Tuesday, September 25, 2012

આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!



માન્યું કે ભાદરવાના તડકા આકરા હોય છે... પરંતુ નજરુંના તીરમાં ક્યાં ઓછી ટાઢક હોય છે! 
અન્યાય ... અન્યાય .... ઘોર અન્યાય.... 
ગુજરાતના યુવાનો બાપડા હરખાતા હરખાતા સવારમાં ફૂલફટાક થઇ ને નીકળી પડે અને લીલોતરી ને બદલે નજરે શું ચડે? 
એકવીસમી સદીના આધુનિક બુરખાઓ ધારણ કરેલી આવી તિતલીઓ ? 
જરા વિચારો, તેમના હૈયા પર કેવો વજ્રઘાત થતો હશે!
આ બુરખાના પણ પાછા મલ્ટિપલ ઉપયોગ: 
બગીચામાં છાનામાના કોઈને મળવું હોય તો બુરખો...
દબાતા પગલે ફિલ્લમ જોવા જવું હોય તો બુરખો...
કોઈના બાઈક પાછળ બેસવું હોય તો બુરખો....
કોલેજ બન્ક કરવી હોય તો બુરખો....
આમ અગણિત ઉપયોગ ધરાવતા આ બુરખાને કારણે યુવતીઓને તો નિરાંત છે પરંતુ યુવકોનું શું?
આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!
ગુજરાતના યુવાનોના ચહેરા પર ગુજરાતી યુવતીઓની જોરદાર થપ્પડ!

Monday, September 24, 2012

કે. લાલ: ઈશ્વર સૌથી મોટો જાદુગર છે


K. Lal
એમની માયાજાળ સિત્તેર - સિત્તેર વર્ષ સુધી ચાલી. 1940માં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વંથલી ગામે તેમણે પ્રથમ પ્રયોગ કર્યો. ત્યારે ઉંમર હતી 15 વર્ષ. અને આખરી વિદાય લીધી ત્યારે એમની ઉંમર લગભગ ૮૫ વર્ષ. કાંતિલાલ ગિરધરલાલ વોરા નામના આ કાઠિયાવાડી જાદુગર કડી થાક્યા નહિ. એમની સ્ફુર્તિ આઠ - આઠ દાયકા સુધી અકબંધ રહી. ૭૦ વર્ષ દરમિયાન તેમણે ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં લગભગ 18,500 શો કર્યા. આટલા શો વિશ્વના અન્ય કોઈ જ જાદુગરે કર્યા નથી તેવો તેમનો દાવો હતો. કાંતિલાલ ગિરધરલાલ વોરા નામ કંઈ અજાણ્યું લાગતું હોય તો તેમનું એક અન્ય નામ પણ છે. કે. લાલ. જાદુગર કે. લાલ. 
રિડિફ ડોટ કોમ માટે એક મુલાકાત લેવા મારે એમની સાથે પ્રથમ વખત મળવાનું બન્યું. અને પછી લગભગ ત્રણ બેઠકે ઇન્ટરવ્યુ થયો. એ આખી મુલાકાત જેમની તેમ અહીં મૂકી રહ્યો છું. એમના જ શબ્દોમાં ....

મારું બચપણ 

ગુજરાતી લોકસાહિત્યને સમૃદ્ધ કરનાર ઝવેરચંદ મેઘાણીનું અને મારું વતન એક જ અમરેલી જિલ્લાનું બગસરા ગામ. અમારા ગામેથી જ મહાત્મા ગાંધીએ સત્યાગ્રહનું એલાન આપ્યું હતું. મારા દાદા ગામના નગરશેઠ. ગામનું મહેમાન એ અમારું મહેમાન. કથાકાર હોય, લોક કલાકાર હોય કે પછી મદારી હોય અથવા આવા કોઈ પણ લોકો હોય. એ બધાનો ઉતારો અમારે ત્યાં જ હોય. જાતજાતના લોકોને મળવાનું થાય. 

હું જ્યારે છ વર્ષનો હતો ત્યારે મારા મોટા કાકાએ કલકત્તામાં ખાદી ભંડાર ચલાવવાનું છોડીને મારા પિતાને કલકત્તા બોલાવ્યા. કુટુંબ સાથે અમે કલકત્તા ગયા. બંગાળના મોટા મોટા જાદુગર પણ એ સમયે અડધો કલાકનો શો જ કરતા. 1947માં કલકત્તાની શ્યામબજારમાં જાદુગરોનું મોટું અધિવેશન હતું. એક નાના ગજાના જાદુગર તરીકે હું પણ ત્યાં ગયો હતો. બંગાળના મોટા મોટા જાદુગરો વચ્ચે એ ઉંમરે મેં માઇકમાં બે શબ્દો કહેવાની માગણી કરી. ઘણી વિનંતી પછી મને માઇક આપવામાં આવ્યું. મેં કહ્યું કે `આપણે સૌ જાદુગરો મોટી મોટી મૂછો રાખીએ છીએ, ડરામણાં મોઢાં રાખીએ છીએ, આંખ પરની નેણ પરાણે મોટી કરીએ છીએ, એકમાત્ર કાળો કોટ પહેરીએ છીએ અને તેના પર પણ જેટલા મળ્યા હોય એટલા ચાંદ લગાવીએ છીએ. છથી નવ ઇંચની ઊંચી હેટ પહેરીએ છીએ. આ બધું લોકોને ગમતું નથી. લોકો જાદુને માણવાને બદલે તેનાથી ડરવા માંડે છે. આપણે સૌ ખલનાયક જેવા લાગીએ છીએ અને વિલન કોઈને ગમતા નથી. આપણે હીરો બનીએ તો વધુ સારું રહેશે. અમેરિકન હેટ છોડીને રજવાડી પાઘડી પહેરીએ. ભારતીય પરંપરાને એ બંધબેસતું રહેશે. શેરવાની પણ જરૂરી છે. ત્યારના જાદુગરોને નભિમાંથી રાડો પાડીને બોલવાનું કહેવામાં આવતું. મેં કહ્યું કે `આવા બૂમબરાડા પણ જરૂરી નથી.' મારી આવી રજૂઆતથી ત્યાં હાજર રહેલા સૌ માંધાતાઓ ઉશ્કેરાઈ ગયા. એક વડીલે મારો ખભો પકડયો અને મને જબરદસ્તીથી બેસાડી દીધો. તેમણે મને કહ્યું , `અબે સાલે, તું ગુજરાતી કેસે જાદુગર બન સકતા હૈ, હમકો સલાહ દેને વાલા તૂ હોતા કૌન હૈ.' 

એમની ગાળ મને હાડોહાડ લાગી ગઈ. ગુજરાતીઓ શા માટે જાદુગર ન બની શકે? એ સજ્જનની વાત કરવાની ઢબ બિલકુલ યોગ્ય ન હતી. ગુજરાતીઓ પ્રત્યેનો તેમનો સૌનો અણગમો છતો થઈ જતો હતો. હું આખો ગુસ્સાથી ધ્રૂજતો હતો. દોડીને મેં ફરી માઇક ઝૂંટવી લીધું. હું ફટાફટ બોલવા માંડયો... `તમે ગુજરાતી વિશે મને મહેણાં મારો છો, પણ લખી રાખજો કે એક ગુજરાતી જે ક્ષેત્રમાં પગ મૂકે છે ત્યાં એ સર્વોપરી બને છે. અને હું એ વાત સાબિત કરી આપીશ.' 

મારો પ્રથમ પ્રયોગ 

એ બનાવને કારણે હું અંદરથી હચમચી ગયો હતો. પેલા સજ્જનનાં મહેણાંઓનો જડબાતોડ જવાબ આપવા માટે મેં જાતજાતની આઇટમો બનાવવા માંડી. કેટલાક અદ્ભુત પ્રયોગ તૈયાર કર્યા. 1951માં મેં મારો જાદુનો કાર્યક્રમ નિહાળવા માટે 300 જાદુગરોને આમંત્રણ આપ્યું. 

સ્થળ; રોકસી થિયેટર, કલકત્તા. 

મુંબઈથી મશહૂર જાદુગર ગોગિયા પાસા આવ્યા. મારા ગુરુભાઈ પી. સી. સરકાર પણ આવ્યા. એ શો પાછળ મેં વર્ષો મહેનત કરી હતી. અડધા કલાકના શોના એ જમાનામાં મેં ત્રણ કલાકનો એક શો કર્યો. નમ્રતાપૂર્વક કહું તો પ્રયોગ એટલો અદ્ભુત રહ્યો કે, બધા જ જાદુગરો મોંમાં આંગળાં નાખી ગયા. મેં મારા શોનું શક્ય એટલું ભારતીયકરણ કરી નાખ્યું. રાતોરાત જાદુની, જાદુગરની વ્યાખ્યા બદલાઈ ગઈ. 

જાદુનો જાદુ 

બાળપણથી જ આ કળા પ્રત્યે મને ખેંચાણ. ઘેર આવતા મહેમાનોમાં ઘણી વાર મદારીઓ પણ હોય. બીજા બધા દોસ્તારો મદારીથી બીવે, પણ હું તો એની પણ ભાઈબંધી કરી લઉં. ઘેર કંઈ સારું બન્યું હોય તો ચૂપચાપ મદારીઓના ઉતારા પર એ વાનગી લઈને પહોંચી જાઉં અને બદલામાં ક્યારેક એકાદ જાદુ પણ શીખી લઉં. ત્યારથી જ મનમાં ઊંડે ઊંડે જાદુગર બનવાના કોડ જાગ્યા. મદારી પાસેથી શીખેલા હાથચાલાકીના ખેલ શાળાના શિક્ષકો અને સહાધ્યાયીઓને દેખાડું. તેઓ કદર કરે અને મને કંઈક અલગ જ ખુશી થાય. એ અરસામાં જ કલકત્તા શિફ્ટ થવાનું બન્યું. પિતા પૈસેટકે ખૂબ જ સુખી. મને તેમણે કલકત્તાની એંગ્લો-ઇન્ડિયન સ્કૂલમાં દાખલ કર્યો. નાની ઉંમરથી જ હું પિતાની દુકાને બેસતો પણ મને ભણવામાં કે ધંધામાં બહુ રસ નહોતો પડતો. મને તો નાટક, ભવાઈ અને જાદુ જ ગમતાં. બંગાળ તો જાદુગરોનું સ્વર્ગ ગણાતું. પણ એ સમયે જાદુકળા માત્ર પ્રદર્શન પૂરતી જ મર્યાદિત. પ્રોફેશનલ ટચ હજુ તેમાં એટલી હદે નહોતો. અડધા કલાકના શો થાય અને 30-40 જણ એ જુએ. એ અરસામાં મારા કાકા મને બંગાળના જાણીતા જાદુગર ગણપતિ ચક્રવર્તીનો શો જોવા લઈ ગયા. મારી ઉંમર ત્યારે લગભગ બાર વર્ષ. શો પત્યા પછી મેં તેમના જાદુની એક આઇટમની થિયરી તેમને કહી. તેઓ દંગ રહી ગયા. તેમણે મને રોજ તેમની પાસે આવવા કહ્યું. ઘરના વડીલો પાસેથી આવી વાત માટે રજા મળે એવું તો વિચારી જ ન શકાય. એ પણ એ જમાનામાં? તેથી હું સ્કૂલે જતાં-આવતાં છાનોમાનો તેમની પાસે પહોંચી જતો. આવી જ રીતે ગોસાઇન નામના એક બીજા જાદુગર પાસે પણ હું અવનવી તરકીબો શીખવા પહોંચી જતો. 

1939ની વાત છે. અચાનક જ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અમારું કુટુંબ કલકત્તાથી બગસરા પરત આવી ગયું. 1940ની સાલમાં અમારે એક સંબંધીના લગ્નપ્રસંગે બગસરાથી વંથલી જાન લઈને જવાનું થયું. સગાંસંબંધીઓ વચ્ચે ત્યાં મેં અડધો કલાકનો એક નાનકડો શો કર્યો. ઘણા પ્રયોગો દેખાડયા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સગાંસંબંધીઓએ તાળીઓ તો ખૂબ પાડી પણ ઘેર આવતાં મને થપ્પડો પણ એટલી જ પડી. ગામમાં વાયુવેગે વાત ફેલાઈ કે `કાન્તિયો' કાળો જાદુ શીખીને આવ્યો છે. વાણિયાનો છોકરો સ્મશાનવિદ્યા અને ડાકણવિદ્યામાં પડયો એવું પણ લોકો ચર્ચવા લાગ્યા. પિતાજીએ અને બાએ મારી ધોલાઈ કરી નાખી. આખી જ્ઞાતિએ અમારા ઘરનું પાણી પણ હરામ કર્યું. અંધશ્રદ્ધાનો એ યુગ. 

હું એમને સમજાવતો કે હું કદી સ્મશાનમાં ગયો નથી. મેં કોઈ દેવને સિદ્ધ નથી કર્યા. પણ તેઓ મારી વાત સમજવા તૈયાર નહોતા. ત્યારથી જ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે આ કળા વિશે લોકોમાં રહેતી અંધશ્રદ્ધા હું દૂર કરીશ. 42-43ના વર્ષમાં અમારું કુટુંબ ફરી કલકત્તા ગયું. એ સમયે બંગાળમાં ગીતાકુમાર નામના એક જાદુગરનું જબરું નામ હતું. મેં મનમાં તેમને ગુરુ માની લીધા અને એક દિવસ વાસ્તવમાં જ તેમની મુલાકાત થઈ. એમની પાસે મેં જાદુ શીખવાનું શરૂ કર્યું. શાળામાં ગાપચી મારવાનું નિયમિત થઈ ગયું હતું. સતત ગેરહાજરીને કારણે મને મેટ્રિકની પરીક્ષામાં બેસવા ન મળ્યું. ભણવામાં અને ધંધામાં મન ન લાગ્યું તે ન લાગ્યું અને હું જાદુગર બનીને રહ્યો. 

પેટ્રોમેક્સથી કોમ્પ્યુટર સુધી 

1951ની સાલમાં મેં 300 જાદુગરો સમક્ષ એક અદ્ભુત શો કર્યો. જાદુના જે શો થતા હતા તેમાં માત્ર ચાર બલ્બનો અને પેટ્રોમેક્સનો જ પ્રયોગ થતો. મારા એ શોમાં મેં અનોખી લાઇટિગનો ઉપયોગ કર્યો. એ દહાડે મેં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ ચાલુ કર્યો. આજે તો હું મારી અમુક `આઇટમ'માં કોમ્પ્યુટર્સનો પણ ભારોભાર ઉપયોગ કરું છું. કોમ્પ્યુટરની કમાલ અને મારી હાથચાલાકીના પ્રતાપે એક સ્ત્રીના ટુકડેટુકડા જોવા મળે છે. 1951માં મેજિક શોને હું પેટ્રોમેક્સના યુગમાંથી બહાર લાવ્યો હતો. આજે કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરું છું ! ૫૦-૬૦ વર્ષોમાં કેટકેટલાં પરિવર્તનો આવી ગયાં આ ક્ષેત્રમાં! 



K. Lal 
મનોરંજનનાં આધુનિક માધ્યમો આવી ગયાં છે. વીતેલાં આ વર્ષો દરમિયાન જાદુનું આકર્ષણ બેશક થોડું ઓછું થયું છે. જોકે સાવ એવું નથી. હમણાં અમે સુરતમાં દોઢ મહિનાનો કાર્યક્રમ નક્કી કરીને ગયા હતા. પણ લોકોનો રિસ્પોન્સ એટલો હતો કે સાડા ચાર મહિના સુધી અમારે ત્યાં રોકાવું પડયું. ભુજમાં કાર્યક્રમ ચાલુ હતો ત્યારે `કૌન બનેગા કરોડપતિ'માં એક યુવાનને એક કરોડ રૂપિયાનું ઇનામ મળવાનું હતું. યુનિટમાં સૌને ચિતા હતી કે એ દિવસે આપણા ખેલ દરમિયાન પ્રેક્ષકો આવશે કે કેમ. ખેલ બંધ રાખવાની વિચારણા પણ ચાલુ હતી. પણ મેં કહ્યું,  `શો મસ્ટ ગો ઓન'. અમે શો ચાલુ રાખ્યો. અને ધાર્યા કરતાં અનેક ગણા પ્રેક્ષકો એ દિવસે આવ્યા. જોકે આ માહોલ ક્યાં સુધી ચાલુ રહેશે તેની અમને સૌને ચિતા છે. આ કળામાં સતત નવા-નવા પ્રયોગો કરતાં રહેવાનું હવે અનિવાર્ય બન્યું છે. 

મારો જાપાનીઝ અનુભવ 

 ૬૦-૭૦ વર્ષોની મારી કારકિર્દી દરમિયાન મેં સતત સંશોધનો કર્યાં છે. એટલે જ કદાચ હું આટલી હદે સફળ રહ્યો. વિશ્વના ખૂણે ખૂણે હું શો કરવા પહોંચી શક્યો છું. ફિજી જેવા ટચૂકડા દેશમાં છ મહિના સુધી શો કર્યા છે, મોરિશિયસમાં પાંચ મહિના રોકાયો હતો. આ 60 વર્ષોમાં નવ વર્ષ તો જાપાનમાં રોકાયો છું. છ-છ મહિનાના વિઝા પર અઢાર વખત જાપાન ગયો છું. જાપાન દેશનો સર્વોચ્ચ ગણાતો ખિતાબ `સાકી' પણ મને જાપાન સરકારે આપ્યો છે. આ એવોર્ડ મેળવનાર હું એકમાત્ર `બિનજાપાની' છું. જાપાનમાં મેં લગભગ 3200 શો કર્યા છે. 

જાપાનના મહાન ખગોળશાત્રી મીક્ષ્યો ઇનોવા એક વખત મારો શો જોવા આવ્યા હતા. શો પત્યા પછી તેમણે કહ્યું કે, ``અમને લાખો માઈલ દૂરના ગ્રહોની ગતિની ગતાગમ પડે છે પણ નજર સામે કાર્યક્રમ આપતા કે. લાલની ગતિવિધિની ખબર નથી પડતી.'' બીજા દિવસે જાપાનનાં લગભગ તમામ અખબારોએ ઇનોવાનું આ સ્ટેટમેન્ટ છાપ્યું. 

એ પછી જાપાની પ્રજા મારા પર વધુ ઓળઘોળ બની ગઈ. જાપાનની સરકારે ત્યાંના નાગરિકત્વની મને ઓફર કરી. મેં સવિનય અસ્વીકાર કર્યો. કુદરતે ખૂબ પ્રતિષ્ઠા અને નામના આપી છે. 250 કરતાં વધુ એવોર્ડ મને મળ્યા છે. 

મશહૂર જાદુગર પોલ ડેનિયલે એક વખત મારો શો જોઈને કહેલું કે, ``કે. લાલ જેટલી આઇટમ ત્રણ કલાકના શોમાં રજૂ કરે છે એટલી આઇટમ રજૂ કરતાં મને નવ કલાક લાગે.'' ન્યુ ઝીલેન્ડ અને ફિજીએ પણ તેમની સિટીઝનશિપની મને ઓફર કરી હતી. આટઆટલાં સન્માન મળ્યાં એ પાછળ ખરેખર ખૂબ મહેનત કરી છે. જાદુનો બધો આધાર ઝડપ, લાઇટિગ અને મહેનત પર હોય છે. આજે એક શો દરમિયાન હું 600 ડ્રેસ બદલાવું છું. ધર્મપત્ની પુષ્પાનો ટેકો પણ બહુ મળ્યો છે. મેં જ્યારે જાદુના શો કરવાનું નક્કી કર્યું ત્યારે એ માટેનાં સાધનો ખરીદવા પત્નીએ દાગીના વેચવા પડેલા. ઘણાં વર્ષો એણે મારા સ્ટેજની વ્યવસ્થા અને અન્ય તમામ જવાબદારી સંભાળી છે. 

જિંદગીની ખાટી-મીઠી 

સારા અનુભવો પુષ્કળ થયા છે તેમ ખરાબ અનુભવો પણ ઓછા નથી થયા. 1963માં મુંબઈની પોદાર કોલેજમાં `માટુંગા ગુજરાતી સમાજ' દ્વારા મારો એક શો યોજાયો. બંગાળના જાદુગરો સાથે ઘણાં વર્ષોથી બારમો ચંદ્ર. એક ટોચના બંગાળી જાદુગરે `લેડી કટિગ'ની જોખમી આઇટમમાં મારા જ યુનિટના એક કર્મચારીને પૈસા આપીને મારી ઇલેક્ટ્રિક કરવતનાં નટબોલ્ટ ઢીલાં કરાવી નાખ્યાં. સ્વિચ ચાલુ થતાં જ ઇલેક્ટ્રિક કરવત ઘરઘરાટી સાથે ચાલુ થઈ. હું તો મારા ખેલમાં મશગૂલ હતો પણ પત્ની પુષ્પાની નજર કરવત પર પડી. એનાથી ચીસ પડી ગઈ. પણ શો આગળ વધારવાનું જરૂરી હતું. માંડ માંડ એ ખેલ મેં પૂરો કર્યો. 

હું જરાપણ ગાફેલ રહ્યો હોત તો અમારા યુનિટની એ બંગાળી છોકરીનાં છોતરાં નીકળી જાત. પણ ઈશ્વરની કૃપાથી એવું કશું જ ન થયું. ત્યારે મને લાગ્યું કે જગતનો સૌથી મહાન જાદુગર કોઈ હોય તો એ ઈશ્વર જ છે. બેકસ્ટેજમાં જઈને મેં મારા પેલા કર્મચારી સામે જોયું. એ ભાંગી પડયો. એણે બધું કબૂલી લીધું. કરવતનાં બેરિંગ નીકળી ગયાં હોવાથી મેં બે હાથ બેરિંગની જગ્યાએ રાખ્યા હતા. એ દરમિયાન મારા બન્ને હાથ, હથેળી સખત છોલાઈ ગયાં. એ પછી પેલા મહાન જાદુગરે મને કદી મોં દેખાડયું નથી. એ બનાવથી મને સખત આઘાત લાગ્યો હતો. શરીરમાંથી ચેતન હણાઈ ગયું. કોઈની પ્રગતિ, કોઈની આંખમાં આટલી હદે ખૂંચી શકે! મહિનાઓ સુધી હું હતપ્રભ બની ગયો હતો. 

આવો વિચિત્ર અનુભવ એક વખત બહેરિનમાં પણ મને થયો હતો. હું બહેરિન ગયો ત્યારે ત્યાં કાળા વાવટાથી મારું સ્વાગત થયું. ત્યાંના રાજાના કોઈએ કાન ભંભેર્યા હતા કે કે. લાલ ભારતીય જાસૂસ છે. મેં મારા શોમાં `વોટર ઓફ ઇન્ડિયા'ની આઇટમની શરૂઆત કરી. એ મારી રેગ્યુલર આઇટમ હતી અને છે. પણ બહેરિનના રાજાએ મને ફરમાન કર્યું કે એ પ્રયોગમાં `વોટર ઓફ ઇન્ડિયા'ને બદલે `વોટર ઓફ બહેરિન' બોલવું. મેં તેમને સમજાવ્યું કે, `હું ભારતીય છું એટલે માત્ર દેશપ્રેમને કારણે જ આવું બોલું છે.' બાદશાહ ન માન્યા. એમણે મને કહ્યું કે, `બહેરિનમાં શો કરવા હશે તો વોટર ઓફ બહેરિન બોલવું પડશે.' મને એમની વાત મારા અને ખાસ કરીને ભારતના અપમાન જેવી લાગી. અમારા સ્પોન્સરે મારી પાસેથી સાડા સાત લાખ રૂપિયા પાછા માગી લીધા. સ્ટીમર વાટે માલ પરત મોકલવાના 50 હજાર રૂપિયા પણ મારે ચૂકવવા પડયા. બહેરિનમાં રહેવાનું ભારે થઈ ગયું હતું. અંતે ત્યાંના એક સરદારજી મારી વહારે આવ્યા. રાતોરાત એમણે મને ભારત પાછો મોકલ્યો. બહેરિનના શાસકોની એ હરકતના કારણે મારા એ પછીના દુબઈના અને મસ્કતના શો રદ થયા. ત્યારથી મેં ગાંઠ વાળી છે કે મધ્યપૂર્વના દેશોમાં કદી ન જવું. 

મિડલ ઇસ્ટના અન્ય એક દેશ, કુવૈતમાં તો વળી સાવ વિચિત્ર અનુભવ થયો હતો. ઇસ્લામમાં જાદુને વર્જ્ય ગણવામાં આવ્યો છે. મેં મારી જાહેરાતોમાં લખ્યું હતું કે `જીવતી સ્ત્રીના ટુકડા કરીને તેને ફરી સજીવન થતી જુઓ.' ત્યાં લોકો કહે છે કે માણસને મારવો કે સાજો કરવો એ ખુદાનું કામ છે. કોઈ ઇન્સાન એ કાર્ય કેવી રીતે કરી શકે! કુવૈતના શેખે મારો વિરોધ કર્યો. મેં તેમને તેમના મહેલમાં જઈને સમજાવ્યા કે આ કોઈ કાળો જાદુ નથી, માત્ર હાથચાલાકી છે. માંડ તેમણે મને સાત દિવસની મંજૂરી આપી. પણ કુવૈતના લોકોનો એવો રિસ્પોન્સ મળ્યો કે મેં ત્યાં સાત મહિના સુધી શો કર્યા. પરમિશન પણ મળી. અને કુવૈતનો સર્વોચ્ચ ખિતાબ પણ મને એનાયત થયો! 

જાતજાતના અનુભવો થયા છે. અમેરિકાના જ્હોન હાલ્વર્ટ, રશિયાના સેમન રૂબોનોયે અને ઓસ્ટ્રેલિયાના કેન લેટલથૂડ જેવા સર્વકાલીન જાદુગરોએ મને નવાજ્યો છે. છતાં હું માનું છું કે હજુ હું ઘણુ શીખી શકું છું. જાદુવિદ્યાને લગતાં 10 હજાર કરતાં વધુ પુસ્તકો મારી પાસે છે. એ બધાંનો હું સતત અભ્યાસ કરતો રહું છું. ઇન્દિરા ગાંધીએ એક વખત અમદાવાદમાં મારો શો જોયા પછી `મેજિક ઇન્સ્ટિટયુટ' શરૂ કરવાની ઓફર કરી હતી. એ માટે દસ કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે તૈયારી દર્શાવી. જોકે એ સ્વપ્ન ક્યારેય પૂરું ન થયું. 

આજે પણ દરેક શોનો પ્રારંભ શ્રીફળ વધેરીને, નવકાર મંત્રથી કરું છું. હતાશાના ઘણા તબક્કા આવ્યા છે. ઈશ્વરે એ બધાં જ વિઘ્નો પાર કરાવ્યાં છે. એવો જ સધિયારો હતો સ્વ. જયભિખ્ખુનો. સાહિત્યકાર જયભિખ્ખુ મારા પ્રેરણાગુરુ રહ્યા છે. નિષ્ફળતા અને ચિંતાથી ઘેરાઈ જઉં ત્યારે એમના પત્રો મલમ જેવું કામ કરતા. એમના પત્રો મને મળતા ન હોત તો હું કદી આ સ્તરે પહોંચી ન શક્યો હોત. પુત્ર હસમુખ પણ જુનિયર કે. લાલ તરીકે અત્યારે સાથે જ શો કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ એક પરિમાણ મારા શોમાં ઉમેરાયું છે. પણ હજુ લોકોની જાદુ પ્રત્યેની ઞષ્ટિ બહુ બદલાઈ નથી. કેટલાક લોકો આજે પણ મેજિકને કાળો જાદુ કે સ્મશાની વિદ્યા માને છે. 

અંધશ્રદ્ધા દૂર કરવા એટલે જ હું સતત પ્રયત્નશીલ છું. મેં સત્ય સાંઈબાબાને પણ ચમત્કાર સાબિત કરવા પડકાર ફેંક્યો હતો. આંધ્રમાં મારા કાર્યક્રમ દરમિયાન પત્રકારોની હાજરીમાં મેં તેમનાથી પણ વધુ ભસ્મ કાઢીને બતાવી હતી. ત્યારે કેટલાંક અખબારોએ લખ્યું હતું કે સત્ય સાંઈબાબા છળકપટ કરે છે. આનાથી ઉશ્કેરાઈ, આંધ્રના એક પ્રધાને મારું લાઇસન્સ પણ રદ કર્યું હતું. એ પછી મેં સત્ય સાંઈબાબાને સામસામે બેસવાની ચેલેન્જ કરી. તેઓ તૈયાર થયા અને છેલ્લી ઘડીએ ફરી ગયા. હું તો માનું છું કે જાદુટોણાંનો દાવો કરતા આ બધા બાવા-સાધુ અને ફકીરો અસફળ જાદુગરો જ છે. એનાથી વિશેષ કશું જ નહીં. છેલ્લાં પચાસ વર્ષોમાં ઘણું બદલાયું છે પણ આવાં ધતિગ હજુ અવિરત ચાલુ છે. અંધશ્રદ્ધા હજુ અખંડ છે. 

Saturday, September 22, 2012

સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે! કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે



અમે તો આવું બી લખીએ!! 
કવિતા મારો વિષય નથી પણ વિષયમાં જ બંધાઈ રહેવું એ ફિતરત નથી. 
ક્યારેક બહુ આવેગો અને સંવેદના અનુભવાય અને આવું કંઇક ભીતરથી સરી પડે.
આવી રચનાને શું કહેવાય એ ખ્યાલ નથી, રચના કહેવાય કે નહિ એ પણ રામ જાણે. 
તમને ગમશે કે નહિ એ મને ખ્યાલ નથી, પણ ફીડબેકની પરવા કાર્ય વગર સતત આવું કશુંક ટપકતું રહેવાનું છે એ ખ્યાલ છે. 
કદાચ એ કોઈ બિમારી હશે. નહિ માલુમ. ક્યાંથી આવતું હશે, કોને ખબર. 
શક્ય છે કે, કદાચ એ અનુભવોનો અર્ક હોય,
એવી પણ શક્યતા કે, એ ઠાલો તર્ક હોય.
એ શું છે એ તમે નક્કી કરજો, મને તો એટલો ખ્યાલ છે કે, એ લખ્યાનો મને આનંદ થયો.
તમને વાંચતા કષ્ટ પડે તો માનજો કે, કોઈ બાપડા નવોદિતનો ઉત્સાહ ભાંગી ના જાય એટલે તમે વેઠી લીધું.... 
=========================================



ના! હું છંદોબદ્ધ નહિ લખું 
હું બંધારણમાં પણ નહિ કહું 
આપણાં શ્વાસોનું એકબીજાનામાં ઘોળાઈ જવું એ શિખરીણી છે કે મંદાક્રાન્તા?
મારું અને તારું એકમેકમાં ઓગળી જવું એટલે શું? 
સ્વાગતા કે રથોદ્વતા? 
અને તને જોઉં જ્યારે મઘમઘતી કે તગતગતી ...
ત્યારે એને શેમાં વર્ણવવું?:
રુચિરામાં?, માલિની?, સુવદના?, કે સ્રગ્ધરામાં? 
આ લાગણીઓ ક્યાં કદી બંધારણમાં માને છે 
એને આપણે લાગલગા ગાલગાલ કહીએ તો ક્યાં ચાલે છે!
એ આમતેમ દોડતી રહે છે, ભાગતી, અથડાતી-કુટાતી અને ફરી સર્જાતી 
હું ક્યારેક દુહામાં કહેવા જાઉં અને હાલત હોય ઓથેલો જેવી
ક્યારેક હોથલ જેવા હાલ અને જીભે આવે ઓપેરા 
કોઈ વખત વાત હોય યુગો જેવડી અને લોકો કહે કે, હાઈકુમાં કહો 
ક્યારેક કંઈ જ ના કહેવું હોય અને આગ્રહ થાય કે ખંડકાવ્ય ફરમાવો
ઉર્મીઓ આમતેમ અફળાતી હોય ત્યારે ગઝલ  કેમ કરી લખું?
જાત આખી રિબાતી હોય ત્યાં હઝલ શીદને લખાય?
સોનેટમાં આવી આખી દાસ્તાન કેમ કરી ને મંડાય?
ભીતર હોય કોલાહલ અને ગેય રચના કેમ કરી લખવી?
પ્રગટે માંહે સુરાવલી ત્યારે અગેય કેમ કરી આલેખવી?
સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે!
કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે 
સંધિઓ છુટ્ટી પડે છે ત્યારે અલંકારો સઘળા ઓગળી જાય છે
જીવનમાં એક ઝંઝાવાત ફૂંકાય છે અને તાલ - માત્રાનો છેદ ઉડી જાય છે
દુખડાનો વ્યતિરેક થાય થાય ત્યારે જિંદગી વ્યાજસ્તુતિ કરતી હોય એવું લાગે
આ માયાજાળ સ્વયમ એક શ્લેષ છે 
અને આપણે એને ઉપમા કેમ કરી આપીએ?
આ નિપાત, આ કર્તરિ અને આ વિભક્તિ... 
આયખું આવી કોઈ સંજ્ઞામાં માનતું નથી
તારા અને મારા સંબંધોનું કોઈ બંધારણ નથી
એને અલંકારોની જરૂર નથી અને છંદોબદ્ધ એ થઇ ના શકે
એ હાઈકુમાં સમાતા નથી અને ગઝલમાં સચવાતા નથી
તેની સંધિ છુટ્ટી નથી અને સમાસ બન્યો નથી 
એટલે જ......
 ના! હું છંદોબદ્ધ નહિ લખું 
હું બંધારણમાં પણ નહિ કહું !

-કિન્નર આચાર્ય