Thursday, July 26, 2012

Char Dham Yatra


સરકારી બેદરકારીના કારણે ચારધામનાં
યાત્રાળુઓ સ્વર્ગ સિધાવી જાય છે!

બદ્રિનાથ ''બદ્રિનાથ પાસે બસ ખાઇમાં ખાબકતાં 32 યાત્રાળુઓના મૃત્યુઃ 12ને ગંભીર ઇજા''
''ગંગોત્રી નજીક ઇનોવા ખાઇમાં ગબડી જતાં આઠનાં મૃત્યુ''

''યમુનોત્રી નજીક ભૂસ્ખલન થતાં યત્રિકોની બસ પહાડ હેઠળ દટાઇલ 24ના મોત, 18 ઘાયલ''

''બદ્રિનાથ-ગંગોત્રી માર્ગ પર ભૂસ્ખલનઃ 1200 યાત્રાળુઓ ફસાયા. પાંચ દિવસથી ફસાયેલાં યાત્રિકોને કોઇ જ સહાયતા મળી નથી. ખાવાપીવાની વસ્તુઓમાં ઉઘાડી લૂંટ. કડકડતી ઠંડીમાં રસ્તા પર રાત ગુજારતા યાત્રાળુઓ''

''કેદારનાથની યાત્રાએ જતી બસ ખીણમાં પડીઃ 40 યાત્રાળુઓની શોધખોળ ચાલુઃ સૈન્યના જવાનોનું શોધખોળ અભિયાન શરૂ''

''દ્વારકાનાં 350 ગૂગળી બ્રાહ્મણો બદ્રિનાથના માર્ગે ફસાયાઃ ચાર દિવસથી રસ્તા પરઃ ગુજરાતના મુખ્યમંત્રીની મદદ મંગાઇ''

-----------------

આવા અનેક સમાચારો તમે તાજેતરમાં જ વાંચ્યા હશે. દર વર્ષે મે મહિનાથી ઓક્ટોબર સુધીના લગભગ છ માસ સુધી નિરંતર આવા સમાચાર આવતાં રહે છે. ઉત્તરાંચલમાં આવેલા હિન્દુ ધર્મના ચારધામ ગણાતા ગંગોત્રી, યમુનોત્રી, બદ્રિનાથ અને કેદારનાથની યાત્રા બાબતે દર વર્ષે આવતા આવા સમાચારો એટલી હદે `રૂટિન' જેવાં બની ગયાં છે કે, કોઇને વિચાર સુદ્ધાં નથી આવતો કે, યાત્રાળુઓ છેવટે શા માટે પોતાનાં પ્રાણ ગુમાવે છે.

પ્રવાસન અને યાત્રા પ્રત્યે આપણે ત્યાં જે બેદરકારી પ્રવર્તે છે તેનો આ ચારધામ યાત્રા ઉત્તમ નમૂનો છે. દર વર્ષે ઉત્તરાંચલ રાજ્ય (હરિદ્વાર, ઋષિકેશ, મસુરી, નૈનિતાલ, બદ્રિ-કેદાર, ગંગોત્રી-યમુનોત્રી)ના પ્રવાસે લગભગ અઢી કરોડ પર્યટકો આવે છે. જેમાંથી બહુ મોટી સંખ્યા ચારધામનાં યાત્રાળુઓની હોય છે. અધિકૃત આંકડા મુજબ આ યાત્રાળુઓમાંથી ગુજરાતીઓની સંખ્યા સાડા છ લાખ કરતાં વધુ હોય છે. આંકડાઓ કહે છે કે, ઉત્તરાંચલની યાત્રાએ જતા લોકોમાં માત્ર એક બંગાળીઓ જ ગુજરાતીઓ કરતાં આગળ છે. બંગાળના યાત્રાળુઓ મોટાભાગે હરિદ્વાર-ઋષિકેશ સુધી જતા હોય છે જ્યારે ચારધામની યાત્રા કરવામાં ગુજરાતીઓ પ્રથમ સ્થાન પર છે. બહુ સ્વાભાવિક છે કે, ચારધામ યાત્રાએ દર વર્ષે સૌથી વધુ હાલાકી, જાનહાની ભોગવવામાં પણ ગુજરાતીઓ જ હોય છે!

કેદારનાથ 


ઉત્તરાંચલ એક એવું રાજ્ય છે જેનું આખું અર્થતંત્ર પ્રવાસન પર આધારીત છે. અહીં એંસી ટકા લોકોની આવક-રોજીરોટી સીધી કે આડકતરી રીતે પ્રવાસન સાથે સંકળાયેલી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આખું રાજ્ય યાત્રા-પ્રવાસન પર નભતું હોવા છતાં ઉત્તરાંચલ સરકાર યાત્રાળુઓની સલામતી-સુરક્ષા માટે ગંભીર નથી, પ્રતિબદ્ધ નથી.

ચારધામની યાત્રાએ જતી બસ નિરંતર ખીણમાં ગબડતી રહી છે અને સરકાર વર્ષોથી તમાશો જોયા કરે છે. વાસ્તવિકતા એ છે કે, આ ચારેય ધામ સુધી પહોંચવાના રસ્તા એટલી હદે સાંકડા અને બિસમાર છે કે, યાત્રાળુઓ બાપડા ચારધામને બદલે સ્વધામ-કૈલાશધામ પહોંચી જાય છે. આ લખનારે છેલ્લાં 18 વર્ષમાં એકાદ ડઝન વખત આ વિસ્તારની મુલાકાત લીધી છે અને અનુભવ્યું છે કે, છેલ્લાં બે દાયકામાં કશું જ બદલાયું નથી. અગાઉ જે ટર્ન પર બસ-વાહનો ખીણમાં ખાબકતા હતા એ આજે પણ એવાં જ છે, આજે પણ ત્યાં જ બસો ખાબકે છે.

ગંગોત્રી 
આજથી બે-ત્રણ વર્ષ પહેલાં બદ્રિનાથ સુધીનો હાઇ-વે પહોળો કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ એ બિલકુલ સફળ રહ્યા નથી. જોખમ હજુ એટલું જ છે. સમસ્યા એ છે કે, ચારધામના માર્ગ પર અહીંની સરકાર દ્વારા ખીણ-રસ્તાની કિનારીએ સલામતી માટે વાડ કે દીવાલ (નાની બે ફૂટની) પણ થતી નથી. આબુથી શરૂ કરી ડેલહાઉસી, સિમલા જેવા ભારતનાં અનેક પર્યટક સ્થળોના માર્ગે આવી બે ફૂટ ઉંચી પત્થરની દીવાલ બનાવાય છે. આ દિવાલનો ફાયદો એ ગણાય કેઃ એક તો તેનાંથી ડ્રાઇવરનો આત્મવિશ્વાસ વધે છે. બીજું, ડ્રાઇવર ક્યારેક ગફલત કરી જાય તો આવી દીવાલનાં કારણે બસ-વાહન ખીણમાં ગબડતાં બચી જાય છે. આર્થિક ઞષ્ટિએ ઉત્તરાંચલ માટે દૂઝતી ગાય સાબિત થયેલા આ ચારધામને યાત્રાળુઓ માટે શું કોઇ સરકાર આટલું ન કરી શકે?

યમુનોત્રી 
ઉત્તરાંચલ સરકાર શું કરે છે?. ગુજરાતીઓ સહિતનાં પર્યટકો પોતાનાં પ્રાણ ગુમાવતાં રહે છે. પહાડ ધસવા (લેન્ડ સ્લાઇડિગ)નાં કારણે અહીં ચારધામના વિવિધ રસ્તે દરરોજ સેંકડો-હજારો વાહનો ફસાતા રહે છે. પહાડ પડવાનાં કારણે રસ્તો બ્લોક થઇ જાય છે અથવા તૂટી જાય છે. આવા સંજોગોમાં વાહન આગળ ધપી નથી વધી શકતું અને પાછળ પણ વાહનોની કતાર હોય છે. 

પહાડોમાં સાંકડા રસ્તાઓ પર ટર્ન લઇને પરત ફરવું શક્ય નથી. ઘણી વખત ત્રણ-ચાર દિવસ સુધી આવી રીતે પર્યટકો ફસાયેલાં રહે છે. ખાવા-પીવાનાં ઠેકાણાં રહેતા નથી, લોકો પીવાનાં પાણી માટે વલખાં મારે છે. યાત્રાળુઓમાં વયોવૃદ્ધની સંખ્યા સામાન્યતઃ વધારે જ રહેવાની, એમની તો હાલત ભૂંડી થઇ જાય છે.  સવાલ એ ઉઠે છે કે, ઉત્તરાંચલ સરકાર માટે આવી ઘટનાઓ રોજીંદી બની ગઇ હોવા છતાં તેઓ `ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી' જેવું કશું કેમ બનાવતા નથી? શા માટે યાત્રાળુઓએ દિવસો સુધી હેરાન થવું પડે? શા માટે એમને આવાં સમયે આવશ્યક વસ્તુઓ, સૂક્કો નાસ્તો, પીવાનું પાણી વગેરે પહોંચાડવામાં આવતા નથી? સ્થાનિક વેપારીઓ આવા સમયે ઉઘાડી લૂંટ ચલાવે છે. પાંચ રૂપિયાની વેફર્સ પચ્ચીસ રૂપિયામાં તેઓ વેંચે છે અને પારલે-જીનું પેકેટ પાંચને બદલે પંદર રૂપિયામાં આપે છે. શું આવા કાળાંબજાર ડામવાની જવાબદારી ઉત્તરાંચલ સરકારની ન ગણાય? એમનાં પર કડક પગલાં શા માટે નહીં? ખરેખર તો, આવી આફત સમયે સરકારી મદદ પહોંચવી જોઇએ. એનાં બદલે બને છે એવું કે, યાત્રાળુઓ મદદનાં અભાવે તરફડિયા મારતા રહે છે.

ચારધામનાં માર્ગ આસપાસ ભારત-ચીનની આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી અહીંના રોડની જવાબદારી ઘણાં સ્થળે  `બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન' (ભારતીય સૈન્યનું અંગ)ની હોય છે. પરંતુ રાજ્ય સરકારને નવાં વિકાસકાર્યો કરતા કોઇ રોકી શકતું નથી. કેટલાંક રસ્તાઓ વર્ષોથી એટલી જ હદે ખતરનાક રહ્યા છે. પિપલકોટીથી, જોષીમઠ અને વિષ્ણુ પ્રયાગ થઇ બદ્રિનાથ પહોંચતા રસ્તા પર દર વર્ષે અનેક વાહનો ખીણમાં પડે છે. કુન્ડ, ગુપ્ત કાશીથી લઇ ગૌરી કુંડ (કેદારનાથની તળેટી)નો રસ્તો પણ એવો જ છે. ઉત્તર કાશીથી હરસિલ, ભૈરોઘાટી-ગંગોત્રીનો માર્ગ તથા મસુરીથી બરકોટી, સ્યાના અને હનુમાન ચટ્ટીનો માર્ગ પણ આકરો છે. આ બધાં રસ્તા જોખમી છે અને છેલ્લાં ત્રણ-ચાર દાયકાથી એ જોખમી જ ગણાય છે! શા માટે ત્યાં સલામતીનાં પગલાં લેવાનાં નથી?

ઉત્તરાખંડના સર્પાકાર રસ્તાઓ।... નજર હટી,  દુર્ઘટના ઘટી !!!


ઉત્તરાંચલમાં દરેક ઞષ્ટિએ ટૂરિસ્ટ લૂંટાય છે. વૈષ્ણોદેવીમાં તળેટીથી ધામ સુધીના 14 કિલોમીટર માટે ઘોડાનો ભાવ લગભગ 700 રૂપિયા છે જ્યારે ગૌરીકુંડથી કેદારનાથના 3પ00 રૂપિયા છે. વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર સર્વિસ માટે આવવા-જવાનાં 2પ00 રૂપિયા ચાર્જ છે. કેદારનાથમાં આ જ ભાવ લગભગ 8000 રૂપિયા છે. ચારધામની યાત્રા જો તમારે હેલિકોપ્ટર દ્વારા કરવી હોય તો પ્રતિ વ્યકિત લગભગ અઢી લાખ (દહેરાદૂનથી ચારધામ) રૂપિયા ખર્ચ થાય છે! એક મહાપ્રશ્ન એ છે કે, હિન્દુ ધર્મના આ મહાન તીર્થોને જોડતી માઉન્ટેન ટ્રેન શા માટે ઉપલબ્ધ નથી. આજથી સો વર્ષ પહેલાં અંગ્રેજો જો સિમલા કે ઉટીમાં રેલ્વેલાઇન બિછાવી શકતા હોય તો આપણો કહેવાતો મહાન દેશ શું માખીઓ મારી રહ્યા છે? ચીનએ તાજેતરમાં તિબેટ સુધીની અજાયબી જેવી ટ્રેન શરૂ કરી છે. તિબેટની ઉંચાઇ સમુદ્ર સપાટીથી 16000 ફૂટ આસપાસ છે. જ્યારે આ ચારેય ધામ લગભગ 10થી 11 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, આ ચારધામનું પરસ્પર હવાઇ અંતર (એર ડિસ્ટન્સ) ખૂબ જ ઓછું છે. રસ્તાઓ ફરી ફરીને પહોંચતા હોવાથી ચારધામની યાત્રામાં બાર દિવસ ખર્ચાઇ જાય છે. બદ્રિનાથથી કેદારનાથનો જંગલ-પહાડી માર્ગ ત્રીસ કિલોમીટર જ છે પણ વાહન દ્વારા જવું હોય તો ત્રણસો કિલોમીટર થાય! 

બદ્રીનાથ જવાના માર્ગે હમેશા આવી અડચણો ઉભી હોય છે....


માત્ર આયોજનના  અભાવે, માળખાગત સુવિધાઓની ઉણપને કારણે દરેક ધામ વચ્ચે અઢીસો-ત્રણસો કિલોમીટરનું અંતર થઇ જાય છે. જ્યાં દર વર્ષે લાખો-કરોડો શ્રદ્ધાળુઓ જતા હોય ત્યાં ચારેય ધામને જોડતી એક અદ્ભુત રેલ્વેલાઇન અશક્ય નથી. હા! એ થોડું મુશ્કેલ કાર્ય જરૂર છે પરંતુ ઇજનેરી કમાલનાં અનેક ચમત્કારો નહીં થાય ત્યાં સુધી નિર્દોષ યાત્રાળુઓ મરતા જ રહેશે! તાજેતરમાં ચીનએ તેની તિબેટ સુધીની રેલ્વેલાઇનનું ઉદ્ઘાટન કર્યુ ત્યારે વિશ્વ દંગ થઇ ગયું હતું. સમુદ્ર તટથી સોળ-સોળ હજાર ફૂટની ઉંચાઇ સુધી ચીનએ રેલ્વે બિછાવી છે. અંગ્રેજો આપણે ત્યાં સો-સવાસો વર્ષ પહેલાં કાળકા-સિમલા, ઉટી, દાજીર્લિગ અને પાલમપુરની માઉન્ટેન ટ્રેન શરૂ કરી ગયાં પછી આટલાં વર્ષોમાં આપણે એક પણ હિલ સ્ટેશન સુધી રેલવે પહોંચાડી શક્યા નથી. એન્જાનિયરીંગમાં આપણે ઠોબારા છીએ, દુરંદેશી અને વિઝનમાં સાવ ઢ. ચારધામ જેવાં પર્યટન  આકર્ષણ ચીન, જર્મની કે સ્વિટઝરલેન્ડ પાસે હોય તો ત્યાં અત્યારે ફોર ટ્રેક હાઇવે અને અજાયબી જેવી ટ્રેન હોય. આપણાં હજારો  યાત્રાળુ દર વર્ષે અહીં મૃત્યુ પામે છે પણ, આપણે આ ચારધામમાં સવલતો અને સલામતી આપી શક્યા નથી!


Saturday, July 21, 2012

કેશુભાઈના અદભુત જોક્સ એટલે "ભયભીત" ગુજરાતીઓને ખડખડાટ હસવાનો અવસર!
કેશુભાઈ પટેલ જ્યારે ભયભીત નહોતા અને જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નામે અનેક ટુચકા પ્રચલિત હતા. એ સમયે રિડિફ ડોટ કોમ માટે જાણીતા પત્રકાર દિલીપ ગોહિલએ એક અત્યંત રમુજી પીસ લખ્યો હતો. "કેશુફન ડોટ કોમ" શીર્ષક તળે લખાયેલા આ લેખને આજે શ્રી દિલીપ ગોહિલના આભાર સાથે અહીં મુકું  છું. આશા છે કે, કોઈની રાજકીય લાગણી નહિ દુભાય... 


(૧) 
કેશુભાઈ પોતાના વિદેશપ્રવાસ વખતે રોટરડેમની મુલાકાતે પણ ગયા હતા. શહેરનો  પ્રવાસ કર્યો અને શહેર વિશે કેશુભાઈએ જાણ્યુ‘. તેમને કહેવામા‘ આવ્યુ‘ કે સાહેબ, આ શહેર એવુ‘ છે કે કોઈ દિ લાઇટ જાય જ નહીં. 
કેશુભાઈ કહે, ‘એમ? એ તો માળુ ભારી કામનુ‘.’ કેશુભાઈએ વિચાર્યું  કે આ તો બહુ કામની વસ્તુ છે. વીજળી કોઈ દિ જાય જ નહીં તો તો મારા ખેડૂતોને કોઈ ચિંતા જ ન રહે. 
કેશુભાઈ કેટલાક સાથીઓને લઈને ખાનગી તપાસમા‘ નીકળી પડ્યા કે આપણે પણ આ વસ્તુ ગુજરાતમા લઈ જવી છે. શહેરભરમા ફર્યા અને થોડી પૂછપરછ કરીને પાછા ફર્યા. પાછા આવ્યા ત્યારે કેશુભાઈને નિરાશ જોઈને અધિકારીઓએ હળવેકથી પૂછ્યુ‘, ‘કેમ, સાહેબ?’ 
કેશુભાઈ નિસાસો નાખીને બોલ્યા, ‘જુઓને ભાઈ, મારે તો ગુજરાતના‘ અંધારા‘ ઉલેચવા‘ છે. ઇ હાટુ થઈને હુ‘ આખુ‘ રોડરડેમ ફરી વળ્યો, પણ મને ક્યા‘ય જીઇબી નો મળ્યુ‘.’

(૨) 
લંડનના પ્રવાસ વખતે કેશુભાઈ એક ઓળખીતાને ત્યા‘ ફ્લેટમા‘ રોકાયા હતા. કેશુભાઈ વહેલા ઊઠી જાય અને બારી ખોલીને ઊભા રહે. સામાના ફ્લેટમા‘ એક ઈંગ્લિશમેન રહેતો હતો. તેને પણ વહેલા ઊઠવાની ટેવ. ઈંગ્લિશમેન રોજ કેશુભાઈને બારીએ આવેલા જુએ એટલે ગુડ મોર્નિંગ કહે. 
કેશુભાઈને એમ કે આ નામ પૂછતો લાગે છે એટલે સામો જવાબ આપે, ‘કેશુભાઈ... કેશુભાઈ...’ બેચાર દિવસ આમ ચાલ્યુ‘. એ પછી તેમના પુત્ર ભરતનુ‘ ધ્યાન ગયુ‘. ભરતે બાપુજીને સમજાવ્યુ‘ કે કોઈ આપણને ગુડ મોર્નિંગ કહે તો આપણેય સામે ગુડ મોર્નિંગ કહેવાનુ‘ હોય. 
બીજા દિવસે તો કેશુભાઈ ગુડ મોર્નિંગ શબ્દ ગોખીને તૈયાર થઈ ગયા અને ઊઠીને સીધા બારીએ પહોંચ્યા. બારી ખોલી તો રોજની જેમ સામે ઈંગ્લિશમેન હાજર જ હતા. ઈંગ્લિશમેને સ્ટાઇલમા‘ કહ્યુ‘, ‘કેશુભાઈ... કેશુભાઈ...’

(૩) 
લંડનમા‘ કેશુભાઈ પોતાના રોકાણ દરમિયાન એક દિવસ ખરીદી કરવા માટે નીકળ્યા. નાનીમોટી ખરીદી કરીને પછી કેશ કાઉન્ટર પાસે પહોંચ્યા એટલે કાઉન્ટર ગર્લે પૂછ્યુ‘, ‘કેશ ઓર ક્રેડિટ?’ 
કેશુભાઈ તો બહુ ગુસ્સે થઈ ગયા. તેમને થયુ‘ આ આવડી અમથી છોકરીને ક‘ઈ વિવેક જેવુ‘ છે કે નહીં? તેમણે કહ્યુ‘, ‘કેશ નહીં કેશુભાઈ...’

(૪) 
કેશુભાઈ મુખ્ય પ્રધાન બન્યા પછી અમેરિકા મૂડીરોકાણ મેળવવા માટે ગયા. ત્યા‘ તેમણે આપણા ગુજરાતી પૈસેટકે સુખી એવા હૌ ભાયુ‘ને મળવા બોલાવ્યા. ગુજરાતીઓનુ‘ પ્રતિનિધિમ‘ડળ કેશુભાઈને મળવા માટે આવ્યુ‘. 
પ્રતિનિધિમ‘ડળ કેશુભાઈ માટે એક અત્ય‘ત આધુનિક કેલક્યુલેટર ભેટમા‘ આપવા લેતુ‘ આવ્યુ‘ હતુ‘. સૌ ભાયુ‘ આવ્યા અને રામ રામ થયા અને ખબરઅ‘તર પુછાયા. કેશુભાઈ મોટુ‘ પ્રતિનિધિમ‘ડળ જોઈને ખુશ હતા કે રાજ્યમા‘ હવે તો ઉદ્યોગો આવશે. 
એ પછી પ્રતિનિધિમ‘ડળે કેલક્યુલેટર કેશુભાઈને આપ્યુ‘, ‘સાહેબ, આ એકદમ આધુનિક કેલક્યુલેટર છે. બહુ કામનુ‘ છે. આખા રાજ્યનુ‘ બજેટ આમા‘ કરવુ‘ હોય તો થઈ જાય.’ ‘એમ!’ કેશુભાઈ તો ખુશ થઈ ગયા અને રેપર ખોલીને અંદરથી કેલક્યુલેટર કાઢ્યુ‘. આમ તેમ જોયુ‘ અને તરત તેમનુ‘ મોઢુ‘ પડી ગયુ‘. પ્રતિનિધિમ‘ડળને ક‘ઈ સમજાયુ‘ નહીં. બધાને તરત વિદાય આપવામા‘ આવી એ પછી કેશુભાઈએ અધિકારીના હાથમા‘ કેલક્યુટર પકડાવીને કહ્યુ‘, ‘આ લોકો મોટા ઉદ્યોગપતિઓ છે, પણ કંઈ વિવેક જેવુ‘ છે કે નહીં? એમને એટલીય ખબર નથી કે મારુ‘ નામ કેશુભાઈ છે, કેસિયો નથી.’
(૫) 
ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂરો કરીને કેશુભાઈ ગા‘ધીનગર પાછા આવી ગયા છે. સગુ‘વહાલુ‘ બધુ‘ બ‘ગલે બેઠુ‘ છે. અલમમલકની વાતુ‘ થાય છે. કેશુભાઈ પોતાના વિદેશપ્રવાસના‘ સ‘ભારણા‘ હૌને સ‘ભળાવી રહ્યા છે. 
કેશુભાઈ કહે, ‘આ આપણે સા‘ભળ્યુ‘ હતુ‘ એવુ‘ જ છે હો. આ ધોળિયાઓને કોઈ વાતનો છોછ નહીં. આપણે તો અહીં નામ લેતા‘ય લજાઈ જઈએ. પણ અંગ્રેજોને સેક્સનો જરાય છોછ નહીં.’ બધાને નવાઈ લાગી અને પૂછ્યુ‘, ‘કેમ એવુ‘?’ 
કેશુભાઈ કહે, ‘અરે જુઓને. ઈ માળાવે તો નામેય કેવા‘ રાખ્યા‘ છે. એસેક્સ ને ઇસેક્સ ને મિડલસેક્સ...’

(૬) 
વિદેશથી પાછા ફર્યા પછી એક વાર ગુજરાતમા‘ વિદેશી મહેમાનો પધાર્યા હતા તેનો સમાર‘ભ યોજાયો હતો. બીજા વચનો થયા‘ પછી કેશુભાઈનો વારો આવ્યો તો તેમણે અ‘ગ્રોજીમા‘ પોતાનુ‘ ભાષણ એક કાગળમા‘થી વાંચવાનુ‘ શરૂ કર્યું. હાજર રહેલા પત્રકારો તો છક થઈ ગયા. ‘કેશુભાઈ તો કલાકાર છે હો, વિદેશ ગયા ને અંગ્રેજી પણ શીખી આવ્યા.’ 
સમારંભ પૂરો થયો પછી પત્રકારો કેશુભાઈને ઘેરી વળ્યા અને અભિનંદન આપ્યા‘. ‘વાહ કેશુભાઈ, અંગ્રેજીમાં શું ફાંકડું પ્રવચન કર્યું કાંય .’ બધા પત્રકારોએ માગણી કરી કે  પ્રેસનોટ સાથે કેશુભાઈના અ‘ગ્રોજી ભાષણની કોપી પણ આપો. આજે તો આખેઆખુ‘ ભાષણ છાપવુ‘ છે. કેશુભાઈ પણ કહે, ‘હા, હા, બધા ભાયુ‘ને કોપી આપજો.’ 
માહિતી ખાતાવાળાઓએ કહ્યુ‘ કે બધાને કોપી આપેલી છે જ. પત્રકારોએ પ્રેસનોટ ફેરવી જોઈને કહ્યુ‘ કે, ‘ક્યા‘ છે આમા‘. આ તો ગુજરાતી જ છે.’ અધિકારીએ કહ્યુ‘, ‘જરા જુઓ તો ખરા. આપેલી જ છે. આ રહી.’ ‘પણ આ તો ગુજરાતીમા‘ જ છે.’ ‘જરા વા‘ચો તો ખરા. ગુજરાતી લિપિમા‘ છે, પણ ભાષણ તો અંગ્રેજીમા‘ જ છેને.’

(૭) 
વિદેશપ્રવાસ કરીને આવ્યા પછી તેનો થાક ઊતર્યો એટલે કેશુભાઈ ગુજરાતના પ્રવાસે નીકળ્યા. કેશુભાઈ હાઈવે હોટેલોના બહુ શોખીન. પોતાના જૂના જમાનાને યાદ કરીને રસ્તામા ગાડી ઊભી રખાવીને હાઈવે હોટેલ પર ફાફડા અને ચા અચૂક લે. 
કેશુભાઈ આમ પણ ચાના શોખીન. મા’રાજને કહી રાખ્યુ‘ હતુ‘ કે બજારમા‘ સારામા‘ સારી ચા હોઈ ઇ લઈ આવવાની. 
પ્રવાસ પૂરો કરીને આવ્યા પછી બ‘ગલે પહોંચીને કેશુભાઈએ મા’રાજને બોલાવ્યા. ‘આ તમને કીધુ‘ છેને કે બજારમા‘ સારી ચા આવે તે આપણે ત્યા‘ આવવી જોઈએ.’ મા‘રાજ બોલ્યા, ‘સાહેબ, આપણી પાસે બધી જ ચા છે... વાઘબકરી, લિપ્ટન, તાજા, ટાટા, તાજમહેલ... સાહેબ, બધી જ ચા આપણે રાખીએ છીએ.’ 
કેશુભાઈએ કહ્યુ‘, ‘પણ આ હમણા‘ નવી ચા નીકળી છે એ કેમ નથી. મારી સામે ખોટુ‘ બોલો છો. હુ‘ હમણા‘ પ્રવાસે ગયો ત્યારે મેં બધે જોયુ‘ કે કોપર ટીની જાહેરાતુ‘ કરેલી છે. તમે ઇ ચા કેમ હજી સુધી લાવ્યા નથી?’

(૮) 
એસએસસી અને બારમા ધોરણોના‘ પરિણામો તૈયાર થઈ ગયા‘ હતા‘ અને રિઝલ્ટ આવવાનુ‘ જ હતુ‘. એમા‘ એક દિવસ કેશુભાઈએ બોર્ડના અધિકારીઓને બોલાવ્યા અને પૂછપરછ કરી, ‘કેટલા ટકા રિઝલ્ટ આવ્યુ‘ છે?’ 
અધિકારીઓએ કહ્યુ‘, ‘સાહેબ, ૩૪ ટકા.’ કેશુભાઈ કહે, ‘અરે પણ આટલુ‘ ઓછુ‘ રિઝલ્ટ કેમ? આપણા રાજ્યના શિક્ષણનુ‘ સ્તર ઊંચુ‘ જવુ‘ જોઈએ. રિઝલ્ટ વધારે આવે એવુ‘ કરો.’ અધિકારીઓએ સમજાવ્યુ‘ કે સાહેબ, રિઝલ્ટ તૈયાર થઈ ગયુ‘ છે અને હવે ફરીથી પેપરો તપાસીએ ને માર્ક વધારીએ તો સમય લાગે. 
કેશુભાઈ કહે, ‘એમ નહીં. હુ‘ કહુ‘ એમ કરો. ત્રણ ગોખલા બનાવો. પછી તેમા‘ બાજરો વાવતા‘ હોઈએ એમ ઉત્તરવહીઓ ફેંકો. પહેલા ગોખલામા‘ પડે તેમને ફર્સ્ટ ક્લાસ, બીજામા‘ પડે તે સેકન્ડ ક્લાસ અને ત્રીજામા‘ પડે તે પાસ ક્લાસ. ખાલી નીચે ઉત્તરવહી પડે તેને જ નાપાસ કરવાના. અઠવાડિયામા‘ આટલુ‘ કરી રિઝલ્ટ આપી દો.’ 
અધિકારીઓ કહે સારુ‘, તમે કહો તેમ. થોડા વખત પછી અધિકારીઓ મળવા આવ્યા. ‘સાહેબ, તમે કહ્યુ‘ એમ પણ કરી જોયુ‘, પણ તોય રિઝલ્ટમા‘ બહુ ફેર નથી પડ્યો. ૫૪ ટકા જ થયુ‘ છે. હવે શુ‘ કરીએ?’ કેશુભાઈએ જવાબ આપ્યો, ‘પણ એમા‘ મને પૂછવા શુ‘ આવો છો. ગોખલા મોટા કરોને.’

(૯) 
વિદેશથી આવ્યા પછી કેશુભાઈને કમ્પ્યુટરોનુ‘ ઘેલુ‘ લાગ્યુ‘ હતુ‘. કેશુભાઈએ હુકમ આપ્યો કે આપણે વિદેશમા‘ થાય છે એવુ‘ બધુ‘ કરવુ‘. અને ઓલા આન્ધ્ર પ્રદેશવાળા નાયડુના‘ બધા વખાણ કરે છે તેવુ‘ પણ આપણે કરવાનુ‘ છે. 
અધિકારીઓ કામે વળગી ગયા અને આન્ધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનની જેમ ગુજરાતના મુખ્ય ઊંધાનના નામે પણ એક વેબસાઇટ તૈયાર કરી દેવામા‘ આવી. મુખ્ય પ્રધાનની ઓફિસની નજીકમા‘ જ એક રૂમમા‘ આ માટે તંત્ર ગોઠવી દેવાયુ‘ હતુ‘. અધિકારીઓએ કહ્યુ‘ કે, ‘સાહેબ, આપણી વેબસાઇટ તૈયાર થઈ ગઈ છે તો આજે હવે તેનુ ઉદ્ઘાટન કરી દઈએ.’ 
કેશુભાઈ કહે કાલે જ રાખી દો. બીજા દિવસે કાર્યક્રમ ગોઠવાઈ ગયો. કેશુભાઈ તો ઉત્સાહથી સવારથી જ બંગલેથી તૈયાર થઈને ઓફિસે આવી ગયા. થોડી વારે અધિકારી આવ્યા અને કહ્યુ‘ કે, ‘ચાલો સાહેબ, હવે વેબસાઇટનુ‘ ઉદ્ઘાટન કરી દઈએ.’ કેશુભાઈ કહે, ‘હુ‘ તો તૈયાર છુ‘, પણ ડ્રાઇવરને ક્યો કે ગાડી તો લઈ આવે. અને મને ક્યો તો ખરા કે સાઇટ ક્યા‘ ગુડાણી છે.’

(૧૦) 
મુખ્ય પ્રધાનની વેબસાઇટ શરૂ થઈ એ પછી ઉત્સાહી અધિકારીઓએ લોકો મુખ્ય પ્રધાનને સીધા જ ઈમેલ કરે અને મુખ્ય પ્રધાન તેના ડિરેક્ટ જવાબ આપે તેવી વ્યવસ્થા કરવાનુ‘ વિચાર્યુ‘. એ પ્રમાણે વેબસાઇટ પર જાહેરાત કરવામા‘ આવી અને થોડી ઈમેલ આવી એટલે અધિકારી મુખ્ય પ્રધાનને મળવા ગયા. 
તેમણે કહ્યુ‘, ‘કેશુભાઈ, ઈમેલ આવી ગઈ છે તો આપણે તેને જવાબો દઈ દઈએ.’ કેશુભાઈ વિચારવામા‘ પડ્યા, કે માળુ‘ આ મેલ અને ફિમેલ તો સા‘ભળ્યુ‘ હતુ‘ આ ઈમેલ શુ‘ હશે વળી? પણ તરત તેમના મનમા‘ લાઇટ થઈ એટલે કહ્યુ‘, ‘અરે પણ એમા‘ મને ન બોલાવો. જાઓ, તમે દરેકને એકાવન-એકાવન રૂપિયા માતાજીના નામે આપી દ્યો. અને જુઓ, સચિવાલયમા‘ આવુ‘ હારુ‘ ન લાગે. પોલીસને કઈ દ્યો કે આ ઈમેલુ‘ને નીચેથી જ રવાના કરી દેવાના.’

(૧૧) 
બુધવારની પ્રધાનમ‘ડળની બેઠક મળી તેમા‘ બધુ‘ સત્તાવાર કામ પૂરુ‘ થયુ‘ પછી સામાન્ય વાતો થતી હતી. તેમા‘ કેશુભાઈને અચાનક કઈક યાદ આવ્યુ‘ એટલે કહ્યુ‘, ‘બધા ભાયુ‘ જરા સાંભળો. આ આપણા રાજમા‘ આજકાલ કોમવાદ બહુ વધી ગયો છે તે યોગ્ય નથી.’ 
બધા પ્રધાનોને નવાઈ લાગી કે અચાનક આ વિષય ક્યા‘થી નીકળ્યો. પ્રધાનોએ કહ્યુ‘ બરાબર છે, કોમવાદ ન હોવો જોઈએ. 
કેશુભાઈએ કહ્યુ‘, ‘રાજ્યમા‘ બ્રાહ્મણવાદ, પટેલવાદ, ક્ષત્રિયવાદ, કોળીવાદ એ બધો તો હતો જ. આપણે તેને ડામી શક્યા નથી તે દુખદ છે. હમણા‘ તો આ નવી કોમ નીકળી છે ડોટકોમ. આ ડોટકોમને ઊગતી જ દાબી દ્યો.’

Friday, July 20, 2012

organic food


ઓર્ગેનિક પ્રોડક્ટ્સ : બમણા દામ 

આપીને પણ ગ્રાહક તો બિચ્ચારો જ રહે છે...


ઓર્ગેનિક .. ઓર્ગેનિક ... બહુ ચાલ્યું છે. પરંતુ આ  ઓર્ગેનિકવાળાઓ એક નંબરના શઠ અને લબાડ હોય છે. એ લોકો આપણને લાકડા જેવા ભાવે પ્રોડક્ટ વેંચે છે અને એવું દર્શાવે છે જાણે આપણી પર કંઈ ઉપકાર કરી રહ્યા હોય! બે-ચાર વર્ષ પહેલા મેં અહીં રાજકોટમાં અનિરુધ્ધ નામના ભાઈ પાસેથી ત્રણ ઓર્ગેનિક બંસી ઘઉં મંગાવ્યા. એક ગૂણીના ૨૭૦૦ લેખે. ત્યારે ઉત્તમોત્તમ સોનેરી ટુકડાનો ભાવ ૧૩૦૦ રૂપિયા હતો. એ ભાઈનો ફોન આવ્યો   કે, "માલ કાલે તૈયાર થઇ જશે"

બીજા દિવસે ભાઈનો ફોન આવ્યો કે, "માલ લઇ જાઓ!" 

મેં કહ્યું: "મોકલી આપો, હું મજુરી વગેરે ચૂકવી આપીશ..." 

એમનો જવાબ: "અરે યાર... મારે રીક્ષા ગોતવા જવું પડશે..."

બહુ રકઝકના અંતે ભાઈ માન્યા. અર્ધો કલાક પછી મારા ઘેર એમની રીક્ષા આવી. મને કહે: "માલ ઉતારી લો!"

પચાસ-પચાસ કિલોના છ કોથળા ખભે નાખીને ઘરમાં લઉં તો મારે બીજા દિવસે હાડ વૈદ્ય પાસે જવું પડે. મેં કહ્યું કે, "મજુર પાસે લેવડાવી લો" 

તો ભાઈએ કહ્યું:"એ તો તમારે જ લેવા પડશે, મજુર લાવ્યો જ નથી!" 

મેં ના કહી તો ભાઈ કહે: "ઓર્ગેનિક ખાવું હોય તો એટલું તો કરવું જ પડે!"

એ ભાઈ મને ડબલ કરતા વધુ ભાવે ઘઉં વેંચી રહ્યા હતા અને એવી વાતો કરી રહ્યા હતા જાણે મને મફતમાં અનાજ વિતરણ કરી રહ્યા હોય. છેવટે મેં કહ્યું કે, "તમારે જાતે ઉપાડી મુકવા હોય તો મુકો. હું નહિ ઉપાડું. ના પોસાતું હોય તો ઘઉં પાછા લઇ જાઓ"

અંતે એ ભાઈએ કોથળા ઉપાડ્યા. 

ઓર્ગેનિક પ્રોડક્ટના નામે તગડા ભાવ વસુલાય છે. ઓ.કે. એ ચુકવવામાં પણ વાંધો નથી. કમ સે કમ સર્વિસ તો સારી આપો. પેકેજિંગ સારું કરો, વસ્તુ સાફ આપો. બે દિવસ પહેલા રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલા "વનગંગા" નામના ઓર્ગેનિક સ્ટોરમાં જવાનું બન્યું. હેમોગ્લોબિન વધારતા હાથલા થોરના સરબત (જેમાં મોટો ભાગ તો પાણી અને ખાંડનો હોય છે!) ની ૫૦૦ એમ.એલ. ની બોટલનો ભાવ હતો ૧૮૦=૦૦ રૂપિયા. આ બોટલમાંથી માંડ પંદર-વીસ ગ્લાસ સરબત થઇ શકે. હાથલા થોર આપણે ત્યાં ઠેર-ઠેર ઉગી નીકળે છે. એને કાપવાનું મુશ્કેલ હોય છે, ઉગાડવાનું નહિ. આ બોટલની પ્રોડક્શન કોસ્ટ પચ્ચીસ-ત્રીસથી વધારે ના હોય. નૈસર્ગિક ખાતરના નામે કસદાર માટી તેઓ ત્રીસની કિલો વેચતા હતા. બધી પ્રોડક્ટના ભાવ બજાર કરતા ક્યાંય ઊંચા. ફરી એક વખત કહું છું: "ઊંચા ભાવ આપવા સામે વાંધો નથી, વાંધો કંગાળ સર્વિસ સામે છે" 

મેં "વનગંગા"માંથી ઘણી વસ્તુ લીધી. પણ જ્યારે એ લઇ જવા બેગ માંગી તો ત્યાં હાજર બહેન કહે: "અમે બેગ નથી રાખતા!"

મેં કહ્યું "કેમ? મારે આ સામાન લઇ જવો કેવી રીતે?"

બહેન ઉવાચ: "પર્યાવરણને નુકસાન થાય છે પ્લાસ્ટિક બેગથી... એટલે!"

મેં કહ્યું: "બહેન, કપડાના મટીરિયલમાંથી સરસ બેગ બને છે, પાંચ રૂપિયામાં તૈયાર થાય છે. તમે જ્યારે પ્રીમિયમ ભાવે બધી પ્રોડક્ટ વેંચો છો, લોકો એકસાથે બસ્સો-પાંચસો-હજાર-બે હજારની વસ્તુ લે છે ત્યારે તમારી એટલી તો ફરજ છે ને કે તમારે એક સારી ઇકો-ફ્રેન્ડલી બેગ તેમને આપવી!"

બહેન એકદમ ખંધુ હસ્યા અને કહ્યું: "અમે તો નથી આપતા! હા વેચાતી લેવી હોય તો આ લટકે છે એ બેગ દસ રૂપિયાની એક આપીએ છીએ..."

બહેને મને જે બેગ દેખાડી તેમાં સાબુની બે ગોટી પણ માંડ આવે તેમ હતું. મેં ઘણી સલાહો આપી.... જવાબમાં તેઓ સતત ઈન્કારના મોડમાં અને મુડમાં હતા. તેમને મને એક સજેશન બોક્સ દેખાડ્યું અને કહ્યું કે મારે એમાં સુઝાવો લખી ને નાંખી દેવા. સવાલ એ છે કે, બહેન સામે ઉભા હોવા છતાં મારી વાત સાંભળવા તૈયાર નહોતા તો સજેશન બોક્સ શું ખોલવાના હતા!

ઓર્ગેનિક પ્રોડક્ટ વેંચતા લોકોના મને આવા અનેક અનુભવો છે. રાજકોટના નીતુબહેન અહીં "સત્યમ" નામનો ઓર્ગેનિક સ્ટોર ચલાવે છે.... એ એક જ અપવાદ મને લાગ્યો છે હજુ સુધી. મેં જ્યારે-જ્યારે એમની પાસેથી કોઈ પ્રોડક્ટ મંગાવી, એમને ઘેરબેઠા પહોંચાડી છે. બાકી, મોટા ભાગના લોકો એવું માને છે કે, ઓર્ગેનિક પ્રોડક્ટ વેંચતા હોઈએ એટલે સર્વિસ કે સુવિધાઓ આપવાની જરૂર જ નથી. ગાયનું દૂધ અને ઘી વેંચતા લોકોથી શરુ કરી બંસી ઘઉં વેંચતા લોકો એક પ્રકારના તોરમાં જોવા મળે છે, એમને હમેશા એક "કિક" રહેતી હોય છે. એમના આવા વલણના કારણે જ આવી પ્રોડક્ટનો વપરાશ ઓછો છે, તેનો પ્રચાર-પ્રસાર નહીવત છે.