Tuesday, December 11, 2012

Naresh Patel, Kagvad, Keshubhai Patel

નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ 
અને "ભયભીત સમાજ" !!



નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે



         

થોડા દિવસો પહેલા મારા બનેવી અને લેખક - પ્રકાશક, નરેશ શાહ સાથે વાતો ચાલતી હતી.સ્વાભાવિક રીતે જ ચર્ચાનો વિષય હતા લેઉવા પટેલ સમાજના કહેવાતા અગ્રણી એવા નરેશ પટેલ.  એમની પ્રવૃત્તિઓથી હવે કોઈ અજાણ નથી અને સમાજ ( અમારે મન સમાજ એટલે સમગ્ર સમાજ, બ્રાહ્મણ કે જૈન નહિ!) માટે જેમને રતીભારની પણ ફિકર હોય તેવા લોકોને આ પ્રવૃત્તિઓ કઠતી હશે તેમાં બેમત નથી.  "કંઇક કરવું જોઈએ" એવી વાતો સાથે અમે છુટ્ટા પડ્યા, પરંતુ નરેશભાઈને ચૈન ના પડ્યું અને તેમણે આ બાબતે એક લખાણ તૈયાર કરી ને જનતા પ્રેસ કોન્ફરન્સ (રેસકોર્સના બગીચામાં, નાસ્તો-પાણી વગર!)  બોલાવવાનું નક્કી કર્યું.  કોઈ કારણોસર એ શક્ય ના બન્યું પરંતુ એમણે મને કેટલાક મુદ્દાઓ આપ્યા, થોડા મુદ્દાઓ મારા દિમાગમાં હતા - એ બંનેનું મિશ્રણ કરી આ નાનો એવો લેખ તૈયાર કર્યો છે.  આશા છે કે, જેમને સમગ્ર સમાજની ચિંતા છે અને જે લોકો આવા છેલ્લી કક્ષાના જ્ઞાતિવાદથી ત્રસ્ત છે , દુ:ખી છે - એવા તમામ લોકો આ વિચારોને યથાશક્તિ ફેલાવવાનું કાર્ય કરશે ... 

શું તમારી બદલે કોઈ જીવી લે, તમારી બદલે કોઈ શ્વાસ લઇ લે એ શક્ય છે?: 
જો "ના" , તો પછી તમારે મત કોને આપવો એ અંગે નિર્ણય અન્ય કોઈ શા માટે લઇ શકે?

છેલ્લાં કેટલાંક સમય દરમિયાન ખોડલધામ ફેમ નરેશ પટેલના જે પ્રકારનાં નિવેદનો અખબારોમાં આવી રહ્યાં છે તે સમગ્ર સમાજ માટે આંચકારૂપ છે. આપણે અહીં સમગ્ર સમાજની વાત કરી રહ્યાં છીએ અને સમગ્ર સમાજમાં વાણીયાં-બ્રાહ્મણ-લોહાણા, મોચી, સુથાર, લોહાર, કુંભાર, દલિતો, મુસ્લીમો તથા અદિવાસીઓ વગેરે પ્રત્યેક કોમ સાથે કડવા અને લેઉઆ પટેલો પણ આપમેળે સમાવિષ્ટ થઇ જાય છે. યાદ રહેઃ નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે. એમના નિવેદનો ઘાતક છે, એમની હરકતો નજીકના ભવિષ્યમાં જ વર્ગ વિગ્રહ ભડકાવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

માતાજીના ધર્મસ્થાનનાં નામે ટોળા ભેગા કરવા અને પછી રીતસરનું રાજકીય બ્લેક મેઈલિંગ શરૂ કરવું, જ્ઞાતિવાદ ભડકે તેવી હરકતો ખુલ્લેઆમ કરવી... એ જ્ઞાતિવાદ નથી તો બીજું શું છે? હમણાં જ ભાઇ નરેશ પટેલએ એવું કહ્યું કે, ``જે પક્ષ લેઉઆ પટેલોને વધુ ટિકિટ આપશે તેને લેઉઆ પટેલો મત આપશે!'' બીજું નિવેદન એવું કર્યુ કે, ``અમે રાજકીય પક્ષોની વર્તણૂંક જોઇને નક્કી કરીશું કે, અમારે કોને મત આપવો!'' પછી એમ કહ્યું કે, "લેઉવા પટેલોએ યહૂદીઓની જેમ એકતા દાખવવાની જરૂર છે!' આજે જ્યારે સૌપ્રથમ જરૂરત ભારતીય બનવાની છે ત્યારે આવી વાતો ધડમાથા વગરની લાગે છે! બહુ વિચિત્ર લાગે તેવી આ વાતો છે. આખા લેઉઆ પટેલ સમાજ વતી નિર્ણયો લેવાનો અધિકાર તેમને કોણે આપ્યો? કોને મત આપવો-કોને ન આપવો, એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. તેનાં માટે કોઇ જ્ઞાતિના બની બેઠેલા નેતા વ઼્હીપ જારી કરી શકે નહિ. આવો ફેંસલો કે ચૂકાદો કોઇ વ્યક્તિ જાહેર કરતી હોય તો એ સમાજને માટે ઘાતક પણ છે અને ચૂંટણીની મૂળભૂત ભાવનાને ખત્મ કરનારો પણ છે.

સામાન્ય નાગરિક તરીકે અમને લાગે છે કે, આવા નિવેદનો વાંચીને બાકીની દરેક જ્ઞાતિના લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ખરેખર તો લેઉઆ પટેલોનું પણ ઉકળવું જ જોઇએ. કોઇ એક વ્યક્તિ તેમના વતી આવા ફેંસલાઓ લઇ કેવી રીતે શકે? બહુ નિખાલસતાથી કહીએ તો કહી શકાય કે, નરેશ પટેલ જેવાં લોકોને કારણે લેઉઆ પટેલ જ્ઞાતિ પણ સમાજના તમામ ઇત્તર વર્ગમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ નરી વાસ્તવિકતા છે. રાજકીય મર્યાદાઓના કારણે અને અન્ય અનેક પ્રકારનાં ડરને લીધે લોકો જાહેરમાં કશું બોલી શકતા નથી પરંતુ લોકોમાં આ અંગે ભારોભાર રોષ છે. અમે અનુભવ્યું  છે કે, ઘણાં લેઉઆ પટેલોને પણ આવી જ્ઞાતિવાદી હરકતો ગમતી નથી પરંતુ તેમનો કોઇ વોઇસ નથી. અથવા તો જ્ઞાતિથી અળગા થવાની તેમની પાસે નૈતિક હિમ્મત નથી.

પરિસ્થિતિ બહુ ગંભિર છે. ધર્મનો ઓટલો હવે રાજકીય રોટલો શેકવા માટે ઉપયોગમાં લેવાય છે. માતાજીના નામે લાખ્ખો લોકોને ભેગા કરીને તેમને રાજકીય સંદેશાઓ અપાય છે. કોઇપણ સમાજ માટે આ માનસિક નાદુરસ્તીની નિશાની છે. શું આપણો સમાજ રિવર્સ ગીયરમાં ચાલી રહ્યો છે? શું આપણે જ્ઞાતિવાદ અને કોમવાદથી ખદબદતા આપણાં ભૂતકાળ તરફ ગતિ કરવી છે? દરેક સમાજે તે વિશે વિચાર કરવો પડશે. લેઉઆ પટેલોએ સૌથી વધુ ગંભિરતા રાખીને આ અંગે ચિંતન કરવું પડશે. જ્ઞાતિની સંખ્યાના આધારે ટિકિટો માંગતા રહીશું તો જાહેર જીવનમાં આપણે વધુ અંધાધુંધી સર્જીશું.

આપણો સમાજ કઇ દિશામાં ગતિ કરશે તેનો બહુ મોટો આધાર પટેલો પર છે. પટેલો પાસે અઢળક ધનસંપદા અને રિસોર્સીસ છે. એમની સુખાકારીને તેઓ હકારાત્મક માર્ગે ઉપયોગ કરે એ ઇચ્છનીય છે, એ જ સાચો રસ્તો છે. સૌથી વધુ સુખી-સંપન્ન હોવાનાં નાતે તેઓ પર વિશિષ્ટ સામાજીક જવાબદારી છે. તેઓ ઇચ્છે તો સમાજને નવો રાહ ચીંધી શકે તેમ છે. પણ એ માટે જ્ઞાતિના રાગડા તાણવાનું બંધ કરવું પડશે અને અન્યાયનાં ઠાલાં મરશિયાને પણ વિરામ આપવો પડશે.

`અન્યાય.... અન્યાય....'ની આ કેશુભાઈની વાતો બાલીશ પણ છે, જુઠ્ઠી છે અને સમાજને ગેરમાર્ગે દોરનારી છે. `સમાજ'ની `એકતા'ના નામે અહીં ખુલ્લેઆમ દાદાગીરી થઇ રહી છે. બ્લેક મેઇલિંગ થઇ રહ્યું છે. અને અન્યાયના નામે લેઉઆ પટેલ જ્ઞાતિની સહાનૂભૂતિ મેળવવાનો તથા તેમનાં પર કાબૂ લેવાના પ્રયાસો થઇ રહ્યાં છે. સવાલ એ છે કે, અન્યાયના ગાણા ગાતા અગ્રણીઓ આ અન્યાયની વિગતો શા માટે આપતા નથી? ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ વજન પટેલોનું જ છે અને સ્થાનિક-કોર્પોરેટરોથી શરૂ કરીને મંત્રીમંડળ સુધી પટેલોની જ બોલબાલા છે. ગુજરાતના 182માંથી કેટલા ધારાસભ્યો પટેલ છે? જરા આંકડો કાઢી જુઓ એટલે આપોઆપ ખ્યાલ આવી જશે। ગુજરાતનાં રપ મંત્રીઓમાંથી આઠ મંત્રીઓ પટેલ છે! સૌથી વધુ ટિકિટો તેમને મળે છે, સત્તા તેમને મળે છે. ગુજરાતનાં 14માંથી ત્રણ મુખ્યમંત્રી પટેલ જ્ઞાતિનાં રહ્યાં છે. વેપારથી લઇ રાજકારણ સુધીના દરેક ક્ષેત્રોમાં પટેલોની બોલબાલા છે. પટેલોને જો અન્યાય થતો હોય તો શું આવી સ્થિતિ હોઇ શકે?

કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.



જ્ઞાતિની એકતાના નામે જાણે ઘેટાચરાને ઉત્તેજન અપાઇ રહ્યું હોય એમ લાગે છે. માતાજીના નામે થતા મેળાવડાઓનો ઉપયોગ અંગત મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા થઇ રહ્યો હોય એવું લાગે છે. આ સમય આવા મેળાવડાઓમાં જોડાઇ જવાનો નથી પણ જાગી જવાનો છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ અને આપણે જ્ઞાતિના નામે રક્તતૂલા જેવા ગતકડા જ કરી રહ્યાં છીએ. હા! કચડાયેલી અને પીડિત જ્ઞાતિઓનાં લોકો `એકતા'ની અને અન્યાયની વાતો કરે તો સમજી શકાય એમ છે. પણ વાણીયા, બ્રાહ્મણ, લોહાણા કે પટેલોને કોણ અન્યાય કરી શકવાનું છે? જ્યાં જ્ઞાન, ભણતર, સાહસ અને ઉદ્યમ હોય ત્યાં અન્યાય ટકી જ ના શકે. પટેલો પાસે અખૂટ રીસોર્સીસ છે, એશ્વર્ય છે, સત્તા છે. શું નરેશ પટેલ જેવા લોકો એવું ઇચ્છે છે કે, ગુજરાતનાં તમામ ધારાસભ્ય લેઉઆ પટેલ જ હોવા જોઇએ!

જ્ઞાતિના નામે દાદાગીરીનો આ ખેલ એક ખોટું ઉદાહરણ બેસાડી રહ્યો છે. નરેશ પટેલમાંથી દરેક જ્ઞાતિના-ગામના ઉતાર જેવાં લોકો વાહિયાત પ્રેરણા મેળવી રહ્યાં છે. બ્રહ્મ સેના કે એવી કોઈ સંસ્થા દ્વારા બ્રાહ્મણો માટે ટિકિટ મંગાઈ છે, પુરુષોત્તમ સોલંકી કહે છે કે, કોળીઓને ઓછામાં ઓછી ચાલીસ ટિકિટો આપો! આ તમામ વાતો વાહિયાત છે. અમે બ્રાહ્મણ અને જૈન છીએ  પરંતુ જ્ઞાતિના આધારે કે સંખ્યાના આધારે કોઈ બ્રાહ્મણને ટિકિટ મળતી હોય તો તેની સામે  અમારો સખ્ત વિરોધ છે.  થોડા સમય પહેલા કેટલાંક બ્રાહ્મણોએ સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યાના નામે ઉપવાસ માંડ્યા હતાં અને `બ્રાહ્મણોને અન્યાય'ના વાજાં વગાડ્યા હતાં. શું સંજીવ ભટ્ટને કોઇ અન્યાય થયો છે? જો થયો જ હોય તો એ એટલા માટે થયો છે કે, તેઓ બ્રાહ્મણ છે? હરેન પંડ્યા બ્રાહ્મણ હતા એટલે તેમની હત્યા થઇ હતી શું? આવા તાયફાઓ સામાન્ય રીતે પોતાનો સ્વાર્થ સાધવા જ થતા હોય છે. અને આવા દરેક પ્રયાસ સામે અમારો વિરોધ છે. પછી એ પ્રયત્ય બ્રાહ્મણો દ્વારા થતો હોય કે કોઇ લોહાણા અગણી તરફથી થતો હોય કે પછી નરેશ પટેલ દ્વારા થતો હોય.

જ્ઞાતિના બની બેઠેલા અગ્રણીઓ એ વાત જાણી લે કે, જે-તે જ્ઞાતિ તેમની જાગિર નથી અને જ્ઞાતિજનો તેમના ગુલામ નથી. અઢાર વર્ષની વય પછી દરેક નાગરિકને પોતાની વિવેકબુદ્ધિ મુજબ મતદાન કરવાનો અધિકાર છે. તેમને જ્ઞાતિના મંચ પરથી કે ધાર્મિક મેળાવડાના સ્ટેજ પરથી સૂચનાઓ આપવામાં સાર નથી. `અન્યાય.... અન્યાય....'ના ગીતડા ગાતા નીકળેલા કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.

કોઇ જ રાજકીય પક્ષ સાથે અમારે સ્નાન સૂતકનો પણ વ્યવહાર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય... બધા જ પક્ષો જ્ઞાતિઓનો ઉપયોગ કરતા રહ્યાં છે. આ શિરસ્તા સામે દરેક જાગૃત નાગરિકનો ઉગ્ર વિરોધ હોવો જ જોઇએ. પણ સૌથી વધુ વિરોધ તો આ નવા શરૂ થયેલા ટ્રેન્ડ સામે છે-જેમાં જ્ઞાતિના બની બેઠેલા રખેવાળો જ જ્ઞાતિનો ઉપયોગ કરી જાય છે. આ ઘટનાઓ ભયાનક છે, સમાજને વેરણછેરણ કરનારી છે. અમને લાગે છે કે, આવી હરકતો સામે લાલબત્તી ધરવામાં માધ્યમો પણ ઉણાં ઉતરી રહ્યાં છે. નવી શરૂ થયેલી આ પ્રથાને અને આ મહાન કુવિચારને ઉગતો જ ડામી દેવા માટે માધ્યમોનું પ્રદાન અનિવાર્ય છે. માધ્યમો જો આવા દૂષણોને માઇલેજ આપવાનું બંધ કરે તો આપોઆપ તેઓ કદ મુજબ વેતરાઇ જશે. તેમનું કદ મીડિયાએ જ મોટું કર્યુ છે. મીડિયા ન હોય તો તેઓ કશું જ નથી.

જ્ઞાતિવાદ લગભગ દરેક જ્ઞાતિઓમાં વત્તાઓછા અંશે જોવા મળતો હોય છે. પરંતુ અહીં સૌથી વધુ ઉલ્લેખ નરેશ પટેલનો કરવો પડ્યો છે. કારણ કે, તેમણે છેલ્લાં થોડા વર્ષોમાં જ્ઞાતિના નામે ઉપાડો લીધો છે. એમની અંગત મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા તેઓ લેઉઆ પટેલ જ્ઞાતિનો નિસરણી તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, પોતાનું કદ મોટું કરવા માટે તેઓ ખોડલધામને માધ્યમ બનાવી રહ્યાં છે.



અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ


 જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.

 જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.

 બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.

 પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.

 નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, ``લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.''

છેલ્લી પરંતુ બહુ જરૂરી સ્પષ્ટતાઃ

અમે  કોઇ ચળવળકાર નથી, કોઇ જ્ઞાતિનાં વિરોધી નથી અને કોઇનાં તરફદાર નથી. આ કોઇ ઝૂંબેશ નથી, આ માત્ર એક સંદેશ છે - અમારી લાગણી છે. મારા જેવાં કરોડો લોકો જે વિચારે છે તેને અમે આપ સુધી પહોંચાડ્યું છે. આ વિશે હવે પછી અમે  કોઇ કાર્યક્રમ નથી કરવાનો , સંમેલનોનો તો પ્રશ્ન જ નથી. કોઇ એક લેખ લખીને આ વાત પ્રજા સમક્ષ પહોંચે કે કેમ એ ખ્યાલ નથી પરંતુ સાવ એમ ને એમ બેસી રહેવા કરતા કૈંક કરવું બહેતર છે એમ માની આ લખ્યું છે! હમણાં જ ક્યાંક વાંચ્ય હતું:

"મંઝીલ મિલ હીં જાયેગી ભટકતે હીં સહી, 
ગુમરાહ તો વોહ હૈ જો ઘર સે નીકલે હીં નહિ !"

આ પ્રજાની લાગણી છે, આવું અમે જ વિચારીએ છીએ તેવું નથી. સમાજમાં આવા વિચારોનો વધુ પ્રચાર-પ્રસાર થાય એ જરૂરી છે અને એ માટે અમે  આપ સૌની મદદ માંગીએ છીએ. અમારે જે કહેવું હતું એ કહ્યું છે. હવેની જવાબદારી જાગૃત નાગરિકોની છે, સ્વૈચ્છિક સંસ્થાઓની છે.




-કિન્નર આચાર્ય                                           -નરેશ શાહ 

Sunday, October 21, 2012

વલ્લભ ભટ્ટ, નાથ ભવાન અને મીઠ્ઠું મહારાજ: ગુજરાતી ગરબા લખવાની શરૂઆત કોણે કરેલી?

ગરબા લખવાની શરૂઆત કોણે કરેલી? 



Vallabh Bhatt - Bahucharaji

 રિડિફની ગુજરાતી વેબ સાઈટ જ્યારે ચાલુ હતી ત્યારે તેમાં કેટલોક ખુબ જ રોચક કન્ટેન્ટ મુકાતો હતો. આ બેઉ લેખો એમાંથી જ સાભાર લીધેલા છે. 
પ્રથમ લેખ માટે મુરબ્બી શ્રી અચ્યુત યાજ્ઞિકનો અને બીજા લેખ માટે આદરણીય સોનલ શુક્લનો ઋણસ્વીકાર કરું છું. 


શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ગરબો સંઘનૃત છે અને સાદી ભાષામાં કહીએ તો સમૂહનૃત્ય છે. તાત્ત્વિક રીતે ગરબામાં સિદ્ધ થયો છે ત્રિવેણી સંગમ; ગાયનનો, વાદનનો અને નૃત્યનો. પરિણામે ગુજરાતની કાવ્યપરંપરા, વાદ્યપરંપરા તેમ જ નૃત્યપરંપરાના અવનવા સંયોગથી ગરબાનું અવનવું રૂપ પ્રગટતું રહ્યું છે. વીસમી સદીમાં તો ગુજરાતીના મહાન કવિઓ-ન઼્હાનાલાલ તેમ જ ઉમાશંકરના ગરબાઓ પણ લોકસમસ્તમાં પ્રસરી ચૂક્યા છે, છતાંય લોકહૃદયમાં તો લોકગીતો અને ભક્તકવિઓના ગરબા-ગરબી જ આજે ધબકે છે, ગાજે છે અને ગુજરાતભરને ગજાવે છે. 

શક્તિપૂજાની દૃષ્ટિએ, દેવીની ગરબા રૂપે સ્તુતિ કરવાની દૃષ્ટિએ, ભક્તકવિ વલ્લભ-ધોળા સૌથી વધુ વિખ્યાત છે. સત્તરમી સદીની મધ્યમાં આ પરમ ભક્તનો જન્મ દુર્ગાષ્ટમીએ અમદાવાદના નવાપુરામાં થયો. તેઓના જોડકા ભાઈનું નામ ધોળા હતું એટલે વલ્લભ-ધોળા એવી સંજ્ઞા પ્રચલિત થઈ અને બન્ને ભાઈઓનું જોડકુંનામ જ લોકજીભે ચઢી ગયું. આ વલ્લભ ભટ્ટના અનેકાનેક ગરબા લોકપ્રિય બન્યા છે અને છેલ્લાં ત્રણસો વર્ષથી ગુજરાતભરમાં સતત ગવાતા રહ્યા છે. શક્તિને બાળસ્વરૂપે પૂજતા વલ્લભ ભટ્ટે દેવીના સ્થૂળ સ્વરૂપને નહીં પરંતુ સૂક્ષ્મ રૂપને પોતાના ગરબામાં અભિવ્યક્ત કર્ય઼ું છે. તેઓની પ્રસિદ્ધ ગરબી છે:

`પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદરવો,
ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગરવો;
અભિષેક જળતત્ત્વ, ચિતિ શક્તિ સચરાચર,
મા, તુજ અકળ મહત્ત્વ, વ્યાપક કહી સુર મુનિવર.' 



કથા એવી છે કે વૈલોચન નામના નાગર વણિકે વલ્લભ ભટ્ટને પૂછ્યું કે અહીં દેવીનું સ્થાનક તો દેખાતું નથી તો તમે કોની સ્તુતિ કરો છો? ઉત્તરમાં વલ્લભે ઉપરની ગરબી સંભળાવી. તેઓનો બીજો પ્રસિદ્ધ ગરબો `આનંદનો ગરબો' તરીકે પેઢીએ પેઢીએ ગવાતો રહ્યો છે અને તેની પંક્તિએ પંક્તિએ ભક્તિનો આવેશ છે, ભાવનું ઊંડાણ છે અને શબ્દોનું લાલિત્ય છે. આ ગરબાની થોડીક પંક્તિઓ અહીં પ્રસ્તુત કરી છે:

`જ્યાં જ્યાં જગતી જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા,
સમવિત ભ્રમવિત ખોઈ, કહી ન શકું કેવી મા.
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા.
અર્થ, ધર્મ ને કામ, મોક્ષ તું મોહ માયા મા,
તમ મનનો વિશ્રામ, ઉર અંદર ધાયા મા.
ઉદે ઉદારણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદેની મા,
હરખ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભક્તિ ચિત્ર તું મા.
ગીત નૃત્ય વાજીંત્ર, તાળ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા.
રતિરસ વિલસ વિલાસ, આશ સકળ જગની મા,
તમ તન મન મધ્ય વાસ, મોહ માયા અગ્નિ મા.' 


વલ્લભ ભટ્ટ પછી ચાર દાયકે જન્મેલા બીજા દેવીભક્ત નાથ ભવાનની વિવિધ રચનાઓ લોકકંઠે રમતી રહી છે. ઉત્તર જીવનમાં તેઓઁએ સંન્યાસ લીધો હતો અને `અનુભવાનંદ' નામની અદ્વૈત્તમાર્ગી લેખે પણ પ્રસિદ્ધ હતા. તેઓનો `અંબા આનન'નો ગરબો નાગર જ્ઞાતિમાં પેઢીઓથી ગવાતો આવ્યો છે. જેનું ધ્રુવપદ છે ઃ `અંબા આનનકમળ સોહામણું તેનાં શું કહું વાણી વખાણ રે'. 

અંબાજીના સોહામણા આનનકમળ એટલે કે મુખકમળનો મહિમા કરનાર નાથ ભવાન ગરબામાં વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિનું સ્મરણ કરીને કહે છે, `તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે.' ગરબાના અંતની પંક્તિઓમાં નાથ ભવાન સંસારનાં સુખોની યાચના નથી કરતા પરંતુ અંબાજીને વિનવે છે કે દેવીના વાસ્તવ સ્વરૂપને પામવાની શક્તિ તેઓને સાંપડે. અહીં આ ગરબાની કેટલીક પંક્તિઓ ટાંકી છે :

તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે,
કરી વિસર્જનના ક્યાં હું મોકલું, સઘળે તું હું ક્યાં લખું પત્ર રે,
અંબા આનન-સોહામણું.

માજીમાં તત્વ ગુણ ત્રણનું, તું તો વ્યાપી રહી સર્વવાસ રે,
સર્વ ઈદ્રિય ને સર્વ દેવતા, અંતઃકરણમાં તારો નિવાસ રે.
અંબા આનન-સોહામણું.

સ્થૂળ સૂક્ષ્મ સહુનું મૂળ તું, તું તો આદ્ય મધ્ય ને અંત રે,
સ્થાવર જંગમ સચરાચર વિષે, એમ છો પટ માંહે તંતુ રે.
અંબા આનન-સોહામણું.

કોઈ વેળુની કણિકા ગણે, કોઈ સાહી લહે રે નક્ષત્ર રે,
કોઈ ગણી ન શકે ગુણ તાહરા, ગણે સર્વ તરૂનાં પત્ર રે,
અંબા આનન-સોહામણું.

હું તો દીન થઈ અંબાજી વિનવું, આવ્યો શરણે ભવાનીદાસ રે,
જેમ દર્પણ દેખાડે મા અર્કને, એમ હું માંહે તારો આભાસ રે,
અંબા આનન-સોહામણું.

કોઈ માગે રે મા તમ કને, હુંમાં તો નહિ એવડું જ્ઞાન રે,
જેમ તેમ રે જાણો મા પોતા તણો, નામ રાખ્યું તે નાથભવાન રે,
અંબા આનન-સોહામણું. 



Tuesday, October 9, 2012

V.V.P. Engineering College

 ... આ છે સૌરાષ્ટ્રનું સર્વશ્રેષ્ઠ ઓડિટોરિયમ !!!


રાજકોટની વી.વી.પી. કોલેજમાં બનેલું નવુંનક્કોર કલામંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે, તેની સૌથી મોટી ખૂબી એ છે કે, ઓડીયન્સ ઓછું હોય તો ઓટોમેટિક પાર્ટીશન દ્વારા અર્ધું ઓડિટોરિયમ ઢાંકી શકાય છે જેથી એરકન્ડીશન - વીજળીનો વપરાશ ઘટાડી શકાય છે!!!!


`રોઝ ડે' કે `ફ્લાવર્સ ડે' કે `જીન્સ ડે' જેવા દિવસોની ઉજવણી જ્યાં ન થતી હોય એવી શૈક્ષણિક સંસ્થા શું આધુનિક ન ગણાય? જે કોલેજોમાં રેગિંગ ન થતું હોય એ શું મોર્ડન ન ગણાય? આધુનિકતાની આપણી વ્યાખ્યા બહુ વિચિત્ર છે, અતિ સંકુચિત છે. આપણે માનીએ છીએ કે, જ્યાં દેખાડા હોય ત્યાં જ ઉત્તમ શિક્ષણ હોય. વાસ્તવિકતા તેનાં કરતા અલગ હોય છે. ક્યારેક સમય અને અનુકુળતા હોય તો રાજકોટની વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લઇને અનૂભવ કરજો. આ એક એવી કોલેજ છે જ્યાં પેરેન્ટસને `ઝીરો રેગિંગ'ની ગેરેન્ટી મળે છે. પાશ્ચાત્ય દિવસો ઉજવાતા નથી અને છતાં કોલેજ લાઇફનો ત્યાં ભરપૂર આનંદ છે, ઉમદા શિક્ષણ છે, હળવાશભર્યુ વાતાવરણ છે અને શ્રેષ્ઠતમ્ પરિણામો છે.

વીવીપી કોલેજની સફળતા પાછળ કોલેજના ચેરમેન પ્રવીણકાકા મણિયારનું વિઝન કારણભૂત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છ-છ દાયકાથી સંકળાયેલા પ્રવીણકાકા એક ઉમદા શિક્ષણશાસ્ત્રી પણ છે અને પ્રથમ દરજ્જાના કલારસિક પણ છે. કોલેજની લાયબ્રેરી જુઓ ત્યાં જ એમના ઉચ્ચ ટેસ્ટનો ખ્યાલ આવી જાય. ડિજિટલ આઇ-કાર્ડ અને બાર કોડિંગ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતી આ લાયબ્રેરીમાં લગભગ 45 હજાર જેટલાં પુસ્તકો અત્યંત વ્યવસ્થિત સચવાયેલાં છે. આંખ ઠરે એવું દૃશ્ય અહીં એ જોવા મળે છે કે, 45 હજારમાંથી એકપણ પુસ્તક તાળાબંઘ્ કબાટમાં નથી, બધાં જ રેકમાં છે. અભ્યાસ ઉપરાંત અહીંયા ગુજરાતીના શ્રેષ્ઠતમ્ (ફિકશન-નોન ફિકશન) લેખકોના યાદગાર પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

વી.વી.પી. કોલેજમાં આદર્શ ભારતીય પરંપરા સાથે પાશ્ચાત્ય ટેકનોલોજીનો અને રાષ્ટ્રવાદનો ત્રિવેણી સંગમ રહ્યો છે. પ્રવીણકાકા મણિયાર આજે લગભગ 77ની ઉંમરે SMS વાંચે છે,  SMS કરી પણ શકે છે. એમને દુહા-છંદની પણ સમજ છે અને વિશ્વસાહિત્યનું પણ જ્ઞાન છે. એમણે પાછલી ત્રણ-ચાર પેઢી પણ ભાળી છે અને આજની પેઢીને પણ તેઓ સમજી શકે છે.





સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ આજકાલ નફાના ઉદેશ્યથી જ ચાલતી હોય છે. પરંતુ વી.વી.પી.નો મુખ્ય હેતૂ વ્યવસાયી તાલિમ આપીને તેનાં થકી રાષ્ટ્રનિર્માણ કરવાનો છે. અહીં વારંવાર ફી વધારાનું દૂષણ નથી. કોલેજને થતા નફામાંથી દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ કોન્ફિગરેશન ધરાવતું ઉત્તમ બ્રાન્ડનું લેપટોપ માત્ર દસ-બાર હજાર રૂપિયામાં અપાય છે. આવા લેપટોપની બજાર કિંમત ત્રીસ-પાંત્રીસ હજાર હોય છે પરંતુ એક સાથે સેંકડો-હજારો લેપટોપ લેતા હોવાથી કોલેજ સંચાલકો કંપની પાસેથી તળિયાનો ભાવ મેળવે છે. વીસ-બાવીસ હજારમાં કોલેજને મળતા લેપટોપમાં તેઓ કોલેજ વતી દસેક હજાર સબસિડી ચૂકવે છે. તેથી અંતે વિદ્યાર્થીને એ દસેક હજાર આસપાસ પડે છે. આજકાલ રાજકીય પક્ષો વિદ્યાર્થીને લેપટોપ આપવાના ચૂંટણીવચનો આપી રહ્યાં છે, પરંતુ વી.વી.પી.માં તો આ શિરસ્તો બહુ અગાઉથી જ શરૂ થઇ ગયો છે, ઢંઢેરો પીટ્યા વગર, મતની અપેક્ષા વિના.

લેપટોપ જો વિદ્યાર્થીઓને ન અપાય તો કોઇ એમને પૂછવા નથી આવવાનું, છતાં તેઓ બહુ પ્રેમપૂર્વક દર વર્ષે નવા વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ સબસિડાઇઝડ ભાવથી કરે છે. કોલેજ સંચાલકોની પ્રતિબદ્ધતાનો આ સૌથી મોટો પુરાવો છે. અહીં બધું શ્રેષ્ઠતમ્ છે. વિશાળ-લીલુંચ્છમ કેમ્પસ છે, આંતરરાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મેળવી ચૂકેલું ઇકો-ફ્રેન્ડલી કોલેજ બિલ્ડીંગ છે-જે અનેક દૃષ્ટિએ નમૂનેદાર છે. જો કે, આ લેખનું મુખ્ય પ્રયોજન છે, વી.વી.પી. ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ નિર્મિત થયેલા શ્રી ઝવેરચંદ મેઘાણી કલાભવન અંગે વાત કરવાનું. અગાઉ આપણે વાત થઇ તેમ ટ્રસ્ટના ચેરમેન પ્રવીણકાકા મણિયાર અવ્વલ દરજ્જાના કલાપારખું છે. એટલે જ એમણે કોલેજ કેમ્પસમાં આ અદ્ભુત કલાભવન સર્જયું છે. કલા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુરાવો એ પણ ગણાય કે, આ ઓડિટોરિયમને તેમણે મેઘાણીનું નામ આપ્યું છે! સંઘ સાથે સંકળાયેલા બીજા કોઇ કોલેજ સંચાલક હોય તો તેને તેઓ સંઘના અગ્રણીનું નામ આપવાની લાલચ જતી ન કરી શક્યા હોય!




  
મેઘાણી ઓડિટોરિયમ અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. સૌરાષ્ટ્રનું એ આજ સુધીમાં બનેલું સર્વશ્રેષ્ઠ ઓડિટોરિયમ છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે, એની ક્ષમતા તો 1500ની છે પણ ફંકશન જો નાનું હોય તો અડધું ઓડિટોરિયમ ઢાંકી દેવા માટેનું ફોલ્ડિંગ-ઓટોમેટિક પાર્ટિશન પણ તેમાં છે! આ સવલતના કારણે સુવ્યવસ્થા જાળવવામાં આસાની રહે છે અને એરકન્ડિશનરના બિલનો ખર્ચ પણ ખાસ્સો ઘટાડી શકાય છે. આ ઓડિટોરિયમ વિશેની વિગતો જાળવા જેવી છે. આપણે એનાં પર દૃષ્ટિપાત કરીએ તે પહેલા જાણી લો કે, અહીં મુકાયેલી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પૂર્ણ કદની છે, તે નક્કર કાંસામાંથી બનેલી છે અને તેની પાછળ બારેક લાખનો ખર્ચ થયો છે. મેઘાણીની આવી અદ્ભુત પ્રતિમા વિશ્વમાં અન્ય ક્યાંય નથી.

=================


રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી કલાભવન તથા વી.વી.પી. ઓડીટોરીયમની થોડી વિગતો:
 (1) બેઠક વ્યવસ્થાઃ
આશરે 1પ00 બેઠકોની એક જ ફલોર ઉપરની સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ બેઠક વ્યવસ્થા જે SMPTI-U.S.A. (સોસાયટી ફોર મોશન પિક્ચર અને ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ અમેરિકા)ના સ્થાપિત સ્પષ્ટ દ્રશ્ય-શ્રાવ્યના નિયમાનુસાર ગોઠવેલ છે. ખુરશીઓમાં લેખન અગર લેપટોપના સ્ટેન્ડ માટે ફોલ્ડીંગ ફલેપ બોર્ડ તથા તમામ પુશબેક ખુરશીઓ.

(2) રંગમંચ (સ્ટેજ):
100'x30'=3,000 ચો. ફુટનું સ્ટેઇજ, શાત્રીય સંગીત નૃત્ય નાટીકા - (ઓપેરા)ના પ્રદર્શનની સુવિધાઓ વર્ટીકલ કર્ટેઇન, ફલીકરીંગ લાઇટ, નીઓ નિયોન અને લાઇટ એન્જિનથી ઉપજતા મનોરમ્ય રેખાંકનો વિષય વસ્તુની થીમ પ્રમાણે દરેક સાંસ્કૃતિક કાર્યો માટે, સામાજિક કાર્યો, આધ્યત્મિક પ્રવચન માટે (32 ડી.બી.) અવાજ પ્રસારણની સુયોજિત વ્યવસ્થા જે નિરવતા પ્રદાન કરે છે.

(3) વાતાનુકુલનઃ
1પ000 ચો. ફુટના વિશાળ ક્ષેત્ર વિસ્તારમાં પ્રદુષણરહિત જેમાં રીર્ટન હવા ખેંચવા ડકટીંગ કે કોપર પાઇપીંગ-પરંપરાગત પદ્ધતિ પ્રમાણે જરૂરી નથી. આધુનિક સંશોધનમાં રણ પ્રદેશોમાં આ પદ્ધતિ ખુબ જ સફળ છે.


(4) લાઇટીંગઃ
જનરલ ઇલેકટ્રીકની લેઝર લાઇટીંગ સાથેનું e-technology દ્વારા સંપૂર્ણ પ્રકાશ નિયોજન. તાકીદની પરિસ્થિતિ માટે ડી.જી. સેટ.

(પ) સાઉન્ડ સીસ્ટમઃ
ડયુઅલ ચેન્જ ઓવર સીસ્ટમ-પ્લાસ્ટીક ક્રીન, વિડીયો કન્ફરનસીંગ, DLP સેટેલાઇટ ટ્રાન્સમીશન, એન્ડલેસ ફ્રીકવન્સી રીસ્પોન્સ.

(6) એકોસ્ટીક્સઃ
આ વિજ્ઞાનનો સૈદ્ધાંતિક ઉપયોગ જેમાં-મૂળભૂત અવાજના તરંગોનો ક્ષય થવાનો સમય-આદર્શ રીતે 1.2 સેકન્ડ, દરેક લેવલે-ખુરશીમાં SPL એટલે કે, સાઉન્ડ પ્રેસર લેવલ સમાન રહે, અવાજની તીવ્રતા એક સરખી જળવાય અને ઘોîઘાટ બીલકુલ સંભળાય નહિ તેવું આયોજન.

(7) અગ્નિ પ્રતિરોધકઃ

ISI સ્ટાન્ડર્ડ મુજબ.
સ્મોક ડીટેક્ટર્સ-સિલિંગમાં.
ફાયર એલાર્મ સીસ્ટમ-પાણીનો અનામત જથ્થો વગેરે.
વીજળી પ્રતિરોધક લાઇટનીંગ એરેસ્ટર.
વિશિષ્ટતા: 


- ભારતમાં સર્વ પ્રથમ બેઠક ક્ષમતા અન્ય પરિણામોને યથાવત જાળવીને વધ-ઘટ કરવા માટે એક્રોસ્ટીક પાર્ટીશન જે સભાગૃહને બે વિભાગમાં જુદા પાડી શકે છે.
- આધુનિક વિજ્ઞાન અને શક્ય સ્વદેશી સ્થાપથ્ય શૈલીનો સમન્વય સાધીને આ આયોજન. કુદરતી પ્રકોપનો સામનો કરી શકે તેવી માળખાકીય રચના જેમાં ભૂકંપ પ્રતિરોધકતા તેમજ ચક્રવાત સમાવિષ્ટ છે.
- ઇજનેરી વિદ્યા શાખાના તથા તમામ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે, દ્રશ્ય-શ્રાવ્ય પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમૂહમાં શિક્ષણ આપવાની ઉત્કૃષ્ટ શૈક્ષણિક ઉપલબ્ધતા.

Monday, October 8, 2012

AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN

ફિર હુઈ ધડકને તેઝ દિલ કી, 

ફિર વોહ ગુઝરે હૈ શાયદ ઇધર સે !!!

AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN



કિતની ભી યેહ રાત હસીં હો ફિર ભી સહર કી બાત અલગ હૈ,

હમ તુમ જીને કો જીતે હૈ, સાથ સફર કી બાત અલગ હૈ 


એહમદ હુસૈન - મોહમ્મદ હુસૈનનો પરિચય થયાને લગભગ બે દાયકા થયા. એમના અવાજનો પરિચય, ગાયકીનો પરિચય. એમને રૂબરૂ મળવાનું બન્યું નથી. પરંતુ સ્વર થાકી બરાબર ઓળખું છું. કારણ કે, એમની ગાયકી મેં રાત-રાત ભર જાગી ને ગટગટાવી છે. એમના ગાયનને એવી રીતે પીધું છે જાણે કોઈ અઠંગ પ્યાસી વ્યક્તિ શરાબને માણતો હોય. ખબર નહિ કેમ, મને એ જગજીત કરતા હંમેશા ચડિયાતા લાગ્યા છે. એવું સતત લાગ્યું છે કે, એમના હક્ક-હિસ્સાના યશ - કીર્તિ અને નામના એમને મળ્યા નથી. બેઉ ભાઈઓની ગાયકી આલા દરજ્જાની, સંગીતની સમજ કોઈ ઉસ્તાદ જેવી - એટલે જ તેઓ પણ "ઉસ્તાદ"ના નામથી જ ઓળખાય છે. કમ્પોઝિશનમાં ચિક્કાર વૈવિધ્ય. ક્યાંય સ્તરથી નીચે ઉતરવાની વાત જ નહિ. અને હું માનું છું કે, ગઝલ કે ગાયકીના ક્ષેત્રમાં અવાજ કરતા વધુ મહત્વ ગાયકીનું અને તર્જનું હોય છે।  


જગજીતની પુણ્યતિથિ નજીક છે, વાજબી રીતે જ એમને બહુ યાદ કરાશે. કોઈ જ તકલીફ નથી. પરંતુ નજર સામે જે બે ભાઈઓ જીવતાજાગતા, હાજરાહજૂર છે તેમને કોઈ યાદ નથી કરતુ એનો અફસોસ ક્યારેક થાય છે. સંગીત વિશે કે ફિલ્મો અંગે લખવા-બોલવામાં હું ક્યારેય કોઈની શરમ રાખતો નથી. કારણ કે, હું જે કંઈ લખું-બોલું છું તે એક ભાવક તરીકેના મારા અભિપ્રાય હોય છે, નિષ્ણાત તરીકેના નહિ. હું વિવેચક નથી, શ્રોતા કે દર્શક માત્ર છું. મારું જ્ઞાન કદાચ અલ્પ હોઈ શકે પરંતુ મારો શોખ અધકચરો નથી. મારો ટેસ્ટ છે, શક્ય છે કે, એ વાહિયાત હોય. સંભવ છે કે, એ પ્રથમ દરજ્જાનો હોય. પણ એ મારો ટેસ્ટ છે. તેમાં મારા બાયસ છે, પૂર્વગ્રહો છે અને એ પૂર્વગ્રહો છે તો હું છું. મને ખ્યાલ છે કે, દુનિયાનું બધું મ્યુઝિક સાંભળવા નથી સર્જાયું. હું માનું છું કે, જગતના દરેક ક્ષેત્રની માફક અહીં પણ કેટલાંક બ્રિલિયન્ટ લોકો. મુઠ્ઠીભર જીનિયસ લોકો અને ઝાઝાબધા મીડીયોકર લોકો હોવાના. 



AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN





   

સરખામણીની વાત નીકળી જ છે તો કહી દુ કે, જગજીત અને 
ચિત્રા જ્યારે સાથે ગાતા એ સમયની ગઝલોમાં ભરપુર વૈવિધ્ય રહેતું, રોમાન્સ અને આત્મા હતો. રોયલ આલ્બર્ટ હોલનો એમનો કાર્યક્રમ આજે પણ મારા ઓલટાઈમ ફેવરીટ આલ્બમમાંથી એક છે. એ આલ્બમ લગભગ હજાર વખત સાંભળ્યું હશે એવું કહું તો પણ અતિશયોક્તિ નહિ હોય. ગાલીબની ટી.વી. સિરિયલ માટે તેમણે કમ્પોઝ કરેલી ગઝલો પણ એટલી જ ગમે છે. જો કે, આજે પણ હું માનું છું કે, ગુલઝારે એ શ્રેણી માટે ગઝલો કમ્પોઝ કરવા અને ગાવા માટે ત્રણ-ચાર અલગઅલગ કલાકારો પસંદ કર્યા હોત તો બાત કુછ ઔર હીં હોતી... પણ પછી બધું જાણે અચાનક ખતમ થઇ ગયું. એકસરખી ધૂનો અને એકદમ ફિક્કી ગાયકી. ક્યારેક તો તેઓ પોતે જ પોતાની જૂની ધૂન ચોરી લેતા હોય એવું લાગતું. મને ઘણી વખત એવું લાગતું કે, જગતની ઉત્તમોત્તમ ગઝલોને ખતમ કરવાની, તેને સૌથી વાહિયાત રીતે કમ્પોઝ કરવાની એમનામાં અદભુત ક્ષમતા હતી. 

તમે જો અસલી શ્રોતા હોય તો ઘણાં પ્રશ્નો ઉછળતા અયડાતા રહે છે. તમારા મનમાં કયારેક વિચારોનું તોફાન ઉઠે છે. ભાઇબંધો ભેળા મળે અને સંગીતની વાત નીકળે ત્યારે એકાદ જણ અવશ્ય બોલે છે, ``અગાઉના સંગીત જેવી વાત હવે નથી રહી'' નોસ્ટાલ્જીયામાં જીવવું અમને પણ ગમતું નથી પણ સાચુ શું છે ? મેલોડીની હત્યા થઇ ગઇ ? સંગીતનું આત્માવસાન થઇ ચુક્યું છે ? રીક્ષાથી લઇ પડખેના ઘર સુધી મુન્ની બદનામ હુઈ વાગે છે, શીલા કી જવાનીથી તો હવે ભારતવર્ષના જીવજંતુઓ પણ પરિચિત છે. આટલાં ઘોંઘાટ વચ્ચે પણ સંગીતમાં સ્તબ્ધતા કેમ લાગે છે ? બેસુરો હિમેશ ખરતા તારાની માફક ચમકી પછી ફટ્ટ દેતાંક વિલોપ થઇ ગયો એમ મીકા અને મોહિત પણ એક દિવસ ઓગળી જશે અને એ દહાડો ઢુકડો છે. તુમ તો ઠહરે પરદેસી પછી અલતાફ રાજા અત્યારે દેશમાં છે કે પરદેશમાં એ પણ કોઇ જાણતું નથી. હસન જહાંગીર `હવા હવા ખુશ્બુ લુટા દે' ગાતો ત્યારે સૌ પાગલ થતા, એ કયાંક હવામાં ઓગળી ગયો. બાબા સેહગલે `આજા મેરી ગાડી મેં બૈઠ જા' કહ્યું ત્યારે થોડીવાર તો લોકોને ગમ્યું પણ હવે એની ગાડીમાં બેસવા કોઇ તૈયાર નથી. હાથી જેવી કાયાનો માલિક હોવા છતાં અદનાન સામિ ક્યાંક ખોવાઇ ગયો છે. કયારેક કોઇ અગમ્ય કારણસર કોઇનું પત્તું ચાલી જતું હોય છે. 



AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN



   

લોકો એકઠા થાય ત્યારે સારા અવાજની અને સારી ગાયકીની ભેળસેળ કરી નાંખતા હોય છે. જગજિત સિંહનો અવાજ અફલાતુન છે પણ તેનાં કરતાં તો અમારા મોરબીનાં મનસુખ વાલેરા વધુ સારું ગાય છે. તલત મહેમુદનો અવાજ તમને ગમતો હોય તો અમને વાંધો નથી પણ એમની ગાયકી બહુ સારી હતી એવું કોઇ કહે તો એને સંગીતના સોગન. લતા એક જમાનામાં બહુ સારું ગાતી, અવાજ મીઠો હતો પણ વીસ વર્ષથી એનો અવાજ હવે કાનમાં દર્દ કરે છે. સુનિધિ અને અદનાનનાં ગીતો સાંભળતી વખતે ગીતનાં મૂળ શબ્દોની પ્રિન્ટ પણ સાથે રાખવી પડે કારણ કે એમનાં ઉચ્ચારો એટલાં અસ્પષ્ટ છે કે તેઓ શું ગાઇ રહ્યા છે એ જાણવા માટે બીજો કોઇ રસ્તો જ નથી. ઉદાહરણ તરીકે સુનિધિએ `વક્ત'માં ગાયેલું હોળી ગીત અને અદનાનનું `લિફ્ટ કરા દે' સાંભળવું. સારા ગાયક બનવાનું એક મહત્વનું પાસું એ છે કે તમારા ઉચ્ચારો સ્પષ્ટ હોવા જોઇએ. ગઈકાલે કદાચ સુનિધિનો સિતારો બુલંદી પર હતો  પણ ભવિષ્ય શ્રેયા ઘોષાલનું ઉજ્જવળ છે. આજથી વીસ વર્ષ પછી સોનુ નિગમ-રફી વચ્ચે તુલના થતી હશે.
 

સંગીત પારખવું એ પણ એક કળા છે. સોલી કાપડીયાનું આલબમ `પ્રેમ એટલે કે' આવ્યું ત્યારે એક ગુજરાતી લેખકે મિત્રભાવે તેનાં વખાણ લખ્યા કે, સોલી એટલે સોલી, બાપુ ! સમજુઓએ કહ્યું કે પુરૂષોતમ ઉપાધ્યાય અને સોલી વચ્ચે સરખામણી કરવી એ રમણ લાંબા અને સચિન વચ્ચે તુલના કરવા જેવું જ પાપ છે. આજે એ વાત સાબિત થઇ ચુકી છે. ક્રિકેટમાં જેમ `વન મેચ વન્ડર' જેવા ખેલાડીઓ હોય છે, એમ સંગીતમાં એવા ગાયકો સંગીતકારો હોય છે. દલેર મહેન્દીનું ગીત જ્યારે ટીવી પર વાગતું ત્યારે શેરીમાં ગાય-બળદો પણ ભાગાભાગી કરવા લાગતા પણ લોકો વગાડતા. આજે લોકો પણ ભાગવા લાગ્યા છે તેનાંથી. 


AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN
આવા બધાં ગાયકો પાછાં પોતાનાં ભાંભરવાને જસ્ટીફાય કરતા જાણતા હોય છે. પંજાબી ગાયકો એટલું ભુંડુ ગાય છે, એટલાં જોરથી ચીસો પાડે છે કે અમારા જેવા કાનસેનો પ્રભુને પ્રાર્થના કરે છે: આવું જ સંભળાવવું હોય તો અમારી શ્રવણશક્તિ છિનવી લો, ભગવાન. પછી તેઓ કહે છે કે અમે તો સુફી ગાઇએ છીએ. હિમેશ નાકમાંથી ગાયા કરે છે અને પત્રકારો પ્રશ્ન કરે ત્યારે કહે છે કે નૂસરત ફતેહ અલીખાન પણ આવું કરતાં. નૂસરત તો બીજુ ઘણું કરી શક્તા, તેઓ એટલાં ઉંચા સૂરમાં ગાઈ શકતા જ્યાં હિમેશ જેવા લોકો હેલિકોપ્ટરમાં પણ પહોંચી શકે નહી: પણ અહીં તો નૂસરત સાહેબનું નામ આપી દેવાનું એટલે પત્યું. દિલકો બહેલાને કો યહ ખયાલ અચ્છા હે... 

કુમાર સાનુ અત્યંત ચાંપલા અવાજે કિશોરની નકલ કરે અને પછી કહે કે કયો એવો ગાયક છે જે કિશોરદા થકી પ્રભાવિત ના હોય ? સોનુ નિગમ રફીનાં પડછાયામાંથી બહાર નહોતો આવ્યો ત્યાં સુધી પીટાતો રહ્યો `પરદેશ'ના `યે દિલ... દિવાના... હૈ યે દિલ' દ્વારા સોનુને પ્રથમ વખત અસલી સોનુ સાથે મળવાનું બન્યું પછી તેની ભિતર રહેલો ગાયક જાગ્યો. ઉદિત નારાયણને મળેલી સફળતા આજે પણ વૈજ્ઞાનિકો માટે અણઉકેલ કોયડો છે.



છેલ્લે વાત કરવી છે હાલનાં અને જુના સંગીત વચ્ચેની સરખામણીની. સારા ગાયકો અગાઉ પણ હતા, આજે પણ છે. સંગીતકારો વિશે પણ એવું કહી શકાય. અગાઉ રફી, નૌશાદ, લતા, મદનમોહન હતા. તો આજે રહેમાન, શ્રેયા, સોનુ, રાહત, શફકત અમાનત અલી જેવા લોકો છે પણ સંગીતનું સ્તર નીચું આવ્યું છે એ વાત નિશંક છે. બાય ધ વે, બાત કહાં સે શુરુ હુઈ ઔર કહાં પહુંચ ગઈ!!! ... તો હાજર છે, મને સૌથી વધુ ગમતા ગઝલ ગાયકોમાંના એક (આમ તો બે!) એહમદ હુસૈન અને મોહમ્મદ હુસૈન. મને ખ્યાલ નથી કે, તમારામાંથી કેટલા લોકોને એ ગમશે. પરંતુ મને એટલો ખ્યાલ છે કે, તેઓ મને તો અપાર પ્રિય છે અને રહેશે.




નીચે આપેલા યુટ્યુબ વિડીયો પર એહમદ અને મોહમ્મદ હુસૈનની ગઝલો સાંભળો , શક્ય છે કે, તમને પણ એટલો જ આનંદ આવે, 
જેટલો મને આવે છે!  

આઈને સે કબ તલક તુમ અપના દિલ 








કિતની ભી યેહ રાત હસીં  હો 







વફા કે દીપ મૈ કબ સે જલાયે બૈઠા હું 








અચ્છા યેહ મુહબ્બત કા  અસર દેખ રહ હું 





મૈ હવા હું કહાં વતન મેરા 




 ઝુલ્ફ બિખરા કે નિકલે વોહ ઘર સે










 અય સનમ તુજ સે મેં જબ દુર ચલા જાઉંગા ...





કભી યું ભી આ મેરી આંખ મેં, કે મેરી નઝર કો  ...





=================================





RECENTLY ADDED 


જબ પ્યાર નહિ હૈ તો ભૂલા કયું નહિ દેતે .....






તુમ બિન  કૌન ખબર લે।।   ભજન 






તુમ્હારી યાદ મે પાઈ હૈ જબ કમી મૈને 






મેરી નાઝનીન ...






ચલ મેરે સાથ હી ચલ 







નીચે આપેલી લિન્ક્સ પર ક્લિક કરો અને 
હુસ્સૈન બ્રધર્સના આખા આલ્બમ ડાઉનલોડ કરો...























(આ આલ્બમ મારું ફેવરીટ છે)









Tuesday, September 25, 2012

આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!



માન્યું કે ભાદરવાના તડકા આકરા હોય છે... પરંતુ નજરુંના તીરમાં ક્યાં ઓછી ટાઢક હોય છે! 
અન્યાય ... અન્યાય .... ઘોર અન્યાય.... 
ગુજરાતના યુવાનો બાપડા હરખાતા હરખાતા સવારમાં ફૂલફટાક થઇ ને નીકળી પડે અને લીલોતરી ને બદલે નજરે શું ચડે? 
એકવીસમી સદીના આધુનિક બુરખાઓ ધારણ કરેલી આવી તિતલીઓ ? 
જરા વિચારો, તેમના હૈયા પર કેવો વજ્રઘાત થતો હશે!
આ બુરખાના પણ પાછા મલ્ટિપલ ઉપયોગ: 
બગીચામાં છાનામાના કોઈને મળવું હોય તો બુરખો...
દબાતા પગલે ફિલ્લમ જોવા જવું હોય તો બુરખો...
કોઈના બાઈક પાછળ બેસવું હોય તો બુરખો....
કોલેજ બન્ક કરવી હોય તો બુરખો....
આમ અગણિત ઉપયોગ ધરાવતા આ બુરખાને કારણે યુવતીઓને તો નિરાંત છે પરંતુ યુવકોનું શું?
આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!
ગુજરાતના યુવાનોના ચહેરા પર ગુજરાતી યુવતીઓની જોરદાર થપ્પડ!

Monday, September 24, 2012

કે. લાલ: ઈશ્વર સૌથી મોટો જાદુગર છે


K. Lal
એમની માયાજાળ સિત્તેર - સિત્તેર વર્ષ સુધી ચાલી. 1940માં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વંથલી ગામે તેમણે પ્રથમ પ્રયોગ કર્યો. ત્યારે ઉંમર હતી 15 વર્ષ. અને આખરી વિદાય લીધી ત્યારે એમની ઉંમર લગભગ ૮૫ વર્ષ. કાંતિલાલ ગિરધરલાલ વોરા નામના આ કાઠિયાવાડી જાદુગર કડી થાક્યા નહિ. એમની સ્ફુર્તિ આઠ - આઠ દાયકા સુધી અકબંધ રહી. ૭૦ વર્ષ દરમિયાન તેમણે ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં લગભગ 18,500 શો કર્યા. આટલા શો વિશ્વના અન્ય કોઈ જ જાદુગરે કર્યા નથી તેવો તેમનો દાવો હતો. કાંતિલાલ ગિરધરલાલ વોરા નામ કંઈ અજાણ્યું લાગતું હોય તો તેમનું એક અન્ય નામ પણ છે. કે. લાલ. જાદુગર કે. લાલ. 
રિડિફ ડોટ કોમ માટે એક મુલાકાત લેવા મારે એમની સાથે પ્રથમ વખત મળવાનું બન્યું. અને પછી લગભગ ત્રણ બેઠકે ઇન્ટરવ્યુ થયો. એ આખી મુલાકાત જેમની તેમ અહીં મૂકી રહ્યો છું. એમના જ શબ્દોમાં ....

મારું બચપણ 

ગુજરાતી લોકસાહિત્યને સમૃદ્ધ કરનાર ઝવેરચંદ મેઘાણીનું અને મારું વતન એક જ અમરેલી જિલ્લાનું બગસરા ગામ. અમારા ગામેથી જ મહાત્મા ગાંધીએ સત્યાગ્રહનું એલાન આપ્યું હતું. મારા દાદા ગામના નગરશેઠ. ગામનું મહેમાન એ અમારું મહેમાન. કથાકાર હોય, લોક કલાકાર હોય કે પછી મદારી હોય અથવા આવા કોઈ પણ લોકો હોય. એ બધાનો ઉતારો અમારે ત્યાં જ હોય. જાતજાતના લોકોને મળવાનું થાય. 

હું જ્યારે છ વર્ષનો હતો ત્યારે મારા મોટા કાકાએ કલકત્તામાં ખાદી ભંડાર ચલાવવાનું છોડીને મારા પિતાને કલકત્તા બોલાવ્યા. કુટુંબ સાથે અમે કલકત્તા ગયા. બંગાળના મોટા મોટા જાદુગર પણ એ સમયે અડધો કલાકનો શો જ કરતા. 1947માં કલકત્તાની શ્યામબજારમાં જાદુગરોનું મોટું અધિવેશન હતું. એક નાના ગજાના જાદુગર તરીકે હું પણ ત્યાં ગયો હતો. બંગાળના મોટા મોટા જાદુગરો વચ્ચે એ ઉંમરે મેં માઇકમાં બે શબ્દો કહેવાની માગણી કરી. ઘણી વિનંતી પછી મને માઇક આપવામાં આવ્યું. મેં કહ્યું કે `આપણે સૌ જાદુગરો મોટી મોટી મૂછો રાખીએ છીએ, ડરામણાં મોઢાં રાખીએ છીએ, આંખ પરની નેણ પરાણે મોટી કરીએ છીએ, એકમાત્ર કાળો કોટ પહેરીએ છીએ અને તેના પર પણ જેટલા મળ્યા હોય એટલા ચાંદ લગાવીએ છીએ. છથી નવ ઇંચની ઊંચી હેટ પહેરીએ છીએ. આ બધું લોકોને ગમતું નથી. લોકો જાદુને માણવાને બદલે તેનાથી ડરવા માંડે છે. આપણે સૌ ખલનાયક જેવા લાગીએ છીએ અને વિલન કોઈને ગમતા નથી. આપણે હીરો બનીએ તો વધુ સારું રહેશે. અમેરિકન હેટ છોડીને રજવાડી પાઘડી પહેરીએ. ભારતીય પરંપરાને એ બંધબેસતું રહેશે. શેરવાની પણ જરૂરી છે. ત્યારના જાદુગરોને નભિમાંથી રાડો પાડીને બોલવાનું કહેવામાં આવતું. મેં કહ્યું કે `આવા બૂમબરાડા પણ જરૂરી નથી.' મારી આવી રજૂઆતથી ત્યાં હાજર રહેલા સૌ માંધાતાઓ ઉશ્કેરાઈ ગયા. એક વડીલે મારો ખભો પકડયો અને મને જબરદસ્તીથી બેસાડી દીધો. તેમણે મને કહ્યું , `અબે સાલે, તું ગુજરાતી કેસે જાદુગર બન સકતા હૈ, હમકો સલાહ દેને વાલા તૂ હોતા કૌન હૈ.' 

એમની ગાળ મને હાડોહાડ લાગી ગઈ. ગુજરાતીઓ શા માટે જાદુગર ન બની શકે? એ સજ્જનની વાત કરવાની ઢબ બિલકુલ યોગ્ય ન હતી. ગુજરાતીઓ પ્રત્યેનો તેમનો સૌનો અણગમો છતો થઈ જતો હતો. હું આખો ગુસ્સાથી ધ્રૂજતો હતો. દોડીને મેં ફરી માઇક ઝૂંટવી લીધું. હું ફટાફટ બોલવા માંડયો... `તમે ગુજરાતી વિશે મને મહેણાં મારો છો, પણ લખી રાખજો કે એક ગુજરાતી જે ક્ષેત્રમાં પગ મૂકે છે ત્યાં એ સર્વોપરી બને છે. અને હું એ વાત સાબિત કરી આપીશ.' 

મારો પ્રથમ પ્રયોગ 

એ બનાવને કારણે હું અંદરથી હચમચી ગયો હતો. પેલા સજ્જનનાં મહેણાંઓનો જડબાતોડ જવાબ આપવા માટે મેં જાતજાતની આઇટમો બનાવવા માંડી. કેટલાક અદ્ભુત પ્રયોગ તૈયાર કર્યા. 1951માં મેં મારો જાદુનો કાર્યક્રમ નિહાળવા માટે 300 જાદુગરોને આમંત્રણ આપ્યું. 

સ્થળ; રોકસી થિયેટર, કલકત્તા. 

મુંબઈથી મશહૂર જાદુગર ગોગિયા પાસા આવ્યા. મારા ગુરુભાઈ પી. સી. સરકાર પણ આવ્યા. એ શો પાછળ મેં વર્ષો મહેનત કરી હતી. અડધા કલાકના શોના એ જમાનામાં મેં ત્રણ કલાકનો એક શો કર્યો. નમ્રતાપૂર્વક કહું તો પ્રયોગ એટલો અદ્ભુત રહ્યો કે, બધા જ જાદુગરો મોંમાં આંગળાં નાખી ગયા. મેં મારા શોનું શક્ય એટલું ભારતીયકરણ કરી નાખ્યું. રાતોરાત જાદુની, જાદુગરની વ્યાખ્યા બદલાઈ ગઈ. 

જાદુનો જાદુ 

બાળપણથી જ આ કળા પ્રત્યે મને ખેંચાણ. ઘેર આવતા મહેમાનોમાં ઘણી વાર મદારીઓ પણ હોય. બીજા બધા દોસ્તારો મદારીથી બીવે, પણ હું તો એની પણ ભાઈબંધી કરી લઉં. ઘેર કંઈ સારું બન્યું હોય તો ચૂપચાપ મદારીઓના ઉતારા પર એ વાનગી લઈને પહોંચી જાઉં અને બદલામાં ક્યારેક એકાદ જાદુ પણ શીખી લઉં. ત્યારથી જ મનમાં ઊંડે ઊંડે જાદુગર બનવાના કોડ જાગ્યા. મદારી પાસેથી શીખેલા હાથચાલાકીના ખેલ શાળાના શિક્ષકો અને સહાધ્યાયીઓને દેખાડું. તેઓ કદર કરે અને મને કંઈક અલગ જ ખુશી થાય. એ અરસામાં જ કલકત્તા શિફ્ટ થવાનું બન્યું. પિતા પૈસેટકે ખૂબ જ સુખી. મને તેમણે કલકત્તાની એંગ્લો-ઇન્ડિયન સ્કૂલમાં દાખલ કર્યો. નાની ઉંમરથી જ હું પિતાની દુકાને બેસતો પણ મને ભણવામાં કે ધંધામાં બહુ રસ નહોતો પડતો. મને તો નાટક, ભવાઈ અને જાદુ જ ગમતાં. બંગાળ તો જાદુગરોનું સ્વર્ગ ગણાતું. પણ એ સમયે જાદુકળા માત્ર પ્રદર્શન પૂરતી જ મર્યાદિત. પ્રોફેશનલ ટચ હજુ તેમાં એટલી હદે નહોતો. અડધા કલાકના શો થાય અને 30-40 જણ એ જુએ. એ અરસામાં મારા કાકા મને બંગાળના જાણીતા જાદુગર ગણપતિ ચક્રવર્તીનો શો જોવા લઈ ગયા. મારી ઉંમર ત્યારે લગભગ બાર વર્ષ. શો પત્યા પછી મેં તેમના જાદુની એક આઇટમની થિયરી તેમને કહી. તેઓ દંગ રહી ગયા. તેમણે મને રોજ તેમની પાસે આવવા કહ્યું. ઘરના વડીલો પાસેથી આવી વાત માટે રજા મળે એવું તો વિચારી જ ન શકાય. એ પણ એ જમાનામાં? તેથી હું સ્કૂલે જતાં-આવતાં છાનોમાનો તેમની પાસે પહોંચી જતો. આવી જ રીતે ગોસાઇન નામના એક બીજા જાદુગર પાસે પણ હું અવનવી તરકીબો શીખવા પહોંચી જતો. 

1939ની વાત છે. અચાનક જ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અમારું કુટુંબ કલકત્તાથી બગસરા પરત આવી ગયું. 1940ની સાલમાં અમારે એક સંબંધીના લગ્નપ્રસંગે બગસરાથી વંથલી જાન લઈને જવાનું થયું. સગાંસંબંધીઓ વચ્ચે ત્યાં મેં અડધો કલાકનો એક નાનકડો શો કર્યો. ઘણા પ્રયોગો દેખાડયા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સગાંસંબંધીઓએ તાળીઓ તો ખૂબ પાડી પણ ઘેર આવતાં મને થપ્પડો પણ એટલી જ પડી. ગામમાં વાયુવેગે વાત ફેલાઈ કે `કાન્તિયો' કાળો જાદુ શીખીને આવ્યો છે. વાણિયાનો છોકરો સ્મશાનવિદ્યા અને ડાકણવિદ્યામાં પડયો એવું પણ લોકો ચર્ચવા લાગ્યા. પિતાજીએ અને બાએ મારી ધોલાઈ કરી નાખી. આખી જ્ઞાતિએ અમારા ઘરનું પાણી પણ હરામ કર્યું. અંધશ્રદ્ધાનો એ યુગ. 

હું એમને સમજાવતો કે હું કદી સ્મશાનમાં ગયો નથી. મેં કોઈ દેવને સિદ્ધ નથી કર્યા. પણ તેઓ મારી વાત સમજવા તૈયાર નહોતા. ત્યારથી જ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે આ કળા વિશે લોકોમાં રહેતી અંધશ્રદ્ધા હું દૂર કરીશ. 42-43ના વર્ષમાં અમારું કુટુંબ ફરી કલકત્તા ગયું. એ સમયે બંગાળમાં ગીતાકુમાર નામના એક જાદુગરનું જબરું નામ હતું. મેં મનમાં તેમને ગુરુ માની લીધા અને એક દિવસ વાસ્તવમાં જ તેમની મુલાકાત થઈ. એમની પાસે મેં જાદુ શીખવાનું શરૂ કર્યું. શાળામાં ગાપચી મારવાનું નિયમિત થઈ ગયું હતું. સતત ગેરહાજરીને કારણે મને મેટ્રિકની પરીક્ષામાં બેસવા ન મળ્યું. ભણવામાં અને ધંધામાં મન ન લાગ્યું તે ન લાગ્યું અને હું જાદુગર બનીને રહ્યો. 

પેટ્રોમેક્સથી કોમ્પ્યુટર સુધી 

1951ની સાલમાં મેં 300 જાદુગરો સમક્ષ એક અદ્ભુત શો કર્યો. જાદુના જે શો થતા હતા તેમાં માત્ર ચાર બલ્બનો અને પેટ્રોમેક્સનો જ પ્રયોગ થતો. મારા એ શોમાં મેં અનોખી લાઇટિગનો ઉપયોગ કર્યો. એ દહાડે મેં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ ચાલુ કર્યો. આજે તો હું મારી અમુક `આઇટમ'માં કોમ્પ્યુટર્સનો પણ ભારોભાર ઉપયોગ કરું છું. કોમ્પ્યુટરની કમાલ અને મારી હાથચાલાકીના પ્રતાપે એક સ્ત્રીના ટુકડેટુકડા જોવા મળે છે. 1951માં મેજિક શોને હું પેટ્રોમેક્સના યુગમાંથી બહાર લાવ્યો હતો. આજે કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરું છું ! ૫૦-૬૦ વર્ષોમાં કેટકેટલાં પરિવર્તનો આવી ગયાં આ ક્ષેત્રમાં! 



K. Lal 
મનોરંજનનાં આધુનિક માધ્યમો આવી ગયાં છે. વીતેલાં આ વર્ષો દરમિયાન જાદુનું આકર્ષણ બેશક થોડું ઓછું થયું છે. જોકે સાવ એવું નથી. હમણાં અમે સુરતમાં દોઢ મહિનાનો કાર્યક્રમ નક્કી કરીને ગયા હતા. પણ લોકોનો રિસ્પોન્સ એટલો હતો કે સાડા ચાર મહિના સુધી અમારે ત્યાં રોકાવું પડયું. ભુજમાં કાર્યક્રમ ચાલુ હતો ત્યારે `કૌન બનેગા કરોડપતિ'માં એક યુવાનને એક કરોડ રૂપિયાનું ઇનામ મળવાનું હતું. યુનિટમાં સૌને ચિતા હતી કે એ દિવસે આપણા ખેલ દરમિયાન પ્રેક્ષકો આવશે કે કેમ. ખેલ બંધ રાખવાની વિચારણા પણ ચાલુ હતી. પણ મેં કહ્યું,  `શો મસ્ટ ગો ઓન'. અમે શો ચાલુ રાખ્યો. અને ધાર્યા કરતાં અનેક ગણા પ્રેક્ષકો એ દિવસે આવ્યા. જોકે આ માહોલ ક્યાં સુધી ચાલુ રહેશે તેની અમને સૌને ચિતા છે. આ કળામાં સતત નવા-નવા પ્રયોગો કરતાં રહેવાનું હવે અનિવાર્ય બન્યું છે. 

મારો જાપાનીઝ અનુભવ 

 ૬૦-૭૦ વર્ષોની મારી કારકિર્દી દરમિયાન મેં સતત સંશોધનો કર્યાં છે. એટલે જ કદાચ હું આટલી હદે સફળ રહ્યો. વિશ્વના ખૂણે ખૂણે હું શો કરવા પહોંચી શક્યો છું. ફિજી જેવા ટચૂકડા દેશમાં છ મહિના સુધી શો કર્યા છે, મોરિશિયસમાં પાંચ મહિના રોકાયો હતો. આ 60 વર્ષોમાં નવ વર્ષ તો જાપાનમાં રોકાયો છું. છ-છ મહિનાના વિઝા પર અઢાર વખત જાપાન ગયો છું. જાપાન દેશનો સર્વોચ્ચ ગણાતો ખિતાબ `સાકી' પણ મને જાપાન સરકારે આપ્યો છે. આ એવોર્ડ મેળવનાર હું એકમાત્ર `બિનજાપાની' છું. જાપાનમાં મેં લગભગ 3200 શો કર્યા છે. 

જાપાનના મહાન ખગોળશાત્રી મીક્ષ્યો ઇનોવા એક વખત મારો શો જોવા આવ્યા હતા. શો પત્યા પછી તેમણે કહ્યું કે, ``અમને લાખો માઈલ દૂરના ગ્રહોની ગતિની ગતાગમ પડે છે પણ નજર સામે કાર્યક્રમ આપતા કે. લાલની ગતિવિધિની ખબર નથી પડતી.'' બીજા દિવસે જાપાનનાં લગભગ તમામ અખબારોએ ઇનોવાનું આ સ્ટેટમેન્ટ છાપ્યું. 

એ પછી જાપાની પ્રજા મારા પર વધુ ઓળઘોળ બની ગઈ. જાપાનની સરકારે ત્યાંના નાગરિકત્વની મને ઓફર કરી. મેં સવિનય અસ્વીકાર કર્યો. કુદરતે ખૂબ પ્રતિષ્ઠા અને નામના આપી છે. 250 કરતાં વધુ એવોર્ડ મને મળ્યા છે. 

મશહૂર જાદુગર પોલ ડેનિયલે એક વખત મારો શો જોઈને કહેલું કે, ``કે. લાલ જેટલી આઇટમ ત્રણ કલાકના શોમાં રજૂ કરે છે એટલી આઇટમ રજૂ કરતાં મને નવ કલાક લાગે.'' ન્યુ ઝીલેન્ડ અને ફિજીએ પણ તેમની સિટીઝનશિપની મને ઓફર કરી હતી. આટઆટલાં સન્માન મળ્યાં એ પાછળ ખરેખર ખૂબ મહેનત કરી છે. જાદુનો બધો આધાર ઝડપ, લાઇટિગ અને મહેનત પર હોય છે. આજે એક શો દરમિયાન હું 600 ડ્રેસ બદલાવું છું. ધર્મપત્ની પુષ્પાનો ટેકો પણ બહુ મળ્યો છે. મેં જ્યારે જાદુના શો કરવાનું નક્કી કર્યું ત્યારે એ માટેનાં સાધનો ખરીદવા પત્નીએ દાગીના વેચવા પડેલા. ઘણાં વર્ષો એણે મારા સ્ટેજની વ્યવસ્થા અને અન્ય તમામ જવાબદારી સંભાળી છે. 

જિંદગીની ખાટી-મીઠી 

સારા અનુભવો પુષ્કળ થયા છે તેમ ખરાબ અનુભવો પણ ઓછા નથી થયા. 1963માં મુંબઈની પોદાર કોલેજમાં `માટુંગા ગુજરાતી સમાજ' દ્વારા મારો એક શો યોજાયો. બંગાળના જાદુગરો સાથે ઘણાં વર્ષોથી બારમો ચંદ્ર. એક ટોચના બંગાળી જાદુગરે `લેડી કટિગ'ની જોખમી આઇટમમાં મારા જ યુનિટના એક કર્મચારીને પૈસા આપીને મારી ઇલેક્ટ્રિક કરવતનાં નટબોલ્ટ ઢીલાં કરાવી નાખ્યાં. સ્વિચ ચાલુ થતાં જ ઇલેક્ટ્રિક કરવત ઘરઘરાટી સાથે ચાલુ થઈ. હું તો મારા ખેલમાં મશગૂલ હતો પણ પત્ની પુષ્પાની નજર કરવત પર પડી. એનાથી ચીસ પડી ગઈ. પણ શો આગળ વધારવાનું જરૂરી હતું. માંડ માંડ એ ખેલ મેં પૂરો કર્યો. 

હું જરાપણ ગાફેલ રહ્યો હોત તો અમારા યુનિટની એ બંગાળી છોકરીનાં છોતરાં નીકળી જાત. પણ ઈશ્વરની કૃપાથી એવું કશું જ ન થયું. ત્યારે મને લાગ્યું કે જગતનો સૌથી મહાન જાદુગર કોઈ હોય તો એ ઈશ્વર જ છે. બેકસ્ટેજમાં જઈને મેં મારા પેલા કર્મચારી સામે જોયું. એ ભાંગી પડયો. એણે બધું કબૂલી લીધું. કરવતનાં બેરિંગ નીકળી ગયાં હોવાથી મેં બે હાથ બેરિંગની જગ્યાએ રાખ્યા હતા. એ દરમિયાન મારા બન્ને હાથ, હથેળી સખત છોલાઈ ગયાં. એ પછી પેલા મહાન જાદુગરે મને કદી મોં દેખાડયું નથી. એ બનાવથી મને સખત આઘાત લાગ્યો હતો. શરીરમાંથી ચેતન હણાઈ ગયું. કોઈની પ્રગતિ, કોઈની આંખમાં આટલી હદે ખૂંચી શકે! મહિનાઓ સુધી હું હતપ્રભ બની ગયો હતો. 

આવો વિચિત્ર અનુભવ એક વખત બહેરિનમાં પણ મને થયો હતો. હું બહેરિન ગયો ત્યારે ત્યાં કાળા વાવટાથી મારું સ્વાગત થયું. ત્યાંના રાજાના કોઈએ કાન ભંભેર્યા હતા કે કે. લાલ ભારતીય જાસૂસ છે. મેં મારા શોમાં `વોટર ઓફ ઇન્ડિયા'ની આઇટમની શરૂઆત કરી. એ મારી રેગ્યુલર આઇટમ હતી અને છે. પણ બહેરિનના રાજાએ મને ફરમાન કર્યું કે એ પ્રયોગમાં `વોટર ઓફ ઇન્ડિયા'ને બદલે `વોટર ઓફ બહેરિન' બોલવું. મેં તેમને સમજાવ્યું કે, `હું ભારતીય છું એટલે માત્ર દેશપ્રેમને કારણે જ આવું બોલું છે.' બાદશાહ ન માન્યા. એમણે મને કહ્યું કે, `બહેરિનમાં શો કરવા હશે તો વોટર ઓફ બહેરિન બોલવું પડશે.' મને એમની વાત મારા અને ખાસ કરીને ભારતના અપમાન જેવી લાગી. અમારા સ્પોન્સરે મારી પાસેથી સાડા સાત લાખ રૂપિયા પાછા માગી લીધા. સ્ટીમર વાટે માલ પરત મોકલવાના 50 હજાર રૂપિયા પણ મારે ચૂકવવા પડયા. બહેરિનમાં રહેવાનું ભારે થઈ ગયું હતું. અંતે ત્યાંના એક સરદારજી મારી વહારે આવ્યા. રાતોરાત એમણે મને ભારત પાછો મોકલ્યો. બહેરિનના શાસકોની એ હરકતના કારણે મારા એ પછીના દુબઈના અને મસ્કતના શો રદ થયા. ત્યારથી મેં ગાંઠ વાળી છે કે મધ્યપૂર્વના દેશોમાં કદી ન જવું. 

મિડલ ઇસ્ટના અન્ય એક દેશ, કુવૈતમાં તો વળી સાવ વિચિત્ર અનુભવ થયો હતો. ઇસ્લામમાં જાદુને વર્જ્ય ગણવામાં આવ્યો છે. મેં મારી જાહેરાતોમાં લખ્યું હતું કે `જીવતી સ્ત્રીના ટુકડા કરીને તેને ફરી સજીવન થતી જુઓ.' ત્યાં લોકો કહે છે કે માણસને મારવો કે સાજો કરવો એ ખુદાનું કામ છે. કોઈ ઇન્સાન એ કાર્ય કેવી રીતે કરી શકે! કુવૈતના શેખે મારો વિરોધ કર્યો. મેં તેમને તેમના મહેલમાં જઈને સમજાવ્યા કે આ કોઈ કાળો જાદુ નથી, માત્ર હાથચાલાકી છે. માંડ તેમણે મને સાત દિવસની મંજૂરી આપી. પણ કુવૈતના લોકોનો એવો રિસ્પોન્સ મળ્યો કે મેં ત્યાં સાત મહિના સુધી શો કર્યા. પરમિશન પણ મળી. અને કુવૈતનો સર્વોચ્ચ ખિતાબ પણ મને એનાયત થયો! 

જાતજાતના અનુભવો થયા છે. અમેરિકાના જ્હોન હાલ્વર્ટ, રશિયાના સેમન રૂબોનોયે અને ઓસ્ટ્રેલિયાના કેન લેટલથૂડ જેવા સર્વકાલીન જાદુગરોએ મને નવાજ્યો છે. છતાં હું માનું છું કે હજુ હું ઘણુ શીખી શકું છું. જાદુવિદ્યાને લગતાં 10 હજાર કરતાં વધુ પુસ્તકો મારી પાસે છે. એ બધાંનો હું સતત અભ્યાસ કરતો રહું છું. ઇન્દિરા ગાંધીએ એક વખત અમદાવાદમાં મારો શો જોયા પછી `મેજિક ઇન્સ્ટિટયુટ' શરૂ કરવાની ઓફર કરી હતી. એ માટે દસ કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે તૈયારી દર્શાવી. જોકે એ સ્વપ્ન ક્યારેય પૂરું ન થયું. 

આજે પણ દરેક શોનો પ્રારંભ શ્રીફળ વધેરીને, નવકાર મંત્રથી કરું છું. હતાશાના ઘણા તબક્કા આવ્યા છે. ઈશ્વરે એ બધાં જ વિઘ્નો પાર કરાવ્યાં છે. એવો જ સધિયારો હતો સ્વ. જયભિખ્ખુનો. સાહિત્યકાર જયભિખ્ખુ મારા પ્રેરણાગુરુ રહ્યા છે. નિષ્ફળતા અને ચિંતાથી ઘેરાઈ જઉં ત્યારે એમના પત્રો મલમ જેવું કામ કરતા. એમના પત્રો મને મળતા ન હોત તો હું કદી આ સ્તરે પહોંચી ન શક્યો હોત. પુત્ર હસમુખ પણ જુનિયર કે. લાલ તરીકે અત્યારે સાથે જ શો કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ એક પરિમાણ મારા શોમાં ઉમેરાયું છે. પણ હજુ લોકોની જાદુ પ્રત્યેની ઞષ્ટિ બહુ બદલાઈ નથી. કેટલાક લોકો આજે પણ મેજિકને કાળો જાદુ કે સ્મશાની વિદ્યા માને છે. 

અંધશ્રદ્ધા દૂર કરવા એટલે જ હું સતત પ્રયત્નશીલ છું. મેં સત્ય સાંઈબાબાને પણ ચમત્કાર સાબિત કરવા પડકાર ફેંક્યો હતો. આંધ્રમાં મારા કાર્યક્રમ દરમિયાન પત્રકારોની હાજરીમાં મેં તેમનાથી પણ વધુ ભસ્મ કાઢીને બતાવી હતી. ત્યારે કેટલાંક અખબારોએ લખ્યું હતું કે સત્ય સાંઈબાબા છળકપટ કરે છે. આનાથી ઉશ્કેરાઈ, આંધ્રના એક પ્રધાને મારું લાઇસન્સ પણ રદ કર્યું હતું. એ પછી મેં સત્ય સાંઈબાબાને સામસામે બેસવાની ચેલેન્જ કરી. તેઓ તૈયાર થયા અને છેલ્લી ઘડીએ ફરી ગયા. હું તો માનું છું કે જાદુટોણાંનો દાવો કરતા આ બધા બાવા-સાધુ અને ફકીરો અસફળ જાદુગરો જ છે. એનાથી વિશેષ કશું જ નહીં. છેલ્લાં પચાસ વર્ષોમાં ઘણું બદલાયું છે પણ આવાં ધતિગ હજુ અવિરત ચાલુ છે. અંધશ્રદ્ધા હજુ અખંડ છે. 

Saturday, September 22, 2012

સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે! કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે



અમે તો આવું બી લખીએ!! 
કવિતા મારો વિષય નથી પણ વિષયમાં જ બંધાઈ રહેવું એ ફિતરત નથી. 
ક્યારેક બહુ આવેગો અને સંવેદના અનુભવાય અને આવું કંઇક ભીતરથી સરી પડે.
આવી રચનાને શું કહેવાય એ ખ્યાલ નથી, રચના કહેવાય કે નહિ એ પણ રામ જાણે. 
તમને ગમશે કે નહિ એ મને ખ્યાલ નથી, પણ ફીડબેકની પરવા કાર્ય વગર સતત આવું કશુંક ટપકતું રહેવાનું છે એ ખ્યાલ છે. 
કદાચ એ કોઈ બિમારી હશે. નહિ માલુમ. ક્યાંથી આવતું હશે, કોને ખબર. 
શક્ય છે કે, કદાચ એ અનુભવોનો અર્ક હોય,
એવી પણ શક્યતા કે, એ ઠાલો તર્ક હોય.
એ શું છે એ તમે નક્કી કરજો, મને તો એટલો ખ્યાલ છે કે, એ લખ્યાનો મને આનંદ થયો.
તમને વાંચતા કષ્ટ પડે તો માનજો કે, કોઈ બાપડા નવોદિતનો ઉત્સાહ ભાંગી ના જાય એટલે તમે વેઠી લીધું.... 
=========================================



ના! હું છંદોબદ્ધ નહિ લખું 
હું બંધારણમાં પણ નહિ કહું 
આપણાં શ્વાસોનું એકબીજાનામાં ઘોળાઈ જવું એ શિખરીણી છે કે મંદાક્રાન્તા?
મારું અને તારું એકમેકમાં ઓગળી જવું એટલે શું? 
સ્વાગતા કે રથોદ્વતા? 
અને તને જોઉં જ્યારે મઘમઘતી કે તગતગતી ...
ત્યારે એને શેમાં વર્ણવવું?:
રુચિરામાં?, માલિની?, સુવદના?, કે સ્રગ્ધરામાં? 
આ લાગણીઓ ક્યાં કદી બંધારણમાં માને છે 
એને આપણે લાગલગા ગાલગાલ કહીએ તો ક્યાં ચાલે છે!
એ આમતેમ દોડતી રહે છે, ભાગતી, અથડાતી-કુટાતી અને ફરી સર્જાતી 
હું ક્યારેક દુહામાં કહેવા જાઉં અને હાલત હોય ઓથેલો જેવી
ક્યારેક હોથલ જેવા હાલ અને જીભે આવે ઓપેરા 
કોઈ વખત વાત હોય યુગો જેવડી અને લોકો કહે કે, હાઈકુમાં કહો 
ક્યારેક કંઈ જ ના કહેવું હોય અને આગ્રહ થાય કે ખંડકાવ્ય ફરમાવો
ઉર્મીઓ આમતેમ અફળાતી હોય ત્યારે ગઝલ  કેમ કરી લખું?
જાત આખી રિબાતી હોય ત્યાં હઝલ શીદને લખાય?
સોનેટમાં આવી આખી દાસ્તાન કેમ કરી ને મંડાય?
ભીતર હોય કોલાહલ અને ગેય રચના કેમ કરી લખવી?
પ્રગટે માંહે સુરાવલી ત્યારે અગેય કેમ કરી આલેખવી?
સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે!
કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે 
સંધિઓ છુટ્ટી પડે છે ત્યારે અલંકારો સઘળા ઓગળી જાય છે
જીવનમાં એક ઝંઝાવાત ફૂંકાય છે અને તાલ - માત્રાનો છેદ ઉડી જાય છે
દુખડાનો વ્યતિરેક થાય થાય ત્યારે જિંદગી વ્યાજસ્તુતિ કરતી હોય એવું લાગે
આ માયાજાળ સ્વયમ એક શ્લેષ છે 
અને આપણે એને ઉપમા કેમ કરી આપીએ?
આ નિપાત, આ કર્તરિ અને આ વિભક્તિ... 
આયખું આવી કોઈ સંજ્ઞામાં માનતું નથી
તારા અને મારા સંબંધોનું કોઈ બંધારણ નથી
એને અલંકારોની જરૂર નથી અને છંદોબદ્ધ એ થઇ ના શકે
એ હાઈકુમાં સમાતા નથી અને ગઝલમાં સચવાતા નથી
તેની સંધિ છુટ્ટી નથી અને સમાસ બન્યો નથી 
એટલે જ......
 ના! હું છંદોબદ્ધ નહિ લખું 
હું બંધારણમાં પણ નહિ કહું !

-કિન્નર આચાર્ય