Tuesday, May 7, 2013

ગુજરાત @ 53: ત્રેપન વર્ષ, ત્રેપન સવાલ અને ત્રેપન જવાબ




ગુજરાત પરની આ ક્વિઝને મિત્રો તરફથી કલ્પનાતિત આવકાર મળ્યો છે, અનેક મિત્રોએ ડોક્યુમેન્ટરી રસપૂર્વક જોઈ ને - જહેમત ઉઠાવી ને જવાબ આપ્યા છે. ગાંધીનગરના ઝાકળભાઈ અને રાજકોટના મનીષ કરડાણી જેવા મિત્રોના તો ઓલમોસ્ટ પ્રત્યેક જવાબ સાચા છે - બાકીના વિજેતા મિત્રોના નામ પણ ટૂંકમાં જાહેર કરીશ અને ગિફ્ટ પણ તેમને ટૂંક સમયમાં મોકલી આપીશ ... દરમિયાન અહીં તમામ ત્રેપન પ્રશ્નોના જવાબો મૂકી રહ્યો છું .... 
      

1)          સતત છસ્સો વર્ષ સુધી ગુજરાતની રાજધાની બની રહેલું પાટણ.... ચાવડા વંશના પ્રથમ શાસક મહારાજ ચાવડાએ તેની સ્થાપના કરી. એ પછી સોલંકી અને વાઘેલા વંશનું શાસન આવ્યું. ઇ.સ. 942થી 1244 સુધીનાં 300 વર્ષ દરમિયાન અહીં સોલંકીઓએ રાજ કર્યુ અને એ જ તેનો સુવર્ણકાળ. સામાન્ય ગુજરાતી માટે પાટણ અને પટોળા એ બેઉ પર્યાયવાચક શબ્દો છે. શુદ્ધ રેશમ અને સોનાની ઝરી વડે હસ્તકળાથી બનતી આ સાડીની કિંમત સવા લાખથી શરૂ થાય છે. પટોળાનું તો ખૈર તમે મૂલ્ય પણ આંકી શકો પણ પાટણનાં સ્થાપત્યો અમૂલ્ય છે. રાણકી વાવ!  જમીનની અંદર સાત માળ અને ચોતરફ કોતરાયેલા અદ્ભૂત શિલ્પો ! ઇ.સ. 1063માં રાજા ભિમદેવના પત્ની રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કરાવ્યું. ભારતની ઉત્તમોત્તમ વાવની યાદીમાં રાણકી વાવનું સ્થાન પ્રથમ છે. રાણકી વાવમાં લગભગ આઠસો કરતાં વધુ શિલ્પો કંડારેલા છે. પટોળાની કળાને જાણે અંજલી આપી રાાં હોય એમ સ્થપતિઓએ વાવમાં પટોળાની પરંપરાગત ડિઝાઇનના શિલ્પો પણ કંડાર્યા છે. વચ્ચેના વર્ષો દરમિયાન કોઇ સમયે નજીકની સરસ્વતી નદિનો પ્રવાહ પલટાયો હતો અને આ બેનમૂન વાવ માટી અને કાદવથી જમીનમાં દટાઇ ગઇ હતી. પુરાતત્વ વિભાગે છેક 1980માં આ વાવનો કાદવ ઉલેચી તેને નવજીવન આપ્યું. આજે પુરાતત્વ વિભાગ આ વાવની જાળવણી જીવની જેમ કરે છે. વૃક્ષો અને હરિયાળીથી સભર આખું કેમ્પસ વાવની ભવ્યતાને અનુરૂપ જ બનાવાયું છે. સવાલ એ છે કે, આ વાવના મોટા ભાગના શિલ્પોમાં ભારતીય પુરાણોની કઈ કથા વણી લેવાઈ છે?

જવાબ: વિષ્ણુના નવ અવતારની 


2)          પાટણની રાણકી વાવને મહદ્ અંશે અગાઉ જેવી સ્થિતિમાં લાવી શકાઇ છે પરંતુ અહીંથી ઉત્તરે આવેલા સહત્ર લિંગ તળાવનો વીસેક ટકા હિસ્સો જ ઉત્ખનન કરી બહાર કાઢી શકાયો છે. ઇ.સ. 1084માં બનેલું આ તળાવ એ સમયનાં ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. નજીકની સરસ્વતિ નદીમાંથી આ તળાવમાં પાણી લવાતું અને તેને એકદમ શુદ્ધ કરવાની વ્યવસ્થા પણ હતી. નામ મુજબ આ તળાવમાં 1008 શિવલીંગોની સ્થાપના કરવામાં આવી હતી. અહીંનું મુખ્ય શિવાલય 48 સ્તંભ પર રચાયું હતું. આ તળાવ ક્યા રાજાએ બંધાવ્યું હતું?

જવાબ: સિદ્ધરાજ જયસિંહ 


3)          અનેક ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતાં પાટણમાં સેંકડો  મંદિરો છે પણ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર. છેક ચાવડા વંશથી જ અહીં જૈન ધર્મનો વિશેષ પ્રભાવ રહ્યો. ગુજરાતી વ્યાકરણ માટે વિરાટ કાર્ય કરનાર પાટણનાં જૈન મુની હેમચંદ્રચાર્યના ઉલ્લેખ વગર પાટણની વાત અધુરી જ ગણાય. એક સમયે પાટણ ગુજરાતની માત્ર શાસકિય કે વહિવટી રાજધાની જ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ પાટનગર હતું. હેમચંદ્રાચાર્યનો વ્યાકરણનો ગ્રંથ સંપૂર્ણ થયો ત્યારે એ ગ્રંથની હાથી પર સવારી નીકળી હતી અને આખા પાટણમાં ફરી હતી. તેમાં હેમચંદ્રાચાર્ય સાથે સૌથી આગળ ચાલવામાં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ હતાં ! પ્રશ્ન એ છે કે, આ દેરાસર આજે પણ શેના કારણે વધુ વિખ્યાત છે? 

જવાબ: તેમાં સચવાયેલી હસ્તપ્રતો માટે 


4)          પાટણ નજીક આવેલાં સિદ્ધપુરનો રૂદ્ર મહાલય જાણે પેલી કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ છે: ‘ખંડહર બતા રહા હૈ કી ઇમારત કિતની બુલંદ થી !’. કહેવાય છે કે મૂળરાજ સોલંકીએ તેનાં બાંધકામની શરૂઆત કરાવી અને સિદ્ધરાજ જયસિંહે એ પૂર્ણ કર્યુ. આટલાં વર્ષોના અથાક પરિશ્રમ પછી જે ઇમારત તૈયાર થઇ એ હતી, ત્રણ માળ ધરાવતો જાજવલ્યમાન રૂદ્ર મહાલય! તેનાં તોરણો, ખંડો, ઉપખંડો, માળ-મેડીઓ અને અગાસીઓ... એક સાથે મંત્રોચ્ચાર કરતાં હજ્જારો બ્રાહ્મણો... રૂદ્ર મહાલયનું સ્ટેટસ એ સમયે કદાચ સોમનાથ જેટલું જ હતું. અલાઉદ્દીન ખિલજીના ક્રુર સૈન્યએ આ અપૂર્વ ઇમારતનો લગભગ પૂર્ણતઃ ધ્વંશ કર્યો અને હવે બચ્યાં છે માત્ર અવશેષો! સિદ્ધપુરની ખ્યાતિ જો કે રૂદ્રમાળ કરતાં પણ પહેલાંના કાળથી છે. છેક પુરાણ કાળથી ! આ સ્થાનને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંના બિંદુ સરોવરનું નામ પુરાણોકત પંચ સરોવરમાં માન સરોવરની સાથે લેવામાં આવે છે. વાયકા છે કે અહીં ભગવાન પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું. ત્યારથી અહીં માતૃશ્રાદ્ધનો મહિમા છે. સવાલ: આજે તો રુદ્ર મહાલયમાં બ-ચાર સ્તંભો જ બચ્યા છે પરંતુ તેની મૂળ ઈમારતમાં અગાઉ કુલ કેટલા સ્તંભો હતા? સિદ્ધપુરમાં એક અનોખો વિસ્તાર છે - જે સ્થાપત્યની દ્રષ્ટીએ બેજોડ છે. 360 બારીનું અહીંનું અદ્ભુત મકાન તો તેની ઝલક માત્ર છે ! લાકડાનાં પિલર પર બનેલા અને અદ્વિતીય બાંધણી ધરાવતાં આ મહોલાની શેરીઓ જાણે પેરિસને પણ શરમાવે એવી છે! તેનાં વિશિષ્ટ આર્કિટેકચરના કારણે ઘણાં પર્યટકો ખાસ આ વિસ્તારની મુલાકાત લેવા આવે છે. એટલું જ નહીં, આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ પણ આ વિસ્તારની મુલાકાતે નિરંતર આવતાં રહે છે. આ વિસ્તારનું નામ શું? 

જવાબ: વોહરા વાડ 


5)          વડનગર અહીંયાના વડનગરા નાગરો માટે જાણીતું છે. નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર અહીંનું પ્રમુખ ધર્મસ્થાન ગણાય. પૌરાણિક કથા એવી છે કે સતિના દેહત્યાગ પછી મહાદેવ દુઃખી થઇ પાતાળમાં જતા રહ્યા ત્યારે અહીંના નાગરકુળના બ્રાહ્મણોએ શિવજીને પાતાળમાંથી પૃથ્વી લોક પર લાવવા તપ આરંભ્યું. મહાદેવ પ્રસન્ન થયા અને લિંગરૂપે અહીં દર્શન આપ્યાં. હાટકેશ્વર મહાદેવ અહીં પૌરાણિક કાળથી બિરાજે છે પણ હાલનું મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે. શિલ્પોથી લદાયેલા આ મંદિરનું સ્થાપત્ય ધ્યાનાકર્ષક છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ મંદિરનું ખાસ મહત્વ છે. વડનગર જેની ફરતે વસ્યું છે અને નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે જેમાં નિત્ય સ્નાન કરતા એ તળાવનું નામ શું? 

જવાબ: શર્મિષ્ઠા તળાવ 

6)          અકબરનાં દરબારમાં રાગ દીપક છેડયા પછી સંગીત  સમ્રાટ તાનસેનનું અંગે-અંગ દાઝવા લાગ્યું. રાગ મેઘ મલ્હારનું ઉત્તમ ગાન કરી નાગર કુળની બહેનો તાના અને રીરીએ જ તેને શાતા આપી હોવાનું કહેવાય છે. અકબરે બેઉ બહેનોને પોતાનાં દરબારમાં ગાવાનું આમંત્રણ આપ્યું પણ એ સમયે બ્રાહ્મણ કન્યાઓ આવો કાર્યક્રમ આપે એવું કોઇ વિચારી પણ શકતું નહોતું. તાના-રીરીએ દરબારમાં આવવાની ના ભણી દીધી. દંતકથા છે કે ગિન્નાયેલા અકબરે બેઉ બહેનોને લાવવા સૈન્ય મોકલ્યું પણ તાના અને રીરીએ પોતાનાં વતન પરનું સંકટ ટાળવા પ્રાણત્યાગ કર્યો. આ બેઉ બહેનોને વડનગર સાથે શો સંબધ? આજે આ સંબંધ કેવી રીતે જોડાયેલો રહ્યો છે? 

જવાબ: તાના અને રિરીની સમાધી અહીં છે અને તેના નામે સંગીત ઉત્સવ પણ થાય છે 


TANA RIRI - VADNAGAR
ઉપર: તાના રીરીની સમાધિ, નીચે: સમાધી પર મુકાયેલું એક બોર્ડ -
જે એન્લાર્જ કરી ને વાંચી શકાય છે 




7)          મોઢેરાનું સુર્યમંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે. સૂર્યદેવને સમર્પિત આ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેîચાયેલું છેઃ સૂર્યકુંડ, રંગમંડપ અને મૂળ મંદિર. મંદિરની ભવ્યતાની ઝાંખી સૂર્યકુંડથી જ મળવી શરૂ થઇ જાય છે. બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં આ કુંડમાં અલગ-અલગ દેવોના 108 નાનાં મંદિરો છે. ભાવિકો સ્નાનાદિ કર્મ નિપટાવી 108 દેવ-દેવીઓની પ્રદક્ષિણા કરી શકે એ માટે વ્યવસ્થા કરાઇ હતી. એ પછી આવે છે રંગમંડપ. અહીં રામાયણ-મહાભારત તથા કૃષ્ણલિલાનાં અનેક પ્રસંગોના શિલ્પો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત નર્તકીઓ અને મૈથુનનાં શિલ્પો પણ પ્રચુર માત્રામાં છે. મૂળ મંદિરમાં પણ દેવ-દેવીઓના તથા મૈથુનનાં શિલ્પો છે. મુખ્ય મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ ગાયબ છે., કહેવાય છે કે અહીં પૂર્ણ કદની સંપૂર્ણતઃ સોનાની મૂર્તિ સ્થપાયેલી હતી પરંતુ અલાઉદ્દીન ખિલજીનાં સૈન્યએ આ મંદિરને પણ બક્ષ્યું નથી. લૂંટફાંટ તો કરી જ પણ અહીંના તમામ શિલ્પોને ખંડિત કર્યા. કોઇનો હાથ તોડયો તો કોઇના પગ તો કોઇની ગરદન.... અખંડિત મૂર્તિ શોધવાનું અહીં લગભગ અશક્ય છે.  મોઢેરાના આ સૂર્યમંદિરનું નિર્માણ 1027ની સાલમાં ભિમદેવ પ્રથમે કરાવ્યું હોવાનાં પ્રમાણો મળે છે. સોલંકી યુગના અન્ય સ્થાપત્યોની માફક આ મંદિરમાં પણ ઇંટ-ચૂનાનો ઉપયોગ નથી થયો. આ આખુ મંદિર ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બનેલું છે. એટલે કે એક પત્થરમાં ખાંચ બનાવી બીજા પત્થર તેમાં જડબેસલાક બેસાડી દીધેલાં છે. આ મુદ્દો ખ્યાલમાં રાખીએ તો આ મંદિર કોઇ અજાયબીથી કમ નથી. પ્રશ્ન: આ મંદિરના શિલ્પોમાં હિંદુ ધર્મની કઈ અદ્ભુત ફિલોસોફીને વણી લેવામાં આવી છે? 

જવાબ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 





      
8)          મોઢેરાથી ગણતરીની ક્ષણોમાં તમે બહુચરાજી પહોંચી શકો છો. અહીં સતિનાં હાથ પડયાં હતાં. અંબાજી એ શકિતનું યુવતી સ્વરૂપ છે, પાવાગઢના મહાકાળી માતૃસ્વરૂપ છે તો બહુચરાજી બાળાના સ્વરૂપે બિરાજે છે. તંત્ર શાત્રમાં વર્ણવાયેલી દસ મહાવિદ્યામાંથી ત્રિપુર સુંદરીનું સ્વરૂપ છે એ જ અહીંયા બહુચરાજી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ વિસ્તારમાં બાલા ત્રિપુર સુંદરીએ અનેક રાક્ષસો હણ્યાં હતાં એટલે તેઓ બહિર્ચરી કહેવાયાં અને કાળક્રમે તેમાંથી બહુચરાજી નામ પ્રચલિત થયું. કહેવાય છે કે આ સ્થળે માં બહુચરાજી દરેક ભાવકોની મનોકામના પૂર્ણ કરે છે. પુત્ર પ્રાપ્તિ, મકાન, દરદના ઇલાજ માટે અને પુરૂષાત્તન મેળવવા માટે પણ અહીં માનતા રખાય છે. ભાવિકોનો પ્રવાહ અહીં દિન-પ્રતિદિન વધતો ચાલ્યો છે. ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે. મુખ્ય મંદિરની આસપાસ અહીં અનેક નાના-મોટા મંદિરો આવેલાં છે. બહુચરાજીના આ મંદિરની અને માતાનાં ચમત્કારની અનેક વાતો પ્રચલિત છે. આમ તો પુરાણોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે પણ હાલનું મંદિર જિર્ણોદ્ધાર પામેલું છે. અહીં મૂર્તિની પૂજા નથી થતી એ ખ્યાલ બહુ ઓછા લોકોને છે! પ્રશ્ન એ છે કે, જો મૂર્તિની પૂજા નથી થતી તો શેની થાય છે? 

જવાબ: સ્ફટિક દ્વારા નિર્મિત બાલા યંત્ર 

9)       મહેસાણા જિલ્લાનું એક મહત્વપૂર્ણ તીર્થ એટલે જૈન તીર્થ શંખેશ્વર.... આ તીર્થનો મહિમા જૈનો માટે પાલિતાણા કે આબુનાં દેલવાડાથી કમ નથી. એટલે જ શંખેશ્વરની આગળ મહાતીર્થ જોડવામાં આવે છે. અહીંના નાના મંદિરોમાં જૈનોના તમામ તિર્થંકરોની પ્રતિમા મોજુદ છે. શંખેશ્વરનું આ મંદિર જાગતું તીર્થ છે અર્થાત્ કહેવાય છે કે અહીં તીર્થકરો હાજરાહજુર છે અને ભક્તોનો સાદ સાંભળે છે, તેનો યોગ્ય પ્રતિભાવ આપે છે. સવાલ યેહ હૈ કી, જૈનોના ચોવીસ તીર્થંકરમાંથી ક્યા તીર્થંકરને આ મંદિર સમર્પિત છે? 

જવાબ: ભગવાન પાર્શ્વનાથ 


10)      ડાંગ પર પ્રકૃતિ હંમેશા મહેરબાન રહી છે. ચોમાસામાં વરસતો સવાસોથી દોઢસો ઇંચ વરસાદ અહીંની ધરતીને એક વર્ષ સુધી સુંદરતા બક્ષવા પુરતો છે. ડાંગ એક અદ્ભુત અનૂભવ છે. અહીં આદિવાસીઓની સમૃદ્ધ સંસ્કૃતિ આજની તારીખે પણ ધબકી રહી છે, હસ્તકળા અને લોકકળા તથા રિતીરિવાજોમાં હજુ પરંપરા જળવાઇ રહી છે... ખેતી હજુ અહીં દેશી પદ્ધતિથી જ થાય છે અને કેલ્શીયમથી ભરપૂર એક દેશી અનાજ આજે પણ ડાંગના આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. આ વિશિષ્ટ ધાન્ય આજકાલ ફેશનમાં છે. મુંબઇના અનેક ફિલ્મસ્ટારો ડાયેટીંગ માટે તેનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે, પ્રકૃત્તિ તરફ પાછા વળવામાં જ સાર છે. બીજી બધી બાબતોનો તો ખ્યાલ નથી, પરંતુ ખેતી અને ખોરાક વિશે આવું કરવામાં જ સાર છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. ડાંગના રાષ્ટ્રીય ખોરાક જેવા ગણાતા અને કેલ્શિયમના દભુત સોર્સ એવા આ અનાજનું નામ શું?

જવાબ: નાગલી અથવા નાચની અથવા રાગી 


11)      ડાંગનું વાતાવરણ અને તેની ભૌગોલિક પરિસ્થિતિનાં પ્રતાપે અહીં અનેક જાતનાં વૃક્ષો અને ઔષધિય વનસ્પતિઓ જોવા મળે છે. એટલે જ અહીં બન્યો છે વિશાળ બોટનિકલ ગાર્ડન. લગભગ 70 એકર જમીનમાં ફેલાયેલા આ અનોખા બગીચામાં જાતજાતનાં થોરથી માંડીને અનેક ઉપયોગી વનસ્પતિઓનાં છોડ તથા વૃક્ષો છે. જો કે માનવનિર્મિત આ લિલોતરી કરતાં અનેકગણું વધુ સૌîદર્ય છે તેની સાવ નજીક આવેલા વાસંદના નેશનલ પાર્કમાં. ચોવીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ અભયારણ્ય અગાઉ ખાનગી મિલકત ગણાતું. 1975ની સાલમાં આ જંગલ તેમણે સરકારને સોîપ્યુ. વાંસ અને સાગથી સમૃદ્ધ આ જંગલ આસપાસ મળી આવતા અવશેષો સાબિત કરે છે કે ઘણાં સમય પહેલાં અહીં વાઘની વસ્તી પણ હતી. હજુ જો કે અહીં દીપડા અને ચીત્તલની સારી એવી વસ્તી છે. સવાલ એ છે કે, અગાઉ આ અભયારણ્ય કોની ખાનગી મિલકત ગણાતું હતું? 

જવાબ: વાંસદાના મહારાજાની 


12)      વાંસદા નેશનલ પાર્કથી ફક્ત 1પ-20 મિનીટના અંતર પર છે એક અદ્ભુત સ્થળઃ કિલાદ. આસપાસ પહાડો અને હરિયાળી. વહેતું પાણી અને કાંઠે છે કિલાદની અદ્ભુત કેમ્પ સાઇટ.પ્રકૃત્તિ શિક્ષણ માટે આ કેમ્પ સાઇટ વન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. વાંસથી બનેલી સુવિધાસભર ઝૂંપડીઓ તથા ટેન્ટની હારમાળા અસલ ઇકો ટુરિઝમની સાક્ષી પુરે છે. કિલાદની આ નેચર એજ્યુકેશન કેમ્પ સાઇટમાં બનેલા આ વાંસના અદ્ભુત ટાવર્સ પર વહેલી સવારે બર્ડ વોચિંગનો આનંદ લઇ શકાય છે. અહીં રાત્રે કેમ્પ ફાયરમાં ડાંગની લોકકળાઓનો આનંદ ઉઠાવી શકાય છે. પ્રશ્ન: આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલતા અને દર વર્ષે અહીં યોજાતા વિશિષ્ટ ઉત્સવનું નામ?

જવાબ: ડાંગ દરબાર 



13)      જો કે જંગલની તમારે અસલી મજા લેવી હોય, જંગલને માત્ર જોવું જ નહીં પરંતુ સાંભળવું અને માણવું પણ હોય તો તમારે જવું પડે અભયારણ્યની મધ્યમાં આવેલી મહાલની કેમ્પ સાઇટમાં.  અહીં પહોંચ્યા પછી તમને વિશ્વથી વિખૂટા પડી કોઇ અલગ જ લોકમાં પહોંચી ગયાનો અનૂભવ થાય. જંગલની વચ્ચોવચ્ચ જાણે એક નાનું સ્વર્ગલોક ! આસપાસનાં અદ્ભુત ઞશ્યો. અહીં રહેવા-જમવાની સરસ વ્યવસ્થા છે, પણ, હા ! બુકિંગ કરાવવું અનિવાર્ય છે. મહાલની આ કેમ્પ સાઇટ અભયારણ્યની મધ્યમાં આવેલી છે. 160 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું આ અભયારણ્ય સાગ અને વાંસના વૃક્ષોથી લથબથ છે. આ જંગલમાં ચૌશીંગા તથા દીપડા જેવાં વન્ય જીવોની વસ્તી પણ છે. ડાંગની આવી વન્ય સંપદા અને હરિયાળી સમૃદ્ધિ સાથે ડાંગના રંગીન રિતીરિવાજો તથા રસાળ જીવનશૈલીનું મિશ્રણ થાય છે ત્યારે સર્જાય છે એક અનોખી સંવાદિતા જે એક સામાન્ય પર્યટક ઉપરાંત લોક સંસ્કૃતિના અભ્યાસુઓને પણ આકર્ષે છે ! મહાલ અને આ કેમ્પ સાઈટ જ્યાં આવેલા છે - તે વન્ય પ્રાણી અભયારણ્ય ક્યા નામથી વિખ્યાત છે? 

જવાબ: પૂર્ણા વન્ય પ્રાણી અભયારણ્ય 




14)      નવસારીના વાંસદાના મહારાજા ભારતનાં બહુ જૂજ એવાં લોકોમાં સ્થાન પામે છે જેમને ખાનગી સ્તરે હરણના બ્રીડિંગની પરવાનગી મળેલી છે. એમનાં રાજમહેલમાં આજે પણ આ બ્રીડિંગ સેન્ટર ચાલે છે. રાજાશાહિ ભલે ગઇકાલની વાત ગણાતી હોય પરંતુ એમનો વિશાળ રાજમહેલ ભવ્ય ભૂતકાળની ગવાહી આપે છે. હા! વાંસદાનો ભૂતકાળ ભવ્ય છે. અહીંથી વીસેક મિનીટનાં અંતર પર આવેલું એક સ્થળ આવાં જ સમૃદ્ધ ઇતિહાસની વાત કરે છે. આ એ સ્થળ છે જ્યાં સદિઓ અગાઉ પારસીઓ પોતાના પવિત્ર આતશ લાવ્યાં હતાં. અહીં ઉભા રહી આસપાસની વનરાજી નિહાળવી એ પણ એક લહાવો છે. આ વિસ્તારની ખેતી સમૃદ્ધ છે અને એટલે જ તેને સંલગ્ન પ્રવૃત્તિ કરતાં સહકારી એકમો અહીં ધમધમતા રહે છે. અહીંયા કાજુની ખેતી પણ થાય છે. જેના પેકેજીંગ યુનિટ પણ આ વિસ્તારમાં આવેલા છે. આપણો પ્રશ્ન: પારસીઓ પોતાનો પવિત્ર આતશ જયા લાવ્યા હતા એ સ્થળનું નામ આપો ...

જવાબ: અજમલગઢ 



15)      સુરતથી ફક્ત ત્રીસ કિલોમીટર દૂર છે બારડોલી. સરદાર વલ્લભભાઇ પટેલએ પોતાનાં જીવનના મોટાભાગનાં દિવસો જ્યાં પસાર કર્યા હતાં એ બારડોલી આશ્રમને આજે પણ મહદ્ અંશે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવ્યો છે. બાજુમાં આવેલાં સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સરદારનાં જીવનનાં તમામ મહત્વની ઘટનાઓની તસવીરી ઝલક મળે છે. વીસ કરતાં વધુ ખંડમાં પથરાયેલું આ મ્યુઝિયમ ઇતિહાસસાં રૂચિ ધરાવનાર વ્યકિત માટે કોઇ તિર્થસ્થાનથી કમ નથી. તારીખ 1 ફેબ્રુઆરી-1922ના દિવસે ગાંધીજીએ જે આંબાની નિશ્રામાં અંગ્રેજો વિરૂદ્ધ અસહકાર આંદોલનનું એલાન આપ્યું હતું એ ઐતિહાસિક આંબો પણ હજુ અહીંયા સાબૂત છે. બારડોલીની મુલાકાત તમને સ્વાતંત્ર્ય ચળવળનાં એ યાદગાર દિવસોની યાદ તાજી કરાવે છે. સવાલ: આ સ્થળે ક્યાં ઐતિહાસિક સત્યાગ્રહની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી?

જવાબ: બારડોલી સત્યાગ્રહ 


16)      રાજપીપળાની સ્થાપના ઇ.સ. 1470ની સાલમાં મધ્ય પ્રદેશનાં પરમાર વંશએ કરી હતી. જો કે તેનો સુવર્ણયુગ આવ્યો 19મી સદીના ઉત્તરાર્ધમાં. એ સમયે રાજપીપળાનાં સિંહાસને બિરાજતાં રાજા વિજયસિંહજીએ અહીંયા અનેક પ્રજા ઉપયોગી કાર્યો કર્યા, અનેક ઇમારતો બંધાવી, ઇ.સ. 1910માં રાજા છત્રસિંહજીએ પોતાનાં પુત્ર માટે બનાવેલો પેલેસ આજે પણ અડિખમ ઉભો છે. આ સુંદર રાજમહેલનાં એક ભાગને હેરિટેજ હોટેલમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. આ મહેલમાં અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે. ગુજરાતમાં મહેલોને હોટેલમાં કન્વર્ટ કરવાનો શિરસ્તો આ જ પેલેસથી જ શરૂ થયો હતો. આ રાજ મહેલનું નામ શું?

જવાબ: રાજવંત પેલેસ 


17)      નર્મદા. જિલ્લાનું નામ જ જે નદિના નામ પરથી રખાયું હોય એ નદીનાં મહાતિર્થ એટલે સરદાર સરોવર પરિયોજના ! આ યોજનાને આપણે ગુજરાતની કામધેનૂ પણ ગણી શકીએ અને કલ્પવૃક્ષ પણ ! સિમેન્ટ-કોક્રીટના ઉપયોગની ઞષ્ટિએ આ ડેમનું સ્થાન વિશ્વમાં બીજા નંબરનું છે. તેમાં જેટલા સિમેન્ટ-કોક્રીટનો ઉપયોગ થયો છે તેમાંથી પૃથ્વિનાં ગોળા ફરતે એક રોડ પણ તૈયાર થઇ શકે. તેની કેનાલનું નેટવર્ક ભારતીય રેલ્વેનાં નેટવર્ક કરતાં પણ અનેકગણું છે. અને હવે સરદાર સરોવર જ્યાં સ્થિત છે એ કેવડિયા કોલોનીને એક પર્યટન ધામ તરીકે વિકસાવવાના જોરદાર પ્રયત્નો થઇ રહ્યા છે. સવાલ એ છે કે, નર્મદા યોજનાનું કેનાલ નેટવર્ક કેટલા કિલોમીટરનું છે?

જવાબ: 85,000 કિલોમીટર 


18)      શુલપાણેશ્વર અભ્યારણ્ય એટલે છસ્સો કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી એક અનોખી દુનિયા. ખુબસુરત લેન્ડસ્કેપ્સ અને ટચુકડા ગામડાઓ. સમૃદ્ધ વન્ય સંપદા અને રિંછ, દિપડા તથા ચીત્તલ જેવાં વન્યજીવોથી સભર જંગલ. આ અભયારણ્યમાં લગભગ સોએક જેટલાં ટચુકડાં ગામડાંઓ આવેલા છે. તેમાં મોટાભાગની વસ્તી વસાવા તથા તડવી ભિલ કોમ્યુનિટીની છે. આ આદિવાસીઓ અને તેમનાં નાનાં એવાં ઘર તથા તેમના રંગબેરંગી રિવાજો અભયારણ્યની સુંદરતામાં વધારો કરે છે. જો કે અભયારણ્યનાં મુગટ છે બે સુંદર ગામો ! આ બેઉ ગામોમાં તમે ઇકો ટુરિઝમનો અનેરો આનંદ ઉઠાવી શકો છો. વન વિભાગ દ્વારા બેઉ જગ્યાએ અદ્ભુત કેમ્પ સાઇટનું નિર્માણ થયું છે. વાંસથી બનેલાં રૂમો જેટલાં સુંદર છે એટલાં જ આરામદાયક પણ છે. કહેવામાં એવું આવે છે કે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. પણ પ્રકૃત્તિ સાથે સંવાદિતા સાધી, જાત સાથે સંવાદ કરવો હોય તો ગુજરાતમાં આ બેઉ ટચુકડા હિલ સ્ટેશનથી ઉત્તમ બીજું કોઇ સ્થળ નથી. અહીં તમને નિતાંત શાંતિનો અને અદ્ભૂત વાતાવરણનો અનૂભવ મળે છે. દૂર દૂર સુધી પથરાયેલી વનરાજી, તાજી હવા, તરોતાજા વાતાવરણ... આપણી ભિતર સૂતેલા પ્રકૃત્તિપ્રેમીને ઢંઢોળી જગાડી દેવાંની તમામ શકિત આ બેઉ ગિરિમથકોમાં છે ! બેઉ ગામના નામ આપો ....

જવાબ: સગાઇ અને સામોટ 


19)      દાહોદનો રતનમહાલ વિસ્તાર એટલે જાણે વન્ય જીવોનો પોતાનો મુલક. એટલે રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય! અહીંનું મુખ્ય પ્રાણી છે રીંછ. દિપડાની વસ્તી પણ ઓછી નથી. તાડ બિલાડી અને ઉડતી ખિસકોલી જેવાં જીવો પણ ખરાં. રતનમહાલનું જંગલ ઔષધિય વનસ્પતિઓથી સમૃદ્ધ છે. સાગ જો કે અહીંની મુખ્ય સંપત્તિ છે. જો તમે ઇકો ટુરિઝમનાં શોખીન હો અને પ્રવાસમાં ભૌતિક સુખ-સગવડો ભોગવવા કરતાં પ્રકૃત્તિમાં તમને વધુ રસ હોય તો રતનમહાલના ભિન્ડોલ ગામ પાસે નળદામાં આવેલી કેમ્પ સાઇટ તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થાય એમ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીંનું સૌîદર્ય અદ્ભુત હોય છે ! અહીં વિદ્યાર્થી માટે પ્રકૃત્તિ શિક્ષણ શિબિર યોજાતી રહે છે તો ટુરિસ્ટ માટે પણ ટેન્ટ તથા વાંસના કોટેજની વ્યવસ્થા છે. રતનમહાલની આ નળદા સાઇટ પર બે દિવસ પસાર કરો તો એ અવિસ્મરણીય અનૂભવ બની જાય એટલી સુંદર છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન શિકાર માટે અનામત ગણાતા આ સ્થળનો વહિવટ ક્યા સ્ટેટ દ્વારા થતો હતો?

જવાબ: દેવગઢ બારિયા 


20)      સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ ધરાવતાં આ વિસ્તારનું અન્ય એક મહત્વનું મથક છે છોટા ઉદેપુર. આ નાનકડાં શહેરમાં સાત હેક્ટરમાં ફેલાયેલો કુસુમ વિલાસ પેલેસ જેટલો આકર્ષક છે એટલો જ સમૃદ્ધ છે. તો આદિવાસી મ્યુઝિયમમાં આદિવાસીઓની જીવનશૈલીને લગતી લગભગ તમામ બાબતો વણી લેવામાં આવી છે. રાજ્યમાં દાંતાથી ડાંગ સુધીનાં બેલ્ટમાં વસતા કુલ લગભગ 29 સમૂદાયોની લાઇફ સ્ટાઇલને લગતી તમામ મહત્વની બાબતોનો અહીં એક કે બીજી રીતે ઉલ્લેખ છે. જો કે આ સંગ્રહાલય કરતાં ક્યાંય વધુ રસપ્રદ છે છોટા ઉદેપુર તાલુકાનાં તેજગઢની ગોદમાં આવેલું અનોખું મ્યુઝિયમ માત્ર એક સંગ્રહાલય જ નથી પરંતુ અહીં આદિવાસી અકાદમી પણ ચાલે છે. આ અકાદમી પાસે આદિવાસી વિષયો આધારીત પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે, વર્કશોપ અને પ્રત્યક્ષ નૃત્ય, નાટક તથા મલ્ટી મીડિયાની સુવિધા પણ છે. આ કેમ્પસનું નામ શું?

જવાબ: વાચા 


21)      વડોદરાથી ત્રીસ કિલોમીટરનાં અંતરે આવેલું આ તીર્થ પૌરાણીક કાળથી અસ્તિત્વ ધરાવે છે. કહેવાય છે કે આ તિર્થને ગાયત્રી મંત્રના દ્રષ્ટા મહર્ષિ વિશ્વામિત્રએ પોતાનાં તપોબળથી પાવન કર્યુ હતું. તેની ગણના ભારતનાં અડસઠ મહાતિર્થોમાં થાય છે. બાર જ્યોતિર્લિંગમાં આ તિર્થને ભલે સ્થાન ના અપાયું હોય પરંતુ એને આપણે તેરમું જ્યોતિર્લિંગ અવશ્ય ગણી શકીએ કારણ કે દ્વાદશ જ્યોતિર્લિંગ વ્યવસ્થા એક કાળે અહીંના પાશુપતાચાર્યો જ કરતા હતા. મૂળે આ તિર્થ ભગવાન શિવના પશુપતિનાથ સ્વરૂપને સમર્પિત છે. અહીંયા વૈષ્ણવ, શૈવ અને શકિત એમ ત્રણેય શાખાઓના સંગમ થાય છે. એક કાળમાં આ તિર્થનું મહત્વ કાશી જેટલું જ ગણાતું. સત્યુગમાં તે ઇચ્છાપુરી તરીકે ઓળખાતું, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપર યુગમાં મેધાવતિ તરીકે જાણીતું હતું. અત્યારે, કળીયુગમાં આ તીર્થ ક્યા નામથી જાણીતું છે?

જવાબ: કાયાવરોહણ અથવા કારવણ 



   
22)      ચાંપાનેર ! યુનેસ્કો જેવી સંસ્થાએ પણ જેને વિશ્વનાં અમૂલ્ય વારસામાં સ્થાન આપ્યું છે એવું ગુજરાતનું એકમાત્ર સ્થળ. ગઢની અંદર વસેલું આ નગર અનેક દ્રષ્ટિએ અનોખું છે. તેની સ્થાપના આઠમી સદીમાં ગુજરાતનાં રાજા વનરાજ ચાવડાએ પોતાનાં મહામંત્રી ચાંપાની સ્મૃતિમાં કરી હતી. દાયકાઓ વિત્યા બાદ અમદાવાદનાં બાદશાહ મેહમુદ બેગડાએ પાવાગઢ પર ચડાઇ કરી અને તળેટીમાં વસેલું આ નગર જીતી લીધું. એ પછી તે પોતાની રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખાતે લઇ આવ્યો. અહીં તેણે કેટલાંક અદ્ભુત બાંધકામો કરાવ્યાં. લગભગ સોએક ફુટ ઉંચા મીનારા ધરાવતી અહીંની જુમ્મા મસ્જિદની ગણના ગુજરાતની કેટલીક સૌથી ભવ્ય મસ્જિદોમાં થઇ શકે. કેવડા મસ્જિદનું સ્થાપત્ય તથા નગીના અને ખજુરી મસ્જિદનું આર્કિટેકચર પણ આકર્ષક છે. પત્થર પર કંડારાયેલી આ ભવ્ય કોતરણી ભૂતકાળની ભવ્યતાની જાણે કથા કરી રહી છે. ભવ્ય દરવાજાઓ થકી ચાંપાનેરમાં પ્રવેશતા વેîત જ ડાબી તરફ બાદશાહની મસ્જિદ અથવા તો શહેરની મસ્જિદ નજરે ચડે છે. અને આ તો માત્ર ટ્રેલર છે આખું ચાંપાનેર તો વધુ રોમાંચક અનૂભવ કરાવે છે.  છેક ઇ.સ. 1535ની સાલમાં એક રાજાએ ચાંપાનેર પર ચડાઇ કરી, ગુજરાતની રાજધાની ફરી અમદાવાદ ખાતે ફેરવવામાં આવી અને ચાંપાનેરનાં સુવર્ણયુગનો જાણે અંત આવ્યો. ચડાઈ કરનાર એ રાજા કોણ? તળેટીના શાસકોનાં ભલે ખરાબ દિવસો આવ્યાં હોય, બાજુનાં પાવાગઢની ટોચે બિરાજતા મહાકાળીના દરબારમાં ભરતી-ઓટ જેવું કશું નથી. સમુદ્ર સપાટીથી 2700 ફુટની ઉંચાઇ પર આવેલાં આ શકિતતીર્થનું મહત્વ દિન-પ્રતિદિન વધતું જ ચાલ્યું છે. અહીંયાના મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ત્રણ મુખ્ય મૂર્તિઓ છે. ડાબી બાજુએ મહાકાળીની, જમણી બાજુએ માં બહુચરનું યંત્ર અને વચ્ચે આ સ્થાનમાં અધિષ્ઠાત્રી કાળકા માતાની મૂર્તિનો મુખભાગ. કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રએ આ મૂર્તિની સ્થાપના કરી હતી.  આ પર્વતમાંથી નીકળતી નદીનું નામ?

જવાબ: વિશ્વામિત્રી 


23)       પાવાગઢથી ફક્ત વીસ કિલોમીટરના અંતરે આવેલા અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સગવડદાયક કોટેજની વ્યવસ્થા છે. ઇકો ટુરિઝમનાં શોખીન માટે અહીં તમામ આકર્ષણો મોજુદ છે. લગભગ 130 ચોરસ કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલા આ સંરક્ષિત વન્ય વિસ્તારમાં અનેક પ્રકારનાં પક્ષીઓ છે. સાગ, ધાવડો અને મહુડાનાં વૃક્ષોની ચાદર છે, તો રીંછ, દિપડા, ઝરખ, હરણ જેવાં વન્ય જીવો પણ છે. અભયારણ્યમાં આવેલું  મંદિર છે ઝંડ હનુમાન ! કહેવાય છે કે આ મંદિર પૌરાણિક કાળનું છે. હનુમાનજીના આ મંદિરનો મહિમા નિરાળો છે. આ વિસ્તારનાં ભાવિકો માટે ઝંડ હનુમાન બહુ માનીતું ધર્મસ્થાન છે. હનુમાનજીના મંદિરની બાજુમાં જ આવેલું આ અતિ પ્રાચીન શિવાલય અને તેમાંની મૂર્તિઓ આ સ્થળની પ્રાચિનતાનો પુરાવો આપે છે. ગાઢ જંગલની વચ્ચે આવેલાં આ ધર્મસ્થાનમાં શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. અભયારણ્ય વિસ્તારમાં આવેલા આ કડા જળાશયના કિનારે વન વિભાગનું ગેસ્ટ હાઉસ છે. અહીંથી કડા જળાશયનું ઞશ્ય કોઇ રંગીન પોસ્ટર જેવું લાગે છે. અભયારણ્યના અન્ય એક જળાશય તરગોળનું પ્રાકૃતિક સૌîદર્ય પણ અનૂપમ છે. અભયારણ્યનું નામ?

જવાબ: જામ્બુઘોડા 



24)       ડાકોર ! જાણે દ્વારકાની ઝેરોક્ષ નકલ છાપી હોય એટલી હદે આ બેઉ નગરો એકબીજાને મળતા આવે છે.  ગરમાગરમ ગોટા માટે વિખ્યાત આ યાત્રાધામમાં પણ દ્વારકાની માફક ગોમતિ ઘાટ છે. કહેવાય છે કે ડાકોરનાં મંદિરમાં બિરાજતી રણછોડરાયની પ્રતિમા પણ મૂળે દ્વારકાથી જ લવાયેલી છે ! પુરાતત્વ વિભાગનું કહેવું કંઇક અલગ હશે પણ ધાર્મિક માન્યતા એવી છે કે શ્રીકૃષ્ણની આ ચતુર્ભુજ પ્રતિમા 4225 વર્ષો સુધી દ્વારકામાં રહી અને સંવત 1212માં એટલે કે આજથી લગભગ 800 વર્ષ અગાઉ ભક્ત બોડાણા આ પ્રતિમા દ્વારકાથી ડાકોર લાવ્યા હતાં. દ્વારકાથી ક્ષત્રિયો અને ગુગળી બ્રાહ્મણો આ મૂર્તિ લેવાં આવ્યાં હતાં પણ ભક્ત બોડાણાએ તે છુપાવી દીધી. એ પછી છેક છસ્સો વર્ષે, સંવત 1828માં મહા સુદ પુનમનાં દિવસે અહીંના મંદિરમાં આ મૂર્તિની પધરામણી થઇ. 120 ફુટની ઉંચાઇ ધરાવતા ડાકોરનાં આ મંદિરના દરવાજાઓ પર કુલ બાર પગથીયા છે અને  28 ઘુમ્મટ છે. શા માટે?

જવાબ: બાર રાશિ અને 28 નક્ષત્રના પ્રતિક તરીકે 


25)      કરમસદમાં થોડાં સમય અગાઉ બનેલાં ‘સરદાર વલ્લભભાઇ પટેલ અને વીર વીઠ્ઠલભાઇ પટેલ મેમોરીયલ’ નામનાં બેનમૂન સંગ્રહસ્થાનમાં સરદાર પટેલ અને તેમના બંધુ વિઠ્ઠલભાઇ પટેલનાં જીવનને લગતાં અનેક પ્રસંગોની ઝલક મળી રહે છે. આ સંગ્રહસ્થાન જેટલું સુંદર છે, એટલું જ રસાળ પણ છે. જો કે આ વિસ્તારનો ઇતિહાસ કદાચ આપણે માનીએ છીએ તેનાં કરતાં પણ વધુ પુરાણો છે. અહીં આવેલાં એક ગામે ડાયનોસોરના કરોડો વર્ષ જુનાં અવશેષો મળ્યાં છે. અવશેષો પરથી સાબિત થયું છે કે અહીં લગભગ સાડા છ કરોડ વર્ષ અગાઉ ત્રીસ ફુટનું કદ ધરાવતા ડાયનોસોરની વસ્તી હતી ! આ ગામનું નામ?

જવાબ: રાયોલી 



26)   સાબરકાંઠા જંગલ ગુજરાતનો છુપો ખજાનો ગણાય. 
અહીં ગાઢ જંગલની મધ્યે આવેલાં છે મંદિરો. 
એક જ કેમ્પસમાં આવેલાં મંદિરમાંથી જૈન મંદિર હજુ ઘણાં અંશે સુરક્ષિત છે. 
આ તમામ મંદિરો કમસે કમ એક હજાર વર્ષ જૂનાં છે. 
જિલ્લાના વિજયનગર તાલુકામાં છે સારણેશ્વર નામનું શિવાલય. 
તેનો ઘણો ભાગ જમીનદોસ્ત થઇ ગયો હોવા છતાં આવી જિર્ણ હાલતમાં 
પણ એ ભવ્ય લાગે છે. અહીંથી વિરેશ્વર મહાદેવ તો જવું જ રહ્યું.
જંગલ મધ્યે, હરિયાળા ડુંગરની ગોદમાં આવેલાં આ દેવાલયનો 
જિર્ણોદ્ધાર હજુ હમણાં જ થયો છે. અહીંયા પહાડોમાંથી 
જળધારા નિત્ય વહેતી રહે છે. વિજયનગર વિસ્તારમાં જ્યાં જુઓ 
ત્યાં સુંદર કુદરતી દ્રશ્યો દેખાય છે. અને આદિવાસી સંસ્કૃતિ પણ ખરી. 
સવાલ એ છે કે, આ બધા સ્થળો જ્યાં આવેલા છે એ સુંદર જંગલનું નામ શું?

જવાબ: પોળોનું જંગલ 






27)   સાબરકાંઠાનું ગામ ગુજરાતનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં બ્રહ્માજીનું 
મંદિર આવેલું છે. ભારતમાં બ્રહ્માજીનું મંદિર અહીં ઉપરાંત માત્ર રાજસ્થાનના 
પુષ્કરમાં જ છે. કહેવાય છે કે કોપાયમાન થયેલાં બ્રહ્માજીને મનાવવા અહીં 
ભૃગુઋષ્એ તપ કર્યુ હતું. બ્રહ્માજીનું મંદિર હોવાના કારણે જ ગુજરાતનાં 
ધર્મસ્થાનોનાં નકશામાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે. ગામનું નામ?

જવાબ: ખેડબ્રહ્મા 



28)    સાબરકાંઠાને આપણે મંદિરોનો જિલ્લો પણ કહી શકીએ. સાબરકાંઠામાં આવેલાં કેટલાંક મંદિરોની ગણના ગુજરાતનાં સૌથી જૂના મંદિરોમાં થાય છે. હિમ્મતનગરથી 18 કિલોમીટર દૂર આવેલાં સાવ ટચુકડા ગામ રોડા નજીક મળી આવેલાં પાંચેક મંદિરો છેક સાતમી અને આઠમી સદિમાં બંધાયા હતાં. નાનકડું મંદિર પક્ષીઓને સમર્પિત છે, તેમાં પક્ષીઓનાં શિલ્પ સિવાય કોઇ જ મૂર્તિ નથી. સાબરકાંઠાના ધર્મસ્થાનોમાં સૌથી જાણીતું છે શામળાજી. દંતકથા મુજબ સદિઓ પહેલાં કોઇને આ મૂર્તિ જમીનનાં ખોદકામ દરમિયાન મળી આવી હતી. મૂર્તિનો રંગ શ્યામ હોવાનાં કારણે તેનું નામ પડયું શામળાજી. વર્ષો સુધી મૂર્તિ નાનાં એવાં મંદિરમાં રહી અને પછી ઇડરના શાસકોએ નવું બાંધકામ કરાવ્યું. થોડાં વર્ષો પહેલાં ફરી એક વખત તેનો જીર્ણોદ્ધાર થયો છે. શામળાજી મંદિરનું બાંધકામ આકર્ષક છે. તેનાં પર કંડારાયેલા શિલ્પો રામાયણ-મહાભારત તથા દેવો-ગાંધર્વોની અનેક કથા કહે છે. ઇતિહાસમાં શામળાજી મંદિરના ખાસ ઉલ્લેખ મળતાં નથી પરંતુ નિષ્ણાંતો માને છે કે આ મંદિરની સ્થાપના લગભગ ચારસો વર્ષ પહેલાં થઇ હતી. શામળાજી મંદિર ક્યા ભગવાનને સમર્પિત છે?

જવાબ: વિષ્ણુ 



29)   બહુ ઓછાં લોકોને ખ્યાલ છે કે અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિની પુજા થતી નથી પરંતુ વીસાયંત્રની પુજા કરાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે માતાજીની મૂર્તિ હોય એવું લાગે છે. અંબાજી મંદિરમાં તાંત્રોક્ત અને શાત્રોક્ત રીતે યંત્રની પુજા થાય છે. કહેવાય છે કે આ યંત્ર કલ્પવૃક્ષ સમાન છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે માતાજીનું યંત્ર જોવાનો, યંત્ર સ્થાનમાં નિહાળવાનો નિષેધ હોવાથી પુજારી પણ આંખે પાટા બાંધીને પુજા કરે છે. અંબાજી એક મહાતીર્થ છે. શ્વેત આરસપહાણમાંથી બનેલાં આ મંદિરનું સ્થાપત્ય ઉત્તમ કક્ષાનું છે. મંદિરો કે ધર્મસ્થાનો પાછળ થતા ખર્ચાઓ પર હંમેશા ચર્ચાઓ થતી રહી છે. પરંતુ એવી ચર્ચાઓમાં ઉતર્યા વગર માહિતીની વાત કરીએ તો આ મંદિર પર અત્યારે કુલ 358 સુવર્ણકળશો ચમકી રહ્યા છે. ભારતભરમાં અન્ય કોઇ જ શકિતપીઠમાં આટલાં સુવર્ણકળશ નથી. રાત્રીનાં સમયે લાઇટીંગના કારણે બદલાતાં રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે. અહીંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર માતાજીનું પ્રાગટય સ્થાન હોવાની માન્યતા છે. અહીંની અખંડ જ્યોતનાં દર્શન માટે રોપ-વેની વ્યવસ્થા પણ છે. સમય હોય તો અંબાજીમાં વન વિભાગે બનાવેલો સુંદર પાર્ક એક વખત જોવા જેવો છે. અલગ-અલગ રંગની વનસ્પતિઓ થકી બનાવેલો  ૐ હોય કે પછી રાશિ આધારીત વૃક્ષો કે પછી અહીંથી દેખાતો પહાડોના દ્રશ્ય. અહીં પહોîચ્યા પછી ધક્કો વસૂલ થયાનો અહેસાસ થાય. અંબાજીને ગુજરાતનું સૌથી મોટું શક્તિતીર્થ કહેવાય છે. આમ જોઇએ તો એ ભારતભરનું કદાચ સૌથી મહત્વપૂર્ણ શક્તિતીર્થ છે કારણ કે ભારતમાં આવેલી એકાવન શકિતપીઠોમાં તેનું મહત્વ સૌથી વધુ છે કેમ કે આ સ્થળે દેવીસતીનાં શરીરનો ભાગ પડયો હતો. પુરાણો કહે છે કે પિતા દક્ષ રાજાને ત્યાં યજ્ઞ યોજાયાનાં સમાચાર સાંભળી પતિ શંકરનો વિરોધ હોવા છતાં દક્ષની પુત્રી સતીદેવી યજ્ઞ સ્થળે પહોંચી ગયા. પણ ત્યાં પિતાના મુખેથી પતિની નિંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યાગી દીધા. ભગવાન શંકરે સતીદેવીના નિષ્પ્રાણ દેહને જોઇ તાંડવ આદર્યુ અને સતીદેવીના દેહને ખભે નાંખી ત્રણેય લોકમાં ઘૂમવા લાગ્યાં. આખી સૃષ્ટિનો વિનાશ થઇ જશે એવાં ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડી સતીના દેહનાં ટુકડાં કરી નાંખ્યા. આવાં ટુકડાઓ અને સતીનાં આભૂષણો પૃથ્વી પર એકાવન જગ્યાએ પડયા અને આ એકાવન સ્થળો શકિતપીઠ ગણાય છે. અંબાજીમાં પણ  સતીનાં શરીરનો એક ભાગ પડયો હતો. પ્રશ્ન: દેવી સતીના શરીરનું ક્યુ અંગ અહી પડ્યું હતું?

જવાબ: હૃદય 



30)    બનાસકાંઠા જિલ્લો પ્રવાસનનાં અનેક આકર્ષણોથી સભર છે. 542 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં બાલારામ-અંબાજી અભયારણ્યમાં મૂલ્યવાન ઔષધિય વૃક્ષો પણ છે અને રીંછ, દિપડા, ઝરખ, નિલગાય જેવાં વન્યજીવો પણ ખરા. અભયારણ્યનું આ ઇન્ટરપ્રિટેશન સેન્ટર વન્ય જીવનની સમજણ આપે છે. અભયારણ્યનું નામ જેનાં પરથી રખાયું છે એ બાલારામ મંદિર ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. મંદિરના શિવલિંગ પર પહાડોમાંથી નીકળતાં જડ વડે નિત્ય અભિષેક થતો રહે છે. બાલારામ મહાદેવની આસપાસનું સૌîદર્ય શ્રાવણ આસપાસ જોવા જેવું હોય છે. મંદિરથી બિલકુલ સામે છે સુવિખ્યાત પેલેસ. ગુજરાતની શ્રેષ્ઠતમ્ હેરિટેજ હોટેલ. અહીં રજવાડી નવાબી સ્યૂટ પણ છે. અને સુંદર કોટેજની વ્યવસ્થા પણ ખરી. એ ઉત્તમ રીતે જળવાયેલી આકર્ષક પ્રોપર્ટી છે. આ સ્થળે અનેક હિન્દી ફિલ્મોનું શૂટિંગ થઇ ચૂક્યું છે. આ મિલ્કત અગાઉ પાલનપુરનાં નવાબની માલિકીની હતી. પેલેસનું નામ?

જવાબ: બાલારામ પેલેસ 




31)    બાલારામથી લગભગ ચાલીસેક મિનીટના અંતર પર છે વધુ એક વન્ય પ્રાણી અભયારણ્ય. પણ અહીં સુધી પહોંચતા રસ્તામાં આદિવાસી સંસ્કૃતિથી ધબકતાં અનેક ગામડાંઓમાં જવાનું બને છે. ઇકબાલગઢ નામનું નાનકડું ગામ આદિવાસીઓ માટે ખરીદીનું મથક છે. અહીં તેમના ભાતીગળ ઘરેણાંઓથી લઇ દરેક પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. રંગબેરંગી વત્રોમાં સજ્જ અનેક અલગ-અલગ કોમની આદિવાસી સ્ત્રીઓને તમે અહીં હોંશભેર ખરીદી કરતી જોઇ શકો. ઇકબાલગઢને તમે આ અભયારણ્યનું પ્રવેશદ્વાર પણ ગણી શકો. 180 કિલોમીટરમાં ફેલાયેલા આ અભયારણ્યને અપ્રતિમ સુંદરતા મળેલી છે. ચોતરફ પહાડો અને વચ્ચે આ જળરાશી. પ્રકૃત્તિ શિક્ષણ શિબિરમાં કલરવ કરતા બાળકો. ઇકો ટુરીઝમ માટેની ઉત્તમ સાઇટ. રોકાવા માટે અહીં વન વિભાગે અનેક વિકલ્પો રાખ્યાં છે. પ્રકૃત્તિ શિક્ષણ માટેની કેમ્પ સાઇટ છે અને પહાડોના ખોળામાં આવા કોટેજ પણ છે. મજા એ છે કે વન પરિભ્રમણ માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે. આ બધી વન કેડીઓ માટે તમે ગાઢ અને વણખેડાયેલા જંગલનો આનંદ ઉઠાવી શકો છો. ડુંગર પર આવેલા કેદારનાથ મંદિરનું આ વિસ્તારમાં ભારે મહત્વ છે. લગભગ સાતસો પગથીયા ચડયાં પછી અહીં પહોંચી શકાય છે. અહીંની સુંદરતા દંગ કરી નાંખે એવી છે. એકદમ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલા આ અભયારણ્યનું નામ?

જવાબ: જેસ્સોર સ્લોથ બેઅર સેન્ચુરી (નીચે આપેલો ફોટો ત્યાંના કોટેજનો જ છે )







32)    કચ્છની વાત નીકળે એટલે સૌપ્રથમ યાદ આવે કચ્છના દેશદેવી આશાપુરા માતાજી. કચ્છનું સૌથી મહત્વનું આસ્થા કેદ્ર. કહેવાય છે કે સમો બામની નામનાં રાજાએ ઘૂમલી જીત્યા પછી અહીં આશાપુરાની મૂર્તિની સ્થાપના કરી હતી.  દર વર્ષે યોજાતી માતાના મઢ સુધીની પદયાત્રાનું વિશેષ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પદયાત્રીઓ જ નજરે ચડે. જાણે આખો પંથક ભકિતરસમાં તરબોળ બની ગયો હોય એવાં ઞશ્યો જોવા મળે. આશાપુરાનું મંદિર જ્યાં આવેલું છે એ ગામનું નામ શું છે?

જવાબ: મઢ 



33)    માતાનાં મઢથી ફક્ત અઠ્ઠાવન કિલોમીટર દૂર આવેલું છે આ સુપ્રસિદ્ધ તીર્થ. હિન્દુ શાત્રોમાં જે પાંચ પવિત્ર સરોવરો ગણાવાયા છે તેમાં માન સરોવર, પંપા સરોવર અને પુષ્કર તથા બિંદુ સરોવરની સાથે આ  સરોવરની પણ ગણના થાય છે. દેશનાં અડસઠ મહાતીર્થોમાં પણ તેનું સ્થાન છે. ભાગવતના છઠ્ઠા સ્કંધમાં નારાયણ સરોવરનો વિશેષ મહિમા ગવાયો છે. પિતૃકાર્ય માટે જાણીતા આ તીર્થના કાંઠે કચ્છના વાઘેલા વંશના રાજ પરિવારે સાતેક મંદિરો બાંધ્યા હતાં. આ તમામ મંદિરો સરોવરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. સરોવરનું નામ?

જવાબ: નારાયણ સરોવર 



34)    અહીંથી ફક્ત દસેક મિનીટના અંતરે આવેલા કોટેશ્વર મહાદેવનું મંદિર અનેક દ્રષ્ટિએ વિશિષ્ટ છે. ભારતમાં સૂર્યનું અંતિમ કિરણ દરરોજ આ મંદિર  પર પડે છે કારણ કે એ ભારતનું પશ્ચિમ દિશાનું છેલ્લું સ્થળ છે. અહીંથી બિલકુલ સામે કરાંચી છે. કોટશ્વરની નોંધ ચીની પ્રવાસી હયુ એન ચાંગે પણ લીધેલી છે. કહેવાય છે કે આ તીર્થ પુરાણોક્ત છે. એક રાક્ષસના તપથી પ્રસન્ન થઇ સ્વયં શિવએ તેમને અદ્ભૂત શિવલીંગ આપ્યું અને કહ્યું  કે આ લિંગ એ જ્યાં મુકશે ત્યાં તેની સ્થાપના થઇ જશે. રાક્ષસની શકિતથી ગભરાઇને દેવતાઓએ છળ કરી આ લિંગ અહીં મૂકાવ્યું. રાવણ જ્યારે પોતાનું શિવલીંગ લેવાં ગયો ત્યારે દેવતાઓની માયાને કારણે તેને કોટિ એટલે કે કરોડો શિવલિંગ દેખાયા. એ ખોટું શિવલિંગ લઇ જતો રહ્યો અને દેવતાઓએ અહીં અસલી શિવલિંગની સ્થાપના કરી. એ રાક્ષસ કોણ?

જવાબ: રાવણ 



35)    નારાયણ સરોવર અને કોટેશ્વરનાં રસ્તા પરથી એક માર્ગ ફંટાય છે વન વિભાગનાં આ ઇકો ટુરિઝમ  સેન્ટર તરફ. પ્રકૃત્તિની ગોદમાં રહેવાનો આનંદ માણવો હોય તો અહીં આરામદાયક, સુઘડ હટસ બનાવવામાં આવી છે. અહીંથી સમુદ્રમાં સૂર્યાસ્ત જોવાનો લ્હાવો અનોખો છે. અહીંયા આવેલું ઇન્ટરપ્રિટેશન સેન્ટર જંગલ અને વન્ય જીવો વિશે સમજણ આપે છે. આવી સુવિધાઓ અહીં ઉભી કરવાનું કારણ એ કે નજીકમાં જ છે નારાયણ સરોવર વન્ય પ્રાણી અભયારણ્ય. અહીં લુપ્તપ્રાય થયેલો હેણોતરો અને બીજાં અનેક વન્યજીવોનું રહેઠાણ છે. નજીકમાં નલીયા પાસે આવેલા એક અનોખા અભયારણ્યમાં ભારતનું સૌથી મોટું પક્ષી જોવા મળે છે જેનું વજન 18 કિલો સુધી હોય છે. આ અભયારણ્યનું અને એ પક્ષીનું નામ શું?

જવાબ: ઘોરાડ અભયારણ્ય. પક્ષીનું નામ: ઘોરાડ અથવા 

ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. નીચે ફોટો જુઓ. 









36)    ભુજથી ફક્ત આઠ કિલોમીટર દૂર આવેલાં ભુજોડીમાં કચ્છની ધબકતી રસાળ સંસ્કૃતિનો પરિચય મળી જાય છે. અહીંનો હીરાલક્ષ્મી મેમોરીયલ ક્રાફ્ટ પાર્ક પણ એક દર્શનીય સ્થળ છે. આ પાર્ક કચ્છના હસ્તકલાના કારીગરો અને ગ્રાહક વચ્ચે માત્ર એક સેતૂનું કામ કરે છે. અહીં આખા કચ્છમાંથી કલાકારો આવે છે, ચીજવસ્તુઓ બનાવે છે અને તેનું વેચાણ કરે છે. વેચાણની સંપૂર્ણ રકમ કારીગરને ફાળે જાય છે. દરેક કલાકારને તક મળે એ માટે દર મહિને અલગ-અલગ કલાકારોને બોલાવાય છે. તેમની રહેવા-જમવાની સગવડ અને સ્ટાઇપન્ડની વ્યવસ્થા પણ પાર્ક દ્વારા થાય છે. અહીં તમને કચ્છની હસ્તકળાના ઉત્તમ નમૂના જોવા મળે છે. અનેક લોકકળાઓનાં પણ. આ પાર્ક કઈ કોર્પોરેટ કંપની દ્વારા નિર્માણ પામ્યો છે?

જવાબ: આશાપુરા માઈનકેમ લિમિટેડ 



HIRALAXMI CRAFT PARK AT BHUJODI 



       
37)    ભાગલાં પછી કરાંચીના વિકલ્પરૂપે વિકસાવાયેલું કંડલા પોર્ટ ભારતનાં સર્વોત્તમ અને સૌથી મોટાં બંદરોમાં સ્થાન પામે છે. કચ્છ એટલે માત્ર લોક સંસ્કૃતિ નહીં પરંતુ સંસ્કૃતિ, સરસ્વતી અને લક્ષ્મીનો ત્રિવેણી સંગમ. ગાંધીધામ નજીક આવેલાં આદિપુરમાં ગાંધીજીની સમાધિ છે. માન્યતા એવી છે કે ગાંધીજીના અસ્થી દિલ્હીનાં રાજઘાટ પર જ પધરાવાયા હતાં પણ હકીકત એ છે કે આદિપુરનાં આ સ્થળે પણ તેમનાં અસ્થી પધરાવવામાં આવ્યા હતાં. ગાંધીધામની સ્થાપનામાં ગાંધીજીએ સીંધીઓને કરેલી મદદનું ઋણ એટલું હતું કે એક સિંધી અગ્રણી અહીં પોતાનાં માથા પર ઉંચકી ગાંધીજીના અસ્થી લાવ્યા હતાં. એ સ્વાતંત્ર્ય સેનાનીનું નામ?

જવાબ: આચાર્ય ક્રિપલાની 




38)    પોરબંદરથી ફક્ત 28 કિલોમીટરના અંતર પર છે જામનગર જિલ્લાનું  હાથલા. શનિ મહારાજનું જન્મસ્થાન. સૌરાષ્ટ્રમાં આવેલું હાથલાનું આ શનિધામ ભારતભરમાં સૌથી પ્રાચિન શનિસ્થળ છે. પનોતી દૂર કરવાં માટે આ સ્થળને ધાર્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠતમ્ માનવામાં આવે છે. મહારાષ્ટ્રનું શિગળાપુર કે રાજસ્થાનનું કર્પાસન શનિધામ બારમી સદી પછી અસ્તિત્વમાં આવ્યાં પરંતુ હાથલાનાં આ શનિધામની સ્થાપના સાતમી સદીમાં થઇ હોવાનાં પ્રમાણો મળે છે. સામાન્ય રીતે શનિનું વાહન કાગડો ગણાય છે પરંતુ કહેવાય છે કે મુદ્ગલ ઋષિ ભકિતથી શનિ મહારાજ અહીં અન્ય એક વાહન પર સ્વાર થઇ પધાર્યા હતાં અને તેથી સ્થળનું નામ પડયુઃ હસ્તિન સ્થલ. કાળક્રમે અપભ્રંશ થઇ તેનું નામ ‘હાથલા’ પડયું. આદિ ગ્રંથો કહે છે કે શનિ જ્યારે આ વાહન પર બિરાજમાન હોય ત્યારે સુખ-શાંતિ-બંધુત્વ-સંપત્તિ પ્રદાન કરે છે. આ વાહન કયું?

જવાબ: હાથી. કહેવાય છે કે, શનિ જ્યારે હાથી પર હોય ત્યારે અપાર સમૃદ્ધિ આપે છે! આસ્તિક હો અને શનિના ભક્ત હો તો જજો.



39)    સૌરાષ્ટ્રને કેટલાંક વિદ્વાનો શનિનો પ્રાંત ગણે છે. હાથલાની નજીક આવેલા બરડાના ડુંગરને શનિની ભૂમિ ગણવામાં આવે છે, તેમનું રહેઠાણ માનવામાં આવે છે. અહીં કાળી જમીન, કાળા પત્થર, કાળા પશુઓ તથા કાળા પંખીઓ અને કાળા વાળવાળા ત્રી-પુરૂષોનું વર્ચસ્વ છે. બરડાનો આ ડુંગર તેની ભિતર અનેક ધર્મસ્થાનો તથા પ્રાકૃત્તિક ખજાનાઓ છુપાવી અડિખમ ઉભો છે. અહીં જ આવેલું છે બરડા વન્યપ્રાણી અભયારણ્ય. દીપડા, હરણ, જંગલી સુવ્વર જેવાં વન્યજીવો ધરાવતાં આ અભયારણ્યમાં ક્યારેક સિંહ પણ આવી પહોîચે છે અને કોઇ વખત કિડીખાંઉ જેવું નષ્ટપ્રાય પ્રાણી પણ જોવા મળે છે. પક્ષીઓમાં જેમને રસ હોય એમનાં માટે બરડાનું આ અભયારણ્ય સ્વર્ગ ગણાય છે. બરડાની ગોદમાં આવેલું એક શિવાલય તેની અપ્રતિમ સુંદરતા ધરાવતું સ્થળ છે. તેની મજા એ છે કે અહીં પહોંચવું ખુબ કઠીન હોવાથી આ સ્થળની સુંદરતા હજુ જળવાઇ રહી છે. ઘટાદાર વૃક્ષોની મધ્યમાં આવેલું આ શિવાલય દ્વારકા કરતાં પણ પ્રાચિન માનવામાં આવે છે. કહેવાય છે કે જરાસંઘ સાથે અઢારમું યુદ્ધ ટાળવા સ્વયં શ્રીકૃષ્ણ અહીં પ્રજા સાથે અજ્ઞાતવાસમાં રહ્યા હતાં. દ્વારિકાની સ્થાપનાનું આયોજન કરવા તેઓ અહીં છ વર્ષ રહ્યા અને દ્વારિકાનાં નિર્માણ દરમિયાન વધારાનાં આઠ વર્ષ અહીં ગાળ્યાં. એ દરમિયાન જ આ સ્વયંભૂ શિવલિંગની સ્થાપના તેમણે કરાવી હતી. આ એક બેહદ આકર્ષક સ્થળ છે. નદી, ઝરણાં. ખીણ. અને ચોપાસ વનરાજી. લગભગ 192 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા આ અભયારણ્યમાં છસ્સો કરતાં વધુ ઔષધિય વનસ્પતિઓ મળી આવે છે. ત્રિકમરાયબાપુનાં વિસ્તાર ગણાતાં આ અભયારણ્યમાં એમનું અલૌકિક મંદિર જંગલના કપુરડી નાકાનાં દરવાજે જ આવેલું છે. આ અભયારણ્યમાં રબારીઓની અનોખી સંસ્કૃતિના દર્શન થાય છે. સવાલ: શ્રીકૃષ્ણએ કોના હસ્તે આ શિવલિંગની સ્થાપના કરાવી હતી? એ મંદિરનું નામ?

જવાબ: કિલેશ્વર 



40)    બરડાનું બારમી સદીનું નવલખા મંદિર તેનાં અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતું છે. સામે જ પહાડ પર આવેલા મંદિરમાં માતા આશાપુરા બિરાજે છે. ભૂતકાળમાં કચ્છનાં બામણિયાજીએ ઘૂમલી જીતી લીધું એ પછી તેણે અહીં કચ્છના કુળદેવી ગણાતાં માં આશાપુરાની સ્થાપના કરી હતી. બરડા અભયારણ્યનાં અસલી સૌંદર્યનો અનૂભવ કરવો હોય તો સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન અહીં આવવું જોઇએ. બરડાના શિવાલય પાસે આવેલા ઐતિહાસિક મહેલમાં વન વિભાગનું રેસ્ટ હાઉસ છે જ્યાં અગાઉથી બુકીંગ કરાવ્યાં પછી રહી શકાય છે. અભયારણ્યની મધ્યે આખી સભ્યતાનાં અવશેષો મળી આવ્યાં હોય એવું ભારતનું આ એકમાત્ર સ્થળ છે, પ્રશ્ન એ છે કે, આ સંસ્કૃતિ ક્યા નામથી ઓળખાય છે?

જવાબ: ઘુમલીની સંસ્કૃતિ 



41)    બરડા અભ્યારણ્યને સૌરાષ્ટ્રનો છુપો ખજાનો કહી શકીએ તો જામનગરનાં અન્ય વિસ્તારો પણ કંઇ કમ નથી. જામનગર જિલ્લામાં એવાં કેટલાંય સ્થળો છે જે ઓછાં જાણીતાં છે પરંતુ અનોખું મહત્વ ધરાવે છે. જામનગરથી 1પ કિલોમીટર દૂર આવેલું અભ્યારણ્ય આવું જ એક સ્થળ છે. આ પક્ષીઓનું અભયારણ્ય છે અને અભયારણ્યની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે અહીં ખારા અને મીઠા એમ બેઉ પાણીનાં પક્ષીઓ જોવાં મળે છે. અહીં કુલ 220 પ્રકારનાં પક્ષીઓ જોવાં મળે છે જેમાંથી એકાદ ડઝન દુર્લભ કહી શકાય એવાં છે. અભયારણ્યનું નામ?

જવાબ: ખિજડિયા પક્ષી અભયારણ્ય 




42)    ટાપુ ખરો પણ વાહન છેક સુધી આવી શકે. જામનગર વિસ્તારમાં આવેલાં પિરોટન ટાપુ જવું હોય તો એક આખો દિવસ જોઇએ. પણ જામનગરથી આ ટાપુ પર માત્ર કલાકમાં પહોંચી શકાય છે. અહીં જોવાલાયક એક જ વસ્તુ છેઃ દરિયાઇ જીવસૃષ્ટિ. મરિન લાઇફ.  આ ટાપુ અહીંના કોરલ એટલે કે જીવતા પત્થર માટે વિખ્યાત છે. વિરલ સામુદ્રિક સંપત્તિ ગણાતાં આ કોરલ અહીં ચીક્કાર જોવાં મળે છે. કેટલાંક અદ્ભુત દરિયાઇ જીવોનું આ રહેઠાણ છે. મનુષ્યોને જોઇ પોતે જાણે નિષ્પ્રાણ હોય એવો દેખાવ કરતી માછલીને અંગ્રેજીમાં પફર ફિશ અને ગુજરાતીમાં ઢોંગી માછલી કહે છે. સ્ટારફિશ જેવાં જીવો પણ અહીં જોવા મળે. અને દરિયાઇ ફુલ અથવા તો સી એનેમોન તરીકે ઓળખાતો જીવ એક અનોખી દરિયાઇ જીવસૃષ્ટિની ઓળખ આપે છે.  વાસ્તવમાં આ વિસ્તાર મરિન નેશનલ પાર્કનો એક ભાગ છે. 162 કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલો આ સમુદ્રી પાર્ક એ ભારતનું પ્રથમ દરિયાઇ અભયારણ્ય છે. અહીં ડોલ્ફીન અને શાર્ક જેવાં જીવો પણ વસે છે. ટાપુનું નામ તમને ખ્યાલ છે?

જવાબ: નરારા 



43)    બેટ દ્વારકામાં આવેલી ઇકો ટુરિઝમની અનોખી સાઇટ ‘નંદનવન’ના નામથી ઓળખાય છે. બે એકર કરતાં વધુ જગ્યામાં ફેલાયેલી આ સાઇટ પર ગુજરાતભરમાંથી શાળાનાં બાળકો પ્રકૃત્તિ શિક્ષણ શિબિર કરવા માટે આવે છે. તેનાં સંચાલક હેમુભા વાઢેર અને પર્યાવરણવિદ્દ લવકુમાર ખાચર છેલ્લાં દાયકાઓથી આ મિશન પર કાર્ય કરી રહ્યા છે.  અહીં તેમણે આવી બારેક હટ ઉભી કરી છે. સમુદ્રને આગળ વધતો રોકવા માટે અહીં તેમણે ચેર અથવા તો મેન્ગ્રુવનું વાવેતર કર્યુ છે. આ સાઇટ પર ત્રણ દિવસીય શિબિર સંપન્ન કર્યા પછી દરિયાઇ જીવસૃષ્ટિથી તમે સારા એવાં પરિચિત થઇ જાઓ છો. આવી જ અન્ય એક બેજોડ સાઇટ છેઃ બેટ દ્વારકાનાં સાવ છેડે આવેલી આ અદ્વિતીય સાઇટ સુધી પહોîચવા માટે ચારેક કિલોમીટર પગપાળા જવું પડે છે. સમુદ્રના કાંઠે કાંઠે થતું આ વોકિંગ જેટલું કષ્ટદાયક છે તેનાંથી અનેકગણું આનંદદાયક છે. બીચ બેહદ સુંદર છે. અહીંની મજા એ છે કે આ એક એવો બીચ છે જેની ત્રણ દિશામાં તમને સમુદ્ર જોવા મળે છે. ઓખાથી ખાસ બોટ દ્વારા પણ અહીં આવી શકાય છે. અહીં આગોતરૂં બુકીંગ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરીના અંત દરમિયાન યોજાતી ત્રિદિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનો આનંદ ઉઠાવી શકાય છે. બહુ ઓછી જાણીતી જગ્યા છે પણ એટલું દાવાપૂર્વક કહી શકાય કે અહીંનો બીચ ભારતનાં શ્રેષ્ઠતમ્ બીચમાં સહેલાઇથી સ્થાન પામી શકે. આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીં દરિયાઇ જીવોની ત્રણેય જાતી, મડી એટલે કે કાદવમાં રહેતાં, રોકી એટલે ખડકમાં રહેતાં અને સેન્ડી એટલે કે રેતીમાં રહેતાં જીવો જોવા મળે છે. અહીં ડોલ્ફીન અને ડયુગોન્ગથી લઇ સી કુકુમ્બર તરીકે ઓળખાતા દરિયાઇ કાકડી જેવાં જીવો જોવા મળે છે. દરિયાઇ જીવસૃષ્ટિની દ્રષ્ટિએ આ મરિન નેશનલ પાર્ક એટલો સમૃદ્ધ છે કે કહેવાય છે કે અહીં વિશ્વની લગભગ એંસી ટકા જેટલાં પ્રકારની દરિયાઇ પ્રજાતિઓ જોવા મળે છે. નેક્સ્ટ ડિસેમ્બરમાં તમે અહીં યોજાતી ત્રણ દિવસીય શિબિરમાં અચૂક જજો પરંતુ અત્યારે આ ચોક્કસ સ્થળનું નામ આપો.

જવાબ: ડની પોઈન્ટ. મારી દ્રષ્ટિએ ભારતનો શ્રેષ્ઠ અને સૌથી સ્વચ્છ બીચ 

JAGAT MANDIR - DWARIKA



       
44)    નાગેશ્વર. ઘણાં લોકો માને છે કે બાર જ્યોતિર્લિંગમાંનું નાગેશ્વર દક્ષિણ ભારતમાં આવેલું છે. તો કેટલાંક લોકો દ્વારકાથી 16 કિલોમીટર નજીક આવેલાં આ શિવાલયને જ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક ગણે છે. પરંતુ શિવપુરાણમાં નાગેશ્વરનું જે વર્ણન છે તે દ્વારકાનાં આ શિવાલયને મળતું આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ સ્થાને આદ્ય શંકરાચાર્યએ પણ મહાદેવનું પુજન-અર્ચન કર્યુ હતું. આ વિસ્તારમાં અગાઉ દારૂકા, શંખ, કુશ જેવાં રાક્ષસી તથા રાક્ષસોનો ત્રાસ હતો પણ કહેવાય છે કે નાગેશ્વર મહાદેવની કૃપાથી જ આ ત્રાસ દૂર થયો. દ્વારકા આવનારાં યાત્રાળુઓ નાગેશ્વરનાં દર્શને આવવાનું ચૂકતા નથી. અહીં સ્થાપવામાં આવેલી આ 8પ ફુટ ઉંચી પ્રતિમા નાગેશ્વરનું અલગ આકર્ષણ છે. શ્રદ્ધાળુઓ માટે મહત્વની વાત એ છે કે ભક્તો અહીં છેક ગર્ભગૃહમાં જઇ જાતે જ મહાદેવની પુજા-અર્ચના કરી શકે છે. પૌરાણિક કાળમાં આ સમગ્ર વિસ્તારને એક રાક્ષસના નામ પરથી ઓળખવામાં આવતો હતો, પુરાણોમાં જણાવેલું એ નામ કયું?

જવાબ; દારુકાવન. અપભ્રંશ થઇ ને તે "દ્વારકા" થયું!



45)    આધ્યાત્મિક ઞષ્ટિએ દ્વારકાનું જેટલું મહત્વ છે એટલું ભારતનાં બહુ ઓછાં તિર્થોનું હશે. હિન્દુ ધર્મનાં ચાર મુખ્ય ધામમાં બદ્રિનાથ, રામેશ્વર વગેરેની સાથે દ્વારકાનું નામ પણ લેવાય છે. સાત પવિત્ર પુરી, 108 દૈવી પીઠ અને અડસઠ મહાતીર્થમાં પણ દ્વારકાની ગણના થાય છે. દ્વારકાનું હાલનું મંદિર 1200 વર્ષ જુનું હોવાનું પુરાતત્વનાં નિષ્ણાંતો માને છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણનાં દેહત્યાગ પછી અસલી દ્વારકા સમુદ્રમાં વિલિન થઇ ગયું હતું. બેટ દ્વારકા અને દ્વારકા આસપાસ સમુદ્રના પેટાળમાંથી હજારો વર્ષ જુની નગરીનાં અનેક અવશેષો મળી આવ્યાં છે જે કેટલીક લોકવાયકાઓને સમર્થન આપે છે. જગતમંદિરના પણ અનેક જિર્ણોધ્ધારની અનેક કથાઓ શંકરાચાર્યજી, વલ્લભચાર્યજી તથા અનેક અલગ-અલગ શાસકો સાથે જોડાયેલી છે. દ્વારકાનું આ મંદિર અને તેમાં બિરાજતાં રણછોડરાય અહીંની પ્રજાની સદૈવ રક્ષા કરે છે. દ્વારિકામાં બિરાજતા શંકરાચાર્ય મુખ્યત્વે પરંપરાગત શેની પૂજા કરે છે?

જવાબ: સ્ફટિક નિર્મિત શ્રી યંત્રની 



46)    જરાસંઘના અઢારમા આક્રમણથી બચવા શ્રીકૃષ્ણએ દ્વારકામાં પોતાની રાજધાની સ્થાપી એ દિવસથી દ્વારકાએ અનેક ઉતર-ચડાવ જોયા છે પણ અહીંના રણછોડરાયયી કીર્તિ દિન-પ્રતિદિન વધતી ચાલી છે. દ્વારકાનું મહત્વ અહીં આવેલાં જ્યોર્તિમઠના કારણે પણ છે. આદિ શંકરાચાર્યએ ભારતનાં ચાર ખૂણામાં સ્થાપેલા ચાર મઠમાંથી એક દ્વારકાનો આ મઠ પણ ગણાય છે. અહીં યાત્રાળુઓ મઠનાં દર્શન ઉપરાંત શંકરાચાર્યના પુજાસ્થાનના દર્શન પણ કરી શકે છે. દ્વારકામાં પુજાવિધિ માટે પ્રથમથી જ અહીંના ગૂગળી બ્રાહ્મણો પાસે અધિકાર છે. અન્ય તિર્થસ્થાનથી અલગ અહીં તમને પંડાઓ ક્યારેય ત્રાસ આપે એવું બનતું નથી. પુજાવિધિઓ અને દક્ષિણા માટે કોઇ આગ્રહ કે દુરાગ્રહ નથી. ગૂગળી બ્રાહ્મણોની એક વિશિષ્ટ પરંપરા છે. સંખ્યાની દ્રષ્ટિએ નાની એવી આ જ્ઞાતિ દ્વારકાની શાન ગણાય છે. દ્વારકાની ધ્વજાનું પણ આગવું મહત્વ છે. અલગ-અલગ કાર્યો માટે લોકો અલગ-અલગ રંગની ધજા ચડાવે છે. સવાલ: દ્વારિકામાં ચડાવતી ધજાનું માપ શું હોય છે અને એ એક દિવસમાં કેટલી વખત ચડાવાય છે?

જવાબ: બાવન ગજની ધજા - 

દિવસમાં ત્રણ વખત ચડાવાય છે 




47)    જમીનથી પંદર-વીસ ફૂટ નીચે આવેલી ગુફા પ્રથમ દ્રષ્ટિએ તો બહુ વિશિષ્ટ નથી લાગતી પરંતુ જેમ તમે અંદરના ઞશ્યો જોતા જાઓ તેમ આંખો પહોળી થતી જાય. જાણે મંદ-મંદ એરકન્ડીશન ચાલુ હોય એવું આહ્લાદક વાતાવરણ. છત પરથી ટપકતો ભેજ.  અને એ ભેજ સાથે ટપકતી માટી થકી કુદરતી રીતે જ રચાતા આવા અગણિત શિવલિંગો. આ સ્થળને ઘણાં અમરનાથ સાથે સરખાવે છે, અમરનાથમાં વર્ષે એક બરફનું શિવલિંગ બને છે, અહીંયા સેંકડો-હજારોની સંખ્યામાં શિવલીંગો બનતા રહે છે. અમરનાથનું શિવલિંગ દર વર્ષે ઓગળી જાય છે તો અહીંના લિંગ પણ સમયાંતરે ફરી રેતીમાં ફેરવાઇ જાય છે. જો કે અમરનાથ અને આ સ્થળ વચ્ચે એક મોટો તફાવત છેઃ આ સ્થળ બહુ જાણીતું નહીં હોવાનાં કારણે અહીં અમરનાથ જેટલાં મુલાકાતીઓ આવતા નથી.  પોરબંદર જિલ્લાનાં રાણાવાવ નજીક આવેલું એક અદ્વિતીય સ્થળ. લોકો આ ગુફાને જાંબુવંતના એક પૌરાણિક પ્રસંગ સાથે સાંકળે છે. આ ગુફા એટલી વિશાળ છે કે તેમાં એકસાથે પાંચ હજાર વ્યકિતનો સમાવેશ થઇ શકે છે. ખરા અર્થમાં કહીએ તો  આ ગુફા કોઇ પ્રાકૃતિક અજાયબીથી કમ નથી. ગુફાનું નામ આપો.

જવાબ: જામ્બુવંતની ગુફા 



48)    ગિરનારનું આધ્યાત્મિક મહત્વ અપ્રતિમ છે. નાથ સંપ્રદાયના લોકો કહે છે કે આ પવિત્ર પર્વત પર નવ નાથના બેસણાં છે. જૈનો માને છે કે આ નેમિનાથનું ધામ છે. અહીં વસ્તુપાળ-તેજપાળએ બંધાવેલા જૈન દેરાસરો છે. ગુજરાત-ભારતનાં અન્ય જૈન તીર્થોની જેમ અહીંના જૈન દેવાલયોનું સ્થાપત્ય પણ ઉત્તમ દરજ્જાનું ગણાય છે. જૈનોનાં બાવીસ તિર્થંકરો અહીં સદૈવ બિરાજતાં હોવાની માન્યતા છે.  જૈનો માટે ગિરનારનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ હિન્દુઓ માટે પણ છે. અંબાજીની ટૂક પર આવેલું અંબાજી મંદિર ભારતની એકાવન શકિતપીઠમાં સ્થાન પામે છે.  કહેવાય છે કે અહીં જૈનોના એક તીર્થંકરએ વર્ષો સુધી તપ કર્યુ હતું. એ તીર્થંકર ક્યા?

જવાબ: નેમિનાથ 



49)    હિન્દુ ધર્મના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતું અલૌકિક તીર્થ એટલે સોમનાથ. ચંદ્રએ રાજા દક્ષ પ્રજાપતિએ પોતાને આપેલા શ્રાપથી બચવા અહીં શિવની કઠોર આરાધના કરી. મહાદેવે પ્રસન્ન થઇ તેનું સંકટ ટાળ્યું અને પછી અહીં શિવલીંગ સ્વરૂપે બિરાજ્યાં. ચંદ્રના બીજા નામ સોમ પરથી એટલે જ તેઓ સોમનાથ કહેવાયા. સોમનાથનું આ મંદિર સૌપ્રથમ ઇસવીસન 1024માં મહંમદ ગઝનીએ લૂંટયું હતું. તેનાં લગભગ 300 વર્ષ પછી અલાઉદ્દીન ખિલજીના સરદાર અફઝલખાને સંવત 1374માં લૂંટયું. 1390, 1451, 1490, 1511, 1530માં એ વિવિધ મુસ્લિમ આક્રમણખોરો દ્વારા લૂંટાયું. 1701ની સાલમાં ઔરંગઝેબે તેને લૂંટયું. કહેવાય છે કે એક કાળમાં સોમનાથની જાહોજલાલી એવી હતી કે આજે કોઇ કલ્પના પણ કરી ના શકે. અહીં દરરોજ ગંગાજળનો અભિષેક થતો અને કેસરનાં ફુલોથી પુજા થતી. દરરોજ એક હજાર બ્રાહ્મણો અહીં પુજા કરતા. મંદિરમાં પ6 જેટલાં રત્ન જડિત સ્તંભો હતાં અને એ દરેક સ્તંભને ભારતનાં અલગ-અલગ રાજાઓએ સોનાના પતરાથી મઢયાં હતાં. શિવલિંગ દસ ફુટ ઉંચુ અને છ ફુટ પહોળું હતું. અહીનાં સેîકડો ઘંટ નક્કર સુવર્ણથી બનેલાં હતાં અને એ ઘંટ વગાડવાની સાંકળો પણ બસ્સો મણ સોનાથી બનેલી હતી. પણ આક્રમણખોરો અહીંથી બધું જ ઉસેડી ગયાં. આઝાદી મળ્યાં પછી સરદાર વલ્લભભાઇ પટેલે આ મંદિરના નવનિર્માણનો સંકલ્પ કર્યો અને આ અપૂર્વ તિર્થને ફરી વખત નવજીવન મળ્યું. આજે સોમનાથનું આ તિર્થ અને મંદિર ઝડપભેર વધુને વધુ વિકસી રહ્યા છે. સોમનાથ વિશે અનેક કથાઓ અને વાયકાઓ સાંભળવા તથા વાંચવા મળે છે. કહેવાય છે કે, સોમનાથ મહાદેવનું જે સૌપ્રથમ મંદિર બંધાયું તે સંપૂર્ણપણે સુવર્ણથી બનેલું હતું. એ પછી રાવણે ચાંદીનું મંદિર બન્યું. એ પછી  સુખડનું અને એ પછીના શાસકોએ અનુક્રમે કાષ્ઠ અને પત્થર દ્વારા આ મંદિર બાંધ્યું. સવાલ: સુવર્ણ, ચાંદી અને સુખડનું મંદિર કોણે બાંધ્યું હતું?

જવાબ: સુવર્ણનું ચંદ્રએ, 

ચાંદીનું રાવણએ અને સુખડનું કૃષ્ણ ભગવાનએ 




50)    વિખ્યાત જૈન તીર્થ પાલીતાણા. જૈનોનું કદાચ સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન. કહેવાય છે કે જૈન ધર્મનાં ચોવીસમાંથી બાવીસ તીર્થંકરોને અહીંના શંત્રુજય પર્વત પર જ પરમજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. પાલીતાણા નગરને અડીને આવેલા શત્રુંજય પર્વત પર કુલ 108 જૈન મંદિરો છે અને તેમાં 872 જેટલી નાની દેરીઓ છે.  કુલ નવ ટૂંક ધરાવતા શત્રુંજય પર્વતના જૈન મંદિરો તેનાં બેનમૂન શિલ્પો માટે વિશ્વવિખ્યાત બન્યાં છે. વસ્તુપાળ-તેજપાળએ બંધાવેલા અહીંના દેવાલયોમાં પ્રથમ કક્ષાનું સ્થાપત્ય અને શિલ્પકામ નિહાળી શકાય છે. આમ જોઇએ તો શત્રુંજય પર્વત જૈનોનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવજીનું નિવાસ ગણાય છે. દેશ-વિદેશનાં જૈનો પોતાનાં જીવનકાળમાં એક વખત શત્રુંજયની યાત્રાએ અચૂક આવે છે. આટલાં ઉંચા પહાડો પર, એકસાથે આટલાં મંદિરો જોવા મળતા હોય એવું વિશ્વમાં બીજું કોઇ જ સ્થળ નથી ! જૈનોના એક તીર્થંકરએ આ પર્વતની અનેક વખત પ્રદક્ષિણા કરી હતી. એ તીર્થંકરનું  નામ આપો અને તેમણે કેટલી વખત પ્રદક્ષિણા કરી હતી એ કહો.

જવાબ: ઋષભદેવ. 99 વખત.



51)    ભાવનગરનાં બોટાદ નજીક આવેલું સારંગપુર આમ તો અમદાવાદ જિલ્લામાં ગણાય છે પરંતુ લોકો તેને સૌરાષ્ટ્રનો ભાગ જ સમજે છે. ઇસવીસન 1850માં આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત ગોપાલાનંદજીએ કરી હતી. હનુમાનજીના આ સ્વરૂપનો મહિમા ન્યારો છે. અહીં હનુમાનજી અત્યંત પ્રસન્ન મુદ્રામાં, રાજાનાં સ્વરૂપે બિરાજે છે, પનોતીને તેમણે પોતાનાં પગ તળે કચડી નાંખી છે. આમ અહીં હનુમાનજીનું સ્વરૂપ સ્વયં તેમની પ્રકૃત્તિનું સૂચક છે. સારંગપુરમાં થતી આરતીનો મહિમા વિશિષ્ટ છે. સારંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ મહત્વનું મથક છે. નજીક જ આવેલાં ગઢડા સાથે તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતોનાં સંસ્મરણો જોડાયેલાં છે. સારંગપુરના હનુમાનજીનું સ્વરૂપ ક્યા નામથી વિખ્યાત છે?

જવાબ: સંકટ મોચન હનુમાનજી 




52)    વેળાવદર નેશનલ પાર્ક. કાળીયાર અથવા તો બ્લેક બક્સ તરીકે ઓળખાતી હરણની પ્રજાતિ માટે વિખ્યાત આ રાષ્ટ્રીય કક્ષાનું અભયારણ્ય 34 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અહીંયા અમને કાળીયારનાં ઝૂંડ એકસાથે જોવાં મળે છે. એક સમયે ઠેરઠેર જોવાં મળતાં કાળીયારની સંખ્યા ધીમેધીમે ઘટી ગઇ છે પરંતુ અહીં વેળાવદરમાં બહુ સારી રીતે જળવાયેલાં છે. આ જંગલ વૃક્ષોનું બનેલું નથી પરંતુ ઘાસનું છે ! અહીં જોવા મળતું આ કેડ સુધીનું ઘાસ કાળીયાર માટે ઉત્તમ રહેણાંક પણ બની રહે છે અને તેને કદી ખોરાકની ઉણપ પણ નથી પડતી. અહીં નીલગાયનાં ટોળાંઓ પણ નીર્ભય બની ફરતાં જોઇ શકાય છે. વેળાવદરમાં વરૂ સિવાય કોઇ હિંસક પ્રાણી નથી એટલે અહીંના તૃણાહારીઓ અન્ય જંગલોની સંખ્યાએ વધુ નસીબદાર અને સુખી છે. અભયારણ્યની મધ્યમાં આવેલાં વેટલેન્ડમાં જોવાં મળે છે  કેટલાંક દુર્લભ પક્ષીઓ. એક જ ફ્રેમમાં દેખાતાં પેલીકન્સ, સુરખાબ, પેઇન્ટેડ સ્ટોર્કસ અને વ્હાઇટ સ્ટોર્કસનું ઞશ્ય કોઇપણ પ્રકૃતિપ્રેમીને ધન્ય કરી નાંખે એવું છે. વેળાવદરમાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે નેચર એજ્યુકેશન કેમ્પ યોજાય છે તો પર્યટકો માટે સુંદર ગેસ્ટ હાઉસ પણ છે. પક્ષીઓની એક વિશિષ્ટ  પ્રજાતિ માટેની આ વિશ્વની શ્રેષ્ઠતમ્ અને સૌથી સમૃદ્ધ સાઇટ ગણાય છે. પક્ષીઓની આ વિશિષ્ટ કોમ ક્યા નામથી ઓળખાય છે?

જવાબ: હેરિયર્સ 




53)    મહારાજા ભાગવતસિંહજીના સુશાસન માટે જાણીતા ગોંડલમાં આવેલાં રિવરસાઇડ પેલેસને હોટલમાં કન્વર્ટ કરી દેવાયો છે. આ નાનકડા પેલેસનું ઇન્ટીરિયર રાજાશાહીનાં દિવસોની યાદ અપાવે છે. અન્ય એક મહેલ, ઓર્ચાર્ડ પેલેસમાં પણ હેરિટેજ હોટેલ ચાલે છે. આ જ કેમ્પસમાં રાજ પરિવારનો અલગ પેલેસ છે.  મહારાજા ભાગવતસિંહજીની આ વિશિષ્ટ કાર એક વખત ખાસ જોવા જેવી. ઓર્ચાર્ડ પેલેસમાં રેલવેનું આ સલૂન પણ હોટલના સ્યૂટ તરીકે ઉપયોગમાં લેવાય છે. અગાઉના જમાનામાં રાજાને બહારગામ જવું હોય તો આ ડબ્બાને એન્જિન સાથે જોડી દેવામાં આવતો. આ સલૂનમાં એક યુગલને કે પરિવારને આરામથી રહેવા માટે તમામ સગવડો છે. ત્રીજો મહેલ એટલે નવલખા પેલેસ અથવા તો દરબારગઢ. તેની બાંધણી ધ્યાનાકર્ષક છે. અહીં એક નાનું એવું મ્યુઝિયમ પણ બનાવાયું છે જેમાં ગોંડલ સ્ટેટના સંભારણા સમાન મૂલ્યવાન ચીજવસ્તૂઓ મુકવામાં આવી છે. ભાગવતસિંહજીએ જે મહાન ગુજરાતી શબ્દકોષનું સર્જન કર્યુ હતું એ ઐતિહાસિક ભગવદગોમંડળની પ્રથમ આવૃત્તિ હજુ અહીં સચવાયેલી છે. ગોંડલ સ્ટેટ એક વિશિષ્ટ વસ્તુના કલેક્શન માટે પણ જાણીતું છે. એ જુનવાણી કલેક્શન શેનું છે?

જવાબ: એન્ટીક કારનું 







2 comments:

  1. Dear Kinnar Bhai,

    Just superb! WOW collection. This must be part of each Gujarati family, as we love to explore world outside Gujarat. This will drive people through Gujarat.

    While reading this, one honest confession I would like to share, While travelling to Porbandar, I passed through Ranavav Jambuvant Gufa. I was not aware about it's historic importance. and So is Shingalapur or Kileshwar.

    Hats off sir.

    Thanks for making us aware.

    Regards.
    Mitesh Pathak

    ReplyDelete
  2. What a treasure of information on Gujarat Tourism. Thank you Kinnerbhai.

    ReplyDelete