અમે તો આવું બી લખીએ!!
કવિતા મારો વિષય નથી પણ વિષયમાં જ બંધાઈ રહેવું એ ફિતરત નથી.
ક્યારેક બહુ આવેગો અને સંવેદના અનુભવાય અને આવું કંઇક ભીતરથી સરી પડે.
આવી રચનાને શું કહેવાય એ ખ્યાલ નથી, રચના કહેવાય કે નહિ એ પણ રામ જાણે.
તમને ગમશે કે નહિ એ મને ખ્યાલ નથી, પણ ફીડબેકની પરવા કાર્ય વગર સતત આવું કશુંક ટપકતું રહેવાનું છે એ ખ્યાલ છે.
કદાચ એ કોઈ બિમારી હશે. નહિ માલુમ. ક્યાંથી આવતું હશે, કોને ખબર.
શક્ય છે કે, કદાચ એ અનુભવોનો અર્ક હોય,
એવી પણ શક્યતા કે, એ ઠાલો તર્ક હોય.
એ શું છે એ તમે નક્કી કરજો, મને તો એટલો ખ્યાલ છે કે, એ લખ્યાનો મને આનંદ થયો.
તમને વાંચતા કષ્ટ પડે તો માનજો કે, કોઈ બાપડા નવોદિતનો ઉત્સાહ ભાંગી ના જાય એટલે તમે વેઠી લીધું....
=========================================
ના! હું છંદોબદ્ધ નહિ લખું
હું બંધારણમાં પણ નહિ કહું
આપણાં શ્વાસોનું એકબીજાનામાં ઘોળાઈ જવું એ શિખરીણી છે કે મંદાક્રાન્તા?
મારું અને તારું એકમેકમાં ઓગળી જવું એટલે શું?
સ્વાગતા કે રથોદ્વતા?
અને તને જોઉં જ્યારે મઘમઘતી કે તગતગતી ...
ત્યારે એને શેમાં વર્ણવવું?:
રુચિરામાં?, માલિની?, સુવદના?, કે સ્રગ્ધરામાં?
આ લાગણીઓ ક્યાં કદી બંધારણમાં માને છે
એને આપણે લાગલગા ગાલગાલ કહીએ તો ક્યાં ચાલે છે!
એ આમતેમ દોડતી રહે છે, ભાગતી, અથડાતી-કુટાતી અને ફરી સર્જાતી
હું ક્યારેક દુહામાં કહેવા જાઉં અને હાલત હોય ઓથેલો જેવી
ક્યારેક હોથલ જેવા હાલ અને જીભે આવે ઓપેરા
કોઈ વખત વાત હોય યુગો જેવડી અને લોકો કહે કે, હાઈકુમાં કહો
ક્યારેક કંઈ જ ના કહેવું હોય અને આગ્રહ થાય કે ખંડકાવ્ય ફરમાવો
ઉર્મીઓ આમતેમ અફળાતી હોય ત્યારે ગઝલ કેમ કરી લખું?
જાત આખી રિબાતી હોય ત્યાં હઝલ શીદને લખાય?
સોનેટમાં આવી આખી દાસ્તાન કેમ કરી ને મંડાય?
ભીતર હોય કોલાહલ અને ગેય રચના કેમ કરી લખવી?
પ્રગટે માંહે સુરાવલી ત્યારે અગેય કેમ કરી આલેખવી?
સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે!
કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે
સંધિઓ છુટ્ટી પડે છે ત્યારે અલંકારો સઘળા ઓગળી જાય છે
જીવનમાં એક ઝંઝાવાત ફૂંકાય છે અને તાલ - માત્રાનો છેદ ઉડી જાય છે
દુખડાનો વ્યતિરેક થાય થાય ત્યારે જિંદગી વ્યાજસ્તુતિ કરતી હોય એવું લાગે
આ માયાજાળ સ્વયમ એક શ્લેષ છે
અને આપણે એને ઉપમા કેમ કરી આપીએ?
આ નિપાત, આ કર્તરિ અને આ વિભક્તિ...
આયખું આવી કોઈ સંજ્ઞામાં માનતું નથી
તારા અને મારા સંબંધોનું કોઈ બંધારણ નથી
એને અલંકારોની જરૂર નથી અને છંદોબદ્ધ એ થઇ ના શકે
એ હાઈકુમાં સમાતા નથી અને ગઝલમાં સચવાતા નથી
તેની સંધિ છુટ્ટી નથી અને સમાસ બન્યો નથી
એટલે જ......
ના! હું છંદોબદ્ધ નહિ લખું
હું બંધારણમાં પણ નહિ કહું !
-કિન્નર આચાર્ય