Tuesday, October 4, 2011

"મારું ચાલે તો બધાં સદાવ્રતો જ બંધ કરાવી દઉં !"

પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો 
તેમને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં 
બેસતો નથી. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે 
અને સુસ્તી આળસ, દંભ તથા ગુનાખોરીને 
પણ ઉત્તેજન આપ્યું છે !





સાંપ્રત કાળમાં મહાત્મા ગાંધીના વિચારો કેટલી હદે પ્રસ્તુત છે? આ સવાલ ઘણા સમયથી ચર્ચાતો રહ્યો છે. છેક ગાંધીજીના સમયથી તેઓ જમાનાથી આગળ હતા કે તેમના વિચારો સંકુચિત હતા? ગાંધીજી અભ્યાસનો વિષય છે અને એમનાં લખાણો ચિંતનનો સબ્જેકટ છે. એમનાં લખાણો વાંચો કે ચિંતન આપમેળે ચાલુ થઈ જાય. મગજમાં કોઈ જેરણી કે મિક્સર ફેરવતું હોય એવું લાગે. આખું ચેતનાતંત્ર હચમચી ઊઠે. તેઓ પોતાના મોટા ભાગના વિચારો બાબતે સ્પષ્ટ હતા. આપણે ધર્મ પરના તેમના વિચારો આજની તારીખે કેટલા પ્રસ્તુત છે એ જાણવાની કોશિશ કરી છે. પણ એમનું  વિચારવિશ્વ બહુ વિશાળ છે. આવનારા દિવસોમાં આપણે કેળવણી, પત્રકારત્વ, અહિંસા, સેક્સ, રાજનીતિ, સમાજ અને અન્ય વિષયો પર તેમણે કરેલું ચિંતન માણીશું. આ પ્રકરણનો વિષય છે: ધર્મ. આદર્શ ધર્મ કેવો હોઈ શકે? કેવો હોવો જોઈએ? ધર્મમાં કેવી કેવી બદીઓ પેસી ગઈ છે એ અંગે એમનું થિકિંગ કેટલું ક્રાન્તિકારી હતું, એ વાતનો ખ્યાલ એમનાં લખાણમાંથી મળી રહે છે. ધર્મ અંગે, ધર્મસ્થાનો વિશે કે ધર્મગુરુઓ માટે તેમણે જેવાં સ્ટેટમેન્ટ ૩૦, ૩૫ કે ૪૦ની સાલમાં કર્યાં હતાં એવાં આજે પણ કોઈ કરવાની હિંમત નથી કરતું. તેઓ જેવું લખતા એવું જ જીવતા હતા અને જેવું તેમનું જીવન એવું જ તેમનું લખાણ. આચરણ અને લખાણ વચ્ચે સંપૂર્ણ એકરૂપતા હોય, કશી વિસંગતી ન હોય એવા કિસ્સા બહુ જવલ્લે જોવા મળે છે. કદાચ એટલે જ તેઓ મહાન છે.

ધર્મ વિશે સારું કે ખરાબ લખવું બહુ અઘરું નથી, પણ તેના અંગે તટસ્થ લખવાનું ખરેખર કપરું છે. ગાંધીજી બહુ ખૂબીપૂર્વક આવું બેલેન્સ્ડ લખી શકતા. હિન્દુ ધર્મને તેમણે સંપૂર્ણ સમર્પિત ભાવથી સ્વીકાર્યો પણ તેમાં રહેતી બદીઓની તેમણે હૃદયપૂર્વક નિંદા કરી. જે લોકો એવું કહેતા હોય કે ‘‘ગાંધીજીના વિચારો આજે પ્રસ્તુત નથી’’ તેમણે ગાંધીજીએ લખેલા ધર્મ પરનાં લખાણો વાંચવાં જોઈએ. ગાંધીજી આજની તારીખે પણ પ્રસ્તુત છે. ધર્મ અંગેના તેમના વિચારો આજે અન્ય કોઈપણ વિચારક કરતાં વધુ પ્રસ્તુત છે.

સદાવ્રતો વિશે લખવાની આજે કોણ હિંમત કરી શકે? સદાવ્રતો આજે પણ આપણે ત્યાં આળસનાં અને એદીપણાનાં કેન્દ્ર છે. વાસ્તવમાં એ ધર્મગુરુઓની શતરંજનો એક ભાગ જ છે. સદાવ્રતો ધર્મસ્થાનને ધૂમ આવક રળી આપે છે. પાંચ રૂપિયાના ખર્ચ સામે પાંચસોની આવક. શ્રીમંતો, ધર્મગુરુઓ, એદીઓનું એક વિષચક્ર છે. જે નિરંતર ચાલ્યા કરે છે. શ્રીમંતો પોતાનો અહમ્ સંતોષવા અથવા પોતે કરેલાં કુકર્મોનું દ્રાવણ ડાઇલ્યૂટ કરવા માટે ધર્મસ્થાનોને અખૂટ ધન આપે છે. ધર્મગુરુઓ એ ધનમાંથી પછી થોડાંઘણાં નાણાં સદાવ્રત પાછળ ખર્ચે છે અને મોટો ભાગ સગેવગે કરી નાંખે છે. સમાજમાં આ ધર્મગુરુઓની વાહવાહ થાય છે. સદાવ્રત વગરનાં ધર્મસ્થાનો ખરેખર તો માર્કેટિંગ ડિવિઝન વગરની કંપની જેવાં છે. એનું કામ લોકોએ આંજી દેવાનું હોય છે. બહુમતી લોકો સદાવ્રતો જેવી તદ્દન પ્રૉફેશનલ બાબતમાં પણ કોઈ દૈવી સંકેતના કે ચમત્કારનાં દર્શન કરે છે. લોકો હંમેશાં કહે છે કે ‘ફલાણા સદાવ્રતના કોઠાર કદી ખાલી થતા નથી.’ લોકોની અંધશ્રદ્ધાને પણ તળિયું કયાં હોય છે વળી?

ધર્મ અંગે ગાંધીજીએ પુષ્કળ લખ્યું છે. ફક્ત હિન્દુ ધર્મ પર જ નહીં પણ ઇસ્લામ, બૌદ્ધ અને ખ્રિસ્તી પર પણ. લોકો કહે છે કે ગાંધીજીએ હંમેશાં મુસ્લિમોની તરફેણ કરી. પણ ઇસ્લામ અંગે પણ સ્પષ્ટ કહેતાં તેઓ કદી અચકાયા નહોતા. બિટવીન ધી લાઇન્સ તેમણે લખ્યું કે ‘‘ઇસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી.’’ ઇસ્લામની કેટલીક સારી બાબતોનો તેમના આ વાક્યમાંથી પરિચય મળે છે તો અમુક બાબતો પ્રત્યે ઇસ્લામ બહુ જડ છે અને હિંસક પણ છે એવું પણ તેઓ આડકતરી રીતે કહે છે. આ બાબતે ગાંધીજી આજે પણ કેટલી હદે પ્રસ્તુત છે એ કહેવાની જરૂર રહેતી નથી. 

"ધર્મસ્થાનોના નામે
ભારતભરમાં ભંડારો
સડી રહ્યા છે.
વાસ્તવમાં એ ધર્મસ્થાન
નથી, છેતરપિંડી કરવાનાં
સાધનમાત્ર છે.
એ ભ્રષ્ટાચારનાં
કેન્દ્ર બની ગયાં છે"
ઇસ્લામના કેટલાક હિંસક સિદ્ધાંતો આજે હિન્દુઓને બહુ પજવી રહ્યા છે. સ્યૂડો સેક્યુલરિસ્ટની ગેંગ હજુ પણ તમને કહે છે કે તમે આ બધું ચુપચાપ સહન કરી લો. આવી વધુ પડતી સહનશીલતાને અથવા તો કાયરતાને તેઓ પાછા ‘ગાંધીચીંધ્યા’ માર્ગમાં ખપાવી દે છે. વાસ્તવમાં ગાંધીજીએ કયો માર્ગ સૂચવ્યો હતો? તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘‘મારો ધર્મ મને એ વાતની છૂટ આપે છે કે આશ્રિતોની રક્ષા કરવા માટે અથવા જવાબદારી પૂર્ણ કરવા કાજે હુમલાખોરોને મારવા પડે, મરી જવું પડે તો પણ મને રંજ નથી.’’ વાત જ્યારે આખી જમાત પર કે આખા સમાજ પરના અત્યાચારની હોય ત્યારે ગાંધીજી બહુ સ્પષ્ટતાપૂર્વક કહે છે કે તેનો પ્રતિકાર થવો જ જોઈએ.

ધર્મને ગાંધીજીએ બહુ સુક્ષ્મતાપૂર્વક નિહાળ્યો છે. ખૂબ જ નજીકથી. તેમણે ખ્રિસ્તીઓની ધર્માંતર પ્રવૃત્તિની ટીકા કરી છે તો હિન્દુઓના કુરિવાજોને દૂર કરવા સારું પણ કહ્યું છે. ધર્મની સામાજિક જવાબદારીઓ તરફ તેમણે આંગળી ચીંધી તો ધર્મસ્થળોની બદીઓ અંગે પણ બહુ સ્વસ્થતાપૂર્વક સાચી વાત બયાં કરી. અંગત મત તો એવો છે કે આપણો સામાન્યજન કદાચ આપણા ધર્મગુરુઓ કરતાં વધુ ચારિત્ર્યવાન, ઝાઝો ઇમાનદાર અને નિષ્ઠાવાન છે. ગાંધીજી પણ કદાચ એ જ મત ધરાવતા હતા. ધર્મ પર અને સંપ્રદાય પર તેમણે લખેલાં લખાણો વાંચીએ તો એવું જ લાગે જાણે આ વાક્યો આજે જ લખાયાં હોય. એમના દ્વારા લખાયેલાં કેટલાંક અદ્દભુત કવૉટેશન્સ વાંચશો તો આ વાત સાબિત થઈ જશે.

  • ભારતના પંચાવન લાખ સાધુઓ દેશ માટે કલંક સમાન છે.
  •  સાધુઓ પોતાની આળસ દૂર કરી મઠમાં, ધર્મસ્થાનોમાં સંગ્રહ કરેલું ધન સાર્વજનિક કાર્યોમાં વાપરશે તો તેમના અંગે શિક્ષિત સમાજમાં જે માન્યતા છે તે તાત્કાલિક દૂર થશે.
  •  સાધુઓ નશાબાજીનો અને કુવ્યસનોનો ત્યાગ કરી દેશના હિત માટે રચનાત્મક કાર્યોમાં લાગી જાય તો દેશને ઘણો જ લાભ થાય. દેશ માટે નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરનારી લાખો લોકોની ફોજ આપોઆપ મળી જાય.
  • અજ્ઞાની ગુરુ પાસે આત્મસમર્પણ કરવા કરતાં હું અંધારામાં ભટકવાનું વધુ પસંદ કરીશ.
  •  જ્ઞાન, ઉપાસના અને કર્મ એ ઇશ્વરપ્રાપ્તિના અલગઅલગ માર્ગ નથી, આ ત્રણ વસ્તુના મિલનથી જ એક સાચો માર્ગ બને છે.
  •  પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો તેમને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં બેસતો નથી. મારી પાસે સત્તા હોય તો હું બધાં સદાવ્રત બંધ કરાવી દઉં. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે અને સુસ્તી આળસ, દંભ તથા ગુનાખોરીને પણ ઉત્તેજન આપ્યું છે. આવા અપાત્ર દાનથી દેશની ભૌતિક કે આધ્યાત્મિક સંપત્તિમાં કશો વધારો થતો નથી અને દાન દેનારાઓને પુણ્ય કર્યાનો ભ્રમ થાય છે. દાતાઓ પરિશ્રમાલયો ખોલે, જ્યાં ભોજન માટે કામ કરવા ઇચ્છતા સ્ત્રીપુરુષોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં કામ આપીને ભોજન આપે તો કેવું સરસ અને ડહાપણભર્યું કહેવાય! અંગત રીતે હું માનું છું કે પરિશ્રમાલય ચલાવવા માટે રેંટિયો અથવા કપાસ લોઢવાથી માંડીને ખાદી વણવા સુધીની કોઈપણ ક્રિયા આદર્શ ઉદ્યોગ ગણાય. પણ તેમને આ પસંદ ન હોય તો બીજું કોઈપણ કામ કરાવી શકાય. શરત માત્ર એટલી જ કે, ‘મજૂરી ન કરે તેને ભોજન નહીં મળે.’
  • એવા લાખો ભૂખે મરતા પડ્યા છે’ જેમની આગળ ઈશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે એવો કોઈ રસ્તો બતાવશો તો તેમને ઈશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમની અને ઈશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઈ સાંભળવાનું નથી.
  • મારો ધર્મ મને શીખવે છે કે બીજાની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દો. બીજાને મારવા માટે હાથ પણ ન ઉઠાવો, પણ એ ધર્મ મને એ વાતની પણ છૂટ આપે છે કે મારા આશ્રિતોની રક્ષા કરવા માટે અથવા જવાબદારી પૂર્ણ કરવા માટે હુમલાખોરોને મારવા પડે, યુદ્ધ કરતાં મરી જવું પડે તો પણ મને રંજ નથી.
  •  ઈશુ એ ઈશ્વરનો એકમાત્ર અૌરસ પુત્ર છે એ વચન અક્ષરશઃ સાચું છે એમ હું માનતો નથી. ઈશ્વર કોઈ એક જ મનુષ્યનો પિતા હોય ને બીજાનો ન હોય એ સંભવી ન શકે, એટલે ઈશુ એકલા જ દેવાંશી હતા એમ મારાથી માની ન શકાય. જેટલા દેવાંશી કૃષ્ણ, રામ, મહંમદ કે જરથુષ્ટ્ર હતા, તેટલા જ ઈશુ હતા. એ જ પ્રમાણે બાઇબલનો એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ હું માનતો નથી, જેમ વેદ કે કુરાનનો એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ પણ માનતો નથી. આ દરેક ગ્રંથ એકંદરે ઈશ્વરપ્રેરિત છે, પણ છૂટાં છૂટાં વચનો લેતાં ઘણાં વચનોમાં મને ઈશ્વરની પ્રેરણા દેખાતી નથી. મારે મન તો ગીતા ને કુરાનના જેટલો જ બાઇબલ એ પણ એક ધર્મગ્રંથ છે.
  •  હું હિન્દુત્વ પ્રત્યે એવી ભાવના રાખું છું જેવી મારી પત્ની પ્રત્યે મને હોય. એથી તમામ ખામીઓ જાણીને પણ હું તેમાંથી અલગ ન થઈ શકું. હિન્દુત્વના તમામ દોષ જાણતો હોવા છતાં, હું તેની મર્યાદાઓ સ્વીકારતો હોવા છતાં હું તેની જોડે બંધાયેલો છું, તેને પ્રેમ કરું છું.
  • મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મીને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુધર્મ સાંકડો નથી, તેને લીધે હિંદુઓ બીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીં બીજા ધર્મમાં સાર હોય તે ગ્રહણ કરી શકે છે. અહિંસા ધર્મમાત્રને સામાન્ય છે પણ હિંદુ ધર્મમાં એ સિદ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે.
  •  ઈસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ શાંતિનો ધર્મ સમજું છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી.
  • મંદિર, મસ્જિદ કે દેવળ ત્રણમાં હું કશો ભેદ કરતો નથી. મનુષ્યમાત્ર એક નહીં તો બીજે રૂપે પ્રતિમાપૂજક છે, અને પ્રત્યેક જણ ભલે જુદે જુદે ભાવે, અને જુદી જુદી રીતે પણ પોતાની પ્રતિમા દ્વારા પરમેશ્વરને જ પૂજે છે.
  • મને મારા ધર્મ વિષે પૂરી શ્રદ્ધા છે. તેને ખાતર હું મરણને ભેટવામાં પણ પાછીપાની ન કરું. પણ મારો ધર્મ મારી અંગત બાબત છે રાજ્યને તેની સાથે કશી લેવાદેવા ન હોય. તમારી તંદુરસ્તીની, તમારા વાહનવહેવારની, તમારા પરદેશ સાથેના સંબંધોની, તમારાં નાણાંની તેમ જ ચલણની અને એવી જ બીજી, ધર્મના ક્ષેત્રના બહારની બાબતોની સંભાળ લેવાની ન હોય કે માથું મારવાનું ન હોય. ધર્મ સૌ સૌની અંગત બાબત છે.
  •  એક ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ દરેક ધર્મનો મૂળ મંત્ર છે પણ હું એવા વિશ્વની કલ્પના પણ નથી કરી શકતો જેમાં માત્ર એક જ ધર્મ હોય.
  • ધર્મ તો જુદા જુદા માર્ગ છે જે એક જગ્યાએ એકઠા થાય છે. જો આપણે એક જ લક્ષ્યાંક પર પહોંચી શક્યા હોઈએ તો અલગઅલગ રસ્તાઓ પર ચાલવામાં નુકશાન શું છે?
  • ધર્મનું આભૂષણ વૈરાગ્ય છે, વૈભવ નહીં.
  •  જે ધર્મ વ્યાવહારિક, સામાજિક મામલાઓ પર ધ્યાન નથી આપતો તેને હું ધર્મ નથી માનતો.
  •  હું ધર્મથી ભિન્ન રાજનીતિની કલ્પના પણ નથી કરી શકતો. વાસ્તવમાં ધર્મ તો આપણા દરેક કામમાં વ્યાપક હોવો જોઈએ. અહીં ધર્મનો અર્થ કટ્ટરપંથી નથી. એનો અર્થ થાય છે ઃ વિશ્વની એક નૈતિક સુવ્યવસ્થા.
  • ધર્મસ્થાનોનું ધન રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગમાં આવે તો એમાંથી રૂડું બીજું શું હોઈ શકે? ધાર્મિક સ્થળોની સંપત્તિ હવે શિક્ષણ, સંસ્કૃતિ અને સત્કાર્યોમાં વપરાય તો દેશનું કલ્યાણ થઈ જાય. દરેક ધર્મસ્થળને ટ્રસ્ટનું સ્વરૂપ આપી દેવાનું પણ અનિવાર્ય છે.
  • ધર્મસ્થાનોના નામે ભારતભરમાં ભંડારો સડી રહ્યા છે. વાસ્તવમાં એ ધર્મસ્થાન નથી, છેતરપિંડી કરવાનાં સાધનમાત્ર છે. એ ભ્રષ્ટાચારનાં કેન્દ્ર બની ગયાં છે.
  • એ એક દુઃખદ હકીકત છતાં ઐતિહાસિક સત્ય છે કે ધર્મગુરુઓ, જેઓ ધર્મના સાચા સંરક્ષક હોવા જોઈએ, તેઓ જ ધર્મનો નાશ કરવામાં કારણભૂત બન્યા છે.
  • ધર્માંતર કરવાની આધુનિક રીતની હું વિરુદ્ધ છું. હિંદુસ્તાનમાં તેમજ દક્ષિણ આફ્રિકામાં ધર્માંતરનો ખૂબ અનુભવ લીધા પછી મને પાકી ખાતરી થઈ છે કે તેથી ધર્મ બદલનારાઓનું નૈતિક બળ વધતું નથી. એટલું જ નહીં, પણ તેઓ પાશ્ચાત્ય સભ્યતાનો આડંબર જ ગ્રહણ કરે છે, અને ઈશુ ખ્રિસ્તનો ઉપદેશ ચૂકે છે. અહીં હું સામાન્યપણે જે દશા પ્રવર્તે છે તેની જ વાત કરું છું. ભવ્ય અપવાદો તો છે જ. પણ બીજી બાજુ ખ્રિસ્તી પાદરીઓએ આડકતરી રીતે કરેલી સેવા ઘણી છે. તેણે હિન્દુ તથા મુસલમાનોને પોતાના ધર્મોની બારીકીથી તપાસ ચલાવતા કર્યા. આપણી આંતરવ્યવસ્થા તરફ આપણે કાળજી રાખતા થયા. ખ્રિસ્તી ધર્મમંડળોની મોટી મોટી શિક્ષણની સંસ્થાઓને પણ હું આડકતરી સેવામાં ગણું છું કેમ કે તે સંસ્થાનું સ્થાપન પણ ધર્માંતરના એક સહાયક અંગ તરીકે જ થયું છે.
  • જેને માટે ધનિક લોકો જવાબદાર છે એવો ભિખારીઓનો મુશ્કેલ સવાલ દરેક શહેર સમક્ષ પડેલો છે. હું જાણું છું કે આળસુ માણસને મફત ટુકડો ફેંકવો તે સહેલું છે, પણ જ્યાં ભોજન મળે તે પહેલાં પ્રામાણિક મજૂરી કરવાની હોય એવી સંસ્થા  પરિશ્રમાલય  ચલાવવી એ અઘરું કામ છે. આર્થિક દ્રષ્ટિએ જોતાં, શરૂઆતમાં તો, આજે ચાલતાં અન્નક્ષેત્રો કરતાં લોકો પાસેથી કામ લઈને તેમને ભોજન આપવાનું ઘણું મોઘું પડશે. પણ મને ખાતરી છે કે આ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલી રખડુઓની જમાતને ભૌમિતિક ગતિએ વધવા દેવી ન હોય તો લાંબે ગાળે એ જ સસ્તું પડશે.   

*મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત 



4 comments:

  1. કિન્નરભાઈ

    એક ઓર ખ્વાહિશ -
    લગભગ ૨૦૦૮ દરમ્યાન ગિરિજા કુમારની " Abstract from BRAHMACHARYA GANDHI AND HIS WOMEN ASSOCIATEs " પર અકિલામાં પ્રકાશિત થયેલ આર્ટિકલ પણ મૂકજો ને !
    અને "માઈક્રોસ્કોપમાં મહાત્મા" પુસ્તક વિષે પણ જણાવજો

    ReplyDelete
  2. વાહ કીન્નરભાઈ. આ બધું વાંચીએ ત્યારે સમજાય કે આ ક્ષેત્રમાં હજુ આપણે સ્પીરીચ્યુઅલી કે પ્રેક્ટીકલી ત્યાના ત્યાં જ છીએ. એક વખત ક્યાંક વાંચ્યું હતું, "ગાંધીજીએ સર્વ-ધર્મ સમભાવની વાત પ્રયોગમાં લાવીને મોટી ભૂલ કરી છે. ખરેખર સર્વધર્મ અભાવ અપનાવવો જોઈએ તો જ દેશ સરખો ચાલે." પણ મને ત્યારે વિચાર આવેલો કે ગાંધીજી ત્યારે જાણતા હશે કે એ શક્ય નથી. કારણકે ધર્મ લોકોના લોહીમાં ભળેલો હોય છે, એનો અભાવ સ્વીકારવા પ્રજા ક્યારેય તૈયાર ન થાય. ગાંધીજી વૈચારિક દ્રષ્ટીએ અને અમલીકરણની દ્રષ્ટિએ સાચા જ હતાં.

    ReplyDelete
  3. સ્લામના કેટલાક હિંસક સિદ્ધાંતો આજે હિન્દુઓને બહુ પજવી રહ્યા છે. સ્યૂડો સેક્યુલરિસ્ટની ગેંગ હજુ પણ તમને કહે છે કે તમે આ બધું ચુપચાપ સહન કરી લો. આવી વધુ પડતી સહનશીલતાને અથવા તો કાયરતાને તેઓ પાછા ‘ગાંધીચીંધ્યા’ માર્ગમાં ખપાવી દે છે. વાસ્તવમાં ગાંધીજીએ કયો માર્ગ સૂચવ્યો હતો? તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘‘મારો ધર્મ મને એ વાતની છૂટ આપે છે કે આશ્રિતોની રક્ષા કરવા માટે અથવા જવાબદારી પૂર્ણ કરવા કાજે હુમલાખોરોને મારવા પડે, મરી જવું પડે તો પણ મને રંજ નથી.’’ વાત જ્યારે આખી જમાત પર કે આખા સમાજ પરના અત્યાચારની હોય ત્યારે ગાંધીજી બહુ સ્પષ્ટતાપૂર્વક કહે છે કે તેનો પ્રતિકાર થવો જ જોઈએ.....naresh k dodia

    ReplyDelete
  4. કીન્નરભાઈ, ગાંધી એ પોતે લખેલા, બોલેલા આ વાક્યો વાંચીને પણ એક પણ બુદ્ધિજીવી, સહમત તો ઠીક રાજી પણ નહિ થાય! એજ રીતે, તમારા લેખો વાંચીને પણ તેમને કોઈક બીજીજ ગંધ આવશે...ભોગ એમના.
    અદ્ભુત સંકલન અને રજૂઆત...વાહ!

    ReplyDelete