વર્ષો પહેલા કાન્તિભાઈ પાસે એક વિદ્યાર્થી ગયો. એને કી-બોર્ડ શીખવું હતું. કાન્તિભાઈના ચરણસ્પર્શ કર્યા. પ્રથમ લેસન લીધું. ઘેર આવીને એક અઠવાડિયું તેનાં પર પ્રેક્ટીસ કરવાની હતી. ક્રિકેટના કેમ્પમાં જતા બાળકોમાંથી અડધાની તો શરૂઆતના ત્રણ-ચાર દિવસમાં જ વિકેટ પડી જાય છે. કારણ કે, શરૂમાં ફક્ત કસરત, ગ્રાઉન્ડને રાઉન્ડ લગાવવાનું, કેચિંગ પ્રેક્ટીસ વગેરે ચાલે છે. આ બધું પાર કરી જાય તેને પછી અસલી રમત શીખવા મળે છે. સંગીતની તાલીમનો શુરુઆતી દૌર ઘણા લોકો માટે કંટાળાજનક હોય છે. રાતોરાત કી-બોર્ડમાંથી આખા ગીતો વગાડતા શીખવું હોય છે, રફી કે સોનુ જેવું ગાતા... અને તાલિમ બહુ ધીમે ચાલે છે. પેલો વિદ્યાર્થી પણ બહુ ઉતાવળો હતો. ધીરજ રાખવી તેને મંજુર નહોતું. પણ એ વિદ્યાર્થી આજે પણ કાન્તિભાઈના વિદ્યાર્થીઓને જુએ ત્યારે તેને મીઠી ઈર્ષા અવશ્ય થાય છે. એ વિદ્યાર્થી એટલે હું પોતે અને કાન્તિભાઈ એટલે કળાગુરુ કાન્તિભાઈ સોનછત્રા.
ગુજરાતમાં જે લોકો સંગીત શીખે છે, સંગીતના વિદ્યાર્થી રહી ચુક્યા છે એવા લોકો કાન્તિભાઈ સોનછત્રાનું નામ ના જાણતા હોય એવું જૂજ કિસ્સામાં જ બને. આમ તો એમને ઘણી વખત મળવાનું બન્યું છે. હજુ હમણાં જ તેઓ "અકિલા" પર આવ્યા હતા અને મારે એમના વિષે થોડું લખવાનું બન્યું. હું સાવ ઝીણો હતો, લગભગ સાત-આઠ વર્ષનો. ત્યારે પણ તેઓ મારા ઘેર મારી બહેન ને ડ્રોઈંગ શીખવવા આવતા. અમારા ઘેર એમના અનેક વિદ્યાર્થીઓની અવરજવર રહેતી. બધા રાત-દિવસ તેમના વખાણ કરતા હોય. હું સાવ નાનો એટલે જે સાંભળીએ એ માની જ લેવાનું હોય. મોટો થયો પછી ઘણી વખત વિચાર આવતો: "જો તેઓ એટલા જ ટેલેન્ટેડ છે તો ફિલ્મોમાં તેમને કામ કેમ ના મળ્યું?" આગળ જતા એનો જવાબ પણ આપમેળે જ મળી ગયો: ફિલ્મો માં સફળ થવા, કામ મેળવવા માટે માત્ર આવડત ના ચાલે. સ્વભાવ, અભિગમ, કિસ્મત અને ધિરજ... ઘણુંબધું જોઈએ. કાન્તિભાઈ પાસે ટેલેન્ટ તો ઠાંસી-ઠાંસીને ભરેલી હતી પરંતુ કદાચ અભિગમ નહિ હોય, સ્વભાવ નડતો હશે. શક્ય છે કે ધિરજ ખૂટી ગઈ હોય અને એ પણ અસંભવ નથી કે ભાગ્યએ એમને સાથ નહિ આપ્યો હોય. જો કે 'બોલિવૂડ્માં પ્રવેશી ના શકયા એટલે એમનું મૂલ્ય કંઇ કમ થઇ જતું નથી. હિન્દી ફિલ્મોમાં સંગીત આપવું એ બેશક એક સિદ્ધિ છે પરંતુ સંગીતના ક્ષેત્રમાં એ એકમાત્ર સિદ્ધિ નથી.
કળાનાં ક્ષેત્રમાં કોઇ કલાકારની સૌથી મોટી સિદ્ધિ કઇ ગણાય? કલાકારને આખા જગતમાંથી કદર મળે પણ કોની તારીફનું મુલ્ય સૌથી વધુ હોય છે, કલાકાર માટે? વેલ, કલાકાર જેને પોતે જબરદસ્ત આદર કરતો હોય એવા મહાન કલાકાર જયારે તેનાં ચાહક બની જાય ત્યારે ! રાજકોટનાં સંગીતકાર કાન્તિભાઈ સોનછત્રા આવા જ એક નસીબદાર મહારથી છે. એમના મનમાં આર.સી. બોરડ, નૌશાદ અને મદનમોહન માટે ભયંકર આદર અને સંજોગો એવા સર્જાયા કે જતે દહાડે આ ત્રણે સમર્થ સંગીતકારો તેમનાં ચાહક બની ગયા! કાન્તીભાઇ સોનછત્રા એક વિશ્વકક્ષાની સંગીત પ્રતિભા છે એટલે જ તેમને સંગીત સાથે સંકળાયેલા લોકો આદરપુર્વક કલાગુરૂ કહે છે.
કળા ક્ષેત્રે રાજકોટ બહુ જાગૃત શહેર નથી અને અમદાવાદમાં જે રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા કલાની કદર થાય છે એવું રાજકોટમાં બનતું નથી. એટલે જ કાન્તિભાઈ સોનછત્રા કેટલાંક કલાપારખુંઓને બાદ કરતા બાકીના શહેરજન માટે સેલિબ્રિટી નથી અને વી.વી.આઇ.પી. પણ નથી. બાકી, સંગીતની દ્રષ્ટિએ તેઓ એક રત્નથી કમ નથી. ખરા અર્થમાં તેઓ સંગીત ક્ષેત્રમાં બનેલો એક અપૂર્વ ચમત્કાર છે. એટલે જ એક જાણીતા સંગીતકારના ગ્રુપ દ્વારા તેમને વિશે કહેવાયું છે કે, ‘તેઓ પિયાનોના મ્યુઝિશિયન નથી પરંતુ પિયાનોના મેજિશિયન છે!’ મુંબઇ ફિલ્મોદ્યોગના ખેરખાં સંગીતકારોના ગ્રુપએ પણ તેમને ‘ફાસ્ટેસ્ટ મેલોડિયસ પિયાનો પ્લેયર
ઓફ એશિયા’નો ખિતાબ આપ્યો છે. પિયાનો પર આંગળી ફેરવવાની ગતિને અને મેલોડીને ઝાઝૂં બનતું નથી. અદનાન સામી જયારે વીજળીની ગતિએ પિયાનો પર આંગળી ફેરવે ત્યારે સુર તો તેમાંથી નીકળે છે પરંતુ હણહણતા સુરની તળે મેલોડીનો કુચ્ચો નીકળી જાય છે.
પિયાનોના ક્ષેત્રમાં આખા ભારતમાં તેમનો ડંકો વાગે છે એવું કહેવું પુરતું નથી. તેઓ કદાચ એકમાત્ર એવા વ્યકિત છે જે પિયાનો પર પણ શુધ્ધતમ શાસ્ત્રીય સંગીત વગાડી શકે છે. દુરદર્શનના ‘સુરભી’ કાર્યક્રમની ટીમને જયારે આ સિદ્ધિની જાણ થઇ ત્યારે તેની નોંધ લેવા ટીમ રાજકોટ પહોંચી. બન્યું એવું કે, રાજકોટમાં પિયાનો માત્ર રાજકુમાર કોલેજમાં જ હતો. એમાં પણ અમુક કી કામ કરતી નહોતી. કોલેજ સંચાલકોની મંજુરી મેળવી માંડ તેમનું પરફોરમન્સ શરૂ કરાવાયું. નકામી કી ધરાવતા બેસૂરા પિયાનો પર પણ તેમણે સૂરિલું શાસ્ત્રીય સંગીત વગાડી દેખાડયું !
કાન્તિભાઇ સોનછત્રા એક અનોખી પ્રતિભા છે. તેમનાં શિષ્ય શૈલેષ પંડયા (સંગીતકાર ‘શૈલેષ-ઉત્પલ’વાળા) કહે છેઃ ‘કોઇ
વ્યકિત કલાસિકલમાં નિપૂણ હોઇ શકે તો અન્ય કોઇ કલાકાર હવેલી સંગીતમાં અથવા જાઝ, પોપ કે ફિલ્મ સંગીતમાં અદ્ભૂત જ્ઞાન ધરાવી શકે. કોઇ વળી લોક સંગીતનું જ્ઞાન ધરાવતા હોય. પરંતુ આ બધાં જ સંગીતનું નખશિખ
જ્ઞાન ધરાવતા હોય એવા કાન્તિભાઇ કદાચ એકમાત્ર વ્યકિત છે ! મેં એમના જેવા સિદ્ધહસ્ત વ્યકિત બીજા કોઇ નિહાળ્યા નથી! ’ કાન્તિભાઇના અન્ય એક શિષ્ય જયમીન સંઘવી (વડોદરા) કહે છેઃ ‘જો કાન્તિભાઇ પાસે કોઇ વિદ્યાર્થી બરાબર તૈયાર થયા હોય તો એ કોઇપણ વાજિંત્રને ફોલો કરી શકે છે. ગુરૂશિષ્ય પરંપરા દ્વારા સંગીત શીખવતા લોકોની સંખ્યા આજે નહિવત છે ત્યારે તેઓ એક વિરલ ઉદાહરણ છે".
આદર્શ ગુરૂનું સૌથી મોટું લક્ષણ એ હોય છે કે એ કદી એક લાઠીથી બધાને હાંકતા નથી. દરેક વિદ્યાર્થીનો ખૂબીઓ-ખામીઓ આગવી હોય છે. એટલે જ કાન્તિભાઇ વ્યકિતગત તાલિમમાં જ માને છે. એમણે આપેલા લેસન એકદમ પ્રેકિટકલ હોય છે. શીખાઉ વિદ્યાર્થી હોય કે નાના બાળકો કે પછી કોઇ જાણકાર કી-બોર્ડ પ્લેયર અથવા તો કોઇ બ્લાઇન્ડ વિદ્યાર્થી હોય...કાન્તિભાઇ પાસે દરેક વિદ્યાર્થી તૈયાર કરવાની અલગ અલગ મેથડ છે. એટલે જ કળાજગતમાં તેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે. કાન્તિભાઇ કહે છે: ‘‘હું કદી કોઇને મારો શિષ્ય કે વિદ્યાર્થી માનતો નથી. હું તેમને જિસાસુ કહુ છું! જેનામાં જેટલી જિજ્ઞાસા હશે એટલી હદે એ આગળ વધી શકશે. કી- બોર્ડ તો એક જંગલ છે, તેમાંથી કેટલું તમે પામી શકો છો એનો આધાર તમારી રખડપટ્ટી પર હોય છે! કી-બોર્ડ વિશે હું ઘણી વખત કહેતો હોઉ છું કે તેમાં દરેક વ્યકિત દરેક સ્ટેજએ એક વિદ્યાર્થી જ છે!’
સંગીતના રસિયાઓ તેમની પાસેથી ‘લેસન’ લેવા અમદાવાદ, વડોદરા કે મુંબઇથી પણ આવતા હોય છે. પણ તેઓ બહુ લો-પ્રોફાઇલ રહે છે. આજ સુધી કયારેય તેમણે જાહેરખબર નથી કરી. તરસ્યા લોકો આપમેળે કૂઓ શોધી લે છે. કલકતામાં ૧૯પ૧ થી ૬૭ સુધીના સોળ વર્ષ દરમિયાન તેઓ રહયાં ત્યારે એમને સંગીતનો વધુને વધુ પરિચય થયો અને લોકોને એમનાં સંગીતનો. એમણે સાત બંગાળી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું, જેમાંથી મોટાભાગની સિલ્વર જયુબીલી હિટ હતી. પંડિત મણિરામજી (પંડીત જસરાજના ગુરૂ) એમના ગુરુ. બડે ગુલામ અલીખાં સાહેબથી લઇ અનેક ધરખમ કલાકારો સાથે કાન્તિભાઇએ સ્ટેજ કાર્યક્રમમાં સંગત કરી. દરેક રાજયનાં લોકગીતો વિષે જ્ઞાન મેળવવા જે - તે રાજયમાં ચાર-છ મહિના ગાળ્યા. પછી એ કાશ્મીર હોય કે ઉત્તર પ્રદેશ. વેસ્ટર્ન મ્યુઝિક પણ ચિક્કાર સાંભળ્યું. એક વખત તેમણે નૌશાદના અમુક કમ્પોઝિશન વિશે બે સાચી વાત લખી તો કોઇએ ગુસ્સે થઇ તેમને પૂછયું: ‘તમે નૌશાદ વિશે આવું કેવી રીતે કહી શકો?’ કાન્તિભાઇએ કહ્યું: ‘એ સવાલ તમે નૌશાદને પૂછો. એ જવાબ આપશે!’
કાન્તિભાઇ સોનછત્રા એવડું નામ ગણાય છે કે, આવો પ્રશ્ન પૂછવાની કદાચ કોઇની પણ હિંમત ન હોય ! એ જમાનાના મોટા ગજાના પાશ્ચાત્ય કલાકાર ટોની મેનેસીસને એક વખત તેમણે કી-બોર્ડ (એ સમયે હાર્મોનિયમ)ની લેફટ હેન્ડ ટેકનિક વિશે પૂછયું તો પેલાએ તેમને જવાબ વાળ્યો કે ‘તમારી રાઇટ હેન્ડ ટેકનિક જેવી શ્રેષ્ઠ મેં દુનિયામાં બીજે કયાંય જોઇ નથી ! ’ તમે જ કશુંક નવતર સંશોધન કરી શકશો. ટોનીનાં શબ્દો સાચા હતા. કી-બોર્ડ પર આજે બેઉ હાથની જેવી ટેકનિક એમણે વીસ-વીસ વર્ષની મહેનત બાદ વિકસાવી છે તેનો જોટો જડવો અસંભવ છે. કલ્યાણજી-આણંદજી જેવાં સંગીતકારોએ કાન્તિભાઇની પ્રેરણા લઇ ચારૂકેશીપર અનેક ગીતો રચ્યા છે.
ફિલ્મોદ્યોગના લોકો તેમને પ્રેમપૂર્વક ‘કી-બોર્ડનું લેથ મશિન’ પણ કહે છે ! પોતાનાં સ્વભાવનાં કારણે તેમણે બોલિવૂડ્ ભણી નજર દોડાવી નહીં, કામ માંગવા ગયા નહીં. ગુજરાતીમાં ‘લાખા લોયણ’ ફિલ્મ કરી જે સંગીતની દ્રષ્ટિએ મોટી હિટ થઇ. સોનુ નિગમથી લઇ પુરૂષોત્તમ ઉપાધ્યાય સુધીનો લોકો તેમના પાસેથી કંઇને કંઇ શીખ્યા છે. કી-બોર્ડના એમની કક્ષાના ગુરૂ કદાચ આખા ભારતમાં નથી. ખરા અર્થમાં તેઓ સરસ્વતીના સૌથી લાડકા સંતાન છે ! અને એમનું એકમાત્ર ધ્યેય છે સંગીતની સેવા કરવાનું. તેઓ કહે છેઃ ‘વિશ્વકક્ષાના વિદ્યાર્થીઓ તૈયાર કરવા એ જ મારૂં ધ્યેય છે અને એ માટે હું નિષ્ઠાથી કાર્ય કરી રહ્યો છું.’
લખ્યા તારીખ: ૨૧ જુલાઈ, ૨૦૧૧
કીન્નરભાઈ, અધભુત પ્રતિભા નો અધભુત પરિચય.
ReplyDeleteલેખ માં વચ્ચે કૈંક અવાચ્ય છે, ફોન્ટ ની તકલીફ હશે, શબ્દો નો પ્રવાહ ખટકા નો અહેસાસ કરાવતો હોય એવું લાગ્યું.
@Nare...
ReplyDeleteએક વખત પેજ રિફ્રેશ કરી જુઓ...
કીન્નરભાઈ હું પણ કીબોર્ડનો વિદ્યાર્થી રહ્યો છું...અને કાન્તીભાઈ વિષે મેં પણ જાણેલું મારા સર દેવેન્દ્રભાઈ મહેતા પાસેથી. એમના વિદ્યાર્થીઓ પાસેથી એ કેવા કડક શિસ્તના આગ્રહી છે એ ય જાણેલું. તમે સાચું કહ્યું એ પિયાનો ના મેજિશિયન છે. રાજકોટના ઘણા મોટા મ્યુંજીશીયંસ એમના શિષ્ય રહી ચુક્યા છે...સલામ એ લિજન્ડને...
ReplyDeleteકાન્તિભાઇ સોનછત્રા એવડું નામ ગણાય છે કે, આવો પ્રશ્ન પૂછવાની કદાચ કોઇની પણ હિંમત ન હોય ! એ જમાનાના મોટા ગજાના પાશ્ચાત્ય કલાકાર ટોની મેનેસીસને એક વખત તેમણે કી-બોર્ડ (એ સમયે હાર્મોનિયમ)ની લેફટ હેન્ડ ટેકનિક વિશે પૂછયું તો પેલાએ તેમને જવાબ વાળ્યો કે ‘તમારી રાઇટ હેન્ડ ટેકનિક જેવી શ્રેષ્ઠ મેં દુનિયામાં બીજે કયાંય જોઇ નથી ! ’ તમે જ કશુંક નવતર સંશોધન કરી શકશો. ટોનીનાં શબ્દો સાચા હતા. કી-બોર્ડ પર આજે બેઉ હાથની જેવી ટેકનિક એમણે વીસ-વીસ વર્ષની મહેનત બાદ વિકસાવી છે તેનો જોટો જડવો અસંભવ છે. કલ્યાણજી-આણંદજી જેવાં સંગીતકારોએ કાન્તિભાઇની પ્રેરણા લઇ ચારૂકેશીપર અનેક ગીતો રચ્યા છે...thank you very much sharing wonderful info.....Naresh k.dodia
ReplyDeletegood one
ReplyDeleteVery nice....Very nice....
ReplyDeleteસંગીતના જાણકારો સાથે ઉઠક બેઠક હોઈ કાન્તિભાઈ વિષે ઘણું સાંભળ્યું હતું. આજે 1st hand information પણ મળી. ખુબ સુંદર પરિચય આપ્યો કિન્નરભાઈ. ને ચારુકેશી પરથી 'અકેલે હૈ ચલે આઓ...', 'એક તૂ ના મિલા સારી દુનિયા...' અને 'બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ....', 'છોડ દે સારી દુનિયા..' જેવા સુંદર ગીતો યાદ આવ્યા જેમાં એમનું પ્રદાન હોઈ શકે...
ReplyDeleteસંગીતને સમર્પિત એવી આવી વિરલ વ્યક્તિનો પરિચય આપવા બદલ ખુ ખુબ આભાર....
વાહ કિન્નરભાઈ વાહ ,અમારા (આપણા) ગુરુદેવ ને યાદ કરવા બદલ ધન્યવાદ. ભૈરવી આધારિત તેમના રચેલા રાગો સાંભળો તો ક્યાય પણ ભૈરવી ની છાંટ સંભાળવા ના મળે એવા રાગો ની તેમને રચનાઓ કરી છે."છોડ દે સારી દુનિયા"-એક તું ના મિલા",વિગેરે બેશક તેમના જ કમ્પોઝીશન છે.ડાબા હાથે દાદરા અને જમણા હાથે કહેરવા ની નોટેશન સાયકલ ફક્ત કાન્તીભાઈ જ વગાડી શકે છે.તેમની લાસ્ટ ફિલ્મ નું કમ્પોઝીશન સુરેશ વાડેકર ગાઈ નહોતા શક્યા અને પૈસા લીધા વગર જ નીકળી ગયા હતા .સ્વ.નૌશાદજી ની સાથે મારી મુલાકાત વેળા એ નૌશાદ્જી એ કોનોટ હોલ અને કાન્તીભાઈ નો ઉલ્લેખ કરેલો.
ReplyDeleteગુરૂ વંદનાના દિવસોમાં એક યોગ્ય લેખ... અભિનંદન. ચારૂકેશી તેમજ તેના ઉપયોગ વિશે બધિરભાઇએ ગીતોના દાખલાઓ સાથે લખીને અમારા જેવા અડધા પડધા સંગીત રસિયાઓની જાણકારી વધારી છે. બાય ધી વે, મેં પણ બે એક વરસ સિતાર શીખવાનો પ્રયાસ કર્યો હતો અને કિન્નર તમે કહો છો એમ જ શરૂઆતના અલંકાર (ગ્રાઉન્ડના રાઉન્ડ?)શીખવામાં અને પ્રથમ રાગ ભુપાલી સુધી પહોંચતા સુધીમાં સમજાઇ ગયું કે આ અત્યંત ધીરજનું કામ છે અને એ ’૭૦ના દાયકાના દિવસોમાં તો કેટ કેટલું કરવાની ઉતાવળ હતી! પણ કરેલું કશું ક્યાં અવરથા જાય છે? એ અનુભવ પછી ગીત લેખન, સંગીત સર્જન અને ગાયકી એમ સંગીત સાથે સંકળાયેલા કોઇ પણ ક્ષેત્રના કોઇ પણ લેવલના કલાકારને એક વિશીષ્ટ સન્માન સાથે જોવાની ટેવ અનાયાસ જ પડી ગઇ. કાન્તિભાઇનું તો લેવલ રાષ્ટ્રીય છે અને તેમનું પ્રદાન પણ કેવું મોટું છે. તેમને અમારા પણ સાદર વંદન અને તેમના જેવા Low Key આર્ટીસ્ટને હાઇ લાઇટ કરવા બદલ તમારો આભાર!
ReplyDelete