Tuesday, December 6, 2011

દેવ આનંદને ફાળકે એવોર્ડ આપ્યો તો અમને નોબેલ આપો!
માન્યું કે એનો એક જમાનો હતો. કબૂલ કે યુવતીઓ તેના પર કુરબાન હતી. એ પણ કબૂલ કે તેની ઝુલ્ફોમાં કપાળના ઉપરના ભાગે જે નાનો શો ફુગ્ગો બનતો હતો એ જોઈ યુવા હૃદય ધબકાર ચૂકી જતા હતા. બધું જ મંજૂર. પણ તેથી શું થયું? દેવ આનંદ કંઈ આ ચિત્રપટ જગતનો પ્રથમ અને અંતિમ એવો સ્ટાર નહોતો કે જેના પર લોકો આટલી હદે ફીદા હોય. આજે સલમાનની હાલત પણ એવી જ છે ને! એની પાછળ છેલ્લાં વીસ-વીસ વર્ષથી યુવતીઓ પાગલ છે. પણ તેથી શું...? શું થોડાં વર્ષો પછી આપણે સલમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીશું?


દેવ આનંદને ફાળકે એવોર્ડ મળ્યો કે અનેક વિચારોનો જાણે વરસાદ શરૃ થઈ ગયોઃ પ્રથમ પ્રતિભાવ તો અમારો એ જ હતો કે જો દેવને તેણે બનાવેલી ફિલ્મો માટે અથવા તેણે આપેલા અભિનય બદલ ફાળકે એવોર્ડ અપાતો હોય તો ગાંઠનાં ફદિયાં ખર્ચી, અમૂલ્ય સમય વેડફી, તેની ફિલ્મો સહન કરવા બદલ શું આપણને પણ આવો એકાદ તગડો એવોર્ડ ન મળવો જોઈએ? બીજો પ્રશ્નઃ આખું શરીર જાણે સ્પ્રિંગથી બનેલું હોય એમ મર્કટવેડા માંડી અહીં-તહીં ઉછળવું એને જો અભિનય કહેવાતો હોય તો રાજપાલ યાદવ ભારતવર્ષનો સર્વોત્તમ અભિનેતા ગણાવો જોઈએ. ત્રીજો પ્રશ્નઃ ફિલ્મોદ્યોગમાં ક્વોન્ટિટીનું મહત્ત્વ છે કે ક્વોલિટીનું? માન્યું કે તમે અહીં દાયકાઓ પસાર કર્યા, ડઝનના હિસાબે ફિલ્મો બનાવી. પણ તેથી શું તમે આપોઆપ મહાન થઈ ગયા?એ ફિલ્મો જોવી એટલે માત્ર શિરદર્દને જ નહીં, જાણે આખા શરીરની કળતરને નોતરું આપવા જેવું હતું તેનું શું? કથાના નામે કોઈનેય ગળે ન ઊતરે એવી ‘ડી’ ગ્રેડની વાર્તા હોય તેમાં. અભિનયના નામે તેમાં સેલ્ફ ઓબ્સેસ્ડ ઘનચક્કર બુઢ્ઢાના નર્યા પાગલપન સિવાય તમને કશું જ જોવા મળે નહીં.

દેવ એટલે નારસિસિઝમનું શ્રેષ્ઠતમ્ ઉદાહરણ. છેક આજની તારીખે પણ એને એવો ભ્રમ છે કે એને ફિલ્મો બનાવતા અને અભિનય કરતા આવડે છે. દેવના મિત્ર એવા મરાઠી ફિલ્મ પત્રકાર શિરિષ કણેકરે તેને એક વખત અદ્ભુત ખુલ્લો પત્ર લખ્યો હતો. એમાંના કેટલાક અંશો માણવા જેવા છે : “પરાભવ માન્ય કરવા માટે આ પત્રપ્રપંચ. આપણો અપશબ્દોનો સંગ્રહ વિશાળ છે,એવો મને ઘમંડ હતો. એ મેં ચપટી વગાડતામાં ઉતાર્યો. તારું ‘સચ્ચે કા બોલબાલા’ જોઈને બહાર નીકળ્યા પછી ફક્ત વીસેક મિનિટમાં જ મારા શબ્દકોશના બધા અપશબ્દો ખલાસ થઈ ગયા. હું હતપ્રભ થઈ ગયો. પહેલાજ નિહલાની, કે.સી. બોકાડિયા, ટૂટૂ શર્મા વગેરે કસબી નાદાનોને જે ફાવ્યું નહીં એ તેં કરી દેખાડયું! આટલું ખરાબ ચિત્રપટ તું બનાવી રહ્યો છે તેની અમને ખબર પણ ન પડવા દીધી ને લુચ્ચા? મેં જોયેલાં સૌથી ખરાબ પાંચ ચિત્રપટોમાં - ચાલ,દસ કહુ જોઈએ તો, તેમાં તારા ‘સચ્ચે કા બોલબાલા’ને ગણવામાં વાંધો નથી. આવી જીવલેણ સ્પર્ધામાં એક પ્રસંગ, એક સંવાદ, એક ક્ષણ પણ સારી ન હોય એવી ફિલ્મ બનાવવી એ કંઈ રેંજીપેંજીનું કામ નથી. (‘ધરમ-અધિકારી’માં પણ રાજેન્દ્ર કૃષ્ણનાં બે ચોટદાર વાક્યો હતાં અને‘મર્દ’માં એક એન્ગલથી વાઘ જરા સારો દેખાયો હતો!) કમાલ કરી છે છોકરા! તારું દરેક ચિત્રપટ જોઈએ તો લાગે કે આગલું સારું હતું. ‘લૂંટમાર’ જોયુ ત્યારે તીવ્રપણે લાગ્યું હતું કે આ સમુદ્રનું તળિયું છે, આના કરતાં નીચે જવું તારા માટેય શક્ય નથી. પણ ‘સચ્ચે કા બોલબાલા’ તેં એ પણ કરી દેખાડયું. ‘ઉત્કર્ષને સીમા હોય છે, અધઃપતનને નહીં’ એ વચન સિદ્ધ કરવાની જવાબદારી તેં પોતે જ તારા યુવાન ખભા પર ઉપાડી લીધી ને પાર પાડી દેખાડી, અભિનંદન! ...થોડા દિવસ પહેલાં ભાઈદાસ હોલનાં પગથિયાં પર કોઈ તિરસ્કારથી બોલ્યું, ‘સાલ્લા દેવ આનંદ કા થોબડા તીન ઘંટે કૌન દેખેગા! ઈસ કો માર કે નિકાલો તો ભી વાપસ આયેગા પરદે પે.’ હજી ઊગીને ઊભી થયેલી તોછડી છોકરીઓ તારા વિશે જેમતેમ બોલતી સંભળાય ત્યારે શરીરમાં આગ આગ થાય છે. થાય છે કે તેમને કહું, ‘જાઓ પહેલાં માના પાલવથી નાક લૂછી આવો અને પછી દેવ આનંદ વિશે મોઢું ખોલીને બોલ જો.’ પણ આપણો જ રૃપિયો ખોટો, તો તેમને શું કહું? આંખે પટ્ટી બાંધવાની, કાનમાં ડૂચો મારવાનો, તારી જેમ!”

શું હતો દેવ, અને શું થઈ ગયો! એ ક્યારેય એક સક્ષમ અભિનેતા નહોતો, પણ ભાઈ  ગોલ્ડીએ (વિજય આનંદે) તેને કુશળતાથી માંજ્યો હતો. દેવની કરિયરમાં જ તમે ગોલ્ડી નિર્દેશિત ફિલ્મોની બાદબાકી કરો જોઉં : જ્વેલથિફ, ગાઈડ, જ્હોની મેરા નામ, તેરે મેરે સપને જેવી ફિલ્મો પછી જે વધે એનું મૂલ્ય શૂન્ય કરતાં વધુ નહીં હોય. ગોલ્ડી પાસે એ હતો ત્યારે તેના વિકારો દબાયેલા હતા, પણ એક વખત એને છુટ્ટો દોર મળ્યો અને બધું ખતમ થઈ ગયું. અંટસ બેઉ ભાઈઓ વચ્ચે અહ્મની હતી. દેવ વાસ્તવમાં ગોલ્ડી થકી ઉજળો હતો અને નવચેતનના નામમાં સચિનદેવ બર્મન નામના સૂર્યનો અજવાસ હતો. બર્મનદા ગયા અને ગોલ્ડી સાથે વાંકું પડયું એ બેઉ દુર્ઘટનાઓ કલાકાર દેવ માટે ઓલમોસ્ટ ‘જીવલેણ’ નીવડી. પછી તેણે જે કંઈ કર્યું તેમાં પ્રાણ નહોતો. અભિનેતા તરીકે એ બેકાબૂ બન્યો. ગીત ગાતી વખતે એ બંને હાથ ખભામાંથી લટકતા રાખતો અને ગાયન ગાતા ગાતા જ ક્યારેક એ રિવર્સમાં દોડવા લાગતો. એના ગોઠણમાં જાણે ગાંઠીયો વા થયો હોય એમ દોઢપગા મનુષ્યની માફક એ નાયિકાઓ પાછળ દોટ મૂકતો. સબ્જેક્ટની તેને ગતાગમ ન રહી. ‘પ્રેમ પૂજારી’ અને ‘હરે રામ હરે ક્રિષ્ના’ને સફળતા મળી એમાં એ એટલો ફુલાયો, એટલો ફુલાયો... કે છેવટે ફાટી ગયો.

ગોલ્ડીએ તેના માટે એવી ફિલ્મો બનાવી જેમાં દેવની અભિનયક્ષમતા કરતાં પણ ક્યાંય વધુ કામ તેની પાસેથી તેણે લીધું. કહેવાય છે કે પંડિતોના વ્યાસંગથી અને તેમની જોડે સત્સંગ થકી મનુષ્ય બુદ્ધિમાન બને છે. પણ દેવ પર ગોલ્ડીનો કે પોતાના પરમમિત્ર ગુરુ દત્તની આવડતનો,ટેલેન્ટનો કશો જ પ્રભાવ ન પડયો. પ્રેમ પૂજારી અને હરે રામ હરે ક્રિષ્ના પછી કેવી કેવી ફિલ્મો બનાવી તેણે! એક એકથી ઊતરતી! દેવની આ ખૂબી રહી છે : કલાકારોને એ એટલાં વામણાં બનાવી શકતો જેટલાં એ લોકો ખરેખર બિચ્ચારા ન હોય! કલાકારોને એણે માંજ્યા નહીં, તેમનું સૌથી બદતર બહાર લઈ આવ્યો. તેણે કદી કોઠી ઉજળી કરી નહીં. બસ, તેમાંથી કાદવ જ ઉલેચ્યો.

વૃદ્ધાવસ્થામાં પ્રવૃત્ત હોય એવા લોકોના સ્પિરિટની આપણે કદર કરીએ છીએ અને તેમાંથી ધડો લેવાનું નવી પેઢીને શીખવીએ છીએ. પણ દેવ એક એવું કેરેક્ટર બનીને રહી ગયો જેના માટે બધાં પ્રાર્થના કરતા હોય : ‘ઈશ્વર! આ દાદાને નિવૃત્ત કરો તો સારું!’ એ કદી થાક્યો નહીં, દર્શકો થાકી ગયા. દર્શકોને તેનાથી ઊબકા આવવા લાગ્યા, એ ધરાયો નહીં. એનો કમિટેડ દર્શક તેનાથી વિમૂખ થતો ગયો. એ કયા જમાનાની ફિલ્મો બનાવે છે એ જ લોકોને સમજાયું નહીં. ભૂતકાળમાં આવી ફિલ્મો (પ્રાઈમ મિનિસ્ટર અને લવ એટ ટાઈમ સ્ક્વેર યાદ કરો જરા!) કોઈએ બનાવી નથી, વર્તમાનમાં (તેના સિવાય) કોઈ બનાવતું નથી. તો શું એ ભવિષ્યકાળની ફિલ્મો હશે? બિલકુલ નહીં. એની ફિલ્મો કોઈ અલગ જ બ્રહ્માંડની હોય એવું આપણને લાગે. અભિનયની એની ખણ હજુ મટી નથી એટલે લીડ રોલમાં તો બંદા ખુદ જ હોય! પછી ‘સેન્સર’માં તમે તેને કોર્ટરૃમમાં ન્યાયાધીશ સામે દલિલો પેશ કરતો જુઓ ત્યારે લાગે કે માળું, હિન્દી સિનેમામાં આનાથી વધુ કનિષ્ઠ કોર્ટરૃમ દૃશ્ય બીજું કયું હોઈ શકે? ‘અવ્વલ નંબર’માં આમિરને કનડવા ટીમભ્રષ્ટ ક્રિકેટર આદિત્ય પંચોલી હેલિકોપ્ટર લઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી જાય અને ‘સચ્ચે કા બોલબાલા’નો સંપાદક (દેવ પોતે જ સ્તો!) પોતાને ત્યાં સબ-એડિટર બનવા આવેલી છોકરી (મિનાક્ષી શેષાદ્રી)ને પોતાની કેબિનમાં જ નાચવાનો આગ્રહ કરે, પેલી નાચે... નાચતાં નાચતાં ફરાક ખાસ્સું ઊંચું થાય કે જાંઘ પર છેક ઉપરના ભાગે ગુલાબનું ફૂલ ત્રોફાવેલું દેખાય અને આ ટેટૂ પછી અનેક રહસ્યો ઉકેલી નાંખે. ‘ટાઈમ્સ સ્કવેર’માં એક વૃદ્ધ માણસને પામવા સાવ કિશોરી એવી છોકરી ઘર મૂકી જાય અને પછી... ઉદાહરણો અગણિત છે.

પણ ફરી સવાલ થાય છેઃ ફાળકે એવોર્ડસના જ્યૂરી મેમ્બર્સમાંથી કોઈએ ‘પ્રેમ પૂજારી’થી ગેંગસ્ટર્સ સુધીની ફિલ્મો જોઈ હોય તો એમણે આ એવોર્ડ બહુ વહેલો જ આપી દીધો હોત. અલબત્ત, દેવ આનંદને નહીં, આપણા જેવા પ્રેક્ષકોને!
*એકાદ વર્ષ પહેલા "સંદેશ"માં પ્રકાશિત થયેલો મારો લેખ 

8 comments:

 1. દેવને તેણે બનાવેલી ફિલ્મો માટે અથવા તેણે આપેલા અભિનય બદલ ફાળકે એવોર્ડ અપાતો હોય તો ગાંઠનાં ફદિયાં ખર્ચી, અમૂલ્ય સમય વેડફી, તેની ફિલ્મો સહન કરવા બદલ શું આપણને પણ આવો એકાદ તગડો એવોર્ડ ન મળવો જોઈએ? બીજો પ્રશ્નઃ આખું શરીર જાણે સ્પ્રિંગથી બનેલું હોય એમ મર્કટવેડા માંડી અહીં-તહીં ઉછળવું એને જો અભિનય કહેવાતો હોય તો રાજપાલ યાદવ ભારતવર્ષનો સર્વોત્તમ અભિનેતા ગણાવો જોઈએ. ત્રીજો પ્રશ્નઃ ફિલ્મોદ્યોગમાં ક્વોન્ટિટીનું મહત્ત્વ છે કે ક્વોલિટીનું? માન્યું કે તમે અહીં દાયકાઓ પસાર કર્યા, ડઝનના હિસાબે ફિલ્મો બનાવી. પણ તેથી શું તમે આપોઆપ મહાન થઈ ગયા?એ ફિલ્મો જોવી એટલે માત્ર શિરદર્દને જ નહીં, જાણે આખા શરીરની કળતરને નોતરું આપવા જેવું હતું તેનું શું?...Naresh dodia

  ReplyDelete
 2. કીન્નારભાઈ

  એક દમ સાચી વાત કહી, આપે આવુંજ કૈક શ્રી ગુણવંત શાહ માટે પણ લખેલું , બંને વખતે આપ તદ્દન સાચા છો, આ બંને તો એક જમાના માં પ્રસિદ્ધ વ્યક્તિ હતા એટ્લે એમની પ્રસિદ્ધિ ભુખ આપણ ને નારી આંખે દેખાઈ આવે, પરંતુ સમાજ માં એવા કેટલા વડીલો છે કે જે ભાવી પેઢી ના Potential ને સમજ્યા વગર , અમારા જમાના માં આમ હતું ને આમારા જમાના માં આમ હતું કરી ને પ્રગતિ માં સ્પીડ બ્રેકર બની રહ્યા છે. એમને સહન કરવા વાળા એકલ દોકલ મિત્રો પોતાની વય્વ્થા ક્યાય ઠાલવી પણ નથી સકતા અને જો સમજાવવા જાય તો વંઠેલ માં ખપી જય છે. આ એક એવી બીમારી છે કે જે દેખાતી નથી પણ બહુ નુકસાન કરે છે અને એનો કોઈ ઇલાજ હાથ વગો તો દેખાતો જ નથી...
  ઉપર થી લોકો એને જનરેસાન ગેપ એવું લેબલ મારી દે છે...
  પ્રભુ ને એજ પ્રાથના કે અત્યારે એટલું કામ આમ કે મોટી ઉમરે કામ કરવાની ઈચ્છા જ ના રહે..
  અસ્તુ....

  ReplyDelete
 3. કીન્નરભાઈ, એકઝેટલી. એકે-એક શબ્દ સાથે સહમત. મારો પણ દેવાનંદ વિષે આ જ પ્રતિભાવ છે. પણ લોકો એના વખાણ પાછા એટલા કરે છે (અને એના મૃત્યુ વખતે તો ખાસ) કે આપણને થાય કે સાલું આપણને જ ભાન નથી પડતી કે શું. માણસ મારી જાય ત્યારે લોકો સામાન્યરીતે એના વખાણ જ કરતાં હોય છે. અને દેવના તો આમેય કરતાં હતાં. પણ ચલો હવે ખબર પડી કે મારા જેવા ય ઘણા હશે.

  ReplyDelete
 4. કિન્નરભાઈ

  (કદાચ)આ લેખ લખ્યો હતો એ દરમ્યાન ઓરકુટની આપણી GMCC Community દેવના દીધેલ આ સ્પ્રિંગ શખ્સ વિશે તમે થોડી વાતો કરેલી એમાંથી તમારું એક વાક્ય અહી મૂકું તો "હજુ તો ઘણા જ સંયમથી લખ્યું છે"

  અત્યારે પણ બધા એટલા માટે વખાણ કરતા હશે કે જેથી એમના (અને આપણા પણ) આત્માને શાંતિ મળે .

  ReplyDelete
 5. બદનામ હો કર ભી નામ તો હુઆ હૈ, શું મને તમને એટલા લોકો ઓળખે છે? જેટલા દેવસા'બને ઓળખતા હતા, કે ઓળખે છે.

  ReplyDelete
 6. દેવને ગાળો દેનારા દાનવો માટે....

  એ ક્યારેય એક સક્ષમ અભિનેતા નહોતો,...ખુબ સારુ...પરંતુ તે વાતનું શું જ્યારે ગાઈડની રિલિઝ બાદ આર.કે. નારાયણે કહ્યું હતું કે, દેવ સિવાય કોઈ સારો રાજુ ગાઈડ બની શકવાની હેસિયત નથી રાખતો... ચલો ગાઈડને બાજુ પર મુકી દઈએ. તો પણ શું ભારતીય સિનેમાના કોઈ પણ ખાંટુ દિગ્દર્શકમાં ગટ્સ છે કે તે હરે રામા હરે ક્રિષ્ના ફરીથી બનાવી શકે. ચલો તે પણ છોડી દો...આખી જિંદગી અભિનય સમ્રાટનું છોગુ લહેરાવી ફરતા દિલીપકુમારના અભિનયમાં શું ભલિવાર હતી તે બચ્ચનની એન્ટ્રી બાદ સૌએ જોઈ લીધુ...અને જો આપના માપદંડ માત્ર આટલા જ હોય તો પછી નસિરુદ્દીન શાહ તો દેવ,દિલીપ અને રાજ કરતા ક્યાય ચડિયાતા અભિનેતા છે.. અફકોર્ષ રાજ સા'બ ઉત્તમ સર્જક હતા પણ અભિનેતા તરીકે જો ચેપ્લિન ન હોત તો શું રાજે આટલું નામ કાઢ્યું હોત...૟? શું રાજ માત્ર ચેપ્લિનનું કોપી કેચર ન હતા...? અને દિલીપ વિશે વાત કરીએ તો,,,એ ભાઈ' કહિને રાગડા તાણવા સિવાય કઈ જાતની એક્ટિંગ હતી. અને હા, દિલીપ કે રાજનું એક માત્ર ઉદાહરણ આપી દો કે જેમા તેમણે લાર્જન ધેન લાઈફ રોલ કર્યો હોય એક રોમેન્ટિક હીરો તરીકે...આખી જિંદગી ધોતિયું પહેરી અને સોગિયું મો રાખ્યા સિવાય, અને ટ્રેજેડીનો ઓવર ડોઝ પાયા સિવાય શુ કરતા...? એ સિવાય, એ જમાનામાં ક્યો ભારતીય યુવા હતો કે જે રાજ અને દિલીપની સ્ટાઈલ પાછળ પાગલ હતો...? જ્યારે દેવ તો સ્ટાઈલ આઈકોન હતો...જેમ ચન્દ્રકાંત બક્ષીએ ગુજરાતી વાર્તાના નાયકને ગમાર ગામડીયામાંથી બહાર કાઢીને મહાનગરનો માનવી બનાવ્યો, જેમ કરશનમાંથી કોનારક બનાવ્યો તેમ દેવે મેટ્રો ઈન્ડિયનને પર્દા પર ચરિતાર્થ કર્યો...ભારતીયોને સુટ અને હેટ પહેરતા શિખવાડી. પ્રથમ વખત ભારતીય ફોજીને ચરિતાર્થ કર્યો...અને તેમા આપ શ્રીના મત મુજબ તેમા કઈ જગ્યાએ મર્કટવેડા જોવા મળ્યા... અને રહિ વાત છેલ્લો અક્ષર લંબાવીને બોલવાની કે ડોલી ડોલીને ડાયલોગ ડિલીવરી કરવાની...તો શાહરુખ જ્યારે કકકકક કિરન બોલે તો આપ શ્રી તેમને કિંગ ખાન ગણાવી દો છો...બચ્ચન જ્યારે કમરે હાથ રાખી થોડા ઝુંકીને હેઈઅ કહે...તો તો આપ શ્રીઓ ઓવારણા લઈ જાવ છો... અને દેવની સ્ટાઈલને ધોબી પછડાત આપવા મંડી પડો છો...અને હા જયભાઈ આપ ઈરોટિક સૌંદર્ય પન્નાભરીને લખી કાઢો છો તો આપને એ પણ યાદ હશે કે...આપના ઈરોટિક વર્ણનોને ચાર સાચણી ચડી જાય તેવી રીતે ઝિન્નત અમાનને તેમણે વર્ષો પહેલા બતાવી હતી... અને શ્રી કિન્નરભાઈના મત મુજબ તેઓ કદાચ બીજા જ કોઈ બીજા જ બ્રહ્માંડની ફિલ્મો બનાવતા હતા તો હા તેઓ બીજા જ બ્રહ્માંડની ફિલ્મો બતાવતા હતા કારણે કે તેમનો સબ્જેકટ હમેંશા હટકે રહેતો...એકદમ સાંપ્રત...અવ્લ નંબર હોય, સ્વામી દાદા હોય, લવ એટ ટાઈમ સ્ક્વેર હોય, હમ નો જવા,મી.પ્રાઈમ મિનિસ્ટર હોય કે પછી જેની વિરુદ્દ અનુરાગ કશ્યપે કેટલીય વખત હૈયાદાઝ કાઢી હોય તે ઈન્ડિયન સેન્સર હોય...દેવ જેવી વિષય સુઝ બીજા કેટલામાં જોવા મળે છે. અને સૌથી મોટી વાત કટોકટી વખતે ક્યો માંનો લાલ ભારતીય હિરોએ સરકાર વિરુદ્ધ બાંયો ચઠાવી હતી? અને હા અભિનય સમ્રાટ દિલીપે તો કદાચ નિશાન-એ-પાકિસ્તાન સ્વિકાર્યો જ હતો ને...અને દેવે તો બહાદુરીથી સરકાર વિરુદ્ધ જઈ અવાજ ઉઠાવ્યો હતો...ફિરોઝખાનની બહાદુરીના કિસ્સા લખવામાં આપ શ્રી અમારા દેવબાબુને શા માટે ભુલી જાવ છો? અને દેવને દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળે તેના વિરુદ્ધ લખાતા આર્ટિકલના એનાલિસિસ્ટોને એ પણ જણાવવાનું કે આપ શ્રીઓ રાજકુમાર (કન્નડ અભિનેતા, દિગ્દર્શક)દુર્ગા ખોટે, સોહરાબ મોદી,જયરાજ એલ.વી પ્રસાદ, બી.નાગીરેડ્ડી, સુલોચના(રુબી માયર્સ) વિરુદ્ધ પણ અને હા દિલીપ કુમાર(આમાંથી અડધોઅડધના નામ દર્શકોએ નહિં સાંભળ્યા હોય)ની વિરુદ્ધમાં પણ આર્ટિકલ લખો કારણે કે સૌને પણ ફાળકે અવોર્ડ મળ્યો છે. અને હા એમજી રામચંદ્રન, ગુલઝારીલાલ નંદા,મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, બી.સી રોય વિરુદ્ધ તો આર્ટિકલ લખો જ કારણ આ લોકોને તો ભારત રત્ન મળ્યા છે..અને અમારા દેવબાબુનું પ્રદાન તો આ લોકો કરતા તો ક્યાય વધુ પડતું છે...અને સૌથી મોટી વાત,,,દેવસા'બ જેવા માણસ કદાચ ભારતીય મનોરંજન જગતમાં જોવા જ નહીં મળે...no doubt, દેવ તેમના ઉતરાર્ધમાં પાછા પડ્યા હતા.પણ તેના પૂર્વાર્ધમાં તેમણે કરેલી હિંદી ફિલ્મોની સેવાને તો આમ નઝરઅંદાજ કરવાનો આપને હક્ક કોણે આપ્યો? આપને ટીકા કરવાનો હક છે જ...પરંતુ ટીકાની સાથે સાથે તેમના ગુણોના ભંડારને પણ દર્શાવો... અને આ વિશે આ તુચ્છ દેવચાહક કરતા ડિટેઈલમાં અશોક દવે, રજનીકુમાર પંડ્યા તેમજ ઉર્વિશ કોઠારી, સલિલ દલલા અને ગુજરાતના મહાન લેખક સ્વર્ગસ્થ ચ.કા.બક્ષી જણાવી શકે... and yeah for your kind information...મારા માટે દેવ, દિલીપ અને રાજ ત્રણેય સરખા જ છે...બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની જેમ....

  ReplyDelete
 7. When ever i go home - at mid-night - the dogs on the road bark. I reach home - open the door by my key - and enter the home and forget the dogs.

  ReplyDelete
 8. adehka lokoni kami nathi gujarati lokoma...

  ReplyDelete