અન્ના હઝારેની ધરપકડ કરી કોંગ્રેસએ એક ઐતિહાસિક ભુલ કરી છે. અન્નાનાં સમર્થનમાં પ્રજા જે સંખ્યામાં આગળ આવી રહી છે એ નિહાળ્યા પછી કોઇપણ શાણા સત્તાધિશએ સમજી જવાની જરૂર હતી. પરંતુ હજુ કોંગ્રેસી મંત્રીઓ અને પ્રવકતાઓનું ગુમાન છુટતું નથી તેનું કારણ શું? છેલ્લાં ચાર દિવસમાં બનેલી ઘટનાઓની સાવ અલગ દ્રષ્ટિએ અહીં વિશિષ્ટ ચર્ચા થઇ છે.....
લોકનાયક જયપ્રકાશ નારાયણે જયારે સામાન્ય પ્રજાના લાભાર્થે સરકાર સામે લડત માંડી હતી ત્યારે કોંગ્રેસએ તેમને વિદેશી એજન્ટનું લેબલ ચોંટાડવાની ગંદી ચેષ્ઠા કરી હતી. વાત એવી વહેતી કરવામાં આવી કે તેઓ સી.આઇ.એ.ના એજન્ટ છે અને અમેરિકા સરકારના ઇશારે ભારતને ડામાડોળ કરવા પ્રયાસ કરી રહ્યા છે. વાતને લગભગ ચાર દાયકા વિતી ગયા છે. જે.પી.બાબુ પરનો આક્ષેપ સ્વયંભૂ જ ખત્મ થઇ ગયો, લોકોએ આવા આરોપ પર ગુસ્સો પણ પ્રદર્શિત કર્યો અને દુઃખ પણ. ઇતિહાસ બહુ રસપ્રદ વિષય છે. જો તમે કોમન સેન્સ ધરાવતા હો તો એ તમને અનેક બોધ આપે છે. પરંતુ આપણે ત્યાં ઐતિહાસિક ઇમારતોની અને સ્થાપત્યોની જે પ્રકારે અવગણના થાય છે એવી જ રીતે ઇતિહાસમાંથી મળતા બોધની પણ થતી રહે છે. શ્વાનની પૂંછડી બાર વર્ષ જમીનમાં દાટો...એ કહેવત હવે જુની થઇ ગઇ. હવે શરીર પર ચટ્ટાપટ્ટાને બદલે પંજાનુ નિશાન ધરાવતા એવા શ્વાનની હાઇબ્રીડ નસ્લ દિલ્હીમાં અવતરી ચૂકી છે જેની પૂંછ તમે શેરડીના ચિચોડામાં નાંખો તો પણ બીજા છેડેથી એ નીકળે ત્યારે વાંકી જ હોય.
કોંગ્રેસનો દાટ વાળવામાં આ બેઉ વકીલબાબુનો સિંહફાળો છે. રાજકારણમાં તમારી જબાન કેવી ના હોવી જોઈએ તે જાણવા આ બેઉની બકવાસ દલીલો સાંભળજો |
મધુર વાસ્તવિકતા એ છે કે, અન્નાનાં મુદ્દે કોંગ્રેસ અને તેના અક્કલના ઓથમીર નીતિકારોએ જબરી પછડાટ ખાધી છે. મનમોહન પાસે લોચા વાળવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આમ પણ આર્થિક બાબતોમાં નિષ્ણાંત ગણાતા આપણા વડાપ્રધાન રાજકીય વિષયમાં બિલકુલ નિરક્ષર છે એ હકિકત સેંકડો વખત સાબિત થઇ ચૂકી છે. તેઓ સ્ક્રિપ્ટ રાઇટર્સએ લખેલી સ્ક્રિપ્ટ વાંચી જાય છે. તેનો મતલબ શો થાય છે એ તેમને માલુમ હોય તેવુ જણાતુ નથી. શબ્દો ઉછીના છે, વિચારો ઉછીના છે અને સિંહાસન એમને દાનમાં મળ્યુ છે. એ ખુરશી સુધી પહોંચવા માટેની એકપણ લાયકાત તેમનામાં છે નહી અને છતાં હજાર હાથવાળી દેવીની કૃપાથી તેમની ગાદી સલામત છે.
૧૭ ઓગષ્ટની સવારે મનમોહનએ સંસદમાં ભાષણ ભરડયુ ત્યારે પણ તેમાં મુખ્ય મુદ્દો ગેરહાજર હતો. ‘સંસદીય લોકશાહીની સત્તાને અન્ના પડકાર ફેંકી રહ્યા છે’વળી ઘસાઇ ગયેલી, ઉઝરડાથી ખત્મ થઇ ચૂકેલી તાવડી તેમણે ફરી પોતાના ગ્રામોફોનમાં વગાડી. મુદ્દાની વાત એ છે કે, ‘સંસદીય લોકશાહી’ જેવો પવિત્ર શબ્દ જ તેમના મુખમાં શોભતો નથી. સંસદીય લોકશાહી માત્ર લોકમત થકી ઉજળી છે. જે ક્ષણે સંસદીય પ્રણાલીમાંથી જનમતની બાદબાકી થાય છે. સંસદ માત્ર ઇમારત બની જાય છે. પછી એ લોકશાહીનું મંદિર રહેતી નથી. ભારતનો દરેક પ્રજાજન મહેસૂસ કરે છે કે, લોકમતનો આદર સંસદ ભવનમાં દાયકાઓથી થતો નથી. શિખરબદ્ધ હોય અને માથે ધજા ફરકતી હોય એવી દરેક ઇમારત મંદિર હોતી નથી, ત્યાં મૂર્તિનું સ્થાપન કરવું પડે છે અને તેની પ્રાણપ્રતિષ્ઠા પણ અનિવાર્ય છે. દરેક કબરને દરગાહનો દરજ્જો મળતો નથી. કોઇ વ્યકિતની હત્યા કરી તેના મૃતદેહને દાટી દેવાયો હોય તો એ જગ્યાને ‘સમાધિ’ ન કહેવાય. લોકતંત્રની ગરિમા એટલે શું એ વિશે મનમોહન જયારે વકતવ્ય આપતા હોય ત્યારે આપણને એવું કેમ લાગે છે કે જાણે ચાર્લ્સ શોભરાજ નીતિમત્તા પર ભાષણ આપી રહ્યો હોય ?
આ વિરોધમાં જેમને અમેરિકાનો હાથ દેખાતો હોય એવા બદમાશ લોકોને તમે શી ઉપમા આપશો? |
સમસ્યા એ છે કે, વર્તમાન સરકારમાં અને તેનાં પ્રવકતાઓમાં સત્તાનો પ્રચંડ મદ નજરે પડી રહ્યો છે. મદાંધ થઇ તેઓ અટપટા નિર્ણય લે છે અને કેફમાં જ પોતાનાં પગલાંઓને જસ્ટિફાય કરે છે. વિરોધ મત સુણવાની ધીરજ તેઓ ગુમાવી ચૂકયા છે. એટલે જ અભૂતપૂર્વ જનાક્રોશને પણ તેઓ નીતનવા સ્ટિકર ચોંટાડી વાસ્તવિકતાથી ભાગવાનાં પ્રયાસો કરે છે. કપિલ સિબ્બલ અને મનીષ તિવારી જેવા લોકો જે પ્રકારના ખંધા હાસ્યનાં રકતફુવારા ઉડાડતા બાલિશ દલિલો પેશ કરે છે તેનાંથી દેશ આખો ત્રસ્ત છે. કોંગ્રેસની આવા રાજકીય મામલે પિછેહઠ થઇ તેનાં કારણો પણ સિબ્બલો અને મનીષ તિવારીઓમાં એટિટયુડમાં જ છુપાયેલા છે. રિડીફ ડોટ કોમ પર શીલા ભટ્ટ સાથેની વાતચીતમાં વર્તમાન સરકારનાં એક મંત્રીએ જ નામ આપ્યા વગર કેટલીક સ્ફોટક વાતો કહી છે. મંત્રીશ્રીએ કબુલ્યુ છે કે પક્ષમાં સર્વે સર્વા થઇ ગયેલા આવા વકીલોની જમાત જ સરકારની નામોશી માટે જવાબદાર છે. એમણે સ્પષ્ટ કહ્યુ છે કે આ સરકારને કોઇ રાજકીય નેતા નહી પરંતુ વકીલો ચલાવી રહ્યા છે. વાત સો ટકાની છે. સિબ્બલ અને મનીષ તિવારી કે અશ્વિનીકુમાર જેવા વકીલો ટેલીવિઝનની ન્યુઝ ચેનલોને જ સંસદ સમજી બેઠા છે. દલીલો કરવામાં તેઓ ઉસ્તાદ છે.પણ એમને એ વાતનું જ્ઞાન નથી કે જનતા એ કંઇ કોર્ટરૂમનો સ્ટેનોગ્રાફર નથી કે જેણે તમારી બધી વાહીયાત દલીલો સાંભળવી પડે. અહી લાચાર મજબુર વાદી કે પ્રતિવાદીઓ બેઠા નથી કે જેમણે મુંગામંતર બની બહાર સહન કરવો પડે. જનતાની અદાલતને ઇન્ડિયન પિનલ કોડની એક પણ ધારા લાગુ પડતી નથી. માત્ર શબ્દોની રમત થકી કે પુરાવા સાથે ચેડા દ્વારા અને મનઘડત અર્થ ઘટનોની મદદથી અહી ખટલા જીતી શકાતા નથી. રાજકીય કે પ્રજાકીય બાબતોમાં કોર્ટ રૂમની સ્માર્ટનેસ ચોપડવામાં ન આવે એ જ બહેતર છે. ટાઇમ્સ નાઉ પર એક નિષ્ણાંત એ બહુ રસપ્રદ વિશ્લેષણ કર્યુ. તમે જુઓ, સરકાર એ આ રાજકીય અને પ્રજાકીય બાબતને એવી રીતે હેન્ડલ કરી જાણે એ કોઇ ફોજદારી મામલો હોય, ફલાણા સ્ટેડીયમને જેલમાં ફેરવી દો, પેલા સ્ટેડીયમમાં અણા તથા તેમના સાથીદારોને રખાશે અને આટ આટલી શરતો રહેશે. શું માંડયુ છે આ બધુ? કોઇ હલવા હૈ કયા! ડેમોકસીમાં પ્રજા એક મજબુત કાયદાની માંગ કરી રહી છે, તમે એ આપવા તૈયાર નથી તો એ શાંતિપુર્ણ વિરોધ કરી રહી છે. વાત આટલી જ છે. આમા જમાદારી કે દડુકાઇ દેખાડવાનો પ્રશ્ન કયાં આવે છે?
સરકારની આવી જ ભુલો તેને ભારે પડી રહી છે. લડત શરૂ થઇ હતી અન્ના વિરૂદ્ધ ભ્રષ્ટાચારના નામે ચોર કી દાઢી મેં તિનકાનાં સુત્ર મુજબ મનમોહન, સિબ્બલ અને ચિદમ્બરમએ આખી વાત પોતાના પર ઓઢી લીધી. તેમણે સિવીલ સોસાયટી વિરૂદ્ધ આક્ષેપો શરૂ કર્યા એટલે યુધ્ધ પછી અણા વિરૂદ્ધ સરકારમાં પરિવર્તિત થયું. બાકી હતુ તો એડવોકેટ મનીષ તિવારીએ પત્રકાર પરીષદ કરી અન્ના વિરૂદ્ધ બેફામ ભાષામાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા એ દિવસે મોરચો પછી અન્ના વિરૂદ્ધ કોંગ્રેસના યુધ્ધમાં ફેરવાઇ ગયો અને સોળ ઓગસ્ટની સવારે સુપ્રિમ કોર્ટના ૧૯૭૨ના એક જજમેન્ટનું અનર્થઘટન કરી અણાની ગેરકાયદે ધરપકડ થઇ એ ક્ષણથી આખી લડત જનતા વિરૂદ્ધ કોંગ્રેસના જંગમાં ફેરવાઇ ગઇ. આખી ઘટનાની એ વાત સાબીત થઇ કે કોંગ્રેસની કહેવાતી થિન્ક ટેન્કમાં મસમોટા ગાબડા છે. બહુ સહજતાથી તેઓ દર વખતે કુહાડી પર પોતાનો પગ જોરથી મારે છે. અને લોહીલુહાણ થયા કરે છે.
માસ્તર વગરનાં અને મોનિટર વગરનાં કલાસરૂમમાં તોફાની બદમાશો જે રીતે ઉપાડો લે છે તેમ ‘પોપાબાઇ’ ના અને ‘બાબાભાઇ’ નાં રાજમાં અનાડી મંત્રીઓ અને પ્રવકતાઓ ફાટીને ધૂમાડે ગયા છે. બાબો માને છે કે, જગતની સૌથી મોટી સમસ્યા યુ.પી.ના ભટ્ટાપરસૌલ ગામમાં કિસાનોને થયેલો અન્યાય છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં મુદે દેશ આખો ભડભડ ભડકે બળે છે. વડાપ્રધાનની ખુરસી તો આપણે ત્યાં સાત વર્ષથી ખાલી છે. ધણીધોરી વગરનો આ દેશ કેવી રીતે ટકી રહ્યો છે, તેની પાછળ કોનાં સત્કર્મો જવાબદાર છે એ વિચારવા જેવું. ચોતરફ અંધકાર છે. રાજાઓ, સિબ્બલો, કલમાડીઓ, તિવારીઓ, ચિદમ્બરમો, મનમોહનો, રાહુલો અને સોનિયાઓએ મેઇન લાઇનના તાર તોડી ચોમેર અંધારપટ સર્જી દીધો છે. અને અન્ના જેવાં કોઇ લોકો આ તમસને નાથવા એક દીપ પ્રગટાવવાનો પ્રયત્ન કરે છે તો આ જ ટોળકી તેનાં કાંડા વાઢી નાંખવા તત્પર થઇ જાય છે. ઘનઘોર અંધારાને પ્રેમ કરતા ચિબરાં અને ચામાચિડિંયાઓનો દરરોજ ન્યુઝ ચેનલો પર પર્દાફાશ થઇ રહ્યો છે એ આ આખી ઘટનાનું બહુ મોટું આશ્વાસન છે.
*તારીખ ૧૯-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત.
૧૭ ઓગષ્ટની સવારે મનમોહનએ સંસદમાં ભાષણ ભરડયુ ત્યારે પણ તેમાં મુખ્ય મુદ્દો ગેરહાજર હતો. ‘સંસદીય લોકશાહીની સત્તાને અન્ના પડકાર ફેંકી રહ્યા છે’વળી ઘસાઇ ગયેલી, ઉઝરડાથી ખત્મ થઇ ચૂકેલી તાવડી તેમણે ફરી પોતાના ગ્રામોફોનમાં વગાડી. મુદ્દાની વાત એ છે કે, ‘સંસદીય લોકશાહી’ જેવો પવિત્ર શબ્દ જ તેમના મુખમાં શોભતો નથી. સંસદીય લોકશાહી માત્ર લોકમત થકી ઉજળી છે. જે ક્ષણે સંસદીય પ્રણાલીમાંથી જનમતની બાદબાકી થાય છે. સંસદ માત્ર ઇમારત બની જાય છે. પછી એ લોકશાહીનું મંદિર રહેતી નથી. ભારતનો દરેક પ્રજાજન મહેસૂસ કરે છે ..good one daada
ReplyDeleteNaresh k.dodia
એકદમ ઢંઢોળી નાખે એવી વાતો કહી આપી કિન્નરભાઈ
ReplyDeleteKinnerbhai, these politicians are rascals. They are even saying that our country comprises of 121 corore people. Protest from merely lakh or more people doesnt mean that all need strong lokpal. We have to carry out JANMAT SANGRAH. You told a very right thing. But still one thing biting me. BJP or not a single party in parliament is raising voice abount strong lokpal. They are saying resign PM. All Rascals.
ReplyDelete