Saturday, July 30, 2011

બૌદ્ધિક આતંકનો ત્રાસ અને ભારતની દયાપાત્ર લાચારી: વાણીસ્વાતંત્ર્યના નામે વાણીવિલાસ અને વાણીવ્યભિચાર!


એકસો શ્વાન મરે છે ત્યારે એક સુવ્વર જન્મે છે. એકસો સુવ્વર મરે ત્યારે એક લોંકડી જન્મ લે છે અને એક હજાર લોંકડી મરે ત્યારે એક લુચ્ચો સ્યુડો સેક્યુલરિસ્ટ અવતાર ધારણ કરે છે... ભારતના કહેવાતા બૌદ્ધિક સેયુલારિયાઓ પાકિસ્તાન પ્રાયોજિત સંસ્થાના સમારંભોમાં ભારત વિરોધી ભાષણો ભરડતા રહ્યા. હવે તેઓ કહે છે કે, "લે! અમને તો ખ્યાલ જ નહોતો કે આમાં આઈ. એસ. આઈ. પણ ઇન્વોલ્વ છે!" પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે... 


એક કુઆની પાળ પર ત્રણ જુવાનીયા બેઠા છે. એક મુસ્લિમ કટ્ટરવાદી છે, બીજો હિન્દુ કટ્ટરવાદી છે અને ત્રીજો એક કહેવાતો સેક્યુલારિસ્ટ છે. ત્રણેય તમને એમ કહે કે, "અમારામાંથી કોઈ બે સૌથી નીચ, અધમ અને હલકટને કુઆમાં ધક્કો મારી દો!" આવા સંજોગોમાં તમે કોને ધક્કો મારશો? વેલ, સેક્યુલારિસ્ટને ધક્કો મારવો જોઈએ. . બાકી બેઉના કાંઠલા પકડી તેને નીચે ઉતારી અને કહેવાનું કે, 'સોબત હમેશા સારી રાખવી. પેલો જે કુઆમાં ગયો એના પાપે જ તમે માથે ભગવા-લીલા કફન બાંધ્યા છે!" આ ટુચકાને વાસ્તવિક ઠેરવતી, સેક્યુંલરીયાઓની એક યાદી પર જરા દ્રષ્ટિપાત કરીએ: જસ્ટીસ રાજિન્દર સચર - જેમણે દેશના મુસ્લિમોની પરિસ્થિતિ પર એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના મામલે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિમાં સ્થાન ભોગવતા દિલીપ પડગાંવકર. વડાપ્રધાનશ્રીના મિડિયા સલાહકાર, હરીશ ખરે. કટાર લેખક કુલદીપ નય્યર, 'વીમેન વેજિંગ પીસ'ના રિટા મનચંદા. 'કાશ્મીર ટાઈમ્સ'ના તંત્રી વેદ ભસીન. હેડલાઈન્સ  ટુડેના તંત્રી હરિન્દર બાવેજા. માનવાધિકાર એક્ટિવિસ્ટ તરીકે જાણીતા ગૌતમ નવલખા અને કમલ ચિનોય. જાણીતા કોલમિસ્ટ પ્રફુલ બિદવાઈ. લાગે છે કે જાણે આપણે પદ્મ એવોર્ડના વિજેતાઓની યાદી નિહાળી રહ્યાં છીએ. આ બધા એ લોકો છે જે સતત બોલ્યા કરતા હોય છે, લખ્યા કરતા હોય છે. એમની પાસે નરેન્દ્ર મોદીથી લઇ કાશ્મીર અને ભ્રષ્ટાચાર જેવા અનેક વિષયો પર અભિપ્રાયોના ભંડાર હોય છે. ઓપિનિયનની બાબતે તેઓ અક્ષયપાત્ર જેવા હોય છે. તમે એક અભિપ્રાય એમની પાસેથી મેળવો ત્યાં જ બીજા બે-ત્રણ એમને નવા ઉગી નીકળ્યા હોય. આ બધા નામો એ વિભૂતિઓના છે જેમણે ગુલામનબી ફાઈનું આમંત્રણ સ્વીકાર્યું હતું. ફાઈની અત્યારે એફ.બી.આઈ. દ્વારા ધરપકડ થઇ ચુકી છે અને એવા સજ્જડ પુરાવાઓ મળ્યા છે જેના થાકી સાબિત થાય છે કે, 'કાશ્મીરી અમેરિકન કાઉન્સિલ' નામનું ફાઈનું આ સંગઠ્ઠન પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ.ના ભંડોળથી ચાલતું હતું. તેનું મુખ્ય કાર્ય આંતર રાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દે ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી  માહોલ સર્જવાનું હતું. વધુ એક એજન્ડા હતો: કાશ્મીર ખીણમાં શાંતિ ના સ્થપાય તે માટે હુર્રિયતના નેતાઓને નિયમિત ફંડ પહોંચાડવાનો.. આપના આ બધા મહાનુભાવો ફાઈએ યોજેલી કોન્ફરન્સોમાં માનવાધિકાર અને લોકશાહીના રૂપાળા નામો હેઠળ ઓલમોસ્ટ ભારત વિરોધી બકવાસ કરી આવ્યા છે. એમને કોઈ પૂછનાર નથી, રોકનાર કે ટોકનાર તો ક્યાંથી હોઈ શકે? વડાપ્રધાનના મિડિયા સલાહકાર ખુદ જ્યાં મુંડન કરાવી આવ્યા હોય તો બાકીના તો એમની પાસે મગતરા કહેવાય. 
બૌદ્ધિક આતંકવાદ ભારતની બહુ ગંભીર સમસ્યા છે. આતંકવાદ જેટલી જ સિરિયસ. કદાચ તેનાથી પણ વધુ. વાણી સ્વાતંત્ર્ય તો બંધારણે આપ્યું જ છે પરંતુ વાણીવિલાસ અને વાણીવ્યભિચારની મંજુરી બૌદ્ધિકોએ જાતે જ મેળવી લીધી છે. રિંગના લઉં બે-ચારની... માફક. આ દેશમાં સ્થિતિ એવી થઇ છે કે જો તમે બધી કોમના સમાન હક્કની વાત કરો તો તમે કોમવાદી છો, જો તમે હિન્દુઓના અધિકારો વિશે ઉલ્લેખ કરો તો તમે ફેનેટિક અને સંઘવાદી છો પરંતુ જો તમે મુસ્લીમોના હક્કની અને એમની વ્યથાઓની અને એમના સંઘર્ષોની, એમની આર્થિક-સામાજિક પરિસ્થિતિની કથા માંડો તો તમે સેક્યુલર છો. જો તમે કહો કે, ગોધરા કાંડ એક સ્પોન્તેનસ કૃત્ય હતું, પૂર્વનિયોજિત નહોતું, તો તમે સેક્યુલર અને મહાન છો, તમે કહો કે, મોદી એક દાનવ છે તો જ તમે ખરા અર્થમાં માનવ છો. જ્યાસ્રે તમે કહો છો કે, એ પણ એક માનવ છે! ત્યારે પછી તમે દાનવ છો. જો તમે કાશ્મીરના પંડિતોની વ્યથા રજુ કરો તો તમે ભાન ભૂલેલા કટ્ટર હિન્દુ છો પરંતુ તમે ભારત વિરોધી સ્ટેન્ડ લઇ કાશ્મીરની અવામના અવાજની અને એમના આત્માની અને એવી બધી મહાન વાતો કરશો તો તમે સેલિબ્રિટી છો. તો તમને મફતમાં વિદેશ જવા મળશે, ફાઈ સાહેબ જેવા લોકો સેવન સ્ટાર હોટેલમાં તમને ઉતારો આપશે, આજીવન યાદ રહે એવી આગતા-સ્વાગતા કરશે.
  
એના કાર્યક્રમોમાં કાશ્મીરના અંતરાત્માના અવાજના નામે ભારત વિરોધી ભાષાનો થતા અને તાળીઓનો ગડગડાટ થતો. યાદ રહે કે, એ ભાષણો ભરડવામાં આપણાં કહેવાતા બૌદ્ધિકો મોખરે હતા. વટલાયેલા મુલ્લાજી બે-ચાર ડુંગળી વધુ દાબે એ ન્યાયે કહેવાતા સેક્યુલર શૈતાનો વાણીના સ્વાતંત્ર્ય ના નામે રીતસર વિચારોનો વ્યભિચાર કરતા. આ છે દેશના કહેવાતા સેક્યુલર બૌધ્ધિકોનિ વાસ્તવિકતા. આપણાં બૌદ્ધિકો આવા બધા જલસા કરી જ આવ્યા છે. દેશહિતના ભોગે. હવે તેઓ કહે છે કે, 'અમે ફાઈના ઈરાદાઓ અંગે અજાણ હતા, એના પાકિસ્તાન કનેક્શન વિશે પણ અમને જાણ નહોતી'  ઓબ્જેક્શન મી લોર્ડ! ભારતની જાસુસી સંસ્થા "રિસર્ચ એન્ડ એનાલીસિસ વિન્ગ" (રો) પાસે દોઢ દાયકા અગાઉ જ ફાઈના કુકર્મોની જાણકારી પહોચી હતી, છેલ્લા ચૌદ વર્ષોથી 'રો'ની તેના પર નજર હતી. એ અલગ વાત છે કે, રો ફક્ત જાણકારી મેળવે છે, કદી એકશનમાં માનતી નથી. ખૈર, ફાઈ અગાઉ તો વોશીન્ગ્તનના એક અંતરિયાળ વિસ્તારમાં રહેતો હતો અને પોતાની પ્રવૃત્તિઓ ચલાવ્યા કરતો હતો. આઈ.એસ.આઈ. તરફથી વધારાનું ફંડ મળવું શરુ થયું એટલે તેણે પોતાનો પંજો ફેલાવ્યો. 'કાશ્મીરના અસલી અવાજ'ના અંચળા હેઠળ એ પાકિસ્તાનના એજન્ડાને પ્રમોટ કરવા લાગ્યો, સંયુક્ત રાષ્ટ્રના સેમિનાર યોજાતા હોય તો ત્યાં જઈ કાશ્મીર મુદ્દે દેખાવોનું આયોજન કરવા લાગ્યો. કાશ્મીરમાં ભારતીય ફોજ અને ભારતીય કેન્દ્ર સરકારની દખલગીરી અંગે એ ભયાનક હદ્દે કુપ્રચાર કરતો. હજુ હમણાં સુધી એની આ બધી પ્રવૃત્તિ ચાલુ હતી. વોશીન્ગ્ટનમાં આવેલી પાકિસ્તાની એમ્બેસીમાં એ દર શનિવારે (શનિવારે ત્યાં 'ફાઈવ ડે વીક'ના કારણે રજા હોય છે) બિલ્લીપગે પહોંચી જતો. પોતાના આકાઓ પાસેથી આદેશો મેળવતો અને પોતાનું નેટવર્ક ફેલાવતો. આઈ.એસ.આઈ.ના સાહેબો જોડે એ ઈ-મેઈલ દ્વારા સતત સંપર્કમાં હતો. 

પિસ્તાલીસ પાનાંની એફિડેવિટમાં એફ.બી.આઈ.એ કેટલાક ચોંકાવનારા તથ્યો મુક્યા છે. ફાઈને દર વર્ષે પાકિસ્તાન તરફથી કરોડો રૂપિયા મળતા હતા. આ ભંડોળમાંથી એ બૌદ્ધિક ગધેડાઓને બોલાવીને તેમની પાસે ભાષણ ભરડાવતો. એફ.બી.આઈ. પાસે ફાઈના એ ચાર હજાર ઈ-મેઈલનો ડેટા છે જેમાં તેણે આઈ.એસ.આઈ.ના અધિકારીઓ સાથે વાતચીત કરી છે, ફોન કોલનું રેકોર્ડિંગ છે. એફ.બી.આઈ. બહુ દ્રઢપણે માને છે કે, તેની સંસ્થા, 'કાશ્મીરી અમેરિકન કાઉન્સિલ' પણ વાસ્તવમાં આઈ.એસ.આઈ.એ જ ઉભી કરેલી છે.
પોતાનું ગ્રેજ્યુએશન ફાઈએ અલિગઢ મુસ્લિમ યુનિવર્સીટીથી કર્યું. એ પછી મક્કા અને સાઉદી અરબની સ્કોલરશિપ મળ્યા પછી ફાઈએ ત્યાં જઈ પણ અભ્યાસ કર્યો હતો અને કટ્ટરવાદના પાઠ શીખ્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનો મોહમ્મદ યુસુફ શાહ તેનો બાળપણનો મિત્ર છે. ફાઈને અમેરિકાની તપાસ સંસ્થાઓ પાકિસ્તાનનો જાસુસ જ માને છે. એફ.બી.આઈ. પાસે આવું માનવના કારણો પણ છે, તેમને કેટલાક એવા સાક્ષીઓ પણ મળ્યા છે જે ફાઈની ગતિવિધિઓ અને તેના પાકિસ્તાન કનેક્શનની ચોક્કસ માહિતી ધરાવે છે. તેમના કહેવા મુજબ એ પાકિસ્તાન ને પૂછ્યા વગર પાણી પણ પીતો નહોતો. તેની ઇવેન્ટમાંથી લગભગ એંસી ટકાનું આયોજન ખુદ આઈ.એસ.આઈ. કરતી અને બાકીની વીસેક ટકા ઇવેન્ટ એના ખુદના ભેજાની નીપજ રહેતી. જેના માટે પણ આઈ.એસ.આઈ.ની પૂર્વમંજુરી અનિવાર્ય રહેતી. ટૂંકમાં કહીએ તો એ આઈ.એસ.આઈ.નું  માઉથપીસ હતો. 
ફાઈની પ્રવૃત્તિ પાકિસ્તાન માટે એટલી ફળદાયી હતી કે, ભારત એ તેનો મુકાબલો  કરવા કાશ્મીરી મૂળના એક નિવૃત્ત  આઈ.એ.એસ. અધિકારી નામે વજાહત હબીબુલ્લાહને અમેરિકા મુકવા પડ્યા. તેમને 'મિનિસ્ટર - કોમ્યુનિટી અફેર્સ'નો દરજ્જો આપવામાં આવ્યો. સવાલ એ પણ થાય કે, ફાઈએ કદી અર્નાબ ગોસ્વામી, એમ.જે. અકબર, અરુણ શૌરી કે પ્રભુ ચાવલા જેવા પત્રકારોને શા માટે વક્તવ્ય માટે ના બોલાવ્યા? કારણ સ્પષ્ટ છે: આ બધા લોકોના દ્રષ્ટિકોણ તેમનાથી હજમ થાય એમ નહોતું. તેમને 'યુઝફૂલ ઇડીયટ્સ'ની આવશ્યકતા હતી. એમને ભારતના ગદ્દારો ખપતા હતા. અને આવા મુર્ખ લોકોને ગદ્દાર ના કહીએ તો બીજું શું કહીએ! 
બૌદ્ધિકતાના નામે આપણે ત્યાં ઘણા લોકો પોતાનો કારોબાર ચલાવવા નીકળ્યા છે. એક  ફેશન થઇ પડી છે, દેશ વિરુદ્ધ અને હિન્દુઓ વિરુદ્ધ બોલવાની. કહેવાતા બુદ્ધિજીવીઓની આ ગુસ્તાખીઓ દેશને કેટલી હદ્દે નુકસાનકારક છે એ આપણે ગોધરાકાંડ થી લઇ છેક ફાઈ સુધીના મામલે અનુભવ્યું છે. આવી જ માનસિકતા ધરાવતા નાના-નાના ફૂદકા જેવા લોકો આપણ ને સોશિયલ નેટવર્કિંગની સાઈટ પર પણ જોવા મળતા હોય છે. ભલે એમની હેસિયત બહુ મોટી ના હોય પણ વાતાવરણ માં વૈચારિક પ્રદુષણ ફેલાવવા તેઓ યથાશક્તિ પ્રદાન કરતા રહે છે. ઓઝોનના પડમાં સાવ એમ જ ગાબડું નથી પડી ગયું. દિગ્વિજયની બોન્સાઈ આવૃત્તિ જેવા આ લોકોનો આતંક પણ ઓછો નથી. દરેક અસામાજિક તત્વને પોતાની પાપી પ્રવૃત્તિ કાજે સમાજની જરૂર પડે છે એમ આવા લોકોને પણ વિચારોનો કાર્બન મોનોક્સાઈડ ફેલાવવા માટે ઓડીયન્સની જરૂરીયાત હોય છે. એટલે જ તેઓ ટેકનોલોજીના માધ્યમથી લોકોની વચ્ચે ઘુસી જાય છે. એમની હિલચાલ પણ આતંકવાદીઓ જેવી જ હોય છે. એ લોકો વચ્ચે પહોંચી ને લોકોની કબર ખોદે છે. 
વૈચારિક ઉગ્રવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. અહી કોઈપણ અલેલટપ્પું આવા સંવેદનશીલ મામલે પણ મનફાવે તેવા નિવેદનો કરી શકે છે. બધું ચાલે છે. આ એક મહાન ડેમોક્રસી છે. દિગ્વિજય સિંહથી લઇ કુલદીપ નય્યરો સુધીના તમામ લોકો એક મહાન લોકશાહીના મહાન સંતાનો છે. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તે પછી તેઓ એ અંગે મહાન વિચારક ઓશોનો અભિપ્રાય મેળવવા ગયા. ઓશોએ તેમને સંપૂર્ણ નૈતિક સમર્થન આપતા કહ્યું કે, 'હજુ કમસે કમ દસ વર્ષ ઈમરજન્સી ચાલુ રાખજો, આ દેશના લોકો લોકશાહીને લાયક નથી' ઓશો જમાનાથી આગળ હતા. આજે પણ દેશને પ્રતિબદ્ધ, કડક શાસકના લોખંડી પંજા તળે સખ્ત કટોકટીની અનિવાર્ય આવશ્યકતા છે. દેશના લોકોના હાથ-પગ ટૂંકા થઇ જાય અને જીભડી દોઢ ફૂટ લાંબી થઇ જાય તો સમજવું કે એ લોકશાહીને લાયક નથી.  
 * તારીખ ૨૮ જુલાઈના દિવસે "અકિલા"માં પ્રકાશિત થયેલો આ લેખ થોડા ફેરફાર સાથે અહીં મુક્યો છે. 

Thursday, July 28, 2011

બનારસ, બિસ્મિલ્લાહ અને એ ડુસકાઓ...
( એક પરિક્ષા આપવા મારી ભાણેજને બનારસ જવું પડે એમ હતું. 
રોકાણ બારેક દિવસનું હતું એટલે બહેન , મીનાક્ષી ચંદારાણા પણ દિકરીની સાથે જ ગઈ હતી. 
બનારસને એ લોકોએ મન ભરીને માણ્યું. 
ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન પ્રત્યેના આદરને લીધે એમના ઘેર પણ પહોંચી ગઈ. 
ત્યાં તેણે શું જોયું? અનુભવ કેવો રહ્યો? 
આ લેખમાં તેણે અત્યંત હૃદયસ્પર્શી ભાષામાં એ યાદગાર અનુભવ લખ્યો છે.
 લેખ વાંચીને મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા હતા. વાંચો... કદાચ તમે પણ હચમચી જશો.... -કિન્નર આચાર્ય )
રાતે આરતી કરનાર પૂજારીને પૂછતાં એણે કહ્યું,‘બેનિયા બાગમાં મસ્‍જિદ છે, ત્‍યાં કોઈને પૂછો...'
વિચાર્યું કે સવારે આઠેક વાગે નીકળી જવું. પણ રાત્રે ઊંઘ ન આવી અને સવારે ધીરજ ન રહી. હોટલની સામેની ફૂટપાથ ઉપર સવારે સાડાચારે ચાના ઠેલાવાળો આવી જાય. કપ-રકાબીનો ખખડાટ, સ્‍ટવનો ધમધમાટ, ઘરાક સાથેના સંવાદો... બધા જ અવાજો રોજ વહેલી સવારે શરૂ થઈ જતા હશે. પણ રોજ એ ક્‍યાં સંભળાયા હતા! અને આજે તો એ બધા અવાજમાંથી એક જ આદેશ સંભળાય, ઊઠ... ઊઠ... ઊઠ...
આઠ વાગ્‍યાને બદલે સવારે પોણા છએ તો હોટલમાંથી બહાર આવી ગઈ. પગરિક્ષા તરત જ મળી ગઈ.બેનિયા બાગ મસ્‍જિદ'. હજુ સવાર પડી ન હતી, એટલે કે હજુ અંધારું હતું. છતાં એ વાત પણ ખરી કે બનારસ માટે સવારના પોણા છ વાગ્‍યાનો સુમાર કંઈ વહેલો ન કહેવાય. ચહલપહલ તો ક્‍યારનીયે શરૂ થઈ ગઈ હોય. કોઈ કાશીવિશ્વનાથના મંદિરે દર્શન કરવા જતું હોય, તો કોઈ ગંગા કિનારે સૂર્યોદયના દર્શન કરવા જતું હોય. છતાં મનમાં એક અજાણ્‍યો ડર હતો. હું એકલી, મારા માટે શહેર અજાણ્‍યું, અજાણ્‍યા લોકો, રસ્‍તા પણ તદ્દન અજાણ્‍યા! અને મુસ્‍લિમ એરિયા.
પગરિક્ષા થોડું ચાલી... ગોદોલિયા ગયું... અને બેનિયા બાગ શરુ થયું. મુસ્‍લિમ નામોવાળી દુકાનોના પાટિયાં આવવા લાગ્‍યાં. મોટાભાગની દુકાનો હજુ બંધ હતી અને આ રસ્‍તો તો લગભગ સૂનો કહી શકાય એવો હતો. દુકાનો બંધ હોય, અંધારું હોય અને સૂનકાર, સાથે ઠંડી અને લાંબા રસ્‍તાઓ... એ સમયે કોઈ પણ શહેર એક ડરનો અહેસાસ કરાવતું હોય છે!
સામેની બાજુ એક મસ્‍જિદ દેખાઈ. પગરિક્ષાવાળાએ રસ્‍તો ક્રોસ કરી મસ્‍જિદ પાસે પગરિક્ષા લીધી. મસ્‍જિદમાંથી બે ભાઈઓ નીકળ્‍યા, તેમને પૂછ્‍યું,‘ઉસ્‍તાદ બિસ્‍મીલ્લાખાનજી કી મઝાર...?' વાક્‍ય અધૂરું હતું અને તેમના ચહેરા પર
અહોભાવ ફ્‍રી વળ્‍યો. તેમણે પગરિક્ષાવાળાનેઇધર સે દાંયે, ઊધર સે બાંયે' કરતાં-કરતાં બરાબર જગ્‍યા બતાવી હશે એવું લાગ્‍યું. હવે આ રિક્ષાવાળો જ મારો આધાર હતો, પણ મંઝિલ હવે એક કદમ નજીક હોય એવું લાગી રહ્યું હતું. ડર અને રોમાંચ બેઉ સાથે ચાલતા હતા.
પગરિક્ષા મેઇનરોડને છોડીને એક ગલીમાં વળી. અને ગલી પછી તો ગલી પછી તો ગલી... કેટલાક રસ્‍તા તો એટલા સાંકડા કે પગરિક્ષા ચાલતી હોય તો સામેથી સ્‍કૂટર પણ ન આવી શકે! ક્‍યાંક જરા પહોળા રસ્‍તા હોય તો ત્‍યાં એકાદ લારી ઊભી હોય અને લારીમાં એકસાથે પાંચ-પાંચની હારમાં પચીસેક બકરીઓને બાંધેલી હોય. કોઈ ઘરને જો ઓટલો હોય, તો ત્‍યાં પણ ત્‍યાં પણ ખીલે બકરી બાંધેલી હોય! કોઈ નાના ઓટલા પર પાન-પડીકીવાળા અને ચોક પડે ત્‍યાં મરઘા-બટકાંનાં પીજરાં... બિસ્‍મીલ્લાખાનના વિચારો એક તરફ્‍ રહ્યા અને વિચારવા લાગી કે આ બકરીઓ કોણ જાણે ક્‍યારની આ દશામાં બાંધેલી બેઠી હશે, બીચારી બેં-બેં કરવાનું પણ ભૂલી ગઈ હશે...! અમસ્‍તું કહ્યું હશે, કેબકરે કી અમ્‍મા કબ તક ખૈર મનાયેગી...?'
બધું વળોટતાં-વળોટતાં એક મોટા ડેલા સામે રિક્ષા ઊભી રહી. ઉપર કશું લખેલું ન હતું. અંદર જતાં સહજ સંકોચ થતો હતો, ત્‍યાં બીજા એક મદદગાર મળી ગયા. ફ્‍રીથી પૂછ્‍યું, ઉસ્‍તાદ બિસ્‍મીલ્લાખાનજી કી મઝાર...'
આઇયે, યહીં હૈ.' તેમણે દરવાજો ખોલી આપ્‍યો. અંદર સાથે આવ્‍યા. પહેલી નજરે મઝાર જેવું કશું દેખાયું નહીં. જમીનથી માંડ એકાદ ઇંચ ઊંચે ત્રણ બાય છની જગ્‍યા પર જરા ગારમાટી થયા હોય એવું લાગ્‍યું. દીવાલના ટેકે ઉસ્‍તાદજીની મોટી તસવીર હતી. મેં પ્રણામ કર્યા. પેલા મુસ્‍લિમ બિરાદરને પૂછ્‍યું,‘મુસ્‍લિમોમાં પ્રણામ કેવી રીતે કરે છે. મારે એ રીતે પગે લાગવું છે'. એમણે હસીને કહ્યું,‘આપ ઇધર કી તો નહીં લગતી... ઇતને દૂર સે આઈ હૈ, તો આપ કી પ્રાર્થના, પ્રણામ સબ કુછ કબૂલ હો હી ગયા હોગા...!'
બસ, પ્રણામ કરીને બહાર નીકળી. અંદર કંઈક છલકાતું હતું. એટલે તો ફોટો પાડવાનું પણ યાદ ન આવ્‍યું. પગરિક્ષામાં બેસતાં-બેસતાં પાછા વળીને ફ્‍રી ત્‍યાં જઈને ફોટો લીધો. પેલા ભાઈને જ પૂછ્‍યું, બિસ્‍મીલ્લાખાનજીના સંતાનો... જવાબ મળ્‍યોબેનિયા બાગ'.
ફ્‍રી બેનિયા બાગ. પછી ફ્‍રી ત્‍યાંથી ગલી, ગલી, ગલી... સરાઈ હરા પહોંચી. પંદર-સત્તર વર્ષના ચાર-પાંચ છોકરાઓ ત્‍યાં ઊભા હતા. તેમને પૂછ્‍યું,‘ખાનસાહેબ બિસ્‍મીલ્લાહખાન...' છોકરાઓ બાઅદબ છેક ઘર સુધી મૂકી ગયા.
સવારના સાડાસાત થયા હતા. અજાણ્‍યાને ઘેર અત્‍યારમાં પહોંચી ગયાનો સંકોચ હતો. ત્‍યાં તો ખુલ્લા બારણામાં સામે એક બુઝર્ગ દેખાયા. છોકરાઓએ એમને કહ્યું,‘ઉસ્‍તાદજી કા નામ લે રહે થે...'
આઈયે... આઈયે...' ઊંચો ઓટલો ચડીને હું ઘરમાં પ્રવેશી. ઓટલો ચડતાં તરત જ નાનકડો બેઠકરૂમ હતો. દરવાજાની ડાબી બાજુએ એક જૂનો સોફ, જમણી બાજુએ ડબલબેડ. બંને પર કોઈ સૂતું હતું. દરવાજાની બરાબર સામે બે ખુરસી અને સામેની બાજુએથી ઘરમાં આગળ
જવા માટે બીજો દરવાજો.
મારા આટલા વહેલા આવવાને કારણે સૂતેલાને ઉઠાડવા પડયા. નમસ્‍કાર કરીને હું સામેની બે ખુરશીમાંથી એકમાં ગોઠવાઈ.
ફ્‍રમાઈયે...'
મેં કહ્યું,‘જીસ પાક ભૂમી પર ઉસ્‍તાદજીને જીવનભર શેહનાઈ કી સાધના કી, ઉસ ભૂમી કા દર્શન કરને આઈ હું.'
વહ તો દશાશ્વમેધ ઘાટ પર બજાતે થે... કાશીવિશ્વનાથ મંદિર હો આઈ આપ?'
જી, અભી નહીં. પહેલે ખાનસાબ કી મઝાર કા દર્શન કરના થા, સો કર લિયા આજ સુબહ-સુબહ. ઔર સાથ હી મેં આપ સબ, ઉન કે પરીવાર સે ભી મિલને કી ઉમ્‍મિદ થી, તો ચલી આઈ હું. અબ જાઉંગી મંદિર ભી...'
એમની આંખમાં એક ચમક અને એક ગ્‍લાનિ એકસાથે ઊભરી આવ્‍યા હોય એવું લાગ્‍યું. એમણે ઉપર જોયું. એમની સાથે મેં પણ ઉપર નજર કરી. ઓરડાની એકેએક દીવાલ ખાનસાહેબની તસવીરોથી મઢેલી હતી.
સબ ઉન કા કરમ હૈ, કી કોઈ હમેં યાદ કર કે ઇતની દૂર મીલને આતા હૈ.'એક તસ્‍વીરમાં ખાનસાબ સામે એકીટસે જોતાં એમણે કહ્યું.
આપ ઉન કે...'
મૈં બડા બેટા ઉન કા. મેહતાબહુસેન...'
ખાનસાહબ કે બાદ ઉન કી શહનાઈ કા વારીસ...'
બજાતા હું ના મૈં... શહનાઈ... લેકિન ઉન કી શહનાઈ કે અસલી વારીસ તો થે નૈયરહુસેન. હમારે છોટે ભાઈ થે. ગુઝર ગયે અભી એક-દો સાલ પહલે... ઉન સે છોટે હૈ નાઝીમહુસેન. તબલાનવાઝ હૈ. બહુત ખૂબસૂરત બજાતે હૈ... જામિલહુસેન ઔર કાલિમહુસેન... હમ પાંચ ભાઈ...'
મેહતાબહુસેન પાણી લઈને આવેલા નિસ્‍સારહુસેનનો પરિચય કરાવે છે.નિસ્‍સારહુસેન હમારે નૈયરહુસેન કે બેટે હૈ. એ પણ શરણાઈ વગાડે છે...
આટલે દૂરથી આવેલ એકલી સ્ત્રી સવારથી આવીને આટલી વાર સુધી વાત કરતી રહે અને તે છતાં ઘરની એક પણ સ્ત્રી કે યુવતી કે નાની છોકરી પણ બહાર આવીને પાણી ન આપે, એ મારા માટે અચરજનો વિષય હતો,‘ખાનસાહેબના કુટુંબમાં કોઈ સ્ત્રીને સંગીતનો શોખ કે તાલીમ...'
નહીં.' રુઢિચુસ્‍ત મુસ્‍લિમ કુટુંબના વડા મેહતાબહુસેન આ બાબતમાં બહુ જ સ્‍પષ્ટ હતા.હમ હમારી ઔરતોં કો સંગીત કી તાલીમ નહીં દેતે હૈ. હમારી તીન બહેનેં હૈં. તીનો કી આવાઝ મધુર હૈ. લેકિન હમારેં ઘરોં કે હી શાદી-બ્‍યાહ કે અલાવા...'
આટલી
રુઢિચુસ્‍ત માન્‍યતા...' હું બેધડક પૂછી લઉં છું.‘...અને ઇસ્‍લામ તો સંગીતની મનાઈ ફ્‍રમાવે છે ત્‍યારે ખાનસાહેબનું ગંગાઆરતીના સમયે મંદિરના પરિસરમાં શરણાઈ વગાડવું...'
કિતને મુસલમાનોને ગાયા-બજાયા, ઔર ઉસ્‍તાદ હો ગયે. અબ્‍બા કે મામા ઉસ્‍તાદ અલિબક્ષસાહબ ગ્‍વાલિયર કે બાલાજી મંદિરમેં નોબત બજાતે થે. અબ્‍બા કે નાના ભી વહીં પર ગ્‍વાલિયર સ્‍ટેટ કી ઔર સે નોબત બજાતે થે. અબ્‍બા કે દાદા સાલારહુસેનખાન, હુસેનબક્ષખાન, રસુલબક્ષખાન, ઔર ઉન કે અબ્‍બા પયગંબરબક્ષખાન... સબ શહનાઈ બજાતે થે. ઇસ્‍લામ રોજી કે લિયે સંગીત કી છૂટ દેતા હૈ. ખાનસાહબ કે લિયે શહનાઈ ઉન કી રોજી થી. હમ ભી રોજી કે લિયે બજાતે હૈ. આપ ભી કભી શાદી-બ્‍યાહ કે મૌકે પર બુલા લો, હમ બજાને
કે લિયે આ જાયેંગે...'
મારા માટે દિગ્‍મૂઢ થઈને સાંભળવાનો એ સમય હતો. ખાનસાહેબ, ઉસ્‍તાદ બિસ્‍મીલ્લાહખાન... અને શરણાઈ એમની રોજી માત્ર...!?

ખાનસાહેબની શરણાઈ, એમની સંગીતસાધના, એમની લગન અને ગંગાઆરતી ટાણે શરણાઈ વગાડવાનો એમનો વૈભવ... કેટકેટલી દંતકથાઓ સાંભળીને તો આપણે મોટા થયાં છીએ? મેં સાંભળેલું ખોટું ન હોય તો... અમૅરિકામાં બનારસની પ્રતિકૃતિ સર્જીને ત્‍યાં સ્‍થાયી થવાના કહેણને ખાનસાહેબે એમ કહીને નકારી કાઢેલું કે,‘મેરી ગંગા કહાં સે લાઓગે તુમ વહાં...?'
અને અહીં એમનો પુત્ર મને મોઢામોઢ કહી રહ્યો હતો કે શરણાઈ ખાનસાહેબની રોજી હતી!?
સરસ્‍વતીની પૂજા કરતાં-કરતાં કેટલાયે પંડિતો અને ઉસ્‍તાદો અમૅરિકામાં લક્ષ્મીજીના ખોળામાં આળોટી રહ્યા છે ત્‍યારે અહીં રોજી માટે શરણાઈ અને સંગીતને અપનાવનાર ખાનસાહેબ તો આખી જિંદગી સંગીતની સાધના જ કરતા રહ્યા...!
ખાંસાબ તો કહતે થે કી...' મેહતાબહુસેન વાત આગળ ચલાવે છે.લક્ષ્મીજી તો હર તરીકે સે આ સકતી હૈ. સૂર સિર્ફ્‍ સરસ્‍વતી સે મિલતે હૈ... સોને કા પીતાંબર પહન લિયા ઔર કામ કુછ નહીં, તો વહ તો સોને કી બેઇજ્જતી હો ગઈ...'
વાતનો દોર હું પકડી રાખું છું.ઇસ્‍લામે તો... માનો કે રોજી માટે સંગીતની છૂટ આપી હતી. પરંતુ... અહીંના મુસ્‍લિમો ગંગાઆરતી સમયે મંદિરમાં શરણાઈ વગાડવાનો વિરોધ કરતા ન હતા?'
કયા બાત કરતીં હૈ આપ. શહનાઈને તો બનારસ કે હિન્‍દુ ઔર મુસલમાનોં કો કિતના જોડ કે રખ્‍ખા હૈ! સબ ઉન કા નામ બડી ઇજ્જત સે લેતેં હૈં. ભારતરત્‍ન યા કીસી ભી ઇલકાબ-અકરામ કે લિયે ઉન્‍હોંને કભી ભી કીસી કા એહસાન નહીં લિયા થા.'

ઉન કી શહનાઈ કોઈ ખાસ તરહ સે...'
એમની શહેનાઈ એક સામાન્‍ય શરણાઈ જ હતી. એમણે મૂળ શરણાઈમાં કોઈ ફ્‍રફરો પણ કર્યા ન હતા. માત્ર સાધના અને અલ્લાહના કરમ વડે જ શરણાઈને એમણે આ દરજજો અપાવ્‍યો હતો.

ક્‍યારેક હુલ્લડ
થાય હિંદુ-મુસ્‍લિમ વચ્‍ચે, ત્‍યારે...'
દંગે તો હો જાતે થે કભી કભી. ઉસ વક્‍ત હમારે હિંદુ બિરાદર હી કહતે થે કી ખાંસાબ, મત આઈયે આજ મંદિર મેં... લેકિન હમારે અબ્‍બા થે કિ... કહતે... બનારસ મેં હું તબ તક તો આઉંગા ગંગા કે ઘાટ પર બજાને... એ હંમેશા આવતા, અને હિંદુઓ જ એમના રક્ષણની જવાબદારી નીભાવતા...'
મને ફ્‍રી આરતી કરનાર પૂજારી યાદ આવી ગયો. કહેતો હતો, બેનિયા બાગમાં મસ્‍જિદ છે, ત્‍યાં કોઈને પૂછો...'
એમના આખરી દિવસોમાં ડૉકટરે કૅન્‍સરને કારણે શરણાઈ વગાડવાની મનાઈ...'
કોઈ કૅન્‍સર-વેન્‍સર નહીં થા ઉન કો. ગુજર જાને કે તીન-ચાર મહીને પહલે હી તો એક બડા કાર્યક્રમ કિયા થા...'
ખાનસાહેબે થોડી ફ્‍લ્‍મિ માટે વગાડેલું, પછી અળગા રહ્યા. ફ્‍લ્‍મિમાં એમની પસંદ...'
અબ્‍બાને ગીતાબાલીની ફ્‍લ્‍મિ કિનારાનું સંગીત બહુ ગમતું. નૌશાદ અને વસંત દેસાઈ એમના પ્રિય સંગીતકાર હતા... ગુંજ ઊઠી શહનાઈ પછી શરણાઈને બહુ જ લોકપ્રિયતા મળી હતી. વાદ્ય તરીકે શરણાઈની કદર થવા લાગી.'
ખાનસાહેબે પોતાના પુત્રોને સંગીતની પૂરી તાલીમ આપી.હમ કો તો માર-માર કે સિખાયા થા. લેકિન હમારે બચ્‍ચોં કે લિયે ઉન્‍હોંને હમ પર છોડ દિયા થા...'
વિદાય લેતા પહેલાં મેં બે-ચાર શેરો કહ્યા.
હૈ શહનાઈ કા દૂસરા નામ બિસ્‍મિલ્લા,
સુરો કા દિવ્‍યઅંશી જામ બિસ્‍મિલ્લા.
બનારસ ધામ હૈ ગંગા કી ધારા કા,
સૂરો કી જાહ્નવી કા ધામ બિસ્‍મિલ્લા.
મુસલમાં કે ફ્‍કીર દરવેશ થે વો તો,
હરેક હિંદુ કે થે વો રામ બિસ્‍મિલ્લા.
ઓ ભારતરત્‍ન! આલોકિત કિયા જગ કો,
હૈ પાવક સંસ્‍કૃતિ પૈગામ બિસ્‍મિલ્લા.
બીજો શેર સાંભળતાં મેહતાબહુસેનખાનથી એક ડૂસકું મુકાઈ ગયું અને પછીના ડૂસકાંઓ એ ગળી ગયા.
દસ દિવસના બનારસના રોકાણ પછી રેલવે સ્‍ટેશને ગાડીની રાહ જોતાં બેઠાં હતાં, ત્‍યાં નિસ્‍સારહુસેન હાથમાં ફ્‍ળો અને મીઠાઈ લઈને આવી ચડયા.આપ કિતની દૂર સે આઈ થી હમ સે મીલને.
હમ તો ખૈર, યહીં સે આયે હૈ... ખાનસાહબ કા કરમ હૈ સબ. ઉન કી અંતીમયાત્રા મેં પૂરા બનારસ છલકા થા. ભીડ કો કાબૂ કરના મુશ્‍કિલ થા. ભારતરત્‍ન થે વહ, તો રાજદ્વારી તો આને વાલે થે હી. આમ જનતા ઉન સે ઇતના પ્‍યાર કરતી થી, વહ તો ઉન કે જાને કે બાદ હી મહસુસ કિયા!'
હું મારી ચિંતા વ્‍યક્‍ત કરું છું,‘કોઈએ એમની યાદગીરી સાચવવી જોઈએ. એમની મઝાર કેવી અવસ્‍થામાં છે!'
ક્‍યા કરે? સરકારને તો પચાસ લાખ ખર્ચ કરને કા વાયદા કિયા થા મઝાર કે લિયે...'
ફ્‍રી એક વખત ખાનસાહેબની મઝારની હાલત મારી નજર સામે તરવરી રહી...
વડોદરા પહોંચીને નિસ્‍સારહુસેનને પહોંચનો ફોન કરું છું ત્‍યારે ફોન પર તેઓ કહે છે,‘દીદી, કોઈ કાર્યક્રમ હો તો બુલાઈયેગા હમેં. કિસી કી શાદી હો, કિસી કા જન્‍મદિન હો...'

Monday, July 25, 2011

નૌશાદ અને મદનમોહન જેવા ધુરંધર સંગીતકારો રાજકોટના કાન્તિભાઈ સોનછત્રાના ચાહક શા માટે બની ગયા હતા?


વર્ષો પહેલા કાન્તિભાઈ પાસે એક વિદ્યાર્થી ગયો. એને કી-બોર્ડ શીખવું હતું. કાન્તિભાઈના ચરણસ્પર્શ કર્યા. પ્રથમ લેસન લીધું. ઘેર આવીને એક અઠવાડિયું તેનાં પર પ્રેક્ટીસ કરવાની હતી. ક્રિકેટના કેમ્પમાં જતા બાળકોમાંથી અડધાની તો શરૂઆતના ત્રણ-ચાર દિવસમાં જ વિકેટ પડી જાય છે. કારણ કે, શરૂમાં ફક્ત કસરત, ગ્રાઉન્ડને રાઉન્ડ લગાવવાનું, કેચિંગ પ્રેક્ટીસ વગેરે ચાલે છે. આ બધું પાર કરી જાય તેને પછી અસલી રમત શીખવા મળે છે. સંગીતની તાલીમનો શુરુઆતી દૌર ઘણા લોકો માટે કંટાળાજનક હોય છે. રાતોરાત કી-બોર્ડમાંથી આખા ગીતો વગાડતા શીખવું હોય છે, રફી કે સોનુ જેવું ગાતા... અને તાલિમ બહુ ધીમે ચાલે છે. પેલો વિદ્યાર્થી પણ બહુ ઉતાવળો હતો. ધીરજ રાખવી તેને મંજુર નહોતું. પણ એ વિદ્યાર્થી આજે પણ કાન્તિભાઈના વિદ્યાર્થીઓને જુએ ત્યારે તેને મીઠી ઈર્ષા અવશ્ય થાય છે. એ વિદ્યાર્થી એટલે હું પોતે અને કાન્તિભાઈ એટલે કળાગુરુ કાન્તિભાઈ સોનછત્રા.
ગુજરાતમાં જે લોકો સંગીત શીખે છે, સંગીતના વિદ્યાર્થી રહી ચુક્યા છે એવા લોકો કાન્તિભાઈ સોનછત્રાનું નામ ના જાણતા હોય એવું જૂજ કિસ્સામાં જ બને. આમ તો એમને ઘણી વખત મળવાનું બન્યું છે. હજુ હમણાં જ તેઓ "અકિલા" પર આવ્યા હતા અને મારે એમના વિષે થોડું લખવાનું બન્યું. હું સાવ ઝીણો હતો, લગભગ સાત-આઠ વર્ષનો. ત્યારે પણ તેઓ મારા ઘેર મારી બહેન ને ડ્રોઈંગ શીખવવા આવતા. અમારા ઘેર એમના અનેક વિદ્યાર્થીઓની અવરજવર રહેતી. બધા રાત-દિવસ તેમના વખાણ કરતા હોય. હું સાવ નાનો એટલે જે સાંભળીએ એ માની જ લેવાનું હોય. મોટો થયો પછી ઘણી વખત વિચાર આવતો: "જો તેઓ એટલા જ ટેલેન્ટેડ છે તો ફિલ્મોમાં તેમને કામ કેમ ના મળ્યું?" આગળ જતા એનો જવાબ પણ આપમેળે જ મળી ગયો: ફિલ્મો માં સફળ થવા, કામ મેળવવા માટે માત્ર આવડત ના ચાલે. સ્વભાવ, અભિગમ, કિસ્મત અને ધિરજ... ઘણુંબધું જોઈએ. કાન્તિભાઈ પાસે ટેલેન્ટ તો ઠાંસી-ઠાંસીને ભરેલી હતી પરંતુ કદાચ અભિગમ નહિ હોય, સ્વભાવ નડતો હશે. શક્ય છે કે ધિરજ ખૂટી ગઈ હોય અને એ પણ અસંભવ નથી કે ભાગ્યએ એમને સાથ નહિ આપ્યો હોય. જો કે 'બોલિવૂડ્માં પ્રવેશી ના શકયા એટલે એમનું મૂલ્ય કંઇ કમ થઇ જતું નથી. હિન્દી ફિલ્મોમાં સંગીત આપવું એ બેશક એક સિદ્ધિ છે પરંતુ સંગીતના ક્ષેત્રમાં એ એકમાત્ર સિદ્ધિ નથી.
કળાનાં ક્ષેત્રમાં કોઇ કલાકારની સૌથી મોટી સિદ્ધિ કઇ ગણાય? કલાકારને આખા જગતમાંથી કદર મળે પણ કોની તારીફનું મુલ્ય સૌથી વધુ હોય છે, કલાકાર માટે? વેલ, કલાકાર જેને પોતે જબરદસ્ત આદર કરતો હોય એવા મહાન કલાકાર જયારે તેનાં ચાહક બની જાય ત્યારે ! રાજકોટનાં સંગીતકાર કાન્તિભાઈ સોનછત્રા આવા જ એક નસીબદાર મહારથી છે. એમના મનમાં આર.સી. બોરડ, નૌશાદ અને મદનમોહન માટે ભયંકર આદર અને સંજોગો એવા સર્જાયા કે જતે દહાડે આ ત્રણે સમર્થ સંગીતકારો તેમનાં ચાહક બની ગયા! કાન્તીભાઇ સોનછત્રા એક વિશ્વકક્ષાની સંગીત પ્રતિભા છે એટલે જ તેમને સંગીત સાથે સંકળાયેલા લોકો આદરપુર્વક કલાગુરૂ કહે છે.
કળા ક્ષેત્રે રાજકોટ બહુ જાગૃત શહેર નથી અને અમદાવાદમાં જે રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા કલાની કદર થાય છે એવું રાજકોટમાં બનતું નથી. એટલે જ કાન્તિભાઈ સોનછત્રા કેટલાંક કલાપારખુંઓને બાદ કરતા બાકીના શહેરજન માટે સેલિબ્રિટી નથી અને વી.વી.આઇ.પી. પણ નથી. બાકી, સંગીતની દ્રષ્ટિએ તેઓ એક રત્નથી કમ નથી. ખરા અર્થમાં તેઓ સંગીત ક્ષેત્રમાં બનેલો એક અપૂર્વ ચમત્કાર છે. એટલે જ એક જાણીતા સંગીતકારના ગ્રુપ દ્વારા તેમને વિશે કહેવાયું છે કે, ‘તેઓ પિયાનોના મ્યુઝિશિયન નથી પરંતુ પિયાનોના મેજિશિયન છે!’ મુંબઇ ફિલ્મોદ્યોગના ખેરખાં સંગીતકારોના ગ્રુપએ પણ તેમને ‘ફાસ્ટેસ્ટ મેલોડિયસ પિયાનો પ્લેયર
ઓફ એશિયા’નો ખિતાબ આપ્યો છે. પિયાનો પર આંગળી ફેરવવાની ગતિને અને મેલોડીને ઝાઝૂં બનતું નથી. અદનાન સામી જયારે વીજળીની ગતિએ પિયાનો પર આંગળી ફેરવે ત્યારે સુર તો તેમાંથી નીકળે છે પરંતુ હણહણતા સુરની તળે મેલોડીનો કુચ્ચો નીકળી જાય છે.
પિયાનોના ક્ષેત્રમાં આખા ભારતમાં તેમનો ડંકો વાગે છે એવું કહેવું પુરતું નથી. તેઓ કદાચ એકમાત્ર એવા વ્યકિત છે જે પિયાનો પર પણ શુધ્ધતમ શાસ્ત્રીય સંગીત વગાડી શકે છે. દુરદર્શનના ‘સુરભી’ કાર્યક્રમની ટીમને જયારે આ સિદ્ધિની જાણ થઇ ત્યારે તેની નોંધ લેવા ટીમ રાજકોટ પહોંચી. બન્યું એવું કે, રાજકોટમાં પિયાનો માત્ર રાજકુમાર કોલેજમાં જ હતો. એમાં પણ અમુક કી કામ કરતી નહોતી. કોલેજ સંચાલકોની મંજુરી મેળવી માંડ તેમનું પરફોરમન્સ શરૂ કરાવાયું. નકામી કી ધરાવતા બેસૂરા પિયાનો પર પણ તેમણે સૂરિલું શાસ્ત્રીય સંગીત વગાડી દેખાડયું !

કાન્તિભાઇ સોનછત્રા એક અનોખી પ્રતિભા છે. તેમનાં શિષ્ય શૈલેષ પંડયા (સંગીતકાર ‘શૈલેષ-ઉત્પલ’વાળા) કહે છેઃ ‘કોઇ
વ્યકિત કલાસિકલમાં નિપૂણ હોઇ શકે તો અન્ય કોઇ કલાકાર હવેલી સંગીતમાં અથવા જાઝ, પોપ કે ફિલ્મ સંગીતમાં અદ્ભૂત જ્ઞાન ધરાવી શકે. કોઇ વળી લોક સંગીતનું જ્ઞાન ધરાવતા હોય. પરંતુ આ બધાં જ સંગીતનું નખશિખ
જ્ઞાન ધરાવતા હોય એવા કાન્તિભાઇ કદાચ એકમાત્ર વ્યકિત છે ! મેં એમના જેવા સિદ્ધહસ્ત વ્યકિત બીજા કોઇ નિહાળ્યા નથી! ’ કાન્તિભાઇના અન્ય એક શિષ્ય જયમીન સંઘવી (વડોદરા) કહે છેઃ ‘જો કાન્તિભાઇ પાસે કોઇ વિદ્યાર્થી બરાબર તૈયાર થયા હોય તો એ કોઇપણ વાજિંત્રને ફોલો કરી શકે છે. ગુરૂશિષ્ય પરંપરા દ્વારા સંગીત શીખવતા લોકોની સંખ્યા આજે નહિવત છે ત્યારે તેઓ એક વિરલ ઉદાહરણ છે".
આદર્શ ગુરૂનું સૌથી મોટું લક્ષણ એ હોય છે કે એ કદી એક લાઠીથી બધાને હાંકતા નથી. દરેક વિદ્યાર્થીનો ખૂબીઓ-ખામીઓ આગવી હોય છે. એટલે જ કાન્તિભાઇ વ્યકિતગત તાલિમમાં જ માને છે. એમણે આપેલા લેસન એકદમ પ્રેકિટકલ હોય છે. શીખાઉ વિદ્યાર્થી હોય કે નાના બાળકો કે પછી કોઇ જાણકાર કી-બોર્ડ પ્લેયર અથવા તો કોઇ બ્લાઇન્ડ વિદ્યાર્થી હોય...કાન્તિભાઇ પાસે દરેક વિદ્યાર્થી તૈયાર કરવાની અલગ અલગ મેથડ છે. એટલે જ કળાજગતમાં તેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે. કાન્તિભાઇ કહે છે: ‘‘હું કદી કોઇને મારો શિષ્ય કે વિદ્યાર્થી માનતો નથી. હું તેમને જિસાસુ કહુ છું! જેનામાં જેટલી જિજ્ઞાસા હશે એટલી હદે એ આગળ વધી શકશે. કી- બોર્ડ તો એક જંગલ છે, તેમાંથી કેટલું તમે પામી શકો છો એનો આધાર તમારી રખડપટ્ટી પર હોય છે! કી-બોર્ડ વિશે હું ઘણી વખત કહેતો હોઉ છું કે તેમાં દરેક વ્યકિત દરેક સ્ટેજએ એક વિદ્યાર્થી જ છે!’
સંગીતના રસિયાઓ તેમની પાસેથી ‘લેસન’ લેવા અમદાવાદ, વડોદરા કે મુંબઇથી પણ આવતા હોય છે. પણ તેઓ બહુ લો-પ્રોફાઇલ રહે છે. આજ સુધી કયારેય તેમણે જાહેરખબર નથી કરી. તરસ્યા લોકો આપમેળે કૂઓ શોધી લે છે. કલકતામાં ૧૯પ૧ થી ૬૭ સુધીના સોળ વર્ષ દરમિયાન તેઓ રહયાં ત્યારે એમને સંગીતનો વધુને વધુ પરિચય થયો અને લોકોને એમનાં સંગીતનો. એમણે સાત બંગાળી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું, જેમાંથી મોટાભાગની સિલ્વર જયુબીલી હિટ હતી. પંડિત મણિરામજી (પંડીત જસરાજના ગુરૂ) એમના ગુરુ. બડે ગુલામ અલીખાં સાહેબથી લઇ અનેક ધરખમ કલાકારો સાથે કાન્તિભાઇએ સ્ટેજ કાર્યક્રમમાં સંગત કરી. દરેક રાજયનાં લોકગીતો વિષે જ્ઞાન મેળવવા જે - તે રાજયમાં ચાર-છ મહિના ગાળ્યા. પછી એ કાશ્મીર હોય કે ઉત્તર પ્રદેશ. વેસ્ટર્ન મ્યુઝિક પણ ચિક્કાર સાંભળ્યું. એક વખત તેમણે નૌશાદના અમુક કમ્પોઝિશન વિશે બે સાચી વાત લખી તો કોઇએ ગુસ્સે થઇ તેમને પૂછયું: ‘તમે નૌશાદ વિશે આવું કેવી રીતે કહી શકો?’ કાન્તિભાઇએ કહ્યું: ‘એ સવાલ તમે નૌશાદને પૂછો. એ જવાબ આપશે!’
કાન્તિભાઇ સોનછત્રા એવડું નામ ગણાય છે કે, આવો પ્રશ્ન પૂછવાની કદાચ કોઇની પણ હિંમત ન હોય ! એ જમાનાના મોટા ગજાના પાશ્ચાત્ય કલાકાર ટોની મેનેસીસને એક વખત તેમણે કી-બોર્ડ (એ સમયે હાર્મોનિયમ)ની લેફટ હેન્ડ ટેકનિક વિશે પૂછયું તો પેલાએ તેમને જવાબ વાળ્યો કે ‘તમારી રાઇટ હેન્ડ ટેકનિક જેવી શ્રેષ્ઠ મેં દુનિયામાં બીજે કયાંય જોઇ નથી ! ’ તમે જ કશુંક નવતર સંશોધન કરી શકશો. ટોનીનાં શબ્દો સાચા હતા. કી-બોર્ડ પર આજે બેઉ હાથની જેવી ટેકનિક એમણે વીસ-વીસ વર્ષની મહેનત બાદ વિકસાવી છે તેનો જોટો જડવો અસંભવ છે. કલ્યાણજી-આણંદજી જેવાં સંગીતકારોએ કાન્તિભાઇની પ્રેરણા લઇ ચારૂકેશીપર અનેક ગીતો રચ્યા છે.
ફિલ્મોદ્યોગના લોકો તેમને પ્રેમપૂર્વક ‘કી-બોર્ડનું લેથ મશિન’ પણ કહે છે ! પોતાનાં સ્વભાવનાં કારણે તેમણે બોલિવૂડ્ ભણી નજર દોડાવી નહીં, કામ માંગવા ગયા નહીં. ગુજરાતીમાં ‘લાખા લોયણ’ ફિલ્મ કરી જે સંગીતની દ્રષ્ટિએ મોટી હિટ થઇ. સોનુ નિગમથી લઇ પુરૂષોત્તમ ઉપાધ્યાય સુધીનો લોકો તેમના પાસેથી કંઇને કંઇ શીખ્યા છે. કી-બોર્ડના એમની કક્ષાના ગુરૂ કદાચ આખા ભારતમાં નથી. ખરા અર્થમાં તેઓ સરસ્વતીના સૌથી લાડકા સંતાન છે ! અને એમનું એકમાત્ર ધ્યેય છે સંગીતની સેવા કરવાનું. તેઓ કહે છેઃ ‘વિશ્વકક્ષાના વિદ્યાર્થીઓ તૈયાર કરવા એ જ મારૂં ધ્યેય છે અને એ માટે હું નિષ્ઠાથી કાર્ય કરી રહ્યો છું.’

લખ્યા તારીખ: ૨૧ જુલાઈ, ૨૦૧૧

Saturday, July 23, 2011

ધૈવત ત્રિવેદીને મારો 'સણસણતો' જવાબ !


એક સવારે મારા મોબાઈલમાં મિત્ર-કોલમિસ્ટ ધૈવત ત્રિવેદીનો ટેક્સ્ટ મેસેજ આવ્યો: "તમારી પોસ્ટ નીચે એક લાંબીલચ્ચ કમેન્ટ મુકવી છે. મૂકી શકું? તમારી પોસ્ટ જેટલી જ લાંબી કમેન્ટ છે એટલે પૂછી લઉં છું!" નેકી ઔર પૂછ-પૂછ! ભાઈ ધૈવતએ 'નેશનલ હાઈ-વે-વન' જેવા મારા ઘણાં લાંબા લેખો 'સંદેશ'માં કાપકૂપ વગર લીધા છે. એમનું એ ઓબ્લિગેશન મારા પર હોય ત્યારે મારાથી એક કમેન્ટ જેવી વાતે ના કેમ પડાય! અને શા માટે! : )
એમને પાઉં-ગાંઠીયા પર એક સરસ કમેન્ટ મૂકી છે-જે ખરા અર્થમાં તો એક લેખ જ છે. એટલે જ એમની અનુમતિ વગર અહીં એ કમેન્ટને એક લેખ તરીકે જ મૂકી રહ્યો છું. જો સંશોધન થાય તો ગુજરાતની અનેક વાનગીઓ વિશે આવા અભ્યાસપૂર્ણ લેખ તૈયાર કરી શકાય.
ભાઈ ધૈવત ત્રિવેદીએ આ સરસ કમેન્ટ મૂકી તો મને પણ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ્જીના મારા ઘરમાં પડેલા કેટલાક ફોટોગ્રાફ્સ યાદ આવ્યા. રાજા કૃષ્ણકુમારસિંહ્જીના લગ્ન સમયે યોજાયેલા સત્કાર સમારંભના અને તે સમયે જુનાગઢ સ્ટેટ દ્વારા શણગારાયેલા ઉતારાના આ ફોટોઝ એક સંભારણું છે. જુનાગઢના આ ઉતારામાં આજે રાજકોટનું સરદાર બાગ સર્કિટ હાઉસ છે. સ્ટેટ ફોટોગ્રાફર જોશીજીએ ખેંચેલી આ તસવીરો એમના પુત્ર ભરત જોશી પાસેથી વર્ષો પહેલા ૩૦૦ રૂપિયા પ્રતિ કોપી દીઠ ખરીદી હતી. આટલી પૂર્વ ભૂમિકા પછી વાચકો, પાઉં-ગાંઠીયા અને ધૈવત ત્રિવેદી વચ્ચેથી હું ખસી જઉં છું.
= = = = = = = = = =
ફોર્બ્સ મેગેઝિન દુનિયાની સર્વોત્તમ જ્યાફતનું લિસ્ટ બહાર પાડે અને મને સંપાદન સોંપે (હા, યે મૂંહ ઔર મસૂર કી હી દાલ) તો ભાવનગરી પાઉં-ગાંઠિયાને હું ટોપ ટેનમાં મૂકું. ભાવનગર એક એવું શહેર છે જ્યાં આજે પણ ખિસ્સામાં ફક્ત ૨૦ રુપિયા લઈને નીકળો તો ય પેટભરીને જ્યાફતનો જલ્સો કરી શકાય. "સસ્તુ-સારૂં ને સ્વાદ ચકાચક" એ જાણે આ દરબારી શહેરનો જિહ્વામંત્ર છે.
ભાવનગરના મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીએ ઘણા લોકોપયોગી કામ કર્યા છે. પણ એમણે એમાંનું કંઈ ન કર્યું હોત તો પણ હું એમને આ એક જ કામ માટે યાદ કરી શકું.
બન્યું હતું એવું કે, એકવાર મહારાજા ભાવનગરની પ્રસિધ્ધ જહાંગીર મિલમાં જઈ ચડ્યા. મોટી રિસેસનો સમય હતો. કામદારો ખુલ્લા ચોગાનમાં ગોળ કુંડાળુ કરીને ઘરેથી લાવેલા ભાતાં ખોલી રહ્યા હતા. કેટલાક કામદારો પીપળાને ચોરે મોં વકાસીને બેઠા હતાં.
"એલાં, આ કેમ આંઈ નોંખા ઊભા સ?" મહારાજાએ પૂછ્યું.
"એવણ છોન્ના (કુંવારા) છે તો રોટલા ની લાવેલા" મિલમાલિક બરજોર શેઠે ઉત્તર વાળ્યો.
"એલાં પણ, તો શું એવણ ભૂખ્યા કામ કરશે? આંઈ ક્યાંક કેન્ટિન કે એવું સાલુ કરો ને"
સામે આ પણ બરજોર શેઠ હતા.

કામદારોને ઓછા પૈસે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય-સભર નાસ્તો મળે એ હેતુથી તેમણે ગોરધન પંજવાણી નામના સિંધીને સાધ્યો(!!). (આમાં ભાઈ, સિંધીને જ સાધવા પડે. શરદ પવાર નો ચાલે) નવું છાપુ શરૂ કરવા માંગતા શેઠિયાને તરતનો જોડાયેલો તંત્રી જેમ જાતભાતની ડમી બતાવે એમ ગોરધને આઠ-દસ વાનગી (એક ડીશના ભાવ સાથે) બરજોર શેઠ અને તેમનાં યાર-દોસ્તોને ચખાડી. એ એસોર્ટિંગમાંથી જે વાનગી પસંદ થઈ એ પાઉં-ગાંઠિયા.
જાડા વણેલા, કડક અને સહેજ તીખા ગાંઠિયા અને પાઉં એમાં નાંખો ચટણી. ના, આ ચટણીની ય એક મજા છે. સાધારણ રીતે પલાળેલી આમલીની ચટણી બને. ગોરધન શી ખબર ક્યાંથી શીખ્યો હશે તો એણે અહીં ચૂલા પર ધીમા તાપે શેકેલી આમલીને પલાળીને ચટણી બનાવી. (હમણા થોડા દિવસ પહેલા ગોરધનની કારીગરીનો ભેદ ખૂલ્યો. આચાર્ય જીવતરામ ક્રુપલાણીની આત્મકથામાં સિંધ પ્રાંતના એમના ઘરના ભોજનનો ઉલ્લેખ છે. એમાં શેકેલી આમલીની ચટણીની વાત છે. ગોરધન મારો બેટો જાણભેદુ તો ખરો હોં) એમાં ડુંગળીની લાંબી સમારેલી ઝીણી કતરન, મીઠું અને મજૂરોના સ્વાદને ધ્યાનમાં રાખીને હેંતકનું મરચું ઠપકાર્યું. પાઉં વાયડા ન પડે એટલે ચપટીક હિંગ નાંખી. -અને જે જલ્સાએ જનમ લીધો...
બાપુ, હેન્રી ફોર્ડની એસેમ્બ્લી સિસ્ટમ કે વિલ્હેમ રોન્ટજનના એક્સ-રે શોધવાની ઘડી જેટલું જ મહત્વ હું ગોરધનના ઈન્વેશનની એ ક્ષણોને આપું!!
પાઉં-ગાંઠિયાના સ્વાદ અને કિંમત ઉપરાંત એ ખાવાની પદ્ધતિમાં ય ભારોભાર સમાજવાદની ભાવના ભળેલી છે. જહાંગીર મિલના મજૂર હોય કે આજના હિરાબજારના માલેતુજાર, પાઉં-ગાંઠિયા એક જ રીતે ખવાય... હાથ વડે. ના, એમાં ચમચી જેવી એસેસરિઝ કામ જ ન લાગે. ચાર આંગળે ગાંઠિયા ભેગા કરો, વચ્ચે અંગુઠા વડે પાંવ દબાવો, છેલ્લી દાઢ ડેન્ટિસ્ટને બતાવતી વખતે ખોલતા હોવ એટલું મોં ખોલીને એ માલ-મિલ્કત મોંમાં ઓરો. પછી બધુ એકરસ કરવા ડીશ મોંઢે માંડીને ચટણીનો સબડકો ભરો.
બટકે બટકે જન્નત ન દેખાય તો બાપુ, ફટ્ટ છે તમારી જીભને!!
એમાં હવે કાળક્રમે થોડા ફેરફાર થયા છે. ગાંઠિયાની સાથે પાઉંની જગ્યાએ બ્રેડના ટુકડા કે પાપડીનું મિશ્રણ પણ પ્રચલિત બન્યું છે. સ્વાદના આ વૈભવનો મૂળ જનક ગોરધન તો અપરિણિત હોવાનું કહેવાય છે પણ વેપારશૂરા સિંધીઓને આ ધંધો જબરો માફક આવી ગયો છે. ભાવનગર જાવ તો આજે પણ લછ્છુ અને દિલીપના પાઉં-ગાંઠિયામાં ગોરધનનો એ સ્વાદ મળી શકશે. (અને ભાવનગર આઘું પડતું હોય તો મારા ઘરે આવજો. સ્પેશિયલ ભાવનગરથી ગાંઠિયા-પાપડી મંગાવીને હું લગભગ દર અઠવાડિયે પાઉં-ગાંઠિયાનો જલ્સો કરૂં જ છું અને મારા ઘરના પાઉં-ગાંઠિયામાં ય ગોરધન જીવતો દેખાશે એની ગેરંટી!!)

Saturday, July 16, 2011

બક્ષીબાબુ, કાન્તિ ભટ્ટ. હસમુખ ગાંધી અને ગુણવંત શાહ: અંદાઝ અપના અપના!

આ ચારેય ધરખમ લેખકો જો ક્રિકેટ અને પત્રકારત્વ પર લેખ લખે તો એ કેવો હોય?

નોંધ:
હીં મેં આ ચાર લેખ મુક્યા છે એ વર્ષો પહેલા એક સોવેનર માટે લખેલા. રાજકોટમાં અમે પત્રકારો વચ્ચે એક "ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કર્યું હતું, જેના અનુસંધાને બહાર પાડેલા નાનકડા સ્મૃતિગ્રંથમાં આ લેખ છપાયો. તેની માત્ર એક હજાર નકલો છપાઈ હતી. એ પછી હજુ હમણાં જ ભાઈ રજની અગ્રાવતના ઈ-મેગેઝીનમાં તેની JPEG કોપી મૂકી હતી. મને ગમતા મારા કેટલાક ફેવરિટ લેખોમાંનો આ એક છે. કદાચ તમને પણ ગમશે એવું માની અહીં મૂકી રહ્યો છું. પરંતુ એ પહેલા એક નાનકડી વાત: આ ચારેય લેખકોને એટલા વાંચ્યા છે કે, મને એવું લાગે છે કે, એમની શૈલીની કેટલીક બાબતો હું સારી રીતે સમજી શક્યો છું. શક્ય છે કે, આ માન્યતા મારો ભ્રમ હોય. એમની આ પેરોડી એ એમણે એક વાચક તરીકે મેં કરેલી સલામ છે. નકલખોરીની આ કળા મને કદાચ હસ્તગત હોય તો પણ એને હું મોટી સિદ્ધિ માનતો નથી. સિદ્ધિ એમની છે, જેમના લખાણોએ મને આવું કરવા પ્રેરણા આપી. હજુ યાદ છે: ગજવામાં હંમેશા બક્ષીના કે કાન્તિ ભટ્ટના અને હસમુખ ગાંધીના લેખોના કટિંગ રહેતા. જ્યારે નવરાશ મળે, ખિસ્સામાંથી કાઢી એ અવાર-નવાર વાંચતો. ઓશીકે "સમકાલીન" અને "અભિયાન" નિત્ય રહેતા. "સમકાલીન"ની રાહ જોઈ રોજ બેઠો હોઉં. બીજા દિવસે અમને રાજકોટમાં મળતું એ અખબાર એવું તાજું લાગતું કે ના પૂછો વાત! હજુ એક પત્ર પણ ઘરમાં પડ્યો છે, કાન્તિ ભટ્ટને લખેલો. એ પત્ર જે કદી પોસ્ટ ના થઇ શક્યો. એમને "અભિયાન"માં 'ચેતનાની ક્ષણે'માં એવા મતલબનું લખ્યું હતું કે, 'ગુજરાતી યુવાનોમાં પત્રકાર બનવાની ધગશ રહી નથી અને તેઓ ઘર છોડી મુંબઈ આવવા તૈયાર નથી.' મેં એમને પત્ર લખ્યો હતો. લાંબોલચ્ચ. 'હું આવવા તૈયાર છું!' પત્ર ક્યારેય પોસ્ટ ના કર્યો પરંતુ પછી મુંબઈ જવાનું જ બન્યું. 'અભિયાન' જૂથના દૈનિક, 'સમાંતર' માટે. ચારેયમાંથી ગુણવંત શાહને બાદ કરતા બાકીના સાથેના અનુભવો સુખદ રહ્યા છે. ગુણવંત શાહ જેટલું સુંવાળું લખે છે એટલા જ બરછટ અંગત જીવનમાં છે એવી મારી માન્યતા છે.
કોઈ લેખક વ્યક્તિ તરીકે કેવો છે એની અહીં ચર્ચા જ નથી. આ ચારેયને વાંચીને હું મોટો થયો. એમની શૈલી, વિષયો અને બીજી અનેક બાબતોમાંથી કંઈ ને કંઈ મને સ્પર્શતું. બક્ષીબાબુ અને ગાંધીસાહેબ હવે રહ્યા નથી, કાન્તિભાઈને અવાર-નવાર વાંચું છું અને ગુણવંત શાહના લેખ ભારે હૈયે , અનેક પ્રયત્નો પછી ક્યારેક પૂર્ણ કરી જ લઉં છું. કહેવાય છે કે, કોઈના મૃત્યુ પછી અપાતી શ્રધ્ધાન્જલીઓ સાવ ઠાલી હોય છે. 'એમના જવાથી આ ક્ષેત્રને પુરી ના શકાય એવી ખોટ પડી છે' એવું દરેક કિસ્સાઓમાં લખાતું હોય છે અને એકસોમાંથી નવ્વાણું કિસ્સામાં એ વાત ખોટી ઠરતી હોય છે. પરંતુ બક્ષીબાબુ તથા હસમુખ ગાંધીનો અભાવ મને રીતસર વર્તાય છે. જ્યારે-જયારે કોઈ મહત્વપૂર્ણ ઘટના બને, વિચાર આવે છે:"બક્ષી કે ગાંધી હોત તો એમણે આ વિષય પર કેવું લખ્યું હોત!" જગ્યા હજુ ભરાઈ નથી. અને નજીકના ભવિષ્યમાં ભરાય એવું લાગતું પણ નથી. ભાષાની એવી ચમત્કૃતિ અને માહિતી તથા જ્ઞાનનું ભાથું ક્યાં લેવા જવું! એટલે જ નબળી નકલ જેવા આ મારા સુદેશ ભોંસલેવેડા ચલાવી લેવા સૌને વિનંતી :)દર્શકો, મેહુલો અને દલાલો: મેન ઓફ ધ મેચ થવા માટે મેચ રમવી જરૂરી છે?
 ચંદ્રકાંત બક્ષી

લેટિન ભાષામાં ‘ક્રિ’ નો અર્થ થાય છે મુર્ખાઓ અને ‘કેટ’નો અર્થ થાય છે રમત, ખેલ. ક્રિકેટ શબ્દ લેટિન ભાષામાંથી આવે છે અને તેનો ભાવાર્થ થાય છેઃ મુર્ખાઓની રમત. ક્રિકેટ મને હંમેશા બેવકૂફોની રમત લાગી છે. એટલે જ પત્રકારો જ્યારે ક્રિકેટ રમે ત્યારે મને સહેજ પણ આશ્ચર્ય નથી થતું! આમ પણ આપણે ક્રિકેટને જ લાયક છીએ. કઈ રમતમાં સૌથી વધુ કેલરી ખર્ચાય છે? સૌથી વધુ સ્ટેમીનાની કઈ ગેમમાં જરૂર પડે છે? કોઈ ગુજરાતી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટને આ સવાલ પૂછવો જોઈએ. જવાબમાં તેઓ કદાચ કેરમ કે નવકૂકરી કે વ્યાપારનું નામ પણ આપશે! બેડમિન્ટન અને લોન ટેનીસ એ બન્ને સૌથી વધુ મહેનત માંગી લેતી રમતો છે. અને બન્નેની લોકપ્રિયતા ગુજરાતીમાં નહિવત છે એ સ્વાભાવિક છે.
અને ક્રિકેટના રોમાંચ વિષે કોઈ દલીલ કરવા માંડે ત્યારે મને કલકત્તાના એ દિવસો યાદ આવે છે! એ જવાન ઉમ્ર અને જવાન બદન. કોઈ મને કહે છે કે ક્રિકેટમાં રોમાંચ હોય છે ત્યારે હું જવાબ આપું છું કે ફુટબોલમાં રોમાંચ અને રોમાન્સ બંને હોય છે! ક્રિકેટ કરતાં ફુટબોલ હંમેશા જીવંત રમત લાગી છે. સોકરના ખેલાડીઓનું શરીર મેચના બે કલાકો દરમિયાન નિરંતર ગતિશીલ રહે છે. એમાં લન્ચ માટેનો પોણો કલાકનો સમય નથી હોતો! એમાં પાંચ દિવસની લાંબી મેચ નથી હોતી. ટેસ્ટમેચના ત્રીજા દિવસની રાત્રે ખેલાડીઓને હોટેલની રૂમમાં એકઠા કરીને ચોથા દિવસની રમતની વ્યુહરચના ઘડવાનો સમય પણ ફુટબોલમાં નથી હોતો. અને આજે તો કોલકતામાં પણ ફુટબોલ કરતાં ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે. વચ્ચેથી એક આખો સમયખંડ પસાર થઈ ગયો છે. ફુટબોલનું સ્થાન આજે ક્રિકેટે લીધું છે અને કૉફી શૉપમાં બેસીને સાહિત્યની અને ફુટબોલની ચર્ચા કરતો એક તેજસ્વી યુવાન આજે ૧૫૦ ગુજરાતી પુસ્તકોનો લેખક બની ગયો છે!

ક્રિકેટનું શાસ્ત્ર મને કદી ગળે ઉતર્યું નથી. કે ક્રિકેટને કોઈ શાસ્ત્ર જ નથી હોતું? ઝ્યોં પોલ સાર્ત્રએ તેની સર્વકાલિન કૃતિ “ક્રિ અને કેટ” માં લખ્યું છે (પૃષ્ઠ : ૨૩૪) કે ક્રિકેટ એ રમત છે જેમાં બાર-પંદર બેવકૂફો મેદાનમાં દોડાદોડી કરે છે અને હજારો બેવકૂફો તાળીઓ પાડે છે! ઝ્યોં પોલ સાર્ત્ર એક મેધાવી સર્જક હતો અને તેનું કથન સાહિત્યમાં બ્રહ્મવાક્ય ગણાય છે. એટલું ગુજરાતી પત્રકારોની જાણ ખાતર.

હું માનું છું કે ગુજરાતી પત્રકારો વચ્ચે જેમ ક્રિકેટ મેચનું આયોજન થાય છે એમ ગુજરાતી કવિઓ અને સાહિત્યકારો વચ્ચે પણ એક ટુર્નામેન્ટ રમાવી જોઈએ અને તેનું સંચાલન સુરેન ઠાકર ‘મેહુલ’ કે સુરેશ દલાલને બદલે કોઈ કવિને જ સોંપવું જોઈએ. ગુજરાતી કવિઓની એક સંયુક્ત ટીમ બનાવવાનો વિચાર કોઈને હમણાં આવ્યો હતો. આવી ટીમમાં શું થશે એ હું કલ્પી શકું છું. ઉમાશંકર જોશી કેપ્ટન હશે અને જેમણે પાંસઠ વર્ષની ઝિન્દગાની દરમિયાન એક પણ કવિતા નથી લખી એવા દસ ખેલાડીઓ હશે. મનુભાઈ પંચોળી ‘દર્શ
ક’ મેચ રમે કે ન રમે પણ તેઓ દરેક મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ હશે. ‘મેન ઓફ ધ સીરીઝ’ પણ ‘દર્શક’
જ હશે. આ બંને એવોર્ડ નક્કી કરનારી સમિતિના પણ તેઓ અધ્યક્ષ હશે તેની મને પૂરતી ખાતરી છે કારણ કે તેઓ ખરેખર બેનમૂન ‘ખેલાડી’ છે.


ધ વૉર ઇઝ ડિકલેર્ડ : તમે કેટલા ખેલદિલ છો વારૂ ?
 હસમુખ ગાંધી


ઠક્‍ ઠક્‍ ઠક્‍..... કાનના પર્દા પર કોઇએ સીસમની લાકડીના ટકોરા માર્યા હોય એવો અવાજ થયો. મોઢું ઊંચું કરીને કેબીનના કાચ તરફ જોયું. હત્તેરીકી, આ તો નૌતમલાલ ઠક્કર.
આવો આવો નૌતમલાલ.
નૌતમલાલ કેબીનમાં પહોંચ્યા. આજે એમણે બંને ગલોફામાં એક એક પાન ભરાવ્યું હતું અને ત્રીજું પાન છેક અન્નનળી નજીક રાખ્યું હતું. કેબીનમાં પ્રવેશતા જ નૌતમલાલ બરાડ્યા “ધ વૉર ઇઝ ડિકલેર્ડ.” મોઢામાં રાખેલા ત્રણ ત્રણ પાનના કારણે એમનો અવાજ કંઇક વિચિત્ર થઈ ગયો હતો.
‘તમે બેસો તો ખરા, નૌતમલાલ’ એવું કહીને મેં બેલ તરફ હાથ લંબાવ્યો. મારો હાથ બેલ સુધી પહોંચે એ પહેલા જ નૌતમલાલે ઉભા થઈને ઉપરાઉપરી ચાર-પાંચ વખત બેલ વગાડી નાંખી. પગ પાસે પડેલી ડસ્ટબિનને ઉપાડીને તેઓ પોતાના મોં નજીક લઈ ગયા. બંને ગલોફાના પાનને જીભ વડે હડસેલો મારીને તેમને ટોપલીમાં ઠાલવ્યા. ત્રીજું પાન અન્નનળી આડેથી હટાવીને ડાબા ગલોફામાં ગોઠવીને એમણે આવનારી ચા પીવા માટે જગા કરી.
નૌતમલાલના બડકમદાર ગુલાબી બુશશર્ટ પર પાનના રાતા ચટ્ટક રસના છાંટા ઉડાડ્યા હતા.
“વ્હોટ્સ ધ મેટર, નૌતમલાલ ?”
“ફરગેટ ધ મેટર, પ્રોફેસર. ધ જર્નાલિસ્ટ્સ વોન્ટ્ મોર ક્રિકેટ, મોર ફન. યુ. સી. ! હેવ યુ લીસન્ડ ધેટ એડવર્ટાઈઝમેન્ટ પ્રોફેસર : યે દિલ માંગે મોર.”
નૌતમલાલનું વાક્ય પુરૂ નહીં થયું હોય ત્યાં કેબીનના ગ્લાસ્ડ ડોર પર પ્યુન મનોજે ટકોરા માર્યા. મસાલાવાળી ચાની વર્ધી આપીને હું બોલ્યો ‘સો ધેર ઇઝ વર્લ્ડકપ ફિવર એવરીવ્હેર”
“નો નો, પ્રોફેસર. ઈટ્સ અ વર્ડકપ ફિવર. પત્રકારો સઘળા ભેગા મળીને ક્રિકેટ ટીચવાનાં છે.”
“પણ પત્રકારોને આ ક્રિકેટ રમવાનું શીદ સુઝ્યું, નૌતમલાલ”.
“ઈન્ટીગ્રીટી પ્રોફેસર, ઈન્ટીગ્રીટી. યુનિટી, એકતા, ઐક્ય, સદભાવના, એકાત્મકતા એન્ડ એબોવ ઓલ, ધે વોન્ટ ટુ ડેવલપ સ્પોર્ટસમેન સ્પિરીટ ઇન જર્નલિઝમ. ક્રિકેટ ફોર પીસ, ક્રિકેટ ફોર ફ્રેન્ડશીપ.”
“ધૂળ. સ્પોર્ટસમેન સ્પિરીટ કઈ બલાનું નામ છે એ અહીં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ નથી જાણતો, સામાન્ય પત્રકારોની વાતો મેલો કોરાણે. અહીં એક જુનીયર અને ટ્રેઈની જર્નાલિસ્ટ્સની એક્સક્લુઝિવ સ્ટોરી છપાતી અટકાવવા માટે દાઢીધારી એડિટર લિટરલી આકાશ-પાતાળ એક કરે છે. તેઓ (એડિટર ધેટ્સ ઇટ) અખબાર માલિકોની કેબીનમાં પેસીને પેલા ટ્રેઈની વિષે માલિકના કાનમાં વખના ધોધ કરે છે. ઇન કેઈસ પેલા માલિકમાં સદબુદ્ધિ હોય અને આવી ઝેરીલી વાતો તેઓ કાને ન ધારે તો પેલો એડિટર સ્ટોરી છાપે છે પણ ટ્રેઈનીને ક્રેડિટ આપતો નથી. તમને ખબર છે, નૌતમલાલ ફોર અ જુનિયર જર્નાલિસ્ટ, ધ બાય લાઈન સ્ટોરી ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ એન્ડ વેલ્યુબલ ધેન સેલરી. ઇન ફેક્ટ હી ઓર શી કુડ બિલ્ડ અ મલ્ટીસ્ટોરી ઓન ધેટ પ્લીન્થ.” વાત આગળ ચાલે એ પહેલા જ મસાલાવાળી બે ચા લઈને મનોજ આવી પહોંચ્યો. થોડી ક્ષણો સુધી કેબીનમાં નૌતમલાલના સબડકા સિવાય કંઈ જ ન સંભળાયું. ચા પૂરી કરીને નૌતમલાલે પેન્ટના ગજવામાંથી ચાંદીની ડાબલી કાઢી અને તેમાંથી ત્રીસેક એલચી લઈને મોઢામાં ઓરી. અર્ધી મીનીટ સુધી તેમને એલચીને ઘંટીના પડ જેવા બે જડબા વચ્ચે ભીંસી નાખી. ચા અને એલચીનું ટોનિક લીધા પછી નૌતમલાલ બરાડ્યા:
“તું પ્રોફેસર, તું જ અવળચંડો છે. તું વક્રદ્રષ્ટા અને તું જ નાલાયક છે. પૃથ્વી તને હંમેશા ચોરસ કે ષટ્કોણ દીસે છે. આ એ જ રાજકોટ છે જ્યાં દરરોજ નવ બ્રોડશિટ ડેઈલી સ્ટોલ્સ પર અફળાય છે. અહીં અખબારોની, પત્રકારોની આબરુ છે. શાખ છે અને માન પણ છે. એ બધું કોઈ આસમાનમાંથી નથી વરસી પડ્યું, તેની પાછળ લોહી ચૂસાયું છે પસીનો પડ્યો છે પત્રકારોનો. અહીના પત્રકારોએ આજીવન ખેલદિલીથી જર્નલીઝમ કર્યું છે.”
“ધેટ્સ ઇટ નૌતમલાલ, યુ ગોટ ધ પોઈન્ટ, અહીંના પત્રકારોએ પસીનો પાડ્યો છે પણ પરસેવો પાડનારા જર્નલિસ્ટની સંખ્યા ત્રણ આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. થયું છે એવું કે મહેનતુ વડવાઓની ગાદી પર અહીં બાળરજ્જા બેસી ગયા છે. જર્નાલીઝમ ઇઝ અંડર કંટ્રોલ ઓફ ટીન એજર્સ. તરૂણો પછી એકઠા થઈને દરરોજ છાપું છાપું રમે છે. તેઓ ડેઈલીના નામે રોજેરોજ ‘ચંપક’ કે ‘રમકડું’ સ્તરના અખબારો કાઢે છે. તેઓ (તરૂણો) પાછા ગુમાન પણ એટલું જ રાખે છે. દરેક નાના નાના ઉંદરડાના ઈગો છે મસમોટા.”
“ચેન્જ ધ ટ્રેક પ્રોફેસર. ફરગેટ ધ ટીનએજર્સ. વ્હોટ અબાઉટ સિઝન્ડ જર્નાલીસ્ટ્સ ઓર સીનીયર જર્નાલિસ્ટ્સ”.
“ફરી પાછા તમે મારા મોંમાં આંગળા ઘાલ્યાં. બ્રોડશિટ ડેઇલીમાં કામ કરવાથી જેમ બ્રોડ માઈન્ડેડ નથી બની જવાતું એમ વર્ષોના વર્ષો ફિલ્ડમાં વિતાવવાથી સિઝન્ડ પત્રકાર ન બની ગયા કહેવાય. મોટા મોટા છછુંદરના અહીં પહાડ જેવા અહમ હોય છે. તેઓ યશવંત સિન્હાની આર્થિક નીતિઓની ટીકા કરે છે. તેઓ બિલ ક્લિનન્ટનને ગાળો ભાંડે છે તેઓ લખે છે કે અઝહરૂદ્દીન સારો કેપ્ટન નથી, કુમ્બલેના દડા બહુ સ્પિન નથી થતા. અમિતાભ હરિવંશરાય બચ્ચન નામના માણસે ફલાણા ફંક્શનમાં જવું જોઈતું હતું કે નહીં એ વિષે પણ તેઓ જાડી લેંગ્વેજમાં રદ્દી પીસ ઘસી કાઢે છે. ગુલઝાર અને જાવેદ અખ્તરનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કશું પ્રદાન નથી એવું પણ તેઓ કહે છે, નૌતમલાલ, પણ એક શબ્દ જો એમની ભાષા કે એમની દ્રષ્ટિ વિષે લખાય તો તેઓ બેભાન થઈ જાય છે. મડિયાની સઘરા જેસંગના સાળાનો સાળો તમે વાંચી છે? એમાંનું એક પાત્ર ગામ વચાળે શુદ્ધ વેજીટેબલ ઘીનો ડબ્બો ખોલે છે અને ગામ અખાના લોકો બેભાન બની જાય છે. સમજ્યા નૌતમલાલ કશું ? જર્નાલિસ્ટ અહીંના વેજીટેબલ ઘીની સાચી સુગંધ ખમી નથી શકતા તો છાશના શુદ્ધ દેસી ઘીની સુવાસ તો તેમનાથી કેમ સહન થાય.”
“ખોટું, ખોટું, ખોટું. તને જોન્ડીસ થયો છે પ્રોફેસર. દુનિયા તને કાયમ પીળી દેખાઈ છે. તું એમ કહે છે કે અહીના પત્રકારો વિષે કદી કંઈ લખાયું જ નથી?”
“લખાયું છે. સાડી સત્તર હજાર વખત લખાયું છે. પણ એ લખાયા પછીના રીએક્શન્સ તમે દીઠ્યા છે, નૌતમલાલ? બિરાદરીના એક બુઢ્ઢા તંત્રી વિષે બે સાચી વાત લખીએ તો મલક આખો તમારા માંસના લોચેલોચા ચાવી જવા તત્પર બની જાય છે. એસ્ટાબ્લીશમેન્ટ સામે લડવાની વાતો કરનારું પત્રકારત્વ પોતે જ અત્યારે છાપાળવી ભાષામાં કહીએ તો સ્થાપિત હિતોના કબજામાં છે. નાકની લીંટ પણ લુછતા ન આવડતું હોય એવા અનાડીઓ ન્યુક્લીયર ટેસ્ટ્સને અહીં વાજબી કે ગેરવાજબી ઠરાવતી લાંબીલસ્સ અખબારી યાદીઓ મોકલાવે છે અને એ પ્રેસનોટ્સ છપાઈ પણ જાય છે. પત્રકારત્વનો સમાનાર્થી શબ્દ અહીં પ્રેસનોટ છે. એક અખબાર દીઠ દસ દસ રિપોર્ટ્સ અહીં, છાપાળવી ભાષામાં કહીએ તો જખ મારે છે. અને મજબૂરી એ છે નૌતમલાલ કે સારાહ ફર્ગ્યુસનથી સદામ હુસૈન સુધીના લોકો પર ટીકા ટીપ્પણ કરતી આ જમાત વિષે તમે કશું જ લખી નથી શકતા. ગાંધીવાદી સંસ્થાઓની અને વિધવિધ ટ્રસ્ટ્સની બાર્બીડોલ બનીને કામ કરતાં તંત્રીઓ વિશે તમે કશુંક લખો ત્યારે ભારેખમ જૂતા તળે તમારું શિર કે સર છુંદી નાખવાના યત્ન થાય છે. પોતાનું અસત્ય તેઓ જોર જોરથી ટોળામાં રહીને અને વારંવાર ઉચ્ચારે છે, અને છેવટે થાય છે એવું કે મૃદુભાષામાં કહેવાયેલું તમારું સત્ય પેલા શોરબકોરમાં ઢંકાઈ જય છે. શીટ ટુ યોર સ્પોર્ટ્સમેન સ્પિરીટ. ધૂળમાં જાય ખેલદિલી અને ખાળમાં ગયું તમારું ઐક્ય.”
“કબૂલ કબૂલ પ્રોફેસર કબૂલ. તારી બધી જ વાતો કબૂલ. પણ તો પછી તે કદી લખ્યું કેમ નહિ આ વિષે ?”
“પેટ બહુ વેઠ કરાવે છે નૌતમલાલ. તમે જ્યારે સાચું કહેવા માંડો છે ત્યારે તમને સનકી, ઈગોઈસ્ટ, અતડા અને બળવાખોર તરીકે ખપાવવાનું શરૂ થઈ જાય છે. યુ નો? જર્નાલિઝમ અહીંનું, એક કેનાલ છે. નીચે, ડાબે અને જમણે સિમેન્ટનું આવરણ છે. તમને ફં
ટાવાનો અધિકાર નથી. એક નિશ્ચિત દિશામાં વહ્યા કરો. ન મોજા, ન તરંગો કે નહીં કોઈ વમળો. ખેતરોમાં જઈ પછી અમારે ભોં મહી ઉતરી જવાનું છે.”
હા હા હા કરતાં નૌતમલાલે અચાનક અટ્ટહાસ્ય કર્યું.
“તો આ બધી રામાયણ શીદને પ્રોફેસર. યુ ટુ અ પાર્ટ ઓફ ઇટ. યુ આર નોટ ગ્રેટ ઓર ગ્રેટર. ડાળ ડાળ પર અહીં ઉલ્લું બેઠા છે એમાનું એક ઘુવડ તું પણ છે. તું પણ નિશાચર છે. તું પણ ચીબરો છે.” કહીને નૌતમલાલ સડસડાટ કેબીનની બહાર નીકળી ગયા.દડો મોરપિચ્છ અને બેટ છે વાંસળી

ગુણવંત શાહ

ખેલદિલી અને દેશદાઝ એક માતાની બે પુત્રીઓ છે
કેટલાંક ક્રિકેટપ્રેમીઓએ ક્રિકેટને ગર્વની રમત બનાવી નાખી છે. ગર્વ અને ગૌરવ વચ્ચે સેંકડો પ્રકાશવર્ષનું અંતર છે. ગર્વ એટલે વાઘ અને ગૌરવ એટલે હાથી. ગજરાજની ચાલ મદમસ્ત હોય છે. એ પોતાની મસ્તીમાં, નિજાનંદમાં રહે છે, વાઘ ઘાતકી અને ક્રુર હોય. હાથીને પંપાળી શકાય છે, વાઘથી દૂર રહેવું હિતાવહ છે.
ક્રિકેટની રમતને હું કૃષ્ણની ગેડીદડાની રમત સાથે સરખાવું છું. મેદાન ગોકુળ છે અને ખેલાડીઓ જાણે ગોપીઓ. મેચ જોવા આવેલા અખબારી સ્ટાફને તમે ગોવાળિયા સાથે સરખાવી શકો. જાણે વ્રજલીલા જ જોઈ લો. હેડીંગલીલા અને સમાચારલીલાને આવી પ્રાસંગિક તિલાંજલીઓ મળતી રહે તો તેમાંથી દોસ્તીલીલાનું નવનિત નિષ્પન્ન થાય.
ઘાસથી લીલ્લુંચ્છમ બનેલું ક્રિકેટ મેદાન જોઉં ત્યારે મને વૃંદાવનનું સ્મરણ થાય છે. ઓસ્ટ્રેલીયામાં રમતી ક્રિકેટ મેચ ટી.વી. પર જોતા હોઈએ ત્યારે એક યુગઘટના બનતી નિહાળી શકાય : મેદાનમાં સેંકડોની સંખ્યામાં સફેદ કબૂતરો અને ચકલીઓ આવીને બેસી જાય છે. ક્રિકેટે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ અને પક્ષીઓ વચ્ચે મૈત્રીતારક રચી આપ્યું છે. મેલબોર્ન અને સિડનીના સ્ટેડીયમના નામ વૃંદાવન અને ગોકુળ રાખવા જોઈએ.
આપણા પ્રેક્ષકો ક્રિકેટ અને રાષ્ટ્રપ્રેમની ભેળસેળ કરી નાખે છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં કલકત્તાના પ્રેક્ષકો એ હમણાં જે તોફાન કર્યા એ દિવસે આપણે દર વર્ષે રાષ્ટ્રીય શોક પાળવો જોઈએ. ખેલદિલી અને રાષ્ટ્રભાવના એક જ માતાની બે પુત્રી છે. આપણે તેને ભાભી-નણંદ બનાવી નાખી છે. દેશદાઝ અને ખેલદિલી વચ્ચેની મેચ હંમેશા ટાઈ થવી ઘટે. કલકત્તામાં ખેલદિલી અને દેશદાઝને ગાંડપણે બહુ બુરી રીતે પરાસ્ત કર્યા. ક્રિકેટની પણ ભૂંડી હાર થઈ. બેટને આપણે વાંસળી જાણીએ અને બોલને મોરપિચ્છ માનીએ તો ક્રિકેટ પણ રાસલીલા જેવું ભવ્ય બની જાય.
હમણા વડોદરાના આઈ.પી.સી.એલ. ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લેવાનું બન્યું. ત્યાંની લીલોતરી જોઈને આંખો અને હૃદયમાં ટાઢક વ્યાપી ગઈ. ચાર માળ જેટલી ઊંચાઈના વૃક્ષો પર બેઠેલી સેંકડો કોયલનો ટહુકાર મને લાખો પ્રેક્ષકોની ચિચિયારીઓ કરતાં હંમેશા પ્રભાવશાળી લાગ્યો છે. હું દ્રઢપણે માનું છું કે વિશ્વના દરેક સ્ટેડીયમમાં ખુરશીઓની જગ્યાએ હીંચકા હોવા જોઈએ. વૃક્ષો પરથી કોયલનો ટહુકાર સંભળાતો હોય અને હીંચકો મંદ ગતિએ ઝુલતો હોય એવા વાતાવરણમાં પણ જેમના હૃદયમાં ખેલદિલીના દીપ ન પ્રગટે તેનું જીવતર ધૂળ.


ભાન ભૂલી જાવ ત્યારે ખાંડવી ખાવી જોઈએ
કાન્તિ ભટ્ટ

લંડનનું ‘ધ ઈન્ડીપેન્ડન્ટ’ અખબાર તેના તાજેતરના અંકમાં નોંધે છે કે બ્રિટનના પત્રકારો વચ્ચે પણ દર વર્ષે એક ઇન્ટરપ્રેસ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ‘લંડન ટાઈમ્સ’ની ટીમ ચેમ્પિયન થાય છે. અમેરિકાના વિખ્યાત દૈનિક ન્યુયોર્ક ટાઈમ્સે ૧૮ માર્ચના અંકમાં લખ્યુ છે કે ત્યાં હવે બેઝબોલની રમતની સાથેસાથે ક્રિકેટની રમત પણ લોકપ્રિય બની રહી છે.
ક્રિકેટની રમતમાં બોલને ફટકારવા માટે જેમ બેટ વપરાય છે તેમ બેઝબોલમાં ધોકો વપરાય છે એવું ઓસ્ટ્રેલિયન દૈનિક ‘સિડની હેરલ્ડ’ લખે છે. મહુવાના ઝાંઝમેર ગામે હું
નાનપણમાં રહેતો ત્યાં અમે ખૂબ ક્રિકેટ રમતા. મારા ફૈબા મને કાંખમાં તેડીને ફેરવતા હોય અને હું ક્રિકેટ રમવા કજીયા કરવા માંડુ તો ફઈબા મને ઘરમાંથી ધોકો લઈ આવીને આપતા અને પછી અમે ધોકાથી ક્રિકેટ રમતા. અમારા ઝાંઝમેરનો રતન નામનો એક છોકરો જબરું ક્રિકેટ રમતો. એણે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હોત તો એ ભારતની ટીમમાં સ્થાન પામ્યો હોત. ઘણા લોકો મને પૂછે છે કે “તમારા ઝાંઝમેરમાં કદી ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ નહોતી યોજાતી ?” ત્યારે મને કહેવાનું મન થઈ જાય છે કે અમારા ગામમાં એકેય છાપાઓ જ ન હોય તો પ્રેસો વચ્ચેની ટુર્નામેન્ટો કેવીરીતે યોજવી.
આપણે ત્યાં પત્રકારો વચ્ચે બહુ સંપ નથી. શારજાહની મેચો કવર કરવા હું ત્યાં ગયેલો ત્યારે પ્રેસ બોક્સમાં બધાં અંગ્રેજી પત્રકારો પિતરાઈ ભાઈઓની જેમ રહેતા હતા. શારજાહમાં રહેતા રમણભાઈ ધોળકિયાએ મને કહ્યું કે આરબ અમિરાતના પત્રકારો પણ બહુ સંપથી રહે છે. રમણભાઈના ઘેર હું જમવા ગયેલો ત્યારે તેમને ત્યાં જમવામાં દાળઢોકળી બનાવવામાં આવેલી. પ્રેસ બોક્સમાં મળતી વેજીટેબલ સેન્ડવીચથી કંટાળી ગયો હતો તેથી દાળઢોકળી મેં ખૂબ ખાધેલી અને મને ખૂબ ભાવેલી. મુંબઈના પીઝા કે ટાકો જેવી પશ્ચિમી વાનગીઓથી પ્રભાવિત થયેલા ગુજરાતીઓએ રમણભાઈ ધોળકિયાના ઉદાહરણમાંથી બોધપાઠ લેવો જોઈએ. જો કે મુંબઈમાં પણ અમુક હોટલોમાં દાળઢોકળી મળે છે. તાડદેવમાં આવેલી મહાજન હોટલ (ફોન નંબર : ૩૧૮૧૬૮૫) માં અસ્સલ ગુજરાતી દાળઢોકળી મળે છે પણ તેની ખાંડવી બરાબર નથી હોતી. ખાંડવી પર કોપરાની છીણ છાંટેલી જોઈને મને નવાઈ લાગે છે. ઝાંઝમેરમાં અમારી પડખેના મકાનમાં રહેતા સરસ્વતી માસી ખાંડવી પર સીંગદાણાનો ભૂકો છાંટતા.
અમે કાંદિવલીના ફ્લેટમાં રહેતા ત્યારે અમે ખાંડવી પર કોથમરી છાંટીને ખાતા હતા. એક તંત્રી હમણા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે લાહોર ગયેલા પત્રકારોમાં સામેલ હતા. એમણે મને કહ્યું કે આપણે જેમ સવારમાં ચા સાથે બટાટા પૌઆ કે ઉપમા ખાઈએ છીએ તેમ વાજપેયી સવારે જ્યૂસ પીવે છે. એમને સંતરાનો રસ ખૂબ પ્રિય છે. લાહોર જતા પહેલા તેમની બસની ડીકીમાં નાગપૂરથી મંગાવેલા સંતરાના ટોપલા રાખવામાં આવ્યા હતા. સૌપ્રથમ તો બસના ડ્રાઈવરે આ ટોપલા જોયા ત્યારે એ નવાઈમાં પડી ગયેલો પણ પછી તેને સાચી વાત જાણવા મળેલી. દિલ્હીથી લાહોર વચ્ચેની બસનો ડ્રાઈવર થયેલો રામરતન શર્મા મૂળ બનારસનો રહેવાસી છે. કેટલાક પત્રકારોએ એને પૂછ્યું કે આ બસ ચલાવતા તને આતંકવાદીઓનો ડર નથી લાગતો ?ત્યારે તે જવાબમાં ફક્ત હસેલો.
લોકો જવાબ આપવાનું ટાળવા માટે હાસ્ય કે સ્મિતનો ઉપયોગ કરે છે. એક મુલાકાત વખતે મેં ચીમનભાઈ પટેલને પૂછેલું કે તમારા શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે? તેઓ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મારા પ્રશ્ન જવાબમાં તેમને ફક્ત સ્મિત કર્યું. સોનિયા ગાંધી પણ જવાબ ટાળવા સ્મિત કરે છે. અંગ્રેજી પત્રકાર કુલદિપ નાયરને એકવાર હું મળ્યો ત્યારે મેં તેમેને પૂછેલું કે તમારા લખાણોમાંથી સ્યુડો સેક્યુલરિઝમની ગંધ કેમ આવે છે? ત્યારે તેઓ ફક્ત હસેલા. કુલદિપ નાયર સારા પત્રકાર છે પણ કોઈ એક વિષય પર લખતી વખતે તેઓ આડે પાટે બહુ ચઢી જાય છે અને પોતે શેના વિષે લખવા બેઠા હતા તેનું ભાન ભુલી જાય છે.