Vallabh Bhatt - Bahucharaji |
પ્રથમ લેખ માટે મુરબ્બી શ્રી અચ્યુત યાજ્ઞિકનો અને બીજા લેખ માટે આદરણીય સોનલ શુક્લનો ઋણસ્વીકાર કરું છું.
શક્તિપૂજાની દૃષ્ટિએ, દેવીની ગરબા રૂપે સ્તુતિ કરવાની દૃષ્ટિએ, ભક્તકવિ વલ્લભ-ધોળા સૌથી વધુ વિખ્યાત છે. સત્તરમી સદીની મધ્યમાં આ પરમ ભક્તનો જન્મ દુર્ગાષ્ટમીએ અમદાવાદના નવાપુરામાં થયો. તેઓના જોડકા ભાઈનું નામ ધોળા હતું એટલે વલ્લભ-ધોળા એવી સંજ્ઞા પ્રચલિત થઈ અને બન્ને ભાઈઓનું જોડકુંનામ જ લોકજીભે ચઢી ગયું. આ વલ્લભ ભટ્ટના અનેકાનેક ગરબા લોકપ્રિય બન્યા છે અને છેલ્લાં ત્રણસો વર્ષથી ગુજરાતભરમાં સતત ગવાતા રહ્યા છે. શક્તિને બાળસ્વરૂપે પૂજતા વલ્લભ ભટ્ટે દેવીના સ્થૂળ સ્વરૂપને નહીં પરંતુ સૂક્ષ્મ રૂપને પોતાના ગરબામાં અભિવ્યક્ત કર્ય઼ું છે. તેઓની પ્રસિદ્ધ ગરબી છે:
`પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદરવો,
ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગરવો;
અભિષેક જળતત્ત્વ, ચિતિ શક્તિ સચરાચર,
મા, તુજ અકળ મહત્ત્વ, વ્યાપક કહી સુર મુનિવર.'
કથા એવી છે કે વૈલોચન નામના નાગર વણિકે વલ્લભ ભટ્ટને પૂછ્યું કે અહીં દેવીનું સ્થાનક તો દેખાતું નથી તો તમે કોની સ્તુતિ કરો છો? ઉત્તરમાં વલ્લભે ઉપરની ગરબી સંભળાવી. તેઓનો બીજો પ્રસિદ્ધ ગરબો `આનંદનો ગરબો' તરીકે પેઢીએ પેઢીએ ગવાતો રહ્યો છે અને તેની પંક્તિએ પંક્તિએ ભક્તિનો આવેશ છે, ભાવનું ઊંડાણ છે અને શબ્દોનું લાલિત્ય છે. આ ગરબાની થોડીક પંક્તિઓ અહીં પ્રસ્તુત કરી છે:
`જ્યાં જ્યાં જગતી જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા,
સમવિત ભ્રમવિત ખોઈ, કહી ન શકું કેવી મા.
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા.
અર્થ, ધર્મ ને કામ, મોક્ષ તું મોહ માયા મા,
તમ મનનો વિશ્રામ, ઉર અંદર ધાયા મા.
ઉદે ઉદારણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદેની મા,
હરખ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભક્તિ ચિત્ર તું મા.
ગીત નૃત્ય વાજીંત્ર, તાળ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા.
રતિરસ વિલસ વિલાસ, આશ સકળ જગની મા,
તમ તન મન મધ્ય વાસ, મોહ માયા અગ્નિ મા.'
વલ્લભ ભટ્ટ પછી ચાર દાયકે જન્મેલા બીજા દેવીભક્ત નાથ ભવાનની વિવિધ રચનાઓ લોકકંઠે રમતી રહી છે. ઉત્તર જીવનમાં તેઓઁએ સંન્યાસ લીધો હતો અને `અનુભવાનંદ' નામની અદ્વૈત્તમાર્ગી લેખે પણ પ્રસિદ્ધ હતા. તેઓનો `અંબા આનન'નો ગરબો નાગર જ્ઞાતિમાં પેઢીઓથી ગવાતો આવ્યો છે. જેનું ધ્રુવપદ છે ઃ `અંબા આનનકમળ સોહામણું તેનાં શું કહું વાણી વખાણ રે'.
અંબાજીના સોહામણા આનનકમળ એટલે કે મુખકમળનો મહિમા કરનાર નાથ ભવાન ગરબામાં વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિનું સ્મરણ કરીને કહે છે, `તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે.' ગરબાના અંતની પંક્તિઓમાં નાથ ભવાન સંસારનાં સુખોની યાચના નથી કરતા પરંતુ અંબાજીને વિનવે છે કે દેવીના વાસ્તવ સ્વરૂપને પામવાની શક્તિ તેઓને સાંપડે. અહીં આ ગરબાની કેટલીક પંક્તિઓ ટાંકી છે :
તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે,
કરી વિસર્જનના ક્યાં હું મોકલું, સઘળે તું હું ક્યાં લખું પત્ર રે,
અંબા આનન-સોહામણું.
માજીમાં તત્વ ગુણ ત્રણનું, તું તો વ્યાપી રહી સર્વવાસ રે,
સર્વ ઈદ્રિય ને સર્વ દેવતા, અંતઃકરણમાં તારો નિવાસ રે.
અંબા આનન-સોહામણું.
સ્થૂળ સૂક્ષ્મ સહુનું મૂળ તું, તું તો આદ્ય મધ્ય ને અંત રે,
સ્થાવર જંગમ સચરાચર વિષે, એમ છો પટ માંહે તંતુ રે.
અંબા આનન-સોહામણું.
કોઈ વેળુની કણિકા ગણે, કોઈ સાહી લહે રે નક્ષત્ર રે,
કોઈ ગણી ન શકે ગુણ તાહરા, ગણે સર્વ તરૂનાં પત્ર રે,
અંબા આનન-સોહામણું.
હું તો દીન થઈ અંબાજી વિનવું, આવ્યો શરણે ભવાનીદાસ રે,
જેમ દર્પણ દેખાડે મા અર્કને, એમ હું માંહે તારો આભાસ રે,
અંબા આનન-સોહામણું.
કોઈ માગે રે મા તમ કને, હુંમાં તો નહિ એવડું જ્ઞાન રે,
જેમ તેમ રે જાણો મા પોતા તણો, નામ રાખ્યું તે નાથભવાન રે,
અંબા આનન-સોહામણું.