ગોધરા કાંડની વરસી હજુ ગઈકાલે જ હતી. તે નિમિતે આ શહેરના રકતરંજીત ઇતિહાસને જાણવાથી ઘણી બાબતો સ્પષ્ટ થશે. ગોધરા-અનુગોધરા માટે ગુજરાતીઓને ભાંડતા લોકોને ખ્યાલ હોવો જોઇએ કે અગાઉ પણ અહીં એક વખત છ મહિના માટે અને ત્યારબાદ એક વર્ષ માટે કરફયુ લાગી ચૂકયો છે. ૧૯ર૭માં સ્થાનિક હિન્દુ અગ્રણી પુરૂષોત્તમ શાહની હત્યાથી શરૂ થયેલા આ દૌરની અંતિમ કડી સાબરમતિ એકસપ્રેસનો હત્યાકાંડ હતી...
ગોધરામાં થયેલા પેલા સુનિયોજિત ક્રુર હત્યાકાંડની વરસી નિમિત્તે સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય માધ્યમો પર હૂલ્લડગ્રસ્ત મુસ્લીમ પરિવારોની આપવિતી રાતદિવસ દર્શાવવામાં આવી રહી છે. તેમાંની કેટલીક ઘટનાઓ ખરેખર ધૃજાવી દે તેવી છે. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે, ગોધરાકાંડની વરસીના દહાડે ગોધરાકાંડના પિડીતોને ભૂલી જવાય છે, પણ પોસ્ટ ગોધરા (કર્મશીલો તેને ‘અનુગોધરા’ કહે છે) રાયોટસને સંભારવાનું દિવસો અગાઉ શરૂ થઇ ગયું છે. નરોડા પાટીયા હત્યાકાંડના અસરગ્રસ્તોના તથા ગુલબર્ગના હતભાગીઓના અગણિત ઇન્ટરવ્યુ દરેક ચેનલોમાં આવે છે પરંતુ આ અપરમા-કપરમા દહાડે એકપણ કારસેવકના પરિવારના કોઇ સભ્યનો ચહેરો પણ ટેલીવીઝન પર જોવા મળ્યો નથી. એસ. સિકસના ડબ્બામાં ભુંજાઇ ગયેલા નિર્દોષ લોકોના પરિવારો શું કોઇ જ તકલિફોમાંથી પસાર નહિ થયા હોય? શું એમને આઘાત-નુકસાન નહિ પહોંચ્યા હોય ?
ગોધરા કાંડની દરેક વરસી સમયે આવી અનેક બાબતોનો અહેસાસ થાય છે, આવા અનેક સવાલો સર્જાય છે. વાસ્તવિકતા એ છે કે, ગોધરા સાથે આવા સવાલો દાયકાઓથી વિંટળાયેલા છે. આજે કર્મશીલો અને સેકયુલરિસ્ટો તથા ટીવીની ન્યુઝ ચેનલોના પત્રકારો જે રીતે ઘટનાનું એકતરફી પાસું રજુ કરી રહ્યા છે એવું અગાઉ પણ બની ચુકયું છે. અને અગાઉ આવું કરનારા બીજા કોઇ નહિં, ખુદ મહાત્મા ગાંધી હતાં.
કોમી હુલ્લડો એ ગોધરા માટે કોઇ નવી બાબત નથી. અહીં હિન્દુમુસ્લીમો વચ્ચે અનેક વખત હિંસક હૂલ્લડો થઇ ચૂકયા છે. જે વિગતો વિવિધ માધ્યમો દ્વારા ઉપલબ્ધ છે. તેનાં પરથી સાબિત થાય છે કે, અહીં મોટાભાગે હિન્દુઓના હિસ્સે સહન કરવાનું આવ્યું છે. મુસ્લીમોને સમર્પિત પ્રથમ હરોળની વેબસાઇટ પર પણ મુકાયેલા લેખમાં ગોધરાની કોમી હિંસા અંગે જે ઇતિહાસ અપાયો છે તેમાં પણ હિન્દુઓને ભોગવવી પડેલી આ પીડા પડઘાય છે. ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે છે કે, આ અશાંતિના બીજ છેક ૧૯ર૭ માં રોપાયા હતાં. સ્થાનિક હિન્દુ અગ્રણી પુરુષોત્તમ શાહની મુસ્લીમોએ હત્યા કરી અને ધમાલ શરૂ થઇ. ગાંધીજીએ ‘નવજીવનમાં એક લેખ લખ્યો, જેનું શિર્ષક હતું: ‘ગોધરામાં હિન્દુમુસ્લીમ ઝઘડાઓ’ ગાંધીજીના આ લેખ સામે હિન્દુઓએ જબરદસ્ત વાંધો નોંધાવ્યો. કારણ કે, તેમનાં મતે એ હુમલો કે એ બનાવ હુલ્લડ ન ગણી શકાય, હુલ્લડોમાં બે જૂથો એકમેક સાથે લડતા હોય છે, સ્થાનિક લોકોના મતે આ અથડામણો એકતરફી હતી, હિન્દુઓએ તો માત્ર અત્યાચાર વેઠવાનું જ બન્યું હતું.’ વિરોધ એટલો પ્રબળ બન્યો કે, ગાંધીજીએ આ વિવાદ અંગે ‘યંગ ઇન્ડિયા’ (ઓકટોબર ૧૧, ૧૯ર૮)માં એક લેખ લખી પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો પડયો. એ લેખમાં તેમણે લખ્યું:
‘બે અઠવાડીયા પહેલા ‘નવજીવન’ માં મે ગોધરાના દુઃખદ બનાવો વિશે એક નોંધ લખી હતી. જયાં શ્રી પુરૂષોતમ શાહ બહાદુરીપૂર્વક મોતને ભેંટયા હતાં. જેનું મથાળું મેં ‘ગોધરામાં હિન્દુમુસ્લીમ રમખાણ’, એવું કયું હતું અનેક હિન્દુઓને આ ગમ્યું નથી અને તેમણે ગુસ્સે થઇ મને આ ભુલ સુધારવા પત્રો લખ્યા છે. હું તેમની માંગ પૂરી કરી શકુ તેમ નથી. એ ઘટનામાં કોઇ એક વ્યકિત જ પિડીત હોય તો પણ તેમાં બે કોમ વચ્ચે ખુલ્લેઆમ રમખાણ હોય કે પછી એક કોમ દ્વારા જ હુમલાઓ હોય અને બીજી કોમએ સહન કરવાનું જ બન્યું હોય, તો પણ જો એ બનાવ બે કોમ વચ્ચેના કુસંપના પરિણામે નિપજયો હોય તો માટે તેને રમખાણ જ ગણાવવા રહયાં. સદ્દભાગ્યે, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ હુલ્લડોનો આ રોગ પ્રસર્યો નથી, નગરો અને શહેરો પુરતો જ મર્યાદિત રહ્યો છે. મને જેણે પત્રો લખી વિરોધ નોંધાવ્યો છે તેમણે પણ એક વાત કબુલ કરી છે કે, આ હુલ્લડો બે કોમ વચ્ચેના કુસંપના કારણે નિપજયા છે. મને લખનાર લોકોનો વાંધો માત્ર હેડિંગ સામે હોત તો મારે આ લેખ લખવાનો રહેતો નહોતો. પરંતુ મને મળેલા અન્ય પત્રોમાં બીજી પણ કેટલીક વિગતો છે. અમદાવાદથી ગોધરા ગયેલા એક સ્વયંસેવકએ મને લખ્યું છે કે, ‘તમે કહ્યું કે, તમારે આ બાબતે ચુપ રહેવું જોઇએ. તો તમે ખિલાફત અંગે શા માટે ખામોશ રહેતા નથી?’ અમને મુસ્લીમોનો સાથ આપવાનું શા માટે કહો છો? તમે તમારા અહિંસાના સિધ્ધાંતો અંગે શા માટે ચૂપ રહેતા નથી? જયારે આવી અથડામણો થાય ત્યારે ચુપકીદી સેવવાનું તમારું વલણ કેવી રીતે તમે વાજબી ઠેરવાશો? બે કોમ એકમેકના ગળા વાઢવા તત્પર હોય, હિન્દુઓનો કોઇ અણૂઓની માફક ભૂકકો કરી દેવાતો હોય, અહિંસાની વાત જ કયાં આવે છે?’
મહાત્મા ગાંધીને આવા આકરાં પ્રશ્નો પુછી, પત્રલેખક તેમનું ધ્યાન બે બાબતે દોરે છે. યાદ રહે, આ તમામ વાતોનો ખુલાસો ખુદ ગાંધીજી કરે છે. પત્રમાં પેલા ભાઇ લેખે છેઃ
‘એક હિન્દુ દુકાનદાર મારી સમક્ષ ફરિયાદ કરે છે કે, મુસલમાનો તેમની પાસેથી ચોખાની ગૂણી ખરીદે છે પરંતુ અનેક વખત એવું બને છે કે, તેઓ પૈસા ચુકવતા નથી. હું પૈસા માટે દબાણ કરી શકતો નથી કારણે કે, એવું કરું તો મારી વખારો લૂંટાઇ જાય! તેથી જ મારે દર મહિને તેમને પ૦ થી ૭૦ ગુણી ચોખા મફતમાં આપી દેવા પડે છે!’
‘બીજી ફરીયાદ : મુસલમાનો અમારા ઘેર ધસી આવે છે, અમારી હાજરીમાં અમારી સ્ત્રીઓનું અપમાન કરે છે, અમારે ખામોશ થઇ બેઠા રહેવું પડે છે. જો અમે વિરોધ કરીએ તો આવી જ બન્યું સમજો. અમે તો ફરિયાદ પણ કરી શકતા નથી!’
આટલું લખ્યા પછી પત્રલેખક ગાંધીજીને પૂછે છે: ‘આવા કિસ્સાઓમાં તમે શી સલાહ આપશો? તમારી અહિંસા અહીં કેવી ભૂમિકા ભજવી શકે ? કે અહીં પણ તમે ચૂપ રહેવાનું પસંદ કરશો?’
ગાંધીજી લખે છે : ‘આ અને આવા અનેક પ્રશ્નો મને પૂછવામાં આવે છે. પુનરોકિતના ડર સાથે પણ હું કેટલીક વાતો કહેવા માંગુ છું: અહિંસા એ ડરપોકકાયરનો માર્ગ નથી. એ મોતને ભેંટવા પણ તૈયાર શૂરવિરોનો પંથ છે. જે લોકો હાથમાં તલવાર ઝીલે છે એ તો બહાદુર છે જ. પણ એક આંગળી પણ નહિં ઉઠાવનાર સવાયો શૂરવિર છે ! પરંતુ મારના ડરથી પોતાની ચોખાની થેલીઓ આપી દેનાર તો ડરપોક જ ગણાય, તે અહિંસાનો સમર્થક ન ગણાય. જે લોકો મારથી ડરે, પોતાના બૈરાછોકરાઓ અને મિલકતોનું રક્ષણ ન કરી શકે એ મર્દ નથી, કાયર છે. તેને કોઇના પિતા, ભાઇ કે પતિ બનવાનો હકક નથી.’
ગાંધીએ તો ગોધરાના માત્ર એકલદોકલ બનાવો અંગે લખ્યું હતું. હકીકત એ છે કે, ગોધરાનો ઇતિહાસ આવા અનેક બનાવો થકી ખરડાયેલો છે. સાબરમતિ એકસપ્રેસનો બનાવ તો આ શરમજનક સિલસિલાની એક કડી માત્ર હતો. મેગેઝિન ‘રાષ્ટ્રીય સહારા’ અને ‘વિશ્વ સંવાદ કેન્દ્ર’એ ગોધરાના રકતરંજીત ઇતિહાસ અંગે અહેવાલો લખ્યા છે જે મુજબ ૧૯ર૭થી આજ લગીમાં ગોધરા અનેક વખત સળગી ચૂકયું છે. આ લેખની મોટાભાગની વિગતો, એ બેઉ અહેવાલોમાંથી મેળવવામાં આવી છે. ગોધરાકાંડ બદલ ગુજરાત આખાને ભાંડતા લોકોએ યાદ રાખવું જોઇએ કે ગોધરામાં અગાઉ એક વખત છ મહિના સુધી અને ત્યારબાદ એક વર્ષ સુધી કરફયુ લાગી ચૂકયો છે ! અહીંના કેટલાંક લઘુમતિઓનું પાકિસ્તાન કનેકશન એકાધિક વખત પુરવાર થઇ ચૂકયું છે. હત્યાકાંડોના આ બનાવો પર એક નજર નાંખવા જેવું છે.
૧૯ર૭-ર૮ : સ્થાનિક હિન્દુ અગ્રણી પી.એમ. શાહની મુસ્લિમો દ્વારા હત્યા.
૧૯૪૬ : એક પારસી સોલાપુરી ફોજદાર પર હુલ્લડો દરમિયાન હુમલો કરવા બદલ પાકિસ્તાન તરફી મુસ્લિમ નેતા સદવા હાજી અને ચુડિગરને જવાબદાર ઠેરવાયા. ભાગલા બાદ ચુડિગર પાકિસ્તાન જતા રહ્યાં.
૧૯૪૮ : સદવા હાજીએ કાવત્રુ ઘડી જિલ્લા કલેકટર પિમ્પુટકર જીવલેણ ગણાય તેવો હુમલો કરાવ્યો. જો કે, કલેકટરના બોડીગાર્ડએ પોતાનાં પ્રાણની આહૂતિ આપી, કલેકટરના પ્રાણ બચાવી લીધા. ઘટના પછી સદવા હાજી પણ પાકિસ્તાન સ્થાયી થઇ ગયો.
૧૯૪૮ : તારીખ ર૪ માર્ચ૧૯૪૮ના દિવસે શહેરના જહુરપુર વિસ્તારમાં બે હિન્દુઓને છૂરા હૂલાવી તેમની હત્યા કરી નાંખી. શહેરના અનેક હિન્દુ મંદિરો ઉપરાંત હિન્દુઓના બે હજાર મકાનો સળગાવી દેવાયા. જિલ્લા કલેકટર પિમ્પુટકરએ અથાક પ્રયત્નો કરી હિન્દુઓની બાકીની મિલકતો બચાવી. પરિસ્થિતિ કાબુમાં લાવવા તેમણે શહેરમાં કરફયુ લાદયો, જે છ મહિના સુધી લંબાવાયો.
૧૯૬પ : પોલીસ ચોકી નં. ૭ નજીક આવેલી હિન્દુઓની દુકાન પર નજીકમાં રહેતા મુસ્લિમોના ઘરમાંથી સળગતા કાકડા ફેંકવામાં આવ્યા અને દુકાનો સળગી ગઇ. અહેવાલો એવા આવ્યા કે, તોફાની તત્વોને સ્થાનિક કોંગ્રેસીલઘુમતિ ધારાસભ્યનો ટેકો હતો. પોલીસ ચોકી નં. ૭ ના પોલીસ ઇન્સ્પેકટર પર મુસ્લિમ સમાજના અસામાજીક તત્વોએ સરેઆમ હૂમલો કર્યો.
૧૯૮૦: શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં અસ્સલ આ જ પ્રકારનો હુમલો થયો. મુસ્લિમોમાંથી કેટલાંક અસામાજિક તત્વોએ ધમાલ શરૂ કરી અને પાંચ તથા સાત વર્ષના એક બાળક સાથે કુલ પાંચ હિન્દુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા. શીખોના એક ગુરૂદ્વારાને પણ આગ ચાંપી દેવામાં આવી. હિન્દુઓની ચાલીસ દુકાનો બાળી નંખાઇ. પરિસ્થિતિ થાળે પાડવા કરફયુ લદાયો જે એક વર્ષ સુધી અમલમાં રહ્યો.!
૧૯૯૦ : ર૦ નવેમ્બરના દિવસે અહીંના વ્હોરાવાડ વિસ્તારમાં આવેલા મદેરસામાંં ચાર શિક્ષકશિક્ષિકાઓને જીવતા સળગાવી દેવાયા. એક હિન્દુ દરજીને ખુલ્લેઆમ છરી ભોંકી દેવાઇ. લઘુમતિ એવા સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય સામે આંગળી ચિંધાઇ.
૧૯૯ર : હિન્દુઓના એકસો કરતાં વધુ મકાનો સળગાવી દેવાયા. રેલવે સ્ટેશન નજીકનો આ આખો વિસ્તાર હિન્દુઓ છોડી ગયા.
ર૦૦રઃ સાબરમતિ એકસપ્રેસનો એસ૬ ડબ્બો સળગાવાયો અને પાંચ ડઝન જેટલાં હિન્દુઓ જીવતા ભુંજાયા. જેના પગલે આખું ગુજરાત સળગી ઉઠયું.
------------------------------------------------
------------------------------------------------
સવાલ એ છે કે, ગોધરાના કાળા ઇતિહાસને જાણ્યા પછી પણ બિનસાંપ્રદાયિકો એવો દાવો કરશે કે, એસ-૬ ડબ્બાને ચાંપવામાં આવેલી આગ એ કોઇ પૂર્વનિયોજિત કાવતરૂ નહોતું પણ ક્ષણિક આવેગ-આવેશમાં થયેલું કૃત્ય હતું ?
*"અકિલા"માં પ્રકાશિત