Thursday, October 6, 2011

નવરાત્રીનું પર્વ અને દસ દૂર્લભ મહાવિદ્યાઓ !

શું તંત્ર એટલે દોરા-ધાગા-તાવીજ ?,
શું તંત્ર એટલે ખોપરી અને સ્મશાન ?


તંત્રમાર્ગમાં જણાવેલી દસ મહાવિદ્યાઓ અંગે આપણે વાત કરવાની છે. દસ મહાશકિતઓને સમગ્ર સંસારનો, સમસ્ત બ્રહ્માંડનો સાર માનવામાં આવે છે. ભારતનાં અતિ ઉચ્ચ કોટીના સાધકો, ષિઓ અને સંતોએ આ મહાવિદ્યાઓની સમય, સાનુકૂળતા મુજબ સિદ્ધ કરી છે. કૃષ્ણ અને રામથી લઇ દુર્વાસા, વસિષ્ઠ જેવા ઋષિઓ કે શંકરાચાર્ય જેવાં મશાલચીઓએ આ વિદ્યાઓ સિદ્ધ કરી હતી. ગુજરાતીમાં આ મહાવિદ્યાઓ પર ઝાઝું લખાયું નથી. કારણ કે, લેખકોને પણ અંધશ્રદ્ધાળુમાં ખપી જવાનો ડર હોય છે. ભાઈ જય વસાવડા સિવાય બહુ ઓછા જાણીતા લેખકો એવા છે - જે પૌરાણિક ગ્રંથો અને શાસ્ત્રોની વાત રસપૂર્વક માંડે છે. લોકોના ચાવવાના અને દેખાડવાના જુદા છે. મેં જોયું છે કે, કહેવાતા રેશનાલિસ્ટ લોકો પણ અંદરખાનેથી ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા હોય છે! ગુજરાતના એક અત્યંત જાણીતા રેશનાલિસ્ટને ઘેર બીજા એક મોટા રેશનાલિસ્ટએ ફોન જોડ્યો તો સામેથી પત્નીએ કહ્યું કે, "... એ તો શામળાજી દર્શને ગયા છે!" એક રેશનાલિસ્ટના પરિવારમાં વેવિશાળ માટે વાત ચાલતી હતી. રેશનાલિસ્ટ મહાત્માએ સામેવાળા પાસેથી જન્માક્ષર માંગ્યા! પેલા ભાઈએ પૂછ્યું કે, "તમે તો રેશનાલિસ્ટ છો ને!" તો જવાબ મળ્યો: "એ બધું તો ઠીક છે. પણ, કુંડળી વગર વાત આગળ નહિ ચાલે!"હશે, એમને જે બાબતમાં માનવું હોય તેમાં માને, ના માનવું હોય તો એમની મરજી. પણ આપણને કોઈએ શા માટે રોકવા જોઈએ? અહીં હું જે વિગતો મૂકી રહ્યો છું, એ કથાઓ મેં જાતે બનાવેલી નથી. પરંતુ કેટલાક અનુભવોને કારણે મારા માટે આ રસનો વિષય છે. તમને રસ પડે કે નહિ એ મને ખ્યાલ નથી. પરંતુ દેવીઓના સ્વરૂપો જોઈ ઘણા લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે-જેના જવાબો આ લેખ આપે છે. અને આ લેખ , એ તંત્રની વાત કરે છે જેના વિષે આપણે ત્યાં અનેક ભ્રમણાઓ અને ડરામણી કથાઓ વ્યાપ્ત છે... નવરાત્રી દરમિયાન નવ દેવીઓ અંગે તો ઘણા લખે છે પરંતુ ભારતની આધ્યાત્મિકતાના આધાર સમાન આ દસ સ્વરૂપો વિષે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. એટલે જ .... 

તંત્ર એટલે દોરા-ધાગા-તાવીજ, તંત્ર એટલે ખોપરી, સ્મશાન અને અઘોર સાધનાઓ. તંત્ર એટલે ચિત્રવિચિત્ર અવાજો અને અટપટી ઉપાસનાઓ અને તંતર એટલે બલી, લોહી કે માંસની આહૂતિ. તંત્રનું કે તાંત્રિક વિધિનું નામ પડે ત્યારે આપણી આંખ સામે આવાં જ દ્રશ્યો તરવરવા લાગે. આ બધી વસ્તુઓ તંત્રની વ્યાખ્યાથી જોજનો દૂર છે. પરંતુ બન્યું છે એવું કે તંત્રશાસ્ત્ર અત્યારે લેભાગૂ તાંત્રિકોના પાપે બદનામ થઇ ગયું છે.

શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે ત્યાં યોગનું અવતરણ થયું, માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાનનો આવિષ્કાર થયો એવી જ રીતે આંતરબાહ્ય વિકાસ તથા સર્વાંગી કલ્યાણ માટે તંત્રવિદ્યાનો આવિષ્કાર થયો. યોગધ્યાન તો તરી ગયા પણ તંત્રની હાલત ખરાબ છે. દિલ્હી તમારે જવું હોય તો જેમ ત્યાં પહોંચવાના અનેક રસ્તા હોય  એવી જ રીતે પરમાનંદની અનૂભૂતિ માટે ભારતીય દર્શનમાં અનેક માર્ગો છે. કુંડલિની જાગરણ યોગધ્યાન દ્વારા પણ થઇ શકે, શકિતપાત દ્વરા પણ થઇ શકે અને તંત્ર દ્વારા પણ થઇ શકે.

તંત્રનો ભાવાર્થ-ગૂઢાર્થ આલેખવા બેસીએ તો તે તે માટે સ્વતંત્ર ચાર-છ લેખો લખવા પડે. પરંતુ તંત્રમાર્ગમાં જણાવેલી દસ મહાવિદ્યાઓ અંગે આપણે વાત કરવાની છે. દસ મહાશકિતઓને સમગ્ર સંસારનો, સમસ્ત બ્રહ્માંડનો સાર માનવામાં આવે છે. ભારતનાં અતિ ઉચ્ચ કોટીના સાધકો, ઋષીઓ અને સંતોએ આ મહાવિદ્યાઓને સમયસાનુકૂળતા મુજબ સિદ્ધ કરી છે. કૃષ્ણ અને રામથી લઇ દુર્વાસા, વસિષ્ઠ જેવા ઋષિઓ કે શંકરાચાર્ય જેવાં મશાલચીઓએ આ વિદ્યાઓ સિદ્ધ કરી હતી અને જ્યારે આવશ્યકતા જણાઇ ત્યારે સ્વબચાવ કે શત્રુ સંહાર માટે તેનો ઉપયોગ પણ કર્યો હતો. આ મહાવિદ્યાઓ કરતાં બહેતર કહી શકાય એવી વિદ્યાઓ કોઇપણ શાસ્ત્રમાં બીજી એકપણ નથી. કહેવાય છે જેણે ષોડશીને સાધી લીધી તેણે સંસારના રહસ્યો પણ પામી લીધા. જેણે ભુવનેશ્વરી સિદ્ધિ મેળવી લીધી તેને બ્રહ્માંડનો સાર મળી ગયો અને ઐહિકદૈહિક સુખો પણ મળી ગયા.

સનાતન હિન્દુ ધર્મનાં પાયા સમાન આ વિદ્યાઓ વિશે ગુજરાતીમાં ભાગ્યે જ ક્યારેક લખાયું છે. અને જ્યારે લખાયું છે ત્યારે મોટાભાગે છાપાની ધાર્મિક પૂર્તિઓમાં જ છપાયું છે. સામાન્ય રીતે આ પૂર્તિઓ એક ચોક્કસ વર્ગ સિવાય કોઈ વાંચતું નથી. ગુજરાતીમાં આવું લખાતું નથી તેનું મુખ્ય કારણ એ છે કે ખુદ લેખકને પણ અંધશ્રદ્ધાવાદિઓમાં ખપી જવાનો ડર હોય છે. પણ આપણે દશેરાનાં આ પર્વમાં એમનાં વિશે ચર્ચા કરવી છે. આ પર્વ જ એમનું છે, એમનાં અવસરે એમની ચર્ચા નહીં કરીએ તો કોની કરીશું.

દસ મહાવિદ્યાઓની સાધના સરળ નથી અને અશક્ય પણ નથી. હા! એ ભયાનક બિલકુલ નથી. એનાં માટે સ્મશાનમાં જવાની કે ખોપરીની માળાઓ પહેરવાની કે માંસમદિરાની જરૂર નથી. વાસ્તવમાં આ મહાવિદ્યાઓ એટલી પવિત્ર છે કે તેમાં આવી સઘળી વસ્તુઓ પુર્ણતઃ વર્જ્ય છે.  તેનાં  માટે તાંત્રીક હોવું જરૂરી નથી. નવરાત્રી સમયે આપણે ત્યાં નવદુર્ગાને અવારનવાર યાદ કરવામાં આવે છે પરંતુ દસ મહાવિદ્યાઓ જાણે તાંત્રીકો માટે જ સર્જાઇ હોય એમ એનાં વિશે ચર્ચા જ થતી નથી. વાસ્તવિકતા એ છે કે કળીયુગમાં આ મહાવિદ્યાઓથી ઉત્તમ, તેનાંથી વિશેષ બીજું કશું જ નથી. તેના વિશે થોડું વિગતે જાણીએ...


મહાકાળી


દસ મહાવિદ્યાઓમાં કાલીનું સ્થાન પ્રથમ છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેમનું મહાકાળી નામ વધુ પ્રચલિત છે. મહાભાગવત્ અનુસાર કાલી જ મુખ્ય વિદ્યા છે અને તેમાં ઉગ્ર અને સૌમ્ય એમ બે રૂપોમાં બાકીની મહાવિદ્યાઓ સમાવિષ્ટ છે. ભાગવત શિવને સાધ્ય કરવાથી જ સિદ્ધિઓ મળે છે. ભગવાન શિવને સાધ્ય કરવાથી જે સિદ્ધિઓ મળે છે એ તમામ સિદ્ધિઓ મહાવિદ્યાઓ સિદ્ધ કરવાથી મળી શકે છે. દાર્શનિક દ્રષ્ટિએ જોઇએ તો પણ તંત્ર કહે છે કે કાલતત્ત્વનું મહત્વ સૌથી વધુ છે. એટલે જ કહી શકાય કે મહાકાળી જ સમસ્ત વિદ્યાઓની આદિવિદ્યા છે. અમુક તંત્રગ્રંથો તો ત્યાં સુધી કહે છે કે મહાકાલની પ્રિયતમા કાલી જ પોતાનાં દક્ષિણ અને વામ રૂપોમાં દસ મહાવિદ્યાઓમાં નામથી જાણીતી થઇ.

કાલીકાપુરાણ કહે છે કે એક વખત હિમાલય પર સ્થિત મતંગ ઋષિના આશ્રમમાં જઇ દેવતાઓએ મહામાયાની સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થઇ ભગવતીએ મતંગવનિતાના સ્વરૂપે દેવતાઓને દર્શન આપ્યા. અને પૂછ્યું કે ‘તમે કેવી સ્તુતિ કરી રહ્યા છો?’ એ સમયે જ દેવીના શરીરમાં કાળા વર્ણવાળી એક નારીનું પ્રાગટ્ય થયું. દેવતાઓ વતી તેણે જ ઉત્તર આપ્યો કે,   ‘તેઓ મારી સ્તુતિ કરી રહ્યા છે.’ તેનો વર્ણ  કાજળ જેવો હતો તેથી તેનું નામ કાલી પડ્યું. દુર્ગાસપ્તશતી મુજબ એક વખત દેવતાઓ શુમ્ભ-નિશુમ્ભ નામનાં બે રાક્ષસોથી ત્રસ્ત હતાં, તેમણે દેવિસૂક્ત દ્વારા ભગવતિનું આવાહન કર્યુ. ભગવતિ ગૌરીએ દર્શન આપ્યાં ત્યારે તેમનાં શરીરમાંથી એક નારીનું પ્રાગટ્ય થયું. એ જ ક્ષણે ગૌરીનું શરીર શ્યામ રંગનું થઇ ગયું. શકિતનું આ સ્વરૂપ કાલી કહેવાયું.

કાલીની ઉપાસના વિશે ઘણાં વિદ્વાનોમાં મતમતાંતર પ્રવર્તે છે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે મહાકાળીની ઉપાસના કળીયુગમાં શ્રેષ્ઠ ગણાય છે અને તેની ઉપાસનાનાં બે પ્રકારો છેઃ (૧) તંત્રમાર્ગ (૨) ભકિતમાર્ગ.
તંત્રમાર્ગ દ્વારા કાળીની ઉપાસના, સાધના કરવા સમર્થ ગુરૂ દ્વારા દિક્ષા લેવી અનિવાર્ય છે. ભકિતમાર્ગ દ્વારા તેમની આરાધના માટે પૂજનઅર્ચન, ધૂપદિપ, સ્તુતિ વગેરે પુરતાં છે, તંત્ર માર્ગ દ્વારા તેમને સિદ્ધિ કરવા માટે તાંત્રોક્ત યંત્ર તથા મંત્ર આવશ્યક છે. કહેવાય છે કે મહાકાળીની સાધના એટલી દિવ્ય હોય છે કે સાધકનો અહમ્, જીદ્દ, મોહમાયા પૂર્ણતઃ ઓગળી જાય છે.

તારા


ભગવતી કાલીને જ નિલ્વર્ણા હોવાના કારણે તારા પણ કહેવાય છે. તારાનો એક અર્થ તારનારી, તારવાવાળી પણ થાય છે. વાક્ચાતુર્ય, વાણી પર પ્રભુત્વ ઇચ્છતા લોકો માટે તારા ઉપાસના અમોઘ છે. એટલે જ તેનું એક નામ નિલસરસ્વતિ પણ છે. સૃષ્ટિમાં સૌથી ભયાનક વિઘ્નો, સંકટો હણવાની શકિત તારા ઉપાસનામાં છે. દૈત્ય હયગ્રિવનો વધ કરવા ભગવતીમાંથી આ નિલરૂપાનું સર્જન થયું હતું.

શત્રુવિનાશ, વાક્શકિત, ભોગમોક્ષની પ્રાપ્તિ અર્થે તારા સાધના અપ્રતિમ ગણાય છે. રાત્રિદેવીની સ્વરૂપા શકિત તારા મહાવિદ્યાઓમાં અદ્વિતિય ગણાય છે. ભગવતી તારાનાં ત્રણ સ્વરૂપો છેઃ તારા, એકજટા, નિલસરસ્વતિ. ત્રણેય રૂપોનાં  રહસ્ય, આરાધના, ધ્યાન પરસ્પર ભિન્ન છે. પરંતુ આટલો તફાવત હોવા છતાં તેમની શકિત એક સમાન છે. તારા સાધના મુખ્યત્વે તંત્રમાર્ગ દ્વારા થઇ શકે છે. તંત્રગ્રંથો કહે છે કે તેની ઉપાસના દ્વારા સામાન્ય વ્યકિત પણ બૃહસ્પતિનો સ્વામિ થઇ શકે છે.

ભારતમાં ઋષિ વસિષ્ઠએ સૌપ્રથમ તારા સાધના કરી હતી. એટલી જ તારાને વસિષ્ઠરાધિતા પણ કહેવાય છે. કહેવાય છે કે ઙ્ગષિ વસિષ્ઠએ સૌપ્રથમ વૈદિક પદ્ધતિ દ્વારા તારા સાધનાનો પ્રારંભ કર્યો. પરંતુ એમને સફળતા ન મળી. તેમને દિવ્ય સંકેત મળ્યો તેથી તેમણે તાંત્રિક પદ્ધતિ દ્વારા ઉપાસનાનો પ્રારંભ કર્યો. જેના દ્વારા તેમને સિદ્ધિ મળી. એવાં પ્રમાણો મળ્યાં છે કે સદીઓ પહેલા ચીન, તિબેટ, લદ્દાખ જેવાં વિસ્તારોમાં તારા સાધના નિયમીતરૂપે કરવામાં આવતી.

તારાની ઉત્પતિ મેરૂ પર્વતની પશ્ચિમ તરફ ચોલના નામની નદીનાં કિનારે થઇ હતી. ‘મહાકાલ સંહિતા’ નામનો ગ્રંથ તંત્ર માટે ઉત્તમ ગણાય છે. તેમાં વર્ણન છે કે તારા ઉપાસના માટે ‘તારારાત્રી’ની રાત ઉત્તમ ગણાય છે. ચૈત્ર નવરાત્રીની નવમી રાત્રીને તારારાત્રી ગણાય છે. બિહારનાં સહરસા જિલ્લાનાં માહિષી ગામમાં ઉગ્રતારાની સિદ્ધપિઠ આવેલી છે. ત્યાં તારા, એકજટા તથા નિલસરસ્વતિની મૂર્તિઓ છે. કહેવાય છે કે ઋષિ વસિષ્ઠએ અહીંયા જ તારા ઉપાસના કરી સિદ્ધિ મેળવી હતી.

છિન્નમસ્તા


જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાં છિન્નમસ્તા ‘વ્રજ વૈરોચિનિ’ તરીકે ઓળખાય છે. ભગવતી છિન્નમસ્તાનું સ્વરૂપ અત્યંત ગોપનીય છે અને તેમને સાધવાનો માર્ગ સરળ નથી. તંત્રવિદ્યામાં   સમર્થ હોય એવી વ્યકિત જ આ સિદ્ધિ પામી શકે છે. સામાન્ય સાધક જો છિન્નમસ્તાને સાધવા માંગતો હોય તો સમર્થ ગુરૂનું માર્ગદર્શન આવશ્યક છે.

છિન્નમસ્તાના ઉદ્ભવની કથા રસપ્રદ છે. ભગવતી ભવાની એક વખત પોતાની સહચરી જયા અને વિજયા સાથે મંદાકિનીમાં સ્નાન કરવા ગયા. સ્નાન પછી તરસના કારણે તેમનો વર્ણ શ્યામ થઇ ગયો. એ સમયે જ જયા-વિજયાએ પણ પોતાની સ્વામિનિ એવા ભવાની પાસે ભોજનની માંગણી કરી. ભગવતીએ થોડો સમય પ્રતિક્ષા કરવા કહ્યું. આવું ત્રણ-ચાર વખત બન્યું પછી જયા-વિજયાએ કહ્યું કે ‘માં તો પોતાનાં સંતાનો જ્યારે માંગણી કરે ત્યારે ભોજન પીરસે છે. તો તમે અમારી ઉપેક્ષા શા માટે કરો છો?’ આવું સાંભળતા જ ભગવતીએ પોતાનાં ખડગથી પોતાનું શિર વાઢી નાંખ્યું. કપાયેલું શિર દેવીના હાથમાં રહી ગયું. એમના ગરદન પાસેથી રક્તની ત્રણ ધારા છૂટી જેમાંથી બે ધારા જયા-વિજયાના મુખમાં ગઇ અને એક ધારા સ્વયં ભગવતીના મુખમાં ગઇ. ભગવતીનું આ સ્વરૂપ છિન્નમસ્તા કહેવાય છે.

મધ્યરાત્રીનો સમય છિન્નમસ્તાની સાધના માટે શ્રેષ્ઠ મનાયો છે. શત્રુ વિજય, વાક્ચાતુર્ય, સમુહ સ્તંભન, સત્તાપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ માટે છિન્નમસ્તાનું આધ્યાત્મિક સ્વરૂપ બહુ ગૂઢ છે અને બહુ સૂચક પણ પણ છે. દિશાઓ જ એમનાં વસ્ત્ર છે. એમની નાભીમાં યોનીચક્ર છે. કૃષ્ણ (તમ્) અને રક્ત (રજ) ગુણોની દેવીઓ તેમની સહચરી છે. તેઓનું પોતાનું શિર વાઢ્યા પછી  પણ જીવીત છે એ જ સ્વયં અન્તર્મુખી સાધનાનું પ્રતિક છે.
તંત્રના જ્ઞાતાઓ કહે છે કે છિન્નમસ્તા સાધના એ મોક્ષપ્રાપ્તિની ચરમસિમા છે. યોગશાસ્ત્રમાં મનુષ્ય શરીરની ત્રણ ગ્રંથીઓનું વર્ણન મળે છેઃ બ્રહ્મગ્રંથી, વિષ્ણુગ્રંથી, રૂદ્રગ્રંથી, મૂલાધારમાં બ્રહ્મગ્રંથી, મણિપુરમાં વિષ્ણુગ્રંથી તથા આજ્ઞાચક્રમાં રૂદ્રગ્રંથી સ્થિત છે. આ બધી ગ્રંથીઓને ભેદીએ તો જ અદ્રૈતાનંદ, પરમાનંદની પ્રાપ્તિ થાય છે. સંસારના સઘળાં રહસ્યો છતા થઇ જાય છે. યોગીઓ કહે છે કે મણિપુર ચક્રની નીચેની નાડીઓમાં જ કામ અને રતિનું મૂળ છે, જેમાં પર છિન્ના શકિતનો નિવાસ છે, તેનો ઉર્ધ્વ પ્રવાહ થવાથી રૂદ્રગ્રંથીનું ભેદન થાય છે. તંત્રના શાસ્ત્રોમાં કેટલીક અદ્ભૂત વિદ્યાઓનાં વર્ણન છે જેમાંથી બૃહદારણ્યકની અશ્વશિર વિદ્યા, હયગ્રીવ વિદ્યા તથા છિન્નશિર્ષ ગણપતિની સ્વામિનિ છિન્નમસ્તા જ ગણાય છે.

ષોડશી


દસ મહાવિદ્યાઓમાં સૌથી સૌમ્ય, દિવ્ય અને ભવ્ય સ્વરૂપ કદાચ ષોડશીનું છે. ભગવતીના આ સ્વરૂપની આપણે લલિતા, ત્રિપુર સુંદરી, રાજરાજેશ્વરી જેવાં અનેક નામથી પરિચિત છીએ. દસ મહાવિદ્યાઓની બાકીની મોટાભાગની વિદ્યાઓ તેનાં સાધકને ભોગ તથા મોક્ષ એ બેઉમાંથી બહુધા એક જ વસ્તુ આપે છે. પરંતુ ષોડશી સાધના થકી બેઉ સાધ્ય છે.

એક વખત પાર્વતીએ તેમનાં પતિ શિવને પૂછ્યું કે, ‘તમે વર્ણવેલી તંત્ર સાધનાઓ થકી સાધકની આધિવ્યાધિઉપાધિ, દરિદ્રતા તથા શોકસંતાપ દૂર થઇ જાય છે પરંતુ જન્મમરણનું આ ચક્ર ચાલુ જ રહે છે, મોક્ષ મળતો નથી, આનો ઉપાય શો?’ એ સમયે ભગવાન શિવએ ત્રિપુરસુંદરી સાધના વિશે વાત કરી. કહેવાય છે કે આદિ શંકરાચાર્યએ પણ ષોડશી સાધના સિદ્ધ કરી હતી. એટલે જ આજે દરેક જ્યોતિર્મઠોમાં દેવી રાજરાજેશ્વરી શ્રીયંત્રના સ્વરૂપે બિરાજમાન છે. ઋષિ દુર્વાસા પણ ત્રિપુરસુંદરીના પરમ સાધક હતાં. તંત્રના અદ્ભુત ગ્રંથ ભૈરવયામલ તથા શકિતલહરીમાં ષોડશી સાધનાનું અતિ વિસ્તૃત વર્ણન અપાયું છે.

ષોડશીનું મુખમંડળ અત્યંત દિવ્ય, દૈદિપ્યમાન છે. તેનું સમગ્ર સ્વરૂપ જાજરમાન છે. તેમની ચાર ભુજાઓ ત્રણ નેત્ર છે. તેઓ શાંત સમુદ્રમાં સૂતેલા ભગવાન શિવ પર સ્થિત કમલાસન પર બિરાજમાન છે. ચાર ભુજાઓમાં ક્રમશઃ પાશ, અંકૂશ, ધનુષ અને બાણ છે. તંત્રશાસ્ત્રોમાં ષોડશીને પાંચ મુખવાળી અર્થાત્ પંચવકત્ર કહેવામાં આવે છે. દેવીનાં પાંચ મુખ તત્પુરૂષ, સદ્યોજાત, વામદેવ, અર્ઘાર અને ઇશાન નામનાં  શિવનાં પાંચ સ્વરૂપોના પ્રતિક છે. પાંચેય દિશાઓનાં રંગ ક્રમશઃ લીલો, લાલ, ધુમ્ર, વાદળી અને પીળો હોવાથી તેમનાં મુખ પણ એ રંગના છે. આ પાંચ મુખોનાં દસ હાથોમાં અભય, ટંક, શૂળ, વજ્ર, પાશ, ખડગ્, અંકુશ, ઘંટ, નાગ અને અગ્નિ છે. તેમનામાં સૃષ્ટિની સોળેય કળાઓ પૂર્ણરૂપે વિકસીત છે. એટલે જ તેમનું નામ પણ ષોડશી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય તત્વની પ્રાપ્તિ માટે ત્રિપુરસુંદરીની સાધના કરતાં વિશેષ સાધના જગતનાં એકપણ ગ્રંથમાં મોજુદ નથી.
  
ભુવનેશ્વરી


જગદમ્બા ભુવનેશ્વરીનું સ્વરૂપ પણ સૌમ્ય અને જાજરમાન છે. દેવી ભાગવત અનુસાર દુર્ગમ નામનાં દૈત્યના ત્રાસથી કંટાળી દેવતાઓએ અને બ્રાહ્મણોએ ભગવતિ આરાધના કરી ત્યારે તેમણે ભુવનેશ્વરી સ્વરૂપે દર્શન આપ્યા હતાં. એમનાં હાથોમાં બાણ, કમળનું પુષ્પ, શાકમૂળ હતાં. પોતાનાં નેત્રોમાંથી એમણે જળની હજારો ધારા વહાવી જેનાંથી સુષ્ટિના તમામ જીવો તૃપ્ત થયા, નદીઓ છલોછલ બની ગઇ અને વનરાજી છવાઇ ગઇ. પોતાના હાથમાં લીધેલા શાકો, ફળમૂળનાં કારણે ભુવનેશ્વરીનાં શાકમ્ભરી તથા શતાક્ષી જેવાં નામો પણ પડ્યા. તેમણે જ દુર્ગમાસુરનો વધ કર્યો. એ પછી દુર્ગા (દુર્ગમાસુરનો વધ કરનારા) નામથી પણ ઓળખાયા.
દસ મહાવિદ્યાઓમાં ભુવનેશ્વરીનું સ્થાન પાંચમું છે. દેવીપુરાણ કહે છે કે, મૂળ પ્રકૃત્તિનું, સમસ્ત સંસારનું બીજું જ નામ ભૂવનેશ્વરી છે.  તેમનાં હાથમાં રહેલું અંકુશ એ નિયંત્રણનું પ્રતિક છે તો એમનાં હાથમાં રહેલું પાશ એ રાગ  તથા આસકિતનું  પ્રતિક છે. ટૂંકમાં કહીએ તો  જગતનો સાર તેનાં સ્વરૂપમાં જ સમાવિષ્ટ છે.  વિશ્વને વમન કરી જવાનાં કારણે તેને વામા કહેવાય છે તો શિવમય હોવાનાં કારણે જયેષ્ઠા તરીકે પણ ઓળખાય છે. પાપીઓને દંડિત કરવાનાં કારણે તેઓ રૌદ્રી પણ કહેવાયા.

મહાનિર્વાણતંત્ર મુજબ સંસારની તમામ મહાવિદ્યાઓ અને સાત કરોડ મહામંત્રો ભુવનેશ્વરીની સેવામાં સંલગ્ન છે. કાલી તત્ત્વ શરૂ કરીને કમલા તત્ત્વ સુધીની દસ સ્થિતિઓ છે. જેમાં ભુવનેશ્વરી બ્રહ્માંડ સ્વરૂપ છે, પ્રલયકાળમાં એ કમળામાંથી (વ્યક્ત જગતમાંથી) ક્રમશઃ લય થઇને મૂળ પ્રકૃત્તિ સ્વરૂપ કાલી રૂપ બની જાય છે. એટલે જ ભુવનેશ્વરીને કાળના જન્મયાત્રી પણ કહેવાય છે. ભુવનેશ્વરીની આરાધના ધનવૈભવ, સંતાનસુખ, જ્ઞાન, શકિતસામર્થ્ય માટે શ્રેયકર ગણાય છે.


ત્રિપુર ભૈરવી


બ્રહ્માંડપુરાણમાં ત્રિપુરભૈરવીને ગુપ્ત યોગિનિઓનાં અધિષ્ઠાત્રિ કહેવાય છે. મત્સ્યપુરાણમાં તેનાં ત્રિપુરભૈરવી, કોલેશાભૈરવી, રૂદ્રભૈરવી, ચૈતન્યભૈરવી, નિત્યાભૈરવી નામનાં પાંચ સ્વરૂપોનું વર્ણન છે. સમસ્ત પ્રકારનાં ઉત્કર્ષ માટે તથા ઇન્દ્રિયો પર વિજય મેળવવા ત્રિપુરભૈરવીની સાધનાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.

કોઇપણ પ્રકારનાં મહાસંકટમાંથી મુકિત મેળવવા તેની સાધના રામબાણ ઇલાજ છે. જો કે ત્રિપુરભૈરવીની ઉપાસનાનો મુખ્ય ઉપયોગ ઘોરકર્મમાં જ થાય છે. સરળ ભાષામાં કહીએ તો સાંસરીક મનુષ્યો માટે આ ઉપાસના એટલી ફળદાયી નથી જેટલી લાભકારક એ ભકિતમુકિતમાર્ગ પર જવા ઇચ્છતા હાર્ડકોર સાધકો માટે છે. તેના ધ્યાનનો ઉલ્લેખ દુર્ગાસપ્તશતિનાં ત્રીજા અધ્યાયમાં મહિષાસુર વધનાં પ્રસંગમાં થયો છે. ત્રિપુરભૈરવીનો રંગ લાલ છે. એ ગળામાં મુન્ડમાળા ધારણ કરે છે, લાલ વસ્ત્રોમાં  સજ્જ છે. તેનાં હાથોમાં જપમાળા, પુસ્તક, વર તથા અભયમુદ્રા ધારણ કરેલાં છે. એ કમલાસન પર બિરાજમાન છે. શાસ્ત્રો કહે છે કે તેણે જ મદ્યપાન કરીને મહિષનો વધ કર્યો હતો.

દક્ષિણ દિશા યમની દિશા કહેવાય છે અને તેમાં સ્વામિ છેઃ કાળ ભૈરવ. ત્રિપુરભૈરવી પણ ભૈરવી જ શકિત ગણાય છે. ત્રિપુરભૈરવીના અનેક સ્વરૂપો છેઃ સિદ્ધિભૈરવી, ચૈતન્યભૈરવી, ભુવનેશ્વરીભૈરવી, કમલેશ્વરીભૈરવી, કામેશ્વરીભૈરવી, ષટકૂટાભૈરવી, નિત્યાભૈરવી, કોલેશીભૈરવી, રૂદ્રાભૈરવી વગેરે. તેનાં વિવિધ સ્વરૂપોની આરાધના સ્વયં ભગવાન શિવ, વિષ્ણુ પણ કરે છે.

ધૂમાવત્તિ


ધૂમાવતિની આરાધના મુખ્યત્વે વિપતીનાશ, રોગ નિવારણ, યુદ્ધવિજય, ઉચ્ચાટન તથા મારણ આદિ માટે કરવામાં આવે છે. કહેવાય છે કે એક વખત ભગવતિ પાર્વતિ કૈલાશ પર્વત પર મહાદેવ શિવ સાથે બેઠા હતા ત્યારે તેમણે શિવ પાસે પોતાની ક્ષુધા (ભુખ)નું નિવારણ કરવા કહ્યું. વારંવાર કહ્યાં છતાં શિવએ આ વાત પર ધ્યાન નહીં આપતા ભગવતિ પછી મહાદેવને જ ગળી ગયા. એ સાથે જ ભગવતિના શરીરમાંથી ધૂમ્રસેર નીકળવા લાગી. ધૂમાડાથી આખા ઢંકાઇ જવાના કારણે તેમનું નામ ધૂમ્રા અથવા ધૂમાવતિ પડ્યું. શિવને ગળી જવાનો ભાવાર્થ છે. તેમનાં સ્વામિત્વથી ઇન્કાર. અસુરોનાં કાચા માંસથી તેમની ક્ષુધા તૃપ્ત થઇ એ વાતમાં પણ અનેક ગર્ભિત અર્થ છે. આસુરી શકિતઓનો નાશ જ એમનું ધ્યેય છે.

ધૂમાવતિ મહાશકિત સ્વયં નિયંત્રિકા છે, પોતાનાં પતિને ગળી ગઇ હોવાનાં કારણે એને વિધવા પણ કહેવાયા છે. દુર્ગાસપ્તશતિ કહે છે કે એમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જે એમને યુદ્ધમાં હરાવશે તેને એ પરણશે. એવું કદી બન્યું નહીં. તે અજેય અપરાજિતા છે. નારદ પાંચરાત્ર કહે છે કે ધૂમાવતિએ પોતાનાં શરીરમાંથી ઉગ્રચંદ્રિકાને પ્રગટ કરી હતી જે સેંકડો ગીધની ચીચીયારી જેવો અવાજ કાઢતી હતી. તેનું સ્વરૂપ દુર્બળ છુ, કાયા શ્યામ, મેલા કપડા, ખુલ્લા કેશ, હાથમાં સૂપડું અને રથ પર કાગડાના પ્રતિકવાળો ધ્વજ. ભૂખતરસથી આકુળવ્યાકુળ તથા ભયાનક આંખો.

પરંતુ સાધકને એ નિરાશ કરતી નથી. તંત્રનો ગ્રંથ શાકતપ્રમોદ કહે છે કે તેનાં ઉપાસકો પર ક્યારેય આપત્તિ આવતી નથી એ પ્રસન્ન થાય તો સમગ્ર રોગશોકનો નાશ કરે છે અને કોપાયમાન થાય ત્યારે સર્વ સુખ હણી લે છે. ઋગ્વેદનાં રાત્રિસુકતમાં તેને ‘સૂતરા’ કહેવાઇ છે. સૂતરાનો અર્થ છે કે જે સુખપૂર્વક પોતાનાં ભક્તોને તારે છે એ દેવી. તંત્ર શાસ્ત્રો કહે છે કે કરજમાંથી મુકિત મેળવવા માટે તથા જો કોઇને કરજ આપ્યું હોય અને પાછું ન આવતું હોય તો એ મેળવવા માટે ધુમાવતિની સાધના શ્રેષ્ઠ છે.

બગલામુખી


પિતામ્બર વિદ્યા તરીકે ઓળખાતી આ મહાશકિત વાક્ચાતુર્ય આપવા માટે તથા દુશ્મનોના સંપૂર્ણ વિનાશ માટે જાણીતી છે. તેની ઉપાસનામાં હળદરની માળા, પિત વસ્ત્ર, પિત પુષ્પનું મહત્વ છે. સમુદ્રમાં મણિજડિત મંડપમાં રત્નજડિત સિહાંસન પર બિરાજતી આ શકિતના એક હાથમાં શતરુની જીતી છે તો બીજા હાથમાં ગદા.

સ્વતત્રતંત્રમાં બગલામુખીના ઉદ્ભવની કથા આલેખાયેલી છે. સત્ યુગમાં એક વખત સમસ્ત સૃષ્ટિનો વિનાશ કરી નાંખે એવું ભયંકર તોફાન આવ્યું તેના નિવારણ માટે ભગવાન વિષ્ણુએ સૌરાષ્ટ્રમાં દેવી ભગવતિની આરાધના કરી. ભગવતિએ ત્યાં તેમને બગલામુખી સ્વરૂપ દર્શન આપ્યાં અને તોફાનનું શમન કર્યુ. ભગવાન વિષ્ણુનાં તેજથી યુક્ત હોવાનાં કારણે આ વિદ્યા વૈષ્ણવી છે, અર્થાત તેનું સ્વરૂપ કાલી કે તારા જેટલું ઉગ્ર નથી, સૌમ્ય છે. ભોગ અને મોક્ષ, બેઉ માટે તેની આરાધના થઇ શકે છે.

યજુર્વેદ કહે છે કે દસેય દિશાઓ પ્રકાશિત કરનારી, અતિ સુંદર સ્વરૂપની સ્વામિની એવી વિષ્ણુપત્ની ત્રિલોકની જનેતા છે. સ્તંભનકારક શકિત, દ્રશ્ય-અદ્રશ્ય એવા સમસ્ત પદાર્થોનો આધાર પૃથ્વીરૂપા શકિત છે અને બગલામુખી એ જ સ્તંભન શકિતની અધિષ્ઠાત્રિ દેવી છે, શ્રીકૃષ્ણએ ગીતામાં જે સ્તંભનકારી શકિતના ગુણગાન ગાયા છે. એને જ તંત્રમાં બગલામુખી કહે છે. કલીયુગમાં મહાકાળી ઉપરાંત જો કોઇ મહાવિદ્યા સૌથી પ્રચલિત હોય તો એ બગલામુખી જ છે. એક ગેરમાન્યતા એવી છે કે તેમનું મુખ બગલા જેવું છે. એ નામ બગલામુખી છે. આ વાત ખોટી છે. વાસ્તવમાં પુરાણવેદમાં તેનું નામ બલ્ગામુખી છે પરંતુ પછી તેનો અપભ્રંશ થઇ બગલામુખી થયું.

બગલામુખીને બ્રહ્માસ્ત્ર પણ કહેવાય છે. મહાભારતથી લઇ રામાયણ સુધીનાં અનેક ગ્રંથોમાં બ્રહ્માસ્ત્રનું વર્ણન મળે છે. ઉલ્લેખ મળે છે. ઐહિક-પારલૌકિક સિદ્ધિઓ માટે શત્રુઓનાં વિનાશ કાજે, કોર્ટ-કચેરીઓમાં વિજય અર્થે બગલામુખીથી બહેતર કોઇ સિદ્ધિ નથી. કુન્ડીકાતંત્રમાં બગલામુખીનાં મંત્રાદિ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. મુન્ડમાલાતંત્રમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે તેની આરાધના માટે નક્ષત્ર-કાળ-ચોઘડીયા તપાસવાની પણ જરૂર નથી. સંસારમાં સૌ પ્રથમ વખત બ્રહ્માએ બગલામુખીની આરાધના કરી હતી એ પછી તેમણે સમસ્ત ઋષિઓ સમક્ષ આ આરાધના વિધિનું વર્ણન કર્યુ. બગલામુખીના દ્વિતીય ઉપાસક વિષ્ણુ ભગવાન બનયા. ત્રીજા પરશુરામ એ એ પછી આચાર્ય દ્રોણએ આ મહાવિદ્યા સાધ્ય કરી.

માતંગી


મતંગ એટલે શિવ અને માતંગી એટલે શિવની શકિત. માતંગી શ્યામવર્ણા છે, એમણે મસ્તક પર ચંદ્રમાં ધારણ કર્યો છે. ભગવતિ માતંગી ત્રિનેત્રી છે, રત્નમય સિંહાસન પર આસિન, નિલકમલ સમાજ કાન્તિવાળી છે. દૈત્યોના નાશ માટે એ દાવાનળ જેવું સ્વરૂપ ધારણ કરી લે છે. પોતાની ચાર ભુજાઓમાં તેણે પાશ, અંકુશ, ખેટક અને ખડગ ધારણ કર્યા છે. ગૃહસ્થ જીવનનાં સમસ્ત સુખ માટે તેની સાધના શ્રેયકર છે. પરંતુ મુખ્યત્વે તેમની આરાધના વાકચાતુર્ય માટે, વિદ્યા મેળવવા કરાય છે. આદિકાળમાં મતંગ નામના ઋષિએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે ભગવતિની કઠોર તપસ્યા કરી હતી. ભગવતિના નેત્રોમાંથી એ સમયે એક તેજપુંજ નીકળ્યો અને તેમાંથી એક શકિતનું સર્જન થયું જે રાજમાતંગીની તરીકે ઓળખાઇ.

માતંગીનું સ્વરૂપ સ્વયં એમના વિશેના કેટલાંક રહસ્યો છતા કરે છે. તેમના ત્રિનયન સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે, ચાર ભુજાઓ વેદનું પ્રતિક છે, પાશ અવિદ્યા છે તો અંકુશ વિદ્યા છે. રત્નમય સિંહાસન પર બેસીને એ પોપટનો સ્વર સાંભળી રહી છે. પોપટનું પઠન હ્રીંનું ઉચ્ચારણ કરે છે. તેમના હાથમાં વિણા છે. લાલ રંગના વસ્ત્રો પરિધાન છે. જે અગ્નિ અથવા જ્ઞાનનું પ્રતિક છે.

કમલા


શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંધના આઠમા અધ્યાયમાં કમલાના ઉદ્ભવની કથા છે. અમૃત મેળવવા સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી કમલાનો ઉદ્ભવ થયો. તેણે વિષ્ણુંને પતિરૂપે પસંદ કર્યા. ભગવતિ કમળા વૈષ્ણવી શકિત છે અને વિષ્ણુની સહચારિણી છે. કમળા એક પ્રકારે સમસ્ત ભૌતિક પ્રાકૃત્તિક  સંપત્તિની અધિષ્ઠાત્રી કમળા છે. બીજા અર્થમાં કહીએ તો એ સ્વયં સચ્ચિદાનંદમયી લક્ષ્મી છે, જે વિષ્ણુથી અભિન્ન છે. દેવતા, માનવ અને દાનવ તેની કૃપા વગર પંગુ છે. સમસ્ત દેવ-દાનવ-ગંધર્વ-કિન્નર-મનુષ્યો તેની ઉપાસના કરે છે.

મહાવિદ્યા કમલાનું સ્વરૂપ અતિ દિવ્ય છે. એમની કાન્તિ સુવર્ણ જેવી છે, શ્વેત વર્ણનાં ચાર હાથીઓ પોતાની સૂંઢમાં સોનાનાં ચાર કળશ લઇ તેમને નિત્ય સ્નાન કરાવે છે.એ પોતાની બે ભુજાઓમાં વર અને અભયમુદ્રામાં છે અને બાકીની બે ભુજાઓમાં કમળ ધારણ કર્યા છે. તેમનાં શિર પર સુંદર મુગટ છે અને કાયા પર અતિ સુંદર રેશમી વસ્ત્રો, તેમનું આસન કમળ છે.

સમૃદ્ધિના પ્રતિક જેવી આ મહાવિદ્યાની ઉપાસના લક્ષ્મીપ્રાપ્તિ તથા નારીસુખ, સંતાનસુખ મેળવવા ઉત્તમ છે. ભાર્ગવો દ્વારા તેનું પુજન થતું હોવાથી એ ભાર્ગવી કહેવાઇ. શંકરાચાર્ય કૃત કનકધારા સ્ત્રોત્ર, શ્રી સુકત પાઠ તેનાં પુજન માટે ઉત્તમ ગણાય છે. પ્રાચીનકાળમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ દ્વારા તેનું પુજન થયું હોવાથી એનું એક નામ ત્રિપુરા પણ છે. ભૈરવયામલ તથા શકિતલહેરીમાં તેની ઉપાસનાનું વિશેષ વર્ણન છે. પુરૂષસુકતમાં કમલાને વિષ્ણુની પત્ની કહેવાઇ છે. અશ્વરથહાથીનાં પ્રતિકો સાથે તેઓ સીધો સંબંધ રાજવૈભવ સાથે છે.
ધૂમાવતિ અને કમલા સામસામા અંતિમોની મહાવિદ્યાઓ છે. ધૂમાવતિ દરિદ્રતની દેવી છે, કમલા લક્ષ્મીની, ધૂમાવતિ અવરોધહિણી છે તો કમલા રોહિણી, ધૂમાવતિ જયેષ્ઠા છે તો કમલા કનિષ્ઠા, ધૂમાવતિ આસૂરી શકિત છે તો કમલા દિવ્યાતીદિવ્ય મહાવિદ્યા છે.


Wednesday, October 5, 2011

જે સ્ત્રી દેશને તેજસ્વી, નિરોગી અને સુશિક્ષિત સંતાનો આપે છે તે પણ સેવા જ કરે છે!

સ્ત્રીઓની પવિત્રતા માટે આ બધી રોગિષ્ઠ ચિંતા શા માટે? 

પુરુષોની પવિત્રતા બાબત સ્ત્રીઓને કંઈ કહેવાની છૂટ છે?












               
કન્યા કેળવણીની બાબતમાં એમના વિચારો અત્યંત એડવાન્સ્ડ હતા. પુરુષો દ્વારા થતા સ્ત્રીઓના શોષણ વિરુદ્ધ એમણે અનેક વખત કલમ ઉઠાવી. સ્ત્રીઓ અંગે ગાંધીજીએ જેટલું લખ્યું છે, અદ્દભુત કક્ષાનું છે. સ્ત્રી વિષે લખતી વખતે તેઓ ઉચ્ચતમ કક્ષાના ફિલસુફ બની જતા. કહો કે ખુદ સ્ત્રી જ બની જતા. સાંપ્રત કાળમાં મહાત્મા ગાંધીના વિચારો કેટલી હદે પ્રસ્તુત છે? આ સવાલ ઘણા સમયથી ચર્ચાતો રહ્યો છે. છેક ગાંધીજીના સમયથી તેઓ જમાનાથી આગળ હતા કે તેમના વિચારો સંકુચિત હતા? ગાંધીજી અભ્યાસનો વિષય છે અને એમનાં લખાણો ચિંતનનો સબ્જેકટ છે. એમનાં લખાણો વાંચો કે ચિંતન આપમેળે ચાલુ થઈ જાય. મગજમાં કોઈ જેરણી કે મિક્સર ફેરવતું હોય એવું લાગે. આખું ચેતનાતંત્ર હચમચી ઊઠે. તેઓ પોતાના મોટા ભાગના વિચારો બાબતે સ્પષ્ટ હતા. આપણે ધર્મ પરના તેમના વિચારો આજની તારીખે કેટલા પ્રસ્તુત છે એ જાણવાની કોશિશ કરી છે. પણ એમનું વિચારવિશ્વ બહુ વિશાળ છે. આવનારા દિવસોમાં આપણે કેળવણી, પત્રકારત્વ, અહિંસા, સેક્સ, રાજનીતિ, સમાજ અને અન્ય વિષયો પર તેમણે કરેલું ચિંતન માણીશું.

એક યુવકે ગાંધીજીને પત્ર લખીને એક પ્રશ્ન પૂછ્યો : ‘‘હું પરણેલો છું, પણ પરદેશ ગયો હતો. મારો એક મિત્ર હતો, જેનો મને અને માબાપને પૂરો વિશ્વાસ હતો. તે મિત્રે મારી પત્નીને ભોળવી છે. હવે હું પરદેશથી પાછો ફર્યો છું, તો સ્ત્રીને પેલા મિત્રથી ગર્ભ રહ્યો છે. બાપને ખબર પડતા તે કહે છે કે મારે ગર્ભપાત કરાવવો જોઈએ. તેમ ન થાય તો કુટુંબની લાજ જાય. મને આમાં ધર્મ નથી જણાતો. સ્ત્રીને પશ્ચાતાપ ખૂબ થાય છે. તે ખાતીપીતી નથી, તે કલ્પાંત કરે છે. મારો શો ધર્મ છે એ મને બતાવશો?’’ ઘટના છેક ૭૪ વર્ષ જૂની છે અને છતાં એ આજની જ છે. આજે પણ આવા બનાવો નથી બનતા શું? 

અગાઉ કરતાં પણ કદાચ વધારે પ્રમાણમાં બને છે, પણ ગાંધીજીએ પેલા યુવકને જેવો પૅક્ટિકલ જવાબ આપ્યો એવી સલાહ આજે મળવી મુશ્કેલ છે. તારીખ ૯ ડિસેમ્બર ૧૯૨૮. ‘નવજીવન’ સામયિકમાં ગાંધીજીએ લખ્યું: ‘‘આ કાગળ હું બહુ સંકોચપૂર્વક છાપું છું. આવા દાખલા સમાજમાં બન્યા કરે છે એ સૌ જાણે છે. તેને વિષે જાહેરમાં મર્યાદિત ચર્ચા કરવી મને અયોગ્ય નથી લાગતી. આવશ્યક પણ લાગે છે. ગર્ભપાત ન કરાય એ તો દીવા જેવું સ્પષ્ટ છે. જેવો દોષ આ બિચારી સ્ત્રીએ કર્યો છે. એવો દોષ હજારો પતિઓ કરે છે. એમને કોઈ પૂછતું નથી. સમાજ તેમને દરગુજર કરે છે. એટલું જ નહીં, તેમની નિંદા સરખીયે નથી કરતો. જે વિકારને વશ પુરુષ છે તે જ વિકારને વશ સ્ત્રી પણ છે. ભેદ એ જ છે કે પુરુષના દોષ જાહેર નથી થતા, સ્ત્રીના સહેજે જાહેર થઈ જાય છે.’’ 

સાત દાયકા પસાર થઈ ગયા. સ્થિતિ હજુ બદલાઈ નથી. પુરુષોની ટીકા કરવાનું ત્યારે સહેલું નહોતું. આવી બાબતમાં તો બિલકુલ નહીં. આખો સમાજ જ પુરુષપ્રધાન. આજનો સમાજ જોઈએ તો પણ ખ્યાલ આવી શકે કે એ સમયે પુરુષોનું વર્ચસ્વ કેટલું હશે. યુવાનને લખેલા જવાબમાંથી ગાંધીજીની તટસ્થતાનો ખ્યાલ આવી શકે. ઉપર અમે જ્યાં વાત અટકાવી છે ત્યાં ગાંધીજીનો જવાબ અટકી નથી ગયો. વાત આગળ વધારતાં એમણે લખ્યું : ‘‘સ્ત્રી દયાને પાત્ર છે. તેના બાળકને પ્રેમપૂર્વક ઉછેરવાનો તેના પતિનો ધર્મ છે. એ સ્ત્રી સાથે પતિએ હવે સંગ કરવો કે નહીં એ અટપટો પ્રશ્ન છે. પતિ પત્નીપરાયણ હોય, તેણે કદી દોષ ન કર્યો હોય. તો તેણે પત્નીના સંગનો ત્યાગ કરવો યોગ્ય ગણાય. પત્નીને પાળે, તેને જ્ઞાન મળે એવો પ્રબંધ કરે, અને પત્નીને શુદ્ધ રહેવામાં સહાય કરે. તો પત્નીને ખરો પશ્ચાતાપ થયો હોય ને પતિ તેનો સ્વીકાર કરે તો મને તે સ્વીકારવામાં દોષ નથી જણાતો.’’ ગાંધીજીના શબ્દોમાં તમને કશું જ અસામાન્ય ન લાગતું હોય તો ફક્ત એક જ વાતના સંદર્ભમાં આ આખી વાત નિહાળજો: તારીખ ૯/૧૨/૧૯૨૮. 

ગાંધીજીએ કદી લોકોને રાજી કરવા નહોતું લખ્યું. સ્ત્રીઓની બાબતમાં તેમના મુક્ત વિચારો તેમને એ સમયના સમાજમાં અળખામણા કરવા માટે પર્યાપ્ત હતા, પણ એમને એ વાતની બિલકુલ ફિકર નહોતી. તારીખ ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૦ના દિવસે ‘હરિજન બંધુ’માં તેમણે લખ્યું: મારો પોતાનો અભિપ્રાય એવો છે કે મૂળ પાયે જેમ પુરુષ તેમ જ સ્ત્રી એક જ માનવઅંશ છે, તેમ તેમનો કોયડો પણ મૂળ મુદ્દો એક હોવો જોઈએ. બંનેમાં એક જ આત્મા વસે છે. બેઉ એક જ જીવન જીવે છે, એક જ જાતની શબ્દસ્પર્શાદિ લાગણીઓ અનુભવે છે. એકબીજાના પૂરક છે, એકબીજાની સક્રિય સહાયતા વગર જીવી શકે નહીં.’’ સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે અને તેમાં કોઈ જ સર્વોપરી નથી એવું તેમણે અનેક વખત કહ્યું અને લખ્યું. છતાં કોઈને વધુ માર્કસ આપવા જ હોય તો એ સ્ત્રીઓને આપવા જોઈએ એવું પણ તેઓ કહેતા. 

કન્યા કેળવણીની બાબતમાં એમના વિચારો અત્યંત એડવાન્સ્ડ હતા. પુરુષો દ્વારા થતા સ્ત્રીઓના શોષણ વિરૂદ્ધ એમણે અનેક વખત કલમ ઉઠાવી. સ્ત્રીઓ અંગે ગાંધીજીએ જેટલું લખ્યું છે, અદ્દભુત કક્ષાનું છે. સ્ત્રી વિષે લખતી વખતે તેઓ ઉચ્ચતમ કક્ષાના ફિલસુફ બની જતા. કહો કે ખુદ સ્ત્રી જ બની જતા. તેમણે પોતે એ વાત કબૂલ કરી છે કે તેઓ સ્ત્રી અંગે વિચારતા હોય ત્યારે સ્ત્રીના હૃદયથી જ વિચારે છે. સ્ત્રીઓ વિશેનાં તેમનાં લખાણો વાંચીએ તો ગાંધીજીમાં રહેલા ઉત્તમ સમાજસુધારકનાં દર્શન થાય. એમણે સ્ત્રીઓને સ્પર્શતી તમામ બાબતો અંગે તેમણે લખ્યું છે. લગ્ન, પડદો, સમાનતા, દહેજ, વિધવાવિવાહ, છૂટાછેડા, સ્ત્રી સન્માન. કયા વિશ્વ પર એમણે નથી લખ્યું? ૨૮ કે ૩૦ની સાલમાં પણ તેઓ બહુ સહજતાથી કહી શકતા કે મનમેળ ન હોય તો છૂટાછેડા લેવામાં કશું ખોટું નથી. એમણે લખ્યું હતું ‘‘જો છૂટાછેડા એ જ માત્ર ઉપાય હોય તો મારી નૈતિક કેવળ અટકાવવાના કરતાં હું તે ઉપાય લેતાં આંચકો ન ખાઉં.’’ આ જ લેખમાં તેમણે આગળ લખ્યું હતું ઃ ‘‘હિન્દુ ધર્મમાં પતિપત્ની બંનેની પ્રતિષ્ઠા સંપૂર્ણ સમાન છે. રામ જાણે કયારથી, રિવાજ બીજો જ પડી ગયો છે.’’ 

એકવીસમી સદીનું અગિયારમું વર્ષ ચાલી રહ્યું છે. ગાંધીજીના વિચારો આજે કેટલા પ્રસ્તુત છે અથવા તેઓ જમાનાથી કેટલા આગળ હતા એ વાતની સાબિતી આપવાની જરૂર નથી. આજે કદાચ આપણને તેની સૌથી વધુ જરૂર છે. સ્ત્રીઓની સ્થિતિ અગાઉ કરતાં આજે બેશક બહેતર છે પણ હજુ એ પરિસ્થિતિ આદર્શ નથી. કેટલાક અધિકૃત આંકડાઓ:જેમને બજારે જવા માટે પણ પરવાનગી લેવી પડતી હોય તેવી સ્ત્રીઓની સંખ્યા ૬૮ ટકા છે, દેશની ૪૦ ટકા સ્ત્રીઓને પોતાના કુટુંબની આર્થિક ક્ષમતા પ્રમાણેનો સામાન્ય ખર્ચ કરવાની પણ સત્તા નથી, ૫૮ ટકા પુરુષો આપણે ત્યાં એવા છે, જે પોતાની પત્ની જો સેક્સ માણવાનો ઈનકાર કરે તો છળી ઊઠે છે, ૨૩ ટકા સ્ત્રીઓને તેમના પતિદેવો પરાણે સેક્સ માણવા મજબૂર કરે છે. પોતાનો પુત્ર લગ્ન અગાઉ શારીરિક સંબંધો બાંધે તો કશો વાંધો નથી એવું માનવાવાળા પિતાની સંખ્યા ૨૯ ટકા છે પણ આવું જ પોતાની પુત્રી વિશે વિચારતા હોય એવા પિતાની સંખ્યા ફક્ત ચાર ટકા છે. સ્ત્રી સમાનતા અને મહિલા ઉધ્ધારની વાતો જ વધુ થઈ છે, કામ ઓછું થયું છે. ખુદ સ્ત્રીઓએ પણ આ બાબતે કાગારોળથી વિશેષ કશું જ નથી કર્યું. સમાનતાની વાતો કરતી સ્ત્રીઓ પોતાના સ્ત્રીત્વનો હથિયાર તરીકે હંમેશાં ઉપયોગ કરે છે. પેટ્રોલ પંપ પર કે સિનેમાઘર કે રેલવે સ્ટેશન પર લાઈનો હોય ત્યારે સ્ત્રીઓ પોતાનું કામ પતાવવા આનું ઇમોશનલ બ્લેક મેઇલિંગ અવશ્ય કરે છે. ગાંધીજી આજે હયાત હોત તો સ્ત્રીઓની આવી માનસિકતા અંગે પણ સોઈ ઝાટકીને લખ્યું હોત. બહરહાલ સ્ત્રીઓ અંગેની બાબતોના તેમના વિચારો જોઈએ..... 

  

"જે રૂઢિ અને કાયદાના ઘડતરમાં સ્ત્રીનો કશો હિસ્સો નહોતો ને જેને માટે કેવળ પુરુષ જ જવાબદાર છે તે કાયદા ને તે રૂઢિના જુલમ નીચે સ્ત્રી કચડાતી આવી છે. અહિંસાના પાયા પર રચાયેલી જીવનની યોજનામાં પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી કરવાનો હક સ્ત્રીને છે. પણ અહિંસક સમાજની વ્યવસ્થામાં જે અધિકાર કે હક મળે છે તે કોઈને કોઈ ફરજ કે ધર્મપાલનમાંથી ફલિત થાય છે. તેથી એ વાત પણ સ્વીકારવી જોઈએ કે સમાજમાં વર્તવાના કે વહેતા કરવાના નિયમો સ્ત્રી ને પુરુષ બંને પરસ્પર સહકાર ને સમજૂતીથી નક્કી કરે. એ નિયમોના પાલન માટે બહારની કોઈ સત્તાની જબરદસ્તી કામ ન આવે. સ્ત્રીઓ સાથેના પોતાના વર્તનમાં કે વહેવારમાં પુરુષોએ આ સત્યને પૂરેપૂરું ઓળખ્યું નથી. સ્ત્રીને પોતાની મિત્ર કે સાથી ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે."


"હિન્દુસ્તાનની સ્ત્રીઓને આ હલકા દરજ્જા પરથી હાથ પકડીને ઉપર લેવાનો ખાસ અધિકાર મહાસત્તાવાદીઓનો છે. જૂના જમાનાના ગુલામને ભાન નહોતું કે મારે સ્વતંત્ર થવાનું છે અથવા મારાથી સ્વતંત્ર થવાય. આજે સ્ત્રીની દશા પણ કંઈક એવી જ છે. પેલા ગુલામને જ્યારે મુક્તિ મળી ત્યારે થોડો વખત એને એમ લાગ્યું કે મારો આધાર જતો રહ્યો. સ્ત્રીઓને એવું શીખવવામાં આવ્યું છે કે તમારે આપણે પુરુષોના ગુલામ છીએ એમ માનવું. અહીં મહાસત્તાવાદીઓની ફરજ એ છે કે તેઓ સ્ત્રીઓને પોતાના અસલ સંપૂર્ણ દરજ્જાનું ભાન કરાવે અને જીવનમાં પુરુષ સાથે સરખા દરજ્જાથી પોતાનો ભાગ લેવાને તેમને કેળવીને લાયક બનાવે."



"પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમને સેવાના સમાન કાર્યમાં સન્માન્ય સાથીઓ ગણવી. આટલા ખાતર જે સ્ત્રીને શાળા કે કોલેજની કેળવણી મળી નથી તેઓ બની શકે તેટલું શિક્ષણ પોતાના પતિ પાસેથી મેળવે. જે વાત પત્નીઓની તેવી ઘટતા ફેરફારો સાથે માતાઓની તે દીકરીઓની સમજવાની છે. "


"સ્ત્રી એ પુરુષની સહચારિણી છે, તેના સરખાર મનવાળી છે. પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મતાએ જાણવાનો તેને અધિકાર છે, જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવાનો હક છે અને જેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ. એ કંઈ અક્ષરજ્ઞાનનું પરિણામ નહીં હોય. અજ્ઞાનરૂપી અંધરૂપમાં ડૂબેલા જડ પુરુષો પણ કૂંડી પ્રથાને લીધે, ન શોભી શકે ન ભોગવી શકે તેવો અધિકારી સ્ત્રી ઉપર ભોગવે છે. સ્ત્રીઓની આ દશાને લીધે આપણી ઘણી પ્રવૃત્તિઓ અડધે જઈ અટકી પડે છે, આપણાં ઘણાં કાર્યો પૂરાં શોભી નીકળતાં નથી, અર્ધી મૂડીથી જ વેપાર કરનારા પચ્છમબુદ્ધિ વેપારીના જેવી આપણી સ્થિતિ છે. "


"સ્ત્રીઓના અધિકારી વિશે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી ન જોઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ."



"જાતીય સમાનતાનો અર્થ કંઈ એવો નથી કે બંનેએ ધંધા પણ એક જ કરવા શિકાર મારવા નીકળવું. અગર તો ભાલાફેંકમાં પાવરધાં થવું એ સામે સ્ત્રીને સ્ત્રી તરીકે કાયદેસરની મનાઈ ભલે ન રાખવામાં આવે, પણ અંતરપ્રેરણાથી જ એવા કામથી સ્ત્રી મોં ફેરવશે. એવું કામ પુરુષ જ કરે. કુદરતે સ્ત્રી પુરુષ બેઉને એકબીજાની અવેજી થવા સારું નહીં પણ એકબીજાના પૂરક થવા સારું સમજ્યાં છે. તેમનાં કામો તેમના દેહના ઘડતરની પેઠે જ કુદરતે નક્કી કરી આપ્યાં છે. "


"પવિત્રતા એ કૃત્રિમ વસ્તુ નથી. પરદાની ફરતી દીવાલથી તેનું રક્ષણ થઈ શકે ને એ અંદરથી ઊગી નીકળવી જોઈએ, અને તેનામાં કોઈ પણ વણમાગ્યાં પ્રલોભન સામે ટકી રહેવાની શક્તિ હોય તો જ તેની કિંમત છે.

અને સ્ત્રીઓની પવિત્રતા માટે આ બધી રોગિષ્ઠ ચિંતા શા માટે? પુરુષોની પવિત્રતા બાબત સ્ત્રીઓને કંઈ કહેવાની છૂટ છે? પુરુષોની પવિત્રતા માટે સ્ત્રીઓની ચિંતા વિષે આપણે કશું સાંભળતા નથી. સ્ત્રીઓની પવિત્રતાને નિયમનમાં રાખવાનો હક પુરુષોએ શા સારું પચાવી પાડવો જોઈએ? પવિત્રતા બહારથી લાવી ન શકાય. એ અંદરથી ઉગનારી વસ્તુ છે અને તેથી વ્યક્તિગત પ્રયત્નથી જ સિદ્ધ થઈ શકે. "



"લગ્નથી દંપતીને કેવળ એકબીજાની સાથે એકાંતનો હક ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેમને બંનેને એવો મેળાપ ઇષ્ટ લાગેે. પણ તેથી એકને બીજાની ઉપર શિરજોરી કરવાનો હક પ્રાપ્ત થતો નથી. જ્યારે દંપતીમાંનું એકનીતિના અથવા અન્ય કારણે બીજાની ઇચ્છાને વશ ન થઈ શકે ત્યારે શું કરવું એ અલગ પ્રશ્ન છે. જો છૂટાછેડા એ જ માત્ર ઉપાય હોય તો મારી નૈતિક પ્રગતિ અટકાવવાના કરતાં હું તે ઉપાય લેતાં આંચકો ન ખાઊં."


"જે સ્ત્રી દેશને તેજસ્વી, નિરોગી અને સુશિક્ષિત સંતાનો આપે છે તે પણ સેવા જ કરે છે."


"પોતાના પતિના પ્રેમનો અનુભવ કરાતો હોય એવી સ્ત્રી વિધવા થયે ઇચ્છાપૂર્વક પોતાનું વૈધવ્ય સ્વીકારી લે તો વૈધવ્ય જીવનને માધુર્ય અને ગાંભીર્ય અર્પે છે. ગૃહને પાવન કરે છે અને ધર્મને સુધ્ધાં ઉન્નત કરે છે પણ ધર્મ અથવા રૂઢિથી બળાત્કારે લદાયેલું વૈધવ્ય એ અસહ્ય બોજો થઈ પડે છે, અને ગુપ્ત પાપાચારથી તે ગૃહને ભ્રષ્ટ કરે છે અને ધર્મને અધોગતિએ લઈ જાય છે. જો આપણે આત્મશુદ્ધિ કરવી હોય, જો હિન્દુ ધર્મને બચાવવો હોય, તો આપણે બળાત્કારે પળાવવામાં આવતા વૈધવ્યના મહાવ્યાધિમાંથી બચી જવું જોઈએ."


"જેમના ઘેર બાળવિધવાઓ હોય તેમણે હિંમત ધરીને પોતાના રક્ષણ નીચેની બાળાનો યોગ્ય રીતે વિવાહ કરી દઈને સુધારો કરવો જોઈએ. વિવાહ કરી દઈને કહ્યું પુનર્વિવાહ નહીં, કારણ કે તેમનો વિવાહ ખરી રીતે થયો જ નથી."



"ઘરને સુવ્યવસ્થિત રાખવું, ચલાવવું એમાં એટલી જ ધીરતા રહેલી છે જેટલી એ ઘરબારને બહારના હુમલાથી રક્ષા કરવામાં રહેલી છે."



"જો હું સ્ત્રી હોત તો જરૂર સ્ત્રીને પોતાનું રમકડું માનનારા પુરુષની સામે બંડ કરત અને આજે હું મનથી સ્ત્રી બની ગયો છું. સ્ત્રીના હૃદયમાં પેસવાને માટે સ્ત્રી બન્યો છું. મારી સ્ત્રીનું હૃદય પણ, જ્યાં સુધી હું તેને ભોગનું સાધન માનતો હતો, ત્યાં સુધી નહોતો ચોરી શક્યો."


"જેને માટે પુરુષ પોતે જવાબદાર છે એવાં સઘળાં અનિષ્ટો પૈકી માનવ જાતના શ્રેષ્ઠતર અર્ધાંગનો તેણે કરેલો ગેરઉપયોગ સૌથી વધુ હીન, આઘાતજનક અને પાશવી છે. સ્ત્રીઓ મારે મન અબળા જાતિ નથી. બે પૈકી તે વધારે ઉષ્ણ છે, કેમ કે, આજે પણ તે ત્યાગ, મૂક કષ્ટસહન, નમ્રતા, શ્રદ્ધા અને જ્ઞાનની સાક્ષાત મૂર્તિ છે."



"સ્ત્રીએ પોતાની જાતને, પુરુષની વિષયવાસના સંતોષવાના સાધન તરીકે લેખવવાનો ઈનકર કરવો જોઈએ. એનો ઉપાય પુરુષો કરતાં વિશેષ કરીને તેના હાથમાં છે."



"શીલને વાડની જરૂર નથી હોતી, તેની આસપાસ પડદારૂપી વાડ ઊભી કરવાથી તેની રક્ષા કરી શકાતી નથી. એ દિલમાંથી ઊગવું જોઈએ અને હરેક વણમાગ્યાં પ્રલોભન સામે ટકી શકવાને સમર્થ હોય તો જ તેની કિંમત છે. "


"સ્ત્રીને અબળા જાતિ કહેવી એ તેની બદનક્ષી કરવા બરાબર છે, એ પુરુષ તો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે. બળનો પશુબળ એવો અર્થ કરવામાં આવતો હોય તો, સાચે જ, પુરુષ કરતાં સ્ત્રી ઓછાં પ્રમાણમાં પશું છે. બળનો નૈતિક બળ એવો અર્થ કરવામાં આવતો હોય તો સ્ત્રીપુરુષ કરતાં ક્યાંયે ચડિયાતી છે."


"અહિંસા આપણા જીવનનો કાયદો હોય તો ભાવિ સ્ત્રીઓને પક્ષે છે... સ્ત્રીના કરતાં હૃદયને વધારે અસરકારક અપીલ બીજું કોણ કરી શકે એમ છે?"



"સ્ત્રી એ પુરુષની સહચારિણી છે, તેના સરખા જ મનવાળી છે, પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મ એ જાણવાનો, તેને અધિકાર છે. જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવવાનો હક છે, અને જેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ. એ કાંઈ અક્ષરજ્ઞાનનું પરિણામ નહીં હોય. અજ્ઞાનરૂપી અંધારા કૂવામાં ડૂબેલા જડ પુરુષો પણ ન શોભી શકે, ન ભોગવી શકે તેવા અધિકાર, કૂડી પ્રથાને લીધે સ્ત્રીઓ ઉપર ભોગવે છે."



"લગ્ન એટલે માતાપિતાએ પૈસા માટે કરેલો સોદો એ મટવું જ જોઈએ. આ રિવાજને નાતની પ્રથા સાથે ગાઢ સંબંધ છે, જ્યાં સુધી અમુક નાતનાં કેટલાંક સો યુવાનયુવતીમાંથી જ લગ્નની પસંદગીનો સવાલ રહેશે, ત્યાં સુધી તમે ગમે એટલો વિરોધ કરો તો ય આ પૈસાના સોદાની પ્રથા રહેવાની એટલે, એ જો નિર્મૂળ કરવી હોય તો યુવાનો, યુવતીઓ અથવા એમનાં મા બાપે આ નાતની વાડાબંધી તોડ્યે જ છૂટકો."


*મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત 

    







    Tuesday, October 4, 2011

    "મારું ચાલે તો બધાં સદાવ્રતો જ બંધ કરાવી દઉં !"

    પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો 
    તેમને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં 
    બેસતો નથી. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે 
    અને સુસ્તી આળસ, દંભ તથા ગુનાખોરીને 
    પણ ઉત્તેજન આપ્યું છે !





    સાંપ્રત કાળમાં મહાત્મા ગાંધીના વિચારો કેટલી હદે પ્રસ્તુત છે? આ સવાલ ઘણા સમયથી ચર્ચાતો રહ્યો છે. છેક ગાંધીજીના સમયથી તેઓ જમાનાથી આગળ હતા કે તેમના વિચારો સંકુચિત હતા? ગાંધીજી અભ્યાસનો વિષય છે અને એમનાં લખાણો ચિંતનનો સબ્જેકટ છે. એમનાં લખાણો વાંચો કે ચિંતન આપમેળે ચાલુ થઈ જાય. મગજમાં કોઈ જેરણી કે મિક્સર ફેરવતું હોય એવું લાગે. આખું ચેતનાતંત્ર હચમચી ઊઠે. તેઓ પોતાના મોટા ભાગના વિચારો બાબતે સ્પષ્ટ હતા. આપણે ધર્મ પરના તેમના વિચારો આજની તારીખે કેટલા પ્રસ્તુત છે એ જાણવાની કોશિશ કરી છે. પણ એમનું  વિચારવિશ્વ બહુ વિશાળ છે. આવનારા દિવસોમાં આપણે કેળવણી, પત્રકારત્વ, અહિંસા, સેક્સ, રાજનીતિ, સમાજ અને અન્ય વિષયો પર તેમણે કરેલું ચિંતન માણીશું. આ પ્રકરણનો વિષય છે: ધર્મ. આદર્શ ધર્મ કેવો હોઈ શકે? કેવો હોવો જોઈએ? ધર્મમાં કેવી કેવી બદીઓ પેસી ગઈ છે એ અંગે એમનું થિકિંગ કેટલું ક્રાન્તિકારી હતું, એ વાતનો ખ્યાલ એમનાં લખાણમાંથી મળી રહે છે. ધર્મ અંગે, ધર્મસ્થાનો વિશે કે ધર્મગુરુઓ માટે તેમણે જેવાં સ્ટેટમેન્ટ ૩૦, ૩૫ કે ૪૦ની સાલમાં કર્યાં હતાં એવાં આજે પણ કોઈ કરવાની હિંમત નથી કરતું. તેઓ જેવું લખતા એવું જ જીવતા હતા અને જેવું તેમનું જીવન એવું જ તેમનું લખાણ. આચરણ અને લખાણ વચ્ચે સંપૂર્ણ એકરૂપતા હોય, કશી વિસંગતી ન હોય એવા કિસ્સા બહુ જવલ્લે જોવા મળે છે. કદાચ એટલે જ તેઓ મહાન છે.

    ધર્મ વિશે સારું કે ખરાબ લખવું બહુ અઘરું નથી, પણ તેના અંગે તટસ્થ લખવાનું ખરેખર કપરું છે. ગાંધીજી બહુ ખૂબીપૂર્વક આવું બેલેન્સ્ડ લખી શકતા. હિન્દુ ધર્મને તેમણે સંપૂર્ણ સમર્પિત ભાવથી સ્વીકાર્યો પણ તેમાં રહેતી બદીઓની તેમણે હૃદયપૂર્વક નિંદા કરી. જે લોકો એવું કહેતા હોય કે ‘‘ગાંધીજીના વિચારો આજે પ્રસ્તુત નથી’’ તેમણે ગાંધીજીએ લખેલા ધર્મ પરનાં લખાણો વાંચવાં જોઈએ. ગાંધીજી આજની તારીખે પણ પ્રસ્તુત છે. ધર્મ અંગેના તેમના વિચારો આજે અન્ય કોઈપણ વિચારક કરતાં વધુ પ્રસ્તુત છે.

    સદાવ્રતો વિશે લખવાની આજે કોણ હિંમત કરી શકે? સદાવ્રતો આજે પણ આપણે ત્યાં આળસનાં અને એદીપણાનાં કેન્દ્ર છે. વાસ્તવમાં એ ધર્મગુરુઓની શતરંજનો એક ભાગ જ છે. સદાવ્રતો ધર્મસ્થાનને ધૂમ આવક રળી આપે છે. પાંચ રૂપિયાના ખર્ચ સામે પાંચસોની આવક. શ્રીમંતો, ધર્મગુરુઓ, એદીઓનું એક વિષચક્ર છે. જે નિરંતર ચાલ્યા કરે છે. શ્રીમંતો પોતાનો અહમ્ સંતોષવા અથવા પોતે કરેલાં કુકર્મોનું દ્રાવણ ડાઇલ્યૂટ કરવા માટે ધર્મસ્થાનોને અખૂટ ધન આપે છે. ધર્મગુરુઓ એ ધનમાંથી પછી થોડાંઘણાં નાણાં સદાવ્રત પાછળ ખર્ચે છે અને મોટો ભાગ સગેવગે કરી નાંખે છે. સમાજમાં આ ધર્મગુરુઓની વાહવાહ થાય છે. સદાવ્રત વગરનાં ધર્મસ્થાનો ખરેખર તો માર્કેટિંગ ડિવિઝન વગરની કંપની જેવાં છે. એનું કામ લોકોએ આંજી દેવાનું હોય છે. બહુમતી લોકો સદાવ્રતો જેવી તદ્દન પ્રૉફેશનલ બાબતમાં પણ કોઈ દૈવી સંકેતના કે ચમત્કારનાં દર્શન કરે છે. લોકો હંમેશાં કહે છે કે ‘ફલાણા સદાવ્રતના કોઠાર કદી ખાલી થતા નથી.’ લોકોની અંધશ્રદ્ધાને પણ તળિયું કયાં હોય છે વળી?

    ધર્મ અંગે ગાંધીજીએ પુષ્કળ લખ્યું છે. ફક્ત હિન્દુ ધર્મ પર જ નહીં પણ ઇસ્લામ, બૌદ્ધ અને ખ્રિસ્તી પર પણ. લોકો કહે છે કે ગાંધીજીએ હંમેશાં મુસ્લિમોની તરફેણ કરી. પણ ઇસ્લામ અંગે પણ સ્પષ્ટ કહેતાં તેઓ કદી અચકાયા નહોતા. બિટવીન ધી લાઇન્સ તેમણે લખ્યું કે ‘‘ઇસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી.’’ ઇસ્લામની કેટલીક સારી બાબતોનો તેમના આ વાક્યમાંથી પરિચય મળે છે તો અમુક બાબતો પ્રત્યે ઇસ્લામ બહુ જડ છે અને હિંસક પણ છે એવું પણ તેઓ આડકતરી રીતે કહે છે. આ બાબતે ગાંધીજી આજે પણ કેટલી હદે પ્રસ્તુત છે એ કહેવાની જરૂર રહેતી નથી. 

    "ધર્મસ્થાનોના નામે
    ભારતભરમાં ભંડારો
    સડી રહ્યા છે.
    વાસ્તવમાં એ ધર્મસ્થાન
    નથી, છેતરપિંડી કરવાનાં
    સાધનમાત્ર છે.
    એ ભ્રષ્ટાચારનાં
    કેન્દ્ર બની ગયાં છે"
    ઇસ્લામના કેટલાક હિંસક સિદ્ધાંતો આજે હિન્દુઓને બહુ પજવી રહ્યા છે. સ્યૂડો સેક્યુલરિસ્ટની ગેંગ હજુ પણ તમને કહે છે કે તમે આ બધું ચુપચાપ સહન કરી લો. આવી વધુ પડતી સહનશીલતાને અથવા તો કાયરતાને તેઓ પાછા ‘ગાંધીચીંધ્યા’ માર્ગમાં ખપાવી દે છે. વાસ્તવમાં ગાંધીજીએ કયો માર્ગ સૂચવ્યો હતો? તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘‘મારો ધર્મ મને એ વાતની છૂટ આપે છે કે આશ્રિતોની રક્ષા કરવા માટે અથવા જવાબદારી પૂર્ણ કરવા કાજે હુમલાખોરોને મારવા પડે, મરી જવું પડે તો પણ મને રંજ નથી.’’ વાત જ્યારે આખી જમાત પર કે આખા સમાજ પરના અત્યાચારની હોય ત્યારે ગાંધીજી બહુ સ્પષ્ટતાપૂર્વક કહે છે કે તેનો પ્રતિકાર થવો જ જોઈએ.

    ધર્મને ગાંધીજીએ બહુ સુક્ષ્મતાપૂર્વક નિહાળ્યો છે. ખૂબ જ નજીકથી. તેમણે ખ્રિસ્તીઓની ધર્માંતર પ્રવૃત્તિની ટીકા કરી છે તો હિન્દુઓના કુરિવાજોને દૂર કરવા સારું પણ કહ્યું છે. ધર્મની સામાજિક જવાબદારીઓ તરફ તેમણે આંગળી ચીંધી તો ધર્મસ્થળોની બદીઓ અંગે પણ બહુ સ્વસ્થતાપૂર્વક સાચી વાત બયાં કરી. અંગત મત તો એવો છે કે આપણો સામાન્યજન કદાચ આપણા ધર્મગુરુઓ કરતાં વધુ ચારિત્ર્યવાન, ઝાઝો ઇમાનદાર અને નિષ્ઠાવાન છે. ગાંધીજી પણ કદાચ એ જ મત ધરાવતા હતા. ધર્મ પર અને સંપ્રદાય પર તેમણે લખેલાં લખાણો વાંચીએ તો એવું જ લાગે જાણે આ વાક્યો આજે જ લખાયાં હોય. એમના દ્વારા લખાયેલાં કેટલાંક અદ્દભુત કવૉટેશન્સ વાંચશો તો આ વાત સાબિત થઈ જશે.

    • ભારતના પંચાવન લાખ સાધુઓ દેશ માટે કલંક સમાન છે.
    •  સાધુઓ પોતાની આળસ દૂર કરી મઠમાં, ધર્મસ્થાનોમાં સંગ્રહ કરેલું ધન સાર્વજનિક કાર્યોમાં વાપરશે તો તેમના અંગે શિક્ષિત સમાજમાં જે માન્યતા છે તે તાત્કાલિક દૂર થશે.
    •  સાધુઓ નશાબાજીનો અને કુવ્યસનોનો ત્યાગ કરી દેશના હિત માટે રચનાત્મક કાર્યોમાં લાગી જાય તો દેશને ઘણો જ લાભ થાય. દેશ માટે નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરનારી લાખો લોકોની ફોજ આપોઆપ મળી જાય.
    • અજ્ઞાની ગુરુ પાસે આત્મસમર્પણ કરવા કરતાં હું અંધારામાં ભટકવાનું વધુ પસંદ કરીશ.
    •  જ્ઞાન, ઉપાસના અને કર્મ એ ઇશ્વરપ્રાપ્તિના અલગઅલગ માર્ગ નથી, આ ત્રણ વસ્તુના મિલનથી જ એક સાચો માર્ગ બને છે.
    •  પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો તેમને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં બેસતો નથી. મારી પાસે સત્તા હોય તો હું બધાં સદાવ્રત બંધ કરાવી દઉં. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે અને સુસ્તી આળસ, દંભ તથા ગુનાખોરીને પણ ઉત્તેજન આપ્યું છે. આવા અપાત્ર દાનથી દેશની ભૌતિક કે આધ્યાત્મિક સંપત્તિમાં કશો વધારો થતો નથી અને દાન દેનારાઓને પુણ્ય કર્યાનો ભ્રમ થાય છે. દાતાઓ પરિશ્રમાલયો ખોલે, જ્યાં ભોજન માટે કામ કરવા ઇચ્છતા સ્ત્રીપુરુષોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં કામ આપીને ભોજન આપે તો કેવું સરસ અને ડહાપણભર્યું કહેવાય! અંગત રીતે હું માનું છું કે પરિશ્રમાલય ચલાવવા માટે રેંટિયો અથવા કપાસ લોઢવાથી માંડીને ખાદી વણવા સુધીની કોઈપણ ક્રિયા આદર્શ ઉદ્યોગ ગણાય. પણ તેમને આ પસંદ ન હોય તો બીજું કોઈપણ કામ કરાવી શકાય. શરત માત્ર એટલી જ કે, ‘મજૂરી ન કરે તેને ભોજન નહીં મળે.’
    • એવા લાખો ભૂખે મરતા પડ્યા છે’ જેમની આગળ ઈશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે એવો કોઈ રસ્તો બતાવશો તો તેમને ઈશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમની અને ઈશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઈ સાંભળવાનું નથી.
    • મારો ધર્મ મને શીખવે છે કે બીજાની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દો. બીજાને મારવા માટે હાથ પણ ન ઉઠાવો, પણ એ ધર્મ મને એ વાતની પણ છૂટ આપે છે કે મારા આશ્રિતોની રક્ષા કરવા માટે અથવા જવાબદારી પૂર્ણ કરવા માટે હુમલાખોરોને મારવા પડે, યુદ્ધ કરતાં મરી જવું પડે તો પણ મને રંજ નથી.
    •  ઈશુ એ ઈશ્વરનો એકમાત્ર અૌરસ પુત્ર છે એ વચન અક્ષરશઃ સાચું છે એમ હું માનતો નથી. ઈશ્વર કોઈ એક જ મનુષ્યનો પિતા હોય ને બીજાનો ન હોય એ સંભવી ન શકે, એટલે ઈશુ એકલા જ દેવાંશી હતા એમ મારાથી માની ન શકાય. જેટલા દેવાંશી કૃષ્ણ, રામ, મહંમદ કે જરથુષ્ટ્ર હતા, તેટલા જ ઈશુ હતા. એ જ પ્રમાણે બાઇબલનો એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ હું માનતો નથી, જેમ વેદ કે કુરાનનો એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ પણ માનતો નથી. આ દરેક ગ્રંથ એકંદરે ઈશ્વરપ્રેરિત છે, પણ છૂટાં છૂટાં વચનો લેતાં ઘણાં વચનોમાં મને ઈશ્વરની પ્રેરણા દેખાતી નથી. મારે મન તો ગીતા ને કુરાનના જેટલો જ બાઇબલ એ પણ એક ધર્મગ્રંથ છે.
    •  હું હિન્દુત્વ પ્રત્યે એવી ભાવના રાખું છું જેવી મારી પત્ની પ્રત્યે મને હોય. એથી તમામ ખામીઓ જાણીને પણ હું તેમાંથી અલગ ન થઈ શકું. હિન્દુત્વના તમામ દોષ જાણતો હોવા છતાં, હું તેની મર્યાદાઓ સ્વીકારતો હોવા છતાં હું તેની જોડે બંધાયેલો છું, તેને પ્રેમ કરું છું.
    • મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મીને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુધર્મ સાંકડો નથી, તેને લીધે હિંદુઓ બીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીં બીજા ધર્મમાં સાર હોય તે ગ્રહણ કરી શકે છે. અહિંસા ધર્મમાત્રને સામાન્ય છે પણ હિંદુ ધર્મમાં એ સિદ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે.
    •  ઈસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ શાંતિનો ધર્મ સમજું છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી.
    • મંદિર, મસ્જિદ કે દેવળ ત્રણમાં હું કશો ભેદ કરતો નથી. મનુષ્યમાત્ર એક નહીં તો બીજે રૂપે પ્રતિમાપૂજક છે, અને પ્રત્યેક જણ ભલે જુદે જુદે ભાવે, અને જુદી જુદી રીતે પણ પોતાની પ્રતિમા દ્વારા પરમેશ્વરને જ પૂજે છે.
    • મને મારા ધર્મ વિષે પૂરી શ્રદ્ધા છે. તેને ખાતર હું મરણને ભેટવામાં પણ પાછીપાની ન કરું. પણ મારો ધર્મ મારી અંગત બાબત છે રાજ્યને તેની સાથે કશી લેવાદેવા ન હોય. તમારી તંદુરસ્તીની, તમારા વાહનવહેવારની, તમારા પરદેશ સાથેના સંબંધોની, તમારાં નાણાંની તેમ જ ચલણની અને એવી જ બીજી, ધર્મના ક્ષેત્રના બહારની બાબતોની સંભાળ લેવાની ન હોય કે માથું મારવાનું ન હોય. ધર્મ સૌ સૌની અંગત બાબત છે.
    •  એક ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ દરેક ધર્મનો મૂળ મંત્ર છે પણ હું એવા વિશ્વની કલ્પના પણ નથી કરી શકતો જેમાં માત્ર એક જ ધર્મ હોય.
    • ધર્મ તો જુદા જુદા માર્ગ છે જે એક જગ્યાએ એકઠા થાય છે. જો આપણે એક જ લક્ષ્યાંક પર પહોંચી શક્યા હોઈએ તો અલગઅલગ રસ્તાઓ પર ચાલવામાં નુકશાન શું છે?
    • ધર્મનું આભૂષણ વૈરાગ્ય છે, વૈભવ નહીં.
    •  જે ધર્મ વ્યાવહારિક, સામાજિક મામલાઓ પર ધ્યાન નથી આપતો તેને હું ધર્મ નથી માનતો.
    •  હું ધર્મથી ભિન્ન રાજનીતિની કલ્પના પણ નથી કરી શકતો. વાસ્તવમાં ધર્મ તો આપણા દરેક કામમાં વ્યાપક હોવો જોઈએ. અહીં ધર્મનો અર્થ કટ્ટરપંથી નથી. એનો અર્થ થાય છે ઃ વિશ્વની એક નૈતિક સુવ્યવસ્થા.
    • ધર્મસ્થાનોનું ધન રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગમાં આવે તો એમાંથી રૂડું બીજું શું હોઈ શકે? ધાર્મિક સ્થળોની સંપત્તિ હવે શિક્ષણ, સંસ્કૃતિ અને સત્કાર્યોમાં વપરાય તો દેશનું કલ્યાણ થઈ જાય. દરેક ધર્મસ્થળને ટ્રસ્ટનું સ્વરૂપ આપી દેવાનું પણ અનિવાર્ય છે.
    • ધર્મસ્થાનોના નામે ભારતભરમાં ભંડારો સડી રહ્યા છે. વાસ્તવમાં એ ધર્મસ્થાન નથી, છેતરપિંડી કરવાનાં સાધનમાત્ર છે. એ ભ્રષ્ટાચારનાં કેન્દ્ર બની ગયાં છે.
    • એ એક દુઃખદ હકીકત છતાં ઐતિહાસિક સત્ય છે કે ધર્મગુરુઓ, જેઓ ધર્મના સાચા સંરક્ષક હોવા જોઈએ, તેઓ જ ધર્મનો નાશ કરવામાં કારણભૂત બન્યા છે.
    • ધર્માંતર કરવાની આધુનિક રીતની હું વિરુદ્ધ છું. હિંદુસ્તાનમાં તેમજ દક્ષિણ આફ્રિકામાં ધર્માંતરનો ખૂબ અનુભવ લીધા પછી મને પાકી ખાતરી થઈ છે કે તેથી ધર્મ બદલનારાઓનું નૈતિક બળ વધતું નથી. એટલું જ નહીં, પણ તેઓ પાશ્ચાત્ય સભ્યતાનો આડંબર જ ગ્રહણ કરે છે, અને ઈશુ ખ્રિસ્તનો ઉપદેશ ચૂકે છે. અહીં હું સામાન્યપણે જે દશા પ્રવર્તે છે તેની જ વાત કરું છું. ભવ્ય અપવાદો તો છે જ. પણ બીજી બાજુ ખ્રિસ્તી પાદરીઓએ આડકતરી રીતે કરેલી સેવા ઘણી છે. તેણે હિન્દુ તથા મુસલમાનોને પોતાના ધર્મોની બારીકીથી તપાસ ચલાવતા કર્યા. આપણી આંતરવ્યવસ્થા તરફ આપણે કાળજી રાખતા થયા. ખ્રિસ્તી ધર્મમંડળોની મોટી મોટી શિક્ષણની સંસ્થાઓને પણ હું આડકતરી સેવામાં ગણું છું કેમ કે તે સંસ્થાનું સ્થાપન પણ ધર્માંતરના એક સહાયક અંગ તરીકે જ થયું છે.
    • જેને માટે ધનિક લોકો જવાબદાર છે એવો ભિખારીઓનો મુશ્કેલ સવાલ દરેક શહેર સમક્ષ પડેલો છે. હું જાણું છું કે આળસુ માણસને મફત ટુકડો ફેંકવો તે સહેલું છે, પણ જ્યાં ભોજન મળે તે પહેલાં પ્રામાણિક મજૂરી કરવાની હોય એવી સંસ્થા  પરિશ્રમાલય  ચલાવવી એ અઘરું કામ છે. આર્થિક દ્રષ્ટિએ જોતાં, શરૂઆતમાં તો, આજે ચાલતાં અન્નક્ષેત્રો કરતાં લોકો પાસેથી કામ લઈને તેમને ભોજન આપવાનું ઘણું મોઘું પડશે. પણ મને ખાતરી છે કે આ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલી રખડુઓની જમાતને ભૌમિતિક ગતિએ વધવા દેવી ન હોય તો લાંબે ગાળે એ જ સસ્તું પડશે.   

    *મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત 



    Sunday, October 2, 2011

    ઓશોની નજરે ગાંધીજીઃ ગોડસે તો ગાંધી હત્યા ન કરી શકયો પણ ગાંધીવાદીઓ કરશે!


    ગાંધી જયંતી વિશેષ 


    છેલ્લી સદીમાં ભારતે પેદા કરેલા મહાપુરુષોની યાદીમાં બે નામો સોથી ઉપર આવે છે : ગાંધીજી અને ઓશો. બેઉના મોટા ભાગના વિચારો કદાચ સામસામા અંતિમોના હતા. પોતાના જીવન દરમિયાન ઓશો ગાંધીજી વિશે અનેકાનેક વખત બોલ્યા છે. ગાંધીજીના કેટલાંક વિચારોની તેમણે સખ્ત આલોચના કરી છે. દેખ કબીરા રોયા નામનું તેમનું  દળદાર પુસ્તક. મહાત્મા ગાંધી પરનાં તેમનાં વક્તવ્યોનો જ સંગ્રહ છે. ૧૯૬૭ ૬૮ના વર્ષ દરમિયાન આચાર્ય રજનીશે રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ અને મુંબઈમાં ગાંધીજી અંગે શ્રેણીબદ્ધ પ્રવચનો કર્યાં.

    ઓશોનો બંડ વિચારક ગાંધીજી સામે હતો. એક વ્યક્તિ તરીકે. ઓશો તેમનો ભરપૂર આદર કરતા હતા. એક સાચો કિસ્સો છે: ગાંધીજીના એક ચુસ્ત અનુયાયી એક વખત ઓશોને મળવા ગયા. સ્વાભાવિક રીતે જ તેમની ચર્ચાનો વિષય ગાંધીજી ન હોય. ઓશોએ બહુ શાંત ચિંત્તે કહ્યું: ગાંધીજી વિશે, તેમના વિચારો અંગે હું ઘણું ઘણું કહેવા માંગું છું. પણ જ્યારે હું એમના વિશે વિચારવા બેસું છું... બુઢ્ઢા બિચમેં આ જાતા હૈ. પ્રસંગ ખાનગી છે. તેની નોંધ કયાંય નથી. જોકે જાહેરમાં પણ ઓશોએ વ્યક્તિ તરીકે ગાંધીજીની અનેક વખત પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગાંધીને હું સદીના સૌથી મહાન માનવી ગણું છું. મને એમના પ્રત્યે જેટલંુ માન છે એટલંુ બહુ ઓછા લોકો માટે છે. નૈતિક દ્રષ્ટિએ તેઓ ભારતી સર્વશ્રેષ્ઠ વ્યક્તિમાં સ્થાન પામે. પણ તેમના વિચારો સામે મારો વિરોધ છે.

    રજનીશે ગુજરાતનાં શહેરોમાં યોજાયેલી પ્રવચનમાળામાં ગાંધીજીની અસંગત. અવૈજ્ઞાનિક વાતોને તર્કબદ્ધ રીતે વખોડી કાઢી. સખત શબ્દોમાં આલોચના કરી. બ્રહ્મચર્ય અંગેની તેમની વિચારધારાનો અને રેંટિયો, યંત્ર તથા દારિદ્રય પ્રત્યેની તેમની દ્રષ્ટિનો ઓશોએ ભયંકર વિરોધ કર્યો. ઓશોની વાતો તર્કસંગત છે. તેમણે કહ્યું કે, અધ્યાત્મ કદી ગરીબીમાંથી પ્રગટ થતું નથી. ગાંધીજીએ શબ્દ વાપર્યો:  દરિદ્રનારાયણ. ગરીબી તો ખતમ કરી દેવા જેવી વસ્તુ છે. એ એક બીમારી છે. મહામારી. પણ તમે જેને ભગવાન માનો છો તેને મીટાવશો કેવી રીતે. ગરીબીને આટલો બધો આદર શા માટે. જો દરિદ્રનારાયણ હોય તો પછી મેલેરિયાનારાયણ અને ઝાડાનારાયણ પણ હોવા જોઇએ. ઓશોએ કહ્યું કે: ગરીબીનો આદર કરવાથી ક્યારેય એ દૂર નથી થતી. ભારતમાં છેલ્લાં પાંચ હજાર વર્ષોથી આપણે આ ભ્રમને ઉછેરી રહ્યાં છીએ કે ગરીબી કોઇ દિવસ વસ્તુ છે. છેલ્લાં પાંચ હજાર વર્ષથી આપણી જે અવદશા થઈ છે તેની પાછળ પણ આ જ ચિંતન જવાબદાર છે. આ રોગિષ્ટ વિચારધારાએ જ આપણી પ્રગતિ રૂંધી છે. અભાવમાં જીવવામાં મહાનતા છે એવંુ વારંવાર આપણને શીખવવામાં આવ્યું એટલે જ આપણી અવગતિ થઈ. શા માટે વિશ્વની એક પણ મહત્વપૂર્ણ શોધ ભારતમાં નથી થઈ. કદી વિચાર્યું તમે ? અધ્યાત્મને અને ગરીબીને દૂર દૂર સુધી સંબંધ નથી. હિન્દુસ્તાન જ્યારે આર્થિક દ્રષ્ટિએ બહુ સંપણ હતંુ ત્યારે અધ્યાત્મ ઉંચાઇ પર હતું.  ગાંધીજીએ કહ્યું સંતોષ રાખો, જરૂરિયાત ઓછી રાખો. હું કહું છું કે સંતોષથી મોટો કોઈ અપરાધ નથી. જૈનોના ૨૪ તીર્થકરો રાજકુમાર હતા, મહાવીર, રામ, બુદ્ધ અને કૃષ્ણ રાજકુમારો હતા. અધ્યાત્મ અને સંતોષ એ સંપણતા અને સુખસંપત્તિ પછીના ચરણ છે.

    મહાત્મા ગાંધીને ઓશો ભારતની પાંચ હજાર વર્ષ પુરાણી સડેલી વિચારધારાના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા. ઓશોના વિચારો કોઈ સ્વસ્થદિમાગ ધરાવતી વ્યક્તિને હચમચાવી નાંખવા માટે પૂરતા છે. જે ક્ષણે તમે એમના આ વિચારો વાંચો છો કે તમારી ભીતર વિચારમંથન ચાલુ થઈ જાય છે. શા માટે આપણે અભાવમાં રહેવું? જગત જ્યારે ચંદ્રમંગળ પર વસાહતો સ્થાપવાનો વિચાર કરી રહ્યું હોય ત્યારે આપણે શા માટે સંતોષમાં રહેવાની વાતો કરવી? સંતોષ રાખીને, જરૂરિયાતો ઘટાડીને આપણે મેળવ્યું શું? ગાંધીજીની ફિલસૂફી દેખીતી રીતે બહુ સરળ છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિએ દરરોજ આઠ કલાક રેંટિયો કાંતવો, પોતાનું  બધુ જ કામ જાતે કરવું સ્વાવલંબી થવું. ઓશો કહે છે: તમે કેટલા વર્ષ જીવવાના? માની લો કે ૬૦ વર્ષ. દરરોજની આઠ કલાકની ઉંઘ ગણો તો તમારા ૨૦ વર્ષ સૂવામાં ગયા. આઠ કલાક રેંટિયો કાંતવા બેસો તો બાકીનાં ૨૦ વર્ષ તેમાં અને ગાંધી વિનોબાના સિદ્ધાંત મુજબ તમારા ચંપલને ખીલી મારો, કપડાં ધુવો, સાબુ બનાવો, ઝાડુપોતાં કરો તો તમારી પાછળ જિંદગીનાં કેટલાં વર્ષો બચ્યાં. બહુ વિચારવા જેવંુ છે! ખરેખર, મોચી તેનું  કામ કરે. કાપડ માટે મિલો છે. વાળ કાપવા માટે વાળંદ છે. કપડાં સીવવા કાજે દરજી છે. જે જેનું કામ, બધાએ બધું જ કામ કરવાની કોઇ જરૂર નથી.

    આચાર્ય રજનીશ પોતાના સમયથી ઘણા આગળ હતા. ગાંધીવાદીઓને તેઓ બહુ વહેલા જ ઓળખી ગયા. પોતાનાં પ્રવચનનોમાં તેમણે આ તકવાદી જમાતને બરાબર ખખડાવી નાંખી. તેમનો આક્રોશ જેટલો ગાંધીવિચારો સામે હતો એટલો જ સ્યૂડો ગાંધીવાદીઓ સામે પણ હતો. એટલે જ પછી ગાંધીવાદીઓ તેમના પર તૂટી પડ્યા. અત્યંત અહિસક રીતે, સ્વામી આનંદે કહ્યું: કોઈ કાગડો પણ મસ્જિદની ટોચ પર બેસીને પોતાની જાતને મુલ્લામાં ખપાવવા લાગે છે. એવું જ રજનીશનું છે. ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું: તેઓ (રજનીશ) ઉંમરમાં નાના છે એટલે આવું બોલે છે. પરિપકવ થશે પછી નહીં બોલે. મોરારજી દેસાઇએ કહ્યું કે હવે તો આધ્યાત્મિક લોકો પણ ગાંધીજીની આલોચના કરવા માંડ્યા છે. ઓશોએ આ બધી જ ટીકાનો જવાબ આપ્યો. ગાંધીવાદીઓ સામે તેમનો સખ્ત વિરોધ હોવા છતાં. સો કોલ્ડ ગાંધી યન્સનો તેઓ હંમેશાં વિરોધ કરતા રહ્યાં. તેમણે કહ્યું: ગાંધીજીની વિદાય પછી તેમની જગ્યાએ સેકન્ડ કલાસ લોકો આવી ગયા અને હવે તો થર્ડ કલાસ આવી ગયા છે. એવા લોકો, જે ગાંધીજીની સભામાં પાથરણાં પાથરવાનું કામ કરતા હતા. ગામમાં ઢોલ પીટવાનું કામ કરતા હતા, આજે સત્તાસ્થાને છે. ૧૯૬૭ના ગાંધીવાદીઓ જો ઓશોને થર્ડ કલાસ લાગ્યા હોય તો આજના ગાંધીવાદીઓને જોઇને તેઓ શું કહે, આજના તેમને કેવા લાગે. કલાસ લેસ. કોઈ જ સ્તર વગરના.

    રજનીશને ગાંધીજીના વિચારો સામે તો વાંધો હતો જ પણ ગાંધીજીની અન્ય કેટલીક બાબતો પણ તેમને પસંદ ન આવી. તેમણે કહ્યું:  મને ગાંધીજી સામે મુખ્ય ત્રણ બાબતે વાંધો છે. પહેલી વાત:  તેમણે પોતાની વાતો માટે કયારે પણ તર્ક રજૂ ન કર્યા. પોતાની દરેક વાતને તેમણે અંતરાત્માના અવાજમાં ખપાવી. બીજી વાત:  તેમની આત્મહત્યાની ધમકી, અનશનની ધમકીએ એવી ખોટી પ્રથા શરૂ કરી કે તેનો અંત ક્યારે આવશે એ સવાલ છે. હું  તો એમના ઉપવાસને પણ હિંસા જ માનું છું. ત્રીજી વાત:  તેમણે રાજકીય આંદોલનમાં વિદ્યાર્થીઓને ઘસડ્યા. વિદ્યાર્થીઓ હવે રાજનીતિમાં વધુ રસ લેવા માંડ્યા છે અને ભણતરમાં ઓછો. રજનીશને ગાંધીજી સામે જે વાંધો હતો એવી જ તકલીફ ઘણાને હતી. નેહરુ સરદારને ગાંધીજીની ઘણી વાતો ગળે ઉતરતી નહીં. ડૉ. આંબેડકરે એક વખત કહ્યું હતું કે હું એટલા માટે નથી મૂકતો કે ગાંધીજી સાચા છે. હું તો માનું જ છું કે મારી વાત સાચી છે. પણ હું નથી ઇચ્છતો કે ગાંધીજી જેવો સારો માણસ આવી રીતે મરી જાય (ઉપવાસ કરીને), એટલે હું મારી વાત પડતી મૂકું છું:  રવીન્દ્રનાથ ટાગોરે અને એનિ બેસન્ટે પોલિટિકલ મૂવમેન્ટમાં વિદ્યાર્થીઓને ઘસડવાના ગાંધીજીના વ્યાયામનો સખ્ત વિરોધ કર્યો તો ગાંધીવાદીઓએ તેમની દેશદ્રોહી કહ્યા. ગાંધીજીએ કે ગાંધીવાદીઓએ વિરોધમતનો આદર કર્યો હોય, તર્ક આપ્યા હોય એવાં બહુ જુજ ઉદાહરણો જોવા મળે છે. ઓશોએ ગાંધીજીની આવી જ કેટલીક તર્કવિહીન બાબતોને ટાંકીને તેની કડક શબ્દોમાં આલોચના કરી. ઓશોના જ શબ્દોમાં ગાંધીજી વિશેના કેટલાક અભિપ્રાયો...

    * * *
    *રેંટિયાથી ધન પેદા નથી થતું. ફક્ત કોઈ રીતે વસ્ત્રો પેદા થાય છે. કોઈ રીતે તન ઢાંકી શકો છો તમે. અને એ શરીર ઢાંકવાનું પણ બહુ મોંઘુ પડે છે, કારણ કે કોઈ એક વ્યક્તિ પોતાના માટે કાપડ બનાવવા માંગે તો તેણે રોજેરોજ કમસે કમ ચાર કલાક ચરખો ચલાવવો પડે. તો જ એ પોતાના કોટ, ખમીસ, પાયજામો, ચાદર વગેરે આખા વર્ષના કપડાં તૈયાર કરી શકે. ફક્ત કપડાં પહેરવા માટે જ કોઈ વ્યક્તિના રોજના ચાર કલાક ખર્ચાઈ જતા હોય તો એ બહુ મોંઘો સોદો છે. એ તો માનવીના જીવન સાથે રમત જ થઈ ગણાય.

    *ગાંધીના વિચારો વૈજ્ઞાનિક નથી. અવૈજ્ઞાનિક છે. તેમના વિચારો નૈતિક તો છે પણ સાયન્ટિફિક નથી... બિહારમાં ભૂકંપ આવ્યો તો ગાંધીના અવૈજ્ઞાનિક ચિંતને શંુ કહ્યું ? કહ્યું હતું કે બિહારમાં એટલા માટે ભૂકંપ આવ્યો કે ત્યાંના હરિજનો સાથે અત્યાચાર થયો છે. એનાં ફળ તેને મળી રહ્યાં છે. બહુ વિચિત્ર વાત કરી તેમણે. હરિજનો સાથે હિન્દુસ્તાનભરમાં બીજે કયાંય અત્યાચાર નથી થયા? અને જો હરિજનો પરના અત્યાચારના કારણે ભૂકંપ કે દુષ્કાળ થાય તો હિન્દુસ્તાનમાં ક્યારેય અણનો દાણો પણ પેદા ન થવો જોઇએ એટલા અત્યાચાર થઈ ચૂક્યા છે. પણ અવૈજ્ઞાનિક ચિંતનની કોઈ મર્યાદા નથી હોતી. ગાંધીને કોઈ વાત બરાબર લાગે તો કહેશે. મારો અંતરાત્મા કહી રહ્યો છે. તમારો અંતરાત્મા તો કંઈ પણ કહેશે. મારો અંતરાત્મા કહી રહ્યો છે. તમારો અંતરાત્મા તો કંઈ પણ કહેશે. તમારો અંતરાત્માં એ કંઈ કોઈ વાત સાચી હોવાનો પુરાવો નથી. અને આવી રીતે દરેક વ્યક્તિનો અંતરાત્મા જો પુરાવો બની જાય તો દેશ એક પાગલખાનું બની જાય.

    *હું તમારી છાતી પર છરો લઈને ચડી જાઉં તો એ પણ હિંસા છે અને તમારા દરવાજે ઉપવાસ પર બેસી જાઉં તો એ પણ હિંસા જ છે. છેવટે તો હંુ તમને દબાવી જ રહ્યો છું અને કોઈ વખત છરાનો પણ એટલો ડર નથી લાગતો, જેટલો ડર કોઈ વ્યક્તિ તમારા આંગણે આવીને મરી જાય તેઓ હોય છે. વળી ગાંધી જેવા ભલા માનવી મરતા હોય તો આપણે આપણી ભૂલ ન હોવા છતાં પણ ઝૂકીને તેમને બચાવી લઇએ. આ માણસને મરવા ન દેવો જોઇએ. બહુ મુલ્યવાન માણસ છે. પણ ગાંધીજીની અવૈજ્ઞાનિકતાના કારણે તેમને એ પણ નથી સુઝતું કે કોઈપણ પ્રકારનું દબાણ હિંસા જ છે. તમે કોઈને છરાથી દબાવો કે પોતે મરી જવાની ધમકી આપીને દબાવો એ ગૌણ છે.



    *ગાંધી અદભૂત વ્યક્તિ છે. નૈતિક દ્રષ્ટિથી અદ્ભૂત વ્યક્તિ છે. ચરિત્રની દ્રષ્ટિએ અદભુત છે. બહુ હિમ્મતવાન છે. જે તેમને બરાબર લાગે છે એ જ કરે છે. સંપૂર્ણ પ્રયાસોથી કરે છે. પોતાનો પ્રાણ દાવ પણ લગાવી દે છે. પોતાની કુર્બાની આપી દે છે. તેમના આવા પ્રભાવના કારણે. આવી છાપના કારણે તેમના અવૈજ્ઞાનિક ચિંતનનો પણ આપણી પર પ્રભાવ પડે છે. સાચા માણસો કયારેય કયારેક ખતરનાક સાબિત થાય છે. કેમ કે તેઓ આપણને એવા પ્રભાવિત કરી નાંખે છે કે તેમની ભુલો આપણને દેખાતી નથી. ખરાબ માણસો કયારેય પોતાની ક્ષતિઓ બીજા પર લાદી શકતા નથી. કારણ કે આપણને ખબર પડે છે કે એ ખરાબ માણસ છે. પણ સારો માણસ ખરેખર જોખમી હોય છે. દેશ આખો માનવા માંડે છે કે આ માણસ જે કંઈ કરે છે એ વાજબી છે. યોગ્ય છે, એ જે કંઈ પણ વિચારે છે એ સારું જ હોવું જોઇએ.હું ગાંધીના અવૈજ્ઞાનિક વિચારોના સ્પષ્ટપણે વિરોધ કરું છું. અને આ વિરોધ એટલા માટે પણ જરૂરી છે કે ગાંધી એટલા મહિમાવાન વ્યક્તિ છે કે તેમની ભૂલો અને અજ્ઞાન અને તેમના આવા વિચારો આપણા આખા દિમાગનો કબ્જો લઈ લેશે. ગાંધી પ્રત્યે પૂરેપૂરા પ્રેમ સાથે. તેમના મહિમા માટે, તેમના માટે પૂરેપૂરા આદર સાથે, તેમની સેવાઓ માટે સંપૂર્ણ સત્કાર સાથે તેમના એ હિસ્સાઓથી દેશને બચાવવો પડશે. જે દેશને ગર્તામાં લઈ જઈ શકે છે.

    *ગાંધી ક્રાન્તિવાદી ચિંતક નથી. રિફોર્મીસ્ટ, સુધારાવાદી ચિંતક છે. જો હિન્દુસ્તાનમાં અસ્પૃશ્યતા ચાલે છે. આફત જેવાં દૂષણો છે તો તેઓ તેને સારું નામ આપી દેશે:  હરિજન, તેઓ એમ નહીં કહે કે જે ધર્મએ આવી બેઇમાનીનું સર્જન કર્યું છે એ ધર્મને આગ લગાવી દો. ગાંધી ક્રાન્તિવાદી નથી. તેઓ કહેશે કે હિન્દુ પણ ઠીક છે અને મુસલમાન પણ ઠીક. બંને ભાઇભાઇ છે. જ્યારે વાસ્તવમાં બંને બીમારી છે. કોઈ ઠીક નથી. બંનેમાંથી કોઇની જરૂર નથી. ન હિન્દુની, ન મુસલમાનની, હિન્દુસ્તાનને માનવીની જરૂર છે.

    *ગાંધીના વ્યક્તિત્વ પ્રત્યે મને આદર છે. પણ ગાંધીના વિચારો જ્યાં ખોટા હોય તો ચાહે જે પરિણામ આવે. હું  એ વિચારોને ખોટા કહેવા માંગુ છું. અને હું દેશની નવી પેઢી પાસેથી, વિચારશીલ લોકો પાસેથી એવી આશા રાખું છું કે જો કોઈ મને ગાળો ભાંડે તો તેઓ મને જુઠ્ઠો કે ખોટો નહીં સમજવા માંડે. પણ મને દેવામાં આવતી ગાળો એ વાત સાબિત કરશે કે મારી વાતોના ઉત્તર મને નથી મળી રહ્યા. બસ, મને ગાળો દેવાઈ રહી છે. ગાળો કમજોર લોકો આપે છે. હું જે કહું  છું એના જવાબ મળવો જોઇએ. હું જવાબ માટે તૈયાર છું અને હું એમ પણ નથી કહેતો કે હું  જે કહું  છું એ સાચું છે, કારણ કે મને તો તર્કમાં અને વિચારમાં શ્રધ્ધા છે. હું એવો દાવો પણ નથી કરતો કે મારો અંતરાત્મા જે કહે છે એવું જ થવું જોઇએ.

    *ગાંધીને હું  આ સદીના સર્વશ્રેષ્ઠ માનવી માનું છું. એટલે તેમના પર વિચાર થવો જોઇએ. જે શ્રેષ્ઠત્તમ છે તેના પર બહુ સજાગ રહીને અને ધ્યાનપૂર્વક વિચાર થવો જોઇએ. સાધારણ માણસો પર વિચાર કરવાની જરૂર નથી પણ ગાંધી વિશે વિચાર કરવાની જરૂર છે. આવનારાં પચ્ચીસ-પચ્ચાસ વર્ષોમાં હિન્દુસ્તાનમાં જે કંઈ પણ થવાનું છે એનો આધાર એના પર જ છે કે આપણે ગાંધી અંગે શો નિર્ણય લઇએ છીએ. જો આપણે એવો નિર્ણય લેવો હોય કે ગાંધીના વિચારો વાજબી છે તો પછી સો ટકા એવો જ નિર્ણય લો. પછી યાંત્રિકતા અને વિકેન્દ્રીકરણ પડતાં મૂકો. તો પાછા આવો. મોટાં શહેરો તોડી નાંખો. ગામડામાં પાછા આવી જાઓ અને ગાંધીનો પ્રયોગ પૂર્ણ કરો. ઇમાનદારીથી એ નિર્ણય લો. પ્રતિબદ્ધતાથી... યાંત્રીકરણ બંધ કરો. પશ્ચિમ પાસેથી સહાયતા લેવાનું બંધ કરો. પછી ભિલાઈ કે ભાખરા નાંગલ પણ ન બનાવો. પણ બેઇમાની ન કરો. એક તરફ તમે મોટી મિલ બનાવો છો અને બીજી તરફ ખાદીને પ્રોત્સાહન આપો છો... પણ મને લાગે છે કે ગાંધીના પક્ષે જવું એ આપઘાત છે. આ કહેવાનો મને અધિકાર છે. મને લાગે છે કે ગાંધીવાદથી સંપૂર્ણપણે મુક્ત થવું જોઇએ. દેશને નવીનતમ વૈજ્ઞાનિક ઉપકરણોની, શ્રેષ્ઠતમ ટેક્નોલોજીની, કેન્દ્રીકરણની. નવી નવી શોધની. નવા વિજ્ઞાનની જરૂર છે. જેથી દરિદ્રતા દૂર થઈ શકે અને દેશ સંપન્ન થઈ શકે.

    *કોઈ વ્યક્તિ ગાંધીને ગાળો ભાંડવા લાગી જાય ત્યારે બહુ મુશ્કેલી સર્જાઇ જાય છે અને ગાંધીની પૂજા કરવા માંડે ત્યારે પણ તકલીફો સર્જાય છે અને જ્યારે કોઇ વ્યક્તિ બંનેની વચ્ચે રહી ક્રિટિકલ થિન્કિંગ કરી રહ્યો હોય ત્યારે તો બંને તરફથી માણસો તેને ધક્કા મારે છે અને કહે છે કે તું કોઈ એક પક્ષમાં સામેલ થઈ જા.

    *આ આપણા દિમાગને તોડવું પડશે આપણે. એન્ટિ ટેક્નોલોજિકલ માઇન્ડ છે આપણું. આપણો વિચારવાનો ઢંગ એવો છે કે મશીનથી બચો અને માણસો પાસેથી કામ લો. ગાંધીજી જે કહી રહ્યા છે એ વાસ્તવમાં ગાંધીજી ભારતની ત્રણ હજાર વર્ષની તમામ બેવકૂફીના પ્રતિનિધિ છે.

    *ગાંધીવાદીઓએ ગાંધીને ક્યાં ક્યાં બેસાડી રાખ્યા છે, ખબર છે ? પોલીસ સ્ટેશનમાં બેઠો કોન્સ્ટેબલ, માબહેનની ગાળો ભાંડી રહ્યો છે અને પાછળ તસવીર લગાવેલી છે. અદાલતમાં, જ્યાં દરેક પ્રકારની બેઇમાની ચાલે છે. ભ્રષ્ટાચાર ચાલે છે ત્યાં ગાંધીની તસવીર છે. તમે ગાંધીને કંઈ પંચમ જ્યોર્જ સમજો છો? તમે તેમની સાથે સારો વ્યવહાર કરી રહ્યાં છો? પણ તમને ગાંધીથી કોઈ જ મતલબ નથી. તમને સ્વયંથી મતલબ છે. તમે ગાંધીની તસવીર સર્જીને પોતાને છુપાવવાના પ્રયત્ન કરો છો. પણ ક્યાં સુધી દેશની પ્રજાને દગો આપી શકશો. છેતરી શકશો? તમે છુપાઈ નહીં શકો પણ જોખમ એ છે કે ગાંધી પ્રત્યેનંુ માન, એમની ગરિમા ખતમ ન થઈ જાય. ગાંધીવાદીઓથી ગાંધીને બચાવી લેવા બહુ જરૂરી છે. નહિતર ગોડસે તો ગાંધીને મારી નથી શક્યા પણ ગાંધીવાદીઓ તેમને મારી નાંખી શકે છે.

    *ગાંધીએ પુનઃ આપણને પાછળની દ્રષ્ટિ પકડાવી દીધી. ગાંધી કહેવા લાગ્યા, રામરાજ્ય લાવવંુ જોઇએ. બહુ વિચિત્ર વાત છે. રામ બહુ પ્યારા છે. પણ રામરાજ્ય? રામરાજ્ય બિલકુલ અલગ વાત છે... એ તો પૂંજીવાદથી પણ પછાત સમાજ વ્યવસ્થા છે.

    *હું આપને કહેવા માંગું છું કે ગાંધીવાદીઓની આલોચનામાં પડશો નહીં. આ દેશએ પોતાનાં મસ્તિષ્કની આલોચના કરવી જોઇએ. તમે કાંકરા પથ્થરને હીરા મોતી સમજી લેવાની તમારી જૂની આદત કયારે છોડશો? ગાંધીવાદીઓ ત્યાં જ છે જ્યાં તેઓ હોઈ શકે. એનાથી વિશેષ તેઓ કંઈ જઈ શકે એમ પણ નહોતા. તેમની આલોચનામાં સમય ગુમાવવાનું વ્યર્થ છે.

    *ગાંધીએ જે ફિલોસોફી શીખવાડી, દેશને, એ હતી અતૃપ્તિમાં સુખ મેળવવાની. વ્યર્થ, એનું કોઈ જ પ્રયોજન નથી. તેનો ખતરો હશે અને જોખમ ભોગવવું પડશે અનુયાયીઓએ. મહાત્મા તો વિદાય થઈ જશે પણ અનુયાયીઓ ફસાઈ જશે પાછળ. અને એમને તકલીફ થશે. અને બધા જ લોકો કહેશે કે આ લોકો ગાંધીનાં સિધ્ધાંતોને ખોટા સાબિત કરી રહ્યા છે. હું આપને કહું છું કે ગાંધીજીના સિધ્ધાંતો કયારેય કોઈ ઓળંગી નથી રહ્યા. મહાત્માના સિદ્ધાંતો જ એવા છે કે આ બિચારા માણસો તેના ચક્કરમાં પડીને આપમેળે જ ખોટા સાબિત થઈ રહ્યા છે. તેઓ ખોટા સાબિત થશે જ.

    *ગાંધીજી ઈંગ્લેન્ડમાં હતા ત્યારે ત્યાં જબરદસ્ત ઉહાપોહ હતો. એ સમયગાળો આ સદીના પ્રારંભનો હતો. નવી સદીનો જન્મ થઈ રહ્યો હતો. ડાર્વિનના સિદ્ધાંતોની ચર્ચા હતી. કાર્લ માકર્સ એ નવી વાત કરીને દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. તેણે પ્રથમ વખત કહ્યું હતું કે ગરીબ અને અમીર એ સમાજ વ્યવસ્થાના પરિણામે છે, કોઈ કર્મોનાં ફળનું પરિણામ નથી. એ પહેલાં લોકો એમ જ કહેતા કે માણસ પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. આ સદીના ક્રાન્તિકારી ચિંતનનાં તમામ અણુઓ ઈંગ્લેન્ડની હવામાં હતા. પણ ગાંધીને એ બધાની કોઈ અસર જ નહોતી. લાગે છે કે ગાંધીને ખબર જ નહોતી કે ડાર્વિન નામની કોઈ વ્યક્તિ છે. ગાંધીએ ૧૯૪૨માં માકર્સનું પુસ્તક વાંચ્યું. પચાસ વર્ષ પછી અને પચાસ વર્ષ પહેલા જ્યારે તેઓ ઈંગ્લેન્ડમાં હતા ત્યારે આ બધી હવા હતી. ગાંધીને ત્યાં કોની સાથે સંબંધો બંધાયા? તેમનો સંબંધ બહુ વિચિત્ર લોકો સાથે થયો. શાકાહારીઓના સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહ્યા. શાકાહારની વાતો કરવાનું તેમણે પસંદ કર્યું. ચા પીવી જોઇએ કે ન પીવી જોઇએ. આ સબજી ખાવી જોઇએ કે ન ખાવી જોઇએ અને દૂધ પીવું હોય તો બકરીનું કે ગાયનું પીવું? ગાંધીજી આવા બધા લોકો સાથે ઈંગ્લેન્ડમાં હળ્યામળ્યા. ભળ્યા. થોડું વિચારવા જેવું છે. જ્યાં દરેક પ્રકારની ક્રાન્તિનાં સૂત્રો સર્જાઈ રહ્યા હતાં. ગાંધીનો સંબંધ બહુ વિચિત્ર લોકો સથે બંધાયો. અને તેઓ એમના જ સંપર્કમાં આવ્યા, એની જ વાતો શીખીને પાછા ફર્યા પશ્ચિમથી તેઓ ત્રણ વ્યક્તિના વિચારો લઇને ભારત આવ્યા. એટલે વધુ એક વાત તમે સમજી લેજો કે સામાન્ય રીતે લોકો સમજે છે કે ગાંધીજી ભારતનાં મહાન પ્રતિનિધિ છે એ વાત બરાબર નથી. ગાંધીજીના ત્રણેય ગુરુ પશ્ચિમી છે. ટોલ્સ્ટોય, રસ્કીન અને થોરો. આ ત્રણેયની વિચારધારાથી તેઓ પ્રભાવિત છે. આ ત્રણેયના વિચારો તેમણે આત્મસાત કર્યા છે. તેઓ પછી આજીવન એના જ પ્રયોગો કરે છે. આ ત્રણેય બિલકુલ અવૈજ્ઞાનિક વિચારના લોકો છે. એમનાં ચિંતનમાં કયાંય વૈજ્ઞાનિકતા નથી. એમની વાતો એવી છે કે તેનો અંશમાત્રનો પણ જો કોઈ વ્યક્તિ અમલ કરવા માંડે. તેને સાચી માનવા માંડે તો ફરીથી જંગલી દુનિયામાં જતો રહે.

    *મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત 

    Saturday, September 24, 2011

    ચીદુ, સિબ્બુ અને તિવારી સાથેની એ ખાનગી બેઠક: મેડમ પેલા સ્વામી પર કેઈસ કેમ કરતા નથી?




    લઘુકથા 

    સુબ્રમણ્યન  સ્વામી અને બીજા વિરોધીઓના આક્ષેપોનો જવાબ આપવા મેડમએ એક વખત ચીદુ, સીબ્બુ અને તિવારી જેવા ધુરંધર વકીલોને બોલાવ્યા. 

    બધા કોંગ્રેસી વકીલોને ભેગા કરી મેડમ એ કહ્યું:
    "સાંભા.. કાલીયા જેવા મારા વફાદાર સાથીઓ... મારી ઉપર અને મારા નિર્દોષ - અલ્પમતિ બાબા પર જોરદાર પ્રહારો થઇ રહ્યા છે! અરે! આ લોકો મારા 'રામા'ને પણ છોડતા નથી! તમે જ કહો, એનો શો વાંક! એ તો મારી આજ્ઞાઓનું અક્ષરશ: પાલન કરે છે. તમે જાણો છો, એને તો સ્વતંત્ર દિમાગ જ નથી.. આપણી ગિરોહ પર આ કુઠારાઘાત છે! સાગરીતો! હું ઈચ્છું છું કે, તમે બદનક્ષીનો એક એવો લોઢા જેવો કેઈસ તૈયાર કરો કે વિરોધીઓની સાન ઠેકાણે આવી જાય!"

    બધા દિગ્ગજો નીચી મુંડી ઘાલી વિચાર કરવા લાગ્યા... કોઈ કશું જ બોલતું નહોતું...

    મેડમએ ચીસ પાડી:
    "નમકહરામો! ટુ-જી થી લઇ કોમનવેલ્થ સુધીની બાબતોમાં બધા ખાઈ-પી ને ખદડા થયા છો... નાલાયકો, તમને મેં ઉની આંચ આવવા દીધી નથી. હવે ઋણ ચુકવવાની વાત આવી ત્યારે મૂંગા માર્યા છો!" 

    સીબ્બુએ કહ્યું:
    "મેડમ, તમે તો એવી વાત કરો છો જાણે તમને તમારો કટ મળ્યો જ ના હોય!"

    "નાલાયક! તારી પાસે જીભડી ક્યાંથી આવી ગઈ! ખ્યાલ નથી કે, આંતરિક લોકશાહી એટલે શું! લોકશાહીમાં તમારી ફરજ અને અધિકાર માત્ર સાંભળવાનો છે, કંઈ બોલશો તો એ લોકશાહીનું અપમાન ગણાશે!"  મેડમ બરાડ્યા. 

    મેડમને ગરમી પકડી ગયેલા જોઈ સીબ્બુ અને ચીદુએ તિવારીને ઈશારો કર્યો અને તેને મેડમને મનાવવા સંકેત આપ્યો. તિવારીએ તેમને ટાઢા પાડવા પ્રયત્ન કર્યો ને કહ્યું: 
    "મેડમ! બદનક્ષી અને માનહાનીનો દાવો તો કાલે કરી દઈએ! પરંતુ જજ સાહેબ જો એમ કહે કે, 'પહેલા પુરવાર કરો કે તમારી પાસે આબરૂ, માન અને ઈજ્જત છે!' તો શું કરીશું!"

    મેડમનો ચહેરો ઝંખવાણો પડી ગયો. તેઓ બોલ્યા:
    "તો મોઢામાંથી આ બધું વહેલા ફાટો ને! જાઓ! જેને જે બોલવું હોય તે બોલવા દો! લોકશાહીમાં સૌને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે!"