( એક પરિક્ષા આપવા મારી ભાણેજને બનારસ જવું પડે એમ હતું.
રોકાણ બારેક દિવસનું હતું એટલે બહેન , મીનાક્ષી ચંદારાણા પણ દિકરીની સાથે જ ગઈ હતી.
બનારસને એ લોકોએ મન ભરીને માણ્યું.
ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન પ્રત્યેના આદરને લીધે એમના ઘેર પણ પહોંચી ગઈ.
ત્યાં તેણે શું જોયું? અનુભવ કેવો રહ્યો?
આ લેખમાં તેણે અત્યંત હૃદયસ્પર્શી ભાષામાં એ યાદગાર અનુભવ લખ્યો છે.
લેખ વાંચીને મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા હતા. વાંચો... કદાચ તમે પણ હચમચી જશો.... -કિન્નર આચાર્ય )
રાતે આરતી કરનાર પૂજારીને પૂછતાં એણે કહ્યું,‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો...'
વિચાર્યું કે સવારે આઠેક વાગે નીકળી જવું. પણ રાત્રે ઊંઘ ન આવી અને સવારે ધીરજ ન રહી. હોટલની સામેની ફૂટપાથ ઉપર સવારે સાડાચારે ચાના ઠેલાવાળો આવી જાય. કપ-રકાબીનો ખખડાટ, સ્ટવનો ધમધમાટ, ઘરાક સાથેના સંવાદો... બધા જ અવાજો રોજ વહેલી સવારે શરૂ થઈ જતા હશે. પણ રોજ એ ક્યાં સંભળાયા હતા! અને આજે તો એ બધા અવાજમાંથી એક જ આદેશ સંભળાય, ઊઠ... ઊઠ... ઊઠ...
આઠ વાગ્યાને બદલે સવારે પોણા છએ તો હોટલમાંથી બહાર આવી ગઈ. પગરિક્ષા તરત જ મળી ગઈ.‘બેનિયા બાગ મસ્જિદ'. હજુ સવાર પડી ન હતી, એટલે કે હજુ અંધારું હતું. છતાં એ વાત પણ ખરી કે બનારસ માટે સવારના પોણા છ વાગ્યાનો સુમાર કંઈ વહેલો ન કહેવાય. ચહલપહલ તો ક્યારનીયે શરૂ થઈ ગઈ હોય. કોઈ કાશીવિશ્વનાથના મંદિરે દર્શન કરવા જતું હોય, તો કોઈ ગંગા કિનારે સૂર્યોદયના દર્શન કરવા જતું હોય. છતાં મનમાં એક અજાણ્યો ડર હતો. હું એકલી, મારા માટે શહેર અજાણ્યું, અજાણ્યા લોકો, રસ્તા પણ તદ્દન અજાણ્યા! અને મુસ્લિમ એરિયા.
પગરિક્ષા થોડું ચાલી... ગોદોલિયા ગયું... અને બેનિયા બાગ શરુ થયું. મુસ્લિમ નામોવાળી દુકાનોના પાટિયાં આવવા લાગ્યાં. મોટાભાગની દુકાનો હજુ બંધ હતી અને આ રસ્તો તો લગભગ સૂનો કહી શકાય એવો હતો. દુકાનો બંધ હોય, અંધારું હોય અને સૂનકાર, સાથે ઠંડી અને લાંબા રસ્તાઓ... એ સમયે કોઈ પણ શહેર એક ડરનો અહેસાસ કરાવતું હોય છે!
સામેની બાજુ એક મસ્જિદ દેખાઈ. પગરિક્ષાવાળાએ રસ્તો ક્રોસ કરી મસ્જિદ પાસે પગરિક્ષા લીધી. મસ્જિદમાંથી બે ભાઈઓ નીકળ્યા, તેમને પૂછ્યું,‘ઉસ્તાદ બિસ્મીલ્લાખાનજી કી મઝાર...?' વાક્ય અધૂરું હતું અને તેમના ચહેરા પર
અહોભાવ ફ્રી વળ્યો. તેમણે પગરિક્ષાવાળાને‘ઇધર સે દાંયે, ઊધર સે બાંયે' કરતાં-કરતાં બરાબર જગ્યા બતાવી હશે એવું લાગ્યું. હવે આ રિક્ષાવાળો જ મારો આધાર હતો, પણ મંઝિલ હવે એક કદમ નજીક હોય એવું લાગી રહ્યું હતું. ડર અને રોમાંચ બેઉ સાથે ચાલતા હતા.
પગરિક્ષા મેઇનરોડને છોડીને એક ગલીમાં વળી. અને ગલી પછી તો ગલી પછી તો ગલી... કેટલાક રસ્તા તો એટલા સાંકડા કે પગરિક્ષા ચાલતી હોય તો સામેથી સ્કૂટર પણ ન આવી શકે! ક્યાંક જરા પહોળા રસ્તા હોય તો ત્યાં એકાદ લારી ઊભી હોય અને લારીમાં એકસાથે પાંચ-પાંચની હારમાં પચીસેક બકરીઓને બાંધેલી હોય. કોઈ ઘરને જો ઓટલો હોય, તો ત્યાં પણ ત્યાં પણ ખીલે બકરી બાંધેલી હોય! કોઈ નાના ઓટલા પર પાન-પડીકીવાળા અને ચોક પડે ત્યાં મરઘા-બટકાંનાં પીજરાં... બિસ્મીલ્લાખાનના વિચારો એક તરફ્ રહ્યા અને વિચારવા લાગી કે આ બકરીઓ કોણ જાણે ક્યારની આ દશામાં બાંધેલી બેઠી હશે, બીચારી બેં-બેં કરવાનું પણ ભૂલી ગઈ હશે...! અમસ્તું કહ્યું હશે, કે‘બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી...?'
બધું વળોટતાં-વળોટતાં એક મોટા ડેલા સામે રિક્ષા ઊભી રહી. ઉપર કશું લખેલું ન હતું. અંદર જતાં સહજ સંકોચ થતો હતો, ત્યાં બીજા એક મદદગાર મળી ગયા. ફ્રીથી પૂછ્યું, ઉસ્તાદ બિસ્મીલ્લાખાનજી કી મઝાર...'
‘આઇયે, યહીં હૈ.' તેમણે દરવાજો ખોલી આપ્યો. અંદર સાથે આવ્યા. પહેલી નજરે મઝાર જેવું કશું દેખાયું નહીં. જમીનથી માંડ એકાદ ઇંચ ઊંચે ત્રણ બાય છની જગ્યા પર જરા ગારમાટી થયા હોય એવું લાગ્યું. દીવાલના ટેકે ઉસ્તાદજીની મોટી તસવીર હતી. મેં પ્રણામ કર્યા. પેલા મુસ્લિમ બિરાદરને પૂછ્યું,‘મુસ્લિમોમાં પ્રણામ કેવી રીતે કરે છે. મારે એ રીતે પગે લાગવું છે'. એમણે હસીને કહ્યું,‘આપ ઇધર કી તો નહીં લગતી... ઇતને દૂર સે આઈ હૈ, તો આપ કી પ્રાર્થના, પ્રણામ સબ કુછ કબૂલ હો હી ગયા હોગા...!'
બસ, પ્રણામ કરીને બહાર નીકળી. અંદર કંઈક છલકાતું હતું. એટલે તો ફોટો પાડવાનું પણ યાદ ન આવ્યું. પગરિક્ષામાં બેસતાં-બેસતાં પાછા વળીને ફ્રી ત્યાં જઈને ફોટો લીધો. પેલા ભાઈને જ પૂછ્યું, બિસ્મીલ્લાખાનજીના સંતાનો... જવાબ મળ્યો‘બેનિયા બાગ'.
ફ્રી બેનિયા બાગ. પછી ફ્રી ત્યાંથી ગલી, ગલી, ગલી... સરાઈ હરા પહોંચી. પંદર-સત્તર વર્ષના ચાર-પાંચ છોકરાઓ ત્યાં ઊભા હતા. તેમને પૂછ્યું,‘ખાનસાહેબ બિસ્મીલ્લાહખાન...' છોકરાઓ બાઅદબ છેક ઘર સુધી મૂકી ગયા.
સવારના સાડાસાત થયા હતા. અજાણ્યાને ઘેર અત્યારમાં પહોંચી ગયાનો સંકોચ હતો. ત્યાં તો ખુલ્લા બારણામાં સામે એક બુઝર્ગ દેખાયા. છોકરાઓએ એમને કહ્યું,‘ઉસ્તાદજી કા નામ લે રહે થે...'
‘આઈયે... આઈયે...' ઊંચો ઓટલો ચડીને હું ઘરમાં પ્રવેશી. ઓટલો ચડતાં તરત જ નાનકડો બેઠકરૂમ હતો. દરવાજાની ડાબી બાજુએ એક જૂનો સોફ, જમણી બાજુએ ડબલબેડ. બંને પર કોઈ સૂતું હતું. દરવાજાની બરાબર સામે બે ખુરસી અને સામેની બાજુએથી ઘરમાં આગળ
જવા માટે બીજો દરવાજો.
મારા આટલા વહેલા આવવાને કારણે સૂતેલાને ઉઠાડવા પડયા. નમસ્કાર કરીને હું સામેની બે ખુરશીમાંથી એકમાં ગોઠવાઈ.
‘ફ્રમાઈયે...'
મેં કહ્યું,‘જીસ પાક ભૂમી પર ઉસ્તાદજીને જીવનભર શેહનાઈ કી સાધના કી, ઉસ ભૂમી કા દર્શન કરને આઈ હું.'
‘વહ તો દશાશ્વમેધ ઘાટ પર બજાતે થે... કાશીવિશ્વનાથ મંદિર હો આઈ આપ?'
‘જી, અભી નહીં. પહેલે ખાનસાબ કી મઝાર કા દર્શન કરના થા, સો કર લિયા આજ સુબહ-સુબહ. ઔર સાથ હી મેં આપ સબ, ઉન કે પરીવાર સે ભી મિલને કી ઉમ્મિદ થી, તો ચલી આઈ હું. અબ જાઉંગી મંદિર ભી...'
એમની આંખમાં એક ચમક અને એક ગ્લાનિ એકસાથે ઊભરી આવ્યા હોય એવું લાગ્યું. એમણે ઉપર જોયું. એમની સાથે મેં પણ ઉપર નજર કરી. ઓરડાની એકેએક દીવાલ ખાનસાહેબની તસવીરોથી મઢેલી હતી.
‘સબ ઉન કા કરમ હૈ, કી કોઈ હમેં યાદ કર કે ઇતની દૂર મીલને આતા હૈ.'એક તસ્વીરમાં ખાનસાબ સામે એકીટસે જોતાં એમણે કહ્યું.
‘આપ ઉન કે...'
‘મૈં બડા બેટા ઉન કા. મેહતાબહુસેન...'
‘ખાનસાહબ કે બાદ ઉન કી શહનાઈ કા વારીસ...'
‘બજાતા હું ના મૈં... શહનાઈ... લેકિન ઉન કી શહનાઈ કે અસલી વારીસ તો થે નૈયરહુસેન. હમારે છોટે ભાઈ થે. ગુઝર ગયે અભી એક-દો સાલ પહલે... ઉન સે છોટે હૈ નાઝીમહુસેન. તબલાનવાઝ હૈ. બહુત ખૂબસૂરત બજાતે હૈ... જામિલહુસેન ઔર કાલિમહુસેન... હમ પાંચ ભાઈ...'
મેહતાબહુસેન પાણી લઈને આવેલા નિસ્સારહુસેનનો પરિચય કરાવે છે.‘નિસ્સારહુસેન હમારે નૈયરહુસેન કે બેટે હૈ. એ પણ શરણાઈ વગાડે છે...
આટલે દૂરથી આવેલ એકલી સ્ત્રી સવારથી આવીને આટલી વાર સુધી વાત કરતી રહે અને તે છતાં ઘરની એક પણ સ્ત્રી કે યુવતી કે નાની છોકરી પણ બહાર આવીને પાણી ન આપે, એ મારા માટે અચરજનો વિષય હતો,‘ખાનસાહેબના કુટુંબમાં કોઈ સ્ત્રીને સંગીતનો શોખ કે તાલીમ...'
‘નહીં.' રુઢિચુસ્ત મુસ્લિમ કુટુંબના વડા મેહતાબહુસેન આ બાબતમાં બહુ જ સ્પષ્ટ હતા.‘હમ હમારી ઔરતોં કો સંગીત કી તાલીમ નહીં દેતે હૈ. હમારી તીન બહેનેં હૈં. તીનો કી આવાઝ મધુર હૈ. લેકિન હમારેં ઘરોં કે હી શાદી-બ્યાહ કે અલાવા...'
‘આટલી
રુઢિચુસ્ત માન્યતા...' હું બેધડક પૂછી લઉં છું.‘...અને ઇસ્લામ તો સંગીતની મનાઈ ફ્રમાવે છે ત્યારે ખાનસાહેબનું ગંગાઆરતીના સમયે મંદિરના પરિસરમાં શરણાઈ વગાડવું...'
‘કિતને મુસલમાનોને ગાયા-બજાયા, ઔર ઉસ્તાદ હો ગયે. અબ્બા કે મામા ઉસ્તાદ અલિબક્ષસાહબ ગ્વાલિયર કે બાલાજી મંદિરમેં નોબત બજાતે થે. અબ્બા કે નાના ભી વહીં પર ગ્વાલિયર સ્ટેટ કી ઔર સે નોબત બજાતે થે. અબ્બા કે દાદા સાલારહુસેનખાન, હુસેનબક્ષખાન, રસુલબક્ષખાન, ઔર ઉન કે અબ્બા પયગંબરબક્ષખાન... સબ શહનાઈ બજાતે થે. ઇસ્લામ રોજી કે લિયે સંગીત કી છૂટ દેતા હૈ. ખાનસાહબ કે લિયે શહનાઈ ઉન કી રોજી થી. હમ ભી રોજી કે લિયે બજાતે હૈ. આપ ભી કભી શાદી-બ્યાહ કે મૌકે પર બુલા લો, હમ બજાને
કે લિયે આ જાયેંગે...'
મારા માટે દિગ્મૂઢ થઈને સાંભળવાનો એ સમય હતો. ખાનસાહેબ, ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન... અને શરણાઈ એમની રોજી માત્ર...!?
ખાનસાહેબની શરણાઈ, એમની સંગીતસાધના, એમની લગન અને ગંગાઆરતી ટાણે શરણાઈ વગાડવાનો એમનો વૈભવ... કેટકેટલી દંતકથાઓ સાંભળીને તો આપણે મોટા થયાં છીએ? મેં સાંભળેલું ખોટું ન હોય તો... અમૅરિકામાં બનારસની પ્રતિકૃતિ સર્જીને ત્યાં સ્થાયી થવાના કહેણને ખાનસાહેબે એમ કહીને નકારી કાઢેલું કે,‘મેરી ગંગા કહાં સે લાઓગે તુમ વહાં...?'
અને અહીં એમનો પુત્ર મને મોઢામોઢ કહી રહ્યો હતો કે શરણાઈ ખાનસાહેબની રોજી હતી!?
સરસ્વતીની પૂજા કરતાં-કરતાં કેટલાયે પંડિતો અને ઉસ્તાદો અમૅરિકામાં લક્ષ્મીજીના ખોળામાં આળોટી રહ્યા છે ત્યારે અહીં રોજી માટે શરણાઈ અને સંગીતને અપનાવનાર ખાનસાહેબ તો આખી જિંદગી સંગીતની સાધના જ કરતા રહ્યા...!
‘ખાંસાબ તો કહતે થે કી...' મેહતાબહુસેન વાત આગળ ચલાવે છે.‘લક્ષ્મીજી તો હર તરીકે સે આ સકતી હૈ. સૂર સિર્ફ્ સરસ્વતી સે મિલતે હૈ... સોને કા પીતાંબર પહન લિયા ઔર કામ કુછ નહીં, તો વહ તો સોને કી બેઇજ્જતી હો ગઈ...'
વાતનો દોર હું પકડી રાખું છું.‘ઇસ્લામે તો... માનો કે રોજી માટે સંગીતની છૂટ આપી હતી. પરંતુ... અહીંના મુસ્લિમો ગંગાઆરતી સમયે મંદિરમાં શરણાઈ વગાડવાનો વિરોધ કરતા ન હતા?'
‘કયા બાત કરતીં હૈ આપ. શહનાઈને તો બનારસ કે હિન્દુ ઔર મુસલમાનોં કો કિતના જોડ કે રખ્ખા હૈ! સબ ઉન કા નામ બડી ઇજ્જત સે લેતેં હૈં. ભારતરત્ન યા કીસી ભી ઇલકાબ-અકરામ કે લિયે ઉન્હોંને કભી ભી કીસી કા એહસાન નહીં લિયા થા.'
‘ઉન કી શહનાઈ કોઈ ખાસ તરહ સે...'
‘એમની શહેનાઈ એક સામાન્ય શરણાઈ જ હતી. એમણે મૂળ શરણાઈમાં કોઈ ફ્રફરો પણ કર્યા ન હતા. માત્ર સાધના અને અલ્લાહના કરમ વડે જ શરણાઈને એમણે આ દરજજો અપાવ્યો હતો.
‘ક્યારેક હુલ્લડ
થાય હિંદુ-મુસ્લિમ વચ્ચે, ત્યારે...'
‘દંગે તો હો જાતે થે કભી કભી. ઉસ વક્ત હમારે હિંદુ બિરાદર હી કહતે થે કી ખાંસાબ, મત આઈયે આજ મંદિર મેં... લેકિન હમારે અબ્બા થે કિ... કહતે... બનારસ મેં હું તબ તક તો આઉંગા ગંગા કે ઘાટ પર બજાને... એ હંમેશા આવતા, અને હિંદુઓ જ એમના રક્ષણની જવાબદારી નીભાવતા...'
મને ફ્રી આરતી કરનાર પૂજારી યાદ આવી ગયો. કહેતો હતો, બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો...'
‘એમના આખરી દિવસોમાં ડૉકટરે કૅન્સરને કારણે શરણાઈ વગાડવાની મનાઈ...'
‘કોઈ કૅન્સર-વેન્સર નહીં થા ઉન કો. ગુજર જાને કે તીન-ચાર મહીને પહલે હી તો એક બડા કાર્યક્રમ કિયા થા...'
‘ખાનસાહેબે થોડી ફ્લ્મિ માટે વગાડેલું, પછી અળગા રહ્યા. ફ્લ્મિમાં એમની પસંદ...'
‘અબ્બાને ગીતાબાલીની ફ્લ્મિ કિનારાનું સંગીત બહુ ગમતું. નૌશાદ અને વસંત દેસાઈ એમના પ્રિય સંગીતકાર હતા... ગુંજ ઊઠી શહનાઈ પછી શરણાઈને બહુ જ લોકપ્રિયતા મળી હતી. વાદ્ય તરીકે શરણાઈની કદર થવા લાગી.'
ખાનસાહેબે પોતાના પુત્રોને સંગીતની પૂરી તાલીમ આપી.‘હમ કો તો માર-માર કે સિખાયા થા. લેકિન હમારે બચ્ચોં કે લિયે ઉન્હોંને હમ પર છોડ દિયા થા...'
વિદાય લેતા પહેલાં મેં બે-ચાર શેરો કહ્યા.
હૈ શહનાઈ કા દૂસરા નામ બિસ્મિલ્લા,
સુરો કા દિવ્યઅંશી જામ બિસ્મિલ્લા.
બનારસ ધામ હૈ ગંગા કી ધારા કા,
સૂરો કી જાહ્નવી કા ધામ બિસ્મિલ્લા.
મુસલમાં કે ફ્કીર દરવેશ થે વો તો,
હરેક હિંદુ કે થે વો રામ બિસ્મિલ્લા.
ઓ ભારતરત્ન! આલોકિત કિયા જગ કો,
હૈ પાવક સંસ્કૃતિ પૈગામ બિસ્મિલ્લા.
બીજો શેર સાંભળતાં મેહતાબહુસેનખાનથી એક ડૂસકું મુકાઈ ગયું અને પછીના ડૂસકાંઓ એ ગળી ગયા.
દસ દિવસના બનારસના રોકાણ પછી રેલવે સ્ટેશને ગાડીની રાહ જોતાં બેઠાં હતાં, ત્યાં નિસ્સારહુસેન હાથમાં ફ્ળો અને મીઠાઈ લઈને આવી ચડયા.‘આપ કિતની દૂર સે આઈ થી હમ સે મીલને.
હમ તો ખૈર, યહીં સે આયે હૈ... ખાનસાહબ કા કરમ હૈ સબ. ઉન કી અંતીમયાત્રા મેં પૂરા બનારસ છલકા થા. ભીડ કો કાબૂ કરના મુશ્કિલ થા. ભારતરત્ન થે વહ, તો રાજદ્વારી તો આને વાલે થે હી. આમ જનતા ઉન સે ઇતના પ્યાર કરતી થી, વહ તો ઉન કે જાને કે બાદ હી મહસુસ કિયા!'
હું મારી ચિંતા વ્યક્ત કરું છું,‘કોઈએ એમની યાદગીરી સાચવવી જોઈએ. એમની મઝાર કેવી અવસ્થામાં છે!'
‘ક્યા કરે? સરકારને તો પચાસ લાખ ખર્ચ કરને કા વાયદા કિયા થા મઝાર કે લિયે...'
ફ્રી એક વખત ખાનસાહેબની મઝારની હાલત મારી નજર સામે તરવરી રહી...
વડોદરા પહોંચીને નિસ્સારહુસેનને પહોંચનો ફોન કરું છું ત્યારે ફોન પર તેઓ કહે છે,‘દીદી, કોઈ કાર્યક્રમ હો તો બુલાઈયેગા હમેં. કિસી કી શાદી હો, કિસી કા જન્મદિન હો...'
કીન્નરભાઈ...સદી સરળ ભાષા માં અદ્ભુત આલેખન. કોલેજ માં હતો ત્યારે બિસ્મિલ્લાહખાન સાહેબ ની શહેનાઈ નો આસ્વાદ માણ્યો હતો.
ReplyDeleteપાછલા દિવસો માં ખાં સાહેબની તબિયત અને આર્થિક બેહાલી વિષે તો વાંચ્યું હતું પણ આ હદ પણ વટાવી ચુકી હશે એ ખબર નહોતી. લેખની આખરમાં જે હકીકત બયાં થાય છે એ વાંચી ને સ્તબ્ધ છું!
ReplyDeleteલેખમાં ઉલ્લેખ છે એ મઝારનો ફોટો ક્યાં?
True...Ustad Bismilla Khan sahab....kyaa bataye...ek umada insan...aap unki mazaar pe ho aaye...saahab ji ab to koi dham ya makka madina jaane ki jarurat nahi..simply...aap ke nek kaam ko aadab...likhana jyada aata nahi..aur aansu ki key is saale manhus computer me nahi hai..fir bhi tahe dil se,,
ReplyDeleteGOOD ARTICAL-WAITING FOR THE PHOTO OF "MAZAR"
ReplyDeleteભલે તેમના બેટા એ કહ્યું રોજી માટે પણ લેખમાં થી સ્પષ્ટ જોઈ શકાય છે તેમને મન શરણાઈ અને સંગીત જ જીવન હતું...કીન્નરભાઈ, પેઢી બદલાતા નઝરીયો બદલાઈ જાય છે . આવી હિમત કરી તે બદલ બહેન ને વંદન . મારા માતા-પિતા ત્યાં એક મહિનો રોકાયેલ (કાર્યક્રમ ૧૫ દિવસ નો હતો પણ રાજસ્થાન ના ગુજ્જર અંદોલન ને લીધે એક મહિનો રોકાવું પડેલ...જે આનંદ પ્રદ થઇ ગયેલ) ...નહિ માનો જ્યારે જ્યારે તેમને ઉસ્તાદ જી ના ઘરે જવાની વાત કરી...સ્થાનિકો એ કહ્યું " ઉધર કુછ નહિ હૈ " !!!
ReplyDeleteએમના દીકરાઓએજ એમને સમજવામાં ભૂલ કરી તો એ બીજાઓ પાસે થી શી અપેક્ષા રાખે?
ReplyDeleteબહુ શરમજનક વાત છે!!!
નીશાન્તભાઈ લખે છે કે "એમના (ખાનસાહેબ) દીકરાઓએજ એમને સમજવામાં ભૂલ કરી....", હું નથી માનતો.
ReplyDeleteમાણસ ફક્ત સંગીત ને સેવા સમજી લોકોના રંજન માટે જ વગાડે તો, જીવન કેમ ચાલે?????
ખાનસાહેબ તો ઓલિયા જેવા હતા, બધા ઓલિયા બની જાય તો ??!! કીન્નરભાઈ સબ્દોની આરાધના માટે જ લખે તો ? ઘર કેમ ચાલશે?
સેવા કરવાનું તો ફક્ત રાજકારણીને જ પોષાય.
જસ્ટ સ્પીચલેસ!
ReplyDelete