Saturday, September 17, 2011

નરેન્દ્ર મોદીએ છાતીમાં ભરેલા યાદગાર ટહુકાઓનો દસ્તાવેજ!


નરેન્દ્ર મોદીએ લખેલું પુસ્તક, "જ્યોતિપુંજ" અનેક દ્રષ્ટિએ અનોખું છે. સંઘના સ્વયંસેવકો મોટાભાગે લો-પ્રોફાઈલ રહેતા હોય છે, એટલે તેમના પરિશ્રમની ગૌરવગાથાઓ છપાતી નથી. રાજકીય પાંખ ભાજપમાં આવેલા સંઘના લોકોને પદપ્રતિષ્ઠા મળી જાય છે. પરંતુ ઘર-પરિવારથી દૂર રહીને જાત નીચોવી નાંખનાર અસલ હિરોના ગુણગાન કોઈ ગાતું નથી. આજે સંઘના ઘણાં લોકો હળાહળ મુડીવાદી બની ગયા છે પરંતુ કેટલાક લોકોએ જાત ઘસી, પોતાના પરસેવાથી, પર સેવાથી અને લોહી બાળી આ વડલો ઉછેર્યો છે. અહીંયા નરેન્દ્ર મોદીએ આર.એસ.એસ.ના કેટલાક એવા જ દિગ્ગજ લોકોને સલામી આપી છે.મોદી આજકાલ ચર્ચામાં છે ત્યારે આ પુસ્તકનો થોડો આસ્વાદ માણીએ... 

વર્ષો પહેલાની વાત છે. ગુજરાતના આદિવાસી વિસ્તાર સાબરકાંઠામાં સંઘનો એક અદનો સેવક સેવાની નેમ સાથે પહોંચે છે. ઈડર તથા હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નેટવર્ક ગોઠવવાની જવાબદારી તેને આપવામાં આવી હતી. ભરજુવાનીમાં જ્યારે સામાન્ય લોકોને કરિયર બનાવવાના કે જલ્દીથી સેટલ થવાના વિચારો આવતા હોય ત્યારે પરોપકારના કામ માટે યુવાનીના કિંમતી વર્ષોની આહુતિ આપી દેવા માટે એક વિશિષ્ટ સ્પીરીટની જરૂર હોય છે. હૃદયમાં જો લોકો માટે કંઈક કરી છૂટવાની નિઃસ્વાર્થ ભાવના હોય અને એ લાગણીને લક્ષ્ય સુધી પહોંચાડવાનું મનોબળ હોય તો જ આવું શક્ય બને. સંઘનો પાયો જ આવા સિદ્ધાંતો પર રચાયો હતો. ઘરપરિવારને ક્યાંય પાછળ છોડી સમગ્રા સમાજ માટે કંઈ કરી છૂટવાની કોઈ અદમ્ય ઝંખના પર નિર્માણ થયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અને સંઘના આ સંસ્કારો પેલા યુવાનની રગરગમાં જાણે રક્તકણોની માફક દોડતા હતા. એટલે જ આ યુવાન કાર્યકર સંઘના સિદ્ધાંતોનો ફેલાવો કરવા ક્યારેક હિમતનગરમાં સંઘની શાખા લગાવે. મહેનત કરી, લોકોને સંઘની મહત્તા સમજાવી થોડા બાળકોને શાખામાં ખેંચી લાવે. ક્યારેક ત્યાંથી ઈડર જવાનું હોય, બસમાં જવાના પૈસા ન હોય, પણ ત્યાં હિન્દી ફિલ્મોમાં જેમ કહેવાતું હોય છે કે ઉડાને હોંસલો સે હોતી હૈ, પંખ સે નહીં ! એમ આ યુવાન સેવક ૨૮ કિલોમીટરનો ઊંવાસ પગપાળા કાપે. ક્યારેક દોડીને તો ક્યારેક ચાલીને. એકાંતરે તેને આવું અવશ્ય કરવું પડતું. જ્યાં બસ ભાડાના પૈસા ન હોય ત્યાં હોટેલ કે ધર્મશાળામાં રહેવાનું તો સદભાગ્ય ક્યાંથી હોય ? ઈડરની કાળમીંઢ ભેખડો જ તેનું નિવાસસ્થાન બની રહેતું. વિશાળ પથ્થરોમાંથી બનેલી કુદરતી ગુફાઓમાં તેનો રાતવાસો હોય. ભોજન પણ લકઝરી ગણાતું. બજારમાંથી બાજરાનો લોટ લાવી તેને પાણીમાં પલાળી, ગટગટાવી જવાનો. મહિનાઓ સુધી આવી તપશ્ચર્યા કરી. ત્યાંથી આ યુવાનને પછી નડિયાદ જવાનું થયું. મિશન એ જ હતું: સંઘકાર્ય.

સંતરામ મંદિરમાં રહેવા માટે એક નાની ઓરડી મળી ગઈ હતી. શાખામાં આવનારા એકબે સ્વયંસેવકો શાકભાજીનો વ્યવસાય કરતા. તેઓ અવારનવાર પેલા યુવાનને કાચા શાકભાજી આપી જાય. એમને ખ્યાલ ન હતો કે એ યુવાન પાસે શાકભાજી સાથે ખાવા માટે રોટલી-રોટલાની વ્યવસ્થા હતી જ નહીં.
ઉપર આપણે જેમના વિશે વાત કરી એ વ્યક્તિ એટલે સંઘના કર્મનિષ્ઠ સેવક વસંતરાવ ચીપલોણકર. અને આ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી લિખીત અનોખા પુસ્તક ‘જ્યોતિપુંજ’માં. પુસ્તકનું વિમોચન  થયું ત્યારે મિત્ર-લેખક જય વસાવડાએ તેના વિમોચન સમારોહમાં પુસ્તક વિશે સરસ વાતો કરી હતી. નરેન્દ્ર મોદીના આ પુસ્તક માટે તેમણે કહ્યું કે, ‘‘આ પુસ્તકને પ્રચાર પુસ્તક નહીં પણ વિચાર પુસ્તક કહી શકાય. પુસ્તકમાં નરેન્દ્ર મોદીએ જેમના વિશે વાત કરી છે એ સંઘના નેતાઓને તેમણે વાજબી રીતે જ વૈષ્ણવજનો કહ્યા. તેમણે કહેલી સૌથી મહત્વની વાત: આ પુસ્તક નરેન્દ્ર મોદીએ છાતીમાં ભરેલાં યાદગાર ટહુકાઓનો દસ્તાવેજ છે.’’
છેલ્લી વાત બહુ મહત્વની છે. મોર જ્યારે ટહુકા કરતો હોય ત્યારે એ ગેલમાં હોય છે. પોતાના સૌંદર્યથી બિલ્કુલ અજાણ. આ પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે તેના લેખક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નથી પરંતુ સંઘસેવક નરેન્દ્ર મોદી છે. ‘હું’પણાનો ક્યાંય છાંટો પણ દેખાય નહીં. બિલ્કુલ ડાઉન ટુ અર્થ રહીને લખાયેલા આ પુસ્તકમાં સંઘસેવક તરીકે તેમની દીર્ઘ યાત્રાના કેટલાક યાદગાર અનુભવો છવાયેલા છે. વિશિષ્ટ વાત એ છે કે સંઘના આ અગ્રણીઓની રસપ્રદ વાતો અત્યંત સરળ ભાષામાં લખાયેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અત્યારનું મેગા સ્વરૂપ જોઈને આજની પેઢીને આશ્ચર્ય થાય છે. પણ આ આખુ માળખુ રચવા પાછળ કેટકેટલા લોકોનો પસીનો પડ્યો છે, કેટલા ત્યાગબલિદાન અપાયા છે તેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. સંઘના સ્વયંસેવકો મોટાભાગે લો-પ્રોફાઈલ રહેતા હોય છે. એટલે તેમના પરિશ્રમની ગૌરવગાથાઓ છપાતી નથી. રાજકીય પાંખ ભાજપમાં આવેલા સંઘના લોકોને પદપ્રતિષ્ઠા મળી જાય છે. પરંતુ ઘરપરિવારથી દૂર રહીને જાત નીચોવી નાંખનાર અસલ હિરોના ગુણગાન કોઈ ગાતું નથી. અહીંયા નરેન્દ્ર મોદીએ આર.એસ.એસ.ના કેટલાક એવા જ દિગ્ગજ લોકોને સલામી આપી છે.

પુસ્તકની પ્રસ્તાવનામાં જ તેઓ લખે છે: ‘‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે મને આ પરંપરામાં સંસ્કાર મેળવવાનું સૌભાગ્ય મળ્યું છે. વ્યક્તિગત રીતે મારી પોતાની ક્ષમતાને અભાવે તે સંસ્કાર ગ્રહણ કરવામાં મારી ઉણપ રહી હોય... ઘણું બધું ખૂટતું પણ હોય... પરંતુ મારી પાસે જે ઉત્તમ છે તેમાં આ સંસ્કાર સરિતાના આચમનનું ઘણું ઉંચુ મહત્ત્વ છે.
મારી આ સંસ્કારયાત્રા દરમિયાન દુનિયાને નજરે તદ્દન નાના, છતાંય ઘણાં ઊંચા જીવનોની નિકટ આવવાનો અવસર મળ્યો. તેમનો પ્રેમ, તેમની હૂંફ મારી સંસ્કારયાત્રાના પ્રેરકબળ રહ્યાં. આ જીવનોની યાદી ઘણી લાંબી છે. પરંતુ ઉપલબ્ધ સમય મર્યાદામાં કેટલાકનું પુણ્યસ્મરણ કરવાનું શક્ય બન્યું છે.
કશાંયની અપેક્ષા વગર જીવન ખપાવી દેવાની આ ઉજ્જવળ પરંપરા વિષે સમાજમાં બહુ ઓછાને ખબર છે.’’‘જ્યોતિપુંજ’માં નરેન્દ્ર મોદીએ સંઘના પાયામાં રહેલાં કેટલાંક વ્યક્તિત્ત્વો વિષે માંડીને વાત કરી છે. કેશવરામ હેડગેવારથી લઈ પપ્પાજી તરીકે ઓળખાતા પી. વી. દોશી તથા કે. કા. શાસ્ત્રી, લક્ષ્મણરાવ ઈનામદાર, મધુરમ્ મધુકર, અનંતરાવ કાળે, ડૉ. વનીકર, બચુભાઈ ભગત, વિનોદી તળવલકર જેવા લગભગ ૧૬ મહાનુભાવોને તેમણે પુસ્તકમાં શાબ્દિક સલામ આપી છે. આમ તો આ પુસ્તકમાં દરેક પાને કેટલીક યાદગાર વાતો છે, રસપ્રદ પ્રસંગો છે. પરંતુ કેટલીક વાતો ઝડપથી ઉડીને આંખે વળગે છે. કે. કા. શાસ્ત્રી વિષે તેઓ પુસ્તકમાં લખે છે: ‘‘તેઓ જેમ મારા  પ્રત્યે પિતાતુલ્ય વાત્સલ્ય ધરાવતા હતા તેવી રીતે કયારેય મારે તેમની સાથે પુત્રની જેમ મીઠો ઝઘડો પણ થયેલો. આવો એક પ્રસંગ ખુબ રસપ્રદ છે. શાસ્ત્રીજીની વય વધતી જતી હતી છતાં તેઓ સાઈકલ છોડતા નહોતા. અમે ખૂબ વિચાર કર્યો, કોઈ યુક્તિ ફાવવા દેતા નહોતા. ૮૫ વર્ષની વયે પણ તેઓ ભો. જે. વિદ્યાભવન સાઈકલ ચલાવીને જતા હતા. એવામાં એક વાર ક્રોસીંગ પાસે શાસ્ત્રીજીની સાઈકલને અકસ્માત થયો અને ફ્રેક્ચર થયું. બસ, આ પ્રસંગનો મોકો લઈને મેં પુત્રવત્ અધિકારથી કહ્યું કે હવે સાઈકલનું હેન્ડલ પણ ભાંગી ગયું તેમ સમજજો અને તેમની સાઈકલ બંધ કરાવવાની બધાંની ઈચ્છા પુરી થઈ.
અક્ષરના આરાધકે જ્ઞાનની શક્તિ વડે જ જાણે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લોધો હશે. એકવીસમી સદીને જ્ઞાનની સદી માનવામાં આવે છે. માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. શાસ્ત્રીજીએ દાયકાઓના દાયકા સુધી જ્ઞાનની ઉપાસના કરી, એકએક શબ્દને ઓળખ્યો, માણ્યો અને અનુભવ્યો તેમજ તેનો રસાસ્વાદ પણ કરાવ્યો. આમ છતાં તેમણે ક્યારેય ભૌતિક સુખસગવડો કે આનંદપ્રમોદ માટે સમય ફાળવવાની તમા રાખી નથી. હું મુખ્યમંત્રી બન્યો પછી એક વાર શાસ્ત્રીજી વિશે વિચાર કરતો હતો કે, ‘‘આ માણસ કેવો નિઃસપૃહી છે ! પિતા તરીકેના અધિકારથી મને ગમે ત્યારે ટેલિફોન કરી શકે. આમ છતાં તેણે ક્યારેય મને કોઈની ભલામણ કે સિફારીશ કરી નથી. અથવા ‘આમ કરજે કે આમ ન કરતો, આટલું ધ્યાન રાખજે’ એવી વાત કરી નથી.
પરંતુ દરેક ગતિવિધીથી પુરેપુરા વાકેફ પણ રહેતા હોય તે વાત મને તેમના ટેલિફોન દ્વારા સમજાઈ. એક દિવસ તેમનો ફોન આવ્યો કે, ‘આજે લાડુડી મોકલાવું છું’

મે પૂછયું કે, ‘શા કારણથી ?’

તેમણે કહ્યું, ‘‘આજે વિશેષ કારણથી લાડુડી મોકલું છું.’’

મેં કહ્યું, ‘‘કેમ ?’’

તો કહે, ‘‘તું મારા માંગરોળમાં નર્મદાનું પાણી લઈ જાય છે એટલા માટે.’’

નિઃસ્પૃહ અને અકિંચન હોવા છતાં વતનપ્રેમ અને વતનના લોકોને મળતી સુવિધાથી કેવા આનંદવિભોર બની ગયા ! આ નિર્દોષ બાળસહજતાથી, સંસારમાં જળકમળવત્ રહેનાર મહર્ષિએ વતન છોડ્યાને ૬૦-૭૦ વર્ષ થઈ ગયા હશે. છતાં અમદાવાદમાં બેસીને હમવતનોને મળનારી સુવિધાનો આનંદ લઈ શક્યા એ તેમની ઉદારતા બતાવે છે.

શાસ્ત્રીજીની લાડુડીનું રહસ્ય પણ જાણવા જેવું છે. મારા જીવનમાં તેમની લાડુડી પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. હવે તેઓ જીવંત નથી એટલે બીજા કોઈ તેમને હેરાન કરવાના નથી, એટલે આ રહસ્ય જાહેર કરી દેવામાં પણ કોઈ વાંધો નથી.

અમે ઘણી યાત્રાઓ કાઢી: સોમનાથ યાત્રા, એકતા યાત્રા, ગૌરવ યાત્રા વગેરે. તે યાત્રા દરમિયાન પત્રકારો સતત એક જ પ્રશ્ન કરતા હોય છે કે, ‘‘નરેન્દ્રભાઈ, તમે થાકતા કેમ નથી ?’’ ‘‘આખા દિવસના પરિશ્રમ પછી રાત્રે નવ વાગ્યે અથવા રાત્રે અગિયાર વાગ્યે પણ કેમ તાજા દેખાઓ છો ?’’
તેનું રહસ્ય શાસ્ત્રીજીનો લાડુડીવાળો ડબ્બો છે. શાસ્ત્રીજીના મરજાદી પરિવારે મને તેમના ઘરના સભ્ય તરીકે સ્વીકારી લીધો હતો. આથી સીધો રસોડામાં બાની પાસે પહોંચી જતો. પછી હું ગમે ત્યાં હોઉં ત્યાં બા ડબ્બો પહોંચાડી દે. પણ આ પ્રસાદીનો લાભ બાએ મને છેવટ સુધી આપ્યો હતો. તેમાં તેમની અપાર કરુણા અને વાત્સલ્ય ભળેલાં હોવાથી લાડુડી ખાવાથી શરીરમાં શક્તિનો નવસંચાર થઈ જતો.’’

પુસ્તકમાં એક અલાયદુ પ્રકરણ સંઘના કર્મઠ અગ્રણી અનંતરાવ કાળે પર પણ છે. પ્રકરણની શરૂઆતમાં જ લેખક નરેન્દ્ર મોદી લખે છે: ‘‘પર્વતોની હારમાળા વચ્ચે વિશાળ વનરાજિ. કુદરતી સંપત્તિથી શોભતા રત્નાગિરિ જિલ્લાના પૂર્વ ભાગે બારેપાટણ નામનો એક નાનકડો તાલુકો છે. આશરે ૬૦ વર્ષ પૂર્વે પૂ. મહાત્મા ગાંધી અહીંના પ્રજાજનોને આઝાદી કાજે સમર્પિત જીવન જીવવાનો સંદેશો આપવા આવી પહોંચ્યા. જેમની દૂર સુધી ખ્યાતિ પહોંચી હતી એવા મહાત્માના સ્વાગત માટે ચારે તરફ ઉત્સાહનું વાતાવરણ હતું. વિશાળ શમિયાણાની સામે સભામંચ પર નેતાઓ બિરાજમાન છે. દેશનું નેતૃત્વ કરનાર આ મહાનુભાવોની વચ્ચે નજદીકના નાનકડા ગામ ઊંડીલથી બોલાવવામાં આવેલ માંજરી આંખ અને લાલગુલાબી કદાવર શરીરવાળો માંડ અગિયાર વરસની ઉંમરે પહોંચેલો એક બાળક પણ બિરાજમાન છે. હજુ સુધી કોઈનું એના તરફ ધ્યાન નથી.
મહાત્માજીના આગમન સાથે જ કાર્યક્રમનો પ્રારંભ થાય છે. આ નાનકડો બાળક પોતાના મધુર અવાજે ‘વંદેમાતરમ્’ ગીત લલકારે છે. તેના અવાજની મધુરતા, નિર્ભય વ્યવહાર સૌના આશ્ચર્યનું કેન્દ્ર બને છે.
ગીત પૂર્ણ થતાં જ મહાત્મા ગાંધી આ નાનકડા બાળકને પોતાની પાસે બોલાવે છે. પરિચય પૂછે છે. એના નાનકડા હાથ પર શોભતા સુવર્ણકડાને જોવા મથે છે. મહાત્માજીની બાજુમાં બેઠેલા એક સજ્જન આ નાનકડા બાળકને કહે છે : ‘‘મહાત્માજીને તારું આ સોનાનું કડું આપી દે.’’ એક પળનોય વિલંબ કર્યા વિના આ બાળકે પોતાના હાથનું કડું દેશોદ્ધાર  માટે મહાત્માના હાથમાં મૂકી દીધું ! મહાત્માજી સહિત સૌ બાળકની આ ભાવનાને જોઈ આશ્ચર્ય અનુભવે છે. તેઓ એક શબ્દ બોલે તે પહેલાં આ બાળક સડસડાટ મંચ પરથી નીચે ઉતરી ભીડમાં ખોવાઈ જાય છે.

પોતાના વ્યવહારથી બીજાઓનાં હૃદય પર છવાઈ જનાર આ નાનકડો બાળક એટલે સ્વ. પ.પૂ.ડૉ. હેડગેવારજીનો પ્રિય  ‘અન્તા’ અને ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સૌના પ્રિય પરિચિત શ્રી અનંતરાવજી કાળે.

એક વકતૃત્વ સ્પર્ધામાં અનંતરાવ કાળેએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે ત્યાં વીર સાવરકર હાજર હતાં. અનંતરાવજીના વક્તવ્યથી સાવરકર એટલા ઊંસણ થયા કે પોતે સામે ચાલીને તેમને મળવા ગયા. નાનકડા અનંતરાયનો પરિચય તેમણે જીવનપર્યંત ટકાવી રાખ્યો. સાવરકર જીવ્યા ત્યાં સુધી અનંતરાવ તેમને મળવા વર્ષમાં એક વખત અવશ્ય જતાં. અગાઉ આપણે જાણ્યું તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રચના સાદગી અને ત્યાગના પાયા પર થઈ છે. પુસ્તકમાં જેમના વિશે વાતો કરવામાં આવી છે, એમાંથી મોટાભાગના લોકો વચ્ચે એક સામ્ય જોવા મળે છે: સાદગી. અનંતરાવ પણ તેમાં અપવાદ ન હતાં. આપણે ત્યાં સામાન્ય રીતે રોટી, કપડા ઔર મકાનને  પ્રાથમિક જરૂરિયાત માનવામાં આવે છે. પરંતુ જેમણે સંઘના સિદ્ધાંતોને ખરા અર્થમાં પચાવ્યા હોય તેવા લોકો માટે પ્રાથમિક જરૂરિયાત રહેતી તેમનું ધ્યેય. નરેન્દ્ર મોદીએ અનંતરાવ કાળેનું એક સરસ ઉદાહરણ ટાંક્યું છે: અનંતરાવજી પાસે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પહેરવા ઓઢવા માટે ગરમ વસ્ત્રો ન હતાં. સંઘના એક અગ્રણી કોઈ કામે દિલ્હી ગયા તો વળતી વખતે અનંતરાવજી માટે ગરમ શાલ લેતા આવ્યા. એમની પાસે શાલ હતી નહીં. કોઈ સામાન્ય મનુષ્ય હોય તો રાજી થઈને શાલ પોતાની પાસે રાખી લે. પરંતુ તેઓ જુદી માટીના માનવી હતાં. પ્રથમ નજરે તેમને શાલ ગમી ગઈ હતી પરંતુ એની કિંમત વિષે જાણ્યું ત્યારે તેમને આંચકો લાગી ગયો. શાલની કિંમત ૧૦૦ રૂપિયા હતી. એ સમયના એકસો રૂપિયાનું મૂલ્ય આજના હજારો રૂપિયા જેવું થાય. લાંબો વિચાર કર્યા વગર તેમણે શાલ પેલા સજ્જનને પાછી આપી દીધી !
આજથી લગભગ સોએક વર્ષ પહેલાની વાત છે. અમદાવાદમાં એ સમયે મિલ માલિકોની શાખ એવી હતી જેવી આજે સોફટવેર કંપનીના માલિકોની હોય છે. એવા પરિવારમાંથી આવતા ડૉ. વણીકર વ્યવસાયે એન્જિનિયર હતાં. પરંતુ એમના પુત્ર વિશ્વનાથ વણીકરને એન્જિનિયર બનવામાં રસ ન હતો. ઉંચો બાંધો અને પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ ધરાવતા આ યુવાને લંડન જઈને ડૉકટર બનવાનું નક્કી કર્યું. થોડા વર્ષો ઈગ્લેંડમાં વિતાવીને તેઓ ભારત આવ્યા ત્યારે તેઓ ગુજરાતના પ્રથમ પેથોલોજિસ્ટ બન્યા. ડૉક્ટરનો વ્યવસાય આજે પણ ઉચ્ચત્તમ કક્ષાના ધન પ્રતિષ્ઠા આપે છે. એ સમય હતો જ્યારે ડૉક્ટરોનું માન આજના કરતા પણ અનેકગણું વધારે હતું. તેમના નામના સિક્કા પડતા. પણ ડૉકટર વણીકર માટે આ બધી ઝાકઝમાળનું બહુ વધુ મહત્વ ન હતું. ડૉક્ટર બન્યા બાદ પણ તેઓ સાઈકલ પર ફરવાનું પસંદ કરતાં. પરગજ્જુ જીવન ઊંવૃત્તિ અને સાલસ વ્યક્તિત્ત્વ એ એમની મૂડી. પોતાની ધમધમતી પ્રેક્ટિસ છોડીને પણ તેમણે સુખાકારી માટે એલ. જી. હોસ્પિટલની જવાબદારી સ્વીકારી. મિલ મજુરોના વિસ્તાર કહેવાતા પૂર્વીય અમદાવાદમાં તેમણે સેવાઓ પૂરી પાડવા માટે યજ્ઞ કાર્યનો આરંભ કર્યો. વર્ષો સુધી એલ. જી. હોસ્પિટલ સાથે જોડાયા પછી તેઓ નિવૃત્ત થયા ત્યારે સમાજ સેવા માટે બાકીના વર્ષો ખર્ચ કરવાનો નિર્ધાર કર્યો.

હિન્દુ સમાજને સંગઠિત કરવો, અસ્પૃશ્યતા દૂર કરવી એ એમનું મુખ્ય લક્ષ્ય હતું. વર્ષો પહેલા તેમણે સામાયિક ‘વિશ્વ હિન્દુ સમાચાર’ની શરૂઆત કરી. સમાજના ઉચ્ચ વર્ગમાં તેમના સંપકો સારા હતા. પરિષદનું કાર્ય ચલાવવા માટે ધનની વ્યવસ્થા કરવાનું તેમના માટે બહુ કપરૂ નહોતું. ધનવાનો પાસેથી તેઓ દાન મેળવી શકે એમ હતાં. પરંતુ એમનું ધ્યેય હતું સામાન્ય માનવીને સંઘના વિચારો સાથે જોડવાનું. એ માટે તેમણે દાનપેટીની યોજના બનાવી. નાનાનાના વેપારીઓ પાસે સામાયિકની નકલ મૂકવા તથા દાનપેટી મૂકવા પોતે જાતે જ જાય. દુકાનદારોને આ પત્રિકા વહેંચવા માટે સમજાવે અને કહે કે કોઈ ગ્રાહક જો દાનમાં કંઈ આપે તો પેલી પત્રિકા નિઃશુલ્ક આપવી. વેપારીઓ આનાકાની કરે તો તેઓ સમજાવે. ધીમે ધીમે એમના સંનિષ્ઠ પ્રયાસોએ પરિણામો દેખાડવાનું શરૂ કરી દીધું. તનતોડ મહેનત થકી તેમણે ગુજરાતમાં પાંચ હજાર જગ્યાએ આવી પેટીઓ મૂકાવી. ધીમેધીમે  નાનામોટા મંદિરો સ્વયં પ્રેરણાથી પોતાને ત્યાં આવી પેટીઓ મૂકવા લાગ્યા. ૧૯૬૪માં રચાયેલી સંઘની પાંખ વિશ્વ હિન્દુ પરિષદએ ડૉ. વણીકરજીની મહેનત થકી પાંચ વર્ષમાં જ ગુજરાતભરમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું. ૧૯૭૨માં તેમણે સિદ્ધપુર ખાતે હિન્દુત્વની છત્રછાયા નીચે આચાર્યો, સંતો, મહંતો, સાધુ વગેરેને આમંત્રિત કરી લાખો હિન્દુઓનું સંમેલન બોલાવ્યું. ગુજરાતમાં અગાઉ દુષ્કાળ અવારનવાર પડતો. આવા સમયે તેમની ભીતરમાં રહેલા સેવાકિય જીવને જાણે જાત જલાવીને લોકોને સુવાસ આપવાની પ્રેરણા મળતી. સાબરકાંઠા વિસ્તારના આદિવાસી ગામડાઓમાં તેઓ અઠવાડીયામાં ત્રણ-ચાર દિવસ વિતાવતા. ક્યાંક ભોજન માટે રસોડા ચલાવે ક્યાંક છાશ કેન્દ્રો.

આદીવાસી વિસ્તારોમાં સેવાકાર્યો કરતી વખતે તેમને ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. આવી પ્રવૃત્તિઓ રોકવા માટે એમણે અથાક પ્રયત્નો કર્યા. સાધુસંતોને લઈને તેઓ આવા ગામડાઓના લોકોના ઝૂંપડા સુધી પહોચી જતા અને તેમને જ્ઞાન આપતા.

અગાઉ સાઈકલ પર રઝળપાટ કરવાનું પસંદ કરતાં ડૉ. વણીકરે માત્ર સમાજ સેવા ખાતર હવે ગાડીમાં ફરવાનું નક્કી કરી લીધું હતું. પોતાની આ ગાડી તેઓ જાતે જ લઈને નીકળી પડે. સતત દોડધામના કારણે ક્યારેય થાક કે ઉંઘ લાગે તો ગાડીને રસ્તાની એક તરફ પાર્ક કરી જમીન પર સૂઈ જાય ઉંઘ ઉડે એટલે ફરી ગાડી લઈને ચાલતા થઈ જાય. રાષ્ટ્રીય સવ્યંસેવક સંઘના મુખપત્ર ગણાતા સામાયિક ‘સાધના’ની શરૂઆત પાછળ પણ ડૉ. વણીકરનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીમાં ‘સાધના’ના પ્રૂફ રીડરથી માંડીને ટ્રસ્ટીઓ સુધીના તમામ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. ડૉ. વણીકર પણ બાકાત ન હતાં. સમાજના ઉચ્ચ વર્ગના લોકો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા ડૉ. વણીકરને છોડાવવા માટે કેટલાંક મિત્રોએ લાગવગ લગાડવાની શરૂઆત કરી. ડૉ. સાહેબે જેલમાંથી જ સંદેશો મોકલાવી દીધો કે, જ્યાં સુધી દેશમાં લોકશાહીની પુનઃ સ્થાપના ન થાય ત્યાં સુધી તેઓ જેલમાંથી બહાર નહીં આવે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવકનું પ્રાંત કાર્યાલય જ્યાં બેસે છે તે હેડગેવાર ભવનનું નિર્માણ પણ એમના જ પ્રયત્નોના કારણે થયું હતું. ખરા અર્થમાં એવું કહી શકાય કે જીવનની અંતિમ ક્ષણો સુધી તેઓ અભાવથી પીડાતા લોકોની સેવા કરતા રહ્યા છે. ૭૩ વર્ષની ઉંમરે ડેડીયાપાડાના જંગલોમાં તેઓ આદિવાસીની સેવાપ્રવૃતિ માટે ગયા હતાં. ભરૂચ પાસે હાઈવે પર જીપમાંથી ઉતરીને રસ્તો ઓળંગવા જતા હતા ત્યાં જ એક મેટાડોરે તેમને હડફેટે લીધા અને એમનો જીવનદિપ બુઝાયો.

કાશીનાથજી બાગવડેનું જીવન પણ આવી રીતે લોકસેવામાં હોમાઈ ગયું. સંઘના આ પ્રખર સ્વયંસેવક જીવનના ચારચાર દાયકા સુધી લોકસેવા માટે ગામેગામ ભટકતા રહ્યા. સંઘકાર્ય તેમના માટે ધર્મકાર્ય કરતાં પણ વિશેષ હતું. શરીર એટલી દહે ઘસાયું કે જીવનનો આખરી તબક્કો અત્યંત કષ્ટદાયક બની રહ્યો. શ્રવણશક્તિ ચાલી ગઈ, હૃદયની બિમારીએ ઘર કરી, શરીરના એકએક અંગો ધીમે ધીમે કરતાં જવાબ દેવા લાગ્યા અને એક દિવસ તેઓ દુનિયા છોડી ગયા.

મૂળ તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વતની હતાં. પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિના કારણે નડિયાદમાં એક મિલમાં નોકરી કરવા આવ્યા. સંઘના કાર્યોથી પ્રભાવિત થઈ એમણે નડિયાદમાં એ કાર્ય હૃદયપૂર્વક સંભાળી લીધું. ખેડા જિલ્લામાં બહુ પ્રતિબદ્ધતાથી કામ કર્યું એટલે તેમને કચ્છની જવાબદારી સોંપાઈ. વાત આજથી લગભગ સાંઠ વર્ષ પહેલાની છે. કચ્છ જવું તો સુરજબારીથી સમુદ્રમાં થઈને હોડીનો પ્રવાસ કરવો પડતો. આજે પણ કચ્છમાં વાહન વ્યવહારના સાધનો બહુ સરળતાથી ઉપલબ્ધ નથી. તો આજથી છ દાયકા પહેલાનો સમય કેવો હશે !

દુનિયાના આ સૌથી મોટા જિલ્લાના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે આજે પણ બારેક કલાક જેવો સમય લાગી જાય છે. સાંઠ વર્ષ પહેલા કચ્છમાં મુસાફરી કરવાની ભયાનક હદે દુષ્કર હતી. આવા સમયે એમણે આખુ કચ્છ ખુંદી નાખ્યું. કચ્છના લોકો સાથે નાતો જોડવા માટે તેની સંસ્કૃતિ જાણવાનું અનિવાર્ય હતું. ભાષા પણ થોડી અલગ. હવામાન પણ વિષમ. શરીરને ભયાનક હદે કષ્ટ આપીને તેઓ સાઈકલ યાત્રા કરતાં. પગપાળા જતા. છપ્પ્નના ભુકંપ વખતે તેમણે જાત ઓગાળીને અસરગ્રાસ્તોની સેવા કરી દૂર દૂરના વિસ્તારોમાંથી તેમણે કાર્યકરોને પાવડો-ત્રિકમ લઈને બોલાવ્યા. કાર્યકરો પોતાની સાથે ત્રણ-ચાર દિવસનું ભાથુ અને સુકો નાસ્તો લાવ્યા. ઓજારસાધનો લઈને તેઓ ટુકડીઓમાં અંજાર તથા આસપાસના ગામોમાં સેવા કરવા નીકળી પડ્યા. એમનું શારીરિક કદ બહુ નાનું હતું, સાઈકલના પેડલ મારવામાં પગ પણ પહોંચતા નહોતા છતાં કચ્છના વિકટ રસ્તાઓ પર સાઈકલ દોડાવતા રહેતા.

નરેન્દ્ર મોદીએ કર્મઠ કાશીનાથજી વિષે અનેક રસપ્રદ વાતો લખી છે. છેલ્લી વાત એમના જ શબ્દોમાં: ‘‘કાશીનાથજીના જીવનમાં અદ્ભુત વ્યવસ્થાના દર્શન થતાં. જીવનનો નિત્યક્રમ, કામોની પ્રાથમિકતા, પૂર્વાયોજન, આવશ્યક માહિતી સઘળુ તૈયાર જ હોય. અત્યંત વ્યવસ્થિત જીવન એ તેમની વિશેષતા હતી. જેમ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખનારા વ્યક્તિ સવારે પ્રભુદર્શન કરે, પૂજનઅર્ચન કરે અને તેમાં કયારેય ખંડ ન પડવા દે, તેમ કાશીનાથજી સવારે ચાર-સાડાચાર વાગ્યે તૈયાર થઈ, પચાસ જેટલાં પોસ્ટકાર્ડ લઈ બેસી જાય. સૂર્યોદય થતાં પૂર્વે ગામેગામ પોસ્ટકાર્ડ દ્વારા પહોંચવાનો પ્રયાસ કરે. દરેક પત્ર અલગ હોય, સૂચના એક જ હોય, પણ કાર્યકર્તાના સ્તર પ્રમાણે તેની રજૂઆત કરી હોય. પત્રમાં માત્ર સ્વયંસેવક નહીં, તેના કુટુંબની દરેક વ્યક્તિને પોતીકાપણું લાગે તેવી લાગણીની છાંટ હોય. રોજ સવારે સ્વહસ્તે આટલા બધા પત્રો લખતા હોય, છતાં કયારેય અક્ષરોમાં મરોડ ન બદલાય, અક્ષરોમાં પણ થાક ન વરતાય. ભાષાશુદ્ધિનો આગ્રહ હોય. ઘણી વાર એમ લાગે કે સાતત્યપૂર્ણ રીતે ત્રીસ વર્ષ સુધી અખંડ રીતે કોઈ વ્યક્તિએ જાતે લાખો પોસ્ટકાર્ડ લખી સંગઠનની ગૂંથણી કરી હોય તેવી ઘટના આજના યુગમાં ‘રેકોર્ડ બ્રેક’ કરનારી લેખાય.’’

‘જ્યોતિપુંજ’માં  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આવા અનેક કર્મઠ સેવકોની વાતો કહેવામા આવી છે. સંઘના સિદ્ધાંતો માટે તથા હિન્દુત્વના જીર્ણોદ્વાર માટે અસ્તિત્વના બે-ચાર-છ દાયકાઓ ખર્ચી નાખનાર આવા પ્રતિબદ્ધ અગ્રણીઓની આ વાતો સંઘના સ્વયંસેવકો માટે તો ઉદાહરણરૂપ છે જ, સામાન્ય લોકોને પણ તેના વાંચન થકી આર.એસ.એસ.ના પાયાનો, તેની ફિલોસોફીનો તથા તેના સંઘર્ષનો ખ્યાલ આવે છે. અને એવો વિચાર પણ આવે છે કે, અત્યારે જે સંઘના લોકો છે એ તેમના પૂર્વજોને રસ્તે ચાલ્યા હોત તો આજે દેશનું ચિત્ર અલગ જ હોત.

* "અકિલા"માં પ્રકાશિત 

16 comments:

 1. Aa pustak vartman ane bhavishyama lokseva mate nu ek saru udaharan puru padtu prerana dayak madhyam bani shake chhe. Khub Saras..

  ReplyDelete
 2. ખરેખર યાદગાર સંભારણાં, કોઈ પણ સ્વાર્થ વિના માત્ર સમાજને ખાતર આખ્ખું જીવન સમર્પિત કરીને નામની પણ અપેક્ષા રાખ્યા વિના કાળની ગર્તામાં ખોવાઈ ગયેલા આ મહાનુભાવોને સમાજની સામે મૂકવાનું તો નરેન્દ્રભાઇ જેવાને જ સૂઝે! (કોઈએ પોતાના શિક્ષકોને સમ્માનવાનું કામ કર્યું હોય એવા પણ એ કદાચ ભારતના પહેલા મુખ્યમંત્રી હશે!) અહીં જે મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા છે એમાંથી મોટા ભાગના નામ મારા માટે પણ અજાણ્યાં હતાં એવું કબૂલવામાં ચોક્કસ પણે મને શરમ આવે છે! છાશવારે આર.એસ.એસ. નું નામ પડતાં ધૂણવા માંડતા અને હવામાં તલવારો વિંઝવા લાગતા અલેલટપ્પુઓની ગોબેલ્સ નિતી સામે આ પુસ્તક એક જડબેસલાક પ્રત્યુત્તર છે. લોકોને ખ્યાલ આવશે કે ખરેખર આ દેશ માટે કોણે ભોગ આપ્યો છે અને એનાં ફ્ળ કોણ જમી રહ્યું છે! અહીં દુષ્યંતકુમારની એક ગઝલની પંકિતો બરાબર બંધબેસતી થાય છે,
  दुकानदार तो मेले में लुट गए यारों
  तमाशबीन दुकानें लगा के बैठ गए ।
  આટલા સુંદર અને ઉપયોગી પુસ્તકનો આસ્વાદ કરાવવા બદલ કિન્નર આચાર્ય પણ અભિનંદનના અધિકારી છે.

  ReplyDelete
 3. ‎Mukul Jani,
  "છાશવારે આર.એસ.એસ. નું નામ પડતાં ધૂણવા માંડતા અને હવામાં તલવારો વિંઝવા લાગતા અલેલટપ્પુઓની ગોબેલ્સ નિતી સામે આ પુસ્તક એક જડબેસલાક પ્રત્યુત્તર છે. લોકોને ખ્યાલ આવશે કે ખરેખર આ દેશ માટે કોણે ભોગ આપ્યો છે અને એનાં ફ્ળ કોણ જમી રહ્યું છે! "
  તમે આટલું લખ્યુ તેમાં બધું જ આવી ગયું... :)

  ReplyDelete
 4. ઘણું ઘણું ઘણું ...જાણ્યું ....

  ReplyDelete
 5. Aachaman Karya Bad Ghanivar Aasvadan,Anivary Banai Jatu Hoi Chhe. Abhinanand na Adhikari Aacharya ne Vandan.

  ReplyDelete
 6. Many thanks to you to introduce this book to ppl. or readers who totally don't know much abt. RSS. Many salutes to those "Jansevaks"

  ReplyDelete
 7. Yes, Minal. RSS vishe bahu kuprachar thayo chhe. navi generation sikka ni biji baju pan jaane e jaruri chhe...

  ReplyDelete
 8. જૂની યાદો તાજી થઇ. આ પુસ્તક નરેન્દ્ર મોદીના હૃદયની સૌથી વધુ નજીક છે. ગાંધીનગરમાં આખી કેબિનેટ અને ટોચના સચિવોને વિમોચન સમયે એમણે ઓડિયન્સમાં બેસાડ્યા હતા.પણ માત્ર ત્રણ જ વક્તાણે બોલવાનું હતું. મોદીસાહેબ,સરસંઘસંચાલક મોહન ભાગવત, સાધ્વી ઋતંભરા. સાહેબની ઈચ્છા હતી કે આ ઉપરાંત કોઈ ચોથી વ્યક્તિ ફક્ત આ પુસક પર જ બોલે. એ ધારે એ દિગ્ગજ સંત કે સાહિત્યકારને બોલાવી શક્ય હોત.પણ એમણે મારું નામ નક્કી કર્યું ! ગાંધીનગરથી અચાનક ફોન આવ્યો તો મેં ચોખવટ કરી કે હું હોઈ સંઘનો કાર્યકર્તા નથી અને મારાં કેટલાય વિચારો તો.....એમણે ટૂંકમાં પતાવ્યું - મને ખબર છે. મેં સમજીને જ પસંદગી કરી છે. મારે આ પુસ્તક માટે મોટા નહિ, સાચા નામો જોઈએ.

  પણ બીજી એક મુશ્કેલી હતી, મારે દિલ્હી બોમન ઈરાનીના ગેમ શો બોલીવૂડ કા બોસમા જવાનું હતું. એ જ રાત્રે નીકળવું પડે. બીજે દિવસે સવારમાં શૂટિંગ હતું. અમદાવાદથી ફ્લાઈટ રાતની પકડું તો પણ ચાલુ કાર્યક્રમે મારે નીકળવું પડે. જે સ્તરનો એ કાર્યક્રમ હતો એમાં નીચે બેસનારા પણ નીકળે એ ખોટું ગણાય ને આ તો મંચ ઉપરથી બોલવાવાળો એક માત્ર 'બહારનો - હોદ્દા વિનાનો ને ઉંમરમાં સૌથી જુનિયર માણસ નીકળી જાય. દેખીતો અવિવેક લાગે! સાહેબના પી.એ. હિતેશભાઈ પંડ્યાએ કહ્યું , હું પૂછીને તમને વળતો ફોન કરું. (દિલ્હીની મારી ટિકિટ સહારા ટીવી તરફથી ઓલરેડી બુક હતી અમદાવાદથી) સહ્બેનો સંદેશો મક્કમ હતો. જય જ આવશે અને બોલશે. ભલે એણે ચાલુ કાર્યક્રમે નીકળવું પડે. એને પહેલા લઇ લઈશું અને સમયસર એરપોર્ટ પહોચાડવાની જવાબદારી આપણી!

  મેં ઘણા વ્યાખ્યાનો આપ્યા છે. હજારથી વધુ. પણ મારા મને ગમેલા અવિસ્મરણીય વ્યાખ્યાનોમાનું એક - એટલે આ વીસેક મિનિટનું પ્રવચન. એમણે પણ એટલું ગમ્યું કે ચાલુ રાખવાનો સંકેત અધવચ્ચે મેં ટૂંકાવવાની કોશિશ કરી ત્યારે આપેલો. ખાસ નોંધ : એમાં મેં કારણો આપીને પ્રશસ્તિ તો કરેલી, પણ સ્તુતિ નહિ. અને અહીં તમે લખ્યું છે, એથી વધુ આકરા કટાક્ષ વર્તમાન રાજકારણ-સંઘના નામે ઘુસી ગયેલા લેભાગુ નેતાઓ ઈત્યાદી પર કરેલા. મોદી સાહેબનું બનાવટી સેક્યુલારીસ્ટો જેવું નથી. એ સમાંછેદાની વાત શાંતિથી સાંભળે છે , ને એમનાથી અલગ મત રજુ કર્યો હોય તો ય બિરદાવે છે. મને એના એકથી વધુ જાતઅનુભાવ છે.

  મારું વ્યાખ્યાન પૂરું થયું એટલે વ્હાલથી ભેટી પડ્યા. મેં કહ્યું, મારે કાર્યક્રમ અધુરો મૂકી દિલ્હી જવાનું છે, એનો બહુ ક્ષોભ થાય છે. એ હસ્યા " ભાઈ, નેતાઓને બદલે ગુજરાતના નાગરિકોને પણ દિલ્હી જવાની ઉતાવળ હોય એ તો ગર્વનો વિષય કહેવાય! વડનગરના નાગરોને યાદ કરી મને વિદાય આપી. ત્યાં વ્યવસ્થામાં રહેલા ઉમદા વાચક એવા પોલીસ અધિકારી મનોજ શશીધરસાહેબને સંકેત કર્યો. તાકીદે મને એરપોર્ટ પહોંચાડવા માટે સાયરનવાળી સ્પેશયલ કાર તૈયાર હતી!

  બધા એમાં ખૂબ સરસ બોલ્યા એ મિત્રોએ કહ્યું ને પાછળથી હિતેશભાઇએ મોકલાવેલી ડીવીડીમાં પણ માણ્યું. તમે મારો સ્વભાવ જાણો છો એમ, સરસ કામ રંગેચંગે થયાનો સંતોષ થયો - બાકી, ઉભય પક્ષે કોઈ 'ખાનગી' ચર્ચા તો શું કોઈ કોઈ માંગણી કે વળતર કે શરત કે લાલચનો કોઈ 'હિડન એજેન્ડા' જ નહોતો. બસ, આ ઘસાઈને ઉજળા થનારા દેશભક્ત 'જ્યોતિપુંજો'નું તર્પણ કરવાની જ ભાવના. (પ્રવીણ પ્રકાશને પુસ્તક પણ સહ્બેની લાગણીને માન આપી ઉત્તમ બનાવ્યું છે.એમાં ય સાહબની એ જ ઈચ્છા હતી - મારાં બધા પુસ્તકમાં આ સૌથી મને વહાલું છે, એણે અનોખું બનાવવવું છે !) ઢંઢેરા પીટવા પૂરતી ય એની એક તસવીર સુધ્ધાં મેળવવાની મેં કોશિશ પણ કરી નથી, ને એટલે મારી પાસે એ છે ય નહિ. પણ એ મધુર ક્ષણો અંતરમાં આ મહાનુભાવોના કર્તવ્યોની જેમ હૃદયમાં કોતરી ગઈ છે.

  આજે તમે એ આ પોસ્ટ મૂકી, 'ફ્રોઝન મોમેન્ટ્સ'ને ફરી ઓવનમાં મૂકી ને ગરમાગરમ મહેકવાળી કરી આપી :)

  - જય વસાવડા

  ReplyDelete
 9. @Jay Vasavada,
  સરસ અને યાદગાર અનુભવ શેર કર્યો તમે.
  આ બ્લોગના વાચકોને માટે તમારી કમેન્ટ, ભોજન પછીના ડીઝર્ટ જેવી લાગશે.

  ReplyDelete
 10. "જ્યોતિપુંજ" પુસ્તક નહિ ગ્રંથ વિષે પરદા પાછળની વાતો પણ માણવા જેવી છે...ટાઇમ મળ્યે શેર કરીશ.. જયનો ત્યારે જે જય જયકાર થયેલ તેનો હું સાક્ષી ઓડીયાન્સમાં હાજર હતો.. ખુબ અભીનંદન અને તાળીઓથી એમનું સ્વાગત સર્વે સ્રોતા અને સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવોથી થયેલ.... અભિનંદન.. કિન્નરભાઈને ધન્યવાદ

  ReplyDelete
 11. @Dinesh Tilva...
  aavi badhi mahiti Share karsho to anand thashe...

  ReplyDelete
 12. કિન્નરભાઈ,
  માફ કરજો, ભોજન અધૂરું છોડીને જ ડીઝર્ટ માણી લીધું.
  ક્યા કરે ? જી લલચાય, રહા ના જાયે...:-p

  ReplyDelete
 13. mahiti ghani saras che, maja aavi

  ReplyDelete
 14. ખુબજ સુન્દર પુસ્તક..અતિસુન્દર સંક્ષેપ..આપ તથા જયભાઈ જેવા મિત્રો નરેન્દ્રભાઈ અને આરએસએસ વીશેના મત જાણી વિશેશ આનંદ થયો,તેઓની સામે હંમેશ જે અપપ્રચાર થતા હોય છે ત્યારે પણ આપ જેવા કલમનવીશો પોતાની કોલમ્સ માં એનો પ્રતિકાર ન કરી શકો ?

  ReplyDelete
 15. વાહ અતિ સુંદર ,,,,,,,,,,,,દેશ સેવા માટે બનેલું સર્વોત્તમ સંગઠન ,,

  ReplyDelete