Wednesday, May 30, 2012

IPS Officer Subhash Trivedi

પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીઃ 
ફિલ્મોમાં જ જોવા મળે એવા રિયલ લાઈફ હિરો !

IPS Officer Subhash Trivedi
 ભાઈ જય વસાવડાએ ફેસબુક પર આઈ.પી.એસ. અધિકારી સુભાષ ત્રિવેદી વિષે જે લખ્યું છે તે જ વાત સૌપ્રથમ એમના સૌજન્ય સાથે મુકું છું. એમની વાત નીચે મુજબ છે: 
==================
"મેં મારી જિંદગીમાં નજીકના ઘરોબાથી જોયેલા ઉમદા પોલિસ અફસરોમાં નખશિખ સિધ્ધાંતનિષ્ઠ, જાંબાઝ, પ્રામાણિક અને મોરલી અપરાઇટ એવા બહાદુર અને કોઈ સાહિત્યના પ્રોફેસરને પણ ઝાંખા પાડે એવા ઉમદા વાચકમાં ડી.એસ.પી. સુભાષ ત્રિવેદીનું નામ જૂજ નામોમાં ય ટોચ પર આવે. જે જે શહેરમાં ગયા છે , ત્યાં એમણે પોતાની છાપ છોડી છે અને ભલભલા પડકારો સામી છાતીએ કોઈ વધારાના વળતર વિના આમજનતાના હિત ખાતર ઝીલ્યા છે. બૂટલેગર કક્ષાના મવાલીઓ પર ત્રાટકી કોલેજીયન યુવક-યુવતીઓને બેસવા દે એવા આધુનિક મિજાજના અણમોલ જણસ જેવા અફસર છે. હાઈ કોર્ટે સામાન્ય ગુનેગારના 'કસ્ટોડીયલ ટોર્ચર' માટે એમની બદલી કરવાનો અપમાનજનક હુકમ આપ્યો છે ! આમાં ગુજરાતભરના ગામના ઉતાર જેવા રખડુઓ અને લુખ્ખેશોને તો મોજ જ પડી જાય ને ! જજસાહેબોઆટલી હદે માનવતાવાદી હોય તો એમણે પોતે જ વી.વી.આઈ.પી. ટ્રીટમેન્ટથી ગાદી, ગાડી અને ગાર્ડ્સ વિના રહી ગુનેગારોની વિરુદ્ધ જલદ ચુકાદા આપવા જોઈએ. લુખ્ખામવાલી ઓ એક તો ગામના બાપ જેવો ઠાઠ રાખી ત્રાસ વર્તાવતા હોય છે, એ શું વિશ્વશાંતિની કવિતા સમજવાના છે? આવા બે બદામના ટુણીયાટોને શું પોલિસ કસ્ટડીમાં લઇ ભાઈબાપા કરી ઠંડું પીવડાવી પગચંપી કરી ને વિગતો આપવા કે અપરાધ ના કરવાણી અપીલ કરે? 'સિંઘમ' ફિલ્મ જોઈને મેં લખેલું કે જો પ્રજા એક બનીને બહાર આવે તો જ આ દેશમાં સાચા અને કાર્યદક્ષ અધિકારીને બળ મળે. પબ્લિક તમાશો જોતી ચુપ બેસે છે. ગંગાજલ ફિલ્મમાં અજય દેવગન એક કટાક્ષભર્યો ડાયલોગ બોલે છે : અગર ઐસા ચલા તો પુલીસ કા ભી લોગો પર સે ભરોસા ઉઠ જાયેગા!" 
===============================


વાત બહુ નાની હતી: જામનગરના એક રીઢા બુટલેગરે એવી ફરિયાદ કરી કે, કસ્ટડીમાં તેને જામનગરના જિલ્લા પોલીસ વડા સુભાષ ત્રિવેદીએ તેને ઢોરમાર માર્યો છે. ગુજરાત હાઈકોર્ટએ આવા બુટલેગરની વાત માની, ઉજળો ટ્રેક રેકોર્ડ ધરાવતા ત્રિવેદી સાહેબને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો! (કદાચ) થોડી સમજાવટ પછી પેલા  ભાઈએ કેઈસ પાછો ખેંચવાની અરજી કરી. સામાન્ય રીતે આવા સંજોગોમાં જજ સાહેબો ઝાઝો ચંચુપાત કરતા હોતા નથી. પરંતુ અહીં અદાલતે  થોડું વિચિત્ર સ્ટેન્ડ લઇ કહ્યું કે, "ફરિયાદી પર દબાણ આવ્યું હોય એવું પ્રતીત થાય છે. અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરો જ !" વાત સમજાય નહિ એવી છે. એક ખાઈબદેલા ક્રિમિનલને વાજબી રીતે જ સબોડવા બદલ કોર્ટ જો આવું સ્ટેન્ડ લેતી હોય તો આવી સ્થિતિમાં પોલીસના મનોબળનું શું? આમ પણ ગુજરાત પોલીસનું મનોબળ અત્યારે માનવાધિકારવાદીઓના કારણે તળિયે છે. કોઈ એક અધિકારી જ્યારે પુરા જોશ અને હૃદયથી સમાજની ગુનાખોરી ડામવા કામ કરે છે ત્યારે તેની પિઠ થાબડવાને  બદલે તેને ડામ અપાય છે. એક સામાન્ય નાગરિક તરીકે આપણને ઘણાં સવાલો થાય છે. રાત-દિવસ ખોટા કામમાં રચ્યા-પચ્યા રહેતા અનેક વકીલો આપણે  જોયા છે. શું કોર્ટ તેમની વિરુદ્ધ આવું સ્ટેન્ડ ક્યારેય લઇ શકશે? ન્યાયતંત્ર અને ન્યાયાધિશોના  ભ્રષ્ટાચાર  પર "આરપાર" મેગેઝિનમાં શ્રેણીબદ્ધ લેખો છપાઈ ચુક્યા છે. આવી નક્કર હકીકતો બાબતે જજ સાહેબોએ શું કર્યું? આવા અનેક સવાલો અહીં હું ઉઠાવતો રહીશ. પરંતુ આ પ્રસંગે મને એક લેખ યાદ આવે છે - જે સુભાષ ત્રિવેદી પર મેં લખ્યો હતો. વર્ષો પહેલા લખાયેલાં આ લેખમાં એમની ઘણી સિધ્ધિઓનો ઉલ્લેખ નથી થઇ શક્યો. આ લેખ લખાયા પછી પણ તેમણે અગણિત કાર્યો કર્યા છે. આ લેખ થકી સુભાષ ત્રિવેદીના વ્યક્તિત્વનો અને એમની વર્કિંગ સ્ટાઈલનો થોડો ખ્યાલ તમને ચોક્કસ આવશે... સુભાષ ત્રિવેદીની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠતમ અને સૌથી પ્રામાણિક પોલીસ અધિકારીમાં થાય છે. તેઓ સરકારી મશીનરીનો ન્યુનતમ ઉપયોગ કરે છે. એમણે ભલભલા ગુનેગારોને સીધાદોર કર્યા છે. અને અનેક જટિલ કેઈસ ઉકેલી બતાવ્યા છે.

શું કોઈ પોલીસ અધિકારીની  પ્રતિષ્ઠા એમની ગુનેગારોમાં ધાક એટલી હદે હોઈ શકે કે સાવ મામુલી કેસથી લઈ કોઈ ગંભીર ગુનાઓમાં પણ તેમને લાંચ માટે ઓફર સુધ્ધાં ન થાય ? ગુજરાતમાં આવા અધિકારીઓ માત્ર એક આંગળીના વેઢે ગણી શકાય એટલાં છે અને એમાનાં સૌથી સખ્ત કાર્યક્ષમ અને શિસ્તપ્રિય  આઈ.પી.એસ. અધિકારી એટલે સુભાષ ત્રિવેદી.

ગુજરાતમાં શ્રેષ્ઠતમ આઈ.પી.એસ. અધિકારીઓ વિશે જ્યારે પણ જાણકારોમાં ચર્ચા થાય ત્યારે સુભાષ ત્રિવેદીને અચુક યાદ કરાય છે. અત્યારે તેઓ અમદાવાદમાં ‘ઝોન૬’નાં ડી.સી.પી. છે.  આ વિસ્તાર મુખ્યમંત્રીનાં મત વિસ્તારમાં આવે છે અને આવી મહત્વપૂર્ણ જગ્યા પર એમનું હોવું એ જ એમની કાર્યક્ષમતાનો પુરાવો ગણાય. જો કે એમની કાર્યદક્ષતા કોઈપણ પોસ્ટીંગને મોહતાજ નથી. તેઓ જ્યાં ગયા જયાં મુકાયા ત્યાં તેમણે ઉત્તમ કામગીરી દેખાડી છે. એટલે જ આજે સૌથી જટીલ કહેવાય તેવા કેઈસમાં તેમની મદદ અવશ્ય લેવાય છે. 

સુભાષ ત્રિવેદીની આખી કેરિયર જ આમ તો ઉદાહરણરૂપ છે. પરંતુ એમની કારકિર્દીનાં કેટલાંક મહત્વપૂર્ણ કેઈસ પર નજર કરીએ તો તેમની ક્ષમતાનો વધુ ખ્યાલ આવે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા પછી એમનું ઊંથમ પોસ્ટીંગ રાજકોટમાં એન્ટી કરપ્શનનાં ડી.વાય.એસ.પી. તરીકે થયું અને એમની શાનદાર ઈનીંગનો જાણે સીકસર સાથે  પ્રારંભ  થયો. એમણે એ પોસ્ટીંગ દરમિયાન વિક્રમજનક કેઈસ કર્યા. રાજકોટ સાથે એમને કોઈ ખાસ લેણું (અથવા દેવું!) હોય એવું લાગે છે. કારણ કે તેઓ જ્યારે જ્યારે રાજકોટમાં મુકાયા કશુંક ખાસ બન્યું જ છે. રાજકોટમાં તેઓ ડી.વાય.એસ.પી. હતા એ સમયે એક વિશિષ્ટ બનાવ બન્યો હતો. કલ્પક મણિયારે એ સમયે (૧૯૯૪) કોઈ ફેશન શોનું આયોજન કર્યું હતું જેમાં રાહુલ રોય પણ આવવાનો હતો. શો માટેની વ્યવસ્થા વિશે વાત કરવા કલ્પક મણિયાર પોલીસ કચેરીએ આવ્યા અને તેમણે સુભાષ ત્રિવેદીની હાજરીમાં પોલીસ અધિકારી અરૂણ શર્મા સાથે ઉધતાઈથી વાત કરી. સુભાષ ત્રિવેદીએ પછી મણિયારને એવો પાઠ ભણાવ્યો કે એમને હંમેશા યાદ રહે. રાજકોટનાં સસ્પેન્ડેડ પોલીસમેન અને રીંગ ક્રિમિનલ મહેન્દ્ર પરબતસિંહ ઝાલાની પણ તેમણે આવા જ કારણસર જાહેરમાં સરભરા કરી હતી. ભાસ્કર/પરેશ અપહરણના કેઈસમાં એમને ખાસ જવાબદારી સોંપાઈ અને તેમણે રાજશી મેરનું એન્કાઉન્ટર કરી પરેશ શાહને છોડાવ્યો.

ભાવનગરમાં સુભાષ ત્રિવેદી ફરજ બજાવતા હતા ત્યારે ત્યાં રૂ૫યા ૫૬ લાખનાં હિરાની લૂંટ થઈ હતી અને હિરાનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો. પણ તેઓ છેક મધ્ય પ્રદેશથી લૂંટના આરોપીઓને પકડી લાવ્યા અને સાથે કિંમતી હિરા પણ. વેપારીને તેનાં હિરા પરત મળ્યા. એ સમયનાં ભાવનગર ડી.એસ.પી. કેશવકુમારે આ લૂંટનો કેસ ઉકેલાયા પછી કહ્યું હતું કે: ‘‘હું તો  પ્રકાશ મહેરા છું અમિતાભ બચ્ચન તો સુભાષ ત્રિવેદી જ છે.’’

તેઓ ખરેખર રિયલ લાઈફ હિરો છે. પણ તકલીફ એ છે કે એમનાં જેવા પાત્રો મોટા ભાગે ફિલ્મોમાં જ જોવા મળતા હોય છે. સામે છપ્પ્નભોગનો શણગાર લાગ્યો હોય ત્યારે ઉપવાસ કરવાનું આસાન હોતું નથી. આવી સ્થિતિમાં ભલભલાના વ્રત ભાંગી જતા હોય છે. આઈ.પી.એસ. થયા પછી પણ જળકમળવત રહી શકે એવી વ્યક્તિ કોઈ સંત કરતાં કમ નથી. આ કાદવ એવો છે કે તેનો રંગ લાગ્યા વગર રહેતો નથી. કેટલાંક અધિકારીઓ અડગ વૃક્ષની જેમ અડિખમ રહેવા  પ્રયત્ન કરે છે પણ નાણાંના વાવાઝોડામાં કેટરીના કે રીટા કરતાં વધુ તાકાત હોય છે. અને એ ઘણાંખરાં લોકોને મુળ સહિત ઉખાડી નાંખે છે. આપણે સૌ આઈ.પી.એસ. અધિકારીઓનો આદર કરીએ છીએ. પણ હકિકત એ છે કે તેમાનાં કેટલાંય કરતાં તો આપણા શાકભાજીવાળાની કે આપણાં ઘરની કામવાળીની નીતિમત્તા ઉંચી હોય છે. અહીં વાત ફક્ત કટાક્ષ કરવાની નથી ગંભીરતાથી ચિંતન કરવાની છે. અધિકારી જો નીતિમતાનું ધોરણ જાળવી રાખે તો રાજકારણીઓ તેમનું કશું જ બગાડી શકતા નથી. સમાજની દર્દશા માટે આપણે ત્યાં વારંવાર રાજકારણીઓને દોષિત ઠેરવવામાં આવે છે, વાસ્તવમાં આવા અપમાન પર અધિકારીઓનો પણ એટલો જ હક્ક છે. ઘણી વખત તો એવું બને છે કે મામુલી ગુનેગારને સખ્ત માર મારતા અધિકારીની સરખામણીએ ક્યારેક પેલો ગુનેગાર વધુ નિર્દોષ હોય છે.


બ્યુરોક્રસી પાસે  પ્રચંડ તાકાત હોય છે પરંતુ તેનાં સદુપયોગનાં બદલે દુરૂપયોગ વધુ થતો હોય છે. વ્યક્તિની ખરી કસોટી આવું પદ મળે ત્યારે જ થતી હોય છે. આપણે જાણીએ છીએ તેમ સુશિક્ષિત ભ્રષ્ટાચારી ખરેખર અભણ ક્રિમિનલ કરતાં વધુ જોખમી હોય છે. એટલે જ એક અંગ્રજ ફિલસુફે કહ્યું હતું કે બ્યુરોક્રસીનો આપણાં પર સૌથી મોટો ઉપકાર એ છે કે તેઓ કાર્યદક્ષ નથી. જો તેઓ કાર્યક્ષમ હોય તો આપણી હાલત વધુ ખરાબ હોત કારણ કે પોતાની તમામ શક્તિ કઈ દિશામાં ખર્ચ કરે છે એ સૌ જાણે છે. સુભાષ ત્રિવેદી  કહે છે: ‘‘જીવનની સાચી સમજ મેળવવી બહુ જરૂરી હોય છે, સુખ કયાંથી મળશે એ તમારે જ નક્કી કરવું પડે. ઘણાં લોકો ફક્ત દુન્યવી વાતોમાંથી સુખ શોધવાનો ઊંયત્ન કરતા હોય છે. સુખની વ્યાખ્યા તેનાં કરતાં કયાંય વિશાળ છે, વ્યાપક છે.’’ 

કેટલાંક અધિકારીઓ આપણે એવા પણ જોઈએ છીએ જે કેરિયરની શરૂઆતમાં તો બહુ કડક હોય છે પરંતુ પછી તે ટોળામાં ભળી જાય છે. કોલસાની ખાણ મહીં ઘુસી પછી તમારા શ્વેત વસ્ત્રોને સદૈવ ઉજળા રાખવાનું કઠીન છે. આઈ.પી.એસ. અધિકારી થઈને પણ મંત્રીશ્રીની કારનો દરવાજો તમે વગર કહ્યે ખોલી આપતા હોય તો સમજી લેવું કે તમારી લાયકાત ખરેખર એ જ છે. સુભાષ ત્રિવેદી બહુ અર્થસભર વાત કરે છે, ‘‘ઈમાનદારી મારી દ્રષ્ટિએ મોટામાં મોટું હથિયાર છે. બેઈમાન લોકો પોતાનો ડર દૂર કરવા માટે ભ્રષ્ટાચાર કર્યા રાખે છે. ઈમાનદારીમાં જબરદસ્ત તાકાત છે. જે વ્યક્તિ તમને ધિક્કારતી હોય એ પણ તમે જો ઈમાનદાર હોય તો ભીતરથી તમારો આદર કરે છે. કેટલાંય ધનકુબેરો આવીને જતા રહ્યાં પરંતુ ગાંધીજી હજુ ભુલાયા નથી, તેઓ શાશ્વત છે. હું માનું છું કે જે લોકો કુમાર્ગે હોય છે, તેમને તેમની એ બેઈમાની રોજ રાત્રે ખટક્યા કરતી હોય છે.

આઈ.પી.એસ. અધિકારીનાં સંતાનો અને પરિવારો મોટાભાગે સરકારી મશીનરીનો અંગત ઉપયોગ કરતા અચકાતા નથી. તેમને તેઓ પોતાનો અધિકાર જ સમજે છે ! પણ સુભાષ ત્રિવેદી એવા અધિકારી છે જેમનો પરિવાર સરકારી ફોનનાં ઉપયોગમાં પણ પુરેપુરો સંયમ જાળવે છે. તેમનાં પત્ની બસમાં મુસાફરી કરી શકે છે, કરે છે. તબીબી ચેકઅપ માટે પતિપત્ની સાથે ભાવનગરથી રાજકોટ બસમાં આવી શકે છે. સરકારી ગાડીનો ઉપયોગ તેઓ કરે તો કોઈ પુછનાર પણ ન હોય પરંતુ  પ્રમાણિકતા જેમના ડી.એન.એ.માં હોય તેમનાં  માટે એ શક્ય નથી. કારણ કે તેમને ભીતર બેઠા કોઈ ઊંશ્નો કરતું હોય છે. કોઈનું ચારિત્ર્ય જયારે આટલી હદે સુદ્રઢ હોય, નિષ્કલંક હોય ત્યારે તેમને લાંચની ઓફર પણ ન થાય એ સ્વાભાવિક ગણાય. સુભાષ ત્રિવેદી બહુ મહત્વપૂર્ણ મુદ્દા વિશે ચર્ચા કરે છે, ‘‘એક વ્યક્તિની જ્યારે  પ્રતિષ્ઠા જ આવી થઈ જાય ત્યારે લોકો તેને આ  પ્રકારની ઓફર કરતા જ નથી. મારી કેરિયરમાં મે અનુભવ્યું છે કે જો તમે મક્કમ હોય તો રાજકીય દબાણ જેવું કશું જ હોતું નથી. બસ તમે બદલી માટે તૈયાર હોય તો કોળ તમારું કશું જ બગાડી શકતું નથી.’’

જીવન  પ્રત્યેની તેમની સાચી દ્રષ્ટિ માટે સાહિત્ય અને વાચન જવાબદાર હોવાનું સુભાષ ત્રિવેદી સ્વીકારે છે. વાચનનું તેમને બંધાણ છે. ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોશીની ગધપદ્ય રચનાઓ ગમે, બક્ષી, ભગવતીકુમાર શર્મા, મુધરાયનાં લેખો પણ પસંદ. તળપદી શૈલીમાં લખાયેલા રાવજી પટેલનાં કાવ્યો એમનાં ફેવરીટ છે. વિદેશી સર્જકોમાં આલ્બેર કામુનું સાહિત્ય તેમને ગમે. ઙ્ગષિકેશ મુખર્જી શૈલીની હળવી ફિલ્મોનાં અને જાસુસી પરથી બનેલી અંગ્રોજી ફિલ્મો જોવાનાં તેઓ  પ્રથમથી શોખીન છે. ફિલ્મો વિશે વાત કરીએ ત્યારે આજે પણ તેમને સૌ પ્રથમ ગુલઝારી ‘ઈજાઝત’ જ યાદ આવે. 

ખુરસી પર બેસ્યા પછી નખશિખ પોલીસ અધિકારી બની જતા સુભાષ ત્રિવેદીને એવા તમામ શોખ છે જે એક સંવેદનશિલ વ્યક્તિને હોય. આશિત દેશાઈ અને પુરૂષોત્તમ ઉપાધ્યાયથી શરૂ કરી જગજીતસિંહ, ગુલામ અલી, મેહદી હસન સુધીના લોકોની ગઝલો એમને શાતા આપે છે. ક્રિકેટ માત્ર જોવું જ ગમે છે એવું નથી તેઓ સારું રમે પણ છે. મુળ ભાવનગરનાં રૂઝકાના વતની સુભાષ ત્રિવેદીએ પોતાની કેરીયર શાળાનાં શિક્ષક તરીકે શરૂ કરી હતી. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ જોડાવા પરીક્ષા આપી અને નોકરી મળ્યાં પછી આઈ.પી.એસ. થયા. ગોધરાથી લઈ ખંભાળીયા, રાજકોટ અને કચ્છમાં જયાં તેઓ મુકાયા ત્યાં તેમણે ઉત્તમોત્તમ કામગીરી કરી. અટલે જ ગુજરાતનાં પોલીસ ખાતામાં આજે તેમને સૌથી વધુ માનપૂર્વક જોવામાં આવે છે.