પ્રકાશ ઝાની ફિલ્મ "આરક્ષણ"ને વિવાદોમાં સપડાયેલી નિહાળી કે ફરી એક વાત યાદ આવી: "દરેક ફિલ્મની એક કુંડળી હોય છે!" કેટલીક ફિલ્મો મોંમાં સોનાની ચમચી સાથે અવતરતી હોય છે તો કોઈ ફિલ્મનાં કિસ્મતમાં વૈતરું જ લખાયેલું હોય છે. ક્યારેક આપણે કોઈ ભયંકર ટેલેન્ટેડ વ્યક્તિને પણ આજીવન ગુમનામીના અંધારામાં ભટકતી અને છેવટે ખામોશ મોતને ભેટતી ભાળીએ છીએ. તો એવા કિસ્સાઓની પણ કમી નથી જ્યાં મિડીયોકર લોકો પ્રચંડ પ્રસિદ્ધિ અને ઐશ્વર્ય પામતાં હોય છે. ફિલ્મોનું પણ કંઇક એવું જ છે. અહીં ફિલ્મોના વિવાદોની વાત નથી પરંતુ કેટલીક નસીબવંત ફિલ્મોની અને થોડી બદકિસ્મત ફિલ્મોની વાત કરવામાં આવી છે...
‘ઓ ય ચોપરા !’
જાણીતા ફિલ્મ સર્જક બી. આર. ચોપરાનાં ઘરની બહાર ઉભા રહી એક વ્યક્તિ બૂમ પાડી રહ્યાં હતા. ફરી એક વખત એમણે ઉંચા અવાજે સાદ કર્યો:
‘ઓ ય ચોપરા ! બહાર આવ ભાઈ !’
બી. આર. ચોપરા બહાર નીકળ્યા. આંગતૂકને જોઈને એમને નવાઈ લાગી.
ચોપરાને જોતાવેંત પેલા મહેમાને ઘરની બહાર ઉભા રહીને જ જોરથી કહ્યું:
‘સાંભળ્યું છે કે, તું પેલી વાહિયાત વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો છે ! ભાઈ, એ ચક્કરમાં પડતો નહીં, ફના થઈ જઈશ ! ઘોડાગાડીવાળાની એવી ગામઠી વાર્તા જોવા કોણ આવશે સિનેમા હોલમાં? દેવાળિયા થવું હોય તો જ એ પ્રોજેક્ટ હાથમાં લેજે !’
કોઈ આલીયામાલીયાએ આવી વાત કરી હોય તો બી. આર. તેને તગેડી જ મૂકે. પરંતુ આગંતૂકની વાતની સાવ ખુલ્લેઆમ અવગણના થાય એમ નહોતું. ચોપરાને ખ્યાલ હતો કે એમના આંગણે જે વ્યક્તિ આવી છે એનું સ્થાન ફિલ્મોદ્યોગમાં બહુ ઉંચેરું છે. એમણે પેલા મહેમાનને આવકાર્યા, તેમને પોતાનાં ઘરમાં લઈ ગયા. એમની સાથે અલકમલકની વાતો કરી, આગતાસ્વાગતા કરી અને એમને વિદાય આપી. એ આગંતૂક હતા: ફિલ્મ સર્જક મહેબૂબ ખાન.
બહુ મોટું નામ. મહેબૂબ ખાન એટલે ફિલ્મ મેકિંગની વિશ્વવિદ્યાલય. પણ ચોપરા પેલી ફિલ્મ બનાવવા મક્કમ હતા. એ ફિલ્મમાં લેખક પોતાની એ વાર્તા લઈ કંઈ કેટલાંય નિર્માતાનિર્દેશક પાસે જઈ આવ્યા હતા. લેખક હતા: મિરઝા. સૌપ્રથમ તેઓ મહેબૂબ ખાનને મળ્યાં. આ વાર્તામાં એમને બિલકુલ રસ ન પડ્યો. એ પછી લગભગ ચારેક અલગઅલગ સર્જકોને મિરઝાએ આ વાર્તા સંભળાવી. એક સમય એવો આવ્યો કે એમને લાગવા માંડ્યું: ‘હવે આ વાર્તા પરથી ક્યારેય ફિલ્મ નહીં બની શકે !’ એવામાં એમનો ભેટો બી. આર. ચોપરા સાથે થયો. અને અંતે એ ફિલ્મ બની: નયા દૌર !
ટિકિટબારી પર ‘નયા દૌર’ બ્લૉકબસ્ટર સાબિત થઈ. જો કે, એ પહેલાં ‘નયા દૌર’ અનેક કપરાં દૌરમાંથી પસાર થઈ. ચોપરાએ સૌઊંથમ હિરોઈન તરીકે દિલીપકુમારની સાથે મધુબાલાને સાઈન કરી હતી. પરંતુ દિલીપ-મધુબાલાની રીયલ લાઈફ લવસ્ટોરી સામે મધુબાલાના પરિવારને વાંધો હતો. મધુબાલાના બાપે પોતાની પુત્રીને આઉટડોર શૂટ માટે મુંબઈ બહાર મોકલવાની ના ભણી દીધી. એમને સમજાવવાનાં બહુ ઊંયત્નો થયા. માન્યા નહીં. ચોપરા આ મામલે અદાલતમાં પણ ગયા. છેવટે તેમણે મધુબાલાની જગ્યાએ વૈજયંતિમાલાથી કામ ચલાવવું પડ્યું. મ્યુઝિકના મામલે પણ મુશ્કેલીઓ આવી. સામાન્યતઃ બી. આર. ચોપરા પોતાની ફિલ્મમાં રેશનકાર્ડ પર મળતા ખાંડચોખા જેવાં વાજબી ભાવનાં સંગીતકારો રાખતા. મોટાભાગે રવિ પાસે સંગીત કરાવે. ગાયકમાં પણ રાહત દરે સદાય અવેલેબલ રહેતા મહેન્દ્ર કપૂર હોય. આ વખતે ચોપરાએ પસંદગી ઓ. પી. નય્યર પર ઉતરી. એ જમાનામાં શંકર-જયકિશનનો દબદબો એવો હતો જેવો આજે રહેમાનનો છે. સૌથી મોંઘા અને એકદમ હિટ. નય્યરે ચોપરા પાસે શરત મૂકી: ‘હું તમારી ફિલ્મ કરું ખરો... પણ એક શરતે: શંકર-જયકિશનનો જે બજાર ભાવ ચાલે છે તેનાં કરતાં એક રૂપિયો હું વધારે લઈશ ! પણ મ્યુઝિક એવું આપીશ કે જમાનાઓ યાદ રાખે !’
જમાનો બદલાઈ ગયો. પરંતુ આજેય ‘ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી...’, ‘માંગ કે સાથ તુમ્હારા...’, ‘ઈન્સાફ કા મંદિર હૈ...’ જેવાં ગીતો સાંભળીએ ત્યારે લાગે છે કે, નય્યરની વાત સોળ આની સાચી હતી. મહેબૂબ ખાન અને બીજા કેટલાંય સર્જકો જે કથાથી દૂર ભાગતા હતાં એ વાર્તા પરથી એક અમર ફિલ્મ રચાઈ ગઈ. વિવેચકોથી લઈ સાવ સામાન્ય પ્રેક્ષકો સુધીનાં દરેક લોકોએ તેને હુંફાળો આવકાર આપ્યો. ‘નયા દૌર’ની ગણના દિલીપકુમારની કેરિયરની પણ માઈલસ્ટોન ફિલ્મોમાં થાય છે.
કથાસાર: દરેક મનુષ્યના જેમ એક જન્માક્ષર હોય છે એમ દરેક ફિલ્મની પણ એક કુંડળી હોય છે !
એક ફિલ્મ સમિક્ષકને થોડાં દિવસો પહેલાં ટેલીવિઝન પર બોલતા સાંભળ્યા: ‘દરેક ફિલ્મની એક કુંડળી હોય છે !’ વાત કેટલી અર્થપૂર્ણ છે ! સ્હેજ વિચારીએ તો દોઢસો કિલોમીટરની ઝડપે વિચારો ફુંકાવા માંડે. ડઝનબંધ ફિલ્મોનાં નામોનું સ્મરણ થાય. કોઈ ફિલ્મનો બુધ બહુ સારો હોય પણ શુક્ર સાવ ખાડે ગયેલો હોય, કોઈના પર બુધ બિલકુલ મહેરબાન ન હોય છતાં ગુરૂ અને શનિ મળી તેને ક્યાંય પહોંચાડી આપે ! કોઈ ફિલ્મ પર રાહુકેતુની વક્રદ્રષ્ટિ હોય અને કેટલીક ફિલ્મોના કિસ્મતમાં ગજકેસરી યોગ હોય તો કેટલીક કાલસર્પ યોગથી પરેશાન હોય ! કોઈ પિકચરના જન્માક્ષરમાં એક જ ખાનામાં સાતઆઠ ગ્રાહ ભેળા થતા કોઈ એકબીજાને સુખેથી જંપવા દે જ નહીં ! જન્માક્ષર જેવી રીતે મનુષ્યને નચાવે એમ ફિલ્મ તેનાં સર્જકને અને તેની સાથે સંકળાયેલા કસબીઓને પોતાની મરજી મુજબ નચાવે, હસાવે, રડાવે, કસરત કરાવે અને સફળ-નિષ્ફળ પણ બનાવે. ગમે એવી સ્ટારકાસ્ટ હોય, ગમે એટલો મોટો સર્જક હોય, ફિલ્મની કુંડળી કોઈની સાડીબાર રાખે નહીં. કરમમાં કાછારી હોય તો કોડિયાં ન થાય અને કરમમાં કાથી હોય તો દોરડાં ન થાય.
સલીમ-જાવેદે લેખક બેલડી તરીકે અનેક વાર્તાઓ થકી અનેક પ્રોડ્યુસરોને ચલણી નોટોની વર્ષામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મળ્યું. બેઉને થયું કે ‘માળું... આ ગજબનું ! આપણી ક્રિએટિવિટી પર ગામ કમાય !’ બેઉએ જાતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું. થયું કે, ટુકડા કરતાં આખો રોટલો જો ભાણામાં આવે તો મોજ પડે. સ્ક્રિપ્ટ પર ત્રણેક મહિના કામ ચાલ્યું. દરેક બાબતો પર વિચારવિમર્શ થયો. અમિતાભના નામનાં સિક્કા પડતા (અને થિયેટરમાં એની એન્ટ્રી સમયે સિક્કા ઉડતા પણ !) હતા. અમિતાભ પર બેયનું ઋણ પણ ખરું. નાયક તરીકે અમિતાભ, નાયિકા તરીકે હેલન. બીજા પણ અનેક જાણીતા કલાકારો. આવી મજબૂત ટીમ દ્વારા જે ફિલ્મ બની એ હતી: ઈમાન ધરમ ! સિનેમા હોલમાં એ ક્યારે રિલિઝ થઈ અને ક્યારે, કેવી રીતે, શા માટે ઉતરી ગઈ તેની નોંધ સુધ્ધાં કોઈએ લીધી નહીં ! આ જ જોડીએ એક બીજી ફિલ્મ બનાવી. બન્યું એવું કે, સલીમજાવેદ, અમિતાભ, કલ્યાણજી-આણંદજી વગેરેનાં મિત્ર મંડળના જ ગણાતા સર્જક નરિમાન ઈરાની સાવ દેવાળિયાં જેવી હાલતમાં હતા. ભાઈબંધના પરિવારને મદદરૂપ થયા સલીમ-જાવેદે કશુંક કરવાનું નક્કી કર્યું.
બેઉએ નિર્ણય કર્યો કે, એક ફિલ્મ બનાવવી... તેમાંથી થયેલી આવક નરિમાનને આપી દેવી. સલીમજાવેદે અમિતાભને વાત કરી. એ ટોકન એમાઉન્ટમાં કામ કરવા તૈયાર થઈ ગયો. ઝિન્નત અમાન, કલ્યાણજી આણંદજીથી લઈ દરેક લોકો બિલકુલ મામૂલી રકમમાં કામ કરવા તૈયાર હતા. બધાએ હા કહી પછી બેઉને થયું કે હવે વાર્તા કેવી લખીશું ? સાવ ઉતાવળમાં એમણે એક વાર્તા લખી કાઢી. જમણવારમાં ઉંધિયું ઘટે તો ટમેટાપાણીનો રસો નાંખવામાં આવે એમ આ વાર્તામાં કેટલીય જગ્યાએ સમાધાનો થયા. સ્ક્રિપ્ટના અનેક નટબોલ્ટ ઢીલા હતા. એક અંગ્રેજી ફિલ્લમ પરથી તેમણે રાતોરાત વાર્તાનું અડોપ્શન કર્યું હતું. નિર્દેશક તરીકે સાવ જ નવાસવા ગણાય એવા ચંદ્ર બારોટને સાઈન કર્યા. ફિલ્મ રિલિઝ થઈ અને ટિકિટબારી પર જાણે ઝંઝાવાત સર્જાયો. ફિલ્મ બોકસ ઓફિસ પર રીતસર ટંકશાળ પડી. એ ફિલ્મ એટલે: ડૉન ! કુંડળી નહીં તો ‘ડૉન’નું નિર્માણ ચાલ્યું એ દરમિયાન જ નરિમાન મૃત્યુ પામ્યા. આવક તેમના પરિવારને ગઈ. બાય ધ વે, રિલિઝના ઊંથમ અઠવાડીયામાં ‘ડૉન’ સાવ ફ્લોપ રહી પણ બીજા અઠવાડીયાથી એ એટલી ચાલી કે મેગા હિટ જાહેર થઈ !
એક ફિલ્મ તરીકે ‘ડૉન’ કંઈ એવી અદ્ભુત પ્રોડક્ટ નહોતી. એની વાર્તા, સ્ક્રિપ્ટ પર ઝાઝું કામ નહોતું થયું. આખી વાતમાં ઝનૂન કે પેશન જેવું પણ ખાસ કશું નહોતું. તેના નિર્માણ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે ખર્ચ બાદ કરતા મિત્રને બે પૈસા મળે તો ભયો ભયો. એ સમયે ‘ડૉન’ જેવી વાર્તાનું ખાસ માર્કેટ પણ નહીં. ખાસ કશાં જ એફર્ટ વગર, ઝાઝી લમણાંઝિક વિના બનેલી આ ફિલ્મે ઝંડા લહેરાવી દીધા. ખઈ કે પાન... અને તેનાં જેવાં ગીતો ચારેકોર સંભળાવા લાગ્યા. કરમની રત્ની, નાંખો ઉંધી અને ક્યારેક થાય ચત્તી. ‘ઈમાન ધરમ’ને પબ્લીકે ઢોરમાર માર્યો અને ‘ડૉન’ને પ્રેમપૂર્વક વધાવી લીધી.
ઉદાહરણોનો તોટો નથી. આવા વિષય પર વાત કરતા હોઈએ ત્યારે ‘મુઘલે આઝમ’ એક ક્લાસિક કેઈસ ગણાય. કોઈ વાંઝણી સ્ત્રીનાં ઘેર વીસ વર્ષે પારણું બંધાય અને પછી તેનું એ સંતાન જો દેશનાં વડા પ્રધાનપદ પર પહોંચે ત્યારે માતા સહિત આખી દુનિયાની આંખ ઠરે એમ મુઘલે આઝમના કિસ્સામાં થયું. અનેકાનેક વિઘ્નો પછી બાર વર્ષે ખતમ થયેલી આ ફિલ્મે બોકસ ઓફિસ પર વિજય પત્તાકા લહેરાવ્ય ત્યારે લોકો આવું તકદિર જોઈ દંગ રહી ગયા હતા.
રેશનાલિસ્ટો કહેશે: ‘ના ! પ્રારબ્ધ જેવું કશું નથી... મહિમા માત્ર પુરુષાર્થનો જ છે !’ માત્ર ફિલ્મોની બાબતે નહીં, મનુષ્ય વિશે પણ તેઓ એવું જ કહેતા હોય છે. પણ શું ખરેખર પુરુષાર્થનું ‘વેઈટેજ’ એટલું બધું અને પ્રારબ્ધનું કશું જ નથી ? આસપાસ દ્રષ્ટિપાત કરીએ તો પણ આવા અનેક પ્રશ્નો આપણી ભીતર સર્જાતા રહે, તેનાં જવાબો પણ માંહેથી અપાતા જાય અને માંહ્યલો પ્રતિપ્રશ્નો પણ કર્યા રાખે. મોં પરથી માખ ઉડાડવાની હોં ન હોય એવાં અલેલટપ્પુઓને અપણે અખૂટ ઐશ્વર્યમાં આળોટતા જોઈએ ત્યારે પુરુષાર્થ શબ્દ સ્વયં બહુ વામણો અને નિરર્થક લાગે. આપણને થાય કે, આ ભાઈ પગથી માથા લગી આખેઆખા વેંચાઈ જાય તો પણ એમના શરીરના વજન જેટલી પસ્તી સુધ્ધાંન કોઈ ન આપે. આવાં જ ચંપકની રક્તતૂલા અને સુવર્ણતૂલા યોજાતી આપણે નિહાળીએ ત્યારે થાય કે, પ્રારબ્ધ એક મહાન સત્ય છે. બીજી તરફ કિસ્મતનાં લોખંડી પંજા તળે કચડાયેલા જીનિયસ લોકોનાં ઉદાહરણો પણ અગણિત છે. મહાન કલાકાર હોય, ગ્રોટ કસબી હોય... જગત તેનું સામર્થ્ય સ્વીકારતું પણ હોય ! અને છતાં ભાઈ મૃત્યુપર્યંત બે પાંદડે ન થયા હોય.’ દરેક વ્યક્તિએ લાગે છે કે, તેમને તેમની ક્ષમતા મુજબનું કામ, તેમની આવડત મુજબના દામ નથી મળ્યાં. મોટા ભાગનાં આવા લોકો પોતાનાં માટે જ કંઈક વધુ પડતો અહોભાવ સેવતા હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ વિશે આવું જ જ્યારે અન્ય અનેક લોકો કહેતા હોય ત્યારે પ્રારબ્ધનું મહત્ત્વ સમજાય.
કિસ્મતમાં નહીં માનનારાઓને આવી વાત કરીએ ત્યારે એક સ્ટાન્ડર્ડ દલીલ આપણી સમક્ષ પેશ થતી હોય છે. આપણે જ્યારે અપ્રતિમ સફળતા મેળવેલા અલેલટપ્પુનું ઉદાહરણ આપીએ ત્યારે તેઓ કહે છે, ‘એમનામાં આવડત ભલે ઓછી હોય, બીજી અનેક ક્વૉલિટીઝ છે !’ બહુ જીનિયસ માણસોની નિષ્ફળતાનું ઉદાહરણ આપીએ તો તેઓ કહેશે: ‘એમનો ધૂની સ્વભાવ એમને નડ્યો !’
ટપ્પુઓની જેવી ‘કવૉલિટીઝ’ની તેઓ દુહાઈ આપતા હોય છે એવી ધરાવતી તો ઘેરઘેર એક વ્યક્તિ આપણને મળી રહે અને ધૂની સ્વભાવને જો તેઓ જીનિયસ વ્યક્તિની નિષ્ફળતા માટેનું કારણ માનતા હોય તો આવો જ સ્વભાવ ધરાવતા જીનિયસ લોકોનાં ઉદાહરણો હજ્જારોની સંખ્યામાં મળી રહે છે. અહીં આપણે જે વાત મનુષ્ય માટે કરી એ બધી જગ્યાએ ફિલ્મો પણ મૂકી શકાય. અથડાતો, કૂટાતો, રીબાતો, પિડાતો દુઃખીયારો માનવી ક્યારેક જબરી સફળતા પણ પામી જાય છે. અને ક્યારેક સરળતાથી વહ્યે જતાં મનુષ્યનું સાવ અચાનક ધનોતપનોત નીકળી જાય છે. ફિલ્મોનું પણ આવું જ. અથડાતી કૂટાતી હિટ પણ થઈ જાય અને કોઈ કિસ્સામાં એનું નખ્ખોદ પણ નીકળી જાય.
મુઘલ-એ-આઝમ બનાવનાર કે. આસિફની તમન્ના હતી, ‘લવ એન્ડ ગોડ’નું સર્જન કરવાની. એ તેની ‘ડ્રિમ ફિલ્મ’ હતી. વિષયમાં કશું નાવિન્ય નહોતું. લૈલામજનુની પ્રણયકથા અગાઉ પણ એકાધિક વખત રૂપેરી પરદે આવી ચૂકી હતી. પણ, આસિફે કશુંક અલગ વિચાર્યું હતું: લૈલામજનુ મૃત્યુ પામે પછી તેમનું સ્વર્ગમાં ફરી મિલન થાય... સ્વર્ગના ભવ્યાતિભવ્ય સેટ્સ, અગાઉ કદી જોવા ન મળી હોય એવી ભવ્યતા, ગીતસંગીત... કોઈએ આસિફને વાર્યો. કહ્યું કે, ‘ઈસ્લામમાં સ્વર્ગની આવી કલ્પ્ના છે જ નહીં !’ નૌશાદે પણ તેને સમજાવ્યો. પણ એ ટસનો મસ થયો નહીં. મજનુ તરીકે એણે ગુરૂ દત્ત પર પસંદગી ઢોળી. બધાએ ત્યારે પણ વાર્યો: ‘ગુરૂ દત્તનું ઉર્દુ બહુ કાચું છે.’ આસિફે કહ્યું કે, ‘હું તેને ઉર્દુ માટે તાલીમ અપાવી દઈશ ! પણ મજનુના ચહેરા પર જે વેદના હોવી જોઈએ એવી ગુરૂ દત્ત સિવાય કોઈના ચહેરા પર જોવા ન મળે !’
અંતે ‘લવ એન્ડ ગોડ’ ફ્લોર પર ગઈ. આઠ-દસ રીલનું શૂટિંગ થયું હશે ત્યાં ગુરૂ દત્તનું અવસાન થયું. કોઈએ કહ્યું કે, ‘અધુરી ફિલ્મ રિલિઝ કરી દઈશ તો પણ લોકો જોવા આવશે.’ આસિફ ન માન્યો. તેણે સંજીવકુમારને લઈ ફિલ્મ આગળ ધપાવવાનું નક્કી કર્યું. નિમ્મીના સોલો શોટ્સ એ એમ જ રહેવા દેવા અને યુગલ દ્રશ્યો ફરી શૂટ કરવાની વાત થઈ. સંજીવકુમારે આ રોલ માટે જરૂરીયાત મુજબ ખાસ્સું વજન ઉતાર્યું. ફિલ્મ શરૂ થઈ, આગળ ધપી... ખતમ થવા આવી ત્યાં સંજીવકુમારનું અવસાન થયું. પેચ વર્ક હજુ બાકી જ હતું. હજુ માંડ એ પુરું થાય એ અગાઉ જ આસિફ પણ જન્નત સિધાવી ગયો !
‘લવ એન્ડ ગોડ’ ફરી એક વખત અટકીલટકી પડ્યું. ફિલ્મમાં પેચ વર્કનું જે કામ બાકી હતું એ પૂર્ણ કરવામાં ઝાઝા સમયની જરૂર ન હતી. હવે, સવાલ એ ફિલ્મ પરનાં અધિકારોનો હતો. આસિફની પ્રથમ પત્ની નિગાર (મુઘલ-એ-આઝમની ‘બહાર’!) અને બીજી પત્ની અખ્તર (દિલીપકુમારની બહેન-અસલી જિંદગીમાં) વચ્ચે હક્કની લડાઈ થઈ. એ દરમિયાન અખ્તરે રશિદ નામનાં એક સજ્જન સાથે ઘર માંડ્યું અને ‘લવ એન્ડ ગોડ’ના હક્કો છેવટે પ્રથમ પત્ની નિગાર સુલ્તાનાને મળ્યાં. તેણે પેચવર્ક પૂર્ણ કરાવ્યું. જેની પાછળ આટઆટલી કથાઓ જોડાયેલી હતી એ ચર્ચાસ્પદ ‘લવ એન્ડ ગોડ’ રિલીઝ થઈ. પરંતુ તેને જોવા સિનેમા હોલ પર ચકલું ય ફરક્યું નહીં !
વિધાતાએ કદાચ કટાયેલી કલમ વડે ‘લવ એન્ડ ગોડ’ના તકદિર લખ્યા હતા ! એની જોડે સંકળાયેલી એક પછી એક વ્યક્તિને કાળ જાણે હણતો ગયો. કોઈ શ્રાપિત મનુષ્ય આજીવન પિડાઈને છેલ્લે ચિંથરેહાલ અવસ્થામાં મોતને ભેંટે એમ આસિફનું આ ભવ્ય સ્વપ્ન એક દિવસ ભાંગીને સાવ ભુક્કો થઈ ગયું. સારું થયું કે, પોતાનાં સર્જનની આવી દશા જોવાનું આસિફના કિસ્મતમાં નહોતું લખાયું !
દરેક ફિલ્મની એક કુંડળી હોય છે ! ફરી એ જ વાક્ય યાદ આવવાનું કારણ ‘લવ એન્ડ ગોડ’ની થયેલી દશા અને તેની માફક જ અવગતે ગયેલી અગણિત ફિલ્મો. રામ મહેશ્વરીએ ધર્મેન્દ્ર-મીનાકુમારી-રાજકુમારને લઈ ‘કાજલ’ બનાવી. વાર્તા હતી, ગુલશન નંદાની. ફિલ્મ ચાલી. ફરી એમણે ગુલશન નંદાની વાર્તા પરથી એક ફિલ્મ શરૂ કરી ‘ચિનગારી’. સ્ટારકાસ્ટ પણ મોટી. વળી સર્જકે તેની આગલી જ ફિલ્મમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. પરંતુ ‘ચિનગારી’ એવી બુઝાઈ ગઈ કે એ ક્યારેય રિલીઝ ન થઈ. ફણિશ્વરનાથ રેણુની વાર્તા પરથી શૈલેન્દ્રએ ‘તિસરી કસમ’ જેવી ઉમદા ફિલ્મ બનાવી પણ જશને બદલે એને પ્રેક્ષકોના જોડાં મળ્યાં. એ જ ફણિશ્વરનાથની ‘મૈલા આંચલ’ નામની નવલકથા પરથી ધર્મેન્દ્ર-જયા ભાદુરીને લઈ ‘દાકતર બાબુ’ નામની ફિલ્મ લૉન્ચ થઈ. આજે એ ‘દાકતર બાબુ’ના પાર્થિવ શરીરનો પણ અતોપત્તો નથી. તમને પણ લાગે છે ને કે, દરેક ફિલ્મની એક કુંડળી હોય છે!
*લગભગ એકાદ વર્ષ પહેલા "સંદેશ"માં લખેલા ૧૦૦૦ શબ્દના લેખમાં વધુ ૧૦૦૦ શબ્દો ઉમેરીને તૈયાર કરેલો લેખ અહીં મુક્યો છે
Kinner આચાર્ય,
ReplyDeleteખુબજ સરસ લેખ પ્રારબ્ધ અને નસીબ નું સુંદર સંકલન કરેલ છે. ખુબ ખુબ અભિનંદન
ભરત દુદકિયા.
દરેક ફિલ્મની એક કુંડળી હોય છે ! ફરી એ જ વાક્ય યાદ આવવાનું કારણ ‘લવ એન્ડ ગોડ’ની થયેલી દશા અને તેની માફક જ અવગતે ગયેલી અગણિત ફિલ્મો. રામ મહેશ્વરીએ ધર્મેન્દ્ર-મીનાકુમારી-રાજકુમારને લઈ ‘કાજલ’ બનાવી. વાર્તા હતી, ગુલશન નંદાની. ફિલ્મ ચાલી. ફરી એમણે ગુલશન નંદાની વાર્તા પરથી એક ફિલ્મ શરૂ કરી ‘ચિનગારી’. સ્ટારકાસ્ટ પણ મોટી. વળી સર્જકે તેની આગલી જ ફિલ્મમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. પરંતુ ‘ચિનગારી’ એવી બુઝાઈ ગઈ કે એ ક્યારેય રિલીઝ ન થઈ...best one NARESH DODIA
ReplyDeleteસાચી વાત છે.
ReplyDeleteક્યારેક મિડીયોકર લોકો પ્રચંડ પ્રસિદ્ધિ અને ઐશ્વર્ય (અને ઐશ્વર્યા પણ) પામતાં હોય છે.
પુરુષાર્થ કે પ્રારબ્ધ ???
લેખ વાંચેલો હોવા છતાં - આરક્ષણ ના મુદ્દે ફરી જમાવટ કરી ગયો.
ReplyDeletemind blowing
ReplyDeleteઈ હાવ હાચું કીધું તમે..તિયારે ને અત્યારે ય બાપલા..
ReplyDeleteસરસ લેખ, વાંચવાની મજા આવી ગઇ...
ReplyDeleteએક ખાનગી વાત....
ક્લાસ-૧,ર કે ડી.વાય.એસ.ઓ.ની મેઇન પરીક્ષાઓમાં ગુજરાતીના પેપરમાં જે નિબંધ લખવાનો થતો હોય છે તેમાં આવા લેખોનું વાંચન ખુબ જ ઉપયોગી છે... અમને થયું હતું...
દા.તા. પ્રારબ્ધ કે પુરુષાર્થ, ...
- ઝાકળ