Saturday, July 23, 2011

ધૈવત ત્રિવેદીને મારો 'સણસણતો' જવાબ !


એક સવારે મારા મોબાઈલમાં મિત્ર-કોલમિસ્ટ ધૈવત ત્રિવેદીનો ટેક્સ્ટ મેસેજ આવ્યો: "તમારી પોસ્ટ નીચે એક લાંબીલચ્ચ કમેન્ટ મુકવી છે. મૂકી શકું? તમારી પોસ્ટ જેટલી જ લાંબી કમેન્ટ છે એટલે પૂછી લઉં છું!" નેકી ઔર પૂછ-પૂછ! ભાઈ ધૈવતએ 'નેશનલ હાઈ-વે-વન' જેવા મારા ઘણાં લાંબા લેખો 'સંદેશ'માં કાપકૂપ વગર લીધા છે. એમનું એ ઓબ્લિગેશન મારા પર હોય ત્યારે મારાથી એક કમેન્ટ જેવી વાતે ના કેમ પડાય! અને શા માટે! : )
એમને પાઉં-ગાંઠીયા પર એક સરસ કમેન્ટ મૂકી છે-જે ખરા અર્થમાં તો એક લેખ જ છે. એટલે જ એમની અનુમતિ વગર અહીં એ કમેન્ટને એક લેખ તરીકે જ મૂકી રહ્યો છું. જો સંશોધન થાય તો ગુજરાતની અનેક વાનગીઓ વિશે આવા અભ્યાસપૂર્ણ લેખ તૈયાર કરી શકાય.
ભાઈ ધૈવત ત્રિવેદીએ આ સરસ કમેન્ટ મૂકી તો મને પણ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ્જીના મારા ઘરમાં પડેલા કેટલાક ફોટોગ્રાફ્સ યાદ આવ્યા. રાજા કૃષ્ણકુમારસિંહ્જીના લગ્ન સમયે યોજાયેલા સત્કાર સમારંભના અને તે સમયે જુનાગઢ સ્ટેટ દ્વારા શણગારાયેલા ઉતારાના આ ફોટોઝ એક સંભારણું છે. જુનાગઢના આ ઉતારામાં આજે રાજકોટનું સરદાર બાગ સર્કિટ હાઉસ છે. સ્ટેટ ફોટોગ્રાફર જોશીજીએ ખેંચેલી આ તસવીરો એમના પુત્ર ભરત જોશી પાસેથી વર્ષો પહેલા ૩૦૦ રૂપિયા પ્રતિ કોપી દીઠ ખરીદી હતી. આટલી પૂર્વ ભૂમિકા પછી વાચકો, પાઉં-ગાંઠીયા અને ધૈવત ત્રિવેદી વચ્ચેથી હું ખસી જઉં છું.
= = = = = = = = = =
ફોર્બ્સ મેગેઝિન દુનિયાની સર્વોત્તમ જ્યાફતનું લિસ્ટ બહાર પાડે અને મને સંપાદન સોંપે (હા, યે મૂંહ ઔર મસૂર કી હી દાલ) તો ભાવનગરી પાઉં-ગાંઠિયાને હું ટોપ ટેનમાં મૂકું. ભાવનગર એક એવું શહેર છે જ્યાં આજે પણ ખિસ્સામાં ફક્ત ૨૦ રુપિયા લઈને નીકળો તો ય પેટભરીને જ્યાફતનો જલ્સો કરી શકાય. "સસ્તુ-સારૂં ને સ્વાદ ચકાચક" એ જાણે આ દરબારી શહેરનો જિહ્વામંત્ર છે.
ભાવનગરના મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીએ ઘણા લોકોપયોગી કામ કર્યા છે. પણ એમણે એમાંનું કંઈ ન કર્યું હોત તો પણ હું એમને આ એક જ કામ માટે યાદ કરી શકું.
બન્યું હતું એવું કે, એકવાર મહારાજા ભાવનગરની પ્રસિધ્ધ જહાંગીર મિલમાં જઈ ચડ્યા. મોટી રિસેસનો સમય હતો. કામદારો ખુલ્લા ચોગાનમાં ગોળ કુંડાળુ કરીને ઘરેથી લાવેલા ભાતાં ખોલી રહ્યા હતા. કેટલાક કામદારો પીપળાને ચોરે મોં વકાસીને બેઠા હતાં.
"એલાં, આ કેમ આંઈ નોંખા ઊભા સ?" મહારાજાએ પૂછ્યું.
"એવણ છોન્ના (કુંવારા) છે તો રોટલા ની લાવેલા" મિલમાલિક બરજોર શેઠે ઉત્તર વાળ્યો.
"એલાં પણ, તો શું એવણ ભૂખ્યા કામ કરશે? આંઈ ક્યાંક કેન્ટિન કે એવું સાલુ કરો ને"
સામે આ પણ બરજોર શેઠ હતા.

કામદારોને ઓછા પૈસે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય-સભર નાસ્તો મળે એ હેતુથી તેમણે ગોરધન પંજવાણી નામના સિંધીને સાધ્યો(!!). (આમાં ભાઈ, સિંધીને જ સાધવા પડે. શરદ પવાર નો ચાલે) નવું છાપુ શરૂ કરવા માંગતા શેઠિયાને તરતનો જોડાયેલો તંત્રી જેમ જાતભાતની ડમી બતાવે એમ ગોરધને આઠ-દસ વાનગી (એક ડીશના ભાવ સાથે) બરજોર શેઠ અને તેમનાં યાર-દોસ્તોને ચખાડી. એ એસોર્ટિંગમાંથી જે વાનગી પસંદ થઈ એ પાઉં-ગાંઠિયા.
જાડા વણેલા, કડક અને સહેજ તીખા ગાંઠિયા અને પાઉં એમાં નાંખો ચટણી. ના, આ ચટણીની ય એક મજા છે. સાધારણ રીતે પલાળેલી આમલીની ચટણી બને. ગોરધન શી ખબર ક્યાંથી શીખ્યો હશે તો એણે અહીં ચૂલા પર ધીમા તાપે શેકેલી આમલીને પલાળીને ચટણી બનાવી. (હમણા થોડા દિવસ પહેલા ગોરધનની કારીગરીનો ભેદ ખૂલ્યો. આચાર્ય જીવતરામ ક્રુપલાણીની આત્મકથામાં સિંધ પ્રાંતના એમના ઘરના ભોજનનો ઉલ્લેખ છે. એમાં શેકેલી આમલીની ચટણીની વાત છે. ગોરધન મારો બેટો જાણભેદુ તો ખરો હોં) એમાં ડુંગળીની લાંબી સમારેલી ઝીણી કતરન, મીઠું અને મજૂરોના સ્વાદને ધ્યાનમાં રાખીને હેંતકનું મરચું ઠપકાર્યું. પાઉં વાયડા ન પડે એટલે ચપટીક હિંગ નાંખી. -અને જે જલ્સાએ જનમ લીધો...
બાપુ, હેન્રી ફોર્ડની એસેમ્બ્લી સિસ્ટમ કે વિલ્હેમ રોન્ટજનના એક્સ-રે શોધવાની ઘડી જેટલું જ મહત્વ હું ગોરધનના ઈન્વેશનની એ ક્ષણોને આપું!!
પાઉં-ગાંઠિયાના સ્વાદ અને કિંમત ઉપરાંત એ ખાવાની પદ્ધતિમાં ય ભારોભાર સમાજવાદની ભાવના ભળેલી છે. જહાંગીર મિલના મજૂર હોય કે આજના હિરાબજારના માલેતુજાર, પાઉં-ગાંઠિયા એક જ રીતે ખવાય... હાથ વડે. ના, એમાં ચમચી જેવી એસેસરિઝ કામ જ ન લાગે. ચાર આંગળે ગાંઠિયા ભેગા કરો, વચ્ચે અંગુઠા વડે પાંવ દબાવો, છેલ્લી દાઢ ડેન્ટિસ્ટને બતાવતી વખતે ખોલતા હોવ એટલું મોં ખોલીને એ માલ-મિલ્કત મોંમાં ઓરો. પછી બધુ એકરસ કરવા ડીશ મોંઢે માંડીને ચટણીનો સબડકો ભરો.
બટકે બટકે જન્નત ન દેખાય તો બાપુ, ફટ્ટ છે તમારી જીભને!!
એમાં હવે કાળક્રમે થોડા ફેરફાર થયા છે. ગાંઠિયાની સાથે પાઉંની જગ્યાએ બ્રેડના ટુકડા કે પાપડીનું મિશ્રણ પણ પ્રચલિત બન્યું છે. સ્વાદના આ વૈભવનો મૂળ જનક ગોરધન તો અપરિણિત હોવાનું કહેવાય છે પણ વેપારશૂરા સિંધીઓને આ ધંધો જબરો માફક આવી ગયો છે. ભાવનગર જાવ તો આજે પણ લછ્છુ અને દિલીપના પાઉં-ગાંઠિયામાં ગોરધનનો એ સ્વાદ મળી શકશે. (અને ભાવનગર આઘું પડતું હોય તો મારા ઘરે આવજો. સ્પેશિયલ ભાવનગરથી ગાંઠિયા-પાપડી મંગાવીને હું લગભગ દર અઠવાડિયે પાઉં-ગાંઠિયાનો જલ્સો કરૂં જ છું અને મારા ઘરના પાઉં-ગાંઠિયામાં ય ગોરધન જીવતો દેખાશે એની ગેરંટી!!)

25 comments:

  1. " આમાં ભાઈ, સિંધીને જ સાધવા પડે. શરદ પવાર નો ચાલે) "
    એકદમ ચોટદ્દાર....મસ્ત..!

    ReplyDelete
  2. પાઉં-ગાંઠિયાના સ્વાદ અને કિંમત ઉપરાંત એ ખાવાની પદ્ધતિમાં ય ભારોભાર સમાજવાદની ભાવના ભળેલી છે...kyanu connection kya jodai chhe...!!! :) khavanu man thai gayu...lekh vanchine...!!!

    ReplyDelete
  3. કમેન્ટને લેખ તરીકે પોસ્ટ કરવાનો નિર્ણય વાનગી જેવો જ રસપ્રદ છે! હવે એક કામ કરો, ધૈવત ભાઈ પાસે આ નિયમિત અતીથી કટાર લખાવતા રહો.

    ReplyDelete
  4. લલિતભાઈ,
    મને તો બિલકુલ વાંધો નથી. પણ પુરસ્કાર નહિ આપી શકું : ) : )

    ReplyDelete
  5. કીન્નરભાઈ, ટીવી વાળા ની માફક તમે પણ સ્પેસીઅલ અપિઅરન્સ નો ચાલ બ્લોગ માં પાડ્યો! ગમ્યું. અહી કોરિયા માં પાવ-ગાંઠિયા કેમ ખાવા ? રસ્તો બતાવો

    ReplyDelete
  6. બાકી મજા આવી ગઈ.. અને મોઢા માં પાણી પણ... બાપુ જલસો પડી ગયો.... :)

    ReplyDelete
  7. કીન્નરભાઈ , ભાવનગર ના પાવ -ગાંઠીયા જેવું તો નહિ પણ એવું જ એક ઓડ કોમ્બીનેશન રાજકોટના કડિયા નવ્લાઇન (શેરી નંબર યાદ નથી પણ ભગત મોરારજી કેશવજી વાળી શેરી ) માં મળે છે . ત્યાં મસાલા સિંગ (જેને ઘરેલું ભાષામાં ચટુંડીયા દાણા કહેવાય ) ની સાથે પાવ ખાવાનો રીવાજ છે અને ધર્મેન્દ્ર રોડ ના વેપારીઓ કે તેમના સેલ્સમેન નિયમિત તેનો લાભ લે છે...હું પણ તેનો ચાહક છું ....ruchir

    ReplyDelete
  8. ગુજરાતી લેખકો - પત્રકારોમાં અદેખાઈનું પ્રમાણ કેટલુ ઊંચું અને કેવું વરવુ છે એ હવે ફેસબુકના આ જમાનામાં જગજાહેર થઈ ચૂક્યું છે.
    લેખક પણ હું જ, શ્રેષ્ઠ પણ હું જ અને સર્વોત્તમ તો હું જ. હું તો આટલું વાંચું અને આટલું વિચારૂ અને બાકીનાને તો શું ધૂળને ઢેફાં ભાંગતા આવડે છે? એણે તો ફલાણા લેખમાં આમ ભૂલ કરી હતી ને મેં લખ્યું તો છાકો પડી ગયો હતો...
    ભાઈ હિંમત છાયાણી પટેલ, તમે એકદમ સાચા છો.
    શેરીના લુખ્ખાઓને ય શરમાવે તેવો આ માહોલ જોતા તમને "સણસણતો" શબ્દ વાંચીને પહેલા તો "હબોહબ વિંઝાણી"નો જ આભાસ થાય તે સમજી શકાય તેમ છે.
    મારી કમેન્ટ શું છે તેની પડપૂછમાં પડ્યા વગર કિન્નરભાઈએ સીધી જ સંમતિ આપી દીધી. અને આજે જોઉં છું તો એમણે મારી કમેન્ટને સ્વતંત્ર લેખનો દરજ્જો આપી દીધો છે. ગુજરાતી લેખકોને બહુધા બે જ સંસ્ક્રુત વાક્યોને અનુસરતા આવડે છે એવું મેં અનુભવ્યું છે.
    (૧) અહો રુપમ - અહો ધ્વનિ
    અથવા
    (૨) એકોહમ દ્વિતિય નાસ્તિ
    એવા માહોલમાં કિન્નરભાઈની આ ચેષ્ટાને ખરા દિલથી વધાવું છું. તેમણે ખરા અર્થમાં એક હકારાત્મક ટ્રેન્ડ ઊભો કર્યો છે.
    મારી કમેન્ટ (અને હવે પોસ્ટ!!) ગમે તો કિન્નરભાઈના સહ્રદયીપણાને બિરદાવજો. આવા "બડે દિલવાલા"ની આપણને તીવ્રતમ જરૂર છે.
    થેન્ક્સ કિન્નરભાઈ,
    આપણે ત્યાં એક લેખક જાહેરમાં બીજા લેખકને વખાણવાનું ટાળે એવી પ્રથા છે ત્યારે તમારા આ વલણથી સાચે જ મીઠી વીરડીનો અહેસાસ થયો છે. (પણ આવું વલણ રાખશો તો કદી નંબર વન નહિ બની શકો એ યાદ રાખજો!!)
    આશા રાખું કે આવી સદભાવપૂર્ણ મૈત્રીની હવા આપણી જમાતમાં પ્રસરે.
    બાકી, સામસામે લૂગડાં ઉતરતા હોય ત્યારે જોનારાને તો ગમ્મત જ હોવાની.

    ReplyDelete
  9. waah waah dhaivatbhai..pau ganthiya ni history janvani maja avi...bhavnagar ma aamey vaangio ma avi creativity jova male chhe..koik jagya e pau ganthiya male to koik jagya e papdi ganthiya..ane dhaivatbhai e je dilip ni vat kari e dilip to vali tran char vastu aavi bhegi karine ek navi vangi banave chhe..ane aa vangi pachhi amuk samaye j male tya. ketlik jagya e bhungla bateta male, kyak bateta ane papad male, kyak vali bateta ane pau. Nirmal nagarma hira bajar ma bhagat bateta vala pase 2 prakar na bateta hoy. ema ek tikha ane bija lili chatni na..e etla tikha na hoy. ane aa badha sathe shing to accessory tarike vapray..e pachhi andwitch hoy ke game te amuk loko ne sshing joie side ma...

    thanx for sharing kinnerbhai, DT.

    ReplyDelete
  10. @ Envy Em, saaheb tya pau ganthiya banavi ne venchvanu sharu karo..jordar chalshe...ha ha ha

    ReplyDelete
  11. Dhaivat Trivedi ,

    શબ્દો આખલા બની ધિંગાણાંના ઢગલા કરે અને ફેસબુક પર રક્ત ટપકતી હજારો ઝોળી છો ને દેખાય....પરંતુ શબ્દોના આ રણસંગ્રામમાં હંધાયને ઈ યાદ રહે કે આપણે એકાબીજા હારે બાપે માર્યા વેર નથી.
    ધૈવતભાઈ, આપણું તો ભઈલું, આવું જ સે.! કમેન્ટનું કંતાન ઓઢીને આવેલા તમારા લેખને મેં તો થોડો ન્યાય આયપો. બાપુ. , કાઠિયાવાડની તો આ જ રીત સે. પડખેવાળા ભાભી ક્યે કે, 'આજે તો તમારા ઘરમાં મજાના અડદિયા બને સે ને કાંય! સુગંધ તો જો ફાટે!' આટલું હાંભળ્યા પછી છાલીયું ભરી અડદિયા પડખેવાળાને મોકલે નહિ ઈને માણહના પેટનો કેમે ગણવો ! તમે તો ભાઈબંધીના દાવે અમથું ડોકિયું કર્યું પણ હું ભાણે ના બેહાડું તો અમ મલકની ભોમકા લાજે. ને આ બલોગ વળી ક્યાં એવી કોઈ મોટી સલ્તનત છે, અને ક્યાં મેં તમને તાંબાના પતરે ત્રીસ ગામ લખી દીધા! ચમનીયા કરો અને લાંબી-પહોળી કમેન્ટુ ઝીંક્યે રાખો. :)

    ReplyDelete
  12. Ruchirbhai,
    mane e khavdavavani jawabdari have tamari chhe : )

    ReplyDelete
  13. સંકેતભાઈ, તમે પણ મારી જેમ અસલ ખાઉધરા લાગો છો : )

    ReplyDelete
  14. Envy,

    પાઉં-ગાંઠિયા વિશે આ લેખ લખનારને જ પૂછો.
    ઓવર ટુ ધૈવત ત્રિવેદી ... : )

    ReplyDelete
  15. સંકેત દોસ્ત, પાવ-ગાંઠિયા ની વાત સાચી...મને તો વિવિધ ગોટા કે ભજિયા ની લારી કરવાના વિચાર ઘણી વખત આવે છે. અહીના લોકોને સ્વાદ શું કહેવાય તેની સમજ નથી બીજુ, તેમની ઘણી વાનગી તીખી હોય છે (ફક્ત મરચું હોય એ અલગ વાત છે ) છતાં કાઠિયાવાડ ની તીખાશ ની તોલે !!? રામ રામ કરો ને ભાય....
    સામે કાંઠે - આ લોકો જેટલો કાચા શાકભાજી નો ઉપયોગ કરે છે એ કાબિલેદાદ છે. કોફી ની સાથે વિધવિધ ભાતની, સ્વાદની, સુદ્ધ કુદરતી ચા નો વપરાશ પણ દિલ અને સરીર બાગ બાગ કરી દે. તમે વિવિધ ફૂલ ની ચા માણી છે ? કોરિયા ને અંદર થી અને નજીક થી ઓળખવા અને માણવા, કોરિયન ભાષા પર કાબુ મેળવવાનું ચાલુ જ છે....જોઈએ ક્યાં પહોંચાય છે.
    આ વખતે આવું એટલે તમને મુકવાનો નથી કીન્નરભાઈ અને આમેય તે તમને વાસણ-ચાંદલો તો આપવો જોશે ને !!!

    ReplyDelete
  16. @ kinnerbhai, ha ha ha,
    @envy em...wow aavi cha male chhe??? cha no to hu shokhin chhu

    ReplyDelete
  17. વાહ ખરેખર જલસો કરાવીઓ બને ભેગા થઇ ને કિન્નર ભાઈ અને ધૈવત ભાઈ તમોએ ......:)

    ReplyDelete
  18. કીન્નરભાઈ , આ વાચી ને તમારા હાથ ની રસોઈ જમવાનું મન થઇ ગયું , અહી ન જાણતા ને જણાવવાનું કે કીન્નરભાઈ રસોઈ સ્વાદિષ્ઠ બનાવે છે , ફક્ત વાસણ વધારે બગાડે છે

    Rupesh Matalia

    ReplyDelete
  19. Kinnarbhai and Dhaivatbhai,

    I really appreciate your gestures. Yes, to appreciate Earnest Hemingway AAPNA BAAPNU KASHU J JATU NATHI, but to appreciate a piece of a fellow language writer, u need to be a genuine human being.

    ReplyDelete
  20. જિલે ભાવનગર છઉં છતાં આવી તળપદી તાકાત આપણી તો નથી જેવી બેય ભાયબંધોએ આંય બતાડી છે. પાંવગાંઠિયા તો ચાખ્યા નથી પણ આ કોમેન્ટ કન્વર્ટેડ ઈન્ટુ લેખનો સવાદ તો ડાઢે વળગી ગ્યો. વાનગી ને વાતાવરણ એક સાથે પ્રગટ્યાં છે...ગાંઠિયા–ચટણીયોગ જ જાણે.

    રજનીભાઈના લેખનો દોરાયો વાયા કાર્તીકભૈ અહીં સુધી આવવા મળ્યું એનો જલ્સો કૉ કે નશો આંટો સફળ કરી ગ્યો, ભાઈ. ખરે જ મજા પડી–નો આભાર મૂકું છું.

    ReplyDelete
  21. આ...લેલે...મળું હાળું...આ લેખ છેક આજે(૨૮/૧/૧૩) વાંચ્યો!!!! હવે તમને હંધાયને કહી દવ...કે બાપુના(યાર...મારા...લોલ...) મકાનના કમ્પાઉન્ડની વંડી પાસે જોરથી થૂંકો; તો છાંટા ઈવડા ઈ' 'લચ્છુભાઈ'ની દુકાન ક'ને ઉડે(પણ આ પાઉં-ગાંઠીયા ખાવા મારે ઘરે આવવું હોય;તેણે આ અખતરો ન કરવો)...એટલી ઢુકડી છે એની દુકાન...હાલો ત્યારે...હાલ્યા આવો- પાઉં-ગાંઠીયાના 'બંધાણીઓ'(ન હો તો થઈ જાહો...ઈ'ગેરેંટી) તમ તમારે...

    ReplyDelete
  22. પહેલા તો કિન્નરભાઇ ને ખાસ અભિનંદન કેમ કે એક લેખક બીજા લેખકના ભાગ્યે જ વખાણ કરે છે,અને તમે ધૈવતભાઇ મહેમાનગત તરીકે પોસ્ટ મૂકી તે સરાહનીય છે.

    હુ ભાવનગરનો (હિરા ના વ્યવસાયમા રોજે અહિ આવુ છુ) છુ,તેથી પાંવ-ગાંથીયાનો સ્વાદ ઘણીવાર માણી ચૂક્યો છુ,પણ આજે ધૈવતભાઇના મધૂર શબ્દો દ્રારા ફરી તે સ્વાદ જીવમાં જીંવત થઇ ગયો.:) અને ભાવનગરમાં ભૂગળા-બટેટા પણ ખૂબ જ પ્રખ્યાત છે. (કદાચ બીજે આછુ જોવા મળે છે!.)

    ReplyDelete
  23. પાઉં-ગાંઠિયાનો એકાદ ફોટો અને તે બનાવવાની રેસીપી પણ અહિયાં મુકો તો અહીં દાહોદમાં પણ રતલામી સેવ વાળાને કહીને આ આઈટમ શરુ કરાવી દઈએ, અને હા, દાહોદની સુખ્યાત કચોરી વિશે કૈક લખો ને કિન્નરભાઈ, તમે તો ખાધેલી જ છે અને તમારી દાઢે વળગેલી જ છે.!

    ReplyDelete
  24. Hello kinnar bhai
    Tamaro ne bija bhudevo (comments vala) bhojan prem joi ne aanad thayo k aapdo varso aapde haji jalvi rakhyo 6. Mara pati shri bhavnagar bhanela hova thi bhungla batata ne pav ganthiya, dal puri viahe bahu sambhdyu 6.
    Last time ni visit ma pav ganthiya khavana rahi gaya no afsos tamaro ne dhaivat bhai no aa lekh vanchi ne thai rahyo 6.
    Hu sahitya premi to nathi pan ghar ma sahitya nu vatavaran 6. Mara father sahitya kar 6.
    Hu lasaniya batata ni recipe shodhati hati, to thayu k lay ne batata bhungla ni kadach mali jay.....e search karta karta tamaro article joyo...brahman hova na nate ne aaje pan brahmano mate no preference vadhare hova na lidhe tamaro (dhaivat bhai no) lekh vanchio. Gamyo mane. Thayu k tamaara group ma aad kari shakay eva ek bhudev( mara father) ni link muku 6. Tamne aanad thase emna lekh vanchi ne.
    http://markandraydave.blogspot.in/
    Jsk
    Kajal Dave

    ReplyDelete
  25. Thank you. Hu bhavnagar ma bhangla 12th sudhi. College na 3rd year thi lai ne last 15 varas thi bhavnagar javano chance nathi malyo.

    Varso thi pav gathiya khava ni ichha thai hati... Tamara lekh ma chhupayeli 2 line ni recipe e kamal kari nakhi....!

    Ahi Australia ma betha betha e j pav gathiya no swad lidho ane bija bhavnagari o ne pan jalso karavyo... Ha e ganthiya nathi Malta pan je malyu te... Maja padi gai..!

    Once Again, Thank you.
    - Sandeep Patel

    ReplyDelete