Thursday, October 24, 2013

Manna Dey

મન્ના ડેની ચિરવિદાય નથી થઇ, 

તેઓ આપણાંમાં ઓગળી ગયા





કવિન્યાય જેવું પણ કંઈક હોય છે હોં, માળું ! નહીંતર એવું કેવી રીતે બને કે, રફી અને કિશોર કરતાં પહેલાં મન્ના ડેને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળી જાય ! રફી અને કિશોર જે સન્માન મત્યુ પછી પણ પામી ના શક્યા મન્ના ડે જીવતેજીવ મેળવી જાય ! મન્ના ડે જેવા કલાકારને ફિલ્મોદ્યોગનું સર્વોચ્ચ સન્માન મળે ઘટના આમ તો માની શકાય એવી નથી. અમે અમારા ગાલ પર ચૂંટલો ભરીએ છીએ. હોશમાં તો છીએ ને, ભાઈ ! જેને આખી જિદગી પોતાના હિસ્સાનાં યશ, કીર્તિ, ધન, સફળતા  મળ્યાં હોય એને એમના આયખાના  નેવુંમા વર્ષે પરમ સન્માનથી  સન્માનવામાં આવે ત્યારે એમને તો ખુશી થાય પણ સાથેસાથે એવા તમામ લોકોની આંખોના ખૂણા ભીના થાય જેમને મન્નાની થતી અવગણનાથી હંમેશા કઠયું હોય, દુખ્યું હોય. મન્નાદાને એવોર્ડ મળ્યો તો ઘણા લોકો માટે જાણે આંગણે કોઈ પ્રસંગ આવ્યો. ખાસ કરીને એવા લોકો માટે કે જેમનું હૃદય આજે પણ યુગનાં સૂરીલાં ગીતો સાંભળી તરબતર થઈ જાય છે. જેમનાં માટે જૂનાં ગીત - સંગીત - ગાયકની વ્યાખ્યામાં ચૂરા  લિયા હૈ તુમને જો દિલ કો, આર.ડી. અને કિશોર કરતાં પણ બીજું ઘણું બધું આપે છે.

મન્ના ડે એટલે આવા યુગનું પ્રતિનિધિત્વ કરતા આખરી પુરુષ ગાયક. એમને ફાળકે એવોર્ડ મળ્યો પછી પ્રચાર - પ્રસાર માધ્યમોમાં એમના વિશેની માહિતીઓ પ્રસિદ્ધ થઈ. ભુલાઈ ગયેલા મન્ના ડે મીડિયાને ફરી એક વખત યાદ આવ્યા. એવોર્ડસને વ્યર્થ ગણતા લોકો પણ વાત તો સ્વીકારશે કે આવા એવોર્ડસ ક્યારેક વિસરાઈ ગયેલા કલાકારની અને ભુલાઈ ગયેલા યુગની યાદ તાજી કરવામાં સહાય કરી જાય છે. ખાસ કરીને મન્નાદા જેવા કલાકાર માટે તો આવાં પરિતોષિક આવું પુણ્યકાર્ય કરે છે. નહીંતર, જે કલાકારને, તમામ લાયકાત હોવા છતાં પોતાના સુવર્ણકાળ (એટલે કે એમના કંઠના સુવર્ણ યુગમાં, કારણ કે ગાયક મન્ના ડેનો સુવર્ણકાળ તો ક્યારેય આવ્યો નથી)માં પણ જે માન - સન્માન ના મળ્યાં હોય જીવનની ઢળતી સંધ્યાએ ક્યાંથી મળે!


Manna Dey, Rafi & Talat Mehmud 



હા ! મન્ના ડેના કિસ્મતમાં ભુલાઈ જવાનું લખ્યું છે. વિધાતાએ એમને જાણે કોઈ અભિશાપ આપ્યો છે જા ! તારું કામ વખણાશે, તારી કૃતિઓ યાદ રહેશે, પણ, એનો સર્જક કોઈને યાદ નહીં રહે ! બાકી કંઈ આવું હોય ! મેરે  સપનો કી રાની કબ આયેગી.. કે ચિનગારી કોઈ ભડકે... ના ગાયકનું નામ કોઈને પૂછો તો ઊંઘમાં પણ જવાબ મળે. મન તડપત હરિ દર્શન કો... કે ક્યા હુઆ તેરા વાદા કે પુકારતા ચલા હૂં મૈ...ના ગવૈયાનું નામ પૂછો તો લોકો ફટ કરતાંક જવાબ આપે. પણ, ઝિન્દગી કૈસી હૈ પહેલી કે પૂછોના કૈસે મૈને રૈન બિતાયીં... ગાનારનું નામ પૂછીએ તો ખોટ્ટો જવાબ મળવાની નેવું ટકા ખાતરી. યે રાત ભીગી ભીગી... વાગતું હોય ત્યારે પેલો નોન - ફિલ્મી ડાયલોગ અવશ્ય સાંભળવા મળે: ગીતો તો બાકી અગાઉ બનતા હોં, બાપુ ! કેવી મીઠાશ ! પણ સાકર જેવાં ગીતો વહાવનાર સિંગરનું નામ પૂછો તો જવાબ મળે કે ફીમેલ વોઈસ તો લતાનો લાગે છે પણ મેલ વોઈસ... ! કદાચ રફી.

મન્ના ડેના ભાગનું બધું બીજાને મળ્યું. મન્ના જેટલી આવડત ધરાવતા રફીને મન્નાના ભાગનું ઘણું મળ્યું તો આવડતની દ્રષ્ટિ એમનાં ગોઠણ લગી પહોંચે એવા કિશોરકુમારને મન્ના ડે કરતાં ક્યાંય વધુ યશ - કીર્તિ અને કામ મળ્યાં. સૂરના એકદમ પાક્કા મન્ના કિસ્મતની બાબતમાં એટલા કાચા કે આજે પણ હિન્દી ફિલ્મ સંગીતના ત્રણ મહાન ગાયકો તરીકે લોકો રફી - કિશોર સાથે એમનું નામ લેવાને બદલે મુકેશનું લેતા હોય છે. અરે ! ખૂબીઓની સરખામણીએ જેમની મર્યાદાઓ વધુ હતી એવા તલતને પણ લોકો યાદ કરે પણ મન્ના ડે ભુલાઈ જાય ! લતાનું મેરે વતન કે લોગો... સાંભળી નહેરુ રડી પડયા હતા ઉદાહરણ આપણને હજારો વખત વાંચવા - સાંભળવા મળે પરંતુ કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતોં કા ક્યા...એ ઉપકારનું ગીત સાંભળી લતાદીદી રડી પડયાં હતાં ભાગ્યે ક્યાંક વાંચવા મળે. રફીને બધાં મહાન  ગણે એની સામે આપણને  લેશમાત્ર વાંધો નથી કારણ કે અમે પણ રફીપંથી છીએ પરંતુ જેમનાં ગીતો રફીને નિયમિત સાંભળ્યા વગર ચેન નહોંતુ પડતું મન્ના ડેની અવગણના થાય.

જાણકારો હંમેશા કહેતા રહ્યા: મન્ના ડેની સરખામણી રફી સિવાય કોઈ સાથે થઈ શકે નહીં.અને આવું કહેનારાઓએ ગીતો પાછા કિશોર અને મુકેશ પાસે ગવડાવ્યાં. મન્નાની કરિયરના સર્વશ્રેષ્ઠ યુગલ ગીતોમાં સ્થાન પામતા ચોરી ચોરીની ત્રણ રચનાઓ (આજા સનમ,યે રાત ભીગી ભીગી, જહાં મૈં જાતી હૂં વહીં...) મન્ના પાસે ગવડાવવામાં પણ શંકર - જયકિશને પ્રોડયુસર એ.વી. મય્યપન સાથે રીતસર ઝઘડો કરવો પડયો હતો. ચોરી ચોરીનાં ગીતોને મુકેશ કરતાં મન્નાદા વધુ ન્યાય આપી શકશે એવું રાજ કપૂર અને શંકર - જયકિશન એમ ત્રણેયને લાગતું હતું. ગીતોનું રેકોઑડિગ ચાલતું હતું ત્યાં ક્યાંકથી મય્યપન ટપકી પડયા. મન્ના ડે અહીં રાજ કપૂરને સ્વર આપી રહ્યા છે એવું સાંભળી એમનો પીત્તો ગયો. વાંધો એમને મન્ના સામે હતો, એમને તકલીફ હતી કે મુકેશને શા માટે લીધો ! મય્યપને ઝાઝી જિદ કરી અને ઉગ્ર સ્વભાવના શંકરે રોકડું પરખાવી દીધું કે જો ગીતો મન્નાદા સિવાય કોઈ ગાશે તો તેઓ ફિલ્મ છોડી દેશે. રાજ કપૂરે છેવટે વચલો રસ્તો શોધ્યો: પ્રોડયુસરને તેમણે કહ્યું કે તમે રેકોર્ડ થયેલાં ગીતો સાંભળી લેજો તમને નહીં ગમે તો પછી વિચારીશું. ગીતો રેકોર્ડ થયાં અને પ્રોડયુસર સહિત આખા દેશને ગમ્યાં. બધાને લાગ્યું કે રાજ કપૂર માટે શંકર - જયકિશન હવે તો મન્ના ડે પાસે ગવડાવશે પણ ચોરી ચોરીનાં ગીતોને પ્રચંડ સફળતા મળી હોવા છતાં પછી શંકર - જયકિશને મન્નાને રાજ કપૂરનાં બે ગીતો (નાઈન્ટીન ફિફ્ટી સિક્સ - અનાડી, ભાઈ જરા - મેરા નામ જોકર) આપ્યા. ચોરી ચોરીના રેકોઑડિગ સમયે બનેલી ઘટના સ્વયં વાતનું ઉદાહરણ છે કે મન્ના ડેના હિસ્સાની પ્રતિષ્ઠા અને કામ બીજા મેળવી ગયા. મન્ના જેવા કસાયેલા કંઠના ઓલરાઉન્ડર ગાયકનો વિરોધ કરી તેના બદલામાં કોઈ મુકેશ જેવા ગાયકની માંગ મૂકે ત્યારે સંગીતને સમજતી હોય એવી કોઈ પણ વ્યક્તિ હચમચી જાય તો મન્નાની શી હાલત થઈ હશે ?

મન્ના ડેના અવમૂલ્યનનાં જાતજાતનાં કારણો આગળ ધરવામાં આવ્યાં. કોઈએ કહ્યું કે તેનો અવાજ બધા ગાયકોને સૂટ નથી થતો. એકદમ બકવાસ. એવું હોય તો તલત - હેમંતદાને કોઈ દિવસ કામ મળ્યું હોય. વિશ્વજિત અને જોય મુખરજી કે મહેમૂદ કે જ્હોની વોકરને તો પછી રફીનો કંઠ કેવી રીતે મળે ?

સાચી વાત છે કે તેમના માટે લોબિગ કરે એવો કોઈ મોટો નાયક તેમને મળ્યો નહીં. રાજને મુકેશ સાથે ફાવતું, દેવ આનંદ માટે તલત, હેમંતદા અને રફી હતા, દિલીપકુમારે રફી પર કળશ ઢોળ્યો. ગુરુ દત્તે પણ એવું કર્યું અને મન્ના ડેના ભાગમાં અનુપકુમાર (કૌન આયા મેરે મન કે દ્વારે - ફિલ્મ દેખ કબિરા રોયા), પ્રાણ (કસમે વાદે પ્યાર વફા - ઉપકાર), બલરાજ સહાની (તું પ્યાર કા સાગર હૈ - સીમા અને મેરે પ્યારે વતન - કાબુલીવાલા), અશોકકુમાર (પૂછો ના કૈસે મૈને રૈન બિતાયીં - મેરી સૂરત તેરી આંખે) અને ડેવિડ (લપક ઝપક - બુટ પોલિશ) જેવા કલાકારો આવતા રહ્યા. એવું નથી કે મોટા સ્ટાર્સ માટે તેમણે ગાયું નથી પરંતુ એવા અવસર બહુ ઓછા આવ્યા. આટઆટલી અવગણના પછી પણ મન્ના ડેને તેનો રંજ નહીં અથવા તો ગ્લાનીની લાગણીને તેમણે ક્યારેય વાચા આપી નહીં. પોતાની તુલનામાં રફી - કિશોરને નામ - દામ વધુ મળ્યાં વિશે કોઈ પૂછે તો શાલિનતાથી કહે કે લોકો વધુ લાયક હતા. હું જે ગાઈ શકતો એવું તેઓ પણ ગાઈ શકતા. પણ તેઓ જે જે પ્રકારનું ગાતા એવું મારું ગજું નહીં.

રફીની બાબતમાં મન્ના ડેની વાત કદાચ સાચી પણ માની લઈએ પણ કિશોરની બાબતમાં સત્ય તદ્દન ઊલટું હતું. આઓ ટ્વિસ્ટ કરે...થી લઈને લાગા  ચૂનરી મૈં દાગ.. સુધીની તેમની રેન્જનો જવાબ રફી સિવાય કોઈ પાસે નહોતો. એક જમાનામાં મન્ના જે ફિલ્મમાં સહાયક સંગીતકાર હતા તેનાં ગીતોના કોરસમાં રફી ગાતા હતા છતાં પણ જ્યારે વાત નીકળે ત્યારે તેઓ કહે કે હું માત્ર હિન્દી સિનેમા નહીં, વિશ્વ સિનેમાને ધ્યાનમાં રાખીને કહું છું કે રફી જેવો સમર્થ - વર્સેટાઈલ ગાયક બીજો થયો નથી ! એમની શાલિનતા ને! બીજું શું ? અને શાલિનતા એવી કે બસંત બહાર માટે કેતકી ગુલાબ જુહી ચંપક...માં સિનેમાના પર્દે એમણે પંડિત ભીમસેન જોશીને હાર આપવાની છે એવું સાંભળ્યા પછી આવું પાપ ના કરવું પડે માટે પત્નીને લઈ પંદર દિવસ બહારગામ ભાગી ગયા ! પાછા આવ્યા ત્યારે શંકર - જયકિશને માંડ તેમને સમજાવ્યા કે દાદા તો ફિલ્મના પર્દે આવું થાય છે, વાસ્તવિક જિદગીમાં નહીં !

આટલી લાંબી કરિયર. માહતીઓ તો નીકળ્યા કરવાની. કેવી રીતે મુંબઈ આવ્યા, કાકા કે.સી. ડેએ બ્રેક અપાવ્યો. સંગીતકાર એચ.બી. દાસ, અનિલ બિશ્વાસ અને એસ.ડી. બર્મનના સહાયક તરીકે રહ્યા.  ઉસ્તાદ તાબિર ખાન પાસેથી પ્રાથમિક તાલીમ મેળવી, ઉસ્તાદ અમાન અલિ ખાન,ઉસ્તાદ અબ્દુલ રહમાન ખાન પાસેથી વધારાની તાલીમ લીધી.. સાચું નામ પ્રબોધ ચંદ્ર ડે.... અને એવી અનેક વાતો લખાઈ રહી છે, હજુ લખાશે પણ મન્ના વિશે લખી શકાય એવું ઘણું છે ઉદાહરણ તરીકે,   ઉપર  ગગન વિશાલ ગાય ત્યારે આપણી નજર સામે આકાશ તરવરે છે અને નીચે ગેહરા પાતાલ એવું ગાય ત્યારે અંતહીન ખીણ જેવું દેખાય છે એનું વર્ણન કેમ કરીને કરવું. જ્યારે યે રાત ભીગી ભીગી છેડે છે ત્યારે ધોળા દીએ પણ શા માટે વરસાદી રાત જેવું લાગવા માંડે છે ! એના સ્વરમાં ગવાયેલી મેરે પ્યારે વતન આજે પણ સરહદ પર ફોજી ભાઈઓ સાંભળે છે ત્યારે જવાનોની ત્વચા નીચે કંઈ સળવળતું હોય એનો એહસાસ કેવી રીતે વર્ણવી શકાય. તૂં છૂપી હૈ કહાં એવું એના મુખેથી સાંભળીએ તો ખરેખર લાગે કે કોઈ સંતાઈ ગયું છે. એનું ભય ભંજના સાંભળી ઈશ્વરને કેવી લાગણી થતી હશે ? અને જ્યારે સૂર  ના સજે ક્યાં ગાઉં મેં એવી ફરિયાદ કરે છે ત્યારે પણ આપણને શા માટે એવું લાગે છે કે બધા સૂર છેડાઈ  ગયા છે. કંઠમાં સાક્ષાત સરસ્વતી બિરાજ્યાં છે અને આપણા કાન વાટે થઈ મન્નાદા પરકાયા પ્રવેશ કરી ચૂક્યા છે ! મન્ના ડેની ચિરવિદાય નથી થઇ, તેઓ આપણાંમાં ઓગળી ગયા છે.

10 comments:

  1. જીવન માં ઘણી હસ્તીઓ ને એમને લાયક માન સમ્માન નથી મળતા. મન્ના પણ એ લીસ્ટ માં ઉમેરાયેલ વ્યક્તિત્વ છે.

    ReplyDelete
  2. Very true.......Totally agree......

    ReplyDelete
  3. મન્ના ડેની આટલી સમૃદ્ધ અને સંવેદનસભર અંજલિ ગુજરાતી મીડિયામાં મને ક્યાંય વાંચવા મળી નથી..... વી મિસ યોર રેગ્યુલર કૉલમ....

    ReplyDelete
  4. A fitting tribute to the doyen of Hindi film music. Hearty compliments.

    ReplyDelete
  5. મન્ના ડે તો હવે રહ્યા નથી પણ તેમની ગાયકી સદાય અમર રેહશે,

    મન્ના ડે ના અવાજ માં રામદેવપીરનો હેલો સંભાળવો છે તો આવો આ પેજ પર...

    http://kathiyawadikhamir.com/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B3%E0%AB%8B/

    ReplyDelete
  6. મન્ના ડે તો હવે રહ્યા નથી પણ તેમની ગાયકી સદાય અમર રેહશે,

    મન્ના ડે ના અવાજ માં રામદેવપીરનો હેલો સંભાળવો છે તો આવો આ પેજ પર...

    http://kathiyawadikhamir.com/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B3%E0%AB%8B/

    ReplyDelete