Friday, May 10, 2013

શ્રધ્ધાંજલિ નહિ, પુષ્પાંજલિ નહિ પરંતુ હાસ્યાંજલિ!: એક અનોખા પિતૃ તર્પણની પ્રેરક વાત !

પુસ્તક, "હાસ્યાંજલિ"નું ટાઈટલ:  સ્વર્ગસ્થ સ્વજનની સ્મૃતિમાં
હાસ્યનું પુસ્તક પ્રકાશિત થયાની આ કદાચ પ્રથમ ઘટના હશે 

સામાન્ય રીતે ચિરવિદાય પામેલા પોતાનાં સ્વજન 
પાછળ લોકો "ભજનાવલી" કે "ભગવદ્દ ગીતા"નું વિતરણ કરતા હોય છે. 
કોઈ વળી સ્તોત્ર વગેરેની ઓડિયો સી.ડી. બનાવડાવી 
મિત્રોમાં તેનું વિતરણ કરતા હોય છે. 
પરંતુ શું તમે કોઈ એવી વ્યક્તિ જોઈ છે જે પોતાના 
સ્વર્ગવાસી સ્વજન પાછળ હાસ્યથી છલોછલ પુસ્તક 
પ્રકાશિત કરી અને તેની હજ્જારો કોપિઝ મિત્રો અને સંબંધીઓને આપતી હોય? 

મારા મિત્ર અને સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ (રાધે ગ્રુપ ઓફ એનર્જી) ડૉ. શૈલેશ માકડીયાએ હમણાં આવો જ એક નવતર વિચાર અમલમાં મુક્યો! 
તેમને પોતાના પિતા સ્વ. વલ્લભબાપાની સ્મૃતિમાં, "હાસ્યાંજલિ" નામનું એક અદભુત પુસ્તક મારી પાસે સંપાદિત કરાવ્યું અને પછી તે પ્રકાશિત કર્યું! 
હમણાં, ત્રીજી મેનાં દિવસે તેમના વતન, પીપળિયામાં તેનો વિમોચન કાર્યક્રમ તેમણે રાખ્યો હતો. સ્વાભાવિક રીતે જ એ કાર્યક્રમ પણ એકદમ યુનિક હતો. એ દિવસે વલ્લભબાપની પ્રથમ પુણ્યતિથિ હતી, શૈલેશભાઈએ આખા ગામને ધૂમાડાબંધ જમાડ્યું અને પછી હાસ્યસંધ્યા જેવો ડાયરો રાખ્યો! સવાલ એ છે કે, સ્વર્ગસ્થ પિતા પાછળ હાસ્યની છોળો ઉડાડવાનું અને લોકોને ખડખડાટ હસાવવાનું તેમને શા કારણે સુઝ્યું? 

વાત એમ છે કે, વલ્લભબાપાએ આખી જિંદગી લોકોને હસાવ્યાં, 
પોતે પણ હળવાફૂલ રહ્યા
 અને અન્યોને પણ હળવા રહેવા પ્રેરણા આપતા રહ્યા. 
એમનો રમુજી સ્વભાવ અને જીવનને 
નિહાળવાની આગવી દ્રષ્ટિ તથા એક વિશિષ્ટ અભિગમ ... 
 બધાને કારણે એમનું વ્યક્તિત્વ પણ અનોખું રહ્યું હતું. 
એમને હસતા હસતા વિદાય આપવી - 
  એમનાં જીવનનું સાચું સન્માન ગણાય. 
પુસ્તકની પ્રસ્તાવનામાં શૈલેશભાઈ અને પરિવારજનોએ વલ્લભબાપનો જે પરિચય આપ્યો છે તેમાંથી થોડા અંશો જોઈએ તો ખ્યાલ આવે કે, એમને "શ્રદ્ધાંજલિ" કે "શબ્દાંજલિ" આપવા કરતા "હાસ્યાંજલિ" આપવી એ જ એમના જીવનનું સાચું સન્માન ગણાય! જુઓ આ અંશો: 
=========================
"એક સામાન્ય ગરીબ પરીવારમાં જન્મેલા હોવા છતાં, તમરા જીવનની અમીરી... અને એક શહેનશાહથી ચડીયાતી તમારી ઉદારતા... મસ્તીભર્યા મહાસાગર જેવું તમારૂં જીવન. તમારાં જીવનચક્ર ઊપર નજર કરતાં છાતી ગજ-ગજ ફૂલાય અને આનંદ અને અહોભાવથી અસ્તિત્વ આખું હરખાય. છતાંય તમારી વિદાયની યાદથી આંખો પણ આંસુઓથી સતત ઊભરાય!
લોકો કહે છે કે જન્મ સાથે કોઇ જ કાંઇપણ સાથે લાવતું નથી અને સાથે લઇ પણ જતુ નથી. ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે... પરંતુ તમે આ વાતને ઘણે અંશે ખોટી ઠેરવી નાખી.
અમારા ભણતર અને કારમી આર્થિક નાણાભીડની ગરીબી ગરીબી વખતે તેના સ્વભાવની અમીરી...  એકપણ તબક્કે હિંમત હાર્યા વગર સતત સંઘર્ષ સમયે પણ એમના મોઢા ઉપર હંમેશા સ્મીત, મસ્તી અને ખુમારી ચમકતી હતી. સગા-સંબંધી, મિત્રો પાસેથી મદદરૂપે ઉછીના લીધેલા પૈસાથી અમને સૌને ભણાવ્યા... ક્યારેય આર્થિક તંગીની અસર પણ વાત કે વહેવારમાં જણાવવા નથી દીધી. આવી પરિસ્થિતિમાં પણ વલ્લભબાપાની બગલાની પાંખ જેવી સફેદ કપડાની જોડી પણ મોટીમારડ ઈસ્ત્રી કરવા જતી. લોભી અને દંભી માણસો પ્રત્યે ટકોર કરવાનું તેઓ ક્યારેય ચુકતા નહિ. એમના જીવનમાં મસ્તી સાથે પ્રેમ પણ અદ્ભૂત હતો. 84 થી 87 સુધીના કારમા દુષ્કાળમાં મને વિદ્યાનગર ઉચ્ચ અભ્યાસમાં મોકલેલો ત્યારે મજબુરીમાં જકાતની નોકરી સ્વીકારી... આ બધું તેના સ્વભાવથી ઘણું બધું વિપરીત હતું, પરંતુ સમય-સંજોગોને સહજતાથી સ્વીકારી, પ્રેમ, આનંદ અને ખુમારીથી તમામ જવાબદારી પાર પાડી.
પાછળના એક દશકાનું આપનું જીવન, ભલભલા કરોડપતિને પણ ઇર્ષા આપે તેવું હતું. GJ-3CA-5329 નંબરની ટવેરા ગાડી... મિત્રોનો સંગાથ... ભાવતા ભજીયા-ગાંઠીયાનો હંમેશા સાથ... મિત્રો સાથે હરવું-ફરવું... ખાવું અને ખવડાવવાનો આપનો શોખ... અને સીકીડીકીનો સંગાથ.... બાળકો પ્રત્યેનો અનન્ય લગાવ અને પ્રેમ... કોઇપણ નાત-જાત, ઉંચ-નીચ કે ધર્મથી ઉપર ઉઠીને આપની કરૂણાસભર દ્રષ્ટિ સૌની આકર્ષતી હતી. કોઇપણ મજુરનું બાળક હોય કે... કોઇપણ સમાજનું ખેડૂતનું,દલિતનું બાળક હોય કે ભિખારીનું ... વલ્લભબાપા પાસે હક્કથી ચોકલેટ અને ફ્રુટ માંગી શકતું! સ્કૂલના બાળકોની રીસેસ વખતે આખી ફ્રુટની રેકડી બાળકોને ટોળામાં ખવડાવી દેવા, ગરીબ હોય, ભિખારી હોય, જરૂરતમંદ ગામના હોય કે પરગામના, દુઃખીયા હોય કે  દવાખાનાવાળા હોય, નિઃસહાય વૃદ્ધો હોય કે બાળકો, મંદિર હોય કે મસ્જીદ... સાંજે પાંચ વાગે એટલે પીપળિયા બસ સ્ટેન્ડને ઓટલે દરરોજ આવા જરૂરતંદોની આંખો વલ્લભબાપાના આગમનની વિશ્વાસ સાથે રાહ જોતી હતી. પરમાત્મા  પૃથ્વી ઉપર સાક્ષાત્ આવતો નથી પરંતુ તેમના આશિર્વાદ કોઇના કોઇ સ્વરૂપે જરૂરતમંદો સુધી પહોંચી જતા હોય છે... એ જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. અરે વ્યાજે પૈસા લઇને જરૂરતમંદોને મદદ કરવાની બહાદુરીના અમે સૌ સાક્ષી છીએ. કોઇ ગરીબ માવતરની દીકરીના લગ્ન અટકેલા હોય કે કોઇ વ્યકિતને દવાખાના માટે પૈસાની જરૂર હોય... બાપાની કરૂણાએ ક્યારેય કોઇને ના નથી પાડી.

કોઇપણ કર્મકાંડ, ધાર્મિક કે સંપ્રદાયના આડંબરથી ઉપર ઉઠીને માત્ર પ્રેમ અને કરૂણાથી સર્વ જીવદયા અને મનુષ્યસેવાને જ પરમ ધર્મ માનતા... ઉપરાંત કોઇની ભિતર કે ચહેરા પરના દુઃખને પારખવાની કોઠાસૂઝથી તેઓ દરેક સાથે તે છોકરો હોય કે નાના-મોટા પુરૂષ હોય, નાની બાળા હોય કે નાની-મોટી સ્ત્રી હોય, તમામ સાથે મજાક અને મસ્તીથી સામેનાના દુઃખને ભૂલાવી ચહેરા પર હાસ્ય રેલાવી દે... તેવું તેમનું ધબકતું વ્યકિતત્વ!
જીવનની સંધ્યા એટલા રંગોમાં જીવી ગયા કે, ઘણા લોકો ઇશ્વર પાસે દુઆ માંગવા લાગ્યા કે... “અમારૂં પાછળનું જીવન પણ વલ્લભબાપા જેવું હોય”... એ લોકોની દુઆ એ જ આપના જીવનમાંથી અવતરેલી ઇશ્વરીય અનુભૂતિ, સૌને આપ પ્રત્યે “સલામ... વલ્લભબાપા...!!”નો અહેસાસ કરાવે છે. ખરેખર આત્મા અમર છે... એનો અહેસાસ આપે કરાવ્યો... શરીરથી તમે નથી પરંતુ કદાચ આપની વિદાય પછી આપની અનુભૂતિ વધારે તીવ્રતાથી અનુભવાય છે, અમને સૌને..."
================================
તેઓ ભરપુર જીવ્યા, મન મૂકી ને જીવ્યા! એટલે   પુસ્તક પણ અમે જીવનના ધબકારથી ભરપુર બનાવ્યું છે! 
તેમાં ખડખડાટ હાસ્ય પણ છે અને આયખાનો પરિચય કરાવતી માર્મિક વાતો પણ છે, 
તેમાં વ્યંગ પણ છે અને તત્વજ્ઞાન પણ છે! 
હાસ્ય લેખો પણ ખરા અને હઝલ પણ છે!
વ્યંગ લેખો પણ છે અને મજેદાર કહેવત કથાઓ પણ છે!
ચોટદાર ઝેન કથાઓ પણ છે તો ઓશોના પ્રિય મુલ્લા નસીરુદ્દીનની વાર્તાઓ પણ છે!
તેમાં શરદ જોશી પણ છે તો હરિશંકર પરસાઈ પણ છે!
સવા બસ્સો પાનાંના આ દળદાર પુસ્તકની વાચન સામગ્રી અદ્ભુત કહી શકાય એવી છે, તેનું વૈવિધ્ય એવું છે કે, ગુજરાતીમાં હાસ્યના આટલા રંગો ધરાવતું આવું પ્રથમ પુસ્તક છે, તેનું પ્રોડક્શન, કાગળ પ્રથમ દરજ્જાના છે! વાચકો માટે માઠા સમાચાર એક જ છે કે, આ પુસ્તક ક્યાંય વેચાતું મળતું નથી, એ માત્ર વિતરણ માટે છે!

હું માનું છું કે, ગુજરાતી સાહિત્યમાં  એક નવતર અને તેના પ્રકારનો એકમેવ પ્રયોગ છે.

Campus of Radhe Group Of Energy's Corporate Office:
રાધે ગ્રુપની ઓફિસનું  કેમ્પસ અને તેમાં મુકાયેલી આઈનસ્ટાઇનની પ્રતિમા 


Dr. Shailesh Makadia CMD, Radhe Group Of Energy

 ડૉ. શૈલેશ માકડિયા આમ પણ એક અલગ વ્યક્તિત્વ છે, "હટ કે" વિચારવાની એમને આદત છે! મેં બહુ ઓછા એવા ઉદ્યોગપતિ જોયા છે જેમને ક્રીએટિવિટીની કદર હોય, જ્ઞાનનો જેને મન મહિમા હોય - શૈલેશભાઈ આવા એક વ્યક્તિ છે. સામાન્ય રીતે લોકો પોતાના કામકાજના સ્થળે ધાર્મિક પૂતળા મુકતા હોય છે પરંતુ શૈલેશભાઈની રાધે ગ્રુપ ઓફ એનર્જીની ભવ્ય ઓફિસમાં તમે પ્રવેશ કરો તો કેમ્પસમાં જ તમને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઇનની પ્રતિમા જોવા મળે! આટલી વાત પરથી જ એમના વ્યક્તિત્વ વિષે ખ્યાલ મળી જાય! યોગાનુયોગ આજે શૈલેશભાઈનો જન્મ દિવસ પણ છે ત્યારે એટલી જ શુભકામના કે, ટોળાથી હટી ને કશુંક વિચારવાની અને પરંપરાથી હટી ને કંઇક કરવાનો તેમનો આ સ્પિરિટ અખંડ રહે!   


6 comments:

 1. Saras avkardayak abhigam.

  ReplyDelete
 2. Dr. Shaileshbhai Makadia ne khub khub abhinandan sathe Happy Birth Day! Amara sudhi aa badhi vato pahochadava badal tamaro aabhar!

  ReplyDelete
 3. If I want 5 copy of this book for distribution where i can contact ? Please let me know..

  ReplyDelete
 4. Great ..If i want 5 copy of this book for me and friend , where i can contact...please let me know

  ReplyDelete
 5. આવા નવતર પ્રયોગમા અમારા ખીસકોલી સમા યોગદાન ને સાર્થક થતુ જોઈ ને અતિ આનંદ થયો.....
  ખુબ ખુબ આભાર કિન્નરભાઈ

  ReplyDelete
 6. Superb, as always. Hat's off to Shaileshbhai. To implement this kind of idea needs a big courage. Well done shaileshbhai. Happy Birthday and be always with us.

  ReplyDelete