Tuesday, August 14, 2012

મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજ આપમેળે અર્ધી કાઠીએ હોય છે!

 (મારા પુસ્તક, "મહા-ભારતની રામાયણ"માંથી)

૧૫ ઓગસ્ટ વિશેષ :
ગયા વર્ષે 15 ઓગસ્ટે ધ્વજવંદન સમયે લાલ કિલ્લા પરથી જગતની સૌથી મોટી લોકશાહીની સૌથી લાચાર વ્યક્તિએ કહ્યું કે, તેમની પાસે ભ્રષ્ટાચાર ડામવાની કોઈ જાદુઈ છડી નથી. કોઈ જાદુમંતર કરીને તેઓ સ્પેક્ટ્રમમાંથી બે લાખ કરોડ અદૃશ્ય કરી શકે છે, આવા જ જાદુ ટોના કરીને કોમનવેલ્થ ગેમ્સનું બજેટ 1700 કરોડમાંથી ૮૫ હજાર કરોડ સુધી પહોંચાડી શકે છે. કોઈ અદ્ભુત મંત્રનું ઉચ્ચારણ કરીને તેઓ હસન અલી જેવા દેશદ્રોહી ટેક્સચોરને ન્યાયતંત્રની જાળમાંથી આઝાદ રાખી શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત આવે ત્યારે છડીના અભાવના કર્કશ મરશિયા જોર-જોરથી ગાવા માંડે છે. દેશવાસીઓ પૂછે છે કે, જો જાદુની છડીની જરૂર હોય તો કે. લાલ કે પી. સી. સરકારને બોલાવો અને પ્રતિબદ્ધતાની જરૂર હોય તો તમે એ દર્શાવો. જો તમે લાચાર છો તો ગાદી પરથી આ ક્ષણે ઊતરી જાઓ અને ઘેર જઈ બે ટંક રોટલા ખાઈ પ્રભુનું સ્મરણ કરો. જો તમે અશક્ત છો તો નિવૃત્તિ લઈ લો, જો તમારામાં તાકાત નથી તો બીજાને તક આપો. જો તમારું આત્મગૌરવ હણાઈ ગયું છે તો વિકલ્પ શોધો. જો તમે અસમર્થ છો તો રસ્તો કાઢો. જો તમે ગુલામ છો તો આઝાદ થાઓ. જો તમે ચિઠ્ઠીના ચાકર છો તો એ વાત પણ યાદ રાખો કે તમે સૌપ્રથમ એક પબ્લિક સર્વન્ટ છો. જ્યારે પબ્લિકને સર્વ કરવાની અથવા તો પ્રજાની સેવા કરવાની તમારી શક્તિ હણાઇ જાય ત્યારે એ જવાબદારીમાંથી સામે ચાલીને મુક્ત થવું એ જ ઉત્તમ ગણાય. તેમાં આ દેશનું પણ ભલું છે અને પ્રજાનું પણ કલ્યાણ છે. જે સંસદીય લોકશાહીના સોગંધ તમે રોજ સવારે ઊઠીને આપ્યા કરો છો એ સંસદીય લોકશાહી અત્યારે ચોધાર આંસુએ રડી રહી છે. કહેવાતી જગતની પ્રથમ ક્રમાંકની લોકશાહી પર એક પરિવાર અને તેમના કેટલાક મળતિયાઓનો કબજો છે. એટલે જ 15 ઓગસ્ટે જ્યારે મનમોહન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે ત્યારે એ રાષ્ટ્રધ્વજની ગરિમા ઘટી ગઈ હોય તેવું લાગે છે. વધુ સ્પષ્ટપણે કહેવું હોય તો કહી શકાય કે, મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજ ઊન્નત નથી હોતો, એ આપમેળે અર્ધી કાઠીએ હોય છે!
(મારા પુસ્તક, "મહા-ભારતની રામાયણ"માંથી)

3 comments: