Friday, December 16, 2011

ગાંધીજીએ ‘ફંદા’ કરીને જામ રણજીની ટીમને હરાવી હતી!


આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે રાજકોટની રાજકુમાર કોલેજમાં 
રમાયેલી એક ઐતિહાસિક ક્રિકેટ મેચની રોચક દાસ્તાન! ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને સીરીઝ સાથે નવી સીઝનનો આરંભ થઇ રહ્યો છે ત્યારે એક વિશેષ સંભારણું !


બે રન બાકી હતા ત્યારે ગાંધીજીએ
રણજીને ‘ડખ્ખા’ કરી આઉટ કર્યા !
રણજીએ પાછળથી ગાંધીજી વિશે શું
કહ્યું ? તેમનો અભિપ્રાય શો હતો?

રણજીની ટીમની ઉપરાઉપરી બીજી ત્રણ વિકેટો પડી ગઇ ! છેલ્લો બેટ્સમેન બિલ રણજી સાથે જોડાયો. હવે બે રન જ કરવાના હતા. બિલે ગાંધી સામે બેટિંગ કરવાનું હતું. એક ઝડપી રન લઇ સ્ટ્રાઇક લેવા માટે રણજીએ વહેલું ‘બેકિંગ અપ’ કર્યુ ને ચતુર બોલરએ, બોલ ફેંકવાને બદલે, નોન સ્ટ્રાઇકર્સ એન્ડનાં ચકલાં ઉડાવી અપીલ કરી, ને રણજી રન આઉટ! અંગ્રેજી અમ્પાયર મેકનોટનનો અભિપ્રાય સ્પષ્ટ હતો કે બોલર નિયમોની મર્યાદામાં રહીને જ વર્ત્યો છે. રણજીની ટીમ હારી! ક્રિકેટના નિયમોની દ્રષ્ટિએ જામ રણજી બેશક આઉટ હતા. પરંતુ ખેલદિલીની દ્રષ્ટિએ જોઇએ તો બોલરએ રમતનો સ્પિરિટ જાળવ્યો ન ગણાય! આજે પણ આવી રીતે બોલરને મોકો મળે તો પણ નોનસ્ટ્રાઇક પરના બેટ્સમેનને એ આઉટ કરતો નથી. પરંતુ અહીં બોલરએ, કાઠિયાવાડીમાં કહીએ તો ‘ફંદા’ કર્યા. અને એ બોલર પણ કોણ! બીજા કોઇ નહીં, ખુદ મોહનદાસ કરમચંદ ગાંધી! રાજકોટના રાજકુમાર કોલેજમાં ૧૮૮૩ આસપાસ રમાયેલી આ મેચમાં ગાંધીજીની ટીમનો રણજીની ટીમ સામે વિજય થયો હતો. મહિલા કોલેજનાં એક મહિલા પ્રોફેસર, ભાવનાબેન ખોયાણીએ રજૂ કરેલા શોધ નિબંધમાં આ બધી વાતો નોંધવામાં આવી છે:

રણજીનું આરંભનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાં થયેલું. ત્યાં તેમને એક પારસી કોચ દ્દ્વારા માર્ગદર્શન મળ્યું. ઉપરાંત અહીંના હેડમાસ્તર દ્વારા પ્રોત્સાહન પણ મળ્યું. અહીં તેમણે જાગૃતિપૂર્વક અને રસથી ક્રિકેટની પ્રેકિટસ કરેલી. અહીં રાજકોટમાં ૧૮૮૩ થી ૧૮૮૭ વચ્ચે એક વિરલ ઘટના બની. એમ.કે. ગાંધી અને કે.એસ. રણજિતસિંહજી, ભારતમાતાના ભિન્ન ભિન્ન ક્ષેત્રના બે સપુતો અહીં એક મેચમાં સામસામે આવી ગયા. છેક ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા તેમજ ભારતમાં સત્યાગ્રહી તરીકે જાણીતા થઇ ગયા પછી, રણજી પોતાના મિત્ર ચાર્લીને ગાંધીજી વિશે લખે છેઃ
‘વિશ્વ ક્રિકેટના રાજકુમાર રણજી’ (પ્રવિણ પ્રકાશન, પાના નં.૯)  પુસ્તકમાં જામ રણજીનો ગાંધી વિશેનો અભિપ્રાય પ્રકાશિત થયો છેઃ તેમાં તેઓ લખે છે  કે, 
‘હા, આ એમ.કે. ગાંધી જ (જેણે અત્યારે સમગ્ર ભારત વતી અંગ્રેજો સામે જંગ માંડ્યો છે તે) ત્યારે રાજકોટની શાળાના ગોલંદાજ ને સુકાની હતા.
મેચને દિવસે ઠંડી સારી હતી પરંતુ પિચ કઠણ, ધુળભરેલી ને રાજકોટની શાળાના સુકાનીની બોલીંગ માટે અનુકૂળ હતી. તે (ગોલંદાજ અને સુકાની) દીવાનનો પુત્ર હતો, જ્ઞાતીએ વાણિયો હતો ને તેનું નામ એમ. કે. ગાંધી હતું. તે મૃદુભાષી હતો ને અંગ્રેજી કડકડાટ બોલતો હતો.’

ગાંધીજીની ટીમે પ્રથમ દાવ લઇ ૧૬૮ રન કર્યા. તેમાં ગાંધીજીનો ફાળો પાંચ રનનો હતો પછી રણજીની ટીમનો દાવ આવ્યો. રણજી પોતાના મિત્રને લખે છેઃ
‘મેં લગભગ ચારેક રન કર્યા હતા. અમારી ચાર જ વિકેટો બાકી હતી. સ્પષ્ટ હતું કે મારો સૌથી જોખમી પ્રતિસ્પર્ધી ગાંધી હતો. તેના ધીમા લેગબેક બોલથી એ વિકેટ પર રમવાનું મુશ્કેલ બની ગયું હતું.’

ગાંધીજીના કાર્યક્ષેત્રને તેમજ તેમના જીવનના તત્ત્વજ્ઞાનને ને ક્રિકેટને બે ધ્રુવો જેટલું અંતર. આમ છતાં એ ભિન્ન ક્ષેત્રમાં કિશોરવયે ગાંધીજીએ પોતાની નિર્ણયશકિત, તજજ્ઞતા ને ક્ષમતા થકી રણજી જેવાની પ્રશંસા મેળવી છે તે નોંધપાત્ર છે. રણજી લખે છે, ‘અમને તેમની તાકાતનો ડર નહોતો. બધા વાણિયાબ્રાહ્મણ જ હતા, પણ તેઓ ચાલાક હતા.’ ગાંધીજીની એ ચાલાકીનો પરિચય પછીથી જગતના પ્રખર મુત્સદ્દીઓને પણ થવાનો હતો. આ આખી ઘટના એ બંને મહાનુભાવોના વ્યકિતત્વમાં નવું, રસપ્રદ ને સંતોષપ્રદ પરિણામ ઉમેરે છે.

પોતાના વિદ્યાર્થીકાળમાં ગાંધીજી કેવી પ્રવૃત્તિ કરતા અને તેમનો શોખ શું હતો? તેની ઘણી માહિતી ઓછી જાણીતી રહી છે. પણ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલના ગાંધીજીના સ્હાધ્યાયી. જેઓ પાછળથી આલ્ફ્રેડ હાઇસ્કૂલના હેડમાસ્ટર થઇને નિવૃત્ત થયા હતા, તે એ વખતના શિક્ષણ શાસ્ત્રી રતિલાલ ઘેલાભાઇ મહેતાએ જાણીતા પત્રકાર  હરિશ બૂચને આપેલી એક મુલાકાતમાં ગાંધીજી સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. રતિલાલ મહેતાએ બાપુના ઓછા જાણીતા પાસા તેમના ક્રિકેટ પ્રેમ અંગે કહ્યું કે, ગાંધીજી બહુ સારા ક્રિકેટર હતા અને શાળાના વિદ્યાર્થી તરીકે તેઓને ક્રિકેટમાં ઉંડો રસ હતો. એ બહુ જાણીતી વાત નથી.

 રતિભાઇએ જૂના સ્મરણો તાજા કરતા કહ્યું હતું કે અમે ઘણી વખત સાથે ક્રિકેટ રમ્યા હતા અને ગાંધીજીની બેટિંગ અને બોલીંગ બંને સારા હતા. જો કે શાળામાં વ્યાયામ તરફ ગાંધીજીને બહુ રૂચિ નહોતી આ વાત તેમણે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં લખી છે.
રતિભાઇ મહેતાએ બહુ જાણીતી નથી એવી વાત એક રમુજી શૈલીમાં કરી છે કે, ગાંધીજી એક વખત વિદ્યાર્થી તરીકે બહુ તેજસ્વી નહોતા અને તેમનો સ્વભાવ મળતાવડો ન હતો. થોડા ઓછા બોલા સ્વભાવના હતા. મસ્તીખોર છોકરાઓની સંગતથી તે દૂર રહેતા.
વિદ્યાર્થીકાળમાં ગાંધીજીને કેવો શોખ હતા એ પણ જાણવા જેવું છે. શાળાના મિત્રો સાથે ગાંધીજી પત્તા રમતા. ગાંધીજીને વિદ્યાર્થીકાળમાં સંગીતનો પણ શોખ હતો. કોઇ વખત તેમના જોડીદારનું વાયોલીન વગાડવા બેસી જતા. તેઓ શાળામાં અંગરખું અને ધોતીયું પહેરતા અને સાથે ભરત ભરેલી ટોપી પહેરતા હતા. જે આઠ આનામાં મળતી હતી.

ઈંગ્લેન્ડની એક ટીમ ગાંધીજીને મળવા ગઇ. આ ટીમે ત્યારે એક બેટ ગાંધીજીને ભેટ આપ્યું હતું. આ બેટમાં ગાંધીજી બારમાં ખેલાડી તરીકે પોતાનો ઓટોગ્રાફ કરી આપ્યો. આમ તો એ વખતે તેઓ અંગ્રેજી સલ્તનતને ભારતના ‘દુશ્મન’ ગણતા. છતાં અંગ્રેજ ખેલાડીઓ સાથે ગાંધીજીએ કેવી ખેલદીલી બતાવી હતી.
ગાંધીજી ભણતા ત્યારે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં હેડમાસ્ટર તરીકે  દોરાબજી એદલજી જીમી હતા. ગાંધીજી ૧૮૮૮માં ઈંગ્લેન્ડ ગયા ત્યારે જીમી સાહેબે શાળામાં નોંધ મૂકી કે આપણા ગામના તેજસ્વી વિદ્યાર્થી મોહનદાસ ક. ગાંધી ઈંગ્લેન્ડ બેરીસ્ટર થવા જાય છે. 


સૌજન્ય: પ્રિન્સિપાલશ્રી , રાજકુમાર કોલેજ - રાજકોટ 

Tuesday, December 6, 2011

દેવ આનંદને ફાળકે એવોર્ડ આપ્યો તો અમને નોબેલ આપો!
માન્યું કે એનો એક જમાનો હતો. કબૂલ કે યુવતીઓ તેના પર કુરબાન હતી. એ પણ કબૂલ કે તેની ઝુલ્ફોમાં કપાળના ઉપરના ભાગે જે નાનો શો ફુગ્ગો બનતો હતો એ જોઈ યુવા હૃદય ધબકાર ચૂકી જતા હતા. બધું જ મંજૂર. પણ તેથી શું થયું? દેવ આનંદ કંઈ આ ચિત્રપટ જગતનો પ્રથમ અને અંતિમ એવો સ્ટાર નહોતો કે જેના પર લોકો આટલી હદે ફીદા હોય. આજે સલમાનની હાલત પણ એવી જ છે ને! એની પાછળ છેલ્લાં વીસ-વીસ વર્ષથી યુવતીઓ પાગલ છે. પણ તેથી શું...? શું થોડાં વર્ષો પછી આપણે સલમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીશું?


દેવ આનંદને ફાળકે એવોર્ડ મળ્યો કે અનેક વિચારોનો જાણે વરસાદ શરૃ થઈ ગયોઃ પ્રથમ પ્રતિભાવ તો અમારો એ જ હતો કે જો દેવને તેણે બનાવેલી ફિલ્મો માટે અથવા તેણે આપેલા અભિનય બદલ ફાળકે એવોર્ડ અપાતો હોય તો ગાંઠનાં ફદિયાં ખર્ચી, અમૂલ્ય સમય વેડફી, તેની ફિલ્મો સહન કરવા બદલ શું આપણને પણ આવો એકાદ તગડો એવોર્ડ ન મળવો જોઈએ? બીજો પ્રશ્નઃ આખું શરીર જાણે સ્પ્રિંગથી બનેલું હોય એમ મર્કટવેડા માંડી અહીં-તહીં ઉછળવું એને જો અભિનય કહેવાતો હોય તો રાજપાલ યાદવ ભારતવર્ષનો સર્વોત્તમ અભિનેતા ગણાવો જોઈએ. ત્રીજો પ્રશ્નઃ ફિલ્મોદ્યોગમાં ક્વોન્ટિટીનું મહત્ત્વ છે કે ક્વોલિટીનું? માન્યું કે તમે અહીં દાયકાઓ પસાર કર્યા, ડઝનના હિસાબે ફિલ્મો બનાવી. પણ તેથી શું તમે આપોઆપ મહાન થઈ ગયા?એ ફિલ્મો જોવી એટલે માત્ર શિરદર્દને જ નહીં, જાણે આખા શરીરની કળતરને નોતરું આપવા જેવું હતું તેનું શું? કથાના નામે કોઈનેય ગળે ન ઊતરે એવી ‘ડી’ ગ્રેડની વાર્તા હોય તેમાં. અભિનયના નામે તેમાં સેલ્ફ ઓબ્સેસ્ડ ઘનચક્કર બુઢ્ઢાના નર્યા પાગલપન સિવાય તમને કશું જ જોવા મળે નહીં.

દેવ એટલે નારસિસિઝમનું શ્રેષ્ઠતમ્ ઉદાહરણ. છેક આજની તારીખે પણ એને એવો ભ્રમ છે કે એને ફિલ્મો બનાવતા અને અભિનય કરતા આવડે છે. દેવના મિત્ર એવા મરાઠી ફિલ્મ પત્રકાર શિરિષ કણેકરે તેને એક વખત અદ્ભુત ખુલ્લો પત્ર લખ્યો હતો. એમાંના કેટલાક અંશો માણવા જેવા છે : “પરાભવ માન્ય કરવા માટે આ પત્રપ્રપંચ. આપણો અપશબ્દોનો સંગ્રહ વિશાળ છે,એવો મને ઘમંડ હતો. એ મેં ચપટી વગાડતામાં ઉતાર્યો. તારું ‘સચ્ચે કા બોલબાલા’ જોઈને બહાર નીકળ્યા પછી ફક્ત વીસેક મિનિટમાં જ મારા શબ્દકોશના બધા અપશબ્દો ખલાસ થઈ ગયા. હું હતપ્રભ થઈ ગયો. પહેલાજ નિહલાની, કે.સી. બોકાડિયા, ટૂટૂ શર્મા વગેરે કસબી નાદાનોને જે ફાવ્યું નહીં એ તેં કરી દેખાડયું! આટલું ખરાબ ચિત્રપટ તું બનાવી રહ્યો છે તેની અમને ખબર પણ ન પડવા દીધી ને લુચ્ચા? મેં જોયેલાં સૌથી ખરાબ પાંચ ચિત્રપટોમાં - ચાલ,દસ કહુ જોઈએ તો, તેમાં તારા ‘સચ્ચે કા બોલબાલા’ને ગણવામાં વાંધો નથી. આવી જીવલેણ સ્પર્ધામાં એક પ્રસંગ, એક સંવાદ, એક ક્ષણ પણ સારી ન હોય એવી ફિલ્મ બનાવવી એ કંઈ રેંજીપેંજીનું કામ નથી. (‘ધરમ-અધિકારી’માં પણ રાજેન્દ્ર કૃષ્ણનાં બે ચોટદાર વાક્યો હતાં અને‘મર્દ’માં એક એન્ગલથી વાઘ જરા સારો દેખાયો હતો!) કમાલ કરી છે છોકરા! તારું દરેક ચિત્રપટ જોઈએ તો લાગે કે આગલું સારું હતું. ‘લૂંટમાર’ જોયુ ત્યારે તીવ્રપણે લાગ્યું હતું કે આ સમુદ્રનું તળિયું છે, આના કરતાં નીચે જવું તારા માટેય શક્ય નથી. પણ ‘સચ્ચે કા બોલબાલા’ તેં એ પણ કરી દેખાડયું. ‘ઉત્કર્ષને સીમા હોય છે, અધઃપતનને નહીં’ એ વચન સિદ્ધ કરવાની જવાબદારી તેં પોતે જ તારા યુવાન ખભા પર ઉપાડી લીધી ને પાર પાડી દેખાડી, અભિનંદન! ...થોડા દિવસ પહેલાં ભાઈદાસ હોલનાં પગથિયાં પર કોઈ તિરસ્કારથી બોલ્યું, ‘સાલ્લા દેવ આનંદ કા થોબડા તીન ઘંટે કૌન દેખેગા! ઈસ કો માર કે નિકાલો તો ભી વાપસ આયેગા પરદે પે.’ હજી ઊગીને ઊભી થયેલી તોછડી છોકરીઓ તારા વિશે જેમતેમ બોલતી સંભળાય ત્યારે શરીરમાં આગ આગ થાય છે. થાય છે કે તેમને કહું, ‘જાઓ પહેલાં માના પાલવથી નાક લૂછી આવો અને પછી દેવ આનંદ વિશે મોઢું ખોલીને બોલ જો.’ પણ આપણો જ રૃપિયો ખોટો, તો તેમને શું કહું? આંખે પટ્ટી બાંધવાની, કાનમાં ડૂચો મારવાનો, તારી જેમ!”

શું હતો દેવ, અને શું થઈ ગયો! એ ક્યારેય એક સક્ષમ અભિનેતા નહોતો, પણ ભાઈ  ગોલ્ડીએ (વિજય આનંદે) તેને કુશળતાથી માંજ્યો હતો. દેવની કરિયરમાં જ તમે ગોલ્ડી નિર્દેશિત ફિલ્મોની બાદબાકી કરો જોઉં : જ્વેલથિફ, ગાઈડ, જ્હોની મેરા નામ, તેરે મેરે સપને જેવી ફિલ્મો પછી જે વધે એનું મૂલ્ય શૂન્ય કરતાં વધુ નહીં હોય. ગોલ્ડી પાસે એ હતો ત્યારે તેના વિકારો દબાયેલા હતા, પણ એક વખત એને છુટ્ટો દોર મળ્યો અને બધું ખતમ થઈ ગયું. અંટસ બેઉ ભાઈઓ વચ્ચે અહ્મની હતી. દેવ વાસ્તવમાં ગોલ્ડી થકી ઉજળો હતો અને નવચેતનના નામમાં સચિનદેવ બર્મન નામના સૂર્યનો અજવાસ હતો. બર્મનદા ગયા અને ગોલ્ડી સાથે વાંકું પડયું એ બેઉ દુર્ઘટનાઓ કલાકાર દેવ માટે ઓલમોસ્ટ ‘જીવલેણ’ નીવડી. પછી તેણે જે કંઈ કર્યું તેમાં પ્રાણ નહોતો. અભિનેતા તરીકે એ બેકાબૂ બન્યો. ગીત ગાતી વખતે એ બંને હાથ ખભામાંથી લટકતા રાખતો અને ગાયન ગાતા ગાતા જ ક્યારેક એ રિવર્સમાં દોડવા લાગતો. એના ગોઠણમાં જાણે ગાંઠીયો વા થયો હોય એમ દોઢપગા મનુષ્યની માફક એ નાયિકાઓ પાછળ દોટ મૂકતો. સબ્જેક્ટની તેને ગતાગમ ન રહી. ‘પ્રેમ પૂજારી’ અને ‘હરે રામ હરે ક્રિષ્ના’ને સફળતા મળી એમાં એ એટલો ફુલાયો, એટલો ફુલાયો... કે છેવટે ફાટી ગયો.

ગોલ્ડીએ તેના માટે એવી ફિલ્મો બનાવી જેમાં દેવની અભિનયક્ષમતા કરતાં પણ ક્યાંય વધુ કામ તેની પાસેથી તેણે લીધું. કહેવાય છે કે પંડિતોના વ્યાસંગથી અને તેમની જોડે સત્સંગ થકી મનુષ્ય બુદ્ધિમાન બને છે. પણ દેવ પર ગોલ્ડીનો કે પોતાના પરમમિત્ર ગુરુ દત્તની આવડતનો,ટેલેન્ટનો કશો જ પ્રભાવ ન પડયો. પ્રેમ પૂજારી અને હરે રામ હરે ક્રિષ્ના પછી કેવી કેવી ફિલ્મો બનાવી તેણે! એક એકથી ઊતરતી! દેવની આ ખૂબી રહી છે : કલાકારોને એ એટલાં વામણાં બનાવી શકતો જેટલાં એ લોકો ખરેખર બિચ્ચારા ન હોય! કલાકારોને એણે માંજ્યા નહીં, તેમનું સૌથી બદતર બહાર લઈ આવ્યો. તેણે કદી કોઠી ઉજળી કરી નહીં. બસ, તેમાંથી કાદવ જ ઉલેચ્યો.

વૃદ્ધાવસ્થામાં પ્રવૃત્ત હોય એવા લોકોના સ્પિરિટની આપણે કદર કરીએ છીએ અને તેમાંથી ધડો લેવાનું નવી પેઢીને શીખવીએ છીએ. પણ દેવ એક એવું કેરેક્ટર બનીને રહી ગયો જેના માટે બધાં પ્રાર્થના કરતા હોય : ‘ઈશ્વર! આ દાદાને નિવૃત્ત કરો તો સારું!’ એ કદી થાક્યો નહીં, દર્શકો થાકી ગયા. દર્શકોને તેનાથી ઊબકા આવવા લાગ્યા, એ ધરાયો નહીં. એનો કમિટેડ દર્શક તેનાથી વિમૂખ થતો ગયો. એ કયા જમાનાની ફિલ્મો બનાવે છે એ જ લોકોને સમજાયું નહીં. ભૂતકાળમાં આવી ફિલ્મો (પ્રાઈમ મિનિસ્ટર અને લવ એટ ટાઈમ સ્ક્વેર યાદ કરો જરા!) કોઈએ બનાવી નથી, વર્તમાનમાં (તેના સિવાય) કોઈ બનાવતું નથી. તો શું એ ભવિષ્યકાળની ફિલ્મો હશે? બિલકુલ નહીં. એની ફિલ્મો કોઈ અલગ જ બ્રહ્માંડની હોય એવું આપણને લાગે. અભિનયની એની ખણ હજુ મટી નથી એટલે લીડ રોલમાં તો બંદા ખુદ જ હોય! પછી ‘સેન્સર’માં તમે તેને કોર્ટરૃમમાં ન્યાયાધીશ સામે દલિલો પેશ કરતો જુઓ ત્યારે લાગે કે માળું, હિન્દી સિનેમામાં આનાથી વધુ કનિષ્ઠ કોર્ટરૃમ દૃશ્ય બીજું કયું હોઈ શકે? ‘અવ્વલ નંબર’માં આમિરને કનડવા ટીમભ્રષ્ટ ક્રિકેટર આદિત્ય પંચોલી હેલિકોપ્ટર લઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી જાય અને ‘સચ્ચે કા બોલબાલા’નો સંપાદક (દેવ પોતે જ સ્તો!) પોતાને ત્યાં સબ-એડિટર બનવા આવેલી છોકરી (મિનાક્ષી શેષાદ્રી)ને પોતાની કેબિનમાં જ નાચવાનો આગ્રહ કરે, પેલી નાચે... નાચતાં નાચતાં ફરાક ખાસ્સું ઊંચું થાય કે જાંઘ પર છેક ઉપરના ભાગે ગુલાબનું ફૂલ ત્રોફાવેલું દેખાય અને આ ટેટૂ પછી અનેક રહસ્યો ઉકેલી નાંખે. ‘ટાઈમ્સ સ્કવેર’માં એક વૃદ્ધ માણસને પામવા સાવ કિશોરી એવી છોકરી ઘર મૂકી જાય અને પછી... ઉદાહરણો અગણિત છે.

પણ ફરી સવાલ થાય છેઃ ફાળકે એવોર્ડસના જ્યૂરી મેમ્બર્સમાંથી કોઈએ ‘પ્રેમ પૂજારી’થી ગેંગસ્ટર્સ સુધીની ફિલ્મો જોઈ હોય તો એમણે આ એવોર્ડ બહુ વહેલો જ આપી દીધો હોત. અલબત્ત, દેવ આનંદને નહીં, આપણા જેવા પ્રેક્ષકોને!
*એકાદ વર્ષ પહેલા "સંદેશ"માં પ્રકાશિત થયેલો મારો લેખ 

Saturday, December 3, 2011

Swaminarayan, BAPS, Pramukh Swami & Apurva Swami

પ્રમુખ સ્વામિ, અપૂર્વ સ્વામિ અને સ્વામિનારાયણ સંસ્થાની અપૂર્વ ગરીબી!
માનવ સેવાની વાત આવે ત્યારે આપણા સંપ્રદાયો કેટલી હદ્દે કંગાળ હોય છે તેનો પુરાવો આપતો એક પ્રસંગ પ્રમુખ સ્વામિના જન્મ દિવસે એમને સાદર અર્પણ....  
ગઈકાલે પ્રમુખ સ્વામિનો ૯૧મો જન્મ દિવસ ઉજવાયો તો એવો પ્રચાર થયો જાણે એમણે અવતાર લઇ જગતનું શું ય મોટું કલ્યાણ કરી નાખ્યું હોય. વાસ્તવિકતા એ છે કે, આ તિલક-ચાંદલાઓને સ્વયંના કલ્યાણ સિવાય કોઈના કલ્યાણમાં રસ નથી હોતો. મારો એક જાત અનુભવ કહું: થોડા સમય અગાઉની વાત છે. રાજકોટમાં હું બિગ એફ એમ માં હતો ત્યારે અમે દિવાળીના તહેવાર વખતે એક રાહત રસોડું ખોલ્યું હતું. તેમાં અમે દસ રૂપિયાનું એક કિલો ફરસાણ, વીસ રૂપિયે કિલોના ટોકન દરથી  મોહનથાળ આપતા હતા. કંપનીએ માત્ર એકવીસ હજાર રૂપિયા આપ્યા હતા જ્યારે અમે દસ દિવસ સુધી રોજની હજારો કિલો સામગ્રી આપતા હતા. એ બધું ભેગું કરવાની જવાબદારી અમારી હતી. મહત્વની વાત એ કે, અમે કોઈ શ્રેષ્ઠી પાસેથી પૈસા નહિ લેવાનો નિયમ રાખ્યો હતો - જેથી કોઈ વિવાદ જ ના થાય. હા! અમે દાનવીરો વગેરે પાસેથી સામગ્રી સ્વિકારતા હતા. કાચી સામગ્રી. બેસન, ઘી, ખાંડ, તેલ વગેરે. રોજના ટ્રક ઉતારે તો પણ સામગ્રી ઓછી પડે એમ હતું. 


રોજ અમે અનેક લોકોને ફોન કરી સામગ્રી માટે વિનંતી કરતા. કોઈએ ના કહી નહોતી. એક વખત બેસનની ભારે ખેંચ થઇ ગઈ. મેં રાજકોટ સ્વામિનારાયણ મંદિરના કર્તાહર્તા એવા અપૂર્વ મુની સ્વામિને ફોન કર્યો અને બે ગૂણી બેસનની સહાય મોકલવા વિનંતી કરી. ત્યાં મગસના લાડુ અને મોહનથાળ વગેરે નિયમિત બનતા હોય છે અને બેસનનો સ્ટોક કદી ખતમ થતો નથી. અમારી પ્રવૃત્તિ - વિતરણ ગામની મધ્યમાં થતું હતું લોકો સવારથી સાંજ લાગી ત્યાં ખડકાતી કતારો નિહાળતા હતા. મિડિયામાં તેનું જોરદાર કવરેજ રોજ આવતું હતું. અપૂર્વ મુની સ્વામીને મારે ઝાઝું સમજાવવાની આવશ્યકતા નહોતી. પરંતુ એમણે જે જવાબ આપ્યો એ પણ ખરેખર અપૂર્વ હતો. તેમણે કહ્યું: "હમણાં મંદિર પણ બહુ ખેંચમાં છે, બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં છે!" હું રીતસર ડઘાઈ ગયો! સમજતા મને વાર ના લાગી કે, બે ગૂણી બેસન સામે એમને શૂન્ય માઈલેજ મળતું હતું, કોઈ જ ફોટા છપાવાના નહોતા - પેટમાં એ જ દુખતું હતું. મેં કહ્યું: "સ્વામીજી, તમે આવડા-આવડા મંદિરો બાંધો છો, ચિક્કાર ખર્ચ કરો છો... અને આઠ હજાર રૂપિયાના સામાન માટે આવી વાત કરો છો?"   
 અપૂર્વ મુની સ્વામિ 
 અમારે ત્યાં બનતી ૧૦૦% વસ્તુ ગરીબો સુધી જવાની હતી. લાંબી લાઈનમાં બી.પી.એલ. કાર્ડ દેખાડી કોઈ મધ્યમ વર્ગની કે ધનવાન વર્ગની વ્યક્તિ આવું લેવા આવે નહિ. કોઈપણ સ્વસ્થ દિમાગની વ્યક્તિ આ પ્રવૃત્તિમાં હોંશે-હોંશે ભાગ લેવા આવે. અમને આવા અનેક અનુભવો થયા. એક ભાઈએ પોતાના કારખાનામાં મિઠાઈ આપવાનું જે બજેટ હતું તે અમને ફાળવી દીધું, પંદર ડબ્બા ચોખ્ખું ઘી અમને મોકલ્યું. તેની સામે અમારે તેમના ગરીબ કારીગરોને ટોકન ભાવે મીઠાઈ-ફરસાણ આપવાના હતા. અમારા માટે એ જબરો ફાયદાકારક સોદો હતો. કોઈએ પોતાનો જન્મ દિવસ ઉજવવાનું કેન્સલ કર્યું. કેટલાય સેવાભાવી લોકો અમારે ત્યાં શ્રમદાન  આપવા આવ્યા. સૌથી અદભુત કહી શકાય એવી મદદ રાજકોટના મારા ઉદ્યોગપતિ મિત્ર -
ડો. શૈલેશ માકડિયાએ કરી. (એમની રાધે ગ્રુપ ઓફ એનર્જી સાથે અને અકિલા સાથે મળી મેં ગોલ્ડન ગુજરાત ડોક્યુમેન્ટરી તો આ ઘટના બન્યા બાદ બનાવી!) એક વખત રસોડાની મુલાકાત લીધી અને બધી કામગીરી તેમણે નજરે જોઈ. અમારી મુશ્કેલીઓ વિષે અમારે એમને કહેવું ના પડ્યું. તેમણે અમને કહ્યું, "કોઈપણ સામગ્રી ઘટે તો કોઈ એક મોટી કરિયાણાની હોલસેલ પેઢી પાસેથી બધું લેતા જજો, છેલ્લે એમને કહેજો કે, બિલ મને મોકલાવી આપે!" શૈલેષભાઈએ અમને આપેલી એ લાઈફ લાઈનનો અમે ઘણી વખત ઉપયોગ કર્યો. અને એમણે એમનું પ્રોમિસ પાળ્યું. સેવાભાવી વડીલ મિત્ર એવા અમુભાઈ ધકાણ છેવટ સુધી મદદ વરસાવતા રહ્યા. કોઈ જ સ્વાર્થ વગર. આ બધાની નીતિમત્તા પેલા અપૂર્વ મુની કરતા વધુ ગણાય. એટલે જ હું ઘણી વખત કહું છું કે, આપણાં સાધુઓ કરતા આપણો સરેરાશ માનવી વધુ ઈમાનદાર અને વધુ નીતિવાન છે. 

વાત આગળ ચાલી, મેં જયારે મંદિરોમાં થતા ચિક્કાર ખર્ચની વાત કરી ત્યારે અપૂર્વ મુની સ્વામીએ ટિપિકલ સ્વામીનારાયણ સાધુની અદામાં જવાબ આપ્યો: "મંદિરો વગેરેનું નિર્માણ તો પસ્તી એકઠી કરી, તેના વેચાણમાંથી આવેલી રકમમાંથી થાય છે!" બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું આ અદભુત માર્કેટિંગ ગતકડું છે. તેઓ જ્યાં-જ્યાં મંદિર બાંધે છે ત્યાં લોકોના ઘેરથી પસ્તી ઉઘરાવવા નીકળે છે અને કહે છે કે, તેમાંથી મળેલા પૈસામાંથી તેઓ મંદિર બંધાશે. મંદિરો જો આમ બંધાતા હોય તો દિલ્હીનું અક્ષરધામ બાંધવા તેમને ૨૫ કરોડ કિલોગ્રામ પસ્તીની જરૂર પડી હોય! વાસ્તવિકતા એ છે કે, આવા ગિમિક તળે તેઓ મંદિરોમાં થતાં કાળા નાણાંના ઉપયોગની વાતો દબાવી દેવા માંગતા હોય છે. અપૂર્વ મુનિને મેં કહ્યું, "તમારે બેસન મોકલવો કે નહિ એ તમારી વિવેક બુદ્ધિ પર છોડું છું!" મને હતું કે, એમનામાં જો લેશમાત્ર નિષ્ઠા કે લાજ-શરમ હશે તો તેઓ મોકલશે જ. પરંતુ તેમણે ના મોકલ્યો. 

વાત નાની છે. પરંતુ બહુ મોટી છે. આવા સંપ્રદાયો કેટલી હદ્દે નિષ્ઠાવિહીન અને નઘરોળ હોય છે તેનો આ પુરાવો છે. ઉત્સવો અને ઉજવણીઓ પાછળ તેઓ અબજો ખર્ચી નાખે છે - કારણ કે, તેમાં તેમનું માર્કેટિંગ થાય છે. પરંતુ કોઈની આંતરડી ઠારવાની વાત આવે ત્યારે અપૂર્વ મુનિઓનું મંદિર ગરીબ બની જાય છે. બાય ધ વે, અમે દસ દિવસનો એ દિવ્ય સેવા યજ્ઞ બહુ સફળતાપૂર્વક પાર પાડ્યો. બિગ એફ એમની અમારી કોર્પોરેટ ઓફિસના લોકો પણ મોઢામાં આંગળા નાંખી ગયા. તેમને નવાઈ લાગતી હતી કે, આટલું વિરાટ કાર્ય કોઈ તોતિંગ ફંડ વગર કેવી રીતે શક્ય થઇ શકે! પરંતુ મેં પહેલા જ કહ્યું તેમ, દેશનો સામાન્ય માનવી આવા સાધુઓ કરતા વધુ ઈમાનદાર અને કરુણામય છે. સારું કાર્ય જોઈ એમના હૈયે ઈશ્વર વસતો હોય છે. હા! ઈશ્વર BAPSના મંદિરોમાં નહિ, લોકોના હૃદયમાં રહેતો હોય છે. 
સૌને જય સ્વામિનારાયણ!