે માત્ર સ્ત્રીઓ જ પાણી પીતી હોય.
`માતૃવંદના'માં ઉમાશંકર જોષીએ લખ્યું છે કે એમની માતાએ ખૂબ ઢસરડા તો કરવા પડે પણ ઊંચાણ પર આવેલા એમના ઉત્તર ગુજરાતના ગામના ઘરેથી દૂર કૂવે જઈને મા પાણી ભરી લાવે અને સૌ ઘેરબેઠાં નહાય. દળણાં અને પાણીનાં બધાં કામ નાની વહુવારુએ કરવાં પડતાં હોય તેનાં દુઃખ પણ ગવાયાં છે પણ ઘરકામનો શ્રમ અને કામદારનો શ્રમ જુદાં છે.
જાતમહેનતે પેટિયું રળી લેતી એક ભૂમિહીન ખેડૂત મહિલાનો ગરબો જાણે કે કોઈ ક્રાંતિકારી સ્ત્રીની પૂર્વજે ગાયો હોય તેવો લાગે. આ ગરબામાં પ્રસંગકથા તો છે જ, પણ પોતાના પતિ સાથેની સામસામી પણ છે. સામાન્ય રીતે જૂનવાણી ઉપલા સમાજના સંયુક્ત કુટુંબમાં પતિની સ્થિતિ પણ ઝાઝી તાકાતવાન હોતી નથી. મોટાં સામે એને મૂંગા રહેવાનું હોય. `પરણ્યો' તો સ્ત્રીનો પ્રેમી છે. નાનકડી વયે પરણેલાં સ્ત્રી-પુરુષ જુવાનીમાં ખાલી રાતે જ એકલાં મળે છે. કામદાર સ્ત્રીનું એવું નથી. એ સાથોસાથ કામે જાય છે, અને ક્યારેક ગાય છે:
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ,
સવા બશેરનું મારું દાતરડું લોલ
ઘડયું ઓલ્યા લાલિયે લુહાર મુંજા વ઼્હાલમજી લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ.
પારકાના ખેતરમાં એ મજૂરી કરે છે. કાપણીના સમયે દહડિયા મજૂરો રોકડા પૈસા અને અનાજમાં કમાણી કરે. અહીં વર આળસુ, નબળો, તોછડો અને બિનજવાબદાર છે. કામદાર સ્ત્રી કહે છે:
પરણ્યો વાઢે છે પાંચ પૂળલા રે લોલ
હું રે વાઢું છું દસવીસ-મુંજા વ઼્હાલમજી લોલ
પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ
હું રે લાવું છું રૂપિયો દોઢ - મુંજા...
છેલ્લે, મળેલા ઘઉંનો ભારો એ પતિને માથે ચડાવે છે પણ પેલો ચાલ્યો જાય છે અને આ એકલી ગામને સીમાડે વગડા પાસે ઊભી છે. એક વટેમાર્ગુ એનો ભારો ચડાવે છે જેને પોતાનો વીર ગણી એ ઘરે લાપશી કરી જમાડે છે.
કથા કાલ્પનિક હોય તો પણ તરંગી નથી. આર્થિક સ્વતંત્રતા કાયમ સ્ત્રીમુક્તિ આણતી નથી પણ એ દિશામાં ડગલું ભરવા થોડુંક બળ જરૂર આપે છે. પોતાના જ પતિ વિશે જાહેરમાં આવું ગાયન ગાનાર ભારતીય નારીએ કેટલી વીસે સો થઈ હશે કે એણે આ વાત કરવા જબાન ખોલી?
=========================
આનંદનો ગરબો
આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧
અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા,
છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨
છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તારો મા,
બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા. ૩
બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા. ૩
તોતળા મુખ તન્ન, તો તો તોય કહે મા,
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા ૪
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા ૪
નહીં સવ્ય અપસવ્ય, કંઇ કોઇ જાણું મા,
કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫
કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫
કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,
મૂરખમાં અણમોલ, રસ રટવા વિચર્યો મા ૬
મૂરખમાં અણમોલ, રસ રટવા વિચર્યો મા ૬
મૂઢ પ્રમાણે મતિ, મન મિથ્યા માપી મા,
કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭
કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭
પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા,
પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા ૮
પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા ૮
અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯
રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો મા,
ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦
ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦
માર્કંડ મુનિરાય મુખ , માહાત્મય તુજ ભાખ્યું મા,
જૈમિની ઋષિ જેવાય, ઉર અંતરે રાખ્યું મા. ૧૧
જૈમિની ઋષિ જેવાય, ઉર અંતરે રાખ્યું મા. ૧૧
અણગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા,
માત જાગતી જ્યોત, ઝળહળતો પારો મા. ૧૨
માત જાગતી જ્યોત, ઝળહળતો પારો મા. ૧૨
જણ તૃણવત ગુણનાથ, કહું ઉંડળ ગુંડળ મા,
ભરવા બુદ્ધિ બે હાથ, ઓધામાં ઉંડળ મા. ૧૩
ભરવા બુદ્ધિ બે હાથ, ઓધામાં ઉંડળ મા. ૧૩
પાઘ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા,
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડું મા. ૧૪
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડું મા. ૧૪
આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા,
તુજથી અવર અનેક, વિસ્તરતાં જાણી મા. ૧૫
તુજથી અવર અનેક, વિસ્તરતાં જાણી મા. ૧૫
શક્તિ સૃજવા સૂષ્ટી, સહજ સ્વભાવ સ્વકલ્પે મા,
કિંચિત્ કરુણા દષ્ટ, કૃત કૃત કોટી કલ્પ મા. ૧૬
કિંચિત્ કરુણા દષ્ટ, કૃત કૃત કોટી કલ્પ મા. ૧૬
માતંગી મન મુક્ત, રમવા કીધું મન મા,
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન મા. ૧૭
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન મા. ૧૭
નીર ગગન ભૂ તેજ, સેજ કરી નીર્મ્યાં મા,
મારુત વસ જે છે જ, ભાંડ કરી ભરમ્યા મા. ૧૮
મારુત વસ જે છે જ, ભાંડ કરી ભરમ્યા મા. ૧૮
તત્ક્ષણ તનથી દેહ, ત્રણ કરી પેદા મા,
ભવકૃત કર્તા જેહ, સૃજે પાળે છેદા મા. ૧૯
ભવકૃત કર્તા જેહ, સૃજે પાળે છેદા મા. ૧૯
પ્રથમ કર્યો ઉચ્ચાર, વેદ ચાર વાયક મા,
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાય મા. ૨૦
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાય મા. ૨૦
પ્રગટી પંચ મહાભૂત, અવર સર્વ જે કો મા,
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિણ નહીં કો મા. ૨૧
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિણ નહીં કો મા. ૨૧
મૂળ મહીં મંડાણ, મહા માહેશ્વરી મા,
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. ૨૨
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. ૨૨
જળમધ્યે જળશાયી, પોઢયા જગજીવન મા,
બેઠાં અંતરીક્ષ આઇ, ખોળે રાખી તન મા. ૨૩
બેઠાં અંતરીક્ષ આઇ, ખોળે રાખી તન મા. ૨૩
વ્યોમ વિમાનની વાટ, ઠાઠ ઠઠયો આછો મા,
ઘટઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા. ૨૪
ઘટઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા. ૨૪
જન્મ જન્મ અવતાર, આકાશે આણી મા,
ર્નિમિત હિત કરનાર, નખશિખ નારાયણી મા. ૨૫
ર્નિમિત હિત કરનાર, નખશિખ નારાયણી મા. ૨૫
પન્નગને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા,
જુગ જુગ માંહિ ઝંખી, રૃપે રૃદ્રાણી મા. ૨૬
જુગ જુગ માંહિ ઝંખી, રૃપે રૃદ્રાણી મા. ૨૬
ચક્ષુ મધ્ય ચૈતન્ય વચ્ચે આસન ટીકી મા,
જણાવવા જનય મન્ય, મધ્યે માતા કીકી મા. ૨૭
જણાવવા જનય મન્ય, મધ્યે માતા કીકી મા. ૨૭
અણૂચર તૃણચર વાયુ, ચર વારિ ચરતા મા,
ઉદર ઉદર ભરી આયુ, તું ભવાની ભર્તા મા. ૨૮
ઉદર ઉદર ભરી આયુ, તું ભવાની ભર્તા મા. ૨૮
રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા,
ત્રિભુવન તારણ તત્ત્વ, જગત તણી જાતા મા. ૨૯
ત્રિભુવન તારણ તત્ત્વ, જગત તણી જાતા મા. ૨૯
જ્યાં જયમ ત્યાં ત્યમ રૃપ, તેજ ધર્યું સઘળે મા,
કોટી કરે જય ઘૂપ, કોઇ તુજને ન કળે મા. ૩૦
કોટી કરે જય ઘૂપ, કોઇ તુજને ન કળે મા. ૩૦
મેરુ શિખર મહીં માંહી, ધોળગઢ પાસે મા,
બાળી બહુચર માય, આદ્ય વસે વાસો મા. ૩૧
બાળી બહુચર માય, આદ્ય વસે વાસો મા. ૩૧
ન લહે બ્રહ્મા ભેદ, ગુહ્ય ગતિ તાહરી મા,
વાણી વખાણે વેદ, શી મતિ મહારી મા. ૩૨
વાણી વખાણે વેદ, શી મતિ મહારી મા. ૩૨
વિષ્ણુ વિમાસી મન્ય, ધન્ય જ ઉચ્ચરિયા મા,
અવર ન તુમથી અન્ય, બાળી બહુચરિયા મા. ૩૩
અવર ન તુમથી અન્ય, બાળી બહુચરિયા મા. ૩૩
માને મન માહેશ, માત મયા કીધે મા,
જાણે સુરપતિ શેષ, સહુ તારે લીધે મા. ૩૪
જાણે સુરપતિ શેષ, સહુ તારે લીધે મા. ૩૪
સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા,
નામ ધર્યું નાગેશ, કીર્તિ જ તો વાધી મા. ૩૫
નામ ધર્યું નાગેશ, કીર્તિ જ તો વાધી મા. ૩૫
મચ્છ કચ્છ વારાહ, નૃસિંહ વામન થઇ મા,
અવતારો તારાહ તે, તુજ મહાત્મ્ય મ્હી મા. ૩૬
અવતારો તારાહ તે, તુજ મહાત્મ્ય મ્હી મા. ૩૬
પરશુરામ શ્રીરામ રામ, બની બળ જેહ મા,
બુદ્ધ કલંકી નામ, દશ વિધ ધારી દેહ મા. ૩૭
બુદ્ધ કલંકી નામ, દશ વિધ ધારી દેહ મા. ૩૭
મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યુ મા,
તેં નાખી મોહજાળ, કોઇ બીજું નહોતું મા. ૩૮
તેં નાખી મોહજાળ, કોઇ બીજું નહોતું મા. ૩૮
કૃષ્ણ કૃષ્ણ અવતાર, કલી કારણ કીધું મા,
ભક્તિ મુક્તિ દાતાર, થઇ દર્શન દીધું મા. ૩૯
ભક્તિ મુક્તિ દાતાર, થઇ દર્શન દીધું મા. ૩૯
વ્યંઢળને વળી નાર, પુરુષપણે રાખ્યાં મા,
એ અચરજ સંસાર, શ્રુતિ સ્મૃતિએ ભાખ્યા મા. ૪૦
એ અચરજ સંસાર, શ્રુતિ સ્મૃતિએ ભાખ્યા મા. ૪૦
જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા,
મા મોટે મહિમાય, ઇન્દ્ર કથે યુક્તિ મા. ૪૧
મા મોટે મહિમાય, ઇન્દ્ર કથે યુક્તિ મા. ૪૧
મ્હેરામણ મથી મેર, કીધો રવૈયો સ્થિર મા,
કાઢયાં રત્ન એક તેર, વાસુકિના નેતર મા. ૪૨
કાઢયાં રત્ન એક તેર, વાસુકિના નેતર મા. ૪૨
સુર સંકટ હરનાર, સેવકના સન્મુખ મા,
અવિગત અગમઅપાર, આનંદો દધિ સુખ મા. ૪૩
અવિગત અગમઅપાર, આનંદો દધિ સુખ મા. ૪૩
સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધે મા,
આરાધી નવનાથ, ચોરાસી સિદ્ધે મા. ૪૪
આરાધી નવનાથ, ચોરાસી સિદ્ધે મા. ૪૪
આવી અયોધ્યા ઇશ, નામી શિશ વળ્યાં મા,
દશ મસ્તક ભુજ વીસ, છેદી સીતા મળ્યા મા. ૪૫
દશ મસ્તક ભુજ વીસ, છેદી સીતા મળ્યા મા. ૪૫
નૃપ ભીમકની કુમારી તમ પૂજ્યે પામી મા,
રૃક્ષ્મણી રમણ મુરારી મન માન્યો સ્વામી મા. ૪૬
રૃક્ષ્મણી રમણ મુરારી મન માન્યો સ્વામી મા. ૪૬
રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા,
સંવત્સર એક બાર, વામ્યા તમ અંગે મા. ૪૭
સંવત્સર એક બાર, વામ્યા તમ અંગે મા. ૪૭
બાંધ્યો તન પ્રધુમન, છૂટે નહીં કેથી મા,
સ્મરી પૂરી સનખલ, ગયો કારાગ્રહથી મા. ૪૮
સ્મરી પૂરી સનખલ, ગયો કારાગ્રહથી મા. ૪૮
વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાખી મા,
શક્તિ સૃષ્ટિ મંડાણ, સર્વ રહ્યા રાખી મા. ૪૯
શક્તિ સૃષ્ટિ મંડાણ, સર્વ રહ્યા રાખી મા. ૪૯
જ્યાં જ્યાં જુગતે જોઇ, ત્યાં ત્યાં તુ તેવી મા,
પ્રેમ વિભ્રમ મતિ ખોઇ, કહી ન શકું કેવી મા. ૫૦
પ્રેમ વિભ્રમ મતિ ખોઇ, કહી ન શકું કેવી મા. ૫૦
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતી તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા. ૫૧
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા. ૫૧
તિમિર હરણ શશીસૂર, તે તારો ધોખો મા,
અમી અગ્નિ ભરપૂર, થઇ પોખો શોખો મા. ૫૨
અમી અગ્નિ ભરપૂર, થઇ પોખો શોખો મા. ૫૨
ષટ ઋતુ ષટ માસ, દ્વાદશ પ્રતિબન્ધે મા,
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસન્ધે મા. ૫૩
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસન્ધે મા. ૫૩
ધરતી તળ ધન ધાન્ય, ધ્યાન ધર્યે નાવો મા,
પ્રજા પાલન પ્રજન્ય, અણચિંતવ્યા આવો મા. ૫૪
પ્રજા પાલન પ્રજન્ય, અણચિંતવ્યા આવો મા. ૫૪
સકલ સિદ્ધિ સુખદાયી, પયદયી ધૃત માંહી મા,
સર્વે રસ સરસાઇ, તુજ વિણ નહીં કાંઇ મા. ૫૫
સર્વે રસ સરસાઇ, તુજ વિણ નહીં કાંઇ મા. ૫૫
સુખ દુખ બે સંસાર, તારા નિપજાવ્યા મા,
બુદ્ધિ બળ ને બલિહાર, ઘણું ડાહ્યા વાહ્યા મા. ૫૬
બુદ્ધિ બળ ને બલિહાર, ઘણું ડાહ્યા વાહ્યા મા. ૫૬
ક્ષુધા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃદ્ધા મા,
શાંતિ શૌર્ય ક્ષમાય, તું સઘળે શ્રદ્ધા મા. ૫૭
શાંતિ શૌર્ય ક્ષમાય, તું સઘળે શ્રદ્ધા મા. ૫૭
કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર મમતા મા,
તૃષ્ણા સ્થિરતા ક્ષોભ, શર્મ ધૈર્ય સમતા મા. ૫૮
તૃષ્ણા સ્થિરતા ક્ષોભ, શર્મ ધૈર્ય સમતા મા. ૫૮
ધર્મ અર્થ ને કામ, મોક્ષ તું મંમાયા મા,
વિશ્વ તણો વિશ્રામ, ઉર અંતર છાયા માં. ૫૯
વિશ્વ તણો વિશ્રામ, ઉર અંતર છાયા માં. ૫૯
ઉદય ઉદાહરણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાગ વિવાદેની મા. ૬૦
ભાષા ભૂર સમસ્ત, વાગ વિવાદેની મા. ૬૦
હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિદ તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભ્રાંતિ ભલી ચિત્ત તું મા. ૬૧
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભ્રાંતિ ભલી ચિત્ત તું મા. ૬૧
ગીત નૃત્ય વાજીંત્ર, તાલ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા. ૬૨
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા. ૬૨
રતિ રસ વિવિધ વિલાસ, આશ સક્લ જગની મા,
તન મન વધ્યે વાસ, મોહ માયા મંગની મા. ૬૩
તન મન વધ્યે વાસ, મોહ માયા મંગની મા. ૬૩
જાણે અજાણે જગત, બે બધાં જાણે મા,
જીવ સકળ આસક્ત, સહુ સરખા માણે મા. ૬૪
જીવ સકળ આસક્ત, સહુ સરખા માણે મા. ૬૪
વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યુ ચાખ્યું મા,
ગરથ સુરત નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા. ૬૫
ગરથ સુરત નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા. ૬૫
જડ, થડ, શાખ, પત્ર, ફૂળ ફલે ફરતી મા,
પરમાણુ એકત્ર, રસ બસ વિયરતી મા. ૬૬
પરમાણુ એકત્ર, રસ બસ વિયરતી મા. ૬૬
નિપટ અટપટી વાત, નામ કહું કોનું મા,
સરજી સાતે ઘાત, માત અધિક સોનું મા. ૬૭
સરજી સાતે ઘાત, માત અધિક સોનું મા. ૬૭
રત્ન, મણિ માણિક્ય, નંગ મંગીયા મુક્તા મા,
આભા અટળ અધિક, અન્ય ન સંયુક્તા મા. ૬૮
આભા અટળ અધિક, અન્ય ન સંયુક્તા મા. ૬૮
નીલ પીત, આરક્ત, શ્યામ શ્વેત સરખી મા,
ઉભય વ્યક્ત અવ્યક્ત, આદ્ય જગત જને નિરખી મા. ૬૯
ઉભય વ્યક્ત અવ્યક્ત, આદ્ય જગત જને નિરખી મા. ૬૯
નગ જે અધિકુળ આઠ, હિમાચલ આદ્યે મા,
પવન ગગન ઠઠી ઠાઠ, તુજ રચિતા બાંધે મા. ૭૦
પવન ગગન ઠઠી ઠાઠ, તુજ રચિતા બાંધે મા. ૭૦
વાપી કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા,
જળ તારણ જયમ નાવ, ત્યમ તારણ ભવ બંધુ મા. ૭૧
જળ તારણ જયમ નાવ, ત્યમ તારણ ભવ બંધુ મા. ૭૧
વૃક્ષ વન ભાર અઢાર, ભૂ ઉપર ઊભા મા,
કૃત્ય કમ કરનાર, કોશ વિધાં કુંભા મા. ૭૨
કૃત્ય કમ કરનાર, કોશ વિધાં કુંભા મા. ૭૨
જડ ચેતન તું અભિધાન અંશ અંશધારી મા,
માનવી માટે માન, એ કરણી તારી મા. ૭૩
માનવી માટે માન, એ કરણી તારી મા. ૭૩
વર્ણ ચાર વિધિ કર્મ ધર્મ સહિત સ્થાપી મા,
બેને બાર અપર્મ અનુચર વર આપી મા. ૭૪
બેને બાર અપર્મ અનુચર વર આપી મા. ૭૪
વાડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે મા,
તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા. ૭૫
તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા. ૭૫
લખ ચોરાસી જંત, સહુ ત્હારા કીધા મા,
આણી અસુરનો અંત, દણ્ડ ભલા દીધા મા. ૭૬
આણી અસુરનો અંત, દણ્ડ ભલા દીધા મા. ૭૬
દુષ્ટ દમ્યા કંઈ વાર, દારૃણ દુઃખ દેતા મા,
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞો લેતા મા. ૭૭
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞો લેતા મા. ૭૭
શુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુલ લીધું મા,
ભૂમિ તણો શિરભાર, હરવા મન કીધું મા. ૭૮
ભૂમિ તણો શિરભાર, હરવા મન કીધું મા. ૭૮
બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા,
સંત ચરણ ભવપાર, સાધ્ય કરે સાહવા મા. ૭૯
સંત ચરણ ભવપાર, સાધ્ય કરે સાહવા મા. ૭૯
અધમ ઉદ્ધારણ હાર, આસનથી ઊઠી મા,
રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી બેઠી મા. ૮૦
રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી બેઠી મા. ૮૦
આણી મન આનંદ, મહી માંડયા પગલાં મા,
તેજ કિરણ રવિચંદ, દે નાના ડગલાં મા. ૮૧
તેજ કિરણ રવિચંદ, દે નાના ડગલાં મા. ૮૧
ભર્યા કદમ બે ચાર, મદમાતી મદભર મા,
મનમાં કરી વિચાર, તેડાવ્યો અનુચર મા. ૮૨
મનમાં કરી વિચાર, તેડાવ્યો અનુચર મા. ૮૨
કુરકુટ કરી આરોહ, કરુણાકર ચાલી મા,
નખ, પંખી મેદયોહ, પગ પૃથ્વી હાલી મા. ૮૩
નખ, પંખી મેદયોહ, પગ પૃથ્વી હાલી મા. ૮૩
ઊડીને આકાશ, થઈ અદ્ભુત આવ્યો મા,
અધક્ષણમાં એક શ્વાસ અવનિતળ લાવ્યો મા. ૮૪
અધક્ષણમાં એક શ્વાસ અવનિતળ લાવ્યો મા. ૮૪
પાપી કરણ નીપાત, પૃથ્વી પડ માંહી મા,
ગોઠયું મન ગુજરાત, ભીલાંભડ સાહી મા. ૮૫
ગોઠયું મન ગુજરાત, ભીલાંભડ સાહી મા. ૮૫
ભોળી ભવાની માય, ભાવ ભલે ભાળે મા,
કીધી ધણી કૃપાય, ચુંવાળે આળે મા. ૮૬
કીધી ધણી કૃપાય, ચુંવાળે આળે મા. ૮૬
નવખંડ ન્યાળી નેટ, નજર વજર પેઢી મા,
ત્રણ ગામ ને ત્રણ તરભેટ, ઠેર ઠરી બેઠી મા. ૮૭
ત્રણ ગામ ને ત્રણ તરભેટ, ઠેર ઠરી બેઠી મા. ૮૭
સેવક સારણ કાજ, સંખલપુર સેડે મા,
ઊઠયો એક અવાજ, દેડાણા નેડે મા. ૮૮
ઊઠયો એક અવાજ, દેડાણા નેડે મા. ૮૮
આવ્યા શર્ણં અશર્ણ, અતિ આનંદ ભર્યો મા,
ઉદિત મુદિતા રવિકિર્ણ, દસદિશ જસ પ્રસર્યો મા. ૮૯
ઉદિત મુદિતા રવિકિર્ણ, દસદિશ જસ પ્રસર્યો મા. ૮૯
સકલ સમય જગમાત, બેઠા ચિત સ્થિર થઈ મા,
વસુધામાં વિખ્યાત, વાતવાયુ વિધિ ગઈ મા. ૯૦
વસુધામાં વિખ્યાત, વાતવાયુ વિધિ ગઈ મા. ૯૦
જાણે સહુ જગ જોર, જગજનની જોખે મા,
અધિક ઉડાડયો શોર, વાસ કરી ગોખે મા. ૯૧
અધિક ઉડાડયો શોર, વાસ કરી ગોખે મા. ૯૧
ચાર ખૂટ ચોખાણ, ચર્ચાએ ચાલી મા,
જનજન પ્રતિ મુખવાણ, બહુચર બિરદવાળી મા. ૯૨
જનજન પ્રતિ મુખવાણ, બહુચર બિરદવાળી મા. ૯૨
ઉદો ઉદો જયકાર, કીધો નવખંડે મા,
મંગળ વર્ત્યાં કરે ચાર, ચઉદે બ્રહ્માંડે મા. ૯૩
મંગળ વર્ત્યાં કરે ચાર, ચઉદે બ્રહ્માંડે મા. ૯૩
ગાજ્યા સાગર સાત દૂધે મેઘ ઊઠયા મા,
અધમ અધર ઉત્પાત, સહુ કીધા જૂઠા મા. ૯૪
અધમ અધર ઉત્પાત, સહુ કીધા જૂઠા મા. ૯૪
હર્યા સુરનર નાગ, મુખ જોઈ ‘મા’ નું મા,
અવલોકી અનુરાગ મુનિવર સરખાનું મા. ૯૫
અવલોકી અનુરાગ મુનિવર સરખાનું મા. ૯૫
નવગ્રહ નમવા કાજ, પાગ પાળી આવ્યા મા,
ઉપર ઉઘરાણ કાજ, મણિમુક્તા લાવ્યા મા. ૯૬
ઉપર ઉઘરાણ કાજ, મણિમુક્તા લાવ્યા મા. ૯૬
દશ દિશના દિક્પાલ દેખી દુઃખ પામ્યા મા,
જન્મ મરણ જંજાળ, મટતા સુખ પામ્યા મા. ૯૭
જન્મ મરણ જંજાળ, મટતા સુખ પામ્યા મા. ૯૭
ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા મા,
સુર સ્વર સુણતા કાન, ગતિ થઈ ગઈ સ્થંભા મા. ૯૮
સુર સ્વર સુણતા કાન, ગતિ થઈ ગઈ સ્થંભા મા. ૯૮
ગુણનિધિ ગરબો જેહ, બહુચર તુમ કેરો મા,
ધારે ધારી દેહ, સફળ ફળે કરે ફેરો મા. ૯૯
ધારે ધારી દેહ, સફળ ફળે કરે ફેરો મા. ૯૯
પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતા મા,
નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતા મા. ૧૦૦
નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતા મા. ૧૦૦
શસ્ત્ર ન અઢકે અંગ, આદ્ય શક્તિ રાખે મા,
નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા. ૧૦૧
નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા. ૧૦૧
જળ જે અકળ અઘાત, ઉતારે બેડે મા,
ક્ષણ ક્ષણ નિશદિન માત, ભવસંકટ ફેડે મા. ૧૦૨
ક્ષણ ક્ષણ નિશદિન માત, ભવસંકટ ફેડે મા. ૧૦૨
ભૂત પ્રેત જાંબુક વ્યંતરી હાકિની ડાકીણી મા,
ના વે આડી અચૂક, સમર્યાં શક્તિની મા. ૧૦૩
ના વે આડી અચૂક, સમર્યાં શક્તિની મા. ૧૦૩
ચરણ કરણ ગતિ ભંગ ખંગ પંગ વાળે મા,
ગુંગ મુંગ મુખ અંગ વ્યાધિ બધી ઢાળે મા. ૧૦૪
ગુંગ મુંગ મુખ અંગ વ્યાધિ બધી ઢાળે મા. ૧૦૪
નેણ વિહોણાને, નેહે નેણ આપે, મા,
પુત્ર વિહોણાને, કોણે કંઈ મેણા તું કાપે મા. ૧૦૫
પુત્ર વિહોણાને, કોણે કંઈ મેણા તું કાપે મા. ૧૦૫
કલિ કલ્પતરુ ઝાડ, જે જાણે તેને મા,
ભક્ત લડાવે લાડ, પાડ વિના કેને મા. ૧૦૬
ભક્ત લડાવે લાડ, પાડ વિના કેને મા. ૧૦૬
પ્રગટ પુરુષ પુરુષાઈ, તું આપે પળમાં મા,
ઠાલાં ઘર ઠકુરાઈ, દે દળ હળબળમાં મા. ૧૦૭
ઠાલાં ઘર ઠકુરાઈ, દે દળ હળબળમાં મા. ૧૦૭
નિર્ધનને ધન પાત્ર, તું કરતા શું છે મા,
રોગ, દોષ દુઃખ માત્ર, હરતા શું છે મા ? ૧૦૮
રોગ, દોષ દુઃખ માત્ર, હરતા શું છે મા ? ૧૦૮
હય, ગજ, રથ સુખપાલ, આલ વિના અજરે મા,
વંદે બહુચર બાલ, ન્યાલ કરે નજરે મા. ૧૦૯
વંદે બહુચર બાલ, ન્યાલ કરે નજરે મા. ૧૦૯
ધર્મ ધજા ધન ધાન, ન ટાળે ધામ થકી મા,
મહિપતિ દે મુખ માન, માં ના નામ થકી મા. ૧૧૦
મહિપતિ દે મુખ માન, માં ના નામ થકી મા. ૧૧૦
નરનારી ધરી દેહ, હેતે જે ગાશે મા,
કુમતિ કર્મ કૃત ખેહ, થઈ ઊડી જાશે મા. ૧૧૧
કુમતિ કર્મ કૃત ખેહ, થઈ ઊડી જાશે મા. ૧૧૧
ભગવતી ગીત ચરિત્ર, નિત સુણશે કાને મા,
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા. ૧૧૨
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા. ૧૧૨
તુંથી નથી કો વસ્તુ તેથી તુને તર્પુ મા,
પૂરણ પ્રગટ પ્રશસ્ત, સી ઉપમા અર્પુ મા. ૧૧૩
પૂરણ પ્રગટ પ્રશસ્ત, સી ઉપમા અર્પુ મા. ૧૧૩
વારંવાર પ્રણામ, કર જોડી કીજે મા,
નિર્મળ નિશ્વળ નામ, જનનીનું લીજે મા. ૧૧૪
નિર્મળ નિશ્વળ નામ, જનનીનું લીજે મા. ૧૧૪
નમો નમો જગમાત, નામ સહસ્ત્ર તારે મા,
માત તાત ને ભ્રાત તું સર્વે મારે મા. ૧૧૫
માત તાત ને ભ્રાત તું સર્વે મારે મા. ૧૧૫
સંવત શતદશ સાત, નેવું ફાલ્ગુન સુદે મા,
તિથિ તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુધે મા. ૧૧૬
તિથિ તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુધે મા. ૧૧૬
રાજનગર નિજ ધામ, પુર નવીન મધ્યે મા,
આઈ આદ્ય વિશ્રામ, જાણે જગત બધ્યે મા. ૧૧૭
આઈ આદ્ય વિશ્રામ, જાણે જગત બધ્યે મા. ૧૧૭
કરી દુર્લભ સુલર્ભ, રહું છું છેવાડો મા,
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો મા. ૧૧૮
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો મા. ૧૧૮
=================
વલ્લભ ભટ્ટ લિખિત "આનંદનો ગરબો" માણો
વલ્લભ ભટ્ટ લિખિત "માં પાવા તે ગઢથી" માણો
હેમુ ગઢવીના સ્વરમાં અદ્ભુત "હો રંગ રસિયા"
હેમુ ગઢવીના સ્વરમાં "કાન તારી મોરલીએ"
હેમુ ગઢવીના સ્વરમાં "મારું વનરાવન છે રૂડું"
આજના જમાના માં વલ્લભ-ધોળા જેવા લોક કવિઓ જો આવે ને ગરબી-ગરબા લખે તો લોકો ની લાગણીઓ ! દુભાઈ જાય અને કેસ ય થઇ જાય, કહેવાય નહિ ;)
ReplyDeleteI don't agree, as its popular since Ras and its a colloquial with Chand Barot and earlier times
ReplyDeleteખુબ જ અદભુત માહિતી તથા લાગણીસભર લેખ !
ReplyDeleteRespected Kinnar Acharya,
ReplyDeleteI like and read your article always.You have written unbiased and very informative article about Shri. Arvind Kejriwal in AkilaIndia.com website in 8 different part in November-2012.I have skipped part no:5 and part no:6.Many media are now a days silent about Arvind Kejriwal after launching new political party.I request you to republish your all those aritcle here in your blog for readrs like us.
Thanks.
-Malay Kachhadiya,Bharuch.
E-Mail: malay8085@gmail.com
can you please provide gujarati lyrics for bahuchar bavani
ReplyDelete