Wednesday, May 1, 2013

ગુજરાત ક્વિઝ: સાપુતારા ઉપરાંત ગુજરાતના હિલ સ્ટેશન ક્યા? પારસીઓ પોતાનો પવિત્ર આતશ જ્યાં લાવ્યા હતા એ સ્થળ કયું?


 53 વર્ષ, 53 સવાલ !!
તમે ગુજરાતી છો પરંતુ ગુજરાતને કેટલું ઓળખો છો? ગુજરાતીઓ પર્યટક તરીકે આખા દેશમાં પ્રથમ સ્થાને છે. હિમાચલથી લઇ કાશ્મીર, કેરળ કે સિક્કીમ જેવાં સ્થળોએ જઇએ તો ગુજરાતી ટુરિસ્ટની સંખ્યા સૌથી વધુ જોવા મળે. ગુજરાતીઓ આખા દેશમાં અને વિદેશમાં પણ ફરે છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાતીઓ પોતાના ગુજરાતમાં કેટલું ફરે છે? ગુજરાતમાં પણ એવી માન્યતા છે કે ગુજરાત એટલે સોમનાથ, દ્વારકા અને સાપુતારા જ. ગુજરાતીઓ વિશ્વપ્રવાસી ગણાય છે. પરંતુ તેમાંના મોટાભાગના લોકોએ ગુજરાત જ સંપૂર્ણપણે જોયું નથી હોતું. ગુજરાત એટલે માત્ર ધર્મસ્થાનોની ધરતી એવી ઘણાની માન્યતા પ્રવર્તે છે. ખાસ કરીને બિનનિવાસી ગુજરાતીઓ અહીં આવે ત્યારે રાજ્યમાં ક્યાં ફરવું એની પણ દ્વિઘા હોય છે. ગુજરાતની સ્થાનિક પ્રજાને પણ બેચાર દિવસની રજા ગાળવા ક્યાં જવું તે સમસ્યા હોય છે. એટલે જ આ ક્વિઝ  દ્વારા એક અનોખા ગુજરાતનો પરિચય આપવાની ઈચ્છા છે ... આ ક્વિઝમાં જે પ્રશ્નો છે તેનો જવાબ તમે મને મારા મેઈલ id પર મોકલી શકો છો - જેમના સૌથી વધુ જવાબો સાચા હશે તેવા દસ વાચકોને ઘેરબેઠા ઇનામ પહોંચાડવાની જવાબદારી મારી .... અત્યારે અહીં 25 પ્રશ્નો મુક્યા છે, તમે તેના જવાબ શોધો ત્યાં સુધીમાં બાકીના 28 પ્રશ્નો લઇ ને હું હાજર થાઉં છું kinner1@gmail.com 





     
1)          સતત છસ્સો વર્ષ સુધી ગુજરાતની રાજધાની બની રહેલું પાટણ.... ચાવડા વંશના પ્રથમ શાસક મહારાજ ચાવડાએ તેની સ્થાપના કરી. એ પછી સોલંકી અને વાઘેલા વંશનું શાસન આવ્યું. ઇ.સ. 942થી 1244 સુધીનાં 300 વર્ષ દરમિયાન અહીં સોલંકીઓએ રાજ કર્યુ અને એ જ તેનો સુવર્ણકાળ. સામાન્ય ગુજરાતી માટે પાટણ અને પટોળા એ બેઉ પર્યાયવાચક શબ્દો છે. શુદ્ધ રેશમ અને સોનાની ઝરી વડે હસ્તકળાથી બનતી આ સાડીની કિંમત સવા લાખથી શરૂ થાય છે. પટોળાનું તો ખૈર તમે મૂલ્ય પણ આંકી શકો પણ પાટણનાં સ્થાપત્યો અમૂલ્ય છે. રાણકી વાવ!  જમીનની અંદર સાત માળ અને ચોતરફ કોતરાયેલા અદ્ભૂત શિલ્પો ! ઇ.સ. 1063માં રાજા ભિમદેવના પત્ની રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કરાવ્યું. ભારતની ઉત્તમોત્તમ વાવની યાદીમાં રાણકી વાવનું સ્થાન પ્રથમ છે. રાણકી વાવમાં લગભગ આઠસો કરતાં વધુ શિલ્પો કંડારેલા છે. પટોળાની કળાને જાણે અંજલી આપી રાાં હોય એમ સ્થપતિઓએ વાવમાં પટોળાની પરંપરાગત ડિઝાઇનના શિલ્પો પણ કંડાર્યા છે. વચ્ચેના વર્ષો દરમિયાન કોઇ સમયે નજીકની સરસ્વતી નદિનો પ્રવાહ પલટાયો હતો અને આ બેનમૂન વાવ માટી અને કાદવથી જમીનમાં દટાઇ ગઇ હતી. પુરાતત્વ વિભાગે છેક 1980માં આ વાવનો કાદવ ઉલેચી તેને નવજીવન આપ્યું. આજે પુરાતત્વ વિભાગ આ વાવની જાળવણી જીવની જેમ કરે છે. વૃક્ષો અને હરિયાળીથી સભર આખું કેમ્પસ વાવની ભવ્યતાને અનુરૂપ જ બનાવાયું છે. સવાલ એ છે કે, આ વાવના મોટા ભાગના શિલ્પોમાં ભારતીય પુરાણોની કઈ કથા વણી લેવાઈ છે?

2)          પાટણની રાણકી વાવને મહદ્ અંશે અગાઉ જેવી સ્થિતિમાં લાવી શકાઇ છે પરંતુ અહીંથી ઉત્તરે આવેલા સહત્ર લિંગ તળાવનો વીસેક ટકા હિસ્સો જ ઉત્ખનન કરી બહાર કાઢી શકાયો છે. ઇ.સ. 1084માં બનેલું આ તળાવ એ સમયનાં ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. નજીકની સરસ્વતિ નદીમાંથી આ તળાવમાં પાણી લવાતું અને તેને એકદમ શુદ્ધ કરવાની વ્યવસ્થા પણ હતી. નામ મુજબ આ તળાવમાં 1008 શિવલીંગોની સ્થાપના કરવામાં આવી હતી. અહીંનું મુખ્ય શિવાલય 48 સ્તંભ પર રચાયું હતું. આ તળાવ ક્યા રાજાએ બંધાવ્યું હતું?

3)          અનેક ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતાં પાટણમાં સેંકડો  મંદિરો છે પણ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર. છેક ચાવડા વંશથી જ અહીં જૈન ધર્મનો વિશેષ પ્રભાવ રહ્યો. ગુજરાતી વ્યાકરણ માટે વિરાટ કાર્ય કરનાર પાટણનાં જૈન મુની હેમચંદ્રચાર્યના ઉલ્લેખ વગર પાટણની વાત અધુરી જ ગણાય. એક સમયે પાટણ ગુજરાતની માત્ર શાસકિય કે વહિવટી રાજધાની જ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ પાટનગર હતું. હેમચંદ્રાચાર્યનો વ્યાકરણનો ગ્રંથ સંપૂર્ણ થયો ત્યારે એ ગ્રંથની હાથી પર સવારી નીકળી હતી અને આખા પાટણમાં ફરી હતી. તેમાં હેમચંદ્રાચાર્ય સાથે સૌથી આગળ ચાલવામાં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ હતાં ! પ્રશ્ન એ છે કે, આ દેરાસર આજે પણ શેના કારણે વધુ વિખ્યાત છે? 

4)          પાટણ નજીક આવેલાં સિદ્ધપુરનો રૂદ્ર મહાલય જાણે પેલી કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ છે: ‘ખંડહર બતા રહા હૈ કી ઇમારત કિતની બુલંદ થી !’. કહેવાય છે કે મૂળરાજ સોલંકીએ તેનાં બાંધકામની શરૂઆત કરાવી અને સિદ્ધરાજ જયસિંહે એ પૂર્ણ કર્યુ. આટલાં વર્ષોના અથાક પરિશ્રમ પછી જે ઇમારત તૈયાર થઇ એ હતી, ત્રણ માળ ધરાવતો જાજવલ્યમાન રૂદ્ર મહાલય! તેનાં તોરણો, ખંડો, ઉપખંડો, માળ-મેડીઓ અને અગાસીઓ... એક સાથે મંત્રોચ્ચાર કરતાં હજ્જારો બ્રાહ્મણો... રૂદ્ર મહાલયનું સ્ટેટસ એ સમયે કદાચ સોમનાથ જેટલું જ હતું. અલાઉદ્દીન ખિલજીના ક્રુર સૈન્યએ આ અપૂર્વ ઇમારતનો લગભગ પૂર્ણતઃ ધ્વંશ કર્યો અને હવે બચ્યાં છે માત્ર અવશેષો! સિદ્ધપુરની ખ્યાતિ જો કે રૂદ્રમાળ કરતાં પણ પહેલાંના કાળથી છે. છેક પુરાણ કાળથી ! આ સ્થાનને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંના બિંદુ સરોવરનું નામ પુરાણોકત પંચ સરોવરમાં માન સરોવરની સાથે લેવામાં આવે છે. વાયકા છે કે અહીં ભગવાન પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું. ત્યારથી અહીં માતૃશ્રાદ્ધનો મહિમા છે. સવાલ: આજે તો રુદ્ર મહાલયમાં બ-ચાર સ્તંભો જ બચ્યા છે પરંતુ તેની મૂળ ઈમારતમાં અગાઉ કુલ કેટલા સ્તંભો હતા? સિદ્ધપુરમાં એક અનોખો વિસ્તાર છે - જે સ્થાપત્યની દ્રષ્ટીએ બેજોડ છે. 360 બારીનું અહીંનું અદ્ભુત મકાન તો તેની ઝલક માત્ર છે ! લાકડાનાં પિલર પર બનેલા અને અદ્વિતીય બાંધણી ધરાવતાં આ મહોલાની શેરીઓ જાણે પેરિસને પણ શરમાવે એવી છે! તેનાં વિશિષ્ટ આર્કિટેકચરના કારણે ઘણાં પર્યટકો ખાસ આ વિસ્તારની મુલાકાત લેવા આવે છે. એટલું જ નહીં, આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ પણ આ વિસ્તારની મુલાકાતે નિરંતર આવતાં રહે છે. આ વિસ્તારનું નામ શું? 

5)          વડનગર અહીંયાના વડનગરા નાગરો માટે જાણીતું છે. નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર અહીંનું પ્રમુખ ધર્મસ્થાન ગણાય. પૌરાણિક કથા એવી છે કે સતિના દેહત્યાગ પછી મહાદેવ દુઃખી થઇ પાતાળમાં જતા રહ્યા ત્યારે અહીંના નાગરકુળના બ્રાહ્મણોએ શિવજીને પાતાળમાંથી પૃથ્વી લોક પર લાવવા તપ આરંભ્યું. મહાદેવ પ્રસન્ન થયા અને લિંગરૂપે અહીં દર્શન આપ્યાં. હાટકેશ્વર મહાદેવ અહીં પૌરાણિક કાળથી બિરાજે છે પણ હાલનું મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે. શિલ્પોથી લદાયેલા આ મંદિરનું સ્થાપત્ય ધ્યાનાકર્ષક છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ મંદિરનું ખાસ મહત્વ છે. વડનગર જેની ફરતે વસ્યું છે અને નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે જેમાં નિત્ય સ્નાન કરતા એ તળાવનું નામ શું? 

6)          અકબરનાં દરબારમાં રાગ દીપક છેડયા પછી સંગીત  સમ્રાટ તાનસેનનું અંગે-અંગ દાઝવા લાગ્યું. રાગ મેઘ મલ્હારનું ઉત્તમ ગાન કરી નાગર કુળની બહેનો તાના અને રીરીએ જ તેને શાતા આપી હોવાનું કહેવાય છે. અકબરે બેઉ બહેનોને પોતાનાં દરબારમાં ગાવાનું આમંત્રણ આપ્યું પણ એ સમયે બ્રાહ્મણ કન્યાઓ આવો કાર્યક્રમ આપે એવું કોઇ વિચારી પણ શકતું નહોતું. તાના-રીરીએ દરબારમાં આવવાની ના ભણી દીધી. દંતકથા છે કે ગિન્નાયેલા અકબરે બેઉ બહેનોને લાવવા સૈન્ય મોકલ્યું પણ તાના અને રીરીએ પોતાનાં વતન પરનું સંકટ ટાળવા પ્રાણત્યાગ કર્યો. આ બેઉ બહેનોને વડનગર સાથે શો સંબધ? આજે આ સંબંધ કેવી રીતે જોડાયેલો રહ્યો છે? 

7)          મોઢેરાનું સુર્યમંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે. સૂર્યદેવને સમર્પિત આ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેîચાયેલું છેઃ સૂર્યકુંડ, રંગમંડપ અને મૂળ મંદિર. મંદિરની ભવ્યતાની ઝાંખી સૂર્યકુંડથી જ મળવી શરૂ થઇ જાય છે. બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં આ કુંડમાં અલગ-અલગ દેવોના 108 નાનાં મંદિરો છે. ભાવિકો સ્નાનાદિ કર્મ નિપટાવી 108 દેવ-દેવીઓની પ્રદક્ષિણા કરી શકે એ માટે વ્યવસ્થા કરાઇ હતી. એ પછી આવે છે રંગમંડપ. અહીં રામાયણ-મહાભારત તથા કૃષ્ણલિલાનાં અનેક પ્રસંગોના શિલ્પો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત નર્તકીઓ અને મૈથુનનાં શિલ્પો પણ પ્રચુર માત્રામાં છે. મૂળ મંદિરમાં પણ દેવ-દેવીઓના તથા મૈથુનનાં શિલ્પો છે. મુખ્ય મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ ગાયબ છે., કહેવાય છે કે અહીં પૂર્ણ કદની સંપૂર્ણતઃ સોનાની મૂર્તિ સ્થપાયેલી હતી પરંતુ અલાઉદ્દીન ખિલજીનાં સૈન્યએ આ મંદિરને પણ બક્ષ્યું નથી. લૂંટફાંટ તો કરી જ પણ અહીંના તમામ શિલ્પોને ખંડિત કર્યા. કોઇનો હાથ તોડયો તો કોઇના પગ તો કોઇની ગરદન.... અખંડિત મૂર્તિ શોધવાનું અહીં લગભગ અશક્ય છે.  મોઢેરાના આ સૂર્યમંદિરનું નિર્માણ 1027ની સાલમાં ભિમદેવ પ્રથમે કરાવ્યું હોવાનાં પ્રમાણો મળે છે. સોલંકી યુગના અન્ય સ્થાપત્યોની માફક આ મંદિરમાં પણ ઇંટ-ચૂનાનો ઉપયોગ નથી થયો. આ આખુ મંદિર ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બનેલું છે. એટલે કે એક પત્થરમાં ખાંચ બનાવી બીજા પત્થર તેમાં જડબેસલાક બેસાડી દીધેલાં છે. આ મુદ્દો ખ્યાલમાં રાખીએ તો આ મંદિર કોઇ અજાયબીથી કમ નથી. પ્રશ્ન: આ મંદિરના શિલ્પોમાં હિંદુ ધર્મની કઈ અદ્ભુત ફિલોસોફીને વણી લેવામાં આવી છે? 



8)          મોઢેરાથી ગણતરીની ક્ષણોમાં તમે બહુચરાજી પહોંચી શકો છો. અહીં સતિનાં હાથ પડયાં હતાં. અંબાજી એ શકિતનું યુવતી સ્વરૂપ છે, પાવાગઢના મહાકાળી માતૃસ્વરૂપ છે તો બહુચરાજી બાળાના સ્વરૂપે બિરાજે છે. તંત્ર શાત્રમાં વર્ણવાયેલી દસ મહાવિદ્યામાંથી ત્રિપુર સુંદરીનું સ્વરૂપ છે એ જ અહીંયા બહુચરાજી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ વિસ્તારમાં બાલા ત્રિપુર સુંદરીએ અનેક રાક્ષસો હણ્યાં હતાં એટલે તેઓ બહિર્ચરી કહેવાયાં અને કાળક્રમે તેમાંથી બહુચરાજી નામ પ્રચલિત થયું. કહેવાય છે કે આ સ્થળે માં બહુચરાજી દરેક ભાવકોની મનોકામના પૂર્ણ કરે છે. પુત્ર પ્રાપ્તિ, મકાન, દરદના ઇલાજ માટે અને પુરૂષાત્તન મેળવવા માટે પણ અહીં માનતા રખાય છે. ભાવિકોનો પ્રવાહ અહીં દિન-પ્રતિદિન વધતો ચાલ્યો છે. ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે. મુખ્ય મંદિરની આસપાસ અહીં અનેક નાના-મોટા મંદિરો આવેલાં છે. બહુચરાજીના આ મંદિરની અને માતાનાં ચમત્કારની અનેક વાતો પ્રચલિત છે. આમ તો પુરાણોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે પણ હાલનું મંદિર જિર્ણોદ્ધાર પામેલું છે. અહીં મૂર્તિની પૂજા નથી થતી એ ખ્યાલ બહુ ઓછા લોકોને છે! પ્રશ્ન એ છે કે, જો મૂર્તિની પૂજા નથી થતી તો શેની થાય છે? 

9)       મહેસાણા જિલ્લાનું એક મહત્વપૂર્ણ તીર્થ એટલે જૈન તીર્થ શંખેશ્વર.... આ તીર્થનો મહિમા જૈનો માટે પાલિતાણા કે આબુનાં દેલવાડાથી કમ નથી. એટલે જ શંખેશ્વરની આગળ મહાતીર્થ જોડવામાં આવે છે. અહીંના નાના મંદિરોમાં જૈનોના તમામ તિર્થંકરોની પ્રતિમા મોજુદ છે. શંખેશ્વરનું આ મંદિર જાગતું તીર્થ છે અર્થાત્ કહેવાય છે કે અહીં તીર્થકરો હાજરાહજુર છે અને ભક્તોનો સાદ સાંભળે છે, તેનો યોગ્ય પ્રતિભાવ આપે છે. સવાલ યેહ હૈ કી, જૈનોના ચોવીસ તીર્થંકરમાંથી ક્યા તીર્થંકરને આ મંદિર સમર્પિત છે? 

10)      ડાંગ પર પ્રકૃતિ હંમેશા મહેરબાન રહી છે. ચોમાસામાં વરસતો સવાસોથી દોઢસો ઇંચ વરસાદ અહીંની ધરતીને એક વર્ષ સુધી સુંદરતા બક્ષવા પુરતો છે. ડાંગ એક અદ્ભુત અનૂભવ છે. અહીં આદિવાસીઓની સમૃદ્ધ સંસ્કૃતિ આજની તારીખે પણ ધબકી રહી છે, હસ્તકળા અને લોકકળા તથા રિતીરિવાજોમાં હજુ પરંપરા જળવાઇ રહી છે... ખેતી હજુ અહીં દેશી પદ્ધતિથી જ થાય છે અને કેલ્શીયમથી ભરપૂર એક દેશી અનાજ આજે પણ ડાંગના આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. આ વિશિષ્ટ ધાન્ય આજકાલ ફેશનમાં છે. મુંબઇના અનેક ફિલ્મસ્ટારો ડાયેટીંગ માટે તેનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે, પ્રકૃત્તિ તરફ પાછા વળવામાં જ સાર છે. બીજી બધી બાબતોનો તો ખ્યાલ નથી, પરંતુ ખેતી અને ખોરાક વિશે આવું કરવામાં જ સાર છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. ડાંગના રાષ્ટ્રીય ખોરાક જેવા ગણાતા અને કેલ્શિયમના દભુત સોર્સ એવા આ અનાજનું નામ શું?

11)      ડાંગનું વાતાવરણ અને તેની ભૌગોલિક પરિસ્થિતિનાં પ્રતાપે અહીં અનેક જાતનાં વૃક્ષો અને ઔષધિય વનસ્પતિઓ જોવા મળે છે. એટલે જ અહીં બન્યો છે વિશાળ બોટનિકલ ગાર્ડન. લગભગ 70 એકર જમીનમાં ફેલાયેલા આ અનોખા બગીચામાં જાતજાતનાં થોરથી માંડીને અનેક ઉપયોગી વનસ્પતિઓનાં છોડ તથા વૃક્ષો છે. જો કે માનવનિર્મિત આ લિલોતરી કરતાં અનેકગણું વધુ સૌîદર્ય છે તેની સાવ નજીક આવેલા વાસંદના નેશનલ પાર્કમાં. ચોવીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ અભયારણ્ય અગાઉ ખાનગી મિલકત ગણાતું. 1975ની સાલમાં આ જંગલ તેમણે સરકારને સોîપ્યુ. વાંસ અને સાગથી સમૃદ્ધ આ જંગલ આસપાસ મળી આવતા અવશેષો સાબિત કરે છે કે ઘણાં સમય પહેલાં અહીં વાઘની વસ્તી પણ હતી. હજુ જો કે અહીં દીપડા અને ચીત્તલની સારી એવી વસ્તી છે. સવાલ એ છે કે, અગાઉ આ અભયારણ્ય કોની ખાનગી મિલકત ગણાતું હતું? 

12)      વાંસદા નેશનલ પાર્કથી ફક્ત 1પ-20 મિનીટના અંતર પર છે એક અદ્ભુત સ્થળઃ કિલાદ. આસપાસ પહાડો અને હરિયાળી. વહેતું પાણી અને કાંઠે છે કિલાદની અદ્ભુત કેમ્પ સાઇટ.પ્રકૃત્તિ શિક્ષણ માટે આ કેમ્પ સાઇટ વન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. વાંસથી બનેલી સુવિધાસભર ઝૂંપડીઓ તથા ટેન્ટની હારમાળા અસલ ઇકો ટુરિઝમની સાક્ષી પુરે છે. કિલાદની આ નેચર એજ્યુકેશન કેમ્પ સાઇટમાં બનેલા આ વાંસના અદ્ભુત ટાવર્સ પર વહેલી સવારે બર્ડ વોચિંગનો આનંદ લઇ શકાય છે. અહીં રાત્રે કેમ્પ ફાયરમાં ડાંગની લોકકળાઓનો આનંદ ઉઠાવી શકાય છે. પ્રશ્ન: આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલતા અને દર વર્ષે અહીં યોજાતા વિશિષ્ટ ઉત્સવનું નામ? 

13)      જો કે જંગલની તમારે અસલી મજા લેવી હોય, જંગલને માત્ર જોવું જ નહીં પરંતુ સાંભળવું અને માણવું પણ હોય તો તમારે જવું પડે અભયારણ્યની મધ્યમાં આવેલી મહાલની કેમ્પ સાઇટમાં.  અહીં પહોંચ્યા પછી તમને વિશ્વથી વિખૂટા પડી કોઇ અલગ જ લોકમાં પહોંચી ગયાનો અનૂભવ થાય. જંગલની વચ્ચોવચ્ચ જાણે એક નાનું સ્વર્ગલોક ! આસપાસનાં અદ્ભુત ઞશ્યો. અહીં રહેવા-જમવાની સરસ વ્યવસ્થા છે, પણ, હા ! બુકિંગ કરાવવું અનિવાર્ય છે. મહાલની આ કેમ્પ સાઇટ અભયારણ્યની મધ્યમાં આવેલી છે. 160 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું આ અભયારણ્ય સાગ અને વાંસના વૃક્ષોથી લથબથ છે. આ જંગલમાં ચૌશીંગા તથા દીપડા જેવાં વન્ય જીવોની વસ્તી પણ છે. ડાંગની આવી વન્ય સંપદા અને હરિયાળી સમૃદ્ધિ સાથે ડાંગના રંગીન રિતીરિવાજો તથા રસાળ જીવનશૈલીનું મિશ્રણ થાય છે ત્યારે સર્જાય છે એક અનોખી સંવાદિતા જે એક સામાન્ય પર્યટક ઉપરાંત લોક સંસ્કૃતિના અભ્યાસુઓને પણ આકર્ષે છે ! મહાલ અને આ કેમ્પ સાઈટ જ્યાં આવેલા છે - તે વન્ય પ્રાણી અભયારણ્ય ક્યા નામથી વિખ્યાત છે? 

14)      નવસારીના વાંસદાના મહારાજા ભારતનાં બહુ જૂજ એવાં લોકોમાં સ્થાન પામે છે જેમને ખાનગી સ્તરે હરણના બ્રીડિંગની પરવાનગી મળેલી છે. એમનાં રાજમહેલમાં આજે પણ આ બ્રીડિંગ સેન્ટર ચાલે છે. રાજાશાહિ ભલે ગઇકાલની વાત ગણાતી હોય પરંતુ એમનો વિશાળ રાજમહેલ ભવ્ય ભૂતકાળની ગવાહી આપે છે. હા! વાંસદાનો ભૂતકાળ ભવ્ય છે. અહીંથી વીસેક મિનીટનાં અંતર પર આવેલું એક સ્થળ આવાં જ સમૃદ્ધ ઇતિહાસની વાત કરે છે. આ એ સ્થળ છે જ્યાં સદિઓ અગાઉ પારસીઓ પોતાના પવિત્ર આતશ લાવ્યાં હતાં. અહીં ઉભા રહી આસપાસની વનરાજી નિહાળવી એ પણ એક લહાવો છે. આ વિસ્તારની ખેતી સમૃદ્ધ છે અને એટલે જ તેને સંલગ્ન પ્રવૃત્તિ કરતાં સહકારી એકમો અહીં ધમધમતા રહે છે. અહીંયા કાજુની ખેતી પણ થાય છે. જેના પેકેજીંગ યુનિટ પણ આ વિસ્તારમાં આવેલા છે. આપણો પ્રશ્ન: પારસીઓ પોતાનો પવિત્ર આતશ જયા લાવ્યા હતા એ સ્થળનું નામ આપો ...

15)      સુરતથી ફક્ત ત્રીસ કિલોમીટર દૂર છે બારડોલી. સરદાર વલ્લભભાઇ પટેલએ પોતાનાં જીવનના મોટાભાગનાં દિવસો જ્યાં પસાર કર્યા હતાં એ બારડોલી આશ્રમને આજે પણ મહદ્ અંશે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવ્યો છે. બાજુમાં આવેલાં સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સરદારનાં જીવનનાં તમામ મહત્વની ઘટનાઓની તસવીરી ઝલક મળે છે. વીસ કરતાં વધુ ખંડમાં પથરાયેલું આ મ્યુઝિયમ ઇતિહાસસાં રૂચિ ધરાવનાર વ્યકિત માટે કોઇ તિર્થસ્થાનથી કમ નથી. તારીખ 1 ફેબ્રુઆરી-1922ના દિવસે ગાંધીજીએ જે આંબાની નિશ્રામાં અંગ્રેજો વિરૂદ્ધ અસહકાર આંદોલનનું એલાન આપ્યું હતું એ ઐતિહાસિક આંબો પણ હજુ અહીંયા સાબૂત છે. બારડોલીની મુલાકાત તમને સ્વાતંત્ર્ય ચળવળનાં એ યાદગાર દિવસોની યાદ તાજી કરાવે છે. સવાલ: આ સ્થળે ક્યાં ઐતિહાસિક સત્યાગ્રહની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી?

16)      રાજપીપળાની સ્થાપના ઇ.સ. 1470ની સાલમાં મધ્ય પ્રદેશનાં પરમાર વંશએ કરી હતી. જો કે તેનો સુવર્ણયુગ આવ્યો 19મી સદીના ઉત્તરાર્ધમાં. એ સમયે રાજપીપળાનાં સિંહાસને બિરાજતાં રાજા વિજયસિંહજીએ અહીંયા અનેક પ્રજા ઉપયોગી કાર્યો કર્યા, અનેક ઇમારતો બંધાવી, ઇ.સ. 1910માં રાજા છત્રસિંહજીએ પોતાનાં પુત્ર માટે બનાવેલો પેલેસ આજે પણ અડિખમ ઉભો છે. આ સુંદર રાજમહેલનાં એક ભાગને હેરિટેજ હોટેલમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. આ મહેલમાં અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે. ગુજરાતમાં મહેલોને હોટેલમાં કન્વર્ટ કરવાનો શિરસ્તો આ જ પેલેસથી જ શરૂ થયો હતો. આ રાજ મહેલનું નામ શું?

17)      નર્મદા. જિલ્લાનું નામ જ જે નદિના નામ પરથી રખાયું હોય એ નદીનાં મહાતિર્થ એટલે સરદાર સરોવર પરિયોજના ! આ યોજનાને આપણે ગુજરાતની કામધેનૂ પણ ગણી શકીએ અને કલ્પવૃક્ષ પણ ! સિમેન્ટ-કોક્રીટના ઉપયોગની ઞષ્ટિએ આ ડેમનું સ્થાન વિશ્વમાં બીજા નંબરનું છે. તેમાં જેટલા સિમેન્ટ-કોક્રીટનો ઉપયોગ થયો છે તેમાંથી પૃથ્વિનાં ગોળા ફરતે એક રોડ પણ તૈયાર થઇ શકે. તેની કેનાલનું નેટવર્ક ભારતીય રેલ્વેનાં નેટવર્ક કરતાં પણ અનેકગણું છે. અને હવે સરદાર સરોવર જ્યાં સ્થિત છે એ કેવડિયા કોલોનીને એક પર્યટન ધામ તરીકે વિકસાવવાના જોરદાર પ્રયત્નો થઇ રહ્યા છે. સવાલ એ છે કે, નર્મદા યોજનાનું કેનાલ નેટવર્ક કેટલા કિલોમીટરનું છે?

18)      શુલપાણેશ્વર અભ્યારણ્ય એટલે છસ્સો કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી એક અનોખી દુનિયા. ખુબસુરત લેન્ડસ્કેપ્સ અને ટચુકડા ગામડાઓ. સમૃદ્ધ વન્ય સંપદા અને રિંછ, દિપડા તથા ચીત્તલ જેવાં વન્યજીવોથી સભર જંગલ. આ અભયારણ્યમાં લગભગ સોએક જેટલાં ટચુકડાં ગામડાંઓ આવેલા છે. તેમાં મોટાભાગની વસ્તી વસાવા તથા તડવી ભિલ કોમ્યુનિટીની છે. આ આદિવાસીઓ અને તેમનાં નાનાં એવાં ઘર તથા તેમના રંગબેરંગી રિવાજો અભયારણ્યની સુંદરતામાં વધારો કરે છે. જો કે અભયારણ્યનાં મુગટ છે બે સુંદર ગામો ! આ બેઉ ગામોમાં તમે ઇકો ટુરિઝમનો અનેરો આનંદ ઉઠાવી શકો છો. વન વિભાગ દ્વારા બેઉ જગ્યાએ અદ્ભુત કેમ્પ સાઇટનું નિર્માણ થયું છે. વાંસથી બનેલાં રૂમો જેટલાં સુંદર છે એટલાં જ આરામદાયક પણ છે. કહેવામાં એવું આવે છે કે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. પણ પ્રકૃત્તિ સાથે સંવાદિતા સાધી, જાત સાથે સંવાદ કરવો હોય તો ગુજરાતમાં આ બેઉ ટચુકડા હિલ સ્ટેશનથી ઉત્તમ બીજું કોઇ સ્થળ નથી. અહીં તમને નિતાંત શાંતિનો અને અદ્ભૂત વાતાવરણનો અનૂભવ મળે છે. દૂર દૂર સુધી પથરાયેલી વનરાજી, તાજી હવા, તરોતાજા વાતાવરણ... આપણી ભિતર સૂતેલા પ્રકૃત્તિપ્રેમીને ઢંઢોળી જગાડી દેવાંની તમામ શકિત આ બેઉ ગિરિમથકોમાં છે ! બેઉ ગામના નામ આપો ....

19)      દાહોદનો રતનમહાલ વિસ્તાર એટલે જાણે વન્ય જીવોનો પોતાનો મુલક. એટલે રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય! અહીંનું મુખ્ય પ્રાણી છે રીંછ. દિપડાની વસ્તી પણ ઓછી નથી. તાડ બિલાડી અને ઉડતી ખિસકોલી જેવાં જીવો પણ ખરાં. રતનમહાલનું જંગલ ઔષધિય વનસ્પતિઓથી સમૃદ્ધ છે. સાગ જો કે અહીંની મુખ્ય સંપત્તિ છે. જો તમે ઇકો ટુરિઝમનાં શોખીન હો અને પ્રવાસમાં ભૌતિક સુખ-સગવડો ભોગવવા કરતાં પ્રકૃત્તિમાં તમને વધુ રસ હોય તો રતનમહાલના ભિન્ડોલ ગામ પાસે નળદામાં આવેલી કેમ્પ સાઇટ તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થાય એમ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીંનું સૌîદર્ય અદ્ભુત હોય છે ! અહીં વિદ્યાર્થી માટે પ્રકૃત્તિ શિક્ષણ શિબિર યોજાતી રહે છે તો ટુરિસ્ટ માટે પણ ટેન્ટ તથા વાંસના કોટેજની વ્યવસ્થા છે. રતનમહાલની આ નળદા સાઇટ પર બે દિવસ પસાર કરો તો એ અવિસ્મરણીય અનૂભવ બની જાય એટલી સુંદર છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન શિકાર માટે અનામત ગણાતા આ સ્થળનો વહિવટ ક્યા સ્ટેટ દ્વારા થતો હતો?

20)      સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ ધરાવતાં આ વિસ્તારનું અન્ય એક મહત્વનું મથક છે છોટા ઉદેપુર. આ નાનકડાં શહેરમાં સાત હેક્ટરમાં ફેલાયેલો કુસુમ વિલાસ પેલેસ જેટલો આકર્ષક છે એટલો જ સમૃદ્ધ છે. તો આદિવાસી મ્યુઝિયમમાં આદિવાસીઓની જીવનશૈલીને લગતી લગભગ તમામ બાબતો વણી લેવામાં આવી છે. રાજ્યમાં દાંતાથી ડાંગ સુધીનાં બેલ્ટમાં વસતા કુલ લગભગ 29 સમૂદાયોની લાઇફ સ્ટાઇલને લગતી તમામ મહત્વની બાબતોનો અહીં એક કે બીજી રીતે ઉલ્લેખ છે. જો કે આ સંગ્રહાલય કરતાં ક્યાંય વધુ રસપ્રદ છે છોટા ઉદેપુર તાલુકાનાં તેજગઢની ગોદમાં આવેલું અનોખું મ્યુઝિયમ માત્ર એક સંગ્રહાલય જ નથી પરંતુ અહીં આદિવાસી અકાદમી પણ ચાલે છે. આ અકાદમી પાસે આદિવાસી વિષયો આધારીત પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે, વર્કશોપ અને પ્રત્યક્ષ નૃત્ય, નાટક તથા મલ્ટી મીડિયાની સુવિધા પણ છે. આ કેમ્પસનું નામ શું?

21)      વડોદરાથી ત્રીસ કિલોમીટરનાં અંતરે આવેલું આ તીર્થ પૌરાણીક કાળથી અસ્તિત્વ ધરાવે છે. કહેવાય છે કે આ તિર્થને ગાયત્રી મંત્રના દ્રષ્ટા મહર્ષિ વિશ્વામિત્રએ પોતાનાં તપોબળથી પાવન કર્યુ હતું. તેની ગણના ભારતનાં અડસઠ મહાતિર્થોમાં થાય છે. બાર જ્યોતિર્લિંગમાં આ તિર્થને ભલે સ્થાન ના અપાયું હોય પરંતુ એને આપણે તેરમું જ્યોતિર્લિંગ અવશ્ય ગણી શકીએ કારણ કે દ્વાદશ જ્યોતિર્લિંગ વ્યવસ્થા એક કાળે અહીંના પાશુપતાચાર્યો જ કરતા હતા. મૂળે આ તિર્થ ભગવાન શિવના પશુપતિનાથ સ્વરૂપને સમર્પિત છે. અહીંયા વૈષ્ણવ, શૈવ અને શકિત એમ ત્રણેય શાખાઓના સંગમ થાય છે. એક કાળમાં આ તિર્થનું મહત્વ કાશી જેટલું જ ગણાતું. સત્યુગમાં તે ઇચ્છાપુરી તરીકે ઓળખાતું, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપર યુગમાં મેધાવતિ તરીકે જાણીતું હતું. અત્યારે, કળીયુગમાં આ તીર્થ ક્યા નામથી જાણીતું છે?



   
22)      ચાંપાનેર ! યુનેસ્કો જેવી સંસ્થાએ પણ જેને વિશ્વનાં અમૂલ્ય વારસામાં સ્થાન આપ્યું છે એવું ગુજરાતનું એકમાત્ર સ્થળ. ગઢની અંદર વસેલું આ નગર અનેક દ્રષ્ટિએ અનોખું છે. તેની સ્થાપના આઠમી સદીમાં ગુજરાતનાં રાજા વનરાજ ચાવડાએ પોતાનાં મહામંત્રી ચાંપાની સ્મૃતિમાં કરી હતી. દાયકાઓ વિત્યા બાદ અમદાવાદનાં બાદશાહ મેહમુદ બેગડાએ પાવાગઢ પર ચડાઇ કરી અને તળેટીમાં વસેલું આ નગર જીતી લીધું. એ પછી તે પોતાની રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખાતે લઇ આવ્યો. અહીં તેણે કેટલાંક અદ્ભુત બાંધકામો કરાવ્યાં. લગભગ સોએક ફુટ ઉંચા મીનારા ધરાવતી અહીંની જુમ્મા મસ્જિદની ગણના ગુજરાતની કેટલીક સૌથી ભવ્ય મસ્જિદોમાં થઇ શકે. કેવડા મસ્જિદનું સ્થાપત્ય તથા નગીના અને ખજુરી મસ્જિદનું આર્કિટેકચર પણ આકર્ષક છે. પત્થર પર કંડારાયેલી આ ભવ્ય કોતરણી ભૂતકાળની ભવ્યતાની જાણે કથા કરી રહી છે. ભવ્ય દરવાજાઓ થકી ચાંપાનેરમાં પ્રવેશતા વેîત જ ડાબી તરફ બાદશાહની મસ્જિદ અથવા તો શહેરની મસ્જિદ નજરે ચડે છે. અને આ તો માત્ર ટ્રેલર છે આખું ચાંપાનેર તો વધુ રોમાંચક અનૂભવ કરાવે છે.  છેક ઇ.સ. 1535ની સાલમાં એક રાજાએ ચાંપાનેર પર ચડાઇ કરી, ગુજરાતની રાજધાની ફરી અમદાવાદ ખાતે ફેરવવામાં આવી અને ચાંપાનેરનાં સુવર્ણયુગનો જાણે અંત આવ્યો. ચડાઈ કરનાર એ રાજા કોણ? તળેટીના શાસકોનાં ભલે ખરાબ દિવસો આવ્યાં હોય, બાજુનાં પાવાગઢની ટોચે બિરાજતા મહાકાળીના દરબારમાં ભરતી-ઓટ જેવું કશું નથી. સમુદ્ર સપાટીથી 2700 ફુટની ઉંચાઇ પર આવેલાં આ શકિતતીર્થનું મહત્વ દિન-પ્રતિદિન વધતું જ ચાલ્યું છે. અહીંયાના મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ત્રણ મુખ્ય મૂર્તિઓ છે. ડાબી બાજુએ મહાકાળીની, જમણી બાજુએ માં બહુચરનું યંત્ર અને વચ્ચે આ સ્થાનમાં અધિષ્ઠાત્રી કાળકા માતાની મૂર્તિનો મુખભાગ. કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રએ આ મૂર્તિની સ્થાપના કરી હતી.  આ પર્વતમાંથી નીકળતી નદીનું નામ?

23)       પાવાગઢથી ફક્ત વીસ કિલોમીટરના અંતરે આવેલા અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સગવડદાયક કોટેજની વ્યવસ્થા છે. ઇકો ટુરિઝમનાં શોખીન માટે અહીં તમામ આકર્ષણો મોજુદ છે. લગભગ 130 ચોરસ કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલા આ સંરક્ષિત વન્ય વિસ્તારમાં અનેક પ્રકારનાં પક્ષીઓ છે. સાગ, ધાવડો અને મહુડાનાં વૃક્ષોની ચાદર છે, તો રીંછ, દિપડા, ઝરખ, હરણ જેવાં વન્ય જીવો પણ છે. અભયારણ્યમાં આવેલું  મંદિર છે ઝંડ હનુમાન ! કહેવાય છે કે આ મંદિર પૌરાણિક કાળનું છે. હનુમાનજીના આ મંદિરનો મહિમા નિરાળો છે. આ વિસ્તારનાં ભાવિકો માટે ઝંડ હનુમાન બહુ માનીતું ધર્મસ્થાન છે. હનુમાનજીના મંદિરની બાજુમાં જ આવેલું આ અતિ પ્રાચીન શિવાલય અને તેમાંની મૂર્તિઓ આ સ્થળની પ્રાચિનતાનો પુરાવો આપે છે. ગાઢ જંગલની વચ્ચે આવેલાં આ ધર્મસ્થાનમાં શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. અભયારણ્ય વિસ્તારમાં આવેલા આ કડા જળાશયના કિનારે વન વિભાગનું ગેસ્ટ હાઉસ છે. અહીંથી કડા જળાશયનું ઞશ્ય કોઇ રંગીન પોસ્ટર જેવું લાગે છે. અભયારણ્યના અન્ય એક જળાશય તરગોળનું પ્રાકૃતિક સૌîદર્ય પણ અનૂપમ છે. અભયારણ્યનું નામ?

24)       ડાકોર ! જાણે દ્વારકાની ઝેરોક્ષ નકલ છાપી હોય એટલી હદે આ બેઉ નગરો એકબીજાને મળતા આવે છે.  ગરમાગરમ ગોટા માટે વિખ્યાત આ યાત્રાધામમાં પણ દ્વારકાની માફક ગોમતિ ઘાટ છે. કહેવાય છે કે ડાકોરનાં મંદિરમાં બિરાજતી રણછોડરાયની પ્રતિમા પણ મૂળે દ્વારકાથી જ લવાયેલી છે ! પુરાતત્વ વિભાગનું કહેવું કંઇક અલગ હશે પણ ધાર્મિક માન્યતા એવી છે કે શ્રીકૃષ્ણની આ ચતુર્ભુજ પ્રતિમા 4225 વર્ષો સુધી દ્વારકામાં રહી અને સંવત 1212માં એટલે કે આજથી લગભગ 800 વર્ષ અગાઉ ભક્ત બોડાણા આ પ્રતિમા દ્વારકાથી ડાકોર લાવ્યા હતાં. દ્વારકાથી ક્ષત્રિયો અને ગુગળી બ્રાહ્મણો આ મૂર્તિ લેવાં આવ્યાં હતાં પણ ભક્ત બોડાણાએ તે છુપાવી દીધી. એ પછી છેક છસ્સો વર્ષે, સંવત 1828માં મહા સુદ પુનમનાં દિવસે અહીંના મંદિરમાં આ મૂર્તિની પધરામણી થઇ. 120 ફુટની ઉંચાઇ ધરાવતા ડાકોરનાં આ મંદિરના દરવાજાઓ પર કુલ બાર પગથીયા છે અને  28 ઘુમ્મટ છે. શા માટે?

25)      કરમસદમાં થોડાં સમય અગાઉ બનેલાં ‘સરદાર વલ્લભભાઇ પટેલ અને વીર વીઠ્ઠલભાઇ પટેલ મેમોરીયલ’ નામનાં બેનમૂન સંગ્રહસ્થાનમાં સરદાર પટેલ અને તેમના બંધુ વિઠ્ઠલભાઇ પટેલનાં જીવનને લગતાં અનેક પ્રસંગોની ઝલક મળી રહે છે. આ સંગ્રહસ્થાન જેટલું સુંદર છે, એટલું જ રસાળ પણ છે. જો કે આ વિસ્તારનો ઇતિહાસ કદાચ આપણે માનીએ છીએ તેનાં કરતાં પણ વધુ પુરાણો છે. અહીં આવેલાં એક ગામે ડાયનોસોરના કરોડો વર્ષ જુનાં અવશેષો મળ્યાં છે. અવશેષો પરથી સાબિત થયું છે કે અહીં લગભગ સાડા છ કરોડ વર્ષ અગાઉ ત્રીસ ફુટનું કદ ધરાવતા ડાયનોસોરની વસ્તી હતી ! આ ગામનું નામ?


એક હિન્ટ : મારું પુસ્તક, "મહા-ભારતની રામાયણ" જેમણે વાંચ્યું હોય કે મારી ડોક્યુમેન્ટરી, "ગોલ્ડન ગુજરાત" જોઈ હોય તેમને આ પ્રશ્નોના જવાબો આપવામાં તકલીફ નહિ પડે  CLICK HERE TO WATCH MY DOCUMENTARY, GOLDEN GUJARAT




4 comments:

  1. In depth quiz. Excellent.
    Golden Gujarat is also amazing....

    ReplyDelete
  2. એક સરસ કામ માટે હાર્દિક અભિનંદન કિન્નરભાઇ,
    ખરેખર, મજા આવી ગઇ પ્રશ્નો વાંચવાની, હવે ધરે જઇને કાપલી કરીશ. આમ તો સ્કુલ કોલેજમાં વધારે માર્કસ કદી નથી આવ્યા. (મારો ગુરુ નબળો છે માટે) પણ આ વખતે ચમત્કાર થાય પણ ખરો... ;-)
    ખાસ નોંધ :-
    તમારા અમદાવાદના વાચકો વતી અમદાવાદ યુનિવર્સિટીના પુસ્તક મેળામાં આવવા માટે ખાસ ભાવભિનું આમંત્રણ છે. શક્ય હોય તો એકાદ દિવસ મેનેજ કરો પ્‍લીસ.
    - ઝાકળ

    ReplyDelete
  3. Really wonderfull and exiting questioning.Liked it v.much sir.

    ReplyDelete
  4. સુપર્બ ક્વીઝ... પાણી ઉતરી જાય. ભલભલાનું મુંઝારો થઈ ગ્યો જવાબ શોધતાં. અને વીડીયો તો લાજવાબ. કિન્નરભાઇ, આપની અને સમગ્ર ટીમની મહેનત જોરદાર છે.

    વિશેષ આભાર આ પ્રોજેક્ટના સ્પોન્સર્સને પણ. રાધે ગૃપ અને અકીલા.

    આપની પાસે હંમેશા નવું અને અનોખું જ મળે છે.

    ReplyDelete