Saturday, March 24, 2012

એ. રાજાના પોણા બે લાખ કરોડના કૌભાંડથી ધ્રુજી ગયા પરંતુ આપણાં કંડલામાં જ બે લાખ કરોડનું કૌભાંડ થયું છે તેનું શું?



ગાંધીધામ અને કંડલાઃ
માત્ર ગુજરાતના અર્થતંત્રના જ નહિ, 
કૌભાંડોના પણ પાટનગર!!

























               
રેલવે બજેટમાં દિનેશ ત્રિવેદીએ કંડલામાં કોચ ફેક્ટરી બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ એમને કદાચ ખ્યાલ નથી કે, આ નગર ગુનાખોરી અને કૌભાંડોથી ખદબદી રહ્યું છે. અહીં નવી કોચ ફેક્ટરીનો સીધો મતલબ એ છે કે, હવે વધુ કૌભાંડો થશે અને વધુ ગુનાઓ આચરવામાં આવશે! એક ઉદાહરણ જુઓ: અહીંની ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ  જૂથના બાબુભાઈ સિંઘવીનું અપહરણ કરવા અગાઉ દુબઈની ઈરફાન ગોગાની ગેંગ દ્વારા પ્રયાસ થયો હતો. બાબુભાઈને ઉઠાવી પણ લેવાયા હતા પરંતુ સુસુ જવાના બહાને તેઓ છટકી ગયા. પણ, પછી વાત વટે ચડી. દુબઈની ગેંગ દ્વારા કહેણ મોકલાયા કે,   એક વખત બાબુભાઈ ભલે છટકી ગયા, બીજી વખત છટકી નહિ શકે! કચ્છના એક કુખ્યાત ડોનને ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સાધવામાં આવ્યો અને પેલાએ મધ્યસ્થી કરી, મોટી રકમમાં સમાધાન કરાવ્યું, એવું પણ કહેવાય છે. આજે ફ્રેન્ડસના ડિરેક્ટરમાંથી એક એવા હર્ષેન્દુ વૈદ્ય પેલા ડોનની કાર લોનના હપતા પણ ભરે છે! કારણ કે, તેઓ આ લોનમાં જામીન છે! જમીનના ગેરકાયદે ઉપયોગના કેઈસમાં પણ સી.બી.આઈ. ફરી હથિયાર સજાવી રહી છે. આપણને એ.રાજાના પોણા બે લાખ કરોડના કૌભાંડનો આંકડો વાંચી ધ્રુજારી છૂટી જાય છે. પરંતુ ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ સહીત અહીની ત્રણ કંપનીએ  કંડલા પોર્ટને  રૂપિયા બે લાખ કરોડનો ચૂનો ચોપડી દીધો હોવાનું કહેવાય છે. ગાંધીધામ-કંડલામાં થોડા સમય પહેલા ફરી એક વખત સી.બી.આઇ.એ દરોડા પાડ્યા છે. સવાલ એ છે કે, એવું તો શું છે આ નગરમાં કે આવકવરા ખાતાથી લઇને સી.બી.આઇ. અને સેન્ટ્રલ એક્સાઇઝ જેવા સરકારી વિભાગોની ચાંપતી નજર તેની પર રહે છે ? બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે ગાંધીધામ એ ગુજરાતનું કદાચ સૌથી સમૃદ્ધ નગર છે. અહીં ગાંધીધામ-કંડલા અને આદિપુર વિશે એવી માહિતી પ્રસ્તુત છે જે ખુબ ઓછા લોકો જાણે છે....  






ગુજરાતના કયા શહેરમાં સી.બી.આઇ.ના તથા ઇન્કમટેક્ષના સૌથી વધુ દરોડા પડતા હોય છે ? કોઇને થશે કે, અમદાવાદ જ હોય ને ! તો કોઇને વળી સુરતનું નામ યાદ આવે. પણ સાચો જવાબ છેઃ ગાંધીધામકંડલા. હજુ ત્રણ દિવસ પહેલા ગાંધીધામમાં ફરી એક વખત સી.બી.આઇ.ની રેઇડ આવી છે. મામલો એક જમીનને લગતો છે. પરંતુ આ શહેર માટે આ કોઇ નવી વાત નથી. અહીંયા આ બધુ રૂટીન જેવું છે. જ્યાં મધ હોય ત્યાં માખીઓ બણબણવાની જ.


ગાંધીધામના ટિમ્બર ઉદ્યોગ એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. મતલબ કે એશિયામાં ટિમ્બરનું પ્રથમ નંબરનું માર્કેટ ગાંધીધામ છે. અહીં ટિમ્બરનો વેપાર, આયાત વગેરે કરતાં લગભગ ૪૦૦ યુનિટ છે અને આ ઉદ્યોગ પ૦ હજાર લોકોને સીધી કે આડકતરી રોજગારી આપે છે. પ્રતિવર્ષ અહીં સરેરાશ ૧૨ લાખ ક્યુબિક મીટર લાકડું વિદેશથી આવે છે. આ ઉદ્યોગ માટે ગાંધીધામમાં જેવી સુવિધા છે, જે કક્ષાની સવલતો છે એવી બીજે ક્યાંય નથી. આ ઉદ્યોગ માટે સૌપ્રથમ બહુ જ મોટી જગ્યાની જરૂર પડે. ઇમારતી લાકડું સેંકડો ફુટ લાંબુ હોય અને આવા લાકડાનો બહુ મોટો સ્ટોક રાખવો પડતો હોય છે. ગાંધીધામની આસપાસ આવા ખુલ્લા પ્લોટ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. એક સમયે આ બિઝનેસ કોલકત્તામાં ફાલ્યો હતો પણ લેબરના અને કોર્ટના પ્રશ્નો એટલા બધા વધી ગયા કે ત્યાંથી ધંધાનું અહીં સ્થળાંતર થઇ ગયું. આ ઉદ્યોગને પણ અહીંનું હવામાન કદાચ માફક આવી ગયું છે. અહીં સ્થળાંતર થયા પછી ટિમ્બર ઉદ્યોગે દિવસે ન વધે એટલો રાતે વધે એવી પ્રગતિ સાધી છે.


ગાંધીધામના ટિમ્બર ઉદ્યોગની પ્રગતિ પાછળ સૌથી મહત્વનું પરિબળ ક્યું છે ? ટિમ્બર ઉદ્યોગની શરૂઆત માટે કઇ વસ્તુ સૌથી જવાબદાર ? જવાબ છે: કંડલા પોર્ટ. ગાંધીધામથી ૧૪ કિલોમીટર દૂર આવેલા આ બંદરના આશીર્વાદ માત્ર ટિમ્બર ઉદ્યોગને જ નહીં, બલકે શહેરના અનેક ઉદ્યોગને મળ્યા છે. વધુ સારી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે આ શહેરનું આખું અર્થતંત્ર કંડલા પોર્ટની આસપાસ જ ફરે છે. કંડલા વગર ગાંધીધામ નિષ્પ્રાણ છે. કંડલાને ઉત્તરપશ્ચિમનું ભારતનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. તેની ભૌગોલિક પરિસ્થિતિના કારણે સમગ્ર ઉત્તર ભારત માટે એ સૌથી વધુ મહત્વનું બંદર બની રહે છે. ભારતનો નકશો જુઓ. તમે એમાં જોઇ શકશો કે ગુજરાતથી ઉપરની (ઉત્તર ભારત) તરફ આવેલા રાજ્યોનું એકપણ મહત્વપૂર્ણ પોર્ટ નથી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુકાશ્મીર, હિમાચલ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની જરૂરિયાતનો મુખ્ય આધાર કંડલા પોર્ટ પર જ રહે છે. કંડલા પોર્ટની ગણના આજે પણ ભારતનાં ત્રણ સૌથી મોટા બંદરોમાં થાય છે. કોઇ વર્ષે ચેન્નાઇ ટોચ પર હોય છે, કોઇ વાર મુંબઇ, તો કોઇ સાલ કંડલા.



કંડલાનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે હવે ‘ઓલ વેધર પોર્ટ’ છે. દરેક ઋતુમાં અહીં કારોબાર શક્ય છે. વળી, અખાતી અને યુરોપિયન દેશોનું એ સૌથી નજીકનું પોર્ટ છે. કંડલા બંદરના કારણે અહીં સમૃદ્ધિની રેલમછેલ છે. પોર્ટ સંલગ્ન ધંધા-ઉદ્યોગો એટલા ફાલ્યા છે કે, માથાદીઠ આવકની બાબતમાં ગુજરાતનું કોઇ શહેર ગાંધીધામની સ્પર્ધા કરી શકે તેમ નથી. મીઠાનો ઉદ્યોગ તથા ટ્રાન્સપોર્ટ હેન્ડલીંગનો વ્યવસાય આ શહેરનો પ્રાણ ગણાય છે. માથાદીઠ ગાડીની સંખ્યા ગુજરાતના અન્ય કોઇપણ શહેર કરતાં અહીં વધારે છે. ગાંધીધામના માર્ગો પર તમે વિશ્વની સર્વોત્તમ બ્રાન્ડની મોંઘીદાટ મોટરકાર પણ જોઇ શકો. કાળા નાણાંનું પ્રમાણ ગાંધીધામમાં જેટલું છે એટલું બીજે ક્યાંય નહીં હોય. પ્રોપર્ટીના ભાવ એટલે જ અહીં આસમાને છે. અમદાવાદ, રાજકોટ કે વડોદરા જેવા શહેરોમાં રીયલ એસ્ટેટના જેવા ભાવ છે એવા જ તમને ગાંધીધામમાં જોવા મળે. તેનું કારણ એ છે કે, કંડલાના કારણે અહીંના લોકોની ખરીદશકિત ઘણી વધારે છે. કંડલા બારમાસી બંદર છે. અને એટલે જ અહીંના ધંધાઉદ્યોગો પણ આખું વર્ષ ધમધમતા રહે છે. અહીં ઇફ્કોનો મસમોટો પ્લાન્ટ છે. ભારતભરમાં આવેલા ઇફ્કોના ૪ મુખ્ય પ્લાન્ટમાંથી એક કંડલા ખાતે આવેલો છે. તેનું વાર્ષિક ટર્નઓવર છ-સાત હજાર કરોડ કરતાં પણ વધારે રહે છે. ઇફ્કોમાં લગભગ બે હજાર જેટલા કર્મચારીઓ છે. કંપનીનું પગારધોરણ એટલું ઉંચુ છે કે, તેના કારણે ગાંધીધામના અર્થતંત્ર પર પણ તેનો પ્રભાવ પડ્યો છે. ઇફ્કો પર આડકતરી રીતે નભતા લોકોની સંખ્યા કદાચ પાંચ આંકડામાં છે.  જો કે, કંડલાનું અર્થતંત્ર ફર્ટીલાઇઝરની આયાત પર નિર્ભર છે એવું કહીએ તો ખોટું નહીં ગણાય. પંજાબ-ઉત્તરપ્રદેશમાં ખેતર માટે જરૂરી ખાતર વિદેશથી સૌપ્રથમ અહીં જ ઉતરે છે. કંડલાથી દરરોજ લગભગ ૧૦ હજાર ટન જેટલું ખાતર ઉત્તર ભારતમાં મોકલવામાં આવે છે. અડસટ્ટે ગણતરી માંડો તો પણ દરરોજના ૬૦૦-૭૦૦ ટ્રક તો ખાતર જ ભરાઇને અહીંથી ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં જાય છે. દર વર્ષે ઓછામાં ઓછું પ૦ લાખ ટન ફર્ટીલાઇઝર અહીં વિદેશથી મંગાવવામાં આવે છે. આ ધંધો એટલો દૂઝે છે કે, તેના કારણે કંડલા-ગાંધીધામની કંપનીઓના માલિકો કુબેરપતિ બની ગયા છે. જહાજમાંથી માલ ઉતારવાનો, તે માલ સાચવવાનો અને તેને જેતે સ્થળે મોકલવાનો એક એટલો મોટો બિઝનેસ ચાલે છે કે, આપણે તેની કલ્પના પણ કરી ન હોય.


કંડલા પોર્ટ પર દર વર્ષે ૩૦ લાખ ટન કરતાં વધારે ખાદ્યતેલો ઉતારવામાં આવે છે. બ્રાઝિલ,  ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા તથા મલેશિયા જેવા દેશોમાંથી પામ, સોયા જેવા અનેક પ્રકારના તેલ અહીં મંગાવાય છે. એ તેલ સાચવવા માટેના લાખો લીટરની ક્ષમતાવાળા ટાંકાઓ હોય છે. એનો પણ પાછો અલગ બિઝનેસ છે. એવી જ રીતે ક્રુડ ઓઇલ પણ મંગાવવામાં આવે છે. આવી બધી વસ્તુઓને ચડાવવા-ઉતારવા માટેની પ્રક્રિયાને હેન્ડલિંગ કહેવામાં આવે છે. આ હેન્ડલિંગ પણ કંડલાનો એક મેજર બિઝનેસ છે. ગૌતમ ફ્રેઇટ નામની અહીંની એક કંપનીએ થોડા સમય પહેલા હેન્ડલિંગના આવા કામ માટે જર્મનીથી બે ક્રેઇન મંગાવી હતી. આ એક ક્રેઇનની કિંમત રૂપિયા ૨૨ કરોડ છે. આ એક ક્રેઇન ફક્ત ૨૪ કલાકમાં એક હજાર ટ્રક જેટલો માલ જહાજમાંથી જેટી પર ઠાલવી શકે છે. બે ક્રેઇન પાછળ પચાસ કરોડનું રોકાણ કરવામાં આવતું હોય તો તેમાં વળતર કેવું હશે એ કલ્પના તમે કરી શકો છો.






પોર્ટના કારણે હોટલ ઉદ્યોગ પણ વિકાસ સાધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટનો ધંધો એટલો કસદાર છે કે, ગાંધીધામમાં લગભગ ૬૦૦થી ૭૦૦ જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસ છે. અહીં આ ઉદ્યોગ ઉપર નભનારા લોકોની સંખ્યા ૩૦ હજાર કરતાં પણ વધુ છે. ટેક્સ હોલીડેના કારણે ગાંધીધામ અને કંડલા આસપાસ ડઝનબંધ નવા પ્લાન્ટ શરૂ થયા છે. સુઝલોનથી લઇને ઓરેવા અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલથી લઇને લીવર સુધીની અનેક કંપનીઓએ આ વિસ્તારમાં રોકાણ કર્યુ છે. છેક ૧૯૬૫માં અહીં કંડલા સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન (KASEZ)ની સ્થાપના કરવામાં આવી હતી. દેશના ૭ સૌથી મોટા આ પ્રકારના ઝોનમાં તેની ગણના થાય છે. ૭૦૦ એકરમાં પથરાયેલા આ ઝોનમાં રોકાણકારોને અનેક પ્રકારના લાભ અપાયા છે તથા ડ્યુટીઓ અને વેરાઓમાં છૂટછાટ અપાઇ છે. કસ્ટમ ડ્યુટી લેવાતી નથી તથા ઉત્પાદનમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણની છૂટ અપાઇ છે. ઝોનના કારણે કંપનીઓને એટલા લાભ મળે છે કે, અન્ય વિસ્તારની સરખામણીએ તેમને કંડલાનું આ ઝોન સ્વર્ગ જેવું લાગે છે.


જ્યાં આટલી સમૃદ્ધિ હોય ત્યાં ભ્રષ્ટાચાર હોવાનો. પણ કંડલા અને ગાંધીધામમાં ફાલેલા ભ્રષ્ટાચાર વિશે જાણતા પહેલાં કંડલાની સ્થાપનાનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે. કારણ કે, ભ્રષ્ટાચારનું મૂળ તેમાંજ ક્યાંક છૂપાયેલું છે. ભાગલા પછી સિંધમાં વસતા સિંધીઓએ ભારત સાથે જવાનું નક્કી કર્યુ. પાકિસ્તાનના મુસ્લિમો એમને શાંતિથી રહેવા દે એવું એમને લાગતુ ન હતું. સિંધીઓની સંખ્યા મર્યાદિત હતી. પણ એમનું સામર્થ્ય અમર્યાદ હતું. સાહસિક, ધનવાન અને દરિયાખેડુ એવી આ પ્રજાનું જમા પાસુ એ કે તેઓ ભારે શાંતિપ્રિય છે. એટલે જ તેમને ભારતના દરેક પ્રદેશમાંથી પોતાને ત્યાં વસવાનું નોતરૂ મળતું હતું. પણ ભાઇ પ્રતાપ દયાળદાસના મનમાં અલગ જ વિચારો રમતા હતા. તેઓ પોતાની કોમ અંગે લાખ મુદ્દાઓ વિચારી રહ્યા હતાં.

ગાંધીધામના સ્થાપક, ભાઈ પ્રતાપ દયાલદાસ
ભાઇ પ્રતાપ દયાળદાસ. ગાંધીધામના સ્થાપક. એમને શી ખોટ હતી ? કશી જ નહીં. પેઢી ધમધમતી હતી. વહાણો અને દરિયાઇ વ્યાપાર. તેઓ શાહ સોદાગર હતા. એમનો વેપાર અને એમની સંપત્તિ કોઇ સામાન્ય માનવીનું દિમાગ વિચારી પણ ન શકે એ કક્ષાના હતાં. પણ એમના વિચારો પર પૈસો અસવાર નહોતો. તેઓ વૈચારિક દ્રષ્ટિએ ગાંધીજીની નિકટ હતા. ગાંધીજીએ જ તેમને હિંદમાં વસાહત સ્થાપવા માટે મદદ કરી. ૧૯૦૯ના વર્ષમાં તેમનો જન્મ હૈદરાબાદ (સિંધ-પાકિસ્તાન)માં થયો હતો પણ ભાગલા સમયે બનેલી ઘટનાઓના કારણે સિંધીઓનું મન આળું થઇ ગયું હતું. એમને સ્વમાનથી જીવવું હતું. ભાઇ પ્રતાપ પોતાના કરોડોના કારોબારને છોડીને ભારત ભાગી આવ્યા. એક વર્ષ સુધી તેઓ પોતાના થોડા અંગત સાથીઓને લઇને ભારતના વિવિધ પ્રદેશોમાં ફર્યા ને હિંદના સિંધની રચનાની શક્યતાઓ ચકાસી, અંતે તેમની નજર અંજાર પાસે આવેલી એક જમીન પર પડી.


ભાઇ પ્રતાપના મગજમાં ચિત્ર સ્પષ્ટ હતું. કેટલીક બાબતો તેમણે મનોમન નક્કી કરી રાખી હતી. પ્રથમ વાતઃ સિંધીઓની કોઇ એક જ વસાહત સ્થાપવી, જ્યાં સિંધના બધા સિંધીઓ સાથે વસવાટ કરે. પાંચ હજાર વર્ષ જુની સિંધુ સંસ્કૃતિના જતન માટે આ જરૂરી હતું. તેઓ એક નાની કોમ્યુનિટી હતાં અને વેરવિખેર થવા બિલકુલ માંગતા નહોતા. બીજી વાતઃ સિંધના કરાચીની અવેજીમાં એક નવું બંદર સર્જી શકાય એમ હોય ત્યાં જ નવું સિંધ સ્થાપવું. આ દરિયાખેડુ પ્રજા માટે મહેરામણ તો માતાના ખોળા જેવો છે. જે કોમે પોતાના ઇશ્વરને પણ ‘દરિયાલાલ’ તરીકે કલ્પ્યા હોય એમને સમુદ્રપ્રેમ ખરેખર સાગર જેવો અસીમ જ હોય. પડખેના સમુદ્રમાં તેમણે બારમાસી બંદરની શક્યતાઓ જોઇ. આ ઉપરાંત પણ કેટલીક બાબતો હતી. એક સિંધી યુનિવર્સિટી હોવી જોઇએ એવું ખ્વાબ ભાઇ પ્રતાપે છેક ભાગલાની પણ સમય પહેલાં જોયું હતું. એવું વિશ્વવિદ્યાલય, જ્યાં સિંધી કોમની અસ્મિતા તો સચવાઇ જ રહે, સાથોસાથ શ્રેષ્ઠ શિક્ષણ પણ મળતું રહે. એમણે વિચાર્યુ કે ગાંધીધામને સમગ્ર સિંધી કોમનું સેન્ટર પોઇન્ટ બનાવવું, વિદેશમાં વસતા સિંધીઓને પણ ત્યાં વસવાટ કરવા આમંત્રણ પાઠવવું. આ બધું જ કચ્છની આ ભૂમિમાં શક્ય હતું.


ખરેખર શક્ય હતું ? લોકો એવા જ સવાલો કરતા હતાં. ક્યાં કરાંચીનું ધીકતું બંદરગાહ અને ક્યાં એક બિંદુ જેવું બંદર. નહીં રસ્તા, નહીં ટ્રેન કે રેલવે ટ્રેક. એરપોર્ટની તો કલ્પના પણ ક્યાંથી થાય ! હતું શું અહીં? ઝાડીઝાંખરા, ઊંટ અને ગધેડા. પ્યાસ અને રેતી. ઘૂઘવતો સમુદ્ર અને નિર્જન સાગરતટ. પણ સિંધીઓના હૈયે હામ હતી. ભાઇ પ્રતાપે કહ્યું: ‘અમે આ રેતીના ઢુવાનોને ગુલીસ્તાં બનાવી દઇશું.’ પ્રક્રિયા આગળ વધી. ગાંધીજીએ કચ્છના મહારાજાને કહેણ મોકલાવ્યાં. સિંધીઓને જમીન ફાળવવા માટે. કચ્છના મહારાજાએ તારીખ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે સિંધીઓને ૧૫ હજાર એકર જમીન ફાળવી આપી. તાત્કાલિક ગાંધીજીને સમાચાર મોકલવામાં આવ્યા. કારણ કે તેઓ માત્ર ભાઇ પ્રતાપની જ નહીં પણ આખી સિંધી કોમની નજીક હતાં. સિંધીઓ માટે નવું સિંધ સર્જવા કાજે એમણે હૃદયપૂર્વક પ્રયત્નો કર્યા હતાં. પણ એ પ્રયત્નોનું પરિણામ તેઓ જોઇ ન શક્યા. સિંધીઓને જમીન ફાળવાઇ હોવાના વાવડ એમને મળે એ પહેલાં જ એમનું અવસાન થયું. દેહાવસાન જ. કારણ કે એમણે અને ભાઇ પ્રતાપે જે સ્વપ્ન સેવ્યું હતું એને સાકાર કરવાનું ધ્યેય તો હજુ હતું જ. ગાંધીજીનો આત્મા તેમની સાથે જ હતો.


સિંધીઓને, ભાઇ પ્રતાપને એક જબરદસ્ત આંચકો લાગ્યો પણ તેઓ તરત જ સ્વસ્થ થઇ ગયા. હજુ નવા સિંધની રચના બાકી હતી. એમણે નાણાં માટે જાપાનથી જર્મની અને અમેરિકા તથા રશિયા સુધી માણસો દોડાવ્યા. આચાર્ય ક્રિપલાનીના અધ્યક્ષસ્થાને ‘સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ’ નામની કંપનીની રચના કરવામાં આવી. તેના શેર વેચવા માટે ભાઇ પ્રતાપ અને સિંધીઓ યુરોપ અને એશિયા, અમેરિકામાં તથા આફ્રિકામાં ફર્યા. એમને જે પ્રકારનું  નવું નગર બનાવાનું હતું, તેમાં પુષ્કળ નાણાંની જરૂર હતી. ૧૦૨૦૦ શેર હોલ્ડર્સ થયા. એ જમાનામાં પણ ૫૦૦-૫૦૦ રૂપિયાની કિંમતના શેર વેચવામાં આવ્યા હતાં. શેર હોલ્ડર્સને પછી હપતાથી મકાન, બંગલો વગેરે ફાળવવાનું નક્કી થયું. જર્મનીથી ‘મેકેન્ઝી એન્ડ કંપની’ના ઇજનેરો આવ્યા. એક એવા નગરનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો, જેનું બાંધકામ કમસે કમ આવનારાં સો વર્ષને ધ્યાનમાં રાખીને થયું હોય. પહોળા રસ્તા અને બગીચાઓ, હરિયાળી, મજબૂત બાંધકામ, શાળાઓ, પ્લે ગ્રાઉન્ડ અને આસ્થાસ્થાનો. એક અદ્ભૂત નગરનું બેનમૂન પ્લાનિંગ થયું અને એ આયોજનનનો અમલ પણ થયો. અફલાતૂન નગર સર્જાયું.

પહોળા રસ્તાઓ અને ઠેર-ઠેર સર્કલ્સ.... ગાંધીધામ ભારતનું પ્રથમ વેલ પ્લાન્ડ નગર છે...

તસવીર સૌજન્ય; રાજેશ લાલવાણી



ભારતનું સૌ પ્રથમ વેલ પ્લાન્ડ સિટી એટલે ગાંધીધામ. જર્મન એન્જિનિયર્સ અને યુરોપિયન કારીગરોએ ગાંધીધામની બાંધણી, બાંધકામ એવાં કર્યા છે કે, આજે પણ આ નગર નમૂનારૂપ છે. ભયાનક ભૂકંપમાં પણ ગાંધીધામનું એકપણ જુનવાણી મકાન કે ઇમારત પડી નથી. એટલી ચીવટપૂર્વક, હૃદયપૂર્વક આ નગરનું સર્જન થયું હતું. ગાંધીધામ અને આદિપુરનો આ નાનો અને ટૂંકો ઇતિહાસ છે. સ્મોલ એન્ડ બ્યુટીફુલ. એમાં દિલ્હીના ઇતિહાસ જેવા ઉતાર-ચડાવ નથી. અહીં મોગલો નહોતા વસ્યા, પેશ્વાનું શાસન કે અંગ્રેજોની હકુમત નહોતી, નિઝામની સમૃદ્ધિ કે મોગલકાળનું સ્થાપત્ય પણ અહીં નથી અને છતાં આ શહેરનો ઇતિહાસ રોચક છે. અહીં એક ગાંધી સમાધિ છે. ગાંધીજીના અસ્થિ પધરાવવામાં આવ્યા હોય તેવાં આખા ભારતમાં માત્ર બે જ સ્થળ છે. જેમાંથી એક આદિપુરમાં છે. ગાંધીજીના અવસાન પછી આચાર્ય કૃપલાણી પોતાના માથા પર સ્ફટિકની ડબ્બીમાં રાખીને ગાંધીજીના અસ્થિ અહીં ભુજથી લાવ્યા હતાં. નવા સિંધનું નામ ‘ગાંધીધામ’ રાખવાનું પણ એટલે જ નક્કી થયું કેમ કે ગાંધીજીએ સિંધીઓનું સ્વપ્ન સાકાર કરવા તમામ મહેનત કરી હતી.


આદિપુરમાં આવેલી ગાંધી સમાધી: ગાંધીજીના અસ્થી અહીં આચાર્ય ક્રિપલાની માથે મૂકી ને લાવ્યા હતા!




સિંધીઓ કચ્છમાં તો આવી ગયાં પરંતુ અહીંયા વળી કરાંચી જેવું  ધમધમતું બંદર ક્યાંથી કાઢવું? જવાહરલાલ નહેરૂ અને કેટલાંક નિષ્ણાંતોએ સિંધના કરાંચીના વિકલ્પે ગાંધીધામ નજીક કંડલા બંદર બનાવવાનું નક્કી કર્યુ. ગાંધીધામ, આદિપુર અને કંડલા અલગ-અલગ હોવા છતાં એક જ છે. ગાંધીધામથી ફક્ત સાત-આઠ કિલોમીટરના અંતરે આદિપુર છે અને દસેક કિલોમીટર દૂર કંડલા છે. આદિપુરની લગભગ ૨૬૦૦ એકર જમીન અગાઉ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન પાસે હતી, જેમાંથી મોટાભાગની જમીનની ફાળવણી તેઓ શેર હોલ્ડરો વચ્ચે તથા અન્ય સરકારી બોડી માટે કરી ચૂક્યા છે. ગાંધીધામ તથા કંડલાની મોટાભાગની જમીન પર કંડલા પોર્ટ ટ્રસ્ટનો અધિકાર છે. આ શહેર અસ્તિત્વમાં આવ્યાને હજુ છએક દાયકા જેવો સમય થયો છે. એટલે આપણે ત્યાં હોય છે તેવી રીતે અહીંની જમીનો પર કોઇ જ ખાનગી પાર્ટીની પેઢીઓથી માલિકી નથી રહી. છેક ૧૯૯૭ સુધી અહીં જમીનની ખાસ કિંમત નહોતી. કંડલાનો વિકાસ પણ બહુ ધીમો હતો. કોઇ પાર્ટીને જમીન જોઇતી હોય તો કંડલા પોર્ટ ટ્રસ્ટને એક અરજી આપવાની રહેતી. જમીન આપવાનો નિર્ણય પછી કંડલા પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)ના ચેરમેનના હસ્તક રહેતો. રહેણાંક હેતુ માટેની જમીન કેપીટી ૯૯ વર્ષની લીઝથી આપે છે અને ઔદ્યોગિક હેતુ માટેની જગ્યા ૩૦ વર્ષના ભાડાપટ્ટે મળે છે. ઉદ્યોગોમાં પણ પાછી બે કેટેગરી છે. મીઠા ઉદ્યોગ માટે જમીન જોઇતી હોય તો તેનો દર ઓછો હોય છે અને વેરહાઉસ, ગોડાઉન કે ઓઇલ સ્ટોરેજ ટેન્ક માટે જગ્યા જોઇતી હોય તો તેનો ભાવ વધુ હોય છે. વિકાસ થતો ગયો અને જમીનની માંગ વધતી ગઇ. હવે બન્યું છે એવું કે, કોઇ બિઝનેસમેન કે ઉદ્યોગકારોએ જમીન જોઇતી હોય તો તેના માટે ટેન્ડર બહાર પડે છે અને હરરાજી પણ થાય છે. તાજેતરમાં જે કેઇસમાં તપાસ માટે સી.બી.આઇ.ની ટીમ કંડલા આવી એ જમીન વાસ્તવમાં છેક ૧૯૮૮માં ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ ગ્રુપને સોલ્ટ ઉદ્યોગ માટે ફાળવવામાં આવી હતી. હેતુફેર કરી કંપનીએ  ત્યાં ક્રુડ ઓઇલ તથા ખાદ્યતેલની રિફાઇનરીનું કામ શરૂ કર્યુ હતું. પાછળથી કેપીટીએ આ જમીન પાછી માંગી, જેની સામે કંપનીએ કોર્ટમાંથી સ્ટેટસ ક્વોનો ઓર્ડર મેળવ્યો. બન્યું એવું કે, પછીથી કેપીટીના ડેપ્યુટી ચેરમેન પદે મનોરંજન કુમાર નામના એક અધિકારી આવ્યાં. ફ્રેન્ડસ ગ્રુપની આ ૭પ એકર જમીનનો કેઇસ મનોરંજન કુમારએ ખોલ્યો. તેમણે સી.બી.આઇ.ને ફરિયાદ કરી કે, આ કિસ્સામાં ભ્રષ્ટાચાર થયો છે. આવી તો અનેક ફરિયાદો તેમણે સી.બી.આઇ.ને મોકલી. ઉદ્યોગકારોમાં તથા વ્યાપારીઓમાં હાહાકાર મચી ગયો. બધા ચેરમેન પાસે દોડી ગયા. તેના કારણે ડેપ્યુટી ચેરમેનને ફરી વાંકુ પડ્યું. ફ્રેન્ડસ ગ્રુપના કિસ્સામાં વાત એક કાગળ પર આવીને ઉભી હતી. કંપનીને ફાળવાયેલી જમીનનો ઓરિજિનલ એલોટમેન્ટ લેટર કંપની પાસે નહોતો.


જેનું નામ આ કિસ્સામાં ચર્ચાય છે તે ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ ગાંધીધામ કંડલાની નંબર વન કંપની છે. ત્રણ મિત્રપરિવાર (સિંઘવી, વૈદ્ય તથા જોશી પરિવાર)એ ૧૯૮૪માં શરૂ કરેલી આ કંપની  આજે સોલ્ટ, આયર્ન, ટેક્ષટાઇલ, હેન્ડલિંગ જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણપણે વર્ચસ્વ ધરાવે છે. તેની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ તેમનું ટર્નઓવર લગભગ એક હજાર કરોડ કરતાં પણ વધુ છે. દેશના સૌથી મોટા સોલ્ટ ઉત્પાદકોમાં તેમની ગણના થાય છે. અગાઉ આપણે ગૌતમ ફ્રેઇટ નામની કંપનીની જે વાત કરી એ પણ આ જૂથનું જ સાહસ છે. કોલસો, લોખંડનો ભંગાર, મીઠુ તથા ઘઉંના હેન્ડલિંગમાં તેમનું સ્થાન પ્રથમ છે. ઝીંક, ટિમ્બર અને ઓઇલમાં પણ એમનું પ્રભુત્વ છે. સોલ્ટ, કોલસો તથા તેના જેવી અનેક કોમોડિટીના હેન્ડલિંગમાં તેમણે અનેક વિક્રમો સર્જ્યા છે. પરંતુ અહીં ધંધો કરવો હોય તો હાથ કાળા કરવા પડે છે.  ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ  જૂથના બાબુભાઈ સિંઘવીનું અપહરણ કરવા અગાઉ દુબઈની ઈરફાન ગોગાની ગેંગ દ્વારા પ્રયાસ થયો હતો. બાબુભાઈને ઉઠાવી પણ લેવાયા હતા પરંતુ સુસુ જવાના બહાને તેઓ છટકી ગયા. પણ, પછી વાત વટે ચડી. દુબઈની ગેંગ દ્વારા કહેણ મોકલાયા કે,   એક વખત બાબુભાઈ ભલે છટકી ગયા, બીજી વખત છટકી નહિ શકે! કચ્છના એક કુખ્યાત ડોનને ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સાધવામાં આવ્યો અને પેલાએ મધ્યસ્થી કરી, મોટી રકમમાં સમાધાન કરાવ્યું, એવું પણ કહેવાય છે. આજે ફ્રેન્ડસના ડિરેક્ટરમાંથી એક એવા હર્ષેન્દુ વૈદ્ય પેલા ડોનની કાર લોનના હપતા પણ ભરે છે! કારણ કે, તેઓ આ લોનમાં જામીન છે! જમીનના ગેરકાયદે ઉપયોગના કેઈસમાં પણ સી.બી.આઈ. ફરી હથિયાર સજાવી રહી છે. આ લિન્ક તેની આખી દાસ્તાન વર્ણવે છે: http://indiatoday.intoday.in/story/gujarat-land-scam-exposed-at-kandla-port/1/143100.html 


ઉપરોક્ત લિન્ક કહે છે કે, કંડલાનું આ જમીન કૌભાંડ રૂપિયા બે લાખ કરોડનું છે! આપણે એ.રાજાના પોણા બે લાખ કરોડના સ્પેક્ટ્રમ કાંડથી ધ્રુજી ઉઠીએ છીએ પરંતુ ઘરઆંગણે એના કરતાં પણ મોટી હોળી સળગી રહી છે તેનું શું?  તમે જ કહો. રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદી અહિં, કંડલામાં કોચ ફેક્ટરી બનાવવાનું કહે છે... શું હાલત થશે રેલ્વેની? આ નગર ભ્રષ્ટાચારનું પાટનગર છે, રેલવેને ફોલી ને ખાઈ જશે! 


સમસ્યા એ છે કે, કંડલા પોર્ટ અને ગાંધીધામ પર મોટાભાગે બ્યુરોક્રસીનો પ્રભાવ રહે છે. આયાત-નિકાસકારો તથા બિઝનેસમેન અહીં કદાચ ઇમાનદારીથી બિઝનેસ કરવા ચાહે તો પણ અધિકારીઓ એ શક્ય બનવા દેતા નથી. અગાઉ કંડલા પોર્ટના ડેપ્યુટી ચેરમેનપદે રહેલા એક આઇ.એ.એસ. અધિકારીએ  કેપીટીના ભોગે અદાણીના મુંદ્રા પોર્ટને અનેક લાભ કરાવી આપ્યા હતાં. એમણે એટએટલા કૌભાંડ કર્યા હતાં કે, એ લખવા બેસીએ તો બસ્સો પાનાનું એક પુસ્તક પણ કદાચ ટુંકુ પડે. હજુ કંડલાના વિકાસની અનેક શક્યતાઓ રહેલી છે. પરંતુ તેના માટે કેપીટીમાં કોઇ નિષ્ઠાવાન અને કાર્યક્ષમ અધિકારી મુકાય તે અનિવાર્ય છે.

11 comments:

  1. ખુબ સુંદર રજુઆત.
    આપના જેવા નિષ્ઠાવાન પત્રકારોને કારણે આજે લોક્શાહી અનુભવી શકાય છે.

    તક્ષ ભટ્ટ.

    ReplyDelete
  2. ઓહો! ઘણી અજાણી વાતો જાણવા મળી! કોભાંડ તો હોય એ સ્વાભાવિક છે પણ ઈતિહાસ અને રજૂઆત રસપ્રદ રહી.

    ReplyDelete
  3. ગાંધીધામમાં બે દાયકાથી વધુ સમયથી રહું છું, છતાંપણ આટલી બધી (ડીટેઈલ્સમાં)વાતો ખબર ન હતી.

    નાઈસ પોસ્ટ .


    .

    .

    .

    [એક આડવાત જો કે ગાંધીધામાં-આદિપુર તરફથી (આડકતરીરીતે) કેટલો જુલમ થાય છે એ પણ નોંધી રહ્યો છું.;)]

    ReplyDelete
  4. Dear Acharya Saheb
    I belong to Gandhidham & liked your article very much.
    Per capita income may be higher in this city but there is no life. The city is not worth living. You may find super luxury Cars but there are no quality roads. Along with KPT, The Municipality is also full of corruption & infighting. There is no development in real sence. Peaple earn money thats it.

    ReplyDelete
  5. કીન્નરભાઈ, તમે તો મારું મગજ બહેર મારી દીધું.
    કંડલા એક જ વખત ૧ કલાક માટે ગયો છું. મને શું ખબર કે આ નગર એટલા હાડ-પિંજર દાબી ને બેઠું છે !!

    ReplyDelete
  6. waah...
    maja aavi gayi yar,,,kinnar bhai na gutZz ne salaam

    ReplyDelete
  7. Is Post Se Malum Padtahe ki Garibo KI ky Halat Hoti Hogi

    ReplyDelete
  8. Direct actions are the main solution. Now make Public cell and catch the matters just before it get the shape of crime. I am Rajendra Goswami ..Social Worker for National Security reasons and doing direct actions on the matters. I am using all our Powers as Preventive departments as SIB,DRI,CBI,IB and all . according to my knowledge I am catching the things and stooping them with the help of all theses departments.Public shell have to make cell every where according to knowledge and make actions is the remain way to control the things at large scale.. Gone is gone ..now be ready for to stop New more.....
    Jai Hind

    ReplyDelete
  9. thanx for the very interesting history of Gandhidham :)

    ReplyDelete
  10. good information

    ReplyDelete