Friday, March 9, 2012

The Great Indian Cricket Circus!


ભારતીય ક્રિકેટનું કરૂણ પતનઃ 

ચાર દિન કી ચાંદની અને પછી છે ઘેરો અંધકાર!

ઘરઆંગણે સાવજ થઇને ફરતા ખેલાડીઓ વિદેશમાં શા માટે ડરપોક સસલા જેવા બની જાય છે. શું સચિન તેન્ડુલકર ક્રિકેટ કરતાં પણ વધુ મહાન છે? શું ધોની એક મહાન કેપ્ટન છે ? શું સચિન-સેહવાગ રિટાયર્ડ થાય તો ભારતીય ટીમની હાલત સુધરી જવાની છે ? ભારતીય ક્રિકેટ વિશે આપણે ત્યાં ઘણા લોકો ઘણા ભ્રમ સાચવી બેઠા હોય છે. આવા અનેક ભ્રમો ભાંગી અને વાસ્તવિકતાનો પરિચય મેળવીએ... એશિયા કપમાં બાંગ્લાદેશની નિષ્પ્રાણ વિકેટો પર રનોનું તોફાન સર્જી આપના બકરી બ્રાન્ડ ખેલાડીઓ ફરી સિંહ બની ફરવા લાગે તે પહેલા એમનો સાચો ચહેરો ભાળવો જરૂરી છે.....






ભ્રમ ૧: સચિન તેન્ડુલકર એક મહાન પ્લેયર છે, દેશ માટે તેણે ઘણું યોગદાન આપ્યું છે. પોતાની નિવૃત્તિનું પ્લાનિંગ એ જાતે જ કરે તે બહેતર ગણાય.

વાસ્તવિકતા: સચિન એક મહાન પ્લેયર છે અને તેણે ક્રિકેટની રમતને ઘણું આપ્યું છે તે બાબતે કોઇને શંકા ન હોય. પરંતુ એ વાત ભુલાવી ન જોઇએ કે, ક્રિકેટની રમતે અને આ દેશે તેને કેટકેટલું આપ્યું છે. ક્રિકેટે તેને આ દેશમાં એક દેવતાનો દરજ્જો આપ્યો છે. દેશની લગભગ બે પેઢીએ તેનામાં પોતાનો આદર્શ નિહાળ્યો છે. ક્રિકેટને તેણે બેશક નવ્વાણુ સદીઓ આપી છે, પરંતુ ક્રિકેટએ તેને સો પેઢી ચાલે તેટલી સંપત્તિ આપી છે. 

આપણે રાહુલ ગાંધી અને રોબર્ટ વાડેરા કે રેડી બંધુઓના ભ્રષ્ટાચાર વિષે તો બહુ વાતો કરીએ છીએ. પરંતુ સચિનના ભ્રષ્ટાચારનું શું કરીશું? શું દેશહિતના ભોગે અને ક્રિકેટનું અપમાન કરી ને પણ સતત ટીમ પર બોજરૂપ બનવું અને રાત-દિવસ રૂપિયા ઉસેડ્યા કરવા એ એક પ્રકારનું કરપ્શન નથી? બિલકુલ છે. રાહુલ ગાંધીની જેમ તેન્ડુલકર પણ મીંઢો  છે. એ તેની સામેના સવાલોના જવાબ આપવાનું ક્યારેય મુનાસીબ માનતો નથી. ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ મેચમાં ખરાબ દેખાવ પછી દરરોજ મીડિયાને સંબોધવા અશ્વિન અને કોહલી જેવા જુનિયરોને આગળ ધરી દેવાતા હતા. સેહવાગ એક વખત મીડિયાને સંબોધવા આવ્યો. પત્રકારોએ પૂછ્યું કે, "આટલા ખરાબ દેખાવ પછી પણ સિનિયર્સ શા માટે મીડિયાના સવાલો ઝીલવા આવતા નથી? કેમ સચિન નથી આવતો?" સેહવાગે બેધડક જવાબ આપ્યો, "સચિન ત્યારે જ ઈડિયા સમક્ષ આવે છે જ્યારે તેણે રણ બનાવ્યા હોય! તેણે આ સીરિઝમાં રણ નથી બનાવ્યા એટલે એ મીડિયા સમક્ષ નહિ આવે!" સચિનના મીંઢાપણાનો આના કરતા મોટો પુરાવો બીજો કયો હોઈ શકે! 

રમતવીરો ક્યારેય પણ દેશ પર ઉપકાર કરતા નથી. તેમની ભીતર એક પેશન અને રમતના મેદાન પર કશુંક કરી છૂટવાનું ઝુનુન હોય છે.  સઘળો જશ આ સ્પિરિટને આપવાનો રહે છે. આજે સચિન તેન્ડુલકર જેટલી સમૃદ્ધિમાં આળોટે છે તેટલી દૌલત એકઠી કરવામાં ભારતના અન્ય રમતના ટોચના ખેલાડીને હજાર વર્ષ પણ ટુંકા પડવાના. જાહેરખબરોના અગણિત કોન્ટ્રાક્ટ, રિબિન કાપવાની આવક અને બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઇન્કમ... આ બધાનો સરવાળો કરો તો તેંડુલકર અત્યારે અબજપતિ પાર્ટી ગણાય. આ બધું તેને દેશએ આપ્યું છે. જ્યારે કોઇ એવો દાવો કરે કે તેંડુલકરએ દેશને ખૂબ બધુ આપ્યું છે ત્યારે એ વાત ભૂલાવી ન જોઇએ કે, આજે દેશમાંથી તેનું જે સ્ટેટસ છે તે દેશ તરફથી તેને મળેલું તગડુ વળતર છે. રહી વાત દેશ માટે રમવાની તો એ યાદ રાખવું જોઇએ કે, જો એ દેશ માટે રમતો હોત તો વિશ્વકપ પછી તેણે અવશ્ય નિવૃત્તિ લઇ લીધી હોત. એટ લીસ્ટ વનડે ક્રિકેટમાંથી. જો એ ખરેખર દેશ માટે રમતો હોય તો, જયારે પચાસ - સાંઠ રન વટાવે ત્યારે સો રન સુધી એકદમ ચમત્કારિક રીતે ધીમો શા માટે પડી જાય છે? દેશ માટે? ના. એની સદી માટે. ઇન ફેક્ટ, એની આવી ધીમી રમત ટીમને અનેક વખત નડી છે. 


વર્લ્ડકપ પૂરો થયાના દસ મહિના દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ લગભગ બે-અઢી ડઝન વનડે રમી છે. તેમાંથી સચિન એકપણ વનડે રમ્યો નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે પોતાની એકસોમી સદી ટેસ્ટ મેચોમાં પૂરી ન થઇ તેટલે તેણે વનડે રમવાની ઇચ્છા દર્શાવી. સવાલ એ છે કે, કોઇપણ રમતની નેશનલ ટીમ માટે કોઇપણ દરજ્જાના ખેલાડીની સીટ અનામત કેવી રીતે હોઇ શકે. સચિન ચાહે ત્યારે કોઇ સિરીઝ રમે અને ઇચ્છે ત્યારે ન રમે તેવું કઇ રીતે ચાલે. તેણે કઇ સિરીઝ રમવાની છે અને કઇ નહીં તેનો નિર્ણય પસંદગીકારો ઉપર છોડવો ઘટે. અહીં તો બન્યું છે એવું કે, સચિન જાણે ક્રિકેટ કરતાં પણ મહાન બની ગયો છે. હાલ રન નહીં બનાવી શકવાની તેની મજબુરી કદાચ તેનો ખરાબ દૌર પણ હોઇ શકે અને શક્ય છે કે, તેની કેરિઅર ખત્મ થઇ ગઇ હોય. પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે, સ્થાનિક મેચોમાં પ્રેક્ટિસ કર્યા વગર કે પોતાની જાતને પૂરવાર કર્યા વગર તે દસ મહિના પછી નેશનલ ટીમમાં સીધો જ એન્ટ્રી મેળવે છે. એ સીધો આદેશ સુણાવે છેઃ ‘હું આ સીરિઝ રમીશ.!’ ભલે જુનિયરોનો ભોગ લેવાતો, છો ને ટીમનું કોમ્બિનેશન ડામાડોળ થઇ જતું. સચિન આવે તેટલે જગ્યા તો કરવી પડે !

કપિલદેવએ અને ઇમરાનખાને સાચું જ કહ્યું છે કે, વિશ્વકપ પછી તેણે નિવૃત્તિ લઇ લીધી હોત તો તેના જેવું રૂડું બીજું કંઇ નહોતું. પરંતુ રિટાયરમેન્ટ લેવાની કળા બધાને હસ્તગત હોતી નથી. ખુદ કપિલ પણ જુતા ખાઇને અને હડધુત થઇને ટીમમાંથી બહાર ગયો હતો.  ખેલાડીઓથી મોહ છૂટતો નથી. મસમોટા કોન્ટ્રાક્ટ હોય છે, નામ, કિર્તી અને પ્રશસ્તિથી તેઓ ઘેરાયેલા હોય છે. મેદાન પર થતો હજારો તાળીઓનો ગડગડાટ  તેમને રાત્રે ઉંઘતી વખતે પણ કાનમાં પડઘાતો હોય છે. આ એક મહાન માયા છે. ખેલાડી સ્વીકારી શકતો નથી કે આ બધું એક દિવસ પસાર થઇ જવાનું અને તેમની જગ્યાએ નવા સુપરહિરો આવી જવાના. બસ ! જે વિરલો આ વાત સમજ્યો તેનો સુર્યાસ્ત પણ રળીયામણો હોવાનો.


ભ્રમ ૨: સેહવાગ એક મેચવિનર ખેલાડી છે, એ રમે ત્યારે આપણી જીત નક્કી.

વાસ્તવિકતા: હા ! સેહવાગ રમે ત્યારે આપણી જીત નિશ્ચિત હોય છે તે વાતમાં શંકા નથી. પરંતુ શંકા એ વાતે છે તે રમે છે ક્યારે ! આપણો આ કહેવાતો મેચવિનર દસ મેચમાંથી એક મેચમાં ઝળકે છે. ગાવસ્કરએ તેના વિશે હમણાં બહુ સાચું જ કહ્યું હતું કે, સેહવાગ હવે તેની નૈર્સગિક કેર ફ્રી રમતમાંથી કેરલેસ ગેઇમ ભણી જઇ રહ્યો છે. નિર્ભિક હોવામાં અને બેફિકર રહેવામાં તફાવત છે. છેલ્લી અનેક સીરિઝથી એ સતત તે એક પ્રકારે જ આઉટ થઇ રહ્યો છે. ઓફ સાઈડની બહારના બાઉન્સરને સિક્સર મારવાના પ્રયત્નમાં ડિપ થર્ડમેન પર તે હંમેશા કેચ આપી બેસે છે. ઓસ્ટ્રેલિયા તથા ઈંગ્લેન્ડની અને આફ્રિકાની ઉછાળ ધરાવતી વિકેટો ઉપર અવારનવાર એ સ્લીપમાં ઝડપાઇ જાય છે. છેલ્લા બે વર્ષની તેની એવરેજ જુઓ તો ખ્યાલ આવે કે, તેના કરતાં વધુ સારી બેટીંગ આપણો સ્પિનર અશ્વિન કરી શકે છે. 



લગભગ દોઢ-બે વર્ષથી તેણે વિદેશની ધરતી પર ટેસ્ટ સદી ફટકારી નથી. કહો કે, તે ઓલમોસ્ટ ખતમ થઇ ચૂક્યો છે. કાલે સવારે તે ફરી એક વખત તે ઝડપી સદી ફટકારી નાખે તો પણ હરખાઇ જવાની જરૂર નથી. કેમ કે, તેની નબળાઇઓ આખી દુનિયાના બોલર પારખી ગયા છે.  જાન્યુઆરી ૨૦૧૦થી માંડીને આજ સુધીના બે વર્ષમાં તેણે કુલ ૩ સદી વન-ડે સદી ફટકારી છે. જેમાંથી એક સદી ન્યુઝીલેન્ડ સામે છે તથા એક-એક સદી બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડિઝ સામે છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા કે ઈંગ્લેન્ડ જેવા પેસ એટેક સામે એ રીતસર શરણાગતિ સ્વીકારી લે છે. ટેસ્ટ મેચોમાં ઓગસ્ટ ૨૦૧૦ પછી તેણે એકપણ સદી બનાવી નથી. અને વાત માત્ર સદી પુરતી મર્યાદિત નથી. એ જ્યારે ક્રીઝ પર રમતો હોય ત્યારે અગાઉ એવો ખૌફ હવે વર્તાતો નથી. લાંબી ઇનિંગ રમવાની તેની ક્ષમતા જાણે ખતમ જ થઇ ગઇ છે. નૈસર્ગિક રમતના બહાને તેને ભારતીય ટીમમાં તેને જેટલી તકો અપાઇ છે તથા જેટલા થાબડભાણા થયા છે તેટલા જગતની કોઇ ટીમ પોતાના કોઇ ખેલાડી માટે ચલાવી ન લે.


ભ્રમ ૩: સિનિયર ખેલાડીઓ નિવૃત્ત થશે તો જુનિયરો ભારતનું કલ્યાણ કરી નાખશે.

વાસ્તવિકતા : સૌરવ ગાંગુલીને પરાણે નિવૃત્ત કરાયો ત્યારે બધા એમ કહેતા હતાં કે, છઠ્ઠા સ્થાને હવે કોઇ સારો પ્લેયર આવશે અને ભારતનો મિડલ ઓર્ડર સુધરી જશે. ગાંગુલીની જગ્યાએ સુરેશ રૈનાથી શરૂ કરીને યુવરાજસિંહ જેવા અડધો ડઝન પ્લેયર્સને અજમાવાયા છે. કોઇ પોતાનું સ્થાન જમાવી શક્યું નથી. રૈના અને રોહિત શર્મા બહુ સાતત્યપૂર્ણ રીતે અસાત્યપૂર્ણ દેખાવ કરે છે. રોહિત શર્માને તો કેટલાંક ઉત્સાહી નિષ્ણાંતો ભારતીય ક્રિકેટનું ભવિષ્ય પણ ગણાવી ચૂક્યા છે. સમસ્યા એ છે કે, વર્તમાનમાં જ એ પોતાનું સ્થાન નક્કી કરી શકતો નથી તો ભવિષ્યનું તો શું વિચારવું. મૂળે સ્થાનિક ફોર્મેટમાં છિંડાઓ હોવાને કારણે ભારતીય ક્રિકેટમાં પ્રતિભાનો દુષ્કાળ થયો છે, જેને આપણે ઓલરાઉન્ડર ગણાવીએ છીએ તે રવિન્દ્ર જાડેજાને સારા બોલીંગ આક્રમણ સામે વીસ-ત્રીસ રન કરવામાં પણ શ્વાસ ચડી જાય છે. આવા બી કે સી ગ્રેડના બેટ્સમેનો સ્થાનિક ક્રિકેટમાં બેવડી-ત્રેવડી સદીઓ મારીને નેશનલ ટીમ માટે પોતાનો દાવો નોંધાવે છે અને પછી આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં દેશના મોં પર કાળી મેસ ચોપડે છે. જાડેજા વનડે માટેનો એક ઉપયોગી બોલર છે. તેનાથી વિશેષ કશું જ નહીં. હમણાં એક મેચમાં છઠ્ઠા નંબર પર જ્યારે તેને બેટીંગમાં ઉતારાયો ત્યારે એ ભારતીય ક્રિકેટના તળીયે પહોંચેલા સ્તરનું ઉદાહરણ હતું. 




વિશ્વ કક્ષાની ટેલેન્ટ ક્યાં છે. ગંભીરની કેરિઅર ટોચ પર પહોંચે તે પહેલા જ એક ખેલાડી તરીકે તેનું પતન થવા માંડ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અને એ પહેલા ઈંગ્લેન્ડમાં થયેલા ભારતના કરુણ રકાસમાંથી આપણે કશું જ શીખ્યા નથી. એશિયા કપમાંથી માત્ર સેહવાગને જ શા માટે ડ્રોપ કરાયો? સચિન, રૈના, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા વગેરે ખેલાડીઓએ આખી ટુરમાં ઉકાળ્યું શું છે? આંચકાજનક વાત તો એ છે કે, સેહવાગની બાદબાકીને પણ ચિફ સિલેક્ટર શ્રીકાંત "હકાલપટ્ટી" નહિ પરંતુ "ઈજાને કારણે આરામ" ગણાવે છે! વર્ષે પાંત્રીસ લાખનો પગાર લેતા આ પસંદગીકારો ગદ્દાર છે. એમનામાં કોઈને ડ્રોપ કરવા  માટેની છાતી કે હિંમત નથી. છાપેલ કાટલાં જેવા  સચિનને તેઓ એશિયા કપમાં બેસાડી દેવાને બદલે તેણે તેમાં રમવાની વિનંતી કરે છે! આ બધા હીરલાઓને ચોક્કસ જગ્યાએ લાત મારી ને કાઢવાની જરૂર હતી. આ કોઈ રજવાડું નથી, અહીં કોઈની ગાદી કાયમી ના હોવી જોઈએ. દેખાવ અને સાતત્ય, એ બેઉ મુખ્ય વસ્તુ છે. આજે એ ગૌણ બની ગઈ છે. આ પેધા પડી ગયેલા લોકોને  એશિયા કપમાં પણ રમાડવાથી છેવટે ભારતીય ક્રિકેટને નુકસાન જ છે. એક તો, નવા ક્રિકેટરોને તક નહિ મળે. બીજું, બાંગ્લાદેશની નિર્જીવ વિકેટ પર આ થોરિયાઓ ફરી ગુલાબની જેમ ખીલી ઉઠવાના છે અને ફરી સસલાઓ સાવજ બની ફરવા લાગશે. વાસ્તવિકતા એ છે કે, બાઉન્સી વિકેટો પર તેમને ફરી જ્યારે રમાડવામાં આવશે, ફરી તેઓ પાણીમાં બેસી જશે. છેલ્લા બે-ત્રણ વર્ષની અંદર ભારતને ખરેખર વિશ્વકક્ષાની કોઇ ક્રિકેટીંગ ટેલેન્ટ પ્રાપ્ત થઇ હોય તો તે એકમાત્ર વિરાટ કોહલીને ગણી શકાય. રવિચંદ્ર અશ્વિનમાં દમ હોય તેવું લાગે છે, પરંતુ તેણે હજુ ઘણું પુરવાર કરવાનું બાકી છે. આપણાં નવી પેઢીના ખેલાડીઓ ફાસ્ટ વિકેટ ભાળીને થરથર ધ્રુજવા માંડે છે. સુરેશ રૈના દરેક વખતે  બાઉન્સ રમવામાં થાપ ખાય છે અને ઉછાળને પારખી શકતો નથી. નિયમીત રીતે તે ત્રીસ યાર્ડના સર્કલમાં ઉંચોઉંચો કેચ આપી બેસે છે. ગંભીરને આઉટ કરવો હોય તો માત્ર ત્રણ જ ખેલાડીની જરૂર પડે. એક બોલર વત્તા બે સ્લીપ. બાકીના આઠ પ્લેયર્સ પેવેલિયનમાં બેઠા હોય તો પણ ચાલે. સચિન, સેહવાગ તથા દ્રવિડ અને લક્ષ્મણ જેવા ખેલાડીઓને ઘેર બેસાડવાની વાતો તો બહુ થાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે, શું આપણે આટલા વર્ષોમાં તેમના વિકલ્પ તૈયાર કરી શક્યા ? બેશક, સચિન, સેહવાગ વગેરેની કારર્કિદી અસ્તાચળે છે, પરંતુ સમસ્યા એ છે કે, નવા ફાલમાં શું એટલી આવડત છે કે, તેઓ ભારતીય ક્રિકેટને સચિન, સેહવાગની સરખામણીએ દસ-વીસ ટકા પણ પ્રદાન કરી શકે ?

ભ્રમ ૪: ધોની એક કુશળ કપ્તાન છે, તેણે ભારતને વિશ્વકપ અપાવ્યો તથા ભારતીય ટીમને ટોચ પર પહોંચાડી.

વાસ્તવિકતા: ભારતને વિશ્વકપ અપાવવામાં ભારતીય ટીમ ઉપરાંત અન્ય ટીમોનો પણ ફાળો છે. આપણે યાદ રાખવું જોઇએ કે, ઓસ્ટ્રેલિયામાંથી હેડન, ગીલક્રીસ્ટ, વોર્ન, મેકગ્રાથ વગેરે જેવા ખેલાડીઓ  એકસાથે વિદાય થયા તે પછી તેમની ટીમમાં હવે અગાઉ જેવો દમ રહ્યો નથી. વિશ્વકપ સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ નવસર્જનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી હતી.  ઈંગ્લેન્ડની ટીમ પણ હજુ નિર્માણના તબક્કામાં હતી. જેને મજબુત હરીફ કહી શકાય તેવી આફ્રિકાની ટીમમાં પણ અનેક ઉણપો હતી. આ બધી ટીમોની નબળાઇઓનો પૂરેપૂરો લાભ ભારતીય ટીમને મળ્યો છે. એક સરળ પ્રશ્નનો જવાબ વિચારીએ તો પણ સ્થિતિનો ખ્યાલ આવી જશેઃ શું રિકી પોન્ટિંગની પેલી વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સામે ધોનીની વર્લ્ડ ચેમ્પીયન ટીમ ટકી શકે. નંબર વનનું આપણું સ્થાન ક્ષણિક હતું. જે હવે સ્વાભાવિક રીતે જ છીનવાઇ ગયું છે. સ્ટીવ વો અને પોન્ટીંગની ટીમે જે રીતે ક્રિકેટ પર રાજ કર્યુ છે તેની સરખામણીએ ધોનીની ટીમ તદ્દન ઠોબારી ગણાય. આપણે જેને આપણો ઉત્તમ બોલર ગણીએ છીએ તે ઝહીર ખાન દસમાંથી આઠ સિરીઝમાં ઇન્જર્ડ હોય છે. આપણે માનીએ છીએ કે, તે મેચવિનર છે. પરંતુ જરા યાદ કરો કે, કોઇ મેચમાં પાંચ-સાત વિકેટ લઇને તેણે મેકગ્રાથ કે મુરલીધરનની જેમ આતંક મચાવ્યો હોય તેવું છેલ્લે ક્યારે બન્યું હતું? ખરેખર તેવું ક્યારેય બન્યું હતું ? હરભજનને આપણે વિશ્વકક્ષાનો સ્પિનર ગણાવીએ છીએ, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી એ સ્પિનિંગ ટ્રેક ઉપર પણ વિકેટ લઇ શકતો નથી, બેટિંગ ટ્રેકની વાત અલગ છે. શ્રીસંત અને પઠાણ જેવા બોલરો એક સીરિઝમાં ચાલે છે તો નવ સિરીઝમાં ભારતીય ટીમનું મુંડન કરાવે છે. ઈશાંત શર્મા નામનો એક ઉન્તીય જેવો ખેલાડી હડીયું મેલી જે બોલ ફેંકે છે તેણે તમે બોલિંગ ગણો છો? સ્પેર વિકેટ કીપર તરીકે અને વધારાના બેટ્સમેન તરીકે આપણે પાર્થિવ પટેલ જેવો ખેલાડી રાખીએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે, તેની આવડી કારકિર્દી દરમિયાન ગણીને તે એક ઇનિંગ સારી રમી શક્યો નથી, છતાં તેનું સિલેકશન થયા જ કરે છે. વાસ્તવિકતા એ છે કે, પાર્થિવમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાના બેટ્સમેનનો એકપણ ગુણ નથી. તે પોતાની ઇન્ટરનેશનલ કેરિયરની ઉત્તમોત્તમ બેટીંગ કરે તો પણ ભારતને જીતાડી શકવાનો નથી. છતાં એ ભારતીય ટીમનો હિસ્સો છે !



વિશ્વકપ જેવી ટુર્નામેન્ટ ભારત જીત્યું તેનું મૂલ્ય સાવ ઓછું નથી. પરંતુ તેને લીધે ધોની એક કુશળ કેપ્ટન બની જતો નથી. એક કપ્તાન તરીકે તેના સબળ પાસાઓ કરતાં તેની નબળાઇઓનું પલ્લું ભારે છે. આર.પી. સિંગ અને રૈના જેવા ખેલાડીને ટીમમાં જાળવી રાખવાની તેની જીદની કિંમત ભારતીય ટીમે અનેક વખત ચૂકવી છે. પઠાણભાઇઓ તરફનો તેનો પૂર્વગ્રહ ભારતને ઘણી વખત નડ્યો છે. ઉત્તમ બોલરોની ઓવર્સ છેલ્લે સુધી સાચવી નહીં શકવાની તેની અણઆવડત અનેક વખત ઉઘાડી પડી છે. ટેસ્ટ મેચોમાં ટોસ જીત્યા પછી બેટિંગ કે બોલિંગ પસંદ કરવામાં તેણે આજ સુધી અનેક વખત લોચા માર્યા છે.  બેટિંગ ઓર્ડરમાં આવશ્યકતા મુજબ ફેરફાર નહિં કરવાની તેની મુઢતા અને મુર્ખતાની ઘણા વિવેચકોએ ટીકા કરી છે. પરંતુ સફળતા એક મોટું સ્ટેટમેન્ટ છે. જ્યારે તમે સફળ થઇ રહ્યા હો ત્યારે તમે બેફિકર કે બેપરવાહ થઇ શકો છો. કારણ કે, તમારૂં પત્તુ ચાલતું હોય છે. જ્યારે પત્તુ ચાલવાનું બંધ થાય અને તમારા નસીબનો સુવર્ણકાળ ખતમ થાય ત્યારે ઘણા સત્યો આપમેળે સપાટી પર દેખાવા લાગે છે. અત્યારે ભારતીય ટીમ તરફ જુઓ તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે, ભારતને વિશ્વકપ અપાવ્યો હોવા છતાં ધોની એક સામાન્ય કેપ્ટનથી વિશેષ કંઇ જ નથી.




*'અકિલા'માં પ્રકાશિત લેખ. થોડા ફેરફાર સાથે.  

3 comments:

  1. tame pan sadi fatkari ek j sathe

    ReplyDelete
  2. oh kinnarbhai.... first visit... too much impressed... now meet u every day.. thanks for sharing some lovely and interesting matters.... regards

    ReplyDelete