photograph courtesy: rediff.com |
અન્ના હઝારેની લડાઇ વચ્ચે અનેક નોંધવા જેવી બાબતો પ્રત્યે આપણું ધ્યાન ગયું નથી. સવાલ એ છે કે, શ્રી શ્રી રવિશંકર સિવાયના ધર્મગુરૂઓ જનહિતની આ બાબતમાં શા માટે રસ લેતા નથી?વ્યસન મુકિતની ઝૂંબેશના નામે માર્કેટિંગ કરતા સાધુ, સ્વામિઓ દેશનાં સૌથી ભયાનક વ્યસન એવા ભ્રષ્ટાચાર બાબતે કેમ ચૂપ છે?
શું મિડિયાનો ભરપુર સહયોગ ન હોત તો ઝૂંબેશ આટલી હદે સફળ થઇ હોત?
તારીખ ૧૯ ઓગસ્ટની સવારથી શરૂ થયેલી ગતીવિધિઓ પર એક દ્રષ્ટિપાત કરવા જેવું: સવારનાં ૧૧:૩૦ વાગ્યેઃ ભાજપના નેતા એલ.કે. અડવાણી વિરોધ પક્ષમાં રહેલી દરેક પાર્ટીને અન્નાનાં સમર્થનમાં આગળ આવવા અપીલ કરે છે. એમની હાકલને સારો પ્રતિસાદ પણ મળે છે.
૧૧:૪૫ વાગ્યેઃ અન્ના હઝારે તિહાર જેલમાંથી બહાર આવે છેજ્યાં તેમનું સ્વાગત કરવા, તેમને વધાવી લેવા હજારો લોકો ઉભા છે. બીજા હજાર લોકોનું ટોળું તેમની પ્રતિક્ષામાં રામલીલા મેદાનમાં ખડેપગે છે. દિલ્હીની સડકો પર અનેક લોકો ગાંધીટોપી પહેરી નીકળ્યા છે, ટોપી પર લખ્યું છેઃ ‘મૈ ભી અન્ના હું’
૧૧:૫૫ વાગ્યેઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બિહારથી એક ટ્રેન આવી ઉભી રહે છે. તેમાંથી વીસેક યુવક યુવતીઓનું એક જૂથ ઉતરે છે. તેઓ શિક્ષિત છે, જીન્સટી શર્ટમાં સજ્જ. એમાંથી ઘણાંના હાથમાં તીરંગો છે, કેટલાંકના હાથમાં પ્લે કાર્ડસ છે, જેનાં પર લખાણ છેઃ ‘એક ધક્કા ઔર દો, ભ્રષ્ટ સરકાર કો ફેંક દો.’
૧૨:૩૦ વાગ્યેઃ એક ન્યૂઝ ચેનલ પર કેટલાંક અન્ના સમર્થકો (સાચા અર્થમાં કહીએ તોઃ ‘ભ્રષ્ટાચાર વિરોધીઓ’)નાં નાનાનાના ઇન્ટરવ્યૂઝ આવી રહ્યાં છે. એક સ્ટાઇલિશ ભારતીય મૂળની મહિલા પોતાનાં પુત્ર સાથે છેક દુબઇથી અહીં લડતમાં જોડાવા આવી છે. એક જૂથ અમેઠીથી અને રાયબરેલીથી આવ્યું છે. થોડાં મિત્રો હૈદરાબાદથી તો કોઇ બેંગલોરથી આવ્યા છે. આ બધા જ લોકો રામલીલા મેદાન પર અન્નાની પ્રતિક્ષા કરી રહ્યાં છે.
૧:૦૦ વાગ્યે: ૧૨૦ વર્ષના ઇતિહાસમાં મુંબઈના 'ડબ્બાવાલા' પ્રથમ વખત હડતાલ પર ઉતર્યા છે. અન્નાના સમર્થનમાં. દરેક ટિફિન ચાહકને આજે બહારના ભોજનથી જ ચલાવવું પડે એમ છે. અચ્છા હૈ! મુંબઈની અનેક રેસ્ટોરામાં આજે રોજની સરખામણીએ અનેકગણી ભીડ છે.
૧:૪૫ વાગ્યેઃ તિહાર જેલમાંથી અન્ના હઝારે બહાર આવે છે, ભ્રષ્ટાચાર અને જંગ ચાલુ રાખવાની જાહેરાત કરે છે. એમની ભાષામાં કહીએ તો, ‘ભારતનો દ્વિતીય સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે.’ ઓપન ટ્રકમાં તેઓ માયાપુરી ચોક થઇ રાજઘાટ તરફ આગળ વધે છે.૨:૦૦ વાગ્યેઃ અકળાવી મૂકે તેવા ભેજયુક્ત વાતાવરણમાં પરસેવો નિતારતા લોકો રામલીલા મેદાન પર અન્નાની રાહ જોઇ રહ્યાં છે. અન્ના જેલમુક્ત થયા પછી દેશનાં દરેક નાનામોટા શહેરમાં દેખાવો, રેલીઓ અને ધરણાઓ ચાલુ છે. ‘વંદે માતરમ્’ જાણે લોકોનો તકિયાકલામ બની ગયો છે.
૨:૧૫ વાગ્યેઃ તેલુગુ ફિલ્મોદ્યોગ દ્વારા અન્નાને ટેકો જાહેર થાય છે. એક દિવસનાં અનશનનું આયોજન છે. રેલી ચાલુ છે. આ રેલીમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના એક્ટર ઉપરાંત પ્રોડ્યુસર્સ, ડિરેકટર્સ અને લેખકો પણ જોડાયા છે.
૨:૩૦ વાગ્યેઃ ‘હિન્દુ’ દૈનિકની વેબસાઇટ પર સમાચાર આવે છે કે, ચીનનાં યુવાનોમા અન્નાની લડતે જબરૂં આકર્ષણ જમાવ્યું છે. અનેક ચીનાઓએ પોતાનાં બ્લોગ પર અન્નાની પ્રશંસા કરતી વાતો લખી છે. એક ચીની યુવાન લખે છેઃ ‘ચીનમાં પણ ભરપુર ભ્રષ્ટાચાર છે પરંતુ અમારે ત્યાં કોઇ અન્ના જન્મતો નથી એનું દુઃખ છે !’
૩:૦૦ વાગ્યેઃ રામલીલા મેદાન પર હજારોની મેદની સંબોધતા અન્ના કહે છેઃ ‘હું હોઉં કે નહીં, ક્રાન્તિની આ મશાલ બુઝાવી ન જોઇએ. મજબૂત લોકપાલ બિલ આવશે નહિં ત્યાં સુધી હું હટીશ નહીં.’
૩:૩૦ વાગ્યેઃ અન્નાની વિદાય પછી હાશકારો અનૂભવતા જેલના એક અધિકારી નામ નહીં આપવાની શરતે કહે છેઃ ‘અન્ના અહીં હતા તો અમને પણ અપરાધભાવ જેવું લાગતું હતું! એનાં જેવાં સરળ, સીધા, નિષ્ઠાવાન વ્યકિત અગાઉ ક્યારેય તિહારનાં મહેમાન બન્યા નથી! હા! અમારા માટે તો તેઓ એક મોંઘેરા મહેમાન હતા, કેદી નહીં.’
photograph courtesy: rediff.com |
૪:૩૦ વાગ્યેઃ વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ અન્નાના સમર્થનમાં લાખો લોકો ઝુકાવે છે. ફેસબૂક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કંિગ સાઇટ્સમાં અન્નાને જેવો સપોર્ટ મળે છે તેઓ અગાઉ કોઇને ક્યારેય આ દેશમાં મળ્યો નથી. ઓનલાઇન ગેમ્સ રમવા માટેની સાઇટ આઇબિબો ડોટ કોમ પર એક ખાસ ગેઇમ રમવા માટે લોકોનો ધસારો વધી જાય છે. ‘યસ પ્રાઇમ મિનિસ્ટર’ નામની આ ગેમમાં તેનાં પ્લેયરને અન્નાનું સમર્થન કરી ભારતના વડાપ્રધાન બનવાની તક મળે છે. આ પ્લેયર પછી પ્રાઇમ મિનિસ્ટર બનીને મનમોહન સિંહની માફક માત્ર તમાશો નિહાળી પોતાનો કટ લીધા કરતા નથી, પ્લેયર્સ પોતાની જવાબદારી નિભાવે છે, અહીં તેમને ભ્રષ્ટ પ્રધાનો અને બ્યુરોક્રેટ્સને સજા કરવાની તક મળે છે અને જ્યારે જ્યારે તેઓ આવું કરે છે, તેમનાં પોઇન્ટસ વધતા જાય છે.
પઃ૦૦ વાગ્યેઃ દિલ્હીમાં જ ચાલી રહેલા ‘લેકમે ફેશન વીક’માં ડિઝાઇનર જોડી પૂર્વેશજય કેટલાંક અતી વિશિષ્ટ ટીશર્ટસ પેશ કરે છે. ટીશર્ટસ પર અન્નાની તસવીર છે અને લખ્યું છેઃ ‘આઇ એમ અન્ના!’
૫:૩૦ વાગ્યેઃ ટ્વિટર પર એક પછી એક બોલિવૂડ સિતારાઓ ઉમટી પડે છે. બિપાશા બસુ લખે છેઃ ‘આપણાં દેશનાં સૌથી ભયાનક દાનવ, ભ્રષ્ટાચારને નાથવા સૌએ અન્નાને ટેકો આપવો જોઇએ.’ દિયા મિરઝા કહે છેઃ ‘બહુ સ્પષ્ટ છે કે, અન્નાની ગેરવાજબી ધરપકડ કરી સરકારે અન્નાના યજ્ઞમાં મદદ જ કરી છે. સરકારે તેમને અગાઉ કરતાં પણ મોટા નાયક બનાવી દીધા.’ અનુપમ ખેર લખે છેઃ ‘અન્નાની ધરપકડ થઇ એ દિવસ ભારતીય લોકશાહીનો સૌથી કાળો દિન હતો!’
૬:૦૦ વાગ્યેઃ દેશની ખ્યાતનામ ન્યૂઝ સાઇટ પર વિવિધ નિષ્ણાંતોના અન્નાની લડત પરના અભિપ્રાય મૂકાય છે. જસ્ટિસ હેગડે તેમાં કહે છેઃ ‘આપણે એક લોકતંત્ર છીએ અને લોકશાહીની વ્યાખ્યા જ એ છે કે, તેમાં તેનાં નાગરિકોને એવાં મામલામાં પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે જે તેમનાં જીવનને સ્પર્શતા હોય. આ માટે લોકશાહી ઢબે કોઇપણ વિરોધ સ્વીકાર્ય છે. ભારતનું બંધારણ કહે છે કે, ભારત એક પ્રતિનિધિ અને સંસદીય લોકશાહી છે અને તેનાં નાગરિકો દ્વારા ચૂંટાયેલા નાગરિકોના પ્રતિનિધિઓ પ્રજાની જરૂરીયાતો અને માંગોનો પડઘો સંસદમાં પાડશે. પરંતુ બદનસિબે આ આદર્શ ક્યાંક ઓગળી ગયો છે.’
૬:૩૦ વાગ્યેઃ હરિયાણા વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હોવા છતાં બિનકોંગ્રેસી ધારાસભ્યો પોતાનાં ગળામાં એક પ્રકારનાં વિશિષ્ટ સ્કાર્ફ વિંટી આવ્યા છે. સ્કાર્ફમાં અન્નાની લડતને સમર્થન આપતા સૂત્રો છે.
૭:૦૦ વાગ્યેઃ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં અન્ના તરફી જુવાળ છવાયો છે. દોઢસો જેટલાં સ્કુલ સ્ટુડન્ટસ માથા પર ગાંધીટોપી પહેરી નીકળ્યા છે. અન્નાનાં સમર્થનમાં અહીં રક્તદાન કેમ્પ થઇ રહ્યાં છે. અન્નાની ધરપકડના વિરોધમાં એક બિનરાજકીય સંગઠ્ઠનએ ગાયબકરી અને શ્વાનને લઇ વિશાળ રેલી કાઢી છે. ગાંધીટોપી પહેરી શાળાનાં બાળકો સંગઠ્ઠીત અવાજે પેલું જોશભર્યુ ગીત ગાઇ રહ્યાં છેઃ ‘હમ હોંગે કામિયાબ!’
૭:૩૦ વાગ્યેઃ આખા દેશમાં એક એસ.એમ.એસ. ફરતો થઇ જાય છે. એમાંના ટુચકા મુજબ મહેન્દ્ર ધોની અન્નાને એક ચીઠ્ઠી લખે છેઃ ‘પ્રિય અન્નાજી, ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ સીરિઝ પરથી ભારતીય પ્રજાનું ધ્યાન હટાવવા બદલ ખુબ ખુબ આભાર!’
૮:૦૦ વાગ્યેઃ કોંગ્રેસના નેતા અલ્વી ફરી એક વખત પોતાની વાત દોહરાવે છેઃ ‘અન્નાની લડત એ તો અમેરિકાનું ષડયંત્ર છે!’
* * *
ધૃતરાષ્ટ્ર જેવાં, જન્મથી અંધ લોકો પણ આ દ્રશ્યો નિહાળ્યા વગર કહી શકે કે આ વિરોધ સ્વયંભૂ છે. હા! ગાંધારીઓને તેમાં વિદેશી હાથ દેખાઇ શકે છે. કારણ એકદમ સ્વાભાવિક છેઃ ધૃતરાષ્ટ્રને તો અંધાપો પ્રકૃત્તિ તરફથી મળેલો છે, ગાંધારીએ તો સામે ચાલીને સ્વીકારેલો છે. ધૃતરાષ્ટ્રનું અંધત્વ એ તેની મજબૂરી છે, ગાંધારીની દ્રષ્ટિહિનતા એ તેનો રાજીપો છે. કોઇપણ કદના ભંડોળ દ્વારા ક્યારેય જુવાળ સર્જી શકાતો નથી. જો ફંડ થકી વિચારોના હિલોળાનું સર્જન થઇ શકતું હોત તો ભારતમાં એકપણ મોટા ગજાની ફિલ્મ પીટાઇ જતી ન હોત. ફંડ દ્વારા લોકોની માનસિકતા કે માઇન્ડસેટ બદલી શકાતા હોય તો ચૂંટણીઓ પણ એ જ ઉમેદવાર જીતી શકે જે સૌથી વધુ ખર્ચ કરે.
અન્નાની લડતને તોડી પાડવા માટે કોંગ્રેસથી શક્ય હતા એટલાં તમામ ખેલ તેણે કર્યા છે. અનશનનાં એકાદ દિવસ અગાઉ કોંગ્રેસના બટકબોલા પ્રવક્તા મનિષ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી, અન્ના પર ભ્રષ્ટાચારના આરોપ પણ મૂક્યાં. પરિણામ એ આવ્યું કે, જે મુઠ્ઠીભર લોકોને કોંગ્રેસ પ્રત્યે થોડી ઘણી સહાનૂભૂતિ હતી એ પણ ખતમ થઇ ગઇ. તિવારીના દિમાગમાં માંસશીરાને બદલે ભૂંસુ ભરેલું છે અને રક્તનાં સ્થાને વિકારો વહે છે. કેન્દ્ર સરકારને ૧૩ ઓગસ્ટના દિવસે આઇ.બી. દ્વારા સ્પષ્ટ અહેવાલ અપાયો હતો કે, ‘અન્નાને ઉપવાસ કરતા રોકવામાં આવશે કે તેમની ધરપકડ થશે તો લોકજુવાળ સર્જાશે!’ દિલ્હી પોલીસએ પોતાનાં ગુપ્ત અહેવાલમાં ગૃહમંત્રી ચિદમ્બરમને જણાવ્યું હતું કે, ‘અન્નાને અનશન કરવા દેવાય તો જે નૂકસાન સરકારને થશે તેનાં કરતાં અનેકગણી ક્ષતિ તેમને રોકવાથી થશે!’ સત્તાનાં અભિમાનમાં પાગલ હાથી જેવાં બનેલા સિબ્બલોએ અને ચિદમ્બરમોએ પોતાનાં જ બગીચાનો સોથ વાળી નાંખ્યો. અને તોફાન હજુ ચાલુ છેઃ ૧૯ તારીખેશુક્રવારની રાત્રે પણ અંબિકા સોની કહે છેઃ ‘અન્ના સાથે જોડાયેલા પાંચપચ્ચીસ હજાર લોકો શું આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે? દેશવાસીઓએ અમને સત્તા પર બેસાડ્યા છે અને નિર્ણયો સંસદ જ કરશે!’ દલપતરામએ દસકાઓ અગાઉ ગાયું હતું:
શીલા શ્વાનની પૂંછડી સાથ સાંધી,
જુઓ જુકિતથી જાળવી બંધ બાંધી,
કરી પાંસરી તો ફરી વાંકી વાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?
અઢારે વળ્યાં ઊંટના અંગ વાંકા
કહો, ઢાંકીએ તો રહે કેમ ઢાંક્યા?
સૂએ ભૂતળે તો જુએ આભ ભાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?
પૂરા પુષ્પના કુંજમાં હિંગ પેસે,
નહિં હિંગને પુષ્પનો પાસ બેસે,
ભલે માથુ કુટી મરે કોઇ માળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?
ધરી દૂધમાં ને ફરી સાબૂવાળા,
ધુઓ કોયલાને જુઓ, હોય કાળા;
નહિં કોઇ કાળે મટે જાત કાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?
અંબિકા સોનિઓ અને કપિલ સિબ્બલો જ્યારે સંસદીય લોકશાહીમાં સંસદની સર્વોપરિતાની વાત કરે છે ત્યારે તેઓ પોતે જ બંધારણનું અપમાન કરે છે. કારણ કે, ભારતમાં સંસદ કરતા બંધારણ મહાન છે. સંસદની રચના જ બંધારણ પરથી થઇ છે. અને બંધારણ કરતાં પ્રજા મહાન છે કેમ કે, બંધારણ રચ્યું છે જ જનતાએ. વૃક્ષની કોઇ શાખા કદી એ વૃક્ષથી મહાન ન હોઇ શકે. હિન્દી ફિલ્મની સરળ ભાષામાં કહીએ તોઃ ‘બેટા કિતના ભી બડા હો જાયે, વોહ બાપ સે બડા નહિં હો સકતા!’ કાનૂનવિદ્ ફલી નરિમાન તો બહુ સ્પષ્ટ કહે છેઃ ‘ભારતના બંધારણની શરૂઆત જ ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’માંથી થાય છે! ભારતમાં જનતાથી ઉપર બીજું કશું જ નથી. સરકારે હાથીની અંબાડીથી નીચે ઉતરી જમીન પર ચાલવાની જરૂર છે. હું માનું છું કે, વડાપ્રધાન મનમોહનએ સ્વયં, જાતે જ અન્ના સાથે વાત કરવી જોઇએ અને વાતનો ઉકેલ આણવો જોઇએ!’
photograph courtesy: rediff.com |
અન્ના અને રામદેવ લડત બાબતે ટોન હળવો કરવા કે આખી વાતને અન્ડરપ્લે કરવા મોટા મિડિયા હાઉસને તોસ્તાન ઓફર નહિં થઇ હોય એવું કોઇ માનતા હોય તો એ ભૂલ છે. પરંતુ મિડિયા અને રાજકારણી વચ્ચે તફાવત છે. સિંહ કદી ગોબર ખાઇ પેટ ભરતો નથી, એ શ્વાનને મુબારક. અન્ના બાબતે અખબારોએ અને માધ્યમોએ, ઇલેકટ્રોનિક મિડિયાએ જે સ્ટેન્ડ લીધું છે તેની જેટલી પ્રશંસા થાય, ઓછી ગણાય. લોકશાહીનાં ચાર સ્તંભમાંથી હજુ એકાદ તો સાબૂત છે એવી સ્પષ્ટ પ્રતિતિ કરાવતી આ ઘટના છે. રાજકારણીઓને અને બ્યૂરોક્રસીએ આ દેશની જનતાનું આખરી રક્તબિંદુ પણ ચૂસી લીધું છે. એમનો ભ્રષ્ટાચાર આ દેશને જેટલો નડ્યો છે એટલાં જ પ્રમાણમાં એમની ગેરલાયકાત અને નિષ્ક્રિયતાએ પણ દાટ વાળ્યો છે. ન્યાયતંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર છે પરંતુ હજુ તેનું પ્રમાણ રાજકારણના અને બ્યુરોક્રસીનાં ભ્રષ્ટાચાર કરતાં ઓછું છે. ન્યાયતંત્રની સૌથી મોટી ખામી તેની શિથિલતા અને તેની ગોકળગાયવૃત્તિ છે. આવાં સંજોગોમાં મિડિયા આ દેશમાં એક આશ્વાસન છે. ભલે એ પૂર્ણતઃ ભ્રષ્ટાચારમુક્ત નથી પરંતુ સડો તેનાં એકબે અંગમાં જ પેસ્યો છે. એ એઇડ્ઝગ્રસ્ત નથી, તેની ઇમ્યુનિટી હજુ અખંડ છે.
અન્ના હઝારેની ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડતએ અનેક ભરમ ભાંગી નાંખ્યા છે. પાનનાં ગલ્લા પરની પંચાતપરિષદથી માંડીને છેક બુદ્ધિજીવીઓ તાત્વીકસાત્વીક ચર્ચાઓમાં એક સવાલ હંમેશા પૂછાતો રહ્યો છેઃ ‘શું મહાત્મા ગાંધીના સિદ્ધાંતો આજે પણ પ્રસ્તુત છે?’
અન્ના હઝારેની લડતને ત્રણચાર રાઉન્ડમાં મળેલી પ્રચંડ સફળતા આ સવાલનો સચોટ ઉત્તર આપે છે. ગાંધીજીની તમામ ફિલોસોફી ભલે પ્રસ્તુત ન હોય, એમાંની અનેક બાબતો શાશ્વત છે. અન્નાની અને તેમની સાથે જોડાયેલી જનતાની સિધ્ધી એ છે કે, આ લડત પૂર્ણતઃ અહિંસક છે. અને અહીં જ સરકાર લાચાર થઇ જાય છે. એકાદ લવિંગિયો ટેટો કોઇ ફોડે તો પણ અહીં સરકાર માથે ચડી જવા ટાંપીને બેઠી છે. સરકાર ઇચ્છે છે કે, ક્યાંક ધક્કામુકી થાય, કોઇ તોડફોડ થાય. આવું થાય કે એમને લાઠીચાર્જ અને ટીયરગેસની કે વોટર કેનની મનગમતી પ્રવૃત્તિ કરવાનો ઇજારો મળે. પરંતુ આવું કશું જ થતું નથી. ૨૦૧૧ની સાલમાં લાખ્ખોની સંખ્યાનું મસમોટું ટોળું સડક પર ઉતરી આવે છે, સરકાર વિરોધી આંદોલન કરે છે અને એમાં કોઇ ગાડીનો કાચ પણ ફુટતો નથી એ વાસ્તવિકતા કોઇ ચમત્કારથી કમ નથી. યદા યદા હીં ધર્મસ્ય...નું વચન ભલે ઇશ્વરએ નથી પાળ્યું પણ લાગે છે કે, એમને વચનનાં પ્રતિકપાલન તરીકે લોકોને સડક પર ઉતરવાની અને અહિંસક રહેવાની પ્રેરણા આપી દીધી. બાકી, ૧૨૦ કરોડ મૃતદેહોના ભારત જેવા દેશમાં લોકો રસ્તા પર ઉતરી આવે અને પોતાની લાગણીને વાચા આપે એ ઘટના જ કલ્પનાતિત છે.
સવાલ એ છે કે, આખા દેશનાં અનેક પ્રાંતમાંથી લોકો જ્યારે દિલ્હી રામલીલા મેદાનમાં ઠલવાઇ રહ્યા છે, શાળાકોલેજના વિદ્યાર્થીઓ અને સિનીયર સિટીઝન્સની સંસ્થાઓ પણ લડતમાં જોડાઇ છે ત્યારે કહેવાતા સમાજ સુધારક અને સમાજઉધ્ધારક સંપ્રદાયોના વડાઓ ક્યાં ગૂમ છે ? શ્રી શ્રી રવિશંકર અને રામદેવ તો પ્રથમથી જ આ જંગનો હિસ્સો રહ્યા છે પરંતુ સ્વામિબાપા આવવાનાં હોય તો લાખોની સંખ્યામાં ઉમટતા અને અમૃત મહોત્સવોની પડવાળી રોટલી દાબવા ટ્રક ભરીને માણહ ઠાલવતા ફિરકાઓને શું આ પ્રવૃત્તિ સમાજ માટે ઉપકારક નથી લાગતી ? કાગવડથી લઇ ઉંઝા સુધી અને રૈયાથી લઇ પરબ કે ધોરાજી કે અજમેર સુધી કે મઢ, દ્વારકા અને પાલિતાણા લગી લાખોની સંખ્યામાં હડીયું મેલતા ધાડાઓમાંથી એકાદ નાનું ટોળું પણ આ મુદ્દે શા માટે આગળ આવતું નથી ? આવા કાર્યો માટે પણ શું ભાવભર્યું નિમંત્રણ પાઠવવાનું હોય ? બધા શું કંકોતરીની પ્રતિક્ષા કરી રહ્યા છે ? સ્મરણમાં રાખવા જેવું છે: એ કોઇ જાદુઇ છડી નથી કે તેનાંથી રામ રાજ્ય સર્જાઇ જાય. પરંતુ, આ તો એક અવસર છે શાસકોને એ યાદ અપાવવાનો કે તેમણે પ્રજાની લાગણીની નોંધ લેવી જ પડશે, તેમણે જનતાની ચિંતા કરવી પડશે. એમને એ પ્રતિત કરાવવાનું છે કે, આપણી તકલીફો અને આપણી બરબાદી માટે તેઓ જવાબદાર છે. સ્મરણમાં રહે કે, અન્નાનો મુદ્દો માત્ર અન્નાનો મુદ્દો નથી. એ હાલની, ગઇકાલની અને આવનારી અનેક પેઢીનો વિષય છે. ભ્રષ્ટાચાર અને નિષ્ક્રીયતાના ભ્રષ્ટાચારએ આ દેશમાં પારાવાર સમસ્યાઓ સર્જી છે. દેશની પચાસ ટકા વસ્તીને પીવા માટે શુધ્ધ પાણી મળતું નથી, ખેતી પ્રધાન દેશમાં લોકો કૂપોષણથી પિડાઇ રહ્યા છે. પ્રોપર્ટીના ભાવ આ લુખ્ખડ દેશમાં એવા છે કે જેવાં ઓસ્ટ્રેલિયા કે ડેન્માર્ક જેવાં વિકસીત રાષ્ટ્રમાં પણ નથી. કાનૂન ઘડવાના અધિકારની વાતો કરતી સરકારોએ દેશનાં બચ્ચાઓને મળેલો શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવા પણ ફિકર કરી નથી. દેશની ત્રીસચાલીસ ટકા પ્રજા આજે પણ ખુલ્લામાં ‘લોટે જાય’ છે. શ્રીમંતો મિનરલ વોટરની જે ખાલી બોટલ ટ્રેનની બારીમાંથી ફેંકી દે છે તે ગરીબ માટે કળશે જવાનું સાધન બની જાય છે. આ દેશના બાળગોપાલોનો પ્લે ગ્રાઉન્ડનો અધિકાર પણ ભ્રષ્ટ વ્યવસ્થાએ છિનવી દીધો છે. દેશમાં ભયાનક અસમાનતા અને વિષમતા પ્રવર્તી રહી છે. ઘઉંચણાના ભાવો સળગે તો વાયદો રમતો વર્ગ એકદમ ગેલમાં આવી જાય છે અને એક મોટો વર્ગ માથે ઓઢી ચિંતા કરતો ઉંઘી શકતો નથી. આ અસમાનતાઓ અને દારૂણ વાસ્તવિકતાઓનું સર્જન ભ્રષ્ટાચારમાંથી જ થયું છે. અન્ના અને સિબ્બલ મનમોહનની વાતોમાંથી કોની દલિલોમાં વધુ વજુદ છે એ જાણવા કોઇ દિવ્યદ્રષ્ટિની જરૂર નથી. એ ભાળવા કોમન સેન્સ કાફી છે.
*તારીખ 21-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત.