Wednesday, October 5, 2011

જે સ્ત્રી દેશને તેજસ્વી, નિરોગી અને સુશિક્ષિત સંતાનો આપે છે તે પણ સેવા જ કરે છે!

સ્ત્રીઓની પવિત્રતા માટે આ બધી રોગિષ્ઠ ચિંતા શા માટે? 

પુરુષોની પવિત્રતા બાબત સ્ત્રીઓને કંઈ કહેવાની છૂટ છે?












               
કન્યા કેળવણીની બાબતમાં એમના વિચારો અત્યંત એડવાન્સ્ડ હતા. પુરુષો દ્વારા થતા સ્ત્રીઓના શોષણ વિરુદ્ધ એમણે અનેક વખત કલમ ઉઠાવી. સ્ત્રીઓ અંગે ગાંધીજીએ જેટલું લખ્યું છે, અદ્દભુત કક્ષાનું છે. સ્ત્રી વિષે લખતી વખતે તેઓ ઉચ્ચતમ કક્ષાના ફિલસુફ બની જતા. કહો કે ખુદ સ્ત્રી જ બની જતા. સાંપ્રત કાળમાં મહાત્મા ગાંધીના વિચારો કેટલી હદે પ્રસ્તુત છે? આ સવાલ ઘણા સમયથી ચર્ચાતો રહ્યો છે. છેક ગાંધીજીના સમયથી તેઓ જમાનાથી આગળ હતા કે તેમના વિચારો સંકુચિત હતા? ગાંધીજી અભ્યાસનો વિષય છે અને એમનાં લખાણો ચિંતનનો સબ્જેકટ છે. એમનાં લખાણો વાંચો કે ચિંતન આપમેળે ચાલુ થઈ જાય. મગજમાં કોઈ જેરણી કે મિક્સર ફેરવતું હોય એવું લાગે. આખું ચેતનાતંત્ર હચમચી ઊઠે. તેઓ પોતાના મોટા ભાગના વિચારો બાબતે સ્પષ્ટ હતા. આપણે ધર્મ પરના તેમના વિચારો આજની તારીખે કેટલા પ્રસ્તુત છે એ જાણવાની કોશિશ કરી છે. પણ એમનું વિચારવિશ્વ બહુ વિશાળ છે. આવનારા દિવસોમાં આપણે કેળવણી, પત્રકારત્વ, અહિંસા, સેક્સ, રાજનીતિ, સમાજ અને અન્ય વિષયો પર તેમણે કરેલું ચિંતન માણીશું.

એક યુવકે ગાંધીજીને પત્ર લખીને એક પ્રશ્ન પૂછ્યો : ‘‘હું પરણેલો છું, પણ પરદેશ ગયો હતો. મારો એક મિત્ર હતો, જેનો મને અને માબાપને પૂરો વિશ્વાસ હતો. તે મિત્રે મારી પત્નીને ભોળવી છે. હવે હું પરદેશથી પાછો ફર્યો છું, તો સ્ત્રીને પેલા મિત્રથી ગર્ભ રહ્યો છે. બાપને ખબર પડતા તે કહે છે કે મારે ગર્ભપાત કરાવવો જોઈએ. તેમ ન થાય તો કુટુંબની લાજ જાય. મને આમાં ધર્મ નથી જણાતો. સ્ત્રીને પશ્ચાતાપ ખૂબ થાય છે. તે ખાતીપીતી નથી, તે કલ્પાંત કરે છે. મારો શો ધર્મ છે એ મને બતાવશો?’’ ઘટના છેક ૭૪ વર્ષ જૂની છે અને છતાં એ આજની જ છે. આજે પણ આવા બનાવો નથી બનતા શું? 

અગાઉ કરતાં પણ કદાચ વધારે પ્રમાણમાં બને છે, પણ ગાંધીજીએ પેલા યુવકને જેવો પૅક્ટિકલ જવાબ આપ્યો એવી સલાહ આજે મળવી મુશ્કેલ છે. તારીખ ૯ ડિસેમ્બર ૧૯૨૮. ‘નવજીવન’ સામયિકમાં ગાંધીજીએ લખ્યું: ‘‘આ કાગળ હું બહુ સંકોચપૂર્વક છાપું છું. આવા દાખલા સમાજમાં બન્યા કરે છે એ સૌ જાણે છે. તેને વિષે જાહેરમાં મર્યાદિત ચર્ચા કરવી મને અયોગ્ય નથી લાગતી. આવશ્યક પણ લાગે છે. ગર્ભપાત ન કરાય એ તો દીવા જેવું સ્પષ્ટ છે. જેવો દોષ આ બિચારી સ્ત્રીએ કર્યો છે. એવો દોષ હજારો પતિઓ કરે છે. એમને કોઈ પૂછતું નથી. સમાજ તેમને દરગુજર કરે છે. એટલું જ નહીં, તેમની નિંદા સરખીયે નથી કરતો. જે વિકારને વશ પુરુષ છે તે જ વિકારને વશ સ્ત્રી પણ છે. ભેદ એ જ છે કે પુરુષના દોષ જાહેર નથી થતા, સ્ત્રીના સહેજે જાહેર થઈ જાય છે.’’ 

સાત દાયકા પસાર થઈ ગયા. સ્થિતિ હજુ બદલાઈ નથી. પુરુષોની ટીકા કરવાનું ત્યારે સહેલું નહોતું. આવી બાબતમાં તો બિલકુલ નહીં. આખો સમાજ જ પુરુષપ્રધાન. આજનો સમાજ જોઈએ તો પણ ખ્યાલ આવી શકે કે એ સમયે પુરુષોનું વર્ચસ્વ કેટલું હશે. યુવાનને લખેલા જવાબમાંથી ગાંધીજીની તટસ્થતાનો ખ્યાલ આવી શકે. ઉપર અમે જ્યાં વાત અટકાવી છે ત્યાં ગાંધીજીનો જવાબ અટકી નથી ગયો. વાત આગળ વધારતાં એમણે લખ્યું : ‘‘સ્ત્રી દયાને પાત્ર છે. તેના બાળકને પ્રેમપૂર્વક ઉછેરવાનો તેના પતિનો ધર્મ છે. એ સ્ત્રી સાથે પતિએ હવે સંગ કરવો કે નહીં એ અટપટો પ્રશ્ન છે. પતિ પત્નીપરાયણ હોય, તેણે કદી દોષ ન કર્યો હોય. તો તેણે પત્નીના સંગનો ત્યાગ કરવો યોગ્ય ગણાય. પત્નીને પાળે, તેને જ્ઞાન મળે એવો પ્રબંધ કરે, અને પત્નીને શુદ્ધ રહેવામાં સહાય કરે. તો પત્નીને ખરો પશ્ચાતાપ થયો હોય ને પતિ તેનો સ્વીકાર કરે તો મને તે સ્વીકારવામાં દોષ નથી જણાતો.’’ ગાંધીજીના શબ્દોમાં તમને કશું જ અસામાન્ય ન લાગતું હોય તો ફક્ત એક જ વાતના સંદર્ભમાં આ આખી વાત નિહાળજો: તારીખ ૯/૧૨/૧૯૨૮. 

ગાંધીજીએ કદી લોકોને રાજી કરવા નહોતું લખ્યું. સ્ત્રીઓની બાબતમાં તેમના મુક્ત વિચારો તેમને એ સમયના સમાજમાં અળખામણા કરવા માટે પર્યાપ્ત હતા, પણ એમને એ વાતની બિલકુલ ફિકર નહોતી. તારીખ ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૦ના દિવસે ‘હરિજન બંધુ’માં તેમણે લખ્યું: મારો પોતાનો અભિપ્રાય એવો છે કે મૂળ પાયે જેમ પુરુષ તેમ જ સ્ત્રી એક જ માનવઅંશ છે, તેમ તેમનો કોયડો પણ મૂળ મુદ્દો એક હોવો જોઈએ. બંનેમાં એક જ આત્મા વસે છે. બેઉ એક જ જીવન જીવે છે, એક જ જાતની શબ્દસ્પર્શાદિ લાગણીઓ અનુભવે છે. એકબીજાના પૂરક છે, એકબીજાની સક્રિય સહાયતા વગર જીવી શકે નહીં.’’ સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે અને તેમાં કોઈ જ સર્વોપરી નથી એવું તેમણે અનેક વખત કહ્યું અને લખ્યું. છતાં કોઈને વધુ માર્કસ આપવા જ હોય તો એ સ્ત્રીઓને આપવા જોઈએ એવું પણ તેઓ કહેતા. 

કન્યા કેળવણીની બાબતમાં એમના વિચારો અત્યંત એડવાન્સ્ડ હતા. પુરુષો દ્વારા થતા સ્ત્રીઓના શોષણ વિરૂદ્ધ એમણે અનેક વખત કલમ ઉઠાવી. સ્ત્રીઓ અંગે ગાંધીજીએ જેટલું લખ્યું છે, અદ્દભુત કક્ષાનું છે. સ્ત્રી વિષે લખતી વખતે તેઓ ઉચ્ચતમ કક્ષાના ફિલસુફ બની જતા. કહો કે ખુદ સ્ત્રી જ બની જતા. તેમણે પોતે એ વાત કબૂલ કરી છે કે તેઓ સ્ત્રી અંગે વિચારતા હોય ત્યારે સ્ત્રીના હૃદયથી જ વિચારે છે. સ્ત્રીઓ વિશેનાં તેમનાં લખાણો વાંચીએ તો ગાંધીજીમાં રહેલા ઉત્તમ સમાજસુધારકનાં દર્શન થાય. એમણે સ્ત્રીઓને સ્પર્શતી તમામ બાબતો અંગે તેમણે લખ્યું છે. લગ્ન, પડદો, સમાનતા, દહેજ, વિધવાવિવાહ, છૂટાછેડા, સ્ત્રી સન્માન. કયા વિશ્વ પર એમણે નથી લખ્યું? ૨૮ કે ૩૦ની સાલમાં પણ તેઓ બહુ સહજતાથી કહી શકતા કે મનમેળ ન હોય તો છૂટાછેડા લેવામાં કશું ખોટું નથી. એમણે લખ્યું હતું ‘‘જો છૂટાછેડા એ જ માત્ર ઉપાય હોય તો મારી નૈતિક કેવળ અટકાવવાના કરતાં હું તે ઉપાય લેતાં આંચકો ન ખાઉં.’’ આ જ લેખમાં તેમણે આગળ લખ્યું હતું ઃ ‘‘હિન્દુ ધર્મમાં પતિપત્ની બંનેની પ્રતિષ્ઠા સંપૂર્ણ સમાન છે. રામ જાણે કયારથી, રિવાજ બીજો જ પડી ગયો છે.’’ 

એકવીસમી સદીનું અગિયારમું વર્ષ ચાલી રહ્યું છે. ગાંધીજીના વિચારો આજે કેટલા પ્રસ્તુત છે અથવા તેઓ જમાનાથી કેટલા આગળ હતા એ વાતની સાબિતી આપવાની જરૂર નથી. આજે કદાચ આપણને તેની સૌથી વધુ જરૂર છે. સ્ત્રીઓની સ્થિતિ અગાઉ કરતાં આજે બેશક બહેતર છે પણ હજુ એ પરિસ્થિતિ આદર્શ નથી. કેટલાક અધિકૃત આંકડાઓ:જેમને બજારે જવા માટે પણ પરવાનગી લેવી પડતી હોય તેવી સ્ત્રીઓની સંખ્યા ૬૮ ટકા છે, દેશની ૪૦ ટકા સ્ત્રીઓને પોતાના કુટુંબની આર્થિક ક્ષમતા પ્રમાણેનો સામાન્ય ખર્ચ કરવાની પણ સત્તા નથી, ૫૮ ટકા પુરુષો આપણે ત્યાં એવા છે, જે પોતાની પત્ની જો સેક્સ માણવાનો ઈનકાર કરે તો છળી ઊઠે છે, ૨૩ ટકા સ્ત્રીઓને તેમના પતિદેવો પરાણે સેક્સ માણવા મજબૂર કરે છે. પોતાનો પુત્ર લગ્ન અગાઉ શારીરિક સંબંધો બાંધે તો કશો વાંધો નથી એવું માનવાવાળા પિતાની સંખ્યા ૨૯ ટકા છે પણ આવું જ પોતાની પુત્રી વિશે વિચારતા હોય એવા પિતાની સંખ્યા ફક્ત ચાર ટકા છે. સ્ત્રી સમાનતા અને મહિલા ઉધ્ધારની વાતો જ વધુ થઈ છે, કામ ઓછું થયું છે. ખુદ સ્ત્રીઓએ પણ આ બાબતે કાગારોળથી વિશેષ કશું જ નથી કર્યું. સમાનતાની વાતો કરતી સ્ત્રીઓ પોતાના સ્ત્રીત્વનો હથિયાર તરીકે હંમેશાં ઉપયોગ કરે છે. પેટ્રોલ પંપ પર કે સિનેમાઘર કે રેલવે સ્ટેશન પર લાઈનો હોય ત્યારે સ્ત્રીઓ પોતાનું કામ પતાવવા આનું ઇમોશનલ બ્લેક મેઇલિંગ અવશ્ય કરે છે. ગાંધીજી આજે હયાત હોત તો સ્ત્રીઓની આવી માનસિકતા અંગે પણ સોઈ ઝાટકીને લખ્યું હોત. બહરહાલ સ્ત્રીઓ અંગેની બાબતોના તેમના વિચારો જોઈએ..... 

  

"જે રૂઢિ અને કાયદાના ઘડતરમાં સ્ત્રીનો કશો હિસ્સો નહોતો ને જેને માટે કેવળ પુરુષ જ જવાબદાર છે તે કાયદા ને તે રૂઢિના જુલમ નીચે સ્ત્રી કચડાતી આવી છે. અહિંસાના પાયા પર રચાયેલી જીવનની યોજનામાં પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી કરવાનો હક સ્ત્રીને છે. પણ અહિંસક સમાજની વ્યવસ્થામાં જે અધિકાર કે હક મળે છે તે કોઈને કોઈ ફરજ કે ધર્મપાલનમાંથી ફલિત થાય છે. તેથી એ વાત પણ સ્વીકારવી જોઈએ કે સમાજમાં વર્તવાના કે વહેતા કરવાના નિયમો સ્ત્રી ને પુરુષ બંને પરસ્પર સહકાર ને સમજૂતીથી નક્કી કરે. એ નિયમોના પાલન માટે બહારની કોઈ સત્તાની જબરદસ્તી કામ ન આવે. સ્ત્રીઓ સાથેના પોતાના વર્તનમાં કે વહેવારમાં પુરુષોએ આ સત્યને પૂરેપૂરું ઓળખ્યું નથી. સ્ત્રીને પોતાની મિત્ર કે સાથી ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે."


"હિન્દુસ્તાનની સ્ત્રીઓને આ હલકા દરજ્જા પરથી હાથ પકડીને ઉપર લેવાનો ખાસ અધિકાર મહાસત્તાવાદીઓનો છે. જૂના જમાનાના ગુલામને ભાન નહોતું કે મારે સ્વતંત્ર થવાનું છે અથવા મારાથી સ્વતંત્ર થવાય. આજે સ્ત્રીની દશા પણ કંઈક એવી જ છે. પેલા ગુલામને જ્યારે મુક્તિ મળી ત્યારે થોડો વખત એને એમ લાગ્યું કે મારો આધાર જતો રહ્યો. સ્ત્રીઓને એવું શીખવવામાં આવ્યું છે કે તમારે આપણે પુરુષોના ગુલામ છીએ એમ માનવું. અહીં મહાસત્તાવાદીઓની ફરજ એ છે કે તેઓ સ્ત્રીઓને પોતાના અસલ સંપૂર્ણ દરજ્જાનું ભાન કરાવે અને જીવનમાં પુરુષ સાથે સરખા દરજ્જાથી પોતાનો ભાગ લેવાને તેમને કેળવીને લાયક બનાવે."



"પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમને સેવાના સમાન કાર્યમાં સન્માન્ય સાથીઓ ગણવી. આટલા ખાતર જે સ્ત્રીને શાળા કે કોલેજની કેળવણી મળી નથી તેઓ બની શકે તેટલું શિક્ષણ પોતાના પતિ પાસેથી મેળવે. જે વાત પત્નીઓની તેવી ઘટતા ફેરફારો સાથે માતાઓની તે દીકરીઓની સમજવાની છે. "


"સ્ત્રી એ પુરુષની સહચારિણી છે, તેના સરખાર મનવાળી છે. પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મતાએ જાણવાનો તેને અધિકાર છે, જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવાનો હક છે અને જેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ. એ કંઈ અક્ષરજ્ઞાનનું પરિણામ નહીં હોય. અજ્ઞાનરૂપી અંધરૂપમાં ડૂબેલા જડ પુરુષો પણ કૂંડી પ્રથાને લીધે, ન શોભી શકે ન ભોગવી શકે તેવો અધિકારી સ્ત્રી ઉપર ભોગવે છે. સ્ત્રીઓની આ દશાને લીધે આપણી ઘણી પ્રવૃત્તિઓ અડધે જઈ અટકી પડે છે, આપણાં ઘણાં કાર્યો પૂરાં શોભી નીકળતાં નથી, અર્ધી મૂડીથી જ વેપાર કરનારા પચ્છમબુદ્ધિ વેપારીના જેવી આપણી સ્થિતિ છે. "


"સ્ત્રીઓના અધિકારી વિશે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી ન જોઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ."



"જાતીય સમાનતાનો અર્થ કંઈ એવો નથી કે બંનેએ ધંધા પણ એક જ કરવા શિકાર મારવા નીકળવું. અગર તો ભાલાફેંકમાં પાવરધાં થવું એ સામે સ્ત્રીને સ્ત્રી તરીકે કાયદેસરની મનાઈ ભલે ન રાખવામાં આવે, પણ અંતરપ્રેરણાથી જ એવા કામથી સ્ત્રી મોં ફેરવશે. એવું કામ પુરુષ જ કરે. કુદરતે સ્ત્રી પુરુષ બેઉને એકબીજાની અવેજી થવા સારું નહીં પણ એકબીજાના પૂરક થવા સારું સમજ્યાં છે. તેમનાં કામો તેમના દેહના ઘડતરની પેઠે જ કુદરતે નક્કી કરી આપ્યાં છે. "


"પવિત્રતા એ કૃત્રિમ વસ્તુ નથી. પરદાની ફરતી દીવાલથી તેનું રક્ષણ થઈ શકે ને એ અંદરથી ઊગી નીકળવી જોઈએ, અને તેનામાં કોઈ પણ વણમાગ્યાં પ્રલોભન સામે ટકી રહેવાની શક્તિ હોય તો જ તેની કિંમત છે.

અને સ્ત્રીઓની પવિત્રતા માટે આ બધી રોગિષ્ઠ ચિંતા શા માટે? પુરુષોની પવિત્રતા બાબત સ્ત્રીઓને કંઈ કહેવાની છૂટ છે? પુરુષોની પવિત્રતા માટે સ્ત્રીઓની ચિંતા વિષે આપણે કશું સાંભળતા નથી. સ્ત્રીઓની પવિત્રતાને નિયમનમાં રાખવાનો હક પુરુષોએ શા સારું પચાવી પાડવો જોઈએ? પવિત્રતા બહારથી લાવી ન શકાય. એ અંદરથી ઉગનારી વસ્તુ છે અને તેથી વ્યક્તિગત પ્રયત્નથી જ સિદ્ધ થઈ શકે. "



"લગ્નથી દંપતીને કેવળ એકબીજાની સાથે એકાંતનો હક ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેમને બંનેને એવો મેળાપ ઇષ્ટ લાગેે. પણ તેથી એકને બીજાની ઉપર શિરજોરી કરવાનો હક પ્રાપ્ત થતો નથી. જ્યારે દંપતીમાંનું એકનીતિના અથવા અન્ય કારણે બીજાની ઇચ્છાને વશ ન થઈ શકે ત્યારે શું કરવું એ અલગ પ્રશ્ન છે. જો છૂટાછેડા એ જ માત્ર ઉપાય હોય તો મારી નૈતિક પ્રગતિ અટકાવવાના કરતાં હું તે ઉપાય લેતાં આંચકો ન ખાઊં."


"જે સ્ત્રી દેશને તેજસ્વી, નિરોગી અને સુશિક્ષિત સંતાનો આપે છે તે પણ સેવા જ કરે છે."


"પોતાના પતિના પ્રેમનો અનુભવ કરાતો હોય એવી સ્ત્રી વિધવા થયે ઇચ્છાપૂર્વક પોતાનું વૈધવ્ય સ્વીકારી લે તો વૈધવ્ય જીવનને માધુર્ય અને ગાંભીર્ય અર્પે છે. ગૃહને પાવન કરે છે અને ધર્મને સુધ્ધાં ઉન્નત કરે છે પણ ધર્મ અથવા રૂઢિથી બળાત્કારે લદાયેલું વૈધવ્ય એ અસહ્ય બોજો થઈ પડે છે, અને ગુપ્ત પાપાચારથી તે ગૃહને ભ્રષ્ટ કરે છે અને ધર્મને અધોગતિએ લઈ જાય છે. જો આપણે આત્મશુદ્ધિ કરવી હોય, જો હિન્દુ ધર્મને બચાવવો હોય, તો આપણે બળાત્કારે પળાવવામાં આવતા વૈધવ્યના મહાવ્યાધિમાંથી બચી જવું જોઈએ."


"જેમના ઘેર બાળવિધવાઓ હોય તેમણે હિંમત ધરીને પોતાના રક્ષણ નીચેની બાળાનો યોગ્ય રીતે વિવાહ કરી દઈને સુધારો કરવો જોઈએ. વિવાહ કરી દઈને કહ્યું પુનર્વિવાહ નહીં, કારણ કે તેમનો વિવાહ ખરી રીતે થયો જ નથી."



"ઘરને સુવ્યવસ્થિત રાખવું, ચલાવવું એમાં એટલી જ ધીરતા રહેલી છે જેટલી એ ઘરબારને બહારના હુમલાથી રક્ષા કરવામાં રહેલી છે."



"જો હું સ્ત્રી હોત તો જરૂર સ્ત્રીને પોતાનું રમકડું માનનારા પુરુષની સામે બંડ કરત અને આજે હું મનથી સ્ત્રી બની ગયો છું. સ્ત્રીના હૃદયમાં પેસવાને માટે સ્ત્રી બન્યો છું. મારી સ્ત્રીનું હૃદય પણ, જ્યાં સુધી હું તેને ભોગનું સાધન માનતો હતો, ત્યાં સુધી નહોતો ચોરી શક્યો."


"જેને માટે પુરુષ પોતે જવાબદાર છે એવાં સઘળાં અનિષ્ટો પૈકી માનવ જાતના શ્રેષ્ઠતર અર્ધાંગનો તેણે કરેલો ગેરઉપયોગ સૌથી વધુ હીન, આઘાતજનક અને પાશવી છે. સ્ત્રીઓ મારે મન અબળા જાતિ નથી. બે પૈકી તે વધારે ઉષ્ણ છે, કેમ કે, આજે પણ તે ત્યાગ, મૂક કષ્ટસહન, નમ્રતા, શ્રદ્ધા અને જ્ઞાનની સાક્ષાત મૂર્તિ છે."



"સ્ત્રીએ પોતાની જાતને, પુરુષની વિષયવાસના સંતોષવાના સાધન તરીકે લેખવવાનો ઈનકર કરવો જોઈએ. એનો ઉપાય પુરુષો કરતાં વિશેષ કરીને તેના હાથમાં છે."



"શીલને વાડની જરૂર નથી હોતી, તેની આસપાસ પડદારૂપી વાડ ઊભી કરવાથી તેની રક્ષા કરી શકાતી નથી. એ દિલમાંથી ઊગવું જોઈએ અને હરેક વણમાગ્યાં પ્રલોભન સામે ટકી શકવાને સમર્થ હોય તો જ તેની કિંમત છે. "


"સ્ત્રીને અબળા જાતિ કહેવી એ તેની બદનક્ષી કરવા બરાબર છે, એ પુરુષ તો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે. બળનો પશુબળ એવો અર્થ કરવામાં આવતો હોય તો, સાચે જ, પુરુષ કરતાં સ્ત્રી ઓછાં પ્રમાણમાં પશું છે. બળનો નૈતિક બળ એવો અર્થ કરવામાં આવતો હોય તો સ્ત્રીપુરુષ કરતાં ક્યાંયે ચડિયાતી છે."


"અહિંસા આપણા જીવનનો કાયદો હોય તો ભાવિ સ્ત્રીઓને પક્ષે છે... સ્ત્રીના કરતાં હૃદયને વધારે અસરકારક અપીલ બીજું કોણ કરી શકે એમ છે?"



"સ્ત્રી એ પુરુષની સહચારિણી છે, તેના સરખા જ મનવાળી છે, પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મ એ જાણવાનો, તેને અધિકાર છે. જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવવાનો હક છે, અને જેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ. એ કાંઈ અક્ષરજ્ઞાનનું પરિણામ નહીં હોય. અજ્ઞાનરૂપી અંધારા કૂવામાં ડૂબેલા જડ પુરુષો પણ ન શોભી શકે, ન ભોગવી શકે તેવા અધિકાર, કૂડી પ્રથાને લીધે સ્ત્રીઓ ઉપર ભોગવે છે."



"લગ્ન એટલે માતાપિતાએ પૈસા માટે કરેલો સોદો એ મટવું જ જોઈએ. આ રિવાજને નાતની પ્રથા સાથે ગાઢ સંબંધ છે, જ્યાં સુધી અમુક નાતનાં કેટલાંક સો યુવાનયુવતીમાંથી જ લગ્નની પસંદગીનો સવાલ રહેશે, ત્યાં સુધી તમે ગમે એટલો વિરોધ કરો તો ય આ પૈસાના સોદાની પ્રથા રહેવાની એટલે, એ જો નિર્મૂળ કરવી હોય તો યુવાનો, યુવતીઓ અથવા એમનાં મા બાપે આ નાતની વાડાબંધી તોડ્યે જ છૂટકો."


*મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત 

    







    2 comments:

    1. કીન્નરભાઈ, આવા નાજુક અને મહત્વ ના વિષય પર તમે સારું સંશોધન કર્યું છે. ગાંધી, અરવિંદ, ઓશો અને ટાગોર મારા પહેલેથી જ રસ ના વિષયો રહ્યા છે. હાલ માં હું પ્યારેલાલજી ની પુર્ણાહુતી ના ચાર ભાગ પુરા કરવામાં જ છું. બે મહિના થી આજ ચાલે છે. તમારું પુસ્તક મારા હાથમાં જલ્દી આવે તેવી તાલાવેલી છે જ . આજે જ તમારો બ્લોગ જોયો. આફરીન! અભિનંદન માટે ૧૦૦ વિશેષનો -શબ્દો ઓછા પડે તેમ છે. દુઆ, શુભેચ્છાઓ.દિલીપ મેહતા , વડોદરા.

      ReplyDelete
    2. કીન્નરભાઈ, તમે ઉજાળ્યા એ ગાંધી તો, કોઈ પણ કોંગ્રેસી (એમનો ગાંધી ઉપર એકાધિકાર હોઈને), કહેવાતા ગાંધીયન (ગાળ હોય એવું પ્રતિપાદિત થાય છે) વગેરે ને
      માન્ય નથી જ નથી.
      તમારી અગાઉ ની ગાંધી ઉપર ની રજનીશની પોસ્ટ, કે જેમાં રજનીશે ગાંધી ની ખોટી વાતો વિષે પોતાના વિચાર મુક્યા હતા. આ અને આવી વાતો, ત્યારે ય કોઈને નહોતી પછી, આજે પણ નહિ પચે અને ભવિષ્ય માં પણ નહિ પચે.

      ReplyDelete