Sunday, August 21, 2011

અન્નાની આંધી અને જુલ્મી શાસકોનો આતંકઃ પ્રજાતંત્રમાં જનતાના અવાજને કોણ રૂંધી રહ્યું છે?



જન્માષ્ટમીની સાચી ઉજવણી કરવી હોય તો શેરીગલીઓમાં લાગેલા દરેક મંડપને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું કેન્દ્ર બનાવી દેજો. તેમાં પ્રતિકરૂપે કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો રાખજો, પરંતુ સાથેસાથે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પર કેન્દ્ર સરકારના આતંકની વાત કરતાં ફ્લોટ અને ચિત્રો પણ મુકજો. આવી ઉજવણી ભાળીને ખુદ શ્રીકૃષ્ણ પણ ભાવવિભોર બની જશે.ભારત પર ભ્રષ્ટાચારનું જે સંકટ આવ્યું છે તેને નાથવા એક બુઢ્ઢા દાદા મેદાને પડે છે, અને તેમને નવાજવાને બદલે શાસકો તેમનું ગળુ રૂંધી રહ્યાં છે. આવા સંજોગોમાં જો લોકો સ્વયં આગળ નહિં આવે અને પોતાનો વિરોધ કાન ફાટી જાય તેવા પ્રચંડ અવાજે નહિં નોંધાવે તો આ સમસ્યા આવનારી પેઢીઓને પણ ભયાનક હદે કનડવાની છે...

કથ્થક અને ભરતનાટ્યમના આ મુલકમાં હવે ખુલ્લેઆમ સ્ટ્રિપ્ટિઝ નૃત્યો થવા લાગ્યા છે. કોણ કહે છે કે, આવા નાચ માત્ર થાઇલેન્ડ કે અમેરિકામાં જ થાય છે! નૃત્યાંગના વસ્ત્રોથી લદાઇને સ્ટેજ પર આવે છે અને ધીમે ધીમે અ પોતાના તન પરથી એક પછી એક વસ્ત્ર ઉતારતી ચાલે છે. આજકાલ દિલ્હીમાં આવા તમાશા ખુલ્લેઆમ થાય છે. કારણ કે, એનું આયોજન કરનાર અને પરફોર્મ કરનાર ખુદ કેન્દ્ર સરકાર જ છે. રાજા, કલમાડી, શીલા દિક્ષિત અને હસન અલી જેવાના મુદ્દે તમામ વસ્ત્રો ફગાવી ફંગોળી ચૂકેલી કેન્દ્ર સરકારએ રામદેવ મુદ્દે ઉપરના અંગોનું ઉપવસ્ત્ર કાઢી નાંખ્યુ અને અન્નાના મામલે તેમણે લંગોટ પણ ત્યાગી દીધી. અને આ વસ્ત્રાત્યાગ પછી લૂગડાંની પછવાડેથી જે અસલી શખ્સીયત હવે બહાર આવી છે એ જોઇને ધ્રુજી જવાય છે. એ કોઇ રૂપાળી સ્ત્રી નથી. તેનાં અંગઅંગમાં રોગ ભર્યા છે. તેનાં પગનાં નખથી લઇ શિખા સુધીનું શરીર કિટાણુંઓથી ખદબદી રહ્યું છે. તેને અસ્થમા પણ થયો છે અને ડઝનેક પ્રકારનાં કેન્સરથી પણ તે ત્રસ્ત છે. એને ઠેરઠેર ગૂમડા થયા છે. જેમાંથી બદબૂ ફેલાવતું પ્રવાહી વહી રહ્યું છે. ભૂતકથાઓમાં  ચૂડેલનું જે વર્ણન આવે છે તેનાંથી પણ અનેગણી ભયાવહ એવી આ ભૂતાવળ છે.
અત્યંત અર્થપૂર્ણ કાર્ટુન બદલ bamulahija.comનો ખાસ આભાર 
એટલે જ દેશ આખ્ખો ધૂણી રહ્યો છે. મલક આખ્ખો આ બલાથી ત્રસ્ત છે, લોકો તોબા પોકારી ગયા છે. આ વળગાડ કેમેય કરી જતો નથી, તેનો ત્રાસ ઓછો થતો નથી. સારંગપુર કે ઉંઝામાં જેણે વળગાડ દૂર કરવાની વિધિ જોઇ હશે એમણે ખ્યાલ હશે જ કે ભૂવા કે મૌલવીને ભાળતા જ પેલી અનિષ્ટ શકિત પોતાનું જોર ચારગણું કરી નાંખે છે. એ ઉછાળા મારે છે, કૂદકા મારે છે. તેને પેલો પંડ્ય છોડવો નથી એટલે એ અંતીમ કક્ષાના હવાતીયાં મારવાનું શરૂ કરી દે છે. બાબા રામદેવ અને અન્ના હઝારે હજુ મોંમાંથી ‘ભ્રષ્ટાચારી સરકાર’, ‘કાળા નાણાં’ કે એવું કશું બોલે છે કે ત્યાં જ કેન્દ્ર સરકાર એમ કુદકા મારે છે જાણે તેનું અંગ અંગ દાઝતું હોય. એ એવી રીતે કણસી ઉઠે છે જાણે કોઇ ભૂંડી આત્માની સામે કોઇ ભારાડીએ હનુમાન ચાલીસાનાં પાઠ શરૂ કર્યા હોય.
બાબા રામદેવની જે હાલત કરવામાં આવી હતી એ નિહાળ્યા પછી ઘણા લોકો કકળી ઉઠ્યા હતાં. જે લોકો વિચારી શકે છે અથવા તો વિચારવાનું જેમને દરદ છે તેવા લોકો માટે એ ઘટના અનેક ચિંતાઓ લઇને આવી હતી. દેશની કેન્દ્ર સરકારે સરાજાહેર કોઇ નિર્દોષ દેખાવકારો પર તૂટી પડે, તેમના પર બળપ્રયોગ કરે અને આંદોલનના સૂત્રોચ્ચારનું રીતસર અપહરણ કરી જવામાં આવે તેવી ઘટના ભારતમાં અગાઉ ક્યારેય બની ન હતી. ગોધરાકાંડ પછીના તોફાનો માટે   ‘સ્ટેટ સ્પોન્સર્સ્ડ રાયોટ્સ’ જેવા આકરા શબ્દોના ઇસ્તેમાલ કરતાં બૌદ્ધિક બળદિયાઓએ તે સમયે ‘સ્ટેટ સ્પોન્સર્સ્ડ ટેરરિઝમ’ જેવો યથાયોગ્ય વાપરવાનું ટાળ્યું હતું. કાળા નાણાંની વાત પરથી મુદ્દો પછી રામદેવ તરફ સરકી ગયો. દોઢડાહ્યા લોકોએ લખ્યું કે, ‘રામદેવની પોતાની લાયકાત શી છે ભ્રષ્ટાચાર સામે બોલવાની ?’ આપણો સવાલ એ છે કે, આવો સવાલ કરવાની લાયકાત શી છે રામદેવના આંદોલન સામે બોલવાની? અલેલટપુ કલમખોરોએ મર્કટ હાસ્ય વેરતા ખીખીખીખી કર્યુ અને મહિષાસુરની જેમ હાહાહાહા કરતાં અટ્ટહાસ્ય કર્યુ કે, ‘જુઓ! બાબા સ્ત્રીવેશમાં કેવા ભાગ્યા.’ બૌદ્ધિક બિલાડાઓને ખબર નથી કે, એમને જે અક્કલની ખંજવાળ આવે છે તેની ઇન્ફેકશનને લીધે દેશ આખાને ધાધર અને ખરજવું થઇ જાય છે. રામદેવ સ્ત્રીવેશમાં ભાગ્યા હોય કે બ્રાપેન્ટીમાં, તેનાથી રામદેવની હાર નથી થઇ અને જનતાની જીત નથી થઇ. વાસ્તવિકતા એ છે કે, બાબા કે અન્ના જેવા લોકો સામે નિતનવી દલીલો કરીને જ્યારે આંગળી ચિંધવામાં આવે છે ત્યારે નગરવધુ જેવા આ બૌદ્ધિકોના અંગ પરથી આખરી ઉપવસ્ત્ર પણ હટી જાય છે. બાબાનું અપહરણ અને તેમના સમર્થકો પરનો અત્યાચાર એ એકસો વીસ કરોડ ભારતીયોની હાર હતી. કારણ કે, બાબાનું અપહરણ કરીને તો તેમના આશ્રમમાં મોકલી દેવાયા હતાં, પરંતુ કાળા નાણાંનો મુદ્દો એવી રીતે અપહૃત થયો કે, આજ સુધી તેનો અતોપતો નથી.
અન્નાની જાનમાં રામદેવના ગીતો ગાવા પાછળનું એક ચોક્કસ પ્રયોજન છે. જો રામદેવના મુદ્દા સમયે પ્રજાએ ઉગ્રવાદી કેન્દ્ર સરકારને બરાબર પાઠ ભણાવ્યો હોત તો ૧૬ ઓગષ્ટના દિવસે અન્ના હઝારેનું અપહરણ ન થયું હોત. રામદેવ નામની ડોસી મરે તેની સામે કદાચ કોઇને વાંધો ન હોય તેવું બને, પણ સિબ્બલો, ચિદમ્બરમો, દિગ્વિજયો અને રાહુલો જો ઘર ભાળી જાય તો આ માણસખાઉ પ્રજાને નિયંત્રણમાં લાવવી કઠીન છે. યાદ રહે, આ બધા યમરાજાઓ ભારતમાં બધા બૌદ્ધિક બદમાશો નામના પાડા પર સવાર થઇને ઘુમતા હોય છે. એમનું વાહન એટલે આ કાળાડિબાંગ પાડાઓ. આ પાડાઓ પાસે ભાતભાતની દલીલોનો જથ્થો મેટ્રીક ટનના હિસાબે પડ્યો છે. આઉટલુકના તંત્રી વિનોદ મહેતાને છેલ્લા પાંચ-સાત દિવસમાં અન્નાની ભાષા વધુ પડતી આકરી લાગી છે. ટોચના વકીલ હરીશ સાલ્વેને લાગે છે કે, અન્ના સંસદ પર વધુ પડતુ દબાણ આણી રહ્યા છે. ચિદમ્બરમ કહે છે કે, અન્નાની આવી જીદ્દ એ સંસદીય લોકશાહીનું અપમાન છે. કપીલ સિબ્બલનું કહેવું છે કે, અન્નાની માંગણી વાજબી હોય તો એમને અનશન કરવાની છૂટ મળી જ હોત.
એકદમ બાલીશ લાગે તેવી આ દલીલો પાછળ એક લુચ્ચી રમત છે. ભ્રષ્ટાચારની લડત સામે સરકાર પાસે કોઇ મુદ્દા નથી. એટલે વાત આડે પાટે ચડાવવાનું એક વ્યવસ્થિત આયોજન થયેલું છે. ચિદમ્બરમ જે સંસદીય લોકશાહીની વાત કરે છે એ આ દેશમાં તમને ક્યાં દેખાઇ ભલાદમી? કેટલાંક ઉદાહરણો પર ઝડપભેર નજર નાંખવા જેવું છે. તારીખ ૨પ ઓક્ટોબર, ૨૦૧૦ના દિવસે દિલ્હીમાં હુર્રિયત કોન્ફરન્સના અલગતાવાદી નેતા અલીશા ગિલાની અને બૌદ્ધિક બકરી અરૂંધતી રોય એક હળાહળ રાષ્ટ્રવિરોધી પ્રવચન કરે છે. દેશની રાજધાનીમાં જ તેઓ ભારતના લોકતંત્રને તથા દેશના સૈન્યને ગાળો ભાંડે છે. ગૃહમંત્રી ચિદમ્બરમને આ વિશે સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાની જાણીતી અદામાં બહુ સલુકાઇથી જવાબ આપે છે ‘આપણા દેશમાં અભિવ્યકિતની સ્વતંત્રતા છે!’ ગિલાની તથા અરૂંધતી જેવા રાષ્ટ્રવિરોધી તત્ત્વો એ કાર્યક્રમમાં હાજર રહેવાના છે તેવી માહિતી જગજાહેર હોવા છતાં તેને મંજુરી કેવી રીતે અપાઇ ગઇ? દેશના પાટનગરમાં વડાપ્રધાન તથા ગૃહપ્રધાનના નાક નીચે રહીને જ આટલી હદે રાષ્ટ્રવિરોધી પ્રવચનો તથા કૃત્યો થઇ શકતા હોય તો અને તેની મંજુરી પણ મળી જતી હોય તો અન્ના હઝારે જેવા લોકોને અનશન માટેની મંજુરી આપવા સામે કયો તર્ક છે ભાઇ? વાત હજુ આગળ વધે છે. ૫ જુન, ૨૦૧૧ની રાત્રે બાબા રામદેવ અને હજારો નિર્દોષ લોકો પર દિલ્હીના રામલીલા મેદાનમાં લાઠીઓ વરસાવવામાં આવી, ટીયર ગેસના ડઝનબંધ શેલ છોડવામાં આવ્યા, રામદેવનું સરેઆમ અપહરણ થયું અને આ અત્યાચાર પછી બધા કોંગ્રેસી જનરલી ડાયર ટી.વી. પર આવીને એવું કહેવા માંડ્યા કે, ‘બાબા તો શઠ છે અને બાબા પોતે જ ભ્રષ્ટ છે.’ પ્રશ્ન એ છે કે, તમારે ભ્રષ્ટાચાર સામે કડક થવું છે કે નહિં. બાબા કેવા છે અને તેમની નીતિમત્તા કેટલી છે એ બધા મુદ્દા તો પછીથી આવે છે. જુલાઇ ૨૦૧૧માં પાકિસ્તાની જાસુસ ગુલામનબી ફાઇએ અમેરિકામાં કાશ્મીર મુદ્દે ભારતવિરોધી અનેક સેમીનાર્સના આયોજન કર્યાની વાત બહાર આવે છે. ત્યાં ભાષણ ભરડી આવેલા અનેક બૌદ્ધિક બળદિયાઓના નામ પણ જાહેર થાય છે. કાશ્મીર મામલે મધ્યસ્થી માટે કેન્દ્ર સરકારે નિમેલા દિલીપ પડગાંવકરનું નામ પણ તેમાં ખુલે છે. સવાલ એ છે કે, કેન્દ્ર સરકારે આ બધાના કાંઠલા કેમ ન ઝાલ્યા, તેમને અમેરિકા જઇને આવા ભાષણ ભરડવાની મંજુરી કોણે આપી, વધુ અકળાવનારો સવાલઃ જો આવા દેશદ્રોહીઓને અભિવ્યકિત સ્વાતંત્ર્યનો લાભ મળતો હોય તો, અન્ના હઝારે જેવા લોકોને અનશન માટે મંજુરી લેવા શા માટે રીતસર ઝઝુમવુ પડે છે. સ્ટ્રિપ્ટિઝ જારી છેઃ જુલાઇના અંતમાં પાકિસ્તાનના રૂડારૂપાળા વિદેશ પ્રધાન હિના રબ્બાની ભારત પધારે છે અને ભારત સરકારના નાક નીચે જ હુર્રિયત કોન્ફરન્સના દેશવિરોધી નેતાઓ તેમની સાથે મુલાકાત કરે છે. ભારત સરકારનો વિરોધ હોવા છતાં સરકાર પોતે જ તેમાં અંતરાય સર્જતી નથી અને બેઠક કરવા જઇ રહેલા હુર્રિયતના નેતાઓને કાંઠલો ઝાલીને જેલમાં નાંખી દેતી નથી. હકિકતે, એ કામ કરવા જેવુ હતું. યાસીન મલિક અને મીરવાઇઝ જેવા લોકો ભારતમાં છડેચોક દેશવિરોધી પ્રવૃત્તિઓ કરે છે. જમ્મુથી લઇ બેંગ્લોર અને દિલ્હીમાં પણ તેઓ કાશ્મીરના વોઇસના નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા રહે છે. એમના દરેક કાર્યક્રમ માટે એમને બેરોકટોક મંજુરી મળી જાય છે, જ્યારે જનલોકપાલના મુદ્દે એક ગાંધીવાદી કાર્યકર ગાંધીચિંધ્યા માર્ગે અનશન કરવા મંજુરી માંગે છે તો દિલ્હી પોલીસ એક મહિના સુધી તેને ફુટબોલની જેમ ફંગોળતી રહે છે અને છેવટે ત્રણ દિવસની મંજુરી આપી તેની સાથે બાવીસ શરતોનું ફરફરીયું પકડાવી દે છે. ભ્રષ્ટાચાર સામે મેદાને પડેલા લોકોની કપિલ સિબ્બલો અને મનીષ તિવારીઓ જાહેરમાં મજાક કરતા રહે છે. દિગ્વિજયો તેમની પાછળ હડકાયા શ્વાનની જેમ લાગી જાય છે તથા મનમોહન ટેલિવિઝન પર આવીને કહે છે કે, અન્નાએ આવા ઉપવાસ ન કરવા જોઇએ. કોંગ્રેસી નેતાઓ કહે છે કે, ‘આવી માંગણી કરવાનો અન્નાને હક્ક નથી, અન્ના સંસદીય લોકશાહીને પડકાર ફેંકી રહ્યા છે.’
કોંગ્રેસીઓ જે લોકશાહીના ભજનો ગાઇ રહ્યાં છે તેના દર્શન કરવાની આપણી મહેચ્છા છે. એ એક વખત ક્યાંય દેખાય તો માનીએ કે, બાર જ્યોતિર્લિંગ , ચાર ધામ અને અડસઠ તીર્થ તથા પંચ સરોવરની યાત્રા કરી. લોકશાહી ક્યાંક અદ્રશ્ય છે. ભ્રષ્ટાચારનો અને કાળા નાણાંનો વિરોધ કરનારને ખુલ્લેઆમ, મીડિયા અને પબ્લિકની તથા ન્યાયતંત્રની સામે જ કચડી નાંખવામાં આવે છે. ભ્રષ્ટાચાર સામે લડાઇ લડતા એક વયોવૃદ્ધ સૈનિકનું સન્માન કરવાને બદલે સવારે જ દિલ્હી પોલીસ તેમના ઘરથી ગેરકાયદે અપહરણ કરે છે અને કોંગ્રેસીઓ હજી લોકશાહીના છંદકાવ્યો છેડે છે. આ લોકશાહી વળી ક્યાં સાબુત રહી ગઇ છે? તેનામાં મસમોટા બાકોરા પડ્યા છે. પોલીસનો ઉપયોગ ભારતના ગૃહમંત્રી ખુદ કોઇ ડાકુની ગિરોહની જેમ કરે છે. જગ્ગા ડાકુના આદેશ છૂટે છે અને કઠપુતળી પોલીસ હણહણતા અશ્વો લઇને નિર્દોષ લોકોનો સોંઠ વાળી દે છે. સ્મરણમાં રાખવા જેવું છે કે, દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકારના ગૃહપ્રધાનના હાથ નીચે આવે છે અને દિલ્હીના આખા પોલીસ તંત્ર પર ગૃહમંત્રીનો જ કાબુ હોય છે. એટલે જ એ બેકાબુ છે. અન્નાને ઉઠાવી જવાયાના ચાર કલાક પછી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના ગૃહમંત્રી કહે છે કે, તેમને એ વાતનો ખ્યાલ નથી કે અન્ના અત્યારે ક્યાં છે! જો તેમને આ વાતનો ખ્યાલ ન હોય તો એ ગાદી પર બેસવાનો એમને કેટલો અધિકાર છે તે વિચારવા જેવું. વધુ શક્યતા એ છે કે, તેઓ ખોટું બોલી રહ્યા હતાં. શંકાનો લાભ આપીએ તો માનવું કે તેમને ખરેખર ખ્યાલ ન હતો. બંને કિસ્સામાં ચિદમ્બરમ પાપી છે.

રામદેવ અને અન્નાની લડત પછી વર્તમાન કેન્દ્ર સરકારનો અસલી ચહેરો લોકો સમક્ષ આવી ગયો છે. હવે છુપાવવા જેવું કશું જ બચ્યું નથી. અન્ના હઝારે  અનશન માટેની જગ્યા મેળવવા ઘણા ધમપછાડા કર્યા પછી વડાપ્રધાનને આ બાબતે એક પત્ર લખ્યો હતો. અન્નાએ તેમાં અનશનનું સ્થળ મેળવવા માટે મદદ કરવાની મનમોહનને વિનંતી કરી. દોઢડાહ્યા થઇને વડાપ્રધાને જવાબ આપ્યો કે, તેમણે આ બાબતે દિલ્હી પોલીસને મળવું જોઇએ. જાણે આખો દેશ અંધ છે અને લોકો આ રમતથી જાણે અજાણ છે. દિલ્હી પોલીસ કોના ઇશારે કામ કરે છે એ સૌ જાણે છે. આપણે જો આપણા દેશને જગતની સૌથી મોટી લોકશાહી કહેતા હોય તો, આપણા વડાપ્રધાને વિરોધ મતનો આદર કરીને પ્રેમપૂર્વક એ જગ્યા ફાળવી દેવી જોઇએ. પરંતુ આ સરકારનો ટ્રેક રેકોર્ડ જોતા આવી અપેક્ષા રાખવી એ કોઇ પાપથી કમ નથી. અન્નાએ બહુ વાજબી પ્રશ્ન ઉઠાવ્યો હતોઃ ‘૧૫ ઓગષ્ટે વડાપ્રધાન મનમોહનસિંહ ક્યાં મોઢે ત્રિરંગો ફરકાવશે?’ વાત સાચી જ હતી અને સાચી જ છે. સરદાર મનમોહનસિંહ જ્યારે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરાવે છે ત્યારે રાષ્ટ્રધ્વજની, એ ઐતિહાસિક સ્થળની અને પ્રસંગની ગરિમા આપમેળે ઓછી થાય છે. કોઇ વેઠ્યા મજુર કરતાં પણ લાચાર હોય એવો માણસ જગતની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરે એ વાત આંચકાજનક છે. તળિયા વગરના અને કરોડરજ્જુ વગરના નેતાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવા પેલુ દોરડુ ખેંચે છે ત્યારે દેશના દરેક સમજુ લોકોના ગળા રૂંધાય છે. અન્નાની વાજબી દલિલને આડે પાટે ચડાવવાનું કોંગ્રેસીઓ ચૂક્યા નહિં. તેમણે કહ્યું કે, ‘અન્ના તો રાષ્ટ્રધ્વજનું અને લોકશાહીનું પણ અપમાન કરી રહ્યાં છે.’ વાસ્તવિકતા એ છે કે, અન્ના અને રામદેવના મામલામાં કોંગ્રેસીઓ સંસદીય લોકશાહીની રીતસર હત્યા કરી ચૂક્યા છે. જ્યાં વડાપ્રધાનમાં લોકશાહીના માર્ગે ચૂંટાવવાની હિંમત નથી, કાયદાના છીંડાઓ શોધીને જે આસામના માર્ગે રાજ્યસભામાં ઘુસ્યા છે એ જ પાછા સંસદીય લોકશાહીની ગઝલો ગાઇ રહ્યાં છે.
આખો દિવસ ટેલિવિઝન પર અન્ના હઝારે વિરૂદ્ધ લવારા કર્યા પછી ૧૬ ઓગષ્ટની રાત્રે દિલ્હી પોલીસે અન્નાને મુક્ત કરવા માટે તિહાર જેલને પેપર્સ મોકલ્યા. વળતી જ પળે કોંગ્રેસી બેન્ડવાજાવાળાઓ ઝુમતાઝુમતા કહેવા લાગ્યા કે અન્નાની મુકિત રાહુલ ગાંધી અને મનમોહન વચ્ચેની બેઠકને લીધે થઇ. કોંગ્રેસીઓ માને છે કે, દેશની સામાન્ય પ્રજા મંદબુદ્ધિની છે અને તેઓ જે કાંઇ બફાટ કરશે તેને જનતા માની લેશે. પણ લોકોને સમજતા વાર નથી લાગી કે આ નિવેદન તો બેતાળીસ વર્ષના બાબાને મોટાભા કરવાનું એક ષડયંત્ર છે. આવી કોઇ બેઠકને લીધે અન્ના જો છૂટી જતા હોય તો એ મિટીંગ અનશનના આગલા દિવસે, ૧૫ ઓગષ્ટની રાત્રે જ શા માટે ન થઇ? રાહુલ ગાંધીને જો લોકશાહીમાં એટલો જ વિશ્વાસ છે તો અન્નાને અનશન સ્થળ અપાવવા તેમણે વડાપ્રધાન સાથે વાતચીત શા માટે ન કરી? અન્નાના અનશનની વાતો છેલ્લા મહિનાઓથી દિલ્હીમાં ગાજે છે. ભ્રષ્ટાચાર નિર્મુલન બાબતે બાબા રાહુલ જો ગંભીર છે તો તેમણે અન્નાને બોલાવીને તેમની સાથે ચર્ચા કેમ ન કરી. સત્ય એ છે કે, કોંગ્રેસના ચાવવાના, દેખાડવાના અને ડોળ કરવાના અલગ છે. સરદાર પટેલે દેશના બાકીના રજવાડા હિન્દુસ્તાનમાં ભેળવી દીધા, પરંતુ નેહરૂગાંધી પરિવાર નામનું આ રજવાડું હજુ પોતાને એક સ્વતંત્ર મુલ્ક જ સમજે છે. તેના રાજકુમારો અને પટરાણીઓ અને જમાઇઓ આઝાદ ભારતમાં પણ વી.વી.આઇ.પી. ટ્રીટમેન્ટ ભોગવે છે. આ કોઇ ઓછા લાકડે બળે તેમ નથી. અન્નાના અપહરણ પછી દેશભરમાં જે રીતે તેમના તરફ જુવાળ ફાટી નીકળ્યો તે જોઇને બદમાશો હેબતાઇ ગયા હતાં. જામીન માટે અરજી નહિં કરીને અન્નાએ વધુ એક વખત તેમને માત આપી. માહોલ એવો સર્જાયો કે, આખા દેશમાં અત્યાચારી સરકાર પર થુથુ થવા લાગ્યું. આવડા પ્રચંડ નુકશાનના ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સરકારે થુંકેલુ ચાટવુ પડ્યું છે. હવે, તમાચો મારીને તેઓ ગાલ લાલ રાખે છે અને કહે છે કે, અન્નાને છોડવાનો નિર્ણય વડાપ્રધાન અને રાહુલએ લીધો. અસલી વાત એ છે કે, અન્નાને પણ રામદેવ જેવી જ સારવાર આપવાનું પગલું સરકાર માટે બુમરેંગ સાબિત થયું છે. આ એ જ અન્ના છે, જેના અનશનને રોકવા માટે કોંગ્રેસી યમરાજોએ તથા તેમના પાડા જેવા બૌદ્ધિક બળદોએ પૂરેપૂરા ઉધામા કર્યા હતાં. ટેલિવિઝન પરની ચર્ચામાં એક કોંગ્રેસ સ્પોન્સર્ડ બૌદ્ધિકે એક તર્ક રજૂ કર્યો કે, અન્નાને અનશન માટે મંજૂરી અપાઇ હોત તો, દિલ્હીમાં ટ્રાફિકના અને ભીડના પ્રશ્નો પણ વધી જાય તેમ હતું! બહુ અદ્ભૂત તર્ક છે! આટલી વાહિયાત દલીલ ભાગ્યે જ આપણે ક્યાંક સાંભળી હોય. દિલ્હીવાસીઓની એટલી ચિંતા હતી તો કોમનવેલ્થનું ૮પ હજાર કરોડનો કકળાટ પાટનગરમાં ઘાલવાની શી જરૂર હતી? શું પાટનગરમાં આવા ધરણા પ્રથમ વખત થઇ રહ્યા હતાં. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટેની જાહેરસભાઓમાં અહિં મરઘાની જેમ ટ્રકમાં ભરીને માણસો ઠાલવે છે. રેલીઓ અને દેખાવો દરરોજ અહિં થતા રહે છે. આવા કોઇ જ આયોજનો નડ્યા નહિં, માત્ર અન્નાના અનશન તકલીફરૂપ બન્યા!
મુદ્દો બહુ સ્પષ્ટ છેઃ સરકાર ઇચ્છતી ન હતી કે, અન્નાના અનશન શરૂ થાય. સિબ્બલો અને રાહુલોને ખ્યાલ હતો કે, દેશના આમ આદમીમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કેટલો અને કેવો જુવાળ છે. એટલે જ તેઓ અન્નાને રોકવા ઇચ્છતા હતાં તથા આ લડતની હવામાં પંકચર કરવા ધારતા હતાં. સરકારના હાથ ત્યાં હેઠા પડ્યા કે, અન્ના એક બેદાગ વ્યકિતત્વ છે.  તેમના પ્રવચનો સાંભળો તો પણ ખ્યાલ આવે કે, તેમનામાં સમજ કદાચ ઓછી છે, પરંતુ નિષ્ઠા ભારોભાર છે. બુદ્ધિમત્તામાં તેઓ બારઆની હશે પણ નીતિમત્તામાં બત્રીસ આની છે. મહત્વની વાત એ છે કે, દરેક નિષ્ઠાવાન અને સમર્પિત કાર્યકરની માફક અન્ના પણ થોડાઘણા અંશે માથાફરેલ છે. અને યાદ રહે કે, આવી લડત હંમેશા ધુની માણસ જ લડી શકે. આપણી સમસ્યા એ છે કે, અહિં મોટાભાગના લોકોમાં કોમનસેન્સ અને સિવિલસેન્સનો અભાવ છે. જ્યારે જેમનામાં બુદ્ધિસંપદા ઠાંસોઠાંસ છે તેવા મહત્તમ લોકો એકદમ બદમાશ છે. આ બધાની વચ્ચે  અન્ના જેવા નિષ્ઠાવાન લડવૈયા કોઇ અવતારથી કમ નથી. જે ધરતીમાં વીર્યવાન, ઝાંબાઝ, ખુન્નસથી ભરપૂર ધગધગતા લડવૈયા ઉગવાનું જ બંધ થઇ ગયું હોય અને ધરા આખી વાંઝણી થઇ ગઇ હોય ત્યાં એક અન્નાનું અવતરણ અનેક લોકોને જગાડી શકે છે. પ્રજા પોતાના કમ્ફર્ટ ઝોનમાં છે, પરંતુ અન્ના જેવા લોકો તેને ઢંઢોળતા રહે છે. અન્નાની સંભવિત પીછેહઠથી દુઃખી થઇને એક યુવાને ૧૪ ઓગષ્ટના દિવસે એક સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર લખ્યું કે, ‘આ અન્નો ય ગાંડો છે, ૧૨૦ કરોડ મડદાઓની ઉપાધિ પોતાના માથે લઇને ફરે છે!’ તેમની વાતમાં વ્યથા હતી અને લોકોના નિરૂત્સાહ પ્રત્યેનો ક્રોધ પણ હતો. ૧૬ ઓગષ્ટની સવારે એમનો ભય સાચો ઠરતો પણ નજરે ચડ્યો. પરંતુ રાત થતા સુધીમાં પિકચર ઘણુ બદલાઇ ગયુ હતું. સવાલ એ થાય કે, આટલો તમાશો થયા પછી જ અન્નાને છોડવાની મંજૂરી શા માટે અપાઇ? શા માટે તેમને અગાઉથી જ અનશનની પરમિશન ન મળી?
ઇતિહાસ આ બધા સવાલોના જવાબ પૂછશે. કોંગ્રેસના સદ્નસીબ એ છે કે, જનતાને આવા જવાબો મેળવવાની અને સવાલો પૂછવાની તક છેક ૨૦૧૪માં મળવાની છે. પ્રજા બધું જોઇ રહી છે. આ દેશમાં ભ્રષ્ટાચાર ડામવાને બદલે ભ્રષ્ટાચાર વિરોધીઓને જે રીતે ખત્મ કરવાના કારસા થઇ રહ્યાં છે, તેની જગત પણ નોંધ લઇ રહ્યું છે. અન્નાના અનશન અગાઉ અમેરિકા તરફથી પણ ભારત સરકારને એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે ભારત સરકારને એવી ભલામણ કરી હતી કે, ‘લોકશાહીમાં લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા દેવો જોઇએ, તેને કડક હાથે ડામી દેવો ન જોઇએ.’ ટેલિવિઝનની ન્યૂઝ ચેનલોમાં આ વાત ઝળકી કે તરત જ કોંગ્રેસના ટી.વી.શુરા નેતાઓ ચેનલો પર આવી કહી ગયા કે, ‘શું હવે અમેરિકા અમને લોકશાહીના પાઠ શીખવાડશે... આપણી લોકશાહી આખા જગત માટે ઉદાહરણરૂપ છે!’ ચિદમ્બરમ પણ આવા જ ગીતો ગાઇ ગયા. ધૂળ અને ઢેફુ ટુ યોર સોકોલ્ડ ડેમોક્રસી. જગત આખુ જાણે છે કે, લોકશાહીના નામે અહિંયા જોકશાહી અસ્તિત્વમાં છે. ગાદી પર વડાપ્રધાન બેઠા છે, પણ આદેશો સુપર પ્રાઇમ મિનિસ્ટરના જ ચાલે છે. ચૂંટણીઓ થાય છે અને સાંસદો પણ ચૂંટાય છે, પરંતુ શાસન તો એક પરિવારનું જ છે અને કમનસીબે એ પરિવાર રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધ નથી. શાહરૂખ ખાનની માય નેમ ઇઝ ખાન નામની ફિલ્મ સામે જ્યારે વિરોધ થાય છે ત્યારે આખા મુંબઇને એક કિલ્લામાં ફેરવી નાંખવામાં આવે છે. દરેક સિનેમા ગૃહ પર સશસ્ત્ર પોલીસદળ બેસાડાય છે. દરેક થિયેટરને સુરક્ષા પુરી પાડવામાં આવે છે. મિત્ર શાહરૂખને પોતાનાથી થાય તેટલી તમામ મદદ પ્રિયંકા અને રાહુલ ગાંધી કરે છે. જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મુંબઇમાં શિવસેનાની ધમકી હોવા છતાં ફિલ્મ રિલીઝ થાય છે. આટલી જ પ્રતિબદ્ધતા જો અન્નાના અનશન માટે કે ભ્રષ્ટાચારના મુદ્દે બાબા રાહુલે દર્શાવી હોત તો આ દેશના કરોડો લોકો ગદ્ગદ્ થઇ ગયા હોત. પરંતુ  દેશના એકમાત્ર રજવાડાના યુવરાજની પ્રાયોરિટી અલગ છે. તેના અગ્રતાક્રમમાં ફિલ્મ સર્જકોની અને મિત્રોની મદદ કરવાનું તો આવે છે, પરંતુ દેશને રીતસર કોરી ખાતા ભ્રષ્ટાચારને ડામવાનું આવતું નથી. કોઇ ચમત્કારીક ઘટનાની માફક માદિકરો બેય આ આખા મુદ્દે મહિનાઓથી મૌન છે.
બીજી તરફ વડાપ્રધાન મનમોહનસિંહ પોતાની લાચારી દરરોજ જાહેર માધ્યમોમાં કબુલ કરતા રહે છે. ૧૫ ઓગષ્ટે ધ્વજવંદન સમયે તેમના પ્રવચનમાં કુલ સોળ વખત ‘કરપ્શન’ શબ્દ આવ્યો. શ્રાવણમાં લોકો ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય છે, પણ આપણા વડાપ્રધાન કરપ્શનનું ઉચ્ચારણ સતત કર્યા કરે છે. કારણ પણ બહુ દેખીતુ જ છેઃ આખી કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારમાં લથપથ છે. ગોઠણ સમાણા કાદવમાં કોઇ ડુક્કરને ફેંકો અને પછી તે કિચડથી ભરાઇને બહાર આવે ત્યારે જેવું લાગતું હોય તેવા જ રૂપ અત્યારે યુ.પી.એ. સરકારના મંત્રીઓના ખીલ્યા છે. લાલ કિલ્લા પરથી જગતની સૌથી મોટી લોકશાહીના સૌથી લાચાર વ્યકિતએ કહ્યું કે, તેમની પાસે ભ્રષ્ટાચાર ડામવાની કોઇ જાદુઇ છડી નથી. કોઇ જાદુમંતર કરીને તેઓ સ્પેકટ્રમમાંથી બે લાખ કરોડ અદ્રશ્ય કરી શકે છે, આવા જ જાદુ ટોના કરીને કોમનવેલ્થ ગેમ્સનું બજેટ ૧૭૦૦ કરોડમાંથી ૮પ હજાર કરોડ સુધી પહોંચાડી શકે છે. કોઇ અદ્ભુત મંતરનું ઉચ્ચારણ કરીને તેઓ હસન અલી જેવા દેશદ્રોહી ટેક્સચોરને ન્યાયતંત્રની જાળમાંથી આઝાદ રાખી શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત આવે ત્યારે છડીના અભાવના કર્કશ મરશિયા જોરજોરથી ગાવા માંડે છે. દેશવાસીઓ પૂછે છે કે, જો જાદુની છડીની જરૂર હોય તો કે. લાલ કે પી.સી. સરકારને બોલાવો અને પ્રતિબદ્ધતાની જરૂર હોય તો તમે એ દર્શાવો. જો તમે લાચાર છો તો ગાદી પરથી આ ક્ષણે ઉતરી જાઓ અને ઘેર જઇ બે ટંક રોટલા ખાઇ પ્રભુનું સ્મરણ કરો. જો તમે અશક્ત છો તો નિવૃત્તિ લઇ લો, જો તમારામાં તાકાત નથી તો બીજાને તક આપો. જો તમારૂં આત્મગૌરવ હણાઇ ગયું છે તો વિકલ્પ શોધો. જો તમે અસમર્થ છો તો રસ્તો કાઢો. જો તમે ગુલામ છો તો આઝાદ થાઓ.  જો તમે ચિઠ્ઠીના ચાકર છો તો એ વાત પણ યાદ રાખો કે તમે સૌ પ્રથમ એક પબ્લીક સર્વન્ટ છો. જ્યારે પબ્લીકને સર્વ કરવાની અથવા તો પ્રજાની સેવા કરવાની તમારી શકિત હણાઇ જાય ત્યારે એ જવાબદારીમાંથી સામે ચાલીને મુક્ત થવું એ જ ઉત્તમ ગણાય. તેમાં આ દેશનું પણ ભલું છે અને પ્રજાનું પણ કલ્યાણ છે. જે સંસદીય લોકશાહીના સોગંધ તમે રોજ સવારે ઉઠીને આપ્યા કરો છો એ સંસદીય લોકશાહી અત્યારે ચોધાર આંસુએ રડી રહી છે. કહેવાતી જગતની પ્રથમ ક્રમાંકની લોકશાહી પર એક પરિવાર અને તેમના કેટલાંક મળતિયાઓનો કબ્જો છે. એટલે જ ૧૫ ઓગષ્ટે જ્યારે મનમોહન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે ત્યારે એ રાષ્ટ્રધ્વજની ગરિમા ઘટી ગઇ હોય તેવું લાગે છે. મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે આપમેળે એ અર્ધી કાઠીએ હોય છે

*તારીખ ૧૭-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત. 

12 comments:

  1. કીન્નરભાઈ, સચોટ જ નહિ પણ લોધા જેવું ગરમ!
    પ્રજા આ નમાલા નકામા માં-દીકરો અને તેમની વાનરસેના ને ઓળખી ગયા છે. અન્ના એ આ લોકો ના શરીર ઉપરથી બધા કપડા એમની પાસેથી એમના હાથે જ કાઢવી લીધા.
    ભારતમાં, આઝાદી પછી પહેલો એવો ડોસો દેખાયો છે જેણે અખા ભારત ના હર એક વર્ગ - ઉંમર ના લોકો ને આકર્ષી ને જગાડ્યા છે.
    બુદ્ધિ નું દેવાળું કાઢી ચુકેલા કહેવાતા બુદ્ધિજીવી ખરેખર તો વેશ્યાઓ થી પણ બદતર છે. વેશ્યા પણ પૈસા લીધા પછી પોતાના ગ્રાહક ને વફાદાર રહેતી હોય છે.

    ReplyDelete
  2. મોટાભાગના લોકોનો ખુલ્લેઆમ વિરોધ આ ભ્રષ્ટ સિસ્ટમ સામે છે. એ લોકોને જનલોક્પાલ શું છે એ નથી ખબર.ને છતાંય, વિરોધ પ્રબળ છે એનું કારણ ખાડે ગયેલી ડેમો/બ્યુરોક્રસી છે. આ બધાને પકડી પકડીને કુન્નુરની ખીણમાં ફેંકી દઇશું તો ખીણ પણ ભરાઇ જશે... ;)

    હું તો પહેલેથી ખોટા સામે વિરોધ કરવાના જ મતનો છું...મારા ભાગે આવતી તમામ જવાબદારી નિભાવવાનું પ્રોમિસ...

    'ગુલાલ' ફિલ્મનો ડાયલોગ અહિં યોગ્ય છે..A patriot must ready to defend his country against its government...

    ReplyDelete
  3. Well Said, કીન્નરભાઈ

    We[The People] need To Do Something About it this time,...

    This is time for us to take stand and make decision ,,,

    Otherwise this people will Sell The Whole Country For Money... !!!

    We Need To Give Support To anna Hazare.. !

    Jai Hind..

    ReplyDelete
  4. Kinnerbhai, i'm Sharing it, it must be shared like fire in the jungle...... I hope you will not deny it..

    ReplyDelete
  5. superb.....sohrabuddin jeva gunda nu encounter joi ne ukadi uthta loko ne Anna ane Ramdev jeva nu kindappning and arrest nadata nathi eva loko je desh ma rahe che e desh ni khajo daya.....

    ReplyDelete
  6. કિન્નરભાઈ, બાબા રામદેવ અને અણ્ણાના મામલે તેજાબી લખાણ વાંચીને મજા આવી તેમ તો નહીં કહું, પણ મિડિયામાં આવું સચોટ સત્ય બહુ ઓછું લખાય છે. તમે એ લખ્યું છે માટે તમે અભિનંદનના અધિકારી છો. તમારા આક્રોશ સાથે સંમત.

    ReplyDelete
  7. તારીખ ૨પ ઓક્ટોબર, ૨૦૧૦ના દિવસે દિલ્હીમાં હુર્રિયત કોન્ફરન્સના અલગતાવાદી નેતા અલીશા ગિલાની અને બૌદ્ધિક બકરી અરૂંધતી રોય એક હળાહળ રાષ્ટ્રવિરોધી પ્રવચન કરે છે. દેશની રાજધાનીમાં જ તેઓ ભારતના લોકતંત્રને તથા દેશના સૈન્યને ગાળો ભાંડે છે. ગૃહમંત્રી ચિદમ્બરમને આ વિશે સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાની જાણીતી અદામાં બહુ સલુકાઇથી જવાબ આપે છે ‘આપણા દેશમાં અભિવ્યકિતની સ્વતંત્રતા છે!’ ગિલાની તથા અરૂંધતી જેવા રાષ્ટ્રવિરોધી તત્ત્વો એ કાર્યક્રમમાં હાજર રહેવાના છે તેવી માહિતી જગજાહેર હોવા છતાં તેને મંજુરી કેવી રીતે અપાઇ ગઇ? દેશના પાટનગરમાં વડાપ્રધાન તથા ગૃહપ્રધાનના નાક નીચે રહીને જ આટલી હદે રાષ્ટ્રવિરોધી પ્રવચનો તથા કૃત્યો થઇ શકતા હોય તો અને તેની મંજુરી પણ મળી જતી હોય તો અન્ના હઝારે જેવા લોકોને અનશન માટેની મંજુરી આપવા સામે કયો તર્ક છે ભાઇ? વાત હજુ આગળ વધે છે. .. Wah

    ReplyDelete
  8. કોંગ્રેસીઓ જે લોકશાહીના ભજનો ગાઇ રહ્યાં છે તેના દર્શન કરવાની આપણી મહેચ્છા છે. એ એક વખત ક્યાંય દેખાય તો માનીએ કે, બાર જ્યોતિર્લિંગ , ચાર ધામ અને અડસઠ તીર્થ તથા પંચ સરોવરની યાત્રા કરી... Wah

    ReplyDelete
  9. સરદાર પટેલે દેશના બાકીના રજવાડા હિન્દુસ્તાનમાં ભેળવી દીધા, પરંતુ નેહરૂગાંધી પરિવાર નામનું આ રજવાડું હજુ પોતાને એક સ્વતંત્ર મુલ્ક જ સમજે છે. તેના રાજકુમારો અને પટરાણીઓ અને જમાઇઓ આઝાદ ભારતમાં પણ વી.વી.આઇ.પી. ટ્રીટમેન્ટ ભોગવે છે.

    ReplyDelete
  10. મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે આપમેળે એ અર્ધી કાઠીએ હોય છે

    ReplyDelete
  11. અણ્ણા એપિસોડ વખતે અમેરિકા એ પોતાનો અભિપ્રાય આપ્યો ત્યારે સરકાર એ એવું કહ્યું કે અમેરિકા એ ભારત ના આંતરિક મામલાઓ માં દખલ ના કરવી જોઈએ.
    તો હમણાં મુંબઈ ધડાકા ની તપાસ માટે સરકાર કયા મોઢે અમેરિકા ની મદદ માંગે છે? શું આ ભારત નો આંતરિક મામલો નથી? અમેરિકા ઉઠાવીને એવું કહી દે તો આપણી સરકાર ની શું દશા થાય?

    ReplyDelete