Saturday, September 24, 2011

ચીદુ, સિબ્બુ અને તિવારી સાથેની એ ખાનગી બેઠક: મેડમ પેલા સ્વામી પર કેઈસ કેમ કરતા નથી?




લઘુકથા 

સુબ્રમણ્યન  સ્વામી અને બીજા વિરોધીઓના આક્ષેપોનો જવાબ આપવા મેડમએ એક વખત ચીદુ, સીબ્બુ અને તિવારી જેવા ધુરંધર વકીલોને બોલાવ્યા. 

બધા કોંગ્રેસી વકીલોને ભેગા કરી મેડમ એ કહ્યું:
"સાંભા.. કાલીયા જેવા મારા વફાદાર સાથીઓ... મારી ઉપર અને મારા નિર્દોષ - અલ્પમતિ બાબા પર જોરદાર પ્રહારો થઇ રહ્યા છે! અરે! આ લોકો મારા 'રામા'ને પણ છોડતા નથી! તમે જ કહો, એનો શો વાંક! એ તો મારી આજ્ઞાઓનું અક્ષરશ: પાલન કરે છે. તમે જાણો છો, એને તો સ્વતંત્ર દિમાગ જ નથી.. આપણી ગિરોહ પર આ કુઠારાઘાત છે! સાગરીતો! હું ઈચ્છું છું કે, તમે બદનક્ષીનો એક એવો લોઢા જેવો કેઈસ તૈયાર કરો કે વિરોધીઓની સાન ઠેકાણે આવી જાય!"

બધા દિગ્ગજો નીચી મુંડી ઘાલી વિચાર કરવા લાગ્યા... કોઈ કશું જ બોલતું નહોતું...

મેડમએ ચીસ પાડી:
"નમકહરામો! ટુ-જી થી લઇ કોમનવેલ્થ સુધીની બાબતોમાં બધા ખાઈ-પી ને ખદડા થયા છો... નાલાયકો, તમને મેં ઉની આંચ આવવા દીધી નથી. હવે ઋણ ચુકવવાની વાત આવી ત્યારે મૂંગા માર્યા છો!" 

સીબ્બુએ કહ્યું:
"મેડમ, તમે તો એવી વાત કરો છો જાણે તમને તમારો કટ મળ્યો જ ના હોય!"

"નાલાયક! તારી પાસે જીભડી ક્યાંથી આવી ગઈ! ખ્યાલ નથી કે, આંતરિક લોકશાહી એટલે શું! લોકશાહીમાં તમારી ફરજ અને અધિકાર માત્ર સાંભળવાનો છે, કંઈ બોલશો તો એ લોકશાહીનું અપમાન ગણાશે!"  મેડમ બરાડ્યા. 

મેડમને ગરમી પકડી ગયેલા જોઈ સીબ્બુ અને ચીદુએ તિવારીને ઈશારો કર્યો અને તેને મેડમને મનાવવા સંકેત આપ્યો. તિવારીએ તેમને ટાઢા પાડવા પ્રયત્ન કર્યો ને કહ્યું: 
"મેડમ! બદનક્ષી અને માનહાનીનો દાવો તો કાલે કરી દઈએ! પરંતુ જજ સાહેબ જો એમ કહે કે, 'પહેલા પુરવાર કરો કે તમારી પાસે આબરૂ, માન અને ઈજ્જત છે!' તો શું કરીશું!"

મેડમનો ચહેરો ઝંખવાણો પડી ગયો. તેઓ બોલ્યા:
"તો મોઢામાંથી આ બધું વહેલા ફાટો ને! જાઓ! જેને જે બોલવું હોય તે બોલવા દો! લોકશાહીમાં સૌને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે!"

તેરે સુર ઔર મેરે ગીત: મદન મોહનથી જયદેવ અને નૌશાદથી રેહમાન!


૨૮ સપ્ટેમ્બર એટલે લતાનો જન્મ દિવસ. 
આ ખાસ અવસર પર પ્રસ્તુત છે એક ખાસ લેખ...




બ્રિટનની એક હોસ્પિટલમાં સંગીતકાર રાહુલ દેવ ર્બમનનું ઓપરેશન થવાનું હતું. લતા મંગેશકર તેમને મળવા ગયા. છેલ્લાં કેટલાંક દિવસોથી બેચેની અનૂભવતા પંચમદાએ કહ્યું, ‘દીદી, તમે આવી ગયા... હવે હું ઓપરેશન માટે તૈયાર છું.’ ફિલ્મીસ્તાનનાં મુખરજીએ ગુલામ હૈદરની ભલામણથી આવેલી લતાનો અવાજ રિજેક્ટ કરી દીધો... કારણ આપ્યું કે ‘આ છોકરીનો અવાજ બહુ તીણો છે!’ નૌશાદએ મૂકેશ મારફત લતાને પ્રથમ વખત મળવાનું કહેણ મોકલ્યું ત્યારે લતાએ કહ્યું કે, ‘હું ટ્રાયલ નહિ આપું!’....

દાયકાઓથી ફિલ્મોદ્યોગમાં પોતાનાં એકમેવ કંઠ થકી અનેક પેઢીઓને તરબતર કરતા રહેલા લતા મંગેશકરના જીવનમાં આવી અનેક ઘટનાઓ બની હોય એ સ્વાભાવિક છે. વિવિધ ઇન્ટરવ્યૂઝમાં અને બાયોગ્રાફીમાં એમની આવી વાતો બહાર આવતી રહી છે. પરંતુ એમાં તેમણે માત્ર વાતો ‘કહી’ હોય છે, લખી હોતી નથી. હમણાં તેમણે કદાચ પ્રથમ વખત આવા સંસ્મરણો લખ્યા છે. એ પણ કોઇ પુસ્તકમાં નહિં, બલ્કે એક કેલેન્ડરમાં!
વર્ષ ૨૦૧૧નું આ કેલેન્ડર તેમણે જાતે જ પ્રસિદ્ધ કર્યુ છે, જેનું નામ છેઃ ‘તેરે સુર ઔર મેરે ગીત’. આ કેલેન્ડરમાં તેમણે પોતે જે સંગીતકારો સાથે કામ કર્યુ છે તેમાંથી પસંદ કરીને ૨૮ સંગીતકારો સાથેનાં પોતાનાં સંસ્મરણો લખ્યા છે. ભલે એ સ્મૃતિઓ વિશે ટૂંકમાં લખાયું હોય પરંતુ તેનાં પર લતાની મહોર છે એ વાત જ તેને ખાસમખાસ બનાવે છે. ગુલામ હૈદર, શ્યામ સુંદરથી શરૂ કરી એ.આર. રેહમાન સુધીના ૨૮ સંગીતકારો સાથેનાં સંસ્મરણો ધરાવતા આ કેલેન્ડરની ખાસીયત એ છે કે, એ એક ‘કલેકટર'સ આઇટમ’ છે, બજારમાં ક્યાંય જ ઉપલબ્ધ નથી. લતાદીદીએ તેમાં અઠ્ઠાવસી સંગીતકારો વિશેના જે લખાણો લખ્યા છે તેમાંથી અહીં દસ જેટલાં સંસ્મરણો રજૂ કાર્ય છે. ઈચ્છા તો એવી હતી કે, આખા કેલેન્ડરની તમામ વાતો લખવી. પરંતુ કમનસીબે તે હાથ લાગ્યું નહિ. એટલે જ એક સાઈટ પર રજુ થયેલા આ સંસ્મરણો અહી અનુવાદ કરી મુક્યા છે. ... કેલેન્ડર સાથે અપાયેલીછપાયેલી યાદગાર તસવીરો પણ અહીં અપાઇ છે...

ગુલામ હૈદરઃ એમની એ ભવિષ્યવાણી...


૧૯૪૭માં મને એક સંદેશો મળ્યો. મોકલનાર હતાઃ માસ્તરજી, ગુલાબ હૈદર. મેસેજ હતો, ‘એક ગીતના રેકોર્ડિંગ માટે તાત્કાલીક તારી આવશ્યકતા છે, શક્ય એટલી ઝડપથી આવી જવું.’
મને સંદેશો મળ્યો ત્યારે રાત થઇ ગઇ હતી. હું સ્ટુડિયો પર મારા એક સંબંધી સાથે વ્યસ્ત હતી. માસ્તરજી બહું ઉતાવળમાં હતા કારણ કે, તેમને પાકિસ્તાન જવાનું હતું. રેકોર્ડંિગ આખી રાત ચાલ્યું. હું બેન્ચ પર બેઠી હતી... એક ખૂણામાં... મારો વારો આવે તેની રાહ જોઇ રહી હતી. છેવટે, લગભગ પરોઢીયે માસ્તરજીએ મને રેકોર્ડિંગ રૂમમાં બોલાવી. એમણે પિયાનો પર ધૂન છેડી, તેઓ પિયાનો વગાડવામાં ખેરખાં ગણાતા. અને મેં ગીત ગાયું, ‘બેદર્દ તેરે દર્દકો...’ એ વખતે સવારના આઠ થયા હતા. એ જમાનામાં ગાયકોએ આખું ગીત ઓરકેસ્ટ્રા સાથે ગાવું પડતું એ પણ એકેય ભૂલ વગર.
એ પછી માસ્તરજીએ ‘ફિલ્મીસ્તાન’માં મુખરજીને મારી ભલામણ કરી. પણ મુખરજીએ મને રિજેક્ટ કરી, એમ કહીને કે ‘મારો અવાજ બહુ તીણો છે.’ માસ્તરજીએ તેમને કહ્યું, ‘આજે તું આ છોકરીને રિજેક્ટ કરી રહ્યો છે. પણ એક દિવસ એવો આવશે જ્યારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ છોકરીનું લાલ જાજમ પાથરી સ્વાગત કરી રહી હશે.’
માસ્તરજીની ભવિષ્યવાણી સાચી ઠરી. અંદાજ, બરસાત, બડી બહેન, મહલ જેવી ફિલ્મોનાં ગીતો ઝડપભેર હિટ થઇ રહ્યાં હતા. એક દિવસ માસ્તરજીએ મને પાકિસ્તાનથી ફોન કર્યો. તેઓ મને ‘મેમસાબ’ કહી બોલાવતા. ફોનમાં તેમણે કહ્યુંઃ ‘મેમસાબ! મેં તારા વિશે ભવિષ્યવાણી કરી હતી એ મુજબ લોકો તને ક્યારેય ભૂલી શકશે નહિં. અને તું મને ક્યારેય ભૂલી જતી નહિં!’ થોડાં દિવસ પછી મારા પર નૂરજહાંનો ફોન આવ્યો કે માસ્તરજીને કેન્સર છે! સમાચાર સાંભળી મને જબરો આઘાત લાગ્યો. એમનું સ્થાન મારા માટે બહુ વિશિષ્ટ છે. એમની સાથે રેકોર્ડ કરેલું અંતિમ ગીત મને અતિ પ્રિય છે.

શ્યામ સુંદરઃ પંજાબી ગીત તો આમ જ ગવાય!


૧૯૪૬-૪૭ દરમિયાન હું માસ્તર વિનાયકને ત્યાં કામ કરતી હતી, એમની નોકરી પર હતી. એક વખત મને માસ્તર વિનાયકએ પોતાનાં દાદર નિવાસસ્થાને બોલાવી અને કહ્યું કે શ્યામ સુંદર આવ્યાં છે અને તેઓ મને સાંભળવા માંગે છે. મેં એક બંદિશ ગાઇ બતાવી. શ્યામ સુંદરનો ચહેરો ભાવશૂન્ય હતો, કોઇ જ હાવભાવ નહિં. દિવસો વિત્યા. માસ્ટર વિનાયકનું અકાળે અવસાન થયું. મારે કામની સખ્ત જરૂર હતી. એવામાં જ એક દિવસ શ્યામ સુંદરનો મારા પર ફોન આવ્યો.
બસ... એ પછી અમે સાથે ખૂબ કામ કર્યુ. એમણે મારી પાસે અનેક ગીતો ગવડાવ્યા. પણ ફિલ્મ ‘ચાર દિન’ની પેલી કવ્વાલી, ‘હસીનો કી અદાયેં ભી...’ ખરેખર લાજવાબ છે. એ એક જ કવ્વાલીમાં રફી, શિવદયાલ બાતિશ, રાજકુમારી, હમિદા, જોહરાબાઇ, ઇકબાલ જેવાં ગાયકોનો અવાજ હતો. એની સ્વર રચના પણ કપરી હતી.
અમે શ્રેણીબદ્ધ રિહર્સલ કરી રહ્યાં હતાં. એમનું સમગ્ર ધ્યાન મારા તરફ હતું. એમને શંકા હતી કે, હું પંજાબી ગીતો સારી પેઠે પરફોર્મ કરી શકીશ કે કેમ. રેકોર્ડિંગ ખતમ થયા પછી તેમણે કહ્યું કે, ‘પંજાબી ગીત ગાવું હોય તો આ રીતે જ ગાઇ શકાય, આ રીતે જ ગાવું જોઇએ!’ કેટલીક ગેરસમજોનાં કારણે અમે વચ્ચે થોડો સમય જોડે કામ ન કર્યુ. એક દિવસ અચાનક તેમનો ફોન આવ્યો, એમણે મારા માટે ખાસ એક ગીત તર્જબદ્ધ કર્યુ હતું. ‘અલિફ લૈલા’ ફિલ્મનું એ ગીત એટલે ‘તુજકો ભૂલાના મેરે બસ મેં નહિં’ જો કે એમણે તર્જબદ્ધ કરેલું ગીત, ‘સાજન કી ગલીયાં..’ (ફિલ્મઃ બાઝાર) મને એમનાં ગીતોમાંથી સૌથી વધુ ગમે છે.


નૌશાદઃ લતાની એ બહેનપણી
કોણ, જેની નકલ કરવાનું 
લતાને કહેવામાં આવતું?


મેં હજુ ગુલાબ હૈદર, શ્યામ સુંદર અને ખેમચંદ પ્રકાશ સાથે ગાવાનું શરૂ જ કર્યુ હતું ત્યાં મને ગાયક મૂકેશએ એક દિવસ કહ્યું, ‘નૌશાદ સાહેબ તને મળવા માંગે છે.’
મેં કહ્યું કે, ‘હું જઇને એમને મળી લઇશ. હા! પણ હું એમને ટ્રાયલ નહિં આપું!’ હું એક તાલીમબદ્ધ ગાયિકા હતી, ટ્રાયલ આપવાની આવશ્યકતા મને લાગતી ન હતી. મૂકેશ પણ આ વાત સાથે સહમત હતા.
અમે મળ્યા. નૌશાદ સાહેબએ મારા વખાણ કર્યા અને તાજેતરમાં જ મેં જેનું રેકોર્ડંિગ કર્યુ હોય એવી રચનાઓ ગાવાનું કહ્યું. મેં શ્યામ સુંદરની રચના, ‘ઉમ્મિદ કે રંગીન ઝૂલે મેં’ ગાઇ. નૌશાદ બહુ ખુશ થયા. એટલાં ખુશ કે, એમણે મને રૂપિયા છસ્સો (એ સમયે છસ્સો રૂપિયાની કિંમત આજનાં પચાસ હજાર જેટલી હતી!) રૂપિયા આપ્યાં. એ પછી મેં નૌશાદ સાહેબ માટુ જાદુ, દુલારી જેવી ફિલ્મોમાં ગાયું. પણ, અમારી જોડી બરાબર જામી ફિલ્મ ‘અંદાઝ’થી. ‘અંદાઝ’ના ગીતોનાં રેકોર્ડિંગ સમયે એમણે મને કહ્યું, ‘તું આ ફિલ્મનાં ગીતો ગાય ત્યારે તારી બહેનપણીને દિમાગમાં રાખજે!’
‘બહેનપણી? કઇ?’ મેં પૂછ્યું.
‘નૂરજહાં!’ એમણે જવાબ આપયો.
એટલે જ ‘અંદાઝ’ના ગીતો મેં નૂરજહાંની સ્ટાઇલમાં ગાયા છે.
મૃદુભાષી, ઉર્દુ સાહિત્યના જાણતલ. નૌશાદ એકદમ જ પરફેક્શનિસ્ટ હતાં. દરેક ગીતને હિટ બનાવવા સખ્ત મહેનત કરતા. પયગંબરની બંદગી તરીકે ગવાયેલાં તેમનાં ‘નાત’ (પયગંબર માટે ગવાતી આવી રચના) જે ‘મુઘલે આઝમ’ હતાં એ મારા હૃદયની ખૂબ નજીક છે.


મદન મોહનઃ સંગીત ઉપરાંત પણ 
તેમને સૌથી વધુ શાનો શોખ હતો?


મદન મોહન સાથેનો મારો નાતો અતિ વિશિષ્ટ કહી શકાય એવા રહ્યાં. એક ગાયક અને સંગીતકાર વચ્ચે હોય તેનાં કરતાં ક્યાંય વધુ વિશિષ્ટ અમારા સંબંધ ભાઇબહેનનાં હતાં. એક વખત તેમણે મોંઘીદાટ કાર ખરીદી. શો રૂમ પરથી સીધા જ મારા ઘેર આવ્યાં, મને કાર દેખાડી. એ દિવસે રક્ષાબંધન હતી. મારી પાસે એમણે રાખડી બંધાવી. પછી તો એ તેમનો નિયમ બની ગયો. દરેક રક્ષાબંધનના દિવસે મારી પાસે રાખડી બંધાવવા અચૂક પહોંચી જ જાય.
મને બરાબર યાદ છેઃ તેઓ નિયમિતપણે ભારતીય શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં હાજરી આપતા. જો કે, એમનો આત્મા વસતો હતો ગઝલમાં. એમનાં શ્રેષ્ઠતમ્ કમ્પોઝિશન્સ એમણે મારી પાસે ગવડાવ્યા. તેમનું ઘર મારા ઘરથી સાવ નજીક. એકબીજાનાં ઘેર નિયમિત અવરજવર રહેતી. આજે પણ એમનાં પત્ની અને સંતાનો સાથે મારે ગાઢ સંબંધો છે. મ્યુઝિક ઉપરાંત એમને રસોઇમાં પણ એટલો જ રસ. વારંવાર એ કહે, ‘આજે મજેદાર મટન કારેલા બનાવવાનો છું. આવજો!’ એમની પ્રથમ ફિલ્મ ‘આંખે’માં મને ગાવા ન મળ્યું. પરંતુ ‘મદહોશ’ પછી મેં લગભગ દરેક ફિલ્મમાં ગાયું. એમના ગીતોની યાદીમાંથી કોઇ એક ફેવરિટ ગીતનું નામ લેવું મુશ્કેલ છે. પરંતુ એમ છતાં હું કહીશ કે, ‘વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ...’ મારા હૃદયની સૌથી નજીક છે.

સજ્જાદ હુસૈનઃ સરવા કાન અને 
તીક્ષ્ણ સૂઝ ધરાવતા નોખા માનવી!


આ સંગીતકારનું વ્યકિતત્વ, તેમનું સંગીત... બધું જ સાવ અનોખું. ગવાયેલાં એકએક સૂર તેઓ બરાબર પકડી પાડતા. રેકોર્ડિંગ દરમિયાન તેમનાં કાન ભારે સરવા રહેતા. રેકોર્ડિંગ સ્ટુડિયોમાં દરેક વાજિંત્ર બરાબર ટ્યૂન થયેલું છે કે કેમ, દરેક ગાયક તેને આપેલાં સ્કેલમાં ગાય છે કે નહિં એ વિશે તેઓ એકદમ જ સાવધાન રહેતા. મેન્ડોલિન વગાડવાનાં ઉસ્તાદ એવાં આ સંગીતકારનો જન્મ પણ મારી જેમ ઇન્દૌરમાં જ થયો હતો.
એમની સેન્સ ઓફ હ્યુમર ગજબનાક. અમને સૌને તેમની વિનોદવૃત્તિથી ભારે મજા પડતી. એમને પોતાનાં સંગીત વિશે ભારોભાર ગર્વ હતો. અરેબિક સંગીતનો તેમણે સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. અમારી સાથે તેઓ હંમેશા મહેફિલ જમાવી બેસતા. જે કંઇ બોલતા, દિલથી બોલતા.
સજ્જાદનાં નામે બહું ઓછાં ગીતો બોલે છે. પરંતુ જેટલાં છે એ બધાં મોતી જેવાં છે. એમનું સ્વરબદ્ધ કરેલું ‘એ દિલરૂબા નઝરે મિલાં...’ મને ખૂબ ગમે છે.

સલિલ ચૌધરીઃ હૃદયનાથ મંગેશકર જેને 
ગુરૂ માને છે એ સંગીતકારની વાત!


‘દો બીઘા ઝમિં’ માટે મેં પ્રથમ વખત સલિલદાના નિર્દેશનમાં ગાયું. મોહન સ્ટુડિયોમાં બિમલ રોયએ એક કોન્સર્ટનું આયોજન કર્યુ હતું. હું ત્યાં ગઇ હતી અને કલાકારોનાં પરફોમન્સથી દંગ રહી ગઇ. સુકાન્ત ભટ્ટાચાર્યના અવાજમાં મેં ‘રાનાર’ અને ‘અબાક પ્રિથ્વી’ સાંભળ્યું. એકદમ અદ્ભુત. સલિલદાની બહુમુખી પ્રતિભાનો મને આ પ્રથમ પરિચય હતો. લોક સંગીત અને વેસ્ટર્ન કલાસિકલનું તેમનું જ્ઞાન અભૂતપૂર્વ હતું.
અંધેરીના તેમનાં નિવાસસ્થાને તેમણે મને બોલાવી હતી. તેઓ તેમનાં પત્ની અને પુત્રી સાથે રહેતા હતા. ત્યાં બોલાવી તેમણે મને બે બંગાળી ગીતો શીખવ્યા. ‘શાતભઇ ચમ્પા’ અને ‘ના જીઓ ના...’ આ બેઉ ગીતો પછીથી બંગાળીમાં ભારે લોકપ્રિય થયા. દર વર્ષે દુર્ગા પુજાનાં દિવસે એમનાં ઘેર હું બેઉ ગીતો ગાતી હતી. લોકો દર વર્ષે બંગાળમાં આ પ્રસંગની રાહ જોઇને બેસતા...
‘મધુમતી’નાં એમનાં ગીતો ખુબ પ્રશંસા પામ્યા. સલિલદાએ જ મને બંગાળી શીખવ્યું. હૃદયનાથ તો તેમને ગુરૂ માને છે. સલિલદાના મૃત્યુ પછી પુજા ગીતો ગાવાનું મેં બંધ કરી દીધું. આજે છેક વીસ વર્ષ પછી મેં પુજા ગીતો ગાયા છે. એમણે તર્જબદ્ધ કરેલાં બધા ગીતો ઉત્તમ છે પરંતુ મને ‘આનંદ’નું ‘ના જીયા લાગે ના...’ ખુબ ગમે છે.

ચિત્રગુપ્તઃ વાનગીઓની જ્યાફત 
અને મદ્રાસની એ ફેમિલી ટુરની યાદો!


સંગીત નિર્દેશક ચિત્રગુપ્ત એક અત્યંત શિક્ષિત અને સંસ્કારી સજ્જન હતા. મેહબૂબ સ્ટુડિયોમાં રેકોર્ડંિગ સંપન્ન કર્યા પછી એમનાં ઘેર અમારી મહેફિલો જામતી. નિતનવી વાનગીઓની જ્યાફત ચાલે. ખારમાં એમનું ઘર. એમનાં પત્ની અમારા માટે અનેક પ્રકારની વાનગીઓ બનાવે. રમુજહાસ્યની છોળો વચ્ચે બધા ખુબ આનંદ કરે.
મદ્રાસમાં રેકોર્ડિંગ હોય ત્યારે ચિત્રગુપ્ત, પ્રેમ ધવન અને દિલીપ ધોળકિયાના પરિવારો સાથે જાણે અમારી પિકનિક ગોઠવાઇ હોય એવું લાગે. મને એક પ્રસંગ યાદ આવે છેઃ રેકોર્ડિંગ દરમિયાન એમને પગમાં કોઇ તકલીફ હતી. મને ખ્યાલ આવ્યો કે, એમનાં ચંપલ તૂટી ગયા હતા. મેં એમને એ બદલી નાંખવા કહ્યું. ચિત્રગુપ્તએ કહ્યું: ‘મારા માટે આ ચંપલ શુકનિયાળ છે. એ પહેરીને રેકોર્ડિંગ કરીશ તો બધું સમૂસુતરૂં પાર પડી જશે!’ મેં કહ્યું, ‘તો તમને તમારા ગાયકો કરતાં પણ વધુ શ્રદ્ધા તમારા ચંપલ પર છે?’ અમે બહુ હસ્યા. એમણે કમ્પોઝ કરેલું ગીત ‘દિલ કા દિયા જલતે ગયા’ (ફિલ્મઃ આકાશદીપ) મને બહુ પ્રિય છે.

જયદેવઃ એમનાં હિસ્સાનાં પૈસો અને 
પ્રસિદ્ધિ એમને ક્યારેય મળ્યા નહિં!


કમ્પોઝિશનની એમને શૈલી અત્યંત આગવી હતી. જયદેવને હું ત્યારથી ઓળખું જ્યારે તેઓ એસ.ડી. બર્મનના આસિસ્ટન્ટ હતાં.
એમણે તર્જબદ્ધ કરેલાં ગીતો ગાવા એ એક પડકાર જેવું કાર્ય હતું. એમનાં નિર્દેશનમાં અન્ય ગાયકોએ ગાયેલાં પણ અનેક ગીતો મને ગમે છે. એમનાં માટે મેં નેપાલી ગીતો પણ ગાયા છે. અમારાં વચ્ચે કેટલીક ગેરસમજ હતી, જેનાં કારણે થોડો સમય અમે સાથે કામ કર્યુ નહિં. દેવ આનંદની ફિલ્મ ‘હમ દોનો’ માટે એમણે મને ગીતો ગાવા કહ્યું. મેં ના કહી દીધી. પરંતુ દેવ અને તેમનાં ભાઇ વિજય  આનંદએ ખુબ આગ્રહ કર્યો.  તેથી મેં એ ફિલ્મમાં બે ભજન ગાયાજે બહુ લોકપ્રિય થયા. તેનું ‘અલ્લાહ તેરો નામ’ તો આજે પણ લોકો ભૂલ્યા નથી.
જયદેવ એક જન્મજાત ઉત્તમ સંગીતકાર હતા. પણ, મને એ વાતનું દુઃખ છે કે, પૈસો અને પ્રતિષ્ઠા એમનાંથી દૂર જ રહ્યાં. તેઓ ક્યારેય ધનકિર્તી પામી શક્યા નહિં. એટલે સુધી કે, મધ્યપ્રદેશ સરકારએ તેમને મારા નામનો એવોર્ડ આપ્યો ત્યારે તેમણે મારી પાસે આવી કહ્યું, ‘દીદી! તમે તો મને લખપતિ બનાવી દીધો!’ એમનું ‘અલ્લાહ તેરો નામ...’ મારા હૃદયની બહુ નજીક છે.

લક્ષ્મીકાંતપ્યારેલાલઃ લતાની એ 
સલાહનાં કારણે કરિયર બની ગઇ!


હૃદયનાથ અને ઉષા સાવ યુવાન વયના હતાં ત્યારે તેઓ ‘સુરેલ કલા કેન્દ્ર’ નામની સંસ્થા ચલાવતા હતા. યુવાન પ્યારે તેમાં વાયોલિન વગાડતો હતો. દેખાવડો લક્ષ્મીકાંત ત્યારે મેન્ડોલિન વગાડતો. કે.એલ. સાયગલના ભાઇએ તેની મારી જોડે ઓળખાણ કરાવી હતી. મેં આ બેઉને અમારાં આંગણે મોટા થતા નિહાળ્યા. પછીથી તેઓ કલ્યાણજી-આણંદજી સાથે જોડાયા. થોડાં સમય પછી મેં લક્ષ્મીપ્યારેને સલાહ આપી કે, તેમણે સ્વતંત્રપણે કામ કરવાનું શરૂ કરવું જોઇએ.
એમણે મારી વાત માની. પોતાનાં પ્રથમ રેકોર્ડિંગ માટે તેમણ મને બોલાવી ત્યારે મને ૧૦૧/ રૂપિયાનો ચેક આપ્યો. મેં કહ્યું, ‘તમે માત્ર એક રૂપિયો આપશો તો પણ ચાલશે!’ સખ્ત મહેનતનાં અને આવડતનાં પ્રતાપે આ બેઉ સફળ થયા. મેં તેમની સાથે અઢળક કામ કર્યુ. અમારી વચ્ચે હંમેશા ગાઢસ્નેહભર્યા સંબંધો રહ્યાં. ‘સુનો સજના પપિહે ને...’ વાળું તેમનું ગીત મને બેહદ પસંદ છે.

હૃદયનાથઃ મંગેશકર બહેનોનો 
લાડકવાયો ભાઇસંગીતકાર!


અમારાં બધાં ભાઇબહેનોમાં હૃદયનાથ સૌથી નાનો. બધી બહેનો તરફથી તેને માતા જેવો સ્નેહ મળ્યો. એ ખરેખર એક અદ્ભુત સંગીતકાર છે. મારો ભાઇ છે એટલે હું આવું કહું છું એવું નથી.
માત્ર સત્તર વર્ષની ઉંમરે તેણે સંગીતકાર બનવાનું નક્કી કર્યુ. મેં તેના માટે ‘તિન્હી સાન્જે સખે મિલાયા’ ગીત ગાયું. હું તેની સૂઝથી દંગ રહી ગઇ. તેની પ્રથમ મરાઠી ફિલ્મ ‘આકાશગંગા’ બહુ ચાલી નહિં. પરંતુ પાછળથી તેને યુવા પેઢી દ્વારા ઘણું પ્રોત્સાહન, લોકપ્રિયતા મળ્યાં. હૃદયનાથએ મારી નોનફિલ્મી ગાયકીને નવો આયામ આપ્યો. તેણે મારી પાસે મીરા ભજન, ગ્યાનેશ્વરી, ભગવદ્ ગીતા, મરાઠી કવિતા, ગાલિબ... જેવાં અનેક વિષયો પર ગવડાવ્યું. કલાસિકલ મ્યુઝિકનાં તેનાં જ્ઞાનને કારણે મને તેનાં પર સવિશેષ ગર્વ છે. વિવિધ વિષયોનું જ્ઞાન અગાધ છે. ફિલ્મ ‘લેકિન’નું તેનું ગીત ‘સુનિયો જી’માં તેણે કલાસિકલ બંદિશ અને લોક સંગીતનું જાદુઇ મિશ્રણ કર્યુ છે.
============================================
* "અકિલા"માં પ્રકાશિત 

Saturday, September 17, 2011

નરેન્દ્ર મોદીએ છાતીમાં ભરેલા યાદગાર ટહુકાઓનો દસ્તાવેજ!


નરેન્દ્ર મોદીએ લખેલું પુસ્તક, "જ્યોતિપુંજ" અનેક દ્રષ્ટિએ અનોખું છે. સંઘના સ્વયંસેવકો મોટાભાગે લો-પ્રોફાઈલ રહેતા હોય છે, એટલે તેમના પરિશ્રમની ગૌરવગાથાઓ છપાતી નથી. રાજકીય પાંખ ભાજપમાં આવેલા સંઘના લોકોને પદપ્રતિષ્ઠા મળી જાય છે. પરંતુ ઘર-પરિવારથી દૂર રહીને જાત નીચોવી નાંખનાર અસલ હિરોના ગુણગાન કોઈ ગાતું નથી. આજે સંઘના ઘણાં લોકો હળાહળ મુડીવાદી બની ગયા છે પરંતુ કેટલાક લોકોએ જાત ઘસી, પોતાના પરસેવાથી, પર સેવાથી અને લોહી બાળી આ વડલો ઉછેર્યો છે. અહીંયા નરેન્દ્ર મોદીએ આર.એસ.એસ.ના કેટલાક એવા જ દિગ્ગજ લોકોને સલામી આપી છે.મોદી આજકાલ ચર્ચામાં છે ત્યારે આ પુસ્તકનો થોડો આસ્વાદ માણીએ... 

વર્ષો પહેલાની વાત છે. ગુજરાતના આદિવાસી વિસ્તાર સાબરકાંઠામાં સંઘનો એક અદનો સેવક સેવાની નેમ સાથે પહોંચે છે. ઈડર તથા હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નેટવર્ક ગોઠવવાની જવાબદારી તેને આપવામાં આવી હતી. ભરજુવાનીમાં જ્યારે સામાન્ય લોકોને કરિયર બનાવવાના કે જલ્દીથી સેટલ થવાના વિચારો આવતા હોય ત્યારે પરોપકારના કામ માટે યુવાનીના કિંમતી વર્ષોની આહુતિ આપી દેવા માટે એક વિશિષ્ટ સ્પીરીટની જરૂર હોય છે. હૃદયમાં જો લોકો માટે કંઈક કરી છૂટવાની નિઃસ્વાર્થ ભાવના હોય અને એ લાગણીને લક્ષ્ય સુધી પહોંચાડવાનું મનોબળ હોય તો જ આવું શક્ય બને. સંઘનો પાયો જ આવા સિદ્ધાંતો પર રચાયો હતો. ઘરપરિવારને ક્યાંય પાછળ છોડી સમગ્રા સમાજ માટે કંઈ કરી છૂટવાની કોઈ અદમ્ય ઝંખના પર નિર્માણ થયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અને સંઘના આ સંસ્કારો પેલા યુવાનની રગરગમાં જાણે રક્તકણોની માફક દોડતા હતા. એટલે જ આ યુવાન કાર્યકર સંઘના સિદ્ધાંતોનો ફેલાવો કરવા ક્યારેક હિમતનગરમાં સંઘની શાખા લગાવે. મહેનત કરી, લોકોને સંઘની મહત્તા સમજાવી થોડા બાળકોને શાખામાં ખેંચી લાવે. ક્યારેક ત્યાંથી ઈડર જવાનું હોય, બસમાં જવાના પૈસા ન હોય, પણ ત્યાં હિન્દી ફિલ્મોમાં જેમ કહેવાતું હોય છે કે ઉડાને હોંસલો સે હોતી હૈ, પંખ સે નહીં ! એમ આ યુવાન સેવક ૨૮ કિલોમીટરનો ઊંવાસ પગપાળા કાપે. ક્યારેક દોડીને તો ક્યારેક ચાલીને. એકાંતરે તેને આવું અવશ્ય કરવું પડતું. જ્યાં બસ ભાડાના પૈસા ન હોય ત્યાં હોટેલ કે ધર્મશાળામાં રહેવાનું તો સદભાગ્ય ક્યાંથી હોય ? ઈડરની કાળમીંઢ ભેખડો જ તેનું નિવાસસ્થાન બની રહેતું. વિશાળ પથ્થરોમાંથી બનેલી કુદરતી ગુફાઓમાં તેનો રાતવાસો હોય. ભોજન પણ લકઝરી ગણાતું. બજારમાંથી બાજરાનો લોટ લાવી તેને પાણીમાં પલાળી, ગટગટાવી જવાનો. મહિનાઓ સુધી આવી તપશ્ચર્યા કરી. ત્યાંથી આ યુવાનને પછી નડિયાદ જવાનું થયું. મિશન એ જ હતું: સંઘકાર્ય.

સંતરામ મંદિરમાં રહેવા માટે એક નાની ઓરડી મળી ગઈ હતી. શાખામાં આવનારા એકબે સ્વયંસેવકો શાકભાજીનો વ્યવસાય કરતા. તેઓ અવારનવાર પેલા યુવાનને કાચા શાકભાજી આપી જાય. એમને ખ્યાલ ન હતો કે એ યુવાન પાસે શાકભાજી સાથે ખાવા માટે રોટલી-રોટલાની વ્યવસ્થા હતી જ નહીં.
ઉપર આપણે જેમના વિશે વાત કરી એ વ્યક્તિ એટલે સંઘના કર્મનિષ્ઠ સેવક વસંતરાવ ચીપલોણકર. અને આ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી લિખીત અનોખા પુસ્તક ‘જ્યોતિપુંજ’માં. પુસ્તકનું વિમોચન  થયું ત્યારે મિત્ર-લેખક જય વસાવડાએ તેના વિમોચન સમારોહમાં પુસ્તક વિશે સરસ વાતો કરી હતી. નરેન્દ્ર મોદીના આ પુસ્તક માટે તેમણે કહ્યું કે, ‘‘આ પુસ્તકને પ્રચાર પુસ્તક નહીં પણ વિચાર પુસ્તક કહી શકાય. પુસ્તકમાં નરેન્દ્ર મોદીએ જેમના વિશે વાત કરી છે એ સંઘના નેતાઓને તેમણે વાજબી રીતે જ વૈષ્ણવજનો કહ્યા. તેમણે કહેલી સૌથી મહત્વની વાત: આ પુસ્તક નરેન્દ્ર મોદીએ છાતીમાં ભરેલાં યાદગાર ટહુકાઓનો દસ્તાવેજ છે.’’
છેલ્લી વાત બહુ મહત્વની છે. મોર જ્યારે ટહુકા કરતો હોય ત્યારે એ ગેલમાં હોય છે. પોતાના સૌંદર્યથી બિલ્કુલ અજાણ. આ પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે તેના લેખક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નથી પરંતુ સંઘસેવક નરેન્દ્ર મોદી છે. ‘હું’પણાનો ક્યાંય છાંટો પણ દેખાય નહીં. બિલ્કુલ ડાઉન ટુ અર્થ રહીને લખાયેલા આ પુસ્તકમાં સંઘસેવક તરીકે તેમની દીર્ઘ યાત્રાના કેટલાક યાદગાર અનુભવો છવાયેલા છે. વિશિષ્ટ વાત એ છે કે સંઘના આ અગ્રણીઓની રસપ્રદ વાતો અત્યંત સરળ ભાષામાં લખાયેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અત્યારનું મેગા સ્વરૂપ જોઈને આજની પેઢીને આશ્ચર્ય થાય છે. પણ આ આખુ માળખુ રચવા પાછળ કેટકેટલા લોકોનો પસીનો પડ્યો છે, કેટલા ત્યાગબલિદાન અપાયા છે તેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. સંઘના સ્વયંસેવકો મોટાભાગે લો-પ્રોફાઈલ રહેતા હોય છે. એટલે તેમના પરિશ્રમની ગૌરવગાથાઓ છપાતી નથી. રાજકીય પાંખ ભાજપમાં આવેલા સંઘના લોકોને પદપ્રતિષ્ઠા મળી જાય છે. પરંતુ ઘરપરિવારથી દૂર રહીને જાત નીચોવી નાંખનાર અસલ હિરોના ગુણગાન કોઈ ગાતું નથી. અહીંયા નરેન્દ્ર મોદીએ આર.એસ.એસ.ના કેટલાક એવા જ દિગ્ગજ લોકોને સલામી આપી છે.

પુસ્તકની પ્રસ્તાવનામાં જ તેઓ લખે છે: ‘‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે મને આ પરંપરામાં સંસ્કાર મેળવવાનું સૌભાગ્ય મળ્યું છે. વ્યક્તિગત રીતે મારી પોતાની ક્ષમતાને અભાવે તે સંસ્કાર ગ્રહણ કરવામાં મારી ઉણપ રહી હોય... ઘણું બધું ખૂટતું પણ હોય... પરંતુ મારી પાસે જે ઉત્તમ છે તેમાં આ સંસ્કાર સરિતાના આચમનનું ઘણું ઉંચુ મહત્ત્વ છે.
મારી આ સંસ્કારયાત્રા દરમિયાન દુનિયાને નજરે તદ્દન નાના, છતાંય ઘણાં ઊંચા જીવનોની નિકટ આવવાનો અવસર મળ્યો. તેમનો પ્રેમ, તેમની હૂંફ મારી સંસ્કારયાત્રાના પ્રેરકબળ રહ્યાં. આ જીવનોની યાદી ઘણી લાંબી છે. પરંતુ ઉપલબ્ધ સમય મર્યાદામાં કેટલાકનું પુણ્યસ્મરણ કરવાનું શક્ય બન્યું છે.
કશાંયની અપેક્ષા વગર જીવન ખપાવી દેવાની આ ઉજ્જવળ પરંપરા વિષે સમાજમાં બહુ ઓછાને ખબર છે.’



’‘જ્યોતિપુંજ’માં નરેન્દ્ર મોદીએ સંઘના પાયામાં રહેલાં કેટલાંક વ્યક્તિત્ત્વો વિષે માંડીને વાત કરી છે. કેશવરામ હેડગેવારથી લઈ પપ્પાજી તરીકે ઓળખાતા પી. વી. દોશી તથા કે. કા. શાસ્ત્રી, લક્ષ્મણરાવ ઈનામદાર, મધુરમ્ મધુકર, અનંતરાવ કાળે, ડૉ. વનીકર, બચુભાઈ ભગત, વિનોદી તળવલકર જેવા લગભગ ૧૬ મહાનુભાવોને તેમણે પુસ્તકમાં શાબ્દિક સલામ આપી છે. આમ તો આ પુસ્તકમાં દરેક પાને કેટલીક યાદગાર વાતો છે, રસપ્રદ પ્રસંગો છે. પરંતુ કેટલીક વાતો ઝડપથી ઉડીને આંખે વળગે છે. કે. કા. શાસ્ત્રી વિષે તેઓ પુસ્તકમાં લખે છે: ‘‘તેઓ જેમ મારા  પ્રત્યે પિતાતુલ્ય વાત્સલ્ય ધરાવતા હતા તેવી રીતે કયારેય મારે તેમની સાથે પુત્રની જેમ મીઠો ઝઘડો પણ થયેલો. આવો એક પ્રસંગ ખુબ રસપ્રદ છે. શાસ્ત્રીજીની વય વધતી જતી હતી છતાં તેઓ સાઈકલ છોડતા નહોતા. અમે ખૂબ વિચાર કર્યો, કોઈ યુક્તિ ફાવવા દેતા નહોતા. ૮૫ વર્ષની વયે પણ તેઓ ભો. જે. વિદ્યાભવન સાઈકલ ચલાવીને જતા હતા. એવામાં એક વાર ક્રોસીંગ પાસે શાસ્ત્રીજીની સાઈકલને અકસ્માત થયો અને ફ્રેક્ચર થયું. બસ, આ પ્રસંગનો મોકો લઈને મેં પુત્રવત્ અધિકારથી કહ્યું કે હવે સાઈકલનું હેન્ડલ પણ ભાંગી ગયું તેમ સમજજો અને તેમની સાઈકલ બંધ કરાવવાની બધાંની ઈચ્છા પુરી થઈ.
અક્ષરના આરાધકે જ્ઞાનની શક્તિ વડે જ જાણે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લોધો હશે. એકવીસમી સદીને જ્ઞાનની સદી માનવામાં આવે છે. માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. શાસ્ત્રીજીએ દાયકાઓના દાયકા સુધી જ્ઞાનની ઉપાસના કરી, એકએક શબ્દને ઓળખ્યો, માણ્યો અને અનુભવ્યો તેમજ તેનો રસાસ્વાદ પણ કરાવ્યો. આમ છતાં તેમણે ક્યારેય ભૌતિક સુખસગવડો કે આનંદપ્રમોદ માટે સમય ફાળવવાની તમા રાખી નથી. હું મુખ્યમંત્રી બન્યો પછી એક વાર શાસ્ત્રીજી વિશે વિચાર કરતો હતો કે, ‘‘આ માણસ કેવો નિઃસપૃહી છે ! પિતા તરીકેના અધિકારથી મને ગમે ત્યારે ટેલિફોન કરી શકે. આમ છતાં તેણે ક્યારેય મને કોઈની ભલામણ કે સિફારીશ કરી નથી. અથવા ‘આમ કરજે કે આમ ન કરતો, આટલું ધ્યાન રાખજે’ એવી વાત કરી નથી.
પરંતુ દરેક ગતિવિધીથી પુરેપુરા વાકેફ પણ રહેતા હોય તે વાત મને તેમના ટેલિફોન દ્વારા સમજાઈ. એક દિવસ તેમનો ફોન આવ્યો કે, ‘આજે લાડુડી મોકલાવું છું’

મે પૂછયું કે, ‘શા કારણથી ?’

તેમણે કહ્યું, ‘‘આજે વિશેષ કારણથી લાડુડી મોકલું છું.’’

મેં કહ્યું, ‘‘કેમ ?’’

તો કહે, ‘‘તું મારા માંગરોળમાં નર્મદાનું પાણી લઈ જાય છે એટલા માટે.’’

નિઃસ્પૃહ અને અકિંચન હોવા છતાં વતનપ્રેમ અને વતનના લોકોને મળતી સુવિધાથી કેવા આનંદવિભોર બની ગયા ! આ નિર્દોષ બાળસહજતાથી, સંસારમાં જળકમળવત્ રહેનાર મહર્ષિએ વતન છોડ્યાને ૬૦-૭૦ વર્ષ થઈ ગયા હશે. છતાં અમદાવાદમાં બેસીને હમવતનોને મળનારી સુવિધાનો આનંદ લઈ શક્યા એ તેમની ઉદારતા બતાવે છે.

શાસ્ત્રીજીની લાડુડીનું રહસ્ય પણ જાણવા જેવું છે. મારા જીવનમાં તેમની લાડુડી પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. હવે તેઓ જીવંત નથી એટલે બીજા કોઈ તેમને હેરાન કરવાના નથી, એટલે આ રહસ્ય જાહેર કરી દેવામાં પણ કોઈ વાંધો નથી.

અમે ઘણી યાત્રાઓ કાઢી: સોમનાથ યાત્રા, એકતા યાત્રા, ગૌરવ યાત્રા વગેરે. તે યાત્રા દરમિયાન પત્રકારો સતત એક જ પ્રશ્ન કરતા હોય છે કે, ‘‘નરેન્દ્રભાઈ, તમે થાકતા કેમ નથી ?’’ ‘‘આખા દિવસના પરિશ્રમ પછી રાત્રે નવ વાગ્યે અથવા રાત્રે અગિયાર વાગ્યે પણ કેમ તાજા દેખાઓ છો ?’’
તેનું રહસ્ય શાસ્ત્રીજીનો લાડુડીવાળો ડબ્બો છે. શાસ્ત્રીજીના મરજાદી પરિવારે મને તેમના ઘરના સભ્ય તરીકે સ્વીકારી લીધો હતો. આથી સીધો રસોડામાં બાની પાસે પહોંચી જતો. પછી હું ગમે ત્યાં હોઉં ત્યાં બા ડબ્બો પહોંચાડી દે. પણ આ પ્રસાદીનો લાભ બાએ મને છેવટ સુધી આપ્યો હતો. તેમાં તેમની અપાર કરુણા અને વાત્સલ્ય ભળેલાં હોવાથી લાડુડી ખાવાથી શરીરમાં શક્તિનો નવસંચાર થઈ જતો.’’

પુસ્તકમાં એક અલાયદુ પ્રકરણ સંઘના કર્મઠ અગ્રણી અનંતરાવ કાળે પર પણ છે. પ્રકરણની શરૂઆતમાં જ લેખક નરેન્દ્ર મોદી લખે છે: ‘‘પર્વતોની હારમાળા વચ્ચે વિશાળ વનરાજિ. કુદરતી સંપત્તિથી શોભતા રત્નાગિરિ જિલ્લાના પૂર્વ ભાગે બારેપાટણ નામનો એક નાનકડો તાલુકો છે. આશરે ૬૦ વર્ષ પૂર્વે પૂ. મહાત્મા ગાંધી અહીંના પ્રજાજનોને આઝાદી કાજે સમર્પિત જીવન જીવવાનો સંદેશો આપવા આવી પહોંચ્યા. જેમની દૂર સુધી ખ્યાતિ પહોંચી હતી એવા મહાત્માના સ્વાગત માટે ચારે તરફ ઉત્સાહનું વાતાવરણ હતું. વિશાળ શમિયાણાની સામે સભામંચ પર નેતાઓ બિરાજમાન છે. દેશનું નેતૃત્વ કરનાર આ મહાનુભાવોની વચ્ચે નજદીકના નાનકડા ગામ ઊંડીલથી બોલાવવામાં આવેલ માંજરી આંખ અને લાલગુલાબી કદાવર શરીરવાળો માંડ અગિયાર વરસની ઉંમરે પહોંચેલો એક બાળક પણ બિરાજમાન છે. હજુ સુધી કોઈનું એના તરફ ધ્યાન નથી.
મહાત્માજીના આગમન સાથે જ કાર્યક્રમનો પ્રારંભ થાય છે. આ નાનકડો બાળક પોતાના મધુર અવાજે ‘વંદેમાતરમ્’ ગીત લલકારે છે. તેના અવાજની મધુરતા, નિર્ભય વ્યવહાર સૌના આશ્ચર્યનું કેન્દ્ર બને છે.
ગીત પૂર્ણ થતાં જ મહાત્મા ગાંધી આ નાનકડા બાળકને પોતાની પાસે બોલાવે છે. પરિચય પૂછે છે. એના નાનકડા હાથ પર શોભતા સુવર્ણકડાને જોવા મથે છે. મહાત્માજીની બાજુમાં બેઠેલા એક સજ્જન આ નાનકડા બાળકને કહે છે : ‘‘મહાત્માજીને તારું આ સોનાનું કડું આપી દે.’’ એક પળનોય વિલંબ કર્યા વિના આ બાળકે પોતાના હાથનું કડું દેશોદ્ધાર  માટે મહાત્માના હાથમાં મૂકી દીધું ! મહાત્માજી સહિત સૌ બાળકની આ ભાવનાને જોઈ આશ્ચર્ય અનુભવે છે. તેઓ એક શબ્દ બોલે તે પહેલાં આ બાળક સડસડાટ મંચ પરથી નીચે ઉતરી ભીડમાં ખોવાઈ જાય છે.

પોતાના વ્યવહારથી બીજાઓનાં હૃદય પર છવાઈ જનાર આ નાનકડો બાળક એટલે સ્વ. પ.પૂ.ડૉ. હેડગેવારજીનો પ્રિય  ‘અન્તા’ અને ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સૌના પ્રિય પરિચિત શ્રી અનંતરાવજી કાળે.

એક વકતૃત્વ સ્પર્ધામાં અનંતરાવ કાળેએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે ત્યાં વીર સાવરકર હાજર હતાં. અનંતરાવજીના વક્તવ્યથી સાવરકર એટલા ઊંસણ થયા કે પોતે સામે ચાલીને તેમને મળવા ગયા. નાનકડા અનંતરાયનો પરિચય તેમણે જીવનપર્યંત ટકાવી રાખ્યો. સાવરકર જીવ્યા ત્યાં સુધી અનંતરાવ તેમને મળવા વર્ષમાં એક વખત અવશ્ય જતાં. અગાઉ આપણે જાણ્યું તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રચના સાદગી અને ત્યાગના પાયા પર થઈ છે. પુસ્તકમાં જેમના વિશે વાતો કરવામાં આવી છે, એમાંથી મોટાભાગના લોકો વચ્ચે એક સામ્ય જોવા મળે છે: સાદગી. અનંતરાવ પણ તેમાં અપવાદ ન હતાં. આપણે ત્યાં સામાન્ય રીતે રોટી, કપડા ઔર મકાનને  પ્રાથમિક જરૂરિયાત માનવામાં આવે છે. પરંતુ જેમણે સંઘના સિદ્ધાંતોને ખરા અર્થમાં પચાવ્યા હોય તેવા લોકો માટે પ્રાથમિક જરૂરિયાત રહેતી તેમનું ધ્યેય. નરેન્દ્ર મોદીએ અનંતરાવ કાળેનું એક સરસ ઉદાહરણ ટાંક્યું છે: અનંતરાવજી પાસે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પહેરવા ઓઢવા માટે ગરમ વસ્ત્રો ન હતાં. સંઘના એક અગ્રણી કોઈ કામે દિલ્હી ગયા તો વળતી વખતે અનંતરાવજી માટે ગરમ શાલ લેતા આવ્યા. એમની પાસે શાલ હતી નહીં. કોઈ સામાન્ય મનુષ્ય હોય તો રાજી થઈને શાલ પોતાની પાસે રાખી લે. પરંતુ તેઓ જુદી માટીના માનવી હતાં. પ્રથમ નજરે તેમને શાલ ગમી ગઈ હતી પરંતુ એની કિંમત વિષે જાણ્યું ત્યારે તેમને આંચકો લાગી ગયો. શાલની કિંમત ૧૦૦ રૂપિયા હતી. એ સમયના એકસો રૂપિયાનું મૂલ્ય આજના હજારો રૂપિયા જેવું થાય. લાંબો વિચાર કર્યા વગર તેમણે શાલ પેલા સજ્જનને પાછી આપી દીધી !
આજથી લગભગ સોએક વર્ષ પહેલાની વાત છે. અમદાવાદમાં એ સમયે મિલ માલિકોની શાખ એવી હતી જેવી આજે સોફટવેર કંપનીના માલિકોની હોય છે. એવા પરિવારમાંથી આવતા ડૉ. વણીકર વ્યવસાયે એન્જિનિયર હતાં. પરંતુ એમના પુત્ર વિશ્વનાથ વણીકરને એન્જિનિયર બનવામાં રસ ન હતો. ઉંચો બાંધો અને પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ ધરાવતા આ યુવાને લંડન જઈને ડૉકટર બનવાનું નક્કી કર્યું. થોડા વર્ષો ઈગ્લેંડમાં વિતાવીને તેઓ ભારત આવ્યા ત્યારે તેઓ ગુજરાતના પ્રથમ પેથોલોજિસ્ટ બન્યા. ડૉક્ટરનો વ્યવસાય આજે પણ ઉચ્ચત્તમ કક્ષાના ધન પ્રતિષ્ઠા આપે છે. એ સમય હતો જ્યારે ડૉક્ટરોનું માન આજના કરતા પણ અનેકગણું વધારે હતું. તેમના નામના સિક્કા પડતા. પણ ડૉકટર વણીકર માટે આ બધી ઝાકઝમાળનું બહુ વધુ મહત્વ ન હતું. ડૉક્ટર બન્યા બાદ પણ તેઓ સાઈકલ પર ફરવાનું પસંદ કરતાં. પરગજ્જુ જીવન ઊંવૃત્તિ અને સાલસ વ્યક્તિત્ત્વ એ એમની મૂડી. પોતાની ધમધમતી પ્રેક્ટિસ છોડીને પણ તેમણે સુખાકારી માટે એલ. જી. હોસ્પિટલની જવાબદારી સ્વીકારી. મિલ મજુરોના વિસ્તાર કહેવાતા પૂર્વીય અમદાવાદમાં તેમણે સેવાઓ પૂરી પાડવા માટે યજ્ઞ કાર્યનો આરંભ કર્યો. વર્ષો સુધી એલ. જી. હોસ્પિટલ સાથે જોડાયા પછી તેઓ નિવૃત્ત થયા ત્યારે સમાજ સેવા માટે બાકીના વર્ષો ખર્ચ કરવાનો નિર્ધાર કર્યો.

હિન્દુ સમાજને સંગઠિત કરવો, અસ્પૃશ્યતા દૂર કરવી એ એમનું મુખ્ય લક્ષ્ય હતું. વર્ષો પહેલા તેમણે સામાયિક ‘વિશ્વ હિન્દુ સમાચાર’ની શરૂઆત કરી. સમાજના ઉચ્ચ વર્ગમાં તેમના સંપકો સારા હતા. પરિષદનું કાર્ય ચલાવવા માટે ધનની વ્યવસ્થા કરવાનું તેમના માટે બહુ કપરૂ નહોતું. ધનવાનો પાસેથી તેઓ દાન મેળવી શકે એમ હતાં. પરંતુ એમનું ધ્યેય હતું સામાન્ય માનવીને સંઘના વિચારો સાથે જોડવાનું. એ માટે તેમણે દાનપેટીની યોજના બનાવી. નાનાનાના વેપારીઓ પાસે સામાયિકની નકલ મૂકવા તથા દાનપેટી મૂકવા પોતે જાતે જ જાય. દુકાનદારોને આ પત્રિકા વહેંચવા માટે સમજાવે અને કહે કે કોઈ ગ્રાહક જો દાનમાં કંઈ આપે તો પેલી પત્રિકા નિઃશુલ્ક આપવી. વેપારીઓ આનાકાની કરે તો તેઓ સમજાવે. ધીમે ધીમે એમના સંનિષ્ઠ પ્રયાસોએ પરિણામો દેખાડવાનું શરૂ કરી દીધું. તનતોડ મહેનત થકી તેમણે ગુજરાતમાં પાંચ હજાર જગ્યાએ આવી પેટીઓ મૂકાવી. ધીમેધીમે  નાનામોટા મંદિરો સ્વયં પ્રેરણાથી પોતાને ત્યાં આવી પેટીઓ મૂકવા લાગ્યા. ૧૯૬૪માં રચાયેલી સંઘની પાંખ વિશ્વ હિન્દુ પરિષદએ ડૉ. વણીકરજીની મહેનત થકી પાંચ વર્ષમાં જ ગુજરાતભરમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું. ૧૯૭૨માં તેમણે સિદ્ધપુર ખાતે હિન્દુત્વની છત્રછાયા નીચે આચાર્યો, સંતો, મહંતો, સાધુ વગેરેને આમંત્રિત કરી લાખો હિન્દુઓનું સંમેલન બોલાવ્યું. ગુજરાતમાં અગાઉ દુષ્કાળ અવારનવાર પડતો. આવા સમયે તેમની ભીતરમાં રહેલા સેવાકિય જીવને જાણે જાત જલાવીને લોકોને સુવાસ આપવાની પ્રેરણા મળતી. સાબરકાંઠા વિસ્તારના આદિવાસી ગામડાઓમાં તેઓ અઠવાડીયામાં ત્રણ-ચાર દિવસ વિતાવતા. ક્યાંક ભોજન માટે રસોડા ચલાવે ક્યાંક છાશ કેન્દ્રો.

આદીવાસી વિસ્તારોમાં સેવાકાર્યો કરતી વખતે તેમને ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. આવી પ્રવૃત્તિઓ રોકવા માટે એમણે અથાક પ્રયત્નો કર્યા. સાધુસંતોને લઈને તેઓ આવા ગામડાઓના લોકોના ઝૂંપડા સુધી પહોચી જતા અને તેમને જ્ઞાન આપતા.

અગાઉ સાઈકલ પર રઝળપાટ કરવાનું પસંદ કરતાં ડૉ. વણીકરે માત્ર સમાજ સેવા ખાતર હવે ગાડીમાં ફરવાનું નક્કી કરી લીધું હતું. પોતાની આ ગાડી તેઓ જાતે જ લઈને નીકળી પડે. સતત દોડધામના કારણે ક્યારેય થાક કે ઉંઘ લાગે તો ગાડીને રસ્તાની એક તરફ પાર્ક કરી જમીન પર સૂઈ જાય ઉંઘ ઉડે એટલે ફરી ગાડી લઈને ચાલતા થઈ જાય. રાષ્ટ્રીય સવ્યંસેવક સંઘના મુખપત્ર ગણાતા સામાયિક ‘સાધના’ની શરૂઆત પાછળ પણ ડૉ. વણીકરનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીમાં ‘સાધના’ના પ્રૂફ રીડરથી માંડીને ટ્રસ્ટીઓ સુધીના તમામ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. ડૉ. વણીકર પણ બાકાત ન હતાં. સમાજના ઉચ્ચ વર્ગના લોકો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા ડૉ. વણીકરને છોડાવવા માટે કેટલાંક મિત્રોએ લાગવગ લગાડવાની શરૂઆત કરી. ડૉ. સાહેબે જેલમાંથી જ સંદેશો મોકલાવી દીધો કે, જ્યાં સુધી દેશમાં લોકશાહીની પુનઃ સ્થાપના ન થાય ત્યાં સુધી તેઓ જેલમાંથી બહાર નહીં આવે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવકનું પ્રાંત કાર્યાલય જ્યાં બેસે છે તે હેડગેવાર ભવનનું નિર્માણ પણ એમના જ પ્રયત્નોના કારણે થયું હતું. ખરા અર્થમાં એવું કહી શકાય કે જીવનની અંતિમ ક્ષણો સુધી તેઓ અભાવથી પીડાતા લોકોની સેવા કરતા રહ્યા છે. ૭૩ વર્ષની ઉંમરે ડેડીયાપાડાના જંગલોમાં તેઓ આદિવાસીની સેવાપ્રવૃતિ માટે ગયા હતાં. ભરૂચ પાસે હાઈવે પર જીપમાંથી ઉતરીને રસ્તો ઓળંગવા જતા હતા ત્યાં જ એક મેટાડોરે તેમને હડફેટે લીધા અને એમનો જીવનદિપ બુઝાયો.

કાશીનાથજી બાગવડેનું જીવન પણ આવી રીતે લોકસેવામાં હોમાઈ ગયું. સંઘના આ પ્રખર સ્વયંસેવક જીવનના ચારચાર દાયકા સુધી લોકસેવા માટે ગામેગામ ભટકતા રહ્યા. સંઘકાર્ય તેમના માટે ધર્મકાર્ય કરતાં પણ વિશેષ હતું. શરીર એટલી દહે ઘસાયું કે જીવનનો આખરી તબક્કો અત્યંત કષ્ટદાયક બની રહ્યો. શ્રવણશક્તિ ચાલી ગઈ, હૃદયની બિમારીએ ઘર કરી, શરીરના એકએક અંગો ધીમે ધીમે કરતાં જવાબ દેવા લાગ્યા અને એક દિવસ તેઓ દુનિયા છોડી ગયા.

મૂળ તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વતની હતાં. પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિના કારણે નડિયાદમાં એક મિલમાં નોકરી કરવા આવ્યા. સંઘના કાર્યોથી પ્રભાવિત થઈ એમણે નડિયાદમાં એ કાર્ય હૃદયપૂર્વક સંભાળી લીધું. ખેડા જિલ્લામાં બહુ પ્રતિબદ્ધતાથી કામ કર્યું એટલે તેમને કચ્છની જવાબદારી સોંપાઈ. વાત આજથી લગભગ સાંઠ વર્ષ પહેલાની છે. કચ્છ જવું તો સુરજબારીથી સમુદ્રમાં થઈને હોડીનો પ્રવાસ કરવો પડતો. આજે પણ કચ્છમાં વાહન વ્યવહારના સાધનો બહુ સરળતાથી ઉપલબ્ધ નથી. તો આજથી છ દાયકા પહેલાનો સમય કેવો હશે !

દુનિયાના આ સૌથી મોટા જિલ્લાના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે આજે પણ બારેક કલાક જેવો સમય લાગી જાય છે. સાંઠ વર્ષ પહેલા કચ્છમાં મુસાફરી કરવાની ભયાનક હદે દુષ્કર હતી. આવા સમયે એમણે આખુ કચ્છ ખુંદી નાખ્યું. કચ્છના લોકો સાથે નાતો જોડવા માટે તેની સંસ્કૃતિ જાણવાનું અનિવાર્ય હતું. ભાષા પણ થોડી અલગ. હવામાન પણ વિષમ. શરીરને ભયાનક હદે કષ્ટ આપીને તેઓ સાઈકલ યાત્રા કરતાં. પગપાળા જતા. છપ્પ્નના ભુકંપ વખતે તેમણે જાત ઓગાળીને અસરગ્રાસ્તોની સેવા કરી દૂર દૂરના વિસ્તારોમાંથી તેમણે કાર્યકરોને પાવડો-ત્રિકમ લઈને બોલાવ્યા. કાર્યકરો પોતાની સાથે ત્રણ-ચાર દિવસનું ભાથુ અને સુકો નાસ્તો લાવ્યા. ઓજારસાધનો લઈને તેઓ ટુકડીઓમાં અંજાર તથા આસપાસના ગામોમાં સેવા કરવા નીકળી પડ્યા. એમનું શારીરિક કદ બહુ નાનું હતું, સાઈકલના પેડલ મારવામાં પગ પણ પહોંચતા નહોતા છતાં કચ્છના વિકટ રસ્તાઓ પર સાઈકલ દોડાવતા રહેતા.

નરેન્દ્ર મોદીએ કર્મઠ કાશીનાથજી વિષે અનેક રસપ્રદ વાતો લખી છે. છેલ્લી વાત એમના જ શબ્દોમાં: ‘‘કાશીનાથજીના જીવનમાં અદ્ભુત વ્યવસ્થાના દર્શન થતાં. જીવનનો નિત્યક્રમ, કામોની પ્રાથમિકતા, પૂર્વાયોજન, આવશ્યક માહિતી સઘળુ તૈયાર જ હોય. અત્યંત વ્યવસ્થિત જીવન એ તેમની વિશેષતા હતી. જેમ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખનારા વ્યક્તિ સવારે પ્રભુદર્શન કરે, પૂજનઅર્ચન કરે અને તેમાં કયારેય ખંડ ન પડવા દે, તેમ કાશીનાથજી સવારે ચાર-સાડાચાર વાગ્યે તૈયાર થઈ, પચાસ જેટલાં પોસ્ટકાર્ડ લઈ બેસી જાય. સૂર્યોદય થતાં પૂર્વે ગામેગામ પોસ્ટકાર્ડ દ્વારા પહોંચવાનો પ્રયાસ કરે. દરેક પત્ર અલગ હોય, સૂચના એક જ હોય, પણ કાર્યકર્તાના સ્તર પ્રમાણે તેની રજૂઆત કરી હોય. પત્રમાં માત્ર સ્વયંસેવક નહીં, તેના કુટુંબની દરેક વ્યક્તિને પોતીકાપણું લાગે તેવી લાગણીની છાંટ હોય. રોજ સવારે સ્વહસ્તે આટલા બધા પત્રો લખતા હોય, છતાં કયારેય અક્ષરોમાં મરોડ ન બદલાય, અક્ષરોમાં પણ થાક ન વરતાય. ભાષાશુદ્ધિનો આગ્રહ હોય. ઘણી વાર એમ લાગે કે સાતત્યપૂર્ણ રીતે ત્રીસ વર્ષ સુધી અખંડ રીતે કોઈ વ્યક્તિએ જાતે લાખો પોસ્ટકાર્ડ લખી સંગઠનની ગૂંથણી કરી હોય તેવી ઘટના આજના યુગમાં ‘રેકોર્ડ બ્રેક’ કરનારી લેખાય.’’

‘જ્યોતિપુંજ’માં  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આવા અનેક કર્મઠ સેવકોની વાતો કહેવામા આવી છે. સંઘના સિદ્ધાંતો માટે તથા હિન્દુત્વના જીર્ણોદ્વાર માટે અસ્તિત્વના બે-ચાર-છ દાયકાઓ ખર્ચી નાખનાર આવા પ્રતિબદ્ધ અગ્રણીઓની આ વાતો સંઘના સ્વયંસેવકો માટે તો ઉદાહરણરૂપ છે જ, સામાન્ય લોકોને પણ તેના વાંચન થકી આર.એસ.એસ.ના પાયાનો, તેની ફિલોસોફીનો તથા તેના સંઘર્ષનો ખ્યાલ આવે છે. અને એવો વિચાર પણ આવે છે કે, અત્યારે જે સંઘના લોકો છે એ તેમના પૂર્વજોને રસ્તે ચાલ્યા હોત તો આજે દેશનું ચિત્ર અલગ જ હોત.

* "અકિલા"માં પ્રકાશિત 

Wednesday, September 14, 2011

હિન્દી એ ભારતની રાષ્ટ્રભાષા નથી !


...અને તેના કરતાં પણ વધુ આંચકાજનક બાબત એ છે કે ભારતના બંધારણે અંગ્રેજીને હિન્દી કરતાં ઉચ્ચ દરજ્જો આપ્યો છે!


હિન્દી દિવસ પર વિશેષ લેખ

દોઢ-બે વર્ષ પહેલા યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પછી એક વિવાદે આખા દેશનું ધ્યાન ખેંચ્યુ. અવસર હતો ધારાસભ્યોના શપથવિધિનો અને સંઘર્ષ થયો સમાજવાદી પાર્ટીના અબુ આઝમી તથા રાજ ઠાકરેના પક્ષ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અથવા તો એમ.એસ.એસ.) વિધાનસભ્યો વચ્ચે. અબુ આઝમીએ હિન્દીમાં શપથ લેવા હતા અને એમ.એસ.એસ.નો આગ્રહ મરાઠી ભાષા માટે હતો. વિવાદ તો બહુ ચાલ્યો પરંતુ એમ.એસ.એસ.ના એક નેતાઓ આ સમય દરમિયાન એક ચેનલ પર પડકાર ફેંક્યો અને કહ્યું કે ‘સાબીત કરી આપો કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે!’ ‘રાષ્ટ્રભાષા’માં શપથ લેવાની જિદ્દ કરનાર અબુ આઝમી સહિત કોઇ રાજકારણીનું આ વાત પર ધ્યાન ન ગયું. અને જેમનું ધ્યાન ગયું એમણે પણ આ વાતે પોતાનું મોં બંધ રાખવાનું જ પસંદ કર્યુ. સવાલ એ છે કે ‘સ્ટેટસ’ શું છે,  શું હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી? બંધારણ આ વિશે શું કહે છે?

દેશના ખ્યાતનામ સાપ્તાહિક ‘ધ વીક’એ બે વર્ષ પહેલા એક વિશેષાંક બહાર પાડ્યો છે જેની થીમ છે ‘મીથ્સ ઓફ અવર ટાઇમ’. ટૂંકમાં કહીએ તો સાંપ્રત સમયની ગેરમાન્યતાઓનું તેમાં પુરાવાઓ સાથે ખંડન કરવામાં આવ્યું છે. હકિકત એ છે કે ભારતનાં બંધારણે હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપ્યો નથી. એટલે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી અને નથી જ. બંધારણના આર્ટિકલ ૩૪૩ મુજબ હિન્દી એ આપણી કેન્દ્ર સરકારની ‘ઓફિશિયલ’ ભાષા છે! મુદ્દો સમજવા જેવો છે. આ વ્યાખ્યાનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર દ્વારા વહિવટી કામકાજમાં જે ભાષાનો ઉપયોગ કરવાનું ફરજીયાત હોય એને ‘ઓફિશિયલ’ લેંગ્વેજ કહેવાય. કોઇને થશે, કે તો પછી કેન્દ્ર સરકારનો વહિવટ અંગ્રેજીમાં પણ શા માટે ચાલતો હોય છે? વેલ, આપણાં બંધારણે અંગ્રેજીને પણ હિન્દી જેવો જ (ઓફિશિયલ લેંગ્વેજ) દરજ્જો આપેલો છે! એટલે જ આપણે ત્યાં બેન્કો અને ભારત સંચાર કે તેનાં જેવાં કેન્દ્ર સરકાર હસ્તક આવતા વિભાગોનું તમામ સાહિત્ય હિન્દી અને અંગ્રેજી એમ બેઉ ભાષામાં ઉપલબ્ધ હોય છે.

આપણું બંધારણ અમલમાં આવ્યું એ દિવસથી ૧૫ વર્ષ સુધી (જાન્યુઆરી- ૨૫, ૧૯૬૫) અંગ્રેજીને ઓફિશિયલ લેંગ્વેજ ગણવાની તથા તમામ પત્રવ્યવહાર વગેરે અંગ્રેજીમાં કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. બંધારણે દેશના રાષ્ટ્રપતિને એવી સત્તા આપી હતી કે ૨પ જાન્યુઆરી ’૬૫ પછી પણ જો તેઓને આવશ્યકતા જણાય તો ઈંગ્લિશનો ઉપયોગ (અધિકૃત ભાષા તરીકે) ચાલુ રાખી શકે. બન્યું પણ એવું જ. દક્ષિણનાં રાજ્યો, પૂર્વ, ઉત્તરપૂર્વ (અને પશ્ચિમ ભારતનાં કેટલાંક રાજ્યો)ના રાજ્યોએ હિન્દીમાં ખાસ રસ લીધો નહીં એટલે સંસદમાં પછી, હિન્દી અને અંગ્રેજી બેઉને ઓફિશિયલ લેંગ્વેજ ઘોષિત કરતો કાયદો (ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ) બનાવવો પડ્યો.

ઉપરની વિગતો વાંચ્યા પછી પણ ‘રાષ્ટ્રભાષા’ અને ‘કેન્દ્રની અધિકૃત ભાષા’ વચ્ચેનો તફાવત ન સમજાયો હોય તો જાણી લો કે હિન્દી અને અંગ્રેજીનો ઉપયોગ કેન્દ્ર સિવાય કોઇને બંધનકર્તા નથી. વાંચીને આંચકો લાગી જાય એવી વાત તો એ છે કે કેન્દ્ર દ્વારા બનાવાયેલા કોઇ એક જ ડ્રાફ્ટની હિન્દી અને અંગ્રેજી નકલોના લખાણ વચ્ચે અર્થભેદ હોય તો એવાં સંજોગોમાં અંગ્રેજીના લખાણને અધિકૃત માનવાનું પણ આ કાયદામાં કહેવાયું છે. એક રીતે જોઇએ તો, આપણાં બંધારણે અંગ્રેજીને હિન્દી કરતાં પણ ઉંચો દરજ્જો આપ્યો છે.

સવાલ એ છે કે, જો હિન્દી અને અંગ્રેજી ભારતની કેન્દ્ર સરકારની અધિકૃત ભાષા માત્ર હોય તો પછી ભારતની રાષ્ટ્રભાષા કઇ છે? કમનસિબે જવાબ એ છે કેઃ કોઇ એક ભાષા નહીં! ભારતનું બંધારણ અમલમાં આવ્યું એ પછી પાંચ વર્ષે રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારને એક સમિચિ રચવાનું સૂચન કર્યુ. આ વિષય પર ‘બી.જી. ખેર કમિશન’ નામની એક સમિતિની રચના થઇ. આ પંચે ખાસ્સું કામ કર્યુ. તેમણે પોતાની ભલામણો તત્કાલિન ગૃહમંત્રી જી.બી. પંતને સોંપી અને પંતે તેમાંની ભલામણોને આખરી ઓપ આપ્યો.

સપ્ટેમ્બર ૧૯૫૯માં સંસદમાં આ મુદ્દે ચર્ચા ચાલી ત્યારે નેહરૂએ સંસદમાં આશ્વાસન આપ્યું કે ‘દેશમાં અંગ્રેજીના ઉપયોગ સામે કોઇ વાંધો લેવાશે નહીં, અંગ્રેજીનો ઉપયોગ બંધ કરવા કોઇ નિશ્ચિત સમયસીમા રાખવામાં નહીં આવે અને ભારતની તમામ ભાષાઓને એક સરખો દરજ્જો મળશે અને આ બધી જ ભાષાઓ રાષ્ટ્રભાષા ગણાશે!’

બંધારણ મુજબ જોઇએ તો દેશમાં અત્યારે કુલ બાવીસ રાષ્ટ્રભાષાઓ છે! આસામમાં બોલાતી આસામી અને બોડો તો બંગાળમાં બોલાતી બંગાળી, જમ્મુ તરફની ડોગરી અને કાશ્મીરની કાશ્મીરી આપણી રાષ્ટ્રભાષા છે. તો ગોવા તરફથી બોલાતી કોંકણી, ગુજરાતની ગુજરાતી, સાઉથની તમિળ, તેલૂગુ, કન્નડ, મલયાલમ તથા મણિપુરમાં બોલાતી મણિપુરી પણ આપણી રાષ્ટ્રભાષા છે. મરાઠી, પંજાબી, સિંધી, ઉર્દુ, સંથાલી અને ઓડિયા પણ ભારતની રાષ્ટ્રભાષા છે અને ક્યાંય નહીં બોલાતી સંસ્કૃત પણ રાષ્ટ્રભાષા જ છે! વધુ અર્થપૂર્ણ રીતે કહેવું હોય તો કહી શકાય કે ભારતમાં બાવીસ-બાવીસ રાષ્ટ્રભાષા હોવા છતાં એકપણ રાષ્ટ્રભાષા નથી! કોઇ એક ભાષા એવી નથી કે જે દેશનાં દરેક ખૂણે એટલીસ્ટ સમજી શકાતી પણ હોય. ઘણાં રાષ્ટ્રભક્તો કહેશે કે એનું નામ અનેકતામાં એકતા! પણ સત્ય એ છે કે અહીં માત્ર અનેકતા જ છે, એકતા નહીં.

ભાષા એ કોઇપણ રાષ્ટ્રના લોકોને જોડતું સૌથી સક્ષમ અને અસરકારક માધ્યમ છે. કોઇ એક વ્યકિત જો બીજી વ્યકિતની ભાષા જ ન સમજે તો તેમની વચ્ચે લાગણીનો તંતુ બંધાય કેવી રીતે? નેહરૂની કમજોર નિર્ણયશકિતના પાપે આપણને રાષ્ટ્રભાષા ન મળી તેનાં પરિણામે જ કરૂણાનિધિઓ અને રાજ ઠાકરેઓ ફુટી નીકળ્યાને! કોઇ એક રાષ્ટ્રભાષા આપણને મળી હોત તો કદાચ આજે દેશનાં રાજ્યો વચ્ચેનું માનસિક અને આત્મિક અંતર ઓછું હોત. પછી ભલે ને એ ભાષા અંગ્રેજી જ કેમ ન હોય!

Free Hit:


*સિગારેટને હિન્દીમાં શું કહેવાય? 
જવાબ: શ્વેત વસ્ત્રધારિણી ધુમ્રપાન દંડિકા 

* બટનને હિન્દીમાં શું કહેવાય? 
જવાબ: અસ્ત-વ્યસ્ત વસ્ત્ર નિયંત્રક.


*ટ્રેનને હિન્દીમાં શું કહેવાય? 
જવાબ: લોહ પથ ગામિની. 


*... અને ક્રિકેટને? 
જવાબ: ગોલગટ્ટમ લક્કડપટ્ટમ તડાતડ માર પ્રતિયોગીતા. 


* "અકિલા"માં પ્રકાશિત 

Monday, September 12, 2011

લાદેનનો ખાત્મો એટલે અમેરિકન ગુપ્તચર તંત્ર, અમેરિકન દેશદાઝ અને અમેરિકન પ્રતિબદ્ધતાનો વિજય



ઓસામાને હણવાનું ઓપરેશન પાર પાડનાર અમેરિકાની
જાંબાઝ સૈન્ય પાંખ: નેવી સીલ કમાન્ડો 


લાદેન ખતમ થયા પછી પ્રથમ જ વખત કેટલીક એવી વિગતો બહાર આવી છે, જેના કારણે અમેરિકાના એ આખા ઓપરેશન વિશે ખ્યાલ આવી શકે. તાજેતરમાં જ  પ્રકાશિત થયેલી આ રોમાંચક માહિતી વાંચ્યા પછી ખ્યાલ આવે છે કે, દેશના દુશ્મનોને ખતમ કરવા હોય તો કેટલી હદની પ્રતિબદ્ધતા અને તૈયારીઓ જોઇએ. ઓબામાએ ગાદી સંભાળી ત્યારથી લઇને લાદેનના ખાત્મા માટેનું આયોજન કેવી રીતે થયું? લેખમાળાના પ્રથમ ભાગમાં આપણે આ ઓપરેશનની કેટલીક અત્યંત રોચક વાતો જાણી હતી. બીજો અને અંતિમ ભાગ આ રોમાંચક દાસ્તાનને તેના અંજામ સુધી આગળ વધારે છે...

(ભાગ- ૨ )


પ્રેસિડેન્ટ તરફથી સૂચના મળ્યા પછી મેકરેવન પાસે ઓપરેશનની તૈયારીઓમાં વિલંબ કરવાનું કોઇ કારણ ન હતું. વ્હાઇટ હાઉસમાંથી નીકળ્યા પછી તેમણે પહેલું કામ કેટલાંક અગત્યના ફોન કોલ કરવાનું કર્યુ. હવે, તેમણે એક મજબુત ટીમ બનાવવાની હતી અને ઝડપભેર એક અદ્ભુતપૂર્વ ઓપરેશનને અંજામ આપવાનો હતો. બ્રાયન જેમ્સ તથા માર્કને તેમણે બે ડઝન જેટલા ચુનંદા સીલ કમાન્ડો પસંદ કરવાની સૂચનાઓ આપી દીધી. ગણત્રીના દિવસોમાં ૨૪ સીલ કમાન્ડો રેડ સ્કવોડ્રનમાંથી અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલા ગાઢ જંગલોમાં વિશિષ્ટ ઓપરેશનની અતિ વિશિષ્ટ તાલીમ મેળવવા પહોંચી ગયા હતાં. હા! જેમ્સ અને માર્ક સિવાય ત્યાં હાજર રહેલા કોઇપણ વ્યકિતને ઓપરેશનની વિગતો વિશે ખ્યાલ ન હતો.  સી.આઇ.એ.ના અન્ય કોઇ અધિકારીઓને પણ આ અંગે માહિતી ન હતી. અમેરિકાના ઇતિહાસના સૌથી યાદગાર અને દિલધડક ઓપરેશનમાં સામેલ થવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું છે એ અંગે તેઓ હજુ અજાણ જ હતાં.
નોર્થ કેરોલિનાની એ સાઇટ પર લાદેનના એબોટાબાદના ઘરની એક પ્રતિકૃતિ બનાવવામાં આવી.  ફળીયુ પણ અસલ એવું બનાવાયું હતું અને કમ્પાઉન્ડ હોલની ઉંચાઇ એટલી જ રાખવામાં આવી હતી જેટલી એબોટાબાદના પેલા ઘરમાં હતી. ૧૦ એપ્રિલથી ૧૭ એપ્રિલ સુધી કેરોલિનાના જંગલોમાં આ વિશિષ્ટ શિબિર ચાલતી રહી. ૧૮ એપ્રિલના દિવસે નોર્થ કેરોલિનાની એ સાઇટ પરથી તમામ કમાન્ડોને નેવાડાની એક સાઇટ પર વધુ અભ્યાસ માટે લઇ જવામાં આવ્યા. એબોટાબાદથી જલાલાબાદનું જેટલુ અંતર છે એટલા જ અંતર પર નેવાડાથી દૂર જલાલાબાદના રનવે જેટલી જ લંબાઇનો એક રનવે તૈયાર કરાયો. નેવાડાની આ સાઇટ પર લાદેનની હવેલી જેવા જ સર્વન્ટ કવાર્ટર અને ઢોરવાડો વગેરે પણ ઉભા કરાયા હતાં. સુરજ ઢળે કે દરરોજ અહીં ઓપરેશનનું રિહર્સલ શરૂ થતું. દિવસો સુધી પ્રેકટીસ કર્યા પછી હવે તેમનો માસ્ટર પ્લાન તૈયાર હતો. અગાઉ વિચારાયેલી યોજનામાંથી કેટલીક બાબતોનો છેદ ઉડી ગયો હતો અને નવી કેટલીક બાબતો ઉમેરાઇ હતી. છેવટે રિહર્સલનું પ્રયોજન જ એ હતું કે, આવી મોકડ્રીલના કારણે સંભવિત જોખમો, મુશ્કેલીઓ તથા આયોજનોનો અંદાજ આવી શકે. એસોલ્ટ પ્લાન હવે તૈયાર હતો.  યોજના મુજબ એક હેલિકોપ્ટરે હવેલીના ફળીયામાં બે દોરડા ઉતારવાના હતાં, જેમાંથી બાર કમાન્ડો ફટાફટ  ઉતરી જશે તેવું આયોજન હતું. બીજા હેલિકોપ્ટરમાંથી સૌપ્રથમ ફળીયાના એક ખુણામાં પેલા દુભાષિયા અહેમદને તથા શ્વાન કૈરોને ચાર કમાન્ડો સાથે ઉતારવાના હતાં. એમની જવાબદારી ઉતરતાવેંત જ આખા ચોગાનનું નિરીક્ષણ કરવાની અને તેની જડતી લેવાની હતી. હેલિકોપ્ટરમાં રહેલા બાકીના છ કમાન્ડોને હવેલીની અગાશી પર ઉતારવાના હતાં. ઓપરેશન ચાલુ હોય ત્યારે આસપાસના લોકો ઉત્સુકતાથી ત્યાં ધસી આવે તો એમને સ્થાનિક ભાષામાં સમજાવીને રવાના કરવાની જવાબદારી એહમદને સોંપાઇ હતી.  પેલા શ્વાન કૈરોનો રોલ બહુ અગત્યનો હતો. હવેલીની અંદર જો છુપુ ભોંયરૂ કે ફોલ્સ વોલ (પ્લાસ્ટર ઓફ પેરિસ કે તેના જેવા મટિરીયલ દ્વારા બનેલી કાચી દિવાલ) હોય તો એ તેણે શોધી કાઢવાનુ હતું. પ્લાન જડબેસલાક હતો. પરંતુ મિલિટરી ઓપરેશનમાં બધુ ધાર્યુ પાર થતું હોત તો જગતમાં દરરોજ સેંકડોહજારો ઓપરેશનો થવા લાગે.
લાદેન સામેના ઓપરેશનમાં મહત્વનો ભાગ ભજવનાર, ચિનુંક્સ હેલિકોપ્ટર 


૨૧ એપ્રિલની રાત્રે તાલીમ સ્થળ ઉપર એક ખાસ પ્લેન આવી પહોંચ્યું. આ હવાઇ જહાજમાં કેટલાક અગત્યના મહેમાનો હતાં. ચેરમેન ઓફ ધ જોઇન્ટ ચિફ્સ એડમિરલ માઇક મુલેન, ઓસલોન મેકરેવન તથા સી.આઇ.એ.ના કેટલાંક પ્રથમ હરોળના અધિકારીઓ એ પ્લેનમાંથી ઉતર્યા અને બ્રાયન જેમ્સ તથા માર્ક સાથે અત્યંત અગત્યની બેઠક શરૂ થઇ. પાયલોટ્સ દ્વારા એક ખાસ પ્રેઝન્ટેશન તેમને દેખાડવામાં આવ્યું. જેમાં સંભવિત ઓપરેશનની વિગતો હતી અને ઓપરેશનને નામ અપાયુ હતું: નેપ્ચ્યુન્સ સ્પિયર.
મહેમાનોમાંથી એક મહાનુભાવે કહ્યું કે, ‘પ્લાનીંગ તો જડબેસલાક છે, પરંતુ જો આસપાસના રહિશો ઓપરેશનમાં કોઇ વિઘ્ન ઉભું કરે તો શું કરીશું? શું આપણે સામાન્ય નાગરિકો પર ગોળીઓ ચલાવવાની તૈયારી રાખી છે?’ એમના સવાલોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા. અને બે દિવસ પછી તમામ નેવી સીલ કમાન્ડો વર્જિનિયામાં આવેલા તેમના મથક ડેમનેક પર પાછા પહોંચી ગયા હતાં. એપ્રિલની ૨૬ તારીખ. ડેમ નેક નજીક આવેલા ઓશિયાનામાં સ્થિત નેવલ એરસ્ટેશન પર બોઈંગ કંપનીનું સી-૧૭ ગ્લોબ માસ્ટર હવાઇજહાજ ઉભુ હતું. જોશ અને મર્દાનગીથી છલોછલ બે ડઝન નેવી સીલ કમાન્ડો મક્કમ ગતિએ એરસ્ટેશનમાં પ્રવેશ્યા અને પોતાનો ખતરનાક સરંજામ લઇને એરક્રાફ્ટમાં સ્ફુર્તિથી ગોઠવાઇ ગયા. ઓસિયાનાથી હવાઇજહાજ હવે ઉડાન ભરી ચૂક્યુ હતું અને જેટ ગતિએ તે એશિયાના આ અશાંત પ્રદેશ તરફ આગળ વધી રહ્યુ હતું. મુસાફરી બહુ લાંબી હતી અને બ્રેક અનિવાર્ય. જર્મનીના રેમસ્ટેઇન એરબેઝ પર તેમણે ઈંધણ ભરવા માટે ઉતરાણ કર્યુ અને ગણત્રીની કલાકોમાં ત્યાંથી અફઘાનિસ્તાન તરફ પ્રયાણ કર્યુ. કલાકોની મુસાફરી પછી કાબુલની ઉત્તરે આવેલા બાગ્રામ હવાઇઅડ્ડા પર તેમના બોઈંગનું આગમન થઇ ચુક્યુ હતું. રાત્રે ત્યાં જ આરામ કરીને બીજા દિવસે બુધવારની સવારે તેઓ જલાલાબાદ માટે રવાના થઇ ગયા.
એ જ દિવસે વોશિંગ્ટનમાં પેનેટાએ લગભગ એકાદ ડઝન જેટલા સી.આઇ.એ.ના ટોચના અધિકારીઓને આખરી ઓપરેશનથી માહિતગાર કર્યા. તેમણે પેલા અધિકારીઓને પુછ્યું કે, એબોટાબાદના એ ઘરમાં લાદેન હોવાની શક્યતા પર એ બધાને કેટલા ટકા વિશ્વાસ છે. આંકડો ચાલીસથી પંચાણુ ટકાની વચ્ચે હતો. જો કે, અધિકારીઓના અભિપ્રાય કદાચ ગમે તેવા હોય પણ ઓપરેશન હવે અંજામ પર પહોંચવાનું હતું તે વાતમાં કોઇને શંકા ન હતી. એક દિર્ઘ બેઠક પછી પેનેટાએ તથા તેમના સાથીઓએ કેટલીક અત્યંત મહત્વપૂર્ણ વિગતો ટપકાવી લીધી.
બીજા જ દિવસે પેનેટા પોતાના સાથીઓને લઇને વ્હાઇટ હાઉસ પહોંચી ગયા હતાં. પ્રેસિડેન્ટ ઓબામાને તેમણે કેટલીક હકીકતોથી વાકેફ કર્યા.  પેનેટાની ટીમના અભિપ્રાય મુજબ આવનારા કેટલાક દિવસો અંધારીયાના હતાં અને હૂમલા માટે આના કરતા વધારે બહેતર સમય પસંદ કરવાનું ખરેખર મુશ્કેલ હતું. ઓબામા સહિત કેટલાંક ટોચના લોકો  આ હૂમલો કરતા અગાઉ લાદેનની ત્યાં હાજરી હોવા વિશે ચોક્કસ થઇ જવા માંગતા હતાં. એ મકાન પર અમેરિકા દ્વારા હૂમલો થાય અને કોથળામાંથી બિલાડુ નીકળે તો જગતભરમાં અમેરિકાનું ગુપ્તચર તંત્ર અને ત્યાંની સરકાર ઠઠ્ઠાને પાત્ર ઠરે. બીજી તરફ આ ઓપરેશનમાં હવે વિલંબ કરવો એ તેમને પાલવે તેમ ન હતું. કારણ બહુ સ્પષ્ટ હતું. ન કરે નારાયણ અને આટલા મહત્વપૂર્ણ ઓપરેશનની માહિતી જો લીક થઇ જાય તો વર્ષોની મહેનત પાણીમાં જાય. ઓબામા સમક્ષ આ તમામ બાબતો રજુ કરવામાં આવી હતી. અધિકારીઓની વાત પુરી થયા પછી થોડી પળો સુધી  પ્રેસિડેન્ટ કોઇ વિચારોમાં ખોવાઇ ગયા. બે પળની ખામોશી અને ચેમ્બરમાં છવાઇ ગયેલી ઉત્સુકતા. ‘આજે રાત્રે સુતી વખતે હું આ બાબત પર ગંભીર ચિત્તે વિચાર કરી જોઇશ. અને બહુ ઝડપથી મારો નિર્ણય તમને જણાવીશ.’ ઓબામાએ કહ્યું અને બેઠક પૂર્ણ થઇ.
સાંજના ૭ વાગ્યે મિટીંગ પૂર્ણ કર્યા પછી મોડી રાત્રે બરાક ઓબામા પથારીમાં પડ્યા ત્યારે એમનું દિમાગ સતત જલાલાબાદથી એબોટાબાદ વચ્ચે ચકરાવા લઇ રહ્યુ હતું. એક મહાન લોકશાહીના  પ્રથમ કક્ષાના નેતાને થવી જોઇએ એવી ચિંતાઓ તેમને થતી હતી. એક મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખને જેવા મક્કમ વિચારો આવવા જોઇએ તેવા જ વિચારોથી તેમના દિમાગની નસો જાણે ધ્રુજી રહી હતી. પથારીમાં પડ્યા પછી જે દેશનો પ્રમુખ રાષ્ટ્રીય સલામતીની ચિંતા કરતો હોય અને સામાન્ય જનની લાગણીઓને યથાર્થરૂપ આપવા માટે મથામણ કરતો હોય તો જાણવું કે, એ ધરતી પૂણ્યશાળી છે. ગૌ માતાઓની પુજા કરવાથી કે ગંગાના સૌગંદ ખાવાથી કોઇ દેશ મહાન બની જતો નથી. ઉંઘ અને ઉંઘ વચ્ચે તફાવત છે. દરેક રાષ્ટ્ર પ્રમુખે રાત્રે પથારીમાં પડીને પહેલો વિચાર એ કરવો જોઇએ કે, ‘આજે મેં મારા દેશવાસીઓને છેતર્યા તો નથી ને? આજે મારાથી કંઇ ભુલ થઇ હશે તો તેનું પ્રાયશ્ચિત આવતીકાલે અચૂક કરીશ.’ મનમોહનસિંહો જ્યારે આવો વિચાર કરવા માંડશે ત્યારે તેમની રાતોની ઉંઘ આપમેળે જ હરામ થઇ જશે અને અંતરાત્મા - જો હોય તો-એટલો ડંખશે કે બીજા દિવસે પ્રજાના કામ કર્યા વગર તેમને ચાલશે નહિં.  પછી એમને કોઇ બાંયલા કે ગુલામ નહિં કહે પણ એક મજબુત નેતા તરીકે તેમની તરફ માનપૂર્વક જોશે. જે દેશનો રાષ્ટ્રનેતા ઓશિકે માથુ ટેકવ્યા વેંત જ ઘોરવા માંડે છે એ દેશનું કિસ્મત પણ જાગતું નથી. રાષ્ટ્રીય સલામતી ત્યાં એક મજાકથી વિશેષ કશું હોતી નથી અને જાહેર જીવનમાં સ્વચ્છતાને બદલે ચોમેર ગંધાતા ઉકરડાઓ જ નજરે પડે છે.
બીજા દિવસનું પ્રભાત થયું અને ઓબામાને પોતાના ભીંતરથી જ કોઇએ ઢંઢોળ્યા. ઝડપભેર ઉઠીને તેઓ દિનચર્યાએ વળગ્યા, પણ દિમાગમાં વિચારોના વાદળો હજી ગોરંભાયેલા હતાં. વહેલી સવારે તેમને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટોમ ડોનીલોનને બોલાવ્યા. તેમની સાથે ડેની મેકડોનોને પણ બોલાવાયા હતાં. ઓબામાએ પોતાનો ફેંસલો તેમને સંભળાવી દીધો. અને જણાવી દીધું કે મેકરેવન  જ ઓપરેશનની રાત પસંદ કરશે. શુક્રવારે રાત્રે હૂમલો કરવો હોય તો તૈયારીઓ માટે સમય બહુ ઓછો હતો. શનિવારે આકાશમાં બહુ વાદળો હશે તેવું સેટેલાઇટ પિકચર્સથી જણાતુ હતું. એટલે બે દિવસ મોડુ કરવા સિવાય બીજો કોઇ આરો ન હતો. શનિવારની બપોરે ઓબામાની ઓફિસ પર મેકરેવનનો કોલ આવ્યો. જેમાં તેમણે પ્રેસિડેન્ટને જણાવ્યું કે, હૂમલા માટે રવિવારની રાત નક્કી કરવામાં આવી છે. ઓબામાએ બે જ લીંટીઓ કહી પણ એમાં તેમની ભીંતરની મજબુતાઇ પડઘાતી હતી. મેકરેવનને તેમણે કહ્યું કે, ‘ઇશ્વર તમારી અને તમારા જવાનોની સાથે છે અને તમારા કમાન્ડોને ખાસ મારો સંદેશ પહોંચાડજો કે, તેમની ઉમદા સેવાઓ માટે હું તેમનો અંગત રીતે અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. તેમને એમ પણ કહેજો કે, આખા ઓપરેશનમાં હું માનસિક રીતે સતત તેમની સાથે છું.’

દેશના સૌથી મોટા દુશ્મન ના મોતના સમાચાર જાણવા આતુરતાપૂર્વક
વોર રૂમમાં બેઠેલા ઓબામાની યાદગાર, ઐતિહાસિક તસ્વીર: ભારતના વડાપ્રધાન અને  ગૃહપ્રધાન અને વિદેશ મંત્રી આવી રીતે દાઉદ કે સલાહુદ્દીન અથવા હાફિઝ સઈદના મોતનું ઓપરેશન નિહાળી રહ્યા હોય એવો સોનેરી સુરજ ભારતમાં  ક્યારેય ઉગશે ખરો?
 રવિવારની સવારે વ્હાઇટ હાઉસનો સિચ્યુએશન રૂમ રીતસર વોરરૂમમાં ફેરવાઇ ગયો હતો. સવારના અગિયાર વાગ્યે ઓબામાએ એડમિનિસ્ટ્રેશનના ટોચના સલાહકારો કોન્ફરન્સ ટેબલની આસપાસ ગોઠવાઇ ગયા. એક વિડિયો લીંક દ્વારા સી.આઇ.એ. હેડકવાર્ટરના પેનેટાને તથા અફઘાનિસ્તાન સ્થિત મેકરેવનને વ્હાઇટ હાઉસ સાથે જોડી દેવામાં આવ્યા. બ્રિગેડીયર જનરલ માર્શલ વેબ પડખેની જ એક ઓફિસમાં પોતાનું લેપટોપ ખોલીને બેસી ગયા, જેમાં તેમણે એકાદ ડઝન જેટલી ચેટ વિન્ડો ખોલી નાંખી હતી. પાકિસ્તાનના ઇસ્લામાબાદના અમેરિકી દુતાવાસ સાથે પણ તેઓ સંપર્કમાં હતાં, સી.આઇ.એ. સાથે પણ હતાં અને જલાલાબાદ સ્થિત અધિકારીઓ સાથે પણ ખરાં. એબોટાબાદના ખામોશ આસમાન પર તે સમયે ૧૬ હજાર ફુટની ઉંચાઇ પર એક ઉડનખટોલો ચકરાવો લઇ રહ્યો હતો. RQ-૧૭૦ ડ્રોન નામનું આ ટચુકડુ વિમાન અમેરિકી ભાથાનું એક અમોઘ શસ્ત્ર છે. માનવરહિત આ ડ્રોન વિમાન એબોટાબાદના પેલા મકાનની તથા આજુબાજુના વિસ્તારની પળપળની તસ્વીરો વ્હાઇટ હાઉસ સુધી જીવંત પ્રસારણ દ્વારા પહોંચાડી રહ્યુ હતું. તેના ફુટેજ રિયલ ટાઇમ હતાં, તેથી એમ કહી શકાય કે, જે ક્ષણે એબોટાબાદમાં એક ઘટના બને એ જ ક્ષણે વ્હાઇટ હાઉસમાં તે જોઇ શકાતી હતી.
પ્રેસિડેન્ટ ઓબામાને ક્યાંય ચેન પડતુ ન હતું.  ચોવીસ વર્ષનો કાચો કુંવારો છોકરો પરણવા જતો હોય ત્યારે લગ્નના દિવસે સવારે તેના પેટમાં જેવા પતંગિયા ઉડતા હોય તેવી જ હાલત ઓબામાની પણ હતી. ઓસામાનું જો મોત સાથે મિલન થાય તો એ રાત્રિ ઓબામા માટે મધુરજની જેટલી જ યાદગાર બની જાય તેમ હતું. પરિસ્થિતિ સામાન્ય છે તેવું દર્શાવવા અને પોતાની બેચેની હળવી કરવા માટે તેઓ એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પર ગોલ્ફ રમવા પહોંચી ગયા. દોઢેક કલાક સુધી નાઇન હોલ ગોલ્ફ રમ્યા બાદ બપોરના બે વાગ્યા આસપાસ વ્હાઇટ હાઉસ પાછા પહોંચ્યા. એમના પુનરાગમન પછીની અડધી કલાક બાદ જલાલાબાદથી પેલા બે બ્લેક હોક્સ રવાના થઇ ગયા હતાં. લગભગ ૪ વાગ્યાની આસપાસ પેનેટાએ ત્યાં હાજર લોકોને જાણ કરી કે, બેઉ એરક્રાફ્ટ હવે એબોટાબાદ પહોંચવાની તૈયારીમાં છે. ઓબામાએ કહ્યું, ‘મારે આખું ઓપરેશન લાઇવ જોવું છે.’
તાત્કાલીક એક મધ્યમ કદનું એલ.સી.ડી. સ્ક્રીન એ રૂમમાં મુકવામાં આવ્યો. દાણાદાણાવાળુ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર તેમાં જોઇ શકાતું હતું. હેલિકોપ્ટર હવે એબોટાબાદના પેલા મકાનની સાવ નજીક હતાં. પરંતુ તેમાનાં એક હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ક્ષતિ સર્જાઇ હતી. એબોટાબાદના તાપમાનને લીધે અને તેના કારણે હેલિકોપ્ટરની વોટર બ્લેડમાં થયેલા ખોટકાના કારણે એક કપરી એરોડાયનામિક સ્થિતિ નિર્માણ થઇ હતી. જેને તકનીકી ભાષામાં ‘સેટલીંગ વિથ પાવર’ કહે છે. પાઇલોટને ખ્યાલ આવી ગયો હતો કે, એરક્રાફ્ટ હવે તેના કાબુની બહાર છે. હેલિકોપ્ટરની અંદર રહેલા તમામ કમાન્ડો અને પાઇલોટે ઝડપભેર તેમાંથી દોરડા વાટે જમીન તરફ પ્રયાણ કર્યુ. હાલકડોલક એરક્રાફ્ટ થોડુ દૂર જઇને પડ્યું, પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે, પ્લાનથી વિપરીત તેઓ બંગલામાં ઉતરવાને બદલે બહારની તરફ ઉતરી ગયા હતાં. બીજું, એરક્રાફ્ટ તેના પ્લાન મુજબ ઉડ્યુ હતું. તેમાંથી તેજ ગતિથી કમાન્ડો બંગલાના કમ્પાઉન્ડમાં ઉતરી ગયા. બહાર ઉતરેલા પેલા સીલ કમાન્ડોએ પોતાની પાસે રહેલો દારૂગોળો હવેલીના તોતીંગ દરવાજા પાસે ગોઠવી દીધો. ત્રીજી જ ક્ષણે એક પ્રચંડ બ્લાસ્ટ દ્વારા દરવાજો ઉડાવી દેવામાં આવ્યો હતો. બીજા એરક્રાફ્ટમાં રહેલી ટીમને પેલા એરક્રાફ્ટની ક્ષતિ વિશે પુરી જાણ ન હતી. એમને ખ્યાલ ન હતો કે, એરક્રાફ્ટમાં મિકેનીકલ ફોલ્ટ સર્જાયો છે. શંકા એવી થઇ કે, એરક્રાફ્ટમાં આગ લાગી ગઇ છે. છેલ્લી ઘડીના ફેરફાર તરીકે તેમણે હવેલીની અગાશી પર જવાનું રદ્દ કર્યુ અને આખી ટીમ કમ્પાઉન્ડમાં ઉતરી ગઇ. અગાશી પરથી હુમલો થાય અને અંદર રહેલા લોકો ફળીયામાં આવી જાય તો માત્ર ૩૪ કમાન્ડોથી ત્યાં પરિસ્થિતિ કાબુ હેઠળ ન પણ રહે એવી તેમની શંકા હતી.
ખુબસુરત એબોટાબાદના  વિવિધ રંગો: કોઈને ખ્યાલ નહોતો કે આવા 
સુંદર રંગોની મધ્યે આતંકનો રક્તરંગ પણ ઉછરી રહ્યો છે 
બોંબથી દરવાજો ઉડાવતા પહેલા રેડિયો દ્વારા તેમણે બીજા એરક્રાફ્ટમાં જાણ કરી દીધી કે તેમની ટીમ પણ સલામત છે અને ઓપરેશનમાં આગળ વધી રહી છે. નેવી સીલ કમાન્ડો માટે અણધાર્યા સંકટો કંઇ નવી વાત ન હતી. છેલ્લા બેત્રણ વર્ષ દરમિયાન તેઓ વિધવિધ પ્રકારના બે હજાર કરતાં વધુ મિશનને અંજામ આપી ચૂક્યા હતાં. એક સામાન્ય જન માટે જેમ રાતનું વાળુ પોતાના રૂટીનનો ભાગ હોય છે તેમ નેવી સીલ માટે આવા ઓપરેશન એ રોજબરોજની દિનચર્યા જ ગણાય. અફઘાનિસ્તાન અને ઇરાકમાં તેમણે આવા કંઇક કામ પાર પાડ્યા હતાં. દરવાજો ધ્વસ્ત થયો કે બીજી જ ક્ષણે એક ડઝન કમાન્ડો પોતાના હાથમાં આધુનિકતમ રાઇફલો લઇ કમ્પાઉન્ડની ભીંતર ધસી ગયા. અંદર જતા તેમણે ગેસ્ટહાઉસનો વધુ એક દરવાજો ઉડાવવો પડ્યો. આ ગેસ્ટહાઉસમાં જ લાદેનનો કુરીયર, કુવૈતી પોતાના પરિવાર સાથે રહેતો હતો. અંદર ધસતા વેંત જ અમેરિકન કમાન્ડોના નાઇટ વિઝન ગોગલ્સમાં પન્નાના લીલા રંગની માનવ આકૃતિ દેખાઇ. તેના હાથમાં એકે૪૭ ગન સ્પષ્ટ જોઇ શકાતી હતી. કમાન્ડોને પારખતા વાર ન લાગી કે, એ કુવૈતી જ છે. બીજી જ ક્ષણે કુવૈતીની છાતી અમેરિકન કાર્તુસથી ચારણી જેવી થઇ ગઇ હતી. કુવૈતીનો ૩૩ વર્ષનો ભાઇ અબ્રાર તથા લાદેનના બે પુત્રો હમઝા અને ખાલીદ હજુ કદાચ હવેલીની ભીંતરમાં જ હતાં. એક કમાન્ડો મકાનના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો ત્યાં તેની સામે કુવૈતીનો ભાઇ અબ્રાર પોતાના હાથમાં એકે-૪૭ લઇને આવી ગયો હતો. કમાન્ડોની ગનમાંથી નીકળેલી બુલેટ અબ્રારની છાતી ચીરીને આરપાર નીકળી ગઇ. બીજી તરફ ધુળીયા રસ્તા પર સ્થાનિક લોકો એકઠ્ઠા થવા લાગ્યા હતાં. પેલા દુભાષિયા અહેમદએ સ્થાનિક પશ્તુન ભાષામાં ઘાટો પાડતા કહ્યું કે, ‘અહિં ઓપરેશન ચાલી રહ્યું છે, બધા દૂર ભાગી જાઓ. કોઇ નજીક ફરકવાની હિંમત કરશો નહિં.’ જેકેટ અને બુટ વગેરે પરથી અહેમદ પાકિસ્તાન પોલીસનો કોઇ ઉચ્ચ અધિકારી જેવો જ લાગતો હતો. સ્થાનિક લોકો ઉભી પુંછડીએ નાસ્યા.
વીસેક મિનીટની ગોળીબારી પછી સીલ કમાન્ડો ઘરની અંદર ઘુસી ગયા હતાં. બીજી તરફ વોશિંગ્ટનમાં ઉચક જીવે પ્રેસિડેન્ટ ઓબામા અને તેના સાથીઓ આખું ઓપરેશન નિહાળી રહ્યા હતાં. મુખ્ય પ્રવેશદ્વારને દારૂગોળા વડે ઉડાવ્યા પછી કમાન્ડો ત્વરાથી અંદર પહોંચ્યા અને નીચેનો ભાગ ખાલી જણાતા કેટલાંક કમાન્ડો પહેલા માળ તરફ જવા સીડી ચડવા લાગ્યા. સૌથી ઉંચેના પગથિયે લાદેનનો પુત્ર ખાલીદ પોતાના હાથમાં એકે૪૭ લઇને ઉભો હતો. ટીશર્ટ અને ટ્રેક પેન્ટમાં સજ્જ ખાલીદએ હજુ ફાયરીંગ કરવાની શરૂઆત કરી એ સાથે જ તેના શરીરમાં એક સાથે આઠ-દસ અમેરિકન કાર્તુસ ઘુસી ગઇ.
લાદેન સામેના ઓપરેશનમાં મહત્વનો ભાગ ભજવનાર,
અમેરિકન સૈન્યનાઆભુષણ જેવું માનવરહિત 'ડ્રોન' વિમાન 
પોતાની પાસેની વિગતો મુજબ કમાન્ડોએ હવે માત્ર હમઝાને તથા બિનલાદેનને જ પકડવાના હતાં. હમઝા તો એ કેમ્પસમાં હાજર જ નહોતો, પણ બિનલાદેન સૌથી ઉપરના માળે એક રૂમમાં ભરાઇને બેઠો હતો. વધુ એક લોખંડના દરવાજાને દારૂગોળાથી ઉડાવ્યા પછી સીલ કમાન્ડો મકાનના ટોપ ફ્લોર પર પહોંચ્યા. બેડરૂમનું દ્વાર ખોલતા જ તેમણે જોયું કે, લાદેનની બે પત્નિઓ પોતાના પતિની ઢાલ બનીને અરેબિક ભાષામાં અમેરિકનોને જોરજોરથી ગાળો ભાંડી રહી હતી. કમાન્ડોને ડર હતો કે, બાઇઓએ ક્યાંક પોતાના વસ્ત્રોમાં દારૂગોળો ન છુપાવી રાખ્યો હોય. જો આવું હોય તો એક સાથે તેઓ આખું મકાન જ ઉડાવી દે તેમ હતું. બે કમાન્ડોએ સ્ફુર્તિ દાખવીને તેની બાઇઓને પકડી લીધી. ચાર સેકન્ડમાં તેમણે બાઇઓની જડતી લઇ લીધી હતી. તેમની પાસે સ્યુસાઇડ જેકેટ ન હતાં. એક કમાન્ડો મક્કમ ચાલે લાદેન તરફ આગળ વધ્યો અને થોડી દુરીથી તેણે પોતાની ગનનું ઇન્ફ્રારેડ લેઝર કિરણ લાદેનના હૃદયના ભાગ પર કેન્દ્રિત કર્યુ. વળતી જ ક્ષણે તેની એમ૪ ગનમાંથી છુટેલી બુલેટ લાદેનના હૃદયમાં ઉતરી ગઇ હતી. ૫.૫૬ એમ.એમ.ની આ બુલેટ એક વાર હૃદયના ભાગે વાગે પછી તેને બચાવવાનું ઇશ્વર માટે પણ આસાન નથી હોતું. ઓસામા બિન લાદેન નામનો આતંકનો ઘેઘુર વડ હવેલીની ફર્શ પર પટકાઇ ગયો હતો. બીજા એક કમાન્ડોએ તેની નજીક જઇ પોતાની પિસ્ટલ વડે લાદેનની આંખની ઉપરના ભાગનું નિશાન તાક્યુ અને ટ્રીગર દબાવી દીધું. રેડિયો પર ઓપરેશનના ચીફએ વોશિંગ્ટન સમાચાર મોકલ્યા. ‘ફોર ગોડ એન્ડ કન્ટ્રી...જેરોનીમો, જેરોનીમો, જેરોનીમો’ એક પોઝ લીધા બાદ તેણે ઉમેર્યુ ‘જેરોનીમો ઇ.કે.આઇ.એ.’એનીમી કિલ્ડ ઇન એકશન. વોશિંગ્ટન વ્હાઇટ હાઉસમાં બેઠેલા ઓબામાના મોંમાંથી શબ્દો સરી પડ્યા ‘વી ગોટ હિમ’ - આપણે તેને ખત્મ કરી નાંખ્યો.
ચાર કમાન્ડો ઝડપભેર એક પ્લાસ્ટીક બેગ પેલા રૂમમાં લઇ આવ્યા. કેટલાંક કમાન્ડો મકાનની જડતી લઇને સી.ડી., ડી.વી.ડી. અને કોમ્પ્યુટર હાર્ડવેર તથા અન્ય વસ્તુઓ વીણી રહ્યા હતાં. લાદેનના શબને પેલી પ્લાસ્ટીક બેગમાં બાંધવામાં આવ્યું અને ત્રીસેક મિનિટ પછી તેઓ લાદેનનો મૃતદેહ લઇને ત્યાંથી રવાના થઇ ચૂક્યા હતાં. અફઘાનિસ્તાનની સરહદ પર ઓબામાએ ઇમરર્જન્સી માટે ખડકેલા પેલા બે હેલિકોપ્ટરમાંથી એક આ ઓપરેશન દરમિયાન જ એબોટાબાદ પહોંચી ગયુ હતું અને સીલ કમાન્ડોની યુનિટ ત્યાંથી રવાના થતા પહેલા પેલા જમીનદોસ્ત બ્લેક હોકમાં રહેલા પુરાવાઓનો સંપૂર્ણ નાશ કરવાનું ભુલ્યા ન હતાં. અફઘાનિસ્તાન તરફ ઉડતા પહેલા તેમણે એક તોતીંગ હથોડા દ્વારા હેલિકોપ્ટરની ઇન્સ્ટ્રુમેન્ટ પેનલનો તથા રેડિયોનો ભુક્કો બોલાવી દીધો હતો. કોકપીટ પાસે અને હેલિકોપ્ટરના દરેક મહત્વના પુર્જા નજીક શકિતશાળી  દારૂગોળો ગોઠવી દેવાયો. કમાન્ડો અન્ય એરક્રાફ્ટમાં ગોઠવાયા કે તરત જ તેમણે આસમાનમાંથી દારૂગોળો વરસાવ્યો પેલા જમીનદોસ્ત હેલિકોપ્ટર પર. અગાઉથી ત્યાં ગોઠવાયેલા દારૂગોળાને પણ જાણે જામગરી ચંપાઇ અને ગણત્રીની પળોમાં બ્લેક હોક હેલિકોપ્ટરના ફુરચા ઉડી ગયા.
એબોટાબાદની હવેલી પર ૩૮ મિનિટનો જંગ ખેલ્યા પછી બ્લેક હોક અને પેલું ચીનુક હેલિકોપ્ટર અફઘાનિસ્તાન તરફ આગળ વધી રહ્યુ હતું. આસમાનમાં જ ચીનુક દ્વારા બ્લેક હોકમાં ઈંધણ ભરવામાં આવ્યું અને રાત્રિના ૩ વાગ્યે જલાલાબાદમાં પેલા બેઉ હેલિકોપ્ટર ઉતરાણ કરી ચૂક્યા હતાં. લાદેનના શબની તસ્વીરો લેવાનું કામ ફટાફટ નીપટાવવામાં આવ્યું. એબોટાબાદથી જલાલાબાદની મુસાફરી દરમિયાન લાદેનના શરીરમાંથી ડી.એન.એ.ના બે સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને સેફ્ટી ખાતર બેઉ સેમ્પલ અલગઅલગ હેલિકોપ્ટરમાં રાખવામાં આવ્યા હતાં. છતાં એક વખત પુષ્ટી જરૂરી હતી. અમેરિકા પાસેની માહિતી મુજબ લાદેનની ઉંચાઇ ૬ ફુટ ૪ ઈંચ હતી, પરંતુ કમાન્ડો પાસે મૃતદેહને માપવા માટે મેઝર ટેપ ન હતી. ૬ ફુટના એક કમાન્ડોને લાદેનના શબની બાજુમાં સુવડાવવામાં આવ્યો અને બાકીના ૪ ઈંચ અડસટે માપી લેવામાં આવ્યા. ઓબામાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે આપેલો પ્રતિભાવ જગત આખુ જાણે છે. ઓપરેશનના થોડા દિવસો પછી  જ્યારે પેલા અધિકારી ઓબામાને વ્હાઇટ હાઉસમાં મળ્યા ત્યારે પ્રેસિડેન્ટે તેમને ગિફ્ટ રેપરમાં વિંટાળીને એક મેઝર ટેપ ભેટમાં આપી હતી.
ઓસામાના ખાત્મા પછી હવેનું મિશન તેના મૃતદેહના નિકાલનું હતું. ઇસ્લામના રિવાજો મુજબ તેની અંતિમવિધિ કરવામાં આવી. મૃતદેહને સ્નાન કરાવાયું અને શ્વેત વસ્ત્રોમાં તેના દેહને વિંટવામાં આવ્યો. આતંકવાદીના દેહને સમુદ્રાર્પણ કરવાનો અમેરિકાનો આ પ્રથમ અનુભવ ન હતો. ૨૦૦૯ની સાલમાં સોમાલિયાના અલકાઇદા ચીફ સાલેહઅલીને પણ આવી જ ટ્રીટમેન્ટ અપાઇ હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે, લાદેનનો મૃતદેહ સમુદ્રમાં વહાવવા માટે ફરી એક વખત પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવો પડે તેમ હતું. કારણ કે, અમેરિકાનું વિમાન વાહક જહાજ વિન્સન એ સમયે પાકિસ્તાની સમુદ્રમાં હતું. કાળજુ કઠણ રાખીને પાકિસ્તાનની પરવાનગી વગર પણ અમેરિકાનું એરક્રાફ્ટ પાકિસ્તાની આસમાનને ચીરતુ વિન્સન પર લેન્ડ થયું અને ગણત્રીની ક્ષણોમાં લાદેનનો દેહ સમુદ્રના પેટાળ સુધી પહોંચી ગયો હતો. ઓપરેશનના થોડા દિવસો પછી ઓબામાએ સીલ કમાન્ડો તથા દરેક અધિકારીઓ સાથે એક ખાનગી સ્થળે મુલાકાત કરી. પેલા કમાન્ડોએ પ્રેસિડેન્ટને ૩ ફુટ બાય ૫ ફુટનો એક રાષ્ટ્રધ્વજ ફ્રેમમાં મઢીને આપ્યો હતો. ફ્રેમની પાછળ બધા જ કમાન્ડોના હસ્તાક્ષર હતાં અને મોટા અક્ષરે લખ્યુ હતું: ‘ફોર ગોડ એન્ડ કન્ટ્રી. જેરોમિનો.’

*બે ભાગની મારી આ લેખમાળા 
સૌરાષ્ટ્રનાં દૈનિક "અકિલા"માં પ્રકાશિત થઇ હતી. 

Saturday, September 10, 2011

એક સફેદ ગેંડાના ચિત્રએ ઓસામા બિન લાદેનનો ખેલ ખતમ કરી નાંખ્યો: ગુપ્તચર તંત્રનો મતલબ પણ ભારતને ખ્યાલ નથી!

લાદેનના ખાત્માની અને અમેરિકન ગુપ્તચર તંત્રની એવી
દિલધડક માહિતી-જે અગાઉ તમે ક્યારેય વાંચી નહિ હોય!

માત્ર વાતોના વડા તળવાથી ત્રાસવાદ ખતમ થતો નથી. તેના માટે દ્રઢ આત્મબળ, ઈચ્છાશક્તિ, તકનિક, કઠોર તાલિમ, અને ચુસ્ત-દુરસ્ત ગુપ્તચર તંત્ર તથા ધગધગતી દેશદાઝ અનિવાર્ય છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી આપને ત્યાં ચિદમ્બરમે એવો બફાટ કર્યો છે કે, "અમારાથી શક્ય હતું એટલું બધું જ અમે કરી ચુક્યા છીએ, આવા હુમલા નહિ થાય એવી કોઈ ખાતરી હું આપીશ નહિ!" એમની વાત સદંતર ખોટી છે, આતંકવાદ રોકવા તેમણે કંઈ જ કર્યું નથી. નાઈન ઈલેવનની ઘટનાની વરસી છે અને દિલ્હીમાં હુમલો થયો છે ત્યારે એક વિશિષ્ટ લેખમાળા... લાદેન ખતમ થયા પછી પ્રથમ જ વખત કેટલીક એવી વિગતો બહાર આવી છે, જેના કારણે અમેરિકાના એ આખા ઓપરેશન વિશે ખ્યાલ આવી શકે. ‘ન્યુયોર્કર’માં પ્રકાશિત થયેલી આ રોમાંચક માહિતી વાંચ્યા પછી ખ્યાલ આવે છે કે, દેશના દુશ્મનોને ખતમ કરવા હોય તો કેટલી હદની પ્રતિબદ્ધતા અને તૈયારીઓ જોઇએ. ઓબામાએ ગાદી સંભાળી ત્યારથી લઇને લાદેનના ખાત્મા માટેનું આયોજન કેવી રીતે થયું? આખું ઓપરેશન કેવી રીતે ઘડવામાં આવ્યું? તેમાં કઇ વ્યકિતની કેવી ભૂમિકા હતી? બે ભાગની આ લેખમાળા આવી રસપ્રદ વાતો માંડે છે...          
(ભાગ-૧)

મે માસની પહેલી તારીખની એ ઘનઘોર રાત હતી.અમાસની. આકાશમાં ચંદ્ર ક્યાંય નજરે પડતો ન હતો અને ચોતરફ અંધકારનું સામ્રાજ્ય પથરાયેલુ હતું. રાત્રિના ૧૧ પછી પુર્વીય અફઘાનિસ્તાનના જલાલાબાદ એરફીલ્ડ પરથી બે હેલિકોપ્ટર રવાના થયા. એમએચ-૬૦ બ્લેકહોક તરીકે ઓળખાતા આ હેલિકોપ્ટરમાં અનેક ખુબીઓ હતી.  અને કેમ ન હોય! આ હેલિકોપ્ટર એક એવા મિશન પર જઇ રહ્યા હતાં જેના માટે અમેરિકા જેવો દેશ વર્ષોથી પ્રતિક્ષા કરી રહ્યો હતો.
હેલિકોપ્ટરની અંદર અમેરિકાની જાંબાઝ સેના પાંખ ‘નેવી સીલ’ના ૨૩ જવાનો તૈનાત હતાં. અધિકૃત રીતે ‘નેવલ સ્પેશ્યલ વોરફેર ડેવલપમેન્ટ ગ્રુપ’ તરીકે ઓળખાતા આ કમાન્ડોની સાથે એક પાકિસ્તાની અમેરિકન દુભાષીયો હતો અને બેલ્જીયમ નસલનો એક શ્વાન પણ હતો. જેનું નામ છેઃ કૈરો. હેલિકોપ્ટરના પાઇલોટે નાઇટ વિઝન ગોગલ્સ ચડાવેલા હતાં. કારણ કે, રાત ઘનઘોર હતી અને હેલિકોપ્ટરની લાઇટ પ્રગટાવવાની સ્પષ્ટ મનાઇ હતી. રેડિયો કોમ્યુનિકેશન તેના મીનીમમ લેવલ પર રાખવામાં આવ્યુ હતું, જેથી તેના તરંગો પાકિસ્તાનની કોઇ એજન્સી પકડી ન શકે. એરક્રાફ્ટની અંદર મૌન પથરાયેલુ હતું. કેમ કે, પ્લાન અગાઉથી નક્કી હતો અને વધુ ચર્ચા કરવાની મનાઇ હતી.
ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલી આધુનિકતમ ગન, HK -MP7
૧૫ મિનીટની ભીતર જ બેઉ હેલિકોપ્ટર પાકિસ્તાનના પર્વતીય વિસ્તારમાં પ્રવેશી ગયા. પીર પંજાલ પર્વતમાળાના આસમાન પરથી એરક્રાફ્ટ ઉડી રહ્યા હતાં. કાશ્મીર તરફ પાકિસ્તાનને કંઇક વિશેષ ખેંચાણ છે તેથી પાકિસ્તાનની પૂર્વીય સરહદો હંમેશા જડબેસલાક રહેતી હોય છે. પરંતુ અફઘાનિસ્તાન તરફની સરહદો પર પાકિસ્તાની સૈન્ય બહુ ચુસ્તદુરસ્ત નથી હોતી. બીજી તરફ અમેરિકા અને પાકિસ્તાનના સૈન્ય વચ્ચે તથા જાસુસી તંત્ર વચ્ચે એવડો મોટો તફાવત છે કે, અમેરિકા ધારે ત્યારે પોતાના ઇરાદાઓ આસાનીથી પાર પાડી શકે. બેઉ હેલિકોપ્ટર  એવી વિશિષ્ટ ટેકનોલોજીથી બનેલા હતાં કે તેનો અવાજ ઓછામાં ઓછો રહે અને તેની હિલચાલની જાણ પણ સરળતાથી કોઇને થઇ ન શકે. જગતના કોઇપણ રડારને થાપ આપી શકે એવું તેનું અતિ વિશિષ્ટ બોડી હતું. આવા અનેક મુદ્દાઓ અમેરિકાની તરફેણમાં હતાં. આ આધુનિક યુગમાં સામસામી તલવારો ખેંચીને યુદ્ધો થતા નથી. હવે લડાઇઓ ગુપ્તચર તંત્ર દ્વારા અને અતિ વિશિષ્ટતાલીમબદ્ધ જવાનો દ્વારા લડવામાં આવે છે. આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જ્યાં મુંબઇના જુહુ બીચ પર તોસ્તાન જહાજ તણાતુ આવી જાય છે અને પબ્લીક તેને જોવા ભેગી થાય એ પછી ચોવીસ કલાકે ભારતીય નેવી અને કોસ્ટગાર્ડ જાહેર કરે છે કે, આ શિપ ક્યાંથી આવી ગયું, કેવી રીતે આવી ગયું અને શા માટે આવ્યું તે વિશે તેમને કોઇ જ ખ્યાલ નથી. મુંબઇ પર આટઆટલા હુમલા પછી દેશના ગુપ્તચર તંત્રના આ હાલ છે. અને બેવકુફ દેશભક્તો ‘મેરા ભારત મહાન’ના રાગ ભૈરવી છેડવામાંથી નવરા થતા નથી. સ્વાભાવિક રીતે જ વિશ્વના મહાશકિતશાળી દેશોના જાસુસી તંત્રો ક્યાં પહોંચી ગયા છે અને કેવી રીતે ઓપરેટ કરે છે તે વાત આપણી અક્કલની અને આપણી હેસિયતની બહારની છે.
ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલી સાયલન્સર ચડાવેલી
 સિગ સોઅર P226 મોડેલની લેટેસ્ટ પિસ્ટલ

સીલ કમાન્ડોનું ટાર્ગેટ હતું નાનકડા પર્વતીય નગર એબોટાબાદમાં આવેલું એક મકાન. ઇસ્લામાબાદની ઉત્તરે આવેલું આ નગર ખુબસુરત પીર પંજાલ રેન્જમાં સ્થિત છે. આજે તો ઇસ્લામાબાદના સુખી લોકો હિલ સ્ટેશન ગણીને એબોટાબાદમાં ફરવા જતા હોય છે, પરંતુ તેની સ્થાપના ૧૮૫૩માં બ્રિટીશ મેજર જેમ્સ એબોટએ કરી હતી.  ૧૯૪૭માં પાકિસ્તાનની રચના થઇ એ પછી આ નગરમાં મીલીટરી એકડમીની શરૂઆત થઇ. જો બધુ જ બરાબર ચાલ્યુ જ હોત તો યોજના એવી હતી કે, હેલિકોપ્ટરમાંથી નેવી સીલના જવાનો સીધા જ ઓસામા બિન લાદેનના મકાનમાં ઉતરે અને પોતાનું મિશન ખતમ કરી ઝડપભેર હેલિકોપ્ટરમાં પાછા ગોઠવાઇ જાય. પાકિસ્તાનના ટ્રાયબલ એરીયા મોહમાંડ પરથી પસાર થઇને હેલિકોપ્ટર ઝડપભેર એબોટાબાદ તરફ આગળ વધી રહ્યા હતાં. કમાન્ડર જેમ્સ (કાલ્પનિક નામ) પોતાના દસ સાથીઓ સાથે એરક્રાફ્ટમાં ગોઠવાઇ ગયો હતો.  તેમની સાથે પહેલો દુભાષિયો અને કૈરો પણ હતાં. ૩૫-૩૬ની ઉંમરનો જેમ્સ ગોળાફેંકના કોઇ પહેલવાન જેવું તગડુ શરીર ધરાવતો હતો. તેની પાસે સાયલન્સર ચડાવેલી સિગ સોઅર પી૨૨૬ મોડેલની લેટેસ્ટ પિસ્ટલ હતી, વધારાનો બારૂદ પણ ખરો. સાથે શોર્ટ બેરલની સાયલન્સરવાળી એમ-૪ રાઇફલ પણ તેની પાસે રાખેલી હતી. બાકીના જવાનો પાસે હેકલર તથા કોચ MP-7 બંદુકો હતી. ગ્રેનેડ તથા બીજા અનેક હથિયારો અને સ્વરક્ષણ માટેના વિશિષ્ટ કોસ્ચ્યુમ પણ તેમણે ધારણ કરેલા હતાં. જેમ્સના એક ગજવામાં લાદેનના ઘરનો લેમીનેટેડ નકશો હતો અને બીજા ગજવામાં એવા તમામ લોકોના ફોટોગ્રાફ્સ હતાં જે પેલા ઘરમાં હોવાની શક્યતા હતી.
૯૦ મિનીટની ફ્લાઇટ દરમિયાન જેમ્સ અને તેના સાથીદારોના દિમાગમાં સતત ઓપરેશનનું રિહર્સલ ચાલતુ હતું. ૨૦૦૧થી એ બધા જવાનો અફઘાનિસ્તાન, ઇરાક, યમન અને આફ્રિકાના દેશોમાં જાતજાતના ઓપરેશનોને અંજામ દેતા આવ્યા છે. તેમના સાથીદારોમાંથી ત્રણ તો એવા હતાં જેમણે ૨૦૦૯માં જ સોમાલિયામાં રિચાર્ડ ફિલીપ નામના એક જહાજી કેપ્ટનને સોમાલિયન ચાંચીયાના કબ્જામાંથી છોડાવવા માટેનું દિલધડક ઓપરેશન પાર પાડ્યુ હતું. એ મિશનમાં તેમણે સફળતાપૂર્વક કપ્તાનને મુક્ત કરાવ્યો હતો અને ત્રણ ચાંચીયાઓને ઠાર કર્યા હતાં. એબોટાબાદનું આ મિશન પણ કંઇ પાકિસ્તાનમાં એમનું પ્રથમ જ ઓપરેશન હોય એવું ન હતું. અગાઉ દસથી બાર વખત આજ બધા જવાનો પાકિસ્તાનની ધરતી પર અલગઅલગ સાહસોને અંજામ આપી ચુક્યા હતાં. મોટાભાગના તેમના મિશન ઉત્તર અને દક્ષિણ વજિરિસ્તાનમાં તેમણે કર્યા હતાં. એબોટાબાદ તો અલગ વાત છે. સાવ પાકિસ્તાનના હૃદયમાં ઘુસીને લાદેનને ઠાર કરવાનું કામ આસાન ન હતું. ૨૦૦૧ની સાલ પછી નેવી સીલના જવાનોનું જો કે આ પ્રથમ મેગા ઓપરેશન હતું. ૨૦૦૧ આસપાસ લાદેન ટોરાબોરાના પહાડોમાં કયાંક છુપાઇ ગયો એ પછી સતત એક દાયકા સુધી તેમણે આ ઓપરેશનની પ્રતિક્ષા કરી હતી.
બ્લેક હોકની વિદાય પછી ૪પ મિનિટે જલાલાબાદના એ જ રનવે પરથી એમએચ૪૭ નામના ચાર વધારાના એરક્રાફ્ટએ ઉડાન ભરી. ચિનુક્સ તરીકે ઓળખાતા આ એરક્રાફ્ટ મોકલવાનું અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ સાવ છેલ્લી ક્ષણે નક્કી કર્યુ હતું. ઇન્દિરા ગાંધી પછી દેશમાં વડાપ્રધાનના પદ પર કોઇ મરદ મુંછાળો વડાપ્રધાન આવ્યો નથી. એટલે દેશના વડા કોઇ ઓપરેશનમાં આટલી હદે અંગત રસ લેતો હોય એ ઘટના આપણા માટે બહુ નવાઇની ગણાય.  અહિં તો આતંકવાદી હુમલાના બીજા દિવસે ગૃહમંત્રીથી લઇને વડાપ્રધાન સુધીના લોકો તથા લોકશાહી દેશના એકમાત્ર રજવાડાના રાજકુમારો આપણને કહેતા હોય છે કે, ‘આવું તો જગતમાં બધે જ બન્યા કરે છે.’ જ્યાં સામાન્ય પ્રજા યા તો વધુ પડતા દેશાભિમાનથી ગ્રસ્ત હોય અથવા તો બાકીની પ્રજાને રાષ્ટ્રગૌરવ કઇ બલાનું નામ છે એ જ ખ્યાલ ન હોય  ત્યાં આવા ઓપરેશનની મહત્તા કોઇને સમજાય નહિં એ સ્વાભાવિક છે. આ મિશન પાર પાડ્યા પછી જે નશો અમેરિકાના સત્તાધીશોને તથા તેના સૈન્યને મળ્યો હશે તેની તુલના ખરેખર જગતની બીજી કોઇ ચીજ સાથે થઇ શકે નહિં. જેને આવા નશાની આદત પડી છે એવા જ રાષ્ટ્રો જગતમાં મહાસત્તા બની શકે છે. અને ભારત જેવા દેશોએ હંમેશા સંરક્ષણ અને સ્વરક્ષણ માટે છાલીયુ લઇને મહાસત્તાઓ પાસે આજીજી કરવી પડે છે એ વાતના આપણે સૌ ગવાહ છીએ.
બરાક ઓબામાએ ચિનુક્સ એરક્રાફ્ટ મોકલ્યા તેની પાછળનું કારણ એ હતું કે તેઓ પોતાના એકપણ જવાનનું નુકશાન ન થાય તેવું ઇચ્છતા હતાં. પાકિસ્તાનમાંથી તેઓ ઓપરેશન ખત્મ કરી સલામત રીતે અફઘાનિસ્તાન પરત ફરે એવી ઓબામાને કામના હતી. એટલે જ અફઘાનિસ્તાનથી વધારાના ૨૫ સીલ કમાન્ડોને તેમણે તાત્કાલિક રવાના કર્યા. આ ચાર નવા એરક્રાફ્ટમાંથી બેની ફરજ અફઘાનિસ્તાનની સીમામાં ઉડાઉડ કરવાની હતી, જ્યારે બાકીના બેઉ હેલિકોપ્ટરોએ પાકિસ્તાનની સરહદમાં ઘુસવાનું હતું. ઓપરેશન પાર પાડવામાં છેલ્લી ઘડીના કોઇ અણધાર્યા વિઘ્નો આવે તો તેને ટાળવા અને કોઇપણ પ્રકારની ઇમરજન્સીનો મુકાબલો કરવા આ ચાર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા.  એક ચિનુક્સમાં વધારાનું ઈંધણ પણ લાદવામાં આવ્યુ હતું, જેથી પેલા બ્લેક હોક્સને ફ્યુઅલની જરૂર પડે તો કોઇ સમસ્યા ન ઉભી થાય. દરમિયાન પેલા બે બ્લેક હોક્સ ઝડપભેર એબોટાબાદ તરફ આગળ વધી રહ્યા હતાં. શહેરની ઉત્તરમાં આવેલા ઉંચા પર્વતોને હવે પાછળ છોડી ચૂક્યા હતાં. પાઇલોટએ દક્ષિણ તરફ હેલિકોપ્ટરને વાળ્યું અને નગરના સેન્ટરમાં આવેલા કેટલાંક બાંધકામો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યુ. એરક્રાફ્ટની અંદર રહેલા સીલ કમાન્ડોએ હાથ મોજા પહેરી લીધા હતાં અને આંખ પર નાઇટ વિઝન ગોગલ્સ પણ ચડાવી દીધા હતાં. બધા કમાન્ડો તેમના ચીફ તરફથી આદેશની રાહ જોઇ રહ્યા હતાં. જેવો ઓર્ડર મળે કે તેઓ લાદેનના પેલા બંગલાના કમ્પાઉન્ડમાં દોરડાનો ઘા કરી ફટાફટ ઉતરી જવા તત્પર હતાં. પરંતુ, પાઇલોટએ એરક્રાફ્ટ એકદમ નીચે લીધું ત્યાં જ તેને ખ્યાલ આવી ગયો કે, એ હવે તેના કાબુની બહાર છે અને હેલિકોપ્ટર ક્રેશ થઇ જાય તેવી પણ પૂરી શક્યતા છે.
 એમએચ-૬૦ બ્લેકહોક તરીકે ઓળખાતા
આ હેલિકોપ્ટરમાં અનેક ખુબીઓ છે 


૨૦૦૮માં અમેરિકી પ્રમુખની ચૂંટણીઓ યોજાઇ ત્યારે બેલમોન્ટ યુનિવર્સિટીમાં બરાક ઓબામા અને તેમના પ્રતિદ્વંદી જ્હોન મેક્કેઇનએ એક ઓપન ડીબેટ કરી હતી. આ ખુલ્લી ચર્ચામાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રમુખપદ માટેના બેઉ દાવેદારોને અનેક પ્રશ્નો પૂછ્યા હતાં. એક વિદ્યાર્થીનીએ ઓડિયન્સમાંથી ઉભા થઇને ઓબામાને સવાલ કર્યો કે, જો અલકાઇદાના લીડરો તથા લાદેન વગેરે પાકિસ્તાનમાં છુપાયા છે એવા સમાચાર ભવિષ્યમાં તેમને મળશે તો તેઓ શું કરશે? ખાસ કરીને, એક મિત્ર રાષ્ટ્ર હોવાના કારણે પાકિસ્તાનના વિસ્તારોમાં ઘુસી ત્યાં સૈન્ય કાર્યવાહી કરવાનું અમેરિકાને પરવડે કે કેમ એ વિશે ઓબામાને વારંવાર સવાલો પુછાતા હોય છે. ઓબામાએ બહુ સ્પષ્ટ કહ્યું કે, ‘જો મને ખ્યાલ આવશે કે ઓસામાબિનલાદેન પાકિસ્તાનમાં છે અને પાકિસ્તાનની સરકાર આ બાબતે કશું કરવા અસમર્થ છે અથવા તો કશું કરવા માંગતી નથી તો તેવા સંજોગોમાં આપણે પોતે પગલાંઓ લેવા પડશે. આપણે બિન લાદેનને ત્યાં જઇને ખત્મ કરીશું અને અલકાઇદાને કચડી નાંખીશું. રાષ્ટ્રીય સલામતીનો વિચાર કરીએ તો આપણું સૌથી પહેલું ધ્યેય તેમને હણવાનું જ હશે.’ ઓબામાના દરેક વચનોને હવાઇ કિલ્લા ગણાવનાર પ્રતિસ્પર્ધી મેક્કેઇન આ બાબતે બહુ પરિપક્વ રીતે વર્ત્યા અને એમણે એટલું જ કહ્યું કે, ‘આ બાબતે તેઓ ઓબામાને ટોકશે નહિં.’ અમેરિકામાં દિગ્વિજયવેડા કે રાહુલવેડા ચાલતા નથી. રાષ્ટ્રીય સલામતીની વાત આવે ત્યારે પણ આપણે તો સમાધાનો કરી લઇએ છીએ, પરંતુ મહાસત્તાઓમાં આવા સમાધાનો ચાલતા નથી. એટલે જ તેઓ મહાસત્તાની કક્ષા સુધી પહોંચ્યા હોય છે. અને આપણે બાદશાહની ખુરશી સુધી નથી પહોંચી શકતા પરંતુ માત્ર દરબારી બનીને સંતોષ માનીએ છીએ.
વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કર્યાના ૪ મહિના વિત્યા હશે ત્યાં બરાક ઓબામા પાસે સી.આઇ.એ.ના ડિરેક્ટર લીઓન પેનેટા પહોંચી ગયા હતાં. તેમની પાસે સી.આઇ.એ.ની છેલ્લામાં છેલ્લી પ્રગતિનો એક અહેવાલ હતો. ઓબામાને એમની વાતમાં બહુ રસ પડ્યો નહિં. તેઓ પેનેટાની વાતથી સંતુષ્ટ ન હતાં. લાદેનને પકડી લેવાનો એક વિગતવાર માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે તેમણે પેનેટાને સુચના આપી. સી.આઇ.એ.ના ડ્રોન હૂમલાના મિશનને પણ ઓબામાએ પુરૂં સમર્થન આપ્યું. એક વાતનો ઉલ્લેખ જરૂરી છેઃ ઓબામા શાસનના પ્રથમ વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં જેટલા ડ્રોન હૂમલા થયા તેટલા જ્યોર્જ બુશના આઠ વર્ષના શાસનકાળ દરમિયાન પણ થયા ન હતાં. ઓગષ્ટ૨૦૧૦માં પેનેટા વ્હાઇટ હાઉસમાં ફરી એક વખત આવ્યા. આ વખતે તેમની પાસે કેટલાંક સારા સમાચારો હતાં. સી.આઇ.એ.ના અધિકારીઓ માનતા હતા કે તેમણે લાદેનના કુરીયર એવા અબુ અહેમદ અલ કુવૈતીની ભાળ મેળવી લીધી છે. માહિતી ત્યાં સુધીની હતી કે કુવૈતી એક એસ.યુ.વી. કાર ચલાવે છે અને તેના સ્પેર ટાયર ઉપર સફેદ ગેંડાની ઇમેજ એમ્બોઝ કરેલી છે. આટલી વિગતો સી.આઇ.એ. માટે પર્યાપ્ત હતી. રો અને સી.આઇ.એ. વચ્ચે તફાવત છે. શકિતનો ફર્ક તો છે જ પણ અભિગમમાં બહુ ઝાઝુ અંતર છે. આપણી પાસે દાઉદ ઇબ્રાહિમનું પોસ્ટલ એડ્રેસ પણ મૌજુદ છે. પડખેના મુઝફ્ફરાબાદમાંજે ભારતની સીમાથી માત્ર ૪-૬ કલાકના અંતરે સ્થિત છે. અવાર નવાર હાફિઝ સઇદ અને મૌલાના મસુદ અઝહર ત્રાસવાદીઓની જાહેરસભાઓ સંબોધતા રહે છે અને આપણા ગૃહમંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ નફ્ફટાઇની હદે ખામોશ થઇને આ તાઇફો નિહાળ્યા કરે છે. આવી સ્થિતપ્રજ્ઞતા બુદ્ધને પણ દુર્લભ હશે. આવો સાક્ષીભાવ ધરાવતા નેતાઓ એવી જ પ્રજાને મળી શકે જેનું આત્મગૌરવ મૃત્યુ પામ્યું હોય. સફેદ ગેંડાની હિન્ટ પરથી સી.આઇ.એ. દ્વારા ખુફિયા પ્રવૃત્તિઓ શરૂ થઇ ગઇ. તમે માની શકશો? અમેરિકન ઉપગ્રહે એબોટાબાદના એક મકાનના કમ્પાઉન્ડમાં પડેલી એ કારનો ફોટોગ્રાફ ખેંચ્યો અને સી.આઇ.એ.ના દફ્તરમાં એ તસવીરને એનલાર્જ કરવામાં આવી ત્યારે પેલો ગેંડો તેમાં દેખાતો હતો.  આપણે કહી શકીએ કે, એક સફેદ ગેંડાએ લાદેનના પ્રાણ હરી લીધા.

સી.આઇ.એ.ને ખ્યાલ આવી ગયો કે કુવૈતી આ જ મકાનમાં રહે છે. એ પછી તેમણે ત્રણ માળની આ હવેલીનું રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ શરૂ કર્યુ. એ મકાન પર ચોવીસેય કલાક સી.આઇ.એ.ની ચાંપતી નજર રહેતી હતી. તસવીરો પરથી તેમને ખ્યાલ આવ્યો કે, મકાનમાં રહેતા લોકો ઘરનો કચરો બહાર ફેંકવાને બદલે ઘરના જ એક ખુણામાં સળગાવી દેતા હતાં. હવેલી જેવડા મકાનમાં ફોનની કે ઇન્ટરનેટની લાઇન ન હતી. કુવૈતી અને તેનો ભાઇ અવરજવર કરતા રહેતા હતાં, પરંતુ ત્રીજા માળે જે માનવાકૃતિ સી.આઇ.એ.ને વિશિષ્ટ ફોટોગ્રાફી વડે દેખાઇ હતી તે ક્યારેય કમ્પાઉન્ડ છોડતી ન હતી. કેટલાંક નિષ્ણાંતોએ એવી શંકા વ્યકત કરી કે, એ ત્રીજી વ્યકિત લાદેન જ છે. પરંતુ કશું જ કન્ફર્મ થતુ ન હતું.
સી.આઇ.એ.ની પ્રગતિથી ઓબામા બહુ રોમાંચિત હતાં. પરંતુ તેઓ મિલીટરી એકશન માટે બહુ ઉતાવળમાં ન હતાં. ત્રાસવાદ સામેની લડાઇ માટેના ઓબામાના સલાહકાર જ્હોન બ્રેનાનએ તમામ ડેટાનો અભ્યાસ શરૂ કર્યો. ગાર્ડીયનના તાજા અહેવાલ મુજબ સી.આઇ.એ. દ્વારા એબોટાબાદમાં એક સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. નામ તો સ્વાસ્થ્ય સંબંધી એન.જી.ઓ.નું હતું, પરંતુ કામ સી.આઇ.એ.નું હતું. પોષણની દવાઓના ડોઝના નામે તેમને લાદેનના પરિવારના ત્યાં ભમતારખડતા સભ્યોના ડી.એન.એ. સેમ્પલ ખપતા હતાં. જો ડી.એન.એ. સેમ્પલ મળી જાય તો બીજી જ ક્ષણે એ વાતના નિષ્કર્ષ પર પહોંચી શકાય કે, એ ત્રીજી વ્યકિત લાદેન જ છે કે કેમ? જો કે, આ પ્રયાસ બહુ સફળ ન થયો. ૨૦૧૦ની આખરમાં ઓબામાએ પેનેટાને બોલાવ્યા અને તેમને લાદેનના ઘર પર મિલીટરી સ્ટ્રાઇક કરવાની યોજના બનાવવા જણાવ્યું. પેનેટાએ સીલના વાઇસ એડમિરલ બિલ મેકરેવનનો સંપર્ક કર્યો. સામાન્ય રીતે આવા ઓપરેશન આર્મી દ્વારા પાર પડાતા હોય છે, પરંતુ પાછા કેટલાંક વર્ષોમાં સીલની પ્રતિષ્ઠા એટલી હદે વધી છે કે, આ જવાબદારી તેમને સોંપવામાં આવી. મેકરેવને પોતાના એક ડેપ્યુટી કમાન્ડરને યોજનાની જવાબદારી સોંપી. બીજા જ મહિને વર્જિનીયામાં આવેલી સી.આઇ.એ.ની એક ખુફિયા કચેરીમાં કેટલાંક ટોચના અધિકારીઓ અને કમાન્ડો એકઠ્ઠા થયા. એબોટાબાદના કમ્પાઉન્ડની સેટેલાઇટ તસવીરોનો તેમની પાસે ઢગલો હતો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સ્થિત સી.આઇ.એ.ના ત્રાસવાદ વિરોધી દળના અનેક લોકોની મદદ લેવામાં આવી.
સ્પેશ્યલ ઓપરેશન યુનિટ અને સી.આઇ.એ. વચ્ચેના સંબંધો છેક વિયેટનામ યુદ્ધના વખતથી ચાલ્યા આવે છે. પરંતુ ઇરાક અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન ઘણી વખત આ બેઉ એજન્સીઓના અધિકારીઓ વચ્ચે તણખા ઝર્યા છે. જો કે, આ પ્રકારનું મિશન જ્યારે હાથમાં લેવાનું હોય ત્યારે આંતરિક મતભેદો અને અહમ ભુલી જવા પડે તેવો તેમને ખ્યાલ જ હતો. માર્ચની ૧૪મી તારીખે ઓબામાએ પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને બોલાવ્યા અને તેમની સાથે એબોટાબાદના કમ્પાઉન્ડની હિલચાલ વિશે તથા અમેરિકાના સંભવિત પગલા અંગે ચર્ચાઓ કરી. મુદ્દાઓ એ હતાં કે, એ મકાન પર હવાઇ હુમલા કરવા કે અમેરિકન સૈન્યના જવાનોને ત્યાં મોકલવા કે ઓપરેશનમાં પાકિસ્તાની સૈન્યની મદદ લેવી. ઓબામાનો અભિપ્રાય બહુ સ્પષ્ટ હતોઃ તેઓ કોઇ સંજોગોમાં આ અંગે પાકિસ્તાનની મદદ લેવા પણ માંગતા નહોતા અને પાકિસ્તાનને જાણ કરવા પણ ઇચ્છતા ન હતાં. બેઠકના અંતે ઓબામાએ મેકરેવનને પોતાનો નિર્ણય જણાવી દીધો. હવે મેકરેવને હવાઇ માર્ગે એબોટાબાદની હવેલી પર ત્રાટકવા માટેનો એક અદ્ભુત પ્લાન તૈયાર કરવાનો હતો. એક એવી યોજના, જેમાં નિષ્ફળ જવાનો પ્રશ્ન જ ઉભો ન થાય અને અમેરિકન સૈન્યના કોઇ જવાને કે કોઇ સીલ કમાન્ડોએ પ્રાણ ગુમાવવા ન પડે.

મેકરેવને બ્રાયન નામના જે અધિકારીને જવાબદારી સોંપી હતી તેણે સીલના કમાન્ડર જેમ્સને બોલાવ્યો અને આવી બાબતના નિષ્ણાંત ગણાતા માર્ક નામના એક કાબેલ અધિકારીને પણ બરકવામાં આવ્યા. ૨૦ દિવસ સુધી મથામણ કરીને તેમણે એક યોજના તૈયાર કરી. સીલ કમાન્ડો જો એબોટાબાદની બહાર ઉતરે અને પગપાળા પેલી હવેલી સુધી પહોંચવાનું હોય તો થાકના કારણે ઓપરેશનમાં તેમના દેખાવ પર અસર થાય. બીજા વિકલ્પ તરીકે એક ટનલ બનાવવાનું વિચારવામાં આવ્યું. એક એવી ટનલ-જે કિલોમીટરો દૂરથી ખોદવાનું શરૂ થાય અને સીધી જ લાદેનના ઘરમાં નીકળે. પરંતુ સેટેલાઇટ તસવીરોથી ખ્યાલ આવ્યો કે, હિલ સ્ટેશન હોવાના કારણે અને ભેજવાળું હવામાન તથા આહ્લાદક વાતાવરણ હોવાથી એબોટાબાદમાં થોડું ખોદાણ કર્યે જ પાણી નીકળે છે.  ટુંકમાં કહીએ તો, ત્યાનું વોટર લેવલ બહુ ઉંચુ હતું. આવા સંજોગોમાં ભોંયરૂ તૈયાર કરીને લાદેનના ઘર સુધી પહોંચવું લગભગ અશક્ય હતું. હવે એક જ વિકલ્પ બચ્યો હતોઃ એર સ્ટ્રાઇકનો. હેલિકોપ્ટર દ્વારા જવાનોને પાકિસ્તાની સીમામાં લઇ જવામાં આવે અને દોરડા વાટે તેઓ સીધા જ લાદેનની હવેલીની અગાસી પર ત્રાટકે એવી યોજના તૈયાર કરવી પડે તેમ હતી. માર્ચની ૨૯ તારીખે મેકરેવન ફરી એક વખત ઓબામા પાસે પહોંચ્યા, પરંતુ ઓબામાના મિલીટરી એડવાઇઝર્સ હજુ દ્વિઘામાં હતાં. સુરક્ષા સચિવ રોબર્ટ ગેટ્સ હેલિકોપ્ટર હૂમલાની સખ્ત વિરૂદ્ધમાં હતાં. તેમણે ૧૯૮૦માં  ઇરાનના તહેરાન ખાતે અમેરિકાએ કરેલા ડેલ્ટા ફોર્સ ઓપરેશનની કડવી યાદો તાજી કરી.
અમેરિકન હોસ્ટેજને છોડાવવા માટે થયેલા એ ઓપરેશનમાં આઠ અમેરિકન જવાનોના મોત થયા હતાં. જ્યારે સેનાના અધિકારી જેમ્સ કાર્ટરાઇટ સૈન્યની અન્ય પાંખ દ્વારા હવાઇ હૂમલાની તરફેણ કરતા હતાં. તેમનું કહેવું હતું કે, અમેરિકન સેનાના બીટુ સ્પિરિટ બોમ્બર્સ દ્વારા આ ઓપરેશન પાર પડવું જોઇએ. આ ટુકડીનું કામ આકાશમાંથી અગનગોળાઓ વરસાવવાનું છે અને તેઓ જમીન પર ઉતરીને ઓપરેશનને અંજામ આપતા નથી. તેમની માંગણી હતી કે, આ રીતે ભયાનક બોમ્બમારો કરી પેલી હવેલી સાફ કરી નાંખવી. ગણતરીઓ માંડવામાં આવી તો ખ્યાલ આવ્યો કે, ૨૦૦૦ પાઉન્ડ વજનનો એક એવા ૩૨ બોમ્બ જો ફેંકવામાં આવે તો તે હવેલી સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ શકે. આટલા બોમ્બ ફેંકાય તો જ હવેલીના ભોંયરા સુધી તેની અસર પહોંચી શકે. પછી બધાને ખ્યાલ આવ્યો કે આટલો દારૂગોળો જો એક સ્થળે ફેંકવામાં આવે તો તેના થકી આખો વિસ્તાર એવી રીતે ધણધણી ઉઠે જાણે કોઇ પ્રચંડ ભૂકંપ આવ્યો હોય. આવડો હોબાળો કરવાનું અમેરિકાને પરવડે નહિં. આવા હૂમલાનો એક બીજો ગેરફાયદો એ પણ હતો કે તેમાં લાદેન હણાયો છે કે કેમ અથવા તો જેટલા મર્યા છે તેમાં લાદેન હતો કે નહિં તેના પુરાવાઓ કદી મળે નહિં. ઓબામાએ થોડું મનોમંથન કર્યુ અને બેઠકનો અંત કરતાં તેમણે મેકરેવનને સીલ કમાન્ડોના હવાઇ હૂમલાની તૈયારીઓ તથા રિહર્સલ કરવા માટે સૂચના આપી દીધી.

(બીજો અને અંતિમ ભાગ વાંચો હવે પછી...)

*બે ભાગની મારી આ લેખમાળા 
સૌરાષ્ટ્રનાં દૈનિક "અકિલા"માં પ્રકાશિત થઇ હતી.