Tuesday, September 25, 2012

આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!



માન્યું કે ભાદરવાના તડકા આકરા હોય છે... પરંતુ નજરુંના તીરમાં ક્યાં ઓછી ટાઢક હોય છે! 
અન્યાય ... અન્યાય .... ઘોર અન્યાય.... 
ગુજરાતના યુવાનો બાપડા હરખાતા હરખાતા સવારમાં ફૂલફટાક થઇ ને નીકળી પડે અને લીલોતરી ને બદલે નજરે શું ચડે? 
એકવીસમી સદીના આધુનિક બુરખાઓ ધારણ કરેલી આવી તિતલીઓ ? 
જરા વિચારો, તેમના હૈયા પર કેવો વજ્રઘાત થતો હશે!
આ બુરખાના પણ પાછા મલ્ટિપલ ઉપયોગ: 
બગીચામાં છાનામાના કોઈને મળવું હોય તો બુરખો...
દબાતા પગલે ફિલ્લમ જોવા જવું હોય તો બુરખો...
કોઈના બાઈક પાછળ બેસવું હોય તો બુરખો....
કોલેજ બન્ક કરવી હોય તો બુરખો....
આમ અગણિત ઉપયોગ ધરાવતા આ બુરખાને કારણે યુવતીઓને તો નિરાંત છે પરંતુ યુવકોનું શું?
આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!
ગુજરાતના યુવાનોના ચહેરા પર ગુજરાતી યુવતીઓની જોરદાર થપ્પડ!

Monday, September 24, 2012

કે. લાલ: ઈશ્વર સૌથી મોટો જાદુગર છે


K. Lal
એમની માયાજાળ સિત્તેર - સિત્તેર વર્ષ સુધી ચાલી. 1940માં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વંથલી ગામે તેમણે પ્રથમ પ્રયોગ કર્યો. ત્યારે ઉંમર હતી 15 વર્ષ. અને આખરી વિદાય લીધી ત્યારે એમની ઉંમર લગભગ ૮૫ વર્ષ. કાંતિલાલ ગિરધરલાલ વોરા નામના આ કાઠિયાવાડી જાદુગર કડી થાક્યા નહિ. એમની સ્ફુર્તિ આઠ - આઠ દાયકા સુધી અકબંધ રહી. ૭૦ વર્ષ દરમિયાન તેમણે ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં લગભગ 18,500 શો કર્યા. આટલા શો વિશ્વના અન્ય કોઈ જ જાદુગરે કર્યા નથી તેવો તેમનો દાવો હતો. કાંતિલાલ ગિરધરલાલ વોરા નામ કંઈ અજાણ્યું લાગતું હોય તો તેમનું એક અન્ય નામ પણ છે. કે. લાલ. જાદુગર કે. લાલ. 
રિડિફ ડોટ કોમ માટે એક મુલાકાત લેવા મારે એમની સાથે પ્રથમ વખત મળવાનું બન્યું. અને પછી લગભગ ત્રણ બેઠકે ઇન્ટરવ્યુ થયો. એ આખી મુલાકાત જેમની તેમ અહીં મૂકી રહ્યો છું. એમના જ શબ્દોમાં ....

મારું બચપણ 

ગુજરાતી લોકસાહિત્યને સમૃદ્ધ કરનાર ઝવેરચંદ મેઘાણીનું અને મારું વતન એક જ અમરેલી જિલ્લાનું બગસરા ગામ. અમારા ગામેથી જ મહાત્મા ગાંધીએ સત્યાગ્રહનું એલાન આપ્યું હતું. મારા દાદા ગામના નગરશેઠ. ગામનું મહેમાન એ અમારું મહેમાન. કથાકાર હોય, લોક કલાકાર હોય કે પછી મદારી હોય અથવા આવા કોઈ પણ લોકો હોય. એ બધાનો ઉતારો અમારે ત્યાં જ હોય. જાતજાતના લોકોને મળવાનું થાય. 

હું જ્યારે છ વર્ષનો હતો ત્યારે મારા મોટા કાકાએ કલકત્તામાં ખાદી ભંડાર ચલાવવાનું છોડીને મારા પિતાને કલકત્તા બોલાવ્યા. કુટુંબ સાથે અમે કલકત્તા ગયા. બંગાળના મોટા મોટા જાદુગર પણ એ સમયે અડધો કલાકનો શો જ કરતા. 1947માં કલકત્તાની શ્યામબજારમાં જાદુગરોનું મોટું અધિવેશન હતું. એક નાના ગજાના જાદુગર તરીકે હું પણ ત્યાં ગયો હતો. બંગાળના મોટા મોટા જાદુગરો વચ્ચે એ ઉંમરે મેં માઇકમાં બે શબ્દો કહેવાની માગણી કરી. ઘણી વિનંતી પછી મને માઇક આપવામાં આવ્યું. મેં કહ્યું કે `આપણે સૌ જાદુગરો મોટી મોટી મૂછો રાખીએ છીએ, ડરામણાં મોઢાં રાખીએ છીએ, આંખ પરની નેણ પરાણે મોટી કરીએ છીએ, એકમાત્ર કાળો કોટ પહેરીએ છીએ અને તેના પર પણ જેટલા મળ્યા હોય એટલા ચાંદ લગાવીએ છીએ. છથી નવ ઇંચની ઊંચી હેટ પહેરીએ છીએ. આ બધું લોકોને ગમતું નથી. લોકો જાદુને માણવાને બદલે તેનાથી ડરવા માંડે છે. આપણે સૌ ખલનાયક જેવા લાગીએ છીએ અને વિલન કોઈને ગમતા નથી. આપણે હીરો બનીએ તો વધુ સારું રહેશે. અમેરિકન હેટ છોડીને રજવાડી પાઘડી પહેરીએ. ભારતીય પરંપરાને એ બંધબેસતું રહેશે. શેરવાની પણ જરૂરી છે. ત્યારના જાદુગરોને નભિમાંથી રાડો પાડીને બોલવાનું કહેવામાં આવતું. મેં કહ્યું કે `આવા બૂમબરાડા પણ જરૂરી નથી.' મારી આવી રજૂઆતથી ત્યાં હાજર રહેલા સૌ માંધાતાઓ ઉશ્કેરાઈ ગયા. એક વડીલે મારો ખભો પકડયો અને મને જબરદસ્તીથી બેસાડી દીધો. તેમણે મને કહ્યું , `અબે સાલે, તું ગુજરાતી કેસે જાદુગર બન સકતા હૈ, હમકો સલાહ દેને વાલા તૂ હોતા કૌન હૈ.' 

એમની ગાળ મને હાડોહાડ લાગી ગઈ. ગુજરાતીઓ શા માટે જાદુગર ન બની શકે? એ સજ્જનની વાત કરવાની ઢબ બિલકુલ યોગ્ય ન હતી. ગુજરાતીઓ પ્રત્યેનો તેમનો સૌનો અણગમો છતો થઈ જતો હતો. હું આખો ગુસ્સાથી ધ્રૂજતો હતો. દોડીને મેં ફરી માઇક ઝૂંટવી લીધું. હું ફટાફટ બોલવા માંડયો... `તમે ગુજરાતી વિશે મને મહેણાં મારો છો, પણ લખી રાખજો કે એક ગુજરાતી જે ક્ષેત્રમાં પગ મૂકે છે ત્યાં એ સર્વોપરી બને છે. અને હું એ વાત સાબિત કરી આપીશ.' 

મારો પ્રથમ પ્રયોગ 

એ બનાવને કારણે હું અંદરથી હચમચી ગયો હતો. પેલા સજ્જનનાં મહેણાંઓનો જડબાતોડ જવાબ આપવા માટે મેં જાતજાતની આઇટમો બનાવવા માંડી. કેટલાક અદ્ભુત પ્રયોગ તૈયાર કર્યા. 1951માં મેં મારો જાદુનો કાર્યક્રમ નિહાળવા માટે 300 જાદુગરોને આમંત્રણ આપ્યું. 

સ્થળ; રોકસી થિયેટર, કલકત્તા. 

મુંબઈથી મશહૂર જાદુગર ગોગિયા પાસા આવ્યા. મારા ગુરુભાઈ પી. સી. સરકાર પણ આવ્યા. એ શો પાછળ મેં વર્ષો મહેનત કરી હતી. અડધા કલાકના શોના એ જમાનામાં મેં ત્રણ કલાકનો એક શો કર્યો. નમ્રતાપૂર્વક કહું તો પ્રયોગ એટલો અદ્ભુત રહ્યો કે, બધા જ જાદુગરો મોંમાં આંગળાં નાખી ગયા. મેં મારા શોનું શક્ય એટલું ભારતીયકરણ કરી નાખ્યું. રાતોરાત જાદુની, જાદુગરની વ્યાખ્યા બદલાઈ ગઈ. 

જાદુનો જાદુ 

બાળપણથી જ આ કળા પ્રત્યે મને ખેંચાણ. ઘેર આવતા મહેમાનોમાં ઘણી વાર મદારીઓ પણ હોય. બીજા બધા દોસ્તારો મદારીથી બીવે, પણ હું તો એની પણ ભાઈબંધી કરી લઉં. ઘેર કંઈ સારું બન્યું હોય તો ચૂપચાપ મદારીઓના ઉતારા પર એ વાનગી લઈને પહોંચી જાઉં અને બદલામાં ક્યારેક એકાદ જાદુ પણ શીખી લઉં. ત્યારથી જ મનમાં ઊંડે ઊંડે જાદુગર બનવાના કોડ જાગ્યા. મદારી પાસેથી શીખેલા હાથચાલાકીના ખેલ શાળાના શિક્ષકો અને સહાધ્યાયીઓને દેખાડું. તેઓ કદર કરે અને મને કંઈક અલગ જ ખુશી થાય. એ અરસામાં જ કલકત્તા શિફ્ટ થવાનું બન્યું. પિતા પૈસેટકે ખૂબ જ સુખી. મને તેમણે કલકત્તાની એંગ્લો-ઇન્ડિયન સ્કૂલમાં દાખલ કર્યો. નાની ઉંમરથી જ હું પિતાની દુકાને બેસતો પણ મને ભણવામાં કે ધંધામાં બહુ રસ નહોતો પડતો. મને તો નાટક, ભવાઈ અને જાદુ જ ગમતાં. બંગાળ તો જાદુગરોનું સ્વર્ગ ગણાતું. પણ એ સમયે જાદુકળા માત્ર પ્રદર્શન પૂરતી જ મર્યાદિત. પ્રોફેશનલ ટચ હજુ તેમાં એટલી હદે નહોતો. અડધા કલાકના શો થાય અને 30-40 જણ એ જુએ. એ અરસામાં મારા કાકા મને બંગાળના જાણીતા જાદુગર ગણપતિ ચક્રવર્તીનો શો જોવા લઈ ગયા. મારી ઉંમર ત્યારે લગભગ બાર વર્ષ. શો પત્યા પછી મેં તેમના જાદુની એક આઇટમની થિયરી તેમને કહી. તેઓ દંગ રહી ગયા. તેમણે મને રોજ તેમની પાસે આવવા કહ્યું. ઘરના વડીલો પાસેથી આવી વાત માટે રજા મળે એવું તો વિચારી જ ન શકાય. એ પણ એ જમાનામાં? તેથી હું સ્કૂલે જતાં-આવતાં છાનોમાનો તેમની પાસે પહોંચી જતો. આવી જ રીતે ગોસાઇન નામના એક બીજા જાદુગર પાસે પણ હું અવનવી તરકીબો શીખવા પહોંચી જતો. 

1939ની વાત છે. અચાનક જ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અમારું કુટુંબ કલકત્તાથી બગસરા પરત આવી ગયું. 1940ની સાલમાં અમારે એક સંબંધીના લગ્નપ્રસંગે બગસરાથી વંથલી જાન લઈને જવાનું થયું. સગાંસંબંધીઓ વચ્ચે ત્યાં મેં અડધો કલાકનો એક નાનકડો શો કર્યો. ઘણા પ્રયોગો દેખાડયા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સગાંસંબંધીઓએ તાળીઓ તો ખૂબ પાડી પણ ઘેર આવતાં મને થપ્પડો પણ એટલી જ પડી. ગામમાં વાયુવેગે વાત ફેલાઈ કે `કાન્તિયો' કાળો જાદુ શીખીને આવ્યો છે. વાણિયાનો છોકરો સ્મશાનવિદ્યા અને ડાકણવિદ્યામાં પડયો એવું પણ લોકો ચર્ચવા લાગ્યા. પિતાજીએ અને બાએ મારી ધોલાઈ કરી નાખી. આખી જ્ઞાતિએ અમારા ઘરનું પાણી પણ હરામ કર્યું. અંધશ્રદ્ધાનો એ યુગ. 

હું એમને સમજાવતો કે હું કદી સ્મશાનમાં ગયો નથી. મેં કોઈ દેવને સિદ્ધ નથી કર્યા. પણ તેઓ મારી વાત સમજવા તૈયાર નહોતા. ત્યારથી જ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે આ કળા વિશે લોકોમાં રહેતી અંધશ્રદ્ધા હું દૂર કરીશ. 42-43ના વર્ષમાં અમારું કુટુંબ ફરી કલકત્તા ગયું. એ સમયે બંગાળમાં ગીતાકુમાર નામના એક જાદુગરનું જબરું નામ હતું. મેં મનમાં તેમને ગુરુ માની લીધા અને એક દિવસ વાસ્તવમાં જ તેમની મુલાકાત થઈ. એમની પાસે મેં જાદુ શીખવાનું શરૂ કર્યું. શાળામાં ગાપચી મારવાનું નિયમિત થઈ ગયું હતું. સતત ગેરહાજરીને કારણે મને મેટ્રિકની પરીક્ષામાં બેસવા ન મળ્યું. ભણવામાં અને ધંધામાં મન ન લાગ્યું તે ન લાગ્યું અને હું જાદુગર બનીને રહ્યો. 

પેટ્રોમેક્સથી કોમ્પ્યુટર સુધી 

1951ની સાલમાં મેં 300 જાદુગરો સમક્ષ એક અદ્ભુત શો કર્યો. જાદુના જે શો થતા હતા તેમાં માત્ર ચાર બલ્બનો અને પેટ્રોમેક્સનો જ પ્રયોગ થતો. મારા એ શોમાં મેં અનોખી લાઇટિગનો ઉપયોગ કર્યો. એ દહાડે મેં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ ચાલુ કર્યો. આજે તો હું મારી અમુક `આઇટમ'માં કોમ્પ્યુટર્સનો પણ ભારોભાર ઉપયોગ કરું છું. કોમ્પ્યુટરની કમાલ અને મારી હાથચાલાકીના પ્રતાપે એક સ્ત્રીના ટુકડેટુકડા જોવા મળે છે. 1951માં મેજિક શોને હું પેટ્રોમેક્સના યુગમાંથી બહાર લાવ્યો હતો. આજે કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરું છું ! ૫૦-૬૦ વર્ષોમાં કેટકેટલાં પરિવર્તનો આવી ગયાં આ ક્ષેત્રમાં! 



K. Lal 
મનોરંજનનાં આધુનિક માધ્યમો આવી ગયાં છે. વીતેલાં આ વર્ષો દરમિયાન જાદુનું આકર્ષણ બેશક થોડું ઓછું થયું છે. જોકે સાવ એવું નથી. હમણાં અમે સુરતમાં દોઢ મહિનાનો કાર્યક્રમ નક્કી કરીને ગયા હતા. પણ લોકોનો રિસ્પોન્સ એટલો હતો કે સાડા ચાર મહિના સુધી અમારે ત્યાં રોકાવું પડયું. ભુજમાં કાર્યક્રમ ચાલુ હતો ત્યારે `કૌન બનેગા કરોડપતિ'માં એક યુવાનને એક કરોડ રૂપિયાનું ઇનામ મળવાનું હતું. યુનિટમાં સૌને ચિતા હતી કે એ દિવસે આપણા ખેલ દરમિયાન પ્રેક્ષકો આવશે કે કેમ. ખેલ બંધ રાખવાની વિચારણા પણ ચાલુ હતી. પણ મેં કહ્યું,  `શો મસ્ટ ગો ઓન'. અમે શો ચાલુ રાખ્યો. અને ધાર્યા કરતાં અનેક ગણા પ્રેક્ષકો એ દિવસે આવ્યા. જોકે આ માહોલ ક્યાં સુધી ચાલુ રહેશે તેની અમને સૌને ચિતા છે. આ કળામાં સતત નવા-નવા પ્રયોગો કરતાં રહેવાનું હવે અનિવાર્ય બન્યું છે. 

મારો જાપાનીઝ અનુભવ 

 ૬૦-૭૦ વર્ષોની મારી કારકિર્દી દરમિયાન મેં સતત સંશોધનો કર્યાં છે. એટલે જ કદાચ હું આટલી હદે સફળ રહ્યો. વિશ્વના ખૂણે ખૂણે હું શો કરવા પહોંચી શક્યો છું. ફિજી જેવા ટચૂકડા દેશમાં છ મહિના સુધી શો કર્યા છે, મોરિશિયસમાં પાંચ મહિના રોકાયો હતો. આ 60 વર્ષોમાં નવ વર્ષ તો જાપાનમાં રોકાયો છું. છ-છ મહિનાના વિઝા પર અઢાર વખત જાપાન ગયો છું. જાપાન દેશનો સર્વોચ્ચ ગણાતો ખિતાબ `સાકી' પણ મને જાપાન સરકારે આપ્યો છે. આ એવોર્ડ મેળવનાર હું એકમાત્ર `બિનજાપાની' છું. જાપાનમાં મેં લગભગ 3200 શો કર્યા છે. 

જાપાનના મહાન ખગોળશાત્રી મીક્ષ્યો ઇનોવા એક વખત મારો શો જોવા આવ્યા હતા. શો પત્યા પછી તેમણે કહ્યું કે, ``અમને લાખો માઈલ દૂરના ગ્રહોની ગતિની ગતાગમ પડે છે પણ નજર સામે કાર્યક્રમ આપતા કે. લાલની ગતિવિધિની ખબર નથી પડતી.'' બીજા દિવસે જાપાનનાં લગભગ તમામ અખબારોએ ઇનોવાનું આ સ્ટેટમેન્ટ છાપ્યું. 

એ પછી જાપાની પ્રજા મારા પર વધુ ઓળઘોળ બની ગઈ. જાપાનની સરકારે ત્યાંના નાગરિકત્વની મને ઓફર કરી. મેં સવિનય અસ્વીકાર કર્યો. કુદરતે ખૂબ પ્રતિષ્ઠા અને નામના આપી છે. 250 કરતાં વધુ એવોર્ડ મને મળ્યા છે. 

મશહૂર જાદુગર પોલ ડેનિયલે એક વખત મારો શો જોઈને કહેલું કે, ``કે. લાલ જેટલી આઇટમ ત્રણ કલાકના શોમાં રજૂ કરે છે એટલી આઇટમ રજૂ કરતાં મને નવ કલાક લાગે.'' ન્યુ ઝીલેન્ડ અને ફિજીએ પણ તેમની સિટીઝનશિપની મને ઓફર કરી હતી. આટઆટલાં સન્માન મળ્યાં એ પાછળ ખરેખર ખૂબ મહેનત કરી છે. જાદુનો બધો આધાર ઝડપ, લાઇટિગ અને મહેનત પર હોય છે. આજે એક શો દરમિયાન હું 600 ડ્રેસ બદલાવું છું. ધર્મપત્ની પુષ્પાનો ટેકો પણ બહુ મળ્યો છે. મેં જ્યારે જાદુના શો કરવાનું નક્કી કર્યું ત્યારે એ માટેનાં સાધનો ખરીદવા પત્નીએ દાગીના વેચવા પડેલા. ઘણાં વર્ષો એણે મારા સ્ટેજની વ્યવસ્થા અને અન્ય તમામ જવાબદારી સંભાળી છે. 

જિંદગીની ખાટી-મીઠી 

સારા અનુભવો પુષ્કળ થયા છે તેમ ખરાબ અનુભવો પણ ઓછા નથી થયા. 1963માં મુંબઈની પોદાર કોલેજમાં `માટુંગા ગુજરાતી સમાજ' દ્વારા મારો એક શો યોજાયો. બંગાળના જાદુગરો સાથે ઘણાં વર્ષોથી બારમો ચંદ્ર. એક ટોચના બંગાળી જાદુગરે `લેડી કટિગ'ની જોખમી આઇટમમાં મારા જ યુનિટના એક કર્મચારીને પૈસા આપીને મારી ઇલેક્ટ્રિક કરવતનાં નટબોલ્ટ ઢીલાં કરાવી નાખ્યાં. સ્વિચ ચાલુ થતાં જ ઇલેક્ટ્રિક કરવત ઘરઘરાટી સાથે ચાલુ થઈ. હું તો મારા ખેલમાં મશગૂલ હતો પણ પત્ની પુષ્પાની નજર કરવત પર પડી. એનાથી ચીસ પડી ગઈ. પણ શો આગળ વધારવાનું જરૂરી હતું. માંડ માંડ એ ખેલ મેં પૂરો કર્યો. 

હું જરાપણ ગાફેલ રહ્યો હોત તો અમારા યુનિટની એ બંગાળી છોકરીનાં છોતરાં નીકળી જાત. પણ ઈશ્વરની કૃપાથી એવું કશું જ ન થયું. ત્યારે મને લાગ્યું કે જગતનો સૌથી મહાન જાદુગર કોઈ હોય તો એ ઈશ્વર જ છે. બેકસ્ટેજમાં જઈને મેં મારા પેલા કર્મચારી સામે જોયું. એ ભાંગી પડયો. એણે બધું કબૂલી લીધું. કરવતનાં બેરિંગ નીકળી ગયાં હોવાથી મેં બે હાથ બેરિંગની જગ્યાએ રાખ્યા હતા. એ દરમિયાન મારા બન્ને હાથ, હથેળી સખત છોલાઈ ગયાં. એ પછી પેલા મહાન જાદુગરે મને કદી મોં દેખાડયું નથી. એ બનાવથી મને સખત આઘાત લાગ્યો હતો. શરીરમાંથી ચેતન હણાઈ ગયું. કોઈની પ્રગતિ, કોઈની આંખમાં આટલી હદે ખૂંચી શકે! મહિનાઓ સુધી હું હતપ્રભ બની ગયો હતો. 

આવો વિચિત્ર અનુભવ એક વખત બહેરિનમાં પણ મને થયો હતો. હું બહેરિન ગયો ત્યારે ત્યાં કાળા વાવટાથી મારું સ્વાગત થયું. ત્યાંના રાજાના કોઈએ કાન ભંભેર્યા હતા કે કે. લાલ ભારતીય જાસૂસ છે. મેં મારા શોમાં `વોટર ઓફ ઇન્ડિયા'ની આઇટમની શરૂઆત કરી. એ મારી રેગ્યુલર આઇટમ હતી અને છે. પણ બહેરિનના રાજાએ મને ફરમાન કર્યું કે એ પ્રયોગમાં `વોટર ઓફ ઇન્ડિયા'ને બદલે `વોટર ઓફ બહેરિન' બોલવું. મેં તેમને સમજાવ્યું કે, `હું ભારતીય છું એટલે માત્ર દેશપ્રેમને કારણે જ આવું બોલું છે.' બાદશાહ ન માન્યા. એમણે મને કહ્યું કે, `બહેરિનમાં શો કરવા હશે તો વોટર ઓફ બહેરિન બોલવું પડશે.' મને એમની વાત મારા અને ખાસ કરીને ભારતના અપમાન જેવી લાગી. અમારા સ્પોન્સરે મારી પાસેથી સાડા સાત લાખ રૂપિયા પાછા માગી લીધા. સ્ટીમર વાટે માલ પરત મોકલવાના 50 હજાર રૂપિયા પણ મારે ચૂકવવા પડયા. બહેરિનમાં રહેવાનું ભારે થઈ ગયું હતું. અંતે ત્યાંના એક સરદારજી મારી વહારે આવ્યા. રાતોરાત એમણે મને ભારત પાછો મોકલ્યો. બહેરિનના શાસકોની એ હરકતના કારણે મારા એ પછીના દુબઈના અને મસ્કતના શો રદ થયા. ત્યારથી મેં ગાંઠ વાળી છે કે મધ્યપૂર્વના દેશોમાં કદી ન જવું. 

મિડલ ઇસ્ટના અન્ય એક દેશ, કુવૈતમાં તો વળી સાવ વિચિત્ર અનુભવ થયો હતો. ઇસ્લામમાં જાદુને વર્જ્ય ગણવામાં આવ્યો છે. મેં મારી જાહેરાતોમાં લખ્યું હતું કે `જીવતી સ્ત્રીના ટુકડા કરીને તેને ફરી સજીવન થતી જુઓ.' ત્યાં લોકો કહે છે કે માણસને મારવો કે સાજો કરવો એ ખુદાનું કામ છે. કોઈ ઇન્સાન એ કાર્ય કેવી રીતે કરી શકે! કુવૈતના શેખે મારો વિરોધ કર્યો. મેં તેમને તેમના મહેલમાં જઈને સમજાવ્યા કે આ કોઈ કાળો જાદુ નથી, માત્ર હાથચાલાકી છે. માંડ તેમણે મને સાત દિવસની મંજૂરી આપી. પણ કુવૈતના લોકોનો એવો રિસ્પોન્સ મળ્યો કે મેં ત્યાં સાત મહિના સુધી શો કર્યા. પરમિશન પણ મળી. અને કુવૈતનો સર્વોચ્ચ ખિતાબ પણ મને એનાયત થયો! 

જાતજાતના અનુભવો થયા છે. અમેરિકાના જ્હોન હાલ્વર્ટ, રશિયાના સેમન રૂબોનોયે અને ઓસ્ટ્રેલિયાના કેન લેટલથૂડ જેવા સર્વકાલીન જાદુગરોએ મને નવાજ્યો છે. છતાં હું માનું છું કે હજુ હું ઘણુ શીખી શકું છું. જાદુવિદ્યાને લગતાં 10 હજાર કરતાં વધુ પુસ્તકો મારી પાસે છે. એ બધાંનો હું સતત અભ્યાસ કરતો રહું છું. ઇન્દિરા ગાંધીએ એક વખત અમદાવાદમાં મારો શો જોયા પછી `મેજિક ઇન્સ્ટિટયુટ' શરૂ કરવાની ઓફર કરી હતી. એ માટે દસ કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે તૈયારી દર્શાવી. જોકે એ સ્વપ્ન ક્યારેય પૂરું ન થયું. 

આજે પણ દરેક શોનો પ્રારંભ શ્રીફળ વધેરીને, નવકાર મંત્રથી કરું છું. હતાશાના ઘણા તબક્કા આવ્યા છે. ઈશ્વરે એ બધાં જ વિઘ્નો પાર કરાવ્યાં છે. એવો જ સધિયારો હતો સ્વ. જયભિખ્ખુનો. સાહિત્યકાર જયભિખ્ખુ મારા પ્રેરણાગુરુ રહ્યા છે. નિષ્ફળતા અને ચિંતાથી ઘેરાઈ જઉં ત્યારે એમના પત્રો મલમ જેવું કામ કરતા. એમના પત્રો મને મળતા ન હોત તો હું કદી આ સ્તરે પહોંચી ન શક્યો હોત. પુત્ર હસમુખ પણ જુનિયર કે. લાલ તરીકે અત્યારે સાથે જ શો કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ એક પરિમાણ મારા શોમાં ઉમેરાયું છે. પણ હજુ લોકોની જાદુ પ્રત્યેની ઞષ્ટિ બહુ બદલાઈ નથી. કેટલાક લોકો આજે પણ મેજિકને કાળો જાદુ કે સ્મશાની વિદ્યા માને છે. 

અંધશ્રદ્ધા દૂર કરવા એટલે જ હું સતત પ્રયત્નશીલ છું. મેં સત્ય સાંઈબાબાને પણ ચમત્કાર સાબિત કરવા પડકાર ફેંક્યો હતો. આંધ્રમાં મારા કાર્યક્રમ દરમિયાન પત્રકારોની હાજરીમાં મેં તેમનાથી પણ વધુ ભસ્મ કાઢીને બતાવી હતી. ત્યારે કેટલાંક અખબારોએ લખ્યું હતું કે સત્ય સાંઈબાબા છળકપટ કરે છે. આનાથી ઉશ્કેરાઈ, આંધ્રના એક પ્રધાને મારું લાઇસન્સ પણ રદ કર્યું હતું. એ પછી મેં સત્ય સાંઈબાબાને સામસામે બેસવાની ચેલેન્જ કરી. તેઓ તૈયાર થયા અને છેલ્લી ઘડીએ ફરી ગયા. હું તો માનું છું કે જાદુટોણાંનો દાવો કરતા આ બધા બાવા-સાધુ અને ફકીરો અસફળ જાદુગરો જ છે. એનાથી વિશેષ કશું જ નહીં. છેલ્લાં પચાસ વર્ષોમાં ઘણું બદલાયું છે પણ આવાં ધતિગ હજુ અવિરત ચાલુ છે. અંધશ્રદ્ધા હજુ અખંડ છે. 

Saturday, September 22, 2012

સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે! કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે



અમે તો આવું બી લખીએ!! 
કવિતા મારો વિષય નથી પણ વિષયમાં જ બંધાઈ રહેવું એ ફિતરત નથી. 
ક્યારેક બહુ આવેગો અને સંવેદના અનુભવાય અને આવું કંઇક ભીતરથી સરી પડે.
આવી રચનાને શું કહેવાય એ ખ્યાલ નથી, રચના કહેવાય કે નહિ એ પણ રામ જાણે. 
તમને ગમશે કે નહિ એ મને ખ્યાલ નથી, પણ ફીડબેકની પરવા કાર્ય વગર સતત આવું કશુંક ટપકતું રહેવાનું છે એ ખ્યાલ છે. 
કદાચ એ કોઈ બિમારી હશે. નહિ માલુમ. ક્યાંથી આવતું હશે, કોને ખબર. 
શક્ય છે કે, કદાચ એ અનુભવોનો અર્ક હોય,
એવી પણ શક્યતા કે, એ ઠાલો તર્ક હોય.
એ શું છે એ તમે નક્કી કરજો, મને તો એટલો ખ્યાલ છે કે, એ લખ્યાનો મને આનંદ થયો.
તમને વાંચતા કષ્ટ પડે તો માનજો કે, કોઈ બાપડા નવોદિતનો ઉત્સાહ ભાંગી ના જાય એટલે તમે વેઠી લીધું.... 
=========================================



ના! હું છંદોબદ્ધ નહિ લખું 
હું બંધારણમાં પણ નહિ કહું 
આપણાં શ્વાસોનું એકબીજાનામાં ઘોળાઈ જવું એ શિખરીણી છે કે મંદાક્રાન્તા?
મારું અને તારું એકમેકમાં ઓગળી જવું એટલે શું? 
સ્વાગતા કે રથોદ્વતા? 
અને તને જોઉં જ્યારે મઘમઘતી કે તગતગતી ...
ત્યારે એને શેમાં વર્ણવવું?:
રુચિરામાં?, માલિની?, સુવદના?, કે સ્રગ્ધરામાં? 
આ લાગણીઓ ક્યાં કદી બંધારણમાં માને છે 
એને આપણે લાગલગા ગાલગાલ કહીએ તો ક્યાં ચાલે છે!
એ આમતેમ દોડતી રહે છે, ભાગતી, અથડાતી-કુટાતી અને ફરી સર્જાતી 
હું ક્યારેક દુહામાં કહેવા જાઉં અને હાલત હોય ઓથેલો જેવી
ક્યારેક હોથલ જેવા હાલ અને જીભે આવે ઓપેરા 
કોઈ વખત વાત હોય યુગો જેવડી અને લોકો કહે કે, હાઈકુમાં કહો 
ક્યારેક કંઈ જ ના કહેવું હોય અને આગ્રહ થાય કે ખંડકાવ્ય ફરમાવો
ઉર્મીઓ આમતેમ અફળાતી હોય ત્યારે ગઝલ  કેમ કરી લખું?
જાત આખી રિબાતી હોય ત્યાં હઝલ શીદને લખાય?
સોનેટમાં આવી આખી દાસ્તાન કેમ કરી ને મંડાય?
ભીતર હોય કોલાહલ અને ગેય રચના કેમ કરી લખવી?
પ્રગટે માંહે સુરાવલી ત્યારે અગેય કેમ કરી આલેખવી?
સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે!
કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે 
સંધિઓ છુટ્ટી પડે છે ત્યારે અલંકારો સઘળા ઓગળી જાય છે
જીવનમાં એક ઝંઝાવાત ફૂંકાય છે અને તાલ - માત્રાનો છેદ ઉડી જાય છે
દુખડાનો વ્યતિરેક થાય થાય ત્યારે જિંદગી વ્યાજસ્તુતિ કરતી હોય એવું લાગે
આ માયાજાળ સ્વયમ એક શ્લેષ છે 
અને આપણે એને ઉપમા કેમ કરી આપીએ?
આ નિપાત, આ કર્તરિ અને આ વિભક્તિ... 
આયખું આવી કોઈ સંજ્ઞામાં માનતું નથી
તારા અને મારા સંબંધોનું કોઈ બંધારણ નથી
એને અલંકારોની જરૂર નથી અને છંદોબદ્ધ એ થઇ ના શકે
એ હાઈકુમાં સમાતા નથી અને ગઝલમાં સચવાતા નથી
તેની સંધિ છુટ્ટી નથી અને સમાસ બન્યો નથી 
એટલે જ......
 ના! હું છંદોબદ્ધ નહિ લખું 
હું બંધારણમાં પણ નહિ કહું !

-કિન્નર આચાર્ય 

Friday, August 31, 2012

CAG Vinod Rai

ભારતીય બ્યુરોક્રસી અને વિનોદ રાય: 
એક બાબુ ધારે તો શું ન કરી શકે ? 


CAG Vinod Rai

દિગ્વિજય અને મનીષ તિવારી જેવા શઠ લોકોને જેનું નામ સાંભળતાં ચૂંક આવે છે એ વિનોદ રાયએ ભારતના ઓડિટર જનરલની ખુરસી ખરા અર્થમાં શોભાવી છે. કોમનવેલ્થથી લઇ કોલસા કૌભાંડ સુધીના તેમના અહેવાલોએ ચોર-બદમાશ રાજકારણીઓને નાકે દમ કરી દીધો છે. આપણે સૌ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ માટે અન્ના, રામદેવ અને સુબ્રમનીયમ સ્વામીને ભલે યશ આપીએ પરંતુ એ માટેનો સૌથી વધુ યશ વિનોદ રાયને મળવો જોઈએ કારણ કે, અદાલતોમાં સ્વામી વગેરે જેના  આધારે કેઈસ લડે છે તે રીપોર્ટ વિનોદ રાયએ તૈયાર કર્યા છે. ભ્રષ્ટ મનમોહનના ચહેરા પરનો નકાબ હટાવવામાં પણ સૌથી મોટી ભૂમિકા એમની જ રહી છે. પરંતુ સમસ્યા એ છે કે, કોઇ એક ટી.એન. શેષન આવે ત્યારે જ આપણને ઇલેકશન કમિશનનું મહત્વ સમજાય છે. સી.વી.સી.માં કેટલી તાકાત છે તે જાણવા દાયકાઓ સુધી આપણે એન. વિટ્ટલ જેવા અધિકારીની રાહ જોવી પડે છે. એટલે જ તાજેતરમાં સિંગાપોરની એક એજન્સીએ કરેલા સર્વેમાં ભારતીય બ્યુરોક્રસીને એશિયાની સૌથી ભૂંડી બાબુશાહીનો ખિતાબ મળ્યો છે. બ્યુરોક્રસી જો સુધરે તો દરેક ભારતીયના જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકશે...
========================================


દેશ એક સમયે "સોને કી ચિડિયા" કહેવાતો. વાયકા છે કે, અહીં ઘી-દૂધની નદીઓ વહેતી હતી. બેશક, આવી બધી વાતોમાં અતિશયોકિતનું પ્રમાણ પણ ઓછું નથી હોતું. પરંતુ એક વાત સ્પષ્ટ છેઃ બાબુશાહીના સમયમાં પ્રજા વધુ રાંક બની છે, વધુ લાચાર અને વધુ કચડાયેલી બની છે. અગાઉના સમયમાં રાજાશાહી હતી. ગામમાં એક જ રાજા રહેતો. આજે એક ગામમાં બે-ચાર ડઝન અફસરો હોય છે અને એમનો જુલ્મ પેલા રજવાડાં કરતાં અનેકગણો વધુ છે. અગાઉ પ્રજાને માત્ર રાજાનાં નખરાઓનો ખર્ચ ઉઠાવવો પડતો. આજે અફસરોના મોજશોખ અને તેમની દડુકાઇ સહન કરવા પડે છે. કોણ કહે છે કે, ભારતમાં રાજાશાહી ખતમ થઇ ગઇ છે ? રાજાઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. હા ! હવે તેઓ બ્યુરોક્રેટ્સ તરીકે ઓળખાય છે ! તફાવત માત્ર આટલો જ છે. 

ભારતના બંધારણએ બ્યુરોક્રસીને ભરપૂર સત્તાઓ આપી છે, અખૂટ શકિત પ્રદાન કરી છે. પણ સત્તા અને શકિતનો વિવેકપૂર્ણ સદુપયોગ કરવાની નૈતિકતા જગતનું કોઇ જ બંધારણ આપી શકતું નથી. આવા સદગુણો તમારા ડી.એન.એ.ના બંધારણમાં હોવા ઘટે. કમનસીબે આપણે ત્યાં બ્યુરોક્રસીમાં માટીપગાઓ જ ઘુસ્યા છે. તેમની શકિતઓનો અને સત્તાઓનો તેઓ મન મૂકીને દુરૂપયોગ કરે છે. તેમની પાસે એટલો સત્તાઓ છે કે, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા જાળવે તો તેઓ આ દેશની અનેક સમસ્યાઓનો ઉકેલ આણી શકે. દરેક કૌભાંડો અને ગોટાળાઓ વખતે આપણે રાજકારણીઓને પેટ ભરીને ગાળો ભાંડીએ છીએ. બેશક તેઓ તેને લાયક છે જ. પરંતુ આપણે ભૂલી જઇએ છીએ કે, આવા તમામ કૌભાંડો વગેરેની ફાઇલ બ્યુરોક્રસીને મીઠી નજર તળે જ પસાર થઇ હોય છે.

બ્યુરોક્રસીનો વિચાર બહુ ઉમદા છે. સામાન્ય નાગરિકથી માંડી ઉદ્યોગપતિ સુધીના લોકોને રોજબરોજની સમસ્યાઓમાંથી છૂટકારો મળે, લોકોનું જીવન વધુ સુગમ બને તેવા પગલા લેવાય અને રાજ્યનો વહીવટ સ્મુધલી ચાલ્યા કરે. બને છે તદ્દન ઉલ્ટું. બ્યુરોક્રસી આપણે ત્યાં જેટલી સમસ્યાઓ ઉકેલતી નથી તેનાં કરતાં વધુ સમસ્યાઓનું સર્જન કરે છે. રખડતા ઢોરથી લઇ અપૂરતા પાણી સુધીની અને બેહાલ રસ્તાઓથી શરૂ કરી ગેરકાયદે બાંધકામો લગીની અગણિત સમસ્યાઓના સર્જનમાં બ્યુરોક્રસી સીધી કે આડકતરી રીતે બહુ મોટો ભાગ ભજવે છે. આ દેશનો સામાન્યજન બદમાશ, ભ્રષ્ટ અને લુચ્ચો તથા સ્વાર્થી છે. બ્યુરોક્રસીમાં બેઠેલા સફેદ હાથીઓ પણ આ જ સમાજનું અંગ છે. એમની ભૂખ અપાર છે, ડાયેટ અને એપેટાઇટ બહુ રાક્ષસી કહી શકાય એવા છે. એમની બિનકાર્યક્ષમતાનો કોઇ પાર નથી, જેઓ કાર્યક્ષમ છે. તેમણે પોતાની શકિતઓ ગેરમાર્ગે વાળવામાં કોઇ કસર છોડી નથી. આ આધુનિક રજવાડાઓ ફાટીને ધૂમાડે ગયા છે, તેઓ ઘણી વખત રાજકારણીઓને પણ ગાંઠતા નથી અને કાનૂનની તેઓ સતત અવગણના કરે છે. એમને પદભ્રષ્ટ કરવાનું કે ઘેર બેસાડવાનું કાર્ય સહેલું નથી. કાચબા જેવી ધીમી ન્યાયપ્રણાલી ધરાવતા આ દેશમાં ભ્રષ્ટતમ્ બ્યૂરોક્રેટને ભ્રષ્ટ સાબિત કરવા એ ચંપલ પહેરીને એવરેસ્ટનું આરોહણ કરવા જેવું ઓલમોસ્ટ અસંભવ કાર્ય ગણાય. 

CAG Vinod Rai : ડોગ્વીજયને પોતાના અહેવાલોથી બહુ સારી પેઠે નચાવી જાણે છે  વિનોદ રાય


ભારતના નઠારા રાજકારણીઓની માફક આ નઘરોળ બ્યુરોક્રસી પણ એક રાષ્ટ્રીય સમસ્યા છે. આપણે તો વર્ષોથી આ વાત જાણતા હતા. હવે દુનિયા સાવ ખોબા જેવડી બની ગઇ છે ત્યારે જગત આખું આ વાત સ્વીકારે છે. સિંગાપોરની વિખ્યાત રિસર્ચ એજન્સી, `પોલિટિકલ એન્ડ ઇકોનોમિક રિસ્ક કન્સલ્ટન્સી લિમિટેડ'એ હમણાં એશિયામાં કરેલાં એક વિગતવાર સર્વેના તારણો બહાર પાડયા. આ અહેવાલમાં તેમણે ભારતીય બ્યુરોક્રસીને સૌથી વાહિયાત, નાલાયક અને બિનકાર્યક્ષમ ગણાવી છે. બ્યુરોક્રસીના અપલખ્ખણો માટે સ્કોરનાં દસ પોઇન્ટસ રખાયા હતા જેમાંથી 9.21 પોઇન્ટસ સાથે ભારતીય બ્યુરોક્રેટ્સએ પુરવાર કર્યુ છે કે, તેઓ દરેક પ્રકારની બદમાશીમાં શુરા છે. અહેવાલની ગંભીરતાનો ખ્યાલ એ વાત પરથી આવે કે, વિયેટનામ, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ અને ચીનની બ્યુરોક્રેસીને પણ તેમાં ભારતીય બાબુશાહી કરતા બહેતર ગણાવાઇ છે. સ્વાભાવિક રીતે જ હોંગકોંગ, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા દેશોની બ્યુરોક્રેસી સૌથી કાર્યક્ષમ સાબિત થઇ છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ભારતની કાર્યક્ષમ બ્યુરોક્રસી મોટા બિઝનેસને તથા ઉદ્યોગોને રાત દિવસ કનડે છે. મંજૂરીઓ આપવાથી લઇને ફાઇલ પાસ કરવા સુધીની અનેક બાબતોમાં તેઓ અન્ડર ધ ટેબલ વહિવટ કરે છે અને ઉદ્યોગકારો કે બિઝનેસમેન જો આવું સમાધાન કરવા તૈયાર ન થાય તો એમના માર્ગમાં બાબુઓ અનેક રોડા નાંખે છે. જેઓ બ્યુરોક્રસીની શરણે જાય છે, એમને સરકારની અનેક પ્રકારની મદદ મળે છે.

અહેવાલ ચોîકાવનારો છે. આજ સુધી ભારતનો સામાન્ય માણસ જે અનુભવ કરતો હતો તેને જ તેમાં વાચા મળી છે. જરા વિચારવા જેવું છેઃ નાણાંના કોથળા લઇને બેસેલા ઉદ્યોગકારો અને બિઝનેસમેનની જો આવી હાલત હોય તો સામાન્ય જનતાની સ્થિતિ કેવી હશે ? બાબુઓ સુધી સામાન્ય જન પહોંચી જ શકતો નથી અને કદાચ 
 પહોંચી  ગયો તો એને જે જવાબ મળે છે તેના કારણે લોકશાહીમાંથી તેનો વિશ્વાસ દરરોજ ડગમગતો રહે છે. ભારતીય બ્યુરોક્રસી સામાન્ય જન માટે બહેરી છે. ધનવાનો તેમની ઓફિસમાં પ્રવેશ કરે કે તરત તેમના કાન સરવા થઇ જાય છે. ટેક્ષના અટપટા માળખાઓ અને પર્યાવરણથી લઇને પી.એફ. સુધીના વિચિત્ર કાયદાઓ આ નઘરોળ બ્યુરોક્રોસીનું સૌથી મોટું હથિયાર છે. બિઝનેસ અને ધંધામાં તમે કશી જ ભૂલ ન કરી હોય છતાં તમને ગુન્હેગાર સાબિત કરવાનું તેમના માટે બિલ્કુલ કઠિન નથી. એક્સાઇઝનો દરોડો આવે તો તમારા હજારો બોક્ષના સ્ટોકમાંથી એક બોક્ષ પણ જો ઓછું નીકળે કે વધુ મળે તો તમે પાપ કર્યુ છે. અહીં બિઝનેસ કરવો એ સહેલું કામ નથી. ખરા અર્થમાં કહીએ તો આ દેશમાં બાબુશાહીના રાજમાં શ્વાસ લેવો તે પણ એક સિદ્ધિ જ ગણાય. જગતનું જોઇને જો તમને દાઝતું હોય કે અભાવ અને અસુવિધાઓ ખુંચતી હોય અને જો તમે બ્યુરોક્રસીનો મતલબ જાણતા હોય, તેની રચના પાછળનો ઉમદા ઉદ્દેશ્ય જાણતા હોવ તો સ્થિતિ એવી છે કે, તમે ડિપ્રેશનમાં આવી જશો. દરેક ભારતીય લાચાર છે, એ હતાશ છે. જે સમજુ છે તેમના ડિપ્રેશનનું પ્રમાણ ઉંચુ છે. આ સ્થિતિ કોઇના માટે સ્વીકાર્ય ન હોવી જોઇએ, પણ દરરોજ માાલાને મારીને હસતા મોîએ અહીં જિંદગીનો ભાર સહેવો પડે છે. આપણું જીવન દુષ્કર બનાવતા અનેક નિર્ણયો બ્યુરોક્રેટ્સ નિત્ય લેતા રહે છે. પરંતુ આ અહેવાલ કહે છે કે, ઇરાદાપૂર્વક લેવાયેલા ખોટા નિર્ણયો માટે પણ બ્યુરોક્રેટ્સને જ્વલ્લે જ જવાબદાર ઠેરવાય છે. એમને ચેલેન્જ કરવાનું અસંભવ છે. કારણ કે, તેમની પાસે પ્રચંડ શકિત છે, પરંતુ અફસોસ એ છે કે, એ શકિતના ઉપયોગની પ્રામાણિક પ્રતિબદ્ધતા નથી. અહેવાલમાં એટલે જ કહેવાયું છે કે, ભારતની સામાન્ય પ્રજામાં પણ બાબુઓ માટે નકારાત્મક વિચારો જ ફેલાયેલા છે. વાત મુદ્દાની છે. એક બાબુ ઇચ્છે તો અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે. પરંતુ તેમને પોતાના જીવનમાં પરિવર્તન આણવા સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં ખાસ રસ નથી. ભૂતકાળ તાજો જ છે. અને વર્તમાન નજર સામે છે. કોલસા બ્લોક કૌભાંડમાં કહેવાતા ઈમાનદાર વડાપ્રધાન મનમોહનને ધોળા દિવસે આકાશદર્શન થઇ ગયું છે. એમની રહીસહી આબરૂનું પણ સંપૂર્ણ ધોવાણ થઇ ચુક્યું છે. એક બ્યુરોક્રેટ ધારે તો શું-શું કરી શકે, તેનો અનુભવ કરવા જરા ગયા વર્ષના કૌભાંડો તરફ નજર દોડાવવા જેવું છે. કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ (કેગ) વિનોદ રાયએ તૈયાર કરેલા અહેવાલો પરથી ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડથી લઇને કે.જી. બેસીન તથા કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડો ઉઘાડા પડયા છે. આ વિનોદ રાય પણ પંચતત્ત્વમાંથી બનેલા એક કાળા માથાના માનવી છે. તફાવત એટલો જ છે કે, મોટાભાગના બ્યુરોક્રેટ્સની માફક તેઓ માટીપગા નથી. 62 વર્ષની ઉંમરના વિનોદ રાય કોલેજકાળથી જ પર્વતારોહણ અને ટેનિસ જેવી રમતોમાં ઉંડો રસ લેતા આવ્યા છે. આજે તેઓ ભારતની ભ્રષ્ટ રાજનીતિના શિખર હચમચાવી રહ્યા છે. દિગ્વિજય જેવાના પેટમાં ચૂંક ના ઉપદે તો જ નવાઈ ગણાય. એમના તિક્ષ્ણ અહેવાલોમાં રોજર ફેડરરના કે પિટ સામ્પ્રાસના એઈસ  કરતાં વધુ પાવર છે. ટુ-જીના અંદાજીત નુકસાનના તેમણે આપેલા આંકડાને ઓછો કરવા માટે અથવા તો ઓછો દર્શાવવા માટે વર્તમાન કેદ્ર સરકારના તાકાતવર નેતાઓએ અનેક ધમપછાડા કર્યા. કેબિનેટના ટોચના મંત્રીઓ સમક્ષ તેમને એક કરતાં વધુ વખત બોલાવવામાં આવ્યા, તેમનો ઉધડો લેવાનો પ્રયાસ થયો, પરંતુ વિનોદ રાય ટસના મસ ન થયા. તેઓ ઝુકવા તૈયાર નથી. એટલે ફોર્બ્સ ઇન્ડિયા જેવા ખ્યાતનામ મેગેઝિને પણ તેમને પર્સન ઓફ ધ યરના ખિતાબથી નવાજ્યા છે. ભારતના ટોચના એકસો રાજકારણીઓ તથા બ્યુરોક્રેટ્સમાં થયેલા એક ખાનગી સર્વેમાં તેમને દેશના સૌથી શકિતશાળી બ્યુરોક્રેટ ગણાવવામાં આવ્યા છે. યાદ રાખવા જેવું છે કે, વિનોદ રાયને આ બહુમાન મેળવવામાં તેમની સમર્પણ ભાવના તથા પ્રતિબદ્ધતા જ કામે લાગ્યા છે. રાજકારણીઓ સાથે સહશયન કરી ધાર્યા પોસ્ટિંગ મેળવતા કોઇ પિઠ્ઠુ જેવા બ્યુરોક્રેટને આ ખિતાબ મળ્યો નથી. 

CAG Vinod Rai: વિનોદ રાયના ચાર શિકાર: કહેવાતા અનેક ઈમાનદારોનો અસલી
અને ભ્રષ્ટ ચહેરો તેઓ આપણી સમક્ષ લાવ્યા છે!


કહેવાય છે કે, ટુ-જી સ્પેકટ્રમનો અને કોમનવેલ્થ ગેમ્સનો અહેવાલ માઇલ્ડ કરવા માટે તેમના પર પ્રચંડ રાજકીય દબાણ હતું. પરંતુ બ્યુરોક્રસીમાં વર્ષો ગાળ્યા પછી આવી બધી બાબતોમાં તેઓ સીઝન્ડ થઇ ગયા છે. કોઇપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર તેમને અધિકારીઓને માત્ર એટલી સૂચના આપી કે, અહેવાલ તૈયાર કરતી વખતે તેમણે વધુ પડતા કડક શબ્દોથી અને આકરી ટીકાઓથી બચવું. કારણ બહુ સ્પષ્ટ છેઃ એમના અહેવાલનો મદાર તેમાંની વિગતો પર હતો. એ વિગતો જ એટલી આકરી હતી કે, કડવા વેણની આવશ્યકતા ઉભી ન થાય. વિનોદ રાયએ ધગધગતા અહેવાલો તૈયાર કર્યા અને આ કૌભાંડોની અવગણના કરવા બાબતે તેમણે વડાપ્રધાનને અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પણ બરાબર સાણસામાં લીધા. બધાને સમજાયું કે, એક માથાફરેલ અધિકારી જો ધારે તો શું-શું કરી શકે છે. સમસ્યા એ છે કે, સરકારની મોટાભાગની જગ્યાઓ અથવા તો પોસ્ટ્સનો પાવર અગાધ છે. પરંતુ તેના પર બેઠેલો અલ્લેલટપુ જેવો અધિકારી જે-તે જગ્યાનું હીર હણી લે છે. તેઓ એ જગ્યાને કોડીની બનાવીને રાખી દે છે. 

એકાદ ટીએન શેષન આવે ત્યારે આપણને સમજાય છે કે, ઇલેકશન કમિશ્નરનો દબદબો કેવો હોય છે. કોઇ એક એન. વિટ્ટલ આવે ત્યારે જ આપણને માલૂમ થાય છે કે, ચીફ વિજીલન્સ કમિશ્નર જો ઇચ્છે તો કેટલું પરિવર્તન આણી શકે. ખેરનાર જેવો એક અધિકારી આવે ત્યારે સમજાય છે કે, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર પણ કેટ-કેટલા લોકપયોગી કાર્યો કરી શકે છે. વિનોદ રાયએ આપણને કેગની હોટ સીટનું મહત્વ સમજાવ્યું છે. આજે તેઓ આવા સ્ફોટક અહેવાલો તૈયાર કરવા ઉપરાંત પણ અનેક પાયાના સુધારાઓ કરવા માટે મથી રહ્યા છે. તકલીફ એ છે કે, કેગની સત્તાઓ માત્ર કેદ્રના વિભાગો સુધી મર્યાદિત છે. ઉદાહરણ તરીકે, જો ગ્રામ્ય વિકાસ મંત્રાલયએ અમૂક નાણાં વિકાસ માટે પંચાયતોને ફાળવ્યા હોય તો એ નાણાંનો ક્યાં ઉપયોગ થયો તેની માહિતી પંચાયત પાસેથી માંગવાની કેગ પાસે સત્તા નથી. રાય ઇચ્છે છે કે, આવી સત્તાઓ સીએજીને મળવી જોઇએ, નહીંતર ભ્રષ્ટાચારનું મુળ ક્યાં સુધી પહોîચ્યું છે એ જાણવાનો કોઇ રસ્તો જ નથી વધતો. બીજી એક મહત્વની સમસ્યા એ છે કે, કેગ જ્યારે કોઇ સરકારી વિભાગ પાસેથી ખર્ચની વિગતો માંગે ત્યારે તે પુરી પાડવા માટેની કોઇ જ નિયત સમયમર્યાદા નથી. વિનોદ રાયએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ``જો આ દેશનો સામાન્ય માણસ પણ માહિતી અધિકારના કાયદા હેઠળ પોતે માંગેલી માહિતી ત્રીસ દિવસમાં મેળવી શકતો હોય, તો કેગને આવી જ માહિતી શા માટે ત્રીસ દિવસમાં ન મળે ?'' મુદ્દો અગત્યનો છે. અને વિનોદ રાય આવા દઝાડતા મુદ્દાઓને ખુલ્લી હથેળીએ ઝાલવા માટે જાણીતા છે. વડાપ્રધાન મનમોહન સિંહએ એમની પાસેથી એક પ્રેઝન્ટેશન માંગ્યું હતું, જેમાં સંરક્ષણ સોદાઓમાં પારદર્શકતા લાવવા માટે સૂચનો હતાં. રાયએ સૂચન કર્યુ છે કે, ડિફેન્સની ડિલ માટે ફાળવાયેલા બજેટનો ત્રીસ મહિનામાં ઉપયોગ થવો જોઇએ. સામાન્ય રીતે તોતીંગ રકમના કારણે સંરક્ષણના સોદાઓ હંમેશા વિવાદમાં રહેતા હોય છે. આવા વિવાદો ટાળવા તથા પ્રક્રિયાને વધુ શુદ્ધ કરવા તેમણે કેટલાંક ક્રાંતિકારી સૂચનો કર્યા છે. વડાપ્રધાન ઓફિસને આટલું દઝાડયા પછી કલમાડી તથા રાજા જેવાને જેલભેગા કર્યા બાદ પણ વડાપ્રધાનએ એ જ વિનોદ રાયની મદદ લેવી પડે છે, એ વાત તેમની કાર્યક્ષમતાની સાબિતી આપે છે. 

સામાન્ય નાગરિક ઉપરાંત બ્યુરોક્રેટ્સએ પણ આખી બાબતમાંથી શિખવા જેવું એ છે કે, માત્ર નેતાઓની ભાટાઇ કરવાથી કે પોતાના વહિવટના કામોમાં ગળાડુબ રહેવાથી ટોચના પદ સુધી પહોંચાતું નથી, પરંતુ તેના માટે કડકાઇની, પ્રતિબદ્ધતાની અને નિષ્ઠાની આવશ્યકતા છે. બ્યુરોક્રેટ્સને આઝાદીના સાંઠ વર્ષે આ વાત સમજાશે તો ભવિષ્યમાં જ્યારે સિંગાપોરની કે વિદેશની કોઇ એજન્સી આવો સર્વે કરશે ત્યારે આપણી બ્યુરોક્રેસી નાલાયકીમાં એ અહેવાલમાં પ્રથમ સ્થાને નહીં હોય.

*  "અકિલા"માં પ્રકાશિત 

Tuesday, August 14, 2012

મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજ આપમેળે અર્ધી કાઠીએ હોય છે!

 (મારા પુસ્તક, "મહા-ભારતની રામાયણ"માંથી)

૧૫ ઓગસ્ટ વિશેષ :
ગયા વર્ષે 15 ઓગસ્ટે ધ્વજવંદન સમયે લાલ કિલ્લા પરથી જગતની સૌથી મોટી લોકશાહીની સૌથી લાચાર વ્યક્તિએ કહ્યું કે, તેમની પાસે ભ્રષ્ટાચાર ડામવાની કોઈ જાદુઈ છડી નથી. કોઈ જાદુમંતર કરીને તેઓ સ્પેક્ટ્રમમાંથી બે લાખ કરોડ અદૃશ્ય કરી શકે છે, આવા જ જાદુ ટોના કરીને કોમનવેલ્થ ગેમ્સનું બજેટ 1700 કરોડમાંથી ૮૫ હજાર કરોડ સુધી પહોંચાડી શકે છે. કોઈ અદ્ભુત મંત્રનું ઉચ્ચારણ કરીને તેઓ હસન અલી જેવા દેશદ્રોહી ટેક્સચોરને ન્યાયતંત્રની જાળમાંથી આઝાદ રાખી શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત આવે ત્યારે છડીના અભાવના કર્કશ મરશિયા જોર-જોરથી ગાવા માંડે છે. દેશવાસીઓ પૂછે છે કે, જો જાદુની છડીની જરૂર હોય તો કે. લાલ કે પી. સી. સરકારને બોલાવો અને પ્રતિબદ્ધતાની જરૂર હોય તો તમે એ દર્શાવો. જો તમે લાચાર છો તો ગાદી પરથી આ ક્ષણે ઊતરી જાઓ અને ઘેર જઈ બે ટંક રોટલા ખાઈ પ્રભુનું સ્મરણ કરો. જો તમે અશક્ત છો તો નિવૃત્તિ લઈ લો, જો તમારામાં તાકાત નથી તો બીજાને તક આપો. જો તમારું આત્મગૌરવ હણાઈ ગયું છે તો વિકલ્પ શોધો. જો તમે અસમર્થ છો તો રસ્તો કાઢો. જો તમે ગુલામ છો તો આઝાદ થાઓ. જો તમે ચિઠ્ઠીના ચાકર છો તો એ વાત પણ યાદ રાખો કે તમે સૌપ્રથમ એક પબ્લિક સર્વન્ટ છો. જ્યારે પબ્લિકને સર્વ કરવાની અથવા તો પ્રજાની સેવા કરવાની તમારી શક્તિ હણાઇ જાય ત્યારે એ જવાબદારીમાંથી સામે ચાલીને મુક્ત થવું એ જ ઉત્તમ ગણાય. તેમાં આ દેશનું પણ ભલું છે અને પ્રજાનું પણ કલ્યાણ છે. જે સંસદીય લોકશાહીના સોગંધ તમે રોજ સવારે ઊઠીને આપ્યા કરો છો એ સંસદીય લોકશાહી અત્યારે ચોધાર આંસુએ રડી રહી છે. કહેવાતી જગતની પ્રથમ ક્રમાંકની લોકશાહી પર એક પરિવાર અને તેમના કેટલાક મળતિયાઓનો કબજો છે. એટલે જ 15 ઓગસ્ટે જ્યારે મનમોહન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે ત્યારે એ રાષ્ટ્રધ્વજની ગરિમા ઘટી ગઈ હોય તેવું લાગે છે. વધુ સ્પષ્ટપણે કહેવું હોય તો કહી શકાય કે, મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજ ઊન્નત નથી હોતો, એ આપમેળે અર્ધી કાઠીએ હોય છે!
(મારા પુસ્તક, "મહા-ભારતની રામાયણ"માંથી)

Tuesday, August 7, 2012

Kinner Aacharya's Book : Maha-Bharat Ni Ramayan



મહા-ભારતની રામાયણ 





દોસ્તો, ઘણા સમયથી જેની પ્રતીક્ષા (મને!) હતી એ મારું પુસ્તક અંતે ગઈકાલે પ્રકાશિત થઇ ચૂક્યું છે. 
આજે બપોરથી એ રાજકોટમાં ઉપલબ્ધ હશે અને અમદાવાદ, નવભારત ખાતે તો તો ઉપલબ્ધ છે. 
અન્ય શહેરોના તમામ મુખ્ય બૂક સ્ટોલમાં આજકાલમાં જ ઉપલબ્ધ. પુસ્તક વિશેની બાકીની વિગતો અહીં મુકાતો રહીશ પરંતુ અત્યારે તો તેનું ટાઈટલ અને કેટલીક પ્રાથમિક વિગતો મૂકી રહ્યો છું...    


લેખક: કિન્નર આચાર્ય 

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર 

શીર્ષક: પ્રણવ અધ્યારુ 

ટાઈટલ ડીઝાઈન: ગિરિશ ચૌહાણ 

પાનાં: ૨૫૬

કિંમત: ૨૦૦ 





-:મુખ્ય પ્રાપ્તિસ્થાનઃ- 

અમદાવાદ: 
નવભારત સાહિત્ય મંદિર

જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ , ફોન: ૦૭૯ - ૨૨૧૩ ૯૨૫૩ 

અને 

૨૦૨ - પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯

બુકશેલ્ફઃ
16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
સી.જી. રોડ, અમદાવાદ



મુંબઈ:

134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦૦૦૨ 
ફોન: (079) ૨૨૧૩૨૯૨૧ / ૨૨૧૩૯૨૫૩ 

રાજકોટ: 
રાજેશ બૂક સ્ટોલ:
લોધાવાડ ચોક, પોલીસ ચોકી સામે, ફોન: ૦૨૮૧-૨૨૩૩૫૧૮ અને 
ડોક્ટર યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર કોલેજ સામે.

મયુર એજન્સી:
જીવન બેંક સામે, સીડીવાળી શેરી, ઢેબર રોડ, ફોન: ૦૨૮૧-૨૨૩૩૬૧૮ 
અને
કાલાવડ રોડ, આત્મિય કોલેજ સામે. ફોન: ૯૮૨૪૨ ૧૧૨૩૯     


અન્ય શહેરોના તમામ મુખ્ય 

બૂક સ્ટોલમાં એક-બે દિવસમાં ઉપલબ્ધ. 


Thursday, July 26, 2012

Char Dham Yatra


સરકારી બેદરકારીના કારણે ચારધામનાં
યાત્રાળુઓ સ્વર્ગ સિધાવી જાય છે!

બદ્રિનાથ 



''બદ્રિનાથ પાસે બસ ખાઇમાં ખાબકતાં 32 યાત્રાળુઓના મૃત્યુઃ 12ને ગંભીર ઇજા''
''ગંગોત્રી નજીક ઇનોવા ખાઇમાં ગબડી જતાં આઠનાં મૃત્યુ''

''યમુનોત્રી નજીક ભૂસ્ખલન થતાં યત્રિકોની બસ પહાડ હેઠળ દટાઇલ 24ના મોત, 18 ઘાયલ''

''બદ્રિનાથ-ગંગોત્રી માર્ગ પર ભૂસ્ખલનઃ 1200 યાત્રાળુઓ ફસાયા. પાંચ દિવસથી ફસાયેલાં યાત્રિકોને કોઇ જ સહાયતા મળી નથી. ખાવાપીવાની વસ્તુઓમાં ઉઘાડી લૂંટ. કડકડતી ઠંડીમાં રસ્તા પર રાત ગુજારતા યાત્રાળુઓ''

''કેદારનાથની યાત્રાએ જતી બસ ખીણમાં પડીઃ 40 યાત્રાળુઓની શોધખોળ ચાલુઃ સૈન્યના જવાનોનું શોધખોળ અભિયાન શરૂ''

''દ્વારકાનાં 350 ગૂગળી બ્રાહ્મણો બદ્રિનાથના માર્ગે ફસાયાઃ ચાર દિવસથી રસ્તા પરઃ ગુજરાતના મુખ્યમંત્રીની મદદ મંગાઇ''

-----------------

આવા અનેક સમાચારો તમે તાજેતરમાં જ વાંચ્યા હશે. દર વર્ષે મે મહિનાથી ઓક્ટોબર સુધીના લગભગ છ માસ સુધી નિરંતર આવા સમાચાર આવતાં રહે છે. ઉત્તરાંચલમાં આવેલા હિન્દુ ધર્મના ચારધામ ગણાતા ગંગોત્રી, યમુનોત્રી, બદ્રિનાથ અને કેદારનાથની યાત્રા બાબતે દર વર્ષે આવતા આવા સમાચારો એટલી હદે `રૂટિન' જેવાં બની ગયાં છે કે, કોઇને વિચાર સુદ્ધાં નથી આવતો કે, યાત્રાળુઓ છેવટે શા માટે પોતાનાં પ્રાણ ગુમાવે છે.

પ્રવાસન અને યાત્રા પ્રત્યે આપણે ત્યાં જે બેદરકારી પ્રવર્તે છે તેનો આ ચારધામ યાત્રા ઉત્તમ નમૂનો છે. દર વર્ષે ઉત્તરાંચલ રાજ્ય (હરિદ્વાર, ઋષિકેશ, મસુરી, નૈનિતાલ, બદ્રિ-કેદાર, ગંગોત્રી-યમુનોત્રી)ના પ્રવાસે લગભગ અઢી કરોડ પર્યટકો આવે છે. જેમાંથી બહુ મોટી સંખ્યા ચારધામનાં યાત્રાળુઓની હોય છે. અધિકૃત આંકડા મુજબ આ યાત્રાળુઓમાંથી ગુજરાતીઓની સંખ્યા સાડા છ લાખ કરતાં વધુ હોય છે. આંકડાઓ કહે છે કે, ઉત્તરાંચલની યાત્રાએ જતા લોકોમાં માત્ર એક બંગાળીઓ જ ગુજરાતીઓ કરતાં આગળ છે. બંગાળના યાત્રાળુઓ મોટાભાગે હરિદ્વાર-ઋષિકેશ સુધી જતા હોય છે જ્યારે ચારધામની યાત્રા કરવામાં ગુજરાતીઓ પ્રથમ સ્થાન પર છે. બહુ સ્વાભાવિક છે કે, ચારધામ યાત્રાએ દર વર્ષે સૌથી વધુ હાલાકી, જાનહાની ભોગવવામાં પણ ગુજરાતીઓ જ હોય છે!

કેદારનાથ 


ઉત્તરાંચલ એક એવું રાજ્ય છે જેનું આખું અર્થતંત્ર પ્રવાસન પર આધારીત છે. અહીં એંસી ટકા લોકોની આવક-રોજીરોટી સીધી કે આડકતરી રીતે પ્રવાસન સાથે સંકળાયેલી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આખું રાજ્ય યાત્રા-પ્રવાસન પર નભતું હોવા છતાં ઉત્તરાંચલ સરકાર યાત્રાળુઓની સલામતી-સુરક્ષા માટે ગંભીર નથી, પ્રતિબદ્ધ નથી.

ચારધામની યાત્રાએ જતી બસ નિરંતર ખીણમાં ગબડતી રહી છે અને સરકાર વર્ષોથી તમાશો જોયા કરે છે. વાસ્તવિકતા એ છે કે, આ ચારેય ધામ સુધી પહોંચવાના રસ્તા એટલી હદે સાંકડા અને બિસમાર છે કે, યાત્રાળુઓ બાપડા ચારધામને બદલે સ્વધામ-કૈલાશધામ પહોંચી જાય છે. આ લખનારે છેલ્લાં 18 વર્ષમાં એકાદ ડઝન વખત આ વિસ્તારની મુલાકાત લીધી છે અને અનુભવ્યું છે કે, છેલ્લાં બે દાયકામાં કશું જ બદલાયું નથી. અગાઉ જે ટર્ન પર બસ-વાહનો ખીણમાં ખાબકતા હતા એ આજે પણ એવાં જ છે, આજે પણ ત્યાં જ બસો ખાબકે છે.

ગંગોત્રી 
આજથી બે-ત્રણ વર્ષ પહેલાં બદ્રિનાથ સુધીનો હાઇ-વે પહોળો કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ એ બિલકુલ સફળ રહ્યા નથી. જોખમ હજુ એટલું જ છે. સમસ્યા એ છે કે, ચારધામના માર્ગ પર અહીંની સરકાર દ્વારા ખીણ-રસ્તાની કિનારીએ સલામતી માટે વાડ કે દીવાલ (નાની બે ફૂટની) પણ થતી નથી. આબુથી શરૂ કરી ડેલહાઉસી, સિમલા જેવા ભારતનાં અનેક પર્યટક સ્થળોના માર્ગે આવી બે ફૂટ ઉંચી પત્થરની દીવાલ બનાવાય છે. આ દિવાલનો ફાયદો એ ગણાય કેઃ એક તો તેનાંથી ડ્રાઇવરનો આત્મવિશ્વાસ વધે છે. બીજું, ડ્રાઇવર ક્યારેક ગફલત કરી જાય તો આવી દીવાલનાં કારણે બસ-વાહન ખીણમાં ગબડતાં બચી જાય છે. આર્થિક ઞષ્ટિએ ઉત્તરાંચલ માટે દૂઝતી ગાય સાબિત થયેલા આ ચારધામને યાત્રાળુઓ માટે શું કોઇ સરકાર આટલું ન કરી શકે?

યમુનોત્રી 
ઉત્તરાંચલ સરકાર શું કરે છે?. ગુજરાતીઓ સહિતનાં પર્યટકો પોતાનાં પ્રાણ ગુમાવતાં રહે છે. પહાડ ધસવા (લેન્ડ સ્લાઇડિગ)નાં કારણે અહીં ચારધામના વિવિધ રસ્તે દરરોજ સેંકડો-હજારો વાહનો ફસાતા રહે છે. પહાડ પડવાનાં કારણે રસ્તો બ્લોક થઇ જાય છે અથવા તૂટી જાય છે. આવા સંજોગોમાં વાહન આગળ ધપી નથી વધી શકતું અને પાછળ પણ વાહનોની કતાર હોય છે. 

પહાડોમાં સાંકડા રસ્તાઓ પર ટર્ન લઇને પરત ફરવું શક્ય નથી. ઘણી વખત ત્રણ-ચાર દિવસ સુધી આવી રીતે પર્યટકો ફસાયેલાં રહે છે. ખાવા-પીવાનાં ઠેકાણાં રહેતા નથી, લોકો પીવાનાં પાણી માટે વલખાં મારે છે. યાત્રાળુઓમાં વયોવૃદ્ધની સંખ્યા સામાન્યતઃ વધારે જ રહેવાની, એમની તો હાલત ભૂંડી થઇ જાય છે.  સવાલ એ ઉઠે છે કે, ઉત્તરાંચલ સરકાર માટે આવી ઘટનાઓ રોજીંદી બની ગઇ હોવા છતાં તેઓ `ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી' જેવું કશું કેમ બનાવતા નથી? શા માટે યાત્રાળુઓએ દિવસો સુધી હેરાન થવું પડે? શા માટે એમને આવાં સમયે આવશ્યક વસ્તુઓ, સૂક્કો નાસ્તો, પીવાનું પાણી વગેરે પહોંચાડવામાં આવતા નથી? સ્થાનિક વેપારીઓ આવા સમયે ઉઘાડી લૂંટ ચલાવે છે. પાંચ રૂપિયાની વેફર્સ પચ્ચીસ રૂપિયામાં તેઓ વેંચે છે અને પારલે-જીનું પેકેટ પાંચને બદલે પંદર રૂપિયામાં આપે છે. શું આવા કાળાંબજાર ડામવાની જવાબદારી ઉત્તરાંચલ સરકારની ન ગણાય? એમનાં પર કડક પગલાં શા માટે નહીં? ખરેખર તો, આવી આફત સમયે સરકારી મદદ પહોંચવી જોઇએ. એનાં બદલે બને છે એવું કે, યાત્રાળુઓ મદદનાં અભાવે તરફડિયા મારતા રહે છે.

ચારધામનાં માર્ગ આસપાસ ભારત-ચીનની આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી અહીંના રોડની જવાબદારી ઘણાં સ્થળે  `બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન' (ભારતીય સૈન્યનું અંગ)ની હોય છે. પરંતુ રાજ્ય સરકારને નવાં વિકાસકાર્યો કરતા કોઇ રોકી શકતું નથી. કેટલાંક રસ્તાઓ વર્ષોથી એટલી જ હદે ખતરનાક રહ્યા છે. પિપલકોટીથી, જોષીમઠ અને વિષ્ણુ પ્રયાગ થઇ બદ્રિનાથ પહોંચતા રસ્તા પર દર વર્ષે અનેક વાહનો ખીણમાં પડે છે. કુન્ડ, ગુપ્ત કાશીથી લઇ ગૌરી કુંડ (કેદારનાથની તળેટી)નો રસ્તો પણ એવો જ છે. ઉત્તર કાશીથી હરસિલ, ભૈરોઘાટી-ગંગોત્રીનો માર્ગ તથા મસુરીથી બરકોટી, સ્યાના અને હનુમાન ચટ્ટીનો માર્ગ પણ આકરો છે. આ બધાં રસ્તા જોખમી છે અને છેલ્લાં ત્રણ-ચાર દાયકાથી એ જોખમી જ ગણાય છે! શા માટે ત્યાં સલામતીનાં પગલાં લેવાનાં નથી?

ઉત્તરાખંડના સર્પાકાર રસ્તાઓ।... નજર હટી,  દુર્ઘટના ઘટી !!!


ઉત્તરાંચલમાં દરેક ઞષ્ટિએ ટૂરિસ્ટ લૂંટાય છે. વૈષ્ણોદેવીમાં તળેટીથી ધામ સુધીના 14 કિલોમીટર માટે ઘોડાનો ભાવ લગભગ 700 રૂપિયા છે જ્યારે ગૌરીકુંડથી કેદારનાથના 3પ00 રૂપિયા છે. વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર સર્વિસ માટે આવવા-જવાનાં 2પ00 રૂપિયા ચાર્જ છે. કેદારનાથમાં આ જ ભાવ લગભગ 8000 રૂપિયા છે. ચારધામની યાત્રા જો તમારે હેલિકોપ્ટર દ્વારા કરવી હોય તો પ્રતિ વ્યકિત લગભગ અઢી લાખ (દહેરાદૂનથી ચારધામ) રૂપિયા ખર્ચ થાય છે! એક મહાપ્રશ્ન એ છે કે, હિન્દુ ધર્મના આ મહાન તીર્થોને જોડતી માઉન્ટેન ટ્રેન શા માટે ઉપલબ્ધ નથી. આજથી સો વર્ષ પહેલાં અંગ્રેજો જો સિમલા કે ઉટીમાં રેલ્વેલાઇન બિછાવી શકતા હોય તો આપણો કહેવાતો મહાન દેશ શું માખીઓ મારી રહ્યા છે? ચીનએ તાજેતરમાં તિબેટ સુધીની અજાયબી જેવી ટ્રેન શરૂ કરી છે. તિબેટની ઉંચાઇ સમુદ્ર સપાટીથી 16000 ફૂટ આસપાસ છે. જ્યારે આ ચારેય ધામ લગભગ 10થી 11 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, આ ચારધામનું પરસ્પર હવાઇ અંતર (એર ડિસ્ટન્સ) ખૂબ જ ઓછું છે. રસ્તાઓ ફરી ફરીને પહોંચતા હોવાથી ચારધામની યાત્રામાં બાર દિવસ ખર્ચાઇ જાય છે. બદ્રિનાથથી કેદારનાથનો જંગલ-પહાડી માર્ગ ત્રીસ કિલોમીટર જ છે પણ વાહન દ્વારા જવું હોય તો ત્રણસો કિલોમીટર થાય! 

બદ્રીનાથ જવાના માર્ગે હમેશા આવી અડચણો ઉભી હોય છે....


માત્ર આયોજનના  અભાવે, માળખાગત સુવિધાઓની ઉણપને કારણે દરેક ધામ વચ્ચે અઢીસો-ત્રણસો કિલોમીટરનું અંતર થઇ જાય છે. જ્યાં દર વર્ષે લાખો-કરોડો શ્રદ્ધાળુઓ જતા હોય ત્યાં ચારેય ધામને જોડતી એક અદ્ભુત રેલ્વેલાઇન અશક્ય નથી. હા! એ થોડું મુશ્કેલ કાર્ય જરૂર છે પરંતુ ઇજનેરી કમાલનાં અનેક ચમત્કારો નહીં થાય ત્યાં સુધી નિર્દોષ યાત્રાળુઓ મરતા જ રહેશે! તાજેતરમાં ચીનએ તેની તિબેટ સુધીની રેલ્વેલાઇનનું ઉદ્ઘાટન કર્યુ ત્યારે વિશ્વ દંગ થઇ ગયું હતું. સમુદ્ર તટથી સોળ-સોળ હજાર ફૂટની ઉંચાઇ સુધી ચીનએ રેલ્વે બિછાવી છે. અંગ્રેજો આપણે ત્યાં સો-સવાસો વર્ષ પહેલાં કાળકા-સિમલા, ઉટી, દાજીર્લિગ અને પાલમપુરની માઉન્ટેન ટ્રેન શરૂ કરી ગયાં પછી આટલાં વર્ષોમાં આપણે એક પણ હિલ સ્ટેશન સુધી રેલવે પહોંચાડી શક્યા નથી. એન્જાનિયરીંગમાં આપણે ઠોબારા છીએ, દુરંદેશી અને વિઝનમાં સાવ ઢ. ચારધામ જેવાં પર્યટન  આકર્ષણ ચીન, જર્મની કે સ્વિટઝરલેન્ડ પાસે હોય તો ત્યાં અત્યારે ફોર ટ્રેક હાઇવે અને અજાયબી જેવી ટ્રેન હોય. આપણાં હજારો  યાત્રાળુ દર વર્ષે અહીં મૃત્યુ પામે છે પણ, આપણે આ ચારધામમાં સવલતો અને સલામતી આપી શક્યા નથી!


Saturday, July 21, 2012

કેશુભાઈના અદભુત જોક્સ એટલે "ભયભીત" ગુજરાતીઓને ખડખડાટ હસવાનો અવસર!








કેશુભાઈ પટેલ જ્યારે ભયભીત નહોતા અને જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નામે અનેક ટુચકા પ્રચલિત હતા. એ સમયે રિડિફ ડોટ કોમ માટે જાણીતા પત્રકાર દિલીપ ગોહિલએ એક અત્યંત રમુજી પીસ લખ્યો હતો. "કેશુફન ડોટ કોમ" શીર્ષક તળે લખાયેલા આ લેખને આજે શ્રી દિલીપ ગોહિલના આભાર સાથે અહીં મુકું  છું. આશા છે કે, કોઈની રાજકીય લાગણી નહિ દુભાય... 


(૧) 
કેશુભાઈ પોતાના વિદેશપ્રવાસ વખતે રોટરડેમની મુલાકાતે પણ ગયા હતા. શહેરનો  પ્રવાસ કર્યો અને શહેર વિશે કેશુભાઈએ જાણ્યુ‘. તેમને કહેવામા‘ આવ્યુ‘ કે સાહેબ, આ શહેર એવુ‘ છે કે કોઈ દિ લાઇટ જાય જ નહીં. 
કેશુભાઈ કહે, ‘એમ? એ તો માળુ ભારી કામનુ‘.’ કેશુભાઈએ વિચાર્યું  કે આ તો બહુ કામની વસ્તુ છે. વીજળી કોઈ દિ જાય જ નહીં તો તો મારા ખેડૂતોને કોઈ ચિંતા જ ન રહે. 
કેશુભાઈ કેટલાક સાથીઓને લઈને ખાનગી તપાસમા‘ નીકળી પડ્યા કે આપણે પણ આ વસ્તુ ગુજરાતમા લઈ જવી છે. શહેરભરમા ફર્યા અને થોડી પૂછપરછ કરીને પાછા ફર્યા. પાછા આવ્યા ત્યારે કેશુભાઈને નિરાશ જોઈને અધિકારીઓએ હળવેકથી પૂછ્યુ‘, ‘કેમ, સાહેબ?’ 
કેશુભાઈ નિસાસો નાખીને બોલ્યા, ‘જુઓને ભાઈ, મારે તો ગુજરાતના‘ અંધારા‘ ઉલેચવા‘ છે. ઇ હાટુ થઈને હુ‘ આખુ‘ રોડરડેમ ફરી વળ્યો, પણ મને ક્યા‘ય જીઇબી નો મળ્યુ‘.’

(૨) 
લંડનના પ્રવાસ વખતે કેશુભાઈ એક ઓળખીતાને ત્યા‘ ફ્લેટમા‘ રોકાયા હતા. કેશુભાઈ વહેલા ઊઠી જાય અને બારી ખોલીને ઊભા રહે. સામાના ફ્લેટમા‘ એક ઈંગ્લિશમેન રહેતો હતો. તેને પણ વહેલા ઊઠવાની ટેવ. ઈંગ્લિશમેન રોજ કેશુભાઈને બારીએ આવેલા જુએ એટલે ગુડ મોર્નિંગ કહે. 
કેશુભાઈને એમ કે આ નામ પૂછતો લાગે છે એટલે સામો જવાબ આપે, ‘કેશુભાઈ... કેશુભાઈ...’ બેચાર દિવસ આમ ચાલ્યુ‘. એ પછી તેમના પુત્ર ભરતનુ‘ ધ્યાન ગયુ‘. ભરતે બાપુજીને સમજાવ્યુ‘ કે કોઈ આપણને ગુડ મોર્નિંગ કહે તો આપણેય સામે ગુડ મોર્નિંગ કહેવાનુ‘ હોય. 
બીજા દિવસે તો કેશુભાઈ ગુડ મોર્નિંગ શબ્દ ગોખીને તૈયાર થઈ ગયા અને ઊઠીને સીધા બારીએ પહોંચ્યા. બારી ખોલી તો રોજની જેમ સામે ઈંગ્લિશમેન હાજર જ હતા. ઈંગ્લિશમેને સ્ટાઇલમા‘ કહ્યુ‘, ‘કેશુભાઈ... કેશુભાઈ...’

(૩) 
લંડનમા‘ કેશુભાઈ પોતાના રોકાણ દરમિયાન એક દિવસ ખરીદી કરવા માટે નીકળ્યા. નાનીમોટી ખરીદી કરીને પછી કેશ કાઉન્ટર પાસે પહોંચ્યા એટલે કાઉન્ટર ગર્લે પૂછ્યુ‘, ‘કેશ ઓર ક્રેડિટ?’ 
કેશુભાઈ તો બહુ ગુસ્સે થઈ ગયા. તેમને થયુ‘ આ આવડી અમથી છોકરીને ક‘ઈ વિવેક જેવુ‘ છે કે નહીં? તેમણે કહ્યુ‘, ‘કેશ નહીં કેશુભાઈ...’

(૪) 
કેશુભાઈ મુખ્ય પ્રધાન બન્યા પછી અમેરિકા મૂડીરોકાણ મેળવવા માટે ગયા. ત્યા‘ તેમણે આપણા ગુજરાતી પૈસેટકે સુખી એવા હૌ ભાયુ‘ને મળવા બોલાવ્યા. ગુજરાતીઓનુ‘ પ્રતિનિધિમ‘ડળ કેશુભાઈને મળવા માટે આવ્યુ‘. 
પ્રતિનિધિમ‘ડળ કેશુભાઈ માટે એક અત્ય‘ત આધુનિક કેલક્યુલેટર ભેટમા‘ આપવા લેતુ‘ આવ્યુ‘ હતુ‘. સૌ ભાયુ‘ આવ્યા અને રામ રામ થયા અને ખબરઅ‘તર પુછાયા. કેશુભાઈ મોટુ‘ પ્રતિનિધિમ‘ડળ જોઈને ખુશ હતા કે રાજ્યમા‘ હવે તો ઉદ્યોગો આવશે. 
એ પછી પ્રતિનિધિમ‘ડળે કેલક્યુલેટર કેશુભાઈને આપ્યુ‘, ‘સાહેબ, આ એકદમ આધુનિક કેલક્યુલેટર છે. બહુ કામનુ‘ છે. આખા રાજ્યનુ‘ બજેટ આમા‘ કરવુ‘ હોય તો થઈ જાય.’ ‘એમ!’ કેશુભાઈ તો ખુશ થઈ ગયા અને રેપર ખોલીને અંદરથી કેલક્યુલેટર કાઢ્યુ‘. આમ તેમ જોયુ‘ અને તરત તેમનુ‘ મોઢુ‘ પડી ગયુ‘. પ્રતિનિધિમ‘ડળને ક‘ઈ સમજાયુ‘ નહીં. બધાને તરત વિદાય આપવામા‘ આવી એ પછી કેશુભાઈએ અધિકારીના હાથમા‘ કેલક્યુટર પકડાવીને કહ્યુ‘, ‘આ લોકો મોટા ઉદ્યોગપતિઓ છે, પણ કંઈ વિવેક જેવુ‘ છે કે નહીં? એમને એટલીય ખબર નથી કે મારુ‘ નામ કેશુભાઈ છે, કેસિયો નથી.’




(૫) 
ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂરો કરીને કેશુભાઈ ગા‘ધીનગર પાછા આવી ગયા છે. સગુ‘વહાલુ‘ બધુ‘ બ‘ગલે બેઠુ‘ છે. અલમમલકની વાતુ‘ થાય છે. કેશુભાઈ પોતાના વિદેશપ્રવાસના‘ સ‘ભારણા‘ હૌને સ‘ભળાવી રહ્યા છે. 
કેશુભાઈ કહે, ‘આ આપણે સા‘ભળ્યુ‘ હતુ‘ એવુ‘ જ છે હો. આ ધોળિયાઓને કોઈ વાતનો છોછ નહીં. આપણે તો અહીં નામ લેતા‘ય લજાઈ જઈએ. પણ અંગ્રેજોને સેક્સનો જરાય છોછ નહીં.’ બધાને નવાઈ લાગી અને પૂછ્યુ‘, ‘કેમ એવુ‘?’ 
કેશુભાઈ કહે, ‘અરે જુઓને. ઈ માળાવે તો નામેય કેવા‘ રાખ્યા‘ છે. એસેક્સ ને ઇસેક્સ ને મિડલસેક્સ...’

(૬) 
વિદેશથી પાછા ફર્યા પછી એક વાર ગુજરાતમા‘ વિદેશી મહેમાનો પધાર્યા હતા તેનો સમાર‘ભ યોજાયો હતો. બીજા વચનો થયા‘ પછી કેશુભાઈનો વારો આવ્યો તો તેમણે અ‘ગ્રોજીમા‘ પોતાનુ‘ ભાષણ એક કાગળમા‘થી વાંચવાનુ‘ શરૂ કર્યું. હાજર રહેલા પત્રકારો તો છક થઈ ગયા. ‘કેશુભાઈ તો કલાકાર છે હો, વિદેશ ગયા ને અંગ્રેજી પણ શીખી આવ્યા.’ 
સમારંભ પૂરો થયો પછી પત્રકારો કેશુભાઈને ઘેરી વળ્યા અને અભિનંદન આપ્યા‘. ‘વાહ કેશુભાઈ, અંગ્રેજીમાં શું ફાંકડું પ્રવચન કર્યું કાંય .’ બધા પત્રકારોએ માગણી કરી કે  પ્રેસનોટ સાથે કેશુભાઈના અ‘ગ્રોજી ભાષણની કોપી પણ આપો. આજે તો આખેઆખુ‘ ભાષણ છાપવુ‘ છે. કેશુભાઈ પણ કહે, ‘હા, હા, બધા ભાયુ‘ને કોપી આપજો.’ 
માહિતી ખાતાવાળાઓએ કહ્યુ‘ કે બધાને કોપી આપેલી છે જ. પત્રકારોએ પ્રેસનોટ ફેરવી જોઈને કહ્યુ‘ કે, ‘ક્યા‘ છે આમા‘. આ તો ગુજરાતી જ છે.’ અધિકારીએ કહ્યુ‘, ‘જરા જુઓ તો ખરા. આપેલી જ છે. આ રહી.’ ‘પણ આ તો ગુજરાતીમા‘ જ છે.’ ‘જરા વા‘ચો તો ખરા. ગુજરાતી લિપિમા‘ છે, પણ ભાષણ તો અંગ્રેજીમા‘ જ છેને.’

(૭) 
વિદેશપ્રવાસ કરીને આવ્યા પછી તેનો થાક ઊતર્યો એટલે કેશુભાઈ ગુજરાતના પ્રવાસે નીકળ્યા. કેશુભાઈ હાઈવે હોટેલોના બહુ શોખીન. પોતાના જૂના જમાનાને યાદ કરીને રસ્તામા ગાડી ઊભી રખાવીને હાઈવે હોટેલ પર ફાફડા અને ચા અચૂક લે. 
કેશુભાઈ આમ પણ ચાના શોખીન. મા’રાજને કહી રાખ્યુ‘ હતુ‘ કે બજારમા‘ સારામા‘ સારી ચા હોઈ ઇ લઈ આવવાની. 
પ્રવાસ પૂરો કરીને આવ્યા પછી બ‘ગલે પહોંચીને કેશુભાઈએ મા’રાજને બોલાવ્યા. ‘આ તમને કીધુ‘ છેને કે બજારમા‘ સારી ચા આવે તે આપણે ત્યા‘ આવવી જોઈએ.’ મા‘રાજ બોલ્યા, ‘સાહેબ, આપણી પાસે બધી જ ચા છે... વાઘબકરી, લિપ્ટન, તાજા, ટાટા, તાજમહેલ... સાહેબ, બધી જ ચા આપણે રાખીએ છીએ.’ 
કેશુભાઈએ કહ્યુ‘, ‘પણ આ હમણા‘ નવી ચા નીકળી છે એ કેમ નથી. મારી સામે ખોટુ‘ બોલો છો. હુ‘ હમણા‘ પ્રવાસે ગયો ત્યારે મેં બધે જોયુ‘ કે કોપર ટીની જાહેરાતુ‘ કરેલી છે. તમે ઇ ચા કેમ હજી સુધી લાવ્યા નથી?’

(૮) 
એસએસસી અને બારમા ધોરણોના‘ પરિણામો તૈયાર થઈ ગયા‘ હતા‘ અને રિઝલ્ટ આવવાનુ‘ જ હતુ‘. એમા‘ એક દિવસ કેશુભાઈએ બોર્ડના અધિકારીઓને બોલાવ્યા અને પૂછપરછ કરી, ‘કેટલા ટકા રિઝલ્ટ આવ્યુ‘ છે?’ 
અધિકારીઓએ કહ્યુ‘, ‘સાહેબ, ૩૪ ટકા.’ કેશુભાઈ કહે, ‘અરે પણ આટલુ‘ ઓછુ‘ રિઝલ્ટ કેમ? આપણા રાજ્યના શિક્ષણનુ‘ સ્તર ઊંચુ‘ જવુ‘ જોઈએ. રિઝલ્ટ વધારે આવે એવુ‘ કરો.’ અધિકારીઓએ સમજાવ્યુ‘ કે સાહેબ, રિઝલ્ટ તૈયાર થઈ ગયુ‘ છે અને હવે ફરીથી પેપરો તપાસીએ ને માર્ક વધારીએ તો સમય લાગે. 
કેશુભાઈ કહે, ‘એમ નહીં. હુ‘ કહુ‘ એમ કરો. ત્રણ ગોખલા બનાવો. પછી તેમા‘ બાજરો વાવતા‘ હોઈએ એમ ઉત્તરવહીઓ ફેંકો. પહેલા ગોખલામા‘ પડે તેમને ફર્સ્ટ ક્લાસ, બીજામા‘ પડે તે સેકન્ડ ક્લાસ અને ત્રીજામા‘ પડે તે પાસ ક્લાસ. ખાલી નીચે ઉત્તરવહી પડે તેને જ નાપાસ કરવાના. અઠવાડિયામા‘ આટલુ‘ કરી રિઝલ્ટ આપી દો.’ 
અધિકારીઓ કહે સારુ‘, તમે કહો તેમ. થોડા વખત પછી અધિકારીઓ મળવા આવ્યા. ‘સાહેબ, તમે કહ્યુ‘ એમ પણ કરી જોયુ‘, પણ તોય રિઝલ્ટમા‘ બહુ ફેર નથી પડ્યો. ૫૪ ટકા જ થયુ‘ છે. હવે શુ‘ કરીએ?’ કેશુભાઈએ જવાબ આપ્યો, ‘પણ એમા‘ મને પૂછવા શુ‘ આવો છો. ગોખલા મોટા કરોને.’

(૯) 
વિદેશથી આવ્યા પછી કેશુભાઈને કમ્પ્યુટરોનુ‘ ઘેલુ‘ લાગ્યુ‘ હતુ‘. કેશુભાઈએ હુકમ આપ્યો કે આપણે વિદેશમા‘ થાય છે એવુ‘ બધુ‘ કરવુ‘. અને ઓલા આન્ધ્ર પ્રદેશવાળા નાયડુના‘ બધા વખાણ કરે છે તેવુ‘ પણ આપણે કરવાનુ‘ છે. 
અધિકારીઓ કામે વળગી ગયા અને આન્ધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનની જેમ ગુજરાતના મુખ્ય ઊંધાનના નામે પણ એક વેબસાઇટ તૈયાર કરી દેવામા‘ આવી. મુખ્ય પ્રધાનની ઓફિસની નજીકમા‘ જ એક રૂમમા‘ આ માટે તંત્ર ગોઠવી દેવાયુ‘ હતુ‘. અધિકારીઓએ કહ્યુ‘ કે, ‘સાહેબ, આપણી વેબસાઇટ તૈયાર થઈ ગઈ છે તો આજે હવે તેનુ ઉદ્ઘાટન કરી દઈએ.’ 
કેશુભાઈ કહે કાલે જ રાખી દો. બીજા દિવસે કાર્યક્રમ ગોઠવાઈ ગયો. કેશુભાઈ તો ઉત્સાહથી સવારથી જ બંગલેથી તૈયાર થઈને ઓફિસે આવી ગયા. થોડી વારે અધિકારી આવ્યા અને કહ્યુ‘ કે, ‘ચાલો સાહેબ, હવે વેબસાઇટનુ‘ ઉદ્ઘાટન કરી દઈએ.’ કેશુભાઈ કહે, ‘હુ‘ તો તૈયાર છુ‘, પણ ડ્રાઇવરને ક્યો કે ગાડી તો લઈ આવે. અને મને ક્યો તો ખરા કે સાઇટ ક્યા‘ ગુડાણી છે.’

(૧૦) 
મુખ્ય પ્રધાનની વેબસાઇટ શરૂ થઈ એ પછી ઉત્સાહી અધિકારીઓએ લોકો મુખ્ય પ્રધાનને સીધા જ ઈમેલ કરે અને મુખ્ય પ્રધાન તેના ડિરેક્ટ જવાબ આપે તેવી વ્યવસ્થા કરવાનુ‘ વિચાર્યુ‘. એ પ્રમાણે વેબસાઇટ પર જાહેરાત કરવામા‘ આવી અને થોડી ઈમેલ આવી એટલે અધિકારી મુખ્ય પ્રધાનને મળવા ગયા. 
તેમણે કહ્યુ‘, ‘કેશુભાઈ, ઈમેલ આવી ગઈ છે તો આપણે તેને જવાબો દઈ દઈએ.’ કેશુભાઈ વિચારવામા‘ પડ્યા, કે માળુ‘ આ મેલ અને ફિમેલ તો સા‘ભળ્યુ‘ હતુ‘ આ ઈમેલ શુ‘ હશે વળી? પણ તરત તેમના મનમા‘ લાઇટ થઈ એટલે કહ્યુ‘, ‘અરે પણ એમા‘ મને ન બોલાવો. જાઓ, તમે દરેકને એકાવન-એકાવન રૂપિયા માતાજીના નામે આપી દ્યો. અને જુઓ, સચિવાલયમા‘ આવુ‘ હારુ‘ ન લાગે. પોલીસને કઈ દ્યો કે આ ઈમેલુ‘ને નીચેથી જ રવાના કરી દેવાના.’

(૧૧) 
બુધવારની પ્રધાનમ‘ડળની બેઠક મળી તેમા‘ બધુ‘ સત્તાવાર કામ પૂરુ‘ થયુ‘ પછી સામાન્ય વાતો થતી હતી. તેમા‘ કેશુભાઈને અચાનક કઈક યાદ આવ્યુ‘ એટલે કહ્યુ‘, ‘બધા ભાયુ‘ જરા સાંભળો. આ આપણા રાજમા‘ આજકાલ કોમવાદ બહુ વધી ગયો છે તે યોગ્ય નથી.’ 
બધા પ્રધાનોને નવાઈ લાગી કે અચાનક આ વિષય ક્યા‘થી નીકળ્યો. પ્રધાનોએ કહ્યુ‘ બરાબર છે, કોમવાદ ન હોવો જોઈએ. 
કેશુભાઈએ કહ્યુ‘, ‘રાજ્યમા‘ બ્રાહ્મણવાદ, પટેલવાદ, ક્ષત્રિયવાદ, કોળીવાદ એ બધો તો હતો જ. આપણે તેને ડામી શક્યા નથી તે દુખદ છે. હમણા‘ તો આ નવી કોમ નીકળી છે ડોટકોમ. આ ડોટકોમને ઊગતી જ દાબી દ્યો.’