Monday, October 8, 2012

AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN

ફિર હુઈ ધડકને તેઝ દિલ કી, 

ફિર વોહ ગુઝરે હૈ શાયદ ઇધર સે !!!

AHMED HUSSAIN & MOHAMMED HUSSAINકિતની ભી યેહ રાત હસીં હો ફિર ભી સહર કી બાત અલગ હૈ,

હમ તુમ જીને કો જીતે હૈ, સાથ સફર કી બાત અલગ હૈ 


એહમદ હુસૈન - મોહમ્મદ હુસૈનનો પરિચય થયાને લગભગ બે દાયકા થયા. એમના અવાજનો પરિચય, ગાયકીનો પરિચય. એમને રૂબરૂ મળવાનું બન્યું નથી. પરંતુ સ્વર થાકી બરાબર ઓળખું છું. કારણ કે, એમની ગાયકી મેં રાત-રાત ભર જાગી ને ગટગટાવી છે. એમના ગાયનને એવી રીતે પીધું છે જાણે કોઈ અઠંગ પ્યાસી વ્યક્તિ શરાબને માણતો હોય. ખબર નહિ કેમ, મને એ જગજીત કરતા હંમેશા ચડિયાતા લાગ્યા છે. એવું સતત લાગ્યું છે કે, એમના હક્ક-હિસ્સાના યશ - કીર્તિ અને નામના એમને મળ્યા નથી. બેઉ ભાઈઓની ગાયકી આલા દરજ્જાની, સંગીતની સમજ કોઈ ઉસ્તાદ જેવી - એટલે જ તેઓ પણ "ઉસ્તાદ"ના નામથી જ ઓળખાય છે. કમ્પોઝિશનમાં ચિક્કાર વૈવિધ્ય. ક્યાંય સ્તરથી નીચે ઉતરવાની વાત જ નહિ. અને હું માનું છું કે, ગઝલ કે ગાયકીના ક્ષેત્રમાં અવાજ કરતા વધુ મહત્વ ગાયકીનું અને તર્જનું હોય છે।  


જગજીતની પુણ્યતિથિ નજીક છે, વાજબી રીતે જ એમને બહુ યાદ કરાશે. કોઈ જ તકલીફ નથી. પરંતુ નજર સામે જે બે ભાઈઓ જીવતાજાગતા, હાજરાહજૂર છે તેમને કોઈ યાદ નથી કરતુ એનો અફસોસ ક્યારેક થાય છે. સંગીત વિશે કે ફિલ્મો અંગે લખવા-બોલવામાં હું ક્યારેય કોઈની શરમ રાખતો નથી. કારણ કે, હું જે કંઈ લખું-બોલું છું તે એક ભાવક તરીકેના મારા અભિપ્રાય હોય છે, નિષ્ણાત તરીકેના નહિ. હું વિવેચક નથી, શ્રોતા કે દર્શક માત્ર છું. મારું જ્ઞાન કદાચ અલ્પ હોઈ શકે પરંતુ મારો શોખ અધકચરો નથી. મારો ટેસ્ટ છે, શક્ય છે કે, એ વાહિયાત હોય. સંભવ છે કે, એ પ્રથમ દરજ્જાનો હોય. પણ એ મારો ટેસ્ટ છે. તેમાં મારા બાયસ છે, પૂર્વગ્રહો છે અને એ પૂર્વગ્રહો છે તો હું છું. મને ખ્યાલ છે કે, દુનિયાનું બધું મ્યુઝિક સાંભળવા નથી સર્જાયું. હું માનું છું કે, જગતના દરેક ક્ષેત્રની માફક અહીં પણ કેટલાંક બ્રિલિયન્ટ લોકો. મુઠ્ઠીભર જીનિયસ લોકો અને ઝાઝાબધા મીડીયોકર લોકો હોવાના. AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN

   

સરખામણીની વાત નીકળી જ છે તો કહી દુ કે, જગજીત અને 
ચિત્રા જ્યારે સાથે ગાતા એ સમયની ગઝલોમાં ભરપુર વૈવિધ્ય રહેતું, રોમાન્સ અને આત્મા હતો. રોયલ આલ્બર્ટ હોલનો એમનો કાર્યક્રમ આજે પણ મારા ઓલટાઈમ ફેવરીટ આલ્બમમાંથી એક છે. એ આલ્બમ લગભગ હજાર વખત સાંભળ્યું હશે એવું કહું તો પણ અતિશયોક્તિ નહિ હોય. ગાલીબની ટી.વી. સિરિયલ માટે તેમણે કમ્પોઝ કરેલી ગઝલો પણ એટલી જ ગમે છે. જો કે, આજે પણ હું માનું છું કે, ગુલઝારે એ શ્રેણી માટે ગઝલો કમ્પોઝ કરવા અને ગાવા માટે ત્રણ-ચાર અલગઅલગ કલાકારો પસંદ કર્યા હોત તો બાત કુછ ઔર હીં હોતી... પણ પછી બધું જાણે અચાનક ખતમ થઇ ગયું. એકસરખી ધૂનો અને એકદમ ફિક્કી ગાયકી. ક્યારેક તો તેઓ પોતે જ પોતાની જૂની ધૂન ચોરી લેતા હોય એવું લાગતું. મને ઘણી વખત એવું લાગતું કે, જગતની ઉત્તમોત્તમ ગઝલોને ખતમ કરવાની, તેને સૌથી વાહિયાત રીતે કમ્પોઝ કરવાની એમનામાં અદભુત ક્ષમતા હતી. 

તમે જો અસલી શ્રોતા હોય તો ઘણાં પ્રશ્નો ઉછળતા અયડાતા રહે છે. તમારા મનમાં કયારેક વિચારોનું તોફાન ઉઠે છે. ભાઇબંધો ભેળા મળે અને સંગીતની વાત નીકળે ત્યારે એકાદ જણ અવશ્ય બોલે છે, ``અગાઉના સંગીત જેવી વાત હવે નથી રહી'' નોસ્ટાલ્જીયામાં જીવવું અમને પણ ગમતું નથી પણ સાચુ શું છે ? મેલોડીની હત્યા થઇ ગઇ ? સંગીતનું આત્માવસાન થઇ ચુક્યું છે ? રીક્ષાથી લઇ પડખેના ઘર સુધી મુન્ની બદનામ હુઈ વાગે છે, શીલા કી જવાનીથી તો હવે ભારતવર્ષના જીવજંતુઓ પણ પરિચિત છે. આટલાં ઘોંઘાટ વચ્ચે પણ સંગીતમાં સ્તબ્ધતા કેમ લાગે છે ? બેસુરો હિમેશ ખરતા તારાની માફક ચમકી પછી ફટ્ટ દેતાંક વિલોપ થઇ ગયો એમ મીકા અને મોહિત પણ એક દિવસ ઓગળી જશે અને એ દહાડો ઢુકડો છે. તુમ તો ઠહરે પરદેસી પછી અલતાફ રાજા અત્યારે દેશમાં છે કે પરદેશમાં એ પણ કોઇ જાણતું નથી. હસન જહાંગીર `હવા હવા ખુશ્બુ લુટા દે' ગાતો ત્યારે સૌ પાગલ થતા, એ કયાંક હવામાં ઓગળી ગયો. બાબા સેહગલે `આજા મેરી ગાડી મેં બૈઠ જા' કહ્યું ત્યારે થોડીવાર તો લોકોને ગમ્યું પણ હવે એની ગાડીમાં બેસવા કોઇ તૈયાર નથી. હાથી જેવી કાયાનો માલિક હોવા છતાં અદનાન સામિ ક્યાંક ખોવાઇ ગયો છે. કયારેક કોઇ અગમ્ય કારણસર કોઇનું પત્તું ચાલી જતું હોય છે. AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN   

લોકો એકઠા થાય ત્યારે સારા અવાજની અને સારી ગાયકીની ભેળસેળ કરી નાંખતા હોય છે. જગજિત સિંહનો અવાજ અફલાતુન છે પણ તેનાં કરતાં તો અમારા મોરબીનાં મનસુખ વાલેરા વધુ સારું ગાય છે. તલત મહેમુદનો અવાજ તમને ગમતો હોય તો અમને વાંધો નથી પણ એમની ગાયકી બહુ સારી હતી એવું કોઇ કહે તો એને સંગીતના સોગન. લતા એક જમાનામાં બહુ સારું ગાતી, અવાજ મીઠો હતો પણ વીસ વર્ષથી એનો અવાજ હવે કાનમાં દર્દ કરે છે. સુનિધિ અને અદનાનનાં ગીતો સાંભળતી વખતે ગીતનાં મૂળ શબ્દોની પ્રિન્ટ પણ સાથે રાખવી પડે કારણ કે એમનાં ઉચ્ચારો એટલાં અસ્પષ્ટ છે કે તેઓ શું ગાઇ રહ્યા છે એ જાણવા માટે બીજો કોઇ રસ્તો જ નથી. ઉદાહરણ તરીકે સુનિધિએ `વક્ત'માં ગાયેલું હોળી ગીત અને અદનાનનું `લિફ્ટ કરા દે' સાંભળવું. સારા ગાયક બનવાનું એક મહત્વનું પાસું એ છે કે તમારા ઉચ્ચારો સ્પષ્ટ હોવા જોઇએ. ગઈકાલે કદાચ સુનિધિનો સિતારો બુલંદી પર હતો  પણ ભવિષ્ય શ્રેયા ઘોષાલનું ઉજ્જવળ છે. આજથી વીસ વર્ષ પછી સોનુ નિગમ-રફી વચ્ચે તુલના થતી હશે.
 

સંગીત પારખવું એ પણ એક કળા છે. સોલી કાપડીયાનું આલબમ `પ્રેમ એટલે કે' આવ્યું ત્યારે એક ગુજરાતી લેખકે મિત્રભાવે તેનાં વખાણ લખ્યા કે, સોલી એટલે સોલી, બાપુ ! સમજુઓએ કહ્યું કે પુરૂષોતમ ઉપાધ્યાય અને સોલી વચ્ચે સરખામણી કરવી એ રમણ લાંબા અને સચિન વચ્ચે તુલના કરવા જેવું જ પાપ છે. આજે એ વાત સાબિત થઇ ચુકી છે. ક્રિકેટમાં જેમ `વન મેચ વન્ડર' જેવા ખેલાડીઓ હોય છે, એમ સંગીતમાં એવા ગાયકો સંગીતકારો હોય છે. દલેર મહેન્દીનું ગીત જ્યારે ટીવી પર વાગતું ત્યારે શેરીમાં ગાય-બળદો પણ ભાગાભાગી કરવા લાગતા પણ લોકો વગાડતા. આજે લોકો પણ ભાગવા લાગ્યા છે તેનાંથી. 


AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN
આવા બધાં ગાયકો પાછાં પોતાનાં ભાંભરવાને જસ્ટીફાય કરતા જાણતા હોય છે. પંજાબી ગાયકો એટલું ભુંડુ ગાય છે, એટલાં જોરથી ચીસો પાડે છે કે અમારા જેવા કાનસેનો પ્રભુને પ્રાર્થના કરે છે: આવું જ સંભળાવવું હોય તો અમારી શ્રવણશક્તિ છિનવી લો, ભગવાન. પછી તેઓ કહે છે કે અમે તો સુફી ગાઇએ છીએ. હિમેશ નાકમાંથી ગાયા કરે છે અને પત્રકારો પ્રશ્ન કરે ત્યારે કહે છે કે નૂસરત ફતેહ અલીખાન પણ આવું કરતાં. નૂસરત તો બીજુ ઘણું કરી શક્તા, તેઓ એટલાં ઉંચા સૂરમાં ગાઈ શકતા જ્યાં હિમેશ જેવા લોકો હેલિકોપ્ટરમાં પણ પહોંચી શકે નહી: પણ અહીં તો નૂસરત સાહેબનું નામ આપી દેવાનું એટલે પત્યું. દિલકો બહેલાને કો યહ ખયાલ અચ્છા હે... 

કુમાર સાનુ અત્યંત ચાંપલા અવાજે કિશોરની નકલ કરે અને પછી કહે કે કયો એવો ગાયક છે જે કિશોરદા થકી પ્રભાવિત ના હોય ? સોનુ નિગમ રફીનાં પડછાયામાંથી બહાર નહોતો આવ્યો ત્યાં સુધી પીટાતો રહ્યો `પરદેશ'ના `યે દિલ... દિવાના... હૈ યે દિલ' દ્વારા સોનુને પ્રથમ વખત અસલી સોનુ સાથે મળવાનું બન્યું પછી તેની ભિતર રહેલો ગાયક જાગ્યો. ઉદિત નારાયણને મળેલી સફળતા આજે પણ વૈજ્ઞાનિકો માટે અણઉકેલ કોયડો છે.છેલ્લે વાત કરવી છે હાલનાં અને જુના સંગીત વચ્ચેની સરખામણીની. સારા ગાયકો અગાઉ પણ હતા, આજે પણ છે. સંગીતકારો વિશે પણ એવું કહી શકાય. અગાઉ રફી, નૌશાદ, લતા, મદનમોહન હતા. તો આજે રહેમાન, શ્રેયા, સોનુ, રાહત, શફકત અમાનત અલી જેવા લોકો છે પણ સંગીતનું સ્તર નીચું આવ્યું છે એ વાત નિશંક છે. બાય ધ વે, બાત કહાં સે શુરુ હુઈ ઔર કહાં પહુંચ ગઈ!!! ... તો હાજર છે, મને સૌથી વધુ ગમતા ગઝલ ગાયકોમાંના એક (આમ તો બે!) એહમદ હુસૈન અને મોહમ્મદ હુસૈન. મને ખ્યાલ નથી કે, તમારામાંથી કેટલા લોકોને એ ગમશે. પરંતુ મને એટલો ખ્યાલ છે કે, તેઓ મને તો અપાર પ્રિય છે અને રહેશે.
નીચે આપેલા યુટ્યુબ વિડીયો પર એહમદ અને મોહમ્મદ હુસૈનની ગઝલો સાંભળો , શક્ય છે કે, તમને પણ એટલો જ આનંદ આવે, 
જેટલો મને આવે છે!  

આઈને સે કબ તલક તુમ અપના દિલ 
કિતની ભી યેહ રાત હસીં  હો વફા કે દીપ મૈ કબ સે જલાયે બૈઠા હું 
અચ્છા યેહ મુહબ્બત કા  અસર દેખ રહ હું 

મૈ હવા હું કહાં વતન મેરા 
 ઝુલ્ફ બિખરા કે નિકલે વોહ ઘર સે


 અય સનમ તુજ સે મેં જબ દુર ચલા જાઉંગા ...

કભી યું ભી આ મેરી આંખ મેં, કે મેરી નઝર કો  ...

=================================

RECENTLY ADDED 


જબ પ્યાર નહિ હૈ તો ભૂલા કયું નહિ દેતે .....


તુમ બિન  કૌન ખબર લે।।   ભજન 


તુમ્હારી યાદ મે પાઈ હૈ જબ કમી મૈને 


મેરી નાઝનીન ...


ચલ મેરે સાથ હી ચલ નીચે આપેલી લિન્ક્સ પર ક્લિક કરો અને 
હુસ્સૈન બ્રધર્સના આખા આલ્બમ ડાઉનલોડ કરો...(આ આલ્બમ મારું ફેવરીટ છે)

2 comments:

  1. gana time pachhi article lakhyo tame.....pehlivaar aa banne na naam sambhdya.....Medioker and media!!

    ReplyDelete