Thursday, July 26, 2012

Char Dham Yatra


સરકારી બેદરકારીના કારણે ચારધામનાં
યાત્રાળુઓ સ્વર્ગ સિધાવી જાય છે!

બદ્રિનાથ ''બદ્રિનાથ પાસે બસ ખાઇમાં ખાબકતાં 32 યાત્રાળુઓના મૃત્યુઃ 12ને ગંભીર ઇજા''
''ગંગોત્રી નજીક ઇનોવા ખાઇમાં ગબડી જતાં આઠનાં મૃત્યુ''

''યમુનોત્રી નજીક ભૂસ્ખલન થતાં યત્રિકોની બસ પહાડ હેઠળ દટાઇલ 24ના મોત, 18 ઘાયલ''

''બદ્રિનાથ-ગંગોત્રી માર્ગ પર ભૂસ્ખલનઃ 1200 યાત્રાળુઓ ફસાયા. પાંચ દિવસથી ફસાયેલાં યાત્રિકોને કોઇ જ સહાયતા મળી નથી. ખાવાપીવાની વસ્તુઓમાં ઉઘાડી લૂંટ. કડકડતી ઠંડીમાં રસ્તા પર રાત ગુજારતા યાત્રાળુઓ''

''કેદારનાથની યાત્રાએ જતી બસ ખીણમાં પડીઃ 40 યાત્રાળુઓની શોધખોળ ચાલુઃ સૈન્યના જવાનોનું શોધખોળ અભિયાન શરૂ''

''દ્વારકાનાં 350 ગૂગળી બ્રાહ્મણો બદ્રિનાથના માર્ગે ફસાયાઃ ચાર દિવસથી રસ્તા પરઃ ગુજરાતના મુખ્યમંત્રીની મદદ મંગાઇ''

-----------------

આવા અનેક સમાચારો તમે તાજેતરમાં જ વાંચ્યા હશે. દર વર્ષે મે મહિનાથી ઓક્ટોબર સુધીના લગભગ છ માસ સુધી નિરંતર આવા સમાચાર આવતાં રહે છે. ઉત્તરાંચલમાં આવેલા હિન્દુ ધર્મના ચારધામ ગણાતા ગંગોત્રી, યમુનોત્રી, બદ્રિનાથ અને કેદારનાથની યાત્રા બાબતે દર વર્ષે આવતા આવા સમાચારો એટલી હદે `રૂટિન' જેવાં બની ગયાં છે કે, કોઇને વિચાર સુદ્ધાં નથી આવતો કે, યાત્રાળુઓ છેવટે શા માટે પોતાનાં પ્રાણ ગુમાવે છે.

પ્રવાસન અને યાત્રા પ્રત્યે આપણે ત્યાં જે બેદરકારી પ્રવર્તે છે તેનો આ ચારધામ યાત્રા ઉત્તમ નમૂનો છે. દર વર્ષે ઉત્તરાંચલ રાજ્ય (હરિદ્વાર, ઋષિકેશ, મસુરી, નૈનિતાલ, બદ્રિ-કેદાર, ગંગોત્રી-યમુનોત્રી)ના પ્રવાસે લગભગ અઢી કરોડ પર્યટકો આવે છે. જેમાંથી બહુ મોટી સંખ્યા ચારધામનાં યાત્રાળુઓની હોય છે. અધિકૃત આંકડા મુજબ આ યાત્રાળુઓમાંથી ગુજરાતીઓની સંખ્યા સાડા છ લાખ કરતાં વધુ હોય છે. આંકડાઓ કહે છે કે, ઉત્તરાંચલની યાત્રાએ જતા લોકોમાં માત્ર એક બંગાળીઓ જ ગુજરાતીઓ કરતાં આગળ છે. બંગાળના યાત્રાળુઓ મોટાભાગે હરિદ્વાર-ઋષિકેશ સુધી જતા હોય છે જ્યારે ચારધામની યાત્રા કરવામાં ગુજરાતીઓ પ્રથમ સ્થાન પર છે. બહુ સ્વાભાવિક છે કે, ચારધામ યાત્રાએ દર વર્ષે સૌથી વધુ હાલાકી, જાનહાની ભોગવવામાં પણ ગુજરાતીઓ જ હોય છે!

કેદારનાથ 


ઉત્તરાંચલ એક એવું રાજ્ય છે જેનું આખું અર્થતંત્ર પ્રવાસન પર આધારીત છે. અહીં એંસી ટકા લોકોની આવક-રોજીરોટી સીધી કે આડકતરી રીતે પ્રવાસન સાથે સંકળાયેલી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આખું રાજ્ય યાત્રા-પ્રવાસન પર નભતું હોવા છતાં ઉત્તરાંચલ સરકાર યાત્રાળુઓની સલામતી-સુરક્ષા માટે ગંભીર નથી, પ્રતિબદ્ધ નથી.

ચારધામની યાત્રાએ જતી બસ નિરંતર ખીણમાં ગબડતી રહી છે અને સરકાર વર્ષોથી તમાશો જોયા કરે છે. વાસ્તવિકતા એ છે કે, આ ચારેય ધામ સુધી પહોંચવાના રસ્તા એટલી હદે સાંકડા અને બિસમાર છે કે, યાત્રાળુઓ બાપડા ચારધામને બદલે સ્વધામ-કૈલાશધામ પહોંચી જાય છે. આ લખનારે છેલ્લાં 18 વર્ષમાં એકાદ ડઝન વખત આ વિસ્તારની મુલાકાત લીધી છે અને અનુભવ્યું છે કે, છેલ્લાં બે દાયકામાં કશું જ બદલાયું નથી. અગાઉ જે ટર્ન પર બસ-વાહનો ખીણમાં ખાબકતા હતા એ આજે પણ એવાં જ છે, આજે પણ ત્યાં જ બસો ખાબકે છે.

ગંગોત્રી 
આજથી બે-ત્રણ વર્ષ પહેલાં બદ્રિનાથ સુધીનો હાઇ-વે પહોળો કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ એ બિલકુલ સફળ રહ્યા નથી. જોખમ હજુ એટલું જ છે. સમસ્યા એ છે કે, ચારધામના માર્ગ પર અહીંની સરકાર દ્વારા ખીણ-રસ્તાની કિનારીએ સલામતી માટે વાડ કે દીવાલ (નાની બે ફૂટની) પણ થતી નથી. આબુથી શરૂ કરી ડેલહાઉસી, સિમલા જેવા ભારતનાં અનેક પર્યટક સ્થળોના માર્ગે આવી બે ફૂટ ઉંચી પત્થરની દીવાલ બનાવાય છે. આ દિવાલનો ફાયદો એ ગણાય કેઃ એક તો તેનાંથી ડ્રાઇવરનો આત્મવિશ્વાસ વધે છે. બીજું, ડ્રાઇવર ક્યારેક ગફલત કરી જાય તો આવી દીવાલનાં કારણે બસ-વાહન ખીણમાં ગબડતાં બચી જાય છે. આર્થિક ઞષ્ટિએ ઉત્તરાંચલ માટે દૂઝતી ગાય સાબિત થયેલા આ ચારધામને યાત્રાળુઓ માટે શું કોઇ સરકાર આટલું ન કરી શકે?

યમુનોત્રી 
ઉત્તરાંચલ સરકાર શું કરે છે?. ગુજરાતીઓ સહિતનાં પર્યટકો પોતાનાં પ્રાણ ગુમાવતાં રહે છે. પહાડ ધસવા (લેન્ડ સ્લાઇડિગ)નાં કારણે અહીં ચારધામના વિવિધ રસ્તે દરરોજ સેંકડો-હજારો વાહનો ફસાતા રહે છે. પહાડ પડવાનાં કારણે રસ્તો બ્લોક થઇ જાય છે અથવા તૂટી જાય છે. આવા સંજોગોમાં વાહન આગળ ધપી નથી વધી શકતું અને પાછળ પણ વાહનોની કતાર હોય છે. 

પહાડોમાં સાંકડા રસ્તાઓ પર ટર્ન લઇને પરત ફરવું શક્ય નથી. ઘણી વખત ત્રણ-ચાર દિવસ સુધી આવી રીતે પર્યટકો ફસાયેલાં રહે છે. ખાવા-પીવાનાં ઠેકાણાં રહેતા નથી, લોકો પીવાનાં પાણી માટે વલખાં મારે છે. યાત્રાળુઓમાં વયોવૃદ્ધની સંખ્યા સામાન્યતઃ વધારે જ રહેવાની, એમની તો હાલત ભૂંડી થઇ જાય છે.  સવાલ એ ઉઠે છે કે, ઉત્તરાંચલ સરકાર માટે આવી ઘટનાઓ રોજીંદી બની ગઇ હોવા છતાં તેઓ `ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી' જેવું કશું કેમ બનાવતા નથી? શા માટે યાત્રાળુઓએ દિવસો સુધી હેરાન થવું પડે? શા માટે એમને આવાં સમયે આવશ્યક વસ્તુઓ, સૂક્કો નાસ્તો, પીવાનું પાણી વગેરે પહોંચાડવામાં આવતા નથી? સ્થાનિક વેપારીઓ આવા સમયે ઉઘાડી લૂંટ ચલાવે છે. પાંચ રૂપિયાની વેફર્સ પચ્ચીસ રૂપિયામાં તેઓ વેંચે છે અને પારલે-જીનું પેકેટ પાંચને બદલે પંદર રૂપિયામાં આપે છે. શું આવા કાળાંબજાર ડામવાની જવાબદારી ઉત્તરાંચલ સરકારની ન ગણાય? એમનાં પર કડક પગલાં શા માટે નહીં? ખરેખર તો, આવી આફત સમયે સરકારી મદદ પહોંચવી જોઇએ. એનાં બદલે બને છે એવું કે, યાત્રાળુઓ મદદનાં અભાવે તરફડિયા મારતા રહે છે.

ચારધામનાં માર્ગ આસપાસ ભારત-ચીનની આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી અહીંના રોડની જવાબદારી ઘણાં સ્થળે  `બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન' (ભારતીય સૈન્યનું અંગ)ની હોય છે. પરંતુ રાજ્ય સરકારને નવાં વિકાસકાર્યો કરતા કોઇ રોકી શકતું નથી. કેટલાંક રસ્તાઓ વર્ષોથી એટલી જ હદે ખતરનાક રહ્યા છે. પિપલકોટીથી, જોષીમઠ અને વિષ્ણુ પ્રયાગ થઇ બદ્રિનાથ પહોંચતા રસ્તા પર દર વર્ષે અનેક વાહનો ખીણમાં પડે છે. કુન્ડ, ગુપ્ત કાશીથી લઇ ગૌરી કુંડ (કેદારનાથની તળેટી)નો રસ્તો પણ એવો જ છે. ઉત્તર કાશીથી હરસિલ, ભૈરોઘાટી-ગંગોત્રીનો માર્ગ તથા મસુરીથી બરકોટી, સ્યાના અને હનુમાન ચટ્ટીનો માર્ગ પણ આકરો છે. આ બધાં રસ્તા જોખમી છે અને છેલ્લાં ત્રણ-ચાર દાયકાથી એ જોખમી જ ગણાય છે! શા માટે ત્યાં સલામતીનાં પગલાં લેવાનાં નથી?

ઉત્તરાખંડના સર્પાકાર રસ્તાઓ।... નજર હટી,  દુર્ઘટના ઘટી !!!


ઉત્તરાંચલમાં દરેક ઞષ્ટિએ ટૂરિસ્ટ લૂંટાય છે. વૈષ્ણોદેવીમાં તળેટીથી ધામ સુધીના 14 કિલોમીટર માટે ઘોડાનો ભાવ લગભગ 700 રૂપિયા છે જ્યારે ગૌરીકુંડથી કેદારનાથના 3પ00 રૂપિયા છે. વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર સર્વિસ માટે આવવા-જવાનાં 2પ00 રૂપિયા ચાર્જ છે. કેદારનાથમાં આ જ ભાવ લગભગ 8000 રૂપિયા છે. ચારધામની યાત્રા જો તમારે હેલિકોપ્ટર દ્વારા કરવી હોય તો પ્રતિ વ્યકિત લગભગ અઢી લાખ (દહેરાદૂનથી ચારધામ) રૂપિયા ખર્ચ થાય છે! એક મહાપ્રશ્ન એ છે કે, હિન્દુ ધર્મના આ મહાન તીર્થોને જોડતી માઉન્ટેન ટ્રેન શા માટે ઉપલબ્ધ નથી. આજથી સો વર્ષ પહેલાં અંગ્રેજો જો સિમલા કે ઉટીમાં રેલ્વેલાઇન બિછાવી શકતા હોય તો આપણો કહેવાતો મહાન દેશ શું માખીઓ મારી રહ્યા છે? ચીનએ તાજેતરમાં તિબેટ સુધીની અજાયબી જેવી ટ્રેન શરૂ કરી છે. તિબેટની ઉંચાઇ સમુદ્ર સપાટીથી 16000 ફૂટ આસપાસ છે. જ્યારે આ ચારેય ધામ લગભગ 10થી 11 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, આ ચારધામનું પરસ્પર હવાઇ અંતર (એર ડિસ્ટન્સ) ખૂબ જ ઓછું છે. રસ્તાઓ ફરી ફરીને પહોંચતા હોવાથી ચારધામની યાત્રામાં બાર દિવસ ખર્ચાઇ જાય છે. બદ્રિનાથથી કેદારનાથનો જંગલ-પહાડી માર્ગ ત્રીસ કિલોમીટર જ છે પણ વાહન દ્વારા જવું હોય તો ત્રણસો કિલોમીટર થાય! 

બદ્રીનાથ જવાના માર્ગે હમેશા આવી અડચણો ઉભી હોય છે....


માત્ર આયોજનના  અભાવે, માળખાગત સુવિધાઓની ઉણપને કારણે દરેક ધામ વચ્ચે અઢીસો-ત્રણસો કિલોમીટરનું અંતર થઇ જાય છે. જ્યાં દર વર્ષે લાખો-કરોડો શ્રદ્ધાળુઓ જતા હોય ત્યાં ચારેય ધામને જોડતી એક અદ્ભુત રેલ્વેલાઇન અશક્ય નથી. હા! એ થોડું મુશ્કેલ કાર્ય જરૂર છે પરંતુ ઇજનેરી કમાલનાં અનેક ચમત્કારો નહીં થાય ત્યાં સુધી નિર્દોષ યાત્રાળુઓ મરતા જ રહેશે! તાજેતરમાં ચીનએ તેની તિબેટ સુધીની રેલ્વેલાઇનનું ઉદ્ઘાટન કર્યુ ત્યારે વિશ્વ દંગ થઇ ગયું હતું. સમુદ્ર તટથી સોળ-સોળ હજાર ફૂટની ઉંચાઇ સુધી ચીનએ રેલ્વે બિછાવી છે. અંગ્રેજો આપણે ત્યાં સો-સવાસો વર્ષ પહેલાં કાળકા-સિમલા, ઉટી, દાજીર્લિગ અને પાલમપુરની માઉન્ટેન ટ્રેન શરૂ કરી ગયાં પછી આટલાં વર્ષોમાં આપણે એક પણ હિલ સ્ટેશન સુધી રેલવે પહોંચાડી શક્યા નથી. એન્જાનિયરીંગમાં આપણે ઠોબારા છીએ, દુરંદેશી અને વિઝનમાં સાવ ઢ. ચારધામ જેવાં પર્યટન  આકર્ષણ ચીન, જર્મની કે સ્વિટઝરલેન્ડ પાસે હોય તો ત્યાં અત્યારે ફોર ટ્રેક હાઇવે અને અજાયબી જેવી ટ્રેન હોય. આપણાં હજારો  યાત્રાળુ દર વર્ષે અહીં મૃત્યુ પામે છે પણ, આપણે આ ચારધામમાં સવલતો અને સલામતી આપી શક્યા નથી!


4 comments:

 1. વિઝન ની ખામી , અને બેજવાબદાર સરકાર ,, નેતાઓ ને પૈસા ખાવા સિવાય કોઈ આવડત છે નહિ ,

  ReplyDelete
 2. આવા ઈજનેરી ચમત્કારો અશક્ય પણ નથી. સફારી માં વાચેલી કોંકણ રેલ્વે ની સંઘર્ષગાથા એનું લાઈવ ઉદાહરણ છે. It can be done, but it will not be unless forced by someone...

  ReplyDelete
 3. ઇચ્છા શક્તીનો અભાવ. પ્રગતી અને વિકાસનું વીઝન કાં તો બ્રીટીશર ભેગા લઈને ૧૯૪૭માં જતા રહ્યા છે અને કાં તો સંકુચીત માનસીકતાને કારણે કોઇ જ વિકાસની વ્યાખ્યા જ ખબર નથી. હમણા જ Discovery ઉપર વિશ્ચના ટફેસ્ટ ટ્રક ડ્રાઇવર ચેલેન્જ જોઇ. અને તે પછી ખબર પડી કે ખતરનાક રસ્તાઓ તો ઉત્તરાંચલમાં છે અને અંગ્રેજો ગયા પછી એ રસ્તા ઉપર ભાગ્યે જ કોઇ કામ થયું છે.

  ReplyDelete
 4. કીન્નેર ભાઈ, ફોન્ટ અને બેક ગ્રાઉન્ડ બદલાવવા બદલ ખુબ આભાર.પેલા બેક ગ્રાઉન્ડ માં વાચવા ની ખુબજ તકલીફ પડતી હતી. રાજુ પારેખ (રાજકોટ)

  ReplyDelete