Wednesday, July 10, 2013

Rajkot

રંગીલું જ નહિ, રાઉડી રાજકોટ: 

ભડભાદર જેવું મહાકાય ગામડું 

7 જુલાઈ એટલે રાજકોટનો જન્મ દિવસ ....
404 વર્ષના થયેલા આ શહેર પર 7 જુલાઈ - 2013ના
દિવસે "મુંબઈ સમાચાર"માં છપાયેલો મારો લેખ



એક ગુજરાતી ફિલ્મના ગીત પરથી રાજકોટ માટેનો નવો શબ્દપ્રયોગ શરૂ થયો: ‘રંગીલું રાજકોટ’. શબ્દ બહુ સામાન્ય છે પણ રાજકોટના સ્વભાવને અનુરૂપ છે. રાજકોટ રંગીલું છે. એકદમ કલરફુલ. એ અમદાવાદ જેવું કંજૂસ નથી. વડોદરા જેવું નીરસ નથી અને સુરત જેવું કોસ્મોપોલિટન નથી. આપણે ઘણી વખત ઈશ્ર્વરની અપરંપાર લીલાને યાદ કરીએ છીએ, કહીએ છીએ કે તેણે કેટલી કુશળતાથી મનુષ્યની રચના કરી હશે કે પૃથ્વીના કોઈ બે મનુષ્યના ચહેરા પણ એકસમાન નથી હોતા. વાત સાચી છે પણ મનુષ્ય એક ગ્રેટ કલાકાર છે. જરા વિચારો: તમે ક્યારેય એકસરખા હોય એવાં બે શહેરો ભાળ્યાં છે? મનુષ્યની લીલા પણ અપરંપાર છે: દરેક શહેરનો ચહેરો જુદો, તાસીર નોખી, બોલી અલગ અને રહેણીકરણી ભિન્ન. રાજકોટ અનોખું છે, એકમેવ છે. તેના સ્વભાવમાં બેફિકરાઈ પણ છે અને ઉદ્યમ પણ છે. આળસ પણ ખરી અને મહેનત પણ પુષ્કળ. આ શહેર ઈઝી મની પાછળ દોટ મૂકનારું છે એટલે જ ક્યારેક એના લક્ષણ આપણને આડી લાઈને ચડેલા યુવાન પુત્ર જેવા લાગે, તો ક્યારેક બેકાબૂ, લગામવિહોણું દીસે છે.

શેરબજારમાં રોકાણની બાબતે મુંબઈ, અમદાવાદ અને જયપુર પછી રાજકોટનો ચોથો નંબર આવે છે અને કોમોડિટીના સટ્ટામાં એ દેશમાં એકથી પાંચમાં સ્થાન પામે છે. અહીં એકસોમાંથી બસ્સો રાજકારણીઓ જમીન વ્યવસાયમાં ભૂસકો મારી ચૂક્યા છે અને એ બસ્સોમાંથી ત્રણસો જણ જમીન કૌભાંડોમાં પ્રવૃત્ત છે - અહીં જે રાજકારણી જમીન પચાવી પાડવાના ધંધામાં નથી એ આદિમાનવની કે વિચરતી - વિહરતી જાતિની કેટેગરીમાં આવે છે. અધિકૃત આંકડા કહે છે કે, લેન્ડસ્કેમ બાબતે આ શહેર દેશનું કેપિટલ છે અને આત્મહત્યાની સંખ્યામાં પણ એ અવ્વલ છે. તેના રિયલ એસ્ટેટના ભાવો મુંબઈના જેવી ગતિથી વધે છે. આવા અગણિત સમાચારો દરરોજ આવતા રહે છે. આ શહેરના ડી.એન.એ.માં સટ્ટો છે. પાનની દુકાનથી લઈને, ચાની લારીથી લઈને, અહીં કોર્પોરેટ કંપનીની ઓફિસોમાં નિફટી અને રિલાયન્સની ચર્ચા નિત્ય થતી રહે છે. મજાકમાં ઘણી વખત કહ્યું છે જેનું ઘર આખું ઊંધું કરી નાખો તો પણ અઢીસો ગ્રામ ચણા ન નીકળે એવા લોકો એમ.સી.એક્સ. કે એન.સી.ડી.એક્સ.ના ટર્મિનલ પર બેસી પાંચ-દસ ટન ચણા (અલબત્ત સોફ્ટ કોપીમાં) ખરીદી લે છે! બેંક અમલદારથી માંડીને અનેક સરકારી કચેરીના કર્મચારીઓ નિયમિતપણે ગૂટલી મારી શેરબજારના ટર્મિનલ પર ગોઠવાઈ જતા હોય છે.

ફિલ્મ ‘કમિને’નો નાયક તેની તોતડી જબાનમાં વારંવાર એક સંવાદ વદે છે: ‘પૈસા કમાને કે દો હી રાસ્તે હૈ, એક ફોર્ટ કટ, દુફરા, છોટા ફોર્ટ કટ!’ આ ફિલ્મી ડાયલોગ અહીંના યુવાધન માટે જાણે જીવનમંત્ર છે. ક્રૂડનો ભાવ શા માટે વધશે? ગોલ્ડ-સિલ્વર શા માટે પટકાઈ રહ્યાં છે? નિકલ અને ઝિન્ક ટોચ પર કેવી રીતે પહોંચ્યાં, શા કારણે પછડાયાં? અને યુરોપની મંદીનાં કારણો ક્યાં છે? એવી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો રાત્રે પાનના ગલ્લે કલાક ઊભા રહો. સી.એન.બી.સી. પર જે તમને જાણવા ન મળે એવો જગતભરના કોમર્સનો માહિતી સંચય ત્યાં મળી રહેશે. હા! તેમને રાજ્યના આરોગ્ય, મહેસૂલ કે શિક્ષણ કે કાયદામંત્રીનાં નામ પૂછશો તો ખ્યાલ નહીં હોય. ચારસો વર્ષના ઈતિહાસમાં આ શહેરને આ ત્રણેક વર્ષ પહેલાં પ્રથમ વખત યાદ આવ્યું કે તેનો જન્મદિવસ ક્યારે છે!

શેરબજાર અને કોમોડિટી ઉપરાંત સરેરાશ રાજકોટવાસીઓના રસનો વિષય છે - રિયલ એસ્ટેટ. એક સમયે બિહારનો ઊગતો યુવાન અપહરણ અને ખંડણીના વ્યવસાય પ્રત્યે આકર્ષાયો એમ આજનો રાજકોટિયન જમીન-મકાનના વ્યવસાયના પ્રેમમાં છે. ઓછી મહેનતે લણેલાં ઝાઝેરાં નાણાંએ અહીંના શહેરીજનને રંગીનિયતની ભેટ આપી છે. જે નાણાં મેળવવા કાળી મહેનત થઈ હોય એ પૈસો જલદી ગાંઠેથી છૂટતો નથી. જ્યાં ઈઝી મની છે, ત્યાં રંગીનમિજાજી છે. હા! આ શહેર રંગીલું છે. મોજીલું છું. અહીં માત્ર એક નોકરી કે એક વ્યવસાય કરવો એ પાપ છે, અધર્મ છે. અહીં શ્ર્વસવું હોય તો સાઈડ બિઝનેસ કે ચતુરાઈપૂર્વક ઈન્વેસ્ટમેન્ટ કરવું અનિવાર્ય છે. આ નગર મોંઘું છે. કોઈ દેખીતા કારણ વગર અહીં જમીનથી લઈ કામવાળીના ભાવ ઊંચકાતા જાય છે. નથી કોઈ મોટા ઉદ્યોગો, નથી કોર્પોરેટ્સ, નથી ખનીજો કે નથી પર્યટન. આબોહવા ગરમ છે, પાણીકાપ કાયમી. છતાં કોઈ અગમ્ય કારણોના લીધે સ્થાનિક બજાર ભડભડ બળે છે. આ શહેરમાં જે ભાવે ફ્લેટ મળે છે એટલી કિંમતમાં અમદાવાદમાં તમે રો હાઉસ ખરીદી શકો છો. ઈઝી મની બહુ વિપુલ પ્રમાણમાં બજારમાં ઠલવાતું રહે છે અને સામાન્ય જનનું જીવન વધુ દુષ્કર બનતું રહે છે પણ, આ બધી ઘટના-દુર્ઘટનાઓ વચ્ચે એવરેજ શહેરીજન ખુશ છે. એની અપેક્ષાઓ નાની છે અને સુખ પણ નાનાં-નાનાં. કોઈ દિવસ પાણી જો ફોર્સથી આવે અને પાછલા ફળિયાના ટાંકા લગી પહોંચી જાય તો એ એમના માટે સુખ છે. જેમ દરેક ઘરમાં એક મેઈન ડોર હોય છે તેમ અહીં પ્રત્યેક ફળિયે એક બોરવેલ હોય છે. આ શહેરમાં છેલ્લાં વીસ વર્ષથી પાણીકાપ અમલમાં છે, કોઈ દિવસ વીસ મિનિટને બદલે અર્ધો કલાક પાણી આવે તો એ એક અવસર ગણાય છે, તહેવાર વખતે સળંગ બે-ત્રણ દિવસ પાણી આવવાનું હોય તો એ ન્યુઝ બની જાય છે અને શેરી-મહોલ્લામાં લાકડિયા તારની જેમ પ્રસરી જાય છે. બપોરે વામકુક્ષિનો સમય ચોરી લેવો એ સુખ છે અને રાત્રે જમ્યા પછી રિંગ રોડની પાળીએ અન્ડર બ્રિજના ઉપલા માળે ટાંટિયા લાંબા કરી હવા ખાવી એ પણ એમની સુખની વ્યાખ્યામાં આવે છે.

મુંબઈ અને બેંગલોરમાં કે વૈશ્ર્વિક સ્તરે સ્વીકાર્ય એવી નાઈટ લાઈફની વ્યાખ્યા કરતાં તદ્દન અલગ અને સાત્ત્વિક નાઈટ લાઈફ એ રાજકોટની એક ઓળખ છે. અહીં પબ નથી એટલે જામ ટકરાવવાનો પ્રશ્ર્ન નથી. ચાની લારીઓ પર મોડે સુધી અર્ધી ચાના ‘કઠિયાવાડી જામ’થી ચિયર્સ થતું રહે છે. બહારના લોકો રાજકોટ આવે તો કુતૂહલથી પૂછે છે કે, ‘ચામાં તમને શો આનંદ મળે?’ વેલ, ચાય તો બહાના હૈ, ઈનફેક્ટ, આ ગોસિપ પ્રેમીઓનું નગર છે. ચાનો ટેકો માત્ર છે. અહીં એનીથિંગ હેપની શકે છે! જો છાશને તમે કચ્છી બિયર કહેતા હોય તો ચા એ કઠિયાવાડી બિયર ગણાય. અર્ધી રાત્રે ચા સાથે થેપલાં-રાયતાં-મરચાંનો નાસ્તો કરનારું આ એકમાત્ર નગર હશે કદાચ આખા મલકમાં. 

‘રાજકોટમાં રહ્યા તેને બીજે ક્યાંય ફાવે નહીં’ એવું વાક્ય તમને ઓલમોસ્ટ પ્રત્યેક રાજકોટવાસી પાસેથી સાંભળવા મળશે. જાણે તકિયાકલામ. ક્યાંથી ફાવે! કયા શહેરમાં રાત્રે બાર વાગ્યે લીંબુ-સોડા પીવા નીકળતા લોકો હશે! અને કયા નગરમાં આવા ગ્રાહકોની રાહ જોઈ ઊભેલો સોડાવાળો મળશે? ચા અને લીંબુ-સોડા અહીંનાં રાષ્ટ્રીય પીણાં છે અને નેશનલ ડિશ છે, ગાંઠિયા, ફાફડા, ટાઈમ માગી લે છે એટલે કાચા-પાકા વણેલાએ તેનું સ્થાન લઈ લીધું છે. જલેબી અહીં અચૂક તેલમાં બનેલી જ મળે. વણેલા હજુ પાણીમાં તળેલા નથી મળતા એ સારું કહેવાય. ફરસાણના ભાવ વધે તો અહીં ન્યુઝ બની જાય. માગ ઊઠે કે, કલેક્ટરે ભાવબાંધણું કરવું જોઈએ! અલ્યા ભાઈ, ચેવડો-ગાંઠિયાને આવશ્યક ધારામાં આવરી લેવાના બદલે ફરસાણ થોડો દિવસ બંધ કરો તો ના ચાલે? ના ચાલે. રવિવારે સવારે ગાંઠિયા લેવા જાઓ તો તમારી સાથે એવું વર્તન થાય છે જાણે કોઈ કડક માસ્તર પોતાના તોફાની વિદ્યાર્થીને પાઠ ભણાવી રહ્યો હોય. લોકો ભજિયાં ખાવા એટલા તત્પર હોય છે કે પા ઈંચ વરસાદનું એક માવઠું અમથું આવે કે ભજિયાં લેવા હડિયું મેલે. ભલાદમી, વરસતા વરસાદમાં એકાદ કપ ગરમાગરમ કોફી ના પી શકાય? ના. ભજિયાં જ જોઈએ.

રાજકોટનો પોતાનો રંગ છે અને પોતીકી મોજ. રિક્ષા પાછળ અહીં લખ્યું હોય છે: મોજે દરિયા, એની મોજ કેવી હશે અને દરિયો કેવો એ એ જ જાણે. પૂછવાની મનાઈ છે. અહીં દરેક મનુષ્યને તેની પોતાની મોજ છે. રિક્ષાવાળો ઈન્ડિકેટર આપ્યા વગર કે હાથ કાઢ્યા વગર ગમે તે તરફ ટર્ન લઈ શકે છે, તમે લેફ્ટસાઈડમાં પ્રેમથી ટૂ વ્હીલર પર જતા હોવ ત્યાં અચાનક જ સામેથી, રોંગ સાઈડમાં બીજું ટૂ વ્હીલર આવી શકે છે. તમે માંડ અકસ્માત થતો બચાવો અને એની સામે જુઓ એ પહેલાં એ અસલ કઠિયાવાડીમાં પંચાક્ષરી શ્ર્લોક પઠન શરૂ કરી દે છે. તમે કહો છો કે વાંક તમારો છે, રોંગ સાઈડમાં તમે હતા. તો એ કહે છે, સાઈડ અને રોંગ સાઈડ... આંખ્યું છે કે કોડા? હામું ધ્યાન તો રાખ! અહીં એવી આઈટમોની સંખ્યા બહુ મોટી છે જે રોજ ઝઘડવાનો નિશ્ર્ચય કરી ઘેરથી નીકળે છે. જે દહાડે એ કોઈને ગાળો ન ભાંડે, એને ઊંઘ નથી આવતી. સવાર-સવારમાં ડખ્ખો થાય તો એનો દિવસ સુધરી જાય. આ નગર રફ-ટફ છે. ડગલે ને પગલે એ તમારી ટફનેસની, તમારી મેટલની કસોટી કરે છે. અહીં રહેવું હોય તો તમારે આવી કળતરોને વશ થઈ રહેવું પડે અથવા તેના કરતાં મોટી કળતર બનવું પડે. અહીં તમે રંગીલા, મોજીલા હો એટલું જ પૂરતું નથી, સર્વાઈવ થવા માટે તોરીલા પણ બનવું પડે છે!

મહાનગર બનવા તરફ ધસી રહેલા આ શહેરમાં હજુ શિષ્ટાચારનો અભાવ દેખાય છે. સારી સોસાયટીઓમાં ત્રણ બેડરૂમના મકાનમાં રહેતા સજ્જનો પણ વહેલી સવારે શેરીમાં લુંગી અર્ધી ચડાવી બ્રશ કરતા, કોગળા કરતા જોવા મળી જાય. એંઠવાડ હજુ અહીં શેરીમાં જ ઢોળવાનું ચલણ છે. મહત્તમ કિસ્સામાં રોડની વચ્ચોવચ. એ ઝાપટી જવા ગાયો સતત ત્યાં ખડેપગે જ મળે. ગામડામાં હોય એવાં તમામ લક્ષણો અહીં જોવા મળે. નાનીશી ઘટના ક્યારે શહેરનો હોટ ટોપિક બની જાય એ નક્કી નહીં. રાજકોટની વસ્તી ઝડપભેર વધી રહી છે. લેટેસ્ટ આંકડાઓ કહે છે કે હવે અહીં સત્તર લાખની વસતિ થઈ ગઈ છે. સમસ્યા એ છે કે અહીં આસપાસનાં ગામડાંમાંથી સ્થળાંતર વધુ થઈ રહ્યું છે અને આ પ્રજા રાજકોટમાં ભળી જવાને બદલે રાજકોટને પોતાનામાં ભેળવી રહી છે. શહેરી સૌજન્ય-શિષ્ટાચાર એમને જલદી રુચતાં નથી. એટલે જ ક્યારેક આ શહેર એક નાના મહાનગર કરતાં પણ એક મહાકાય ગામડા જેવું વધુ લાગે છે. જો કે, આ બધાં જમા-ઉધાર વચ્ચે પણ સરેરાશ રાજકોટિયન આ શહેરના પ્રેમમાં છે. પ્રેમમાં પડેલા લોકોને સામા પાત્રની ઊણપો પણ પ્લસ પોઈન્ટ જેવી જ લાગે!