Saturday, June 16, 2012

APJ Abdul Kalam


અબ્દુલ કલામ આપણાં અણુ બોમ્બના

પિતામહ પણ નથી અને તેઓ 

રાષ્ટ્રપતિ તરીકે પણ સાવ કંગાળ હતા!





ભારતીય અણુબોમ્બના જનક અબ્દુલ કલામ નથી! કલામ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે, અણુવિજ્ઞાની નહીં. અને ૧૯૯૯ના અણુ પરિક્ષણનું શ્રેય વૈજ્ઞાનિક ચિદમ્બરમને મળવું જોઇએ !


થયું એવું કે ૧૯૯૯માં વાજપેયીના સત્તાકાળ દરમિયાન અણુ પરિક્ષણ કર્યા પછી ભાજપે તેનો યશ લેવાનું શરૂ કર્યુ ત્યારે મુલાયમે કહ્યું કે, ‘ભાજપ ખોટો યશ લે છે, અણુબોમ્બ માટે કલામને ક્રેડિટ મળવી જોઇએ.’


નજરે જોયેલી હકીકત છે: રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા તે સમયના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ આવવાના હતા. જ્યાં કાર્યક્રમ હતો એ સંસ્થા બાળકોને લગતી પ્રવૃત્તિ કરે છે। કલામ સાહેબ આવવાના હતા તેના બે મહિના પહેલા જ તૈયારીઓ શરુ થઇ ગઈ હતી. કાર્યક્રમ હતો બાળકો સાથેની પ્રશ્નોત્તરીનો. બે મહિના પહેલા જ  રાષ્ટ્રપતિ ભવને સંસ્થા પાસેથી બધા પ્રશ્નો મંગાવી લીધા. કલામ સાહેબને પસંદ ના હોય એવા પ્રશ્નો પર ચોકડી મારી અને જણાવી દેવાયું કે ક્યાં પ્રશ્નો પુછવા અને ક્યાં નહિ. સંસ્થાએ પછી એ પ્રશ્નોનું સિલેક્ટેડ બાળકો પાસર રિહર્સલ કરાવ્યું. અને રંગેચંગે આખો કાર્યક્રમ પત્યો. બાળકો સાથેના આ કહેવાતા સંવાદમાં ક્યાંય સંવાદ પણ નહોતો અને બાળકો પ્રત્યેનો પ્રેમ પણ નહોતો. બસ... આ જ કર્યું છે કલામ સાહેબે - જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા. એમના કાર્યકાળમાં એમણે ક્યારેય, કોઈ બાબતે એવું સ્ટેન્ડ નથી લીધું કે, જેનાથી એમના પદની કે એમની ગરિમા વધે. સરવાળે તેઓ તળિયા વગરના અને અત્યંત સામાન્ય કક્ષાના રાષ્ટ્રપતિ જ પુરવાર થયા હતા. આ વખતની રાષ્ટ્રપતિપદના ઈલેક્શનનું ભૂત ફરી ધૂની રહ્યું છે અને એમાં કલામ પણ રેસમાં છે ત્યારે એ જાની લેવાની જરૂર છે કે, તેઓ અગાઉ પણ ખોટા સિક્કા સાબિત થઇ ચુક્યા છે. મૂળ તો એમની ફરતે રચાયેલી આભા જ કૃત્રિમ છે અને તેમના વિષે એટલા બધા ભરમ ફેલાયેલા છે કે, પ્રજાને એમના તરફથી કૈંક વધુ પડતી અપેક્ષા જ જાગે છે. થોડા સમય પહેલા જાણીતા અંગ્રેજી સામાયિક "ધ વીક"એ કલામ વિશેના ઘણા ભ્રમ ભાંગ્યા હતા. અહીંયા જે માહિતી છે તે એમાં જ પ્રકાશિત થઇ ચુકી છે. રાજકારણના અને લઘુમતીવાદના નામે આ દેશમાં કંઇપણ થઇ શકે છે. કોઇ ઝીરો બની જાય છે તો કોઇ હિરો. આપણાં વૈજ્ઞાનિક (અને પછીથી રાષ્ટ્રપતિ બનેલા) એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ લઇ લો. છેલ્લા દસ વર્ષથી એમને ભારતમાં ‘ન્યુકિલયર મેન’ અથવા તો પરમાણુ બોમ્બના જનક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સત્ય એ છે કે ભારતીય પરમાણૂ બોમ્બના જનક તરીકે જેમને યશ મળવો જોઇએ એમને મળ્યો નથી!


વાત વિગતે જાણવી પડશે; વાસ્તવિકતા એ છે કે અબ્દુલ કલામ પાસે એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે અને તેમની સમગ્ર કારકીર્દિ દરમિયાન તેઓ રોકેટ એન્ડ મિસાઇલ સાયન્ટિસ્ટ રહ્યાં છે. એમણે કોઇ જ બોમ્બ બનાવ્યો નથી. એમણે માત્ર મિસાઇલ અને રોકેટ લોન્ચર બનાવ્યાં છે, જેનું કામ અણુબોમ્બના વાહનનું હોય છે. તો પછી અબ્દુલ કલામને અણુબોમ્બના જનક તરીકે ખપાવવાનું શા માટે શરૂ થયું, ક્યારથી અને કોણે શરૂ કર્યુ?


મોટાભાગનાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો છે કે,
 
રાજા રામન્ના જ ભારતનાં અણુ કાર્યક્રમના પિતામહ છે.
૧૯૯૭માં કલામને દેશનો સર્વોચ્ચ ખિતાબ ‘ભારત રત્ન’ અપાયો. તેઓ આ સન્માન મેળવનારા ભારતના માત્ર બીજા વૈજ્ઞાનિક હતા. તેમની પહેલા ભારતનાં એકમાત્ર વૈજ્ઞાનિકને ‘ભારત રત્ન’ મળ્યો હતો. એ હતા ડો. હોમી ભાભા. અને તેઓ અણુ વૈજ્ઞાનિક હતા! ભારતના અણુ કાર્યક્રમના તેઓ પિતામહ ગણાય છે. કલામને ‘ભારત રત્ન’ મળ્યો ત્યાં સુધીમાં તેઓ દેશમાં ઠીક ઠીક જાણીતા થઇ ગયા હતા કારણ કે એમના ‘અગ્ની’ અને ‘પૃથ્વી’ મિસાઇલના પરિક્ષણ સફળ રહ્યાં હતાં. જ્યારે આકાશ, ત્રિશૂલ અને નાગ જેવાં મિસાઇલો પર તેઓ કામ કરી રહ્યા હતાં. ડો. કલામ જેના અધ્યક્ષ હતા એ ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન’ (ડી.આર.ડી.ઓ.) એ સમયે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટથી લઇ મલ્ટિ બેરલ રોકેટ લોન્ચર જેવાં અનેક શસ્ત્રો વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હતી. એક બ્રિલિયન્ટ એન્જિનિયર તરીકે તેઓ આ પ્રોેજેક્ટની આગેવાની કરી રહ્યાં હતાં. અગાઉ તેઓ સતિષ ધવનના નેતૃત્વ તળે ‘ઇસરો’ માટે સેટેલાઇટ લોન્ચીંગના વાહનો બનાવી ચૂક્યા હતાં. મિસાઇલ એન્જિનિયરીંગ અને રોકેટ એન્જિનિયરીંગ એકબીજાને ખાસ્સી હદે મળતા આવે છે. પરંતુ અણુ વિજ્ઞાન સંપૂર્ણપણે અલગ બાબત છે. એક મિસાઇલ મેન તરીકે અણુ વિજ્ઞાનને લગતા આપણાં પ્રોજેક્ટમાં એમણે ભાગ્યે જ કશુંક કરવાનું રહેતું હતું. તેમનું કામ રોકેટનું અને મિસાઇલનું હતું, અણુ બોમ્બ બનાવવાનું નહીં.


વાત બહુ સ્પષ્ટ છેઃ જે લોકો એકિટવા ચલાવતા હોય તેને કાઇનેટીક હોન્ડા તો આવડે પણ ટ્રેકટર ચલાવવાનું એ સાવ અલગ જ બાબત છે. હજુ સુધી ભારતમાં બે જ વૈજ્ઞાનિક એવા થયા છે જે એકિટવા અને ટ્રેકટર બંને સાથે ચલાવી શકતા હતા! અર્થાત્ તેઓ અણુવિજ્ઞાન અને સ્પેસ ડિપાર્ટમેન્ટ એમ બેઉ મોરચે સક્રિય હતા. એક હતા વિક્રમ સારાભાઇ અને બીજા રાજા રામન્ના. આમાંથી રામન્ના તો એટોમિક એનર્જી કમિશન અને ડી.આર.ડી.ઓ. એ બેઉના અધ્યક્ષ હતા. ૧૯૭૪માં આપણે કરેલા અણુ પરિક્ષણ પાછળ પણ મુખ્ય દિમાગ રામન્નાનું હતું. સામાન્ય પ્રજા માટે રોકેટ સાયન્સ અને બોમ્બ વગેરે બધું એક જ છે. એમને ખ્યાલ નથી હોતો કે આ બધી બાબતો એકમેકથી તદ્દન ભિન્ન છે. મોટાભાગનાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો છે કે રામન્ના જ ભારતનાં અણુ કાર્યક્રમના પિતામહ છે. ૧૯૭૪ના પરિક્ષણનો મોટાભાગનો યશ રામન્નાને જાય છે. જ્યારે એ પ્રોજેક્ટના સેકન્ડ લીડ રોલમાં આર. ચિદમ્બરમ્ હતા. ચિદમ્બરમે ૭૪નાં પરિક્ષણમાં ફિઝીક્સ વિભાગ સંભાળ્યો હતો.


હવે, વાત આવે છે ૧૯૯૯નાં અણુ પરિક્ષણની. આ પરિક્ષણ માટે ક્રેડિટ આપવામાં આવે છે કલામને. પરંતુ તથ્ય એ છે કે એ બોમ્બ એટોમિક એનર્જી કમિશનના તત્કાલિન અધ્યક્ષ ચિદમ્બરમે ડેવલપ કર્યો હતો અને તેમને સાથ મળ્યો હતો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના અનિલ કાકોડકરનો.


ઘણાં લોકોને પ્રશ્ન થશે કે તો પછી કલામની ભૂમિકા શી હતી? વેલ, જે બોમ્બ ચિદમ્બરમે અને કાકોડકરએ વિકસાવ્યો હતો તેના પરિક્ષણ માટે રચાયેલી સમિતિમાં કલામ એક સભ્ય હતાં! અને ચિદમ્બરમ્કાકોડકરએ વિકસાવેલો બોમ્બ પછી કલામે ડેવલપ કરેલા મિસાઇલમાં ફીટ થવાનો હતો. કલામએ પોતે ક્યારેય એવો દાવો કર્યો નથી કે તેઓ ભારતીય અણુબોમ્બના જનક છે. પણ એ વાત વહેતી મુકનાર છેઃ મુલાયમ સિંહ યાદવ. થયું એવું કે ૧૯૯૯માં વાજપેયીના સત્તાકાળ દરમિયાન અણુ પરિક્ષણ કર્યા પછી ભાજપે તેનો યશ લેવાનું શરૂ કર્યુ ત્યારે મુલાયમે કહ્યું કે ‘ભાજપ ખોટો યશ લે છે, અણુબોમ્બ માટે કલામને ક્રેડિટ મળવી જોઇએ.’


તથ્ય એ છે કે, 1999નો બોમ્બ એટોમિક એનર્જી કમિશનના
તત્કાલિન અધ્યક્ષ ચિદમ્બરમે ડેવલપ કર્યો હતો 
મુલાયમે આવું નિવેદન કરી એક કાંકરે અનેક પક્ષી હણ્યાં હતાં. એક તો ભારત રત્ન મળવાને લીધે કલામ આખા દેશમાં જાણીતામાનીતા બન્યા હતા. બીજું, પોતાની આદત મુજબ તેમણે અહીં પણ લઘુમતી કાર્ડ ખેલ્યું હતું. કલામ જેવા માનનીય વૈજ્ઞાનિકના નામ સામે ભાજપ એમ કહે કે, ‘ના. આ તો અમારૂં સાહસ હતું’ તો દેશભરના સેક્યુલરિસ્ટો ભાજપને ધોઇ નાંખે અને મામલો એટલો ચગે કે હાથમાં જ ન રહે. અગાઉ મુલાયમ જ્યારે સંરક્ષણ મંત્રી હતા (૧૯૯૭) ત્યારે તેમણે કલામનું નામ ‘ભારત રત્ન’ માટે સૂચવ્યું હતું. આ વખતે પણ મુલાયમે કાઢેલા બેન્ડવાજામાં નાયડુ અને તેમનાં જેવા અનેક તકસાધુઓ જોડાઇ ગયા. થોડા સમયમાં જ ચંદ્રાબાબુએ રાષ્ટ્રપતિપદ માટે કલામનું નામ સૂચવ્યું. ટૂંકમાં કહીએ તો દેશના ગંદા રાજકારણે કલામને અણુ બોમ્બના જનક પણ બનાવી દીધા અને રાષ્ટ્રપતિ પણ. લોકોને હતું કે રાષ્ટ્રપતિ તરીકે તેઓ સારૂં કામ કરશે પરંતુ એમાં પણ તેમણે બાળકોને મળીને પ્રશ્નો (અને એ પણ અગાઉથી એપ્રુવ્ડ કરેલા હોય તેવાં જ. અણધાર્યા નહીં!) ના જવાબ આપવા સિવાય ભાગ્યે જ કશુંક કર્યુ. એક રોકેટ અને મિસાઇલ સાયન્ટિસ્ટ તરીકે એમની સિદ્ધિઓ વિશે શંકા નથી પરંતુ એનો અર્થ એ નથી કે બીજાની સિદ્ધિઓ પણ એમના નામે ચડાવી દેવી અને અન્યોના હિસ્સાના માનસન્માન પણ એમને આપી દેવા.


*  "અકિલા'માં પ્રકાશિત